29 – રાક્ષસો

આ સર્વશક્તિમાન ઈશ્વરના પવિત્ર શબ્દો છે.
આપણને મનુષ્યના શબ્દોમાં રસ નથી.
જે કોઈ પણ ઈશ્વરને પ્રેમ કરે છે તેના માટે... ઈશ્વર આના વિશે કહે છે: રાક્ષસો.

ટોચની 3 સૌથી નોંધપાત્ર છંદો

કેમ કે જે નર્કદૂતોએ પાપ કર્યું તેઓને ઈશ્વરે છોડ્યાં નહિ, પણ તેઓને નર્કમાં નાખીને ન્યાયચૂકાદા સુધી અંધકારનાં ખાડાઓમાં રાખ્યા;

પણ પવિત્ર આત્મા સ્પષ્ટ કહે છે કે, પાછલા સમયોમાં છેતરનાર આત્માઓ પર તથા દુષ્ટાત્માઓનાં શિક્ષણ પર લક્ષ રાખી,

હે તેજસ્વી તારા, પ્રભાતના પુત્ર, તું ઊંચે આકાશમાંથી કેમ પડ્યો છે! બીજી પ્રજાઓ પર જય પામનાર, તને કેમ કાપી નાખીને જમીનદોસ્ત કરવામાં આવ્યો છે! તેં તારા હૃદયમાં કહ્યું હતું, 'હું આકાશમાં ઊંચે ચઢીશ અને ઈશ્વરના તારાઓ કરતાં પણ મારું સિંહાસન ઊંચું રાખીશ અને હું છેક ઉત્તરના છેડાના, સભાના પર્વત પર બેસીશ; હું સર્વથી ઊંચાં વાદળો પર ચઢી જઈશ; અને હું પોતાને પરાત્પર ઈશ્વર સમાન કરીશ.' તે છતાં તને શેઓલ સુધી નીચે, અધોલોકના તળિયે પાડવામાં આવ્યો છે!

દરેક શ્લોક કેનોનિકલ ઓર્ડરમાં - 173 ફકરાઓ

હવે યહોવા ઈશ્વરે ઉત્પન્ન કરેલાં સર્વ પ્રાણીઓમાં સાપ સૌથી વધારે ધૂર્ત હતો. તેણે સ્ત્રીને કહ્યું કે, "શું ઈશ્વરે ખરેખર તમને એવું કહ્યું છે કે, 'વાડીના કોઈપણ વૃક્ષનું ફળ તમારે ન ખાવું?'" સ્ત્રીએ સાપને કહ્યું કે, "વાડીનાં વૃક્ષોનાં ફળ અમે ખાઈ શકીએ છીએ, પણ ઈશ્વરે કહેલું છે કે, "જે વૃક્ષ વાડીની મધ્યમાં છે તેનું ફળ 'તમારે ખાવું નહિ કે અડકવું નહિ. જો ખાશો તો તમે મૃત્યુ પામશો.'" સાપે સ્ત્રીને કહ્યું કે, "તમે મૃત્યુ નહિ પામો. કેમ કે ઈશ્વર જાણે છે કે જે દિવસે તમે તેને ખાશો તે જ દિવસે તમારી આંખો ઉઘડી જશે અને તમે ઈશ્વર સમાન સારું શું અને નરસું શું છે તે સમજનારાં થશો." તે વૃક્ષનું ફળ ખાવામાં સ્વાદિષ્ટ, જોવામાં સુંદર અને તે જ્ઞાન આપવાને ઇચ્છવાજોગ છે, એવું જાણીને સ્ત્રીએ તે ફળ તોડીને ખાધું અને તેની સાથે તેનો પતિ હતો તેને પણ આપ્યું. તેણે પણ ફળ ખાધું.

યહોવા ઈશ્વરે તે સ્ત્રીને કહ્યું, "આ તેં શું કર્યું?" સ્ત્રીએ કહ્યું કે, "સાપે મને છેતરી. તેથી મેં ફળ ખાધું." યહોવા ઈશ્વરે સાપને કહ્યું કે, "તેં આ કૃત્ય કર્યું છે, તેથી તું સર્વ ગ્રામ્યપશુઓ તથા વનપશુઓની વચ્ચે હવે શાપિત છે. તું પેટે ચાલશે અને પોતાના જીવનના સર્વ દિવસો સુધી તારે ધૂળ ખાવી પડશે. તારી અને સ્ત્રીની વચ્ચે તથા તારા સંતાનની અને તેના સંતાનની વચ્ચે હું વૈર કરાવીશ. તે તારું માથું છૂંદશે અને તું તેની એડીએ ડંખ મારશે."

પૃથ્વી પર માણસો વધવા લાગ્યાં. તેમાં દીકરીઓના પણ જન્મ થયા, ત્યારે એમ થયું કે, ઈશ્વરના દીકરાઓએ જોયું કે માણસોની દીકરીઓ મનમોહક છે. તેઓમાંથી તેઓએ પોતાને માટે તેમને પત્નીઓ તરીકે પસંદ કરી. ઈશ્વરે કહ્યું કે, "મારો આત્મા માનવજાતમાં સદા રહેશે નહિ, કેમ કે તેઓ શરીર છે. તેઓનું આયુષ્ય એકસો વીસ વર્ષનું રહેશે." ઈશ્વરના દીકરાઓએ માણસોની દીકરીઓ સાથે લગ્ન કર્યાં અને તેઓથી તેમને બાળકો થયાં. તેઓમાં પૃથ્વી પર પુરાતનકાળના સશક્ત અને નામાંકિત મહાકાય પુરુષો હતા.

લોકો વિદેશી દુષ્ટાત્માને તેઓના અર્પણ ચઢાવવાની ઇચ્છા રાખે નહિ, કેમ કે આ રીતે તેઓ ગણિકાઓ માફક વર્ત્યા છે. ઇઝરાયલીઓ અને તેઓના વંશજો માટે આ હંમેશનો વિધિ થાય.'

ભૂવા કે જાદુગરો પાસે જઈને તેમને પ્રશ્નો પૂછીને તેમની સલાહ લઈને તમારી જાતને અશુદ્ધ કરશો નહિ, કારણ કે હું યહોવાહ તમારો ઈશ્વર છું.

જે વ્યક્તિ ભૂવાઓ અથવા દુષ્ટ આત્માઓ સાથે વાત કરનારા તથા તેમની સાથે વ્યભિચાર કરે અને સલાહ લે તેની વિરુદ્ધ હું મારું મુખ રાખીશ; હું તેનો તેના લોકમાંથી નાશ કરીશ.

તમારામાંથી જે કોઈ પુરુષ કે સ્ત્રી ભૂવા કે જાદુગર હોય તેને મૃત્યુદંડ આપવો. લોકોએ તેઓને પથ્થરો વડે મારી નાખવાં. તેઓ દોષી છે અને તેઓ મૃત્યુને લાયક છે.

કેમ કે મોઆબીઓ તે લોકોને પોતાના દેવોને બલિદાન અર્પણ કરવા આમંત્રણ આપતા હતા. તેથી લોકોએ ખાધું અને મોઆબીઓના દેવોની પૂજા કરી. ઇઝરાયલના માણસો પેઓરના બઆલની પૂજામાં સામેલ થયા, એટલે યહોવાહ ઇઝરાયલ પર કોપાયમાન થયા.

તમારી મધ્યે એવો કોઈ માણસ હોવો ન જોઈએ કે જે પોતાના દીકરાને કે દીકરીને અગ્નિમાં ચલાવતો હોય, કે, જોષ જોતો હોય કે, શકુન જોતો હોય કે, ધંતરમંતર કરનાર કે જાદુગર, મોહિની લગાડનાર કે મૂઠ મારનાર, ઈલમી કે ભૂવો હોય.

તેઓ ભૂતોને કે જે ઈશ્વર ન હતા તેઓને, જે દેવોને તેઓ જાણતા ન હતા, ટૂંક સમયમાં જ પ્રગટ થયેલા દેવોને કે જે દેવોથી તમારા પિતાઓ બીતા ન હતા તેઓને બલિદાનો ચઢાવતા હતા.

ઇઝરાયલી લોકોએ યહોવાહની દ્રષ્ટિમાં જે દુષ્ટ હતું તે કર્યું અને તેઓએ બઆલીમની પૂજા કરી.

હવે ઈશ્વરનો કોશ પલિસ્તીઓના હાથમાં આવ્યો હતો, તેને તેઓ એબેન-એઝેરમાંથી આશ્દોદમાં લાવ્યા. પલિસ્તીઓએ ઈશ્વરનો કોશ, દાગોનના મંદિરમાં લાવીને દાગોનની પાસે મૂક્યો. જયારે બીજે દિવસે આશ્દોદીઓ વહેલી સવારે ઊઠ્યા, ત્યારે, જુઓ, દાગોને ઈશ્વરના કોશ આગળ ભૂમિ પર ઊંધો પડેલો હતો. તેથી તેઓએ દાગોનને લઈને તેના અસલ સ્થાને પાછો બેસાડ્યો. બીજે દિવસે તેઓ વહેલી સવારે ઊઠ્યા, ત્યારે પણ, ઈશ્વરના કોશ આગળ દાગોન ભૂમિ પર ઊંધો પડેલો હતો. દાગોનનું શિર તથા તેના બન્ને હાથો દરવાજાના ઉંબરા ભાંગી પડેલાં હતાં. કેવળ દાગોનનું ધડ રહ્યું હતું. માટે, દાગોનના યાજક તથા જે કોઈ દાગોનના મંદિરમાં આવે છે તેઓ આજે પણ આશ્દોદમાં દાગોનના દરવાજાના ઉંબરા પર પગ મૂકતા નથી. ઈશ્વરનો હાથ આશ્દોદીઓ ઉપર ભારે હતો. તેમણે તેઓનો નાશ કર્યો, તેઓને એટલે આશ્દોદ તથા તેની સરહદમાં રહેનારાઓને ગાંઠના રોગથી માર્યા. જયારે આશ્દોદના માણસોએ જોયું કે આમ થયું છે ત્યારે તેઓએ કહ્યું, "ઇઝરાયલના ઈશ્વરનો કોશ આપણી વચ્ચે રખાય નહિ; કેમ કે તેમનો હાથ આપણા ઉપર આપણા દેવ દાગોન ઉપર સખત છે."

હવે ઈશ્વરનો આત્મા શાઉલ પાસેથી જતો રહ્યો હતો અને ઈશ્વર તરફથી એક દુષ્ટ આત્મા તેને હેરાન કરતો હતો. શાઉલના દાસોએ તેને કહ્યું, "જો, ઈશ્વર તરફથી એક દુષ્ટ આત્મા તને હેરાન કરે છે. અમારા માલિકે પોતાની હજૂરમાંના પોતાના દાસોને એવી આજ્ઞા કરવી કે વીણા વગાડનાર એક કુશળ માણસને શોધી લાવો. ત્યાર પછી જયારે દુષ્ટ આત્મા ઈશ્વર તરફથી તારા ઉપર આવે ત્યારે એમ થશે કે, તે વીણા વગાડશે અને તું દુષ્ટાત્માથી મુક્ત થશે."

ઈશ્વર તરફથી દુષ્ટ આત્મા શાઉલ પર આવતો, ત્યારે એમ થતું કે, દાઉદ વીણા લઈને પોતાના હાથથી વગાડતો. તેથી શાઉલ સાજો તાજો થઈ જતો અને તે દુષ્ટ આત્મા તેની પાસેથી જતો રહેતો.

બીજે દિવસે ઈશ્વર તરફથી એક દુષ્ટ આત્મા શાઉલ પર જોશભેર આવ્યો, તે ઘરમાં બકવાટ કરવા લાગ્યો. તેથી દાઉદ પોતાના નિત્યના ક્રમ મુજબ વાજિંત્ર વગાડતો હતો. તે વખતે શાઉલના હાથમાં પોતાનો ભાલો હતો.

ઈશ્વર તરફથી દુષ્ટ આત્મા શાઉલ પર આવ્યો ત્યારે તે પોતાનો ભાલો હાથમાં લઈને પોતાના ઘરમાં બેઠો હતો, તે વખતે દાઉદ પોતાનું વાજિંત્ર વગાડતો હતો.

સુલેમાન સિદોનીઓની દેવી આશ્તોરેથનો તથા આમ્મોનીઓના ધિક્કારપાત્ર મિલ્કોમ દેવનો પૂજારી થયો. આ રીતે સુલેમાને ઈશ્વરની દ્રષ્ટિમાં અઘટિત કાર્ય કર્યું અને તેના પિતા દાઉદની જેમ તે સંપૂર્ણ હૃદયથી ઈશ્વરને અનુસર્યા નહિ. પછી સુલેમાને મોઆબના ધિક્કારપાત્ર દેવ કમોશ માટે અને આમ્મોનીઓના ધિક્કારપાત્ર દેવ મોલેખ માટે યરુશાલેમની નજીક આવેલા પર્વત પર એક ઉચ્ચસ્થાન બંધાવ્યું.

પછી મિખાયાએ કહ્યું, "એ માટે તમે યહોવાહની વાત સાંભળો: મેં યહોવાહને તેમના સિંહાસન પર બેઠેલા અને આકાશનું સર્વ સૈન્ય તેમને જમણે તથા ડાબે હાથે તેમની પાસે ઊભેલું જોયું. યહોવાહે કહ્યું, 'કોણ આહાબને લલચાવે કે જેથી તે રામોથ-ગિલ્યાદ પર ચઢાઈ કરે અને ત્યાં માર્યો જાય?' ત્યારે એક જણે આમ કહ્યું અને બીજાએ બીજો જવાબ આપ્યો. પછી આત્માએ આગળ આવીને યહોવાહની સમક્ષ ઊભા રહીને કહ્યું, 'હું તેને લલચાવીશ.' યહોવાહે તેને કહ્યું, 'કેવી રીતે?' આત્માએ જવાબ આપ્યો, 'હું અહીંથી જઈને તેના સર્વ પ્રબોધકોના મુખમાં પેસીને જૂઠું બોલનાર આત્મા થઈશ.' યહોવાહે જવાબ આપ્યો, 'તું તેને લલચાવીશ અને સફળ પણ થઈશ. હવે જા અને એ પ્રમાણે કર.' હવે જો, યહોવાહે આ તમારા સર્વ પ્રબોધકોના મુખમાં જૂઠું બોલનાર આત્મા મૂક્યો છે અને યહોવાહે તમારું અહિત ઉચ્ચાર્યું છે."

તેઓએ પોતાના ઈશ્વર યહોવાહની આજ્ઞાઓનો ત્યાગ કર્યો. પોતાના માટે વાછરડાના આકારની ધાતુની બે મૂર્તિઓ બનાવી. તેઓએ અશેરાદેવીની મૂર્તિ બનાવી, આકાશનાં બધાં જ્યોતિમંડળની અને બાલની પૂજા કરી હતી. તેઓએ પોતાના દીકરા અને દીકરીઓનાં બલિદાન અગ્નિમાં દહનીયાપર્ણની માફક આપ્યાં હતાં. તેઓ શકુનવિદ્યા અને તંત્રમંત્રનો ઉપયોગ કરતા હતા. યહોવાહની દ્રષ્ટિમાં જે ખોટું હતું તે કરવા માટે પોતાને વેચીને યહોવાહને ગુસ્સે કર્યા હતા.

યોશિયાએ મરેલાંઓ અને આત્માઓ સાથે વાત કરનારનો નાશ કર્યો. વળી તેણે જાદુગરોને, મૂર્તિઓને, તથા યહૂદિયા અને યરુશાલેમમાં જોવામાં આવેલી બધી ધિક્કારપાત્ર વસ્તુઓને દૂર કરી, જેથી યહોવાહના સભાસ્થાનમાંથી હિલ્કિયા યાજકને મળેલા પુસ્તકમાં લખેલાં નિયમશાસ્ત્રનાં વચનોને તે અમલમાં લાવે.

શાઉલે ઈશ્વરનું વચન ન પાળવાથી તેમની વિરુદ્ધ જે પાપ કર્યું હતું અને ઈશ્વરને ન પૂછતાં મેલી વિદ્યા જાણનારની સલાહ લીધી હતી, તેને લીધે તે મરણ પામ્યો.

ઇઝરાયલની વિરુદ્ધ ષડયંત્ર રચવા માટે શેતાને દાઉદને ઇઝરાયલની વસ્તી ગણતરી કરવાને લલચાવ્યો.

