16 – મૂર્તિઓને અર્પણ કરાયેલું ભોજન

આ સર્વશક્તિમાન ઈશ્વરના પવિત્ર શબ્દો છે.
આપણને મનુષ્યના શબ્દોમાં રસ નથી.
જે કોઈ પણ ઈશ્વરને પ્રેમ કરે છે તેના માટે... ઈશ્વર આના વિશે કહે છે: મૂર્તિઓને અર્પણ કરાયેલું ભોજન.

ટોચની 3 સૌથી નોંધપાત્ર છંદો

ના, પણ [હું કહું છું કે,] વિદેશીઓ જે બલિદાન આપે છે તે તેઓ ઈશ્વરને નહિ, પણ દુષ્ટાત્માઓને આપે છે; તમે તેઓનો સંગ ના કરો, એવી મારી ઇચ્છા છે. તમે પ્રભુના પ્યાલા સાથે દુષ્ટાત્માઓનો પ્યાલો પી શકતા નથી; તેમ જ તમે પ્રભુના ભોજનની સાથે દુષ્ટાત્માઓનાં ભોજનના ભાગીદાર થઈ શકતા નથી. તો શું આપણે પ્રભુને ચીડવીએ છીએ? શું આપણે તેમના કરતાં વધારે બળવાન છીએ?

કેમ કે તારા જેવા જ્ઞાની માણસને મૂર્તિના મંદિરમાં બેસીને ભોજન કરતાં જો કોઈ નિર્બળ [અંતઃકરણવાળો] માણસ જુએ, તો શું તેનું અંતઃકરણ મૂર્તિઓની પ્રસાદી ખાવાની હિંમત નહિ કરશે? એવી રીતે તારા જ્ઞાનથી તારો નિર્બળ ભાઈ જેને લીધે ખ્રિસ્ત મૃત્યુ પામ્યા તેનો નાશ થાય; અને એમ ભાઈઓની વિરુદ્ધ પાપ કરીને તથા તેઓનાં નિર્બળ અંતઃકરણોને આઘાત પમાડીને તમે ખ્રિસ્તની વિરુદ્ધ પાપ કરો છો. તો પ્રસાદી ખાવાથી જો મારા ભાઈને ઠોકર લાગે તો હું ક્યારેય પણ માંસ નહિ ખાઉં કે જેથી મારા ભાઈને ઠોકર ન લાગે.

તોપણ મારે તારી વિરુદ્ધ આટલું છે કે ઇઝેબેલ, જે પોતાને પ્રબોધિકા કહેવડાવે છે, તે સ્ત્રીને તું સહન કરે છે; તે મારા સેવકોને વ્યભિચાર કરવાને તથા મૂર્તિઓની પ્રસાદી ખાવાને શીખવે છે તથા ભમાવે છે.

દરેક શ્લોક કેનોનિકલ ઓર્ડરમાં - 67 ફકરાઓ

પછી યાકૂબે તેના ઘરનાંને તથા જે સર્વ તેની સાથે હતાં તેઓને કહ્યું, "તમારી વચ્ચે જે અન્ય દેવો છે તેઓને દૂર કરો, પોતપોતાને શુદ્ધ કરો અને તમારાં વસ્ત્ર બદલો.

"તમારે કોઈ દેવોની પૂજા કરવી નહિ, માત્ર મારી જ ભક્તિ કરવી." "તમારે આકાશમાંની કે પૃથ્વી પરની કે પૃથ્વી નીચેના પાણીમાંની કોઈ પણ વસ્તુની મૂર્તિ કે પ્રતિમા બનાવવી નહિ. તમારે તેઓને સાષ્ટાંગ પ્રણામ કરવા નહિ કે તેઓની પૂજા કરવી નહિ. કારણ કે હું જ તમારો ઈશ્વર યહોવા છું. મારા લોકો જગતના દેવોની પૂજા કરે એ મને પસંદ નથી. જે મારી વિરુદ્ધ પાપ કરે છે, તેઓ મારા દુશ્મન બને છે અને હું તેઓને અને તેઓના સંતાનોને ત્રીજી તથા ચોથી પેઢી સુધી સજા કરીશ.

મેં તમને જે બધું કહ્યું છે તેનું ધ્યાન રાખજો. અન્ય દેવોની પૂજા કરશો નહિ. તથા તમારા મુખથી તેઓનું નામ સાંભળવા મળવું જોઈએ નહિ.

તેના બદલે, તમારે તેઓની વેદીઓ તોડી પાડવી, તેના સ્તંભોને ભાંગી નાખવા અને તેમની અશેરા મૂર્તિઓને કાપી નાખવી. કેમ કે તારે કોઈ અન્ય દેવની પૂજા કરવી નહિ, કેમ કે હું યહોવા છું, મારું માન કોઈ બીજાને આપવા ન દઉં એવો ઈશ્વર છું. તારે દેશના રહેવાસીઓની સાથે કરાર કરવો નહિ. તેઓ વ્યભિચાર કરે છે તથા તેમના દેવોની પાછળ ભટકી જઈને તેમના દેવોને યજ્ઞ ચઢાવે છે અને કોઈના આમંત્રણથી તું તેના અર્પણમાંથી ખાય. રખેને તું તેઓની દીકરીઓ સાથે તારા દીકરાઓના લગ્ન કરાવે અને તેમની દીકરીઓ વ્યભિચાર કરશે અને તેઓના દેવોની પાછળ ભટકી જઈને તારા દીકરાઓને તેઓના દેવોની પાછળ ભટકાવી દે.

મૂર્તિઓ તરફ ન ફરો અને તમારા માટે ધાતુની મૂર્તિઓ બનાવશો નહિ. હું યહોવાહ તમારો ઈશ્વર છું.

