02 – ભગવાન

આ સર્વશક્તિમાન ઈશ્વરના પવિત્ર શબ્દો છે.
આપણને મનુષ્યના શબ્દોમાં રસ નથી.
જે કોઈ પણ ઈશ્વરને પ્રેમ કરે છે તેના માટે... ઈશ્વર આના વિશે કહે છે: ભગવાન.

ટોચની 3 સૌથી નોંધપાત્ર છંદો

પ્રભુ ઈશ્વર જે છે, જે હતા અને જે આવનાર છે, જે સર્વસમર્થ છે, તે એમ કહે છે કે, 'હું આલ્ફા તથા ઓમેગા છું.'

જે ઈશ્વરે સૃષ્ટિ તથા તેમાંનું સઘળું ઉત્પન્ન કર્યું, તે આકાશ તથા પૃથ્વીના પ્રભુ હોવાથી હાથે બાંધેલા ભક્તિસ્થાન રહેતાં નથી.

ઉત્પન્ન કરેલું કંઈ તેની આગળ ગુપ્ત નથી; પણ જેમની સાથે આપણને કામ છે, તેમની દ્રષ્ટિમાં આપણે સઘળાં તદ્દન ઉઘાડાં છીએ.

દરેક શ્લોક કેનોનિકલ ઓર્ડરમાં - 187 ફકરાઓ

પ્રારંભે ઈશ્વરે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યાં.

ઇબ્રામ નવાણું વર્ષનો થયો ત્યારે ઈશ્વરે તેને દર્શન આપીને કહ્યું, "હું સર્વસમર્થ ઈશ્વર છું, તું મારી આગળ ચાલ અને દોષરહિત થા.

મૂસાએ ઈશ્વરને કહ્યું, "હું ઇઝરાયલ લોકો પાસે જાઉં અને તેઓને કહું કે, 'તમારા પિતૃઓના પ્રભુએ મને તમારી પાસે મોકલ્યો છે.' અને તેઓ મને પૂછે કે, 'તેમનું નામ શું છે?' તો હું તેઓને શો જવાબ આપું?" ત્યારે ઈશ્વરે મૂસાને કહ્યું, "હું જે છું તે છું." તું ઇઝરાયલીઓને કહેજે કે 'હું છું એ મને તમારી પાસે મોકલ્યો છે.'" વળી ઈશ્વરે મૂસાને એવું પણ કહ્યું, "તું ઇઝરાયલીઓને કહેજે કે, 'તમારા પિતૃઓના ઈશ્વર યહોવાહે એટલે કે ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબના ઈશ્વરે મને તમારી પાસે મોકલ્યો છે. મારું નામ સદાને માટે એ જ છે અને પેઢી દરપેઢી લોકો મને એ નામે જ યાદ રાખશે.'"

યહોવા મારું સામર્થ્ય અને ગીત છે; તે મારો ઉદ્ધાર થયા છે. આ મારા ઈશ્વર છે અને હું તેમની સ્તુતિ કરીશ. મારા પૂર્વજોના ઈશ્વર, હું તેમને મહાન માનું છું. યહોવા તો યોદ્ધા છે, તેમનું નામ યહોવા છે.

હે યહોવા! તમારો જમણો હાથ, પરાક્રમે મહિમાવાન છે. હે યહોવા! તમારો જમણો હાથ શત્રુઓને પછાડીને તેમના ચૂરા કરે છે.

યહોવા તેની આગળથી જાહેર કરતા પસાર થયા કે, "યહોવા, યહોવા દયાળુ તથા કૃપાળુ ઈશ્વર, ક્રોધ કરવામાં ધીમા અને કરૂણાથી ભરપૂર તથા વિશ્વાસપાત્ર છું. હું યહોવા હજારો પેઢી સુધી કરૂણા રાખનાર, અન્યાય, ઉલ્લંઘન તથા પાપની ક્ષમા કરનાર અને દોષિતને નિર્દોષ નહિ જ ઠરાવનાર; પિતાના અધર્મની સજા ત્રીજી અને ચોથી પેઢી સુધી છોકરાંના છોકરાં પર બદલો વાળનાર છું."

કેમ કે તારે કોઈ અન્ય દેવની પૂજા કરવી નહિ, કેમ કે હું યહોવા છું, મારું માન કોઈ બીજાને આપવા ન દઉં એવો ઈશ્વર છું.

પણ નિશ્ચે હું જીવતો છું. અને આખી પૃથ્વી યહોવાહના ગૌરવથી ભરપૂર થશે,

ઈશ્વર મનુષ્ય નથી કે તે જૂઠું બોલે, અથવા માણસ નથી કે તે પોતાનું મન બદલે. તે પોતાનું વચન પૂરું નહિ કરે? પોતાનું બોલવું પૂરું નહિ કરે?

કેમ કે ઈશ્વર તમારા યહોવાહ ભસ્મકારક અગ્નિરૂપ તથા ઈર્ષાળુ ઈશ્વર છે.

આ બધું તેમણે એટલા માટે કર્યુ કે તમે જાણો કે ઈશ્વર યહોવાહ છે. તેમના વગર બીજા કોઈ ઈશ્વર નથી. તેઓ તમને બોધ આપે એ માટે યહોવાહે આકાશમાંથી પોતાની વાણી તમને સંભળાવી. અને તમને પૃથ્વી પર મોટી આગ બતાવી અને તેં તેમના શબ્દો અગ્નિમાંથી સાંભળ્યા.

હે ઇઝરાયલ સાંભળ: યહોવાહ આપણા ઈશ્વર તે એકલા જ યહોવાહ છે.

તે માટે તારે જાણવું કે યહોવાહ તમારા ઈશ્વર છે, તે ઈશ્વર છે, તે વિશ્વાસુ ઈશ્વર છે, જે તેમના પર પ્રેમ રાખે છે અને તેમની આજ્ઞાઓ પાળે છે તેમની હજારો પેઢીઓ સુધી કરાર પાળવા માટે તે વિશ્વાસુ છે. પણ જેઓ તેમનો તિરસ્કાર કરે છે તેમનો સામી છાતીએ બદલો લઈને તે નષ્ટ કરે છે; જે કોઈ તેમનો તિરસ્કાર કરે છે તેમનો બદલો લેવામાં તે વિલંબ નહિ કરે; તે બદલો વાળશે.

કેમ કે, યહોવાહ તમારા ઈશ્વર તે તો સર્વોપરી ઈશ્વર છે. તે મહાન, પરાક્રમી અને ભયાનક ઈશ્વર છે, તે નિષ્પક્ષ અને ન્યાયી છે, તે કદી લાંચ લેતા નથી.

યહોવાહ અચળ ખડક છે, તેમનાં કાર્યો પણ સંપૂર્ણ છે; તેમના સર્વ માર્ગો ન્યાયી છે. વિશ્વાસુ તથા સત્ય ઈશ્વર તે ન્યાયી તથા સાચા ઈશ્વર છે.

સનાતન ઈશ્વર તમારો આશ્રય છે, તારી નીચે અનંત હાથો છે. તેમણે તારી આગળથી દુશ્મનોને કાઢી મૂક્યા, અને કહ્યું, "નાશ કર!"

ત્યાં ઈશ્વર જેવા અન્ય કોઈ પવિત્ર નથી, કેમ કે ત્યાં તેમના સિવાય બીજો કોઈ નથી; ત્યાં અમારા ઈશ્વર જેવો બીજો કોઈ ખડક નથી.

પણ શું ઈશ્વર સાચે જ પૃથ્વી પર રહેશે? જુઓ, આકાશ તથા આકાશોનું આકાશ તમારો સમાવેશ કરી શકતું નથી; તો આ મારું બાંધેલું તમારા ભક્તિસ્થાનરૂપી ઘર તમારો સમાવેશ કરે એ કેટલું બધું અશક્ય છે!

