28 – એન્જલ્સ

આ સર્વશક્તિમાન ઈશ્વરના પવિત્ર શબ્દો છે.
આપણને મનુષ્યના શબ્દોમાં રસ નથી.
જે કોઈ પણ ઈશ્વરને પ્રેમ કરે છે તેના માટે... ઈશ્વર આના વિશે કહે છે: એન્જલ્સ.

ટોચની 3 સૌથી નોંધપાત્ર છંદો

યહોવાહના ભક્તોની આસપાસ તેમનો દૂત છાવણી કરે છે અને તે તેમને સંકટમાંથી છોડાવે છે.

પણ ઈશ્વરે કયા સ્વર્ગદૂતને કદી એમ કહ્યું કે, 'હું તારા શત્રુઓને તારા પગ નીચે કચડું નહિ, ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ?' શું તેઓ સર્વ સેવા કરનારા આત્મા નથી? તેઓને ઉદ્ધારનો વારસો પામનારાઓની સેવા કરવા માટે બહાર મોકલવામાં આવ્યા નથી?

હું તમને કહું છું કે એ જ પ્રમાણે એક પાપી પસ્તાવો કરે, તેને લઈને ઈશ્વરના સ્વર્ગદૂતોની સમક્ષ આનંદ થાય છે.'

દરેક શ્લોક કેનોનિકલ ઓર્ડરમાં - 183 ફકરાઓ

ઈશ્વરે તે માણસને વાડીમાંથી દૂર કર્યો અને જીવનના વૃક્ષની સીમાને સાચવવા તેમણે એદન વાડીની પૂર્વગમ અગ્નિરૂપી તરવાર સાથે કરુબોને ચોકીદાર તરીકે ગોઠવ્યા.

વળી ઈશ્વરના દૂતે તેને કહ્યું, "હું તારો વંશ ઘણો વધારીશ. તારા વંશમાં અસંખ્ય સંતાનો થશે." દૂતે તેને એ પણ કહ્યું, "તું ગર્ભવતી છે. તું દીકરાને જન્મ આપશે. તેને તું ઇશ્માએલ નામ આપજે. કેમ કે ઈશ્વરે તારું દુઃખ સાંભળ્યું છે. તે માણસો મધ્યે જંગલના ગર્દભ જેવો થશે. તેનો હાથ દરેકની વિરુદ્ધ તથા દરેકનો હાથ તેની વિરુદ્ધ થશે અને તે પોતાના સર્વ ભાઈઓની સાથે દુશ્મનાવટથી રહેશે."

બપોરના સમયે જયારે ઇબ્રાહિમ તંબુના બારણામાં બેઠો હતો, ત્યારે ઈશ્વરે મામરેનાં એલોન વૃક્ષની પાસે તેને દર્શન આપ્યું. તેણે આંખો ઊંચી કરીને જોયું, તો ત્રણ પુરુષો તેની નજીક ઊભા હતા. જયારે તેણે તેઓને જોયા, ત્યારે તે તેઓને મળવાને તંબુના બારણામાંથી દોડ્યો અને જમીન સુધી નમીને તેઓને પ્રણામ કર્યા.

અને ઘરના બારણા પાસે જે હતા, તે સર્વને અંધ બનાવી દીધા. તેઓ ઘરનું બારણું શોધતાં શોધતાં થાકી ગયા. પછી તેઓએ લોતને કહ્યું, "અહીં તારી પાસે બીજા કોઈ છે? તારો જમાઈ, તારા દીકરાઓ, તારી દીકરીઓ તથા નગરમાં જે સર્વ તારાં હોય તેઓને, અહીંથી બહાર મોકલી દે. અમે આ જગ્યાનો નાશ કરવાના છીએ, કારણ કે આ લોકોનાં ખરાબ કૃત્યો તેઓની વિરુદ્ધ ઈશ્વરની આગળ પુષ્કળ પ્રમાણમાં થયાં છે. તેથી તેઓનો નાશ કરવાને ઈશ્વરે અમને મોકલ્યા છે." લોત બહાર આવ્યો, એટલે તેની દીકરીઓ સાથે લગ્ન કરવાનું વચન આપનારા તેના જમાઈઓને કહ્યું, "જલ્દી, આ જગ્યાથી બહાર જતા રહો, કેમ કે ઈશ્વર આ નગરનો નાશ કરવાના છે." પણ તેના જમાઈઓને એમ લાગ્યું કે તે મજાક કરે છે. વહેલી સવારે દૂતોએ લોતને તાકીદ કરીને કહ્યું, "ઊઠ, તારી પત્નીને તથા તારી બે દીકરીઓ જે અહીં છે તેઓને લઈને નીકળી જા, જેથી નગરને થનારી સજામાં તું નાશ ન પામે."

પછી તેણે છરો ઉગામ્યો એવામાં ઈશ્વરના દૂતે આકાશમાંથી તેને હાંક મારીને કહ્યું, "ઇબ્રાહિમ, ઇબ્રાહિમ!" અને તેણે કહ્યું, "બોલો, હું અહીં છું." દૂતે તેને કહ્યું, "તારા દીકરા પર તારો હાથ ઉગામીશ નહિ અને તેને કશી ઈજા કરીશ નહિ, કેમ કે મને ખાતરી થઈ છે કે તેં તારા એકનાએક દીકરાને, મારાથી પાછો રાખ્યો નથી. તું ઈશ્વરની બીક રાખે છે."

ઈશ્વરના દૂતે આકાશમાંથી ઇબ્રાહિમ સાથે ફરીથી વાત કરી, અને કહ્યું કે, "આ ઈશ્વરની વાણી છે, "મેં પોતાના સમ ખાધા છે, તેં એ કામ કર્યું છે અને તારા એકનાએક દીકરાને તેં પાછો રાખ્યો નથી, તેથી નિશ્ચે હું તને આશીર્વાદ આપીશ અને આકાશના તારા તથા સમુદ્ર કિનારાની રેતી જેટલાં તારાં સંતાન વધારીશ; અને તારાં સંતાન તેમના શત્રુઓના નગરના પ્રવેશદ્વારને કબજે કરશે. તારા વંશજોથી પૃથ્વીના સર્વ લોક આશીર્વાદિત થશે, કેમ કે તેં મારું કહ્યું માન્યું છે."

તેને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં પૃથ્વી પર ઊભી કરેલી એક સીડી તેના જોવામાં આવી. તેનો ઉપરનો ભાગ આકાશ સુધી પહોંચતો હતો અને ઈશ્વરના દૂતો તેની પર ચઢતા ઊતરતા હતા.

ઈશ્વરના દૂતે મને સ્વપ્નમાં કહ્યું, 'યાકૂબ.' મેં કહ્યું, 'હું આ રહ્યો.'

યાકૂબ પણ પોતાના રસ્તે ચાલતો થયો અને રસ્તામાં ઈશ્વરના દૂતો તેને મળ્યા. જયારે યાકૂબે તેઓને જોયા ત્યારે તે બોલ્યો, "આ તો ઈશ્વરની છાવણી છે," તેથી તેણે તે જગ્યાનું નામ 'માહનાઇમ' પાડ્યું.

ત્યાં યહોવાહના દૂતે ઝાડવાં વચ્ચે આગના ભડકામાં તેને દર્શન દીધું. તેણે જોયું ઝાડવું સળગતું હતું. પણ બળીને ભસ્મ થતું ન હતું. તેથી મૂસાએ વિચાર્યું કે, "હું નજીક જઈને આ મહાન દ્રશ્ય જોઉં. આ ઝાડવું બળે છે પણ ભસ્મ કેમ થતું નથી?"

પછી ઇઝરાયલી સૈન્યની આગળ ચાલતો યહોવાહનો જે દૂત હતો તે ત્યાંથી ખસીને તેઓની પાછળ ગયો, તેથી મેઘસ્તંભ પણ તેઓની આગળથી ખસીને તેઓની પાછળ થંભ્યો. આ રીતે મેઘસ્તંભ મિસરીઓના સૈન્ય અને ઇઝરાયલીઓના સૈન્યની વચ્ચે આવીને થંભ્યો. ત્યારે વાદળો અને અંધકાર હોવા છતાં મેઘસ્તંભ પણ રાત્રે ઇઝરાયલીઓને પ્રકાશ આપતો હતો. મિસરની સેના માટે સમગ્ર રાત્રી દરમિયાન અંધકાર હોવાને લીધે તે ઇઝરાયલીઓ પાસે આવી શકી નહિ.

અને તમારા માટે મેં જે જગ્યા તૈયાર કરી છે ત્યાં તમને લઈ જવા માટે હવે હું તમારી આગળ એક દૂત મોકલું છું તે રસ્તામાં તમારું રક્ષણ કરશે.

કારણ કે, મારો દૂત તમારી આગળ આગળ ચાલશે. અને તમને અમોરીઓ, હિત્તીઓ, પરીઝીઓ, કનાનીઓ, હિવ્વીઓ અને યબૂસીઓના પ્રદેશમાં લઈ જશે. અને હું તેઓનો સર્વનાશ કરીશ.

અને તમારે સોનાના બે કરુબો ટીપેલા સોનામાંથી ઘડીને દયાસનના બે છેડા માટે બનાવવા. અને એક કરુબ એક છેડા પર અને બીજો દયાસનના બીજા છેડા પર બેસાડવો, એ કરુબ દયાસનની સાથે એવી રીતે જોડી દેવા કે દયાસન અને કરુબો એક થઈ જાય. એ કરુબોની પાંખો ઊંચે આકાશ તરફ ફેલાયેલી રાખવી. તેઓનાં મુખ એકબીજાની સામે હોય અને દયાસન તરફ વળેલાં હોય. એ દયાસન ઉપર મૂકવું અને કોશમાં હું તને આપું તે કરારની બે પાટીઓ મૂકવી. અને ત્યાં હું તને મળીશ. ઇઝરાયલી લોકો માટે જે આજ્ઞાઓ હું તને આપીશ તે સર્વ વિષે, કરારલેખના કોશ પરના દયાસન ઉપરથી તથા બે કરુબોની વચમાંથી, હું તારી સાથે વાત કરીશ.

હવે ચાલ જે જગ્યા વિષે મેં તને કહ્યું છે, ત્યાં આ લોકોને દોરી જા. જો, મારો દૂત તારી આગળ ચાલશે. પણ જે દિવસે હું તેઓને જોઈ લઈશ, તે દિવસે હું તેઓના પાપને લીધે તેઓને શિક્ષા કરીશ."

હું તારી આગળ મારા એક દૂતને મોકલીશ અને કનાનીઓ, અમોરીઓ, હિત્તીઓ, પરિઝીઓ, હિવ્વીઓ તથા યબૂસીઓને હાંકી કાઢીશ.

જ્યારે મુલાકાતમંડપમાં મૂસા યહોવાહની સાથે બોલવા ગયો ત્યારે ઈશ્વરની વાણી તેની સાથે વાત કરતી તેણે સાંભળી. બે કરુબો મધ્યેથી કરારકોશ પરના દયાસન ઉપરથી ઈશ્વર તેની સાથે બોલતા હતા. યહોવાહ તેની સાથે બોલ્યા.

જ્યારે અમે યહોવાહને પોકાર કર્યો, ત્યારે યહોવાહે અમારો અવાજ સાંભળ્યો અને દૂતને મોકલીને અમને મિસરમાંથી બહાર લાવ્યા. જો, અમે તારા દેશની સરહદના કાદેશ શહેરમાં છીએ.

પણ તે ગયો, તેથી ઈશ્વરને ક્રોધ ચઢ્યો હતો. જ્યારે બલામ ગધેડી પર સવાર થઈને જતો હતો ત્યારે તેની સામે થવા માટે રસ્તામાં યહોવાહનો દૂત ઊભો રહ્યો, બલામના બે સેવકો પણ તેની સાથે હતા. ગધેડીએ યહોવાહના દૂતને રસ્તામાં પોતાની તલવાર ખેંચીને ઊભેલો જોયો. તેથી ગધેડી પોતાનો રસ્તો બદલીને ખેતરમાં વળી ગઈ. બલામ ગધેડીને મારીને ફરી પછી રસ્તા પર લઈ આવ્યો. પછી યહોવાહનો દૂત દ્રાક્ષાવાડીઓની વચ્ચે રસ્તામાં ઊભો રહ્યો, તેની જમણી બાજુ અને બીજી બાજુ દીવાલ હતી. ગધેડીએ યહોવાહના દૂતને ફરીથી જોયો. તે દીવાલ સામે ચાલી ગઈ અને બલામનો પગ દીવાલની સાથે પછડાયો. બલામે તેને ફરી મારી. યહોવાહનો દૂત આગળ ગયો, બીજી સાંકડી જગ્યા જ્યાં ગધેડીને ડાબે કે જમણે ફરવાનો કોઈ રસ્તો ન હતો ત્યાં ઊભો રહ્યો. ગધેડી યહોવાહના દૂતને જોઈને બલામ સાથે નીચે બેસી પડી. બલામને ગુસ્સો આવ્યો અને તેણે ગધેડીને લાકડીથી મારી. પછી યહોવાહે ગધેડીનું મુખ ખોલ્યું કે તે વાત કરી શકે. તેણે બલામને કહ્યું, "મેં તને શું કર્યું છે કે તેં મને ત્રણ વખત મારી?" બલામે ગધેડીને જવાબ આપ્યો, "તે એટલા માટે, કેમ કે તેં મારી સાથે મૂર્ખતાભર્યું કામ કર્યું છે. જો મારા હાથમાં તલવાર હોત તો સારું. જો હોત તો, હમણાં જ હું તને મારી નાખત." ગધેડીએ બલામને પૂછ્યું, "શું હું તારી ગધેડી નથી? જેના પર તેં તારા પૂરા જીવનથી આજ સુધી સવારી કરી છે. તારી આગળ આવું કરવાની મને ક્યારેય આદત હતી?" બલામે કહ્યું, "ના."

પછી યહોવાહે બલામની આંખો ખોલી, તેણે યહોવાહના દૂતને પોતાની તલવાર હાથમાં લઈને રસ્તાની વચ્ચે ઊભેલો જોયો. બલામે માથું નમાવીને તેને સાષ્ટાંગ દંડ્વત પ્રણામ કર્યા. યહોવાહના દૂતે તેને કહ્યું, "તેં આ ગધેડીને ત્રણ વખત શા માટે મારી છે? જો, હું તારી આગળ શત્રુ તરીકે ઊભો રહ્યો કેમ કે મારી આગળ તારા કામો દુષ્ટ હતાં. ગધેડીએ મને જોયો એટલે તે ત્રણ વાર મારાથી દૂર ખસી ગઈ. જો તે ખસી ગઈ ના હોત તો મેં તને મારી નાખ્યો હોત અને ગધેડીનો જીવ બચાવ્યો હોત." બલામે યહોવાહના દૂતને કહ્યું, "મેં પાપ કર્યું છે. હું જાણતો ન હતો કે તું માર્ગમાં મારી સામે ઊભો છે. તો હવે, જો આ સફરથી તું નારાજ થયો છે, તો જ્યાંથી હું આવ્યો છું ત્યાં હું પાછો જઈશ." પણ યહોવાહના દૂતે બલામને કહ્યું, "આ માણસોની સાથે જા. પણ જે વાત હું તને કહું તે જ તારે કહેવી." તેથી બલામ બાલાકના વડીલો સાથે ગયો.

અને યહોશુઆ યરીખો પાસે હતો, તેણે પોતાની આંખો ઊંચી કરીને જોયું, તો જુઓ, તેની સામે એક પુરુષ ઊભો રહેલો હતો, અને તેના હાથમાં તાણેલી તલવાર હતી. યહોશુઆએ તેની પાસે જઈને તેને પૂછ્યું, "શું તું અમારા પક્ષનો છે કે અમારા શત્રુઓના પક્ષનો છે?" તેણે કહ્યું, "એમ તો નહિ, પણ હું યહોવાહનાં સૈન્યનો સરદાર છું." અને યહોશુઆએ ભૂમિ પર પડીને તેનું ભજન કરીને કહ્યું, "મને માલિકનો આદેશ ફરમાવો." ત્યારે યહોવાહનાં સૈન્યના સરદારે યહોશુઆને કહ્યું કે "તારા પગમાંથી તારા ચંપલ ઉતાર. કેમ કે જે જગ્યાએ તું ઊભો છે તે પવિત્ર છે." અને યહોશુઆએ તેના કહ્યા પ્રમાણે કર્યું.