યરોબામે સભાસ્થાનને માટે, પોતે બનાવેલા વાછરડાની અને બકરાની મૂર્તિની પૂજા માટે, તેઓના સ્થાને અન્ય યાજકો નિયુકત કર્યા.

વળી તેણે બેન-હિન્નોમની ખીણમાં પોતાનાં જ છોકરાનું અગ્નિમાં બલિદાન કર્યું. તેણે શુકન જોવડાવ્યા, મેલીવિદ્યા કરી, જાદુમંત્રનો ઉપયોગ કર્યો અને ભૂવાઓ તથા તાંત્રિકોની સલાહ લીધી. ઈશ્વરની નજરમાં તેણે સર્વ પ્રકારની દુષ્ટતા કરીને તેણે ઈશ્વરને અતિશય કોપાયમાન કર્યાં.

એક દિવસ દૂતો યહોવાહની આગળ હાજર થયા. તેઓની સાથે શેતાન પણ આવ્યો. યહોવાહે શેતાનને પૂછ્યું, ''તું ક્યાં જઈ આવ્યો? શેતાને યહોવાહને જવાબ આપ્યો. ''હું પૃથ્વી પર આમતેમ સર્વત્ર ફરીને આવ્યો છું. પછી યહોવાહે શેતાનને કહ્યું, ''શું તેં મારા સેવક અયૂબને લક્ષમાં લીધો છે? પૃથ્વી પર તેના જેવો નિર્દોષ, પ્રામાણિક, ઈશ્વરથી ડરનાર તથા દુષ્ટતાથી દૂર રહેનાર બીજો કોઈ પુરુષ નથી.'' ત્યારે શેતાને યહોવાહને ઉત્તર આપ્યો કે,'' શું અયૂબ કારણ વિના ઈશ્વરની બીક રાખે છે? શું તમે તેનું, તેના ઘરનું તથા તેનાં હાથનાં કામોની ચોગરદમ વાડ બનાવી નથી? તમે તેને અને તેના કામધંધાને આશીર્વાદ આપ્યો છે. તેથી દેશમાં તેની સંપત્તિ વધી ગઈ છે. પણ તમારો હાથ લંબાવીને તેની સંપત્તિને સ્પર્શ કરો એટલે તે તમારા મોઢે ચઢીને શ્રાપ આપશે.'' યહોવાહે શેતાનને કહ્યું, ''જો, તેનું તમામ હું તારા હાથમાં સોંપું છું. પણ તેના શરીરને નુકસાન કરતો નહિ એ પછી શેતાન યહોવાહની હાજરીમાંથી ચાલ્યો ગયો.

એક દિવસે દૂતો ફરી યહોવાહની સમક્ષ હાજર થયા, તેઓની સાથે શેતાન પણ આવીને યહોવાહની આગળ હાજર થયો. યહોવાહે શેતાનને પૂછ્યું, ''તું ક્યાં જઈ આવ્યો?'' શેતાને યહોવાહને કહ્યું, ''હું પૃથ્વી પર આમતેમ સર્વત્ર ફરીને આવ્યો છું.'' યહોવાહે શેતાનને પૂછ્યું કે, ''શું તે મારા સેવક અયૂબને લક્ષમાં લીધો છે? પૃથ્વી પર તેના જેવો સંપૂર્ણ, પ્રામાણિક, ઈશ્વરભક્ત તથા દુષ્ટતાથી દૂર રહેનાર બીજો કોઈ પુરુષ નથી. જો'' કે તેને વિનાકારણ પાયમાલ કરવાને તેં મને ઉશ્કેર્યો હતો. છતાં હજી સુધી તે પોતાના પ્રામાણિકપણાને દ્રઢતાથી વળગી રહ્યો છે.'' શેતાને યહોવાહને જવાબ આપ્યો, ''ચામડીને બદલે ચામડી હા, માણસ પોતાના જીવને બદલે તો પોતાનું સર્વસ્વ આપે. પણ તમારો હાથ લંબાવીને તેના હાડકાને તથા તેના શરીરને સ્પર્શ કરો. એટલે તે તમારે મોઢે ચઢીને તમને શાપ દેશે.'' યહોવાહે શેતાનને કહ્યું કે, ''જો, તે તારા હાથમાં છે; ફક્ત તેનો જીવ બચાવજે.'' પછી યહોવાહ પાસેથી શેતાન ચાલ્યો ગયો, તેણે અયૂબને તેના પગના તળિયાથી તે તેના માથા સુધી ગૂમડાંનું દુ:ખદાયક દર્દ ઉત્પન્ન કર્યું.

તેઓએ પોતાનાં દીકરા તથા દીકરીઓનું અશુદ્ધ આત્માઓને બલિદાન આપ્યું. તેઓએ નિર્દોષ લોહી, એટલે પોતાનાં દીકરાદીકરીઓનું લોહી વહેવડાવ્યું, તેનું તેઓએ કનાનની મૂર્તિઓને બલિદાન કર્યુ, લોહીથી દેશને અશુદ્ધ કર્યો.

જ્યારે તું ઊંડાણમાં જાય ત્યારે શેઓલ તને ત્યાં મળવાને આતુર થઈ રહ્યું છે. તે તારે લીધે પૃથ્વીના સર્વ રાજાઓને તથા મૂએલાઓના આત્માઓને જાગૃત કરે છે, વિદેશીઓના સર્વ રાજાઓને તેમના રાજ્યાસન પરથી ઉતાર્યા છે. તેઓ સર્વ બોલી ઊઠશે અને તને કહેશે, 'તું પણ અમારા જેવો નબળો થયો છે, તું અમારા સરખો થયો છે. તારા વૈભવને તથા તારા ગૌરવ માટે વાગતી વીણાના અવાજને શેઓલ સુધી ઉતારવામાં આવ્યા છે. તારી નીચે અળસિયાં પાથરેલાં છે અને કૃમિ તને ઢાંકે છે.'

હે તેજસ્વી તારા, પ્રભાતના પુત્ર, તું ઊંચે આકાશમાંથી કેમ પડ્યો છે! બીજી પ્રજાઓ પર જય પામનાર, તને કેમ કાપી નાખીને જમીનદોસ્ત કરવામાં આવ્યો છે! તેં તારા હૃદયમાં કહ્યું હતું, 'હું આકાશમાં ઊંચે ચઢીશ અને ઈશ્વરના તારાઓ કરતાં પણ મારું સિંહાસન ઊંચું રાખીશ અને હું છેક ઉત્તરના છેડાના, સભાના પર્વત પર બેસીશ; હું સર્વથી ઊંચાં વાદળો પર ચઢી જઈશ; અને હું પોતાને પરાત્પર ઈશ્વર સમાન કરીશ.' તે છતાં તને શેઓલ સુધી નીચે, અધોલોકના તળિયે પાડવામાં આવ્યો છે!

જ્યારે તેઓ તને જોશે તને નિહાળશે; તેઓ તારા વિશે વિચાર કરશે. તેઓ કહેશે કે 'શું આ એ જ માણસ છે, જેણે પૃથ્વીને થથરાવી હતી, જેણે રાજ્યોને ડોલાવ્યાં હતાં, જેણે જગતને અરણ્ય જેવું કર્યું હતું, જેણે તેમનાં નગરો પાયમાલ કરી નાખ્યાં હતાં, જેણે પોતાના બંદીવાનોને છૂટા કરીને ઘરે જવા ન દીધા, તે શું આ છે?'

હે સર્વ પલિસ્તીઓ, જે છડીએ તમને માર્યા તે ભાંગી ગઈ છે, એ માટે હરખાશો નહિ. કેમ કે સાપના મૂળમાંથી નાગ નીકળશે અને તેમાંથી ઊડતા સાપ પેદા થશે.

તે દિવસે યહોવાહ પોતાની સખત, મહાન અને સમર્થ તરવારથી વેગવાન સર્પ લિવિયાથાનને, એટલે ગૂંછળિયા સર્પ લિવિયાથાનને શિક્ષા કરશે. અને જે અજગર સમુદ્રમાં રહે છે તેને તે મારી નાંખશે.

નેગેવનાં પશુઓ વિષે ઈશ્વરવાણી: દુઃખ તથા સંકટનો દેશ કે જેમાંથી સિંહ તથા સિંહણ, નાગ તથા ઊડતા સર્પ આવે છે, તેમાં થઈને તેઓ, જે લોકોથી તેમને મદદ થઈ શકે નહિ, તેઓની પાસે ગધેડાની પીઠ પર પોતાનું દ્રવ્ય, તથા ઊંટોની પીઠ પર પોતાના ખજાના લાદીને લઈ જાય છે.

''પ્રજાઓમાં પ્રગટ કરીને સંભળાવો. ધ્વજા ફરકાવી અને જાહેર કરો. છુપાવશો નહિ. કહો કે, બાબિલ જિતાયું છે. બેલ લજ્જિત થયો છે. મેરોદાખના ભાંગીને ટુકડેટુકડા થઈ ગયા છે. તેની મૂર્તિઓને લજ્જિત કરવામાં આવી છે; તેનાં પૂતળાંને ભાંગી નાખવામાં આવ્યાં છે.'

"હે મનુષ્ય પુત્ર, તૂરના રાજાને માટે વિલાપગીત ગા. તેને કહે કે, 'પ્રભુ યહોવાહ આમ કહે છે: તું સંપૂર્ણતાનો નમૂનો હતો, તું ડહાપણથી ભરપૂર અને સૌદર્યમાં સંપૂર્ણ હતો. તું ઈશ્વરના એદન બગીચામાં હતો, તું બધી જાતનાં મૂલ્યવાન રત્નો, હીરા, માણેક, પોખરાજ, નીલમણિ, પીરોજ, ગોમેદ, યાસપિસ, લીલમણિ તથા અગ્નિમણિથી આભૂષિત હતો. તારાં આભૂષણો સોનાનાં હતાં. તારા જન્મ દિવસે તારે માટે બનાવવામાં આવ્યાં હતાં. તું રક્ષણ કરનાર અભિષિક્ત કરુબ હતો; મેં તને ઈશ્વરના પવિત્ર પર્વત પર સ્થાપ્યો હતો. અગ્નિના ચળકતા પથ્થરો પર ચાલતો હતો. તારી ઉત્પતિના દિવસથી તારામાં દુષ્ટતા માલૂમ પડી ત્યાં સુધી તારું આચરણ નિષ્કલંક હતું.

તારા વધતા જતા વ્યાપારથી તું હિંસાખોર થઈ ગયો, તેં પાપ કર્યું. આથી મેં તને ભ્રષ્ટ ગણીને ઈશ્વરના પવિત્ર પર્વત પરથી ફેંકી દીધો છે. હે રક્ષણ કરનાર કરુબ, અગ્નિના પથ્થરોમાંથી મેં તારો વિનાશ કર્યો છે. તારા સૌદર્યને કારણે તારું મન ગર્વિષ્ઠ થયું હતું; તારા વૈભવને કારણે તેં તારી બુદ્ધિ ભ્રષ્ટ કરી છે. મેં તને જમીનદોસ્ત કરી નાખ્યો છે! બીજા રાજાઓ તને જુએ માટે મેં તને તેઓની આગળ બેસાડ્યો છે. તારાં ઘણાં પાપોથી અને તારા વેપારમાં દગા કરીને, તેં તારા પવિત્રસ્થાનો ભ્રષ્ટ કર્યાં છે! આથી, મેં તારામાં અગ્નિ સળગાવ્યો છે; તે તને ભસ્મ કરશે. તને જોનારા સૌની નજરમાં મેં તને રાખ કરી નાખ્યો છે. જે પ્રજાઓ તને ઓળખે છે તે બધી તને જોઈને કંપી ઊઠશે; તેઓ ભયભીત થશે, સદાને માટે તારો નાશ થશે.'"

પછી તેણે મને કહ્યું, " હે દાનિયેલ, બીશ નહિ, કેમ કે, તેં તારું મન સમજવામાં તથા તારા ઈશ્વરની આગળ નમ્ર થવામાં લગાડ્યું તે દિવસથી જ તારી પ્રાર્થના સાંભળવામાં આવી છે. તારી વિનંતીને કારણે હું અહીં આવ્યો છું. ઇરાનના રાજ્યના રાજકુમારે મારી સામે ટક્કર લીધી, ઇરાનના રાજા સાથે મને એકવીસ દિવસ સુધી રાખવામાં આવ્યો. પણ મુખ્ય રાજકુમારોમાંનો એક એટલે મિખાયેલ, મારી મદદે આવ્યો.

તેણે કહ્યું, "તું જાણે છે હું શા માટે તારી પાસે આવ્યો છું? હવે હું ઇરાનના રાજકુમાર સાથે યુદ્ધ કરવા પાછો જઈશ. જ્યારે હું જઈશ, ત્યારે ગ્રીસનો રાજકુમાર આવશે. પણ સત્યના પુસ્તકમાં શું લખેલું છે એ હું તને કહીશ. અને તેઓની વિરુદ્ધ યુદ્ધ કરવામાં તારા સરદાર મિખાયેલ સિવાય કોઈ મને મદદ કરતો નથી.

પ્રમુખ યાજક યહોશુઆને યહોવાહના દૂત આગળ ઊભો રહેલો અને તેને જમણે હાથે તેના ઉપર આરોપ મૂકવા માટે શેતાનને ઊભો રહેલો તેણે મને દેખાડ્યો. યહોવાહના દૂતે શેતાનને કહ્યું, "યહોવાહ તને ઠપકો આપો, ઓ શેતાન; યરુશાલેમને પસંદ કરનાર યહોવાહ તને ધમકાવો. શું તું અગ્નિમાંથી ઉપાડી લીધેલા ખોયણા જેવો નથી?"

સૈન્યોના યહોવાહ કહે છે કે "તે દિવસે હું દેશમાંથી મૂર્તિઓનું નામ નાબૂદ કરીશ કે ફરી તેઓને યાદ કરવામાં આવે નહિ; હું જૂઠા પ્રબોધકોને તથા અશુદ્ધ આત્માને દેશમાંથી દૂર કરીશ.

પછી ઈસુનું પરીક્ષણ શેતાનથી થાય એ માટે આત્મા તેમને અરણ્યમાં લઈ ગયા. ચાળીસ રાતદિવસ ઉપવાસ કર્યા પછી તેમને ભૂખ લાગી. પરીક્ષણ કરનારે તેમની પાસે આવીને કહ્યું કે, 'જો તું ઈશ્વરનો દીકરો છે, તો આ પથ્થરોને કહે કે, તેઓ રોટલી થઈ જાય.' પણ ઈસુએ ઉત્તર આપતા કહ્યું કે, એમ લખેલું છે કે, 'માણસ એકલી રોટલીથી નહિ, પણ દરેક શબ્દ જે ઈશ્વરના મુખમાંથી નીકળે છે તેથી જીવશે.' ત્યારે શેતાન તેમને પવિત્ર નગરમાં લઈ ગયો અને ભક્તિસ્થાનના બુરજ પર તેમને ઉભો રાખો; અને તેમને કહ્યું કે, 'જો તું ઈશ્વરનો દીકરો છે, તો પોતાને નીચે પાડી નાખ; કેમ કે એમ લખેલું છે કે, 'ઈશ્વર પોતાના સ્વર્ગદૂતોને તારા સંબંધી આજ્ઞા કરશે; અને દૂતો તને પોતાના હાથો પર ધરી લેશે, જેથી તારો પગ પથ્થર સાથે ન અફળાય.' ઈસુએ તેને કહ્યું, એમ પણ લખેલું છે કે, 'પ્રભુ તારા ઈશ્વરનું તું પરીક્ષણ ન કર.' ફરીથી શેતાન તેને ઘણાં ઊંચા પહાડ ઉપર લઈ ગયો અને દુનિયાના સઘળાં રાજ્યો તથા તેઓનો વૈભવ તેમને બતાવ્યું; અને તેને કહે છે કે, 'જો તું પગે પડીને મારું ભજન કરશે, તો આ સઘળાં હું તને આપીશ.' ત્યારે ઈસુ તેને કહે છે કે, 'અરે શેતાન, દૂર જા; કેમ કે લખેલું છે કે, 'પ્રભુ તારા ઈશ્વરનું ભજન કર અને એકલા તેમની જ સેવા કર.' ત્યારે શેતાન તેમને મૂકીને ગયો; અને સ્વર્ગદૂતોએ તેમની પાસે આવીને તેમની સેવા કરી.

