24 – કુટુંબ
આ સર્વશક્તિમાન ઈશ્વરના પવિત્ર શબ્દો છે.
આપણને મનુષ્યના શબ્દોમાં રસ નથી.
જે કોઈ પણ ઈશ્વરને પ્રેમ કરે છે તેના માટે... ઈશ્વર આના વિશે કહે છે: કુટુંબ.
આ સર્વશક્તિમાન ઈશ્વરના પવિત્ર શબ્દો છે.
આપણને મનુષ્યના શબ્દોમાં રસ નથી.
જે કોઈ પણ ઈશ્વરને પ્રેમ કરે છે તેના માટે... ઈશ્વર આના વિશે કહે છે: કુટુંબ.
આ વચનો જે હું તમને ફરમાવું છું તેને તારા અંત:કરણમાં રાખ. અને ખંતથી તું તારા સંતાનોને તે શીખવ અને જયારે તું ઘરમાં બેઠો હોય કે રસ્તે ચાલતો હોય, જયારે તું સૂઈ જાય કે ઊઠે તેના વિષે વાત કર.
”એ માટે પુરુષ પોતાનાં માતાપિતાને મૂકીને પોતાની પત્નીની સાથે જોડાઈને રહેશે, અને તેઓ બન્ને એક દેહ થશે. આ ગહન રહસ્ય છે; પણ હું ખ્રિસ્ત તથા વિશ્વાસી સમુદાય સંબંધી એ કહું છું. તોપણ તમારામાંના દરેક જેમ પોતાના પર તેમ પોતાની પત્ની પર પ્રેમ કરે; અને પત્ની પોતાના પતિનું માન જાળવે.
”બાળકો, પ્રભુમાં તમારાં માતાપિતાની આજ્ઞાઓ માનો, કેમ કે એ ઉચિત છે. તારા માતાપિતાનું સન્માન કર. (તે પહેલી આશાવચનયુક્ત આજ્ઞા છે), 'એ સારુ કે તારું ભલું થાય, અને પૃથ્વી પર તારું આયુષ્ય દીર્ઘ થાય.' વળી પિતાઓ, તમારાં બાળકોને ખીજવશો નહિ, પણ પ્રભુના શિક્ષણમાં તથા બોધમાં તેઓને ઉછેરો.
”ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું. તેમણે ઈશ્વરના સ્વરૂપમાં તેને ઉત્પન્ન કર્યું. તેમણે પુરુષ અને સ્ત્રીને ઉત્પન્ન કર્યાં. ઈશ્વરે તેઓને આશીર્વાદ આપ્યો અને તેઓને કહ્યું કે, "સફળ થાઓ અને વધતાં જાઓ. પૃથ્વીને ભરપૂર કરો અને તેને વશ કરો. સમુદ્રનાં માછલાં પર, આકાશનાં પક્ષીઓ પર, પૃથ્વી પર ચાલનારાં સઘળાં પ્રાણીઓ પર અમલ ચલાવો."
”પછી યહોવા ઈશ્વરે કહ્યું કે, "માણસ એકલો રહે તે સારું નથી. હું તેને માટે યોગ્ય એવી સહાયકારી બનાવીશ. પ્રભુ, ઈશ્વરે ભૂમિમાંથી ખેતરના દરેક પશુને અને આકાશના દરેક પક્ષીને બનાવ્યાં. પછી તેઓને માણસની પાસે લાવ્યા. માણસે દરેક સજીવને જે નામ આપ્યું તે તેનું નામ પડ્યું. તે માણસે સર્વ ગ્રામ્યપશુનાં, આકાશનાં પક્ષીઓનાં તથા સર્વ વનપશુઓનાં નામ પાડ્યાં, પણ તે માણસ આદમને પોતાના માટે અનુરૂપ એવી યોગ્ય સહાયકારી ન મળી હતી.
”યહોવા ઈશ્વરે તે માણસને ભર ઊંઘમાં નાખ્યો. તે ઊંઘી ગયો, ત્યારે ઈશ્વરે તેની પાંસળીઓમાંની એક પાંસળી લીધી અને ખાલી પડેલી જગ્યાએ માંસ ભર્યું. યહોવા ઈશ્વરે માણસમાંથી જે પાંસળી લીધી હતી, તેની તેમણે એક સ્ત્રી બનાવી. તેને તે માણસ પાસે લાવ્યા. તે માણસ બોલી ઊઠ્યો કે, "આ મારા હાડકામાંનું હાડકું અને મારા માંસમાનું માંસ છે. તે 'નારી' કહેવાશે, કેમ કે તે નરમાંથી લેવાયેલી છે."
”તેથી માણસ તેનાં માતા અને પિતાને છોડીને, તેની પત્ની સાથે જોડાયેલો રહેશે અને તેઓ એક દેહ થશે. તે માણસ તથા તેની પત્ની બન્ને વસ્ત્રહીન હતાં, પણ તેને લીધે તેઓ શરમાતાં ન હતાં.
”તે માણસે કહ્યું કે, "મારી સહાયકારી તરીકે જે સ્ત્રી તમે મને આપી હતી તેણે મને ફળ આપ્યું અને મેં ખાધું." યહોવા ઈશ્વરે તે સ્ત્રીને કહ્યું, "આ તેં શું કર્યું?" સ્ત્રીએ કહ્યું કે, "સાપે મને છેતરી. તેથી મેં ફળ ખાધું."
”તારી અને સ્ત્રીની વચ્ચે તથા તારા સંતાનની અને તેના સંતાનની વચ્ચે હું વૈર કરાવીશ. તે તારું માથું છૂંદશે અને તું તેની એડીએ ડંખ મારશે." વળી યહોવા ઈશ્વરે સ્ત્રીને કહ્યું કે, "હું તારી ગર્ભવસ્થાનું દુઃખ ઘણું જ વધારીશ અને તું દુઃખે બાળકને જન્મ આપીશ. તું તારા પતિને માટે ઝંખીશ, પણ તે તારા પર અધિકાર ચલાવશે." તેમણે આદમને કહ્યું, "કેમ કે તેં તારી પત્નીની વાત માની લીધી છે અને જે સંબંધી મેં તને આજ્ઞા આપી હતી, 'તારે તે ન ખાવું' તે વૃક્ષનું ફળ તેં ખાધું. તેથી તારા એ કૃત્યથી ભૂમિ શાપિત થઈ છે. તેમાંથી તું તારા આયુષ્યનાં સર્વ દિવસોમાં પરિશ્રમ કરીને ખોરાક મેળવશે.
”તે માણસે તેની પત્નીનું નામ હવા પાડ્યું કેમ કે તે સમગ્ર માનવોની માતા થવાની હતી.
”આદમે પોતાની પત્ની હવાને જાણી અને તે ગર્ભવતી થઈ અને તેણે પુત્ર કાઈનને જન્મ આપ્યો. તેણે કહ્યું, "ઈશ્વરની કૃપાથી મને દીકરો જન્મ્યો છે." પછી તેણે બીજા પુત્ર હાબેલને જન્મ આપ્યો. બન્ને ભાઈઓમાંનો હાબેલ ઘેટાંપાળક હતો અને કાઈન ખેડૂત હતો. આગળ જતા એમ થયું કે કાઈન ઈશ્વરને માટે ભૂમિનાં ફળમાંથી કંઈક અર્પણ લાવ્યો. હાબેલ પોતાનાં ઘેટાંબકરાંમાંનાં પ્રથમ જન્મેલાં તથા ઉત્તમ અર્પણો લાવ્યો. ઈશ્વરે હાબેલને તથા તેના અર્પણને માન્ય કર્યાં, પણ કાઈનને તથા તેના અર્પણને અમાન્ય કર્યાં. તેથી કાઈન ઘણો ગુસ્સે થયો અને તેનું મોં ઊતરી ગયું. યહોવાહે કાઈનને કહ્યું કે, "તને શા માટે ગુસ્સો આવ્યો છે અને તારું મોં ઊતરી ગયું છે? જે સારું છે તે તું કરે, તો શું તું માન્ય નહિ થશે? પણ જે સારું છે તે તું નહિ કરે, તો પાપ તારે દ્વારે રહે છે અને તે તેની તરફ તારું આકર્ષણ કરશે, પણ તું તેના પર જીત મેળવી શકીશ." કાઈને પોતાના ભાઈ હાબેલને કહ્યું કે, "ચાલ, આપણે ખેતરમાં જઈએ." તેઓ ખેતરમાં ગયા, ત્યારે ત્યાં કાઈને પોતાના ભાઈ હાબેલ વિરુદ્ધ ઊઠીને તેને મારી નાખ્યો. પછી ઈશ્વરે કાઈનને કહ્યું, "તારો ભાઈ હાબેલ ક્યાં છે?" તેણે કહ્યું, "હું જાણતો નથી? શું હું મારા ભાઈનો રખેવાળ છું?" ઈશ્વરે કહ્યું, "આ તેં શું કર્યું છે? તારા ભાઈનું લોહી ભૂમિમાંથી મને હાંક મારે છે. હવે તારા ભાઈનું લોહી તારા હાથથી લેવાને જે ભૂમિએ પોતાનું મુખ ઉઘાડ્યું છે, તેથી તું શાપિત થયો છે.
”આદમની વંશાવળીની વિગતો આ પ્રમાણે છે. ઈશ્વરે પોતાની પ્રતિમા પ્રમાણે માણસનું સર્જન કર્યું. પુરુષ તથા સ્ત્રીને તેમણે સર્જ્યા, તેઓને આશીર્વાદ આપ્યો અને તેઓની ઉત્પત્તિના દિવસે તેઓનું નામ માનવજાત પાડવામાં આવ્યું.
”જયારે આદમ એકસો ત્રીસ વર્ષનો થયો, ત્યારે તેને તેની પ્રતિમા તથા સ્વરૂપ પ્રમાણે તેની પત્નીએ દીકરાને જન્મ આપ્યો. તેણે તેનું નામ શેથ પાડ્યું. શેથના જન્મ પછી આદમ આઠસો વર્ષ જીવ્યો અને તે ઘણાં દીકરા અને દીકરીઓનો પિતા થયો. આદમ નવસો ત્રીસ વર્ષની ઉંમરે મરણ પામ્યો.
”પૃથ્વી પર માણસો વધવા લાગ્યાં. તેમાં દીકરીઓના પણ જન્મ થયા, ત્યારે એમ થયું કે,
”ઈશ્વરે નૂહને કહ્યું, "તું, તારા કુટુંબ સાથે, વહાણમાં આવ, કેમ કે આ પેઢીમાં મારી સમક્ષ તું એકલો જ ન્યાયી માલૂમ પડ્યો છે.
”પછી ઈશ્વરે નૂહને તથા તેના દીકરાઓને આશીર્વાદ આપ્યો અને તેઓને કહ્યું કે, "સફળ થાઓ, વધો અને પૃથ્વીને ભરપૂર કરો.
”હવે ઈશ્વરે ઇબ્રામને કહ્યું, "તું તારો દેશ, તારા સગાંઓ અને તારા પિતાના કુટુંબને છોડીને, જે દેશ હું તને બતાવું ત્યાં જા. હું તારાથી એક મોટી જાતિ ઉત્પન્ન કરીશ, હું તને આશીર્વાદ દઈશ, તારું નામ મોટું કરીશ અને તું આશીર્વાદરૂપ થશે. જેઓ તને આશીર્વાદ આપશે, તેઓને હું આશીર્વાદ આપીશ અને જેઓ તને શાપ આપશે, તેઓને હું શાપ આપીશ. પૃથ્વીના સર્વ કુટુંબો તારી મારફતે આશીર્વાદિત થશે.
”"જો, તારી સાથે મારો આ કરાર છે. તું ઘણી દેશજાતિઓનો પિતા થશે. હવે તારું નામ ઇબ્રામ નહિ રહે, પણ તારું નામ ઇબ્રાહિમ થશે - કેમ કે ઘણી દેશજાતિઓના પિતા તરીકે મેં તારી પસંદગી કરી છે. હું તને અતિશય સફળ કરીશ અને તારા વંશમાં ઘણી પ્રજા અને દેશજાતીઓ ઉત્પન્ન થશે. તેમાંથી રાજાઓ પણ થશે. તારો તથા તારા પછીના તારા વંશજોનો ઈશ્વર થવા સારુ, હું મારો કરાર સનાતન કરાર તરીકે મારી તથા તારી વચ્ચે અને પેઢી દર પેઢી તારાં વંશજોની વચ્ચે કરીશ.
”ઈશ્વરે ઇબ્રાહિમને કહ્યું, "તારી પત્ની સારાયને હવે પછી સારાય ન કહે. તેના બદલે, તેનું નામ સારા થશે. હું તેને આશીર્વાદ આપીશ અને હું તેના દ્વારા તને દીકરો આપીશ. હું તેને આશીર્વાદ આપીશ અને તે દેશજાતિઓની માતા થશે. તેનાં સંતાનોમાંથી દેશજાતિઓના રાજાઓ થશે." પછી ઇબ્રાહિમ જમીન સુધી નમી પડીને હસ્યો અને પોતાના મનમાં બોલ્યો, "જે સો વર્ષનો છે તેને શું દીકરો થાય ખરો? નેવું વર્ષની સારાને શું દીકરો જન્મે ખરો?"
”મેં તેને પસંદ કર્યો છે તેથી તે તેના દીકરાઓને તથા તેના પછી થનાર તેના પરિવારને એવું સૂચન કરશે કે, તેઓ ન્યાયી થવા તથા ન્યાય કરવાને મારો માર્ગ અપનાવે, તે માટે કે ઇબ્રાહિમ સંબંધી મેં જે કહ્યું છે, તે તેઓ પાળે."
”ઈશ્વરે જેમ કહ્યું હતું તેમ સારા પર તેમણે કૃપાદ્રષ્ટિ કરી અને ઈશ્વરે જે વચન સારાને આપ્યું હતું તે પ્રમાણે તેમણે કર્યું. સારા ગર્ભવતી થઈ અને ઇબ્રાહિમને સારુ તેની વૃદ્ધાવસ્થામાં, જેમ ઈશ્વરે તેને કહ્યું હતું, તેમ નક્કી કરેલ સમયે તેણે દીકરાને જન્મ આપ્યો. ઇબ્રાહિમે સારાથી જન્મેલા દીકરાનું નામ ઇસહાક રાખ્યું.
”પછી ઇસહાક તેને પોતાની માતા સારાના તંબુમાં લાવ્યો અને તેણે રિબકાનો ઓવારણાં લીધા. રિબકા ઇસહાકની પત્ની થઈ. ઇસહાકે તેના પર પ્રેમ દર્શાવ્યો. માતાના મરણ પછી રિબકાએ ઇસહાકને ખૂબ દિલાસો આપ્યો.
”પૃથ્વીની રજ જેટલાં તારા સંતાન થશે અને એ સંતાનો પૂર્વ, પશ્ચિમ, ઉત્તર તથા દક્ષિણ તરફ દૂર સુધી ફેલાશે. તારામાં તથા તારા સંતાનમાં પૃથ્વીનાં સર્વ કુળો આશીર્વાદ પામશે.
”યાકૂબ રાહેલને પ્રેમ કરતો હતો તેથી તેણે કહ્યું, "તારી નાની દીકરી, રાહેલને સારું સાત વર્ષ હું તારી ચાકરી કરીશ. લાબાને કહ્યું, "બીજા કોઈને હું મારી દીકરી આપું તેના કરતાં હું તેને આપું તે સારું છે. મારી સાથે રહે." યાકૂબે રાહેલને સારુ સાત વર્ષ સુધી લાબાનની સેવા કરી; તે સાત વર્ષ તેને બહુ ઓછા દિવસો જેવા લાગ્યાં, કેમ કે તે રાહેલને પ્રેમ કરતો હતો.
”જયારે રાહેલે જોયું કે તે પોતે બાળકોને જન્મ આપી શકતી નથી ત્યારે તેણે તેની બહેન પર અદેખાઈ રાખી અને યાકૂબને કહ્યું, "મને બાળકો આપ નહિ તો હું મરી જઈશ." યાકૂબે રાહેલ પર ગુસ્સે થઈને કહ્યું, "ઈશ્વર જેમણે તને બાળકોનો જન્મ આપતા અટકાવી છે, શું હું તેમને સ્થાને છું?"
”પછી ઈશ્વરે યાકૂબને કહ્યું, "તું તારા પિતૃઓના દેશમાં તથા તારા કુટુંબીજનો પાસે પાછો જા અને હું તારી સાથે હોઈશ.
”પછી યાકૂબે તેના ઘરનાંને તથા જે સર્વ તેની સાથે હતાં તેઓને કહ્યું, "તમારી વચ્ચે જે અન્ય દેવો છે તેઓને દૂર કરો, પોતપોતાને શુદ્ધ કરો અને તમારાં વસ્ત્ર બદલો.
”પછી યૂસફ તેની આસપાસ ઊભા રહેલા સર્વ દાસોની ઉપસ્થિતિમાં તેની સંવેદના સમાવી રાખી શક્યો નહિ. તેણે મોટેથી હુકમ કર્યો, "દરેક વ્યક્તિ મારી પાસેથી દૂર જાય." તેઓ ગયા ત્યારે યૂસફે તેના ભાઈઓ આગળ પોતાની ઓળખ આપી. તે વખતે કોઈપણ ચાકર ત્યાં હતો નહિ. પછી યૂસફ મોટેથી રડ્યો. તેનું રુદન મિસરીઓએ તથા ફારુનના મહેલમાંના સૌએ સાંભળ્યું. યૂસફે પોતાના ભાઈઓને કહ્યું, "હું યૂસફ છું. શું આપણા પિતા હજુ હયાત છે?" તેના ભાઈઓ તેને ઉત્તર આપી શક્યા નહિ. તેઓ યૂસફને ઓળખીને સખત ગભરાઈ ગયા હતા.
”યૂસફે તેના રથ તૈયાર કર્યા અને તેના પિતા ઇઝરાયલને મળવાને તે ગોશેનમાં આવ્યો. પિતાને જોઈને યૂસફ ભેટીને ઘણી વાર સુધી રડ્યો.
”યૂસફે તેના પિતાને તથા તેના ભાઈઓને રહેવાને જગ્યા આપી. તેણે તેઓને મિસર દેશની ઉત્તમ જગ્યામાં એટલે રામસેસમાં ફારુનની આજ્ઞા પ્રમાણે વસવાનો પ્રદેશ આપ્યો. યૂસફે તેના પિતાને, ભાઈઓને તથા તેના પિતાના ઘરનાં સર્વને તેઓની સંખ્યા પ્રમાણે અન્ન પૂરું પાડ્યું.
”તમારે તેઓને સાષ્ટાંગ પ્રણામ કરવા નહિ કે તેઓની પૂજા કરવી નહિ. કારણ કે હું જ તમારો ઈશ્વર યહોવા છું. મારા લોકો જગતના દેવોની પૂજા કરે એ મને પસંદ નથી. જે મારી વિરુદ્ધ પાપ કરે છે, તેઓ મારા દુશ્મન બને છે અને હું તેઓને અને તેઓના સંતાનોને ત્રીજી તથા ચોથી પેઢી સુધી સજા કરીશ.
”"તમારાં માતાપિતાનું સન્માન કરો, જેથી હું તમને જે દેશ આપનાર છું તેમાં તમે લાંબુ આયુષ્ય પામો.
”અને જો કોઈ પોતાના પિતાને કે માતાને મારે, તો તેને નક્કી મૃત્યુની સજા થાય.
”કોઈ વિધવા કે અનાથ બાળકને રંજાડશો નહિ.
”હું યહોવા હજારો પેઢી સુધી કરૂણા રાખનાર, અન્યાય, ઉલ્લંઘન તથા પાપની ક્ષમા કરનાર અને દોષિતને નિર્દોષ નહિ જ ઠરાવનાર; પિતાના અધર્મની સજા ત્રીજી અને ચોથી પેઢી સુધી છોકરાંના છોકરાં પર બદલો વાળનાર છું."
”રખેને તું તેઓની દીકરીઓ સાથે તારા દીકરાઓના લગ્ન કરાવે અને તેમની દીકરીઓ વ્યભિચાર કરશે અને તેઓના દેવોની પાછળ ભટકી જઈને તારા દીકરાઓને તેઓના દેવોની પાછળ ભટકાવી દે.
”તમારામાંના પ્રત્યેક વ્યક્તિએ પોતાના માતાપિતાને માન આપવું અને મારા વિશ્રામવારોનું પાલન કરવું. હું તમારો ઈશ્વર યહોવાહ છું.
”તમારે તમારા હૃદયમાં તમારા ભાઈનો દ્રેષ ન કરવો. તમારા પડોશીને પ્રામાણિકપણે ઠપકો આપ અને તેને કારણે પાપને ચલાવી ન લો.
”જે કોઈ પોતાના પિતાને અને માતાને શાપ આપે તો તેને નિશ્ચે મૃત્યુદંડ આપવો. તેણે પોતાના પિતાને અથવા માતાને શાપ આપ્યો છે તેથી તે પોતાના મૃત્યુ માટે પોતે જ જવાબદાર ગણાય.
”તેઓ ગણિકા કે કોઈ અશુદ્ધ સ્ત્રીની સાથે અને જે સ્ત્રીના તેના પતિથી છૂટાછેડા થયા હોય તેની સાથે લગ્ન ન કરે. કેમ કે તેઓ ઈશ્વર માટે અલગ કરાયેલા છે.
”પ્રમુખ યાજકે કુંવારી સ્ત્રી સાથે લગ્ન કરવું. તેણે કોઈ વિધવા, ગણિકા કે છૂટાછેડા લીધેલી સ્ત્રીની સાથે લગ્ન કરવું નહિ. તેણે આ બધામાંથી કોઈ સાથે લગ્ન ન કરવું. પણ પોતાના લોકમાંની જ કોઈ કુમારિકા સાથે લગ્ન કરવું.
