05 – સ્વર્ગ

આ સર્વશક્તિમાન ઈશ્વરના પવિત્ર શબ્દો છે.
આપણને મનુષ્યના શબ્દોમાં રસ નથી.
જે કોઈ પણ ઈશ્વરને પ્રેમ કરે છે તેના માટે... ઈશ્વર આના વિશે કહે છે: સ્વર્ગ.

ટોચની 3 સૌથી નોંધપાત્ર છંદો

પણ લખેલું છે કે, "જે બાબતો આંખે જોઈ નથી, કાને સાંભળી નથી, જે માણસના મનમાં પ્રવેશી નથી, જે બાબતો ઈશ્વરે પોતાના પ્રેમ કરનારાઓને માટે તૈયાર કરી છે;

ત્યાં કદી કોઈ શાપ થનાર નથી, પણ તેમાં ઈશ્વરનું તથા હલવાનનું રાજ્યાસન થશે, અને તેમના સેવકો તેમની સેવા કરશે, તેઓ તેમનું મોં નિહાળશે. અને તેઓનાં કપાળ પર તેમનું નામ હશે. ફરીથી રાત પડશે નહિ; તેઓને દીવાના અથવા સૂર્યના પ્રકાશની જરૂર નથી, કેમ કે પ્રભુ ઈશ્વર તેઓ પર પ્રકાશ પાડશે, અને તેઓ સદાસર્વકાળ રાજ્ય કરશે.

જેઓ પૃથ્વીની ધૂળમાં સૂઈ ગયા છે તેઓમાંના ઘણા બેઠા થશે, કેટલાકને અનંતજીવન મળશે, કેટલાક અનંતકાળ સુધી શરમિંદા તથા તિરસ્કારપાત્ર થશે. જેઓ જ્ઞાની છે તેઓ અંતરિક્ષના અજવાળાની જેમ પ્રકાશશે. જેઓએ ઘણાને ન્યાયીપણા તરફ વાળ્યા છે તેઓ તારાઓની જેમ સદાકાળ ચમકશે.

દરેક શ્લોક કેનોનિકલ ઓર્ડરમાં - 183 ફકરાઓ

પ્રારંભે ઈશ્વરે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યાં.

યહોવા ઈશ્વરે ભૂમિમાંથી સર્વ પ્રકારનાં વૃક્ષ જે જોવામાં સુંદર તથા ખાવામાં સારાં તેઓને બનાવ્યાં. વળી વાડીની વચમાં જીવનનું વૃક્ષ તથા ભલુંભૂંડું જાણવાનું વૃક્ષ પણ ઉગાવ્યાં.

તેને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં પૃથ્વી પર ઊભી કરેલી એક સીડી તેના જોવામાં આવી. તેનો ઉપરનો ભાગ આકાશ સુધી પહોંચતો હતો અને ઈશ્વરના દૂતો તેની પર ચઢતા ઊતરતા હતા.

તે ગભરાયો અને બોલ્યો, "આ જગ્યા કેવી ભયાનક છે! આ ઈશ્વરના ઘર સિવાય બીજું કંઈ નથી. આ સ્વર્ગનું દ્વાર છે."

જો, આકાશ તથા આકાશોનાં આકાશ; પૃથ્વી તથા તેમાંનું સર્વસ્વ તે યહોવાહ તમારા ઈશ્વરનું છે.

તમે તમારા પવિત્ર રહેઠાણમાંથી એટલે સ્વર્ગમાંથી નીચે જોઈ અને તમારી ઇઝરાયલી પ્રજા તેમ જ અમારા પિતૃઓની આગળ સમ ખાધા હતા તે પ્રમાણે જે ભૂમિ તમે અમને આપી છે એટલે દૂધમધથી ભરપૂર જે દેશ આપ્યો છે તેના પર આશીર્વાદ આપો.

પણ શું ઈશ્વર સાચે જ પૃથ્વી પર રહેશે? જુઓ, આકાશ તથા આકાશોનું આકાશ તમારો સમાવેશ કરી શકતું નથી; તો આ મારું બાંધેલું તમારા ભક્તિસ્થાનરૂપી ઘર તમારો સમાવેશ કરે એ કેટલું બધું અશક્ય છે!

તેથી જયારે તમારો સેવક તથા તમારા ઇઝરાયલી લોકો આ સ્થાન તરફ મુખ ફેરવીને પ્રાર્થના કરે, ત્યારે તમે તેઓની દરેક વિનંતિ સાંભળજો. હા, તમારા રહેઠાણ આકાશમાં તમે સંભાળજો અને જયારે તમે સાંભળો ત્યારે સાંભળીને ક્ષમા કરજો.

યહોવાહ તમે જ મહાન, શક્તિશાળી, ગૌરવવંત, ભવ્ય અને પ્રતાપી છો. આ પૃથ્વી પર અને આકાશમાં જે કંઈ છે તે સર્વ તમારું છે. હે યહોવા રાજ્ય તમારું છે અને એ બધાં પર તમારો જ અધિકાર છે.

તમે જ એક માત્ર યહોવા છો, આકાશ, આકાશોનું આકાશ તથા સર્વ તારા મંડળ અને પૃથ્વી તથા જે સર્વ તેમાં છે, સમુદ્ર અને તેમાંના સર્વ જીવજંતુ તમે બનાવ્યાં છે અને બધાંને જીવન આપ્યું છે. અને આકાશનું સૈન્ય તમારી આરાધના કરે છે.

યહોવાહ પોતાના પવિત્રસ્થાનમાં છે; તેમની આંખો જુએ છે અને તેમની આંખો મનુષ્યના દીકરાઓને પારખે છે.

તમે મને જીવનનો માર્ગ જણાવશો; તમારી સમક્ષ સંપૂર્ણ આનંદ છે; તમારા જમણા હાથમાં અનંતકાળ ટકનારાં સુખદાયક વાનાં છે.

હવે હું જાણું છું કે યહોવાહ પોતાના અભિષિક્તને બચાવે છે; તે પોતાના પવિત્ર આકાશમાંથી પોતાના જમણા હાથની તારકશક્તિથી તેને જવાબ આપશે.

તેણે તમારી પાસેથી જીવનદાન માગ્યું; તે તમે તેને આપ્યું; તમે તેને સર્વકાળ ટકે એવું આયુષ્ય આપ્યું.

તે સદાકાળ જીવતો રહે કે જેથી તેનું શરીર કબરમાં દફનાવાય નહિ.

ઈશ્વરના રથો વીસ હજાર છે, લાખોલાખ છે; જેમ તે સિનાઈના પવિત્રસ્થાનમાં છે, તેમ પ્રભુ તેઓમાં છે.

તેના વંશજો સદા રહે એવું પણ હું કરીશ અને તેનાં સિંહાસન ઉપર તેના સંતાનને આકાશોની જેમ સ્થાયી કરીશ.

કારણ કે જેમ પૃથ્વીથી આકાશ ઊંચું છે, તેમ તેમનો આદર કરનાર પર તેમની કૃપા વિશાળ છે.

યહોવાહે પોતાનું રાજ્યાસન આકાશમાં સ્થાપ્યું છે અને તેમના રાજ્યની સત્તા સર્વ ઉપર છે.

વળી તે હેર્મોન પર્વત પરના તથા સિયોનના પર્વતો પરના ઝાકળ જેવું છે. કારણ કે યહોવાહે આશીર્વાદ, એટલે અનંતકાળનું જીવન ફરમાવ્યું છે.

નેકીના માર્ગમાં જીવન છે. અને એ માર્ગમાં મરણ છે જ નહિ.

યહોવાહે પ્રત્યેક વસ્તુને તેના યોગ્ય સમયમાં સુંદર બનાવી છે. જો કે ઈશ્વરે મનુષ્યના હૃદયમાં સનાતનપણું મૂક્યું છે. છતાં શરૂઆતથી તે અંત સુધી ઈશ્વરનાં કાર્યો મનુષ્ય સમજી શકતો નથી.

ઉઝિયા રાજા મરણ પામ્યો તે વર્ષે મેં પ્રભુને જોયા, તે ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બેઠેલા હતા. તેમના ઝભ્ભાની કિનારીથી સભાસ્થાન ભરાઈ ગયું હતું. તેમની આસપાસ સરાફો ઊભા હતા; તેઓને દરેકને છ છ પાંખો હતી; બેથી તે પોતાનાં મુખ ઢાંકતા, બેથી પોતાનાં પગ ઢાંકતા અને બેથી ઊડતા હતા. તેઓ એકબીજાને પોકારીને કહેતા, "પવિત્ર, પવિત્ર, પવિત્ર છે સૈન્યોના યહોવાહ! આખી પૃથ્વી તેમના ગૌરવથી ભરપૂર છે."

દાઉદના રાજ્યાસન ઉપર અને તેના રાજ્ય ઉપર, તેમને ઇનસાફ તથા ન્યાયીપણાથી, તે સમયથી તે સર્વકાળ માટે સ્થાપવા તથા દૃઢ કરવા માટે તેમની સત્તાની વૃદ્ધિનો તથા શાંતિનો પાર રહેશે નહિ. સૈન્યોના યહોવાહનો ઉત્સાહ આમ કરશે.

ત્યારે વરુ તથા હલવાન સાથે રહેશે અને ચિત્તો લવારા પાસે સૂઈ જશે, વાછરડું, સિંહ તથા મેદસ્વી જાનવર એકઠાં રહેશે. નાનું બાળક તેઓને દોરશે.

તે સદાને માટે મરણને ગળી જશે અને પ્રભુ યહોવાહ સર્વના મુખ પરથી આંસૂ લૂછી નાખશે; આખી પૃથ્વી પરથી તે પોતાના લોકોનું મહેણું દૂર કરશે, કેમ કે યહોવાહ એવું બોલ્યા છે.

કેમ કે જે ઉચ્ચ તથા ઉન્નત છે, જે સનાતન કાળથી છે, જેમનું નામ પવિત્ર છે, તે એવું કહે છે: હું ઉચ્ચ તથા પવિત્રસ્થાનમાં રહું છું, વળી જે કચડાયેલ અને આત્મામાં નમ્ર છે તેની સાથે રહું છું, જેથી હું નમ્ર જનોનો આત્મા અને પશ્ચાતાપ કરનારાઓનાં હૃદયને ઉત્તેજિત કરું.

હવે પછી દિવસે તને અજવાળું આપવા માટે સૂર્યની જરૂર પડશે નહિ, કે તેજને માટે ચંદ્ર તારા પર પ્રકાશશે નહિ; પણ યહોવાહ તારું સર્વકાળનું અજવાળું અને તારા ઈશ્વર તારો મહિમા થશે. તારો સૂર્ય કદી અસ્ત થશે નહિ, કે તારો ચંદ્ર જતો રહેશે નહિ; કેમ કે યહોવાહ તારું સર્વકાળનું અજવાળું અને તારા શોકના દિવસો પૂરા થશે. તારા સર્વ લોક ધાર્મિક થશે; તેઓ મારા મહિમાને અર્થે, મારા રોપેલા રોપાની ડાળીઓ, મારા હાથની કૃતિ, તેઓ સદાકાળ માટે દેશનો વારસો ભોગવશે.