ત્યારે આખા સિરિયામાં તેમની કીર્તિ ફેલાઈ ગઈ, સઘળાં માંદાઓને, એટલે અનેક જાતનાં રોગીથી પીડાતાઓને, દુષ્ટાત્મા વળગેલાંઓને, વાઈના રોગીઓને તથા લકવાગ્રસ્તોને તેઓ તેમની પાસે લાવ્યા; અને તેમણે તેઓને સાજાં કર્યા.

જેઓ મને 'પ્રભુ, પ્રભુ,' કહે છે, તેઓ સર્વ સ્વર્ગના રાજ્યમાં પ્રવેશશે એમ તો નહિ, પણ જેઓ મારા આકાશમાંના પિતાની ઇચ્છા પ્રમાણે કરે છે તેઓ જ પ્રવેશશે. તે દિવસે ઘણાં મને કહેશે કે, 'પ્રભુ, પ્રભુ,' શું અમે તમારે નામે પ્રબોધ કર્યો નહોતો? તમારે નામે ભૂતોને કાઢયાં નહોતાં? અને તમારે નામે ઘણાં પરાક્રમી કામો કર્યા નહોતાં? ત્યારે હું તેઓને સ્પષ્ટ કહીશ કે, મેં તમને કદી પણ ઓળખ્યા નહિ; ઓ દુષ્ટકર્મીઓ, તમે મારી પાસેથી દૂર જાઓ.

સાંજ પડી ત્યારે તેઓ ઘણાં દુષ્ટાત્મા વળગેલાંઓને તેમની પાસે લાવ્યા અને તેમણે શબ્દથી તે દુષ્ટાત્માઓને બહાર કાઢ્યાં, અને સઘળાં માંદાઓને સાજાં કર્યાં.

જયારે ઈસુ પેલે પાર ગાડરેનેસના દેશમાં પહોંચ્યા ત્યારે દુષ્ટાત્મા વળગેલા બે માણસ કબરોમાંથી નીકળતા તેમને મળ્યા, તેઓ એવા બિહામણા હતા કે તે માર્ગે કોઈથી જવાતું નહોતું. જુઓ, તેઓએ બૂમ પાડતાં કહ્યું કે, "ઓ ઈશ્વરના દીકરા, અમારે ને તમારે શું છે? નિશ્ચિત સમય અગાઉ તમે અમને પીડા દેવાને અહીં આવ્યા છો શું?" હવે તેઓથી બહુ દૂર ઘણાં ભૂંડોનું એક ટોળું ચરતું હતું. દુષ્ટાત્માઓએ તેમને વિનંતી કરતાં કહ્યું કે, "જો તમે અમને કાઢો તો ભૂંડોના ટોળામાં અમને મોકલો." ઈસુએ તેઓને કહ્યું કે, 'જાઓ.' પછી તેઓ નીકળીને ભૂંડોમાં પેઠાં; અને જુઓ, આખું ટોળું ટેકરીની ધાર પરથી સમુદ્રમાં ઘસી પડ્યું અને પાણીમાં ડૂબી મર્યું. ત્યારે ચરાવનારા ભાગ્યા, તેઓએ નગરમાં જઈને સઘળું કહી સંભળાવ્યું; સાથે દુષ્ટાત્મા વળગેલાઓને શું થયું તે પણ કહ્યું.

તેઓ બહાર ગયા ત્યારે જુઓ, દુષ્ટાત્મા વળગેલા એક મૂંગા માણસને લોકો તેમની પાસે લાવ્યા. દુષ્ટાત્મા કાઢવામાં આવ્યો ત્યારે તે મૂંગો માણસ બોલ્યો અને લોકોએ આશ્ચર્ય પામીને કહ્યું કે, "ઇઝરાયલમાં આવું કદી જોવામાં આવ્યું નથી!" પણ ફરોશીઓએ કહ્યું કે, "તે ભૂતોના સરદારથી જ ભૂતોને કાઢે છે."

પછી ઈસુએ પોતાના બાર શિષ્યોને પાસે બોલાવીને અશુદ્ધ આત્માઓને કાઢવાનો, તથા દરેક પ્રકારનો મંદવાડ તથા દરેક જાતનો રોગ મટાડવાનો અધિકાર તેઓને આપ્યો.

માંદાઓને સાજાં કરો, રક્તપિત્તના રોગીઓને શુદ્ધ કરો, મૂએલાંઓને સજીવન કરો, દુષ્ટાત્માઓને કાઢો, તમે મફત પામ્યા છો, મફત આપો.

ત્યારે દુષ્ટાત્મા વળગેલા કોઈ અંધ, મૂંગા માણસને તેઓ તેમની પાસે લાવ્યા; તેમણે તેને સાજો કર્યો, એટલે જે અંધ તથા મૂંગો હતો તે બોલવા અને જોવા લાગ્યો. સર્વ લોકોએ આશ્ચર્ય પામીને કહ્યું કે, "શું આ દાઉદનો દીકરો હોઈ શકે?"

પણ ફરોશીઓએ તે સાંભળીને કહ્યું કે, "ભૂતોના સરદાર બાલઝબૂલની મદદથી જ તે ભૂતોને કાઢે છે." ત્યારે ઈસુએ તેઓનો વિચાર જાણીને તેઓને કહ્યું કે, "દરેક રાજ્ય જે ભાગલા પડે, તે તૂટી પડે છે; તથા દરેક નગર અથવા ઘર જે ભાગલા પડે, તે સ્થિર નહિ રહેશે. જો શેતાન શેતાનને કાઢે તો તે પોતે પોતાની સામે થયો; તો પછી તેનું રાજ્ય શી રીતે સ્થિર રહેશે? જો હું બાલઝબૂલની મદદથી ભૂતોને કાઢું છું, તો તમારા લોકો કોની મદદથી કાઢે છે? માટે તેઓ તમારા ન્યાયાધીશો થશે. પણ જો હું ઈશ્વરના આત્માથી દુષ્ટાત્માઓને કાઢું છું, તો ઈશ્વરનું રાજ્ય તમારી પાસે આવ્યું છે એમ સમજો. વળી બળવાનના ઘરમાં જઈને તે બળવાનને પહેલાં બાંધ્યા વિના તેનો સામાન કોઈથી કેમ લુટાય? પણ તેને બાંધ્યા પછી તે તેનું ઘર લૂંટી લેશે. જે મારા પક્ષનો નથી તે મારી વિરુદ્ધ છે, જે મારી સાથે સંગ્રહ નથી કરતો, તે વિખેરી નાખે છે. એ માટે હું તમને કહું છું કે, દરેક પાપ તથા દુર્ભાષણ માણસોને માફ કરાશે; પણ પવિત્ર આત્માની વિરુદ્ધ જે દુર્ભાષણ કરે તે માણસને માફ નહિ કરાશે. માણસના દીકરા વિરુદ્ધ જે કોઈ કંઈ કહેશે, તે તેને માફ કરાશે; પણ પવિત્ર આત્માની વિરુદ્ધ જે કોઈ કંઈ કહેશે, તે તેને માફ નહિ કરાશે; આ યુગમાં પણ નહિ, અને આવનાર યુગમાં પણ નહિ.

જયારે અશુદ્ધ આત્મા માણસમાંથી નીકળે છે ત્યારે તે ઉજ્જડ જગ્યામાં વિસામો શોધતો ફરે છે, પણ નથી પામતો. ત્યારે તે કહે છે કે, 'જે ઘરમાંથી હું નીકળ્યો તેમાં જ હું પાછો જઈશ;' અને આવીને જુએ છે ત્યારે તો ઘર વાળેલું તથા શોભાયમાન કરેલું હોય છે. પછી તે જઈને પોતા કરતાં વધારે દુષ્ટ એવા સાત દુષ્ટાત્માઓને પોતાની સાથે લાવે છે, અને તેઓ તેમાં પેસીને ત્યાં રહે છે, ત્યારે તે માણસની છેલ્લી અવસ્થા પહેલીના કરતાં વધારે ખરાબ થાય છે. તેમ આ દુષ્ટ પેઢીને પણ થશે."

'જયારે રાજ્યનું વચન કોઈ સાંભળે છે, પણ સમજતો નથી, ત્યારે શેતાન આવીને તેના મનમાં જે વાવેલું તે છીનવી લઈ જાય છે; રસ્તાની કોરે જે બીજ વાવેલું તે એ જ છે.

ઈસુએ તેઓની આગળ બીજું દ્રષ્ટાંત પ્રગટ કરતાં કહ્યું કે, "સ્વર્ગનું રાજ્ય એવા માણસના જેવું છે કે જેણે પોતાના ખેતરમાં સારું બી વાવ્યું. પણ માણસો ઊંઘતા હતા તેવામાં તેનો દુશ્મન આવીને ઘઉંમાં કડવા દાણા વાવીને ચાલ્યો ગયો. પણ જયારે છોડવા ઊગ્યા, તેમને કણસલાં આવ્યાં, ત્યારે કડવા દાણા પણ દેખાયા. ત્યારે તે માલિકના ચાકરોએ પાસે આવીને તેને કહ્યું કે, 'સાહેબ, તમે શું તમારા ખેતરમાં સારું બી વાવ્યું નહોતું? તો તેમાં કડવા દાણા ક્યાંથી આવ્યા?' તેણે તેઓને કહ્યું કે, 'કોઈ દુશ્મને એ કર્યું છે.' ત્યારે ચાકરોએ તેને કહ્યું કે, 'તારી મરજી હોય તો અમે જઈને તેને એકઠા કરીએ?'

ખેતર દુનિયા છે; સારાં બી રાજ્યના સંતાન છે; પણ કડવા દાણા શેતાનના સંતાન છે; જેણે વાવ્યાં તે દુશ્મન શેતાન છે; કાપણી જગતનો અંત છે; અને કાપનારાં સ્વર્ગદૂતો છે. એ માટે જેમ કડવા દાણા એકઠા કરાય છે, અને અગ્નિમાં બાળી નંખાય છે, તેમ આ જગતને અંતે થશે.

આકાશના રાજ્યની ચાવીઓ હું તને આપીશ, પૃથ્વી પર જે કંઈ તું બાંધીશ, તે સ્વર્ગમાં બંધાશે; અને પૃથ્વી પર તું જે કંઈ છોડીશ, તે સ્વર્ગમાં પણ છોડાશે.'

ત્યારથી માંડીને ઈસુ પોતાના શિષ્યોને જણાવવાં લાગ્યા કે, 'હું યરુશાલેમમાં જાઉં, વડીલો, મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓને હાથે ઘણું દુઃખ સહન કરું, માર્યો જાઉં અને ત્રીજે દિવસે પાછા સજીવન થવું આવશ્યક છે.' પિતર તેમને એક બાજુ પર લઈ જઈને ઠપકો દેવા લાગ્યો અને કહ્યું કે, અરે પ્રભુ, એ તમારાથી દૂર રહે; એવું તમને કદાપિ ન થાઓ.' પણ તેમણે પાછળ ફરીને પિતરને કહ્યું કે, 'અરે શેતાન, મારી પછવાડે જા; તું મને અવરોધરૂપ છે; કેમ કે ઈશ્વરની વાતો પર નહિ, પણ માણસોની વાતો પર તું મન લગાડે છે.'

'ઓ પ્રભુ, મારા દીકરા પર દયા કરો; કેમ કે તેને વાઈનુ દર્દ છે, તેથી તે ઘણો પીડાય છે; અને તે ઘણીવાર અગ્નિમાં તથા પાણીમાં પડે છે.' તેને હું તમારા શિષ્યોની પાસે લાવ્યો હતો, પણ તેઓ તેને સાજો કરી શક્યા નહીં. ત્યારે ઈસુએ જવાબ આપ્યો કે, 'ઓ અવિશ્વાસી તથા ભ્રષ્ટ પેઢી, ક્યાં સુધી હું તમારી સાથે રહીશ? ક્યાં સુધી હું તમારું સહન કરીશ? તેને મારી પાસે લાવો.' પછી ઈસુએ તે દુષ્ટાત્માને ધમકાવ્યો; અને તે તેનામાંથી નીકળી ગયો; તે જ સમયે તે છોકરો સાજો થયો.

હું તમને નિશ્ચે કહું છું કે, જે કંઈ તમે પૃથ્વી પર બાંધશો, તે સ્વર્ગમાં બંધાશે; અને જે કંઈ તમે પૃથ્વી પર છોડશો, તે સ્વર્ગમાં છોડાશે.

ઓ સર્પો, સાપોના વંશ, નર્કની શિક્ષાથી તમે કેવી રીતે બચશો?

પછી ડાબી તરફનાઓને પણ તે કહેશે કે, 'ઓ શાપિતો, જે અનંતઅગ્નિ શેતાન તથા તેના નર્કદૂતોને સારુ તૈયાર કરેલો છે, તેમાં તમે મારી આગળથી જાઓ.

અરણ્યમાં ચાળીસ દિવસ સુધી શેતાનથી તેમનું પરીક્ષણ થયું; ત્યાં જંગલી પશુઓ સાથે તેઓ હતા; અને સ્વર્ગદૂતોએ તેમની સેવા કરી.

તેઓ કપરનાહૂમમાં ગયા; અને તરત, વિશ્રામવારે સભાસ્થાનમાં જઈને ઈસુએ બોધ આપ્યો. લોકો તેમના બોધથી આશ્ચર્ય પામ્યા; કેમ કે તેમણે તેઓને શાસ્ત્રીઓની જેમ નહિ, પણ જેને અધિકાર હોય છે તેની માફક બોધ કર્યો. તે જ સમયે તેઓના સભાસ્થાનમાં અશુદ્ધ આત્મા વળગેલો એક માણસ હતો. તેણે બૂમ પાડીને કહ્યું કે, 'અરે, નાસરેથના ઈસુ, અમારે અને તમારે શું છે? શું તમે અમારો નાશ કરવા આવ્યા છો? તમે કોણ છો, એ હું જાણું છું, એટલે ઈશ્વરના પવિત્ર.' ઈસુએ તેને ધમકાવતાં કહ્યું કે, 'ચૂપ રહે, અને તેનામાંથી નીકળી જા'. અશુદ્ધ આત્મા તેને મરડી નાખીને તથા મોટી બૂમ પાડીને તેનામાંથી નીકળી ગયો. બધા એવા અચરત થયા કે તેઓ અંદરોઅંદર પૂછવા લાગ્યા કે, 'આ શું છે? આ તો નવો બોધ છે! કેમ કે અધિકારથી તેઓ અશુદ્ધ આત્માઓને પણ આજ્ઞા કરે છે અને તેઓ તેમનું માને છે.'

સાંજે સૂરજ આથમ્યો ત્યારે તેઓ બધાં માંદાઓને તથા દુષ્ટાત્મા વળગેલાંઓને તેમની પાસે લાવ્યા. બારણા આગળ આખું શહેર ભેગું થયું. ઘણાં જેઓ વિવિધ પ્રકારના રોગથી પીડાતાં હતાં તેઓને તેમણે સાજાં કર્યાં; ઘણાં દુષ્ટાત્માઓને કાઢ્યાં. દુષ્ટાત્માઓ તેમને ઓળખતા હતા માટે તેમણે તેઓને બોલવા દીધાં નહિ.

આખા ગાલીલમાં તેઓનાં સભાસ્થાનોમાં જઈને તેઓ ઉપદેશ આપતા અને દુષ્ટાત્માઓને કાઢતાં હતા.

અશુદ્ધ આત્માઓએ જયારે તેમને જોયા ત્યારે તેઓ તેમને પગે પડ્યા તથા પોકારીને બોલ્યા કે, 'તમે ઈશ્વરના દીકરા છો.' તેમણે તેઓને હુકમ કર્યો કે, 'તમારે મને પ્રગટ કરવો નહિ.'

ઈસુએ બાર પ્રેરિતોને નીમ્યા એ માટે કે તેઓ તેમની સાથે રહે અને તે તેઓને પ્રચાર કરવા મોકલે, અને તેઓ અધિકાર પામીને દુષ્ટાત્માઓને કાઢે.