અને ઈશ્વરના દૂતે ઇઝરાયલના સર્વ લોકોને એ વાતો કહી, ત્યારે તેઓ પોક મૂકીને રડ્યા.

આકાશમાંના તારાઓએ યુદ્ધ કર્યું, તારાઓએ પોતાની કક્ષામાં સીસરાની સામે યુદ્ધ કર્યું.

ઈશ્વરના દૂતે તેને દર્શન આપીને તેને કહ્યું, "પરાક્રમી શૂરવીર, ઈશ્વર તારી સાથે છે!"

ત્યારે ઈશ્વરના દૂતે પોતાના હાથમાંથી લાકડીના છડાથી માંસ અને બેખમીર રોટલીને સ્પર્શ કર્યો; ખડકમાંથી અગ્નિ નીકળ્યો અને માંસ તથા બેખમીર રોટલીને ભસ્મ કર્યા. પછી ઈશ્વરનો દૂત અદ્રશ્ય થઈ ગયો પછી ગિદિયોન તેને જોઈ શક્યો નહિ. ગિદિયોન સમજ્યો કે આ ઈશ્વરનો દૂત હતો. તેણે કહ્યું, "પ્રભુ ઈશ્વર, મને અફસોસ! કેમ કે મેં ઈશ્વરના દૂતને મારી સમક્ષ જોયો!"

ત્યારે તે સ્ત્રીએ આવીને પોતાના પતિને કહ્યું કે, "ઈશ્વરનો એક માણસ મારી પાસે આવ્યો હતો, તેનો દેખાવ ઈશ્વરના દૂત જેવો હતો, તેથી મને ઘણી બીક લાગી. તે ક્યાંથી આવ્યો તે મેં પૂછ્યું નહિ, તેણે પણ પોતાનું નામ મને કહ્યું નહિ.

ઈશ્વરના દૂતે તેને કહ્યું, "તું મારું નામ કેમ પૂછે છે? કેમ કે તે અદ્દભુત છે!" ત્યારે માનોઆએ બકરીનું બચ્ચું ખાદ્યાર્પણ સાથે લઈને ખડક પર ઈશ્વરને ચઢાવ્યું. માનોઆ અને તેની પત્નીના દેખતાં જ સ્વર્ગદૂતે આશ્ચર્યજનક કામ કર્યું. ત્યાં અગ્નિની જ્વાળા વેદી પરથી આકાશની તરફ ચઢી, ત્યારે ઈશ્વરનો દૂત વેદી પરથી જ્વાળામાં થઈને ઉપર ચઢી ગયો. માનોઆ અને તેની પત્ની તે જોઈ રહ્યાં અને તેઓ ભૂમિ પર નમી પડ્યાં.

તેથી ઈશ્વરે ઇઝરાયલમાં સવારથી તે ઠરાવેલા સમય સુધી મરકી મોકલી દાનથી તે બેર-શેબા સુધી લોકોમાંથી સિત્તેર હજાર માણસો મરણ પામ્યા. દૂતે યરુશાલેમનો નાશ કરવાને પોતાનો હાથ તેની તરફ લંબાવ્યો, ત્યારે ઈશ્વરે યરુશાલેમનું નુકસાન કરવાથી તેના મનને બદલી નાખ્યું જે દૂત લોકોનો નાશ કરતો હતો, તેને તેમણે કહ્યું, "હવે બસ! તારો હાથ પાછો લે." તે સમયે ઈશ્વરનો દૂત અરાવ્નાહ યબૂસીની ખળી પાસે ઊભો હતો. અને જે દૂત લોકોને મારતો હતો તેને જોઈને દાઉદે ઈશ્વરને કહ્યું, "જો, મેં તો પાપ કર્યું છે તથા દુષ્ટ કામ પણ કર્યા છે. પણ આ ઘેટાંએ શું કર્યું છે? કૃપા કરી તમારો હાથ મારી વિરુદ્ધ તથા મારા પિતાના ઘરની વિરુદ્ધ કરો, ઘેટાંની વિરુદ્ધ નહિ."

પછી તે વૃક્ષ નીચે આડો પડયો અને ઊંઘી ગયો, તે ઊંઘતો હતો, ત્યારે એક દૂતે તેને સ્પર્શ કરીને કહ્યું, "ઊઠ અને ખાઈ લે." એલિયાએ જોયું, તો નજીક અંગારા પર શેકેલી રોટલી અને પાણીનો કૂંજો તેના માથા પાસે હતો. તે ખાઈ પીને પાછો સૂઈ ગયો. યહોવાહના દૂતે બીજી વાર આવીને તેને સ્પર્શ કરીને કહ્યું, "ઊઠ અને ખાઈ લે, તારે લાંબી મુસાફરી કરવાની છે." તેથી તેણે ઊઠીને ખાધું. પાણી પીધું અને તે ખોરાકથી મળેલી શક્તિથી તે ચાળીસ દિવસ અને ચાળીસ રાત મુસાફરી કરીને યહોવાહના પર્વત હોરેબ સુધી પહોંચ્યો.

પછી મિખાયાએ કહ્યું, "એ માટે તમે યહોવાહની વાત સાંભળો: મેં યહોવાહને તેમના સિંહાસન પર બેઠેલા અને આકાશનું સર્વ સૈન્ય તેમને જમણે તથા ડાબે હાથે તેમની પાસે ઊભેલું જોયું.

તેથી ઈશ્વરના દૂતે એલિયાને કહ્યું, "તેની સાથે નીચે જા. તેનાથી બીશ નહિ." માટે એલિયા ઊઠીને તેની સાથે રાજા પાસે ગયો.

તેઓ વાતો કરતા કરતા આગળ ચાલ્યા જતા હતા એટલામાં એમ થયું કે, જુઓ, અગ્નિરથ અને અગ્નિઘોડા દેખાયા. એ બધાએ બન્ને માણસોને એકબીજાથી જુદા પાડી દીધા. એલિયા વંટોળિયામાં થઈને આકાશમાં ચઢી ગયો. એલિશાએ તે જોયું, તેણે બૂમ પાડી, "ઓ મારા બાપ રે, ઓ મારા બાપ રે! ઇઝરાયલના રથો અને તેમના ઘોડેસવારો!" પછી એલિશાએ એલિયાને જોયો નહિ. અને એલિશાએ પોતાનો ઝભ્ભો ફાડીને તેના બે ટુકડાં કરી નાખ્યા.

પછી એલિશાએ પ્રાર્થના કરી કે, "હે યહોવાહ, કૃપા કરી તેની આંખો ઉઘાડ કે તે જુએ." ત્યારે યહોવાહે તે ચાકરની આંખો ઉઘાડી અને તેણે જોયું. તો જુઓ! એલિશાની આસપાસ અગ્નિરથોથી અને ઘોડાઓથી પર્વત ભરાઈ ગયો હતો.

પછી હિઝકિયાએ યહોવાહ આગળ પ્રાર્થના કરીને કહ્યું કે, "હે ઇઝરાયલના ઈશ્વર, સૈન્યોના યહોવાહ, તમે જે કરુબો પર બિરાજમાન છો, પૃથ્વીનાં બધાં રાજયોના તમે એકલા જ ઈશ્વર છો. તમે આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કર્યાં છે.

તે જ રાત્રે એમ થયું કે, યહોવાહના દૂતે આવીને આશૂરીઓની છાવણીમાં એક લાખ પંચાશી હજાર સૈનિકોને મારી નાખ્યા. વહેલી સવારે માણસોએ ઊઠીને જોયું, તો બધી જગ્યાએ મૃતદેહ પડ્યા હતા.

તેથી યહોવાહે, ઇઝરાયલમાં મરકી મોકલી અને સિત્તેર હજાર માણસો મરણ પામ્યા. ઈશ્વરે યરુશાલેમનો નાશ કરવા એક દૂતને મોકલ્યો. જયારે તે નાશ કરવાની તૈયારીમાં હતો ત્યારે યહોવાહે, નાશ જોઈ પોતાનો વિચાર બદલ્યો. તેમણે નાશ કરનાર દૂતને કહ્યું, "બસ કર! હવે તારો હાથ પાછો ખેંચી લે." એ વખતે યહોવાહનો દૂત ઓર્નાન યબૂસીની ખળી પાસે ઊભો હતો. દાઉદે ઊંચે નજર કરીને જોયું તો, યહોવાહનો દૂત, આકાશ અને પૃથ્વી વચ્ચે ઉઘાડી તરવાર લઈને, યરુશાલેમ તરફ પોતાના હાથ લંબાવી ઊભો હતો. પછી દાઉદ અને વડીલોએ, ટાટ પહેરી, ભૂમિ પર લાંબા થઈ પ્રણામ કર્યા.

કેમ કે મૂસાએ અરણ્યમાં બનાવેલો યહોવાહનો મુલાકાતમંડપ તથા દહનીયાર્પણો માટેની વેદી, તે સમયે ગિબ્યોનના ઉચ્ચપ્રદેશમાં હતી. જોકે, દાઉદ ઈશ્વરના માર્ગદર્શન માટે ત્યાં જઈ શક્યો નહિ, કારણ કે તેને યહોવાહના દૂતની તરવારનો ડર હતો.

તેણે પરમપવિત્રસ્થાનને માટે બે કરુબોની કલાકૃતિઓ બનાવી; તેઓને ચોખ્ખા સોનાથી મઢાવ્યાં. કરુબોની પાંખો વીસ હાથ લાંબી હતી; એક કરુબની એક પાંખ પાંચ હાથ લાંબી હતી, તે ફેલાઈને સભાસ્થાનની દીવાલ સુધી સ્પર્શતી હતી; બીજી પાંખ પણ પાંચ હાથ લાંબી હતી, તે પણ ફેલાઈને બીજા કરુબની પાંખને પહોંચતી હતી.

કરુબોની પાંખો કરારકોશ પર પસારેલી હતી, તેથી કરુબોની પાંખો દ્વારા કોશ તથા તેના દાંડાઓ પર આચ્છાદન કરાયું.

આવી વિકટ પરિસ્થિતિમાં આ બાબતને માટે રાજા હિઝકિયાએ અને આમોસના પુત્ર યશાયા પ્રબોધકે આકાશ તરફ દ્રષ્ટિ કરીને પ્રાર્થના કરી. યહોવાહે એક દૂતને મોકલ્યો. તેણે આશૂરના રાજા સાન્હેરીબની છાવણીમાં જે યોદ્ધાઓ, સેનાપતિઓ અને અધિકારીઓ હતા તે સૌને મારી નાખ્યા. તેથી સાન્હેરીબને શરમિંદા થઈને પોતાને દેશ પાછા જવું પડ્યું. તે પોતાના દેવના મંદિરમાં ગયો. અને ત્યાં તેના પોતાના જ કોઈ એક પુત્રએ તેને તરવારથી મારી નાખ્યો.

તમે જ એક માત્ર યહોવા છો, આકાશ, આકાશોનું આકાશ તથા સર્વ તારા મંડળ અને પૃથ્વી તથા જે સર્વ તેમાં છે, સમુદ્ર અને તેમાંના સર્વ જીવજંતુ તમે બનાવ્યાં છે અને બધાંને જીવન આપ્યું છે. અને આકાશનું સૈન્ય તમારી આરાધના કરે છે.

એક દિવસ દૂતો યહોવાહની આગળ હાજર થયા. તેઓની સાથે શેતાન પણ આવ્યો.

એક દિવસે દૂતો ફરી યહોવાહની સમક્ષ હાજર થયા, તેઓની સાથે શેતાન પણ આવીને યહોવાહની આગળ હાજર થયો.

કે જ્યારે પ્રભાતના તારાઓએ સાથે ગીત ગાયું, અને સર્વ દૂતોએ આનંદથી પોકાર કર્યો?

ત્યારે હું કહું છું કે, માણસ તે કોણ છે કે, તમે તેનું સ્મરણ કરો છો? અને મનુષ્યપુત્ર કોણ કે, તમે તેની મુલાકાત લો છો? કારણ કે તમે તેને ઈશ્વર કરતાં થોડો જ ઊતરતો બનાવ્યો છે અને તમે તેના માથા પર મહિમા તથા માનનો મુગટ મૂક્યો છે.

યહોવાહના ભક્તોની આસપાસ તેમનો દૂત છાવણી કરે છે અને તે તેમને સંકટમાંથી છોડાવે છે.

તેઓ પવનથી ઊડતાં ફોતરાં જેવા થાય, તેઓને યહોવાહનો દૂત નસાડી મૂકો. તેઓનો માર્ગ અંધકારમય અને લપસણો થાઓ, યહોવાહનો દૂત તેઓની પાછળ પડો. તેઓએ વગર કારણે મારે માટે ખાડામાં પોતાની જાળ સંતાડી રાખી છે; વિનાકારણ તેઓએ મારા જીવને માટે ખાડો ખોદ્યો છે.

ઈશ્વરના રથો વીસ હજાર છે, લાખોલાખ છે; જેમ તે સિનાઈના પવિત્રસ્થાનમાં છે, તેમ પ્રભુ તેઓમાં છે.

તેઓના ખોરાક માટે માન્નાની વૃષ્ટિ કરી અને તેમણે સ્વર્ગમાંથી ભોજન આપ્યું. લોકોએ દૂતોનો ખોરાક ખાધો. અને તેઓ તૃપ્ત થયા ત્યાં સુધી તેમણે ભોજન આપ્યું.

તેમણે પોતાનો કોપ તેઓ પર પ્રગટ કર્યો, તેમણે રોષ, ગુસ્સો અને તિરસ્કાર તેઓની વિરુદ્ધ સંહારક દૂતોની માફક મોકલ્યા.

કારણ કે તને તારા સર્વ માર્ગમાં સંભાળવાને માટે, તે પોતાના દૂતોને આજ્ઞા આપશે. તેઓ તને પોતાના હાથોમાં ધરી રાખશે, કે જેથી તારો પગ માર્ગમાં ખડકો સાથે અફળાય નહિ.

યહોવાહ રાજ કરે છે; લોકો કાંપો. તે કરૂબીમ પર બિરાજે છે; પૃથ્વી કાંપો.

હે બળમાં પરાક્રમી, યહોવાહનું વચન પાળનારા તથા તેમની આજ્ઞાઓ પાળનારા તેમના દૂતો, તમે યહોવાહની સ્તુતિ કરો. હે યહોવાહનાં સર્વ સૈન્યો, તેમની ઇચ્છાને અનુસરનારા તેમના સેવકો, તમે તેમને સ્તુત્ય માનો.

તમે પવનોને તમારા દૂત બનાવો છો અને તમારા સેવકો અગ્નિના ભડકા છે.

તેમના સર્વ દૂતો, તમે તેમની સ્તુતિ કરો; તેમનાં સર્વ સૈન્યો, તેમની સ્તુતિ કરો.

ઉઝિયા રાજા મરણ પામ્યો તે વર્ષે મેં પ્રભુને જોયા, તે ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બેઠેલા હતા. તેમના ઝભ્ભાની કિનારીથી સભાસ્થાન ભરાઈ ગયું હતું. તેમની આસપાસ સરાફો ઊભા હતા; તેઓને દરેકને છ છ પાંખો હતી; બેથી તે પોતાનાં મુખ ઢાંકતા, બેથી પોતાનાં પગ ઢાંકતા અને બેથી ઊડતા હતા. તેઓ એકબીજાને પોકારીને કહેતા, "પવિત્ર, પવિત્ર, પવિત્ર છે સૈન્યોના યહોવાહ! આખી પૃથ્વી તેમના ગૌરવથી ભરપૂર છે." પોકાર કરનારની વાણીથી ઉંબરાના પાયા હાલ્યા અને સભાસ્થાન ધુમાડાથી ભરાઈ ગયું. ત્યારે મેં કહ્યું, "મને અફસોસ છે! મારું આવી બન્યું છે કારણ કે હું અશુદ્ધ હોઠોનો માણસ છું અને અશુદ્ધ હોઠોના લોકોમાં હું રહું છું, કેમ કે મારી આંખોએ રાજાને, એટલે સૈન્યોના યહોવાહને જોયા છે!" પછી સરાફોમાંનો એક, વેદી પરથી ચીપિયા વડે લીધેલો બળતો અંગાર હાથમાં રાખીને, મારી પાસે ઊડી આવ્યો. તેણે મારા મુખને તે અડકાડીને કહ્યું, "જો, આ તારા હોઠને અડક્યો છે; એટલે તારો દોષ દૂર કરવામાં આવ્યો છે અને તારા પાપનું પ્રાયશ્ચિત થયું છે."