”જ્યારે કોઈ સ્ત્રી પોતાનું પતિવ્રત ચૂકી જઈને અશુદ્ધ થાય ત્યારે વહેમ માટેનો નિયમ એ છે. અથવા પુરુષના મનમાં સંશય ઉત્પન્ન થયો હોય અને તે પુરુષને પોતાની સ્ત્રી પર વહેમ આવ્યો હોય ત્યારે યહોવાહ સમક્ષ તે સ્ત્રીને લાવવી અને યાજક તેના પર આ સર્વ નિયમ અમલમાં મૂકે. પછી તે પુરુષ અન્યાયથી મુક્ત થશે અને તે સ્ત્રી પોતે જ તેના દોષ માટે જવાબદાર છે."'
”"સલોફહાદની દીકરીઓ સાચું બોલે છે. તું નિશ્ચે તે લોકોને તેમના પિતાના ભાઈઓની સાથે વારસાનો દેશ આપ; તેઓના પિતાનો વારસો તેઓને આપ. ઇઝરાયલ લોકોને સાથે વાત કરીને કહે, 'જો કોઈ માણસ મૃત્યુ પામે અને તેને દીકરો ન હોય, તો તેની દીકરીને તેનો વારસો આપ. જો તેને દીકરી ના હોય, તો તું તેનો વારસો તેના ભાઈઓને આપ. જો તેને ભાઈઓ ના હોય, તો તેનો તેના પિતાના ભાઈઓને આપ. અને જો તેને કાકાઓ ન હોય, તો તેનો વારસો તેના નજીકના સગાને આપ, તે તેનો માલિક બને. યહોવાહે મૂસાને આજ્ઞા કરી હતી તે પ્રમાણે આ કાયદો ઇઝરાયલી લોકો માટે કાનૂન થાય.'"
”સલોફદાહની દીકરીઓ વિષે યહોવાહ એવી આજ્ઞા કરે છે કે, 'તેઓ જેને ઉત્તમ સમજે તેની સાથે લગ્ન કરવા દે, પણ ફક્ત તેઓ પોતાના જ પિતૃઓના કુળમાં લગ્ન કરે.' ઇઝરાયલી લોકોનો ભાગ એક કુળમાંથી બીજા કુળમાં બદલી શકાશે નહિ. દરેક ઇઝરાયલી લોકો પોતાના પિતૃઓના કુળના ભાગને વળગી રહશે. ઇઝરાયલી લોકોની મધ્યે વારસો પામેલી દરેક સ્ત્રી પોતાના પિતાના કુટુંબમાંના કોઈની સાથે લગ્ન કરે. એટલા માટે કે ઇઝરાયલી લોકોમાંના દરેકને પોતાના પિતૃઓનો વારસો મળે. જેથી વારસાનો કોઈ પણ ભાગ એક કુળમાંથી બીજા કુળમાં જશે નહિ. ઇઝરાયલી લોકોના કુળમાંનો દરેક માણસ પોતાના વારસાને વળગી રહશે."
”ફક્ત પોતાના વિષે સાવધ રહો અને ધ્યાનથી તમારા આત્માની કાળજી રાખો, કે જેથી તમારી આંખે જે જોયું છે તે તું ભૂલી જાઓ નહિ અને તમારા જીવનના સર્વ દિવસો પર્યંત તમારા હૃદયમાંથી તે દૂર થાય નહિ. પણ, તમારા સંતાનને અને તમારા સંતાનના સંતાનને શીખવો. તમે હોરેબમાં તમારા ઈશ્વર યહોવાહ સમક્ષ ઊભા રહ્યા હતા તે દિવસે યહોવાહે મને કહ્યું કે, "લોકોને મારી સમક્ષ ભેગા કર. હું તેઓને મારાં વચનો કહી સંભળાવીશ અને જે સર્વ દિવસો સુધી તેઓ પૃથ્વી પર જીવે ત્યાં સુધી મારો ડર રાખતા શીખે અને પોતાનાં સંતાનોને પણ તે શીખવે."
”ઈશ્વર તારા યહોવાહે તને જેમ આજ્ઞા આપી છે, તેમ તારા માતા અને પિતાનો આદર કર, કે જેથી ઈશ્વર તારા યહોવાહે તને જે દેશ આપ્યો છે તેમાં તારું આયુષ્ય લાંબુ થાય અને તારું ભલું થાય,
”આ વચનો જે હું તમને ફરમાવું છું તેને તારા અંત:કરણમાં રાખ. અને ખંતથી તું તારા સંતાનોને તે શીખવ અને જયારે તું ઘરમાં બેઠો હોય કે રસ્તે ચાલતો હોય, જયારે તું સૂઈ જાય કે ઊઠે તેના વિષે વાત કર.
”તારે તેઓની સાથે લગ્ન વ્યવહાર રાખવો નહિ; તેમ જ તારે તારી દીકરીઓનાં લગ્ન તેઓના દીકરાઓ સાથે અને તારા દીકરાઓના લગ્ન તેઓની દીકરીઓ સાથે કરાવવાં નહિ. કેમ કે તેઓ તારા દીકરાઓને મારી આરાધના કરતાં અટકાવશે જેથી તેઓ બીજા દેવોની સેવા કરે. કે જેથી યહોવાહનો ગુસ્સો તમારી વિરુદ્ધ ઊઠે અને તેઓ જલ્દી તમારો નાશ કરે.
”તે વિધવાની તથા અનાથની દાદ સાંભળે છે. તે પરદેશીઓ પર પ્રેમ રાખે છે અને તેઓને ખોરાક તથા વસ્ત્રો આપે છે.
”જયારે તમે ઘરમાં બેઠા હોય ત્યારે, બહાર ચાલતા હોય ત્યારે, તું સૂતા હોય ત્યારે અને ઊઠતી વેળાએ તે વિષે વાત કરો અને તમારા સંતાનોને તે શીખવો.
”જે સર્વ આજ્ઞાઓ હું તમને ફરમાવું છું તે ધ્યાન આપીને સાંભળો એ માટે કે યહોવાહ તમારા ઈશ્વરની દૃષ્ટિમાં જે સારું અને યથાર્થ કર્યાથી તમારું અને તમારાં સંતાનોનું સદા ભલું થાય.
”તમારાં પર્વ દરમિયાન તમે, તમારા સંતાન, તમારી દીકરી, તમારા દાસ, તમારી દાસી, લેવી, નગરની ભાગળમાં રહેતા પરદેશીઓ, અનાથો તથા વિધવાઓ આનંદ કરો.
”વળી તે ઘણી પત્નીઓ કરે નહિ. કે જેથી તેનું હૃદય યહોવાહ તરફથી વિમુખ થઈ ન જાય. વળી તે પોતાને સારુ સોનુંચાંદી અતિશય ન વધારે.
”વળી શું કોઈ એવો માણસ છે કે જેણે કોઈ સ્ત્રી સાથે સગાઈ કરી હોય પણ તેની સાથે લગ્ન કર્યાં ન હોય? તો તેને જતો રહેવા દો કે તે પાછો તેના ઘરે જાય, રખેને તે યુદ્ધમાં માર્યો જાય અને બીજો કોઈ પુરુષ તે સ્ત્રી સાથે લગ્ન કરે.
”જો કોઈ પુરુષને બે પત્નીઓ હોય, એક માનીતી અને બીજી અણમાનીતી અને તે બન્નેને પુત્ર જન્મે અને અણમાનીતીનો પુત્ર જયેષ્ઠ હોય. પછી જયારે તે તેના દીકરાઓને મિલકતનો વારસો આપે ત્યારે એમ થવું જોઈએ કે અણમાનીતીનો દીકરો જે એનો ખરો જયેષ્ઠ દીકરો છે તેની અવગણના કરીને માનીતી પત્નીના પુત્રને જયેષ્ઠ દીકરો ગણવો નહિ. પણ તેની સર્વ મિલકતનો બમણો ભાગ અણમાનીતીના દીકરાને આપીને તે તેને જયેષ્ઠ તરીકે માન્ય રાખે; કારણ, તે તેનું પ્રથમફળ છે અને જયેષ્ઠ પુત્ર તરીકેનો અધિકાર તેનો છે.
”જો કોઈ પુરુષને જીદ્દી અને બંડખોર દીકરો હોય અને તે તેના માતાપિતાનું કહેવું માનતો ન હોય અને તેઓ શિક્ષા કરવા છતાં પણ તેં તેમને ગણકારતો ન હોય. તો તેમનાં માતાપિતા તેને પકડીને તેઓના નગરના વડીલોની આગળ અને નગરના દરવાજા પાસે તેને બહાર લાવે. અને તેઓ તે નગરના વડીલોને કહે કે "આ અમારો દીકરો જીદ્દી અને બળવાખોર છે તે અમારું કહ્યું માનતો નથી. તે લાલચું અને મદ્યપાન કરનારો છે." પછી તે નગરના બધા માણસોએ તેને પથ્થરે મારીને મારી નાખવો. અને આ રીતે તારે તારી વચ્ચેથી દુષ્ટતા દૂર કરવી. પછી બધા ઇઝરાયલીઓ તે સાંભળશે અને બીશે.
”જો કોઈ પુરુષ સ્ત્રી સાથે લગ્ન કરે, તેની પાસે જાય, પછી તેને ધિક્કારે, તેને બદનામ કરીને તેના પર ખોટા આરોપ મૂકીને કહે કે, "મેં આ સ્ત્રી સાથે લગ્ન કર્યા અને તેની પાસે ગયો, ત્યારે મેં જોયું તો તેનામાં કૌમાર્યનાં કોઈ ચિહ્ન મને મળ્યાં નહિ." તો તે કન્યાના માતાપિતા તેના કૌમાર્યનાં પુરાવા ગામના વડીલો પાસે લાવે. અને કન્યાના પિતા ગામના વડીલોને કહે કે, "મેં મારી દીકરીને આ પુરુષને પરણાવી, હવે તે તેને ધિક્કારે છે." જો તેે તેના પર ખોટા આરોપ મૂકીને કહે છે કે, "મને તમારી દીકરીમાં કૌમાર્યનાં પુરાવા મળ્યા નથી'- પણ મારી દીકરીના કૌમાર્યના પુરાવા આ રહ્યા." પછી તેઓ ગામના વડીલો આગળ ચાદર પાથરે. ત્યારે તે નગરના વડીલો તે પુરુષને પકડીને સજા કરે; તેઓ તેને સો શેકેલ ચાંદીનો દંડ કરે, તે કન્યાના પિતાને આપે, કેમ કે તે પુરુષે ઇઝરાયલની કન્યા પર ખોટા આરોપ મૂક્યો છે. તે હંમેશા તેની પત્ની તરીકે રહે; તેના બધા દિવસો દરમિયાન તે તેને દૂર કરી શકે નહિ. પણ જો આ વાત સાચી હોય અને તે કન્યામાં કૌમાર્યના પુરાવા મળ્યા ન હોય, તો તેઓ તે કન્યાને તેના પિતાના ઘરના બારણા આગળ લાવે અને તે ગામના લોકો તે સ્ત્રીને પથ્થરે મારીને મારી નાખે, કેમ કે, તેણે તેના પિતાના ઘરમાં વ્યભિચાર કરીને ઇઝરાયલમાં શરમજનક કૃત્ય કર્યું છે.આ રીતે તારે તારી મધ્યેથી દુષ્ટતા દૂર કરવી. જો કોઈ પુરુષ પરિણીત સ્ત્રી સાથે વ્યભિચાર કરતાં જોવા મળે, તો તેઓ એટલે કે તે સ્ત્રી તથા વ્યભિચાર કરનાર પુરુષ બન્ને માર્યા જાય. આ રીતે તારે ઇઝરાયલમાંથી દુષ્ટતા દૂર કરવી.
”વ્યભિચારથી જન્મેલો યહોવાહની સભામાં પ્રવેશ ન કરે; તેઓની છેક દસ પેઢી સુધી તેઓનું કોઈ પણ યહોવાહની સભામાં પ્રવેશ કરે નહિ.
”જો કોઈ પુરુષે સ્ત્રીની સાથે લગ્ન કર્યા હોય અને તેનામાં કંઈ શરમજનક બાબત માલૂમ પડ્યાથી તે તેની નજરમાં કૃપા ન પામે, તો તેને છૂટાછેડા લખી આપે અને તે તેના હાથમાં મૂકીને તેને પોતાના ઘરમાંથી કાઢી મૂકી શકે. અને જયારે તે સ્ત્રી તેના ઘરમાંથી નીકળી જાય પછી અન્ય પુરુષ સાથે લગ્ન કરવાની તેને છૂટ છે. જો તેનો બીજો પતિ પણ તેને ધિક્કારે અને છૂટાછેડા લખી તેના હાથમાં મૂકે, તેના ઘરમાંથી તેને કાઢી મૂકે; અથવા જે બીજા પતિએ તેને પત્ની તરીકે લીધી હતી તે જો મૃત્યુ પામે, ત્યારે તેનો પહેલો પતિ, જેણે તેને અગાઉ કાઢી મૂકી હતી, તે તેને અશુદ્ધ થયા પછી પોતાની પત્ની તરીકે ફરીથી ન લે; કેમ કે, યહોવાહની દૃષ્ટિમાં તે ઘૃણાસ્પદ છે. યહોવાહ તમારા ઈશ્વર તને જે દેશ વારસા તરીકે આપનાર છે તે દેશને તું પાપનું કારણ ન બનાવ.
”જયારે કોઈ પુરુષ નવ પરિણીત હોય ત્યારે તે લશ્કરમાં ન જાય કે તેને કંઈ જ કામ સોંપવામાં ન આવે; તે એક વર્ષ સુધી ઘરે રહે, જે પત્ની સાથે તેણે લગ્ન કર્યું છે, તેને આનંદિત કરે.
”'જે કોઈ માણસ પોતાના પિતા કે માતાનો અનાદર કરે તો તે શાપિત થાઓ.' અને બધા લોકો કહે, 'આમીન.'
”'જે કોઈ માણસ પરદેશી, અનાથ કે વિધવાનો અન્યાય કરે તો તે શાપિત થાઓ.' અને બધા લોકો કહે, 'આમીન.'
”મર્મો યહોવાહ આપણા ઈશ્વરના છે, પણ પ્રગટ કરેલી વાતો સદા આપણી તથા આપણાં સંતાનોની છે, તેથી આપણે આ નિયમનાં સર્વ વચનો પાળીએ.
”લોકોને એટલે પુરુષો, સ્ત્રીઓ અને બાળકો તેમ જ તારી ભાગળમાં વસતા પરદેશીઓને એકત્ર કરજો જેથી તેઓ સાંભળે તથા શીખે અને યહોવાહ તમારા ઈશ્વરનો ડર રાખે અને આ નિયમોનું કાળજીપૂર્વક પાલન કરે. અને તેઓના સંતાનો કે જેઓ જાણતા નથી તેઓ પણ સાંભળી અને જે દેશનું વતન પામવાને તમે યર્દન નદી ઊતરીને ત્યાં જાઓ છો તેમાં, જ્યાં સુધી તમે જીવતા રહો ત્યાં સુધી યહોવાહ તમારા ઈશ્વરથી બીતા શીખો.
”માટે હવે, યહોવાહનાં સમ આપીને હું તમને વિનંતી કરું છું કે, જેમ મેં તમારા પર દયા કરી તેમ તમે પણ મારા પિતાના ઘર પર દયા કરો. મને સ્પષ્ટ નિશાની આપો અને તમે મારા પિતા, માતા, ભાઈઓ, બહેનો અને તેઓનાં કુટુંબોના સર્વસ્વને બચાવશો અને અમારા જીવ ઉગારશો."
”તેથી સવારમાં, પોતપોતાનાં કુળ પ્રમાણે તમે પોતાને રજૂ કરો. પછી એમ થશે કે, જે કુળને યહોવા ચિઠ્ઠીથી પકડે, તે કુટુંબવાર આગળ આવે. તેમાંથી યહોવા જે કુટુંબને પકડે તેનું પ્રત્યેક ઘર આગળ આવે. જે ઘરનાંને યહોવા પકડે તે ઘરનાં પુરુષો એક પછી એક આગળ આવે.
”કેમ કે જો તમે કોઈ રીતે પાછા હઠશો, તમારી પાસે જે દેશજાતિઓ બાકી રહેલી છે તેઓની સાથે વ્યવહાર રાખશો અને તેઓની સાથે લગ્નસંબંધ બાંધીને ભળી જશો, તો પછી નિશ્ચે જાણજો કે, તમારા યહોવા પ્રભુ હવે પછી આ દેશજાતિઓને તમારી આગળથી દૂર કરશે નહિ. આ સારી જમીન કે જે તમારા યહોવા, પ્રભુએ તમને આપી છે તેમાંથી તમારો નાશ થઈ જાય ત્યાં સુધી એ લોકો તમારા માટે જાળ અને ફાંદારૂપ તથા, તમારી પીઠ પર ફટકારૂપ અને આંખોમાં કાંટારૂપ થઈ પડશે.
”જો તમારી દ્રષ્ટિમાં યહોવાહની આરાધના કરવી એ અયોગ્ય લાગતું હોય, તો આજે તમે પોતે નક્કી કરો કે તમે કોની સેવા કરશો? નદીની પેલી પાર રહેતા તમારા પૂર્વજોના દેવોની અથવા જે અમોરીઓના દેશમાં તમે રહો છો તેઓના દેવોની તમે પૂજાભક્તિ કરશો? પણ હું અને મારું કુટુંબ તો યહોવાહની જ સેવા કરીશું.
”પછી ઇઝરાયલના લોકો તે જગ્યાએથી વિદાય થઈને પોતપોતાની જાતી અને કુળમાં ગયા. અને ત્યાંથી નીકળીને પોતાના વતનમાં ગયા.
”ત્યારે રૂથે કહ્યું, "તને છોડીને તારી પાસેથી દૂર જવાનું મને ના કહે, કેમ કે જયાં તું જઈશ ત્યાં હું આવીશ અને જ્યાં તું રહેશે ત્યાં હું રહીશ; તારા લોક તે મારા લોક અને તારા ઈશ્વર તે મારા ઈશ્વર થશે;
”વળી મૃત્યુ પામેલાંના વારસા ઉપર તેનું નામ જળવાઈ રહે તે માટે માહલોનની પત્ની એટલે મોઆબી રૂથને મેં મારી પત્ની થવા સારું સ્વીકારી છે. જેથી મૃત્યુ પામેલાંનું નામ, તેના ભાઈઓ તથા તેના સ્થાનમાંથી નષ્ટ ન થાય. આજે તમે તેના સાક્ષીઓ છો."
”માટે તેનો પતિ એલ્કાના હંમેશા તેને કહેતો, "હાન્ના, તું કેમ રડે છે? તું કેમ ખાતી નથી? તારું હૃદય કેમ ઉદાસ છે?' હું તને દસ પુત્ર કરતાં અધિક નથી શું?
”માનતા માનીને તેણે કહ્યું, "સૈન્યના ઈશ્વર, જો તમે તમારી દાસીના દુઃખ તરફ જોશો અને મને સંભારશો અને આ તમારી દાસીને વીસરશો નહિ, પણ તેને દીકરો આપશો, તો હું તેને તેના આયુષ્યનાં સર્વ દિવસોભર ઈશ્વરને અર્પણ કરીશ, અસ્ત્રો તેના માથા પર કદી ફરશે નહિ."
”આ બાળક સારુ હું પ્રાર્થના કરતી હતી અને ઈશ્વર સમક્ષ મેં જે પ્રાર્થના કરી હતી તે તેમણે ફળીભૂત કરી છે. માટે મેં તેને ઈશ્વરને અર્પિત કરેલો છે; તે જીવે ત્યાં સુધી ઈશ્વરને અર્પણ કરેલો છે." અને એલ્કાના તથા તેના કુંટુબે ત્યાં ઈશ્વરનું ભજન કર્યું. શમુએલ ભજન કરવા ત્યાં જ રહ્યો.
”હવે એલીના દીકરાઓ દુષ્ટ પુરુષો હતા. તેઓ ઈશ્વરને ઓળખતા નહોતા.
”શમુએલ બાળપણમાં શણનો એફોદ પહેરીને ઈશ્વરની હજૂરમાં સેવા કરતો હતો.
”બાળ શમુએલ મોટો થતો ગયો અને ઈશ્વરની તથા માણસોની કૃપામાં પણ વધતો ગયો.
”હું તેનો પિતા થઈશ અને તે મારો દીકરો થશે. જો તે પાપ કરશે, તો હું માણસની સોટીથી તથા માણસનાં દીકરાઓના કોરડાથી તેને શિક્ષા કરીશ.
”હવે સુલેમાન રાજાને ફારુનની દીકરી ઉપરાંત બીજી ઘણી વિદેશી સ્ત્રીઓ એટલે મોઆબી, આમ્મોની, અદોમી, સિદોની તથા હિત્તી સ્ત્રીઓ સાથે પ્રેમ થયો હતો. જે પ્રજાઓ વિષે યહોવાહે ઇઝરાયલી લોકોને કહ્યું હતું, "તમારે તેઓની સ્ત્રીઓ સાથે લગ્ન કરવા નહિ, તેમ તેઓ તમારા પરિવારમાં આવે નહિ, કેમ કે તેઓ જરૂર તમારું હૃદય તેઓના દેવોની તરફ ફેરવી નાખશે." પણ સુલેમાન તે વિદેશી સ્ત્રીઓને વળગી રહ્યો. સુલેમાનને રાજવંશમાંની સાતસો પત્નીઓ અને ત્રણસો ઉપપત્નીઓ હતી. તેની પત્નીઓએ તેનું હૃદય ફેરવી નાખ્યું. સુલેમાનની વૃદ્ધાવસ્થામાં તેની પત્નીઓએ તેનું હૃદય અન્ય દેવો તરફ વાળી દીધું. અને તેનું હૃદય તેના પિતા દાઉદના હૃદયની જેમ તેના ઈશ્વર યહોવા પ્રત્યે સંપૂર્ણ રહ્યું નહિ.
