25 – પૈસા

આ સર્વશક્તિમાન ઈશ્વરના પવિત્ર શબ્દો છે.
આપણને મનુષ્યના શબ્દોમાં રસ નથી.
જે કોઈ પણ ઈશ્વરને પ્રેમ કરે છે તેના માટે... ઈશ્વર આના વિશે કહે છે: પૈસા.

ટોચની 3 સૌથી નોંધપાત્ર છંદો

પૃથ્વી પર પોતાને સારુ દ્રવ્ય એકત્ર ન કરો, ત્યાં તો કીડા તથા કાટ નાશ કરે છે અને ચોરો દીવાલ તોડીને ચોરી જાય છે. પણ તમે પોતાને સારુ સ્વર્ગમાં દ્રવ્ય એકત્ર કરો, જ્યાં કીડા અથવા કાટ નાશ નથી કરતા અને જ્યાં ચોરો દીવાલ તોડીને ચોરી જતા નથી. કેમ કે જ્યાં તમારું દ્રવ્ય છે, ત્યાં જ તમારું ચિત્ત પણ રહેશે.

પણ સંતોષસહિતની ઈશ્વરપરાયણતા એ મહત્તમ લાભ છે; કેમ કે આપણે આ દુનિયામાં કશું લાવ્યા નથી ને તેમાંથી કશું પણ લઈ જઈ શકવાના નથી. પણ આપણને જે અન્નવસ્ત્ર મળે છે તેઓથી આપણે સંતોષી રહીએ. જેઓ દ્રવ્યવાન થવા ચાહે છે, તેઓ પરીક્ષણ, ફાંદા તથા ઘણી મૂર્ખ અને હાનિકારક ઇચ્છાઓમાં પડે છે, જે માણસોને પાયમાલી તથા વિનાશમાં ડુબાવે છે. કેમ કે દ્રવ્યપ્રેમ એ સર્વ પ્રકારની દુષ્ટતાનું મૂળ છે તેની પાછળ ખેંચાવાથી કેટલાક વિશ્વાસથી દુર લઈ જવાયા અને તેઓએ ઘણાં દુઃખોથી પોતાને વીંધ્યા છે.

ઈસુ આસપાસ જોઈને પોતાના શિષ્યોને કહે છે કે, 'જેઓની પાસે દોલત છે તેઓને ઈશ્વરના રાજ્યમાં પેસવું ઘણું અઘરું પડશે!' ઈસુની વાતોથી શિષ્યો આશ્ચર્ય પામ્યા પણ ઈસુ ફરી જવાબ આપતાં તેઓને કહે છે કે, 'બાળકો, મિલકત પર ભરોસો રાખનારાઓને ઈશ્વરના રાજ્યમાં પેસવું ઘણું અઘરું છે! ધનવાનને ઈશ્વરના રાજ્યમાં પેસવા કરતાં સોયના નાકામાં થઈને ઊંટને પસાર થવું સહેલું છે.' તેઓએ ઘણું આશ્ચર્ય પામીને અંદરોઅંદર કહ્યું, 'તો કોણ ઉદ્ધાર પામી શકે?' ઈસુ તેઓની તરફ જોઈને કહે છે કે, 'માણસોને એ અશક્ય છે, પણ ઈશ્વરને નથી, કેમ કે ઈશ્વરને સર્વ શક્ય છે.'

દરેક શ્લોક કેનોનિકલ ઓર્ડરમાં - 384 ફકરાઓ

આગળ જતા એમ થયું કે કાઈન ઈશ્વરને માટે ભૂમિનાં ફળમાંથી કંઈક અર્પણ લાવ્યો. હાબેલ પોતાનાં ઘેટાંબકરાંમાંનાં પ્રથમ જન્મેલાં તથા ઉત્તમ અર્પણો લાવ્યો. ઈશ્વરે હાબેલને તથા તેના અર્પણને માન્ય કર્યાં, પણ કાઈનને તથા તેના અર્પણને અમાન્ય કર્યાં. તેથી કાઈન ઘણો ગુસ્સે થયો અને તેનું મોં ઊતરી ગયું.

ઇબ્રામ પાસે જાનવરો, ચાંદી તથા સોનું પુષ્કળ પ્રમાણમાં હોવાથી તે ઘણો ધનવાન હતો.

તે દેશ એટલો બધો ફળદ્રુપ ન હતો કે તેઓ બન્ને એકસાથે રહી શકે, કેમ કે તેઓના પાલતું પશુઓની સંખ્યા ઘણી હતી.

જે સર્વશ્રેષ્ઠ ઈશ્વરે તારા શત્રુઓને તારા હાથમાં સોંપ્યા છે, તેમની પ્રશંસા હો." પછી ઇબ્રામે સર્વ સંપત્તિમાંથી તેને દસમો ભાગ આપ્યો.

ઈશ્વરે મારા માલિકને ઘણો આશીર્વાદ આપ્યો છે અને તે મહાન થયો છે. તેમણે તેને ઘેટાં, ઊંટો, ગધેડાં તથા અન્ય જાનવરો, ચાંદી, સોનું, દાસો અને દાસીઓ આપ્યાં છે.

તે ચાકરે વસ્ત્રો અને ચાંદીના તથા સોનાના દાગીના રિબકાને આપ્યાં, તેના ભાઈને તથા તેની માતાને પણ કિંમતી ભેટો આપી.

ઇસહાકે તે દેશમાં વાવણી કરી અને તે જ વર્ષે સો ગણી કાપણી કરી, કેમ કે ઈશ્વરે તેને આશીર્વાદ આપ્યો હતો. તે ધનવાન થયો અને વૃદ્ધિ પામતાં ઘણો પ્રતિષ્ઠિત થયો. તેની પાસે ઘણાં ઘેટાં તથા અન્ય જાનવર થયાં અને તેનું કુટુંબ પણ મોટું થયું. તેથી પલિસ્તીઓને તેના પ્રત્યે અદેખાઈ થઈ.

અને આ પથ્થર જે મેં સ્તંભની જેમ ઊભો કર્યો છે તે યાદગીરીનું પવિત્ર સ્થાનક થશે અને ઈશ્વર જે કંઈ મને આપશે તેમાંથી હું નિશ્ચે તેમને દશાંશ પાછું આપીશ."

