03 – મનુષ્ય

આ સર્વશક્તિમાન ઈશ્વરના પવિત્ર શબ્દો છે.
આપણને મનુષ્યના શબ્દોમાં રસ નથી.
જે કોઈ પણ ઈશ્વરને પ્રેમ કરે છે તેના માટે... ઈશ્વર આના વિશે કહે છે: મનુષ્ય.

ટોચની 3 સૌથી નોંધપાત્ર છંદો

તમે મારું અંતઃકરણ ઘડ્યું છે; મારી માતાના ઉદરમાં તમે મારી રચના કરી છે. હું તમારો આભાર માનીશ, કેમ કે તમારાં કાર્યો અદ્દભુત અને આશ્ચર્યજનક છે. તમે મારા જીવન વિષે સઘળું જાણો છો.

માટે હવે કોઈ યહૂદી નથી કે ગ્રીક નથી, કોઈ દાસ નથી કે સ્વતંત્ર નથી, કોઈ પુરુષ નથી કે સ્ત્રી નથી, કેમ કે તમે બધા ખ્રિસ્તમાં એક છો.

ઈશ્વર આગળ પૃથ્વી ભ્રષ્ટ થઈ હતી અને હિંસાથી ભરપૂર થઈ હતી. ઈશ્વરે પૃથ્વીમાં નજર કરી; તો જુઓ, ત્યાં પૃથ્વી પર સર્વ માણસો ભ્રષ્ટ અને દુરાચારી થઈ ગયા હતા.

દરેક શ્લોક કેનોનિકલ ઓર્ડરમાં - 141 ફકરાઓ

ઈશ્વરે કહ્યું કે, "આપણે આપણા સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ. તેઓ સમુદ્રનાં માછલાં પર, આકાશનાં પક્ષીઓ પર, પશુઓ પર, આખી પૃથ્વી પર તથા પૃથ્વી પર પેટે ચાલનારાં પર શાસન કરે." ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું. તેમણે ઈશ્વરના સ્વરૂપમાં તેને ઉત્પન્ન કર્યું. તેમણે પુરુષ અને સ્ત્રીને ઉત્પન્ન કર્યાં. ઈશ્વરે તેઓને આશીર્વાદ આપ્યો અને તેઓને કહ્યું કે, "સફળ થાઓ અને વધતાં જાઓ. પૃથ્વીને ભરપૂર કરો અને તેને વશ કરો. સમુદ્રનાં માછલાં પર, આકાશનાં પક્ષીઓ પર, પૃથ્વી પર ચાલનારાં સઘળાં પ્રાણીઓ પર અમલ ચલાવો." ઈશ્વરે કહ્યું કે, "જુઓ, દરેક બીજદાયક શાક જે આખી પૃથ્વી પર છે અને દરેક વૃક્ષ જેમાં વૃક્ષનાં બીજદાયક ફળ છે તેઓને મેં તમને આપ્યાં છે. તેઓ તમારા ખોરાકને સારુ થશે. પૃથ્વીનું દરેક પશુ, આકાશમાંનું દરેક પક્ષી, પૃથ્વી પર પેટે ચાલનારું દરેક પ્રાણી જેમાં જીવનનો શ્વાસ છે, તેઓના ખોરાકને સારુ મેં સર્વ લીલોતરી આપી છે." એ પ્રમાણે થયું.

પ્રભુ ઈશ્વરે ભૂમિમાંથી માટીનું માણસ બનાવ્યું, તેના નસકોરામાં જીવનનો શ્વાસ ફૂંક્યો અને માણસ સજીવ થયું.

પછી યહોવા ઈશ્વરે કહ્યું કે, "માણસ એકલો રહે તે સારું નથી. હું તેને માટે યોગ્ય એવી સહાયકારી બનાવીશ.

તે માણસ બોલી ઊઠ્યો કે, "આ મારા હાડકામાંનું હાડકું અને મારા માંસમાનું માંસ છે. તે 'નારી' કહેવાશે, કેમ કે તે નરમાંથી લેવાયેલી છે." તેથી માણસ તેનાં માતા અને પિતાને છોડીને, તેની પત્ની સાથે જોડાયેલો રહેશે અને તેઓ એક દેહ થશે. તે માણસ તથા તેની પત્ની બન્ને વસ્ત્રહીન હતાં, પણ તેને લીધે તેઓ શરમાતાં ન હતાં.

તું ભૂમિમાં પાછો જશે ત્યાં સુધી તું તારા મોંના પરસેવાથી રોટલી ખાશે કેમ કે તું તેમાંથી લેવાયો હતો. કેમ કે તું ધૂળ છે અને પાછો ધૂળમાં ભળી જશે.

આદમની વંશાવળીની વિગતો આ પ્રમાણે છે. ઈશ્વરે પોતાની પ્રતિમા પ્રમાણે માણસનું સર્જન કર્યું. પુરુષ તથા સ્ત્રીને તેમણે સર્જ્યા, તેઓને આશીર્વાદ આપ્યો અને તેઓની ઉત્પત્તિના દિવસે તેઓનું નામ માનવજાત પાડવામાં આવ્યું.

ઈશ્વરે કહ્યું કે, "મારો આત્મા માનવજાતમાં સદા રહેશે નહિ, કેમ કે તેઓ શરીર છે. તેઓનું આયુષ્ય એકસો વીસ વર્ષનું રહેશે."

ઈશ્વરે જોયું કે, પૃથ્વી પર માનવજાતના દુરાચાર ઘણાં વધી ગયા છે અને તેઓના હૃદયના વિચારોની દરેક કલ્પના દુષ્ટ જ છે. તેથી ઈશ્વરને પૃથ્વી પર માણસને ઉત્પન્ન કરવા બદલ દુઃખ થયું અને તે નિરાશ થયા.

ઈશ્વર આગળ પૃથ્વી ભ્રષ્ટ થઈ હતી અને હિંસાથી ભરપૂર થઈ હતી. ઈશ્વરે પૃથ્વીમાં નજર કરી; તો જુઓ, ત્યાં પૃથ્વી પર સર્વ માણસો ભ્રષ્ટ અને દુરાચારી થઈ ગયા હતા.

યહોવાહે સુગંધીઓથી પ્રસન્ન થઈને પોતાના હૃદયમાં કહ્યું કે, "બાળપણથી જ માણસના હૃદયનું વલણ દુષ્ટ હોય છે તે છતાં પણ હવે પછી માનવજાતને નષ્ટ કરીને હું ભૂમિને ફરી શાપિત નહિ કરું. જેમ મેં સર્વ સજીવોનો નાશ કર્યો છે એવું ફરીથી કદી હું નહિ કરું.

કારણ કે શરીરનો જીવ રક્તમાં છે. અને વેદી પર તે રક્ત તમારા માટે પ્રાયશ્ચિત કરે તે માટે મેં તમને આપ્યું છે. કેમ કે રક્તથી જ પ્રાયશ્ચિત થાય છે, કારણ કે તેમાં જીવ છે.

ઈશ્વર મારે અને જીવાડે છે. તે શેઓલ સુધી નમાવે છે અને તેમાંથી બહાર કાઢે છે.

પણ ઈશ્વરે શમુએલને કહ્યું કે, "તેના બહારના દેખાવ તરફ તથા તેના શરીરની ઊંચાઈ તરફ ન જો; કેમ કે મેં તેને નાપસંદ કર્યો છે. જેમ માણસ જુએ છે તેમ ઈશ્વર જોતાં નથી; માણસ બહારના દેખાવ તરફ જુએ છે, પણ ઈશ્વર હૃદય તરફ જુએ છે."