મારી સમક્ષ તારે કોઈ પણ અન્ય દેવો હોવા જોઈએ નહિ. તું પોતાના માટે કોતરેલી મૂર્તિની પ્રતિમા ન બનાવ, ઉપર આકાશમાંની કે નીચે પૃથ્વીમાંની કે પૃથ્વી નીચેના પાણીમાંની કોઈ પણ વસ્તુની પ્રતિમા ન બનાવ. તું તેઓની આગળ નમીશ નહિ કે તેઓની પૂજા કરીશ નહિ. કેમ કે, હું યહોવાહ, તમારો ઈશ્વર, ઈર્ષાળુ ઈશ્વર છું. જેઓ મારો તિરસ્કાર કરે છે, તેઓની ત્રીજી ચોથી પેઢી સુધી પિતૃઓના અન્યાયની શિક્ષા સંતાનો પર લાવનાર,

જયારે યહોવાહ તારા ઈશ્વર તને યુદ્ધમાં તેઓની સામે વિજય અપાવે, ત્યારે તું તેઓ પર હુમલો કર અને તેઓનો તદ્દન નાશ કર. તારે તેઓની સાથે કંઈ કરાર કરવો નહિ કે દયા દર્શાવવી નહિ. તારે તેઓની સાથે લગ્ન વ્યવહાર રાખવો નહિ; તેમ જ તારે તારી દીકરીઓનાં લગ્ન તેઓના દીકરાઓ સાથે અને તારા દીકરાઓના લગ્ન તેઓની દીકરીઓ સાથે કરાવવાં નહિ. કેમ કે તેઓ તારા દીકરાઓને મારી આરાધના કરતાં અટકાવશે જેથી તેઓ બીજા દેવોની સેવા કરે. કે જેથી યહોવાહનો ગુસ્સો તમારી વિરુદ્ધ ઊઠે અને તેઓ જલ્દી તમારો નાશ કરે. તમારે તેઓ સાથે આ પ્રમાણે વર્તવું; તેઓની વેદીઓને તોડી પાડવી, તેઓના સ્તંભોને ભાગીને ટુકડા કરી નાખવા, તેઓની અશેરા મૂર્તિઓને કાપી નાખવી અને તેઓની કોતરેલી મૂર્તિઓને બાળી નાખવી.

તેઓના દેવદેવીઓની કોતરેલી મૂર્તિઓ તમારે આગથી બાળી નાખવી. તેઓના શરીર પરના રૂપા પર કે સોના પર તમે લોભ કરશો નહિ. રખેને તમે તેમાં ફસાઈ પડો; કેમ કે યહોવાહ તમારા ઈશ્વરની નજરમાં તે શ્રાપિત છે. માટે તમે કોઈ ધિક્કારપાત્ર વસ્તુ તમારા ઘરમાં લાવી તેની સેવા કરવી નહિ, તમારે તેને ધિક્કારવું અને તમારે તેનાથી કંટાળવું; કેમ કે તે શાપિત વસ્તુ છે.

અને એમ થશે કે જો તમે યહોવાહ તમારા ઈશ્વરને ભૂલી જઈને અન્ય દેવદેવીઓની તરફ વળશો અને તેઓની સેવા કરશો તો હું આજે તમારી વિરુદ્ધ સાક્ષી આપું છું કે તમે નિશ્ચે નાશ પામશો. જે પ્રજાઓનો યહોવાહ તમારી આગળથી નાશ કરે છે તેઓની જેમ તમે નાશ પામશો. કેમ કે યહોવાહ તમારા ઈશ્વરની વાણી તમે સાંભળવાને ચાહ્યું નહિ.

મેં તમને જે આજ્ઞાઓ આપી છે તે તમારે કાળજી રાખીને પાળવી. તમારે તેમાં કંઈ વધારો કે ઘટાડો કરવો નહિ.

તેઓએ બીજા દેવોની પૂજા કરીને યહોવાહમાં તિરસ્કાર ઉત્પન્ન કર્યો; ધૃણાસ્પદ કર્મોથી ઈશ્વરને ગુસ્સે કર્યા. તેઓ ભૂતોને કે જે ઈશ્વર ન હતા તેઓને, જે દેવોને તેઓ જાણતા ન હતા, ટૂંક સમયમાં જ પ્રગટ થયેલા દેવોને કે જે દેવોથી તમારા પિતાઓ બીતા ન હતા તેઓને બલિદાનો ચઢાવતા હતા.

શમુએલે કહ્યું કે, "શું ઈશ્વર પોતાની વાણી માનવામાં આવ્યાથી જેટલા રાજી થાય છે, તેટલાં દહનીયાર્પણો તથા બલિદાનોથી થાય છે શું? બલિદાન કરતાં આજ્ઞાપાલન સારું છે, ઘેટાંની ચરબી કરતાં વચન પાળવું સારું છે. કેમ કે વિદ્રોહ એ જોષ જોવાના પાપ જેવો છે, હઠીલાઈ એ દુષ્ટતા તથા મૂર્તિપૂજા જેવી છે. કેમ કે તેં ઈશ્વરના શબ્દનો ઇનકાર કર્યો છે, માટે તેમણે પણ તને રાજપદેથી પડતો મૂક્યો છે."

બાલના મંદિરમાં અશેરા દેવીની જે મૂર્તિ હતી તેને તેઓએ ત્યાંથી હઠાવી દઈને બાળી નાખી. તેઓએ બાલના સ્તંભને તોડી નાખ્યો. અને બાલના મંદિરનો નાશ કરીને તે જગ્યાને સંડાસ બનાવી દીધી. જે આજ સુધી છે.

કેમ કે યહોવાહ મહાન છે તથા અતિવિશેષ સ્તુતિપાત્ર છે, અને બીજા દેવો કરતાં તેઓનું ભય રાખવું યોગ્ય છે. કેમ કે લોકોના સર્વ દેવો મૂર્તિઓ જ છે, પણ યહોવાહે તો આકાશો બનાવ્યાં છે.