યૂસફે સમુદ્રની રેતી જેટલાં અનાજનો સંગ્રહ કર્યો. એટલું બધું અનાજ એકત્ર થયું કે તેનો તેણે હિસાબ રાખવાનું પણ મૂકી દીધું.

પછી યૂસફે સર્વ કોઠારો ઉઘાડીને મિસરીઓને અનાજ વેચાતું આપ્યું. જો કે મિસર દેશમાં તે દુકાળ બહુ વિકટ હતો. સર્વ દેશોના લોકો મિસર દેશમાં યૂસફની પાસે અનાજ વેચાતું લેવાને આવ્યા, કેમ કે આખી પૃથ્વી પર સખત દુકાળ હતો.

યૂસફે તેના પિતાને, ભાઈઓને તથા તેના પિતાના ઘરનાં સર્વને તેઓની સંખ્યા પ્રમાણે અન્ન પૂરું પાડ્યું.

હવે તે આખા દેશમાં અન્ન ન હતું; કેમ કે દુકાળ વધતો જતો હતો. મિસર દેશ તથા કનાન દેશના લોકો દુકાળને કારણે વેદનાગ્રસ્ત થયા. લોકોએ જે અન્ન વેચાતું લીધું તેને બદલે જે નાણાં મિસર દેશમાંથી તથા કનાન દેશમાંથી મળ્યા, તે સર્વ યૂસફે એકઠા કર્યાં. પછી યૂસફે તે નાણાં ફારુનના રાજ્યભંડારમાં જમા કરાવ્યા. જયારે મિસર દેશમાં તથા કનાન દેશમાં નાણાંની અછત થઈ, ત્યારે સર્વ મિસરીઓ યૂસફની પાસે આવીને બોલ્યા, "અમને ખાવાનું આપ! શા માટે અમે તારી આગળ મરીએ? અમારી પાસે હવે નાણાં રહ્યાં નથી." યૂસફે કહ્યું, "જો તમારાં નાણાં પતી ગયાં હોય, તો તમારાં જાનવરો આપો અને તમારાં જાનવરોના બદલે હું તમને અનાજ આપીશ." તેથી તેઓ પોતાના જાનવરો યૂસફ પાસે લાવ્યાં. યૂસફે ઘોડા, બકરાં, અન્ય જાનવરો તથા ગધેડાંના બદલામાં તેઓને અનાજ આપ્યું. તેણે પશુઓના બદલામાં તે વર્ષે તેઓનું ભરણપોષણ કર્યું. જયારે તે વર્ષ પૂરું થયું, ત્યારે તેઓએ બીજા વર્ષે યૂસફની પાસે આવીને તેને કહ્યું, "નાણાંની અછત છે એ અમે અમારા ઘણીથી છુપાવી રાખતાં નથી. વળી અમારા જાનવરો પણ તારી પાસે છે. અમારા શરીરો તથા અમારી જમીન સિવાય અમારી પાસે બીજું કંઈ બાકી રહ્યું નથી. તારા દેખતાં અમે, અમારા ખેતરો સહિત શા માટે મરણ પામીએ? અનાજને બદલે અમને તથા અમારી જમીનને વેચાતાં લે અને અમે તથા અમારા ખેતર ફારુનને હવાલે કરીશું. અમને અનાજ આપ કે અમે જીવતા રહીએ, મરીએ નહિ. અમે મજૂરી કરીશું અને જમીન પડતર નહિ રહે." તેથી યૂસફે મિસરીઓની સર્વ જમીન ફારુનને સારુ વેચાતી લીધી. દરેક મિસરીએ પોતાની જમીન ફારુનને વેચી દીધી હતી, કેમ કે દુકાળ તેઓને માથે સખત હતો. આ રીતે તે દેશની જમીન ફારુનની થઈ. તેણે મિસરની સીમાના એક છેડાથી તે બીજા છેડા સુધી લોકોને નગરોમાં મોકલ્યા.

પણ દરેક સ્ત્રી પોતાની મિસરી પડોશણ પાસેથી અને પોતાના ઘરમાં રહેનારી મિસરી સ્ત્રી પાસેથી સોનાચાંદીનાં ઘરેણાં અને સુંદર કિંમતી વસ્ત્રો માગી લેશે અને તમે પોતાના દીકરાદીકરીઓને તે પહેરાવશો. આમ તમે મિસરીઓનું ધન લૂંટી લેશો."

ત્યારે યહોવાહે મૂસાને કહ્યું, "હું તમારે માટે રોટલીનો વરસાદ વરસાવીશ. આ બધા લોકોએ દરરોજ બહાર આવીને તેમાંથી તે દિવસ પૂરતી રોટલી પોતાને માટે ભેગી કરી લે; જેથી તેઓ મારા કાનૂન અનુસાર ચાલશે કે નહિ તે વિષે હું તેઓની પરીક્ષા કરું. લોકો દરરોજ તે દિવસ પૂરતી જ રોટલીનો સંગ્રહ કરે, પરંતુ છઠ્ઠા દિવસે રોજ કરતાં બમણી રોટલી ભેગી કરે અને પોતાના સ્થળે રાંધે."

મૂસાએ તેઓને કહ્યું, "તમારામાંથી કોઈએ તેમાંથી સવારને માટે રાખી મૂકવું નહિ." પરંતુ કેટલાકે મૂસાનું કહ્યું માન્યું નહિ. તેઓએ તેમાંથી થોડુંઘણું સવારને માટે રાખ્યું તો સવારે તેમાં કીડા પડેલા હતા. અને તે ગંધાઈ ઊઠયું. તેથી મૂસા તેમના પર ગુસ્સે થયો.

તમારે ચોરી કરવી નહિ.

તમારા પડોશીના ઘરની લાલસા રાખવી નહિ; તમારા પડોશીની પત્ની કે તેના દાસ કે તેની દાસી કે તેનો બળદ કે તેનું ગધેડું કે તમારા પડોશીની કોઈ પણ વસ્તુની લાલસા-લોભ, લાલચ, ઉત્કટ ઇચ્છા રાખવી નહિ."

તેથી મારી આગળ તમારે કોઈ સોનાચાંદીની મૂર્તિઓ ન બનાવવી. તમારે આવા ખોટા દેવો બનાવવા નહિ."

