06 – નરક

આ સર્વશક્તિમાન ઈશ્વરના પવિત્ર શબ્દો છે.
આપણને મનુષ્યના શબ્દોમાં રસ નથી.
જે કોઈ પણ ઈશ્વરને પ્રેમ કરે છે તેના માટે... ઈશ્વર આના વિશે કહે છે: નરક.

ટોચની 3 સૌથી નોંધપાત્ર છંદો

સમુદ્રે પોતાનામાં જે મૃત્યુ પામેલાં હતાં તેઓને પાછા આપ્યાં, અને મરણે તથા હાદેસે પણ પોતાનામાં જે મૃત્યુ પામેલાં હતાં, તેઓને પાછા આપ્યાં; અને દરેકનો ન્યાય તેની કરણી પ્રમાણે કરવામાં આવ્યો. મૃત્યુ તથા હાદેસ અગ્નિની ખાઈમાં ફેંકાયાં. અગ્નિની ખાઈ એ જ બીજું મરણ છે. જે કોઈનું નામ જીવનપુસ્તકમાં નોંધાયેલું જણાયું નહિ તેને અગ્નિની ખાઈમાં ફેંકી દેવામાં આવ્યો.

કેમ કે આપણને સત્યની ઓળખ પ્રાપ્ત થયા પછી પણ જો આપણે જાણીજોઈને પાપ કરીએ, તો હવે પછી પાપોને માટે બીજું બલિદાન રહેતું નથી, પણ ન્યાયચૂકાદાની ભયાનક પ્રતિક્ષા તથા વૈરીઓને ખાઈ જનાર અગ્નિનો કોપ એ જ બાકી રહેલું છે.

એમ જ જગતને અંતે પણ થશે. સ્વર્ગદૂતો આવીને ન્યાયીઓમાંથી ભૂંડાઓને જુદાં પાડશે; અને તેઓ તેઓને બળતી ભઠ્ઠીમાં ફેંકી દેશે; ત્યાં રડવું ને દાંત પીસવું થશે.

દરેક શ્લોક કેનોનિકલ ઓર્ડરમાં - 123 ફકરાઓ

યહોવાહે મૂસાને કહ્યું, "જેણે મારી વિરુદ્ધ પાપ કર્યું હશે, તેનું નામ હું મારા પુસ્તકમાંથી ભૂંસી નાખીશ. હવે ચાલ જે જગ્યા વિષે મેં તને કહ્યું છે, ત્યાં આ લોકોને દોરી જા. જો, મારો દૂત તારી આગળ ચાલશે. પણ જે દિવસે હું તેઓને જોઈ લઈશ, તે દિવસે હું તેઓના પાપને લીધે તેઓને શિક્ષા કરીશ."

યહોવાહ તેને માફ નહિ કરે પણ તે માણસની સામે યહોવાહનો રોષ તથા જુસ્સો તપી ઊઠશે અને આ પુસ્તકમાં જે સર્વ શાપ લખેલા છે તે તેના પર આવી પડશે. અને યહોવાહ આકાશ નીચેથી તેનું નામોનિશાન નષ્ટ કરી નાખશે.

માટે મારો કોપ ભડકે બળે છે શેઓલના તળિયાં સુધી તે બળે છે, પૃથ્વીને અને તેના પાક સહિત ખાઈ જશે, અને પર્વતોના પાયાને સળગાવી દે છે.

જેમ વાદળાં ઓગળીને અલોપ થઈ જાય છે, તેમ શેઓલમાં ઊતરનારા ફરી કદી ઉપર આવશે નહિ.

ભૂંડો માણસ સંકટના સમયે બચી જાય છે, અને તેઓને કોપને દિવસે બચાવવામાં આવે છે?

દુષ્ટો, એટલે ઈશ્વરને ભૂલનાર સર્વ લોકો શેઓલમાં જશે.

કારણ કે તમે મારો આત્મા શેઓલને સોંપશો નહિ; તમે તમારા પવિત્રને કહોવાણ જોવા દેશો નહિ.

શેઓલનાં બંધનોએ મને બધી બાજુએથી ઘેરી લીધો છે; મૃત્યુના પાશ મારા પર આવી પડ્યા છે.

તારા સર્વ શત્રુઓ તારા હાથમાં આવશે; તારો જમણો હાથ તારા દ્વ્રેષીઓને શોધી કાઢશે. તું તારા ગુસ્સાના સમયે તેઓને બળતી ભઠ્ઠી જેવા કરી દેશે. યહોવાહ પોતાના કોપથી તેઓને ગળી જશે અને અગ્નિ તેઓને ભસ્મ કરી નાખશે.

એકાએક તેમના પર મોત આવી પડો; તેઓ જીવતા જ શેઓલમાં ઊતરી પડો, કેમ કે ભૂંડાઈ તેઓનાં ઘરોમાં, હા, તેઓનાં અંતરમાં છે.

જીવન પુસ્તકમાંથી આ લોકોનાં નામ ભૂંસી નાખો અને ન્યાયીઓની સાથે તેઓનાં નામ નોંધાય નહિ.

જેઓ યહોવાહને ધિક્કારે છે તેઓ તેમની સામે ભયથી સંકોચાશે! તેઓનું અપમાન સદાને માટે રહેશે.

કારણ કે મારા પર તમારી કૃપા પુષ્કળ છે; તમે શેઓલનાં ઊંડાણથી મારી રક્ષા કરી છે.

અજ્ઞાની માણસ તે જાણતો નથી, મૂર્ખ પણ તે સમજી શકતો નથી. જ્યારે દુષ્ટો ઘાસની જેમ વધે છે અને જ્યારે સર્વ અન્યાય કરનારાઓની ચઢતી થાય છે, ત્યારે તે તેઓનો સર્વકાલિક નાશ થવાને માટે છે.

કેટલાક અંધકાર તથા મરણછાયામાં બેઠેલા હતા, આપત્તિમાં તથા બેડીઓમાં સપડાયેલા હતા. કેમ કે તેઓએ ઈશ્વરની સામા થઈને પરાત્પરની સૂચનાઓનો ઇનકાર કર્યો.

તેમના પર પ્રેમ રાખનારા સર્વનું તે ધ્યાન રાખે છે, પણ તે સર્વ દુષ્ટોનો નાશ કરે છે.

પરંતુ એ લોકોને ખબર નથી કે તે તો મૃત્યુની જગ્યા છે, અને તેના મહેમાનો મૃત્યુનાં ઊંડાણોમાં ઊતરનારા છે.

શેઓલ તથા અબદોન (વિનાશ) યહોવાહ સમક્ષ ખુલ્લાં છે; તો માણસોનાં હૃદય કેટલાં વિશેષ ખુલ્લાં હોવાં જોઈએ?

જ્ઞાની માણસ માટે તે જીવન તરફ જતો માર્ગ છે કે, જે તેને શેઓલ તરફ જતા માર્ગેથી પાછો વાળે છે.

બાળકને ઠપકો આપતાં ખચકાઈશ નહિ; કેમ કે જો તું તેને સોટી મારીશ તો તે કંઈ મરી જશે નહિ. જો તું તેને સોટીથી મારીશ, તો તું તેના આત્માને શેઓલમાં જતાં ઉગારશે.

જેમ શેઓલ અને વિનાશ કદી તૃપ્ત થતાં નથી; તે જ રીતે માણસની આંખો કદી તૃપ્ત થતી નથી.

વાતનું પરિણામ, આપણે સાંભળીએ તે આ છે; ઈશ્વરનું ભય રાખ અને તેમની આજ્ઞાઓનું પાલન કર, પ્રત્યેક માણસની એ સંપૂર્ણ ફરજ છે. કેમ કે દરેક ભલી કે ભૂંડી, પ્રત્યેક ગુપ્ત બાબત સહિતનાં કામોનો, ન્યાય ઈશ્વર કરશે.

ઇઝરાયલનો પ્રકાશ તે અગ્નિરૂપ થશે, તેના પવિત્ર તે જ્વાળારૂપ થશે; તે એક દિવસમાં તેના કાંટા અને ઝાંખરાંને બાળીને ગળી જશે. યહોવાહ તેના વનના વૈભવને તથા તેના ફળદ્રુપ ખેતરને, આત્મા અને શરીરને ભસ્મ કરશે; તે એક બીમાર માણસના જીવનને બગાડે તેવું થશે.