પણ યહોવાહે ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબ સાથે કરેલા કરારને લીધે તેઓના પર દયા રાખી, કૃપા કરી અને તેઓની કાળજી રાખી. માટે યહોવાહે તેઓનો નાશ કર્યો નહિ અને પોતાની હજૂરમાંથી દૂર કર્યાં નહિ.

યહોવાહનો આભાર માનો, કેમ કે તેઓ કૃપાળુ છે, કેમ કે તેમનું વિશ્વાસુપણું સદાકાળ રહે છે.

"વળી મારા પુત્ર સુલેમાનને જણાવું છું કે, તું તારા પિતાના ઈશ્વરને ઓળખ અને સંપૂર્ણ અંત: કરણથી અને રાજીખુશીથી તેમની સેવા કર, ઈશ્વર સર્વનાં અંત: કરણો તપાસે છે, અને તેઓના વિચારોની સર્વ કલ્પનાઓ તે સમજે છે. જો તું પ્રભુને શોધશે તો તે તને પ્રાપ્ત કરશે. પણ જો તું તેમનો ત્યાગ કરશે તો તેઓ તને સદાને માટે તજી દેશે.

યહોવાહ તમે જ મહાન, શક્તિશાળી, ગૌરવવંત, ભવ્ય અને પ્રતાપી છો. આ પૃથ્વી પર અને આકાશમાં જે કંઈ છે તે સર્વ તમારું છે. હે યહોવા રાજ્ય તમારું છે અને એ બધાં પર તમારો જ અધિકાર છે. તમારાથી જ ધન અને યશ પ્રાપ્ત થાય છે. તમે જ સર્વ પ્રજા પર શાસન કરો છો. સામર્થ્ય અને સત્તા તમારા જ હાથમાં છે. તમે જ સૌને મહાન તથા બળવાન કરો છો,

તેણે કહ્યું, "હે ઈશ્વર, અમારા પિતૃઓના પ્રભુ, શું તમે સ્વર્ગમાંનાં ઈશ્વર નથી? શું બધી પ્રજાઓના રાજ્યો ઉપર તમે અધિકારી નથી? બળ અને પરાક્રમ તમારા હાથમાં છે. તેથી કોઈ તમારી સામે ટકી શકતું નથી.

હે ઇઝરાયલના ઈશ્વર, યહોવાહ, તમે ન્યાયી છો તેથી જ અમે આજે છીએ અને જીવતા રહ્યા છીએ. જુઓ, અમે અપરાધીઓ છીએ, અમારા અપરાધને કારણે તમારી સમક્ષ કોઈ ઊભો રહી શકતો નથી."

તમે જ એક માત્ર યહોવા છો, આકાશ, આકાશોનું આકાશ તથા સર્વ તારા મંડળ અને પૃથ્વી તથા જે સર્વ તેમાં છે, સમુદ્ર અને તેમાંના સર્વ જીવજંતુ તમે બનાવ્યાં છે અને બધાંને જીવન આપ્યું છે. અને આકાશનું સૈન્ય તમારી આરાધના કરે છે.

શું શોધ કરવાથી તું ઈશ્વરને સમજી શકે? શું તું યોગ્ય રીતે સર્વસશક્તિમાનને સમજી શકે છે?

"હું જાણું છું કે તમે બધું જ કરી શકો છો, અને તમારી યોજનાઓને કોઈ અટકાવી શકે તેમ નથી.

આકાશમાં જે બિરાજમાન છે તે હાસ્ય કરશે; પ્રભુ તેઓને તુચ્છ ગણશે.

ઈશ્વર ન્યાયી ન્યાયાધીશ છે, ઈશ્વર દરરોજ દુષ્ટો પર કોપાયમાન થાય છે.

મૂર્ખ માણસ પોતાના મનમાં કહે છે, "ઈશ્વર છે જ નહિ." તેઓ ભ્રષ્ટ થયા છે અને અન્યાયથી ભરેલાં ઘૃણાપાત્ર કામો કર્યાં છે; તેઓમાં સત્કાર્ય કરનાર કોઈ નથી. કોઈ સમજનાર અને કોઈ ઈશ્વરને શોધનાર છે કે નહિ તે જોવાને યહોવાહે આકાશમાંથી મનુષ્યો પર દ્રષ્ટિ કરી. દરેક માર્ગભ્રષ્ટ થયા છે; તેઓ પૂરેપૂરા મલિન થઈ ગયા છે; સત્કાર્ય કરનાર કોઈ નથી, ના એક પણ નથી.

જેઓ તમારા પર ભરોસો રાખે છે તેમની સામે ઊઠનારાઓથી તેમને તમારા જમણા હાથથી બચાવીને તમારી અદ્દભૂત કરુણા દર્શાવો!

આકાશો ઈશ્વરનો મહિમા પ્રગટ કરે છે અને અંતરિક્ષ તેમના હાથનું કામ દર્શાવે છે!

યહોવાહ મારા પાળક છે; તેથી મને કશી ખોટ પડશે નહિ.

યહોવાહનો અવાજ સમર્થ છે; યહોવાહનો અવાજ માહાત્મ્યથી ભરપૂર છે.

યહોવાહ આકાશમાંથી જુએ છે; તે સર્વ મનુષ્યપુત્રો પર નજર રાખે છે. પોતાના નિવાસસ્થાનમાંથી તે પૃથ્વીના સર્વ રહેવાસીઓને નિહાળે છે.

દુષ્ટો ન્યાયીઓની વિરુદ્ધ ખરાબ યુક્તિઓ રચે છે અને તેની સામે પોતાના દાંત પીસે છે. પ્રભુ તેની હાંસી કરશે, કેમ કે તે જુએ છે કે તેના દિવસો નજીક છે.

કેમ કે ઈશ્વર આખી પૃથ્વીના રાજા છે; સમજદારીથી તેમની પ્રશંસાનાં ગીતો ગાઓ. ઈશ્વર વિદેશીઓ પર રાજ કરે છે; ઈશ્વર પોતાના પવિત્ર સિંહાસન પર બિરાજમાન છે.

મને તમારી સંમુખથી દૂર ન કરો અને તમારો પવિત્ર આત્મા મારી પાસેથી લઈ લેશો નહિ.

હે યહોવાહ, મને જવાબ આપો, કેમ કે તમારી કૃપા ઉત્તમ છે; કેમ કે તમારી કૃપા ઘણી છે, મારી તરફ ફરો.

સર્વકાળ માટે તેમના ગૌરવી નામને પ્રશંસા હોજો અને આખી પૃથ્વી તેમના મહિમાથી ભરપૂર થાઓ. આમેન તથા આમેન.

હે પ્રભુ, તમે ઉત્તમ અને ક્ષમા કરનાર છો અને સહાયને માટે તમને પ્રાર્થના કરનારા પર તમે ઘણા કૃપાળુ છો.

હે પ્રભુ, દેવોમાં તમારા જેવો કોઈ નથી. તમારા જેવા પરાક્રમો કોઈનાં નથી. હે પ્રભુ, જે સર્વ પ્રજાઓને તમે ઉત્પન્ન કરી છે, તેઓ આવીને તમારી આગળ નમશે. તેઓ તમારા નામનો મહિમા ગાશે. કારણ કે તમે મહાન છો અને અદ્દભુત કાર્યો કરનાર છો; તમે જ એકલા ઈશ્વર છો.

પણ, હે પ્રભુ, તમે તો દયાથી તથા કરુણાથી ભરપૂર, ક્રોધ કરવામાં ધીમા અને કૃપા તથા સત્યતાથી પરિપૂર્ણ, એવા ઈશ્વર છો.

ન્યાયીપણું તથા ઇનસાફ તમારા રાજ્યાસનનો પાયો છે. તમારી હજૂરમાં કૃપા તથા સત્યતા હોય છે.

પર્વતો ઉત્પન્ન થયા હતા, અને તમે પૃથ્વી અને જગતને રચ્યાં હતાં, તે પહેલાંથી, એટલે અનાદિકાળથી તે અનંતકાળ સુધી, તમે ઈશ્વર છો.