જો કોઈ ચોરીછૂપીથી માનવહરણ કરે અને તેને વેચે, અથવા તો તેને પોતાના તાબામાં રાખે, તો તેને નક્કી મૃત્યુની સજા થાય.

જો કોઈ માણસ પોતાના પડોશીને નાણાં કે મિલકત સાચવવા માટે સોંપે અને તે પેલા માણસના ઘરમાંથી ચોરાઈ જાય; અને જો ચોર પકડાય, તો તેણે બમણું ભરપાઈ કરી આપવું. પરંતુ જો ચોર પકડાઈ ના જાય તો તે ઘરધણીએ પોતાને ન્યાયધીશો આગળ રજૂ કરવો અને ન્યાયધીશ તેની ચોરી સંબંધી યોગ્ય નિર્ણય કરશે.

તમે મારા લોકોમાંના કોઈ ગરીબ માણસને નાણાં ધીરો, તો તેના પ્રત્યે લેણદાર જેવો વ્યવહાર ન રાખશો અને તેની પાસે વ્યાજ લેશો નહિ.

"ઇઝરાયલી લોકોને કહે કે, તેઓ મારા માટે જે અર્પણ આપવા ઇચ્છે છે તે રાજીખુશીથી આપે. તે તમારે મારે માટે અર્પણ તરીકે સ્વીકારવું.

યહોવાહને માટે તમારામાંથી અર્પણ લો, જે કોઈના મનમાં આપવાની ઇચ્છા હોય તે યહોવાહને સારુ અર્પણ લાવે: એટલે સોનું, ચાંદી, પિત્તળ,

જેટલાં પુરુષો તથા સ્ત્રીઓ રાજી હતાં, તેઓ આવ્યા. તેઓ નથનીઓ, કડીઓ, વીંટીઓ, બંગડીઓ તથા સોનાનાં ઘરેણાં લઈને આવ્યાં. યહોવાહને સોનાનું અર્પણ ચઢાવનાર પ્રત્યેક માણસે એમ કર્યું.

તેઓએ મૂસાને કહ્યું, "યહોવાહે જે કામ કરવાની આજ્ઞા કરી છે તે પૂરું કરવા માટે જરૂરી હોય તેના કરતાં ઘણું વધારે લોકો લાવ્યા કરે છે." તેથી મૂસાએ આખી છાવણીમાં એવી સૂચનાઓ આપી કે પવિત્રસ્થાનના અર્પણને માટે કોઈએ હવે કંઈ કાર્ય ન કરવું. પછી લોકો ભેટો લાવતા અટક્યા. અત્યાર સુધીમાં જે કાંઈ આવ્યું હતું તે બધું કામ પૂરું કરવા માટે જોઈએ તેના કરતાં વધારે હતું.

"જો કોઈ વ્યક્તિ પાપ કરીને યહોવાહની આજ્ઞા તોડે, એટલે ખોટા વ્યવહારમાં, ગીરવે મૂકવાની બાબતમાં, લૂંટફાટની બાબતમાં પોતાના પડોશીને દગો કરે અથવા તેણે પોતાના પડોશી પર જુલમ ગુજાર્યો હોય, અથવા કોઈની ખોવાયેલી વસ્તુ તેને મળી હોય તે વિષે તે દગો કરે અને જૂઠા સોગન ખાય અથવા જો કોઈ માણસ આ બધામાંથી કંઈપણ કરીને પાપ કરે,

જ્યારે તમે તમારા ખેતરમાંની ફસલની કાપણી કરો ત્યારે સમગ્ર ખેતર પૂરેપૂરું લણવું નહિ અને કાપણીનો પડી રહેલો ભાગ વીણી લેવો નહિ. એ જ પ્રમાણે દ્રાક્ષના વેલાને પૂરેપૂરા વીણવા નહિ, તેમ જ નીચે પડેલી દ્રાક્ષ પણ વીણવી નહિ. ગરીબો તેમ જ મુસાફરોને માટે તે રહેવા દેવી. હું યહોવાહ તમારો ઈશ્વર છું. ચોરી કરવી નહિ, જુઠ્ઠું બોલવું નહિ. એકબીજાને છેતરવા નહિ.

તારા પડોશી પર જુલમ કરવો નહિ અને તેને લૂંટવો નહિ, મજૂરીએ રાખેલા માણસનું મહેનતાણું આખી રાત એટલે સવાર થતાં સુધી તારી પાસે રાખવું નહિ.

તમે ન્યાય કરો ત્યારે લંબાઈના માપમાં અને વજનના માપમાં ખોટા માપનો ઉપયોગ કરવો નહિ. તમારે અદલ ત્રાજવાં, અદલ માપ, અદલ એફાહ અને અદલ હિનનો ઉપયોગ કરવો. હું તમને મિસર દેશમાંથી બહાર લઈ આવનાર તમારો ઈશ્વર યહોવાહ છું.

તમે જયારે પાક લણો, ત્યારે તમારે છેક ખેતરના ખૂણા સુધી પૂરેપૂરું કાપવું નહિ. તેમ જ તેમાંથી પડી રહેલો પાક વીણી લેવો નહિ. તમારે તેને ગરીબો તથા પરદેશીઓ માટે રહેવા દેવો. હું તમારો ઈશ્વર યહોવાહ છું.'"

છ વર્ષ સુધી તમારે તમારા ખેતરોમાં વાવણી કરવી, છ વરસ સુધી તમારે દ્રાક્ષની વાડીઓમાં કાપકૂપ કરવી અને ઊપજનો સંગ્રહ કરવો. પરંતુ સાતમે વર્ષે દેશને માટે પવિત્ર વિશ્રામનો સાબ્બાથ, એટલે યહોવાહનો સાબ્બાથ થાય. તારે તારા ખેતરમાં વાવણી કરવી નહિ અને તારી દ્રાક્ષાવાડીમાં કાપકૂપ કરવી નહિ. જમીન પર જે પોતાની જાતે ઊગી નીકળ્યું હોય તે તમારે કાપવું નહિ અથવા કાપકૂપ વગરની દ્રાક્ષની વાડીઓમાં જે દ્રાક્ષ બેસે તે તમારે લેવી નહિ. એ વર્ષ દેશને માટે પવિત્ર વિશ્રામનું વર્ષ થાય.