તે યહોવાહના ભયમાં હરખાશે; અને પોતાની આંખે જોયા પ્રમાણે તે ઇનસાફ કરશે નહિ અને પોતાના કાને સાંભળ્યા પ્રમાણે તે નિર્ણય કરશે નહિ; પણ ન્યાયીપણાથી તે ગરીબોનો અને નિષ્પક્ષપણે તે દેશના દીનોનો ઇનસાફ કરશે. પોતાના મુખની સોટીથી તે પૃથ્વીને મારશે અને પોતાના હોઠોના શ્વાસથી તે દુર્જનોનો સંહાર કરશે.

વિલાપ કરો, કેમ કે યહોવાહનો દિવસ પાસે છે; તે સર્વસમર્થ પાસેથી સંહારરૂપે આવશે. તેથી સર્વના હાથ ઢીલા પડશે અને સર્વ હૃદય પીગળી જશે; તેઓ ગભરાશે; પ્રસૂતાની જેમ તેઓ પર દુ:ખ તથા સંકટ આવી પડશે. તેઓ એકબીજા સામે આશ્ચર્યથી જોયા કરશે; તેઓનાં મુખ જ્વાળાના મુખ જેવાં થશે. જુઓ, યહોવાહનો દિવસ આવે છે, તે પીડા, કોપ અને ઉગ્ર ક્રોધ સહિત દેશને ઉજ્જડ કરવાને તેમાંથી પાપીઓનો વિનાશ કરવા માટે આવે છે. આકાશના તારાઓ અને તારામંડળો તેમનો પ્રકાશ આપશે નહિ. સૂર્ય ઊગતાં જ અંધારાશે અને ચંદ્રનો પ્રકાશ પડશે નહિ. હું જગતને તેની દુષ્ટતાને લીધે તથા દુષ્ટોને તેઓના અપરાધને લીધે સજા કરીશ. હું ગર્વિષ્ઠ વ્યકિતઓનું અભિમાન તોડીશ અને જુલમીઓનો ગર્વ ઉતારીશ.

તેથી હું આકાશોને ધ્રૂજાવીશ અને પૃથ્વીને તેના સ્થાનેથી હલાવી દેવાશે, સૈન્યોના યહોવાહના કોપથી તેમના રોષને દિવસે એમ થશે.

જ્યારે તું ઊંડાણમાં જાય ત્યારે શેઓલ તને ત્યાં મળવાને આતુર થઈ રહ્યું છે. તે તારે લીધે પૃથ્વીના સર્વ રાજાઓને તથા મૂએલાઓના આત્માઓને જાગૃત કરે છે, વિદેશીઓના સર્વ રાજાઓને તેમના રાજ્યાસન પરથી ઉતાર્યા છે. તેઓ સર્વ બોલી ઊઠશે અને તને કહેશે, 'તું પણ અમારા જેવો નબળો થયો છે, તું અમારા સરખો થયો છે. તારા વૈભવને તથા તારા ગૌરવ માટે વાગતી વીણાના અવાજને શેઓલ સુધી ઉતારવામાં આવ્યા છે. તારી નીચે અળસિયાં પાથરેલાં છે અને કૃમિ તને ઢાંકે છે.'

હે તેજસ્વી તારા, પ્રભાતના પુત્ર, તું ઊંચે આકાશમાંથી કેમ પડ્યો છે! બીજી પ્રજાઓ પર જય પામનાર, તને કેમ કાપી નાખીને જમીનદોસ્ત કરવામાં આવ્યો છે! તેં તારા હૃદયમાં કહ્યું હતું, 'હું આકાશમાં ઊંચે ચઢીશ અને ઈશ્વરના તારાઓ કરતાં પણ મારું સિંહાસન ઊંચું રાખીશ અને હું છેક ઉત્તરના છેડાના, સભાના પર્વત પર બેસીશ; હું સર્વથી ઊંચાં વાદળો પર ચઢી જઈશ; અને હું પોતાને પરાત્પર ઈશ્વર સમાન કરીશ.' તે છતાં તને શેઓલ સુધી નીચે, અધોલોકના તળિયે પાડવામાં આવ્યો છે!

તેઓ મરણ પામ્યા છે, તેઓ જીવશે નહિ; તેઓ મરણ પામ્યા છે, તેઓ પાછા ઊઠશે નહિ. તે જ માટે તમે તેઓનો ન્યાય કરીને તેઓનો નાશ કર્યો છે અને તેઓની સર્વ યાદગીરી નષ્ટ કરી છે.

કેમ કે જુઓ, પૃથ્વી પરના રહેવાસીઓના અપરાધને માટે, તેમને સજા આપવાને માટે યહોવાહ પોતાના સ્થાનમાંથી બહાર આવે છે; પૃથ્વીએ પોતે શોષી લીધેલું રક્ત તે પ્રગટ કરશે અને ત્યાર પછી પોતાના માર્યા ગયેલાઓને ઢાંકી રાખશે નહિ.

તે રાત અને દિવસ બળતું રહેશે; તેનો ધુમાડો સદા ઊંચે ચઢશે; તેની ભૂમિ પેઢી દરપેઢી ઉજ્જડ રહેશે; સદાને માટે તેમાં થઈને કોઈ જશે નહિ.

કેમ કે શેઓલ તમારી આભારસ્તુતિ કરે નહિ, મરણ તમારાં સ્તોત્ર ગાય નહિ; જેઓ કબરમાં ઊતરે છે તેઓ તમારી વિશ્વસનીયતાની આશા રાખે નહિ.

કેમ કે જુઓ, યહોવાહ અગ્નિની સાથે આવશે અને તેમના રથો વંટોળિયા જેવા થશે તે પોતાના કોપની ગરમી અને અગ્નિની જવાળાથી ઠપકો લઈને આવશે. કેમ કે યહોવાહ આગ અને તરવારથી સર્વ માનવજાતનો ન્યાય કરશે. ઘણા લોકો યહોવાહને હાથે માર્યા જશે.

તેઓ બહાર આવીને જે માણસોએ મારી સામે બળવો કર્યો હતો, તેઓના મૃતદેહ જોશે, કેમ કે તેઓને ખાનાર કીડા મરનાર નથી અને તેઓનો બાળનાર અગ્નિ હોલવાશે નહિ; અને તે સર્વ માનવજાતને ધિક્કારપાત્ર થઈ પડશે."

જુઓ, એકેએક જીવ મારો છે, જેમ પિતાનો જીવ તેમ પુત્રનો જીવ પણ મારો છે. જે માણસ પાપ કરશે તે મૃત્યુ પામશે,

પેલું શિંગડું બડાઈની વાતો કરતું હતું તે હું જોતો હતો, એટલામાં તે પશુને મારી નાખવામાં આવ્યું. તેનું શરીર નાશ પામ્યું, તેને બાળી નાખવામાં આવ્યું ત્યાં સુધી મેં જોયું.

તે પરાત્પરની વિરુદ્ધ બોલશે. પરાત્પર ઈશ્વરના પવિત્રો પર જુલમ કરશે, ધાર્મિક ઉત્સવોમાં તથા નિયમોમાં ફેરફાર કરવાનો પ્રયત્ન કરશે. એક વર્ષ માટે, બે વર્ષ માટે તથા અડધા વર્ષ માટે આ બાબત તેના હાથમાં સોંપી દેવામાં આવશે. પણ ન્યાયસભા ભરાશે, તેઓ તેનું રાજ્ય છીનવી લેશે અને અંતે તેનો સંપૂર્ણ નાશ થશે.

જેઓ પૃથ્વીની ધૂળમાં સૂઈ ગયા છે તેઓમાંના ઘણા બેઠા થશે, કેટલાકને અનંતજીવન મળશે, કેટલાક અનંતકાળ સુધી શરમિંદા તથા તિરસ્કારપાત્ર થશે.

કેમ કે જુઓ, તે દિવસ આવી રહ્યો છે, ભઠ્ઠીની પેઠે બળે છે, જ્યારે બધા અભિમાની તથા દુરાચારીઓ ભૂસા સમાન થશે. સૈન્યોના યહોવાહ કહે છે કે, જે દિવસ આવે છે તે તેઓને એવા બાળી નાખશે કે" "તેમનું મૂળ કે ડાળી રહેશે નહિ.