જે શાસ્ત્રીઓ યરુશાલેમથી આવ્યા હતા તેઓએ કહ્યું કે, 'તેનામાં બાલઝબૂલ છે અને ભૂતોના સરદારની મદદથી તે ભૂતોને કાઢે છે.' તેમણે તેઓને પાસે બોલાવીને દ્રષ્ટાંતોમાં કહ્યું કે, 'શેતાન શેતાનને કેવી રીતે કાઢી શકે? જો કોઈ રાજ્યમાં અંદરોઅંદર ફૂટ પડી હોય, તો તે રાજ્ય સ્થિર રહી શકતું નથી. જો કોઈ ઘરમાં અંદરોઅંદર ફૂટ પડી હોય, તો તે ઘર સ્થિર રહી શકશે નહિ. જો શેતાન પોતાની ખુદની સામે થયો હોય અને તેનામાં ફૂટ પડી હોય, તો તે રહી શકતો નથી; પણ તેનો અંત આવ્યો જાણવું. બળવાનના ઘરમાં પેસીને જો કોઈ પહેલાં તે બળવાનને ન બાંધે તો તે તેનો સામાન લૂંટી શકતો નથી; પણ તેને બાંધ્યા પછી તે તેને લૂંટી શકશે. હું તમને નિશ્ચે કહું છું કે, માણસોના દીકરાઓને સર્વ અપરાધોની તથા જે જે દુર્ભાષણો તેઓ કરે તેની માફી મળશે. પણ જે કોઈ પવિત્ર આત્માની વિરુદ્ધ દુર્ભાષણ કરશે તેને માફી કદી મળશે નહિ; પણ તેને માથે અનંતકાળના પાપનો દોષ રહે છે.' કેમ કે તેઓ કહેતાં હતા કે તેને અશુદ્ધ આત્મા વળગેલો છે.

વાવનાર વચન વાવે છે. રસ્તાની કોર પરનાં એ છે કે જ્યાં વચન વવાય છે અને તેઓ સાંભળે છે કે તરત શેતાન આવીને તેઓમાં જે વચન વવાયેલું હતું તે લઈ જાય છે.

ઈસુ હોડીમાંથી ઊતર્યા, એટલે કબ્રસ્તાનમાંથી અશુદ્ધ આત્મા વળગેલો એક માણસ તેમને મળ્યો; તે કબ્રસ્તાનોમાં રહેતો હતો; અને સાંકળોથી પણ કોઈ તેને બાંધી શકતું ન હતું; કેમ કે તે ઘણીવાર બેડીઓ તથા સાંકળો વડે બંધાયો હતો, પણ તેણે સાંકળો તોડી નાખી તથા બેડીઓ ભાંગી નાખી હતી; કોઈ તેને વશ કરી શકતું ન હતું. તે નિત્ય રાતદિવસ પહાડોમાં તથા કબરોમાં બૂમ પાડતો તથા પથ્થરોથી પોતાને ઘાયલ કરતો હતો. પણ ઈસુને દૂરથી જોઈને તે દોડી આવ્યો અને તેમને પગે પડ્યો, અને મોટે ઘાંટે પોકારીને બોલ્યો, 'ઈસુ, પરાત્પર ઈશ્વરના દીકરા, મારે અને તમારે શું છે? હું તમને ઈશ્વરના સમ આપું છું કે, તમે મને પીડા ન આપો.' કેમ કે તેમણે તેને કહ્યું હતું કે, 'અશુદ્ધ આત્મા, તું એ માણસમાંથી નીકળ.' તેમણે તેને પૂછ્યું કે, 'તારું નામ શું છે?' તેણે ઉત્તર આપતાં કહ્યું કે, 'મારું નામ સેના છે, કેમ કે અમે ઘણાં છીએ.' તેણે તેમને ઘણી વિનંતી કરી, કે તે તેઓને દેશમાંથી કાઢી મૂકે નહિ. હવે ત્યાં પર્વતની બાજુ પર ભૂંડોનું એક મોટું ટોળું ચરતું હતું. તેઓએ તેમને વિનંતી કરીને કહ્યું કે, 'તે ભૂંડોમાં અમે પ્રવેશીએ માટે અમને તેઓમાં મોકલો. ઈસુએ તેઓને રજા આપી અને દુષ્ટાત્માઓ નીકળીને ભૂંડોમાં ગયા; તેઓ આશરે બે હજાર ભૂંડો હતાં. તે ટોળું કરાડા પરથી સમુદ્રમાં ધસી પડ્યું; અને સમુદ્રમાં ડૂબી મર્યું. તેઓના ચરાવનારા ભાગ્યા. અને તેમણે શહેરમાં તથા ગામડાંઓમાં ખબર આપી; અને શું થયું તે જોવા લોકો બહાર આવ્યા. ઈસુની પાસે તેઓ આવ્યા ત્યારે દુષ્ટાત્મા વળગેલો હતો, એટલે જેનાંમાં સેના હતી, તેને તેઓએ બેઠેલો કપડાં પહેરેલો તથા હોશમાં આવેલો જોઈને તેઓ ગભરાઈ ગયા. દુષ્ટાત્મા વળગેલો કેવી રીતે તંદુરસ્ત થયો તેની તથા ભૂંડો સંબંધીની વાત જેઓએ જોઈ હતી તે તેઓએ લોકોને કહી. તેઓ ઈસુને તેમના પ્રદેશમાંથી નીકળી જવાની વિનંતી કરવા લાગ્યા કે 'અમારા પ્રદેશમાંથી ચાલ્યા જાઓ.' તે વહાણમાં ચઢતાં હતા એટલામાં જેને દુષ્ટાત્મા વળગ્યો હતો તેણે તેમની સાથે રહેવા સારુ વિનંતી કરી. પણ ઈસુએ તેને આવવા ન દીધો; પણ તેને કહ્યું કે, 'તારે ઘરે તારાં લોકોની પાસે જા, અને પ્રભુએ તારે સારુ કેટલું બધું કર્યું છે અને તારા પર દયા રાખી છે, તેની ખબર તેઓને આપ.'

બાર શિષ્યોને પોતાની પાસે બોલાવીને તે તેઓને બબ્બેની જોડીમાં મોકલવા લાગ્યા; અને તેમણે તેઓને અશુદ્ધ આત્માઓ પર અધિકાર આપ્યો;

તેઓએ નીકળીને એવો ઉપદેશ કર્યો કે, 'પસ્તાવો કરો.' તેઓએ ઘણાં દુષ્ટાત્માઓ કાઢ્યાં, ઘણાં માદાંઓને તેલ લગાવીને તેઓને સાજાં કર્યાં.

કેમ કે એક સ્ત્રી જેની નાની દીકરીને અશુદ્ધ આત્મા વળગેલો હતો, તે ઈસુ વિષે સાંભળીને આવી અને તેમના પગે પડી. તે સ્ત્રી ગ્રીક હતી અને સિરિયાનાં ફિનીકિયા કુળની હતી. તેણે પોતાની દીકરીમાંથી ભૂતને કાઢવાને તેમને વિનંતી કરી. પણ ઈસુએ તેને કહ્યું કે, 'છોકરાંને પહેલાં ધરાવા દે; કેમ કે છોકરાંની રોટલી લઈને કૂતરાંને નાખવી તે ઉચિત નથી.' પણ સ્ત્રીએ તેમને ઉત્તર આપ્યો કે, 'હા, પ્રભુ, કૂતરાં પણ મેજ નીચેથી છોકરાંનાં પડેલા ખોરાકના કકડામાંથી ખાય છે'. ઈસુએ તેને કહ્યું કે, 'આ વાતને લીધે જા; તારી દીકરીમાંથી દુષ્ટાત્મા નીકળી ગયો છે.' તેણે પોતાને ઘરે આવીને જોયું કે, 'છોકરી ખાટલા પર સૂતેલી હતી અને દુષ્ટાત્મા નીકળી ગયો હતો.'

ઈસુ તેઓને શીખવવા લાગ્યા કે, 'માણસના દીકરાએ ઘણું સહેવું, અને વડીલોથી તથા મુખ્ય યાજકોથી તથા શાસ્ત્રીઓથી નાપસંદ થવું, માર્યા જવું અને ત્રણ દિવસ પછી પાછા ઊઠવું એ જરૂરી છે.' ઈસુ એ વાત ઉઘાડી રીતે બોલ્યા. પછી પિતર તેમને એક બાજુએ લઈને તેમને ઠપકો આપવા લાગ્યો; પણ તેમણે પાછળ ફરીને તથા પોતાના શિષ્યોને જોઈને પિતરને ઠપકો આપ્યો કે, 'શેતાન, તું મારી પાછળ જા; કેમ કે તું ઈશ્વરની બાબતો પર નહિ, પણ માણસોની બાબતો પર મન લગાડે છે.'

લોકોમાંથી એકે તેમને ઉત્તર આપ્યો કે, 'ઉપદેશક, હું મારો દીકરો તમારી પાસે લાવ્યો છું, તેને મૂંગો દુષ્ટાત્મા વળગેલો છે; જ્યાં કહી તે તેને પકડે છે, ત્યાં તે તેને પાડી નાખે છે; તે ફીણ કાઢે છે, દાંત ભીડે છે અને તે શરીર કડક થઈ જાય છે. મેં તમારા શિષ્યોને તેને કાઢવાનું કહ્યું; પણ તેઓ તેને કાઢી શક્યા નહિ,' પણ ઈસુ જવાબ આપતાં તેઓને કહે છે કે, 'ઓ અવિશ્વાસી પેઢી, હું ક્યાં સુધી તમારી સાથે રહીશ? ક્યાં સુધી હું તમારું સહન કરીશ? તેને મારી પાસે લાવો.' તેઓ તેને ઈસુની પાસે લાવ્યા અને તેમને જોઈને દુષ્ટાત્માએ તરત તેને મરડ્યો અને જમીન પર પડીને તે ફીણ કાઢતો તરફડવા લાગ્યો. ઈસુએ તેના પિતાને પૂછ્યું કે, 'તેને કેટલા વખતથી આવું થયું છે?' તેણે કહ્યું કે, 'બાળપણથી.' તેનો નાશ કરવા માટે અશુદ્ધ આત્માએ ઘણી વખત તેને આગમાં તથા પાણીમાં પણ નાખી દીધો છે; પણ જો તમે કંઈ કરી શકો તો અમારા પર દયા રાખીને અમને મદદ કરો.' ઈસુએ તેને કહ્યું કે, 'જો તમે કરી શકો! વિશ્વાસ રાખનારને તો બધું જ શક્ય છે.' તરત દીકરાના પિતાએ ઘાંટો પાડતાં કહ્યું કે, 'હું વિશ્વાસ કરું છું, મારા અવિશ્વાસ વિષે મને મદદ કરો.' ઘણાં લોકો દોડતા આવે છે, એ જોઈને ઈસુએ અશુદ્ધ આત્માને ધમકાવીને તેને કહ્યું કે, 'મૂંગા તથા બહેરા દુષ્ટાત્મા, હું તને હુકમ કરું છું કે, તેનામાંથી નીકળ. અને ફરી તેનામાં પ્રવેશીશ નહિ.' ચીસ પાડીને અને તેને બહુ મરડીને તે નીકળ્યો. અને તે મૂઆ જેવો થઈ ગયો, એવો કે ઘણાંખરાએ કહ્યું કે, 'તે મરી ગયો છે.' પણ ઈસુએ તેનો હાથ પકડીને તેને ઉઠાડ્યો અને તે ઊભો થયો. ઈસુ ઘરમાં આવ્યા ત્યારે તેમના શિષ્યોએ તેમને એકાંતમાં પૂછ્યું કે, 'અમે કેમ અશુદ્ધ આત્માને કાઢી ન શક્યા?' ઈસુએ કહ્યું કે, 'પ્રાર્થના સિવાય બીજાકોઈ ઉપાયથી એ જાત નીકળી શકે એમ નથી.'

હવે અઠવાડિયાના પહેલા દિવસની સવારે ઈસુ પાછા ઊઠીને મગ્દલાની મરિયમ, જેનાંમાંથી તેમણે સાત દુષ્ટાત્માઓ કાઢ્યાં હતા, તેને તેઓ પ્રથમ દેખાયા.

જે કોઈ વિશ્વાસ કરે તથા બાપ્તિસ્મા લે, તે ઉદ્ધાર પામશે; પણ જે વિશ્વાસ નહિ કરે, તે અપરાધી ઠરશે. વિશ્વાસ કરનારાઓને હાથે આવાં ચમત્કારિક ચિહ્નો થશે, મારે નામે તેઓ દુષ્ટાત્માઓને કાઢશે, નવી ભાષાઓ બોલશે,

ઈસુ પવિત્ર આત્માથી ભરપૂર થઈને યર્દનથી પાછા વળ્યા. અને ચાળીસ દિવસ સુધી આત્માથી અહીંતહીં દોરાઈને અરણ્યમાં રહયા, તે [દરમિયાન] શેતાને ઈસુની પરીક્ષણ કરી; તે દિવસોમાં તેમણે કંઈ ખાધું નહિ, તે સમય પૂરા થયા પછી તે ભૂખ્યા થયા. શેતાને ઈસુને કહ્યું કે, 'જો તમે ઈશ્વરના દીકરા હોય તો આ પથ્થરને કહે કે, તે રોટલી થઈ જાય. ઈસુએ તેને ઉત્તર આપ્યો કે, 'એમ લખ્યું છે કે, માણસ એકલી રોટલીથી જીવશે નહિ.' શેતાન તેમને ઊંચી જગ્યાએ લઈ ગયો, અને એક ક્ષણમાં દુનિયાના બધાં રાજ્યો તેને બતાવ્યા. શેતાને ઈસુને કહ્યું કે, 'આ બધાં પર રાજ કરવાનો અધિકાર તથા તેમનો વૈભવ હું તને આપીશ; કેમ કે રાજ કરવા તેઓ મને અપાયેલ છે, અને હું જેને તે આપવા ચાહું તેને આપી શકું છું; માટે જો તું નમીને મારું ભજન કરશે તો તે સઘળું તારું થશે.' અને ઈસુએ તેને ઉત્તર આપતાં કહ્યું કે, 'એમ લખ્યું છે કે, તારે તારા ઈશ્વર પ્રભુનું ભજન કરવું અને એકલા તેમની જ સેવા કરવી.' તે ઈસુને યરુશાલેમ લઈ ગયો, અને ભક્તિસ્થાનના શિખર પર તેમને ઊભા રાખીને તેણે તેમને કહ્યું કે, 'જો તું ઈશ્વરનો દીકરો છે, તો અહીંથી પોતાને નીચે પાડી નાખ. કેમ કે લખ્યું છે કે, તે પોતાના સ્વર્ગદૂતોને તારા સંબંધી આજ્ઞા કરશે કે તેઓ તારું રક્ષણ કરે; તેઓ પોતાના હાથે તમને ઝીલી લેશે, રખેને તમારો પગ પથ્થર પર અફળાય.' ઈસુએ તેને ઉત્તર આપતા કહ્યું કે, 'એમ લખેલું છે કે, તારે તારા ઈશ્વર પ્રભુની કસોટી ન કરવી.' શેતાન સર્વ પ્રકારની પરીક્ષણ કરીને કેટલીક મુદ્ત સુધી તેમની પાસેથી ગયો.

ત્યારે તેઓ તેમના બોધથી આશ્ચર્ય પામ્યા, કેમ કે તેઓ અધિકારથી બોલ્યા. ત્યાં દુષ્ટાત્મા વળગેલો એક માણસ હતો, તેણે મોટે ઘાંટે કહ્યું કે, 'અરે, ઈસુ નાઝીરી, તમારે અને અમારે શું છે? શું તમે અમારો નાશ કરવા આવ્યા છો? તમે કોણ છો તે હું જાણું છું, એટલે ઈશ્વરના પવિત્ર!' ઈસુએ તેને ધમકાવીને કહ્યું કે, 'ચૂપ રહે, અને તેનામાંથી નીકળ'. દુષ્ટાત્મા તેને લોકોની વચમાં પાડી નાખીને તેને કંઈ નુકસાન કર્યા વિના નીકળી ગયો. બધાને આશ્ચર્ય લાગ્યું, અને તેઓએ એકબીજાને કહ્યું કે, 'આ કેવાં શબ્દો છે! કેમ કે તે અધિકાર તથા પરાક્રમસહિત અશુદ્ધ આત્માઓને હુકમ કરે છે, ને તેઓ નીકળી જાય છે?'