તેણે કહ્યું કે, મારી માતાના ગર્ભસ્થાનમાંથી હું નિર્વસ્ત્ર આવ્યો હતો અને એવો જ પાછો જઈશ. યહોવાહે આપ્યું અને યહોવાહે લઈ લીધું છે; યહોવાહના નામની પ્રશંસા હો.''

જુઓ, તે પોતાના સેવકો પર કંઈ વિશ્વાસ રાખતા નથી; અને તે પોતાના દૂતોને ગુનેગાર ગણે છે. તો ધૂળમાં નાખેલા પાયાવાળા માટીનાં ઘરોમાં રહેનાર, જેઓ પતંગિયાની જેમ કચરાઈ જાય છે. તેઓને તે કેટલા અધિક ગણશે?

આપણે તો આજકાલના છીએ અને કંઈ જ જાણતા નથી. પૃથ્વી પરનું આપણું જીવન પડછાયા જેવું છે.

તમારા હાથોએ મને ઘડ્યો છે અને ચોતરફથી મારો આકાર બનાવ્યો છે, છતાં તમે મારો વિનાશ કરો છો. કૃપા કરી યાદ રાખો કે, તમે માટીના ઘાટ જેવો મને ઘડ્યો છે; શું હવે તમે મને પાછો માટીમાં મેળવી દેશો? શું તમે મને દૂધની જેમ રેડ્યો નથી? અને મને પનીરની જેમ જમાવ્યો નથી? તમે મને ચામડી અને માંસથી મઢી લીધો છે. તમે મને હાડકાં અને સ્નાયુઓથી સજ્જડ ગૂંથ્યો છે. તમે મને જીવન તથા કૃપા આપ્યાં છે. અને તમારી કૃપાદ્રષ્ટિએ મારા આત્માનું રક્ષણ કર્યું છે.

બધા જ જીવો તથા મનુષ્યનો આત્મા પણ ઈશ્વરના જ હાથમાં છે.

સ્ત્રીજન્ય મનુષ્યનું આયુષ્ય અલ્પ છે, અને તે સંકટથી ભરપૂર છે. તે ફૂલની જેમ ખીલે છે અને તેને કાપી નાખવામાં આવે છે; વળી તે છાયાની જેમ જતું રહે છે અને સ્થિર રહેતું નથી.

તેના આયુષ્યની મર્યાદા નક્કી કરેલી છે, તેના મહિનાઓની ગણતરી તમારા હાથમાં છે. તમે તેની હદ નક્કી કરી છે તેને તે ઓળંગી શકે નહિ.

તો જે ધિક્કારપાત્ર, અધમ, તથા પાણીની જેમ અન્યાયને પી જાય છે તો તે કેટલા વિશેષ ગણાય!

કેમ કે થોડાં વર્ષો પૂરાં થશે, ત્યારે જ્યાંથી હું પાછો આવી શકું નહિ તે માર્ગે હું જઈશ.

તો પછી મનુષ્ય જે કીડા જેવો છે, અને મનુષ્યપુત્ર જે કીડો જ છે, તે કેવી રીતે પવિત્ર હોઈ શકે!''

જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી, ઈશ્વરનો શ્વાસ મારા નસકોરામાં છે, નિશ્ચે મારા હોઠ અન્યાયની વાત નહિ કરે; મારી જીભ અસત્ય નહિ ઉચ્ચારે.

ઈશ્વરના આત્માએ મને ઉત્પન્ન કર્યો છે; સર્વશક્તિમાનનો શ્વાસ મને જીવન આપે છે.

ત્યારે હું કહું છું કે, માણસ તે કોણ છે કે, તમે તેનું સ્મરણ કરો છો? અને મનુષ્યપુત્ર કોણ કે, તમે તેની મુલાકાત લો છો?

કારણ કે તમે તેને ઈશ્વર કરતાં થોડો જ ઊતરતો બનાવ્યો છે અને તમે તેના માથા પર મહિમા તથા માનનો મુગટ મૂક્યો છે. તમારા હાથનાં કામ પર તમે તેને અધિકાર આપ્યો છે; તેના પગ નીચે તમે બધું મૂક્યું છે: સર્વ ઘેટાં અને બળદો અને વન્ય પશુઓ, આકાશનાં પક્ષીઓ તથા સમુદ્રનાં માછલાં, હા, સમુદ્રના રસ્તામાંથી જે પસાર થાય છે તે બધું તમે તેની સત્તા નીચે મૂક્યું છે.

મૂર્ખ માણસ પોતાના મનમાં કહે છે, "ઈશ્વર છે જ નહિ." તેઓ ભ્રષ્ટ થયા છે અને અન્યાયથી ભરેલાં ઘૃણાપાત્ર કામો કર્યાં છે; તેઓમાં સત્કાર્ય કરનાર કોઈ નથી. કોઈ સમજનાર અને કોઈ ઈશ્વરને શોધનાર છે કે નહિ તે જોવાને યહોવાહે આકાશમાંથી મનુષ્યો પર દ્રષ્ટિ કરી. દરેક માર્ગભ્રષ્ટ થયા છે; તેઓ પૂરેપૂરા મલિન થઈ ગયા છે; સત્કાર્ય કરનાર કોઈ નથી, ના એક પણ નથી.

પૃથ્વી તથા તેનું સર્વસ્વ યહોવાહનાં છે, જગત અને તેમાં વસનારાં પણ તેમનાં છે. કેમ કે તેમણે સમુદ્રો પર તેનો પાયો નાખ્યો છે અને નદીઓ પર તેને સ્થાપન કરી છે.

યહોવાહ આકાશમાંથી જુએ છે; તે સર્વ મનુષ્યપુત્રો પર નજર રાખે છે. પોતાના નિવાસસ્થાનમાંથી તે પૃથ્વીના સર્વ રહેવાસીઓને નિહાળે છે. તે સર્વના હૃદયના સરજનહાર છે અને તેઓ જે કાંઈ કરે છે તે તે ધ્યાનમાં રાખે છે.

"હે યહોવાહ, મને જણાવો કે મારું આયુષ્ય કેટલું છે? અને મારા આયુષ્યના દિવસો કેટલા છે, તે મને જણાવો. હું કેવો ક્ષણભંગુર છું, તે મને સમજાવો. જુઓ, તમે મારા દિવસો મુઠ્ઠીભર કર્યા છે અને મારું આયુષ્ય તમારી આગળ કંઈ જ નથી. ચોક્કસ દરેક માણસ વ્યર્થ છે.

જ્યારે તમે લોકોને તેઓનાં પાપોને કારણે શિક્ષા કરો છો, ત્યારે તમે તેની સુંદરતાનો પતંગિયાની જેમ નાશ કરી દો છો; નિશ્ચે દરેક લોકો કંઈ જ નથી પણ વ્યર્થ છે.

જુઓ, હું અન્યાયીપણામાં જન્મ્યો હતો; મારી માતાએ પાપમાં મારો ગર્ભ ધારણ કર્યો હતો.

ઈશ્વરના બલિદાનો તો રાંક મન છે; હે ઈશ્વર, તમે રાંક અને નમ્ર હૃદયને ધિક્કારશો નહિ.

મૂર્ખ પોતાના મનમાં કહે છે કે, "ઈશ્વર છે જ નહિ." તેઓએ ભ્રષ્ટ થઈને ધિક્કારવા લાયક દુષ્ટતા કરી છે; ભલું કરનાર કોઈ નથી. સમજણો કે ઈશ્વરને શોધનાર માણસ છે કે નહિ, તે જોવાને ઈશ્વરે આકાશમાંથી મનુષ્યજાત પર દ્રષ્ટિ કરી. તેઓમાંનો દરેક માર્ગભ્રષ્ટ થયો છે; તેઓ સર્વ અશુદ્ધ થયા છે; ભલું કરનાર કોઈ રહ્યો નથી, ના, એક પણ નહિ.