પણ ફરોશીઓમાંના તથા સદૂકીઓમાંના ઘણાંને પોતાથી બાપ્તિસ્મા પામવા માટે આવતા જોઈને યોહાને તેઓને કહ્યું કે, "ઓ સર્પોના વંશ, આવનાર કોપથી નાસવાને તમને કોણે ચેતવ્યાં?

વૃક્ષોના મૂળ પર કુહાડો પહેલેથી જ મુકાયો છે; માટે દરેક વૃક્ષ જે સારું ફળ નથી આપતું તે કપાય છે અને અગ્નિમાં નંખાય છે.

તેમનું સૂપડું તેમના હાથમાં છે, તે પોતાની ખળીને પૂરેપૂરી સાફ કરશે અને પોતાના ઘઉં વખારમાં ભરશે, પણ ભૂસું, ન હોલવાનાર અગ્નિમાં બાળી નાખશે."

'હત્યા ન કર', જે કોઈ હત્યા કરે તે અપરાધી ઠરવાના જોખમમાં આવશે, એમ પહેલાંના સમયનાં લોકોએ કહ્યું હતું, તે તમે સાંભળ્યું છે; પણ હવે હું તમને કહું છું કે, જે કોઈ પોતાના ભાઈ પર કારણ વગર ક્રોધ કરે છે, તે અપરાધી ઠરવાના જોખમમાં આવશે; જે પોતાના ભાઈને 'બેવકૂફ' કહેશે, તે ન્યાયસભાથી અપરાધી ઠરવાના જોખમમાં આવશે; જે તેને કહેશે કે 'તું મૂર્ખ છે', તે નરકાગ્નિના જોખમમાં આવશે.

જો તારી જમણી આંખ તને ઠોકર ખવડાવે, તો તેને કાઢી નાખીને તારી પાસેથી ફેંકી દે, કેમ કે તારા અંગોમાંના એકનો નાશ થાય, અને તારું આખું શરીર નર્કમાં ન નંખાય, એ તને ગુણકારક છે. જો તારો જમણો હાથ તને ઠોકર ખવડાવે, તો તેને કાપી નાખીને તારી પાસેથી ફેંકી દે, કેમ કે તારા અંગોમાંના એકનો નાશ થાય, અને તારું આખું શરીર નર્કમાં ન નંખાય, એ તને ગુણકારક છે.

તમે સાંકડે બારણેથી અંદર પ્રવેશો; કેમ કે જે માર્ગ નાશમાં પહોંચાડે છે, તેનું બારણું પહોળું છે અને ઘણાં તેમાં થઈને પ્રવેશે છે. જે માર્ગ જીવનમાં પહોંચાડે છે, તે સાંકડો છે, તેનું બારણું સાંકડું છે અને જેઓને તે જડે છે તેઓ થોડા જ છે.

દરેક ઝાડ જે સારું ફળ નથી આપતું તે કપાય છે અને અગ્નિમાં નંખાય છે. તેથી તેઓનાં ફળથી તમે તેઓને ઓળખશો.

જેઓ મને 'પ્રભુ, પ્રભુ,' કહે છે, તેઓ સર્વ સ્વર્ગના રાજ્યમાં પ્રવેશશે એમ તો નહિ, પણ જેઓ મારા આકાશમાંના પિતાની ઇચ્છા પ્રમાણે કરે છે તેઓ જ પ્રવેશશે. તે દિવસે ઘણાં મને કહેશે કે, 'પ્રભુ, પ્રભુ,' શું અમે તમારે નામે પ્રબોધ કર્યો નહોતો? તમારે નામે ભૂતોને કાઢયાં નહોતાં? અને તમારે નામે ઘણાં પરાક્રમી કામો કર્યા નહોતાં? ત્યારે હું તેઓને સ્પષ્ટ કહીશ કે, મેં તમને કદી પણ ઓળખ્યા નહિ; ઓ દુષ્ટકર્મીઓ, તમે મારી પાસેથી દૂર જાઓ.

પણ રાજ્યના દીકરાઓ બહારના અંધકારમાં નંખાશે કે, જ્યાં રડવું અને દાંત પીસવું થશે."

શરીરને જેઓ મારી નાખે છે, પણ આત્માને મારી નાખી શકતા નથી, તેઓથી બીહો મા; પણ એના કરતાં આત્મા તથા શરીર એ બન્નેનો નાશ નર્કમાં કરી શકે છે તેનાથી ગભરાઓ.

સારું માણસ મનના સારા ભંડારમાંથી સારું કાઢે છે, ખરાબ માણસ મનના ખરાબ ભંડારમાંથી ખરાબ કાઢે છે. વળી હું તમને કહું છું કે, માણસો જે દરેક નકામી વાત બોલશે, તે સંબંધી ન્યાયકાળે તેઓને જવાબ આપવો પડશે. કેમ કે તારી વાતોથી તું ન્યાયી ઠરાવાશે; અને તારી વાતોથી અન્યાયી ઠરાવાશે."

ખેતર દુનિયા છે; સારાં બી રાજ્યના સંતાન છે; પણ કડવા દાણા શેતાનના સંતાન છે; જેણે વાવ્યાં તે દુશ્મન શેતાન છે; કાપણી જગતનો અંત છે; અને કાપનારાં સ્વર્ગદૂતો છે. એ માટે જેમ કડવા દાણા એકઠા કરાય છે, અને અગ્નિમાં બાળી નંખાય છે, તેમ આ જગતને અંતે થશે. માણસનો દીકરો પોતાના સ્વર્ગદૂતોને મોકલશે, પાપમાં પાડનારી બધી વસ્તુઓને તથા દુષ્ટતા કરનારાંઓને તેમના રાજ્યમાંથી તેઓ એકઠા કરશે. અને તેઓને બળતી ભઠ્ઠીમાં નાખી દેશે, ત્યાં રડવું ને દાંત પીસવું થશે.

એમ જ જગતને અંતે પણ થશે. સ્વર્ગદૂતો આવીને ન્યાયીઓમાંથી ભૂંડાઓને જુદાં પાડશે; અને તેઓ તેઓને બળતી ભઠ્ઠીમાં ફેંકી દેશે; ત્યાં રડવું ને દાંત પીસવું થશે.

હું પણ તને કહું છું કે તું પિતર છે અને આ પથ્થર પર હું મારી મંડળી સમુદાય સ્થાપીશ, તેની વિરુદ્ધ હાદેસની સત્તાનું જોર ચાલશે નહીં.

કેમ કે જો માણસ આખું ભૌતિક જગત મેળવે અને પોતાનું જીવન ગુમાવે, તો તેને શો લાભ થશે? વળી માણસ પોતાના જીવનને બદલે શું આપશે? કેમ કે માણસનો દીકરો પોતાના પિતાના મહિમામાં પોતાના સ્વર્ગદૂતો સહિત આવશે, ત્યારે તે દરેકને તેમના કાર્યો પ્રમાણે બદલો ભરી આપશે.

તેઓને કહ્યું કે, 'હું તમને નિશ્ચે કહું છું કે, જો તમે તમારું બદલાણ નહિ કરો, અને બાળકોના જેવા નહિ થાઓ તો સ્વર્ગના રાજ્યમાં તમે પ્રવેશ નહિ જ પામશો.

પણ આ નાનાંઓ જેઓ મારા પર વિશ્વાસ કરે છે, તેઓમાંના એકને જે કોઈ ઠોકર ખવડાવશે તે કરતાં તેને ગળે ભારે પથ્થર બંધાય અને તે સમુદ્રના ઊંડાણમાં ડુબાડાય એ તેને માટે સારું છે.

માટે જો તારો હાથ અથવા પગ તને ઠોકર ખવડાવે, તો તેને કાપી નાખીને તારી પાસેથી ફેંકી દે; તારા બે હાથ અથવા બે પગ છતાં તું અનંતઅગ્નિમાં નંખાય, તેના કરતાં હાથ અથવા પગે અપંગ થઈ જીવનમાં પેસવું એ તારે માટે સારું છે. જો તારી આંખ તને ઠોકર ખવડાવે, તો તેને કાઢી નાખીને તારી પાસેથી ફેંકી દે; બન્ને આંખ છતાં તું નરકાગ્નિમાં નંખાય, તેના કરતાં એક આંખ સાથે જીવનમાં પેસવું એ તારે માટે સારું છે.