”કે તમારી દીકરીઓનાં લગ્ન તેઓના દીકરાઓ સાથે કરાવશો નહિ. અને તમારા દીકરાઓના લગ્ન તેઓની દીકરીઓ સાથે કરાવશો નહિ; એ લોકોની સુખ સમૃદ્ધિ માટે કશું કરશો નહિ. તો જ તમે બળવાન બનશો, અને તે ભૂમિની ઉત્તમ ઉપજને ખાઈ શકશો અને તમારા વંશજોને સદાકાળ માટે વારસામાં આપતા જશો.
”પછી યાજક એઝરાએ ઊભા થઈને કહ્યું, "તમે વિધર્મી સ્ત્રીઓ સાથે લગ્ન કરીને ઈશ્વરને તજી દીધા છે અને ઇઝરાયલમાં અપરાધનો વધારો કર્યો છે. માટે હવે તમારા પિતૃઓના ઈશ્વર, યહોવાહ સમક્ષ સ્તુતિ કરો અને તેમની ઇચ્છાને અનુસરીને તમારી નજીક વસેલા સ્થાનિક અન્ય લોકોથી અને તમારી અન્યધર્મી પત્નીઓથી અલગ થઈ જાઓ." ત્યારે આખી સભાએ ઊંચા અવાજે કહ્યું, "નિશ્ચે, તમે કહ્યું છે તે પ્રમાણે અમારે કરવું જ જોઈએ.
”ત્યારે તેની પત્નીએ તેને કહ્યું, ''શું હજુ પણ તું તારા પ્રામાણિકપણાને દ્રઢતાથી વળગી રહ્યો છે? ઈશ્વરને શાપ આપ અને મર.'' પરંતુ અયૂબે તેને ઉત્તર આપ્યો કે, ''તું એક મૂર્ખ સ્ત્રીની જેમ બોલે છે શું આપણે ઈશ્વરના હાથથી માત્ર સુખ જ સ્વીકારવાનું અને દુ:ખ નહિ?'' આ સર્વમાં અયૂબે પોતાના મોંથી પાપ કર્યું નહિ.
”તમારા શત્રુઓને કારણે, તમે બાળકોને તથા દૂધ પીતાં બાળકોને મુખે તમારો મહિમા પ્રગટ કર્યો છે કે, શત્રુને તથા વેરીને તમે શાંત પાડો.
”તમે અનાથ તથા દુઃખીઓનો ન્યાય કરો તેથી પૃથ્વીનાં માણસો હવે પછી ત્રાસદાયક રહે નહિ.
”તમે મને ઉદરમાંથી બહાર લાવનાર છો; જ્યારે હું મારી માતાનું દૂધ પીતો હતો, ત્યારે તમે મારામાં ભરોસો ઉપજાવ્યો. હું જન્મથી જ તમારા હાથમાં સોંપાયેલો છું મારી માતાના ગર્ભમાં હતો ત્યારથી તમે મારા ઈશ્વર છો!
”જો કે મારા માતાપિતાએ મને તજી દીધો છે, તોપણ યહોવાહ મને સંભાળશે.
”હું જુવાન હતો અને હવે હું વૃદ્ધ થયો છું; પણ ન્યાયીને તજેલો કે તેનાં સંતાનને ભીખ માગતાં મેં કદી જોયાં નથી. આખો દિવસ તે કરુણાથી વર્તે છે અને ઉછીનું આપે છે અને તેનાં સંતાન આશીર્વાદ પામેલા હોય છે.
”જુઓ, હું અન્યાયીપણામાં જન્મ્યો હતો; મારી માતાએ પાપમાં મારો ગર્ભ ધારણ કર્યો હતો. તમે તમારા હૃદયમાં અંત:કરણની સત્યતા માગો છો; મારા હૃદયને તમે ડહાપણ શીખવશો.
”અનાથોના પિતા અને વિધવાઓના ન્યાયાધીશ, એવા ઈશ્વર પોતાના પવિત્રસ્થાનમાં છે. ઈશ્વર એકલા માણસોને કુટુંબવાળા બનાવે છે; તે કેદીઓને બંધનમાંથી છોડાવીને સમૃદ્ધિવાન કરે છે; પણ બંડખોરો સૂકા અને વેરાન પ્રદેશમાં રહે છે.
”હું ડહાપણ વિશેનું ગીત ગાઈશ; હું ભૂતકાળનાં રહસ્યોની વાત સમજાવીશ કે, જે વાત આપણે સાંભળી છે તથા શીખ્યા છીએ જે આપણા પૂર્વજોએ આપણને કહી છે. યહોવાહનાં સ્તોત્ર, તેમનું સામર્થ્ય તથા તેમનાં કરેલાં આશ્ચર્યકારક કામો આવતી પેઢીને જાહેર કરીને તેઓના વંશજોથી આપણે તે સંતાડીશું નહિ. કારણ કે તેમણે યાકૂબ સાથે તેમનો કરાર કર્યો અને ઇઝરાયલમાં નિયમ ઠરાવ્યો. તેમણે આપણા પૂર્વજોને આજ્ઞા કરી કે તેઓ પોતાનાં બાળકોને પણ શીખવે. જેથી આવતી પેઢીનાં જે બાળકો જન્મે તેઓ તે જાણે, તેઓ મોટાં થઈને પોતાનાં સંતાનોને તે જણાવે, માટે તેમણે આજ્ઞા આપી છે. જેથી તેઓ સહુ ઈશ્વરની આશા રાખે અને તેમનાં અદ્દભુત કાર્યોને વીસરી જાય નહિ, પણ તેમની આજ્ઞાઓને પાળે. પછી તેઓ પોતાના પૂર્વજોના જેવા ન થાય, કે જેઓ હઠીલા તથા બંડખોર પેઢીના છે, એવી પેઢી કે જેઓનાં હૃદય સ્થિર નથી અને જેઓનો આત્મા સમર્પિત કે ઈશ્વરને વિશ્વાસુ નથી.
”ગરીબ તથા અનાથનો ન્યાય કરો; દુ:ખિત અને લાચારને ઇનસાફ આપો.
”જેમ પિતા પોતાનાં સંતાનો પર દયાળુ છે, તેમ યહોવાહ પોતાના ભક્તો પર દયાળુ છે.
”પણ યહોવાહની કૃપા તેમના ભક્તો પર અનાદિકાળથી તે અનંતકાળ સુધી છે. તેમનું ન્યાયીપણું તેમના વંશજોને માટે છે.
”તેમના સેવક ઇબ્રાહિમના વંશજો, તમે યાકૂબના વંશજો છો, તેમના પસંદ કરેલા, તમે તેમને યાદ કરો. તે યહોવાહ, આપણા ઈશ્વર છે. આખી પૃથ્વીમાં તેમનાં ન્યાયનાં કૃત્યો પ્રસિદ્ધ છે. તે પોતાનો કરાર સર્વદા યાદ રાખે છે, હજાર પેઢીઓને આપેલું વચન પાળે છે.
”તે નિઃસંતાન સ્ત્રીને ઘર આપે છે, તેને પુત્રોની આનંદી માતા બનાવે છે. યહોવાહની સ્તુતિ કરો.
”યહોવાહ તમારી તેમ જ તમારા વંશજોની વૃદ્ધિ કર્યા કરશે.
”જુઓ, સંતાનો તો યહોવાહ પાસેથી મળેલો વારસો છે અને પેટનાં સંતાન તેમના તરફનું ઇનામ છે. યુવાવસ્થામાંના પુત્રો બળવાન વીર યોદ્ધાના હાથમાંના તીક્ષ્ણ બાણ જેવા છે. જે માણસનો ભાથો તેનાથી ભરેલો છે તે આશીર્વાદિત છે. જ્યારે તે નગરના દરવાજે શત્રુઓ સામે લડશે, ત્યારે તેઓ લજ્જિત નહિ થાય.
”તારી પત્ની તારા ઘરમાં ફળવંત દ્રાક્ષવેલાના જેવી થશે; તારાં સંતાનો તારી મેજની આસપાસ જૈતૂનવૃક્ષના રોપા જેવાં થશે.
”તું પોતાનાં સંતાનોનાં સંતાનો જોશે. ઇઝરાયલને શાંતિ થાઓ.
”ભાઈઓ એકતામાં રહે તે કેવું સારું તથા શોભાયમાન છે!
”તમે મારું અંતઃકરણ ઘડ્યું છે; મારી માતાના ઉદરમાં તમે મારી રચના કરી છે. હું તમારો આભાર માનીશ, કેમ કે તમારાં કાર્યો અદ્દભુત અને આશ્ચર્યજનક છે. તમે મારા જીવન વિષે સઘળું જાણો છો. જ્યારે મને અદ્રશ્ય રીતે રચવામાં આવ્યો, જ્યારે પૃથ્વીના ઊંડાણોમાં વિવિધ કરામતથી મને ગોઠવવામાં આવ્યો, ત્યારે પણ મારું શરીર તમારાથી અજાણ્યું ન હતું. ગર્ભમાં પણ તમે મને નિહાળ્યો છે; મારું એકે અંગ થયેલું ન હતું, ત્યારે તેઓ સર્વ, તેમ જ તેઓના ઠરાવેલા સમયો તમારા પુસ્તકમાં લખેલા હતા.
”જુવાન પુરુષો તથા જુવાન સ્ત્રીઓ, વૃદ્ધો તથા બાળકો. તમે સર્વ યહોવાહની સ્તુતિ કરો, કારણ કે એકલું તેમનું જ નામ પ્રતિષ્ઠાપાત્ર છે અને તેમનું ગૌરવ આકાશ તથા પૃથ્વી કરતાં મોટું છે.
”મારા દીકરા, તારા પિતાની શિખામણ સાંભળ અને તારી માતાનું શિક્ષણ તજીશ નહિ.
”મારા દીકરા, યહોવાહની શિક્ષાને તુચ્છ ન ગણ અને તેમના ઠપકાથી કંટાળી ન જા. કેમ કે જેમ પિતા પોતાના પુત્રને ઠપકો આપે છે તેમ યહોવાહ જેના પર પ્રેમ રાખે છે તેને ઠપકો આપે છે.
”દીકરાઓ, પિતાની શિખામણ સાંભળો, સમજણ મેળવવા માટે ધ્યાન આપો. હું તમને ઉત્તમ બોધ આપું છું; મારા શિક્ષણનો ત્યાગ કરશો નહિ. જ્યારે હું મારા પિતાનો માનીતો દીકરો હતો, ત્યારે હું મારી માતાની દૃષ્ટિમાં સુકુમાર તથા એકનોએક હતો, ત્યારે મારા પિતાએ મને શિક્ષણ આપીને કહ્યું હતું કે, "તારા હૃદયમાં મારા શબ્દો સંઘરી રાખજે અને મારી આજ્ઞાઓ પાળીને જીવતો રહે.
”હે મારા દીકરા, મારી વાતો સાંભળીને ધ્યાન આપ એટલે તારા આયુષ્યનાં વર્ષો વધશે. હું તને ડહાપણનો માર્ગ બતાવીશ; હું તને પ્રામાણિકપણાને માર્ગે દોરીશ.
”મારા દીકરા, મારાં વચનો ઉપર ધ્યાન આપ; મારાં વચન સાંભળ. તારી આંખ આગળથી તેઓને દૂર થવા ન દે; તેને તારા હૃદયમાં સંઘરી રાખ. જે કોઈને મારાં વચનો મળે છે તેના માટે તે જીવનરૂપ છે અને તેઓના આખા શરીરને આરોગ્યરૂપ છે. પૂર્ણ ખંતથી તારા હૃદયની સંભાળ રાખ, કારણ કે તેમાંથી જ જીવનનો ઉદ્દભવ છે.
”તારું ઝરણું આશીર્વાદ પામો, અને તું તારી પોતાની યુવાન પત્ની સાથે આનંદ માન. જે પ્રેમાળ હરણી જેવી સુંદર અને મનોહર મૃગલી જેવી જાજરમાન નારી છે. તેનાં સ્તનોથી તું સદા સંતોષી રહેજે; હંમેશા તું તેના પ્રેમમાં જ ગરકાવ રહેજે.
”મારા દીકરા, તારા પિતાની આજ્ઞાઓનું પાલન કરજે અને તારી માતાની શિખામણો ભૂલીશ નહિ.
”સુલેમાનનાં નીતિવચનો. જ્ઞાની દીકરો પોતાના પિતાને હર્ષ ઉપજાવે છે પણ મૂર્ખ દીકરો પોતાની માને ભારરૂપ છે.
”જે પોતાના જ કુટુંબને દુ:ખી કરે છે, તેને પવનનો વારસો મળશે, અને મૂર્ખ માણસ જ્ઞાનીનો ચાકર બનશે.
”સદગુણી સ્ત્રી તેના પતિને મુગટરૂપ છે, પણ નિર્લજ્જ સ્ત્રી તેનાં હાડકાને સડારૂપ છે.
”જ્ઞાની દીકરો પોતાના પિતાની શિખામણ માને છે, પણ અડિયલ દીકરો ઠપકાને ગણકારતો જ નથી.
”સારો માણસ પોતાનાં સંતાનોનાં સંતાનોને માટે વારસો મૂકી જાય છે, પણ પાપીનું ધન નેકીવાનને સારુ ભરી મૂકવામાં આવે છે.
”જે પોતાના બાળકને શિસ્તપાલનની કેળવણી માટે સોટી મારતો નથી તે પોતાના બાળકનો દુશ્મન છે; પણ તેના પર પ્રીતિ કરનાર તેને વેળાસર શિક્ષા કરે છે.
”દરેક સમજુ સ્ત્રી પોતાના ઘરની આબાદી વધારે છે, પણ મૂર્ખ સ્ત્રી પોતાને જ હાથે તેનો નાશ કરે છે.
”મૂર્ખ પોતાના પિતાની શિખામણને તુચ્છ ગણે છે, પણ ઠપકાને ગંભીરતાથી લક્ષમાં લેનાર શાણો થાય છે.
”ડાહ્યો દીકરો પોતાના પિતાને સુખી કરે છે, પણ મૂર્ખ દીકરો પોતાની માતાને તુચ્છ ગણે છે.
”ડહાપણથી વર્તનાર ચાકર બદનામી કરાવનાર દીકરા પર અધિકાર ચલાવશે અને એ ચાકરને દીકરાના ભાઈઓમાં વારસનો ભાગ મળશે.
”સંતાનોનાં સંતાનો વૃદ્ધ પુરુષનો મુગટ છે અને સંતાનોનો મહિમા તેઓનાં માતાપિતા છે.
”મિત્ર સર્વ સમયે પ્રીતિ રાખે છે અને ભાઈ સંકટના સમયને માટે જ જન્મ્યો છે.
”મૂર્ખ પુત્ર પિતાને માટે વ્યથારૂપ અને પોતાની માતાને માટે કડવાશરૂપ છે.
”જેને પત્ની મળે તે તેને માટે સારી બાબત છે અને તેથી તેને યહોવાહની કૃપા પ્રાપ્ત થાય છે.
”મૂર્ખ પુત્ર પોતાના પિતાને વિપત્તિરૂપ છે; અને કજિયાખોર પત્ની સતત ટપકતા પાણી જેવી છે. ઘર અને ધન તો પિતા તરફથી વારસામાં મળે છે, પણ ડાહી પત્ની યહોવાહ તરફથી મળે છે.
”આશા છે ત્યાં સુધી તારા બાળકને શિક્ષા કર અને તેનો નાશ કરવાને તું મન ન લગાડ.
”જે પુત્ર પોતાના પિતાને લૂંટે છે અને પોતાની માતાને કાઢી મૂકે છે તે બદનામ કરાવનાર તથા બટ્ટો લગાડનાર દીકરો છે.
”ન્યાયી માણસ પોતાના પ્રામાણિક માર્ગમાં ચાલે છે અને તેના પછી તેને અનુસરનારા તેનાં બાળકો આશીર્વાદિત છે.
”વળી છોકરાં પણ પોતાનાં આચરણથી ઓળખાય છે કે, તેઓનાં કાર્યો શુદ્ધ અને સાચાં છે કે કેમ?
”જો કોઈ વ્યક્તિ પોતાનાં માતા કે પિતાને શાપ આપે છે, તો તેનો દીવો ઘોર અંધકારમાં હોલવી નાખવામાં આવશે.
”જે વારસો જલદીથી સંપાદન કરવામાં આવે છે તેનો અંત આશીર્વાદિત થશે નહિ.
”કજિયાખોર સ્ત્રીની સાથે વિશાળ ઘરમાં રહેવા કરતાં અગાશીના એક ખૂણામાં રહેવું વધારે સારું છે.
”કજિયાખોર અને ગુસ્સાવાળી સ્ત્રીની સાથે રહેવા કરતાં ઉજ્જડ પ્રદેશમાં જઈ રહેવું સારું છે.
”બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ તેમાં ચાલવાનું તેને શિક્ષણ આપ અને જ્યારે તે વૃદ્ધ થાય ત્યારે તેમાંથી તે ખસે નહિ.
”મૂર્ખાઈ બાળકના હૃદયની સાથે જોડાયેલી છે, પણ શિક્ષાની સોટી તેનામાંથી તેની મૂર્ખાઈને દૂર કરશે.
”બાળકને ઠપકો આપતાં ખચકાઈશ નહિ; કેમ કે જો તું તેને સોટી મારીશ તો તે કંઈ મરી જશે નહિ. જો તું તેને સોટીથી મારીશ, તો તું તેના આત્માને શેઓલમાં જતાં ઉગારશે. મારા દીકરા, જો તારું હૃદય જ્ઞાની હોય, તો મારું હૃદય હરખાશે. જ્યારે તારા હોઠો નેક વાત બોલશે, ત્યારે મારું અંતઃકરણ હરખાશે.
”તારા પોતાના પિતાનું કહેવું સાંભળ અને જ્યારે તારી માતા વૃદ્ધ થાય ત્યારે તેને તુચ્છ ન ગણ. સત્યને ખરીદ, પણ તેને વેચીશ નહિ; હા, ડહાપણ, શિખામણ તથા બુદ્ધિને પણ ખરીદ. નીતિમાન દીકરાનો પિતા આનંદથી હરખાય છે અને જે દીકરો શાણો છે તે તેના જન્મ આપનારને આનંદ આપશે. તારા માતાપિતા પ્રસન્ન થાય એવું કર અને તારી જન્મ આપનાર માતાને હર્ષ થાય એવું કર. મારા દીકરા, મને તારું હૃદય આપ અને તારી આંખો મારા માર્ગોને લક્ષમાં રાખે.
”કજિયાખોર સ્ત્રીની સાથે વિશાળ ઘરમાં રહેવું, તે કરતાં અગાશીના ખૂણામાં રહેવું સારું છે.
”ચોમાસામાં વરસાદનું સતત વરસવું તથા કજિયાળી સ્ત્રી એ બંને સરખાં છે.
”જે દીકરો નિયમને અનુસરે છે તે ડાહ્યો છે, પણ નકામા લોકોની સોબત રાખનાર દીકરો પોતાના પિતાના નામને બટ્ટો લગાડે છે.
”જે પોતાના માતાપિતાને લૂંટે છે અને કહે કે, "એ પાપ નથી," તે નાશ કરનારનો સોબતી છે.
”સોટી તથા ઠપકો ડહાપણ આપે છે; પણ સ્વતંત્ર મૂકેલું બાળક પોતાની માતાને બદનામ કરે છે.
”તું તારા દીકરાને શિક્ષા કરીશ તો તે તારા માટે આશીર્વાદરૂપ હશે અને તે તારા આત્માને આનંદ આપશે.
”એવી પણ એક પેઢી છે કે જે પોતાનાં પિતાને શાપ આપે છે અને પોતાની માતાને આશીર્વાદ આપતી નથી. એવી પણ એક પેઢી છે જે પોતાને પવિત્ર માને છે, પણ તે પોતાની મલિનતામાંથી સ્વચ્છ થતી નથી. એવી પણ એક પેઢી છે કે જેના ઘમંડનો પાર નથી અને તેનાં પોપચાં ઊંચા કરેલાં છે.
”જે આંખ તેના પિતાની મશ્કરી કરે છે અને તેની માતાની આજ્ઞા માનવાની ના પાડે છે, તેને ખીણના કાગડા કોચી કાઢશે અને ગીઘનાં બચ્ચાં તેને ખાઈ જશે.
”ત્રણ બાબતો મને એવી આશ્ચર્યજનક લાગે છે કે તેઓ મારી સમજમાં આવતી નથી, અરે, ચાર બાબતો હું જાણતો નથી. આકાશમાં ઊડતા ગરુડનું ઉડ્ડયન; ખડક ઉપર સરકતા સાપની ચાલ; ભરસમુદ્રમાં વહાણનો માર્ગ; અને કુમારી તથા યુવાન વચ્ચે ઉદ્દભવતો પ્રેમ.
”હે મારા દીકરા? ઓ મારા દીકરા? હે મારી માનતાઓના દીકરા? તારી શક્તિ સ્ત્રીઓ પાછળ વેડફીશ નહિ, અને તારા માર્ગો રાજાઓનો નાશ કરનારની પાછળ વેડફીશ નહિ.