દમસ્કસના જે દેવોએ તેને હાર આપી હતી તેઓને તેણે બલિદાનો ચઢાવ્યા. તેણે કહ્યું, "કેમ કે અરામના રાજાઓના દેવોએ તેઓને સહાય કરી છે તો આ બલિદાનો ચઢાવવાને લીધે એ દેવો મારી પણ મદદ કરશે." પણ તેમ કરવાથી ઊલટું તેને અને આખા ઇઝરાયલને ભારે નુકસાન થયું.

કારણ કે યહોવાહ મહાન છે અને બહુ સ્તુત્ય છે. સર્વ દેવો કરતાં તે ભયાવહ છે. કેમ કે લોકોના સર્વ દેવો મૂર્તિઓ જ છે, પણ યહોવાહે, આકાશોને ઉત્પન્ન કર્યાં.

તેઓની મૂર્તિઓ સોના તથા ચાંદીની જ છે, તેઓ માણસોના હાથનું કામ છે. તેઓને મુખ છે, પણ તેઓ બોલી શકતી નથી; તેઓને આંખો છે, પણ તેઓ જોઈ શકતી નથી; તેઓને કાન છે, પણ તેઓ સાંભળી શકતી નથી; તેઓને નાક છે, પણ તેઓ સૂંઘી શકતી નથી. તેઓને હાથ છે, પણ તેમનો ઉપયોગ કરી શકતી નથી; તેઓને પગ છે, પણ તે ચાલી શકતી નથી; વળી તેઓ પોતાના ગળામાંથી અવાજ કાઢી શકતી નથી. તેઓના બનાવનારા અને તેઓના પર ભરોસો રાખનારા સર્વ તેઓના જેવા છે.

વિદેશીઓની મૂર્તિઓ તો સોનાચાંદીની છે, તેઓ માણસોના હાથથી જ બનેલી છે. તે મૂર્તિઓને મુખ છે, પણ તેઓ બોલતી નથી; તેઓને આંખો છે, પણ તેઓ જોઈ શકતી નથી. તેઓને કાન છે, પણ તેઓ સાંભળતી નથી, તેઓનાં મુખમાં શ્વાસ નથી. જેઓ તેને બનાવે છે તેઓ પણ તેના જેવા જ થશે, જેઓ તેમના પર ભરોસો રાખે છે તેઓ પણ તેના જેવા જ થશે.

કેમ કે, તે દિવસે તેઓ દરેક પોતાના હાથોએ બનાવેલી ચાંદીની અને સોનાની પાપરૂપી મૂર્તિને ફેંકી દેશે.

તેઓએ તેઓના દેવોને બાળી નાખ્યા છે; કેમ કે તેઓ દેવો નહોતા, પરંતુ માણસના હાથની કૃતિ-લાકડાં તથા પથ્થર હતા. તેથી આશૂરે તેમનો નાશ કર્યો છે.

હું યહોવાહ છું, એ જ મારું નામ છે; હું મારું ગૌરવ બીજાને તથા મારી સ્તુતિ કોરેલી મૂર્તિઓને આપવા દઈશ નહિ.

જેઓ કોરેલી મૂર્તિઓ પર ભરોસો રાખે છે અને ઢાળેલી મૂર્તિઓને કહે છે, "તમે અમારા દેવ છો," તેઓ પાછા ફરશે, તેઓ લજ્જિત થશે.

જેઓએ મને છોડીને બીજા દેવોની આગળ ધૂપ બાળ્યો છે તથા પોતે બનાવેલી મૂર્તિઓની પૂજા કરી છે. તેઓની સર્વ દુષ્ટતાને લીધે હું તેઓની વિરુદ્ધ મારાં ન્યાયશાસન પ્રગટ કરીશ.

મને રોષ ચઢાવવા માટે બાળકો લાકડાં વીણે છે તેઓના પિતાઓ અગ્નિ સળગાવે છે અને આકાશની રાણીને માટે રોટલી બનાવવા સારુ સ્ત્રીઓ લોટ ગૂંદે છે. અને અન્ય દેવોની આગળ તેઓ પેયાર્પણ ચઢાવે છે. યહોવાહ કહે છે શું તેઓ ખરેખર મારું અપમાન કરે છે? શું પોતાના મુખની શરમને અર્થે તેઓ પોતાને જ ચીડવતા અને ફજેત કરતા નથી? તેથી પ્રભુ યહોવાહ એમ કહે છે; જુઓ, આ જગ્યા પર, મનુષ્ય પર, પશુ પર, તેમ જ ખેતરનાં વૃક્ષો પર તથા ભૂમિના પાક પર મારો કોપ તથા મારો ક્રોધ ઊતરશે અને તે બળ્યા કરશે પણ હોલવાઈ જશે નહિ.

બધા માણસો મૂર્ખ અને અજ્ઞાની થઈ ગયા છે. દરેક સોની પોતે બનાવેલી મૂર્તિ જોઈને લજ્જિત થયો છે, કેમ કે તેની ગાળેલી મૂર્તિ અસત્ય છે; તેઓમાં શ્વાસ નથી. તેઓ વ્યર્થ છે, તેઓ ભ્રાંતિરૂપ છે. તેઓના શાસનના સમયે તેઓ નાશ પામશે.