તેમણે સંભાર્યુ કે તેઓ દેહથી બનેલા છે એક ક્ષણમાં પસાર થતાં વાયુ જેવા છે.

મારું આયુષ્ય કેટલું ટુંકું છે, તે વિષે વિચારો અને તમે માનવજાતને કેવી વ્યર્થતાને માટે ઉત્પન્ન કરી છે! એવું કોણ છે કે જે જીવશે અને મરણ પામશે નહિ? શેઓલના કબજામાંથી પોતાનો આત્મા કોણ છોડાવશે? સેલાહ

અમારી ઉંમરના દિવસો સિત્તેર વર્ષ જેટલા છે, અથવા બળના કારણથી તેઓ એંસી વર્ષ થાય; પણ તેઓનો ગર્વ, શ્રમ તથા દુ:ખમાત્ર છે. હા, તે ઝડપથી પસાર થઈ જાય છે અને અમે ઊડી જઈએ છીએ.

તમે અમને અમારું જીવન એવી રીતે ગણવાને શીખવો કે જેથી અમને ડહાપણવાળું હૃદય પ્રાપ્ત થાય.

મારા દિવસો નમતી છાયા જેવા છે અને હું ઘાસની જેમ કરમાઈ ગયો છું. પણ, હે યહોવાહ, તમે સર્વકાળ ટકનાર છો અને તમારું સ્મરણ પેઢી દરપેઢી રહેશે.

કારણ કે તે આપણું બંધારણ જાણે છે; આપણે ધૂળ છીએ એવું તે જાણે છે. માણસના દિવસો ઘાસ જેવા છે; ખેતરમાંના ફૂલની જેમ તે ખીલે છે. પવન તેના પર થઈને વાય છે અને તે ઊડી જાય છે અને તે ક્યાં હતું એ કોઈને માલૂમ પડતું નથી.

જ્યારે તમે તમારું મુખ ફેરવો છો, ત્યારે તેઓ ગભરાઈ જાય છે; જો તમે તેઓનો પ્રાણ લઈ લો છો, તો તેઓ મરણ પામે છે અને પાછાં ધૂળમાં મળી જાય છે.

આકાશો યહોવાહનાં છે; પણ પૃથ્વી તેમણે માણસોને આપી છે. મૃત્યુ પામેલાઓ અથવા કબરમાં ઊતરનારા તેઓમાંનું કોઈ યહોવાહની સ્તુતિ કરતું નથી.

હે યહોવાહ, તમે મારા હૃદયની પરીક્ષા કરી છે અને તમે મને ઓળખો છો. મારું બેસવું તથા મારું ઊઠવું તમે જાણો છો; તમે મારા વિચારો વેગળેથી સમજો છો. જ્યારે હું સૂઈ જાઉં છું, ત્યારે તમે મારા માર્ગોનું અવલોકન કરો છો; તમે મારા બધા માર્ગોના માહિતગાર છો. કેમ કે, હે યહોવાહ, તમે મારા મુખની બધી વાતો પૂરેપૂરી જાણો છો.

તમે મારું અંતઃકરણ ઘડ્યું છે; મારી માતાના ઉદરમાં તમે મારી રચના કરી છે. હું તમારો આભાર માનીશ, કેમ કે તમારાં કાર્યો અદ્દભુત અને આશ્ચર્યજનક છે. તમે મારા જીવન વિષે સઘળું જાણો છો. જ્યારે મને અદ્રશ્ય રીતે રચવામાં આવ્યો, જ્યારે પૃથ્વીના ઊંડાણોમાં વિવિધ કરામતથી મને ગોઠવવામાં આવ્યો, ત્યારે પણ મારું શરીર તમારાથી અજાણ્યું ન હતું. ગર્ભમાં પણ તમે મને નિહાળ્યો છે; મારું એકે અંગ થયેલું ન હતું, ત્યારે તેઓ સર્વ, તેમ જ તેઓના ઠરાવેલા સમયો તમારા પુસ્તકમાં લખેલા હતા. હે ઈશ્વર, તમારા વિચારો મને કેટલા બધા મૂલ્યવાન લાગે છે! તેઓની સંખ્યા કેટલી બધી મોટી છે! જો હું તેઓને ગણવા જાઉં તો તેઓ રેતીના કણ કરતાં વધારે થાય. જ્યારે હું જાગું, ત્યારે હું હજી તમારી સાથે હોઉં છું.

માણસ તો શ્વાસ જેવું છે; તેના દિવસો સરી જતી છાયા જેવા છે.

તમે રાજાઓ કે માણસો પર ભરોસો ન રાખો, કારણ કે તેઓની પાસે ઉદ્ધાર નથી. જ્યારે તેનો પ્રાણ તેને છોડી જાય છે, ત્યારે તેનું શરીર ધૂળમાં પાછું મળી જાય છે; તે જ દિવસે તેની બધી યોજનાઓનો અંત આવે છે.

વિપરીત અંતઃકરણવાળા માણસોથી યહોવાહ કંટાળે છે, પણ જેઓ નીતિમત્તાથી જીવે છે તેઓ તેમને આનંદરૂપ છે.

પાણીના પ્રવાહ જેવું રાજાનું મન યહોવાહના હાથમાં છે; તે જ્યાં ચાહે છે ત્યાં તેને દોરે છે. માણસનો દરેક માર્ગ તેની પોતાની નજરમાં તો સીધો દેખાય છે, પણ યહોવાહ તેના હૃદયની તુલના કરે છે.

દરિદ્રી અને દ્રવ્યવાન એક બાબતમાં સરખા છે કે યહોવાહે તે બન્નેના ઉત્પન્નકર્તા છે.

જેવો તે પોતાની માતાના ગર્ભમાંથી નિવસ્ત્રસ્થિતિમાં બહાર હતો એ જ સ્થિતિમાં તે પાછો જાય છે. તે પોતાના પરિશ્રમ બદલ તેમાંથી કંઈ પણ સાથે લઈ જવા પામશે નહી.

સારી શાખ મૂલ્યવાન અત્તર કરતાં વધારે સારી છે. જન્મના દિવસ કરતાં મૃત્યુનો દિવસ સારો છે.

જે હંમેશા સારું જ કરે છે અને પાપ કરતો જ નથી એવો એક પણ નેક માણસ પૃથ્વી પર નથી.

આત્માને રોકવાની શક્તિ કોઈ માણસમાં હોતી નથી, અને મૃત્યુકાળ ઉપર તેને સત્તા નથી, યુદ્ધમાંથી કોઈ છૂટી શકતું નથી. અને દુષ્ટતા પોતાના ઉપાસકનો બચાવ કરશે નહિ.

સર્વ મનુષ્યોની ગતિ એક જ થવાની છે, એ તો જે બધાં કામ પૃથ્વી પર થાય છે તેઓમાંનો એક અનર્થ છે, વળી માણસોનું અંત:કરણ દુષ્ટતાથી ભરપૂર છે, જ્યાં સુધી તેઓ જીવે છે ત્યાં સુધી તેઓના હૃદયમાં મૂર્ખામી હોય છે, અને તે પછી તેઓ મૃતજનોમાં ભળી જાય છે.

પવનની ગતિ શી છે, તથા ગર્ભવતીના ગર્ભમાં હાડકાં કેવી રીતે વધે છે તે તું જાણતો નથી તેમ જ ઈશ્વર જે કંઈ કાર્ય કરે છે તે તું જાણતો નથી. તેમણે સર્વ સર્જ્યું છે.