હે સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર, કરુબો પર બિરાજમાન, પૃથ્વીનાં સર્વ રાજ્યોના તમે જ એકલા ઈશ્વર છો; તમે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યાં છે.

કેમ કે હું મારી પોતાની ખાતર તથા મારા સેવક દાઉદની ખાતર આ નગરનું રક્ષણ કરીને તેને બચાવીશ." યહોવાહના દૂતે આવીને આશૂરોની છાવણીમાંના એક લાખ પંચાસી હજાર સૈનિકોને મારી નાખ્યા. જયારે પરોઢિયે લોકો ઊઠ્યા, ત્યારે તેઓના મૃતદેહો ઠેર ઠેર પડેલા હતાં.

ત્યારે મેં જોયું, તો ઉત્તરમાંથી એક આંધીરૂપ મોટું વાદળું આવતું હતું, તેમાં અગ્નિ ચમકતો હતો, તેની આસપાસ પ્રકાશ હતો, અગ્નિમાંથી તૃણમણિના જેવું અજવાળું આવતું હતું. તેની મધ્યમાંથી ચાર જીવંત પશુઓ જેવું દેખાયું. તેઓનો દેખાવ આવો હતો: તેઓનું સ્વરૂપ માણસના જેવું હતું. તે પશુઓમાંના દરેકને ચાર મુખ તથા ચાર પાંખો હતી. તેઓના પગ સીધા હતા, પણ તેઓના પગના પંજા વાછરડાના પગના પંજા જેવા હતા. અને તે કાંસાની માફક ચળકતા હતા. તેઓની પાંખો નીચે ચારે બાજુએ માણસના જેવા હાથ હતા. તે ચારેયનાં મુખ તથા પાંખો આ પ્રમાણે હતાં: તેઓની પાંખો એકબીજાની પાંખોને અડકતી હતી. તેઓ ચાલતાં ચાલતાં આમ કે તેમ ફરતાં નહોતાં; દરેક સીધાં આગળ ચાલતાં હતાં. તેઓના ચહેરાનો દેખાવ માણસના ચહેરા જેવો હતો. ચારેયને જમણી બાજુએ સિંહનું મુખ અને ડાબી બાજુએ બળદનું મુખ હતું. તેઓને ગરુડનું મુખ પણ હતું, તેઓના મુખ એ પ્રમાણે હતાં. તેઓની પાંખો ઉપરની તરફ પ્રસારેલી હતી, દરેકની બે પાંખો બીજા પશુને જોડાયેલી હતી, બાકીની બે પાંખો તેઓના શરીરને ઢાંકતી હતી. દરેક પશુ સીધું ચાલતું હતું, આત્માને જ્યાં જવું હોય ત્યાં તેઓ જતાં હતાં, ચાલતાં તેઓ આડાઅવળાં વળતાં ન હતાં. આ પશુઓનો દેખાવ અગ્નિના બળતા કોલસા જેવો તથા તેજસ્વી મશાલ જેવો હતો. પશુઓ વચ્ચે ચળકતો અગ્નિ ચઢઊતર કરતો હતો, તેમાંથી વીજળીના ચમકારા થતા હતા. પશુઓ વીજળીના ચમકારાની જેમ આગળ દોડતા તથા પાછળ જતાં હતાં.

હું એ તેઓને જોતો હતો, ત્યારે મેં દરેક પશુની પાસે એક એમ ચાર પૈડાં જમીન પર જોયાં. આ પૈડાંઓનો રંગ પીરોજના રંગ જેવો હતો. તથા તેઓનો આકાર એક સરખો હતો: ચારે એક સરખાં હતાં; એક પૈડાની અંદર બીજુ પૈડું હોય તેવું દેખાતું હતું. તેઓ ચાલતાં હોય ત્યારે, તેઓ ચારે દિશામાં આડાંઅવળાં વળ્યા વગર ચાલતાં. ચારેય પૈડાની ધારો ઊંચી તથા ભયંકર હતી. એ ચારેયની વાટો ચારેબાજુ આંખોથી ભરેલી હતી. જ્યારે પશુઓ ચાલતાં ત્યારે પૈડાં તેઓની સાથે ચાલતાં. જ્યારે પશુઓ પૃથ્વી પરથી ઊંચે જતાં ત્યારે પૈડાં પણ પૃથ્વી પરથી ઊંચે જતાં. જ્યાં જ્યાં આત્મા જતો ત્યાં ત્યાં તેઓ પણ જતાં; પૈડાં તેઓની સાથે ઊંચે ચઢતાં, કેમ કે, પશુઓનો આત્મા પૈડા પર હતો. જ્યારે પશુઓ ચાલતાં ત્યારે પૈડાં પણ ચાલતાં, તેઓ ઊભાં રહેતાં ત્યારે પૈડાં પણ ઊભાં રહેતાં; પશુઓ પૃથ્વી પરથી ઊંચે જતાં ત્યારે પૈડાં પણ તેમની સાથે ઊંચે જતાં હતાં કેમ કે, પશુઓનો આત્મા પૈડામાં હતો.

તેઓનાં માથાં ઉપર ઊંચે, આકાશના ઘૂમટ જેવો અદ્દભુત સ્ફટિકના તેજ જેવો ચમકતો ઘૂમટ તાણેલો હતો. તે ઘૂમટની નીચે પશુઓની પાંખો સીધી ફેલાયેલી હતી. અને બીજી બે પાંખોથી દરેકનું શરીર ઢંકાયેલું હતું. દરેકની બે પાંખો તેઓના શરીરની એક બાજુને ઢાંકતી અને બે પાંખો બીજી બાજુને ઢાંકતી. તેઓ ઊડતાં ત્યારે તેઓની પાંખોનો અવાજ ધસમસતા પાણીના અવાજ જેવો તથા સર્વ શક્તિમાનના અવાજ જેવો સંભળાતો હતો. જ્યારે તેઓ હલનચલન કરતાં ત્યારે તેઓનો અવાજ આંધીના અવાજ જેવો થતો હતો. તે સૈન્યના કોલાહલ જેવો હતો. જ્યારે તેઓ ઊભાં રહેતાં ત્યારે તેઓ પોતાની પાંખો નીચે નમાવી દેતાં. જ્યારે તેઓ ઊભાં રહેતાં, ત્યારે તેઓના માથા પરના ઘૂમટમાંથી અવાજ નીકળતો અને તેઓ તેમની પાંખો નીચે તરફ નમાવી દેતાં.

પેલા પશુઓની પાંખો એકબીજા સાથે અથડાતાં તેનો અવાજ સાંભળ્યો, તેઓની પાસેનાં પૈડાંનો તથા ગડગડાટનો અવાજ સાંભળ્યો.

પછી મેં જોયું તો, કરુબોના માથા ઉપર જે ઘૂમટ હતો, તેમાં તેના પર નીલમણિના જેવું કંઈક દેખાયું, અને તેનો દેખાવ સિંહાસન જેવો હતો. પછી યહોવાહે શણનાં વસ્ત્ર પહેરેલા માણસ સાથે વાત કરીને કહ્યું, "કરુબની નીચેનાં પૈડાંઓ વચ્ચે જા, કરુબો વચ્ચેથી તારા બે હાથને સળગતા કોલસાથી ભર અને તેઓને નગર પર નાખ." ત્યારે મારા દેખતાં તે માણસ અંદર ગયો. તે માણસ અંદર ગયો ત્યારે કરુબો સભાસ્થાનની જમણી બાજુએ ઊભા હતા, અંદરનું આંગણું વાદળથી ભરાઈ ગયું. પછી યહોવાહનો મહિમા કરુબો ઉપરથી ઊઠીને સભાસ્થાનના પ્રવેશદ્વાર આગળ ઊભો રહ્યો; સભાસ્થાન વાદળથી ભરાઈ ગયું અને આંગણું યહોવાહના ગૌરવના તેજથી ભરપૂર થયું. કરુબોની પાંખોનો અવાજ બહારના આંગણા સુધી, સર્વશક્તિમાન ઈશ્વરના મુખમાંથી નીકળેલા અવાજ જેવો સંભળાતો હતો. જ્યારે ઈશ્વરે શણનાં વસ્ત્ર પહેરેલા માણસને આજ્ઞા કરી કે, "પૈડાં વચ્ચેથી એટલે કરુબો વચ્ચેથી અગ્નિ લે;" એટલે માણસ અંદર જઈને પૈડાં પાસે ઊભો રહ્યો. કરુબો વચ્ચેથી એક કરુબે પોતાનો હાથ કરુબો વચ્ચેના અગ્નિ તરફ લંબાવીને શણનાં વસ્ત્ર પહેરેલા માણસના હાથમાં મૂક્યો. તે લઈને તે બહાર ચાલ્યો ગયો. કરુબોની પાંખો નીચે માણસના હાથ જેવું કંઈ દેખાયું.

તેથી મેં જોયું, કે એક કરુબની બાજુએ એક પૈડું એમ ચાર કરુબો પાસે ચાર પૈડાં હતાં અને તે પૈડાંઓનો દેખાવ પોખરાજના પથ્થર જેવો હતો. દેખાવમાં તેઓમાંના ચારેનો આકાર એક સરખો હતો, એક પૈડું બીજા પૈડા સાથે ગોઠવ્યું હોય તેમ હતું. તેઓ ચાલતાં ત્યારે તેઓ ચારે દિશામાં ફરતા, ચાલતાં ચાલતાં તેઓ આડાઅવળાં ફરતાં નહિ પણ જે દિશામાં માથું હોય તે તરફ તેઓ જતાં. ચાલતાં ચાલતાં તેઓ આડાઅવળાં જતા નહિ. તેઓનું આખું શરીર, તેઓની પીઠ અને તેઓની પાંખો, આંખોથી ઢંકાયેલી હતી. ચારે પૈડાં ચારેબાજુ આંખોથી ભરપૂર હતાં. મારા સાંભળતાં "પૈડાને ફરતાં પૈડા" એવું નામ આપવામાં આવ્યું. તેઓ દરેકને ચાર મુખ હતાં, પહેલું મુખ કરુબનું હતું, બીજું મુખ માણસનું હતું, ત્રીજું મુખ સિંહનું તથા ચોથું મુખ ગરુડનું હતું. કરુબો ઊડીને ઊંચે ચઢયા. કબાર નદી પાસે મેં જે પશુઓ જોયાં હતાં તે આ હતાં. જ્યારે કરુબો ચાલતાં ત્યારે પૈડાં પણ તેઓની સાથે ચાલતા. જ્યારે કરુબો પૃથ્વી પરથી ઊડવાને પોતાની પાંખો ઊંચી કરતા ત્યારે પૈડાંઓ તેઓની પાસેથી ખસી જતાં નહિ. જ્યારે કરુબો ઊભા રહેતા ત્યારે પણ પૈડાં ઊભાં રહેતાં, જ્યારે તેઓ ઊંચે ચઢતા ત્યારે પૈડાં તેઓની સાથે ઊંચે ચઢતાં, કેમ કે, પૈડામાં પશુઓનો આત્મા હતો.

પછી યહોવાહનો મહિમા સભાસ્થાનના પ્રવેશદ્વારથી જઈને કરુબો પર આવી ઊભો રહ્યો. કરુબોએ પોતાની પાંખો પ્રસારીને તેઓ તથા તેઓની સાથેનાં પૈડાં મારા દેખતાં પૃથ્વી પરથી ઊંચે ચઢીને બહાર નીકળી આવ્યાં. તેઓ સભાસ્થાનના પૂર્વ તરફના દરવાજા આગળ ઊભાં રહ્યાં. તેઓના ઉપર ઇઝરાયલના ઈશ્વરનું ગૌરવ હતું. કબાર નદીના કિનારે ઇઝરાયલના ઈશ્વરની નીચે જે પશુઓ મેં જોયાં હતાં તે આ હતાં, તેથી મેં જાણ્યું કે તેઓ કરુબો હતા! દરેકને ચાર મુખ, દરેકને ચાર પાંખો હતી, તેઓની પાંખો નીચે માણસના જેવા હાથ હતા. તેમનાં મુખોનો દેખાવ કબાર નદીને કિનારે મેં દર્શનમાં જોયેલાં મુખો જેવો હતો, તેઓમાંનો દરેક સીધો આગળ ચાલતો હતો.

ત્યારે કરુબોએ પોતાની પાંખો પ્રસારી અને પૈડાં પણ તેઓની સાથે હતાં. ઇઝરાયલના ઈશ્વરનું ગૌરવ ઊંચે તેઓના પર હતું.

આ ત્રણ માણસો એટલે શાદ્રાખ, મેશાખ તથા અબેદ-નગો, તેઓ જેવા બંધાયેલા હતા તેવા જ બળબળતી અગ્નિની ભઠ્ઠીમાં પડ્યા. ત્યારે નબૂખાદનેસ્સાર રાજા આશ્ચર્ય પામીને તરત જ ઊભો થઈ ગયો. તેણે પોતાના સલાહકારોને પૂછ્યું, "શું આપણે ત્રણ માણસોને બાંધીને અગ્નિમાં નાખ્યા નહોતા?" તેઓએ રાજાને જવાબ આપ્યો, "હા રાજા, ચોક્કસ એવું જ છે." પછી તેણે કહ્યું, "પણ હું તો ચાર માણસોને અગ્નિમાં ચારેબાજુ છૂટા ફરતા જોઉં છું અને તેઓને કંઈ ઈજા થયેલી નથી. ચોથાનું સ્વરૂપ તો દેવપુત્ર જેવું દેખાય છે." પછી નબૂખાદનેસ્સાર સળગતી ભઠ્ઠીના દરવાજા પાસે આવ્યો અને કહ્યું, "શાદ્રાખ, મેશાખ તથા અબેદ-નગો, પરાત્પર ઈશ્વરના સેવકો, બહાર આવો, અહીં આવો! "ત્યારે શાદ્રાખ, મેશાખ તથા અબેદ-નગો અગ્નિમાંથી નીકળીને બહાર આવ્યા. પ્રાંતોના હાકેમો, સૂબાઓ, નાયબસૂબાઓ તથા રાજાના દરબારીઓએ એકત્ર થઈને આ માણસોને જોયા. અગ્નિથી તેઓના શરીર ઉપર ઈજા થઈ ન હતી. તેઓના માથાના વાળ બળ્યા નહોતા, તેઓના ઝભ્ભાઓને ઈજા થઈ ન હતી; તેઓના પરથી અગ્નિની ગંધ પણ આવતી નહોતી. નબૂખાદનેસ્સારે કહ્યું, "શાદ્રાખ, મેશાખ તથા અબેદ-નગોના ઈશ્વરની સ્તુતિ હો! જેમણે પોતાના દૂતને મોકલીને પોતાના સેવકોને છોડાવ્યા છે. જયારે તેઓએ મારી આજ્ઞા નિષ્ફળ કરી ત્યારે તેઓએ તેમના પર ભરોસો રાખ્યો, પોતાના ઈશ્વર સિવાય બીજા કોઈપણ દેવની સેવા કરવા કે તેઓને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવાને બદલે તેઓએ પોતાનાં શરીરો અગ્નિને આપ્યાં.

મારા પલંગ પર હું મારા મગજમાં આ સંદર્શન જોતો હતો, ત્યારે એક પવિત્ર દૂત સ્વર્ગમાંથી નીચે ઊતરી આવ્યો.

આ નિર્ણય જાગૃત રહેનારાના હુકમથી છે. તે આજ્ઞા પવિત્ર દૂતોના વચનથી છે. જેથી જીવતા માણસો જાણે કે પરાત્પર ઈશ્વર લોકોના રાજ્ય પર અધિકાર ચલાવે છે, પોતાની મરજી હોય તેને તે આપે છે, નમ્ર માણસોને તેના પર અધિકારી ઠરાવે છે.'

મારા ઈશ્વરે પોતાના દૂતને મોકલીને સિંહોનાં મોં બંધ કરી દીધાં એટલે તેઓ મને કશી ઈજા નથી કરી શક્યા. કેમ કે, હું તેઓની નજરમાં તથા તમારી આગળ પણ નિર્દોષ માલૂમ પડ્યો છું. અને હે રાજા, મેં આપનો પણ કોઈ ગુનો કર્યો નથી."