યહૂદિયાના રાજાઓ અને યરુશાલેમના રહેવાસીઓ! તમે યહોવાહનું વચન સાંભળો. સૈન્યોના યહોવાહ ઇઝરાયલના ઈશ્વર કહે છે કે: "જુઓ, હું આ જગ્યા પર એવી વિપત્તિ લાવીશ કે જે કોઈ સાંભળશે તેના કાનમાં ઝણઝણાટ થશે. તેઓએ મારો ત્યાગ કર્યો છે અને આ સ્થાનને ભ્રષ્ટ કર્યુ છે. તેઓએ તથા તેઓના પૂર્વજોએ તથા યહૂદિયાના રાજાઓ જેઓને જાણ્યા નહોતા તેઓએ અન્ય દેવોની આગળ ધૂપ બાળ્યો છે. અને આ સ્થાનને નિદોર્ષોના લોહીથી ભરી દીધું છે.

વળી જે ઘરની અગાસી પર તેઓએ આકાશનાં સર્વ સૈન્ય સારુ ધૂપ બાળ્યો છે અને બીજા દેવોને પેયાર્પણો રેડ્યાં છે તે બધાં ઘરો એટલે યરુશાલેમનાં તથા યહૂદિયાનાં અશુદ્ધ કરેલા ઘરો તોફેથ જેવાં બની જશે."

આ સાંભળીને જેઓ જાણતા હતા કે તેમની પત્નીઓ બીજા દેવોને બલિ ચઢાવે છે તે બધાએ અને ત્યાં ઊભેલી બધી સ્ત્રીઓ જેઓ મોટા સમૂહમાં હતી તેઓ તેમ જ મિસર દેશના પાથ્રોસમાં વસતા બધા માણસોએ યમિર્યાને ઉત્તર આપ્યો, તેઓએ કહ્યું, ''જે વચન તેં યહોવાહને નામે અમને કહ્યું છે. તે વિષે અમે તારું સાંભળવાના નથી. અમે અમારા પૂર્વજો, અમારા રાજાઓ અને અમારા આગેવાનો યહૂદિયાના નગરોમાં અને યરુશાલેમના મહોલ્લાઓમાં જેમ કરતા હતા, તેમ આકાશની રાણીની આગળ ધૂપ બાળવા વિષે તથા તેની આગળ પેયાર્પણો રેડવા વિષે અમે જે માનતા લીધી છે તે પ્રમાણે અમે અવશ્ય કરીશું. કેમ કે તે વખતે અમારી પાસે પુષ્કળ રોટલી હતી. અમે સુખી અને સમૃદ્ધ હતા. અને અમે વિપત્તિ જોઈ ન હતી. પરંતુ જ્યારથી અમે આકાશની રાણીને આહુતિ આપવાનું અને પેયાર્પણો ચઢાવવાનું બંધ કર્યું, ત્યારથી અમે ભારે મુશ્કેલીઓ ભોગવીએ છીએ, તરવારથી અને દુકાળથી અમે નાશ પામીએ છીએ.'' સ્ત્રીઓ બોલી, જ્યારે અમે આકાશની રાણીની આગળ ધૂપ બાળતાં હતાં તથા પેયાર્પણ રેડતી હતી, ત્યારે શું અમે અમારા પતિઓની સમંતિ વગર તેને નૈવેદ ધરાવવાને રોટલીઓ તૈયાર કરતી હતી તથા તેને પેયાર્પણ રેડતાં હતાં?"

તમારાં દુષ્ટકર્મોને તથા તમારા ધિક્કારપાત્ર કૃત્યોને યહોવાહ સહન કરી શક્યા નહિ; તેથી જેમ આજે છે તેમ તમારો દેશ તેમણે ઉજ્જડ, વિસ્મયરૂપ, શાપરૂપ અને નિર્જન કરી નાખ્યો. તમે ધૂપ બાળ્યો તથા યહોવાહની વિરુદ્ધ પાપ કર્યું અને યહોવાહનું વચન માન્યું નહિ. અને તેમના નિયમો, કાયદાઓ અને સાક્ષ્યોઓનું પાલન પણ ન કર્યું, તેથી જેમ આજ છે, તેમ આ વિપત્તિ તમારા પર આવી પડી છે.''

તેમની સરખામણીમાં સર્વ માણસો મૂર્ખ છે, તેઓને કશી ખબર નથી. દરેક પોતે બનાવેલી મૂર્તિ જોઈને લજ્જિત થાય છે, કેમ કે તે બધી મૂર્તિઓ તો ખોટી છે. પ્રાણ વગરની છે. મૂર્તિઓ વ્યર્થ છે, હાંસીપાત્ર છે, તે ખોટી છે; તેઓને સજા કરશે ત્યારે તે સર્વનો નાશ કરશે.

પણ તમે આકાશના ઈશ્વરની સામે ગર્વ કર્યો છે. તેમના ભક્તિસ્થાનમાંથી પાત્રો લાવીને તમે, તમારા અમીરઉમરાવોએ, તમારી પત્નીઓએ અને ઉપપત્નીઓએ તેમાંથી દ્રાક્ષારસ પીધો છે. તમે સોના, ચાંદી, લોખંડ, લાકડા તથા પથ્થરની મૂર્તિઓ કે જે મૂર્તિઓ જોતી નથી, સાંભળતી નથી કે જાણતી નથી તેઓની પૂજા કરી છે. જે ઈશ્વરના હાથમાં આપનો શ્વાસોચ્છવાસ છે જે તમારા સઘળા માર્ગો જાણે છે, તે ઈશ્વરને તમે માન આપ્યું નથી.

તેઓએ રાજાઓ નીમ્યા છે, પણ મારી સંમતિથી નહિ. તેઓએ સરદારો ઠરાવ્યા છે, પણ હું તે જાણતો ન હતો. તેઓએ પોતાના માટે, સોના ચાંદીની મૂર્તિઓ બનાવી છે, પણ મારી મદદ તેઓને મળી શકે તેમ નથી."

જેમ જેમ તેઓને બોલાવ્યા, તેમ તેમ તેઓ દૂર જતા રહ્યા. તેઓએ બાલીમને બલિદાનો આપ્યાં મૂર્તિઓની આગળ ધૂપ બાળ્યો.