કેમ કે, હે યહોવાહ, તમે સમગ્ર પૃથ્વી પર પરાત્પર છો. તમે સર્વ દેવો કરતાં શ્રેષ્ઠ છો.

યહોવાહ રાજ કરે છે; લોકો કાંપો. તે કરૂબીમ પર બિરાજે છે; પૃથ્વી કાંપો.

આપણા ઈશ્વર યહોવાહને મોટા માનો અને તેમના પવિત્ર પર્વત પર ભજન કરો, કેમ કે આપણા ઈશ્વર યહોવાહ પવિત્ર છે.

કારણ કે યહોવાહ ઉત્તમ છે; તેમની કૃપા સર્વકાળ અને તેમનું ન્યાયીપણું પેઢી દરપેઢી ટકી રહે છે.

પૂર્વે તમે પૃથ્વીનો પાયો નાખ્યો; આકાશો તમારા હાથનું કામ છે. તેઓ નાશ પામશે, પણ તમે ટકી રહેશો; તેઓ સર્વ વસ્ત્રની જેમ જીર્ણ થઈ જશે; વસ્ત્રની જેમ તમે તેઓને બદલશો અને તેઓ બદલાઈ જશે. પણ તમે તો એવા અને એવા જ રહેશો તમારાં વર્ષોનો અંત આવશે નહિ.

યહોવાહ દયાળુ તથા કરુણાળુ છે; તે ધીરજ રાખનાર છે; તે કૃપા કરવામાં મોટા છે.

કારણ કે જેમ પૃથ્વીથી આકાશ ઊંચું છે, તેમ તેમનો આદર કરનાર પર તેમની કૃપા વિશાળ છે. પૂર્વ જેટલું પશ્ચિમથી દૂર છે, તેટલાં તેમણે આપણા અપરાધો આપણાથી દૂર કર્યાં છે.

પણ યહોવાહની કૃપા તેમના ભક્તો પર અનાદિકાળથી તે અનંતકાળ સુધી છે. તેમનું ન્યાયીપણું તેમના વંશજોને માટે છે. તેઓ તેમનો કરાર માને છે અને તેમની સૂચનાઓનું પાલન કરે છે. યહોવાહે પોતાનું રાજ્યાસન આકાશમાં સ્થાપ્યું છે અને તેમના રાજ્યની સત્તા સર્વ ઉપર છે.

હે મારા આત્મા, યહોવાહને સ્તુત્ય માન. હે યહોવાહ મારા ઈશ્વર, તમે અતિ મહાન છો; તમે વૈભવ તથા ગૌરવ ધારણ કર્યાં છે. તમે વસ્ત્રની જેમ અજવાળું પહેર્યું છે; પડદાની જેમ તમે આકાશને વિસ્તારો છો.

યહોવાહનો આભાર માનો, કારણ કે તે ઉત્તમ છે અને તેમની કૃપા સર્વકાળ ટકે છે.

યહોવાહ સર્વ પ્રજાઓ ઉપર સર્વોપરી અધિકારી છે અને તેમનું ગૌરવ આકાશો કરતાં મહાન છે.

અમારા ઈશ્વર સ્વર્ગમાં છે; જે તેમણે ઇચ્છ્યું તે સર્વ તેમણે કર્યું.

આકાશમાં તથા પૃથ્વી પર, સમુદ્રોમાં અને સર્વ મહાસાગરના ઊંડાણોમાં યહોવાહને જે જે સારું લાગ્યું, તે સર્વ તેમણે કર્યું છે.

યહોવાહની સ્તુતિ કરો, કારણ કે તે ઉત્તમ છે, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.

પ્રભુઓના પ્રભુની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.

જેમણે પોતાના ડહાપણ વડે આકાશો ઉત્પન્ન કર્યાં છે; તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.

આકાશના ઈશ્વરની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.

તમારા આત્મા પાસેથી હું ક્યાં જાઉં? તમારી હાજરીમાંથી હું ક્યાં નાસી જાઉં? જો હું આકાશોમાં ચઢી જાઉં, તો તમે ત્યાં છો; જો હું શેઓલમાં મારી પથારી નાખું, તો ત્યાં પણ તમે છો.

યહોવાહ મહાન છે તે બહુ જ સ્તુતિપાત્ર છે; તેમની મહાનતા સમજશક્તિની બહાર છે.

હું તમારી મહાનતા તથા તમારા મહિમા અને તમારાં અદ્દભુત કાર્યો વિષે મનન કરીશ.

યહોવાહ દયાળુ અને કૃપાળુ છે, તે ક્રોધ કરવામાં ધીમા અને કૃપા કરવામાં ભરપૂર છે.

યહોવાહ પોતાના સર્વ માર્ગોમાં ન્યાયી છે અને તે પોતાના સર્વ કામોમાં કૃપાળુ છે. જેઓ પ્રામાણિકપણે તેમને મદદ માટે પોકારે છે, તેઓની સાથે યહોવાહ રહે છે.

યહોવાહે પૃથ્વી તથા આકાશ, સમુદ્ર તથા તેમાંના સર્વસ્વનું સર્જન કર્યું છે; તે સદા સત્ય પાળનાર છે. તે પીડિતોનો ન્યાય જાળવી રાખે છે અને તે ભૂખ્યાઓને અન્ન પૂરું પાડે છે. યહોવાહ કેદીઓને છોડાવે છે.

તે તારાઓની ગણતરી કરે છે; તે તેઓને નામ આપીને બોલાવે છે. આપણા પ્રભુ કેવા મહાન છે અને ઘણા પરાક્રમી છે; તેમના ડહાપણની કોઈ સીમા નથી.

મારા પર પ્રેમ રાખનારાઓ પર હું પ્રેમ રાખું છું; અને જેઓ મને ઉત્સુકતાથી શોધે છે તે મને પામે છે.

યહોવાહની દૃષ્ટિ સર્વત્ર હોય છે, તે સારા અને ખરાબ પર લક્ષ રાખે છે.

આકાશમાં કોણ ચઢ્યો છે અને પાછો નીચે ઊતર્યો છે? કોણે હવાને પોતાની મુઠ્ઠીમાં બાંધી રાખી છે? કોણે પોતાનાં વસ્ત્રમાં પાણી બાંધી લીધાં છે? પૃથ્વીની સર્વ સીમાઓ કોણે સ્થાપી છે? જો તું ખરેખર જાણતો હોય, તો કહે તેનું નામ શું છે? અને તેના દીકરાનું નામ શું છે?

યહોવાહના ભયથી અને તેમના માહાત્મ્યના પ્રતાપથી બચવા, ખડકોમાં શરણ શોધો અને જમીનમાં સંતાઈ જાઓ.

તેઓ એકબીજાને પોકારીને કહેતા, "પવિત્ર, પવિત્ર, પવિત્ર છે સૈન્યોના યહોવાહ! આખી પૃથ્વી તેમના ગૌરવથી ભરપૂર છે."

સૈન્યોના યહોવાહને તમે પવિત્ર માનો, તેમનાથી બીહો અને તેમનો જ ભય રાખો.

કેમ કે આપણે સારુ છોકરો જન્મ્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે; અને તેના ખભા પર રાજ્યાધિકાર રહેશે; અને તેને અદ્દભુત સલાહકાર, પરાક્રમી ઈશ્વર, સનાતન પિતા અને શાંતિનો રાજકુમાર એ નામ આપવામાં આવશે.

યહોવાહનો આત્મા, જ્ઞાન તથા સમજનો આત્મા, વિવેકબુદ્ધિ તથા પરાક્રમનો આત્મા, ડહાપણ તથા યહોવાહના ભયનો આત્મા તેના પર રહેશે.

તે માટે યહોવાહ તમારા પર દયા કરવાની રાહ જોશે. તેથી તમારા પર કૃપા કરવા માટે તે ઉચ્ચસ્થાને બેસશે. કેમ કે યહોવાહ ન્યાયના ઈશ્વર છે; જેઓ તેમની વાટ જુએ છે તેઓ સર્વ પરમસુખી છે.