તેમની આગળથી ધગધગતા અગ્નિનો ધોધ નીકળીને વહેતો હતો. હજારોહજાર લોકો તેમની સેવા કરતા હતા લાખો લોકો તેમની આગળ ઊભા હતા. ન્યાયસભા ભરાઈ હતી, પુસ્તકો ખોલવામાં આવ્યાં હતાં.

મેં ઉલાઈ નદીના કિનારા વચ્ચેથી મનુષ્યનો અવાજ સાંભળ્યો. તેણે કહ્યું, "ગાબ્રિયેલ, આ માણસને સંદર્શન સમજવામાં મદદ કર." તેથી તે જ્યાં હું ઊભો હતો ત્યાં મારી પાસે આવ્યો. તે પાસે આવ્યો; ત્યારે હું ડરીને નીચે જમીન પર પડી ગયો. તેણે મને કહ્યું, "હે મનુષ્યપુત્ર, સમજ, આ સંદર્શન અંતના સમયનું છે."

હું પ્રાર્થના કરતો હતો ત્યારે, ગાબ્રિયેલ જેને મેં પ્રથમ સંદર્શનમાં જોયો હતો, તે સાંજના અર્પણના સમયે ઝડપથી મારી તરફ ઊડી આવ્યો. તેણે મને સમજણ પાડી અને મને કહ્યું, "હે દાનિયેલ, હું તને બુદ્ધિ તથા સમજ આપવા આવ્યો છું.

ત્યારે એક હાથે મને સ્પર્શ કર્યો, તેણે મને મારાં ઘૂંટણો તથા મારા હાથની હથેળીઓ પર ટેકવ્યો. દૂતે મને કહ્યું, "હે દાનિયેલ, અતિ વહાલા માણસ, જે વાત હું તને કહું તે સમજ. ટટ્ટાર ઊભો રહે, કેમ કે મને તારી પાસે મોકલવામાં આવ્યો છે." તેણે મને આ કહ્યું, એટલે હું ધ્રૂજતો ધ્રૂજતો ઊભો થયો. પછી તેણે મને કહ્યું, " હે દાનિયેલ, બીશ નહિ, કેમ કે, તેં તારું મન સમજવામાં તથા તારા ઈશ્વરની આગળ નમ્ર થવામાં લગાડ્યું તે દિવસથી જ તારી પ્રાર્થના સાંભળવામાં આવી છે. તારી વિનંતીને કારણે હું અહીં આવ્યો છું. ઇરાનના રાજ્યના રાજકુમારે મારી સામે ટક્કર લીધી, ઇરાનના રાજા સાથે મને એકવીસ દિવસ સુધી રાખવામાં આવ્યો. પણ મુખ્ય રાજકુમારોમાંનો એક એટલે મિખાયેલ, મારી મદદે આવ્યો. હું તને તારા લોકો પર ભવિષ્યમાં શું વીતવાનું છે તે સમજાવવા આવ્યો છું. કેમ કે, સંદર્શન આવનાર દિવસોને લગતું છે."

જ્યારે તે મને આ શબ્દોનો ઉપયોગ કરીને વાતો કરવા લાગ્યો, ત્યારે હું નીચું જોઈને મૂંગો રહ્યો. જેનું સ્વરૂપ માણસ જેવું લાગતું હતું. તેણે મારા હોઠને સ્પર્શ કર્યો, મેં મારું મુખ ખોલ્યું અને જે મારી સામે ઊભો હતો તેને કહ્યું, "હે મારા પ્રભુ, સંદર્શનને કારણે મને ખૂબ વેદના થઈ છે. મારામાં શક્તિ રહી નથી. હું તો તારો દાસ છું. હું શી રીતે મારા પ્રભુ સાથે વાત કરું? કેમ કે મારામાં શક્તિ નથી અને મારામાં દમ પણ રહ્યો નથી." માણસના સ્વરૂપના જેવો દેખાવે મને ફરીથી સ્પર્શ કર્યો અને મને શક્તિ આપી. તેણે કહ્યું, "હે અતિ વહાલા માણસ, બીશ નહિ, તને શાંતિ થાઓ. બળવાન થા; બળવાન થા!" જ્યારે તેણે મારી સાથે વાત કરી, ત્યારે હું બળવાન થયો. અને મેં કહ્યું, "મારા પ્રભુ બોલો, કેમ કે તમે મને બળ આપ્યું છે." તેણે કહ્યું, "તું જાણે છે હું શા માટે તારી પાસે આવ્યો છું? હવે હું ઇરાનના રાજકુમાર સાથે યુદ્ધ કરવા પાછો જઈશ. જ્યારે હું જઈશ, ત્યારે ગ્રીસનો રાજકુમાર આવશે. પણ સત્યના પુસ્તકમાં શું લખેલું છે એ હું તને કહીશ. અને તેઓની વિરુદ્ધ યુદ્ધ કરવામાં તારા સરદાર મિખાયેલ સિવાય કોઈ મને મદદ કરતો નથી.

"તે સમયે તારા લોકોની રક્ષા કરનાર મહાન રાજસરદાર મિખાયેલ ઊભો થશે. અને સંકટનો એવો સમય આવશે કે પ્રજાઓ ઉત્પન્ન થઈ ત્યારથી અત્યાર સુધીમાં એવો સમય કદી આવ્યો નથી. તે સમયે તારા લોકો જેઓનાં નામ જીવનના પુસ્તકમાં લખાયેલાં માલૂમ પડશે છે તેઓ બચી જશે.

સિયોનમાં રણશિંગડું વગાડો, અને મારા પવિત્ર પર્વત પર ભયસૂચક નગારું વગાડો. દેશના સર્વ રહેવાસીઓ, તમે કાંપો કેમ કે યહોવાહનો દિવસ આવે છે; તે દિવસ તદ્દન નજીક આવી પહોંચ્યો છે. અંધકાર અને વિષાદનો દિવસ, વાદળ અને અંધકારનો દિવસ. તે દિવસ પર્વતો પર દેખાતાં ઝળઝળાં જેવો થશે. એવું પહેલાં કદી બન્યું નથી કે, હવે પછી ઘણી પેઢીઓ સુધી, બીજી કોઈ પેઢીઓમાં કદી થશે નહિ, એવી મોટી તથા બળવાન પ્રજા આવશે. અગ્નિ તેઓની આગળ ભસ્મ કરે છે, અને તેઓની પાછળ જ્વાળાઓ બળે છે. તેઓની સમક્ષ ભૂમિ એદન બાગ જેવી છે, અને તેઓની પાછળ તે ઉજ્જડ અરણ્ય જેવી થાય છે. તેમના હાથમાંથી કોઈ પણ બચી જતું નથી. તેમનો દેખાવ ઘોડાઓનાં દેખાવ જેવો છે, અને જાણે ઘોડેસવાર હોય તેમ તેઓ દોડે છે. પર્વતોનાં શિખરો પર ગડગડાટ રથોની જેમ ખૂંપરા ભસ્મ કરતી અગ્નિની જવાળાઓની જેમ અને યુદ્ધભૂમિમાં શક્તિશાળી સેનાની જેમતેઓ આગળ વધે છે. તેઓને જોતાં પ્રજાઓ ધ્રૂજી ઊઠે છે. અને ભયને કારણે સૌના ચહેરા નિસ્તેજ થઈ જાય છે. તેઓ સૈનિકોની માફક દોડે છે અને લડવૈયાની જેમ તેઓ કોટ ઉપર ચઢી જાય છે. તેઓ બધા પોતપોતાને માર્ગે ચાલે છે અને પોતાની હરોળ તોડતા નથી. તેઓ એકબીજાની સાથે ધક્કાધક્કી કરતા નથી, પણ સીધે માર્ગે જાય છે. તેઓ સૈન્ય મધ્યે થઈને પાર ધસી જાય છે. તેઓ પોતાનો માર્ગ બદલતા નથી. તેઓ નગરમાં ઉમટ્યા છે. તેઓ દીવાલો પર દોડે છે. તેઓ ઘરોની અંદર પેસી જાય છે. અને ચોરની જેમ અંદર બારીઓમાં થઈને પ્રવેશે છે. તેઓની આગળ ધરતી ધ્રુજે છે અને આકાશો થરથરે છે; સૂર્ય અને ચંદ્ર અંધારાઈ જાય છે અને તારાઓ ઝાંખા પડી જાય છે. યહોવાહ તેઓનાં સૈન્યોને મોટે સાદે પોકારે છે, તેઓનું સૈન્ય મોટું છે; અને જેઓ તેમની આજ્ઞા પાળે છે તેઓ શક્તિશાળી છે. યહોવાહનો દિવસ ભારે અને ભયંકર છે તેને કોણ સહન કરી શકે?

"રાત્રે મને સંદર્શન થયું કે, લાલ ઘોડા પર સવાર થયેલો એક માણસ ખીણમાં મેંદીના છોડ વચ્ચે ઊભો હતો; તેની પાછળ લાલ, કાબરચીતરા અને સફેદ ઘોડાઓ હતા." મેં કહ્યું, "મારા પ્રભુ આ શું છે?" ત્યારે મારી સાથે જે દૂત વાત કરતો હતો તેણે મને કહ્યું, "આ શું છે તે હું તને બતાવીશ." ત્યારે મેંદીઓના છોડ વચ્ચે ઊભેલા માણસે જવાબમાં કહ્યું, "તેઓ એ છે કે જેમને યહોવાહે પૃથ્વી પર સર્વત્ર આમતેમ ફરવાને મોકલ્યા છે." તેઓએ મેંદીના છોડ વચ્ચે ઊભેલા યહોવાહના દૂતને જવાબ આપીને કહ્યું, "અમે આખી પૃથ્વી પર સર્વત્ર ફરીને આવ્યા છે અને જો, આખી પૃથ્વી હજુ સ્વસ્થ બેઠી છે અને શાંતિમાં છે." ત્યારે યહોવાહના દૂતે જવાબ આપ્યો કે, "હે સૈન્યોના યહોવાહ, તમે યરુશાલેમ તથા યહૂદિયાના નગરો ઉપર આ સિત્તેર વર્ષથી રોષે ભરાયેલા છો ક્યાં સુધી તમે તેમના પર દયા નહિ કરો?" ત્યારે મારી સાથે વાત કરનાર દૂતને યહોવાહે સારાં અને આશ્વાસનભર્યાં વચનોથી જણાવ્યું. તેથી મારી સાથે વાત કરનાર દૂતે મને કહ્યું, "તું પોકાર કરીને કહે, સૈન્યોના યહોવાહ એવું કહે છે કે: "હું યરુશાલેમ તથા સિયોન માટે અતિશય લાગણીથી આવેશી છું.

મેં મારી આંખો ઉપર કરીને જોયું તો એક માણસ હાથમાં માપવાની દોરી લઈને ઊભો હતો. મેં કહ્યું, "તું ક્યાં જાય છે?" ત્યારે તેણે મને કહ્યું, "યરુશાલેમની પહોળાઈ અને લંબાઈ કેટલી છે તે માપવા જાઉં છું." પછી મારી સાથે વાત કરનાર દૂત ત્યાંથી ચાલ્યો ગયો, બીજો દૂત તેને મળવા બહાર આવ્યો. બીજા દૂતે તેને કહ્યું, "દોડ અને પેલા જુવાનને કહે કે, 'યરુશાલેમમાં પુષ્કળ માણસો અને જાનવરો હોવાથી તે કોટ વગરના નગરની જેમ તેઓ તેમાં રહેશે. કેમ કે, યહોવાહ કહે છે કે, 'હું પોતે તેની આસપાસ અગ્નિના કોટરૂપ થઈશ, અને હું તેનામાં મહિમાવાન થઈશ.'

પ્રમુખ યાજક યહોશુઆને યહોવાહના દૂત આગળ ઊભો રહેલો અને તેને જમણે હાથે તેના ઉપર આરોપ મૂકવા માટે શેતાનને ઊભો રહેલો તેણે મને દેખાડ્યો. યહોવાહના દૂતે શેતાનને કહ્યું, "યહોવાહ તને ઠપકો આપો, ઓ શેતાન; યરુશાલેમને પસંદ કરનાર યહોવાહ તને ધમકાવો. શું તું અગ્નિમાંથી ઉપાડી લીધેલા ખોયણા જેવો નથી?" યહોશુઆ મલિન વસ્ત્રો પહેરીને દૂત પાસે ઊભેલો હતો. દૂતે પોતાની આગળ ઊભેલા માણસો સાથે વાત કરીને કહ્યું, "તેના અંગ પરથી મલિન વસ્ત્રો ઉતારી નાખો." પછી તેણે યહોશુઆને કહ્યું, "જો, મેં તારા અન્યાયને તારાથી દૂર કર્યા છે અને હું તને સુંદર વસ્ત્રો પહેરાવીશ." દૂતે તેઓને કહ્યું, "તેને માથે સુંદર પાઘડી પહેરાવો." તેથી તેઓએ યહોશુઆના માથે સુંદર પાઘડી અને તેને અંગે સ્વચ્છ વસ્ત્રો પહેરાવ્યાં તે સમયે યહોવાહનો દૂત તેની પાસે ઊભો હતો. ત્યારબાદ યહોવાહના દૂતે યહોશુઆને પ્રતિજ્ઞા પૂર્વક આપીને કહ્યું કે, સૈન્યોના યહોવાહ એવું કહે છે: 'જો તું મારા માર્ગોમાં ચાલશે અને મારી આજ્ઞાઓ પાળશે, તો તું મારા ઘરનો નિર્ણય કરનાર પણ થશે અને મારાં આંગણાં સંભાળશે; કેમ કે હું તને મારી આગળ ઊભેલાઓની મધ્યેથી જવા આવવાની પરવાનગી આપીશ.

તેથી મેં મારી સાથે વાત કરનાર દૂતને પૂછ્યું કે, "મારા માલિક, આ શું છે" દૂતે મને જવાબ આપ્યો, "આ તો આકાશના ચાર પવનો છે. તેઓ આખી પૃથ્વીના પ્રભુની આગળ ઉપસ્થિત થયા પછી ચાલ્યા જાય છે.

જયારે તે એ બાબત વિશે વિચારતો હતો, ત્યારે પ્રભુના સ્વર્ગદૂતે તેને સ્વપ્નમાં કહ્યું કે, "ઓ યૂસફ, દાઉદના દીકરા, તું તારી પત્ની મરિયમને તેડી લાવવાને બીશ નહિ; કેમ કે તેના ગર્ભમાં જે બાળક છે તે પવિત્ર આત્માથી છે. તેને દીકરો થશે અને તું તેમનું નામ ઈસુ પાડશે; કેમ કે તે પોતાના લોકોને તેઓનાં પાપથી ઉદ્ધાર કરશે." હવે એ બધું એ માટે થયું કે, પ્રભુએ પ્રબોધક દ્વારા જે કહ્યું હતું તે પૂરું થાય, એટલે, "જુઓ, કુંવારી ગર્ભવતી થશે, તેને દીકરો થશે અને તેનું નામ તેઓ ઈમ્માનુએલ પાડશે, જેનો અર્થ એ છે કે, 'ઈશ્વર આપણી સાથે.'" ત્યારે યૂસફે ઊંઘમાંથી ઊઠીને જેમ પ્રભુના સ્વર્ગદૂતે તેને આજ્ઞા આપી હતી તેમ કર્યું. તે પોતાની પત્નીને તેડી લાવ્યો.

તેઓના પાછા ગયા પછી, પ્રભુના સ્વર્ગદૂતે સ્વપ્નમાં યૂસફને કહ્યું કે, 'ઊઠ, બાળક તથા તેની માને લઈને મિસરમાં નાસી જા. હું તને કહું ત્યાં સુધી ત્યાં જ રહેજે, કેમ કે બાળકને મારી નાખવા સારુ હેરોદ તેમની શોધ કરવાનો છે.'

હેરોદના મરણ પછી, પ્રભુના સ્વર્ગદૂતે મિસરમાં યૂસફને સ્વપ્નમાં આવીને કહ્યું કે, 'ઊઠ, બાળક તથા તેની માને લઈને ઇઝરાયલ દેશમાં જા કેમ કે જેઓ બાળકનો જીવ લેવા ઇચ્છતા હતા, તેઓ મૃત્યુ પામ્યા છે.'