”સદગુણી પત્ની કોને મળે? કેમ કે તેનું મૂલ્ય તો રત્નો કરતાં વધારે છે. તેનો પતિ તેના પર પૂરો વિશ્વાસ રાખે છે, અને તેને સંપત્તિની કોઈ ખોટ પડશે નહિ. પોતાના આયુષ્યનાં સર્વ દિવસો પર્યંત, તે તેનું ભલું જ કરે છે અને કદી ખોટું કરતી નથી. તે ઊન અને શણ ભેગું કરે છે, અને ખંતથી પોતાના હાથે કામ કરવામાં આનંદ માણે છે. તે દૂરથી પોતાનું અન્ન લઈ આવનાર, વેપારીના વહાણ જેવી છે. ઘરનાં સર્વને માટે ખાવાનું તૈયાર કરવા તે પરોઢ થતાં પહેલાં ઊઠી જાય છે અને તેની દાસીઓ માટે દિવસભરના કામનું આયોજન કરે છે. તે કોઈ ખેતરનો વિચાર કરીને તેને ખરીદે છે, પોતાના નફામાંથી તે પોતાને હાથે દ્રાક્ષના વેલા રોપે છે. પોતાની કમરે તે ખડતલ અને ભારે ઉધમી છે, તે પોતાના હાથ બળવાન કરે છે. તે પોતાના વેપારના નફાનો ખ્યાલ રાખે છે; તેથી રાતભર તેનો દીવો હોલવાતો નથી. તે એક હાથે પૂણી પકડે છે અને બીજે હાથે રેંટિયો ચલાવે છે. તે ગરીબોને ઉદારતાથી આપે છે; અને જરૂરિયાતમંદોને છૂટે હાથે મદદ કરે છે. તેના કુટુંબના સભ્યોને માટે તે શિયાળાની કશી બીક રહેવા દેતી નથી, તેના આખા કુટુંબે ઊનનાં કિરમજી વસ્ત્ર પહેરેલાં છે. તે પોતાને માટે બુટ્ટાદાર રજાઈઓ બનાવે છે, તેના વસ્ત્રો ઝીણા મલમલનાં તથા જાંબુડા રંગનાં છે. તેનો પતિ નગર દરવાજે આદર પામે છે, અને દેશનાં મુખ્ય આગેવાનોમાં તે પ્રતિષ્ઠિત છે. તે શણનાં વસ્ત્રો બનાવીને વેપારીઓને વેચે છે અને તેઓને કમરબંધ બનાવી આપે છે. શક્તિ અને સન્માન તેનો પોશાક છે. અને તે ભવિષ્ય વિષેની ચિંતાને હસી કાઢે છે. તેના મોંમાંથી ડહાપણની વાતો નીકળે છે, તેના જીભનો નિયમ માયાળુપણું છે. તે પોતાના ઘરમાં બધા કામની દેખરેખ રાખે છે અને તે કદી આળસની રોટલી ખાતી નથી. તે પોતાના ઘરના માણસોની વર્તનની બરાબર તપાસ રાખે છે; અને તેના પતિ તેના વખાણ કરે છે અને પ્રશંસા કરતાં કહે છે કે, "જગતમાં ઘણી સદાચારી સ્ત્રીઓ છે, પણ તું તે સર્વ કરતાં ઉત્તમ છે." લાવણ્ય ઠગારું છે અને સૌંદર્ય વ્યર્થ છે, પરંતુ યહોવાહનો ડર રાખનાર સ્ત્રીની પ્રંશસા થશે. તેના હાથની પેદાશમાંથી તેને આપો અને તેના કામોને માટે ભાગળોમાં તેની પ્રશંસા કરો.
”એક કરતાં બે ભલા; કેમ કે તેઓએ કરેલી મહેનતનું ફળ તેઓને મળે છે. જો બેમાંથી એક પડે તો બીજો તેને ઉઠાડશે. પરંતુ માણસ એકલો હોય, અને તેની પડતી થાય તો તેને મદદ કરનાર કોઈ જ ન હોય તો તેને અફસોસ છે. જો બે જણા સાથે સૂઈ જાય તો તેઓને એક બીજાથી હૂંફ મળે છે. પણ એકલો માણસ હૂંફ કેવી રીતે મેળવી શકે? એકલા માણસને હરકોઈ હરાવે પણ બે જણ તેને જીતી શકે છે ત્રેવડી વણેલી દોરી સહેલાઈથી તૂટતી નથી.
”દુનિયા પર જે ક્ષણિક જીવન ઈશ્વરે તને આપ્યું છે, તેમાં તારી પત્ની, જેના પર તું પ્રેમ કરે છે, તેની સાથે વ્યર્થતાના સર્વ દિવસો આનંદથી વિતાવ, કારણ કે આ તારી જિંદગીમાં તથા પૃથ્વી પર જે ભારે પરિશ્રમ તું કરે છે તેમાં એ તારો હિસ્સો છે.
”પવનની ગતિ શી છે, તથા ગર્ભવતીના ગર્ભમાં હાડકાં કેવી રીતે વધે છે તે તું જાણતો નથી તેમ જ ઈશ્વર જે કંઈ કાર્ય કરે છે તે તું જાણતો નથી. તેમણે સર્વ સર્જ્યું છે.
”તારી યુવાવસ્થાના દિવસોમાં તું તારા સર્જનહારનું સ્મરણ કર. ખરાબ દિવસો આવ્યા પહેલાં, એટલે જે વર્ષો વિષે તું એમ કહેશે કે "તેમાં મને કંઈ આનંદ નથી" તે પાસે આવ્યા પહેલાં તેમનું સ્મરણ કર,
”હે સિયોનની દીકરીઓ, નીકળી આવો, જુઓ સુલેમાન રાજાને, તેના આનંદના દિવસે એટલે તેના લગ્નના દિવસે જે મુગટ તેની માતાએ તેને પહેરાવ્યો છે, તે મુગટ સહિત તેને નિહાળો.
”તેથી પ્રભુ પોતે તમને ચિહ્ન આપશે: જુઓ, કુમારી ગર્ભવતી થઈને, પુત્રને જન્મ આપશે અને તેનું નામ ઈમાનુએલ પાડવામાં આવશે.
”કેમ કે આપણે સારુ છોકરો જન્મ્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે; અને તેના ખભા પર રાજ્યાધિકાર રહેશે; અને તેને અદ્દભુત સલાહકાર, પરાક્રમી ઈશ્વર, સનાતન પિતા અને શાંતિનો રાજકુમાર એ નામ આપવામાં આવશે.
”જેમ ગર્ભવતી સ્ત્રી જ્યારે પ્રસવનો સમય પાસે આવે, ત્યારે પ્રસૂતિની વેદનામાં ચીસો પાડે છે; તે પ્રમાણે, હે પ્રભુ અમે તમારી સંમુખ હતા. અમે ગર્ભ ધર્યો હતો, અમે પ્રસવ પીડામાં હતા, પણ અમે જાણે વાયુને જન્મ આપ્યો છે. પૃથ્વીનો ઉધ્ધાર અમારાથી થયો નથી અને દુનિયાના રહેવાસીઓ પડ્યા નથી.
”જીવિત વ્યક્તિ, હા, જીવિત વ્યક્તિ તો, જેમ આજે હું કરું છું તેમ, તમારી આભારસ્તુતિ કરશે. પિતા પોતાનાં સંતાનોને તમારી વિશ્વસનીયતા જાહેર કરશે.
”હે ટાપુઓ, તમે મારું સાંભળો! હે દૂરના લોકો, તમે ધ્યાન આપો. યહોવાહે જન્મથી મને નામ લઈને, જ્યારે હું મારી માના ગર્ભમાં હતો ત્યારથી બોલાવ્યો છે.
”શું સ્ત્રી પોતાના બાળકને, અરે પોતાના સ્તનપાન કરતા બાળકને ભૂલી જાય, પોતાના પેટના દીકરા પર તે દયા ન કરે? હા, કદાચ તે ભૂલી જાય પરંતુ હું તને ભૂલીશ નહિ.
”કેમ કે તારા કર્તા જ તારા છે; તેમનું નામ સૈન્યોના ઈશ્વર યહોવાહ છે. ઇઝરાયલના પવિત્રએ તારા ઉદ્ધારકર્તા છે; તે આખી પૃથ્વીના ઈશ્વર કહેવાય છે. તારા ઈશ્વર કહે છે, તજેલી તથા આત્મામાં ઉદાસ રહેનાર પત્નીની જેમ, એટલે જુવાનીમાં પરણેલી સ્ત્રી અને પછી નકારાયેલી પત્નીની જેમ, યહોવાહે તને બોલાવી છે.
”અને તારાં સંતાનોને યહોવાહ દ્વારા શીખવવામાં આવશે; અને તારાં સંતાનોને ઘણી શાંતિ મળશે.
”હું યહોવાહમાં અતિશય આનંદ કરીશ; મારો જીવ મારા ઈશ્વરમાં હરખાશે. કેમ કે જેમ વર પોતાને પાઘડીથી સુશોભિત કરે છે અને કન્યા પોતાને આભૂષણથી શણગારે છે, તેમ તેમણે મને તારણનાં વસ્ત્રો પહેરાવ્યાં છે; ન્યાયીપણાનો ઝભ્ભો મારા પર ઓઢાડ્યો છે.
”જેમ જુવાન કુંવારીને પરણે છે, તેમ તારા દીકરા તને પરણશે. જેમ વર કન્યાથી હર્ષ પામે છે, તેમ તારા ઈશ્વર તારાથી હર્ષ પામશે.
”જેમ મા પોતાના બાળકને દિલાસો આપે છે, તે પ્રમાણે હું તને દિલાસો આપીશ અને તું યરુશાલેમમાં દિલાસો પામીશ."
”''ગર્ભસ્થાનમાં ઘડ્યા પહેલાં, મેં તને પસંદ કર્યો હતો; અને ગર્ભસ્થાનમાંથી બહાર આવતા પહેલાં મેં તને પવિત્ર કર્યો હતો. પ્રજાઓને સારુ મેં તને પ્રબોધક થવા માટે નીમ્યો છે."
”તેઓ કહે છે, ''જો પુરુષ પોતાની પત્નીને કાઢી મૂકે અને તે તેની પાસેથી જઈને બીજા પુરુષને પરણે, તો શું તે તેની પાસે પાછો જાય? જો એમ બને તો એ દેશ અતિ ભ્રષ્ટ નહિ ગણાય?'' પણ તેં તો અનેક પ્રેમીઓ સાથે વ્યભિચાર કર્યો છે અને છતાં તું મારી પાસે પાછી આવવા માગે છે? એવું યહોવાહ કહે છે.
”મેં એ પણ જોયું કે, મારો ત્યાગ કરનાર ઇઝરાયલે વ્યભિચાર કર્યો, તે જ કારણથી મેં તેને હાંકી કાઢી હતી. મેં તેને છૂટાછેડા આપ્યા હતા. તેમ છતાં, તેની વિશ્વાસઘાતી બહેન યહૂદિયા ડરી નહિ, તેણે પણ વ્યભિચાર કર્યો.
”વળી યહોવાહ કહે છે કે હે, મારો ત્યાગ કરનાર દીકરાઓ પાછા આવો, કેમ કે હું તમારો માલિક છું. અને દરેક નગરમાંથી એકેક જણને અને દરેક કુટુંબમાંથી બબ્બેને ચૂંટીને તમને સિયોન પર પાછા લાવીશ.
”જો તમે પરદેશીઓ, અનાથો અને વિધવાઓનું શોષણ ન કરો અને જો તમે આ જગ્યાએ નિર્દોષનું લોહી ન રેડો અને જો તમે બીજા દેવો પાછળ ચાલીને તમારો પોતાનો જ વિનાશ ન નોતરો, તો હું તમને આ દેશમાં એટલે જે ભૂમિ મેં તમારા પિતૃઓને સદાકાળ માટે આપેલી છે તેમાં વસવા દઈશ.
”તમે પરણો અને સંતાનોને જન્મ આપો. પછી તમારાં દીકરા-દીકરીઓને પરણાવો. જેથી તેઓ પણ સંતાનો પેદા કરે. તમે વૃદ્ધિ પામો, ઓછા ન થાઓ.
”પણ તેં તારી જુવાનીના દિવસો યાદ ન કરતાં, આ બધી બાબતોથી મને ગુસ્સો ચડાવ્યો છે-જો, હું તને તારાં કૃત્યો માટે સજા કરીશ" એવું પ્રભુ યહોવાહ કહે છે- "તારાં ધિક્કારપાત્ર કૃત્યો ઉપરાંત શું તેં આ દુષ્ટ કામ નથી કર્યું? જો, કહેવતોનો ઉપયોગ કરનાર દરેક તારે માટે આ કહેવત કહેશે,જેવી મા તેવી દીકરી.
”જે પાપ કરશે તે માર્યો જશે. દીકરો પોતાના પિતાના અન્યાયની શિક્ષા ભોગવશે નહિ, કે પિતા પોતાના દીકરાના અન્યાયની શિક્ષા ભોગવશે નહિ. ન્યાયી માણસની નેકી તેને શિરે અને બૂરાની બૂરાઈ તેને શિરે.
”મેં તેઓનાં દીકરાઓને તથા દીકરીઓને અરણ્યમાં કહ્યું, 'તમે તમારા પિતાઓના નિયમો પ્રમાણે ચાલશો નહિ, તેઓના હુકમોને અનુસરશો નહિ કે તેઓની મૂર્તિઓથી તમારી જાતને અશુદ્ધ કરશો નહિ.
”તેઓએ તારા માતાપિતાનો આદર કર્યો નથી, તારી મધ્યે વિદેશીઓને સુરક્ષા માટે નાણાં આપવા પડે છે. તેઓ અનાથો તથા વિધવાઓ ઉપર ત્રાસ ગુજારે છે.
”તેઓ વિધવા કે છૂટાછેડા લીધેલી સ્ત્રી સાથે લગ્ન ન કરે; પણ ફક્ત ઇઝરાયલમાંથી કુંવારી તથા અગાઉ યાજકની સાથે લગ્ન કરેલી વિધવા સાથે લગ્ન કરી શકે.
”હું સદાકાળને માટે તારી સાથે મારી સગાઈ કરીશ. હું નેકીથી, ન્યાયીપણાથી, વિશ્વાસયોગ્યતા તથા કૃપાથી તારી સાથે મારી સગાઈ કરીશ. હું વિશ્વાસુપણાથી તારી સાથે સગાઈ કરીશ. અને તું યહોવાહને ઓળખશે.
”તમારાં સંતાનોને એ વિષે કહી સંભળાવો, અને તમારાં સંતાનો તેમના સંતાનોને કહે, અને તેઓના સંતાનો તેઓની પછીની પેઢીને તે કહી જણાવે.
”જેમ કોઈ કુમારિકા પોતાના જુવાન પતિના અવસાનથી શોકનાં વસ્ત્રો પહેરીને વિલાપ કરે છે તેમ તમે વિલાપ કરો.
”ત્યારે એમ થશે કે હું મારો આત્મા સર્વ મનુષ્ય પર રેડી દઈશ. તમારા દીકરાઓ અને દીકરીઓ પ્રબોધ કરશે, તમારા વૃદ્ધોને સ્વપ્નો આવશે તમારા યુવાનોને સંદર્શનો થશે.
”શું બે જણા સંપ કર્યા વગર, સાથે ચાલી શકે?
”કેમ કે દીકરો પોતાના પિતાનો આદર કરતો નથી. દીકરી પોતાની માની સામી થાય છે, વહુ પોતાની સાસુની સામી થાય છે; માણસનાં શત્રુઓ તેના પોતાના જ ઘરનાં માણસો છે.
”સૈન્યોના યહોવાહ એવું કહે છે: "સાચો ન્યાય કરો, દરેક માણસ પોતાના ભાઈ પર દયા તથા કૃપા રાખો; વિધવા તથા અનાથ, વિદેશીઓ તથા ગરીબ પર જુલમ ન કરો. અને તમારામાંનો કોઈ પણ પોતાના મનમાં પોતાના ભાઈનું નુકસાન કરવાનું ષડ્યંત્ર ન રચે.'
”પણ તું કહે છે, "શા માટે તે નહિ?" કેમ કે, યહોવાહ તારી અને તારી જુવાનીની પત્ની વચ્ચે સાક્ષી થયા છે, જોકે તે તારી સાથી અને કરારની રૂએ તારી પત્ની હતી છતાં તું તેને અવિશ્વાસુ રહ્યો છે. શું આત્માના અંશ વડે તેણે તમને એક બનાવ્યા નથી? અને શા માટે તેમણે તમને એક બનાવ્યા છે? કેમ કે તેઓ ધાર્મિક સંતાનની આશા રાખતા હતા? માટે તમારા આત્મા વિષે સાવધ રહો, કોઈ પણ પોતાની જુવાનીની પત્નીને અવિશ્વાસુ ન રહે. કેમ કે ઇઝરાયલના ઈશ્વર યહોવાહ કહે છે કે, "હું છૂટાછેડાને ધિક્કારું છું, સૈન્યોના યહોવાહ કહે છે "જે પોતાની પત્ની પર જુલમ કરે છે તેને હું ધિક્કારું છું. "માટે તમારા આત્મા વિષે સાવધ રહો અને અવિશ્વાસુ ન બનો."
”તે પિતાઓનાં હૃદય દીકરા તરફ તથા દીકરાઓનાં હૃદય પિતાઓ તરફ ફેરવશે; રખેને હું આવીને પૃથ્વીનો શાપથી વિનાશ કરું."
”ઈસુ ખ્રિસ્ત જે દાઉદના દીકરા, જે ઇબ્રાહિમનાં દીકરા, તેમની વંશાવળી. ઇબ્રાહિમ ઇસહાકનો પિતા, ઇસહાક યાકૂબનો પિતા, યાકૂબ યહૂદા તથા તેના ભાઈઓનો પિતા; યહૂદા તથા તામાર, પેરેસ તથા ઝેરાનાં માતાપિતા હતાં, પેરેસ હેસ્રોનનો પિતા, હેસ્રોન આરામનો પિતા. આરામ અમિનાદાબનો પિતા, અમિનાદાબ નાહશોનનો પિતા, નાહશોન સલ્મોનનો પિતા; સલ્મોન બોઆઝનો પિતા અને રાહાબ તેની માતા; બોઆઝ ઓબેદનો પિતા અને રૂથ તેની માતા; ઓબેદ યિશાઈનો પિતા; યિશાઈ રાજા દાઉદનો પિતા હતો. દાઉદ સુલેમાન કે જેની મા ઉરિયાની પત્ની હતી તેનો પિતા; અને સુલેમાન રહાબામનો પિતા, રહાબામ અબિયાનો પિતા, અબિયા આસાનો પિતા; આસા યહોશાફાટનો પિતા, યહોશાફાટ યોરામનો પિતા, યોરામ ઉઝિયાનો પિતા; ઉઝિયા યોથામનો પિતા, યોથામ આહાઝનો પિતા, આહાઝ હિઝકિયાનો પિતા; હિઝકિયા મનાશ્શાનો પિતા; મનાશ્શા આમોનનો પિતા, આમોન યોશિયાનો પિતા; બાબિલના બંદીવાસને સમયે યોશિયા યખોન્યા તથા તેના ભાઈઓનો પિતા. અને બાબિલના બંદીવાસ પછી, યખોન્યા શાલ્તીએલનો પિતા, શાલ્તીએલ ઝરુબ્બાબેલનો પિતા; ઝરુબ્બાબેલ અબીઉદનો પિતા, અબીઉદ એલિયાકીમનો પિતા, એલિયાકીમ આઝોરનો પિતા; આઝોર સાદોકનો પિતા, સાદોક આખીમનો પિતા, આખીમ અલિયુદનો પિતા; અલિયુદ એલાઝારનો પિતા, એલાઝાર મથ્થાનનો પિતા, મથ્થાન યાકૂબનો પિતા; યાકૂબ યૂસફનો પિતા, યૂસફ જે મરિયમનો પતિ હતો; અને મરિયમથી ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તે જનમ્યાં.
”માટે ઇબ્રાહિમથી દાઉદ સુધી બધી મળીને ચૌદ પેઢી થઈ, દાઉદથી બાબિલના બંદીવાસ સુધી ચૌદ પેઢી, બાબિલના બંદીવાસથી ખ્રિસ્તનાં સમય સુધી ચૌદ પેઢી થઈ.
”ઈસુ ખ્રિસ્તનો જન્મ આ પ્રમાણે થયો. તેમની મા મરિયમની સગાઈ યૂસફ સાથે થયા પછી, તેઓનો શારીરિક સંબંધ થયા અગાઉ તે પવિત્ર આત્માથી ગર્ભવતી થયેલી જણાઈ. તેનો પતિ યૂસફ ન્યાયી માણસ હતો, જેણે તેનું ઉઘાડી રીતે અપમાન કરવા ન ચાહતા, તેને ગુપ્ત રીતે છોડી દેવાનો વિચાર કર્યો. જયારે તે એ બાબત વિશે વિચારતો હતો, ત્યારે પ્રભુના સ્વર્ગદૂતે તેને સ્વપ્નમાં કહ્યું કે, "ઓ યૂસફ, દાઉદના દીકરા, તું તારી પત્ની મરિયમને તેડી લાવવાને બીશ નહિ; કેમ કે તેના ગર્ભમાં જે બાળક છે તે પવિત્ર આત્માથી છે. તેને દીકરો થશે અને તું તેમનું નામ ઈસુ પાડશે; કેમ કે તે પોતાના લોકોને તેઓનાં પાપથી ઉદ્ધાર કરશે." હવે એ બધું એ માટે થયું કે, પ્રભુએ પ્રબોધક દ્વારા જે કહ્યું હતું તે પૂરું થાય, એટલે, "જુઓ, કુંવારી ગર્ભવતી થશે, તેને દીકરો થશે અને તેનું નામ તેઓ ઈમ્માનુએલ પાડશે, જેનો અર્થ એ છે કે, 'ઈશ્વર આપણી સાથે.'" ત્યારે યૂસફે ઊંઘમાંથી ઊઠીને જેમ પ્રભુના સ્વર્ગદૂતે તેને આજ્ઞા આપી હતી તેમ કર્યું. તે પોતાની પત્નીને તેડી લાવ્યો. મરિયમને દીકરો થયો ત્યાં સુધી યૂસફે મરિયમની સાથે શારીરિક સંબંધ કર્યો નહિ; અને તેણે દીકરાનું નામ ઈસુ પાડ્યું.
”ઘરમાં જઈને તેઓએ બાળકને તેની મા મરિયમની પાસે જોયું; પગે પડીને તેનું ભજન કર્યું. પછી તેઓએ પોતાની ઝોળી ખોલીને સોનું, લોબાન તથા બોળનું તેને નજરાણું કર્યું.