કેમ કે યહોવાહ આપણા ન્યાયાધીશ, યહોવાહ આપણા નિયમ આપનાર, યહોવાહ આપણા રાજા છે; તે આપણને બચાવશે.

સર્વ પ્રજાઓ તેમની આગળ કંઈ વિસાતમાં નથી; તેમણે તેઓને નહિ જેવી ગણી છે. તો તમે ઈશ્વરને કોની સાથે સરખાવશો? કેવી પ્રતિમા સાથે તેમનો મુકાબલો કરશો?

પ્રભુ તો પૃથ્વી ઉપરના આકાશમંડળ પર બિરાજનાર છે અને એમની નજરમાં તેના રહેવાસીઓ તીડ સમાન છે! તે પડદાની જેમ આકાશોને પ્રસારે છે અને રહેવા માટેના તંબુની જેમ તેઓને તાણે છે.

તે શું નથી જાણ્યું? તે શું નથી સાંભળ્યું? યહોવાહ તે સનાતન ઈશ્વર છે, પૃથ્વીના છેડા સુધી ઉત્પન્ન કરનાર તે છે, તે કદી નિર્બળ થતા નથી કે થાકતા નથી; તેમની સમજણની કોઈ સીમા નથી.

હું યહોવાહ છું, એ જ મારું નામ છે; હું મારું ગૌરવ બીજાને તથા મારી સ્તુતિ કોરેલી મૂર્તિઓને આપવા દઈશ નહિ.

યહોવાહ કહે છે, "તમે મારા સાક્ષી છો," અને મારા સેવકને મેં પસંદ કર્યો છે, જેથી તમે મને જાણો અને મારો ભરોસો કરો તથા સમજો કે હું તે છું. મારા અગાઉ કોઈ ઈશ્વર થયો નથી અને મારી પાછળ કોઈ થવાનો નથી. હું, હું જ યહોવાહ છું; અને મારા વિના બીજો કોઈ ઉધ્ધારક નથી.

ઇઝરાયલના રાજા, તેના ઉધ્ધારક, સૈન્યોના ઈશ્વર યહોવાહ એવું કહે છે: "હું આદિ છું અને હું જ અંત છું; મારા વિના બીજો કોઈ ઈશ્વર નથી.

તારો ઉદ્ધાર કરનાર યહોવાહ, ગર્ભસ્થાનથી તારો બનાવનાર એમ કહે છે: "હું યહોવાહ સર્વનો કર્તા છું; જે એકલા જ આકાશોને વિસ્તારે છે, પોતાની જાતે પૃથ્વીને વિસ્તારે છે.

એથી પૂર્વથી તથા પશ્ચિમ સુધી સર્વ લોકો જાણે કે મારા વિના બીજો કોઈ ઈશ્વર નથી. હું જ યહોવાહ છું અને બીજો કોઈ નથી. પ્રકાશનો કર્તા અને અંધકારનો ઉત્પન્ન કરનાર હું છું; હું શાંતિ અને સંકટ લાવનાર; હું, યહોવાહ એ સર્વનો કરનાર છું.

જેણે આકાશો ઉત્પન્ન કર્યાં, સાચા ઈશ્વર, યહોવાહ એવું કહે છે, તેમણે આ પૃથ્વી ઉત્પન્ન કરી અને બનાવી, એને સ્થાપન કરી. તેમણે તે ખાલી રાખવા માટે નહિ પણ વસ્તી માટે ઉત્પન્ન કરી છે: હું યહોવાહ છું અને મારી બરોબરી કરનાર કોઈ નથી.

પાસે આવો અને મને જાહેર કરો, તમારા પુરાવા રજૂ કરો! તેઓને સાથે ષડયંત્ર રચવા દો. પુરાતનકાળથી આ કોણે બતાવ્યું છે? કોણે આ જાહેર કર્યું છે? શું તે હું, યહોવાહ નહોતો? મારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી, ન્યાયી ઈશ્વર અને તારનાર; મારા જેવો બીજો કોઈ નથી. પૃથ્વીના છેડા સુધીના સર્વ લોક, મારી તરફ ફરો અને ઉદ્ધાર પામો; કેમ કે હું ઈશ્વર છું અને બીજો કોઈ નથી.

પુરાતન કાળની વસ્તુઓ વિષે વિચાર કરો, કેમ કે હું ઈશ્વર છું અને બીજો કોઈ નથી, હું ઈશ્વર છું અને મારા જેવો કોઈ નથી. હું આરંભથી પરિણામ જાહેર કરનાર અને જે થયું નથી તેની ખબર આપનાર છું. હું કહું છું, "મારી યોજના પ્રમાણે થશે અને મારી ઇચ્છા પ્રમાણે હું કરીશ."

કેમ કે તારા કર્તા જ તારા છે; તેમનું નામ સૈન્યોના ઈશ્વર યહોવાહ છે. ઇઝરાયલના પવિત્રએ તારા ઉદ્ધારકર્તા છે; તે આખી પૃથ્વીના ઈશ્વર કહેવાય છે.

"કેમ કે મારા વિચારો તે તમારા વિચારો નથી, તેમ તમારા માર્ગો તે મારા માર્ગો નથી" એમ યહોવાહ કહે છે. "કેમ કે જેમ આકાશો પૃથ્વીથી ઊંચાં છે, તેમ મારા માર્ગો તમારા માર્ગોથી અને મારા વિચારો તમારા વિચારોથી ઊંચા છે.

કેમ કે જે ઉચ્ચ તથા ઉન્નત છે, જે સનાતન કાળથી છે, જેમનું નામ પવિત્ર છે, તે એવું કહે છે: હું ઉચ્ચ તથા પવિત્રસ્થાનમાં રહું છું, વળી જે કચડાયેલ અને આત્મામાં નમ્ર છે તેની સાથે રહું છું, જેથી હું નમ્ર જનોનો આત્મા અને પશ્ચાતાપ કરનારાઓનાં હૃદયને ઉત્તેજિત કરું.

યહોવાહ એવું કહે છે: "આકાશ મારું સિંહાસન છે અને પૃથ્વી મારું પાયાસન છે. તો મારે માટે તમે ક્યાં ઘર બાંધશો? જ્યાં હું નિવાસ કરી શકું તે સ્થાન ક્યાં છે?

પરંતુ યહોવાહ સત્ય ઈશ્વર છે, તે જ જીવંત ઈશ્વર તથા સનાતન રાજા છે. તેમના રોષથી ધરતી ધ્રૂજી ઊઠે છે. અને તેમનો ક્રોધ વિદેશીઓ ખમી શકતા નથી.

ઈશ્વરે પોતાના સામર્થ્યથી પૃથ્વીને ઉત્પન્ન કરી છે, પોતાના ડહાપણથી પૃથ્વીને સ્થાપી છે અને પોતાના કૌશલ્યથી આકાશને વિસ્તાર્યું છે.

માટે જુઓ, હું તેઓને જણાવીશ તેઓને હું મારું સામર્થ્ય અને મારો હાથ દેખાડીશ, ત્યારે તેઓ જાણશે કે મારું નામ યહોવાહ છે.

શું ગુપ્ત સ્થાનોમાં કોઈ મારાથી પોતાને સંતાડી શકે છે કે હું તેને નહિ જોઉં?" એવું યહોવાહ કહે છે. "શું હું આકાશ તથા પૃથ્વીમાં સર્વત્ર હાજર નથી?" એમ યહોવાહ કહે છે.

યહોવાહે દૂર દેશમાં મને દર્શન આપી કહ્યું કે, મેં તારા પર અખંડ પ્રેમ રાખ્યો છે. માટે મેં મારી કૃપા તારા પર રાખીને તને મારા તરફ ખેંચી છે.