સૂર્ય ડૂબતી વખતે જેઓ વિવિધ પ્રકારના રોગથી પીડાતાં માણસો હતાં તેઓને તેઓ ઈસુની પાસે લાવ્યા, અને તેમણે તેઓમાંના દરેક પર હાથ મૂકીને તેઓને સાજાં કર્યાં. ઘણાંઓમાંથી દુષ્ટાત્માઓ નીકળી ગયા, અને ઘાંટો પાડીને કહેતાં હતા કે, 'તમે ઈશ્વરના દીકરા છો!' તેમણે તેઓને ધમકાવ્યાં, અને બોલવા દીધાં નહિ, કેમ કે તેઓ જાણતા હતા કે, 'તે ખ્રિસ્ત છે.'

જેઓ અશુદ્ધ આત્માઓથી પીડાતા હતા તેમને પણ સાજાં કરવામાં આવ્યા.

તે જ વખતે ઈસુએ વિભિન્ન પ્રકારના રોગથી, પીડાથી તથા દુષ્ટાત્માઓથી રિબાતા ઘણાંઓને સાજાં કર્યા, અને ઘણાં અંધજનોને દેખતા કર્યા.

કેટલીક સ્ત્રીઓને દુષ્ટાત્માઓથી તથા રોગોથી સાજી કરવામાં આવી હતી, તેઓમાં જેનાંમાંથી સાત અશુદ્ધ આત્માઓને કાઢવામાં આવ્યા હતા તે મગ્દલાની મરિયમ,

હવે દ્રષ્ટાંતનો અર્થ આ છે; બીજ તો ઈશ્વરનું વચન છે. અને માર્ગની કોર પરનાં તો સાંભળનારાં માણસો છે; પછી શેતાન આવીને તેઓનાં મનમાંથી સંદેશ લઈ જાય છે, એમ જ થાય કે તેઓ વિશ્વાસ કરીને ઉદ્ધાર પામે.

પછી ઈસુ કિનારે ઊતર્યા, ત્યારે શહેરમાંથી એક માણસ તેમની સામે આવ્યો. તેને દુષ્ટાત્માઓ વળગેલો હતો; ઘણાં સમયથી તે પોતાનાં વસ્ત્રો પહેરતો ન હતો. અને ઘરમાં નહિ, પણ કબરોમાં રહેતો હતો. તેણે ઈસુને જોયા ત્યારે તે બૂમ પાડીને તેમની આગળ પડ્યો અને મોટે ઘાંટે કહ્યું કે, 'ઓ ઈસુ, પરાત્પર ઈશ્વરના દીકરા, મારે અને તમારે શું છે? હું તમને વિનંતી કરું છું કે મને પીડા ન દો.' કારણ કે ઈસુએ અશુદ્ધ આત્માને તે માણસમાંથી બહાર નીકળવાની આજ્ઞા કરી હતી. એ દુષ્ટાત્મા તે માણસને વારંવાર વળગ્યા કરતો હતો; અને તેઓ તેને સાંકળોથી તથા બેડીઓથી બાંધતા, પણ તે બંધનો તોડી નાખીને જંગલમાં જતો રહેતો હતો. ઈસુએ તેને પૂછ્યું કે, 'તારું નામ શું છે?' તેણે કહ્યું કે, 'સેના,' કેમ કે તેનામાં ઘણાં દુષ્ટાત્માઓ હતાં. દુષ્ટાત્માઓએ ઈસુને વિનંતી કરી કે, 'અમને નીકળીને અનંતઊંડાણમાં જવાનો હુકમ ન કરો.' હવે ત્યાં ઘણાં ભૂંડોનું ટોળું પર્વતની બાજુ પર ચરતું હતું; અને તેઓએ તેમને વિનંતી કરી કે, અમને 'તેઓમાં પેસવાની રજા આપો.' ઈસુએ તેઓને રજા આપી. દુષ્ટાત્માઓ તે માણસમાંથી નીકળીને ભૂંડોમાં ગયાં; અને ટોળું ટેકરા ઉપરથી ધસારાભેર સમુદ્રમાં પડી ગયું અને ડૂબી મર્યું. જે થયું તે જોઈને ભૂંડ ચરાવનારા ભાગ્યા, અને શહેરમાં તથા ગામડાંઓમાં જઈને તે વિષે ખબર આપી. જે થયું તે જોવા સારુ લોકો નીકળ્યા, અને ઈસુની પાસે આવ્યા; ત્યારે જે માણસમાંથી દુષ્ટાત્માઓ નીકળ્યાં હતાં તેને તેઓએ કપડાં પહેરેલો તથા હોશમાં આવેલો ઈસુના પગ આગળ બેઠેલો જોયો; અને તેઓ ભયભીત થયા. દુષ્ટાત્મા વળગેલો માણસ શી રીતે સાજો થયો, તે જેઓએ જોયું હતું તેઓએ તેમને કહી જણાવ્યું. ગેરાસીનીઓની આસપાસના દેશમાં સર્વ લોકોએ ઈસુને વિનંતી કરી કે, 'અમારી પાસેથી ચાલ્યા જાઓ.' તેઓ ખૂબ ડરી ગયા હતા. પછી હોડીમાં બેસીને તે પાછા ગયા. પણ જે માણસમાંથી દુષ્ટાત્માઓ નીકળ્યા હતા તેણે તેમની સાથે રહેવા સારુ વિનંતી કરી; પણ ઈસુએ તેને વિદાય કરતાં કહ્યું કે, 'તારે ઘરે પાછો જા, અને ઈશ્વરે તારે માટે કેવાં મોટાં કામ કર્યાં છે તે કહી જણાવ.' અને તેણે જઈને ઈસુએ કેવાં મોટાં કામ તેને સારુ કર્યા હતાં, તે આખા શહેરમાં કહી જણાવ્યું.

ઈસુએ પોતાના બાર શિષ્યોને પાસે બોલાવીને તેઓને સઘળા દુષ્ટાત્માઓને તાબે કરવાની, તથા રોગો મટાડવાની શક્તિ અને અધિકાર આપ્યાં;

અને, જુઓ, લોકો વચ્ચેથી એક માણસે બૂમો પાડીને કહ્યું કે, 'ઉપદેશક, હું તમને વિનંતી કરું છું કે, મારા દીકરા પર દ્વષ્ટિ કરો. કેમ કે તે મારો એકનો એક પુત્ર છે; એક દુષ્ટાત્મા તેને વળગે છે, અને એકાએક તે બૂમ પાડે છે; અને તે તેને એવો મરડે છે કે તેને ફીણ આવે છે, અને તેને ઘણી ઈજા કરીને માંડમાંડ તેને જતો કરે છે. તેને કાઢવાની મેં તમારા શિષ્યોને વિનંતી કરી, પણ તેઓ તેને કાઢી શક્યા નહિ.' ઈસુએ ઉત્તર આપતા કહ્યું કે, 'ઓ અવિશ્વાસી તથા ભ્રષ્ટ પેઢી, હું ક્યાં સુધી તમારી સાથે રહીશ, અને તમારું સહન કરીશ? તારા દીકરાને અહીં લાવ.' તે આવતો હતો એટલામાં દુષ્ટાત્માએ તેને પછાડી નાખ્યો, અને તેને બહુ મરડ્યો પણ ઈસુએ અશુદ્ધ આત્માને ધમકાવ્યો, છોકરાંને સાજો કર્યો, અને તેને તેના બાપને પાછો સોંપ્યો. ઈશ્વરના મહા પરાક્રમથી તેઓ બધા ચકિત થઈ ગયા. પણ ઈસુએ જે જે કર્યું તે સઘળું જોઈને બધા આશ્ચર્યમાં ડૂબેલા હતા, ત્યારે ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું,

તે સિત્તેર ખુશ થતાં પાછા આવ્યા, અને તેઓએ કહ્યું કે, 'પ્રભુ, તમારા નામથી દુષ્ટાત્માઓ પણ અમારે તાબે થયાં છે.' ઈસુએ તેઓને કહ્યું કે, 'મેં શેતાનને વીજળીની જેમ સ્વર્ગથી પડતો જોયો. જુઓ, સર્પો તથા વીંછીઓ અને દુશ્મનની બધી શક્તિ પર મેં તમને અધિકાર આપ્યો છે; કશાથી પણ તમને ઈજા થશે નહિ. પણ દુષ્ટાત્માઓ તમારે તાબે થયા છે, તેને લીધે ખુશ થતાં નહિ; પણ તમારાં નામ સ્વર્ગમાં લખવામાં આવ્યા છે, તેને લીધે હરખાઓ.'

તેઓ એક મૂંગા દુષ્ટાત્માને કાઢતાં હતા. એમ થયું કે દુષ્ટાત્મા નીકળ્યા પછી જે માણસ પહેલા બોલતો ન હતો તે બોલ્યો. તેથી લોકોને આશ્ચર્ય લાગ્યું. પણ તેઓમાંના કેટલાકે કહ્યું કે, 'ભૂતોના સરદાર બાલઝબૂલની મદદથી તે ભૂતોને કાઢે છે,' બીજાઓએ પરીક્ષા કરતાં તેમની પાસે સ્વર્ગમાંથી ચમત્કારિક ચિહ્ન માગ્યું. પણ ઈસુએ તેઓના વિચાર જાણીને તેઓને કહ્યું કે, 'હરેક રાજ્ય જેમાં ફૂટ પડે છે તે ઉજ્જડ થાય છે; અને ઘરમાં ફૂટ પડે, તો તે પડી જાય છે; જો શેતાન પણ પોતાની સામો થયેલો હોય તો તેનું રાજ્ય કેમ ટકે? કેમ કે તમે કહો છો કે, બાલઝબૂલની મદદથી હું ભૂતો કાઢું છું. જો હું બાલઝબૂલની મદદથી ભૂતો કાઢું છું તો તમારા દીકરાઓ કોની મદદથી ભૂતો કાઢે છે? માટે તેઓ તમારા ન્યાયાધીશ થશે. પણ જો હું ઈશ્વરની આંગળીથી દુષ્ટાત્માઓ કાઢું છું, તો ઈશ્વરનું રાજ્ય તમારી મધ્યે આવ્યું છે.

બળવાન માણસ હથિયારબંધ થઈને પોતાની હવેલી સાચવે છે, ત્યારે તેનો માલ સલામત રહે છે; પણ જયારે તેના કરતાં વધારે બળવાન માણસ તેના પર આવી પડીને તેને જીતે ત્યારે તેનાં સઘળા હથિયાર જેનાં પર તે ભરોસો રાખતો હતો તે તેની પાસેથી લઈ લે છે, અને તેની લૂટ વહેંચે છે. જે મારા પક્ષનો નથી તે મારી વિરુદ્ધ છે, અને જે મારી સાથે ભેગું નથી કરતો તે ફેલાવે છે. અશુદ્ધ આત્મા કોઈ માણસમાંથી નીકળ્યા પછી નિર્જળ જગ્યાઓમાં વિસામો શોધતો ફરે છે; પણ તે ન મળતાં, તે કહે છે કે, મારા જે ઘરમાંથી હું નીકળ્યો તેમાં હું પાછો જઈશ. અને આવીને જુએ છે ત્યારે તો ઘર વાળેલું તથા શોભાયમાન કરેલું હોય છે. ત્યારે તે જઈને પોતાના કરતા દુષ્ટ એવા બીજા સાત દુષ્ટાત્માઓને સાથે લઈ આવે છે; અને તેઓ એકસાથે ત્યાં રહે છે; અને તે માણસની છેલ્લી અવસ્થા પહેલીના કરતાં ખરાબ થાય છે.'

ત્યાં એક સ્રી એવી હતી કે જેને અઢાર વર્ષથી બીમારીનો દુષ્ટાત્મા વળગેલો હતો. તે વાંકી વળી ગઈ હતી અને સીધી ઊભી થઈ કે રહી શકતી જ નહોતી.

આ સ્ત્રી જે ઇબ્રાહિમની દીકરી છે, જેને શેતાને અઢાર વર્ષથી બાંધી રાખી હતી, તેને વિશ્રામવારે છૂટી કરી એ શું ખોટું કર્યું?'

યહૂદા જે ઇશ્કારિયોત કહેવાતો હતો, જે બાર શિષ્યોમાંનો એક હતો, તેનામાં શેતાને પ્રવેશ કર્યો. તેણે જઈને મુખ્ય યાજકો તથા સરદારોના હાથમાં ઈસુને શી રીતે સ્વાધીન કરવા, તે સંબંધી તેઓની સાથે મસલત કરી.

'સિમોન, સિમોન, જો, શેતાને તમને ઘઉંની પેઠે ચાળવા સારુ [કબજે લેવા] માગ્યા. પણ મેં તારે સારુ પ્રાર્થના કરી કે, તારો વિશ્વાસ ખૂટે નહિ; અને તું તારા ફર્યા પછી તારા ભાઈઓને સ્થિર કરજે.'

તમે તમારા પિતા શેતાનના છો અને તમારા પિતાની દુર્વાસના પ્રમાણે તમે કરવા ચાહો છો. તે પ્રથમથી મનુષ્યઘાતક હતો અને તેનામાં સત્ય નથી, તેથી તે સત્યમાં સ્થિર રહ્યો નહિ; જયારે તે જૂઠું બોલે છે, ત્યારે તે પોતાથી જ બોલે છે, કેમ કે તે જૂઠો અને જૂઠાનો પિતા છે.

આ વાતોને લીધે યહૂદીઓમાં ફરીથી ભાગલા પડ્યા. તેઓમાંના ઘણાંએ કહ્યું કે, 'તેને ભૂત વળગેલું છે અને તે પાગલ છે; તમે તેનું કેમ સાંભળો છો?' બીજાઓએ કહ્યું કે, 'ભૂત વળગેલા માણસની તે વાતો નથી. શું ભૂત અંધજનોની આંખો ઉઘાડી શકે છે?'

તેઓ જમતા હતા તેવામાં, શેતાને તો અગાઉથી સિમોનના દીકરા યહૂદા ઇશ્કારિયોતના મનમાં તેમને પરસ્વાધીન કરવાનો વિચાર મૂક્યો હતો.

ઈસુ કહે છે કે, 'હું કોળિયો બોળીને જેને આપીશ, તે જ તે છે.' પછી તેઓ કોળિયો લઈને તે સિમોન ઇશ્કારિયોતના દીકરા યહૂદાને આપે છે. અને કોળિયો લીધા પછી તેનામાં શેતાન આવ્યો, માટે ઈસુ તેને કહે છે કે, 'જે તું કરવાનો છે, તે જલદી કર.'

પણ પિતરે કહ્યું કે, 'ઓ અનાન્યા, પવિત્ર આત્માને જૂઠું કહેવાનું, તથા જમીનનાં મૂલ્યમાંથી થોડું પોતાની પાસે રાખવાનું શેતાને તારા મનમાં કેમ ભર્યું છે? તે [જમીન] તારી પાસે હતી ત્યારે શું તારી નહોતી? અને તેને વેચ્યા પછી શું [તેનું મૂલ્ય] તારે સ્વાધીન નહોતું? તેં પોતાના મનમાં આવો વિચાર કેમ આવવા દીધો? તેં માણસોને નહિ પણ ઈશ્વરને જૂઠું કહ્યું છે.'

વળી યરુશાલેમની આસપાસનાં શહેરોમાંના ઘણાં લોક બીમારોને તથા અશુદ્ધ આત્માઓથી પીડાતાંઓને લઈને ત્યાં આવતા હતા, અને તેઓ બધાને સાજાં કરવામાં આવતાં હતાં.

કેમ કે જેઓને અશુદ્ધ આત્માઓ વળગ્યા હતા તેઓમાંના ઘણાંમાંથી તેઓ મોટી બૂમ પાડતા બહાર નીકળ્યા, અને ઘણાં પક્ષઘાતીઓ તથા પગે અપંગો સાજાં કરવામાં આવ્યા.

એટલે કે નાસરેથના ઈસુની વાત કે જેમને પરમેશ્વરે પવિત્ર આત્માથી તથા સામર્થ્યથી અભિષિક્ત કર્યા; તે ભલું કરતા તથા શેતાનથી જેઓ પીડાતા હતા તેઓ સર્વને સાજાં કરતા ફર્યા; કેમ કે ઈશ્વર તેમની સાથે હતા.