તમારે પોતાના માટે સાત વર્ષનાં સાત વિશ્રામ ગણવાં, એટલે કે સાત વાર સાત વર્ષ, એટલે ઓગણપચાસ વર્ષ. પછી સાતમા માસના દશમે દિવસે એટલે કે પ્રાયશ્ચિતને દિવસે તમારે આખા દેશમાં મોટા સાદે ઘેટાંનું રણશિંગડું વગડાવવું. અને પચાસમાં વર્ષને પવિત્ર જાહેર કરી દેશના બધા વતનીઓ માટે છુટકારાનો ઢંઢેરો પિટાવવો. તમારા માટે તે રણશિંગડાનું એટલે જ્યુબિલીનું વર્ષ છે. અને તમારે દરેક જણે પોતપોતાના વતનમાં અને કુટુંબમાં પાછા આવવું. એ પચાસમાંનું વર્ષ તમારા માટે રણશિંગડાનું પર્વ થાય. એ વર્ષે તમારે કાંઈ વાવવું નહિ, અને પોતાની જાતે જે ઊગ્યું હોય તે ખાવું. તેમ જ કાપકૂપ કર્યા વિનાની દ્રાક્ષની વાડીમાંથી દ્રાક્ષ વીણી લેવી. કારણ, એ તો જ્યુબિલી છે, તેને તમારે પવિત્ર ગણવી. એ વર્ષે ખેતરોમાં આપમેળે ઊગી નીકળેલો પાક તમારે ખાવો.

તમારા દેશનો કોઈ ભાઈ જો ગરીબ થઈ જાય અને પોતાનું ભરણપોષણ કરી શકે નહિ, તો તેને મદદ કરવી. તે પરદેશી અથવા પ્રવાસી તરીકે તમારી સાથે રહે.

તમારે તેની પાસેથી નફો કે વ્યાજ ન લેવું. પણ ઈશ્વરનો ભય રાખવો એ માટે કે તમારો ભાઈ તમારી સાથે રહે. તમારે તમારા પૈસા તેને વ્યાજે ન આપવા. તેમ જ નફા સારુ તમારું અન્ન તેને ન આપવું.

જમીનની ઊપજનો ઠરાવેલો દશમો ભાગ પછી તે ખેતરના અનાજનો હોય કે વૃક્ષનાં ફળોનો હોય તે યહોવાહનો ગણાય, તે યહોવાહને સારુ પવિત્ર છે.

યહોવાહે હારુનને કહ્યું, "તેઓના દેશમાં તારે કંઈ વારસો ન હોય, કે લોકોની સંપત્તિ મધ્યે તારે કંઈ ભાગ ન હોય. ઇઝરાયલી લોકો મધ્યે તારો હિસ્સો અને તારો વારસો હું છું. લેવીના વંશજો, જે મુલાકાતમંડપની સેવા કરે છે તેના બદલામાં, જુઓ, મેં તેઓને ઇઝરાયલમાં બધા દશાંશનો દશમો વારસો આપ્યો છે.

યહોવાહે મૂસાને કહ્યું, "તું લેવીઓ સાથે વાત કરીને તેમને કહે કે, 'યહોવાહે વારસા તરીકે આપેલો દશમો ભાગ જયારે તમે ઇઝરાયલી લોકો પાસેથી પ્રાપ્ત કરો, ત્યારે તમારે યહોવાહને દશમો ભાગ એટલે દશાંશનો દશમો ભાગ ઉચ્છાલીયાર્પણ તરીકે અર્પણ કરવો. તમારું ઉચ્છાલીયાર્પણ, ખળીના અનાજનો દસમો ભાગ તથા દ્રાક્ષાકુંડની પેદાશનો દસમો ભાગ તમારા લાભમાં ગણાશે. ઇઝરાયલી લોકો તરફથી તમને મળેલા દસમા ભાગમાંથી તમારે યહોવાહને ઉચ્છાલીયાર્પણ કરવાં. તેમાંથી તમે હારુન યાજકને ઉચ્છાલીયાર્પણ આપો. જે સર્વ ભેટો તું પ્રાપ્ત કરે તેમાંથી, તારે દરેક ઉચ્છાલીયાર્પણ યહોવાહને અર્પણ કરવાં. જે પવિત્ર અને ઉત્તમ વસ્તુઓ તને આપવામાં આવી છે તેમાંથી તારે અર્પણ કરવું.

અમારા પિતાને દીકરો ન હોવાથી અમારા પિતાનું નામ કુટુંબમાંથી શા માટે દૂર કરાય? અમારા પિતાના ભાઈઓ મધ્યે અમને વારસો આપવામાં આવે." માટે મૂસા આ બાબત યહોવાહ સમક્ષ લાવ્યો. અને યહોવાહે મૂસાને કહ્યું, "સલોફહાદની દીકરીઓ સાચું બોલે છે. તું નિશ્ચે તે લોકોને તેમના પિતાના ભાઈઓની સાથે વારસાનો દેશ આપ; તેઓના પિતાનો વારસો તેઓને આપ. ઇઝરાયલ લોકોને સાથે વાત કરીને કહે, 'જો કોઈ માણસ મૃત્યુ પામે અને તેને દીકરો ન હોય, તો તેની દીકરીને તેનો વારસો આપ. જો તેને દીકરી ના હોય, તો તું તેનો વારસો તેના ભાઈઓને આપ. જો તેને ભાઈઓ ના હોય, તો તેનો તેના પિતાના ભાઈઓને આપ. અને જો તેને કાકાઓ ન હોય, તો તેનો વારસો તેના નજીકના સગાને આપ, તે તેનો માલિક બને. યહોવાહે મૂસાને આજ્ઞા કરી હતી તે પ્રમાણે આ કાયદો ઇઝરાયલી લોકો માટે કાનૂન થાય.'"

અમારા માટે યહોવાહની આગળ પ્રાયશ્ચિત કરવાને સારુ દરેક માણસને જે મળ્યું તે અમે યહોવાહને સારુ અર્પણ કરવાને લાવ્યા છીએ, એટલે સોનાનાં ઘરેણાં, સાંકળા, બંગડીઓ, વીંટીઓ, બુટીઓ તથા હારો લાવ્યા છીએ."