અને તેમને કહ્યું કે, 'જો તું ઈશ્વરનો દીકરો છે, તો પોતાને નીચે પાડી નાખ; કેમ કે એમ લખેલું છે કે, 'ઈશ્વર પોતાના સ્વર્ગદૂતોને તારા સંબંધી આજ્ઞા કરશે; અને દૂતો તને પોતાના હાથો પર ધરી લેશે, જેથી તારો પગ પથ્થર સાથે ન અફળાય.'

ત્યારે શેતાન તેમને મૂકીને ગયો; અને સ્વર્ગદૂતોએ તેમની પાસે આવીને તેમની સેવા કરી.

જેણે વાવ્યાં તે દુશ્મન શેતાન છે; કાપણી જગતનો અંત છે; અને કાપનારાં સ્વર્ગદૂતો છે. એ માટે જેમ કડવા દાણા એકઠા કરાય છે, અને અગ્નિમાં બાળી નંખાય છે, તેમ આ જગતને અંતે થશે. માણસનો દીકરો પોતાના સ્વર્ગદૂતોને મોકલશે, પાપમાં પાડનારી બધી વસ્તુઓને તથા દુષ્ટતા કરનારાંઓને તેમના રાજ્યમાંથી તેઓ એકઠા કરશે. અને તેઓને બળતી ભઠ્ઠીમાં નાખી દેશે, ત્યાં રડવું ને દાંત પીસવું થશે.

એમ જ જગતને અંતે પણ થશે. સ્વર્ગદૂતો આવીને ન્યાયીઓમાંથી ભૂંડાઓને જુદાં પાડશે; અને તેઓ તેઓને બળતી ભઠ્ઠીમાં ફેંકી દેશે; ત્યાં રડવું ને દાંત પીસવું થશે.

કેમ કે માણસનો દીકરો પોતાના પિતાના મહિમામાં પોતાના સ્વર્ગદૂતો સહિત આવશે, ત્યારે તે દરેકને તેમના કાર્યો પ્રમાણે બદલો ભરી આપશે.

સાવધાન રહો કે આ નાનાઓમાંના એકનો પણ અનાદર તમે ન કરો, કેમ કે હું તમને કહું છું કે સ્વર્ગમાં તેઓના સ્વર્ગદૂત મારા સ્વર્ગમાંનાં પિતાનું મુખ સદા જુએ છે.

કેમ કે મરણોત્થાન બાદ તેઓ લગ્ન કરતા કે કરાવતાં નથી, પણ તેઓ સ્વર્ગમાંનાં સ્વર્ગદૂતો જેવા હોય છે.

રણશિંગડાના મોટા અવાજ સહિત તે પોતાના સ્વર્ગદૂતોને મોકલશે, તેઓ ચારે દિશામાંથી, આકાશના એક છેડાથી તે બીજા છેડા સુધી, તેમના પસંદ કરેલાઓને એકત્ર કરશે.

પણ તે દિવસો તથા તે ઘડી સંબંધી પિતા વગર કોઈ પણ જાણતું નથી, આકાશમાંનાં સ્વર્ગદૂતો નહિ તેમ જ દીકરો પણ નહિ.

જયારે માણસના દીકરા [ઈસુ] પોતાના મહિમામાં સર્વ પવિત્ર સ્વર્ગદૂતો સાથે આવશે, ત્યારે તે પોતાના મહિમાના રાજ્યાસન પર બેસશે.

શું તું ધારે છે કે હું બાપની પાસે એવું નથી માગી શકતો કે તે હમણાં જ સૈન્યની બાર ટુકડીઓ કરતાં વધારે સ્વર્ગદૂતોને મારી પાસે મોકલી દે?

ત્યારે જુઓ, મોટો ધરતીકંપ થયો, કેમ કે પ્રભુનો સ્વર્ગદૂત આકાશથી ઊતર્યો, અને પાસે આવીને કબર પર પથ્થરને ગબડાવીને તે પર બેઠો. તેનું રૂપ વીજળી જેવું, તેનું વસ્ત્ર બરફના જેવું ઊજળું હતું. તેની ધાકથી ચોકીદારો ધ્રૂજી ગયા અને મરણતોલ થઈ ગયા. ત્યારે સ્વર્ગદૂતે ઉત્તર દેતાં તે સ્ત્રીઓને કહ્યું, તમે બીશો નહિ, કેમ કે વધસ્તંભે જડાયેલા ઈસુને તમે શોધો છો, એ હું જાણું છું. જુઓ ઈસુ અહીં નથી, કેમ કે તેમણે જેમ કહ્યું હતું તેમ તે સજીવન થયા છે, તમે આવો, જ્યાં પ્રભુ સૂતા હતા તે જગ્યા જુઓ. વહેલા જઈને તેમના શિષ્યોને કહો કે, મૃત્યુમાંથી તે સજીવન થયા છે. જુઓ, તે તમારા અગાઉ ગાલીલમાં જાય છે, ત્યાં તમે તેમને દેખશો; જુઓ મેં તમને કહ્યું છે.

અરણ્યમાં ચાળીસ દિવસ સુધી શેતાનથી તેમનું પરીક્ષણ થયું; ત્યાં જંગલી પશુઓ સાથે તેઓ હતા; અને સ્વર્ગદૂતોએ તેમની સેવા કરી.

કેમ કે આ બેવફા તથા પાપી પેઢીમાં જે કોઈ મારે લીધે તથા મારાં વચનોને લીધે શરમાશે, તેને લીધે માણસનો દીકરો પણ જયારે પોતાના બાપના મહિમામાં પવિત્ર સ્વર્ગદૂતોની સાથે આવશે, ત્યારે તે શરમાશે.'

કેમ કે મૃત્યુમાંથી ઊઠનારા લગ્ન કરતા કે કરાવતાં નથી, પણ તેઓ સ્વર્ગમાંનાં સ્વર્ગદૂતોનાં જેવા હોય છે.

ત્યારે તે પોતાના સ્વર્ગદૂતોને મોકલીને પૃથ્વીના છેડાથી આકાશના છેડા સુધી, ચારે દિશાથી પોતાના પસંદ કરેલાઓને એકઠા કરશે.

પણ તે દિવસો તથા તે ઘડી સંબંધી પિતા વગર કોઈ જાણતું નથી, આકાશમાંના સ્વર્ગદૂતો નહિ અને દીકરો પણ નહિ.

તેઓએ કબરમાં પ્રવેશીને સફેદ ઝભ્ભો પહેરેલા, જમણી તરફ બેઠેલા, એક જુવાન માણસને જોયો. તેથી તેઓ ગભરાઈ ગઈ. પણ તે તેઓને કહે છે કે, 'ગભરાશો નહિ; વધસ્તંભે જડાયેલા નાસરેથના ઈસુને તમે શોધો છો; તે ઊઠ્યાં છે; તે અહીં નથી; જુઓ, જે જગ્યાએ તેમને દફનાવ્યાં હતા તે આ છે. પણ જાઓ, અને તેમના શિષ્યોને, અને ખાસ કરીને પિતરને કહો કે તેઓ તમારી આગળ ગાલીલમાં જાય છે, જેમ તેમણે તમને કહ્યું હતું તેમ. તમે તેમને ત્યાં જોશો.'

તે સમય દરમિયાન ધૂપવેદીની જમણી બાજુમાં પ્રભુનો એક સ્વર્ગદૂત ઊભેલો તેના જોવામાં આવ્યો. સ્વર્ગદૂતને જોઈને ઝખાર્યા ગભરાઈ ગયો, અને તેને બીક લાગી. સ્વર્ગદૂતે તેને કહ્યું કે, ઝખાર્યા, બીશ નહિ; કેમ કે તારી પ્રાર્થના સાંભળવામાં આવી છે, તારી પત્ની એલિસાબેતને દીકરો થશે, તેનું નામ તું યોહાન પાડશે. તને આનંદ પ્રાપ્ત થશે, ને તેના જન્મથી ઘણાં લોકો હરખાશે; કેમ કે તે પ્રભુની દ્રષ્ટિમાં મહાન થશે, દ્રાક્ષાસવ પીશે નહિ; અને માતાના પેટમાં હશે ત્યારથી જ પવિત્ર આત્માથી ભરપૂર થશે. તે ઇઝરાયલના ઘણાં વંશજોને તેઓના ઈશ્વર યહોવા તરફ ફેરવશે. તે એલિયાના આત્માએ તથા પરાક્રમે ઈશ્વરની આગળ ચાલશે, એ માટે કે તે પિતાઓનાં મન બાળકો તરફ તથા ન માનનારાઓને ન્યાયીઓના જ્ઞાન પ્રમાણે ચાલવાને ફેરવે, તથા પ્રભુને માટે સિદ્ધ થયેલી પ્રજા તૈયાર કરે. ઝખાર્યાએ સ્વર્ગદૂતને કહ્યું કે, 'એ મને કેવી રીતે જણાય? કેમ કે હું અને મારી પત્ની ઘણાં વૃદ્ધ છીએ.' સ્વર્ગદૂતે તેને ઉત્તર આપ્યો કે, 'હું ઈશ્વરની સમક્ષતામાં રહેનાર ગાબ્રિયેલ છું; તારી સાથે વાત કરીને તને આ શુભસંદેશ આપવાને મને મોકલવામાં આવ્યો છે.' એ વાત બનશે તે દિવસ સુધી તું બોલી શકશે નહિ, કેમ કે મારી વાતો જે ઠરાવેલા સમયે પૂર્ણ થશે તેં તેઓનો વિશ્વાસ કર્યો નહિ.

છઠ્ઠે મહિને ગાબ્રિયેલ સ્વર્ગદૂતને ગાલીલના નાસરેથ નામે એક શહેરમાં એક કુમારિકાની પાસે ઈશ્વર તરફથી મોકલવામાં આવ્યો હતો. દાઉદના વંશના, યૂસફ નામે, એક પુરુષ સાથે તેની સગાઈ થઈ હતી; તેનું નામ મરિયમ હતું. સ્વર્ગદૂતે તેની પાસે આવીને કહ્યું કે, 'હે કૃપા પામેલી, સુખી રહે, પ્રભુ તારી સાથે છે!' પણ એ વચન સાંભળીને તે ઘણી ગભરાઈ અને વિચાર કરવા લાગી કે, આ તે કઈ જાતની સલામ હશે! સ્વર્ગદૂતે તેને કહ્યું કે, 'હે મરિયમ, બીશ નહીં; કેમ કે તું ઈશ્વરથી કૃપા પામી છે. જો, તને ગર્ભ રહેશે, તને દીકરો થશે, અને તું તેમનું નામ ઈસુ પાડશે. તે મોટા થશે અને પરાત્પર ઈશ્વરના દીકરા કહેવાશે; અને ઈશ્વર પ્રભુ તેમને તેમના પિતા દાઉદનું રાજ્યાસન આપશે. તે યાકૂબના વંશજો પર સર્વકાળ રાજ્ય કરશે, અને તેમના રાજ્યનો અંત આવશે નહિ.' મરિયમે સ્વર્ગદૂતને કહ્યું કે, 'એ કેમ કરીને થશે? કેમ કે હું કુંવારી છું, અને હું કોઈ પુરુષ સાથે સંબંધમાં આવી નથી.' સ્વર્ગદૂતે તેને ઉત્તર આપ્યો કે, 'પવિત્ર આત્મા તારા પર આવશે, અને પરાત્પર ઈશ્વરનું પરાક્રમ તારા પર આચ્છાદન કરશે; માટે જે તારાથી જન્મ લેશે તેને પવિત્ર ઈશ્વરનો દીકરો કહેવાશે. જો, તારી સગી એલિસાબેતે પણ તેની વૃદ્ધાવસ્થામાં દીકરાનો ગર્ભ ધર્યો છે; અને જે નિ:સંતાન કહેવાતી હતી, તેને આ છઠ્ઠો મહિનો જાય છે. 'કેમ કે ઈશ્વર પાસેથી [આવેલું] કોઈ પણ વચન પરાક્રમ વગરનું થશે નહિ.' મરિયમે સ્વર્ગદૂતને કહ્યું કે, 'જો, હું પ્રભુની સેવિકા છું, તારા કહ્યાં પ્રમાણે મને થાઓ.' ત્યારે સ્વર્ગદૂત તેની પાસેથી ગયો.

તે દેશમાં ઘેટાંપાળકો રાત્રે ખેતરમાં રહીને પોતાનાં ઘેટાંને સાચવતા હતા. પ્રભુનો એક સ્વર્ગદૂત તેઓની આગળ પ્રગટ થયો, પ્રભુના ગૌરવનો પ્રકાશ તેઓની આસપાસ પ્રકાશ્યો, તેથી તેઓ ઘણાં ભયભીત થયા. સ્વર્ગદૂતે તેઓને કહ્યું કે 'બીશો નહીં; કેમ કે, જુઓ, હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું, અને તે સર્વ લોકોને માટે થશે; કેમ કે આજ દાઉદના શહેરમાં તમારે સારુ એક ઉદ્ધારક, એટલે ખ્રિસ્ત પ્રભુ જનમ્યાં છે. તમારે માટે એ નિશાની છે કે, તમે એક બાળકને કપડાંમાં લપેટેલું તથા ગભાણમાં સૂતેલું જોશો.' પછી એકાએક સ્વર્ગદૂતની સાથે આકાશના બીજા સ્વર્ગદૂતોનો સમુદાય પ્રગટ થયો; તેઓ ઈશ્વરની સ્તુતિ કરીને કહેતાં હતા કે, 'સ્વર્ગમાં ઈશ્વરને મહિમા, તથા પૃથ્વી પર જે માણસો વિષે તે પ્રસન્ન છે, તેઓ મધ્યે શાંતિ થાઓ.' જયારે સ્વર્ગદૂતો તેઓની પાસેથી આકાશમાં ગયા તે પછી, ઘેટાંપાળકોએ એકબીજાને કહ્યું કે, 'ચાલો, આપણે બેથલેહેમ જઈને આ બનેલી બિના જેની ખબર પ્રભુએ આપણને આપી છે તે જોઈએ.'

કેમ કે લખ્યું છે કે, તે પોતાના સ્વર્ગદૂતોને તારા સંબંધી આજ્ઞા કરશે કે તેઓ તારું રક્ષણ કરે; તેઓ પોતાના હાથે તમને ઝીલી લેશે, રખેને તમારો પગ પથ્થર પર અફળાય.'

કેમ કે જે કોઈ મારે લીધે તથા મારાં વચનોને લીધે શરમાશે, તેને લીધે માણસનો દીકરો જયારે પોતે પોતાના તથા બાપના તથા પવિત્ર સ્વર્ગદૂતોનાં મહિમામાં આવશે ત્યારે શરમાશે.

હું તમને કહું છું કે, માણસોની આગળ જે કોઈ મને કબૂલ કરશે તેને ઈશ્વરના સ્વર્ગદૂતો આગળ માણસનો દીકરો પણ કબૂલ કરશે. પણ માણસોની આગળ જે કોઈ મારો નકાર કરશે તેનો નકાર ઈશ્વરના સ્વર્ગદૂતોની આગળ કરવામાં આવશે.

હું તમને કહું છું કે, તે જ રીતે નવ્વાણું ન્યાયીઓ કે જેઓને પસ્તાવાની જરૂર નથી, તેઓના કરતાં એક પાપી પસ્તાવો કરે તેને લીધે સ્વર્ગમાં આનંદ થશે.

હું તમને કહું છું કે એ જ પ્રમાણે એક પાપી પસ્તાવો કરે, તેને લઈને ઈશ્વરના સ્વર્ગદૂતોની સમક્ષ આનંદ થાય છે.'

પછી એમ થયું કે તે ભિખારી મરણ પામ્યો, સ્વર્ગદૂતો તેને ઇબ્રાહિમની ગોદમાં લઈ ગયા; અને શ્રીમંત માણસ પણ મરણ પામ્યો અને તેને દફનાવવામાં આવ્યો.

કેમ કે તેઓ ફરીથી મરણ પામી શકતા નથી; કારણ કે તેઓ સ્વર્ગદૂતો સમાન છે; મરણોત્થાનના દીકરા હોવાથી તેઓ ઈશ્વરના દીકરા છે.