મૂર્તિકારે મૂર્તિ ઘડી છે. માણસે બનાવેલી મૂર્તિઓથી તથા ઢાળેલી મૂર્તિઓ જે જુઠાણાનો શિક્ષક છે; તેઓનાથી તને શો ફાયદો છે? કેમ કે તે પોતાના હાથના કામ પર વિશ્વાસ કરીને આ મૂંગા દેવો બનાવે છે.

એમ ન ધારો કે હું નિયમશાસ્ત્ર અથવા પ્રબોધકોની વાતોનો નાશ કરવાને આવ્યો છું; હું નાશ કરવા નહિ, પણ પૂર્ણ કરવા આવ્યો છું. કેમ કે હું તમને નિશ્ચે કહું છું કે, આકાશ તથા પૃથ્વી જતા રહે ત્યાં સુધી સઘળાં પૂરાં થયા વગર નિયમશાસ્ત્રમાંથી એક કાનો અથવા માત્રા જતી રહેશે નહિ. એ માટે આ સૌથી નાની આજ્ઞાઓમાંની એકને જો કોઈ તોડશે અથવા માણસોને એવું કરવાનું શીખવશે, તો તે સ્વર્ગના રાજ્યમાં સૌથી નાનો કહેવાશે; પણ જો કોઈ તે પાળશે અને શીખવશે તે સ્વર્ગના રાજ્યમાં મોટો કહેવાશે.

ઈસુ તેઓને કહે છે કે, 'તમે પણ શું એવા અણસમજુ છો? તમે જાણતા નથી કે, બહારથી માણસમાં જે કંઈ પેસે છે તે તેને ભ્રષ્ટ કરી શકતું નથી? કેમ કે તેના હૃદયમાં તે પેસતું નથી, પણ પેટમાં; અને તે નીકળીને શરીરની બહાર જાય છે;' [એવું કહીને] ઈસુએ સર્વ ખોરાક શુદ્ધ ઠરાવ્યાં.

જે બહુ થોડામાં વિશ્વાસુ છે તે ઘણાંમાં પણ વિશ્વાસુ છે; અને જે બહુ થોડામાં અન્યાયી છે તે ઘણાંમાં પણ અન્યાયી છે.

કોઈ ચાકર બે માલિકોની ચાકરી કરી શકતો નથી; કેમ કે તે એકનો દ્વેષ કરશે, ને બીજા પર પ્રેમ કરશે, અથવા તે એકના પક્ષનો થશે, ને બીજાનો તિરસ્કાર કરશે. એકસાથે તમે ઈશ્વરની તથા દ્રવ્યની ચાકરી કરી શકો નહિ.

ઝૂસનું મંદિર એ શહેરની બહાર હતું તેનો પૂજારી બળદો તથા ફૂલના હાર શહેરના દરવાજાએ લાવીને લોકો સાથે બલિદાન ચઢાવવા ઇચ્છતો હતો. પણ બાર્નાબાસ તથા પાઉલ પ્રેરિતોએ તે વિષે સાંભળ્યું ત્યારે તેઓએ પોતાનાં વસ્ત્રો ફાડ્યાં, અને લોકોમાં દોડીને મોટે સ્વરે કહ્યું કે, 'સદ્દગૃહસ્થો તમે એ કામ કેમ કરો છો? અમે પણ તમારા જેવા માણસ છીએ, આ વ્યર્થ વાતો મૂકીને આકાશ, પૃથ્વી તથા સમુદ્ર અને તેઓમાંનાં સર્વને ઉત્પન્ન કરનાર તમે છો, કે જે જીવતા ઈશ્વર છે તેમની તરફ તમે ફરો, માટે અમે તમને સુવાર્તા પ્રગટ કરીએ છીએ.

પણ તેઓને લખી મોકલીએ કે તમારે મૂર્તિઓની ભ્રષ્ટતાથી, વ્યભિચારથી, ગૂંગળાવીને મરેલાથી, તથા લોહીથી દૂર રહેવું.

કેમ કે પવિત્ર આત્માને તથા અમને એ સારુ લાગ્યું કે આ અગત્યની વાતો કરતાં ભારે બોજો તમારા પર મૂકવો નહિ. એટલે કે, મૂર્તિઓને અર્પણ કરેલી વસ્તુઓથી, લોહીથી, ગૂંગળાવીને મરેલાંથી, તથા વ્યભિચારથી તમારે દૂર રહેવું; જો તમે એ વાતોથી દૂર રહેશો, તો તમારું ભલું થશે; તમે કુશળ રહો.

અને પાઉલ આથેન્સમાં તેઓની રાહ જોતો હતો એટલામાં તે શહેરમાં ઠેરઠેર મૂર્તિઓને જોઈને તેનો અંતરાત્મા ઊકળી ઊઠ્યો.

હવે આપણે ઈશ્વરના વંશજો છીએ માટે આપણે એમ ન ધારવું જોઈએ કે ઈશ્વર માણસોની કારીગરી તથા ચતુરાઈથી કોતરેલા સોના કે રૂપા કે પથ્થરના જેવા છે. એ અજ્ઞાનપણાના સમયો પ્રત્યે ઈશ્વરે ઉપેક્ષા કરી ખરી; પણ હવે સર્વ સ્થળે સઘળાં માણસોને પસ્તાવો કરવાની તે આજ્ઞા કરે છે. કેમ કે તેણે એક દિવસ નિયત કર્યો છે કે જે દિવસે તે પોતાના ઠરાવેલા માણસ દ્વારા માનવજગતનો અદલ ન્યાય કરશે; જે વિષે તેમણે તેમને મરણ પામેલાઓમાંથી સજીવન કરીને સર્વને ખાતરી કરી આપી છે.