જેથી વારસાનો કોઈ પણ ભાગ એક કુળમાંથી બીજા કુળમાં જશે નહિ. ઇઝરાયલી લોકોના કુળમાંનો દરેક માણસ પોતાના વારસાને વળગી રહશે."

તું ચોરી ન કર.

'તું તારા પડોશીની પત્ની પર લોભ ન રાખ, તેમ જ તેના ઘર કે ખેતર, દાસ કે દાસી, પશુ, ગધેડું કે અન્ય જાનવર તારા પડોશીનું જે કંઈ હોય તે પર લોભ ન રાખ.'

જયાં તું ધરાઈને અન્ન ખાશે અને તને ખાવાની કોઈ ખોટ પડશે નહિ એવા દેશમાં. વળી કોઈ વસ્તુની ખોટ નહિ પડે, તેમ જ જેના પથ્થર લોખંડના છે અને જેના ડુંગરોમાંથી તું પિત્તળ કાઢી શકે. એવા દેશમાં લઈ જાય છે.

રખેને તમે ખાઈને તૃપ્ત થાઓ અને સારાં ઘરો બાંધીને તેમાં રહો. અને જ્યારે તમારાં ઢોરઢાંક અને ઘેટાંબકરાંની અને અન્ય જાનવરોની સંખ્યામાં વધારો થાય અને જ્યારે તમારું સોનુંરૂપું વધી જાય અને તમારી માલમિલકત વધી જાય, ત્યારે રખેને તમારું મન ગર્વિષ્ઠ થાય અને તમે યહોવાહ તમારા ઈશ્વરને ભૂલી જાઓ કે જે તમને મિસરમાંથી એટલે ગુલામીના દેશમાંથી બહાર લાવ્યા છે. જેણે તમને આગિયા સાપ તથા વીંછીઓવાળા તથા પાણી વગરની સૂકી જમીનવાળા વિશાળ અને ભયંકર અરણ્યમાં સંભાળીને ચલાવ્યાં. જેમણે તમારે માટે ચકમકના ખડકમાંથી પાણી વહેતું કર્યું અને જે યહોવાહે અરણ્યમાં તમને માન્ના કે જે તમારા પિતૃઓએ કદી નહોતું જોયું તેનાથી તમારું પોષણ કર્યું, એ માટે યહોવાહ તમને નમ્ર કરે અને આખરે તમારું સારું કરવા માટે તે તમારી કસોટી કરે. રખેને તમે તમારા મનમાં વિચારો કે "મારી પોતાની શક્તિથી અને મારા હાથનાં સામર્થ્યથી મેં આ સર્વ સંપત્તિ મેળવી છે.'' પણ તમે હંમેશા યહોવાહ તમારા ઈશ્વરનું સ્મરણ કરો કેમ કે સંપત્તિ પ્રાપ્ત કરવા માટેની શક્તિ આપનાર તો તે એકલા જ છે; એ માટે કે તેનો કરાર અને તેમણે તમારા પિતૃઓની આગળ જે સમ ખાધા તે તેઓ પૂર્ણ કરે.

કેમ કે, યહોવાહ તમારા ઈશ્વર તે તો સર્વોપરી ઈશ્વર છે. તે મહાન, પરાક્રમી અને ભયાનક ઈશ્વર છે, તે નિષ્પક્ષ અને ન્યાયી છે, તે કદી લાંચ લેતા નથી. તે વિધવાની તથા અનાથની દાદ સાંભળે છે. તે પરદેશીઓ પર પ્રેમ રાખે છે અને તેઓને ખોરાક તથા વસ્ત્રો આપે છે.

ત્યાં તમારે તમારાં બધાં દહનીયાર્પણો, તમારાં બલિદાનો, તમારાં દશાંશો, તમારા હાથનાં ઉચ્છાલીયાર્પણો, તમારી માનતાઓ, તમારાં ઐચ્છિકાર્પર્ણ તથા તમારાં ઘેટાં બકરાનાં તથા અન્ય જાનવરોનાં પ્રથમજનિતને લાવવાં.

ત્યારે એવું બને કે યહોવાહ તમારા ઈશ્વર પોતાનું નામ રાખવા માટે જે જગ્યા પસંદ કરે ત્યાં, હું તમને ફરમાવું તે બધું તમારે લાવવું: તમારાં ઉચ્છાલીયાર્પણ, તમારાં બલિદાનો, તમારાં દશાંશો, તમારા હાથનાં ઉચ્છાલીયાપર્ણો, જે બધી શ્રેષ્ઠ માનતાઓ તમે યહોવાહ પ્રત્યે માનો તે તમારે લાવવાં.

તમારા અનાજનો, દ્રાક્ષારસનો કે તેલનો દશમો ભાગ, અથવા તમારાં ઘેટાંબકરાંનાં અને અન્ય જાનવરોનાં પ્રથમજનિત અથવા તમારી લીધેલી કોઈ પણ માનતા અથવા તમારા ઐચ્છિકાર્પર્ણ તથા તમારા હાથનાં ઉચ્છાલીયાર્પણ એ સર્વ તમારા રહેઠાણોમાં ખાવાની તમને રજા નથી.

પ્રતિવર્ષ તમારે તમારા ખેતરના બીજની બધી ઊપજમાંથી દશમો ભાગ જુદો રાખવો. તેઓ જે જગ્યા પોતાના પવિત્રસ્થાન માટે પસંદ કરે ત્યાં તેઓની આગળ તમારા અનાજનો દશાંશ, તમારા દ્રાક્ષારસનો, તમારા તેલનો તથા તમારાં પશુ તથા ઘેટાં બકરાંના તથા અન્ય જાનવરોના પ્રથમજનિતને તમારે ખાવાં, કે જેથી તમે યહોવાહ તમારા ઈશ્વરનો આદર કરતાં શીખો.

દર સાતમું વર્ષ તમારે માટે છુટકારાનું વર્ષ થાય. અને છૂટકો કરવાની રીત આ છે; દરેક લેણદારે પોતાના પડોશીને દેવાથી મુકત કરવા. તેણે પોતાના પડોશી પાસેથી તથા પોતાના ભાઈ પાસેથી દેવું વસૂલ કરવા દબાણ કરવું નહિ. કારણ કે યહોવાહના માનાર્થે છુટકારાનો ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. વિદેશીઓ પાસે તમે દેવું ભરપાઈ કરાવી શકો છો પરંતુ તારું લેણું જો તારા ભાઈ પાસે હોય તો તે જતું કર.