"પોકાર" એવું એક વાણી કહે છે, મેં પૂછ્યું, "શાને માટે પોકારું?" સર્વ મનુષ્ય ઘાસ જ છે અને તેઓના કરારનું વિશ્વાસુપણું એ ખેતરના ફૂલ જેવું છે. ઘાસ સુકાઈ જાય છે અને ફૂલ ચીમળાઈ જાય છે જ્યારે યહોવાહના શ્વાસનો વાયુ તે પર વાય છે; મનુષ્ય નિશ્ચે ઘાસ જ છે.

આ ઈશ્વર યહોવાહ, આકાશોને ઉત્પન્ન કરનાર અને તેઓને પ્રસારનાર, પૃથ્વી તથા તેમાંથી જે નીપજે છે તેને ફેલાવનાર; તે પરના લોકોને શ્વાસ આપનાર તથા જે જીવે છે તેઓને જીવન આપનારની આ વાણી છે.

તારો ઉદ્ધાર કરનાર યહોવાહ, ગર્ભસ્થાનથી તારો બનાવનાર એમ કહે છે: "હું યહોવાહ સર્વનો કર્તા છું; જે એકલા જ આકાશોને વિસ્તારે છે, પોતાની જાતે પૃથ્વીને વિસ્તારે છે.

હું, હું જ છું, હું તને દિલાસો આપું છું. જે માણસ મરનાર છે તે, મનુષ્યના સંતાનોને, ઘાસની જેમ બનાવવામાં આવ્યાં છે, તું શા માટે માણસની બીક રાખે છે?

આપણે સર્વ ઘેટાંની જેમ ભટકી ગયા છીએ; આપણે દરેક પોતપોતાને માર્ગે વળી ગયા છીએ અને યહોવાહે તેના પર આપણા સર્વના પાપનો ભાર મૂક્યો છે.

"કેમ કે મારા વિચારો તે તમારા વિચારો નથી, તેમ તમારા માર્ગો તે મારા માર્ગો નથી" એમ યહોવાહ કહે છે. "કેમ કે જેમ આકાશો પૃથ્વીથી ઊંચાં છે, તેમ મારા માર્ગો તમારા માર્ગોથી અને મારા વિચારો તમારા વિચારોથી ઊંચા છે.

અમે સર્વ અશુદ્ધ જેવા થયા છીએ અને અમારાં સર્વ ન્યાયી કાર્યો મલિન વસ્ત્રો જેવાં થયાં છે. અમે સર્વ પાંદડાંની જેમ સુકાઈ જઈએ છીએ; અમારા અપરાધો, પવનની જેમ અમને ઉડાવી જાય છે. કોઈ તમારા નામે વિનંતી કરતા નથી, કોઈ તમને વળગી રહેવાને પ્રયત્ન કરતા નથી; કેમ કે તમે તમારું મુખ અમારાથી સંતાડ્યું છે અને અમને અમારાં પાપોના હાથમાં સોપી દીધા છે. અને છતાં, હે યહોવાહ, તમે અમારા પિતા છો; અમે માટી છીએ. તમે અમારા કુંભાર છો; અને અમે સર્વ તમારા હાથની કૃતિ છીએ.

''ગર્ભસ્થાનમાં ઘડ્યા પહેલાં, મેં તને પસંદ કર્યો હતો; અને ગર્ભસ્થાનમાંથી બહાર આવતા પહેલાં મેં તને પવિત્ર કર્યો હતો. પ્રજાઓને સારુ મેં તને પ્રબોધક થવા માટે નીમ્યો છે."

અને તમે તમારાં પિતૃઓનાં કરતાં પણ વધારે દુષ્ટતા કરી છે. માટે જુઓ, તમે દરેક તમારા હૃદયના દુરાગ્રહ મુજબ ચાલો છો; અને મારી આજ્ઞા પાળતા નથી.

યહોવાહ આ પ્રમાણે કહે છે; જે પુરુષ, માણસ પર વિશ્વાસ રાખે છે; અને મનુષ્યના બળ પર પોતાનો આધાર રાખે છે અને યહોવાહ તરફથી જેનું હૃદય ફરી જાય છે તે શાપિત છે.

હૃદય સૌથી કપટી છે, તે અતિશય દુષ્ટ છે; તેને કોણ જાણી શકે? હું યહોવાહ મનમાં શું છે તે શોધી કાઢું છું, હું અંત:કરણને પારખું છું. દરેકને હું તેના આચરણ તથા કરણીઓ પ્રમાણે બદલો આપું છું.

જુઓ, એકેએક જીવ મારો છે, જેમ પિતાનો જીવ તેમ પુત્રનો જીવ પણ મારો છે. જે માણસ પાપ કરશે તે મૃત્યુ પામશે,

હું તમને નવું હૃદય આપીશ, તમારામાં હું નવો આત્મા મૂકીશ. હું તમારામાંથી પથ્થર સમાન હૃદય દૂર કરીશ કેમ કે હું તમને માંસનું હૃદય આપીશ.

પ્રભુ યહોવાહ આ હાડકાંઓને કહે છે: "જુઓ, 'હું તમારામાં આત્મા મૂકીશ અને તમે જીવતા થશો. હું તમારા પર સ્નાયુઓ મૂકીશ, તમારા પર માંસ લાવીશ. હું તમને ચામડીથી ઢાંકી દઈશ અને તમારામાં શ્વાસ પૂરીશ એટલે તમે જીવતાં થશો. ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું.!'''

લોકોને જોઈને તેમને તેઓ પર અનુકંપા આવી, કેમ કે તેઓ પાળક વગરનાં ઘેટાંના જેવા હેરાન તથા નિરાધાર હતા.

તમારા માથાના બધા વાળ પણ ગણેલા છે. તે માટે ગભરાશો નહિ; ઘણી ચકલીઓ કરતાં તમે મૂલ્યવાન છો.

સારું માણસ મનના સારા ભંડારમાંથી સારું કાઢે છે, ખરાબ માણસ મનના ખરાબ ભંડારમાંથી ખરાબ કાઢે છે.

પણ મુખમાંથી જે બાબતો નીકળે છે, તે મનમાંથી આવે છે, અને તે જ માણસને ભ્રષ્ટ કરે છે. કેમ કે દુષ્ટ કલ્પનાઓ, હત્યાઓ, વ્યભિચારો, જાતીય ભ્રષ્ટતા, ચોરીઓ, જૂઠી સાક્ષીઓ, તથા દુર્ભાષણો હૃદયમાંથી નીકળે છે.

પણ ઈસુએ કહ્યું કે, 'બાળકોને મારી પાસે આવવા દો, તેઓને રોકો નહિ, કેમ કે સ્વર્ગનું રાજ્ય એવાઓનું જ છે.'

તમે જાગતા રહો અને પ્રાર્થના કરો કે પરીક્ષણમાં ન પડો; આત્મા તત્પર છે ખરો, પણ શરીર નિર્બળ છે.'

કેમ કે અંદરથી, એટલે માણસોના હૃદયમાંથી ખરાબ વિચારો નીકળે છે, એટલે વ્યભિચાર, ચોરીઓ, હત્યાઓ, વ્યભિચારો, લોભ, દુષ્ટતા, કપટ, કામવૃત્તિ, અદેખાઇ, નિંદા, અભિમાન, મૂર્ખાઈ. એ બધી ખરાબ બાબતો અંદરથી નીકળે છે અને તે માણસને ભ્રષ્ટ કરે છે.