મહેમાનોને જોવા સારુ રાજા અંદર આવ્યા, ત્યારે તેમણે ત્યાં લગ્નના વસ્ત્રો પહેર્યા વગરના એક માણસને જોયો. ત્યારે તે તેને કહે છે કે, 'ઓ મિત્ર, તું લગ્નનો પોશાક પહેર્યા વિના અહીં કેમ આવ્યો?' તે ચૂપ રહ્યો. ત્યારે રાજાએ ચાકરોને કહ્યું કે, 'તેના હાથપગ બાંધીને તેને બહારના અંધકારમાં ફેંકી દો; ત્યાં રડવું અને દાંત પીસવું થશે.'

ઓ સર્પો, સાપોના વંશ, નર્કની શિક્ષાથી તમે કેવી રીતે બચશો?

તે તેને કાપી નાખશે તથા તેનો ભાગ ઢોંગીઓની સાથે ઠરાવશે; ત્યાં રડવાનું તથા દાંત પીસવાનું થશે.

તેઓ તેલ ખરીદવા ગઈ એટલામાં વરરાજા આવી પહોંચ્યા, જેઓ તૈયાર હતી તેઓ તેમની સાથે લગ્નજમણમાં ગઈ અને બારણું બંધ કરવામાં આવ્યું. પછી મૂર્ખ કુમારિકાઓએ આવીને કહ્યું કે, 'ઓ સ્વામી, સ્વામી, અમારે સારુ ઉઘાડો.' પણ તેણે ઉત્તર દેતાં કહ્યું, હું તમને નિશ્ચે કહું છું કે હું તમને ઓળખતો નથી.

તે નકામા ચાકરને બહારના અંધકારમાં ફેંકી દો. ત્યાં તેણે રડવાનું તથા દાંત પીસવાનું થશે.

જયારે માણસના દીકરા [ઈસુ] પોતાના મહિમામાં સર્વ પવિત્ર સ્વર્ગદૂતો સાથે આવશે, ત્યારે તે પોતાના મહિમાના રાજ્યાસન પર બેસશે. સર્વ દેશજાતિઓ તેમની આગળ એકઠી કરાશે; અને જેમ ઘેટાંપાળક ઘેટાંને બકરાંથી જુદાં પાડે છે, તેમ તે તેઓને એકબીજાથી જુદા પાડશે. ઘેટાંને તે પોતાને જમણે હાથે, પણ બકરાંને ડાબે હાથે રાખશે.

પછી ડાબી તરફનાઓને પણ તે કહેશે કે, 'ઓ શાપિતો, જે અનંતઅગ્નિ શેતાન તથા તેના નર્કદૂતોને સારુ તૈયાર કરેલો છે, તેમાં તમે મારી આગળથી જાઓ. કેમ કે હું ભૂખ્યો હતો, પણ તમે મને ખવડાવ્યું નહિ, હું તરસ્યો હતો, પણ તમે મને [પાણી] પાયું નહિ; હું પારકો હતો, પણ તમે મને અતિથિ રાખ્યો નહિ; નિર્વસ્ત્ર હતો, પણ તમે મને વસ્ત્ર પહેરાવ્યાં નહિ; માંદો તથા જેલમાં હતો, પણ તમે મારી ખબર લીધી નહિ.' ત્યારે તેઓ પણ તેમને ઉત્તર આપશે કે, 'પ્રભુ, ક્યારે અમે તમને ભૂખ્યા, તરસ્યા, પારકા, નિર્વસ્ત્ર, માંદા કે જેલમાં જોઈને તમારી સેવા નથી કરી?' ત્યારે ઈસુ તેઓને ઉત્તર આપશે કે, 'હું તમને નિશ્ચે કહું છું કે, 'આ બહુ નાનાઓમાંથી એકને તમે તે કર્યું નહિ, એટલે તે મને કર્યું નહિ.' તેઓ અનંતકાળિક સજા માટે જશે, પણ ન્યાયીઓ અનંતજીવનમાં પ્રવેશશે.'

પણ જે કોઈ પવિત્ર આત્માની વિરુદ્ધ દુર્ભાષણ કરશે તેને માફી કદી મળશે નહિ; પણ તેને માથે અનંતકાળના પાપનો દોષ રહે છે.'

કેમ કે જો માણસ આખું ભૌતિક જગત મેળવે પણ તેના જીવની હાનિ થાય, તો તેથી તેને શો લાભ થાય? વળી માણસ પોતાના જીવનને બદલે શું આપશે?

જે નાનાંઓ મારા પર વિશ્વાસ કરે છે, તેઓમાંના એકને જે કોઈ ઠોકર ખવડાવે, તેને માટે તે કરતાં આ સારું છે કે ઘંટીનો પથ્થર તેના ગળે બંધાય અને તે સમુદ્રમાં નંખાય. જો તારો હાથ તને ઠોકર ખવડાવે, તો તેને કાપી નાખ; તને બે હાથ હોવા છતાં નર્કમાં ન હોલવાનાર અગ્નિમાં જવું પડે તે કરતાં હાથ વિનાનો થઈને જીવનમાં પેસવું એ તારે માટે સારું છે. જો તારો પગ તને ઠોકર ખવડાવે, તો તેને કાપી નાખ; તને બે પગ હોવા છતાં નર્કમાં ન હોલવાનાર અગ્નિમાં નંખાવું પડે તે કરતાં અપંગ થઈને જીવનમાં પેસવું એ તારે માટે સારું છે. જો તારી આંખ તને ઠોકર ખવડાવે તો તેને કાઢી નાખ; તને બે આંખ હોવા છતાં નર્કાગ્નિમાં નંખાવું, કે જ્યાં તેઓનો કીડો મરતો નથી અને અગ્નિ હોલવાતો નથી તે કરતાં આંખ વિનાના થઈને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવું એ તારે માટે સારું છે.

જે કોઈ વિશ્વાસ કરે તથા બાપ્તિસ્મા લે, તે ઉદ્ધાર પામશે; પણ જે વિશ્વાસ નહિ કરે, તે અપરાધી ઠરશે.

તેમનું સૂપડું તેમના હાથમાં છે, તે પોતાની ખળીને પૂરેપૂરી સાફ કરશે અને ઘઉં તે પોતાની વખારમાં ભરશે; પણ ભૂસું ન હોલવાનાર અગ્નિમાં બાળી નાખશે.'

ઈસુએ તેને પૂછ્યું કે, 'તારું નામ શું છે?' તેણે કહ્યું કે, 'સેના,' કેમ કે તેનામાં ઘણાં દુષ્ટાત્માઓ હતાં. દુષ્ટાત્માઓએ ઈસુને વિનંતી કરી કે, 'અમને નીકળીને અનંતઊંડાણમાં જવાનો હુકમ ન કરો.'

જો કોઈ માણસ આખું ભૌતિક જગત જીતે પણ પોતાની જાતને ખોઈ બેસે અથવા તેને હાનિ પહોંચવા દે તો તેને શો લાભ?

વળી, ઓ કપર-નાહૂમ, તું સ્વર્ગ સુધી ઊંચું કરાશે શું? તને હાદેસ સુધી નીચું કરી નંખાશે. જે કોઈ તમારું સાંભળે છે તે મારું સાંભળે છે; અને જે તમારો નકાર કરે છે તે મારો પણ નકાર કરે છે; અને જે મારો નકાર કરે છે તે મારા મોકલનાર ઈશ્વરનો નકાર કરે છે.'

પણ તમારે કોનાથી બીવું તે વિષે હું તમને જણાવું છું; કે 'મારી નાખ્યા પછી નર્કમાં નાખી દેવાનો જેમને અધિકાર છે તે ઈશ્વરથી તમે ડરજો; હા, હું તમને કહું છું કે, તેમની બીક રાખજો.

હું તમને કહું છું કે ના; પણ જો તમે પસ્તાવો નહિ કરો, તો તમે પણ એ જ રીતે નાશ પામશો.