કેમ કે તમને આપેલા વચન મુજબ યહોવાહ તમને આશીર્વાદ આપશે અને તમે અનેક પ્રજાઓના લેણદાર બનશો, તમે કોઈના દેવાદાર નહિ બનો અને તમે અનેક પ્રજાઓ પર રાજ કરશો, પણ કોઈ તમારા પર રાજ કરશે નહિ.

જે દેશ યહોવાહ તમારા ઈશ્વર તમને આપે છે, તેમાં તમારા ઘરમાં રહેતો તમારો કોઈ જ્ઞાતિજન ગરીબ હોય તો તમે તમારું હૃદય કઠણ ન કરો. પરંતુ તેમના પ્રત્યે તમારો હાથ ઉદાર રાખો અને તેની અછતને લીધે જેટલાંની તેમને જરૂરિયાત હોય તે પ્રમાણે આપો.

પણ સાવધ રહો, રખેને તમારા મનમાં એવો દુષ્ટ વિચાર આવે કે સાતમું વર્ષ એટલે છુટકારાનું વર્ષ પાસે છે. અને તમારી દાનત તમારા ગરીબ ભાઈની વિરુદ્ધ બગડે અને તમે તેને કંઈ ન આપો. અને તે યહોવાહની આગળ પોકાર કરે તો તમે દોષિત ઠરશો. વળી તમારે તેને આપવું જ કે જે તેને આપતાં તમારો જીવ કચવાય નહિ. કારણ કે, એ કાર્યને લીધે યહોવાહ તમારા ઈશ્વર તમારાં બધાં કામમાં એટલે જે કંઈ કામ તમે હાથમાં લેશો તેમાં તમને આશીર્વાદ આપશે. કેમ કે દેશમાંથી ગરીબો કદી ખૂટશે નહિ તેથી હું તમને આજ્ઞા કરું છું કે, તમારે તમારા દેશમાં તમારા ભાઈ પ્રત્યે જરૂરિયાતમંદવાળા પ્રત્યે તથા ગરીબ પ્રત્યે ઉદારતા બતાવવી.

તમે યહોવાહ તમારા ઈશ્વર પ્રત્યે અઠવાડિયાનાં પર્વ ઉજવો, યહોવાહ તમારા ઈશ્વરે આપેલા આશીર્વાદ પ્રમાણે તમારા હાથનાં ઐચ્છિકાપર્ણ આપો.

પરંતુ, દરેક માણસે પોતાની યથાશક્તિ પ્રમાણે યહોવાહની આજ્ઞા પાળીને યહોવાહ તમારા ઈશ્વરે આપેલા આશીર્વાદ પ્રમાણે તમારે આપવું.

વળી તે ઘણી પત્નીઓ કરે નહિ. કે જેથી તેનું હૃદય યહોવાહ તરફથી વિમુખ થઈ ન જાય. વળી તે પોતાને સારુ સોનુંચાંદી અતિશય ન વધારે.

તેઓને તેઓના બીજા ભાઈઓની મધ્યે વારસો મળે નહિ, તેઓનો વારસો તો યહોવાહ છે. જેમ તેમણે કહ્યું છે તેમ.

યહોવાહ તમારા ઈશ્વરે તને જે દેશ વતન માટે આપે છે, તેમાં વતનનો વારસો તમને મળે તે અગાઉના સમયમાં પૂર્વજોએ નક્કી કરેલી તમારા પડોશીઓની સરહદ હઠાવશો નહિ.

તમે તમારા ભાઈને કંઈ પણ વ્યાજે ન ધીરો; નાણાનું વ્યાજ કે અનાજનું વ્યાજ કે વ્યાજે ધીરાતી કોઈપણ વસ્તુનું વ્યાજ લેવું નહિ. પરંતુ પરદેશીને વ્યાજે આપવાની છૂટ છે. પણ તમારા ઇઝરાયલી ભાઈઓ પાસે વ્યાજ લેવું નહિ, તેથી જે દેશનું વતન પામવા તમે જાઓ છો. તેમાં જે કશામાં તમે હાથ લગાડો તેમાં યહોવાહ તમારા ઈશ્વર આશીર્વાદ આપે.

જો કોઈ માણસ ઇઝરાયલના લોકોમાંથી પોતાના કોઈ ભાઈનું અપહરણ કરી તેને ગુલામ બનાવે, કે તેને વેચી દે, તો તે ચોર નિશ્ચે માર્યો જાય. આ રીતે તમારે તમારામાંથી દુષ્ટતા દૂર કરવી.

જયારે તમે તમારી દ્રાક્ષાવાડીની દ્રાક્ષ ભેગી કરી લો, ત્યારે ફરીથી તેને એકઠી ન કરો. તેને પરદેશી માટે, વિધવા માટે તથા અનાથો માટે રહેવા દો.

અને અમને આ સ્થળે લાવીને તેમણે અમને દૂધમધથી ભરપૂર દેશ આપ્યો. અને હવે, હે યહોવાહ જુઓ જે દેશ તમે અમને આપ્યો છે તેની ઊપજનું પ્રથમ ફળ અમે લાવ્યા છીએ." અને યહોવાહ તમારા ઈશ્વર સમક્ષ તે મૂકીને તમારે યહોવાહ તમારા ઈશ્વરનું ભજન કરવું; અને જે કંઈ સારું યહોવાહ તમારા ઈશ્વરે તમારા અને ઘરનાંને માટે કર્યુ હોય તે સર્વમાં તમારે તથા લેવીઓએ અને તમારી મધ્યે રહેતા પરદેશીઓએ ભેગા મળીને આનંદોત્સવ કરવો.