”પણ હવે હું તમને કહું છું કે, જે કોઈ પોતાના ભાઈ પર કારણ વગર ક્રોધ કરે છે, તે અપરાધી ઠરવાના જોખમમાં આવશે; જે પોતાના ભાઈને 'બેવકૂફ' કહેશે, તે ન્યાયસભાથી અપરાધી ઠરવાના જોખમમાં આવશે; જે તેને કહેશે કે 'તું મૂર્ખ છે', તે નરકાગ્નિના જોખમમાં આવશે. એ માટે જો તું તારું અર્પણ યજ્ઞવેદી પાસે લાવે અને જો ત્યાં તને યાદ આવે કે મારા ભાઈને મારી વિરુદ્ધ કંઈક છે, તો ત્યાં યજ્ઞવેદી આગળ તારું અર્પણ મૂકીને જા, પ્રથમ તારા ભાઈની સાથે સુલેહ કર અને ત્યાર પછી આવીને તારું અર્પણ ચઢાવ.
”'જે કોઈ પોતાની પત્નીને છોડી દે તે તેને છૂટાછેડા લખી આપે', એમ પણ કહેલું હતું, પણ હું તમને કહું છું કે, વ્યભિચારના કારણ વગર જે કોઈ પોતાની સ્ત્રીને છોડી દે, તે તેની પાસે વ્યભિચાર કરાવે છે; અને જે કોઈ તે ત્યજી દીધેલી સ્ત્રી સાથે લગ્ન કરે છે તે પણ વ્યભિચાર કરે છે.
”તમારામાં એવી કઈ વ્યક્તિ છે કે, જો તેનો દીકરો તેની પાસે રોટલી માગે, તો તે તેને પથ્થર આપશે? અથવા જો માછલી માગે, તો તે તેને સાપ આપશે? માટે જો તમે ખરાબ હોવા છતાં, જો પોતાના બાળકોને સારાં વાનાં આપી જાણો છો, તો તમારા સ્વર્ગમાંનાં પિતાની પાસે જેઓ માગે છે તેઓને કેટલી વિશેષે કરીને તેઓ સારાં વાનાં આપશે?
”એમ ન ધારોકે હું પૃથ્વી પર શાંતિ લાવવા આવ્યો છું; શાંતિ તો નહિ, પણ તરવાર લઈને આવ્યો છું. કેમ કે પુત્રને તેના પિતાની વિરુધ્ધ, દીકરીને તેની માની વિરુધ્ધ તથા પુત્રવધૂને તેની સાસુની વિરુધ્ધ કરવાને હું આવ્યો છું. માણસના દુશ્મન તેના ઘરનાં થશે. મારા કરતાં જે પોતાની મા અથવા પોતાના પિતા પર વધારે પ્રેમ કરે છે તે મારે યોગ્ય નથી; અને દીકરા કે દીકરી પર જે મારા કરતાં વધારે પ્રેમ કરે છે, તે પણ મારે યોગ્ય નથી.
”ત્યારે ઈસુએ તેઓનો વિચાર જાણીને તેઓને કહ્યું કે, "દરેક રાજ્ય જે ભાગલા પડે, તે તૂટી પડે છે; તથા દરેક નગર અથવા ઘર જે ભાગલા પડે, તે સ્થિર નહિ રહેશે.
”ઈસુ લોકોને હજુ વાત કહેતાં હતા એટલામાં જુઓ, તેમની મા તથા તેમના ભાઈઓ બહાર આવીને ઊભા હતાં, અને તેમની સાથે વાત કરવા ચાહતા હતાં. ત્યારે કોઈએ તેમને કહ્યું કે, "જુઓ, તમારી મા તથા તમારા ભાઈઓ બહાર ઊભા છે, તેઓ તમારી સાથે વાત કરવા ચાહે છે." પણ પેલા કહેનારને તેમણે ઉત્તર દેતાં કહ્યું કે, "મારી મા કોણ છે? અને મારા ભાઈઓ કોણ છે?" તેમણે પોતાના શિષ્યોની તરફ પોતાનો હાથ લંબાવીને કહ્યું કે, "જુઓ મારી મા તથા મારા ભાઈઓ! કેમ કે મારા સ્વર્ગમાંનાં પિતાની ઇચ્છા પ્રમાણે જે કોઈ કરે, તે જ મારો ભાઈ, બહેન તથા મા છે."
”શું એ સુથારના દીકરા નથી? શું એમની માનું નામ મરિયમ નથી? શું યાકૂબ તથા યૂસફ તથા સિમોન તથા યહૂદા તેમના ભાઈઓ નથી? શું એમની સઘળી બહેનો આપણી સાથે નથી? તો આ માણસની પાસે આ બધું ક્યાંથી?" તેઓ તેમને સમજવામાં નિષ્ફળ ગયા. પણ ઈસુએ તેઓને કહ્યું કે, "પ્રબોધક પોતાના વતનમાં તથા પોતાના ઘર સિવાય બીજે ઠેકાણે માન વગરનો નથી."
”કેમ કે ઈશ્વરે કહ્યું છે કે, 'તમે તમારા માતાપિતાનું સન્માન કરો અને જે કોઈ પોતાના માતાપિતાની નિંદા કરે તે નિશ્ચે માર્યો જાય.' પણ તમે કહો છો કે, જે કોઈ પોતાના માતાપિતાને કહેશે કે, 'જે વડે મારાથી તમને લાભ થયો હોત તે ઈશ્વરને અર્પિત છે; તો તેઓ ભલે પોતાના માતાપિતાનું સન્માન ન કરે; એમ તમે તમારા રિવાજથી ઈશ્વરની આજ્ઞાને રદ કરી છે.
”ત્યારે ઈસુએ એક બાળકને પોતાની પાસે બોલાવીને તેને તેઓની વચ્ચે ઊભું રાખીને તેઓને કહ્યું કે, 'હું તમને નિશ્ચે કહું છું કે, જો તમે તમારું બદલાણ નહિ કરો, અને બાળકોના જેવા નહિ થાઓ તો સ્વર્ગના રાજ્યમાં તમે પ્રવેશ નહિ જ પામશો. માટે જે કોઈ પોતાને આ બાળકના જેવો નમ્ર કરશે, તે જ સ્વર્ગના રાજ્યમાં સૌથી મોટો છે. વળી જે કોઈ મારે નામે એવા એક બાળકનો સ્વીકાર કરે છે તે મારો પણ સ્વીકાર કરે છે. પણ આ નાનાંઓ જેઓ મારા પર વિશ્વાસ કરે છે, તેઓમાંના એકને જે કોઈ ઠોકર ખવડાવશે તે કરતાં તેને ગળે ભારે પથ્થર બંધાય અને તે સમુદ્રના ઊંડાણમાં ડુબાડાય એ તેને માટે સારું છે.
”સાવધાન રહો કે આ નાનાઓમાંના એકનો પણ અનાદર તમે ન કરો, કેમ કે હું તમને કહું છું કે સ્વર્ગમાં તેઓના સ્વર્ગદૂત મારા સ્વર્ગમાંનાં પિતાનું મુખ સદા જુએ છે.
”વળી જો તારો ભાઈ તારી વિરુદ્ધ અપરાધ કરે, તો જા અને તેને એકાંતમાં લઈ જઈને તેનો દોષ તેને કહે; જો તે તારું સાંભળે, તો તેં તારા ભાઈને મેળવી લીધો છે.
”ત્યારે પિતરે ઈસુની પાસે આવીને કહ્યું કે, 'ઓ પ્રભુ, મારો ભાઈ મારી વિરુદ્ધ કેટલી વાર અપરાધ કરે અને હું તેને માફ કરું? શું સાત વાર સુધી?' ઈસુએ તેને કહ્યું કે, 'સાત વાર સુધીનું હું તને કહેતો નથી, પણ સિત્તેરગણી સાત વાર સુધી કહું છું.
”ફરોશીઓએ તેમની પાસે આવીને તેમનું પરીક્ષણ કરતાં પૂછ્યું કે, 'કોઈ પણ કારણને લીધે શું પુરુષે પત્નીને છોડી દેવી ઉચિત છે?' ઈસુએ જવાબ આપતાં કહ્યું કે, 'શું તમે એમ નથી વાંચ્યું કે, જેમણે તેઓને ઉત્પન્ન કર્યાં, તેમણે તેઓને આરંભથી નરનારી ઉત્પન્ન કર્યા?' અને કહ્યું કે 'તે કારણને લીધે પુરુષ પોતાનાં માતાપિતાને મૂકીને પોતાની પત્નીને વળગી રહેશે, અને તે બન્ને એક દેહ થશે. માટે તેઓ હવેથી બે નથી, પણ એક દેહ છે. એ માટે ઈશ્વરે જેમને જોડ્યાં છે તેમને માણસોએ જુદા ન પાડવાં. તેઓએ ઈસુને કહ્યું કે, 'તો મૂસાએ એવી આજ્ઞા કેમ આપી કે, છૂટાછેડા આપીને તેને મૂકી દેવી?' ઈસુએ તેઓને કહ્યું કે, મૂસાએ તમારાં હૃદયની કઠોરતાને લીધે તમને તમારી પત્નીઓને મૂકી દેવા દીધી, પણ આરંભથી એવું ન હતું. હું તમને કહું છું કે વ્યભિચારના કારણ વગર જે કોઈ પોતાની પત્નીને ત્યજીને બીજી સ્ત્રી સાથે લગ્ન કરે, તો તે વ્યભિચાર કરે છે; અને જો કોઈ ત્યજી દીધેલી સ્ત્રી સાથે લગ્ન કરે તો તે પણ વ્યભિચાર કરે છે.' તેમના શિષ્યોએ તેમને કહ્યું કે, 'જો પુરુષની તેની પત્ની સંબંધી આ સ્થિતિ હોય, તો લગ્ન કરવું સારું નથી.'
”ત્યાર પછી તેઓ બાળકોને તેમની પાસે લાવ્યા, એ માટે કે તે તેઓ પર હાથ મૂકીને પ્રાર્થના કરે; પણ શિષ્યોએ તેઓને ધમકાવ્યાં. પણ ઈસુએ કહ્યું કે, 'બાળકોને મારી પાસે આવવા દો, તેઓને રોકો નહિ, કેમ કે સ્વર્ગનું રાજ્ય એવાઓનું જ છે.'
”જે કોઈએ ઘરોને, ભાઈઓને, બહેનોને, પિતાઓને, માતાઓને, બાળકોને, કે ખેતરોને મારા નામને લીધે તજી દીધાં છે, તે સોગણાં પામશે અને અનંતજીવનનો વારસો પામશે.
”તેઓએ ઈસુને કહ્યું કે, 'તેઓ શું કહે છે, તે શું તું સાંભળે છે?' ત્યારે ઈસુ તેઓને કહે છે કે, 'હા, "બાળકોના તથા નવજાત શિશુઓના મુખથી તેં સ્તુતિ સંપૂર્ણ કરાવી છે, એ શું તમે કદી નથી વાંચ્યું?"
”સ્વર્ગનું રાજ્ય એક રાજાના જેવું છે, જેણે પોતાના દીકરાના લગ્નનો સમારંભ યોજ્યો. લગ્નમાં આમંત્રિતોને બોલાવવા માટે તેણે પોતાના ચાકરોને મોકલ્યા, પણ તેઓએ આવવા ચાહ્યું નહિ. ફરી તેણે બીજા ચાકરોને મોકલીને કહ્યું કે, 'આમંત્રિતોને કહો, 'જુઓ, મેં મારું ભોજન તૈયાર કર્યું છે, મારા બળદ તથા પુષ્ટ પ્રાણીઓ કાપ્યાં છે અને સઘળી ચીજો તૈયાર છે, લગ્નમાં આવો.
”એ માટે તમે રસ્તાઓનાં નાકા પર જાઓ અને જેટલાં તમને મળે તેટલાંને લગ્નમાં બોલાવો. તે ચાકરોએ બહાર રસ્તાઓમાં જઈને સારાં-નરસાં જેટલાં તેઓને મળ્યા તે સર્વને એકત્ર કર્યા, એટલે મહેમાનોથી લગ્નનો સમારંભ ભરાઈ ગયો. મહેમાનોને જોવા સારુ રાજા અંદર આવ્યા, ત્યારે તેમણે ત્યાં લગ્નના વસ્ત્રો પહેર્યા વગરના એક માણસને જોયો. ત્યારે તે તેને કહે છે કે, 'ઓ મિત્ર, તું લગ્નનો પોશાક પહેર્યા વિના અહીં કેમ આવ્યો?' તે ચૂપ રહ્યો.
”તે જ દિવસે સદૂકીઓ, જેઓ કહે છે કે મૃત્યુ બાદ મરણોત્થાન નથી, તેઓએ તેમની પાસે આવીને પૂછ્યું, 'ઓ ઉપદેશક, મૂસાએ કહ્યું છે કે, જો કોઈ પુરુષ નિઃસંતાન મરી જાય, તો તેનો ભાઈ તેની સ્ત્રીની સાથે લગ્ન કરીને પોતાના ભાઈને સારુ વંશ ઉપજાવે. તો અમારામાં સાત ભાઈ હતા, અને પ્રથમ લગ્ન કરીને મરણ પામ્યો. તે નિઃસંતાન હોવાથી પોતાના ભાઈને સારુ પોતાની પત્ની મૂકી ગયો. તે પ્રમાણે બીજો તથા ત્રીજો એમ સાતેય મરણ પામ્યા. સહુથી છેલ્લે તે સ્ત્રી પણ મરણ પામી. એ માટે મરણોત્થાન પામેલા પેલા સાતમાંથી તે કોની પત્ની થશે? કેમ કે તે બધા ભાઈઓની પત્ની થઈ હતી. ત્યારે ઈસુએ ઉત્તર આપ્યો કે, 'પવિત્રશાસ્ત્ર તથા ઈશ્વરનું પરાક્રમ નહિ જાણ્યાંને લીધે તમે ભૂલ ખાઓ છો.' કેમ કે મરણોત્થાન બાદ તેઓ લગ્ન કરતા કે કરાવતાં નથી, પણ તેઓ સ્વર્ગમાંનાં સ્વર્ગદૂતો જેવા હોય છે. પણ મરણ પામેલાંઓના મરણોત્થાન સંબંધી, ઈશ્વરે જે તમને કહ્યું તે શું તમે નથી વાંચ્યું? કે, 'હું ઇબ્રાહિમનો, ઇસહાકનો તથા યાકૂબનો ઈશ્વર છું;' તેઓ મરણ પામેલાઓના નહિ પણ જીવતાંઓના ઈશ્વર છે.'
”પૃથ્વી પર તમે કોઈ માણસને તમારા પિતા ન કહો, કેમ કે એક જે સ્વર્ગમાં છે, તે તમારા પિતા છે.
”કેમ કે જેમ જળપ્રલયની અગાઉ નૂહ વહાણમાં બેઠો ત્યાં સુધી તેઓ ખાતા, પીતા, પરણતા, પરણાવતા હતા;
”તો સ્વર્ગના રાજ્યને દસ કુમારિકાઓની ઉપમા અપાશે કે, જેઓ પોતાની મશાલો લઈને વરરાજાને મળવા સારુ બહાર ગઈ.
”તથા ઝબદીનો દીકરો યાકૂબ તથા યાકૂબનો ભાઈ યોહાન તેઓનું નામ તેમણે 'બને-રગેસ' પાડ્યું, એટલે કે 'ગર્જનાના દીકરા;'
”જો કોઈ ઘરમાં અંદરોઅંદર ફૂટ પડી હોય, તો તે ઘર સ્થિર રહી શકશે નહિ.
”ત્યારે તેમના ભાઈઓ તથા તેમની મા આવ્યાં અને બહાર ઊભા રહીને તેમને બોલાવવા તેમની પાસે માણસ મોકલ્યો. ઘણાં લોકો તેમની આસપાસ બેઠેલા હતા; અને તેઓએ તેમને કહ્યું કે, 'જો તમારી મા તથા તમારા ભાઈઓ બહાર ઊભા છે અને તમને શોધે છે.' તેમણે તેઓને ઉત્તર આપતાં કહ્યું કે, 'મારી મા તથા મારા ભાઈઓ કોણ છે?' જેઓ તેમની આસપાસ બેઠા હતા તેઓ તરફ ચારેબાજુ જોઈને તે કહે છે કે, 'જુઓ, મારી મા તથા મારા ભાઈઓ. કેમ કે જે કોઈ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરશે તે જ મારો ભાઈ તથા મારી બહેન તથા મા છે.'
”શું તે સુથાર નથી? શું એ મરિયમનો દીકરો નથી? યાકૂબ, યુસફ, યહૂદા તથા સિમોનનો ભાઈ નથી? શું એની બહેનો અહીં આપણી પાસે નથી?' અને તેઓએ ઈસુને ઓળખવાની મના કરી. પણ ઈસુએ તેઓને કહ્યું કે, 'પ્રબોધક પોતાના દેશ, પોતાનાં સગાં તથા પોતાના ઘર સિવાય બીજે ઠેકાણે માન વગરનો નથી.'
”કેમ કે મૂસાએ કહ્યું કે, "તારાં માતાપિતાને માન આપ" અને "જે કોઈ પોતાનાં માતાપિતાની નિંદા કરે તે માર્યો જાય"; પણ તમે કહો છો કે, જો કોઈ માણસ પોતાનાં માતાપિતાને કહે કે, મારાથી તમને જે કંઈ લાભ થાત તે તો કુરબાન, એટલે ઈશ્વરને દાન તરીકે અર્પિત કરેલું છે. તો તમે તેને તેનાં માતાપિતાને સારુ ત્યાર પછી કંઈ કરવા દેતાં નથી, અને એમ કરીને તમારા શીખવેલા રિવાજો વડે તમે ઈશ્વરની આજ્ઞા રદ કરો છો; અને એવાં ઘણાં કામો તમે કરો છો.'
”તેમણે એક બાળકને લઈને તેઓની વચમાં ઊભું રાખ્યું અને તેને ખોળામાં લઈને તેઓને કહ્યું કે, 'જે કોઈ મારે નામે આવાં બાળકોમાંના એકનો સ્વીકાર કરે, તે મારો સ્વીકાર કરે છે અને જે કોઈ મારો સ્વીકાર કરે છે તે કેવળ મારો જ નહિ, પણ જેમણે મને મોકલ્યો છે તેમનો સ્વીકાર કરે છે.'
”જે નાનાંઓ મારા પર વિશ્વાસ કરે છે, તેઓમાંના એકને જે કોઈ ઠોકર ખવડાવે, તેને માટે તે કરતાં આ સારું છે કે ઘંટીનો પથ્થર તેના ગળે બંધાય અને તે સમુદ્રમાં નંખાય.
”ફરોશીઓએ પાસે આવીને ઈસુનું પરીક્ષણ કરતાં તેમને પૂછ્યું કે, 'શું પતિએ પોતાની પત્નીને છોડી દેવી ઉચિત છે?' ઈસુએ જવાબ આપતાં તેઓને પૂછ્યું કે, 'મૂસાએ તમને શી આજ્ઞા આપી છે?' તેઓએ કહ્યું કે, છૂટાછેડા લખીને ત્યાગી દેવાની રજા મૂસાએ આપેલી છે.' પણ ઈસુએ તેઓને કહ્યું કે, તમારાં હૃદયની કઠોરતાને લીધે મૂસાએ તમારે સારુ તે આજ્ઞા આપી છે. પણ ઉત્પત્તિના આરંભથી ઈશ્વરે તેઓને એક પુરુષ તથા એક સ્ત્રી બનાવ્યાં. એ કારણથી માણસ પોતાનાં માબાપને મૂકીને પોતાની પત્ની સાથે જોડાયેલ રહેશે. તેઓ બંને એક દેહ થશે; એ માટે તેઓ ત્યાર પછી બે નહિ, પણ એક દેહ છે; તો ઈશ્વરે જેને જોડ્યું છે તેને માણસે જુદું પાડવું નહિ.' ઘરમાં તેમના શિષ્યોએ ફરી તે જ બાબત વિષે ઈસુને પૂછ્યું. ઈસુ તેઓને કહે છે કે, 'જે કોઈ પોતાની પત્નીને ત્યાગી દે અને બીજી સાથે લગ્ન કરે, તે તેની વિરુદ્ધ વ્યભિચાર કરે છે અને જો પત્ની પોતાના પતિને ત્યજી દે અને બીજા સાથે લગ્ન કરે, તો તે પણ વ્યભિચાર કરે છે.'
”પછી તેઓ ઈસુ પાસે બાળકોને લાવ્યા કે તે તેઓને અડકે. પણ શિષ્યોએ તેઓને ધમકાવ્યાં. ઈસુ તે જોઈને દુ:ખી થયા અને તેમણે તેઓને કહ્યું કે, 'બાળકોને મારી પાસે આવવા દો, તેઓને રોકશો નહિ; કેમ કે ઈશ્વરનું રાજ્ય એવાઓનું જ છે.' હું તમને નિશ્ચે કહું છું કે, 'જે કોઈ બાળકની માફક ઈશ્વરનું રાજ્ય સ્વીકારશે નહિ, તે તેમાં પ્રવેશ કરશે જ નહિ.' ઈસુએ તેઓને બાથમાં લીધાં, અને તેઓ પર હાથ મૂકીને તેઓને આશીર્વાદ આપ્યો.
”તું આજ્ઞાઓ જાણે છે કે, વ્યભિચાર ન કર, હત્યા ન કર, ચોરી ન કર, જૂઠી સાક્ષી ન પૂર, ઠગાઈ ન કર, પોતાના માબાપને માન આપ.'
”ઈસુએ કહ્યું કે, 'હું તમને નિશ્ચે કહું છું કે, જે કોઈએ મારે લીધે અને સુવાર્તાને લીધે ઘરને કે ભાઈઓને કે બહેનોને કે માને કે બાપને કે છોકરાંને કે ખેતરોને છોડ્યાં છે, તે હમણાં આ જીવનકાળમાં સોગણાં ઘરોને, ભાઈઓને, બહેનોને, માતાઓને, બાળકોને, ખેતરોને, પામશે. જોકે તેઓની સતાવણી થશે. વળી તેઓ આવતા કાળમાં અનંતજીવન પામ્યા વગર રહેશે નહિ.