પણ એલિમાસ જાદુગર કેમ કે તેના નામનો અર્થ એ જ છે, તે હાકેમને વિશ્વાસ કરતાં અટકાવવાના ઇરાદા સાથે તેઓની સામો થયો. પણ શાઉલે જે પાઉલ પણ કહેવાય છે, પવિત્ર આત્માથી ભરપૂર થઈને તેની સામે એક નજરે જોઈને કહ્યું કે, 'અરે સર્વ કપટ તથા સર્વ કાવતરાંથી ભરપૂર, શેતાનના દીકરા અને સર્વ ન્યાયીપણાના શત્રુ, શું પ્રભુના સીધા માર્ગને વાંકા કરવાનું તું મૂકી દઈશ નહિ?' હવે, જો, પ્રભુનો હાથ તારી વિરુદ્ધ છે, કેટલીક મુદત સુધી તું અંધ રહેશે, અને તને સૂર્ય દેખાશે નહિ. ત્યારે એકાએક ઘૂમર તથા અંધકાર તેના પર આવી પડ્યાં, અને હાથ પકડીને પોતાને દોરે એવાની તેણે શોધ કરવા માંડી. અને જે થયું તે હાકેમે જોયું ત્યારે તેણે પ્રભુ વિષેના બોધથી વિસ્મય પામીને વિશ્વાસ કર્યો.

અમે પ્રાર્થનાસ્થાને જતા હતા ત્યારે એમ થયું કે, એક જુવાન દાસી અમને મળી, કે જેને અગમસૂચક દુષ્ટાત્મા વળગ્યો હતો, તે ભવિષ્યકથન કરીને પોતાના માલિકોને ખૂબ કમાણી કરી આપતી હતી. તેણે પાઉલની તથા અમારી પાછળ આવીને બૂમ પાડીને કહ્યું કે, આ માણસો પરાત્પર ઈશ્વરના સેવકો છે, જેઓ તમને ઉદ્ધારનો માર્ગ પ્રગટ કરે છે. તેણે ઘણાં દિવસો સુધી એમ કર્યા કર્યું, ત્યારે પાઉલે બહુ નારાજ થઈને પાછા ફરીને તે દુષ્ટાત્માને કહ્યું કે, ઈસુ ખ્રિસ્તને નામે હું તને આજ્ઞા કરું છું કે એનામાંથી નીકળ; અને તે જ ઘડીએ તે તેનામાંથી નીકળી ગયો. પણ તેના માલિકોએ પોતાના લાભની આશા નષ્ટ થઈ છે, એ જોઈને પાઉલ તથા સિલાસને પકડ્યા, અને તેઓને ચૌટાનાં અધિકારીઓની પાસે ઘસડી લાવ્યા.

ઈશ્વરે પાઉલના હાથથી એવા પરાક્રમી કામો કર્યા કે, તેના શરીર પર વપરાયેલા રૂમાલો તથા વસ્ત્રો તેઓ માંદાઓની પાસે લાવીને સ્પર્શ કરાવતાં, એટલે તેઓના રોગ દૂર થતાં, અને તેઓમાંથી દુષ્ટાત્માઓ નીકળી જતા હતા.

પણ કેટલાક ભટકતા યહૂદી ભૂવા પણ દુષ્ટાત્મા વળગેલાઓ પર ઈસુનું નામ ઉચ્ચારીને કહેવા લાગ્યા કે, જે ઈસુને પાઉલ પ્રગટ કરે છે, તેમને નામે અમે હુકમ કરીએ છીએ કે 'નીકળી જાઓ.' સ્કેવા નામે એક યહૂદી મુખ્ય યાજકના સાત દીકરા એ પ્રમાણે કરતા હતા. પણ દુષ્ટાત્માએ ઉત્તર દેતાં કહ્યું કે, 'ઈસુ વિષે હું જાણું છું, પાઉલને પણ હું ઓળખું છું, પણ તમે કોણ છો?' જે માણસમાં દુષ્ટાત્મા હતો તે તેઓમાંના બે જન પર કૂદી પડ્યો, બન્નેને હરાવીને તેઓ પર એવો જય પામ્યા કે તેઓ વસ્ત્રો વગરના ઉઘાડા તથા ઘાયલ થઈને તે ઘરમાંથી જતા રહ્યા.

ઘણાં જાદુગરોએ પોતાના પુસ્તકો ભેગાં કરીને સર્વના દેખતા બાળી નાખ્યાં; તેઓની કિંમત ગણી જોતાં તે પચીસ હજાર રૂપિયા જેટલી થઈ.

આ લોકો તથા બિનયહૂદીઓ કે જેઓની પાસે હું તને મોકલું છું તેઓથી હું તારું રક્ષણ કરીશ, કે તું તેઓની આંખો ખોલે, તેઓને અંધકારમાંથી અજવાળામાં તથા શેતાનના અધિકાર નીચેથી ઈશ્વરની તરફ ફેરવે, એ સારું કે તેઓ પાપની માફી તથા જેઓ મારા પરના વિશ્વાસથી પવિત્ર થયા છે, તેઓમાં વારસો પામે.'

કેમ કે મને ખાતરી છે, કે ઈશ્વરનો જે પ્રેમ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે, તેનાથી આપણને મરણ, જીવન, સ્વર્ગદૂતો, અધિકારીઓ, વર્તમાનનું, ભવિષ્યનું, પરાક્રમીઓ, ઊંચાણ, ઊંડાણ, કે કોઈ પણ બીજી સૃજેલી વસ્તુ અલગ કરી શકશે નહિ.

પણ ઈશ્વરવાણી તેને શું કહે છે? "જેઓ બઆલની આગળ ઘૂંટણે પડ્યા નથી એવા સાત હજાર પુરુષોને મેં મારે માટે રાખી મૂક્યા છે,"

શાંતિદાતા ઈશ્વર શેતાનને વહેલો તમારા પગ નીચે કચડી નંખાવશે. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા પર હો. આમીન.

તમારે એ માણસને શરીરનાં નુકસાનને સારુ શેતાનને સોંપવો કે જેથી પ્રભુ ઈસુના પુનરાગમન સમયે તેનો આત્મા ઉદ્ધાર પામે.

એકબીજાથી જુદાં ના થાઓ, પણ પ્રાર્થના માટે થોડીવાર સુધી એકબીજાની સંમતિથી જુદાં થવું પડે તો થાઓ. પછી પાછા ભેગા થાઓ, રખેને શેતાન તમારા માનસિક વિકારને લીધે તમને પરીક્ષણમાં પાડે.

ના, પણ [હું કહું છું કે,] વિદેશીઓ જે બલિદાન આપે છે તે તેઓ ઈશ્વરને નહિ, પણ દુષ્ટાત્માઓને આપે છે; તમે તેઓનો સંગ ના કરો, એવી મારી ઇચ્છા છે. તમે પ્રભુના પ્યાલા સાથે દુષ્ટાત્માઓનો પ્યાલો પી શકતા નથી; તેમ જ તમે પ્રભુના ભોજનની સાથે દુષ્ટાત્માઓનાં ભોજનના ભાગીદાર થઈ શકતા નથી. તો શું આપણે પ્રભુને ચીડવીએ છીએ? શું આપણે તેમના કરતાં વધારે બળવાન છીએ?

કે જેથી શેતાન આપણને ન જીતે, કેમ કે આપણે તેની યુક્તિઓ વિષે અજાણ્યા નથી.

પણ જો અમારી સુવાર્તા ગુપ્ત રહેલી હોય તો તે નાશ પામનારાઓને સારુ જ ગુપ્ત રખાયેલી છે; જેઓમાં આ જગતના દેવે અવિશ્વાસીઓના મન અંધ કર્યાં છે, એ સારુ કે ખ્રિસ્ત જે ઈશ્વરની પ્રતિમા છે, તેમના મહિમાની સુવાર્તાનાં અજવાળાનો ઉદય તેઓ પર ન થાય.

અને ખ્રિસ્ત સાથે શેતાનનો સંબંધ હોઈ શકે? કે વિશ્વાસીને અવિશ્વાસીની સાથે શો ભાગ હોય?

કેમ કે અમારી લડાઈનાં હથિયાર દૈહિક નથી, પણ ઈશ્વરીય સામર્થ્યથી કિલ્લાઓને તોડી પાડવાને તે શસ્ત્રો સમર્થ છે. અમે ભ્રામક દલીલોને તથા ઈશ્વરના જ્ઞાનની વિરુદ્ધ જે કંઈ માથું ઊંચકે છે તેને તોડી પાડીએ છીએ અને દરેક વિચારને વશ કરીને ખ્રિસ્તની આધીનતામાં લાવીએ છીએ.

પણ મને ડર લાગે છે કે, જેમ સર્પે પોતાના કપટથી હવાને છેતરી, તેમ ખ્રિસ્ત પ્રત્યેના નિખાલસ તથા પવિત્ર ભક્તિભાવમાંથી તમારાં મન ફેરવી દેવાય.

કેમ કે એવા માણસો જૂઠા પ્રેરિતો, કપટી કાર્યકર્તાઓ અને ખ્રિસ્તનાં પ્રેરિતોનો વેશ ધરનારા છે. આમાં કંઈ આશ્ચર્ય નથી, કેમ કે શેતાન પોતે પ્રકાશના સ્વર્ગદૂતનો વેશ ધરે છે; તેથી જો તેના સેવકો પણ ન્યાયીપણાના સેવકોનો વેશ ધરે, તો તે મોટા આશ્ચર્યની બાબત નથી; તેઓના કામ પ્રમાણે તેઓનો પરિણામ આવશે.

મને જે પ્રકટીકરણના અસાધારણ અનુભવો થયા તેને લીધે હું ફુલાઉં નહિ માટે શેતાનના દૂત તરીકે મને મનુષ્યદેહમાં પીડા આપવામાં આવી છે કે જેથી હું વધારે પડતી બડાઈ ન કરું.

અને સર્વ રાજ્યસત્તા, અધિકાર, પરાક્રમ, આધિપત્ય તથા પ્રત્યેક નામ જે કેવળ આ કાળમાંનું નહિ, પણ ભવિષ્યકાળમાંનું દરેક નામ જે હોય, એ સર્વ કરતાં ઊંચા કરીને પોતાની જમણી તરફ સ્વર્ગીય સ્થાનોમાં તેમને બેસાડયા.

એ અપરાધોમાં તમે આ જગતના ધોરણ પ્રમાણે વાયુની સત્તાના અધિકારી, એટલે જે દુષ્ટાત્મા આજ્ઞાભંગના દીકરાઓમાં હમણાં કાર્ય કરે છે, તે પ્રમાણે અગાઉ ચાલતા હતા;

એ સારુ કે જે સનાતન કાળનો ઇરાદો તેણે આપણા પ્રભુ ખ્રિસ્ત ઈસુમાં રાખ્યો,

ગુસ્સે થવાય ત્યારે [ખુન્નસ રાખવાનું] પણ પાપ ન કરો; તમારા ગુસ્સા પર સૂર્યને આથમવા ન દો; અને શેતાનને સ્થાન આપો નહિ.

શેતાનની કુયુક્તિઓની સામે તમે અડગ રહી શકો માટે ઈશ્વરનાં સર્વ હથિયારો સજી લો. કેમ કે આપણું યુદ્ધ, લોહી અને માંસ, અધિપતિઓની સામે, અધિકારીઓની સામે, જગતમાંનાં આ અંધકારનાં સત્તાધારીઓની સામે, સ્વર્ગીય સ્થાનોમાં દુષ્ટતાનાં આત્મિક [લશ્કરો] ની સામે છે. એ માટે તમે ઈશ્વરનાં સર્વ શસ્ત્રો ધારણ કરો કે, તમે ખરાબ દિવસે સામનો કરી શકો અને બને તેટલું સર્વ કરીને તેની સામે ટકી શકો.

સર્વ ઉપરાંત વિશ્વાસની ઢાલ ધારણ કરો, જેથી તમે દુષ્ટના સળગી રહેલા બાણ બુઝાવી શકો.

રાજ્યો તથા અધિકારો તોડી પાડીને, વધસ્તંભે તેઓ પર વિજય પામીને તેઓને જાહેરમાં ઉઘાડાં પાડ્યાં.

એ માટે અમે, એટલે ખાસ કરીને મેં પાઉલે, વારંવાર તમારી પાસે આવવાને ઇચ્છા કરી, પણ શેતાને અમને અટકાવ્યા.

કોઈ માણસ કોઈ પ્રકારે તમને છેતરે નહિ. કેમ કે જ્યાં સુધી વિશ્વાસત્યાગ થાય અને પાપનો માણસ, વિનાશનો દીકરો પ્રગટ ન થાય; તે પહેલાં તેમ થશે નહિ. જે ઈશ્વર અને આરાધ્ય ગણાય છે તે સઘળાંનો વિરોધ કરી પોતાને મોટો મનાવનાર આ છે કે જેથી તે ઈશ્વરના ભક્તિસ્થાનમાં ઈશ્વર તરીકે બેસે અને સ્વને ઈશ્વર તરીકે રજૂ કરે. શું તમને યાદ નથી કે, હું તમારી સાથે હતો, ત્યારે મેં એ વાતો તમને જણાવી હતી? તો તમે જાણો છો કે તેમને હવે શું અટકાવે છે તેથી તેઓ માત્ર યોગ્ય સમયે જ પ્રગટ થશે. કેમ કે અધર્મની રહસ્યમયતા કાર્યરત થઈ ચુકી છે, ફક્ત એક કે જેને વચમાંથી દુર કરવામાં નહિ આવે ત્યાં સુધી તે તેમને અટકાવશે. પછી તે અધર્મી જાહેર થશે જેને પ્રભુ ઈસુ પોતાના મુખની ફૂંકથી નષ્ટ કરશે અને પોતાના પુનઃઆગમનના પ્રકટીકરણથી શૂન્ય કરી નાંખશે. શેતાનના કરાવ્યાં પ્રમાણે તે અધર્મી પુરુષ સર્વ પરાક્રમ, ચમત્કારિક ચિહ્નો તથા જૂઠા આશ્ચર્યકર્મો તથા અન્યાયીપણાના સર્વ કપટ સાથે પ્રગટ થશે, જેઓ નાશ પામી રહ્યાં છે તેઓ માટે, કેમ કે ઉદ્ધારને અર્થે સત્ય પ્રેમનો સ્વીકાર તેઓએ કર્યો નહિ.

પણ પ્રભુ વિશ્વાસુ છે, તે તમને સ્થિર કરશે અને દુષ્ટથી બચાવશે.

તેઓમાંના હુમનાયસ તથા એલેકઝાન્ડર છે; તેઓ દુર્ભાષણ કરવાનું ન શીખે માટે મેં તેઓને શેતાનને સોંપ્યાં છે.

બિનઅનુભવી નહિ, રખેને તે ગર્વિષ્ઠ થઈને શેતાનના જેવી શિક્ષામાં આવી પડે. વળી જરૂરી છે કે, બહારના માણસોમાં એની સાક્ષી સારી હોય, કે જેથી તે ઠપકાપાત્ર ન બને, તથા શેતાનના ફાંદામાં ન ફસાય.

પણ પવિત્ર આત્મા સ્પષ્ટ કહે છે કે, પાછલા સમયોમાં છેતરનાર આત્માઓ પર તથા દુષ્ટાત્માઓનાં શિક્ષણ પર લક્ષ રાખી,

કેમ કે અત્યાર સુધીમાં કેટલીક વિધવા સ્ત્રીઓ શેતાનની પાછળ ભટકી ગઈ છે.

કેમ કે ઈશ્વરે આપણને ભયનો આત્મા નહિ, પણ સામર્થ્યનો, પ્રેમનો તથા સાવધ બુદ્ધિનો [આત્મા] આપ્યો છે.

અને જેઓ શેતાનના ફાંદામાં ફસાયા છે તેઓ તેમાંથી છૂટીને પ્રભુની ઇચ્છા પૂરી કરવાને માટે તેમના સેવકને આધીન થાય.

જેથી બાળકો માંસ તથા લોહીનાં બનેલાં હોય છે, માટે તે પણ તે જ રીતે તેઓના ભાગીદાર થયા, જેથી તે પોતે મરણ પામીને મરણ પર સત્તા ધરાવનારનો, એટલે શેતાનનો, નાશ કરે.

તું વિશ્વાસ કરે છે કે, ઈશ્વર એક છે; તો તું સારું કરે છે; દુષ્ટાત્માઓ પણ વિશ્વાસ કરે છે અને કાંપે છે.