એક માણસે ઈસુને પૂછ્યું કે, 'પ્રભુ, ઉદ્ધાર પામનાર લોકો થોડા છે શું?' પછી ઈસુએ તેઓને કહ્યું કે, 'સાંકડા દરવાજામાં થઈને પ્રવેશ કરવા કષ્ટ કરો, કારણ, હું તમને કહું છું કે ઘણાં અંદર પ્રવેશ કરવા માગશે, પણ અંદર પ્રવેશી શકશે નહિ. જયારે ઘરનો માલિક ઊઠીને બારણું બંધ કરશે, અને તમે બહાર ઊભા રહીને બારણું ખટખટાવીને કહેશો કે, 'પ્રભુ, પ્રભુ, અમારે માટે બારણાં ઉઘાડો'; અને તે તમને ઉત્તર આપતાં કહેશે કે, 'હું તમને ઓળખતો નથી કે તમે ક્યાંનાં છો'? ત્યારે તમે કહેશો કે, અમે તારી સમક્ષ ખાધું પીધું હતું અને તમે અમારા રસ્તાઓમાં બોધ કર્યો હતો. પણ તે કહેશે કે, હું તમને કહું છું કે, તમે ક્યાંનાં છો એ હું જાણતો નથી; હે અન્યાય કરનારાઓ, તમે લોકો મારી પાસેથી દૂર જાઓ. જયારે તમે ઇબ્રાહિમને, ઇસહાકને, યાકૂબને અને બધા પ્રબોધકોને ઈશ્વરના રાજ્યમાં જોશો, અને પોતાને બહાર કાઢી મૂકેલા જોશો, જ્યાં રડવું અને દાંત પીસવું થશે.

એક શ્રીમંત માણસ હતો, તે કિરમજી રંગના પાતળા વસ્ત્ર પહેરતો હતો, અને નિત્ય મોજમઝામાં રહેતો હતો. લાજરસ નામે એક ભિખારી જેને આખા શરીરે ફોલ્લા હતા, તે તેના દરવાજા આગળ પડી રહેતો હતો. શ્રીમંતની મેજ પરથી પડેલા ભોંયમાંના કકડા વડે તે પેટ ભરવા ચાહતો હતો; વળી કૂતરા પણ આવીને તેના ફોલ્લા ચાટતા હતા. પછી એમ થયું કે તે ભિખારી મરણ પામ્યો, સ્વર્ગદૂતો તેને ઇબ્રાહિમની ગોદમાં લઈ ગયા; અને શ્રીમંત માણસ પણ મરણ પામ્યો અને તેને દફનાવવામાં આવ્યો. હાદેસમાં પીડા ભોગવતાં તેણે પોતાની આંખો ઊંચી કરીને દૂરથી ઇબ્રાહિમને તથા તેના ખોળામાં લાજરસને જોયા. તેણે બૂમ પાડીને કહ્યું કે, પિતા ઇબ્રાહિમ, મારા પર દયા કરીને લાજરસને મોકલ, કે તે પોતાની આંગળી પાણીમાં બોળીને મારી જીભને ઠંડી કરે, કેમ કે આ આગમાં હું વેદના પામું છું. પણ ઇબ્રાહિમે તેને કહ્યું, દીકરા, યાદ કર કે તારા જીવનમાં તું સારી સામગ્રી પામ્યો, અને લાજરસ તો તેવું પામ્યો ન હતો; પણ હમણાં અહીં તે દિલાસો પામે છે, અને તું વેદના પામે છે. વળી તે સર્વ ઉપરાંત અમારી તથા તમારી વચ્ચે મોટી ખાઈ આવેલી છે, એ માટે કે જેઓ અહીંથી તમારી પાસે આવવા ચાહે, તેઓ ત્યાં આવી ન શકે, અને ત્યાંથી કોઈ અમારી પાસે આ બાજુ પણ આવી શકે નહિ. તેણે કહ્યું કે, પિતા, એ માટે હું તમને વિનંતી કરું છું કે, [લાજરસને] મારા પિતાને ઘરે મોકલો, કેમ કે મારા પાંચ ભાઈઓ છે. લાજરસ તેઓને સાક્ષી આપે, એમ ન થાય કે તેઓ પર પણ આ પીડા આવી પડે. પણ ઇબ્રાહિમે કહ્યું, તેઓની પાસે મૂસા (નું નિયમશાસ્ત્ર) તથા પ્રબોધકો છે; તેઓનું તેઓ સાંભળે. અને તેણે કહ્યું કે, પિતા ઇબ્રાહિમ, એમ નહિ, પણ જો કોઈ મૃત્યુમાંથી [સજીવન પામીને] તેઓની પાસે જાય, તો તેઓ પસ્તાવો કરે. અને તેણે [ઇબ્રાહિમે] તેને કહ્યું કે, જો તેઓ મૂસા (નું નિયમશાસ્ત્ર) તથા પ્રબોધકોનું નહિ સાંભળે, તો પછી મૃત્યુ પામેલાઓમાંથી કોઈ ઊઠીને જાય, તોપણ તેઓ માનવાના નથી.'

કેમ કે ઈશ્વરે માનવજગત પર એટલો બધો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનો એક દીકરો આપ્યો, એ સારુ કે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંતજીવન પામે. કેમ કે માનવજગતને દોષિત ઠરાવવા માટે નહિ, પણ તેમનાંથી માનવજગતનો ઉદ્ધાર થાય, માટે ઈશ્વરે પોતાના દીકરા ઈસુને દુનિયામાં મોકલ્યા છે. તેમના પર જે વિશ્વાસ કરે છે, તે અપરાધી ઠરતો નથી; પણ જે વિશ્વાસ નથી કરતો, તે અપરાધી ગણાઈ ચૂક્યો છે, કેમ કે ઈશ્વરના એકનાએક દીકરા ઈસુના નામ પર તેણે વિશ્વાસ કર્યો નથી. અપરાધી ઠરાવવાંનું કારણ એ છે કે, દુનિયામાં અજવાળું આવ્યા છતાં લોકોએ અજવાળાને બદલે અંધારું પસંદ કર્યું; કેમ કે તેઓનાં કામ દુષ્ટ હતાં. કેમ કે જે કોઈ દુષ્ટ કામો કરે છે તે અજવાળાનો દ્વેષ કરે છે અને પોતાનાં કામ ખુલ્લાં ન પડે માટે તે અજવાળા પાસે આવતો નથી.

દીકરા પર જે વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે; પણ દીકરા વિષે ન સમજનાર જીવન નહિ જોશે, પણ તેના પર ઈશ્વરનો કોપ રહે છે.'

તેથી તમે આશ્ચર્ય ન પામો; કેમ કે એવો સમય આવે છે કે જયારે સર્વ જેઓ કબરમાં છે તેઓ તેમના વચન સાંભળશે; અને જેઓએ સારાં કામ કર્યા છે, તેઓ જીવનનું મરણોત્થાન પામવા માટે અને જેઓએ ખરાબ કામ કર્યાં છે, તેઓ શિક્ષાત્મક મરણોત્થાન પામવા માટે, નીકળી આવશે.

જો કોઈ મારામાં રહેતો નથી, તો ડાળીની પેઠે તેને બહાર ફેંકી દેવામાં આવે છે; નાખી દેવાયેલી ડાળીઓ સુકાઈ જાય છે; પછી લોક તેઓને એકઠી કરીને અગ્નિમાં નાખે છે અને તેઓને બાળવામાં આવે છે.

કેમ કે તમે મારા આત્માને હાદેસમાં રહેવા દેશો નહિ, વળી તમે તમારા પવિત્રને કોહવાણ પણ જોવા દેશો નહિ.

એવું અગાઉથી જાણીને તેણે ખ્રિસ્તનાં મરણોત્થાન વિષે કહ્યું કે, તેમને હાદેસમાં રહેવા દેવામાં આવ્યા નહિ, અને તેમના દેહને સડી જવા દીધો નહીં.