આકાશમાંથી ઈસુને બળ આપતો એક સ્વર્ગદૂત તેમને દેખાયો.

એમ થયું કે, એ સંબંધી તેઓ ગૂંચવણમાં પડી હતી, ત્યારે ચળકતાં વસ્ત્ર પહેરેલા બે પુરુષો તેઓને દેખાયા. તેઓએ ડરીને જમીન સુધી પોતાનાં માથાં નમાવ્યાં, ત્યારે તેઓએ તેઓને કહ્યું કે, 'મૂએલાંઓમાં જીવતાંને કેમ શોધો છો? તે અહીં નથી, પણ ઊઠયા છે; યાદ કરો કે તે ગાલીલમાં હતા, ત્યારે તેમણે તમને કહ્યું હતું કે, પાપી માણસોના હાથમાં માણસનો દીકરો પરસ્વાધીન કરાય તથા વધસ્તંભે જડાય અને ત્રીજે દિવસે પાછા ઊઠે એ જરૂરનું છે.'

એટલે તેઓએ તેમનો મૃતદેહ જોયો નહિ, ત્યારે તેઓએ આવીને કહ્યું કે, અમને સ્વર્ગદૂતોનું દર્શન પણ થયું હતું, કે જેઓએ કહ્યું કે તે જીવિત છે.

ઈસુએ તેને કહ્યું, 'હું તને ખરેખર કહું છું કે, તું સ્વર્ગ ઊઘડેલું અને ઈશ્વરના સ્વર્ગદૂતોને માણસના દીકરા (ઈસુ) ઉપર ચઢતાં અને ઊતરતા જોશે.'

હવે યરુશાલેમમાં 'ઘેટાંનો દરવાજો' નામે જગ્યા પાસે એક કૂંડ છે, તે હિબ્રૂ ભાષામાં બેથઝાથા કહેવાય છે. તેને લગતી પાંચ પરસાળ છે. તેમાં રોગી, અંધજનો, અપંગ, લકવાગ્રસ્તો એવાં ઘણાં બીમાર લોકો હતા. તેઓ તે કૂંડમાં પાણી હલવાની રાહ જોતાં હતા. કેમ કે કોઈ કોઈ સમયે એક દૂત તે કૂંડમાં ઊતરીને પાણીને હલાવતો હતો; પાણી હલાવ્યાં પછી જે કોઈ પહેલો તેમાં ઊતરતો, તેને જે કંઈ રોગ હોય તેથી તે રોગી સાજો થતો.

જોકે મરિયમ બહાર કબરની પાસે રડતી ઊભી રહી. તે રડતાં રડતાં નમીને કબરમાં વારંવાર જોયા કરતી હતી; અને જ્યાં ઈસુનો પાર્થિવ દેહ દફનાવેલો હતો ત્યાં પ્રકાશિત વસ્ત્ર પહેરેલા બે સ્વર્ગદૂતોને, એકને માથા બાજુ અને બીજાને પગ બાજુ, બેઠેલા તેણે જોયા. તેઓ તેને કહે છે કે, 'બહેન, તું કેમ રડે છે?' તે તેમને કહે છે, 'તેઓ મારા પ્રભુને લઈ ગયા છે અને તેઓએ તેમને ક્યાં મૂક્યા છે તે હું જાણતી નથી, માટે હું રડું છું;'

એ વાતો કહી રહ્યા પછી, તેઓના દેખતા તેમને ઉપર લઈ લેવાયા; અને વાદળોએ તેઓની દૃષ્ટિથી તેમને ઢાંકી દીધાં. તે જતા હતા ત્યારે તેઓ સ્વર્ગ તરફ અનિમેષ નયને જોઈ રહ્યા હતા, એવામાં ચળકતાં વસ્ત્ર પહેરેલા બે દૂત તેઓની પાસે ઊભા રહ્યા. તેઓએ કહ્યું કે, ગાલીલના માણસો, તમે સ્વર્ગ તરફ જોતાં કેમ ઊભા રહ્યા છો? એ જ ઈસુ જેમને તમારી પાસેથી સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યા છે, તેઓને જેમ તમે સ્વર્ગમાં જતા જોયા તે જ રીતે તેઓ પાછા આવશે.

અને પ્રેરિતોને પકડીને તેઓએ તેમને જેલમાં પૂર્યા. પણ રાત્રે પ્રભુના સ્વર્ગદૂતે જેલના બારણાં ઉઘાડ્યાં, અને તેઓને બહાર લાવીને કહ્યું કે, તમે જાઓ, અને ભક્તિસ્થાનમાં ઊભા રહીને એ જીવન વિષેની બધી વાતો લોકોને સંભળાવો.

તે તમે, તે ન્યાયી ને પરસ્વાધીન કરનારા તથા તેમની હત્યા કરનારા થયા છો."

હવે પ્રભુના એક સ્વર્ગદૂતે ફિલિપને કહ્યું કે, ઊઠ, ને યરુશાલેમથી ગાઝા જવાનાં માર્ગ સુધી દક્ષિણ તરફ જા; ત્યાં અરણ્ય છે.

તેણે એક દિવસ બપોરે આશરે ત્રણ કલાકે દર્શનમાં ઈશ્વરના સ્વર્ગદૂતને પોતાની પાસે આવતો, તથા પોતાને, ઓ કર્નેલ્યસ, એમ કહેતો પ્રત્યક્ષ જોયો. ત્યારે સ્વર્ગદૂતની સામે એક નજરે જોઈ રહીને તથા ભયભીત થઈને તેણે કહ્યું કે, પ્રભુ શું છે? સ્વર્ગદૂતે કહ્યું કે, તારી પ્રાર્થનાઓ તથા તારાં દાન ઈશ્વરની આગળ યાદગીરીને સારુ પહોંચ્યાં છે.

તેથી તેણે પિતરને જેલમાં રાખ્યો; પણ વિશ્વાસી સમુદાયે તેને સારુ આગ્રહથી ઈશ્વરની પ્રાર્થના કરી. હેરોદ તેને બહાર લાવવાનો હતો તેની આગલી રાત્રે પિતર બે સિપાઈઓની વચ્ચે બે સાંકળોથી બંધાયેલી સ્થિતિમાં ઊંઘતો હતો; અને ચોકીદારો જેલના દરવાજા આગળ ચોકી કરતા હતા. ત્યારે જુઓ, પ્રભુનો સ્વર્ગદૂત તેની પાસે ઊભો રહ્યો, અને જેલમાં પ્રકાશ પ્રગટ્યો; તેણે પિતરને કૂખમાં હલકો હાથ મારીને જગાળ્યો, અને કહ્યું કે, જલદી ઊઠ. ત્યારે તેની સાંકળો તેના હાથ પરથી સરકી પડી. સ્વર્ગદૂતે તેને કહ્યું કે, કમર બાંધ, અને તારાં ચંપલ પહેર. તેણે તેમ કર્યું. પછી સ્વર્ગદૂતે કહ્યું કે, તારો કોટ પહેરી લે અને મારી પાછળ આવ. તે બહાર નીકળીને સ્વર્ગદૂતની પાછળ ગયો; અને સ્વર્ગદૂત જે કરે છે તે વાસ્તવિક છે એમ તે સમજતો નહોતો, પણ તે દર્શન જોઈ રહ્યો છે એમ તેને લાગ્યું. તેઓ પહેલી તથા બીજી ચોકી વટાવીને શહેરમાં જવાનાં લોખંડના દરવાજે પહોંચ્યા; અને તે દરવાજો આપોઆપ ખૂલી ગયો; તેઓએ આગળ ચાલીને એક મહોલ્લો ઓળંગ્યો; એટલે તરત સ્વર્ગદૂત તેની પાસેથી ચાલ્યો ગયો.

જયારે પિતર સભાન થયો ત્યારે તેણે કહ્યું કે, હવે હું ચોક્કસ રીતે જાણું છું કે પ્રભુએ પોતાના સ્વર્ગદૂતને મોકલીને હેરોદના હાથમાંથી તથા યહૂદીઓની સર્વ ધારણાથી મને છોડાવ્યો છે. પછી તે વિચાર કરીને યોહાન, જેનું બીજું નામ માર્ક હતું, તેની મા મરિયમના ઘરે આવ્યો, ત્યાં ઘણાં માણસો એકઠા થઈને પ્રાર્થના કરતા હતા. તે આગળનો દરવાજો ખટખટાવતો હતો ત્યારે રોદા નામે એમ જુવાન દાસી દરવાજો ખોલવા આવી. તેણે પિતરનો અવાજ પારખીને આનંદને લીધે બારણું ન ઉઘાડતાં, અંદર દોડી જઈને કહ્યું કે, પિતર બારણા આગળ ઊભો છે. તેઓએ તેને કહ્યું કે, તું પાગલ છે. પણ તેણે ખાતરીપૂર્વક કહ્યું કે [હું કહું છું] તેમ જ છે. ત્યારે તેઓએ કહ્યું કે તેનો સ્વર્ગદૂત હશે. પણ પિતરે દરવાજો ખટખટાવ્યા કર્યો; અને તેઓએ બારણું ઉઘાડીને તેને જોયો, ત્યારે તેઓ આશ્ચર્ય પામ્યા.

પછી ઠરાવેલા દિવસે હેરોદે રાજપોશાક પહેરીને, તથા રાજ્યાસન પર બેસીને, તેઓની આગળ ભાષણ કર્યું. ત્યારે લોકોએ પોકાર કર્યો કે, આ વાણી તો દેવની છે, માણસની નથી. તેણે [હેરોદે] ઈશ્વરને મહિમા આપ્યો નહિ, માટે પ્રભુના સ્વર્ગદૂતે તરત તેને માર્યો; અને તેના શરીરમાં કીડા પડ્યા અને તે મરણ પામ્યો.

કેમ કે સદૂકીઓ કહે છે કે, 'મરણોત્થાન નથી, સ્વર્ગદૂત કે આત્માઓ પણ નથી; પણ ફરોશીઓ એ બન્ને વાત માન્ય કરે છે.

કેમ કે જે ઈશ્વરનો હું છું, અને જેમની સેવા હું કરું છું તેમના સ્વર્ગદૂતે ગઈ રાત્રે મારી પાસે ઊભા રહીને કહ્યું કે, 'પાઉલ, ડરીશ નહિ. કાઈસારની રૂબરૂ તારે ઊભા રહેવું પડશે, જો તારી સાથે સફર કરનારા સર્વને ઈશ્વરે તારી ખાતર બચાવ્યા છે.

આપણે નર્કદૂતોનો ન્યાય કરીશું એ શું તમે જાણતા નથી? તો આ જિંદગીને લગતી બાબતોનો ન્યાય આપણે ના કરી શકીએ?

આ કારણથી અને સ્વર્ગદૂતોને લીધે સ્ત્રીએ પોતાની આધિનતા દર્શાવવાં માથે ઓઢેલું રાખવું તે ઉચિત છે.

જોકે હું માણસોની તથા સ્વર્ગદૂતોની પણ ભાષાઓ બોલી શકું, પણ મારામાં પ્રેમ ન હોય, તો રણકાર કરનાર પિત્તળ કે ઝમકાર કરનાર ઝાંઝના જેવો હું છું.

પણ જે સુવાર્તા અમે તમને પ્રગટ કરી, તે સિવાય બીજી કોઈ સુવાર્તા, જો અમે અથવા કોઈ સ્વર્ગદૂત પણ તમને પ્રગટ કરે, તો તે શાપિત થાઓ.

નમ્રતા તથા સ્વર્ગદૂતોની સેવા પર ભાવ રાખવા કોઈ તમને ન ફસાવે અને તમારું ઇનામ છીનવી ન લે. તેને જે દર્શનો થયા છે તે પર આધાર રાખીને તે પોતાના દૈહિક મનથી ફુલાઈ જાય છે.

કેમ કે પ્રભુ પોતે ગર્જના, પ્રમુખ દૂતની વાણી, તથા ઈશ્વરના રણશિંગડાના અવાજ સહિત સ્વર્ગમાંથી ઊતરશે; અને ખ્રિસ્તમાં જેઓ મૃત્યુ પામેલાં છે તેઓ પ્રથમ ઉત્થાન પામશે.

કેમ કે ઈશ્વરે સ્વર્ગદૂતોને ક્યારે એવું કહ્યું કે, 'તું મારો દીકરો છે, આજે મેં તને જન્મ આપ્યો છે?' અને વળી, 'હું તેનો પિતા થઈશ અને તે મારો પુત્ર થશે?'

વળી જયારે તે પ્રથમજનિતને દુનિયામાં લાવે છે, ત્યારે તે કહે છે કે, 'ઈશ્વરના સર્વ સ્વર્ગદૂતો તેમનું ભજન કરો.'

વળી સ્વર્ગદૂતો સંબંધી તે એમ કહે છે કે, 'તે પોતાના સ્વર્ગદૂતોને વાયુરૂપ, અને પોતાના સેવકોને અગ્નિની જ્વાળારૂપ કરે છે.'

પણ ઈશ્વરે કયા સ્વર્ગદૂતને કદી એમ કહ્યું કે, 'હું તારા શત્રુઓને તારા પગ નીચે કચડું નહિ, ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ?' શું તેઓ સર્વ સેવા કરનારા આત્મા નથી? તેઓને ઉદ્ધારનો વારસો પામનારાઓની સેવા કરવા માટે બહાર મોકલવામાં આવ્યા નથી?

કેમ કે જે આગામી યુગ સંબંધી અમે તમને કહીએ છીએ તેનું નિયંત્રણ તેમણે સ્વર્ગદૂતોને આધીન કર્યું નથી. પણ ગીતકર્તા દાઉદ જણાવે છે કે, 'માણસ વળી કોણ છે, કે તમે તેનું સ્મરણ કરો છો? અથવા મનુષ્યપુત્ર કોણ છે કે તમે તેની મુલાકાત લો છો? તેમણે તેને થોડા સમય માટે સ્વર્ગદૂતો કરતાં ઊતરતો કર્યો છે; અને તેના મસ્તક પર મહિમા તથા માનનો મુગટ મૂક્યો છે. તમારા હાથનાં કામ પર તેને અધિકાર આપ્યો છે.

કેમ કે નિશ્ચે તે સ્વર્ગદૂતોની સહાય નથી કરતા, પણ ઇબ્રાહિમનાં સંતાનની સહાય કરે છે.

અને તે પર ગૌરવી કરુબિમ હતા, તેઓની છાયા દયાસન પર પડતી હતી; હમણાં તેઓ સંબંધી અમારાથી વિગતવાર કહેવાય એમ નથી.

પણ તમે તો સિયોન પહાડની પાસે અને જીવતા ઈશ્વરના નગર એટલે સ્વર્ગીય યરુશાલેમની પાસે અને હજારોહજાર સ્વર્ગદૂતોની પાસે, પ્રથમ જન્મેલાં જેઓનાં નામ સ્વર્ગમાં લખી લેવામાં આવેલાં છે તેઓની સાર્વત્રિક સભા તથા વિશ્વાસી સમુદાયની પાસે અને સહુનો ન્યાય કરનાર ઈશ્વરની પાસે અને સંપૂર્ણ થએલાં ન્યાયીઓના આત્માઓની પાસે,

પરોણાગત કરવાનું તમે ભુલશો નહિ, કેમ કે તેથી કેટલાકે અજાણતાં સ્વર્ગદૂતોને પરોણા રાખ્યા છે.

જે પ્રગટ કરાયું હતું તેનાથી તેઓએ પોતાની નહિ, પણ તમારી સેવા કરી; સ્વર્ગમાંથી મોકલાયેલા પવિત્ર આત્માની સહાયથી જેઓએ તમને સુવાર્તા પ્રગટ કરી તેઓ દ્વારા તે વાતો તમને હમણાં જણાવવાંમાં આવી; જે જોવાની ઉત્કંઠા સ્વર્ગદૂતો પણ ધરાવે છે.

ઈસુ તો સ્વર્ગદૂતો, અધિકારીઓ તથા પરાક્રમીઓને પોતાને સ્વાધીન કરીને સ્વર્ગમાં ગયા અને ઈશ્વરને જમણે હાથે બિરાજમાન છે.

પરંતુ સ્વર્ગદૂતો વિશેષ બળવાન તથા પરાક્રમી હોવા છતાં પ્રભુની આગળ તેઓની નિંદા કરીને તેઓ પર દોષ મૂકતા નથી.