પણ ઉત્પત્તિના આરંભથી ઈશ્વરે તેઓને એક પુરુષ તથા એક સ્ત્રી બનાવ્યાં. એ કારણથી માણસ પોતાનાં માબાપને મૂકીને પોતાની પત્ની સાથે જોડાયેલ રહેશે. તેઓ બંને એક દેહ થશે; એ માટે તેઓ ત્યાર પછી બે નહિ, પણ એક દેહ છે; તો ઈશ્વરે જેને જોડ્યું છે તેને માણસે જુદું પાડવું નહિ.'

ઈસુએ તેને કહ્યું કે, 'તું મને ઉત્તમ કેમ કહે છે? એક, એટલે ઈશ્વર વિના અન્ય કોઈ ઉત્તમ નથી.

સારો માણસ પોતાના મનના ભંડારમાંથી સારુ કાઢે છે; ખરાબ માણસ પોતાના મનના ખરાબ ભંડારમાંથી ખરાબ કાઢે છે; કારણ કે મનમાં જે ભરપૂર ભરેલું હોય તે જ મુખથી બોલાય છે.

તમારા માથાના બધા જ વાળ ગણેલા છે. બીશો નહિ. ઘણી ચકલીઓ કરતાં તમે મૂલ્યવાન છો.

છતાં જેટલાંએ તેમનો અંગીકાર કર્યો, એટલે જેટલાં તેમના નામ પર વિશ્વાસ કરે છે, તેટલાંને તેમણે ઈશ્વરનાં સંતાન થવાનો અધિકાર આપ્યો. તેઓ લોહીથી નહિ કે, દેહની ઇચ્છાથી નહિ કે, મનુષ્યની ઇચ્છાથી નહિ, પણ ઈશ્વરથી જન્મ પામ્યા.

પણ ઈસુએ તેમનો વિશ્વાસ ન કર્યો, કેમ કે તે સર્વને જાણતા હતા, અને મનુષ્ય વિષે કોઈની સાક્ષીની તેમને જરૂર ન હતી; કેમ કે મનુષ્યમાં શું છે તે તેઓ પોતે જાણતા હતા.

ઈસુએ તેને જવાબ આપ્યો કે, 'હું તને ખાતરીપૂર્વક કહું છું કે, જો કોઈ મનુષ્ય નવો જન્મ પામ્યું ન હોય, તો તે ઈશ્વરનું રાજ્ય જોઈ શકતું નથી.' નિકોદેમસે ઈસુને કહ્યું કે, 'માણસ વૃદ્ધ હોય તો તે કેવી રીતે જન્મ પામી શકે? શું તે બીજી વાર પોતાની માના ગર્ભમાં પ્રવેશીને જન્મ લઈ શકે?' ઈસુએ જવાબ આપ્યો કે, 'હું તને ખાતરીપૂર્વક કહું છું કે, જો કોઈ મનુષ્ય પાણીથી તથા પવિત્ર આત્માથી જનમ્યું ન હોય, તો તે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશી શકતું નથી. જે મનુષ્યદેહથી જન્મેલું છે તે મનુષ્યદેહ છે; અને જે પવિત્ર આત્માથી જન્મેલું છે તે આત્મા છે. મેં તને કહ્યું કે, તમારે નવો જન્મ પામવો જોઈએ, તેથી આશ્ચર્ય પામતો નહિ.

કેમ કે ઈશ્વરે માનવજગત પર એટલો બધો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનો એક દીકરો આપ્યો, એ સારુ કે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંતજીવન પામે.

અપરાધી ઠરાવવાંનું કારણ એ છે કે, દુનિયામાં અજવાળું આવ્યા છતાં લોકોએ અજવાળાને બદલે અંધારું પસંદ કર્યું; કેમ કે તેઓનાં કામ દુષ્ટ હતાં.

ઈસુએ તેઓને કહ્યું કે, 'તમે પૃથ્વી પરના છો, હું ઉપરનો છું; તમે આ જગતના છો, હું આ જગતનો નથી. માટે મેં તમને કહ્યું કે, તમે તમારાં પાપોમાં મરશો; કેમ કે તે હું છું, એવો જો તમે વિશ્વાસ નહિ કરો, તો તમે તમારાં પાપોમાં મરશો.'

અને જાણે તેમને કશાની ગરજ હોય એમ માણસોના હાથની સેવા તેમને જોઈએ છે એવું નહિ, કેમ કે જીવન, શ્વાસોચ્છવાસ તથા સર્વ વસ્તુ તે પોતે સર્વને આપે છે. તેમણે માણસોની સર્વ દેશજાતિઓને આખી પૃથ્વીના પૃષ્ઠ પર રહેવા સારુ એકમાંથી ઉત્પન્ન કરી, તેણે તેઓને સારુ નીમેલા સમય તથા તેઓના નિવાસની સીમાઓ ઠરાવી આપી. એ માટે કે તેઓ ઈશ્વરને શોધે, કે કદાપિ તેઓ તેમને માટે શોધીને તેમને પામે; પરંતુ ઈશ્વર આપણામાંના કોઈથી દુર નથી. કેમ કે આપણે તેમનાંમાં જીવીએ છીએ, હાલીએ છીએ, હોઈએ છીએ, જેમ તમારા પોતાના જ કવિઓમાંના કેટલાકે કહ્યું છે કે, 'આપણે પણ તેમના વંશજો છીએ.'

કેમ કે જે મનુષ્યો દુષ્ટતાથી સત્યને દબાવી રાખે છે તેઓની સર્વ વિધ્રોહ અને અન્યાય પર સ્વર્ગમાંથી ઈશ્વરનો કોપ પ્રગટ થયેલો છે.

પોતે બુદ્ધિવાન છીએ એવો દાવો કરતાં તેઓ મૂર્ખ થયા; તેઓએ અવિનાશી ઈશ્વરના મહિમાના બદલામાં નાશવંત મનુષ્ય, પક્ષી, ચોપગા પ્રાણીઓ અને પેટે ચાલનારાંના આકારની મૂર્તિઓ બનાવી. તેથી ઈશ્વરે તેઓને તેઓનાં હૃદયોની દુર્વાસનાઓની અશુદ્ધતા માટે તાજી દીધાં કે તેઓ પરસ્પર પોતાનાં શરીરોને ભ્રષ્ટ કરે.

ના, એવું ન થાય; હા, દરેક મનુષ્ય જૂઠું ઠરે તોપણ ઈશ્વર સાચા ઠરો; જેમ લખેલું છે કે, 'તમે પોતાનાં વચનોમાં ન્યાયી ઠરો, અને તમારો ન્યાય કરવામાં આવે ત્યારે તમારો વિજય થાય.'

જેમ શાસ્ત્રમાં લખેલું છે તેમ કે; 'કોઈ ન્યાયી નથી, એક પણ નથી; સમજનાર અને ઈશ્વરને શોધનાર કોઈ નથી; તેઓ સર્વ ભટકી ગયા છે, તેઓ બધા નકામા થયા છે; સારું કામ કરનાર કોઈ નથી, ના, એક પણ નથી

કારણ કે બધાએ પાપ કર્યું છે અને ઈશ્વરના મહિમા વિષે બધા અધૂરાં રહે છે;

તે માટે જેમ એક મનુષ્યથી દુનિયામાં પાપ આવ્યું અને પાપથી મૃત્યુ આવ્યું; કેમ કે બધાએ પાપ કર્યું હોવાથી બધા મનુષ્યોમાં મૃત્યુનો સંચાર થયો.