કેમ કે જે મનુષ્યો દુષ્ટતાથી સત્યને દબાવી રાખે છે તેઓની સર્વ વિધ્રોહ અને અન્યાય પર સ્વર્ગમાંથી ઈશ્વરનો કોપ પ્રગટ થયેલો છે. કારણ કે ઈશ્વર વિષે જે જાણી શકાય તે તેઓમાં પ્રગટ કરાયેલું છે; ઈશ્વરે તેઓને પ્રગટ કર્યું છે. તેમની અદ્રશ્ય બાબતો, એટલે તેમનું અનંતકાળિક સામર્થ્ય અને ઈશ્વરીય સ્વભાવ સૃષ્ટિની ઉત્પત્તિના સમયથી સૃજેલી વસ્તુઓ ધ્યાનમાં લેવાથી સ્પષ્ટ જણાય છે. તેથી તેઓ બહાના વગરનાં છે. કારણ કે ઈશ્વરને ઓળખીને તેઓએ તેમને ઈશ્વર તરીકે મહિમા આપ્યો નહિ કે આભાર માન્યો નહિ, પણ તેઓના તર્કવિર્તકોમાં મૂર્ખ બન્યા અને તેઓનાં નાસમજ મન અંધકારમય થયાં. પોતે બુદ્ધિવાન છીએ એવો દાવો કરતાં તેઓ મૂર્ખ થયા;

તું તો તારા કઠણ અને પશ્ચાતાપ વિનાના હૃદયને લીધે પોતાને સારુ ઈશ્વરી કોપના દિવસને માટે કોપનો સંગ્રહ કરે છે કે જયારે ઈશ્વરનો સચોટ ન્યાયચૂકાદો જાહેર થશે. તે દરેકને પોતપોતાનાં કામ પ્રમાણે બદલો આપશે. એટલે જેઓ ધીરજથી સારાં કામ કરીને, પ્રશંસા, માન અને અવિનાશીપણું શોધે છે, તેઓને અનંતજીવન; પણ જેઓ સ્વાર્થી, સત્યનું પાલન ન કરનારા પણ અન્યાયનું પાલન કરનાર છે,

કેમ કે પાપનું પરિણામ મૃત્યુ છે, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વરનું કૃપાદાન અનંતજીવન છે.

તેથી જેઓ ખ્રિસ્ત ઈસુમાં છે તેઓને હવે કોઈ શિક્ષા નથી. કેમ કે ઈસુ ખ્રિસ્તમાં જીવનનાં આત્માનો જે નિયમ છે તેણે મને પાપના તથા મરણના નિયમથી મુક્ત કર્યો છે.

ઓ વહાલાંઓ, તમે સામું વૈર ન વાળો, પણ ઈશ્વરના કોપને માટે માર્ગ મૂકો; કેમ કે લખેલું છે કે, પ્રભુ કહે છે કે, 'વૈર વાળવું એ મારું કામ છે; હું બદલો લઈશ.'

એવું લખેલું છે કે, પ્રભુ કહે છે કે, મારા જીવના સમ કે, દરેક ધૂંટણ મારી આગળ વાંકો વળશે અને દરેક જીભ ઈશ્વરની સ્તુતિ કરશે. એ માટે આપણ પ્રત્યેકને પોતપોતાનો હિસાબ ઈશ્વરને આપવો પડશે.

કેમ કે દરેકે શરીરથી જે કર્યું છે, સારુ કે ખરાબ હોય, તે પ્રમાણે તે બદલો પામવા સારુ આપણને સર્વને ખ્રિસ્તનાં ન્યાયાસનની આગળ હાજર થવું પડશે. માટે પ્રભુનો ડર રાખીને અમે માણસોને સમજાવીએ છીએ; અમે ઈશ્વર આગળ પ્રગટ થયા છીએ તે સાથે મારી આશા છે કે તમારાં અંતઃકરણોમાં પણ પ્રગટ થયા છીએ.

પણ જે દુષ્ટતા કરે છે તેને તેની દુષ્ટતાનો બદલો મળશે; '[પ્રભુ પાસે] પક્ષપાત નથી.

જેઓએ ઈશ્વરને ઓળખ્યા નથી અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તાને આધીન થયા નથી તેઓને તે દઝાડતા અગ્નિથી બદલો વાળશે. પ્રભુની સમક્ષતામાંથી તથા તેમના સામર્થ્યના મહિમાથી દૂર રહેવાની અનંતકાળિક નાશની સજા તેઓ તે દિવસે પામશે

જેમ માણસોને એક વખત મરવાનું, અને ત્યાર બાદ તેઓનો ન્યાય થાય એવું નિર્માણ થયેલું છે.

કેમ કે આપણને સત્યની ઓળખ પ્રાપ્ત થયા પછી પણ જો આપણે જાણીજોઈને પાપ કરીએ, તો હવે પછી પાપોને માટે બીજું બલિદાન રહેતું નથી, પણ ન્યાયચૂકાદાની ભયાનક પ્રતિક્ષા તથા વૈરીઓને ખાઈ જનાર અગ્નિનો કોપ એ જ બાકી રહેલું છે.

તો જેણે ઈશ્વરના પુત્રને પગ નીચે કચડ્યા છે અને કરારના જે રક્તથી પોતે પવિત્ર થયા હતા તેમને અશુદ્ધ ગણ્યા છે અને જેણે કૃપાના આત્માનું અપમાન કર્યું છે, તે કેટલી બધી સખત શિક્ષાને પાત્ર થશે, તે વિષે તમે શું ધારો છો? કેમ કે 'બદલો વાળવો એ મારું કામ છે, હું બદલો વાળી આપીશ.' ત્યાર બાદ ફરી, 'પ્રભુ પોતાના લોકોનો ન્યાય કરશે,' એવું જેમણે કહ્યું તેમને આપણે ઓળખીએ છીએ. જીવતા ઈશ્વરના હાથમાં પડવું એ અતિ ભયંકર છે.

કેમ કે ખ્રિસ્તે પણ એક વાર પાપોને સારુ, એટલે ન્યાયીએ અન્યાયીઓને બદલે સહ્યું કે, જેથી તેઓ આપણને ઈશ્વર પાસે લાવે; તેમને મનુષ્યદેહમાં મારી નંખાયા, પણ આત્મામાં સજીવન કરવામાં આવ્યા. તે આત્મામાં પણ તેમણે જઈને બંદીખાનામાં પડેલા આત્માઓને ઉપદેશ કર્યો.

જેમ [ઇઝરાયલી] લોકોમાં જૂઠાં પ્રબોધકો ઊભા થયા હતા, તેમ તમારામાં પણ ખોટા ઉપદેશકો થશે. તેઓ ગુપ્ત રીતે નાશકારક પાખંડી મતો ફેલાવશે અને જે પ્રભુએ તેઓનો ઉદ્ધાર કર્યો તેનો પણ નકાર કરીને જલદીથી પોતાનો જ વિનાશ કરશે. તેઓના ભ્રષ્ટાચારમાં ઘણાં માણસો ચાલશે; અને તેઓને લીધે સત્યનાં માર્ગનો તિરસ્કાર થશે. તેઓ દ્રવ્યલોભથી કપટી વાતો બોલીને તમારું શોષણ કરશે; તેઓને માટે અગાઉથી ઠરાવેલી સજામાં વિલંબ કે તેઓના નાશમાં ઢીલ થશે નહિ.

કેમ કે જે નર્કદૂતોએ પાપ કર્યું તેઓને ઈશ્વરે છોડ્યાં નહિ, પણ તેઓને નર્કમાં નાખીને ન્યાયચૂકાદા સુધી અંધકારનાં ખાડાઓમાં રાખ્યા; તેમ જ [ઈશ્વરે] પુરાતન માનવજગતને છોડ્યું નહિ, પણ અધર્મી જગત પર જળપ્રલય લાવીને ન્યાયીપણાના ઉપદેશક નૂહને તથા તેની સાથેનાં સાત માણસોને બચાવ્યાં; અને અધર્મીઓને જે થનાર છે ઉદાહરણ આપવા સારુ સદોમ તથા ગમોરા શહેરોને બાળીને ભસ્મ કર્યાં, અને તેઓને પાયમાલ કરીને તેઓને શિક્ષા કરી; અને ન્યાયી લોત જે અધર્મીઓના દુરાચારથી ત્રાસ પામતો હતો તેને છોડાવ્યો, કેમ કે તે પ્રામાણિક માણસ જયારે તેઓની સાથે રહેતો હતો ત્યારે તેઓનાં ખરાબ કામ જોઈને તથા સાંભળીને તે પોતાના ન્યાયી આત્મામાં નિત્ય દુઃખ પામતો હતો. પ્રભુ ભક્તોને પરીક્ષણમાંથી છોડાવવાનું જાણે છે, અને અન્યાયીઓને તથા વિશેષે કરીને જેઓ દુર્વાસનાઓથી દૈહિક વિકારો પ્રમાણે ચાલે છે, અને પ્રભુના અધિકારને તુચ્છ ગણે છે તેઓને ન્યાયકાળ સુધી શિક્ષાને માટે રાખી મૂકવાનું તે જાણે છે. તેઓ ઉદ્ધત તથા સ્વછંદી થઈને આકાશી જીવોની નિંદા કરતાં પણ ડરતા નથી. પરંતુ સ્વર્ગદૂતો વિશેષ બળવાન તથા પરાક્રમી હોવા છતાં પ્રભુની આગળ તેઓની નિંદા કરીને તેઓ પર દોષ મૂકતા નથી.