પણ બિનયહૂદી વિશ્વાસીઓ સંબંધી અમે ઠરાવીને લખી મોકલ્યું છે કે, તેઓ મૂર્તિઓને અર્પણ કરેલી વસ્તુઓથી, લોહીથી, ગૂંગળાવીને મારેલાથી, તથા વ્યભિચારથી દૂર રહેવું.' ત્યારે પાઉલ બીજે દિવસે તે માણસોને લઈને તેઓની સાથે શુદ્ધ થઈને ભક્તિસ્થાનમાં ગયો. અને એવું જાહેર કર્યું કે તેઓમાંના દરેકને સારુ અર્પણ ચઢાવવામાં આવશે ત્યારે જ શુદ્ધિકરણના દિવસો પૂરા થશે.

પોતે બુદ્ધિવાન છીએ એવો દાવો કરતાં તેઓ મૂર્ખ થયા; તેઓએ અવિનાશી ઈશ્વરના મહિમાના બદલામાં નાશવંત મનુષ્ય, પક્ષી, ચોપગા પ્રાણીઓ અને પેટે ચાલનારાંના આકારની મૂર્તિઓ બનાવી.

વિશ્વાસમાં જે નબળો હોય તેનો અંગીકાર કરો, પણ સંદેહ પડતી બાબતોના વાદવિવાદને માટે નહિ. કોઈનો વિશ્વાસ તો એવો છે કે તે બધું જ ખાય છે, પણ કોઈ તો વિશ્વાસમાં નબળો હોવાથી માત્ર શાકભાજી જ ખાય છે.

શું તમે નથી જાણતા કે તમારામાં જે પવિત્ર આત્મા છે, જે તમને ઈશ્વર પાસેથી આપવામાં આવ્યો છે, તેમનું ભક્તિસ્થાન તમારું શરીર છે? અને તમે પોતાના નથી, કેમ કે મૂલ્ય ચૂકવીને તમને ખરીદવામાં આવ્યા છે. તેથી હવે તમારું શરીર અને તમારો આત્મા ઈશ્વરનાં છે, તમારાં શરીરો દ્વારા ઈશ્વરને મહિમા આપો.

હવે મૂર્તિઓને ધરાવેલી પ્રસાદી વિષે આપણે જાણીએ છીએ અને આપણ સર્વને એ બાબતનું જ્ઞાન છે. જ્ઞાન માણસને ગર્વિષ્ઠ કરે છે પણ પ્રેમ તેની ઉન્નતિ કરે છે. પણ જો કોઈ એવું ધારે કે હું પોતે કંઈ જાણું છું, તોપણ જેમ જાણવું જોઈએ તેવું કશું હજી જાણતો નથી. પણ જો કોઈ ઈશ્વર પર પ્રેમ રાખે છે, તો તે તેમને ઓળખે છે.

મૂર્તિઓનાં પ્રસાદી ખાવા વિષે તો આપણે જાણીએ છીએ કે મૂર્તિ દુનિયામાં [કંઈ જ] નથી અને એક [ઈશ્વર] સિવાય બીજાકોઈ ઈશ્વર નથી. કેમ કે સ્વર્ગમાં કે પૃથ્વી પર જોકે કહેવાતા દેવો છે, એવા ઘણાં દેવો તથા કહેવાતા પ્રભુઓ છે તેમ; તોપણ આપણા તો એક જ ઈશ્વર એટલે પિતા છે, જેમનાંથી સર્વ સર્જાયું છે; અને આપણે તેમને અર્થે છીએ; એક જ પ્રભુ એટલે ઈસુ ખ્રિસ્ત છે, જેમને આશરે સર્વ છે અને આપણે પણ તેમને આશ્રયે છીએ.

પણ સર્વ માણસોમાં એવું જ્ઞાન નથી; કેટલાક લોકોને હજુ સુધી મૂર્તિનો પરિચય હોવાથી તેની પ્રસાદી તરીકે તે ખાય છે; અને તેઓનું અંતઃકરણ નિર્બળ હોવાથી ભ્રષ્ટ થાય છે. પણ ભોજનથી આપણે ઈશ્વરને માન્ય થતાં નથી જો ન ખાઈએ તો આપણે વધારે સારા થતાં નથી; અને જો ખાઈએ તો વધારે ખરાબ થતાં નથી. પણ સાવધાન રહો, રખેને આ તમારી સ્વતંત્રતા નિર્બળોને કોઈ રીતે ઠોકર ખવડાવે. કેમ કે તારા જેવા જ્ઞાની માણસને મૂર્તિના મંદિરમાં બેસીને ભોજન કરતાં જો કોઈ નિર્બળ [અંતઃકરણવાળો] માણસ જુએ, તો શું તેનું અંતઃકરણ મૂર્તિઓની પ્રસાદી ખાવાની હિંમત નહિ કરશે? એવી રીતે તારા જ્ઞાનથી તારો નિર્બળ ભાઈ જેને લીધે ખ્રિસ્ત મૃત્યુ પામ્યા તેનો નાશ થાય; અને એમ ભાઈઓની વિરુદ્ધ પાપ કરીને તથા તેઓનાં નિર્બળ અંતઃકરણોને આઘાત પમાડીને તમે ખ્રિસ્તની વિરુદ્ધ પાપ કરો છો. તો પ્રસાદી ખાવાથી જો મારા ભાઈને ઠોકર લાગે તો હું ક્યારેય પણ માંસ નહિ ખાઉં કે જેથી મારા ભાઈને ઠોકર ન લાગે.

એ માટે, મારા પ્રિયજનો, મૂર્તિપૂજાથી નાસી જાઓ. તમને સમજુ માણસો સમજીને, હું એ તમને કહું છું, તમે મારી વાતનો વિચાર કરો.