તે સમયે 'યહોવાહને ઓળખવા માટે!' એકબીજાને શીખવવાની જરૂર રહેશે નહિ, કેમ કે ત્યારે નાનાથી મોટા સુધી સૌ કોઈ મને ઓળખશે.'' ''હું તેઓનાં દુષ્કૃત્યો માફ કરીશ અને તેમના પાપને ફરી સંભારીશ નહિ. એમ યહોવાહ કહે છે.''

હે પ્રભુ યહોવાહ, જુઓ, તમે એકલાએ જ તમારી પ્રચંડ શક્તિથી અને લાંબા કરેલા ભુજથી આકાશ અને પૃથ્વી સર્જ્યા છે. તમારે માટે કશું અશકય નથી. તમે હજારો પ્રત્યે કૃપા કરો છો અને પૂર્વજોનાં પાપની સજા તેમની પાછળ આવનાર તેમનાં સંતાનોના ખોળામાં ભરી આપો છો. તમે મહાન અને બળવાન ઈશ્વર છો; તમારું નામ સૈન્યોના યહોવાહ છે.

જો, હું યહોવાહ, સર્વ મનુષ્યનો ઈશ્વર છું. શું મારા માટે કંઈ અશક્ય છે ખરું?"

અને કહ્યું, "ઈશ્વરનું નામ સદાસર્વકાળ સ્તુત્ય હો; કેમ કે ડહાપણ તથા પરાક્રમ તેમના છે. તે સમયોને તથા ઋતુઓને બદલે છે; તે રાજાઓને પદભ્રષ્ટ કરે છે વળી રાજાઓને રાજગાદીએ બેસાડે છે. તે જ્ઞાનીને ડહાપણ તથા બુદ્ધિમાનને સમજ આપે છે. તે ઊંડી તથા ગુપ્ત વાતો પ્રગટ કરે છે. કેમ કે તે જાણે છે કે અંધારામાં શું છે, પ્રકાશ તેમની સાથે રહે છે.

હું સદાકાળને માટે તારી સાથે મારી સગાઈ કરીશ. હું નેકીથી, ન્યાયીપણાથી, વિશ્વાસયોગ્યતા તથા કૃપાથી તારી સાથે મારી સગાઈ કરીશ.

હા, યહોવાહ, સૈન્યોના ઈશ્વર છે; "યહોવાહ" તે તેમનું સ્મારક નામ છે જેના ઉચ્ચારથી તેમને બોલાવવામાં આવે છે.

માટે જો, જે પર્વતોને બનાવનાર તથા વાયુનો સર્જનહાર છે. મનુષ્યના મનમાં શું છે તે પ્રગટ કરનાર, પ્રભાતને અંધકારમાં ફેરવી નાખનાર, અને જે પૃથ્વીના ઉચ્ચસ્થાનો પર ચાલનાર છે, તેમનું નામ સૈન્યોના ઈશ્વર યહોવાહ છે."

યહોવાહ આવેશી ઈશ્વર છે અને બદલો લેનાર છે; યહોવાહ બદલો લે છે અને તે કોપાયમાન થયા છે; યહોવાહ પોતાના દુશ્મનો પર વૈર વાળે છે, પોતાના દુશ્મનો માટે ગુસ્સો સંઘરી રાખે છે. યહોવાહ કોપ કરવામાં ધીમા અને મહાપરાક્રમી છે; તે ગુનેગારોને નિર્દોષ ગણનાર નથી. યહોવાહ પોતાનો માર્ગ વંટોળીયા તથા તોફાનમાં બનાવે છે, વાદળો તેમના ચરણોની ધૂળ સમાં છે.

કેમ કે જેમ સમુદ્ર પાણીથી ભરેલો છે તેમ દેશ યહોવાહના ગૌરવના જ્ઞાનથી ભરાઈ જશે.

યહોવાહ તારા ઈશ્વર તારી મધ્યે છે, શક્તિશાળી ઈશ્વર તને બચાવશે; તેઓ તારા માટે હરખાશે. તેઓ તારા પરના તેમના પ્રેમમાં શાંત રહેશે. તેઓ ગાતાં ગાતાં તારા પર આનંદ કરશે,

પણ હું તમને કહું છું કે, કોઈ પણ પ્રકારના સમ ન ખાઓ; સ્વર્ગના નહિ, કેમ કે તે ઈશ્વરનું રાજ્યાસન છે; પૃથ્વીના નહિ, કેમ કે તે તેમનું પાયાસન છે; અને યરુશાલેમના નહિ, કેમ કે તે મોટા રાજાનું નગર છે.

એ માટે જેવા તમારા સ્વર્ગમાંનાં પિતા સંપૂર્ણ છે તેવા તમે પણ સંપૂર્ણ થાઓ.

માટે તમે આ રીતે પ્રાર્થના કરો "ઓ સ્વર્ગમાંનાં અમારા પિતા, તમારું નામ પવિત્ર મનાઓ;

અમને પરીક્ષણમાં પડવા ન દો, પણ દુષ્ટથી અમારો છુટકારો કરો. કેમ કે રાજ્ય, પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારાં છે. આમીન."

તે વેળા ઈસુએ કહ્યું કે, "ઓ પિતા, આકાશ તથા પૃથ્વીના પ્રભુ, હું તમારી સ્તુતિ કરું છું, કેમ કે જ્ઞાનીઓ તથા સમજણોથી તમે એ વાતો ગુપ્ત રાખી તથા બાળકોની આગળ પ્રગટ કરી છે.

પણ ઈસુએ તેઓની તરફ જોઈને કહ્યું કે, 'માણસોને તો એ અશક્ય છે, પણ ઈશ્વરને સર્વ શક્ય છે.'

કે, 'હું ઇબ્રાહિમનો, ઇસહાકનો તથા યાકૂબનો ઈશ્વર છું;' તેઓ મરણ પામેલાઓના નહિ પણ જીવતાંઓના ઈશ્વર છે.'

જયારે માણસના દીકરા [ઈસુ] પોતાના મહિમામાં સર્વ પવિત્ર સ્વર્ગદૂતો સાથે આવશે, ત્યારે તે પોતાના મહિમાના રાજ્યાસન પર બેસશે. સર્વ દેશજાતિઓ તેમની આગળ એકઠી કરાશે; અને જેમ ઘેટાંપાળક ઘેટાંને બકરાંથી જુદાં પાડે છે, તેમ તે તેઓને એકબીજાથી જુદા પાડશે.

ઈસુએ પાસે આવીને તેઓને કહ્યું કે, 'સ્વર્ગ તથા પૃથ્વી પર સર્વ અધિકાર મને અપાયો છે.' એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો; પિતા તથા પુત્ર તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ.

ઈસુ તેઓની તરફ જોઈને કહે છે કે, 'માણસોને એ અશક્ય છે, પણ ઈશ્વરને નથી, કેમ કે ઈશ્વરને સર્વ શક્ય છે.'

ઈસુએ તેને ઉત્તર આપ્યો કે, 'પહેલી એ છે કે, ઓ ઇઝરાયલ, સાંભળ, પ્રભુ આપણા ઈશ્વર તે એક જ છે;

ઈસુએ કહ્યું કે, 'હું છું; તમે માણસના દીકરાને પરાક્રમનાં જમણા હાથ તરફ બેઠેલા તથા આકાશનાં વાદળાંપર આવતા જોશો.

ઈસુ પવિત્ર આત્માથી ભરપૂર થઈને યર્દનથી પાછા વળ્યા. અને ચાળીસ દિવસ સુધી આત્માથી અહીંતહીં દોરાઈને અરણ્યમાં રહયા,

માટે જેમ તમારા ઈશ્વરપિતા દયાળુ છે, તેમ તમે દયાળુ થાઓ.

તે જ સમયે તે પવિત્ર આત્માથી હરખાયા, અને બોલ્યા કે, 'ઓ ઈશ્વરપિતા, આકાશ તથા પૃથ્વીના પ્રભુ, હું તમારી સ્તુતિ કરું છું કે, જ્ઞાનીઓથી તથા બુદ્ધિમંતોથી તમે એ વાતો ગુપ્ત રાખી અને બાળકોને પ્રગટ કરી છે; હા ઈશ્વરપિતા, કેમ કે તમને તે સારું લાગ્યું.