”'ઉપદેશક, મૂસાએ અમારે વાસ્તે લખ્યું છે કે, જો કોઈનો ભાઈ પત્નીને મૂકીને નિ:સંતાન મૃત્યુ પામે, તો તેનો ભાઈ તેની પત્નીને રાખે અને પોતાના ભાઈને સારુ સંતાન ઉપજાવે. હવે સાત ભાઈ હતા; પહેલો પત્ની સાથે લગ્ન કરીને સંતાન વિના મરણ પામ્યો. પછી બીજાએ તેને રાખી અને તે મરણ પામ્યો; તે પણ કંઈ સંતાન મૂકી ગયો નહિ; અને એ પ્રમાણે ત્રીજાનું પણ થયું. અને સાતે સંતાન વગર મરણ પામ્યા. છેવટે સ્ત્રી પણ મરણ થયું. હવે મરણોત્થાનમાં, તે તેઓમાંના કોની પત્ની થશે? કેમ કે સાતેની તે પત્ની થઈ હતી.' ઈસુએ તેઓને કહ્યું કે, 'શું તમે આ કારણથી ભૂલ નથી કરતા, કે તમે પવિત્રશાસ્ત્ર તથા ઈશ્વરનું પરાક્રમ જાણતા નથી? કેમ કે મૃત્યુમાંથી ઊઠનારા લગ્ન કરતા કે કરાવતાં નથી, પણ તેઓ સ્વર્ગમાંનાં સ્વર્ગદૂતોનાં જેવા હોય છે. પણ મરણ પામેલા લોકો પાછા ઊઠે છે, તે સંબંધી, શું તમે મૂસાના પુસ્તકમાંના ઝાડી વિષેના પ્રકરણમાં નથી વાંચ્યું કે, ઈશ્વરે તેને એમ કહ્યું કે, હું ઇબ્રાહિમનો ઈશ્વર તથા ઇસહાકનો ઈશ્વર તથા યાકૂબનો ઈશ્વર છું.
”ભાઈ ભાઈને તથા પિતા છોકરાંને મરણદંડને સારુ પકડાવશે; છોકરાં માબાપની સામે ઊઠશે અને તેઓને મારી નંખાવશે.
”સ્વર્ગદૂતે તેને કહ્યું કે, ઝખાર્યા, બીશ નહિ; કેમ કે તારી પ્રાર્થના સાંભળવામાં આવી છે, તારી પત્ની એલિસાબેતને દીકરો થશે, તેનું નામ તું યોહાન પાડશે. તને આનંદ પ્રાપ્ત થશે, ને તેના જન્મથી ઘણાં લોકો હરખાશે; કેમ કે તે પ્રભુની દ્રષ્ટિમાં મહાન થશે, દ્રાક્ષાસવ પીશે નહિ; અને માતાના પેટમાં હશે ત્યારથી જ પવિત્ર આત્માથી ભરપૂર થશે. તે ઇઝરાયલના ઘણાં વંશજોને તેઓના ઈશ્વર યહોવા તરફ ફેરવશે. તે એલિયાના આત્માએ તથા પરાક્રમે ઈશ્વરની આગળ ચાલશે, એ માટે કે તે પિતાઓનાં મન બાળકો તરફ તથા ન માનનારાઓને ન્યાયીઓના જ્ઞાન પ્રમાણે ચાલવાને ફેરવે, તથા પ્રભુને માટે સિદ્ધ થયેલી પ્રજા તૈયાર કરે.
”છઠ્ઠે મહિને ગાબ્રિયેલ સ્વર્ગદૂતને ગાલીલના નાસરેથ નામે એક શહેરમાં એક કુમારિકાની પાસે ઈશ્વર તરફથી મોકલવામાં આવ્યો હતો. દાઉદના વંશના, યૂસફ નામે, એક પુરુષ સાથે તેની સગાઈ થઈ હતી; તેનું નામ મરિયમ હતું. સ્વર્ગદૂતે તેની પાસે આવીને કહ્યું કે, 'હે કૃપા પામેલી, સુખી રહે, પ્રભુ તારી સાથે છે!' પણ એ વચન સાંભળીને તે ઘણી ગભરાઈ અને વિચાર કરવા લાગી કે, આ તે કઈ જાતની સલામ હશે! સ્વર્ગદૂતે તેને કહ્યું કે, 'હે મરિયમ, બીશ નહીં; કેમ કે તું ઈશ્વરથી કૃપા પામી છે. જો, તને ગર્ભ રહેશે, તને દીકરો થશે, અને તું તેમનું નામ ઈસુ પાડશે. તે મોટા થશે અને પરાત્પર ઈશ્વરના દીકરા કહેવાશે; અને ઈશ્વર પ્રભુ તેમને તેમના પિતા દાઉદનું રાજ્યાસન આપશે. તે યાકૂબના વંશજો પર સર્વકાળ રાજ્ય કરશે, અને તેમના રાજ્યનો અંત આવશે નહિ.' મરિયમે સ્વર્ગદૂતને કહ્યું કે, 'એ કેમ કરીને થશે? કેમ કે હું કુંવારી છું, અને હું કોઈ પુરુષ સાથે સંબંધમાં આવી નથી.' સ્વર્ગદૂતે તેને ઉત્તર આપ્યો કે, 'પવિત્ર આત્મા તારા પર આવશે, અને પરાત્પર ઈશ્વરનું પરાક્રમ તારા પર આચ્છાદન કરશે; માટે જે તારાથી જન્મ લેશે તેને પવિત્ર ઈશ્વરનો દીકરો કહેવાશે.
”એલિસાબેતે મરિયમની સલામ સાંભળી ત્યારે બાળક તેના પેટમાં કૂદ્યું; અને એલિસાબેતે પવિત્ર આત્માથી ભરપૂર થઈને. તથા ઊંચા સ્વરથી કહ્યું કે, 'સ્ત્રીઓમાં તું આશીર્વાદિત છે, તારું બાળક પણ આશીર્વાદિત છે!' એ કૃપા મને ક્યાંથી કે, મારા પ્રભુની મા મારી પાસે આવે? કેમ કે, જો, તારી સલામનો અવાજ મારે કાને પડતાં બાળક મારા પેટમાં આનંદથી કૂદ્યું.
”યૂસફ પણ ગાલીલના નાસરેથ શહેરમાંથી યહૂદિયામાં દાઉદનું શહેર જે બેથલેહેમ કહેવાય છે તેમાં, પોતાનું તથા પોતાની ગર્ભવતી વેવિશાળી પત્ની મરિયમનું નામ નોંધાવવા ગયો, કેમ કે તે દાઉદના વંશ તથા કુળમાંનો હતો. તેઓ ત્યાં હતાં, એટલામાં મરિયમના પ્રસવાવસ્થાના દિવસો પૂરા થયા. અને તેણે પોતાના પ્રથમ દીકરાને જન્મ આપ્યો; તેને કપડાંમાં લપેટીને ગભાણમાં સુવડાવ્યો, કારણ કે તેઓને સારુ ધર્મશાળામાં કંઈ જગ્યા નહોતી.
”આઠ દિવસ પૂરા થયા પછી બાળકની સુન્નત કરવાનો વખત આવ્યો, તેમનું નામ ઈસુ પાડવામાં આવ્યું, જે નામ, જન્મ પહેલાં સ્વર્ગદૂતે આપ્યું હતું. મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે તેઓના શુદ્ધિકરણના દિવસો પૂરા થયા, ત્યારે જેમ પ્રભુના નિયમશાસ્ત્રમાં લખેલું છે કે, પ્રથમ જન્મેલો દરેક બાળક પ્રભુને સારુ પવિત્ર કહેવાય, તે પ્રમાણે તેઓ તેને પ્રભુની સમક્ષ રજૂ કરવાને,
”તેમને જોઈને તેમના માતાપિતા આશ્ચર્ય પામ્યા; અને તેમની માએ તેમને કહ્યું કે, 'દીકરા, અમારી સાથે તું આવી રીતે કેમ વર્ત્યો? જો, તારા પિતાએ તથા મેં દુઃખી થઈને તારી કેટલી શોધ કરી!' ઈસુએ તેઓને કહ્યું કે 'તમે મારી શોધ શા માટે કરી? શું તમે જાણતા નહોતાં કે મારે મારા પિતાના ઘરમાં હોવું જોઈએ?' જે વાત ઈસુએ તેઓને કહી તે તેઓ સમજ્યાં નહિ. ઈસુ તેઓની સાથે ગયા, અને નાસરેથમાં આવ્યા, માતાપિતાને આધીન રહ્યા અને તેમની માએ એ સઘળી વાતો પોતાના મનમાં રાખી.
”ઈસુ પોતે [બોધ] કરવા લાગ્યા, ત્યારે તે આશરે ત્રીસ વર્ષની ઉંમરના હતા, અને (લોકોના ધાર્યા પ્રમાણે) તે યૂસફના દીકરા હતા, જે એલીનો [દીકરો], મથ્થાતનો, જે લેવીનો, જે મલ્ખીનો, જે યન્નયનો, જે યૂસફનો, જે મત્તિયાનો, જે આમોસનો, જે નાહૂમનો, જે હેસ્લીનો, જે નગ્ગયનો, જે માહથનો, જે મતિયાનો, જે શિમઈનો, જે યોસેખનો, જે યોદાનો, જે યોહાનાનનો, જે રેસાનો, જે ઝરુબ્બાબેલનો, જે શાલ્તીએલનો, જે નેરીનો, જે મલ્ખીનો, જે અદ્દીનો, જે કોસામનો, જે અલ્માદામનો, જે એરનો, જે યેશુનો, જે એલીએઝેરનો, જે યોરીમનો, જે મથ્થાતનો, જે લેવીનો, જે શિમયોનનો, જે યહૂદાનો, જે યૂસફનો, જે યોનામનો, જે એલ્યાકિમનો, જે મલેયાનો, જે મિન્નાનો, જે મત્તાથાનો, જે નાથાનનો, જે દાઉદનો, જે યિશાઈનો, જે ઓબેદનો, જે બોઆઝનો, જે સલ્મોનનો, જે નાહશોનનો, જે અમિનાદાબનો, જે અદમીનનો, જે અર્નીનો, જે હેસ્રોનનો, જે પેરેસનો, જે યહૂદાનો, જે યાકૂબનો, જે ઇસહાકનો, જે ઇબ્રાહિમનો, જે તેરાહનો, જે નાહોરનો, જે સરૂગનો, જે રયૂનો, જે પેલેગનો, જે એબરનો, જે શેલાનો, જે કેનાનનો, જે અર્ફાક્ષદનો, જે શેમનો, જે નૂહનો, જે લામેખનો, જે મથૂશેલાનો, જે હનોખનો, જે યારેદનો, જે મહાલાએલનો, જે કેનાનનો, જે અનોશનો, જે શેથનો, જે આદમનો, જે ઈશ્વરનો દીકરો હતો.
”ઈસુનાં મા તથા ભાઈઓ તેમની પાસે આવ્યાં, પણ લોકોની ભીડને લીધે તેઓ તેમની પાસે જઈ શક્યા નહિ. અને ઈસુને કોઈએ ખબર આપી કે, 'તમારી મા તથા તમારા ભાઈઓ બહાર ઊભા રહ્યાં છે, અને તમને મળવા માગે છે.' પણ તેમણે ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, 'આ જેઓ ઈશ્વરનાં વચનને સાંભળે છે તથા પાળે છે તેઓ મારાં મા તથા ભાઈઓ છે.'
”વળી તમારામાંના એવો કોઈ પિતા છે ખરો, જે છોકરો રોટલી માગે તો તે તેને પથ્થર આપશે? અથવા જો માછલી માગે તો શું માછલીને બદલે તે તેને સાપ આપશે? અથવા જો તે ઈડું માગે તો શું તે તેને વીંછી આપશે? માટે જો તમે ખરાબ હોવા છતાં તમારાં છોકરાંને સારાં વાનાં આપી જાણો છો, તો સ્વર્ગમાંના બાપની પાસે જેઓ માગે, તેઓને તે પવિત્ર આત્મા આપશે, તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે?'
”બાપ દીકરાની સામો, તથા દીકરો બાપની સામો થશે; મા દીકરીની સામે, અને દીકરી પોતાની માની સામે થશે; સાસુ પોતાની વહુની સામે, અને વહુ પોતાની સાસુની સામે થશે, એમ તેઓમાં ફૂટ પડશે.
”'જો કોઈ મારી પાસે આવે, અને પોતાનાં માતાનો અને પિતાનો, પત્નીનો, બાળકોનો, ભાઈઓનો તથા બહેનોનો, હા, પોતાના જીવનો પણ દ્રેષ ન કરે, તો તે મારો શિષ્ય થઈ શકતો નથી. જે કોઈ પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ આવતો નથી, તે મારો શિષ્ય થઈ શકતો નથી.
”વળી ઈસુએ કહ્યું કે, 'એક માણસને બે દીકરા હતા. તેઓમાંના નાનાએ પિતાને કહ્યું કે, પિતાજી, મિલકતનો જે મારો ભાગ આવે તે મને આપો; તેથી તેણે [પિતાએ] તેઓને (ભાઈઓને) પોતાની મિલકત વહેંચી આપી. અને થોડા દિવસો પછી નાનો દીકરો બધું ભેગું કરીને દૂર દેશમાં ચાલ્યો ગયો, અને ત્યાં મોજમજામાં પોતાની સંપત્તિ વેડફી નાખી. અને તેણે બધું ખલાસ કરી નાખ્યું, ત્યાર પછી તે દેશમાં ભારે દુકાળ પડ્યો અને તેને તંગી પડવા લાગી. તે જઈને તે દેશના વતનીઓમાંના એકને ત્યાં રહ્યો; તેણે તેને પોતાના ખેતરમાં ભૂંડો ચારવા માટે તેને મોકલ્યો. ખેતરમાં જે શિંગો ભૂંડો ખાતાં હતાં તેનાથી પોતાનું પેટ ભરવાનું તેને મન થતું હતું; કોઈ તેને કશું ખાવાનું આપતું નહિ. એવામાં તે ભાનમાં આવ્યો અને તેને થયું કે, મારા પિતાના કેટલા બધા મજૂરોને પુષ્કળ રોટલી મળે છે ને હું તો અહીં ભૂખે મરું છું! હું ઊઠીને મારા પિતાની પાસે જઈશ, અને તેમને કહીશ કે, પિતાજી, મેં સ્વર્ગ વિરુદ્ધ તથા તમારી આગળ પાપ કર્યું છે; હું તમારો દીકરો કહેવાને યોગ્ય નથી; તારા મજૂરોમાંના એકના જેવો મને રાખ. પછી તે ઊઠીને પોતાના પિતાની પાસે ગયો, અને તે હજી ઘણો દૂર હતો એટલામાં તેના પિતાએ તેને જોયો, તેમને અનુકંપા આવી, અને તેના પિતા દોડીને તેને ભેટ્યા તથા તેના પર વાત્સલ્ય વરસાવ્યું. દીકરાએ તેમને કહ્યું કે, પિતાજી, મેં સ્વર્ગ વિરુદ્ધ તથા તમારી આગળ પાપ કર્યું છે, હવે હું તમારો દીકરો કહેવાને યોગ્ય નથી. પણ પિતાએ પોતાના નોકરોને કહ્યું કે, સારાંમાં સારો ઝભ્ભો જલદી લાવીને એને પહેરાવો; એને હાથે રત્નજડિત વીંટી અને પગમાં બૂટ પહેરાવો; ઉત્તમ ભોજનની વ્યવસ્થા કરો. આવો આપણે મિજબાની કરીએ અને આનંદ મનાવીએ. કેમ કે આ મારો દીકરો મૃત્યુ પામ્યો હતો, તે પાછો સજીવન થયો છે; તે ખોવાયેલો હતો, તે પાછો મળ્યો છે અને તેઓ આનંદ કરવા લાગ્યા.
”જે કોઈ પોતાની પત્નીને ત્યાગીને બીજી સ્ત્રી સાથે લગ્ન કરે છે, તે વ્યભિચાર કરે છે, અને જે કોઈ છૂટાછેડા પામેલી સ્ત્રી સાથે લગ્ન કરે છે, તે વ્યભિચાર કરે છે.
”સાવચેત રહો; જો તમારો ભાઈ અપરાધ કરે, તો તેને ઠપકો આપો; અને જો તે પસ્તાવો કરે, તો તેને માફ કરો. જો તે એક દિવસમાં સાત વાર અપરાધ કરે, અને સાત વાર તમારી તરફ ફરીને કહે કે, હું પસ્તાઉં છું, તો તેને માફ કરો.
”તેઓ ઈસુ પાસે પોતાનાં બાળકો પણ લાવ્યા, એ સારુ કે તે તેઓને આશીર્વાદ આપે. પણ શિષ્યોએ તેઓને ધમકાવ્યાં. તેથી ઈસુએ તેઓને બોલાવીને કહ્યું કે, 'બાળકોને મારી પાસે આવવા દો, ને તેઓને અટકાવો નહિ; કેમ કે ઈશ્વરનું રાજ્ય એવાઓનું જ છે. હું તમને નિશ્ચે કહું છું કે, જે કોઈ બાળકની માફક ઈશ્વરનું રાજ્ય સ્વીકારશે નહિ, તે તેમાં પ્રવેશી શકશે નહિ.'
”ઈસુએ તેઓને કહ્યું કે, હું તમને નિશ્ચે કહું છું કે, 'જે કોઈએ ઘરને, પત્નીને, ભાઈઓને, માબાપને કે સંતાનોને ઈશ્વરના રાજ્યને લીધે ત્યાગ્યા હશે, તેને આ જીવનકાળમાં અનેકગણું તથા આવનાર જમાનામાં અનંતજીવન પ્રાપ્ત થશે જ.'
”સદૂકીઓ જે કહે છે કે મરણોત્થાન નથી, તેઓમાંના કેટલાકે તેમની પાસે આવીને પૂછ્યું કે, 'ઉપદેશક, મોઝિસે અમારે વાસ્તે લખ્યું છે કે, જો કોઈનો ભાઈ, તેની પત્ની જીવતી છતાં, સંતાન વિના મૃત્યુ પામે, તો તેનો ભાઈ તેની પત્નીને પરણે અને પોતાના ભાઈને સારુ સંતાન ઉપજાવે. હવે, સાત ભાઈ હતા; અને પહેલો પત્નીને પરણીને સંતાન વિના મરણ પામ્યો; પછી બીજાએ તેને પત્ની કરી અને તેના મરણ પછી ત્રીજાએ તેને પત્ની કરી. એમ સાતેય ભાઈઓ નિ:સંતાન મરણ પામ્યા. પછી તે સ્ત્રી પણ મરણ પામી. તો મરણોત્થાનમાં તે તેઓમાંના કોની પત્ની થશે? કેમ કે તે સાતેયની પત્ની થઈ હતી.' ઈસુએ તેઓને કહ્યું કે, 'આ જગતના છોકરાં પરણે છે તથા પરણાવાય છે; પણ જેઓ જગતને તથા મરેલામાંથી મરણોત્થાન પામવાને યોગ્ય ગણાય છે, તેઓ પરણતા નથી તથા પરણાવતા નથી;
”છતાં જેટલાંએ તેમનો અંગીકાર કર્યો, એટલે જેટલાં તેમના નામ પર વિશ્વાસ કરે છે, તેટલાંને તેમણે ઈશ્વરનાં સંતાન થવાનો અધિકાર આપ્યો. તેઓ લોહીથી નહિ કે, દેહની ઇચ્છાથી નહિ કે, મનુષ્યની ઇચ્છાથી નહિ, પણ ઈશ્વરથી જન્મ પામ્યા.
”ત્રીજે દિવસે ગાલીલના કાના ગામમાં લગ્ન હતું; અને ઈસુનાં મા ત્યાં હતાં.
”જેને કન્યા છે તેને જ વર છે; પણ વરનો જે મિત્ર ઊભો રહીને તેનું સાંભળે છે, તે વરના શબ્દોથી બહુ આનંદ પામે છે; માટે મારો એ આનંદ સંપૂર્ણ થયો છે. તે વધતા જાય, પણ હું ઘટતો જાઉં, એ જરૂરનું છે.
”ઈસુએ તેને કહ્યું કે, 'જા, તારા પતિને અહીં બોલાવી લાવ.' સ્ત્રીએ ઈસુને કહ્યું કે, 'મારે પતિ નથી.' ઈસુ તેને કહે છે, "તેં સાચું કહ્યું કે, 'તારે પતિ નથી'; કેમ કે તને પાંચ પતિ હતા, અને હમણાં જે તારી સાથે રહે છે તે તારો પતિ નથી; એ તેં સાચું કહ્યું."
”તેથી પિતાએ જાણ્યું કે, "જે સમયે ઈસુએ તેને કહ્યું હતું કે, 'તારો દીકરો જીવતો રહ્યો છે' તે જ સમયે એમ થયું;" અને તેણે પોતે તથા તેના કુટુંબનાં બધાએ વિશ્વાસ કર્યો.
”તેઓએ કહ્યું કે, 'યૂસફનો દીકરો, ઈસુ જેનાં માતાપિતાને અમે ઓળખીએ છીએ, તે શું એ જ નથી? ત્યારે તે હમણાં એમ કેમ કહે છે કે, સ્વર્ગમાંથી હું ઊતર્યો છું?'
”ઈસુ રસ્તે જતા હતા તેવામાં તેમણે જન્મથી અંધ એવા એક માણસને જોયો. તેમના શિષ્યોએ તેમને પૂછ્યું કે, 'ગુરુજી, જે પાપને લીધે તે માણસ અંધ જનમ્યો, તે પાપ કોણે કર્યું? તેણે કે તેનાં માતાપિતાએ?' ઈસુએ ઉત્તર આપ્યો કે, 'તેણે કે તેનાં માતાપિતાએ તે પાપ કર્યું, તેથી નહિ; પણ ઈશ્વરનાં કામ તેનામાં પ્રગટ થાય માટે એમ થયું.