જેઓ જાતિએ ઇઝરાયલી છે તેમને જુઓ; શું યજ્ઞ બલિદાનો ખાનારા યજ્ઞવેદીના સહભાગી નથી? તો હું શું કહું છું? કે મૂર્તિની પ્રસાદી કંઈ છે? અથવા મૂર્તિ કંઈ છે? ના, પણ [હું કહું છું કે,] વિદેશીઓ જે બલિદાન આપે છે તે તેઓ ઈશ્વરને નહિ, પણ દુષ્ટાત્માઓને આપે છે; તમે તેઓનો સંગ ના કરો, એવી મારી ઇચ્છા છે. તમે પ્રભુના પ્યાલા સાથે દુષ્ટાત્માઓનો પ્યાલો પી શકતા નથી; તેમ જ તમે પ્રભુના ભોજનની સાથે દુષ્ટાત્માઓનાં ભોજનના ભાગીદાર થઈ શકતા નથી. તો શું આપણે પ્રભુને ચીડવીએ છીએ? શું આપણે તેમના કરતાં વધારે બળવાન છીએ?

સઘળી વસ્તુઓ ઉચિત છે; પણ સઘળી ઉપયોગી નથી. સઘળી વસ્તુઓ ઉચિત છે; પણ સઘળી ઉન્નતિકારક નથી. માત્ર પોતાનું જ નહિ, પણ દરેકે બીજાનું હિત જોવું. જે કંઈ બજારમાં વેચાય છે, તે પ્રેરકબુદ્ધિની ખાતર કંઈ પણ પૂછપરછ વગર ખાઓ; કેમ કે પૃથ્વી તથા તેમાંનું સર્વસ્વ પ્રભુનું છે. જો કોઈ અવિશ્વાસી તમને નિમંત્રણ આપે અને તમે જવા ઇચ્છતા હો, તો તમારી આગળ જે કંઈ પીરસવામાં આવે તે પ્રેરકબુદ્ધિની ખાતર કશી પૂછપરછ કર્યાં વિના ખાઓ. પણ જો કોઈ તમને કહે કે, તે મૂર્તિની પ્રસાદી છે, તો જેણે તે બતાવ્યું તેની ખાતર, તથા પ્રેરકબુદ્ધિની ખાતર તે ન ખાઓ. હું જે પ્રેરકબુદ્ધિ કહું છું, તે તારી પોતાની નહિ, પણ બીજી વ્યક્તિની કેમ કે બીજાની પ્રેરકબુદ્ધિથી મારી સ્વતંત્રતાનો ન્યાય કેમ થાય છે? જો હું આભારપૂર્વક તે ખાવામાં ભાગીદાર થાઉં, તો જેને સારુ હું આભાર માનું છું, તે વિષે મારી નિંદા કેમ કરવામાં આવે છે?

માટે તમે ખાઓ કે, પીઓ કે, જે કંઈ કરો તે સર્વ ઈશ્વરના મહિમાને અર્થે કરો. તમે યહૂદીઓને, ગ્રીકોને કે ઈશ્વરના વિશ્વાસી સમુદાયને અવરોધરૂપ ન થાઓ; તેઓ ઉદ્ધાર પામે માટે જેમ હું પણ સર્વ બાબતે સર્વને ખુશ રાખીને મારું પોતાનું નહિ, પણ ઘણાંનું હિત જોઉં છું, તેમ જ તમે કરો.

અવિશ્વાસીઓની સાથે અઘટિત સંબંધ ન રાખો; કેમ કે ન્યાયીપણાને અન્યાયીપણા સાથે શો સંબંધ હોય? અને અજવાળાને અંધકારની સાથે શી સંગત હોય? અને ખ્રિસ્ત સાથે શેતાનનો સંબંધ હોઈ શકે? કે વિશ્વાસીને અવિશ્વાસીની સાથે શો ભાગ હોય? અને ઈશ્વરના ભક્તિસ્થાનને મૂર્તિઓની સાથે સંબંધ હોય ખરો? કેમ કે આપણે જીવતા ઈશ્વરનું ભક્તિસ્થાન છીએ, જેમ ઈશ્વરે કહ્યું કે, 'હું તેઓમાં રહીશ તથા ચાલીશ; તેઓનો ઈશ્વર થઈશ; અને તેઓ મારા લોક થશે.' માટે, 'તમે તેઓમાંથી નીકળી આવો, અને જુદા થાઓ,' એમ પ્રભુ કહે છે, 'અશુદ્ધને સ્પર્શ ન કરો, અને હું તમારો સ્વીકાર કરીશ,

તેથી ખાવાપીવાની બાબતમાં તથા પર્વ, પૂનમ કે વિશ્રામવાર પાળવામાં કોઈ તમને દોષિત ઠરાવે નહિ. તેઓ તો થનાર વાતોની પ્રતિછાયા છે, પણ વાસ્તવિકતા તો ખ્રિસ્ત છે.

જો તમે ખ્રિસ્તની સાથે જગતના સિદ્ધાંતો સંબંધી મૃત્યુ પામ્યા, તો જગતમાં જીવનારાંની માફક શા માટે વિધિઓને આધીન થાઓ છો? '[જેમ કે અમુકને] સ્પર્શ કરવો નહિ, ચાખવું નહિ અને હાથમાં લેવું નહિ.' એ બધી બાબતો માણસોની આજ્ઞા તથા શિક્ષણ પ્રમાણે છે (વપરાશથી જ નાશ પામનારી છે). તેઓમાં સ્વૈચ્છિક સેવા, નમ્રતા તથા દંભી દેહદમન વિષે જ્ઞાનનો આભાસ છે, પણ શારીરિક વાસનાઓને અટકાવવાને તેઓ કોઈ રીતે ઉપયોગી નથી.