ઈસુએ તેઓને કહ્યું કે, તમે પ્રાર્થના કરો, ત્યારે કહો કે, ઓ સ્વર્ગમાંનાં અમારા પિતા, તમારું નામ પવિત્ર મનાઓ; તમારું રાજ્ય આવો; જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઇચ્છા પૂરી થાઓ.

પ્રારંભમાં શબ્દ હતા. તે ઈશ્વરની સાથે હતા. તે (ઈસુ) ઈશ્વર હતા. તે જ પ્રારંભમાં ઈશ્વરની સાથે હતા. તેમણે સઘળું ઉત્પન્ન કર્યું; એટલે જે કંઈ ઉત્પન્ન થયું તે તેમના વિના થયું નહિ.

કેમ કે ઈશ્વરે માનવજગત પર એટલો બધો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનો એક દીકરો આપ્યો, એ સારુ કે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંતજીવન પામે.

પિતા દીકરા પર પ્રેમ કરે છે, અને તેમણે સર્વસ્વ તેમના હાથમાં સોંપ્યું છે.

ઈશ્વર આત્મા છે અને જેઓ તેમને ભજે છે, તેઓએ આત્માથી તથા સચ્ચાઈથી તેમનું ભજન કરવું જોઈએ.'

ઈસુએ તેઓને કહ્યું, 'જીવનની રોટલી હું છું; જે મારી પાસે આવે છે તેને ભૂખ નહિ જ લાગશે અને જે મારા પર વિશ્વાસ કરે છે, તેને કદી તરસ નહિ જ લાગશે.

જીવનની રોટલી હું છું.

સ્વર્ગમાંથી ઊતરેલી જીવનની રોટલી હું છું; જો કોઈ એ રોટલી ખાય, તો તે સદા જીવતો રહેશે; જે રોટલી હું આપીશ તે મારું માંસ છે, તે માનવજગતના જીવનને માટે [હું આપીશ].'

ફરીથી ઈસુએ તેઓને કહ્યું, 'હું માનવજગતનું અજવાળું છું; જે કોઈ મારી પાછળ આવે છે તે અંધકારમાં નહિ ચાલશે, પણ જીવનનું અજવાળું પામશે.'

હું મારે પોતાને વિષે સાક્ષી આપનાર છું અને પિતા જેમણે મને મોકલ્યો છે તે મારે વિષે સાક્ષી આપે છે.'

ઈસુએ તેઓને કહ્યું કે, 'તમે પૃથ્વી પરના છો, હું ઉપરનો છું; તમે આ જગતના છો, હું આ જગતનો નથી.

ઈસુએ તેઓને કહ્યું કે, 'હું તમને ખાતરીપૂર્વક કહું છું કે, ઇબ્રાહિમનો જન્મ થયા અગાઉથી હું છું.'

ઉત્તમ ઘેટાંપાળક હું છું; ઉત્તમ ઘેટાંપાળક ઘેટાંને સારુ પોતાનો જીવ આપે છે.

ઈસુએ તેને કહ્યું કે, 'મરણોત્થાન તથા જીવન હું છું; જે મારા પર વિશ્વાસ કરે છે, તે જોકે મૃત્યુ પામે તોપણ તે સજીવન થશે.

ઈસુ તેને કહે છે કે, 'માર્ગ, સત્ય તથા જીવન હું છું; મારા આશ્રય વિના પિતાની પાસે કોઈ આવતું નથી. તમે જો મને ઓળખત તો મારા પિતાને પણ ઓળખત; હવેથી તમે તેમને ઓળખો છો અને તેમને જોયા છે.

પણ સહાયક, એટલે પવિત્ર આત્મા, જેમને પિતા મારે નામે મોકલી આપશે, તે તમને બધું શીખવશે અને મેં જે સર્વ તમને કહ્યું તે સઘળું તમારાં સ્મરણમાં લાવશે.

પોતાના મિત્રોને સારું પોતાનો જીવ આપવો, તે કરતાં મહાન અન્ય કોઈ પ્રેમ નથી.

એ માટે જયારે તેમણે તેઓને કહ્યું કે, 'તે હું છું,' ત્યારે તેઓ પાછા હટીને જમીન પર પડ્યા.

તેઓએ પ્રાર્થના કરી કે, હે અંતર્યામી પ્રભુ,

તોપણ હાથે બાંધેલા ઘરમાં પરાત્પર ઈશ્વર રહેતા નથી; જેમ પ્રબોધક કહે છે તેમ, 'સ્વર્ગ મારું રાજ્યાસન, તથા પૃથ્વી મારું પાયાસન છે; તો તમે મારે સારુ કેવું નિવાસસ્થાન બાંધશો? એમ ઈશ્વર કહે છે અથવા મારું નિવાસસ્થાન કયું હોય?

જે ઈશ્વરે સૃષ્ટિ તથા તેમાંનું સઘળું ઉત્પન્ન કર્યું, તે આકાશ તથા પૃથ્વીના પ્રભુ હોવાથી હાથે બાંધેલા ભક્તિસ્થાન રહેતાં નથી.

કેમ કે જે મનુષ્યો દુષ્ટતાથી સત્યને દબાવી રાખે છે તેઓની સર્વ વિધ્રોહ અને અન્યાય પર સ્વર્ગમાંથી ઈશ્વરનો કોપ પ્રગટ થયેલો છે. કારણ કે ઈશ્વર વિષે જે જાણી શકાય તે તેઓમાં પ્રગટ કરાયેલું છે; ઈશ્વરે તેઓને પ્રગટ કર્યું છે. તેમની અદ્રશ્ય બાબતો, એટલે તેમનું અનંતકાળિક સામર્થ્ય અને ઈશ્વરીય સ્વભાવ સૃષ્ટિની ઉત્પત્તિના સમયથી સૃજેલી વસ્તુઓ ધ્યાનમાં લેવાથી સ્પષ્ટ જણાય છે. તેથી તેઓ બહાના વગરનાં છે.

પણ આપણે જયારે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણે સારુ મરણ પામ્યા. એવું કરવામાં ઈશ્વરે આપણા પર પોતાનો પ્રેમ પ્રગટ કર્યો.

કેમ કે મને ખાતરી છે, કે ઈશ્વરનો જે પ્રેમ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે, તેનાથી આપણને મરણ, જીવન, સ્વર્ગદૂતો, અધિકારીઓ, વર્તમાનનું, ભવિષ્યનું, પરાક્રમીઓ, ઊંચાણ, ઊંડાણ, કે કોઈ પણ બીજી સૃજેલી વસ્તુ અલગ કરી શકશે નહિ.

આહા! ઈશ્વરની બુદ્ધિની, અને જ્ઞાનની સંપત્તિ કેવી અગાધ છે! તેમના ન્યાયચૂકાદાઓ કેવાં ગૂઢ અને તેમના માર્ગો કેવાં અગમ્ય છે! કેમ કે પ્રભુનું મન કોણે જાણ્યું છે? અથવા તેમનો સલાહકાર કોણ થયો છે? અથવા કોણે તેમને પહેલાં કંઈ આપ્યું, કે તે તેને પાછું ભરી આપવામાં આવે? કેમ કે તેમનાંમાંથી તથા તેમના વડે, તથા તેમને અર્થે, બધું છે. તેમને સર્વકાળ મહિમા હો. આમીન.

કે, તમારા વિશ્વાસનો આધાર માણસોના જ્ઞાન પર નહિ, પણ ઈશ્વરના સામર્થ્ય પર હોય.

કેમ કે ઈશ્વરનું રાજ્ય બોલવામાં નહિ, પણ સામર્થ્યમાં છે.