કેમ કે જુઓ, હું નવાં આકાશ અને નવી પૃથ્વી ઉત્પન્ન કરનાર છું; અને અગાઉની બિનાઓનું સ્મરણ કરવામાં આવશે નહિ કે તેઓ મનમાં આવશે નહિ.

યહોવાહ એવું કહે છે: "આકાશ મારું સિંહાસન છે અને પૃથ્વી મારું પાયાસન છે. તો મારે માટે તમે ક્યાં ઘર બાંધશો? જ્યાં હું નિવાસ કરી શકું તે સ્થાન ક્યાં છે?

કેમ કે જે નવાં આકાશ તથા નવી પૃથ્વી બનાવવાનો છું તે મારી સમક્ષ રહેશે" એમ યહોવાહ કહે છે, "તેમ જ તમારા વંશજો અને તમારું નામ રહેશે."

યહોવાહ આ પ્રમાણે કહે છે કે; ''જો ઉપરનું આકાશ માપી શકાય, અને નીચે પૃથ્વીના પાયાને શોધી શકાય, તો ઇઝરાયલના સંતાનોએ જે જે કર્યું છે, તે સર્વને માટે હું પણ તે સંતાનોનો ત્યાગ કરીશ.'' એવું યહોવાહ કહે છે.

તેઓના માથા પરના ઘુમટ પર નીલમ જેવા દેખાવની રાજ્યાસનની પ્રતિમા દેખાઈ. આ રાજ્યાસન પર એક મનુષ્ય જેવા દેખાવનો માણસ હતો. તેની કમરની ઉપરનો ભાગ ચળકતી ધાતુ જેવો દેખાતો હતો, કમરની નીચેના ભાગનો દેખાવ અગ્નિના જેવો હતો. તેની આસપાસ ચળકાટ હતો. તે ચળકાટ ચોમાસામાં થતા મેઘધનુષના અજવાળા જેવો હતો. આ યહોવાહના ગૌરવનું પ્રતિમાનો દેખાવ હતો. જ્યારે મેં તે જોયું, ત્યારે હું ઊંધો પડી ગયો.અને કોઈ બોલતું હોય એવો અવાજ મારા સાંભળવામાં આવ્યો.

નદીના બન્ને કિનારાઓ પર ખાવાલાયક ફળ આપનાર વૃક્ષ થશે. તેઓનાં પાંદડાં કરમાશે નહિ અને તેમને ફળ આવતાં કદી બંધ થશે નહિ. દર મહિને તેમને નવાં ફળ આવશે, કેમ કે, તેમને પાણી પવિત્રસ્થાનમાંથી મળે છે, તેમના ફળ ખાવા માટે અને પાંદડાં સાજાપણા માટે છે.

તે રાજાઓના શાસન દરમ્યાન, આકાશના ઈશ્વર એક એવું રાજ્ય સ્થાપશે જેનો કદી નાશ થશે નહિ. તે રાજ્ય કદી બીજી કોઈ પ્રજાના હાથમાં જશે નહિ. તે બીજા રાજ્યને ભાંગીને ભૂકો કરી નાખશે. અને સર્વકાળ ટકશે.

તે રાત્રે મારા સંદર્શનમાં, મનુષ્યપુત્ર જેવા એક પુરુષને આકાશના વાદળો સાથે ઊતરતો મેં જોયો. તે પુરાતનકાલીન પુરુષની પાસે આવ્યો, તેમની સમક્ષ હાજર થયો. તેને સત્તા, મહિમા તથા રાજ્યાધિકાર આપવામાં આવ્યો, જેથી બધા લોકો, પ્રજાઓ તથા વિવિધ ભાષા બોલનારાઓ તેને તાબે થાય. તેની સત્તા સનાતન છે તે કદી લોપ થશે નહિ, તેનું રાજ્ય જે કદી નાશ નહિ પામે.

પણ પરાત્પરના સંતો રાજ્ય મેળવશે અને તેઓ સદા સર્વકાળ સુધી રાજ કરશે.'

રાજ્ય તથા સત્તા, આખા આકાશ નીચેના રાજ્યોનું માહાત્મ્ય, લોકોને સોંપવામાં આવશે જે પરાત્પરના પવિત્રોનું થશે. તેમનું રાજ્ય સદાકાળનું રાજ્ય છે, બીજા બધાં રાજ્યો તેમને તાબે થશે અને તેમની આજ્ઞામાં રહેશે.'

જેઓ પૃથ્વીની ધૂળમાં સૂઈ ગયા છે તેઓમાંના ઘણા બેઠા થશે, કેટલાકને અનંતજીવન મળશે, કેટલાક અનંતકાળ સુધી શરમિંદા તથા તિરસ્કારપાત્ર થશે. જેઓ જ્ઞાની છે તેઓ અંતરિક્ષના અજવાળાની જેમ પ્રકાશશે. જેઓએ ઘણાને ન્યાયીપણા તરફ વાળ્યા છે તેઓ તારાઓની જેમ સદાકાળ ચમકશે.

'પસ્તાવો કરો; કેમ કે સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે.

તેમનું સૂપડું તેમના હાથમાં છે, તે પોતાની ખળીને પૂરેપૂરી સાફ કરશે અને પોતાના ઘઉં વખારમાં ભરશે, પણ ભૂસું, ન હોલવાનાર અગ્નિમાં બાળી નાખશે."

ત્યાર પછી ઈસુ પ્રગટ કરવા અને કહેવા લાગ્યા કે, 'પસ્તાવો કરો, કેમ કે સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે.'

"આત્મામાં જેઓ નિર્ધન છે તેઓ આશીર્વાદિત છે; કેમ કે સ્વર્ગનું રાજ્ય તેઓનું છે.

ન્યાયીપણાને લીધે જેઓની સતાવણી કરાઈ છે તેઓ આશીર્વાદિત છે; કેમ કે સ્વર્ગનું રાજ્ય તેઓનું છે. જયારે લોકો તમારી નિંદા કરશે, જુલમ ગુજારશે અને મારે લીધે તમારી વિરુદ્ધ જાત જાતની ખોટી વાત અસત્યતાથી કહેશે, ત્યારે તમે આશીર્વાદિત છો. તમે આનંદ કરો તથા ખૂબ હરખાઓ; કેમ કે સ્વર્ગમાં તમારો બદલો મોટો છે; કેમ કે તમારી અગાઉનાં પ્રબોધકોની સાથે તેઓ જુલ્મ કર્યા હતા.

એ માટે આ સૌથી નાની આજ્ઞાઓમાંની એકને જો કોઈ તોડશે અથવા માણસોને એવું કરવાનું શીખવશે, તો તે સ્વર્ગના રાજ્યમાં સૌથી નાનો કહેવાશે; પણ જો કોઈ તે પાળશે અને શીખવશે તે સ્વર્ગના રાજ્યમાં મોટો કહેવાશે. કેમ કે હું તમને કહું છું કે શાસ્ત્રીઓના તથા ફરોશીઓના ન્યાયીપણા કરતાં જો તમારું ન્યાયીપણું વધારે ન હોય, તો સ્વર્ગના રાજ્યમાં તમે પ્રવેશ નહિ જ કરશો.

માટે તમે આ રીતે પ્રાર્થના કરો "ઓ સ્વર્ગમાંનાં અમારા પિતા, તમારું નામ પવિત્ર મનાઓ; તમારું રાજ્ય આવો; જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઇચ્છા પૂરી થાઓ.

અમને પરીક્ષણમાં પડવા ન દો, પણ દુષ્ટથી અમારો છુટકારો કરો. કેમ કે રાજ્ય, પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારાં છે. આમીન."

પૃથ્વી પર પોતાને સારુ દ્રવ્ય એકત્ર ન કરો, ત્યાં તો કીડા તથા કાટ નાશ કરે છે અને ચોરો દીવાલ તોડીને ચોરી જાય છે. પણ તમે પોતાને સારુ સ્વર્ગમાં દ્રવ્ય એકત્ર કરો, જ્યાં કીડા અથવા કાટ નાશ નથી કરતા અને જ્યાં ચોરો દીવાલ તોડીને ચોરી જતા નથી. કેમ કે જ્યાં તમારું દ્રવ્ય છે, ત્યાં જ તમારું ચિત્ત પણ રહેશે.

તમે સાંકડે બારણેથી અંદર પ્રવેશો; કેમ કે જે માર્ગ નાશમાં પહોંચાડે છે, તેનું બારણું પહોળું છે અને ઘણાં તેમાં થઈને પ્રવેશે છે. જે માર્ગ જીવનમાં પહોંચાડે છે, તે સાંકડો છે, તેનું બારણું સાંકડું છે અને જેઓને તે જડે છે તેઓ થોડા જ છે.

જેઓ મને 'પ્રભુ, પ્રભુ,' કહે છે, તેઓ સર્વ સ્વર્ગના રાજ્યમાં પ્રવેશશે એમ તો નહિ, પણ જેઓ મારા આકાશમાંના પિતાની ઇચ્છા પ્રમાણે કરે છે તેઓ જ પ્રવેશશે.

તમે જતા જતા એમ પ્રગટ કરો કે, 'સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે.'

હું તમને નિશ્ચે કહું છું કે, જેટલાં સ્ત્રીઓથી જનમ્યાં છે, તેઓમાં યોહાન બાપ્તિસ્મા કરનાર કરતાં કોઈ મોટો ઉત્પન્ન થયો નથી, તોપણ સ્વર્ગના રાજ્યમાં જે સૌથી નાનો છે તે પણ તેના કરતાં મોટો છે.

પછી શિષ્યોએ પાસે આવીને તેમને કહ્યું કે, "તમે તેઓની સાથે દ્રષ્ટાંતોમાં શા માટે બોલો છો?" ત્યારે ઈસુએ તેઓને ઉત્તર આપતાં કહ્યું કે, "સ્વર્ગના રાજ્યના મર્મો જાણવાનું તમને આપેલું છે, પણ તેઓને આપેલું નથી.

ઈસુએ તેઓની આગળ બીજું દ્રષ્ટાંત પ્રગટ કરતાં કહ્યું કે, "સ્વર્ગનું રાજ્ય રાઈના બીજ જેવું છે, જેને એક વ્યક્તિએ લઈને પોતાના ખેતરમાં વાવ્યું. તે સઘળાં બીજ કરતાં નાનું છે, પણ વધ્યા પછી છોડવા કરતાં તે મોટું થાય છે, તે એવું ઝાડ પણ થાય છે કે આકાશનાં પક્ષીઓ આવીને તેની ડાળીઓ પર વાસો કરે છે."