ત્રીજું વર્ષ દશાંશનું વર્ષ છે. તેમાં જ્યારે તમે તમારી ઊપજનો દશાંશ આપી ચૂકો પછી તમારે લેવીઓને, પરદેશીઓને, વિધવાઓને અને અનાથોને આપવો જેથી તેઓ તમારી ભાગળોમાં ખાઈને તૃપ્ત થાય. પછી તમારે યહોવાહ તમારા ઈશ્વર સમક્ષ કહેવું કે, 'અમે અમારા ઘરમાંથી બધી અર્પિત વસ્તુઓ કાઢી છે અને અમે તે વસ્તુઓ લેવીઓને, પરદેશીઓને, વિધવાઓને અને અનાથોને તમારી આજ્ઞા મુજબ આપી છે. અમે તમારી એકપણ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું નથી તેમ જ અમે ભૂલી પણ ગયા નથી.

અને જે દેશ તમને આપવા અંગે યહોવાહે તમારા પિતૃઓ આગળ સમ ખાધા હતા, તેમાં તમારાં સંતાનો વિષે, તમારાં જાનવરોના બચ્ચા વિષે તથા તમારી ભૂમિના ફળ વિષે તમને ઘણાં જ આબાદ કરશે. તમારા દેશ પર મોસમમાં વરસાદ મોકલવા માટે અને તમારા હાથનાં કામ પર આશીર્વાદ આપવા માટે યહોવાહ તમારા માટે અખૂટ ભંડાર એટલે આકાશ ઉઘાડશે; અને તમે ઘણી દેશજાતિઓને ઉછીનું આપશો પણ તમારે ઉછીનું લેવું નહિ પડે.

સર્વ ચાંદી, સોનું અને પિત્તળનાં તથા લોખંડનાં પાત્રો યહોવાહને સારું પવિત્ર છે. તે બધું યહોવાહનાં ભંડારમાં લાવવું.

પણ લેવીના કુળને મૂસાએ કંઈ વારસો આપ્યો નહિ. તેણે તેઓને કહ્યું કે, તેઓનો વારસો ઇઝરાયલના પ્રભુ, યહોવા, છે.

ઈશ્વર માણસને નિર્ધન બનાવે છે અને તે ધનવાન પણ કરે છે. તે નીચા પાડે છે અને તે ઊંચે પણ ચઢાવે કરે છે. તે ગરીબોને ધૂળમાંથી બેઠા કરે છે; તે જરૂરિયાત મંદોને ઉકરડા પરથી ઊભા કરીને, તેઓને રાજકુમારોની સાથે બેસાડે છે, અને ગૌરવનો વારસો પમાડે છે. કેમ કે પૃથ્વીના સ્તંભો ઈશ્વરના છે; તેમના પર તેમણે જગતને સ્થાપ્યું છે.

પછી ઈશ્વરે નાથાન પ્રબોધકને દાઉદ પાસે મોકલ્યો. તેણે તેની પાસે આવીને કહ્યું કે, "નગરમાં બે માણસ હતા. એક દ્રવ્યવાન અને બીજો ગરીબ હતો. ધનવાનની પાસે પુષ્કળ સંખ્યામાં ઘેટાં તથા અન્ય જાનવર હતાં, પણ દરિદ્રી માણસ પાસે એક નાની ઘેટી સિવાય બીજું કંઈ નહોતું. તેણે તે વેચાતી લઈને તેનું પોષણ કર્યું હતું. તે તેની સાથે તથા તેનાં છોકરાં સાથે ઊછરી હતી. તે તેની થાળીમાંથી ખાતી અને તેના પ્યાલામાંથી પીતી હતી. તેની પથારીમાં તે સૂતી હતી તે તેની દીકરી જેવી હતી. એક દિવસ તે શ્રીમંત માણસને ત્યાં એક વટેમાર્ગુ આવ્યો. શ્રીમંતે પોતાને ઘરે આવેલા વટેમાર્ગુના ભોજન માટે પોતાનાં ઘેટાં કે અન્ય જાનવરોમાંથી કોઈ પશુને લીધું નહિ. પણ પેલા દરિદ્રી માણસની ઘેટી આંચકી લીધી અને તેને ત્યાં આવેલા વટેમાર્ગુને માટે તેનું શાક બનાવ્યું." એ સાંભળીને દાઉદ પેલા ધનવાન માણસ પર ઘણો ગુસ્સે થયો. તેણે નાથાનને કહ્યું કે, "જીવતા ઈશ્વરના સમ, જે માણસે એ કૃત્ય કર્યું છે તે મરણદંડને યોગ્ય છે. તેણે ઘેટીના બચ્ચાના બદલે ચારગણું પાછું આપવું પડશે કેમ કે તેણે એવું કૃત્ય કર્યું છે, તેને તે દરિદ્ર માણસ પર કંઈ દયા આવી નહિ."

રાજાએ અરાવ્નાહને કહ્યું, "એમ નહિ, હું નિશ્ચે મૂલ્ય આપીને તે તારી પાસેથી વેચાતું લઈશ. મેં જેની કિંમત ચૂકવી ન હોય તેનું હું મારા પ્રભુ ઈશ્વરની આગળ કેવી રીતે દહનીયાર્પણ કરું?" તેથી દાઉદે પચાસ શેકેલ (૫૭૫ ગ્રામ) ચાંદી આપીને ઘઉં ઝૂડવાની જમીન તથા બળદોને ખરીદી લીધા. દાઉદે ત્યાં ઈશ્વરને માટે વેદી બાંધી અને તેની ઉપર દહનીયાપર્ણો તથા શાંત્યપર્ણો ચઢાવ્યા. એમ ઈશ્વર દેશ ઉપર પ્રસન્ન થયા અને ઇઝરાયલમાંથી મરકી બંધ થઈ.

પછી સુલેમાને ભક્તિસ્થાનની અંદરની દીવાલોને શુદ્ધ સોનાથી મઢી. તેણે પરમપવિત્રસ્થાનની આગળ પ્રવેશદ્વારના એક છેડેથી બીજા છેડા સુધી સોનાની સાંકળો મૂકી અને આગળના ભાગને સોનાથી મઢ્યો. આમ, સુલેમાને ભક્તિસ્થાનનો અંદરનો આખો ભાગ સોનાથી મઢી લીધો. તેણે પરમપવિત્રસ્થાનની આખી વેદીને પણ સોનાથી મઢી લીધી.

તેણે ભક્તિસ્થાનની અંદરની તથા બહારની ઓરડીઓનાં ભોંયતળિયાં સોનાથી મઢ્યાં હતાં.