શું તમે નથી જાણતા કે, આપણે જેઓ ખ્રિસ્ત ઈસુમાં બાપ્તિસ્મા પામ્યા, તેઓ સર્વ તેમના મરણમાં બાપ્તિસ્મા પામ્યા. તે માટે આપણે બાપ્તિસ્મા દ્વારા તેમની સાથે મરણમાં દફનાવાયા, કે જેમ ખ્રિસ્તને પિતાના મહિમાથી મૃત્યુ પામેલાઓમાંથી સજીવન કરવામાં આવ્યા તેમ જ આપણે પણ નવા જીવનમાં ચાલીએ. કેમ કે જો આપણે તેમના મરણની સમાનતામાં તેમની સાથે જોડાયાં, તો તેમના મરણોત્થાનની સમાનતામાં પણ જોડાયેલાં થઈશું. આપણે જાણીએ છીએ કે આપણું જૂનું મનુષ્યત્વ તેમની સાથે વધસ્તંભે એ માટે જડાયું કે પાપનું શરીર નિરર્થક થાય; એટલે હવે પછી આપણે પાપના દાસત્વમાં રહીએ નહિ. કેમ કે જે મૃત્યુ પામેલો છે તે ન્યાયી ઠરીને પાપથી મુક્ત થયો છે. પણ જો આપણે ખ્રિસ્તની સાથે મૃત્યુ પામેલા છીએ, તો આપણને વિશ્વાસ છે કે તેમની સાથે જીવીશું પણ ખરા. કેમ કે આપણે જાણીએ છીએ કે ખ્રિસ્તને મૃત્યુ પામેલાઓમાંથી સજીવન કરવામાં આવ્યા અને તે ફરી મૃત્યુ પામનાર નથી; હવે પછી મૃત્યુનો અધિકાર તેમના પર નથી. કેમ કે તેઓ મર્યા, એટલે પાપ સંબંધી એક જ વાર મૃત્યુ પામ્યા, પણ તેઓ જીવે છે એટલે ઈશ્વર સંબંધી જીવે છે. તેમ તમે પોતાને પણ પાપ સંબંધી મૃત્યુ પામેલા, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વર સંબંધી જીવતા ગણો. તે માટે તમે પાપની દુર્વાસનાઓને આધીન થઈને પાપને તમારા મર્ત્ય શરીરમાં રાજ કરવા ન દો. અને તમારા અવયવોને અન્યાયનાં સાધનો થવા માટે પાપને ન સોંપો; પણ મૃત્યુમાંથી સજીવન થયેલા જેવા તમે પોતાને ઈશ્વરને સોંપો તથા તમારા અવયવોને ન્યાયીપણાનાં સાધનો થવા માટે ઈશ્વરને સોંપો.

તમારા દેહની નિર્બળતાને લીધે હું મનુષ્યની રીતે વાત કરું છું. જેમ તમે પોતાનાં અંગોને અન્યાયને અર્થે અશુદ્ધતાને તથા અન્યાયને દાસ તરીકે સોંપ્યાં હતા, તેમ હમણાં પોતાનાં અંગો પવિત્રતાને અર્થે ન્યાયીપણાને દાસ તરીકે સોંપો.

કેમ કે જયારે આપણે દૈહિક હતા ત્યારે નિયમશાસ્ત્ર વડે પાપવાસનાઓ આપણાં અંગોમાં મૃત્યુ માટે ફળ ઉત્પન્ન કરવાને પ્રયત્ન કરતી હતી.

કેમ કે હું જાણું છું કે મારામાં, એટલે મારા દેહમાં, કંઈ જ સારું વસતું નથી; કારણ કે ઇચ્છવાનું તો મારામાં છે, પણ સારું કરવાનું મારામાં નથી.

હું કેવો દુઃખિત મનુષ્ય! કે મને આ મરણના શરીરથી કોણ છોડાવશે?

કેમ કે મનુષ્યદેહનાં લીધે નિયમશાસ્ત્ર નિર્બળ હતું, તેથી જે કામ તેને અશક્ય હતું તે ઈશ્વરે કર્યું, એટલે પોતાના દીકરાને પાપી મનુષ્યદેહની સમાનતામાં અને પાપના અર્પણ તરીકે મોકલીને તેમના મનુષ્યદેહમાં પાપને દંડાજ્ઞા ફરમાવી; કે જેથી આપણામાં, એટલે દેહ પ્રમાણે નહિ પણ આત્મા પ્રમાણે ચાલનારાંમાં, નિયમશાસ્ત્રની જરૂરિયાત પરિપૂર્ણ થાય. કેમ કે જેઓ દૈહિક છે તેઓ દૈહિક અને જેઓ આત્મિક છે તેઓ આત્માની બાબતો ઉપર મન લગાડે છે. દૈહિક મન મરણ છે; પણ આત્મિક મન જીવન તથા શાંતિ છે. કારણ કે દૈહિક મન ઈશ્વર સાથે વૈર છે, કેમ કે તે ઈશ્વરના નિયમશાસ્ત્રને આધીન નથી અને થઈ શકતું પણ નથી. અને જેઓ દૈહિક છે તેઓ ઈશ્વરને પ્રસન્ન કરી શકતા નથી. પણ જો ઈશ્વરનો આત્મા તમારામાં વસે છે, તો તમે દૈહિક નથી, પણ આત્મિક છો; પણ જો કોઈને ખ્રિસ્તનો આત્મા નથી, તો તે ખ્રિસ્તનો નથી.

કેમ કે જો તમે દેહ પ્રમાણે જીવો તો મરશો જ; પણ જો તમે આત્માથી શરીરનાં કામોને મારી નાખો તો જીવશો.

એટલે જેઓ દૈહિક સંતાનો છે, તેઓ ઈશ્વરનાં સંતાનો છે એમ નહિ; પણ જેઓ વચનનાં સંતાનો છે, તેઓ જ વંશ ગણાય છે.

પણ તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પહેરી લો અને દેહને માટે, એટલે તેની દુષ્ટ ઇચ્છાઓને અર્થે, વિચારણા કરો નહિ.

સાંસારિક માણસ ઈશ્વરના આત્માની વાતોનો સ્વીકાર કરતું નથી; કેમ કે તે વાતો તેને મૂર્ખતા જેવી લાગે છે; અને તે આત્મિક રીતે સમજાય છે, તેથી તે તેમને સમજી શકતું નથી.

તમે ઈશ્વરનું ભક્તિસ્થાન છો, અને તમારામાં ઈશ્વરનો પવિત્ર આત્મા વાસ કરે છે, એ શું તમે નથી જાણતા? જો કોઈ ઈશ્વરના ભક્તિસ્થાનનો નાશ કરે, તો ઈશ્વર તેનો નાશ કરશે; કેમ કે ઈશ્વરનું આ ભક્તિસ્થાન તે તો પવિત્ર છે, અને તે [ભક્તિસ્થાન] તમે છો.

શું તમે નથી જાણતા કે તમારામાં જે પવિત્ર આત્મા છે, જે તમને ઈશ્વર પાસેથી આપવામાં આવ્યો છે, તેમનું ભક્તિસ્થાન તમારું શરીર છે? અને તમે પોતાના નથી, કેમ કે મૂલ્ય ચૂકવીને તમને ખરીદવામાં આવ્યા છે. તેથી હવે તમારું શરીર અને તમારો આત્મા ઈશ્વરનાં છે, તમારાં શરીરો દ્વારા ઈશ્વરને મહિમા આપો.

કેમ કે માણસથી મરણ થયું, એ જ રીતે માણસથી મૂએલાંઓનું મરણોત્થાન પણ થયું છે. કેમ કે જેમ આદમમાં સર્વ મરે છે, તેમ ખ્રિસ્તમાં સર્વ સજીવન થશે.

સર્વ દેહ એક જ જાતનાં નથી; પણ માણસોનો દેહ જુદો છે, પશુઓનો જુદો અને માછલાંઓનો જુદો તેમ જ પક્ષીઓનો દેહ પણ જુદો છે.