ત્યારે ન્યાયીઓ પોતાના પિતાના રાજ્યમાં સૂર્યની જેમ પ્રકાશશે. જેને સાંભળવાને કાન છે તે સાંભળે.

વળી સ્વર્ગનું રાજ્ય ખેતરમાં સંતાડેલા દ્રવ્ય જેવું છે; કે જે એક માણસને મળ્યું, પછી તેણે તે સંતાડી રાખ્યું, તેના હર્ષને લીધે જઈને પોતાનું સર્વસ્વ વેચી નાખીને તે ખેતર વેચાતું લીધું.

વળી સ્વર્ગનું રાજ્ય સારાં મોતી શોધનાર કોઈ એક વેપારીના જેવું છે; જેને અતિ મૂલ્યવાન મોતી મળ્યું, ત્યાર પછી જઈને તેણે પોતાનું સર્વસ્વ વેચી નાખીને તે ખરીદી લીધું.

વળી સ્વર્ગનું રાજ્ય જાળના જેવું છે, જેને લોકોએ સમુદ્રમાં નાખી, અને દરેક જાતનાં સમુદ્રજીવો તેમાં સમેટાયા. જયારે તે ભરાઈ ગઈ ત્યારે તેઓ તેને કિનારે ખેંચી લાવ્યા, બેસીને જે સારું હતું તે તેઓએ વાસણમાં એકઠું કર્યું, પણ નરસું ફેંકી દીધું. એમ જ જગતને અંતે પણ થશે. સ્વર્ગદૂતો આવીને ન્યાયીઓમાંથી ભૂંડાઓને જુદાં પાડશે;

ત્યારે તેમણે તેઓને કહ્યું કે, "દરેક શાસ્ત્રી જે સ્વર્ગના રાજ્યનો શિષ્ય થયો છે તે એક ઘરમાલિક કે જે પોતાના ભંડારમાંથી નવી તથા જૂની વસ્તુઓ કાઢે છે તેના જેવો છે."

તેઓએ ઈસુને વિનંતી કરી કે 'કેવળ તમારાં વસ્ત્રોની કોરને જ તમે અમને અડકવા દો;' અને જેટલાં અડક્યા તેટલાં સાજાં થયા.

આકાશના રાજ્યની ચાવીઓ હું તને આપીશ, પૃથ્વી પર જે કંઈ તું બાંધીશ, તે સ્વર્ગમાં બંધાશે; અને પૃથ્વી પર તું જે કંઈ છોડીશ, તે સ્વર્ગમાં પણ છોડાશે.'

તેઓને કહ્યું કે, 'હું તમને નિશ્ચે કહું છું કે, જો તમે તમારું બદલાણ નહિ કરો, અને બાળકોના જેવા નહિ થાઓ તો સ્વર્ગના રાજ્યમાં તમે પ્રવેશ નહિ જ પામશો.

સાવધાન રહો કે આ નાનાઓમાંના એકનો પણ અનાદર તમે ન કરો, કેમ કે હું તમને કહું છું કે સ્વર્ગમાં તેઓના સ્વર્ગદૂત મારા સ્વર્ગમાંનાં પિતાનું મુખ સદા જુએ છે.

હું તમને નિશ્ચે કહું છું કે, જે કંઈ તમે પૃથ્વી પર બાંધશો, તે સ્વર્ગમાં બંધાશે; અને જે કંઈ તમે પૃથ્વી પર છોડશો, તે સ્વર્ગમાં છોડાશે.

પણ ઈસુએ કહ્યું કે, 'બાળકોને મારી પાસે આવવા દો, તેઓને રોકો નહિ, કેમ કે સ્વર્ગનું રાજ્ય એવાઓનું જ છે.'

ત્યાર પછી, કોઈકે ઈસુની પાસે આવીને કહ્યું કે, 'ઉપદેશક, અનંતજીવન પામવા માટે હું શું સારું કરું?' ત્યારે તેમણે તે વ્યક્તિને કહ્યું, 'તું મને સારા વિષે કેમ પૂછે છે? સારો તો એક જ છે જો તું જીવનનાં માર્ગમાં પ્રવેશવા ચાહે છે, તો આજ્ઞાઓ પાળ.' તે વ્યક્તિ ઈસુને કહે છે કે, 'કઈ કઈ?' ત્યારે ઈસુએ કહ્યું કે, 'તું હત્યા ન કર, તું વ્યભિચાર ન કર, તું ચોરી ન કર, તું જૂઠી સાક્ષી ન પૂર, પોતાનાં માતાપિતાને માન આપ, પોતાના પડોશી પર પોતાના જેવો પ્રેમ કર.' તે જુવાને તેમને કહ્યું કે, 'એ બધી આજ્ઞાઓ તો હું પાળતો આવ્યો છું; હજી મારામાં શું ખૂટે છે?' ઈસુએ તે જુવાનને કહ્યું કે, 'જો તું સંપૂર્ણ થવા ચાહે છે, તો જઈને તારું જે છે તે વેચી નાખ અને ગરીબોને આપી દે, એટલે સ્વર્ગમાં તને દ્રવ્ય મળશે; અને આવીને મારી પાછળ ચાલ.' પણ તે જુવાન એ વાત સાંભળીને દિલગીર થઈને ચાલ્યો ગયો, કેમ કે તેની મિલકત ઘણી હતી.

ત્યારે ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે, 'હું તમને નિશ્ચે કહું છું કે ધનવાનને સ્વર્ગના રાજ્યમાં પ્રવેશવું મુશ્કેલ છે. વળી હું તમને ફરી કહું છું કે 'દ્રવ્યવાનને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવા કરતાં ઊંટને સોયના નાકામાંથી પસાર થવું સહેલું છે.'

ઈસુએ તેઓને કહ્યું, 'હું તમને નિશ્ચે કહું છું કે, જયારે પુનઃઆગમનમાં માણસનો દીકરો પોતાના મહિમાના રાજ્યાસન પર બેસશે, ત્યારે તમે, મારી પાછળ આવનારા, ઇઝરાયલનાં બાર કુળનો ન્યાય કરતાં બાર રાજ્યાસનો પર બિરાજશો.' જે કોઈએ ઘરોને, ભાઈઓને, બહેનોને, પિતાઓને, માતાઓને, બાળકોને, કે ખેતરોને મારા નામને લીધે તજી દીધાં છે, તે સોગણાં પામશે અને અનંતજીવનનો વારસો પામશે.

સ્વર્ગનું રાજ્ય એક રાજાના જેવું છે, જેણે પોતાના દીકરાના લગ્નનો સમારંભ યોજ્યો. લગ્નમાં આમંત્રિતોને બોલાવવા માટે તેણે પોતાના ચાકરોને મોકલ્યા, પણ તેઓએ આવવા ચાહ્યું નહિ.

કેમ કે મરણોત્થાન બાદ તેઓ લગ્ન કરતા કે કરાવતાં નથી, પણ તેઓ સ્વર્ગમાંનાં સ્વર્ગદૂતો જેવા હોય છે. પણ મરણ પામેલાંઓના મરણોત્થાન સંબંધી, ઈશ્વરે જે તમને કહ્યું તે શું તમે નથી વાંચ્યું? કે, 'હું ઇબ્રાહિમનો, ઇસહાકનો તથા યાકૂબનો ઈશ્વર છું;' તેઓ મરણ પામેલાઓના નહિ પણ જીવતાંઓના ઈશ્વર છે.'

પછી માણસના દીકરાની નિશાની આકાશમાં દેખાશે, ત્યારે પૃથ્વી પરનાં સઘળાં કુળો શોક કરશે; અને માણસના દીકરાને પરાક્રમ તથા મહામહિમાસહિત તેઓ આકાશનાં વાદળ પર આવતા જોશે.

આકાશ તથા પૃથ્વી નાશ પામશે, પણ મારી વાતો પૂર્ણ થયા વિના રહેશે નહિ.

તો સ્વર્ગના રાજ્યને દસ કુમારિકાઓની ઉપમા અપાશે કે, જેઓ પોતાની મશાલો લઈને વરરાજાને મળવા સારુ બહાર ગઈ. તેઓમાંની પાંચ મૂરખી હતી અને પાંચ બુદ્ધિમાન હતી. મૂર્ખીઓએ પોતાની મશાલો લીધી ખરી, પણ તેઓએ સાથે તેલ લીધું નહિ. પણ બુદ્ધિવંતીઓએ પોતાની મશાલો સાથે કુપ્પીમાં તેલ લીધું.

ત્યારે તેના માલિકે તેને કહ્યું કે, 'શાબાશ, સારા તથા વિશ્વાસુ ચાકર, તું થોડામાં વિશ્વાસુ માલૂમ પડ્યો છે; હું તને ઘણાં પર ઠરાવીશ તારા માલિકના આનંદમાં પ્રવેશ કર.'

ત્યારે રાજા પોતાની જમણી તરફનાઓને કહેશે કે, 'મારા પિતાના આશીર્વાદિતો તમે આવો, જે રાજ્ય સૃષ્ટિનો પાયો નાખ્યા અગાઉ તમારે સારુ તૈયાર કરેલું છે તેનો વારસો લો.

તેઓ અનંતકાળિક સજા માટે જશે, પણ ન્યાયીઓ અનંતજીવનમાં પ્રવેશશે.'

ઈસુએ પાસે આવીને તેઓને કહ્યું કે, 'સ્વર્ગ તથા પૃથ્વી પર સર્વ અધિકાર મને અપાયો છે.'

ઈસુ તે જોઈને દુ:ખી થયા અને તેમણે તેઓને કહ્યું કે, 'બાળકોને મારી પાસે આવવા દો, તેઓને રોકશો નહિ; કેમ કે ઈશ્વરનું રાજ્ય એવાઓનું જ છે.' હું તમને નિશ્ચે કહું છું કે, 'જે કોઈ બાળકની માફક ઈશ્વરનું રાજ્ય સ્વીકારશે નહિ, તે તેમાં પ્રવેશ કરશે જ નહિ.'