પણ જો તમારા મનમાં કડવાશ, અદેખાઇ તથા સ્વાર્થ છે, તો તમે સત્યની વિરુદ્ધ થઈને ગર્વ ન કરો અને જૂઠું ન બોલો. એ જ્ઞાન ઉપરથી ઊતરે એવું નથી, પણ દુન્યવી, બિન-આત્મિક તથા શેતાની છે.

તેથી તમે ઈશ્વરને આધીન થાઓ, પણ શેતાનની સામા થાઓ, એટલે તે તમારી પાસેથી નાસી જશે.

સાવચેત થાઓ, જાગતા રહો; કેમ કે તમારો વૈરી શેતાન ગાજનાર સિંહની જેમ કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરે છે.

કેમ કે જે નર્કદૂતોએ પાપ કર્યું તેઓને ઈશ્વરે છોડ્યાં નહિ, પણ તેઓને નર્કમાં નાખીને ન્યાયચૂકાદા સુધી અંધકારનાં ખાડાઓમાં રાખ્યા;

બાળકો, આ છેલ્લો સમય છે, જેમ તમે સાંભળ્યું કે, ખ્રિસ્ત-વિરોધી આવે છે, તેમ હમણાં પણ ઘણાં ખ્રિસ્ત-વિરોધીઓ થયા છે, એથી આપણે જાણીએ છીએ કે આ અંતિમ સમય છે. તેઓ આપણામાંથી નીકળી ગયા, પણ તેઓ આપણામાંના નહોતા, કેમ કે જો તેઓ આપણામાંના હોત, તો આપણી સાથે રહેત પણ તેઓમાંનો કોઈ આપણામાંનો નથી એમ પ્રગટ થાય માટે [તેઓ નીકળી ગયા.] જે પવિત્ર છે તેનાથી તમે અભિષિક્ત થયા છો, સઘળું તમે જાણો છો, તમે સત્યને જાણતા નથી, એ કારણથી નહિ, પણ તમે તેને જાણો છો અને સત્યમાંથી કંઈ જૂઠું આવતું નથી, એ કારણથી મેં તમને લખ્યું છે. જે ઈસુનો નકાર કરીને કહે છે કે તે ખ્રિસ્ત નથી, તેના કરતા જૂઠો બીજો કોણ છે? જે પિતા તથા પુત્રનો નકાર કરે છે તે જ ખ્રિસ્ત-વિરોધી છે.

જે પાપ કરે છે તે શેતાનનો છે, કેમ કે શેતાન આરંભથી પાપ કરતો આવ્યો છે; શેતાનના કામનો નાશ કરવાને ઈશ્વરના પુત્ર આપણા માટે પ્રગટ થયા. દરેક જે ઈશ્વરથી જન્મેલો છે તે પાપ કરતો નથી, કેમ કે તેમનું બીજ-સ્વભાવ તેમનાંમાં રહે છે; અને તે પાપ કરી શકતો નથી, કેમ કે તે ઈશ્વરથી જન્મેલો છે. ઈશ્વરનાં બાળકો તથા શેતાનના છોકરાં ઓળખાઈ આવે છે. જે કોઈ ન્યાયીપણું કરતો નથી, જે પોતાના ભાઈ પર પ્રેમ કરતો નથી, તે ઈશ્વરનો નથી.

વહાલાંઓ, દરેક આત્મા પર વિશ્વાસ ન રાખો, પણ આત્માઓ ઈશ્વરથી છે કે નહિ એ વિષે તેઓને પારખી જુઓ; કેમ કે દુનિયામાં જૂઠાં પ્રબોધકો ઘણાં ઊભા થયા છે.

ઈસુ ખ્રિસ્ત મનુષ્યદેહમાં આવ્યા છે, એવું જે દરેક આત્મા કબૂલ કરે છે તે ઈશ્વરનો છે, તેથી તમે ઈશ્વરનો આત્મા ઓળખી શકો છો. જે આત્મા ઈસુ ખ્રિસ્ત દેહમાં આવ્યા તેવું કબૂલ કરતો નથી તે ઈશ્વરનો નથી; અને ખ્રિસ્ત-વિરોધીનો આત્મા જે વિષે તમે સાંભળ્યું કે તે આવે છે, તે એ જ છે અને તે હમણાં પણ દુનિયામાં છે.

આખું માનવજગત તે દુષ્ટની સત્તામાં રહે છે. પણ આપણે જાણીએ છીએ કે આપણે ઈશ્વરના છીએ.

કારણ કે દુનિયામાં ઘણાં છેતરનારાં ઊભા થયા છે; જેઓ ઈસુ ખ્રિસ્તનું મનુષ્યદેહમાં આવવું કબૂલ કરતા નથી, તે જ છેતરનાર તથા ખ્રિસ્ત-વિરોધી છે. તમે પોતાના વિષે સાવચેત રહો, કે જેથી અમે જે કામ કર્યું છે તેનો તમે નાશ ન કરો, પણ તેનું પૂર્ણ પ્રતિફળ પામો. જે કોઈ હદ બહાર જાય છે અને ખ્રિસ્તનાં શિક્ષણમાં રહેતો નથી, તેની પાસે ઈશ્વર નથી; શિક્ષણમાં જે રહે છે, તેને જ પિતા તથા પુત્ર પણ છે. જો કોઈ તમારી પાસે આવે અને તે જ શિક્ષણ ન લાવે, તો તેને ઘરમાં પેસવા ન દો અને તેને ક્ષેમકુશળ ન કહો. કેમ કે જે તેને ક્ષેમકુશળ કહે છે તે તેનાં દુષ્ટકર્મોનો ભાગીદાર થાય છે.

અને જે નર્કદૂતોએ પોતાનું સ્થાન જાળવી રાખ્યું નહિ, પણ છોડી દીધું, તેઓને મોટા દિવસના ન્યાયચૂકાદા સુધી તેમણે અંધકારમાંના સનાતન બંધનમાં રાખ્યા છે.

પણ મિખાયેલ પ્રમુખ દૂતે જયારે શેતાનની સાથે મૂસાના શબ વિષે તકરાર કરીને વિવાદ સર્જ્યો, ત્યારે તેણે નિંદા કરીને તહોમત મૂકવાની હિંમત કરી નહિ, પણ એટલું જ કહ્યું કે, "પ્રભુ તને ધમકાવો."

હું તારી વિપત્તિ તથા તારી ગરીબી જાણું છું તોપણ તું ધનવાન છે, જે કહે છે કે, અમે યહૂદી છીએ પણ તેઓ યહૂદી નથી પણ શેતાનની સભા છે, તેઓનું દુર્ભાષણ હું જાણું છું. તારે જે જે સહન કરવું પડશે, તેનાથી બીશ નહિ; જુઓ, તમારું પરીક્ષણ થાય એ માટે તમારામાંના કેટલાકને શેતાન બંદીખાનામાં નાખવાનો છે; તમને દસ દિવસ સુધી વિપત્તિ પડશે. તું મરણ સુધી વિશ્વાસુ રહે અને હું તને જીવનનો મુગટ આપીશ.

તું ક્યાં રહે છે તે હું જાણું છું, એટલે જ્યાં શેતાનની ગાદી છે ત્યાં. વળી તું મારા નામને વળગી રહે છે, જયારે મારા વિશ્વાસુ સાક્ષી અંતિપાસને, તમારામાં, એટલે જ્યાં શેતાન વસે છે ત્યાં, મારી નાખવામાં આવ્યો, તે દિવસોમાં પણ તેં મારા પરના વિશ્વાસનો ઇનકાર કર્યો નહિ.

પણ તમે થુઆતૈરામાંનાં બાકીના જેટલાં તે શિક્ષણ માનતા નથી, જેઓ શેતાનના 'ઊંડા મર્મો' (જેમ તેઓ કહે છે તેમ) જાણતા નથી, તે તમોને હું આ કહું છું કે, તમારા પર હું બીજો બોજો નાખીશ નહિ;

જુઓ, જેઓ શેતાનની સભામાંના છે, જેઓ કહે છે કે અમે યહૂદી છીએ, તોપણ એવા નથી, પણ જૂઠું બોલે છે, તેઓને હું તને સોંપું છું, જુઓ, હું તેઓની પાસે એમ કરાવીશ કે તેઓ આવીને તારા પગ આગળ નમશે, અને મેં તારા પર પ્રેમ રાખ્યો છે એવું તેઓ જાણશે.

જયારે પાંચમા સ્વર્ગદૂતે રણશિંગડું વગાડ્યું, ત્યારે મેં એક તારો આકાશથી પૃથ્વી પર પડેલો જોયો; તેને અનંતઊંડાણની ખાઈની ચાવી અપાઈ. તેણે અનંતઊંડાણની ખાઈને ખોલી. તો તેમાંથી મોટી ભઠ્ઠીમાંથી નીકળતો હોય તેવો ધુમાડો નીકળ્યો તેનાથી સૂર્ય તથા હવા અંધકારમય થઈ ગયા. એ ધુમાડામાંથી તીડો નીકળીને પૃથ્વી પર આવ્યાં, અને પૃથ્વી પરના વીંછીઓની શક્તિ જેવી શક્તિ તેઓને આપવામાં આવી. અને તેઓને એવું ફરમાવ્યું કે, પૃથ્વીના ઘાસને, કોઈ છોડને તથા કોઈ ઝાડને નુકસાન કરો નહિ પણ જે માણસોના કપાળ પર ઈશ્વરની મહોર નથી તેઓને ઉપદ્રવ કરો. તેઓને એવું સૂચવાયું તેઓ તેમને મારી નાખે નહિ, પણ પાંચ મહિના સુધી પીડા પમાડે. વીંછુ જયારે માણસને ડંખ મારે છે ત્યારની પીડા જેવી એ પીડા હતી. તે દિવસોમાં માણસો મરણ માટે તળપશે પણ તે તેમને મળશે જ નહિ, તેઓ મરણ ઇચ્છશે પણ મરણ તેઓ પાસેથી જતું રહેશે. તે તીડોનાં સ્વરૂપ લડાઈને માટે તૈયાર કરેલા ઘોડાઓનાં જેવા હતાં, અને તેઓનાં માથાં પર જાણે કે સોનાનાં હોય એવા મુગટો હતા તેઓના ચહેરા માણસોના ચહેરા જેવા હતા; અને તેઓના વાળ સ્ત્રીનાં વાળ જેવા અને તેઓના દાંત સિંહના દાંત જેવા હતા; અને તેઓનાં અંગે લોખંડનાં બખતર જેવા બખતર હતાં; અને તેઓની પાંખોનો અવાજ યુદ્ધમાં દોડતા ઘણાં ઘોડાના રથોના અવાજ જેવો હતો. તેઓને વીંછુઓના જેવી પૂંછડી હતી, અને ડંખ પણ હતો, તેઓની પૂંછડીઓમાં માણસોને પાંચ માસ સુધી પીડા પમાડવાની શક્તિ હતી. અનંતઊંડાણનો જે નર્કદૂત છે તે તેઓનો રાજા છે; તેનું નામ હિબ્રૂ ભાષામાં અબેદોન, પણ ગ્રીક ભાષામાં તેનું નામ આપોલ્યોન [એટલે વિનાશક] છે.

બાકીના જે માણસો તે આફતોથી મારી નંખાયા નહિ, તેઓએ પોતાના હાથની કૃતિઓ સંબંધી એટલે કે દુષ્ટાત્માઓની, સોનાની, રૂપાની, પિત્તળની, પથ્થરની તથા લાકડાની મૂર્તિઓ જેઓને જોવાની તથા સાંભળવાની તથા ચાલવાની પણ શક્તિ નથી, તેઓની ઉપાસના કરવાનો પસ્તાવો કર્યો નહિ.

જયારે તેઓ પોતાની સાક્ષી પૂરી કરશે ત્યારે જે હિંસક પશુ અનંતઊંડાણમાંથી નીકળે છે તે તેઓની સાથે લડાઈ કરશે અને તેઓને જીતશે તથા તેઓને મારી નાખશે.

આકાશમાં બીજું ચિહ્ન પણ દેખાયું; જુઓ, મોટો લાલ અજગર હતો, જેને સાત માથાં ને દસ શિંગડાં હતાં; અને તેના માથા પર સાત મુગટ હતા; તેના પૂછડાએ આકાશના તારાઓનો ત્રીજો ભાગ ખેંચીને તેઓને પૃથ્વી પર નાખ્યા. જે સ્ત્રીને પ્રસવ થવાનો હતો, તેની આગળ તે અજગર ઊભો રહ્યો હતો, એ માટે કે જયારે તે જન્મ આપે ત્યારે તેના બાળકને તે ખાઈ જાય.

પછી આકાશમાં યુધ્ધ મચ્યું. મીખાએલ તથા તેના સ્વર્ગદૂતો અજગરની સાથે લડ્યા; અને અજગર તથા તેના નર્કદૂતો પણ લડ્યા; તોપણ તેઓ તેમને જીતી શક્યા નહિ અને તેઓને ફરી સ્વર્ગમાં સ્થાન મળ્યું નહિ. તે મોટો અજગર બહાર ફેંકી દેવાયો. એટલે તે જૂનો સાપ જે દુષ્ટાત્મા તથા શેતાન કહેવાય છે, જે આખા માનવજગતને ભમાવે છે, તેને પૃથ્વી પર ફેંકી દેવાયો. અને તેની સાથે તેના નર્કદૂતોને પણ નાખી દેવાયા. ત્યારે સ્વર્ગમાંથી મોટી વાણી મેં એમ કહેતી સાંભળી કે, 'હમણાં ઉદ્ધાર, પરાક્રમ તથા અમારા ઈશ્વરનું રાજ્ય તથા તેમના ખ્રિસ્તનો અધિકાર આવ્યાં છે; કેમ કે અમારા ભાઈઓ પર દોષ મૂકનાર, જે અમારા ઈશ્વરની આગળ રાતદિવસ તેમની વિરુધ્ધ આક્ષેપો મૂકે છે તેને નીચે ફેંકવામાં આવ્યો છે. તેઓએ હલવાનના રક્તથી તથા પોતાની સાક્ષીના વચનથી તેને જીત્યો છે અને છેક મરતાં સુધી તેઓએ પોતાનો જીવ વહાલો ગણ્યો નહિ. એ માટે, ઓ સ્વર્ગો તથા તેઓમાં રહેનારાંઓ, તમે આનંદ કરો! ઓ પૃથ્વી તથા સમુદ્ર તમને અફસોસ છે; કેમ કે શેતાન તમારી પાસે ઊતર્યો છે અને તે બહુ ક્રોધિત થયો છે, તે જાણે છે કે હવે તેની પાસે થોડો જ સમય બાકી છે.

જયારે અજગરે જોયું કે પોતે પૃથ્વી પર ફેંકાયો છે ત્યારે જે સ્ત્રીએ નરબાળકને જન્મ આપ્યો હતો, તેને તેણે સતાવી. સ્ત્રીને મોટા ગરુડની બે પાંખો આપવામાં આવી, કે જેથી તે અજગરની આગળથી અરણ્યમાં પોતાના નિયત સ્થળે ઊડી જાય, ત્યાં સમય તથા સમયો તથા અડધા સમય સુધી તેનું પોષણ કરવામાં આવે. અજગરે પોતાના મોમાંથી નદીના જેવો પાણીનો પ્રવાહ તે સ્ત્રીની પાછળ વહેતો મૂક્યો કે તેના પૂરથી તે તણાઈ જાય. પણ પૃથ્વીએ તે સ્ત્રીને સહાય કરી. એટલે પૃથ્વી પોતાનું મોં ઉઘાડીને જે પાણીનો પ્રવાહ અજગરે પોતાના મોમાંથી વહેતો મૂક્યો હતો તેને પી ગઈ. ત્યારે અજગર તે સ્ત્રી પર ગુસ્સે થયો. અને તેનાં બાકીનાં સંતાન એટલે જેઓ ઈશ્વરની આજ્ઞા પાળે છે અને જેઓ ઈસુની સાક્ષીને વળગી રહે છે તેઓની સાથે લડવાને તે નીકળ્યો; અને તે સમુદ્રની રેતી પર ઊભો રહ્યો.