”હું તમને અનાથ મૂકી દઈશ નહિ; હું તમારી પાસે આવીશ.
”જયારે સ્ત્રીને પ્રસવવેદના થતી હોય છે ત્યારે તેને દુઃખ થાય છે, કેમ કે તેનો સમય આવ્યો હોય છે; પણ બાળકનો જન્મ થયા પછી, દુનિયામાં બાળક જનમ્યું છે તેના આનંદથી તે દુઃખ તેને ફરીથી યાદ આવતું નથી.
”પણ ઈસુના વધસ્તંભ પાસે તેમના મા, તેમના માસી, ક્લોપાસની પત્ની મરિયમ તથા મગ્દલાની મરિયમ ઊભા રહેલાં હતાં. તેથી જયારે ઈસુએ પોતાની માને તથા જેનાં પર પોતે પ્રેમ કરતા હતા તે શિષ્યને પાસપાસે ઊભા રહેલાં જોયાં, ત્યારે તેમણે પોતાની માને કહ્યું કે, 'બાઈ, જો તારો દીકરો!' ત્યાર પછી તે પેલા શિષ્યને કહે છે કે, 'જો, તારી મા!' અને તે જ સમયથી તે શિષ્ય મરિયમને પોતાને ઘરે લઈ ગયો.
”તેઓ સર્વ એક ચિત્તે પ્રાર્થનામાં; સ્ત્રીઓ, ઈસુની મા મરિયમ તથા તેમના ભાઈઓ સહિત લાગુ રહેતાં હતાં.
”ઈશ્વર કહે છે કે, "છેલ્લાં દિવસોમાં એમ થશે કે, હું મારો પવિત્ર આત્મા સર્વ માણસો પર રેડી દઈશ; અને તમારા દીકરા તથા તમારી દીકરીઓ પ્રબોધ કરશે, તમારા જુવાનોને સંદર્શનો થશે, અને તમારા વૃદ્ધોને સ્વપ્નો આવશે;
”કેમ કે તે આશાવચન તમારે સારુ તથા તમારાં છોકરાંને તથા જેઓ દૂર છે તેઓને સારુ છે, એટલે આપણા ઈશ્વર પ્રભુ જેટલાંને પોતાની પાસે બોલાવશે તે સર્વને સારુ છે.
”તે તથા તેનાં ઘરનાં સર્વ માણસો ઈશ્વરનો ભય રાખતાં હતાં. તે લોકોને ઘણાં દાન આપતો અને નિત્ય ઈશ્વરની પ્રાર્થના કરતો હતો.
”તે તને એવી વાતો કહેશે કે તેથી તું તથા તારાં ઘરનાં સર્વ વ્યક્તિઓ ઉદ્ધાર પામશો.
”તેનું તથા તેના ઘરનાનું બાપ્તિસ્મા થયા પછી તેણે વિનંતી કરીને કહ્યું કે, જો તમે મને પ્રભુ પ્રત્યે વિશ્વાસુ ગણતા હો, તો મારા ઘરમાં આવીને રહો; તેણે અમને ઘણો આગ્રહ કર્યો.
”ત્યારે તેઓએ કહ્યું કે, પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર, એટલે તું તથા તારા ઘરના સર્વ ઉદ્ધાર પામશો. ત્યારે તેઓએ [પાઉલ અને સિલાસે] જેલરને તથા જે તેનાં ઘરમાં હતાં તે સર્વને પ્રભુનાં વચનો કહી સંભળાવ્યાં. પછી રાતના તે જ સમયે તેણે [જેલરે] તેઓને [પાઉલ તથા સિલાસને] લઈને તેઓના સોળ ધોયા અને તરત તે તથા તેનાં ઘરનાં બધા માણસો બાપ્તિસ્મા પામ્યા. જેલરે તેઓને પોતાને ઘરે લાવીને તેઓની આગળ ભોજન પીરસ્યું, અને તેના ઘરનાં સર્વએ ઈશ્વર પર વિશ્વાસ કરીને ઘણો આનંદ કર્યો.
”કેમ કે જે સ્ત્રીને પતિ છે, તે તેના જીવતાં સુધી નિયમથી તેની સાથે બંધાયેલી છે, પણ જો તે મરી જાય તો તેના નિયમથી તે મુક્ત થાય છે. તેથી જો પતિ જીવતો હોય અને તે બીજો પતિ કરે, તો તે વ્યભિચારિણી કહેવાશે; પણ જો તેનો પતિ મરી જાય તો તે નિયમથી મુક્ત છે, તેથી જો તે બીજો પતિ કરે તોપણ તે વ્યભિચારિણી નથી.
”કેમ કે જેટલાં ઈશ્વરના આત્માથી દોરાય છે, તેટલાં ઈશ્વરના દીકરા છે. કેમ કે ફરીથી ભય લાગે એવો દાસત્વનો આત્મા તમને મળ્યો નથી; પણ તમને દત્તકપુત્ર તરીકેનો આત્મા મળ્યો છે જેને લીધે આપણે પિતા (અબ્બા) એવી હાંક મારીએ છીએ. પવિત્ર આત્મા પોતે આપણા આત્માની સાથે સાક્ષી આપે છે કે આપણે ઈશ્વરનાં સંતાનો છીએ. જો સંતાનો છીએ તો વારસ પણ છીએ, એટલે ઈશ્વરના વારસ છીએ અને ખ્રિસ્તની સાથે મહિમા પામવાને માટે જો આપણે ખરેખર તેની સાથે દુઃખ સહન કરીએ તો ખ્રિસ્તની સાથે સહવારસ પણ છીએ.
”કેમ કે સૃષ્ટિની ઉત્કંઠા ઈશ્વરનાં દીકરાઓના પ્રગટ થવાની રાહ જોયા કરે છે. કારણ કે સૃષ્ટિ પોતાની ઇચ્છાથી નહિ, પણ સ્વાધીન કરનારની ઇચ્છાથી વ્યર્થપણાને સ્વાધીન થઈ; અને તે એવી આશાથી સ્વાધીન થઈ કે સૃષ્ટિ પોતે પણ નાશના દાસત્વમાંથી મુક્ત થઈને ઈશ્વરના દીકરાના મહિમાની સાથે રહેલી મુક્તિ પામે. કેમ કે આપણે જાણીએ છીએ કે અત્યાર સુધી આખી સૃષ્ટિ તમામ નિસાસા નાખીને પ્રસૂતિની વેદનાથી કષ્ટાય છે.
”કેમ કે જેમ આપણા શરીરનાં ઘણાં અંગો છે અને તેઓને બધાને એક જ કામ કરવાનું હોતું નથી; તેમ આપણે ઘણાં હોવા છતાં ખ્રિસ્તમાં એક શરીર છીએ અને અરસપરસ એકબીજાનાં અંગો છીએ.
”હવે જે બાબતો સંબંધી તમે મારા પર લખ્યું તે વિષે પુરુષ સ્ત્રીનો સ્પર્શ ના કરે તો સારું. પણ વ્યભિચાર ન થાય માટે દરેક પુરુષે અને સ્ત્રીએ લગ્ન કરવું, પતિએ પોતાની પત્ની પ્રત્યે જવાબદારી નિભાવવી. અને તેમ જ પત્નીએ પોતાના પતિ પ્રત્યેની ફરજ બજાવવી. પત્નીને પોતાના શરીર પર અધિકાર નથી, પણ પતિને છે; તેમ જ પતિને પોતાના શરીર પર અધિકાર નથી, પણ પત્નીને છે. એકબીજાથી જુદાં ના થાઓ, પણ પ્રાર્થના માટે થોડીવાર સુધી એકબીજાની સંમતિથી જુદાં થવું પડે તો થાઓ. પછી પાછા ભેગા થાઓ, રખેને શેતાન તમારા માનસિક વિકારને લીધે તમને પરીક્ષણમાં પાડે. પણ હું આ વાત તમને આજ્ઞા તરીકે નહિ પણ મરજિયાત રીતે કહું છું. મારી ઇચ્છા છે કે, તમે સર્વ માણસો મારા જેવા થાઓ. પણ ઈશ્વરે દરેકને પોતપોતાનું અંગત કૃપાદાન આપેલું છે, કોઈને એક પ્રકારનું તો કોઈને બીજા પ્રકારનું કૃપાદાન.
”પણ અપરિણીતોને તથા વિધવાઓને હું કહું છું કે, 'તેઓ જો મારા જેવા રહે તો તેઓને તે હિતકારક છે.' પણ જો તેઓ પોતે સંયમ ન રાખી શકે તો તેઓને લગ્ન કરવાની છૂટ છે. કેમ કે બળવા કરતાં લગ્ન કરવું એ સારું છે. પણ લગ્ન કરેલાઓને હું આજ્ઞા કરું છું, હું તો નહિ, પણ પ્રભુ કરે છે, કે પત્નીએ પોતાના પતિથી જુદા થવું નહિ; (પણ જો પત્ની જાતે જુદી થાય તો તેણે લગ્ન કર્યાં વિના રહેવું, નહીં તો પતિની સાથે સુલેહ કરીને રહેવું); પતિએ પોતાની પત્નીનો ત્યાગ કરવો નહિ.
”હવે બાકીનાઓને તો પ્રભુ નહિ, પણ હું કહું છું કે, જો કોઈ વિશ્વાસી ભાઈને અવિશ્વાસી પત્ની હોય, અને એ તેની સાથે રહેવાને રાજી હોય, તો પતિએ તેનો ત્યાગ કરવો નહિ; કોઈ વિશ્વાસી પત્નીને અવિશ્વાસી પતિ હોય, અને એ તેની સાથે રહેવાને રાજી હોય, તો પત્નીએ તેનો ત્યાગ કરવો નહિ. કેમ કે અવિશ્વાસી પતિએ વિશ્વાસી પત્નીથી પવિત્ર કરાયેલો છે, અવિશ્વાસી પત્નીએ વિશ્વાસી પતિથી પવિત્ર કરાયેલી છે; એવું ના હોત તો તમારાં બાળકો અશુદ્ધ હોત, પણ હવે તેઓ પવિત્ર છે. પણ જો અવિશ્વાસી પુરુષ અલગ રહેવા માગે, તો તેને અલગ રહેવા દો; એવા સંજોગોમાં કોઈ વિશ્વાસી ભાઈ કે બહેન બંધનમાં નથી; પણ ઈશ્વરે સૌને શાંતિમાં રહેવા સારુ તેડ્યાં છે. અરે સ્ત્રી, તું તારા પતિનો ઉદ્ધાર કરીશ કે નહિ, એ તું શી રીતે જાણી શકે? અરે પુરુષ, તું તારી પત્નીનો ઉદ્ધાર કરીશ કે નહિ, એ તું શી રીતે જાણી શકે?
”હવે કુંવારીઓ વિષે મને પ્રભુ તરફથી કંઈ આજ્ઞા મળી નથી; પણ જેમ વિશ્વાસુ થવાને પ્રભુ પાસેથી હું દયા પામ્યો છું, તેમ હું મારો પોતાનો અભિપ્રાય આપું છું. તો મને એમ લાગે છે કે, હાલનાં સંકટના સમયમાં દરેક માણસે હાલમાં પોતાની જે સ્થિતિ છે તેમાં તેણે રહેવું તે હિતકારક છે. શું તું પત્ની સાથે બંધાયેલો છે? તો તું તેનાથી વિખૂટા પડવાની ઇચ્છા કરીશ નહિ. શું તું પત્નીથી છૂટો થયેલો છે? તો હવે તું પત્નીની ઇચ્છા કરીશ નહિ. જો તું લગ્ન કરે, તો તું પાપ નથી કરતો; અને જો કુંવારી સ્ત્રી લગ્ન કરે તો તે પાપ કરતી નથી; જોકે લગ્ન કરવાથી જીવનમાં કેટલીક મુશ્કેલીઓ પડશે પણ હું તમારા પર દયા રાખીને તમારો બચાવ કરવા ઇચ્છું છું. ભાઈઓ, હું એ કહું છું કે હવે થોડો સમય બાકી રહેલો છે; જેઓએ લગ્ન કર્યા છે તેઓ લગ્ન કર્યાં વિનાના જેવા થાય.
”પણ તમે ચિંતા કરો નહિ, એવી મારી ઇચ્છા છે. જેણે લગ્ન કરેલાં નથી તે પ્રભુની વાતોમાં તલ્લીન રહે છે, કે પ્રભુને કેવી રીતે મહિમા આપવો; પણ જેણે લગ્ન કરેલું છે તે દુનિયાની નાશવંત વાતોમાં મગ્ન રહે છે, કે પત્નીને કેવી રીતે ખુશ રાખવી. તેમ જ પરિણીતા તથા કુંવારીમાં પણ ભિન્નતા છે. જેમણે લગ્ન કરેલું નથી તે સ્ત્રીઓ પ્રભુની વાતોની કાળજી રાખે છે, કે તે શરીરમાં તથા આત્મામાં પવિત્ર થાય; પણ પરિણીતા દુનિયાદારીની ચિંતા રાખે છે, કે પતિને કેવી રીતે ખુશ રાખવો. પણ હું તમારા પોતાના હિતને માટે તે કહું છું; કે જેથી તમે સંકટમાં આવી પાડો નહિ, પણ એ માટે કહું છું કે તમે યોગ્ય રીતે ચાલો તથા એક મનના અને એક ચિત્તના થઈને પ્રભુની સેવા કરો.
”પણ જો કોઈને એવું લાગે કે પોતાના ઉત્કટ આવેગના લીધે તે પોતાની સગાઈ કરેલ કન્યા સાથે અયોગ્ય રીતે વર્તન કરે છે તો તેણે પોતાની ઇચ્છા મુજબ તેની સાથે લગ્ન કરવું. તેમ કરવું તે પાપ નથી. પણ જો તે લગ્ન ન કરવાનો નિર્ણય કરે છે, તેને કોઈ મજબુરી ન હોય અને તે પોતાના આવેગ પર અંકુશ રાખી શકે તેમ હોય તો સારું થશે કે તે તેની સાથે લગ્ન ન કરે. એટલે જેની સાથે તેણે સગાઈ કરેલ છે તેની સાથે જે લગ્ન કરે છે તે સારું કરે છે, અને જે તેની સાથે લગ્ન ન કરવાનું પસંદ કરે છે તે વધારે સારો નિર્ણય કરે છે. પત્ની જ્યાં સુધી તેનો પતિ જીવે છે, ત્યાં સુધી નિયમથી બંધાયેલી છે; પણ જો તેનો પતિ મૃત્યુ પામ્યો હોય, તો જેને તે ઇચ્છે છે તે વિશ્વાસીની સાથે લગ્ન કરવાને તે સ્વતંત્ર છે, પણ ફક્ત પ્રભુમાં. પણ જો તે એકલી રહે, તો મારા ધાર્યા પ્રમાણે, તે વધારે આશીર્વાદિત થશે; મારી આ સલાહ ઈશ્વરના આત્મા તરફથી છે; એવું હું માનું છું.
”હું તમને જણાવવાં ચાહું છું કે પ્રત્યેક પુરુષનું શિર ખ્રિસ્ત છે અને સ્ત્રીનું શિર પુરુષ છે; અને ખ્રિસ્તનું શિર ઈશ્વર છે. જે કોઈ પુરુષ પ્રાર્થના કે પ્રબોધ કરતાં પોતાનું માથું ઢાંકેલું રાખે, તો તે પોતાના માથાનું અપમાન કરે છે; પરંતુ જે કોઈ સ્ત્રી ખુલ્લે માથે પ્રાર્થના કે પ્રબોધ કરે છે, તો તે પોતાના માથાનું અપમાન કરે છે, કેમ કે તેમ કરવું તે વાળ ઊતરાવી નાખ્યાં સમાન છે. કેમ કે જો સ્ત્રી માથે ઓઢવું નહિ તો તેણે પોતાના વાળ ઊતરાવી નાખવા જોઈએ; પણ જોકે વાળ ઉતરાવવાથી સ્ત્રીને શરમ લાગે તો તેણે માથે ઓઢવું જોઈએ. કેમ કે પુરુષને માથું ઢાંકવું ઘટતું નથી, તે તો ઈશ્વરની પ્રતિમા તથા મહિમા છે, પણ સ્ત્રી તો પુરુષનો વૈભવ છે; કેમ કે પુરુષ સ્ત્રીથી થયો નથી, પણ સ્ત્રી પુરુષથી; પુરુષનું સર્જન સ્ત્રીને માટે કરવામાં આવ્યું ન હતું, પણ સ્ત્રીનું સર્જન તો પુરુષને માટે કરવામાં આવ્યું હતું. આ કારણથી અને સ્વર્ગદૂતોને લીધે સ્ત્રીએ પોતાની આધિનતા દર્શાવવાં માથે ઓઢેલું રાખવું તે ઉચિત છે. તોપણ પ્રભુમાં પુરુષ સ્ત્રીરહિત નથી, અને સ્ત્રી પુરુષરહિત નથી. કેમ કે જેમ સ્ત્રી પુરુષથી છે તેમ પુરુષ સ્ત્રીને આશરે, પણ સર્વ પ્રભુથી છે. સ્ત્રી ઘુંઘટ વિના ઈશ્વરની પ્રાર્થના કરે એ શું તેને શોભે? એ વાતનો નિર્ણય તમે પોતે કરો અથવા શું પ્રકૃતિ પોતે તમને શીખવતી નથી, કે જો પુરુષને લાંબા વાળ હોય તો તે તેને અપમાનરૂપ છે? પણ જો સ્ત્રીને લાંબા વાળ હોય તો તે તેની શોભા છે, કેમ કે તેના વાળ આચ્છાદનને માટે તેને આપવામાં આવે છે. પણ જો કોઈ માણસ એ બાબત વિષે વિવાદી માલૂમ પડે, તો જાણવું કે, આપણામાં તથા ઈશ્વરના વિશ્વાસી સમુદાયમાં એવો રિવાજ નથી.
”પ્રેમ સહનશીલ તથા પરોપકારી છે; પ્રેમ અદેખાઇ કરતો નથી; પ્રેમ બડાશ મારતો નથી, ફુલાઈ જતો નથી, પ્રેમ અયોગ્ય રીતે વર્તતો નથી, પોતાનું જ હિત શોધતો નથી, ખીજવાતો નથી, કોઈનું ખરાબ ઇચ્છતો નથી; અન્યાયમાં નહિ, પણ સત્યમાં આનંદ મનાવે છે; પ્રેમ બધું ખમે છે, બધું સાચું માને છે, બધાની આશા રાખે છે, બધાનું સહન કરે છે.
”જયારે હું બાળક હતો, ત્યારે બાળકની માફક બોલતો હતો, વિચારતો હતો અને બાળકની માફક જ સમજતો હતો, પણ હવે હું પુખ્ત થયો, ત્યારે મેં બાળકની વાતો મૂકી દીધી.
”સ્ત્રીઓએ વિશ્વાસી સમુદાયોમાં છાના રહેવું; કેમ કે તેઓને બોલવાનો અધિકાર નથી, પણ તેઓને આધીનતામાં રહેવું જોઈએ એમ નિયમશાસ્ત્ર પણ કહે છે. પણ જો તેઓ કંઈ શીખવા ચાહે, તો તેઓએ ઘરમાં પોતાના પતિને પૂછવું; કેમ કે વિશ્વાસી સમુદાયમાં સ્ત્રીઓએ બોલવું એ શરમભરેલું છે. શું તમારી પાસેથી ઈશ્વરનું વચન આવ્યું? કે શું તે એકલા તમને પ્રાપ્ત થયું છે? જો કોઈ પોતાને પ્રબોધક કે આત્મિક સમજે, તો જે વાતો હું તમારા પર લખું છું તેઓ પ્રભુની આજ્ઞાઓ છે એવું તેણે સમજવું. જો કોઈ અજ્ઞાની હોય તો તે ભલે અજ્ઞાની રહે.
”અવિશ્વાસીઓની સાથે અઘટિત સંબંધ ન રાખો; કેમ કે ન્યાયીપણાને અન્યાયીપણા સાથે શો સંબંધ હોય? અને અજવાળાને અંધકારની સાથે શી સંગત હોય? અને ખ્રિસ્ત સાથે શેતાનનો સંબંધ હોઈ શકે? કે વિશ્વાસીને અવિશ્વાસીની સાથે શો ભાગ હોય? અને ઈશ્વરના ભક્તિસ્થાનને મૂર્તિઓની સાથે સંબંધ હોય ખરો? કેમ કે આપણે જીવતા ઈશ્વરનું ભક્તિસ્થાન છીએ, જેમ ઈશ્વરે કહ્યું કે, 'હું તેઓમાં રહીશ તથા ચાલીશ; તેઓનો ઈશ્વર થઈશ; અને તેઓ મારા લોક થશે.' માટે, 'તમે તેઓમાંથી નીકળી આવો, અને જુદા થાઓ,' એમ પ્રભુ કહે છે, 'અશુદ્ધને સ્પર્શ ન કરો, અને હું તમારો સ્વીકાર કરીશ, અને તમારો પિતા થઈશ, અને તમે મારા દીકરાદીકરીઓ થશો, એમ સર્વસમર્થ પ્રભુ કહે છે.'
”કેમ કે ઈશ્વરમય આસ્થાથી, હું તમારા વિષે કાળજી રાખું છું. કેમ કે એક પતિની સાથે મેં તમારી સગાઈ કરી છે કે, જેથી એક પવિત્ર કુમારિકા જેવા હું તમને ખ્રિસ્તને સોંપું.
”હવે હું કહું છું કે, વારસ જ્યાં સુધી બાળક છે, ત્યાં સુધી સર્વનો માલિક છે; તે છતાં પણ તેનામાં અને દાસમાં કંઈ પણ તફાવત નથી. પણ પિતાએ ઠરાવેલી મુદત સુધી તે વાલીઓ તથા કારભારીઓને આધીન છે.