તે બહાર નીકળીને રસ્તે જતા હતા, ત્યારે એક માણસ તેમની પાસે દોડતો આવ્યો અને તેણે તેમની આગળ ઘૂંટણ ટેકીને પૂછ્યું કે, 'ઓ ઉત્તમ ઉપદેશક, અનંતજીવનનો વરસો પામવા માટે હું શું કરું?' ઈસુએ તેને કહ્યું કે, 'તું મને ઉત્તમ કેમ કહે છે? એક, એટલે ઈશ્વર વિના અન્ય કોઈ ઉત્તમ નથી. તું આજ્ઞાઓ જાણે છે કે, વ્યભિચાર ન કર, હત્યા ન કર, ચોરી ન કર, જૂઠી સાક્ષી ન પૂર, ઠગાઈ ન કર, પોતાના માબાપને માન આપ.' પણ તેણે ઈસુને કહ્યું કે, 'ઓ ઉપદેશક, એ સર્વ આજ્ઞાઓ તો હું બાળપણથી પાળતો આવ્યો છું.' તેની તરફ જોઈને ઈસુને તેના પર પ્રેમ ઊપજયો. અને તેમણે તેને કહ્યું કે, 'તું એક વાત સંબંધી અધૂરો છે; તારું જે છે તે જઈને વેચી નાખ. ગરીબોને આપ, સ્વર્ગમાં તને ધન મળશે. અને આવ, મારી પાછળ ચાલ.' પણ તે વાતને લીધે તેનું મોં પડી ગયું અને ઉદાસ થઈને તે ચાલ્યો ગયો, કેમ કે તેની મિલકત ઘણી હતી.

કેમ કે મૃત્યુમાંથી ઊઠનારા લગ્ન કરતા કે કરાવતાં નથી, પણ તેઓ સ્વર્ગમાંનાં સ્વર્ગદૂતોનાં જેવા હોય છે. પણ મરણ પામેલા લોકો પાછા ઊઠે છે, તે સંબંધી, શું તમે મૂસાના પુસ્તકમાંના ઝાડી વિષેના પ્રકરણમાં નથી વાંચ્યું કે, ઈશ્વરે તેને એમ કહ્યું કે, હું ઇબ્રાહિમનો ઈશ્વર તથા ઇસહાકનો ઈશ્વર તથા યાકૂબનો ઈશ્વર છું.

ત્યાર પછી ઈસુએ પોતાના શિષ્યો તરફ જોઈને કહ્યું કે, 'ઓ નિર્ધનો, તમે આશીર્વાદિત છો કેમ કે ઈશ્વરનું રાજ્ય તમારું છે. અત્યારે ભૂખ વેઠનારાઓ, તમે આશીર્વાદિત છો કેમ કે તમે તૃપ્ત થશો. અત્યારે રડનારાઓ, તમે આશીર્વાદિત છો કેમ કે તમે હસશો. જયારે માણસના દીકરાને લીધે લોકો તમારો દ્વેષ કરશે તમને બહાર કાઢશે, તમને મહેણાં મારશે, તમારું અપમાન કરશે, તમારા નામને કલંકિત માનીને તમને કાઢી મૂકશે, ત્યારે તમે આશીર્વાદિત છો. તે દિવસે તમે આનંદ કરો અને ખુશીથી કૂદો કેમ કે જુઓ, સ્વર્ગમાં તમારો બદલો મોટો છે; કેમ કે તેઓના પૂર્વજોએ પ્રબોધકોની પ્રત્યે એવું જ વર્તન કર્યુ હતું.

ઈસુએ કહ્યું કે, 'ઈશ્વરના રાજ્યના મર્મ જાણવાનું તમને આપેલું છે, પણ બીજાઓને દ્રષ્ટાંતોમાં, કે જેથી જોતાં તેઓ જુએ નહિ, ને સાંભળતાં તેઓ સમજે નહિ.

પણ દુષ્ટાત્માઓ તમારે તાબે થયા છે, તેને લીધે ખુશ થતાં નહિ; પણ તમારાં નામ સ્વર્ગમાં લખવામાં આવ્યા છે, તેને લીધે હરખાઓ.'

જુઓ, એક નિયમશાસ્ત્રીએ ઊભા થઈને તેમનું પરીક્ષણ કરતાં કહ્યું કે, 'ઉપદેશક, અનંતજીવનનો વારસો પામવા માટે મારે શું કરવું?' ઈસુએ તેને કહ્યું કે, 'નિયમશાસ્ત્રમાં શું લખ્યું છે? તું શું વાંચે છે?' તેણે ઉત્તર આપતા કહ્યું કે, 'તમારા ઈશ્વર પ્રભુ પર તારા પૂરા હૃદયથી, પૂરા જીવથી, પૂરા સામર્થ્યથી તથા પૂરા મનથી પ્રેમ રાખવો અને જેવા પોતાના પર તેવો તારા પડોશી પર [પ્રેમ રાખવો].' ઈસુએ તેને કહ્યું કે, 'તેં સાચો ઉત્તર આપ્યો છે; એમ કર અને તું જીવીશ.'

પરંતુ તમે ઈશ્વરનું રાજ્ય શોધો; અને એ વાનાં પણ તમને અપાશે. ઓ નાની ટોળી, ડરશો નહિ; કેમ કે તમને રાજ્ય આપવાની તમારા પિતાની ખુશી છે. તમારી પાસે જે છે તે વેચીને દાનધર્મ કરો; જીર્ણ નહિ થાય એવી થેલીઓ, એટલે સ્વર્ગમાં અખૂટ દ્રવ્ય, પોતાને સારુ મેળવો; કે જ્યાં ચોર આવતો નથી, અને કીડો ખાઈ જતો નથી. કેમ કે જ્યાં તમારું દ્રવ્ય છે ત્યાં જ તમારું ચિત્ત પણ રહેશે.

હું તમને કહું છું કે, તે જ રીતે નવ્વાણું ન્યાયીઓ કે જેઓને પસ્તાવાની જરૂર નથી, તેઓના કરતાં એક પાપી પસ્તાવો કરે તેને લીધે સ્વર્ગમાં આનંદ થશે.

પણ ઇબ્રાહિમે તેને કહ્યું, દીકરા, યાદ કર કે તારા જીવનમાં તું સારી સામગ્રી પામ્યો, અને લાજરસ તો તેવું પામ્યો ન હતો; પણ હમણાં અહીં તે દિલાસો પામે છે, અને તું વેદના પામે છે. વળી તે સર્વ ઉપરાંત અમારી તથા તમારી વચ્ચે મોટી ખાઈ આવેલી છે, એ માટે કે જેઓ અહીંથી તમારી પાસે આવવા ચાહે, તેઓ ત્યાં આવી ન શકે, અને ત્યાંથી કોઈ અમારી પાસે આ બાજુ પણ આવી શકે નહિ.

તેથી ઈસુએ તેઓને બોલાવીને કહ્યું કે, 'બાળકોને મારી પાસે આવવા દો, ને તેઓને અટકાવો નહિ; કેમ કે ઈશ્વરનું રાજ્ય એવાઓનું જ છે. હું તમને નિશ્ચે કહું છું કે, જે કોઈ બાળકની માફક ઈશ્વરનું રાજ્ય સ્વીકારશે નહિ, તે તેમાં પ્રવેશી શકશે નહિ.'

એક અધિકારીએ ઈસુને પૂછ્યું કે, 'ઉત્તમ ઉપદેશક, અનંતજીવનનો વારસો પામવા હું શું કરું?' ઈસુએ તેને કહ્યું કે, 'તું મને ઉત્તમ કેમ કહે છે? એક એટલે ઈશ્વર વિના અન્ય કોઈ ઉત્તમ નથી. તું આજ્ઞાઓ જાણે છે કે, વ્યભિચાર ન કર, હત્યા ન કર, ચોરી ન કર, જૂઠી સાક્ષી ન પૂર, પોતાના માબાપને માન આપ.' તેણે કહ્યું કે, એ બધું તો હું મારા નાનપણથી પાળતો આવ્યો છું.' ઈસુએ તે સાંભળીને તેને કહ્યું કે, 'તું હજી એક વાત સંબંધી અધૂરો છે; તારું જે છે તે બધું વેચી નાખ, અને તે ગરીબોને આપી દે, એટલે સ્વર્ગમાં તને દ્રવ્ય મળશે; પછી આવીને મારી પાછળ ચાલ.' પણ એ સાંભળીને તે અતિ ઉદાસ થયો, કેમ કે તેની મિલકત ઘણી હતી. ઈસુએ તેને જોઈને કહ્યું કે, 'જેઓ ધનવાન છે, તેઓને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવું એ ખૂબ અઘરું છે! કેમ કે શ્રીમંતને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવા કરતાં ઊંટને સોયના નાકામાંથી પસાર થવું સહેલું છે.' તે વચન સાંભળનારાઓએ કહ્યું કે, 'તો કોણ ઉદ્ધાર પામી શકે?' પણ ઈસુએ કહ્યું કે, 'માણસોને જે અશક્ય છે તે ઈશ્વરને શક્ય છે.'

ઈસુએ તેઓને કહ્યું કે, હું તમને નિશ્ચે કહું છું કે, 'જે કોઈએ ઘરને, પત્નીને, ભાઈઓને, માબાપને કે સંતાનોને ઈશ્વરના રાજ્યને લીધે ત્યાગ્યા હશે, તેને આ જીવનકાળમાં અનેકગણું તથા આવનાર જમાનામાં અનંતજીવન પ્રાપ્ત થશે જ.'

તેણે કહ્યું કે, 'હે ઈસુ, તમે તમારા રાજ્યમાં આવો ત્યારે મને યાદ કરજો.' ઈસુએ તેને કહ્યું કે, હું તને નિશ્ચે કહું છું કે,' આજ તું મારી સાથે પારાદૈસમાં હોઈશ.'

ઈસુએ તેને કહ્યું, 'હું તને ખરેખર કહું છું કે, તું સ્વર્ગ ઊઘડેલું અને ઈશ્વરના સ્વર્ગદૂતોને માણસના દીકરા (ઈસુ) ઉપર ચઢતાં અને ઊતરતા જોશે.'

ઈસુએ તેને જવાબ આપ્યો કે, 'હું તને ખાતરીપૂર્વક કહું છું કે, જો કોઈ મનુષ્ય નવો જન્મ પામ્યું ન હોય, તો તે ઈશ્વરનું રાજ્ય જોઈ શકતું નથી.' નિકોદેમસે ઈસુને કહ્યું કે, 'માણસ વૃદ્ધ હોય તો તે કેવી રીતે જન્મ પામી શકે? શું તે બીજી વાર પોતાની માના ગર્ભમાં પ્રવેશીને જન્મ લઈ શકે?' ઈસુએ જવાબ આપ્યો કે, 'હું તને ખાતરીપૂર્વક કહું છું કે, જો કોઈ મનુષ્ય પાણીથી તથા પવિત્ર આત્માથી જનમ્યું ન હોય, તો તે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશી શકતું નથી. જે મનુષ્યદેહથી જન્મેલું છે તે મનુષ્યદેહ છે; અને જે પવિત્ર આત્માથી જન્મેલું છે તે આત્મા છે.