તોપણ આપણા તો એક જ ઈશ્વર એટલે પિતા છે, જેમનાંથી સર્વ સર્જાયું છે; અને આપણે તેમને અર્થે છીએ; એક જ પ્રભુ એટલે ઈસુ ખ્રિસ્ત છે, જેમને આશરે સર્વ છે અને આપણે પણ તેમને આશ્રયે છીએ.

ઈશ્વરે તે પરાક્રમ ખ્રિસ્તમાં બતાવીને ઈસુને મૂએલાંમાંથી સજીવન કર્યા, અને સર્વ રાજ્યસત્તા, અધિકાર, પરાક્રમ, આધિપત્ય તથા પ્રત્યેક નામ જે કેવળ આ કાળમાંનું નહિ, પણ ભવિષ્યકાળમાંનું દરેક નામ જે હોય, એ સર્વ કરતાં ઊંચા કરીને પોતાની જમણી તરફ સ્વર્ગીય સ્થાનોમાં તેમને બેસાડયા. અને સઘળાંને તેમણે તેમના પગ નીચે રાખ્યાં, અને તેમને સર્વ પર વિશ્વાસી સમુદાયના શિરપતિ તરીકે નિર્માણ કર્યા; વિશ્વાસી સમુદાય તો ખ્રિસ્તનું શરીર છે, ખ્રિસ્ત તેમાં સંપૂર્ણ રીતે વસેલા છે; તે સર્વમાં સર્વ છે.

પણ જે દયાથી ભરપૂર છે તે ઈશ્વરે, જે પ્રીતિ આપણા પર કરી, તે પોતાના અત્યંત પ્રેમને લીધે,

કેમ કે તેમના દ્વારા એક આત્મા વડે આપણે બન્ને પિતાની હજૂરમાં જવા પામીએ છીએ.

એક ઈશ્વર અને સર્વના પિતા, ઈશ્વર સર્વ ઉપર, સર્વ મધ્યે તથા સર્વમાં છે.

ઈશ્વરનો પવિત્ર આત્મા, જેણે તમને ઉદ્ધારના દિવસને સારુ મુદ્રાંકિત કર્યા છે, તેને ખેદિત ન કરો.

તેને કારણે ઈશ્વરે તેમને ઘણાં ઊંચા કર્યા અને સર્વ નામો કરતાં એવું શ્રેષ્ઠ નામ આપ્યું કે, સ્વર્ગમાંનાં, પૃથ્વી પરનાં તથા પાતાળમાંનાં સર્વ ઈસુને નામે ઘૂંટણે પડીને નમે; અને ઈશ્વરપિતાના મહિમાને અર્થે દરેક જીભ કબૂલ કરે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે.

તે અદ્રશ્ય ઈશ્વરની પ્રતિમા, સર્વ સૃષ્ટિના પ્રથમજનિત છે; કેમ કે તેમનાંથી બધાં ઉત્પન્ન થયાં, જે આકાશમાં તથા પૃથ્વી પર છે, જે દૃશ્ય તથા અદ્રશ્ય છે, રાજ્યાસનો, રાજ્યો, અધિપતિઓ કે અધિકારીઓ સર્વ તેમની મારફતે તથા તેમને માટે ઉત્પન્ન થયાં; તેઓ સર્વ બાબતોમાં પહેલાં છે; અને તેમનાંમાં સર્વ બાબતો વ્યવસ્થિત થઈને રહે છે. તેઓ શરીરનું એટલે વિશ્વાસી સમુદાયનું શિર છે; તે આરંભ, એટલે મૃત્યુ પામેલાંઓમાંથી પ્રથમ સજીવન થયેલાં છે; કે જેથી સર્વમાં તે શ્રેષ્ઠ થાય. કેમ કે તેમનાંમાં સર્વ પ્રકારની સંપૂર્ણતા રહે; એવું પિતાને પસંદ પડયું;

કેમ કે ઈશ્વરત્વની સર્વ સંપૂર્ણતા ખ્રિસ્તનાં શરીરમાં વસે છે. તમે તેમનાંમાં સંપૂર્ણ થયા છો; તેઓ સર્વ શાસન તથા અધિકારનાં ઉપરી છે;

જે સનાતન યુગોના રાજા, અવિનાશી, અદ્રશ્ય તથા એકમાત્ર ઈશ્વર છે, તેમને અનંતકાળ માન તથા મહિમા હો. આમીન.

તેમને એકલાને જ અવિનાશીપણું છે, પાસે ન જવાય એવા અજવાળામાં રહે છે, જેમને કદી કોઈ મનુષ્યોએ જોયા નથી અને જોઈ શકતા પણ નથી તેમને અનંતકાળ સન્માન તથા આધિપત્ય હો. આમીન.

પ્રાચીન કાળમાં પ્રબોધકો દ્વારા આપણા પૂર્વજોની સાથે ઈશ્વર અનેક વાર વિવિધ રીતે વાત કરી હતી. તે આ છેલ્લાં સમયમાં પુત્ર કે, જેમને તેમણે સર્વના વારસ ઠરાવ્યાં અને વળી જેમનાં વડે તેમણે વિશ્વ પરના લોકોને ઉત્પન્ન કર્યા, તેમના દ્વારા આપણી સાથે બોલ્યા છે. તેઓ ઈશ્વરના મહિમાનું તેજ તથા તેમના વ્યક્તિત્વની આબેહૂબ પ્રતિમા છે, પોતાના પરાક્રમના શબ્દથી તેઓ સર્વને નિભાવી રાખે છે; તેઓ આપણા પાપનું પ્રાયશ્ચિત કરી, આપણને શુદ્ધ કરી, મહાન પિતાની જમણી તરફ ઉચ્ચસ્થાને બિરાજેલા છે.

પણ પુત્ર વિષે તે કહે છે, 'ઓ ઈશ્વર, તમારું રાજ્યાસન સનાતન છે અને તમારો રાજદંડ ન્યાયનો દંડ છે.

ઉત્પન્ન કરેલું કંઈ તેની આગળ ગુપ્ત નથી; પણ જેમની સાથે આપણને કામ છે, તેમની દ્રષ્ટિમાં આપણે સઘળાં તદ્દન ઉઘાડાં છીએ.

કેમ કે આપણો ઈશ્વર ભસ્મીભૂત કરી નાખનાર અગ્નિ છે.

ઈસુ ખ્રિસ્ત ગઈ કાલે, આજ તથા સદાકાળ એવા અને એવા જ છે.

દરેક ઉત્તમ દાન તથા દરેક સંપૂર્ણ દાન ઉપરથી હોય છે અને પ્રકાશોના પિતા જેમનાંમાં પરિવર્તન થતું નથી, તેમ જ જેમનાંમાં ફરવાથી પડતો પડછાયો પણ નથી, તેમની પાસેથી ઊતરે છે.

તું વિશ્વાસ કરે છે કે, ઈશ્વર એક છે; તો તું સારું કરે છે; દુષ્ટાત્માઓ પણ વિશ્વાસ કરે છે અને કાંપે છે.

ઈસુ તો સ્વર્ગદૂતો, અધિકારીઓ તથા પરાક્રમીઓને પોતાને સ્વાધીન કરીને સ્વર્ગમાં ગયા અને ઈશ્વરને જમણે હાથે બિરાજમાન છે.

કેમ કે જયારે ગૌરવી મહિમા તરફથી તેઓને એવી વાણી થઈ કે, 'એ મારો વહાલો પુત્ર છે, તેના પર હું પ્રસન્ન છું,' ત્યારે ઈશ્વરપિતાથી તેઓ માન તથા મહિમા પામ્યા.

હવે જે સંદેશો અમે તેમના મુખદ્વારા સાંભળ્યો છે અને તમને જણાવીએ છીએ, તે એ છે કે ઈશ્વર પ્રકાશ છે અને તેમનાંમાં કંઈ પણ અંધકાર નથી.

જે પ્રેમ કરતો નથી, તે ઈશ્વરને ઓળખતો નથી, કેમ કે ઈશ્વર પ્રેમ છે.