વહાલાંઓ, દરેક આત્મા પર વિશ્વાસ ન રાખો, પણ આત્માઓ ઈશ્વરથી છે કે નહિ એ વિષે તેઓને પારખી જુઓ; કેમ કે દુનિયામાં જૂઠાં પ્રબોધકો ઘણાં ઊભા થયા છે. ઈસુ ખ્રિસ્ત મનુષ્યદેહમાં આવ્યા છે, એવું જે દરેક આત્મા કબૂલ કરે છે તે ઈશ્વરનો છે, તેથી તમે ઈશ્વરનો આત્મા ઓળખી શકો છો.

પણ મિખાયેલ પ્રમુખ દૂતે જયારે શેતાનની સાથે મૂસાના શબ વિષે તકરાર કરીને વિવાદ સર્જ્યો, ત્યારે તેણે નિંદા કરીને તહોમત મૂકવાની હિંમત કરી નહિ, પણ એટલું જ કહ્યું કે, "પ્રભુ તને ધમકાવો."

મારા જમણાં હાથમાં જે સાત તારા તથા સોનાની સાત દીવી તેં જોયાં, એમનો ખુલાસો તું લખ. સાત તારા તો સાત મંડળીના સ્વર્ગદૂત છે, અને સાત દીવી તો સાત મંડળી છે.

જે જીતે છે તેને એ જ પ્રમાણે સફેદ વસ્ત્ર પહેરાવાશે; જીવનનાં પુસ્તકમાંથી તેનું નામ હું ભૂંસી નાખીશ નહિ. પણ મારા પિતાની આગળ તથા તેમના સ્વર્ગદૂતોની આગળ હું તેનું નામ સ્વીકારીશ.

રાજ્યાસનની આસપાસ ચોવીસ આસનો હતાં; તેના પર ચોવીસ વડીલો બેઠેલા મેં જોયા, તેઓએ સફેદ વસ્ત્ર પહેરેલાં હતાં; તેઓનાં માથાં પર સોનાનાં મુગટ હતા. રાજ્યાસનમાંથી વીજળીઓ, વાણીઓ તથા ગર્જનાઓ નીકળતી હતી અને રાજ્યાસનની આગળ અગ્નિના સાત દીવા બળતા હતા તે ઈશ્વરના સાત આત્મા હતા.

રાજ્યાસનની આગળ સ્ફટિકના જેવો ચળકતો સમુદ્ર હતો; રાજ્યાસનની મધ્યે તથા તેની આસપાસ આગળપાછળ આંખોથી ભરપૂર એવાં ચાર પ્રાણી હતાં. પહેલું પ્રાણી સિંહના જેવું હતું, બીજું પ્રાણી બળદના જેવું હતું, ત્રીજા પ્રાણીને માણસના જેવું મોં હતું, ચોથું પ્રાણી ઊડતા ગરુડના જેવું હતું. તે ચાર પ્રાણીમાંના દરેકને છ છ પાંખ હતી, અને તેઓ ચારે તરફ તથા અંદર આંખોથી ભરપૂર હતાં; તેઓ 'પવિત્ર, પવિત્ર, પવિત્ર, પ્રભુ ઈશ્વર, સર્વશક્તિમાન, જે હતા, જે છે, અને જે આવનાર છે,' એમ રાતદિવસ કહેતાં વિસામો લેતાં નહોતાં. રાજ્યાસન પર જે બેઠેલા છે, જે સદાસર્વકાળ જીવંત છે, તેમનો મહિમા, માન તથા આભારસ્તુતિ તે પ્રાણીઓ જયારે ગાશે, ત્યારે ચોવીસ વડીલો રાજ્યાસન પર બેઠેલાને પગે પડશે, ને જે સદાસર્વકાળ સુધી જીવંત છે તેમની આરાધના કરશે અને રાજ્યાસન આગળ પોતાના મુગટ ઉતારીને કહેશે કે, 'ઓ અમારા પ્રભુ તથા ઈશ્વર, મહિમા, માન તથા સામર્થ્ય પામવાને તમે જ યોગ્ય છો; કેમ કે તમે સર્વને ઉત્પન્ન કર્યા, અને તમારી ઇચ્છાથી તેઓ અસ્તિત્વમાં આવ્યા અને ઉત્પન્ન થયાં.'

તેવામાં મેં એક બળવાન સ્વર્ગદૂતને જોયો, તેણે મોટા અવાજે પોકારીને કહ્યું કે, 'આ ઓળિયું ખોલવાને અને તેનું સીલ તોડવાને કોણ યોગ્ય છે?'

રાજ્યાસનની તથા ચાર પ્રાણીઓની વચ્ચે તથા વડીલોની વચ્ચે મારી નંખાયેલા જેવું એક હલવાન ઊભું રહેલું મેં જોયું, તેને સાત શિંગડાં તથા સાત આંખ હતી; એ આંખો ઈશ્વરના સાત આત્મા છે, જેઓને આખી પૃથ્વી પર મોકલવામાં આવેલા છે. તેમણે જઈને રાજ્યાસન પર બેઠેલાના જમણાં હાથમાંથી તે ઓળિયું લીધું. જયારે તેમણે તે ઓળિયું લીધું, ત્યારે ચારેય પ્રાણી તથા ચોવીસ વડીલોએ હલવાન આગળ નમી પડ્યા; અને દરેકની પાસે વીણા તથા ધૂપથી ભરેલાં સુવર્ણ પાત્ર હતાં, તે ધૂપ સંતોની પ્રાર્થનાઓ છે.

મેં જોયું, તો રાજ્યાસન, પ્રાણીઓ તથા વડીલોની આસપાસ મેં ઘણાં સ્વર્ગદૂતોની વાણી સાંભળી; તેઓની સંખ્યા લાખોલાખ અને હજારોહજાર હતી. તેઓએ મોટે અવાજે પોકારીને કહ્યું કે, 'જે હલવાન મારી નંખાયેલું હતું તે પરાક્રમ, સંપત્તિ, જ્ઞાન, સામર્થ્ય, માન, મહિમા તથા સ્તુતિ પામવાને યોગ્ય છે.' વળી ઉત્પન્ન થયેલ [પ્રાણી] જે સ્વર્ગમાં, પૃથ્વી પર, પાતાળમાં તથા સમુદ્રમાં છે, તેઓમાંનાં સર્વને મેં એમ કહેતાં સાંભળ્યાં કે, રાજ્યાસન પર જે બેઠેલા છે તેમને તથા હલવાનને સ્તુતિ, માન, મહિમા તથા અધિકાર સદાસર્વકાળ હો. ત્યારે ચારે પ્રાણીઓએ કહ્યું, આમીન. પછી વડીલોએ પગે પડીને [તેમની] આરાધના કરી.

એ પછી, મેં ચાર સ્વર્ગદૂતને પૃથ્વીના ચાર ખૂણા પર ઊભા રહેલા જોયા; તેઓએ પૃથ્વીના ચાર પવનને એવી રીતે અટકાવી રાખ્યા હતા કે, પૃથ્વી પર અથવા સમુદ્ર પર, કોઈ ઝાડ પર પવન વાય નહિ. મેં બીજા એક સ્વર્ગદૂતને પૂર્વ દિશાથી ચઢતો જોયો, તેની પાસે જીવતા ઈશ્વરની મહોર હતી, અને પૃથ્વીને તથા સમુદ્રને હાનિ કરવાની સત્તા જે ચાર સ્વર્ગદૂતોને અપાઈ હતી, તેઓને તેણે મોટે અવાજે બૂમ પાડી કે, 'જ્યાં સુધી અમે અમારા ઈશ્વરના દાસોને તેઓના કપાળ પર મુદ્રા કરી ન રહીએ, ત્યાં સુધી તમે પૃથ્વીને અથવા સમુદ્રને અથવા ઝાડોને કશું નુકસાન કરશો નહિ.'

સઘળા સ્વર્ગદૂતો રાજ્યાસનની તથા વડીલોની તથા ચારે પ્રાણીઓની આસપાસ ઊભેલા હતા, અને તેઓએ રાજ્યાસનની આગળ દંડવત પ્રણામ કરીને ઈશ્વરની ભજન કરતાં કહ્યું કે, 'આમીન, આભાર, મહિમા, જ્ઞાન, ઉપકારસ્તુતિ, માન, પરાક્રમ તથા સામર્થ્ય સર્વકાળ સુધી અમારા ઈશ્વરને હો; આમીન.'

ઈશ્વરની આગળ જે સાત સ્વર્ગદૂતો ઊભા રહે છે તેઓને મેં જોયા, અને તેઓને સાત રણશિંગડાં અપાયાં. ત્યાર પછી બીજો સ્વર્ગદૂતે આવીને યજ્ઞવેદી પાસે ઊભો રહ્યો, તેની પાસે સોનાની ધૂપદાની હતી, અને તેને પુષ્કળ ધૂપદ્રવ્ય આપવામાં આવ્યું જેથી સર્વ સંતોની પ્રાર્થનાઓ સાથે, રાજ્યાસનની સામે જે સોનાની યજ્ઞવેદી છે, તેના પર તે અર્પણ કરે. ધૂપનો ધુમાડો સંતોની પ્રાર્થનાઓ સાથે તે સ્વર્ગદૂતના હાથથી ઈશ્વરની સમક્ષ પહોંચ્ચો. સ્વર્ગદૂતે ધૂપપાત્ર લઈને તથા તેમાં યજ્ઞવેદીનો અગ્નિ ભરીને તેને પૃથ્વી પર નાખી દીધો; પછી ગર્જનાઓ, વાણીઓ, વીજળીઓ તથા ધરતીકંપો શરૂ થયાં. જે સાત સ્વર્ગદૂતોની પાસે સાત રણશિંગડાં હતાં તેઓ વગાડવા સારુ તૈયાર થયા.

પહેલા સ્વર્ગદૂતે પોતાનું રણશિંગડુ વગાડ્યું, એટલે લોહીમાં મિશ્રિત કરા તથા આગ થયાં, અને પૃથ્વી પર ફેંકાયાં. તેથી વૃક્ષોનો ત્રીજો ભાગ બળી ગયો, અને બધું લીલું ઘાસ સળગી ગયું. પછી બીજા સ્વર્ગદૂતે વગાડ્યું, ત્યારે આગથી બળતા મોટા પહાડના જેવું કશુંક સમુદ્રમાં નંખાયું, અને સમુદ્રનો ત્રીજો ભાગ લોહી થયો, તેને લીધે સમુદ્રમાંનાં જે પ્રાણીઓ જીવતાં હતાં, તેઓમાંનાં ત્રીજા ભાગનાં મૃત્યુ પામ્યા. અને વહાણોનો ત્રીજો ભાગ નાશ પામ્યો. ત્રીજા સ્વર્ગદૂતે વગાડ્યું, અને દીવાના જેવો સળગતો એક મોટો તારો આકાશમાંથી નદીઓનાં ત્રીજા ભાગ પર તથા પાણીના ઝરાઓ પર પડ્યો. તે તારાનું નામ નાગદમણ, એક કડવી વનસ્પતિ હતું. તેથી પાણીનો ત્રીજો ભાગ કડવો થયો અને એ પાણીથી ઘણાં માણસો મરી ગયા, કારણ કે પાણી કડવાં થયાં હતાં. પછી ચોથા સ્વર્ગદૂતે વગાડ્યું, ત્યારે સૂર્યના ત્રીજા ભાગ, ચંદ્રના ત્રીજા ભાગ અને તારાઓનાં ત્રીજા ભાગ પર પ્રહાર થયો, જેથી તેઓનો ત્રીજો ભાગ તથા રાત્રીનો ત્રીજો ભાગ અંધકારરૂપ થયો, અને દિવસનો ત્રીજો ભાગ તથા રાતનો ત્રીજો ભાગ પ્રકાશરહિત થયો. મેં ગગનમાં ઊડતા એક ગરુડને મોટા અવાજથી એમ કહેતો સાંભળ્યો કે, બાકી રહેલા બીજા ત્રણ સ્વર્ગદૂતો જે પોતાના રણશિંગડા વગાડવાના છે, તેઓના અવાજને લીધે પૃથ્વી પરના લોકોને અફસોસ! અફસોસ! અફસોસ!

જયારે પાંચમા સ્વર્ગદૂતે રણશિંગડું વગાડ્યું, ત્યારે મેં એક તારો આકાશથી પૃથ્વી પર પડેલો જોયો; તેને અનંતઊંડાણની ખાઈની ચાવી અપાઈ.

પછી છઠ્ઠા સ્વર્ગદૂતે પોતાનું રણશિંગડુ દૂતે વગાડ્યું ત્યારે ઈશ્વરની સન્મુંખની સોનાની યજ્ઞવેદીનાં શિંગડાંમાંથી નીકળતી હોય એવી એક વાણી મેં સાંભળી; તેણે જે છઠ્ઠા સ્વર્ગદૂતની પાસે રણશિંગડું હતું તેને કહ્યું કે, 'મહાનદી યુફ્રેતિસ પર જે ચાર નર્કદૂતો બાંધેલા છે તેઓને મુક્ત કરે. આ ચાર નર્કદૂતો માણસોના ત્રીજા ભાગને મારી નાખે તે ઘડી, દિવસ, મહિના તથા વર્ષને માટે તૈયાર કરાયા હતા તેઓને છૂટા કરાયા. તેઓના લશ્કરના ઘોડેસવારોની સંખ્યા વીસ કરોડ હતી તે મારા સાંભળવામાં આવી.

મેં બીજા એક બળવાન સ્વર્ગદૂતને સ્વર્ગમાંથી ઊતરતો જોયો, તે વાદળથી ઘેરાયેલો હતો, અને તેના માથા પર મેઘધનુષ હતું, અને તેનું મોં સૂર્યના જેવું તથા તેના પગ અગ્નિના સ્તંભો જેવા હતા. તેના હાથમાં ઉઘાડેલું એક નાનું ઓળિયું હતું, અને તેણે પોતાનો જમણો પગ સમુદ્ર પર તથા ડાબો પગ જમીન પર મૂક્યો; અને જેમ સિંહ ગર્જે છે તેમ તેણે મોટે અવાજે પોકાર કર્યો અને જયારે તેણે તે પોકાર કર્યો ત્યારે, સાત ગર્જના થઈ. જયારે તે સાત ગર્જના બોલી ત્યારે હું લખી લેવાનો હતો પણ મેં સ્વર્ગથી એક વાણી એવું કહેતી સાંભળી કે 'સાત ગર્જનાએ જે જે વાત કહી તેઓને તું લખીશ નહિ તે જાહેર કરવાની નથી.' પછી મેં જે સ્વર્ગદૂતને સમુદ્ર પર તથા પૃથ્વી પર ઊભો રહેલો જોયો હતો, તેણે પોતાનો જમણો હાથ સ્વર્ગ તરફ ઊંચો કર્યો, અને જેઓ સદાસર્વકાળ જીવંત છે, જેમણે આકાશ તથા તેમાં, પૃથ્વી તથા તેમાં અને સમુદ્ર તથા તેમાં જે કંઈ છે તે બધું ઉત્પન્ન કર્યું તેમના સમ ખાઈને તેણે કહ્યું કે, 'હવે વિલંબ થશે નહિ; પણ સાતમાં સ્વર્ગદૂતની વાણીના દિવસોમાં, એટલે જયારે તે રણશિંગડુ વગાડશે ત્યારે ઈશ્વરનો મર્મ, જે તેમણે પોતાના સેવકોને એટલે પ્રબોધકોને જણાવ્યો હતો તે પ્રમાણે સંપૂર્ણ થશે.'

સ્વર્ગમાંથી જે વાણી મેં સાંભળી હતી તેણે ફરીથી મને કહ્યું કે 'તું જા. અને જે સ્વર્ગદૂત સમુદ્ર પર તથા જમીન પર ઊભો છે, તેના હાથમાં જે ખુલ્લું ઓળિયું છે તે લે.' મેં સ્વર્ગદૂતની પાસે જઈને તેને કહ્યું કે 'એ નાનું ઓળિયું મને આપ.' અને તેણે મને કહ્યું કે 'તે લે અને ખાઈ જા. તે તારા પેટને કડવું કરશે પણ તારા મોમાં મધ જેવું મીઠું લાગશે.' ત્યારે સ્વર્ગદૂતના હાથમાંથી નાનું ઓળિયું લઈને હું તેને ખાઈ ગયો અને તે મારા મોમાં મધ જેવું મીઠું લાગ્યું પણ તેને ખાધા પછી તે મને કડવું લાગ્યું. પછી મને એવું કહેવામાં આવ્યું કે ઘણાં લોકો, દેશો, ભાષાઓ તથા રાજાઓ વિષે તારે પ્રબોધ કરવો જોઈએ.'