મૂએલાંઓનું મરણોત્થાન પણ એવું છે; જે દફનાવાય તે નાશવંત છે. અને જે સજીવન કરાય છે તે સદાકાળ સુધી ટકનાર છે. અપમાનમાં વવાય છે, મહિમામાં ઉઠાડાય છે; નિર્બળતામાં વવાય છે, પરાક્રમમાં ઉઠાડાય છે. ભૌતિક શરીર વવાય છે અને આત્મિક શરીરમાં સજીવન કરાય છે; જો ભૌતિક શરીર છે, તો આત્મિક શરીર પણ છે. લખ્યું છે કે, 'પહેલો માણસ આદમ સજીવ જીવંત પ્રાણી થયો, છેલ્લો આદમ જીવનદાયક આત્મા થયો. આત્મિક પહેલું હોતું નથી, ભૌતિક પહેલું પછી આત્મિક. પહેલો માણસ પૃથ્વીની માટીનો બનેલો હતો, બીજો માણસ સ્વર્ગથી આવનાર પ્રભુ છે. જે માટીનો છે તેવા જ જેઓ માટીના છે તેઓ પણ છે; અને જે સ્વર્ગીય છે તે જેવો છે તેવા જ જેઓ સ્વર્ગીય છે તેઓ પણ છે. આપણે જેમ માટીની પ્રતિમા ધારણ કરી છે, તેમ સ્વર્ગીય સ્વરૂપ પણ ધારણ કરીશું. હવે ભાઈઓ, હું એ કહું છું કે, માંસ તથા લોહી ઈશ્વરના રાજ્યના વારસ થઈ શકતા નથી; તેમ જ વિનાશીપણું અવિનાશીપણાનો વારસો પામી શકવાનું નથી.

તેથી અમે થાકતા નથી; પણ જો અમારો ભૌતિક મનુષ્યદેહ નાશ પામે તોપણ અમારું આંતરિક મનુષ્યત્વ પ્રતિદિન નવું થતું જાય છે.

કેમ કે અમને ખબર છે કે જો અમારું પૃથ્વી પરનું માંડવારૂપી શરીર નષ્ટ થઈ જાય, તો સ્વર્ગમાં ઈશ્વરે સર્જેલું, હાથોથી બાંધેલું નહિ એવું અનંતકાળનું અમારું ઘર છે. કેમ કે અમારું જે ઘર સ્વર્ગમાં છે તેને પામવાની બહુ અભિલાષા રાખીને અમે આ માંડવારૂપી ઘરમાં નિસાસા નાખીએ છીએ. અને જો સ્વર્ગીય ઘર પામીએ તો અમે નિ:વસ્ત્ર ન દેખાઈએ. કેમ કે અમે આ માંડવારૂપી શરીરના ભારને લીધે નિસાસા નાખીએ છીએ; તેને ઉતારવા કરતાં સ્વર્ગીય ઘરથી વેષ્ટિત થવા ઇચ્છીએ છીએ એ સારુ કે જીવન મરણમાં ગરકાવ થઈ જાય.

તે માટે, વહાલાંઓ, આપણને એવાં આશાવચનો મળેલાં છે માટે આપણે દેહની તથા આત્માની સર્વ અશુદ્ધતાને દૂર કરીને પોતે શુદ્ધ થઈએ અને ઈશ્વરનો ભય રાખીને સંપૂર્ણ પવિત્રતા પ્રાપ્ત કરીએ.

માટે હવે કોઈ યહૂદી નથી કે ગ્રીક નથી, કોઈ દાસ નથી કે સ્વતંત્ર નથી, કોઈ પુરુષ નથી કે સ્ત્રી નથી, કેમ કે તમે બધા ખ્રિસ્તમાં એક છો.

પણ હું કહું છું કે, આત્માની દોરવણી અનુસાર ચાલો અને તમે દેહની વાસના તૃપ્ત કરશો નહિ. કેમ કે દેહ આત્માની વિરુદ્ધ ઇચ્છા કરે છે અને આત્મા દેહની વિરુદ્ધ; કારણ કે તેઓ પરસ્પર વિરુદ્ધ છે; અને તેથી જે તમે ઇચ્છો તે તમે કરતા નથી.

અને જેઓ ખ્રિસ્તનાં છે, તેઓએ દેહને તેની વાસનાઓ તથા ઇચ્છાઓ સહિત વધસ્તંભે જડ્યો છે.

કેમ કે જે પોતાના દેહને માટે વાવે છે, તે દેહથી વિનાશ લણશે; પણ જે આત્માને અર્થે વાવે તે આત્માથી અનંતજીવન લણશે.

તેઓમાં આપણે સર્વ આપણી દેહની વાસનાઓ મુજબ પહેલાં ચાલતા હતા, અને શરીરની તથા મનની ઇચ્છાઓ પૂરી કરતા હતા. વળી પહેલાની સ્થિતિમાં બીજાઓના માફક ઈશ્વરના કોપને પાત્ર હતા.

તેઓની બુદ્ધિ અંધકારમય થયેલી હોવાથી, અને તેઓના હૃદયની કઠણતાથી પોતામાં જે અજ્ઞાનતા છે, તેને લીધે તેઓ ઈશ્વરના જીવનથી દૂર છે.

કેમ કે મારે માટે જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે લાભ છે.

કેમ કે આપણે ઈશ્વરના આત્માથી સેવા કરનારા, ખ્રિસ્ત ઈસુમાં ગર્વ કરનારા તથા દેહ પર ભરોસો ન રાખનારા, સાચા સુન્નતી છીએ.

કેમ કે ઘણાં એવી રીતે વર્તનારા છે, કે જેઓ વિષે મેં તમને વારંવાર કહ્યું, અને હમણાં પણ રડતાં રડતાં કહું છું કે, 'તેઓ ખ્રિસ્તનાં વધસ્તંભના શત્રુઓ છે. વિનાશ તેઓનો અંત, પેટ તેઓનો દેવ અને નિર્લજ્જતા તેઓનું ગૌરવ છે, તેઓ સાંસારિક વાતો પર ચિત્ત લગાડે છે. પણ આપણા માટે તો, 'આપણી નાગરિકતા સ્વર્ગમાં છે, ત્યાંથી પણ આપણે ઉદ્ધારકર્તા એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તની રાહ જોઈએ છીએ. તે, જે સામર્થ્યથી બધાને પોતાને આધીન કરી શકે છે, તે પ્રમાણે આપણી દીનાવસ્થામાંનાં શરીરને એવું રૂપાંતર કરશે, કે તે તેમના મહિમાવાન શરીરનાં જેવું થાય.'

સાવધાન રહો, કે, છેતરનાર ફિલસૂફીનો ખાલી આડંબર જે ખ્રિસ્ત પ્રમાણે નહિ, પણ માણસોના રીતિરિવાજ પ્રમાણે અને જગતના સિદ્ધાંતો પ્રમાણે છે, તેથી કોઈ તમને ફસાવે નહીં.

તેમાં નથી ગ્રીક કે યહૂદી, નથી સુન્નત કે બેસુન્નત, નથી બર્બર કે નથી સિથિયન, નથી દાસ કે સ્વતંત્ર; પણ ખ્રિસ્ત સર્વ તથા સર્વમાં છે.

શાંતિના ઈશ્વર પોતે તમને સંપૂર્ણ પવિત્ર કરો અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં આગમન સુધી તમારો આત્મા, પ્રાણ તથા શરીર નિર્દોષતામાં સંભાળી રાખો.

કેમ કે આપણે આ દુનિયામાં કશું લાવ્યા નથી ને તેમાંથી કશું પણ લઈ જઈ શકવાના નથી.