ઈશ્વરનો જે પ્રેમ આપણા પર છે તે આપણે જાણીએ છીએ, અને તે પર વિશ્વાસ કર્યો છે. ઈશ્વર પ્રેમ છે. જે પ્રેમમાં રહે છે તે ઈશ્વરમાં રહે છે અને ઈશ્વર તેનામાં રહે છે.

જે સાક્ષી પૂરે છે તે તો પવિત્ર આત્મા છે, કેમ કે આત્મા સત્ય છે. સ્વર્ગમાં ત્રણ સાક્ષી આપે છે. પવિત્ર આત્મા, પાણી અને રક્ત આ ત્રણ એક છે.

વળી આપણે જાણીએ છીએ કે ઈશ્વરના પુત્ર આવ્યા છે અને જે સત્ય છે તેને ઓળખવા સારુ તેમણે આપણને સમજણ આપી છે અને જે સત્ય છે, એટલે તેમના પુત્ર ઈસુ ખ્રિસ્ત, તેમનાંમાં આપણે છીએ; એ જ ઈશ્વર સાચો (સત્ય) અને અનંતજીવન છે.

એટલે આપણા ઉદ્ધારકર્તા એકલા ઈશ્વરને, મહિમા, પરાક્રમ તથા અધિકાર અનાદિકાળથી, હમણાં તથા સર્વકાળ હોજો. આમીન.

પ્રભુ ઈશ્વર જે છે, જે હતા અને જે આવનાર છે, જે સર્વસમર્થ છે, તે એમ કહે છે કે, 'હું આલ્ફા તથા ઓમેગા છું.'

સાર્દિસમાંના મંડળીના સ્વર્ગદૂતને લખ કે, જેમને ઈશ્વરના સાત આત્મા તથા સાત તારા છે, તેઓ આ વાતો કહે છે તારાં કામ હું જાણું છું કે "તું જીવંત તરીકે જાણીતો છે, પણ ખરેખર તું મૃત છે."

એકાએક હું આત્મામાં હતો; ત્યારે જુઓ, સ્વર્ગમાં એક રાજ્યાસન મૂકવામાં આવ્યું, તેના પર એક જણ બિરાજેલા હતા; તે દેખાવમાં યાસપિસ પાષાણ તથા લાલ જેવા હતા; રાજ્યાસનની આસપાસ એક મેઘધનુષ હતું, તેનો દેખાવ લીલમ જેવો હતો. રાજ્યાસનની આસપાસ ચોવીસ આસનો હતાં; તેના પર ચોવીસ વડીલો બેઠેલા મેં જોયા, તેઓએ સફેદ વસ્ત્ર પહેરેલાં હતાં; તેઓનાં માથાં પર સોનાનાં મુગટ હતા. રાજ્યાસનમાંથી વીજળીઓ, વાણીઓ તથા ગર્જનાઓ નીકળતી હતી અને રાજ્યાસનની આગળ અગ્નિના સાત દીવા બળતા હતા તે ઈશ્વરના સાત આત્મા હતા. રાજ્યાસનની આગળ સ્ફટિકના જેવો ચળકતો સમુદ્ર હતો; રાજ્યાસનની મધ્યે તથા તેની આસપાસ આગળપાછળ આંખોથી ભરપૂર એવાં ચાર પ્રાણી હતાં. પહેલું પ્રાણી સિંહના જેવું હતું, બીજું પ્રાણી બળદના જેવું હતું, ત્રીજા પ્રાણીને માણસના જેવું મોં હતું, ચોથું પ્રાણી ઊડતા ગરુડના જેવું હતું. તે ચાર પ્રાણીમાંના દરેકને છ છ પાંખ હતી, અને તેઓ ચારે તરફ તથા અંદર આંખોથી ભરપૂર હતાં; તેઓ 'પવિત્ર, પવિત્ર, પવિત્ર, પ્રભુ ઈશ્વર, સર્વશક્તિમાન, જે હતા, જે છે, અને જે આવનાર છે,' એમ રાતદિવસ કહેતાં વિસામો લેતાં નહોતાં. રાજ્યાસન પર જે બેઠેલા છે, જે સદાસર્વકાળ જીવંત છે, તેમનો મહિમા, માન તથા આભારસ્તુતિ તે પ્રાણીઓ જયારે ગાશે, ત્યારે ચોવીસ વડીલો રાજ્યાસન પર બેઠેલાને પગે પડશે, ને જે સદાસર્વકાળ સુધી જીવંત છે તેમની આરાધના કરશે અને રાજ્યાસન આગળ પોતાના મુગટ ઉતારીને કહેશે કે, 'ઓ અમારા પ્રભુ તથા ઈશ્વર, મહિમા, માન તથા સામર્થ્ય પામવાને તમે જ યોગ્ય છો; કેમ કે તમે સર્વને ઉત્પન્ન કર્યા, અને તમારી ઇચ્છાથી તેઓ અસ્તિત્વમાં આવ્યા અને ઉત્પન્ન થયાં.'

રાજ્યાસનની તથા ચાર પ્રાણીઓની વચ્ચે તથા વડીલોની વચ્ચે મારી નંખાયેલા જેવું એક હલવાન ઊભું રહેલું મેં જોયું, તેને સાત શિંગડાં તથા સાત આંખ હતી; એ આંખો ઈશ્વરના સાત આત્મા છે, જેઓને આખી પૃથ્વી પર મોકલવામાં આવેલા છે.

વળી ઉત્પન્ન થયેલ [પ્રાણી] જે સ્વર્ગમાં, પૃથ્વી પર, પાતાળમાં તથા સમુદ્રમાં છે, તેઓમાંનાં સર્વને મેં એમ કહેતાં સાંભળ્યાં કે, રાજ્યાસન પર જે બેઠેલા છે તેમને તથા હલવાનને સ્તુતિ, માન, મહિમા તથા અધિકાર સદાસર્વકાળ હો.

તે મોટે અવાજે કહે છે કે, 'ઈશ્વરથી ડરો અને તેમને મહિમા આપો, કેમ કે તેમના ન્યાયકરણનો સમય આવ્યો છે, જેમણે આકાશ, પૃથ્વી, સમુદ્ર તથા પાણીના ઝરાઓને ઉત્પન્ન કર્યા, તેમની આરાધના કરો.'

મોટા સમુદાયના જેવી, ઘણાં પાણીના પ્રવાહ જેવી તથા ભારે ગર્જનાઓના જેવી વાણીને એમ કહેતી મેં સાંભળી કે, હાલેલુયા; કેમ કે પ્રભુ આપણા ઈશ્વર જે સર્વસમર્થ છે તે રાજ કરે છે.

તેમના ઝભ્ભા પર તથા તેમની જાંઘ પર એવું લખેલું છે કે 'રાજાઓનો રાજા તથા પ્રભુ.'

મેં તેમાં ભક્તિસ્થાન જોયું નહિ, કેમ કે સર્વસમર્થ પ્રભુ ઈશ્વર તથા હલવાન એ જ ત્યાનું ભક્તિસ્થાન છે. નગરમાં સૂર્ય કે ચંદ્ર પ્રકાશ આપે એવી જરૂર નથી. કેમ કે ઈશ્વરના ગૌરવે તેને પ્રકાશિત કર્યું છે, અને હલવાન તેનો દીવો છે.

હું આલ્ફા તથા ઓમેગા, પ્રથમ તથા છેલ્લો, આરંભ તથા અંત છું.

Gujarati - ગુજરાતી - GU

GUBCS - Gujarati Bridge Connectivity Solutions - 2017

This Bible text is from Gujarati Indian Revised Version IRV
https://open.bible/bibles/gujarati-bridge-text-bible/
provided by: Bridge Connectivity Solutions Pvt Ltd, available by Creative Commons CC-BY-SA-4.0,
and this new compilation is shared as www.creativecommons.org/licenses/by-sa/4.0.
Languages are made available to you by www.ipedge.net