પછી મેં એક હિંસક પશુને સમુદ્રમાંથી નીકળતું જોયું, તેને દસ શિંગડાં તથા સાત માથાં હતાં, તેનાં શિંગડાં પર દસ મુગટ તથા તેનાં માથાં પર ઈશ્વરનું અપમાન કરનારાં નામો હતાં. જે હિંસક પશુને મેં જોયું, તે ચિત્તાના જેવું હતું, તેના પગ રીંછના પગ જેવા હતા, તેનું મોં સિંહના મોં જેવું હતું; તેને અજગરે પોતાનું પરાક્રમ, રાજ્યાસન તથા મોટો અધિકાર આપ્યાં. મેં તેનાં માથાંમાંના એકને મરણતોલ ઘાયલ થયેલું જોયું; પણ તેનો પ્રાણઘાતક ઘા રુઝાયો, અને આખી દુનિયા તે હિંસક પશુને જોઈને આશ્ચર્ય પામી; અજગરે હિંસક પશુને અધિકાર આપ્યો હતો, તેથી તેઓએ તેની ઉપાસના કરી; તેઓએ હિંસક પશુની પણ ઉપાસના કરી, અને કહ્યું કે, 'હિંસક પશુના જેવું બીજું કોણ છે? એની સામે લડી શકે એવું કોણ છે?' બડાઈ કરનારું તથા ઈશ્વર વિરુદ્ધ દુર્ભાષણ કરનારું મોં તેને આપવામાં આવ્યું; બેતાળીસ મહિના સુધી તે એમ કર્યા કરે એવો અધિકાર તેને આપવામાં આવ્યો. તેણે ઈશ્વરનું અપમાન કરવા સારુ પોતાનું મોં ખોલ્યું કે, તે ઈશ્વરના નામનું, તેમના પવિત્રસ્થાનનું તથા સ્વર્ગમાં રહેનારાઓનું અપમાન કરે. તેને એવું સામર્થ્ય પણ આપવામાં આવ્યું કે, તે સંતોની સામે લડે, અને તેઓને જીતે; વળી સર્વ કુળ, પ્રજા, ભાષા તથા દેશ પર તેને અધિકાર આપવામાં આવ્યો. જેઓનાં નામ સૃષ્ટિના મંડાણથી મારી નંખાયેલા હલવાનના જીવનપુસ્તકમાં લખેલાં નથી, એવાં પૃથ્વી પર રહેનારાં સર્વ તેની ઉપાસના કરશે. જો કોઈને કાન હોય તો તે સાંભળે. જો કોઈ બીજાને ગુલામીમાં લઈ જાય, તો તે પોતે ગુલામીમાં જશે; જો કોઈ બીજાને તલવારથી મારી નાખે, તો તેને પોતાને તલવારથી માર્યા જવું પડશે. આમાં સંતોની ધીરજ તથા તેઓનો વિશ્વાસ રહેલાં છે.

પછી મેં પૃથ્વીમાંથી બીજા એક હિંસક પશુને બહાર આવતું જોયું; તેને ઘેટાંના [શિંગડાં] જેવા બે શિંગડાં હતાં, તે અજગરની માફક બોલતું હતું. પહેલા હિંસક પશુનો સર્વ અધિકાર તેની સમક્ષ તે ચલાવે છે, જે પહેલા હિંસક પશુનો પ્રાણઘાતક ઘા રુઝાયો હતો, તેની ઉપાસના પૃથ્વી પાસે તથા તે પરના રહેનારાંઓની પાસે તે કરાવે છે; તે મોટા ચમત્કારિક ચિહ્નો કરે છે, એટલે સુધી કે તે માણસોની નજર આગળ આકાશમાંથી પૃથ્વી પર અગ્નિ પણ વરસાવે છે. હિંસક પશુની સમક્ષ જે ચમત્કારિક ચિહ્નો કરવાનો [અધિકાર] તેને આપવામાં આવ્યો, તેઓ વડે પૃથ્વી પર રહેનારાંઓને તે ભમાવે છે; અને પૃથ્વી પર રહેનારાંઓને તે કહે છે કે, 'જે હિંસક પશુ તલવારથી ઘાયલ થયું હતું, છતાં તે જીવતું રહ્યું, તેની મૂર્તિ બનાવો.' તેને, એવું [સામર્થ્ય] આપવામાં આવ્યું કે તે હિંસક પશુની મૂર્તિમાં પ્રાણ મૂકે, જેથી તે હિંસક પશુની મૂર્તિ બોલે, અને જેટલાં માણસો હિંસક પશુની મૂર્તિની ઉપાસના ન કરે તેટલાંને તે મારી નંખાવે. વળી નાના તથા મોટા, શ્રીમંત તથા દરિદ્રી, સ્વતંત્ર તથા દાસ, તે સર્વની પાસે તેઓના જમણાં હાથ પર અથવા તેઓનાં કપાળ પર તે છાપ મરાવે છે; વળી જેને તે છાપ, એટલે હિંસક પશુનું નામ, અથવા તેના નામની સંખ્યા હોય, તે વગર બીજા કોઈથી કંઈ વેચાયલેવાય નહિ, એવી પણ તે ફરજ પાડે છે. આમાં ચાતુર્ય રહેલું છે. જેને બુદ્ધિ છે, તે હિંસક પશુની સંખ્યા ગણે; કેમ કે તે એક માણસના નામની સંખ્યા છે અને તેની સંખ્યા છસો છાસઠ છે.

પછી તેઓની પાછળ ત્રીજો સ્વર્ગદૂત આવીને ઊંચા અવાજે બોલ્યો કે, હિંસક પશુને તથા તેની મૂર્તિને જો કોઈ પૂજે અને તેની છાપ પોતાના કપાળ પર અથવા પોતાના હાથ પર લગાવે, તો તે પણ ઈશ્વરના કોપરૂપી દ્રાક્ષારસ, જે તેમના ક્રોધના પ્યાલામાં પૂરો રેડેલો છે, તે પીવો પડશે; અને પવિત્ર સ્વર્ગદૂતોની તથા હલવાનની સમક્ષ અગ્નિમાં તથા ગંધકમાં તે દુઃખ ભોગવશે; તેઓની પીડાનો ધુમાડો સદાસર્વકાળ સુધી ઉપર ચઢ્યાં કરે છે; જેઓ હિંસક પશુની તથા તેની મૂર્તિની ઉપાસના કરે છે તથા જે કોઈ તેના નામની છાપ લગાવે છે, તેઓને રાતદિવસ આરામ નથી.

પાંચમા સ્વર્ગદૂતે પોતાનો પ્યાલો હિંસક પશુના રાજ્યાસન પર રેડયો; અને તેના રાજ્ય પર અંધારપટ છવાયો; અને તેઓ પીડાને લીધે પોતાની જીભોને કરડવા લાગ્યા,

ત્યારે પેલા અજગરના મોંમાંથી, હિંસક પશુના મોંમાંથી તથા જૂઠાં પ્રબોધકના મોંમાંથી નીકળતા દેડકા જેવા ત્રણ અશુદ્ધ આત્મા મેં જોયા; કેમ કે તેઓ ચમત્કારિક ચિહ્નો કરનારા દુષ્ટાત્માઓ છે, કે જેઓ આખા દુનિયાના રાજાઓ પાસે જાય છે એ માટે કે સર્વસમર્થ ઈશ્વરના મહાન દિવસની લડાઈને સારુ તેઓ તેઓને એકત્ર કરે.

જે સાત સ્વર્ગદૂતોની પાસે તે સાત પ્યાલા હતા, તેઓમાંનો એક આવ્યો અને તેણે મારી સાથે બોલતાં કહ્યું કે, 'અહીં આવ, અને જે મોટી વારાંગના ઘણાં પાણી પર બેઠેલી છે, તેને જે શિક્ષા થવાની છે તે હું તને બતાવું. તેની સાથે દુનિયાના રાજાઓએ વ્યભિચાર કર્યો છે અને તેના વ્યભિચારના દ્રાક્ષરસથી પૃથ્વીના રહેનારા ચકચૂર થયા છે.' પછી તે મને આત્મામાં અરણ્યમાં લઈ ગયો; અને એક કિરમજી રંગના હિંસક પશુ પર એક સ્ત્રી બેઠેલી મેં જોઈ; તે પશુ ઈશ્વરનું અપમાન કરનારાં નામોથી ભરેલું હતું, અને તેને સાત માથાં ને દસ શિંગડાં હતાં. તે સ્ત્રીએ જાંબુડા તથા કિરમજી રંગનાં વસ્ત્ર પહેરેલાં હતાં અને તે સોનાથી તથા મૂલ્યવાન રત્નો તથા મોતીથી શણગારેલી હતી, અને તેના વ્યભિચારના ધિક્કારપાત્ર કૃત્યોથી તથા અશુદ્ધતાથી ભરેલો સોનાનો પ્યાલો તેના હાથમાં હતો. તેના કપાળ પર એક મર્મજનક નામ લખેલું હતું, એટલે, 'મહાન બાબિલોન, ગણિકાઓની તથા પૃથ્વીના ધિક્કારપાત્ર બાબતોની માતા.' મેં તેં સ્ત્રીને સંતોનું લોહી તથા ઈસુના સાક્ષીઓનું લોહી પીધેલી જોઈ. તેને જોઈને મને ઘણું આશ્ચર્ય થયું. સ્વર્ગદૂતે મને પૂછ્યું કે, 'તું કેમ આશ્ચર્ય પામે છે? એ સ્ત્રીનો, અને સાત માથાં તથા દસ શિંગડાવાળું હિંસક પશુ કે, જેનાં પર તે બેઠેલી છે, તેનો મર્મ હું તને સમજાવીશ.'

જે હિંસક પશુ તેં જોયું, તે હતું અને નથી; અને તે અનંતઊંડાણમાં નીકળવાનું તથા નાશમાં જવાનું છે અને પૃથ્વી પરના રહેનારાંઓ કે જેઓનાં નામ સૃષ્ટિના મંડાણથી જીવનપુસ્તકમાં લખેલાં નથી, તેઓ જે હિંસક પશુ હતું અને નથી અને આવનાર છે, તેને જોઈને આશ્ચર્ય પામશે. આનો ખુલાસો જ્ઞાની મન કરે. જે સાત માથાં છે તે સાત પહાડ છે, તેઓ પર સ્ત્રી બેઠેલી છે; અને તેઓ સાત રાજા છે; તેમાંના પાંચ પડ્યા છે, એક જીવંત છે, અને બીજો હજી સુધી આવ્યો નથી; જયારે તે આવશે ત્યારે થોડીવાર તેને રહેશે. જે હિંસક પશુ હતું અને નથી, તે જ વળી આઠમો રાજા છે, અને તે સાતમાંનો એક છે; તે નાશમાં જાય છે. જે દસ શિંગડાં તેં જોયાં છે તેઓ દસ રાજા છે, તેઓ હજી સુધી રાજ્ય પામ્યા નથી; પણ હિંસક પશુની સાથે એક ઘડીભર રાજાઓના જેવો અધિકાર તેઓને મળે છે. તેઓ એક મતના છે, અને તેઓ પોતાનું પરાક્રમ તથા અધિકાર હિંસક પશુને સોંપી દે છે.

તેઓ હલવાનની સાથે લડશે અને હલવાન તેઓને જીતશે કેમ કે તેઓ મહાન પ્રભુ તથા રાજાઓના રાજા છે; અને તેમની સાથે જેઓ છે, એટલે તેડાયેલા, પસંદ કરેલા તથા વિશ્વાસુ છે તેઓ પણ જીતશે. તે મને કહે છે કે, જે પાણી તે જોયું છે, જ્યાં તે વારાંગના બેઠી છે, તેઓ લોકો, સમુદાય, રાષ્ટ્રો તથા ભાષાઓ છે. તેં જે દસ શિંગડાં તથા પશુ તે જોયાં તેઓ તે વારાંગનાનો દ્વેષ કરશે, તેને પાયમાલ કરીને તેને ઉઘાડી કરશે તેનું માંસ ખાશે અને આગથી તેને બાળી નાખશે. કેમ કે તેઓ ઈશ્વરની ઇચ્છા પૂરી કરે, એક વિચારના થાય, અને ઈશ્વરનાં વચનો પૂરાં થાય ત્યાં સુધી તેઓ પોતાનું રાજ્ય હિંસક પશુને સોંપે એવું ઈશ્વરે તેઓના મનમાં મૂક્યું છે. જે સ્ત્રીને તેં જોઈ છે, તે તો જે મોટું શહેર દુનિયાના રાજાઓ પર રાજ કરે છે તે છે.

તેણે ઊંચા અવાજે કહ્યું કે, 'પડ્યું રે, પડ્યું, મોટું બાબિલોન પડ્યું. અને તે દુષ્ટાત્માઓનું નિવાસસ્થાન તથા દરેક અશુદ્ધ આત્માનું અને અશુદ્ધ તથા ધિક્કારપાત્ર પક્ષીનો વાસો થયું છે.

પછી મેં હિંસક પશુ, દુનિયાના રાજાઓ તથા તેઓનાં સૈન્યને ઘોડા પર બેઠેલાની સામે તથા તેમના સૈન્યની સામે લડવાને એકઠા થયેલા મેં જોયા. હિંસક પશુ પકડાયું, અને તેની સમક્ષ જે જૂઠાં પ્રબોધકે ચમત્કારિક ચિહ્નો દેખાડીને હિંસક પશુની છાપ લેનારાઓને તથા તેની મૂર્તિની ઉપાસના કરનારાઓને ભમાવ્યા હતા તેને પણ તેની સાથે પકડવામાં આવ્યો. એ બન્નેને ગંધકથી બળનારી અગ્નિની ખાઈમાં જીવતા જ ફેંકવામાં આવ્યા. અને જેઓ બાકી રહ્યા તેઓને ઘોડા પર બેઠેલાના મોમાંથી જે તલવાર નીકળી તેનાથી મારી નાખવામાં આવ્યા; અને તેઓના માંસથી સઘળાં પક્ષી તૃપ્ત થયાં.

મેં એક સ્વર્ગદૂતને સ્વર્ગથી ઊતરતો જોયો, તેની પાસે અનંતઊંડાણની ચાવી હતી, અને તેના હાથમાં મોટી સાંકળ હતી. તેણે પેલા અજગરને જે ઘરડો સર્પ, દુષ્ટ તથા શેતાન છે, તેને પકડ્યો. અને હજાર વર્ષ સુધી તેને બાંધી રાખ્યો. અને તેણે તેને અનંતઊંડાણમાં ફેંકીને તે બંધ કર્યું, અને તેને સીલ કર્યું, એ માટે કે તે હજાર વર્ષ પૂરાં થતાં સુધી તે ફરી લોકોને ભુલાવે નહિ; ત્યાર પછી થોડીવાર સુધી તે છૂટો કરવામાં આવશે.

જયારે તે હજાર વર્ષ પૂરાં થશે ત્યારે શેતાનને તેના બંધનમાંથી મુક્ત કરવામાં આવશે. અને તે પૃથ્વી પર ચારે ખૂણામાં રહેતા લોકોને, ગોગ તથા માગોગને ગેરમાર્ગે દોરીને લડાઈને સારુ તેઓને એકઠા કરવાને બહાર આવશે; તેઓની સંખ્યા સમુદ્રની રેતી જેટલી છે. તેઓ પૃથ્વીની આખી સપાટી પર ગયા અને તેઓએ સંતોની છાવણીને તથા પ્રિય શહેરને ઘેરી લીધું; પણ સ્વર્ગમાંથી અગ્નિ ઊતર્યો અને તેઓનો સંહાર કર્યો.

શેતાન જે તેઓને ભમાવનાર હતો, તેને અગ્નિ તથા ગંધકની ખાઈમાં, જ્યાં હિંસક પશુ તથા જૂઠો પ્રબોધક છે, ત્યાં ફેંકી દેવામાં આવ્યો. ત્યાં રાતદિવસ સદાસર્વકાળ સુધી તેઓ પીડા ભોગવશે.

Gujarati - ગુજરાતી - GU

GUBCS - Gujarati Bridge Connectivity Solutions - 2017

This Bible text is from Gujarati Indian Revised Version IRV
https://open.bible/bibles/gujarati-bridge-text-bible/
provided by: Bridge Connectivity Solutions Pvt Ltd, available by Creative Commons CC-BY-SA-4.0,
and this new compilation is shared as www.creativecommons.org/licenses/by-sa/4.0.
Languages are made available to you by www.ipedge.net