કેમ કે ઈશ્વરે આપણને ભયનો આત્મા નહિ, પણ સામર્થ્યનો, પ્રેમનો તથા સાવધ બુદ્ધિનો [આત્મા] આપ્યો છે.

કેમ કે માણસો સ્વાર્થી, દ્રવ્યલોભી, આપવડાઈ કરનારા, ગર્વિષ્ઠ, નિંદક, માબાપને અનાજ્ઞાંકિત, અનુપકારી, અશુદ્ધ, પ્રેમ રહિત, ક્રૂર, બટ્ટા મૂકનારા, અસંયમી, જંગલી, શુભદ્વેષી, વિશ્વાસઘાતી, અવિચારી, અહંકારી, ઈશ્વર પર નહિ પણ મોજશોખ પર પ્રેમ રાખનારા. ભક્તિભાવનો દેખાવ કરીને તેના પરાક્રમનો નકાર કરનારા એવા થશે; આવાં લોકોથી તું દુર રહે.

શુદ્ધોને મન સઘળું શુદ્ધ છે; પણ ભ્રષ્ટ તથા અવિશ્વાસીઓને મન કંઈ પણ શુદ્ધ હોતું નથી; તેઓનાં મન તથા અંતઃકરણ ભ્રષ્ટ થયેલાં છે. અમે ઈશ્વરને જાણીએ છીએ એવો તેઓ દાવો કરે છે, પણ પોતાની કરણીઓથી તેમને નકારે છે; તેઓ ધિક્કારપાત્ર, આજ્ઞાભંગ કરનારા અને કંઈ પણ સારું કામ કરવા માટે અયોગ્ય છે.

પણ ગીતકર્તા દાઉદ જણાવે છે કે, 'માણસ વળી કોણ છે, કે તમે તેનું સ્મરણ કરો છો? અથવા મનુષ્યપુત્ર કોણ છે કે તમે તેની મુલાકાત લો છો? તેમણે તેને થોડા સમય માટે સ્વર્ગદૂતો કરતાં ઊતરતો કર્યો છે; અને તેના મસ્તક પર મહિમા તથા માનનો મુગટ મૂક્યો છે. તમારા હાથનાં કામ પર તેને અધિકાર આપ્યો છે. તમે સમગ્ર સૃષ્ટિ તેના હાથમાં સોંપી છે; આમ બધું તેને સ્વાધીન કરવાથી તેને સુપ્રત કર્યું ના હોય એવું કંઈ બાકાત રાખ્યું નથી. પણ સઘળું તેને સ્વાધીન કર્યું, એમ હજી સુધી આપણી નજરે પડતું નથી.

જેથી બાળકો માંસ તથા લોહીનાં બનેલાં હોય છે, માટે તે પણ તે જ રીતે તેઓના ભાગીદાર થયા, જેથી તે પોતે મરણ પામીને મરણ પર સત્તા ધરાવનારનો, એટલે શેતાનનો, નાશ કરે. અને મરણની બીકથી જે પોતાના આખા જીવનભર ગુલામ જેવા હતા તેઓને પણ મુક્ત કરે.

કેમ કે ઈશ્વરનું વચન જીવંત, સમર્થ તથા બેધારી તરવાર કરતાં પણ વધારે તીક્ષ્ણ છે, તે જીવ, આત્મા, સાંધા તથા મજ્જાને જુદાં કરે એટલે સુધી વીંધનારું છે; અને હૃદયના વિચારોને તથા લાગણીઓને પારખી લેનારું છે. ઉત્પન્ન કરેલું કંઈ તેની આગળ ગુપ્ત નથી; પણ જેમની સાથે આપણને કામ છે, તેમની દ્રષ્ટિમાં આપણે સઘળાં તદ્દન ઉઘાડાં છીએ.

જેમ માણસોને એક વખત મરવાનું, અને ત્યાર બાદ તેઓનો ન્યાય થાય એવું નિર્માણ થયેલું છે.

પણ દરેક મનુષ્ય પોતાની દુષ્ટ ઇચ્છાઓથી ખેંચાઈને તથા લલચાઈને પરીક્ષણમાં પડે છે. પછી દુષ્ટ ઇચ્છાઓ ગર્ભ ધરીને પાપને જન્મ આપે છે અને પાપ પરિપક્વ થઈને મોતને ઉપજાવે છે. મારા વહાલાં ભાઈઓ, તમે છેતરાતા નહિ.

કેમ કે જેમ શરીર આત્મા વગર નિર્જીવ છે, તેમ જ વિશ્વાસ પણ કાર્યો વગર નિર્જીવ છે.

હવે ચાલો, તમે કહો છો કે, આજે કે કાલે અમે આ કે તે શહેરમાં જઈને ત્યાં એક વર્ષ સુધી રહીશું; અને વેપાર કરીને લાભ મેળવીશું. હવે તમે તો નથી જાણતા કે કાલે શું થવાનું છે. તમારી જિંદગી શાના જેવી છે? કેમ કે તમે તો ધુમ્મસ જેવા છો, કે જે થોડીવાર દેખાય છે પછી અદ્રશ્ય થાય છે.

કેમ કે, 'સર્વ પ્રાણી ઘાસનાં જેવા છે અને મનુષ્યનો બધો વૈભવ ઘાસનાં ફૂલ જેવો છે. ઘાસ સુકાઈ જાય છે અને તેનું ફૂલ ખરી પડે છે,

પ્રિયજનો, હું વિનંતી કરું છું કે, જે દૈહિક વિષયો આત્માની સામે લડે છે, તેઓથી તમે, પરદેશી તથા પ્રવાસીની જેમ દૂર રહો.

જગત પર અથવા જગતમાંનાં વસ્તુઓ પર પ્રેમ રાખો નહિ; જો કોઈ જગત પર પ્રેમ રાખે તો તેનામાં પિતાનો પ્રેમ નથી. કેમ કે જગતમાં જે સર્વ છે, એટલે દૈહિક વાસનાઓ, આંખોની લાલસા તથા જીવનનો અહંકાર તે પિતાથી નથી, પણ જગતથી છે. જગત તથા તેની લાલસા જતા રહે છે, પણ જે ઈશ્વરની ઇચ્છા પૂરી કરે છે તે સદા રહે છે.

જુઓ, પિતાએ આપણા પર એટલો પ્રેમ રાખ્યો છે કે, આપણે ઈશ્વરના બાળકો કહેવાઈએ છીએ અને ખરેખર આપણે તેમના બાળકો છીએ. તેથી માનવજગત આપણને ઓળખતું નથી, કેમ કે તેમણે તેમને ઓળખ્યા નહિ.

અને કેટલાકને અગ્નિમાંથી બહાર ખેંચી લાવીને બચાવો; અને કેટલાક પર ભયસહિત દયા રાખો અને દેહથી ડાઘ લાગેલા વસ્ત્રનો તિરસ્કાર કરો.

જુઓ, તે વાદળાં સાથે આવે છે અને દરેક આંખ, અને જેઓએ તેમને વીંધ્યા તેઓ પણ તેમને જોશે; અને પૃથ્વી પરનાં સઘળાં કુળો તેમને લીધે વિલાપ કરશે; હા, આમીન.

Gujarati - ગુજરાતી - GU

GUBCS - Gujarati Bridge Connectivity Solutions - 2017

This Bible text is from Gujarati Indian Revised Version IRV
https://open.bible/bibles/gujarati-bridge-text-bible/
provided by: Bridge Connectivity Solutions Pvt Ltd, available by Creative Commons CC-BY-SA-4.0,
and this new compilation is shared as www.creativecommons.org/licenses/by-sa/4.0.
Languages are made available to you by www.ipedge.net