તેઓ પાણી વગરના ઝરા જેવા તથા તોફાનથી ઘસડાતી ધૂમર જેવા છે, તેઓને સારુ ઘોર અંધકાર રાખેલો છે.

પણ હમણાંનાં આકાશ તથા પૃથ્વી તે જ શબ્દથી ન્યાયકાળ તથા અધર્મી માણસોના નાશના દિવસ સુધી રાખી મૂકેલાં છતાં બાળવાને માટે તૈયાર રાખેલાં છે.

વિલંબનો જેવો અર્થ કેટલાક લોકો કરે છે, તેમ પ્રભુ પોતાના આશાવચન સંબંધી વિલંબ કરતા નથી, પણ કોઈનો નાશ ન થાય પણ બધાં પસ્તાવો કરે, એવું ઇચ્છીને પ્રભુ તમારે વિષે ધીરજ રાખે છે.

દરેક જે પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે તે હત્યારો છે. અને તમે જાણો છો કે કોઈ હત્યારામાં અનંતજીવન રહેતું નથી.

આ સાક્ષી એવી છે કે ઈશ્વરે આપણને અનંતજીવન આપ્યું છે અને એ જીવન તેમના પુત્ર ઈસુમાં છે. જેની પાસે ઈશ્વરના પુત્ર છે તેને જીવન છે. જેની પાસે ઈશ્વરના પુત્ર નથી, તેને જીવન નથી.

કેમ કે જેઓને શિક્ષાને માટે અગાઉથી નિર્માણ કરવામાં આવ્યા છે, તેવા કેટલાક માણસો ગુપ્ત રીતે આપણામાં આવ્યાં છે; તેઓ અધર્મી છે અને આપણા ઈશ્વરની કૃપાનો ઉપયોગ હવસખોરીમાં કરે છે અને ઈસુ ખ્રિસ્ત જે આપણા એકલા પ્રભુ તથા ઈશ્વર છે તેમનો ઇનકાર કરે છે.

અને જે નર્કદૂતોએ પોતાનું સ્થાન જાળવી રાખ્યું નહિ, પણ છોડી દીધું, તેઓને મોટા દિવસના ન્યાયચૂકાદા સુધી તેમણે અંધકારમાંના સનાતન બંધનમાં રાખ્યા છે. તેમ જ સદોમ તથા ગમોરા અને તેઓની આસપાસનાં શહેરો, એ જ રીતે વ્યભિચારમાં અને અનુચિત દુરાચારમાં ગરક થઈને, અનંતઅગ્નિ દંડ સહન કરીને ચેતવણી માટે નમૂનારૂપ જાહેર થયેલાં છે.

તેઓ તમારી સાથે ખાય છે ત્યારે તમારાં પ્રેમભોજનોમાં કલંકરૂપ છે. તેઓ નીડરતાથી પોતાનું પોષણ કરે છે; તેઓ પવનોથી હડસેલાતાં નિર્જળ વાદળાં છે; તેઓ પાંદડાં વગરનાં, ફળરહિત, બે વખત મરેલાં તથા ઉખેડી નાખવામાં આવેલાં વૃક્ષો છે; તેઓ પોતાની બદનામીનું ફીણ કાઢનારાં, સમુદ્રનાં વિકરાળ મોજાંઓ છે; તેઓ ભટકનારા તારા છે કે, જેઓને માટે ઘોર અંધકાર સર્વકાળ સુધી રાખેલો છે.

અને કેટલાકને અગ્નિમાંથી બહાર ખેંચી લાવીને બચાવો; અને કેટલાક પર ભયસહિત દયા રાખો અને દેહથી ડાઘ લાગેલા વસ્ત્રનો તિરસ્કાર કરો.

અને જે જીવંત છે તે હું છું, હું મૃત્યુ પામ્યો હતો અને જુઓ, હવે હું સદાકાળ જીવતો છું; મરણ તથા હાદેસની ચાવીઓ મારી પાસે છે.

આત્મા મંડળીને જે કહે છે, તે જેને કાન છે તે સાંભળે; જે જીતે છે તેને બીજા મરણનું દુઃખ ભોગવવું પડશે નહિ.

જયારે પાંચમા સ્વર્ગદૂતે રણશિંગડું વગાડ્યું, ત્યારે મેં એક તારો આકાશથી પૃથ્વી પર પડેલો જોયો; તેને અનંતઊંડાણની ખાઈની ચાવી અપાઈ. તેણે અનંતઊંડાણની ખાઈને ખોલી. તો તેમાંથી મોટી ભઠ્ઠીમાંથી નીકળતો હોય તેવો ધુમાડો નીકળ્યો તેનાથી સૂર્ય તથા હવા અંધકારમય થઈ ગયા.

પછી તેઓની પાછળ ત્રીજો સ્વર્ગદૂત આવીને ઊંચા અવાજે બોલ્યો કે, હિંસક પશુને તથા તેની મૂર્તિને જો કોઈ પૂજે અને તેની છાપ પોતાના કપાળ પર અથવા પોતાના હાથ પર લગાવે, તો તે પણ ઈશ્વરના કોપરૂપી દ્રાક્ષારસ, જે તેમના ક્રોધના પ્યાલામાં પૂરો રેડેલો છે, તે પીવો પડશે; અને પવિત્ર સ્વર્ગદૂતોની તથા હલવાનની સમક્ષ અગ્નિમાં તથા ગંધકમાં તે દુઃખ ભોગવશે; તેઓની પીડાનો ધુમાડો સદાસર્વકાળ સુધી ઉપર ચઢ્યાં કરે છે; જેઓ હિંસક પશુની તથા તેની મૂર્તિની ઉપાસના કરે છે તથા જે કોઈ તેના નામની છાપ લગાવે છે, તેઓને રાતદિવસ આરામ નથી.

જે હિંસક પશુ હતું અને નથી, તે જ વળી આઠમો રાજા છે, અને તે સાતમાંનો એક છે; તે નાશમાં જાય છે.

તેણે ઊંચા અવાજે કહ્યું કે, 'પડ્યું રે, પડ્યું, મોટું બાબિલોન પડ્યું. અને તે દુષ્ટાત્માઓનું નિવાસસ્થાન તથા દરેક અશુદ્ધ આત્માનું અને અશુદ્ધ તથા ધિક્કારપાત્ર પક્ષીનો વાસો થયું છે. કેમ કે તેના વ્યભિચારને લીધે રેડાયેલો કોપરૂપી દ્રાક્ષારસ સર્વ દેશના લોકોએ પીધો છે; દુનિયાના રાજાઓએ તેની સાથે વ્યભિચાર કર્યો છે, અને વેપારીઓ તેના પુષ્કળ મોજશોખથી ધનવાન થયા છે.

દીવાનું અજવાળું તારામાં ફરી પ્રકાશશે નહિ અને વર તથા કન્યાનો અવાજ તારામાં ફરી સંભળાશે નહીં! કેમ કે તારા વેપારીઓ પૃથ્વીના મહાન પુરુષો હતા. તારી જાદુ ક્રિયાથી સર્વ દેશમાંના લોકો ભુલાવામાં પડ્યા. અને પ્રબોધકોનું, સંતોનું તથા પૃથ્વી પર જેઓ મારી નંખાયા છે, તે સઘળાનું લોહી પણ તેમાંથી જડ્યું હતું.'