જો મેં તમને પૃથ્વી પરની વાતો કહી, છતાં તમે વિશ્વાસ કરતા નથી, તો હું તમને સ્વર્ગમાંની વાતો કહું તો તમે કેવી રીતે વિશ્વાસ કરશો? સ્વર્ગમાંથી ઊતરેલો માણસનો દીકરો જે સ્વર્ગમાં છે તેમના સિવાય સ્વર્ગમાં કોઈ ઊંચે ગયું નથી. જેમ મૂસાએ અરણ્યમાં સર્પને ઊંચો કર્યો, તેમ માણસના દીકરા ઈસુને ઊંચા કરાવાની જરૂર છે; જેથી જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તે અનંતજીવન પામે. કેમ કે ઈશ્વરે માનવજગત પર એટલો બધો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનો એક દીકરો આપ્યો, એ સારુ કે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંતજીવન પામે.

દીકરા પર જે વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે; પણ દીકરા વિષે ન સમજનાર જીવન નહિ જોશે, પણ તેના પર ઈશ્વરનો કોપ રહે છે.'

પણ જે પાણી હું આપીશ, તે જે કોઈ પીએ તેને કદી તરસ લાગશે નહિ. પણ જે પાણી હું તેને આપીશ તે તેનામાં પાણીનો ઝરો થશે, તે ઝરો અનંતજીવન સુધી ઝર્યા કરશે.'

હું તમને નિશ્ચે કહું છું કે, જે મારાં વચન સાંભળે છે અને મને મોકલનાર પર વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે; તે અપરાધી ઠરશે નહિ, પણ તે મૃત્યુમાંથી નીકળીને જીવનમાં આવ્યો છે.

તેથી તમે આશ્ચર્ય ન પામો; કેમ કે એવો સમય આવે છે કે જયારે સર્વ જેઓ કબરમાં છે તેઓ તેમના વચન સાંભળશે; અને જેઓએ સારાં કામ કર્યા છે, તેઓ જીવનનું મરણોત્થાન પામવા માટે અને જેઓએ ખરાબ કામ કર્યાં છે, તેઓ શિક્ષાત્મક મરણોત્થાન પામવા માટે, નીકળી આવશે.

તમે પવિત્રશાસ્ત્ર તપાસી જુઓ છો, કેમ કે તેઓથી તમને અનંતજીવન છે, એમ તમે ધારો છો; અને મારે વિષે સાક્ષી આપનાર તે એ જ છે.

જે ખોરાક નાશવંત છે તેને માટે નહિ, પણ જે ખોરાક અનંતજીવન સુધી ટકે છે, જે માણસનો દીકરો તમને આપશે, તેને માટે મહેનત કરો; કેમ કે ઈશ્વરપિતાએ તેના પર મહોર કરી છે.'

કેમ કે મારા પિતાની ઇચ્છા એ છે કે, જે કોઈ દીકરાને જોઈને તેના પર વિશ્વાસ કરશે, તેને અનંતજીવન મળશે; અને છેલ્લાં દિવસે હું તેને પાછો સજીવન કરીશ.'

હું તમને ખાતરીપૂર્વક કહું છું કે, 'જે વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે.

સ્વર્ગમાંથી ઊતરેલી જીવનની રોટલી હું છું; જો કોઈ એ રોટલી ખાય, તો તે સદા જીવતો રહેશે; જે રોટલી હું આપીશ તે મારું માંસ છે, તે માનવજગતના જીવનને માટે [હું આપીશ].'

જે કોઈ મારું માંસ ખાય છે અને મારું રક્ત પીવે છે, તેને અનંતજીવન છે; છેલ્લાં દિવસે હું તેને પાછો સજીવન કરીશ.

સિમોન પિતરે તેમને જવાબ આપ્યો કે, 'પ્રભુ, અમે કોની પાસે જઈએ? અનંતજીવનની વાતો તો તમારી પાસે છે.

હું તેઓને અનંતજીવન આપું છું; કદી તેઓનો નાશ થશે નહિ અને મારા હાથમાંથી કોઈ તેઓને છીનવી લેશે નહિ.

ઈસુએ તેને કહ્યું કે, 'મરણોત્થાન તથા જીવન હું છું; જે મારા પર વિશ્વાસ કરે છે, તે જોકે મૃત્યુ પામે તોપણ તે સજીવન થશે. અને જે કોઈ જીવંત વ્યક્તિ મારા પર વિશ્વાસ કરે છે, તે કદી મરશે નહીં જ; તું શું એવો વિશ્વાસ રાખે છે?' તેણે તેમને કહ્યું કે, 'હા પ્રભુ, મેં વિશ્વાસ કર્યો છે કે તમે ઈશ્વરના દીકરા ખ્રિસ્ત છો, જે દુનિયામાં આવનાર છે, તે જ તમે છો.

જે પોતાના જીવ સાચવે છે, તે તેને ગુમાવે છે; જે આ જગતમાં પોતાના જીવ પર દ્વેષ કરે છે, તે અનંતજીવનને સારુ તેને બચાવી રાખશે.

મારા પિતાના ઘરમાં રહેવા માટે ઘણી જગ્યાઓ છે, ના હોત તો હું તમને કહેત; હું તો તમારે માટે જગ્યા તૈયાર કરવાને જાઉં છું. હું જઈને તમારે માટે જગા તૈયાર કરીશ, પછી હું પાછો આવીશ અને તમને મારી પાસે લઈ જઈશ, એ માટે કે જ્યાં હું રહું છું ત્યાં તમે પણ રહો.

ઈસુએ એ વાતો કહ્યાં પછી સ્વર્ગો તરફ પોતાની આંખો ઊંચી કરીને કહ્યું કે, 'પિતા, સમય આવ્યો છે; તમે તમારા દીકરાને મહિમાવાન કરો, જેથી દીકરો તમને મહિમાવાન કરે. કેમ કે તે સર્વ માણસો પર તમે અધિકાર આપ્યો છે કે, જે સર્વ તમે તેને આપ્યાં છે તેઓને તે અનંતજીવન આપે. અનંતજીવન એ છે કે તે તમને એકલાને, સત્ય ઈશ્વરને તથા મને (ઈસુ ખ્રિસ્તને) કે જેને તમે મોકલ્યો છે તેને ઓળખે.

ઈસુએ ઉત્તર આપ્યો કે, 'મારું રાજ્ય આ જગતનું નથી; જો મારું રાજ્ય આ જગતનું હોત, તો મને યહૂદીઓને સ્વાધીન કરવામાં આવત નહિ, તે માટે મારા સેવકો લડાઈ કરત, પણ મારું રાજ્ય તો અહીંનું નથી.

'સ્વર્ગ મારું રાજ્યાસન, તથા પૃથ્વી મારું પાયાસન છે; તો તમે મારે સારુ કેવું નિવાસસ્થાન બાંધશો? એમ ઈશ્વર કહે છે અથવા મારું નિવાસસ્થાન કયું હોય?

એ સાંભળીને બિનયહૂદીઓએ ખુશ થઈને ઈશ્વરનું વચન મહિમાવાન માન્યું; અને અનંતજીવનને સારુ જેટલાં નિર્માણ કરાયેલા હતા તેટલાંએ વિશ્વાસ કર્યો.

શિષ્યોનાં મન સ્થિર કરતાં [પાઉલ તથા બાર્નાબાસે] [વિશ્વાસીઓને] વિશ્વાસમાં ટકી રહેવાને વચનમાંથી શીખવ્યું, અને [કહ્યું કે,] આપણને ઘણાં સંકટમાં થઈને ઈશ્વરના રાજ્યમાં જવું પડે છે.'

તે પૂરી હિંમતથી તથા અટકાવ સિવાય ઈશ્વરના રાજ્ય વિષે તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિષેનાં વચનોનો ઉપદેશ કરતો હતો.

એટલે જેઓ ધીરજથી સારાં કામ કરીને, પ્રશંસા, માન અને અવિનાશીપણું શોધે છે, તેઓને અનંતજીવન;

તેથી જેમ પાપે મૃત્યુમાં રાજ કર્યું તેમ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ન્યાયીકરણથી અનંતજીવનને અર્થે કૃપા પણ રાજ કરે.

પણ હમણાં પાપથી મુક્ત થઈને ઈશ્વરના દાસ થયા હોવાથી તમને પવિત્રતાને અર્થે પ્રતિફળ અને અંતે અનંતજીવન મળે છે. કેમ કે પાપનું પરિણામ મૃત્યુ છે, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વરનું કૃપાદાન અનંતજીવન છે.

કેમ કે 'જે કોઈ પ્રભુને નામે પ્રાર્થના કરશે તે ઉદ્ધાર પામશે.'

પણ લખેલું છે કે, "જે બાબતો આંખે જોઈ નથી, કાને સાંભળી નથી, જે માણસના મનમાં પ્રવેશી નથી, જે બાબતો ઈશ્વરે પોતાના પ્રેમ કરનારાઓને માટે તૈયાર કરી છે;

મૂએલાંઓનું મરણોત્થાન પણ એવું છે; જે દફનાવાય તે નાશવંત છે. અને જે સજીવન કરાય છે તે સદાકાળ સુધી ટકનાર છે. અપમાનમાં વવાય છે, મહિમામાં ઉઠાડાય છે; નિર્બળતામાં વવાય છે, પરાક્રમમાં ઉઠાડાય છે. ભૌતિક શરીર વવાય છે અને આત્મિક શરીરમાં સજીવન કરાય છે; જો ભૌતિક શરીર છે, તો આત્મિક શરીર પણ છે. લખ્યું છે કે, 'પહેલો માણસ આદમ સજીવ જીવંત પ્રાણી થયો, છેલ્લો આદમ જીવનદાયક આત્મા થયો. આત્મિક પહેલું હોતું નથી, ભૌતિક પહેલું પછી આત્મિક. પહેલો માણસ પૃથ્વીની માટીનો બનેલો હતો, બીજો માણસ સ્વર્ગથી આવનાર પ્રભુ છે. જે માટીનો છે તેવા જ જેઓ માટીના છે તેઓ પણ છે; અને જે સ્વર્ગીય છે તે જેવો છે તેવા જ જેઓ સ્વર્ગીય છે તેઓ પણ છે. આપણે જેમ માટીની પ્રતિમા ધારણ કરી છે, તેમ સ્વર્ગીય સ્વરૂપ પણ ધારણ કરીશું.