લોકો પોતે અમારા વિષે એ બધી વાતો પ્રગટ કરે છે કે, કેવી પરિસ્થિતિમાં અમે તમારી મધ્યે આવ્યા અને તમે જીવંત તથા ખરા ઈશ્વરની સેવા કરવાને

પણ પવિત્ર આત્મા સ્પષ્ટ કહે છે કે, પાછલા સમયોમાં છેતરનાર આત્માઓ પર તથા દુષ્ટાત્માઓનાં શિક્ષણ પર લક્ષ રાખી, અસત્ય પ્રચારકો તથા જેઓનાં અંતઃકરણ જડ છે તેવા માણસોના ઢોંગથી, કેટલાક વિશ્વાસનો ત્યાગ કરશે; તેઓ લગ્ન કરવાની મના કરશે અને ઈશ્વરે જે ખોરાક, ઉપકારસ્તુતિ કરીને ખાવા સારું ઉત્પન્ન કર્યો તેનાથી વિશ્વાસીઓ અને સત્ય જાણનારાંઓને દૂર રહેવાનું કહેશે. ઈશ્વરનું સર્વ સર્જન સારું છે તેથી આભારસ્તુતિ સાથે સ્વીકારવું, કશું જ નકારવું નહિ કેમ કે ઈશ્વરના વચન તથા પ્રાર્થનાથી તે પવિત્ર કરાયું છે.

તમે વચનના પાળનારા થાઓ, પોતાને છેતરીને કેવળ સાંભળનારાં જ નહિ. કેમ કે જે કોઈ માણસ વચન પાળતો નથી, પણ કેવળ સાંભળે છે, તે પોતાનું સ્વાભાવિક મુખ દર્પણમાં જોનાર મનુષ્યના જેવો છે. કેમ કે તે પોતાને જુએ છે, પછી ત્યાંથી ખસી જાય છે, એટલે તે પોતે કેવો હતો, એ તે તરત ભૂલી જાય છે.

દરેક જે પાપ કરે છે, તે નિયમભંગ પણ કરે છે. કેમ કે પાપ એ જ નિયમભંગ છે.

પ્રિય બાળકો, મૂર્તિઓથી સાવધ રહો.

જે કોઈ હદ બહાર જાય છે અને ખ્રિસ્તનાં શિક્ષણમાં રહેતો નથી, તેની પાસે ઈશ્વર નથી; શિક્ષણમાં જે રહે છે, તેને જ પિતા તથા પુત્ર પણ છે. જો કોઈ તમારી પાસે આવે અને તે જ શિક્ષણ ન લાવે, તો તેને ઘરમાં પેસવા ન દો અને તેને ક્ષેમકુશળ ન કહો. કેમ કે જે તેને ક્ષેમકુશળ કહે છે તે તેનાં દુષ્ટકર્મોનો ભાગીદાર થાય છે.

તોપણ મારે તારી વિરુદ્ધ થોડીક વાતો છે, કેમ કે બલામના શિક્ષણને વળગી રહેનારા ત્યાં તારી પાસે છે; એણે બાલાકને ઇઝરાયલપુત્રોની આગળ ઠોકર મૂકવાને શીખવ્યું કે તેઓ મૂર્તિઓની પ્રસાદી ખાય અને વ્યભિચાર કરે;

તોપણ મારે તારી વિરુદ્ધ આટલું છે કે ઇઝેબેલ, જે પોતાને પ્રબોધિકા કહેવડાવે છે, તે સ્ત્રીને તું સહન કરે છે; તે મારા સેવકોને વ્યભિચાર કરવાને તથા મૂર્તિઓની પ્રસાદી ખાવાને શીખવે છે તથા ભમાવે છે. તે પસ્તાવો કરે, માટે મેં તેને તક આપી; પણ તે પોતાના બદકૃત્યનો પસ્તાવો કરવા ઇચ્છતી નથી. જુઓ, હું તેને પથારીવશ કરું છું. તેની સાથે મળીને જેઓ બેવફાઈ કરે છે તેઓ જો પોતાના કામનો પસ્તાવો ન કરે તો તેઓને હું મોટી વિપત્તિમાં નાખું છું. મરકીથી હું તેનાં છોકરાંનો સંહાર કરીશ; જેથી સર્વ વિશ્વાસી સમુદાય જાણશે કે મન તથા અંતઃકરણનો પારખનાર હું છું; તમને દરેકને હું તમારાં કામ પ્રમાણે બદલો આપીશ.

બાકીના જે માણસો તે આફતોથી મારી નંખાયા નહિ, તેઓએ પોતાના હાથની કૃતિઓ સંબંધી એટલે કે દુષ્ટાત્માઓની, સોનાની, રૂપાની, પિત્તળની, પથ્થરની તથા લાકડાની મૂર્તિઓ જેઓને જોવાની તથા સાંભળવાની તથા ચાલવાની પણ શક્તિ નથી, તેઓની ઉપાસના કરવાનો પસ્તાવો કર્યો નહિ.

પણ બીકણો, અવિશ્વાસીઓ, દુર્જનો, હત્યારાઓ, વ્યભિચારીઓ, તાંત્રિકો, મૂર્તિપૂજકો તથા સઘળા જૂઠું બોલનારાઓને, અગ્નિ તથા ગંધકથી બળનારી ખાઈમાં ફેંકવામાં આવશે. એ જ બીજું મરણ છે."

Gujarati - ગુજરાતી - GU

GUBCS - Gujarati Bridge Connectivity Solutions - 2017

This Bible text is from Gujarati Indian Revised Version IRV
https://open.bible/bibles/gujarati-bridge-text-bible/
provided by: Bridge Connectivity Solutions Pvt Ltd, available by Creative Commons CC-BY-SA-4.0,
and this new compilation is shared as www.creativecommons.org/licenses/by-sa/4.0.
Languages are made available to you by www.ipedge.net