કેમ કે તેમના ન્યાયચુકાદા સત્ય તથા યથાર્થ છે; કેમ કે જે મોટી વારાંગનાએ પોતાના વ્યભિચારથી પૃથ્વીને ભ્રષ્ટ કરી, તેનો તેમણે ન્યાય કર્યો છે અને તેની પાસેથી પોતાના સેવકોના લોહીનો બદલો લીધો છે. તેઓએ ફરીથી કહ્યું કે, 'હાલેલુયા, તેનો (વારાંગનાનો) ધુમાડો સદાસર્વકાળ ઉપર ચઢે છે.'

લોહીથી છંટાયેલો ઝભ્ભો તેમણે પહેર્યો છે; તેમનું નામ 'ઈશ્વરનો શબ્દ' છે. સ્વર્ગનાં સૈન્ય તે શ્વેત ઘોડા પર સફેદ તથા શુદ્ધ બારીક શણનાં વસ્ત્રો પહેરીને તેમની પાછળ પાછળ ચાલ્યા. તેમના મોમાંથી ધારવાળી તલવાર નીકળે છે; એ માટે કે તેનાથી વિદેશીઓને તે મારે, અને લોખંડના દંડથી તેઓ પર તે સત્તા ચલાવશે! અને સર્વસમર્થ ઈશ્વરના ભારે કોપનો દ્રાક્ષકુંડ તે ખૂંદે છે.

મેં એક સ્વર્ગદૂતને સૂર્યમાં ઊભો રહેલો જોયો, અને તેણે આકાશમાં ઊડનારાં સર્વ પક્ષીઓને મોટે અવાજે હાંક મારી કે, 'તમે આવો અને ઈશ્વરના મોટા જમણને સારુ ભેગા થાઓ; એ સારુ કે રાજાઓનું, સેનાપતિઓનું, શૂરવીરોનું, ઘોડાઓનું, સવારોનું, સ્વતંત્ર તથા દાસોનું, નાના તથા મોટાનું માંસ તમે ખાઓ."

હિંસક પશુ પકડાયું, અને તેની સમક્ષ જે જૂઠાં પ્રબોધકે ચમત્કારિક ચિહ્નો દેખાડીને હિંસક પશુની છાપ લેનારાઓને તથા તેની મૂર્તિની ઉપાસના કરનારાઓને ભમાવ્યા હતા તેને પણ તેની સાથે પકડવામાં આવ્યો. એ બન્નેને ગંધકથી બળનારી અગ્નિની ખાઈમાં જીવતા જ ફેંકવામાં આવ્યા. અને જેઓ બાકી રહ્યા તેઓને ઘોડા પર બેઠેલાના મોમાંથી જે તલવાર નીકળી તેનાથી મારી નાખવામાં આવ્યા; અને તેઓના માંસથી સઘળાં પક્ષી તૃપ્ત થયાં.

મેં એક સ્વર્ગદૂતને સ્વર્ગથી ઊતરતો જોયો, તેની પાસે અનંતઊંડાણની ચાવી હતી, અને તેના હાથમાં મોટી સાંકળ હતી. તેણે પેલા અજગરને જે ઘરડો સર્પ, દુષ્ટ તથા શેતાન છે, તેને પકડ્યો. અને હજાર વર્ષ સુધી તેને બાંધી રાખ્યો. અને તેણે તેને અનંતઊંડાણમાં ફેંકીને તે બંધ કર્યું, અને તેને સીલ કર્યું, એ માટે કે તે હજાર વર્ષ પૂરાં થતાં સુધી તે ફરી લોકોને ભુલાવે નહિ; ત્યાર પછી થોડીવાર સુધી તે છૂટો કરવામાં આવશે.

જયારે તે હજાર વર્ષ પૂરાં થશે ત્યારે શેતાનને તેના બંધનમાંથી મુક્ત કરવામાં આવશે. અને તે પૃથ્વી પર ચારે ખૂણામાં રહેતા લોકોને, ગોગ તથા માગોગને ગેરમાર્ગે દોરીને લડાઈને સારુ તેઓને એકઠા કરવાને બહાર આવશે; તેઓની સંખ્યા સમુદ્રની રેતી જેટલી છે. તેઓ પૃથ્વીની આખી સપાટી પર ગયા અને તેઓએ સંતોની છાવણીને તથા પ્રિય શહેરને ઘેરી લીધું; પણ સ્વર્ગમાંથી અગ્નિ ઊતર્યો અને તેઓનો સંહાર કર્યો. શેતાન જે તેઓને ભમાવનાર હતો, તેને અગ્નિ તથા ગંધકની ખાઈમાં, જ્યાં હિંસક પશુ તથા જૂઠો પ્રબોધક છે, ત્યાં ફેંકી દેવામાં આવ્યો. ત્યાં રાતદિવસ સદાસર્વકાળ સુધી તેઓ પીડા ભોગવશે.

પછી મેં મોટા સફેદ રાજ્યાસનને તથા તેના પર જે બેઠેલા હતા તેમને જોયા, તેમની સન્મુંખથી પૃથ્વી તથા આકાશ જતા રહ્યાં. અને તેઓને માટે કોઈ સ્થાન મળ્યું નહિ. પછી મેં મૂએલાંને, મોટાં તથા નાનાં સર્વને ઈશ્વરની સમક્ષ ઊભા રહેલાં જોયાં; અને પુસ્તકો ઉઘાડવામાં આવ્યાં, અને બીજું પુસ્તક જે જીવનનું છે તે પણ ઉઘાડવામાં આવ્યું. અને તે પુસ્તકોમાં જે જે લખ્યું હતું તે પરથી મૃત્યુ પામેલાંનો તેઓની કરણીઓ પ્રમાણે, ન્યાય કરવામાં આવ્યો. સમુદ્રે પોતાનામાં જે મૃત્યુ પામેલાં હતાં તેઓને પાછા આપ્યાં, અને મરણે તથા હાદેસે પણ પોતાનામાં જે મૃત્યુ પામેલાં હતાં, તેઓને પાછા આપ્યાં; અને દરેકનો ન્યાય તેની કરણી પ્રમાણે કરવામાં આવ્યો. મૃત્યુ તથા હાદેસ અગ્નિની ખાઈમાં ફેંકાયાં. અગ્નિની ખાઈ એ જ બીજું મરણ છે. જે કોઈનું નામ જીવનપુસ્તકમાં નોંધાયેલું જણાયું નહિ તેને અગ્નિની ખાઈમાં ફેંકી દેવામાં આવ્યો.

પણ બીકણો, અવિશ્વાસીઓ, દુર્જનો, હત્યારાઓ, વ્યભિચારીઓ, તાંત્રિકો, મૂર્તિપૂજકો તથા સઘળા જૂઠું બોલનારાઓને, અગ્નિ તથા ગંધકથી બળનારી ખાઈમાં ફેંકવામાં આવશે. એ જ બીજું મરણ છે."

જે અન્યાયી છે તે હજી અન્યાય કર્યા કરે, જે મલિન છે તે હજુ મલિન થતો જાય, અને જે ન્યાયી છે તે ન્યાયી કૃત્યો કર્યો કરે, અને જે પવિત્ર છે તે પવિત્ર થતો જાય.

આ પુસ્તકમાંના ભવિષ્યવચનો જે કોઈ સાંભળે છે તેને હું સોગન દઈને કહું છું, 'જો કોઈ તેઓમાં વધારો કરશે તો તેના પર ઈશ્વર આ પુસ્તકમાં લખેલી આફતો વધારશે; અને જો કોઈ આ ભવિષ્યવચનના પુસ્તકનાં વચનોમાંથી કંઈ પણ રદ કરશે, તો ઈશ્વર તેનો ભાગ જીવનનાં વૃક્ષમાંથી તથા પવિત્ર નગરમાંથી, જેમનાં વિષે આ પુસ્તકમાં લખેલું છે તેમાંથી કાઢી નાખશે.'

Gujarati - ગુજરાતી - GU

GUBCS - Gujarati Bridge Connectivity Solutions - 2017

This Bible text is from Gujarati Indian Revised Version IRV
https://open.bible/bibles/gujarati-bridge-text-bible/
provided by: Bridge Connectivity Solutions Pvt Ltd, available by Creative Commons CC-BY-SA-4.0,
and this new compilation is shared as www.creativecommons.org/licenses/by-sa/4.0.
Languages are made available to you by www.ipedge.net