હવે ભાઈઓ, હું એ કહું છું કે, માંસ તથા લોહી ઈશ્વરના રાજ્યના વારસ થઈ શકતા નથી; તેમ જ વિનાશીપણું અવિનાશીપણાનો વારસો પામી શકવાનું નથી. જુઓ, હું તમને મર્મ કહું છું; આપણે સહુ ઊંઘીશું નહિ, છેલ્લું રણશિંગડુ વાગતા જ પણ એક ક્ષણમાં, આંખના પલકારામાં આપણે બદલાઈ જઈશું; કેમ કે રણશિંગડુ વાગશે, ત્યારે મૂએલાં અવિનાશી થઈને ઊઠશે અને આપણું સ્વરૂપ બદલાઈ જશે. કેમ કે આ વિનાશી અવિનાશીપણું ધારણ કરશે તથા આ મરનાર અમરપણું ધારણ કરશે. જયારે આ વિનાશી અવિનાશીપણું ધારણ કરશે, અને આ મરણ અમરપણું ધારણ કરશે, ત્યારે આ લખેલી વાત પૂર્ણ થશે કે, 'મરણ જયમાં ગરક થઈ ગયું છે.' અરે મરણ, તારું પરાક્રમ ક્યાં? અરે મરણ, તારો ડંખ ક્યાં?' મરણનો ડંખ તો પાપ છે; અને પાપનું સામર્થ્ય નિયમશાસ્ત્ર છે;

કેમ કે અમારી થોડી અને ક્ષણિક વિપત્તિ અમારે માટે ઘણી વધારે તથા અતિશય અનંતકાળિક મહિમા ઉત્પન્ન કરે છે; એટલે જે દૃશ્ય છે તે નહિ, પણ જે અદ્રશ્ય છે તે પર અમે ધ્યાન રાખીએ છીએ; કેમ કે જે દૃશ્ય છે તે ક્ષણિક છે પણ જે અદ્રશ્ય છે તે અનંતકાળિક છે.

કેમ કે અમને ખબર છે કે જો અમારું પૃથ્વી પરનું માંડવારૂપી શરીર નષ્ટ થઈ જાય, તો સ્વર્ગમાં ઈશ્વરે સર્જેલું, હાથોથી બાંધેલું નહિ એવું અનંતકાળનું અમારું ઘર છે. કેમ કે અમારું જે ઘર સ્વર્ગમાં છે તેને પામવાની બહુ અભિલાષા રાખીને અમે આ માંડવારૂપી ઘરમાં નિસાસા નાખીએ છીએ.

માટે હિંમતવાન છીએ અને શરીરથી અલગ થવું તથા પ્રભુની પાસે વાસો કરવો એ અમને વધારે પસંદ છે.

ખ્રિસ્તમાં એક એવા માણસને હું ઓળખું છું (તે શરીરમાં હતો કે શરીર બહાર હતો તે હું જાણતો નથી, ઈશ્વર જાણે છે), કે જેને ચૌદ વર્ષ ઉપર સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યો. એવા માણસને હું ઓળખું છું (શરીરમાં હતો કે શરીર બહાર હતો, તે હું જાણતો નથી, ઈશ્વર તો જાણે છે) કે, તેને પારાદૈસમાં લઈ જવાયો અને જે વાતો બોલવી માણસને ઉચિત નથી એવી અકથનીય વાતો તેણે સાંભળી.

યાદ રાખો, ઈશ્વરની મશ્કરી કરાય નહિ કોઈ માણસ જે કંઈ વાવે તે જ તે લણશે; કેમ કે જે પોતાના દેહને માટે વાવે છે, તે દેહથી વિનાશ લણશે; પણ જે આત્માને અર્થે વાવે તે આત્માથી અનંતજીવન લણશે.

આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં પિતા અને ઈશ્વરની સ્તુતિ હો; તેમણે સ્વર્ગીય સ્થાનોમાં દરેક આત્મિક આશીર્વાદોથી આપણને ખ્રિસ્તમાં આશીર્વાદિત કર્યા છે;

એ માટે તમે હવે પારકા તથા બહારના નથી, પણ સંતોની સાથેના એક નગરના તથા ઈશ્વરના કુટુંબનાં છો.

કેમ કે મારે માટે જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે લાભ છે. પણ મનુષ્યદેહમાં જીવવું તે જો મારા કામનું ફળ હોય તો મારે શું પસંદ કરવું, તે હું જાણતો નથી; કેમ કે આ બે બાબત વચ્ચે હું ગૂંચવણમાં છું [દેહમાંથી] નીકળવાની તથા ખ્રિસ્તની સાથે રહેવાની મારી ઇચ્છા છે, કેમ કે તે વધારે સારું છે;

પણ આપણા માટે તો, 'આપણી નાગરિકતા સ્વર્ગમાં છે, ત્યાંથી પણ આપણે ઉદ્ધારકર્તા એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તની રાહ જોઈએ છીએ. તે, જે સામર્થ્યથી બધાને પોતાને આધીન કરી શકે છે, તે પ્રમાણે આપણી દીનાવસ્થામાંનાં શરીરને એવું રૂપાંતર કરશે, કે તે તેમના મહિમાવાન શરીરનાં જેવું થાય.'

તેમણે અંધકારનાં અધિકારમાંથી આપણને છોડાવ્યાં તથા પોતાના પ્રિય પુત્રના રાજ્યમાં લાવ્યા.

સ્વર્ગીય બાબતો પર મન લગાવો, પૃથ્વી પરની બાબતો પર નહિ.

કે જેથી, ઈશ્વર જે તમને પોતાના રાજ્ય તથા મહિમામાં તેડે છે, તેને યોગ્ય થઈને તમે ચાલો.

અને જયારે પ્રભુ ઈસુ સ્વર્ગમાંથી પોતાના પરાક્રમી સ્વર્ગદૂતો સાથે પ્રગટ થાય ત્યારે તમને દુ:ખ સહન કરનારાઓને, અમારી સાથે વિસામો આપે.

પણ તે કારણથી મારા પર દયા દર્શાવીને ખ્રિસ્ત ઈસુએ મારામાં પૂરી સહનશીલતા પ્રગટ કરી કે જે દ્વારા અનંતજીવનને સારું વિશ્વાસ કરનારાઓને નમુનો પ્રાપ્ત થાય. જે સનાતન યુગોના રાજા, અવિનાશી, અદ્રશ્ય તથા એકમાત્ર ઈશ્વર છે, તેમને અનંતકાળ માન તથા મહિમા હો. આમીન.

કેમ કે શારીરિક કસરત અમુક અંશે ફાયદાકારક છે, પરંતુ ઈશ્વરપરાયણતા સર્વ બાબતોમાં ફાયદાકારક છે, જેમાં વર્તમાન તથા ભવિષ્યના જીવનનું આશાવચન સમાયેલ છે.

કેમ કે આપણે આ દુનિયામાં કશું લાવ્યા નથી ને તેમાંથી કશું પણ લઈ જઈ શકવાના નથી.

વિશ્વાસની સારી લડાઈ લડ, અનંતજીવન ધારણ કર, કે જેને માટે તું તેડાયેલો છે અને જેનાં વિષે તેં ઘણાં સાક્ષીઓની આગળ સારી કબૂલાત કરેલી છે.

કે તેઓ ભલું કરે, સારાં કામોમાં સમૃદ્ધ બને, આપવામાં ઉદાર તેમ જ બીજાઓ સાથે વહેંચવામાં તૈયાર થાય; ભવિષ્યને સારું પોતાને માટે પૂંજીરૂપી સારો પાયો નાખે, એ માટે કે જે ખરેખરું જીવન છે તેને તેઓ ધારણ કરે.

પણ આપણા ઉદ્ધારકર્તા ખ્રિસ્ત ઈસુના પ્રગટ થયાથી તે હમણાં પ્રસિદ્ધ થયેલી છે; તેમણે મરણને નષ્ટ કર્યું અને સુવાર્તાદ્વારા જીવન તથા અમરપણું પ્રગટ કર્યું છે;

અને પ્રભુ સર્વ ખરાબ હુમલાથી મને છોડાવશે, અને પોતાના સ્વર્ગીય રાજ્યને સારું મને બચાવી રાખશે; તેમને સર્વકાળ મહિમા હો. આમીન.

અનંત જીવનની આશાનું વચન, જે કદી જૂઠું બોલી ન શકનાર ઈશ્વરે આરંભથી આપ્યું, તેની આશામાં, ઈશ્વરે પસંદ કરેલાઓનો વિશ્વાસ દ્રઢ કરવા તથા ભક્તિભાવ મુજબના સત્યના જ્ઞાનને અર્થે, હું પ્રેરિત થયો છું;

જેથી આપણે તેમની કૃપાથી ન્યાયી ઠરીને, આશા પ્રમાણે અનંતજીવનના વારસ થઈએ.

પણ પુત્ર વિષે તે કહે છે, 'ઓ ઈશ્વર, તમારું રાજ્યાસન સનાતન છે અને તમારો રાજદંડ ન્યાયનો દંડ છે.

એ માટે ઈશ્વરના લોકોને માટે વિશ્રામનો વાર હજી બાકી રહેલો છે.

અને પરિપૂર્ણ થઈને પોતાની આજ્ઞાનું પાલન કરનારા સઘળાંને માટે અનંત ઉદ્ધારનું કારણ બન્યા.

સ્વર્ગમાંની વસ્તુઓના નમૂનાનાં પદાર્થોને આવી રીતે શુદ્ધ કરવાની અગત્ય હતી, પણ આકાશી વસ્તુઓને તે કરતાં વધારે સારા બલિદાનોથી શુદ્ધ કરવામાં આવે એવી અગત્ય હતી. કેમ કે ખ્રિસ્ત હાથે બનાવેલાં પવિત્રસ્થાન કે જે સત્યનો નમૂનો છે તેમાં ગયા નથી, પણ સ્વર્ગમાં જ ગયા છે, એ માટે કે તે હમણાં આપણે માટે ઈશ્વરની સમક્ષ હાજર થાય.

પણ હવે વધારે ઉત્તમ, એટલે સ્વર્ગીય દેશની તેઓ બહુ ઇચ્છા રાખે છે; માટે ઈશ્વર તેઓના ઈશ્વર કહેવાતા શરમાતા નથી, કેમ કે તેમણે તેઓને માટે એક શહેર નિર્માણ કર્યું છે.

પણ તમે તો સિયોન પહાડની પાસે અને જીવતા ઈશ્વરના નગર એટલે સ્વર્ગીય યરુશાલેમની પાસે અને હજારોહજાર સ્વર્ગદૂતોની પાસે, પ્રથમ જન્મેલાં જેઓનાં નામ સ્વર્ગમાં લખી લેવામાં આવેલાં છે તેઓની સાર્વત્રિક સભા તથા વિશ્વાસી સમુદાયની પાસે અને સહુનો ન્યાય કરનાર ઈશ્વરની પાસે અને સંપૂર્ણ થએલાં ન્યાયીઓના આત્માઓની પાસે,

કેમ કે સ્થાયી રહે એવું નગર આપણને અહીંયાં નથી, પણ જે આપણું થવાનું છે તે નગરની આશા આપણે રાખીએ છીએ.