”તમે દીકરા છો, તે માટે ઈશ્વરે તમારા હૃદયમાં પોતાના દીકરાનો આત્મા મોકલ્યો છે, જે 'પિતા, (અબ્બા)', તેવું કહીને પોકારે છે. એ માટે હવેથી તું દાસ નથી, પણ દીકરો છે; અને જો તું દીકરો છે, તો ઈશ્વરને આશરે વારસ પણ છે.
”જેથી હવે આપણે બાળકોના જેવા માણસોની ઠગાઈથી, ભ્રમણામાં નાખવાની કાવતરાંભરેલી યુક્તિથી, દરેક ભિન્ન ભિન્ન મતરૂપી પવનથી ડોલાં ખાનારા તથા આમતેમ ફરનારા ન થઈએ.
”પત્નીઓ, જેમ પ્રભુને તેમ પોતાના પતિઓને આધીન થાઓ; કેમ કે પતિ પત્નીનું શિર છે. જેમ ખ્રિસ્ત મંડળીનું શિર છે તે શરીરનાં ઉદ્ધારક છે. જેમ વિશ્વાસી સમુદાય ખ્રિસ્તને આધીન છે, તેમ પત્નીઓએ સર્વ બાબતમાં પોતાના પતિઓને [આધીન] રહેવું. પતિઓ, પોતાની પત્નીઓ પર પ્રેમ કરો, જેમ ખ્રિસ્ત ઈસુએ પોતાના વિશ્વાસી સમુદાય પર પ્રેમ રાખ્યો અને તેને સારું પોતાનું સ્વાર્પણ કર્યુ તેમ; એ સારુ કે વચન વડે જળસ્નાનથી શુદ્ધ કરીને, [ખ્રિસ્ત વિશ્વાસી સમુદાયને] પવિત્ર કરે, અને જેને ડાઘ, કરચલી કે એવું કંઈ ન હોય; પણ તે પવિત્ર તથા નિર્દોષ હોય, એવા વિશ્વાસી સમુદાય તરીકે પોતાની આગળ ગૌરવી સ્વરૂપે રજૂ કરે. એ જ પ્રમાણે પતિઓએ જેમ પોતાનાં શરીરો પર તેમ પોતાની પત્નીઓ પર પ્રેમ કરવો; જે પોતાની પત્ની પર પ્રેમ કરે છે, તે પોતા પર પ્રેમ કરે છે; કેમ કે કોઈ માણસ પોતાના શરીરનો કદી દ્વેષ કરતો નથી; પણ તે તેનું પાલનપોષણ કરે છે. જેમ પ્રભુ પણ વિશ્વાસી સમુદાયનું [પોષણ કરે છે] તેમ, કેમ કે આપણે તેમના [ખ્રિસ્તનાં] શરીરનાં અંગો છીએ. એ માટે પુરુષ પોતાનાં માતાપિતાને મૂકીને પોતાની પત્નીની સાથે જોડાઈને રહેશે, અને તેઓ બન્ને એક દેહ થશે. આ ગહન રહસ્ય છે; પણ હું ખ્રિસ્ત તથા વિશ્વાસી સમુદાય સંબંધી એ કહું છું. તોપણ તમારામાંના દરેક જેમ પોતાના પર તેમ પોતાની પત્ની પર પ્રેમ કરે; અને પત્ની પોતાના પતિનું માન જાળવે.
”બાળકો, પ્રભુમાં તમારાં માતાપિતાની આજ્ઞાઓ માનો, કેમ કે એ ઉચિત છે. તારા માતાપિતાનું સન્માન કર. (તે પહેલી આશાવચનયુક્ત આજ્ઞા છે), 'એ સારુ કે તારું ભલું થાય, અને પૃથ્વી પર તારું આયુષ્ય દીર્ઘ થાય.' વળી પિતાઓ, તમારાં બાળકોને ખીજવશો નહિ, પણ પ્રભુના શિક્ષણમાં તથા બોધમાં તેઓને ઉછેરો.
”પત્નીઓ, જેમ પ્રભુમાં શોભે છે તેમ તમે તમારા પતિઓને આધીન રહો. પતિઓ, તમે તમારી પત્નીઓ પર પ્રેમ રાખો અને તેઓ પ્રત્યે કઠોર ન થાઓ. બાળકો, તમે દરેક બાબતમાં તમારાં માતાપિતાની આજ્ઞાનું પાલન કરો, કેમ કે તે પ્રભુને પસંદ છે. પિતાઓ, તમે તમારાં બાળકોને ઉશ્કેરશો નહીં, કે જેથી તેઓ નિરાશ થાય નહિ.
”પણ જેમ દૂધ પાનાર મા પોતાનાં બાળકોનું જતન કરે છે, તેમ અમે તમારી સાથે કોમળતાથી વર્ત્યા હતા.
”તે પ્રમાણે તમે જાણો છો, કે જેમ પિતા પોતાનાં બાળકોને, તેમ અમે તમારામાંના પ્રત્યેકને બોધ, દિલાસો તથા સાક્ષી આપતા હતા,
”તે જ પ્રમાણે સ્ત્રીઓ પણ મર્યાદા તથા સંયમ રાખીને શોભતાં વસ્ત્રોથી પોતાને શણગારે; ગૂંથેલા વાળથી તથા સોના કે મોતીના અલંકારથી કે ખર્ચાળ વસ્ત્રોથી નહિ, પણ સારાં કાર્યો દ્વારા ઈશ્વરપરાયણતા માનનાર સ્ત્રીઓને જે ઉચિત છે તેનાથી શણગારે. સ્ત્રીએ સંપૂર્ણ આધીનતાથી શાંત રહીને શીખવું. ઉપદેશ કરવાની કે, પુરુષ પર અધિકાર ચલાવવાની હું સ્ત્રીને રજા આપતો નથી, પણ તેણે શાંત રહેવું. કેમ કે આદમ પહેલાં ઉત્પન્ન થયો, પછી હવા; આદમ છેતરાયો નહિ, પણ સ્ત્રીએ છેતરાઈને ઉલ્લંઘન કર્યું; તોપણ જો સ્ત્રી મર્યાદાસહિત વિશ્વાસમાં, પ્રેમમાં તથા પવિત્રતામાં રહે તો તે સંતાનપ્રસવ દ્વારા ઉદ્ધાર પામશે.
”તેથી અધ્યક્ષ તો ઠપકાપાત્ર નહિ, એક સ્ત્રીનો પતિ, સ્વસ્થ, આત્મસંયમી, આદરણીય, આગતા-સ્વાગતા કરનાર, શીખવી શકનાર; દારૂનો વ્યસની નહિ, મારનાર નહિ; પણ સૌમ્ય, શાંતિપ્રિય; પૈસાપ્રેમી નહિ; પણ પોતાના ઘરનું યોગ્ય સંચાલન કરનાર, જેનાં સંતાનો તેને માનપૂર્વક આધીન થતાં હોય, તેવો હોવો જોઈએ. કેમ કે જો કોઈ પોતાના ઘરનું યોગ્ય રીતે સંચાલન કરી જાણતો નથી, તો તે ઈશ્વરની મંડળી (વિશ્વાસી સમુદાય) ની સંભાળ કેવી રીતે રાખશે?
”એ જ પ્રમાણે સેવિકાઓ પ્રતિષ્ઠિત, નિંદાખોર નહિ, સ્પષ્ટ વિચારનાર, સર્વ બાબતે વિશ્વાસુ હોવી જોઈએ. વળી સેવકો એક જ સ્ત્રીનાં પતિ, પોતાનાં સંતાનો તથા ઘરનું યોગ્ય સંચાલન કરનારા હોવા જોઈએ.
”વૃદ્ધને સખ્તાઈથી ઠપકો ન આપ પણ જેમ પિતાને તેમ તેમને સમજાવ, જેમ ભાઈઓને તેમ જુવાનોને; જેમ માતાઓને તેમ વૃદ્ધ સ્ત્રીઓને; અને જેમ બહેનોને તેમ જુવાન સ્ત્રીઓને પૂર્ણ પવિત્રતામાં સમજાવ. જેઓ ખરેખર વિધવાઓ છે તેઓનું સન્માન કર. વળી કોઈ વિધવાના સંતાનો અથવા સંતાનોના સંતાનો હોય તો તેઓ પ્રથમ પોતાના ઘર પ્રત્યે સમર્પિત બને અને પોતાનાં માતાપિતાનું ઋણ ચુકવવાનું શીખે, જે ખરેખર ઈશ્વર સમક્ષ રુચિકર છે.
”પણ જે માણસ પોતાનું અને વિશેષ કરીને પોતાના ઘરનું પૂરું કરતો નથી, તો તેણે વિશ્વાસનો નકાર કર્યો છે તથા તે અવિશ્વાસી કરતા પણ બદતર છે.
”જો સાંઠ વર્ષની ઉપરની, પુનર્લગ્ન કર્યું હોય નહિ એવી, સારાં કામમાં સાક્ષીરૂપ, બાળકોનો ઉછેર કરનાર, આગતા-સ્વાગતા કરનાર, સંતોના પગ ધોનાર, પીડિતોની સહાય કરનાર, દરેક સારાં કામ કરનાર, તેવી વિધવા સ્ત્રીનું નામ સૂચીમાં નોંધવામાં આવે. પણ જુવાન વિધવાઓને નામંજૂર કર, જયારે તેઓ ખ્રિસ્તની વિરુદ્ધ વિષયવાસનાઓથી ઉન્મત્ત થઈને પરણવા ચાહે. તેઓ પ્રથમ કરેલી પ્રતિજ્ઞાનો ત્યાગ કરીને ન્યાયશાસનને નોતરે છે. તદુપરાંત તેઓ આળસુ બનવાનું શીખે છે, ઘરેઘરે ફરે છે. આળસુ થવા ઉપરાંત જે ઉચિત નથી તેવું બોલીને કૂથલી તથા પારકી પંચાત કરે છે. માટે હું ઇચ્છું છું કે જુવાન વિધવાઓ લગ્ન કરે, બાળકોને જન્મ આપે, ઘર સંભાળે અને શત્રુને ઠપકો આપવાની તક ના આપે. કેમ કે અત્યાર સુધીમાં કેટલીક વિધવા સ્ત્રીઓ શેતાનની પાછળ ભટકી ગઈ છે. જો વિધવાઓ કોઈ વિશ્વાસી સ્ત્રી પર આધારિત હોય, તો તે તેઓનું પૂરું કરે, અને મંડળી પર તેમનો ભાર નાખે નહિ કે જેથી જે વિધવાઓ ખરેખર નિરાધાર છે તેઓની મદદ મંડળી કરે.
”પણ તું જે વાતો શીખ્યો અને જેનાં વિષે તને ખાતરી થઈ છે તેઓને વળગી રહે; કેમ કે તું કોની પાસેથી શીખ્યો એની તને ખબર છે; વળી તું બાળપણથી પવિત્રશાસ્ત્ર જાણે છે, તે પવિત્રશાસ્ત્ર ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસથી ઉદ્ધારને સારું તને જ્ઞાન આપી શકે છે.
”જો કોઈ માણસ નિર્દોષ હોય, એક સ્ત્રીનો પતિ હોય, જેનાં છોકરાં વિશ્વાસી હોય, જેમનાં ઉપર દુરાચારનો આરોપ મૂકવામાં આવ્યો ન હોય અને જેઓ ઉદ્ધત ન હોય, તેવા માણસને અધ્યક્ષ ઠરાવવો.
”એ માટે કે તેઓ જુવાન સ્ત્રીઓને તેમના પતિઓ તથા બાળકો પર પ્રેમ રાખવાને, મર્યાદાશીલ, પવિત્ર, ઘરનાં કામકાજ કરનાર, માયાળુ તથા પોતાના પતિને આધીન રહેવાનું સમજાવે, જેથી ઈશ્વરનાં વચનનો તિરસ્કાર ન થાય.
”તે પુત્ર હતા તે છતાં પણ પોતે જે જે સંકટો સહ્યાં તેથી તે [ખ્રિસ્ત] આજ્ઞાપાલન શીખ્યા.
”નૂહે જે બાબત હજી સુધી જોઈ ન હતી, તે વિષે ચેતવણી પ્રાપ્ત કરીને તથા ઈશ્વરની બીક રાખીને, વિશ્વાસથી પોતાના કુટુંબનાં ઉદ્ધારને માટે વહાણ તૈયાર કર્યું, તેથી તેણે માનવજગતને અપરાધી ઠરાવ્યું અને વિશ્વાસથી જે ન્યાયીપણું છે તેનો તે વારસ થયો.
”વળી જે ઉપદેશ બાળકોની માફક સમજાવીને તમને અપાય છે, તે તમે ભૂલી ગયા, એટલે, 'ઓ, મારા પુત્ર, તું પ્રભુની શિક્ષાને તુચ્છ ન ગણ અને તે ઠપકો આપે ત્યારે તું નાસીપાસ ન થા. કેમ કે જેનાં પર પ્રભુ પ્રેમ રાખે છે, તેને તે શિક્ષા કરે છે, જે પુત્રનો તે અંગીકાર કરે છે, તે દરેકને તે કોરડા મારે છે.' જે શિક્ષા તમે સહન કરો છો, તે શિક્ષાણને માટે છે જેમ પુત્રની સાથે તેમ તમારી સાથે ઈશ્વર વર્તે છે, કેમ કે એવું કયું બાળક છે જેને પિતા શિક્ષા કરતા નથી? પણ જે શિક્ષાના ભાગીદાર સઘળાં થયા છે, તે શિક્ષા તમને ન થાય, તો તમે દાસીપુત્રો છો, ખરા પુત્રો તો નહિ. વળી પૃથ્વી પરના આપણા પિતાઓ આપણને શિક્ષા કરતા હતા, અને આપણે તેઓનું માન રાખતા હતા, તો આપણા આત્માઓના પિતાને એથી વિશેષ માન આપીને તેમને આધીન રહીને જીવીએ નહિ?
”લગ્નને માનપાત્ર ગણો, પથારી પવિત્ર રાખો. કેમ કે ઈશ્વર અસંયમી તથા વ્યભિચારીઓનો ન્યાય કરશે.
”વિધવાઓ અને અનાથોના દુઃખના સમયે મુલાકાત લેવી અને જગતથી પોતાને નિષ્કલંક રાખવો એ જ ઈશ્વરની એટલે પિતાની, આગળ શુદ્ધ તથા સ્વચ્છ ધાર્મિકતા છે.
”જો કોઈ ભાઈ અથવા બહેન નિર્વસ્ત્ર હોય અને રોજનો પૂરતો ખોરાક ન હોય, અને તમારામાંનો કોઈ તેઓને કહે કે 'શાંતિથી જાઓ, તાપો અને તૃપ્ત થાઓ;' તોપણ શરીરને જે જોઈએ તે જો તમે તેઓને ન આપો, તો શો લાભ થાય? તેમ જ વિશ્વાસ પણ, જો તેની સાથે કરણીઓ ન હોય, તો તે એકલો હોવાથી નિર્જીવ છે.
”તે જ પ્રમાણે, પત્નીઓ, તમે તમારા પતિઓને આધીન રહો, એ માટે કે જો કોઈ પતિ વચન માનનાર ન હોય તો તે પોતાની પત્નીના આચરણથી, એટલે તમારાં મર્યાદાયુક્ત શુદ્ધ વર્તન દ્વારા વચન વગર મેળવી લેવાય. તમારો શણગાર બાહ્ય, એટલે ગૂંથેલા વાળનો, સોનાનાં ઘરેણાંનો અથવા સારાં વસ્ત્ર પહેરવાનો ન હોય; પણ અંતઃકરણમાં રહેલા ગુપ્ત મનુષ્યત્વનો, એટલે દીન તથા નમ્ર આત્માનો, જે ઈશ્વરની નજરમાં ઘણો મૂલ્યવાન છે, તેના અવિનાશી આભૂષણોનો હોય. કેમ કે પ્રાચીન સમયમાં જે પવિત્ર સ્ત્રીઓ ઈશ્વર પર ભરોસો રાખતી હતી, તેઓ પોતપોતાનાં પતિને આધીન રહીને, તે જ પ્રમાણે પોતાને શણગારતી હતી. જેમ સારા ઇબ્રાહિમને સ્વામી કહીને તેને આધીન રહેતી તેમ; જો તમે સારું કરો છો અને કંઈ ભયથી ગભરાતી નથી, તો તમે તેની દીકરીઓ છો. તે જ પ્રમાણે પતિઓ, સ્ત્રી નબળી વ્યક્તિ છે તેમ જાણીને તેની સાથે સમજણપૂર્વક રહો, તમે તેની સાથે જીવનની કૃપાના સહવારસ છો એમ ગણીને, તેને માન આપો, કે જેથી તમારી પ્રાર્થનાઓમાં કંઈ અવરોધ આવે નહિ. આખરે, તમે સર્વ એક મનના, એકબીજાના સુખ દુઃખમાં સહભાગી, ભાઈઓ પર પ્રેમ રાખનારા, કરુણા કરનાર તથા નમ્ર થાઓ.
”એ જ પ્રમાણે જુવાનો, તમે વડીલોને આધીન થાઓ; અને તમે સઘળા એકબીજાને આધીન થઈને નમ્રતા ધારણ કરો, કેમ કે ઈશ્વર ગર્વિષ્ઠોની વિરુદ્ધ છે, પણ નમ્ર માણસોને કૃપા આપે છે.
”આપણે ભાઈઓ પર પ્રેમ રાખીએ છીએ એથી આપણે જાણીએ છીએ કે મરણમાંથી નીકળીને જીવનમાં આવ્યા છીએ; જે પ્રેમ રાખતો નથી તે મરણમાં રહે છે. દરેક જે પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે તે હત્યારો છે. અને તમે જાણો છો કે કોઈ હત્યારામાં અનંતજીવન રહેતું નથી. એથી પ્રેમ શું છે તે આપણે જાણીએ છીએ, કેમ કે તેમણે પોતાનો પ્રાણ આપણે માટે આપ્યો; એમ જ આપણે પણ ભાઈઓને માટે આપણો પ્રાણ આપવો જોઈએ. પણ જેની પાસે આ દુનિયાનું દ્રવ્ય હોય અને પોતાના ભાઈને તેની જરૂરિયાત છે એવું જોયા છતાં તેના પર દયા કરતો નથી, તો તેનામાં ઈશ્વરનો પ્રેમ શી રીતે રહી શકે?
”જેમ આપણે પિતાથી આજ્ઞા પામ્યા, તેમ સત્યમાં ચાલતાં તારાં કેટલાક બાળકોને મેં જોયાં છે, માટે હું ઘણો ખુશ થાઉં છું.
”મારાં બાળકો સત્યમાં ચાલે છે તેવું હું સાંભળું છું, તે કરતાં મને બીજો મોટો આનંદ નથી.
”પછી આકાશમાં મોટું ચિહ્ન દેખાયું, એટલે સૂર્યથી વેષ્ટિત એક સ્ત્રી જોવામાં આવી. તેના પગ નીચે ચંદ્ર અને માથા પર બાર તારાનો મુગટ હતો. તે ગર્ભવતી હતી. તેને પ્રસવપીડા થતી હતી. તેથી તે બૂમ પાડતી હતી. આકાશમાં બીજું ચિહ્ન પણ દેખાયું; જુઓ, મોટો લાલ અજગર હતો, જેને સાત માથાં ને દસ શિંગડાં હતાં; અને તેના માથા પર સાત મુગટ હતા; તેના પૂછડાએ આકાશના તારાઓનો ત્રીજો ભાગ ખેંચીને તેઓને પૃથ્વી પર નાખ્યા. જે સ્ત્રીને પ્રસવ થવાનો હતો, તેની આગળ તે અજગર ઊભો રહ્યો હતો, એ માટે કે જયારે તે જન્મ આપે ત્યારે તેના બાળકને તે ખાઈ જાય. 'તે સ્ત્રીએ પુત્રને જન્મ આપ્યો' જે નરબાળક સઘળા દેશના લોકો પર લોખંડના દંડથી રાજ કરશે. એ બાળકને ઈશ્વર પાસે તથા તેના રાજ્યાસન પાસે લઈ જવામાં આવ્યો. સ્ત્રી જંગલમાં નાસી ગઈ. ત્યાં ઈશ્વરે તેને માટે બારસો સાંઠ દિવસ સુધી તેનું પોષણ થાય એવું સ્થળ તૈયાર કરી રાખ્યું હતું.
”આપણે આનંદ કરીએ અને તેમને મહિમા આપીએ; કેમ કે હલવાનના લગ્નનો દિવસ આવ્યો છે, અને તેમની કન્યાએ પોતાને તૈયાર કરી છે. તેજસ્વી શુદ્ધ તથા બારીક શણનું વસ્ત્ર તેને પહેરવા આપ્યું છે, તે બારીક વસ્ત્ર સંતોના ન્યાયીપણાને દર્શાવે છે. સ્વર્ગદૂતે મને કહ્યું કે, 'તું એમ લખ કે હલવાનના લગ્નજમણને સારુ જેઓને નિમંત્રેલા છે તેઓ આશીર્વાદિત છે,' તે મને એમ પણ કહે છે કે, 'આ તો ઈશ્વરના સત્ય વચનો છે.'
”મેં પવિત્ર નગર, નવું યરુશાલેમ, ઈશ્વરની પાસેથી સ્વર્ગમાંથી ઊતરતું જોયું, અને જેમ કન્યા પોતાના વરને સારુ શણગારેલી હોય તેમ તે તૈયાર કરેલું હતું.
”જે સાત સ્વર્ગદૂતોની પાસે સાત પ્યાલા હતા, તે સાત છેલ્લી આફતોથી ભરેલા હતા તેઓમાંનો એક સ્વર્ગદૂત મારી પાસે આવ્યો ને મને કહ્યું કે, 'અહીં આવ, અને જે કન્યા હલવાનની પત્ની છે તેને હું તને બતાવીશ.'
”આત્મા તથા કન્યા બંને કહે છે કે, 'આવો;' અને જે સાંભળે છે તે એમ કહે કે, 'આવો,' અને જે તૃષિત હોય. તે આવે; જેની ઇચ્છા હોય તે જીવનનું જળ મફત લે.
”