પછી સાતમાં સ્વર્ગદૂતે પોતાનું રણશિંગડુ વગાડ્યું ત્યારે આકાશમાં મોટી વાણીઓ થઈ. તેઓએ કહ્યું કે 'આ દુનિયાનું રાજ્ય આપણા પ્રભુનું તથા તેમના ખ્રિસ્તનું થયું છે, તે સદાસર્વકાળ રાજ્ય કરશે.' જે ચોવીસ વડીલો ઈશ્વરની આગળ પોતાનાં આસન પર બેઠા હતા તેઓએ દંડવત કરીને ઈશ્વરનું ભજન કરતાં કહ્યું કે, 'ઓ સર્વસમર્થ પ્રભુ ઈશ્વર, જે છે, ને જે હતા, અમે તમારી સ્તુતિ કરીએ છીએ કેમ કે તમે પોતાનું મહાન પરાક્રમ ધારણ કરીને રાજ કરો છો.

પછી આકાશમાં યુધ્ધ મચ્યું. મીખાએલ તથા તેના સ્વર્ગદૂતો અજગરની સાથે લડ્યા; અને અજગર તથા તેના નર્કદૂતો પણ લડ્યા; તોપણ તેઓ તેમને જીતી શક્યા નહિ અને તેઓને ફરી સ્વર્ગમાં સ્થાન મળ્યું નહિ.

તેઓ રાજ્યાસન તથા ચાર પ્રાણીઓની તથા વડીલોની આગળ જાણે કે નવું ગીત ગાતા હતા; પૃથ્વી પરથી જે એક લાખ ચુંમાળીસ હજારને મુક્તિ મૂલ્ય દ્વારા ખરીદવામાં આવ્યા હતા, તેઓ સિવાય બીજું કોઈ એ ગીત શીખી શક્યું નહિ.

પછી મેં બીજા એક સ્વર્ગદૂતને અંતરિક્ષમાં ઊડતો જોયો, પૃથ્વી પર રહેનારાંઓમાં, એટલે સર્વ દેશ, કુળ, ભાષા તથા પ્રજામાં પ્રગટ કરવાને, તેની પાસે અનંતકાળિક સુવાર્તા હતી; તે મોટે અવાજે કહે છે કે, 'ઈશ્વરથી ડરો અને તેમને મહિમા આપો, કેમ કે તેમના ન્યાયકરણનો સમય આવ્યો છે, જેમણે આકાશ, પૃથ્વી, સમુદ્ર તથા પાણીના ઝરાઓને ઉત્પન્ન કર્યા, તેમની આરાધના કરો.' ત્યાર પછી તેની પાછળ બીજો એક સ્વર્ગદૂત આવીને એમ બોલ્યો કે, 'પડ્યું રે, મોટું બેબિલોન શહેર પડ્યું કે, જેણે પોતાના વ્યભિચારને લીધે રેડાયેલો કોપરૂપી દ્રાક્ષારસ સર્વ દેશના લોકોને પાયો છે.' પછી તેઓની પાછળ ત્રીજો સ્વર્ગદૂત આવીને ઊંચા અવાજે બોલ્યો કે, હિંસક પશુને તથા તેની મૂર્તિને જો કોઈ પૂજે અને તેની છાપ પોતાના કપાળ પર અથવા પોતાના હાથ પર લગાવે, તો તે પણ ઈશ્વરના કોપરૂપી દ્રાક્ષારસ, જે તેમના ક્રોધના પ્યાલામાં પૂરો રેડેલો છે, તે પીવો પડશે; અને પવિત્ર સ્વર્ગદૂતોની તથા હલવાનની સમક્ષ અગ્નિમાં તથા ગંધકમાં તે દુઃખ ભોગવશે;

પછી ભક્તિસ્થાનમાંથી બીજા એક સ્વર્ગદૂતે બહાર આવીને વાદળાં પર બેઠેલા [પુરુષ] ને મોટા અવાજે હાંક મારી કે, 'તમે તમારું દાતરડું ચલાવીને કાપો, કેમ કે કાપણીનો સમય આવ્યો છે, અને પૃથ્વીની ફસલ પૂરેપૂરી પાકી ગઈ છે.' ત્યારે વાદળાં પર બેઠેલા [પુરુષે] પૃથ્વી પર પોતાનું દાતરડું ચલાવ્યું; એટલે પૃથ્વી પરનાં પાકની કાપણી કરવામાં આવી.

ત્યાર પછી આકાશમાંના ભક્તિસ્થાનમાંથી બીજો એક સ્વર્ગદૂત બહાર આવ્યો, તેની પાસે પણ ધારદાર દાતરડું હતું. અને બીજો એક સ્વર્ગદૂત, એટલે કે જેને અગ્નિ પર અધિકાર છે તે, યજ્ઞવેદી પાસેથી બહાર આવ્યો; તેણે જેની પાસે ધારદાર દાતરડું હતું તેને મોટા અવાજે કહ્યું કે, તું તારું ધારદાર દાતરડું ચલાવીને પૃથ્વીના દ્રાક્ષાવેલાનાં ઝૂમખાંને લણી લે; કેમ કે તેની દ્રાક્ષ પાકી ચૂકી છે.' ત્યારે તે સ્વર્ગદૂતે પોતાનું દાતરડું પૃથ્વી પર ચલાવ્યું, અને પૃથ્વીના દ્રાક્ષાવેલાનાં ઝૂમખાંને કાપી લીધાં, અને ઈશ્વરના કોપના મોટા દ્રાક્ષાકુંડમાં નાખ્યાં. દ્રાક્ષાકુંડમાં જે હતું તે શહેર બહાર ખૂંદવામાં આવ્યું, દ્રાક્ષાકુંડમાંથી ત્રણસો કિલોમિટર સુધી ઘોડાઓની લગામોને પહોંચે, એટલું લોહી વહેવા લાગ્યું.

ત્યાર પછી મેં આકાશમાં બીજું મોટું તથા આશ્ચર્યકારક ચિહ્ન જોયું, એટલે સાત સ્વર્ગદૂતો અને તેઓની પાસે છેલ્લી સાત આફતો હતી, કેમ કે તેઓમાં ઈશ્વરનો કોપ પૂરો કરવામાં આવે છે.

જે સાત સ્વર્ગદૂતોની પાસે સાત આફતો હતી, તેઓ ભક્તિસ્થાનમાંથી બહાર આવ્યા; તેઓએ સ્વચ્છ તથા ચળકતાં શણનાં વસ્ત્ર પહેરેલાં હતાં, તથા કમર પર સોનાનાં પટ્ટા બાંધેલા હતા. ચાર પ્રાણીઓમાંના એકે સદાસર્વકાળ જીવંત ઈશ્વરના કોપથી ભરેલાં સાત સુવર્ણપાત્રો તે સાત સ્વર્ગદૂતોને આપ્યાં. ઈશ્વરના ગૌરવના તથા તેમના પરાક્રમના ધુમાડાથી ભક્તિસ્થાન ભરાઈ ગયું; સાત સ્વર્ગદૂતોની સાત આફતો પૂરી થઈ ત્યાં સુધી કોઈથી ભક્તિસ્થાનમાં પ્રવેશ કરી શકાયો નહિ.

એક મોટી વાણી ભક્તિસ્થાનમાંથી મેં સાંભળી, તેણે સાત સ્વર્ગદૂતોને એમ કહ્યું કે, 'તમે જાઓ ને ઈશ્વરના કોપના સાત પ્યાલાં પૃથ્વી પર રેડી દો.' પહેલો સ્વર્ગદૂત ગયો, અને તેણે પોતાનો પ્યાલો પૃથ્વી પર રેડયો, અને જે માણસો હિંસક પશુની છાપ રાખતાં હતાં અને તેની મૂર્તિને પૂજતાં હતાં, તેઓ પર ત્રાસદાયક તથા દુઃખદાયક ગૂમડાં ફૂટી નીકળ્યાં. બીજા સ્વર્ગદૂતે પોતાનો પ્યાલો સમુદ્ર પર રેડ્યો એટલે સમુદ્ર મૃતદેહના લોહી જેવો થયો, અને જે સજીવ પ્રાણી સમુદ્રમાં હતા તે મરણ પામ્યા. ત્રીજા સ્વર્ગદૂતે પોતાનો પ્યાલો નદીઓ પર તથા પાણીના ઝરાઓ પર રેડયો, અને પાણી લોહી થઈ ગયા. મેં પાણીના સ્વર્ગદૂતને બોલતાં સાંભળ્યો કે, 'તમે ન્યાયી છો, તમે જે છો અને જે હતા, પવિત્ર ઈશ્વર, કેમ કે તમે અદલ ન્યાયચૂકાદાઓ કર્યા છે; કારણ કે તેઓએ તમારા સંતોનું તથા પ્રબોધકોનું લોહી વહેવડાવ્યું, અને તમે તેઓને લોહી પીવાને આપ્યું છે; તેઓ તેને માટે લાયક છે.' યજ્ઞવેદીમાંથી એવો અવાજ મેં સાંભળ્યો કે, 'હા, ઓ સર્વસમર્થ પ્રભુ ઈશ્વર, તમારા ન્યાયચુકાદા સત્ય તથા ન્યાયી છે.' ચોથા સ્વર્ગદૂતે પોતાનો પ્યાલો સૂરજ પર રેડયો; એટલે તેને આગથી માણસોને બાળી નાખવાની શક્તિ આપવામાં આવી; તેથી માણસો આગની આંચથી દાઝ્યાં. ઈશ્વર, જેમને આ આફતો પર અધિકાર છે, તેમના નામની વિરુદ્ધ દુર્ભાષણ કરી તેઓએ તેમને મહિમા આપ્યો નહિ અને પસ્તાવો કર્યો નહિ. પાંચમા સ્વર્ગદૂતે પોતાનો પ્યાલો હિંસક પશુના રાજ્યાસન પર રેડયો; અને તેના રાજ્ય પર અંધારપટ છવાયો; અને તેઓ પીડાને લીધે પોતાની જીભોને કરડવા લાગ્યા, અને પોતાની પીડાઓને લીધે તથા પોતાનાં ગુમડાંઓને લીધે તેઓએ સ્વર્ગના ઈશ્વરની વિરુદ્ધ દુર્ભાષણ કર્યું; પણ પોતાનાં કામોનો પસ્તાવો કર્યો નહિ. પછી છઠ્ઠા સ્વર્ગદૂતે પોતાનો પ્યાલો મોટી નદી એટલે યુફ્રેતિસ પર રેડ્યો અને તેનું પાણી સુકાઈ ગયું, એ માટે કે પૂર્વેથી જે રાજાઓ આવનાર છે તેઓનો રસ્તો તૈયાર થાય.

પછી સાતમાં સ્વર્ગદૂતે પોતાનો પ્યાલો વાતાવરણમાં રેડયો, એટલે ભક્તિસ્થાનમાંના રાજ્યાસનમાંથી મોટી વાણી એવું બોલી કે, સમાપ્ત થયું;

જે સાત સ્વર્ગદૂતોની પાસે તે સાત પ્યાલા હતા, તેઓમાંનો એક આવ્યો અને તેણે મારી સાથે બોલતાં કહ્યું કે, 'અહીં આવ, અને જે મોટી વારાંગના ઘણાં પાણી પર બેઠેલી છે, તેને જે શિક્ષા થવાની છે તે હું તને બતાવું. તેની સાથે દુનિયાના રાજાઓએ વ્યભિચાર કર્યો છે અને તેના વ્યભિચારના દ્રાક્ષરસથી પૃથ્વીના રહેનારા ચકચૂર થયા છે.' પછી તે મને આત્મામાં અરણ્યમાં લઈ ગયો; અને એક કિરમજી રંગના હિંસક પશુ પર એક સ્ત્રી બેઠેલી મેં જોઈ; તે પશુ ઈશ્વરનું અપમાન કરનારાં નામોથી ભરેલું હતું, અને તેને સાત માથાં ને દસ શિંગડાં હતાં.

એ પછી મેં બીજા એક સ્વર્ગદૂતને સ્વર્ગથી ઊતરતો જોયો; તેને મોટો અધિકાર મળેલો હતો; અને તેના ગૌરવથી પૃથ્વી પ્રકાશિત થઈ.

પછી એક બળવાન સ્વર્ગદૂતે મોટી ઘંટીના પડ જેવો એક પથ્થર ઊંચકી લીધો અને તેને સમુદ્રમાં નાખીને કહ્યું કે, 'તે મોટા નગર બાબિલોનને એ જ રીતે ઝપાટાથી નાખી દેવામાં આવશે. અને તે ફરી કદી પણ જોવામાં નહિ આવે.

રાજ્યાસન પર બેઠેલા ઈશ્વરની ભજન કરતાં ચોવીસ વડીલોએ તથા ચાર પ્રાણીઓએ દંડવત કરીને કહ્યું, 'આમીન, હાલેલુયા.'

મેં એક સ્વર્ગદૂતને સૂર્યમાં ઊભો રહેલો જોયો, અને તેણે આકાશમાં ઊડનારાં સર્વ પક્ષીઓને મોટે અવાજે હાંક મારી કે, 'તમે આવો અને ઈશ્વરના મોટા જમણને સારુ ભેગા થાઓ;

મેં એક સ્વર્ગદૂતને સ્વર્ગથી ઊતરતો જોયો, તેની પાસે અનંતઊંડાણની ચાવી હતી, અને તેના હાથમાં મોટી સાંકળ હતી. તેણે પેલા અજગરને જે ઘરડો સર્પ, દુષ્ટ તથા શેતાન છે, તેને પકડ્યો. અને હજાર વર્ષ સુધી તેને બાંધી રાખ્યો.

જે સાત સ્વર્ગદૂતોની પાસે સાત પ્યાલા હતા, તે સાત છેલ્લી આફતોથી ભરેલા હતા તેઓમાંનો એક સ્વર્ગદૂત મારી પાસે આવ્યો ને મને કહ્યું કે, 'અહીં આવ, અને જે કન્યા હલવાનની પત્ની છે તેને હું તને બતાવીશ.' પછી તે મને આત્મામાં એક મોટા તથા ઊંચા પહાડ પર લઈ ગયો, અને ઈશ્વરની પાસેથી સ્વર્ગથી ઊતરતું પવિત્ર નગર યરુશાલેમ મને બતાવ્યું.

તેણે તેના કોટનું માપ લીધું, તે માણસના માપ, એટલે સ્વર્ગદૂતના માપ પ્રમાણે ગણતાં એક્સો ચુંમાળીસ હાથ હતું.

જેણે એ સાંભળ્યું તથા જોયું છે તે હું યોહાન છું; અને જ્યારે મેં સાંભળ્યું ને જોયું, ત્યારે જે સ્વર્ગદૂતે મને એ બિના બતાવી, તેનું ભજન કરવા હું તેની આગળ નમ્યો. પણ તેણે મને કહ્યું કે, 'જોજે, એમ ન કર, હું તો તારો તથા તારા સાથી પ્રબોધકોનો ભાઈઓ અને બહેનો તથા આ પુસ્તકની વાતોને પાળનારાનો સાથી સેવક છું; તું ઈશ્વરનું ભજન કર.'

મેં ઈસુએ મારા સ્વર્ગદૂતને મોકલ્યો છે કે તે વિશ્વાસી સમુદાયને સારુ આ સાક્ષી તમને આપે. હું દાઉદનું મૂળ, સંતાન તથા પ્રભાતનો ઉજ્જવળ તારો છું.

Gujarati - ગુજરાતી - GU

GUBCS - Gujarati Bridge Connectivity Solutions - 2017

This Bible text is from Gujarati Indian Revised Version IRV
https://open.bible/bibles/gujarati-bridge-text-bible/
provided by: Bridge Connectivity Solutions Pvt Ltd, available by Creative Commons CC-BY-SA-4.0,
and this new compilation is shared as www.creativecommons.org/licenses/by-sa/4.0.
Languages are made available to you by www.ipedge.net