અવિનાશી, નિર્મળ તથા જર્જરિત ન થનારા વતનને માટે આપણને નવો જન્મ આપ્યો છે, તે વતન તમારે માટે સ્વર્ગમાં રાખી મૂકેલું છે.

ઈસુ તો સ્વર્ગદૂતો, અધિકારીઓ તથા પરાક્રમીઓને પોતાને સ્વાધીન કરીને સ્વર્ગમાં ગયા અને ઈશ્વરને જમણે હાથે બિરાજમાન છે.

તેથી ભાઈઓ, તમારું તેડું તથા પસંદગી નક્કી કરવા માટે વિશેષ યત્ન કરો, કેમ કે જો તમે એવું કરશો તો કદી ગફલતમાં પડશો નહિ. કારણ કે એમ કરવાથી આપણા પ્રભુ તથા ઉદ્ધારક ઈસુ ખ્રિસ્તનાં અનંતકાળના રાજ્યમાં તમે પૂરી રીતે પ્રવેશ પામશો.

તોપણ આપણે તેમના આશાવચન પ્રમાણે નવાં આકાશ તથા નવી પૃથ્વી જેમાં ન્યાયીપણું વસે છે, તેની રાહ જોઈએ છીએ.

જે આરંભથી હતું, જે અમે સાંભળ્યું, જે અમે પોતાની આંખે જોયું, જેને અમે નિહાળ્યું અને જેને અમે અમારે હાથે સ્પર્શ કર્યો, તે જીવનનાં શબ્દ સંબંધી અમે તમને કહી બતાવીએ છીએ. (તે જીવન પ્રગટ થયું, તેને અમે જોયું છે અને સાક્ષી પૂરીએ છીએ, તે અનંતજીવન જે પિતાની પાસે હતું અને અમને દર્શિત થયું, તે તમને કહી બતાવીએ છીએ).

જગત તથા તેની લાલસા જતા રહે છે, પણ જે ઈશ્વરની ઇચ્છા પૂરી કરે છે તે સદા રહે છે.

જે આશાવચન તેમણે આપણને આપ્યું તે એ જ, એટલે અનંતજીવન છે.

પ્રિયજનો [ભાઈ-બહેનો], હાલ આપણે ઈશ્વરનાં સંતાનો છીએ અને આપણે કેવાં થઈશું, તે હજી સુધી પ્રગટ થયું નથી. આપણે તો જાણીએ છીએ, કે જયારે તે પ્રગટ થશે, ત્યારે તેમના જેવા આપણે થઈશું, કેમ કે જેવા તે છે, તેવા જ આપણે તેમને જોઈશું.

આ સાક્ષી એવી છે કે ઈશ્વરે આપણને અનંતજીવન આપ્યું છે અને એ જીવન તેમના પુત્ર ઈસુમાં છે. જેની પાસે ઈશ્વરના પુત્ર છે તેને જીવન છે. જેની પાસે ઈશ્વરના પુત્ર નથી, તેને જીવન નથી. તમને અનંતજીવન છે એ તમે જાણો, માટે તમારા ઉપર, એટલે ઈશ્વરના પુત્રના નામ પર વિશ્વાસ રાખનારાઓ ઉપર, મેં આ વાતો લખી છે.

વળી આપણે જાણીએ છીએ કે ઈશ્વરના પુત્ર આવ્યા છે અને જે સત્ય છે તેને ઓળખવા સારુ તેમણે આપણને સમજણ આપી છે અને જે સત્ય છે, એટલે તેમના પુત્ર ઈસુ ખ્રિસ્ત, તેમનાંમાં આપણે છીએ; એ જ ઈશ્વર સાચો (સત્ય) અને અનંતજીવન છે.

અને અનંતજીવનને અર્થે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની દયાની વાટ જોઈને, ઈશ્વરના પ્રેમમાં પોતાને સ્થિર રાખો.

પવિત્ર આત્મા મંડળીને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. જે જીતે છે તેને ઈશ્વરના પારાદૈસમાંના જીવનનાં વૃક્ષ પરનું ફળ હું ખાવાને આપીશ.

જે જીતે છે તેને એ જ પ્રમાણે સફેદ વસ્ત્ર પહેરાવાશે; જીવનનાં પુસ્તકમાંથી તેનું નામ હું ભૂંસી નાખીશ નહિ. પણ મારા પિતાની આગળ તથા તેમના સ્વર્ગદૂતોની આગળ હું તેનું નામ સ્વીકારીશ.

જે જીતે છે તેને હું મારા રાજ્યાસન પર મારી પાસે બેસવા દઈશ, જેમ હું પણ જીતીને મારા પિતાની પાસે તેમના રાજ્યાસન પર બેઠેલો છું તેમ.

એ ઘટનાઓ બન્યા પછી મેં જોયું, તો જુઓ, સ્વર્ગમાં એક દ્વાર ખૂલેલું હતું! જે પ્રથમ વાણી રણશિંગડાના અવાજ જેવી મેં સાંભળી તે મારી સાથે બોલતી હતી. તેણે કહ્યું કે, 'અહીં ઉપર આવ, હવે પછી જે જે થવાનું છે તે હું તને બતાવીશ.' એકાએક હું આત્મામાં હતો; ત્યારે જુઓ, સ્વર્ગમાં એક રાજ્યાસન મૂકવામાં આવ્યું, તેના પર એક જણ બિરાજેલા હતા; તે દેખાવમાં યાસપિસ પાષાણ તથા લાલ જેવા હતા; રાજ્યાસનની આસપાસ એક મેઘધનુષ હતું, તેનો દેખાવ લીલમ જેવો હતો. રાજ્યાસનની આસપાસ ચોવીસ આસનો હતાં; તેના પર ચોવીસ વડીલો બેઠેલા મેં જોયા, તેઓએ સફેદ વસ્ત્ર પહેરેલાં હતાં; તેઓનાં માથાં પર સોનાનાં મુગટ હતા.

રાજ્યાસનમાંથી વીજળીઓ, વાણીઓ તથા ગર્જનાઓ નીકળતી હતી અને રાજ્યાસનની આગળ અગ્નિના સાત દીવા બળતા હતા તે ઈશ્વરના સાત આત્મા હતા. રાજ્યાસનની આગળ સ્ફટિકના જેવો ચળકતો સમુદ્ર હતો; રાજ્યાસનની મધ્યે તથા તેની આસપાસ આગળપાછળ આંખોથી ભરપૂર એવાં ચાર પ્રાણી હતાં. પહેલું પ્રાણી સિંહના જેવું હતું, બીજું પ્રાણી બળદના જેવું હતું, ત્રીજા પ્રાણીને માણસના જેવું મોં હતું, ચોથું પ્રાણી ઊડતા ગરુડના જેવું હતું. તે ચાર પ્રાણીમાંના દરેકને છ છ પાંખ હતી, અને તેઓ ચારે તરફ તથા અંદર આંખોથી ભરપૂર હતાં; તેઓ 'પવિત્ર, પવિત્ર, પવિત્ર, પ્રભુ ઈશ્વર, સર્વશક્તિમાન, જે હતા, જે છે, અને જે આવનાર છે,' એમ રાતદિવસ કહેતાં વિસામો લેતાં નહોતાં.

રાજ્યાસન પર જે બેઠેલા છે, જે સદાસર્વકાળ જીવંત છે, તેમનો મહિમા, માન તથા આભારસ્તુતિ તે પ્રાણીઓ જયારે ગાશે, ત્યારે ચોવીસ વડીલો રાજ્યાસન પર બેઠેલાને પગે પડશે, ને જે સદાસર્વકાળ સુધી જીવંત છે તેમની આરાધના કરશે અને રાજ્યાસન આગળ પોતાના મુગટ ઉતારીને કહેશે કે, 'ઓ અમારા પ્રભુ તથા ઈશ્વર, મહિમા, માન તથા સામર્થ્ય પામવાને તમે જ યોગ્ય છો; કેમ કે તમે સર્વને ઉત્પન્ન કર્યા, અને તમારી ઇચ્છાથી તેઓ અસ્તિત્વમાં આવ્યા અને ઉત્પન્ન થયાં.'

તેઓને અમારા ઈશ્વરને સારુ રાજ્ય તથા યાજકો કર્યા છે; અને તેઓ પૃથ્વી પર રાજ કરે છે. મેં જોયું, તો રાજ્યાસન, પ્રાણીઓ તથા વડીલોની આસપાસ મેં ઘણાં સ્વર્ગદૂતોની વાણી સાંભળી; તેઓની સંખ્યા લાખોલાખ અને હજારોહજાર હતી.

ત્યાર બાદ મેં જોયું, તો જુઓ, સર્વ દેશમાંથી આવેલાની, સર્વ કુળ, લોકો તથા ભાષાના માણસોની કોઈથી ગણી શકાય નહિ એવી એક મોટી સભા! તેઓ રાજ્યાસનની આગળ તથા હલવાનની સમક્ષ ઊભા રહ્યા; તેઓએ સફેદ ઝભ્ભા પહેરેલા હતા, અને તેઓના હાથમાં ખજૂરીની ડાળીઓ હતી; અને તેઓ મોટા અવાજે પોકારીને કહે છે કે, 'અમારા જે ઈશ્વર રાજ્યાસન પર બેઠેલા છે, તેમને તથા હલવાનને ઉદ્ધારને માટે પ્રશંસા હોજો.' સઘળા સ્વર્ગદૂતો રાજ્યાસનની તથા વડીલોની તથા ચારે પ્રાણીઓની આસપાસ ઊભેલા હતા, અને તેઓએ રાજ્યાસનની આગળ દંડવત પ્રણામ કરીને ઈશ્વરની ભજન કરતાં કહ્યું કે, 'આમીન, આભાર, મહિમા, જ્ઞાન, ઉપકારસ્તુતિ, માન, પરાક્રમ તથા સામર્થ્ય સર્વકાળ સુધી અમારા ઈશ્વરને હો; આમીન.'

માટે તેઓ ઈશ્વરના રાજ્યાસનની આગળ છે, અને તેમના ભક્તિસ્થાનમાં રાતદિવસ તેમની સેવા કરે છે; અને રાજ્યાસન ઉપર જે બેઠેલા તે તેઓના પર છત્રરૂપે રહેશે. તેઓને ફરી ભૂખ નહિ લાગશે, અને ફરી તરસ પણ નહિ લાગશે, અને સૂર્યનો તાપ અથવા કંઈ પણ પ્રકારની ગરમી તેઓના પર પડશે નહિ; કેમ કે જે હલવાન રાજ્યાસનની મધ્યે છે, તે તેઓના પાળક થશે અને જીવનનાં પાણીના ઝરાઓ પાસે તેઓને દોરી જશે; અને ઈશ્વર તેઓની આંખોનું દરેક આંસુ લૂછી નાખશે.'

પછી સ્વર્ગમાં ઈશ્વરનું જે ભક્તિસ્થાન છે તે ઉઘાડવામાં આવ્યું. અને ભક્તિસ્થાનમાં તેમના કરારનો કોશ દેખાયો. અને વીજળીઓ, વાણીઓ, ગર્જનાઓ તથા ધરતીકંપ થયાં. અને પુષ્કળ કરા પડ્યા.

પછી આકાશમાં યુધ્ધ મચ્યું. મીખાએલ તથા તેના સ્વર્ગદૂતો અજગરની સાથે લડ્યા; અને અજગર તથા તેના નર્કદૂતો પણ લડ્યા; તોપણ તેઓ તેમને જીતી શક્યા નહિ અને તેઓને ફરી સ્વર્ગમાં સ્થાન મળ્યું નહિ.

સ્વર્ગદૂતે મને કહ્યું કે, 'તું એમ લખ કે હલવાનના લગ્નજમણને સારુ જેઓને નિમંત્રેલા છે તેઓ આશીર્વાદિત છે,' તે મને એમ પણ કહે છે કે, 'આ તો ઈશ્વરના સત્ય વચનો છે.'

પછી મેં મોટા સફેદ રાજ્યાસનને તથા તેના પર જે બેઠેલા હતા તેમને જોયા, તેમની સન્મુંખથી પૃથ્વી તથા આકાશ જતા રહ્યાં. અને તેઓને માટે કોઈ સ્થાન મળ્યું નહિ.

પછી મેં નવું આકાશ તથા નવી પૃથ્વી જોયાં, કેમ કે પ્રથમનું આકાશ તથા પ્રથમની પૃથ્વી જતા રહ્યાં હતા; અને સમુદ્ર પણ રહ્યો ન હતો. મેં પવિત્ર નગર, નવું યરુશાલેમ, ઈશ્વરની પાસેથી સ્વર્ગમાંથી ઊતરતું જોયું, અને જેમ કન્યા પોતાના વરને સારુ શણગારેલી હોય તેમ તે તૈયાર કરેલું હતું. રાજ્યાસનમાંથી મોટી વાણી એમ કહેતી મેં સાંભળી કે, 'જુઓ, ઈશ્વરનું રહેઠાણ માણસોની સાથે છે, અને ઈશ્વર તેઓની સાથે વસશે, અને તેઓ તેમના લોકો થશે, અને ઈશ્વર પોતે તેઓની સાથે રહીને તેઓના ઈશ્વર થશે. તે તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે; હવે મરણ, શોક, રુદન કે વેદના ફરીથી થશે નહિ. જૂની વાતો જતી રહી છે.'

રાજ્યાસન પર જે બેઠેલા છે, તેમણે કહ્યું કે, 'જુઓ, હું સઘળું નવું બનાવું છું.' ફરીથી તે કહે છે કે, 'તું લખ, કેમ કે આ વાતો વિશ્વસનીય તથા સાચી છે.' તેમણે મને કહ્યું કે, 'તે પૂરી થઈ ગઈ છે. હું આલ્ફા તથા ઓમેગા, શરૂઆત તથા અંત છું. હું તૃષિતને જીવનનાં પાણીના ઝરામાંથી મફત જળ આપીશ. જે જીતે છે તે તેઓનો વારસો પામશે, અને હું તેમનો ઈશ્વર થઈશ, અને તેઓ મારા બાળકો થશે. પણ બીકણો, અવિશ્વાસીઓ, દુર્જનો, હત્યારાઓ, વ્યભિચારીઓ, તાંત્રિકો, મૂર્તિપૂજકો તથા સઘળા જૂઠું બોલનારાઓને, અગ્નિ તથા ગંધકથી બળનારી ખાઈમાં ફેંકવામાં આવશે. એ જ બીજું મરણ છે." જે સાત સ્વર્ગદૂતોની પાસે સાત પ્યાલા હતા, તે સાત છેલ્લી આફતોથી ભરેલા હતા તેઓમાંનો એક સ્વર્ગદૂત મારી પાસે આવ્યો ને મને કહ્યું કે, 'અહીં આવ, અને જે કન્યા હલવાનની પત્ની છે તેને હું તને બતાવીશ.'

પછી તે મને આત્મામાં એક મોટા તથા ઊંચા પહાડ પર લઈ ગયો, અને ઈશ્વરની પાસેથી સ્વર્ગથી ઊતરતું પવિત્ર નગર યરુશાલેમ મને બતાવ્યું. તેમાં ઈશ્વરનું ગૌરવ હતું, અને તેનું તેજ અતિ મૂલ્યવાન રત્ન જેવું, એટલે યાસપિસ પાષાણ જે સ્ફટિક સમાન નિર્મળ હોય, એના જેવું હતું. તેનો દીવાલ મોટો તથા ઊંચો હતો અને જેને બાર દરવાજા હતા, અને દરવાજા પાસે બાર સ્વર્ગદૂતો ઊભેલા હતા. (દરવાજા) પર ઇઝરાયલનાં બાર કુળોનો નામો લખેલાં હતાં. પૂર્વમાં ત્રણ દરવાજા, ઉત્તરમાં ત્રણ દરવાજા, દક્ષિણમાં ત્રણ દરવાજા અને પશ્ચિમમાં ત્રણ દરવાજા હતા. નગરના કોટના પાયાના બાર પથ્થર હતા, અને તેના પર હલવાનના બાર પ્રેરિતોનાં બાર નામ હતાં.

મારી સાથે જે સ્વર્ગદૂત બોલતો હતો, તેની પાસે નગર, દરવાજા અને કોટનું માપ લેવાની સોનાની લાકડી હતી. નગર સમચોરસ હતું તેની જેટલી લંબાઈ હતી તેટલી જ તેની પહોળાઈ હતી. તેણે લાકડીથી નગરનું માપ લીધું. તો તે બે હજાર ચારસો કિલોમિટર થયું. નગરની લંબાઈ, ઊંચાઈ સરખી હતી. તેણે તેના કોટનું માપ લીધું, તે માણસના માપ, એટલે સ્વર્ગદૂતના માપ પ્રમાણે ગણતાં એક્સો ચુંમાળીસ હાથ હતું. તેના કોટની બાંધણી યાસપિસની હતી; અને નગર સ્વચ્છ કાચનાં જેવું શુદ્ધ સોનાનું હતું. નગરના કોટના પાયા દરેક પ્રકારના મૂલ્યવાન પાષાણથી સુશોભિત હતા; પહેલો પાયો યાસપિસ, બીજો નીલમ, ત્રીજો માણેક, ચોથો લીલમ, પાંચમો અકીક, છઠ્ઠો લાલ, સાતમો તૃણમણિ, આઠમો પિરોજ, નવમો પોખરાજ, દસમો લસણિયો, અગિયારમો શનિ, બારમો યાકૂત. તે બાર દરવાજા બાર મોતી હતા, તેઓમાંનો દરેક દરવાજો એક એક મોતીનો બનેલો હતો. નગરનો માર્ગ પારદર્શક કાચ જેવા શુદ્ધ સોનાનો બનેલો હતો.

મેં તેમાં ભક્તિસ્થાન જોયું નહિ, કેમ કે સર્વસમર્થ પ્રભુ ઈશ્વર તથા હલવાન એ જ ત્યાનું ભક્તિસ્થાન છે. નગરમાં સૂર્ય કે ચંદ્ર પ્રકાશ આપે એવી જરૂર નથી. કેમ કે ઈશ્વરના ગૌરવે તેને પ્રકાશિત કર્યું છે, અને હલવાન તેનો દીવો છે. પૃથ્વીની સર્વ પ્રજા તેના પ્રકાશમાં ચાલશે. અને દુનિયાના રાજાઓ પોતાનો વૈભવ તેમાં લાવે છે. દિવસે તેના દરવાજા કદી બંધ થશે નહિ ત્યાં રાત પડશે નહિ. તેઓ સર્વ પ્રજાઓનો વૈભવ તથા કીર્તિ તેમાં લાવશે; અને જે કંઈ અશુદ્ધ છે, અને જે કોઈ ધિક્કારપાત્ર તથા અસત્યનું આચરણ કરે છે તેઓ તેમાં પ્રવેશી શકશે નહિ. જેઓનાં નામ હલવાનના જીવનપુસ્તકમાં લખેલાં છે તેઓ જ પ્રવેશ પામી શકશે.

સ્ફટિકના જેવી ચળકતી, જીવનનાં પાણીની નદી, ત્યારે તેણે મને ઈશ્વરના તથા હલવાનના રાજ્યાસનમાંથી વહેતી નગરના માર્ગ વચ્ચે બતાવી. એ નદીના બંને કિનારા પર જીવનનું વૃક્ષ હતું, તેને બાર પ્રકારનાં ફળ લાગતાં હતાં; દર માસે તે નવાં ફળ આપતું હતું; અને તે વૃક્ષ નાં પાંદડાં સર્વ પ્રજાઓને નીરોગી કરવા માટે હતાં. ત્યાં કદી કોઈ શાપ થનાર નથી, પણ તેમાં ઈશ્વરનું તથા હલવાનનું રાજ્યાસન થશે, અને તેમના સેવકો તેમની સેવા કરશે, તેઓ તેમનું મોં નિહાળશે. અને તેઓનાં કપાળ પર તેમનું નામ હશે. ફરીથી રાત પડશે નહિ; તેઓને દીવાના અથવા સૂર્યના પ્રકાશની જરૂર નથી, કેમ કે પ્રભુ ઈશ્વર તેઓ પર પ્રકાશ પાડશે, અને તેઓ સદાસર્વકાળ રાજ્ય કરશે.

જીવનનાં વૃક્ષ પર તેઓને હક મળે અને તેઓ દરવાજામાં થઈને નગરમાં પ્રવેશ કરે તે માટે જેઓ પોતાનાં વસ્ત્ર ધોવે છે તેઓ આશીર્વાદિત છે.

આત્મા તથા કન્યા બંને કહે છે કે, 'આવો;' અને જે સાંભળે છે તે એમ કહે કે, 'આવો,' અને જે તૃષિત હોય. તે આવે; જેની ઇચ્છા હોય તે જીવનનું જળ મફત લે.

Gujarati - ગુજરાતી - GU

GUBCS - Gujarati Bridge Connectivity Solutions - 2017

This Bible text is from Gujarati Indian Revised Version IRV
https://open.bible/bibles/gujarati-bridge-text-bible/
provided by: Bridge Connectivity Solutions Pvt Ltd, available by Creative Commons CC-BY-SA-4.0,
and this new compilation is shared as www.creativecommons.org/licenses/by-sa/4.0.
Languages are made available to you by www.ipedge.net