સુલેમાને યહોવાહના ભક્તિસ્થાન માટે પાત્રો બનાવ્યાં એટલે સોનાની વેદી અને જેના પર અર્પિત રોટલી રહેતી હતી તે સોનાનો બાજઠ; તેણે શુદ્ધ સોનાનાં પાંચ દીપવૃક્ષ દક્ષિણ બાજુએ અને બીજાં પાંચ ઉત્તર બાજુએ પરમ પવિત્રસ્થાનની સામે મૂક્યાં. દરેક પર ફૂલો, દીવીઓ અને ચીપિયાઓ હતાં જે બધાં સોનાનાં બનેલાં હતાં. શુદ્વ સોનાના પ્યાલા, કાતરો, તપેલાં, વાટકા, અને ધૂપદાનીઓ; અને અંદરનાં ઘરનાં એટલે પરમપવિત્રસ્થાનના બારણાં માટે મિજાગરાં પણ સોનાનાં બનાવડાવ્યાં.

હવે દર વર્ષે સુલેમાનને ત્યાં જે સોનું આવતું હતું તેનું વજન છસો છાસઠ તાલંત હતું.

સુલેમાન રાજાનાં પીવાનાં સર્વ પાત્રો સોનાનાં હતાં અને લબાનોન વનગૃહમાંનાં સર્વ પાત્રો ચોખ્ખા સોનાનાં હતાં. ચાંદીનું એક પણ પાત્ર જન હતું. કેમ કે સુલેમાનના સમયમાં ચાંદીની કશી વિસાત ન હતી. રાજાનો તાર્શીશ વહાણનો એક કાફલો હીરામના કાફલા સાથે સમુદ્ર પર ફરતો હતો. દર ત્રણ વર્ષે એકવાર તાર્શીશનો કાફલો સોનું, ચાંદી, હાથીદાંત, વાનરો અને મોર લઈને આવતો હતો. સુલેમાન રાજા પૃથ્વી પરના સર્વ રાજાઓ કરતાં દ્રવ્ય તથા જ્ઞાનમાં સૌથી શ્રેષ્ઠ હતો.

તે પાણી લેવા જતી હતી એટલામાં એલિયાએ તેને હાંક મારીને કહ્યું, "મારે સારુ રોટલીનો ટુકડો પણ લેતી આવજે." પણ તે વિધવાએ જવાબ આપ્યો, "તારા ઈશ્વર યહોવાહની હાજરીમાં હું કહું છું કે મારી પાસે રોટલી નથી પણ માટલીમાં ફક્ત એક મુઠ્ઠી લોટ અને કૂંડીમાં થોડું તેલ છે. જો હું અહીં થોડાં લાકડાં વીણવા આવી છું, જેથી હું જઈને મારે માટે અને મારા પુત્ર માટે કંઈ રાંધુ કે જેથી અમે તે ખાઈએ અને પછીથી મરણ પામીએ." એલિયાએ તેને કહ્યું, "ગભરાઈશ નહિ. જઈને તારા કહેવા પ્રમાણે કર, પણ પહેલાં મારા માટે તેમાંથી એક નાની રોટલી બનાવીને મારી પાસે અહીં લઈ આવ. પછી તારા માટે તથા તારા દીકરા માટે બનાવજે. કેમ કે ઇઝરાયલના ઈશ્વર યહોવા એવું કહે છે કે, 'દિવસે હું ભૂમિ પર વરસાદ વરસાવીશ, ત્યાં સુધી માટલીમાંનો લોટ અને કૂંડીમાંનું તેલ ખૂટી જશે નહિ.'" આથી તેણે જઈને એલિયાના કહેવા મુજબ કર્યું. અને એલિયાએ, તે સ્ત્રીએ તથા તેના દીકરાએ ઘણા દિવસો સુધી ખાધું. યહોવા પોતાનું જે વચન એલિયા મારફતે બોલ્યા હતા તે પ્રમાણે માટલીમાંનો લોટ તથા કૂંડીમાંનું તેલ ખૂટી ગયું નહિ.

એલિશાએ તેને કહ્યું, "હું તારા માટે શું કરું? મને કહે તારી પાસે ઘરમાં શું છે?" તેણે કહ્યું, "તારી દાસી પાસે વાટકી તેલ સિવાય બીજું કશું જ ઘરમાં નથી." ત્યારે એલિશાએ કહ્યું, "તું બહાર જઈને તારા બધા પડોશીઓ પાસેથી ખાલી વાસણો માગી લાવ. બની શકે તેટલાં ઉછીનાં વાસણ માગીને લાવ. પછી તું તારા દીકરાઓ સાથે ઘરમાં અંદર જઈને બારણું બંધ કરી દે. પછી તારી પાસે જે તેલ છે તેને પેલાં વાસણોમાં રેડ. અને જે જે વાસણ ભરાતું જાય તેને એક પછી એક બાજુએ મૂકતી જા." પછી તે સ્રી એલિશા પાસેથી ગઈ અને તેણે તથા તેના દીકરાઓએ ઘરમાં જઈને બારણું બંધ કરી દીધું. તેઓ તેની પાસે વાસણો લાવતા ગયા અને તે વાસણોમાં તેલ રેડતી ગઈ. જયારે બધાં વાસણો ભરાઈ ગયાં ત્યારે તેણે તેના દીકરાઓને કહ્યું, "મારી પાસે બીજાં વાસણો લાવો." પણ દીકરાએ કહ્યું, "હવે બીજું એક પણ વાસણ નથી." એટલે તેલ પડતું બંધ થયું. પછી તે સ્રીએ આવીને ઈશ્વરભક્તને આ વાત જણાવી. ઈશ્વરભક્તે કહ્યું, "તું જઈને તે તેલ વેચીને તારું દેવું ભરપાઈ કર. જે નાણાં બાકી રહે તેનાથી તું અને તારા દીકરાઓ શાંતિથી ગુજરાન ચલાવો અને જીવો."

માટે હિઝકિયાએ તેને યહોવાહના સભાસ્થાનમાંથી અને રાજમહેલના ભંડારમાંથી જે ચાંદી મળી આવી હતી તે બધી તેને આપી. તે સમયે હિઝકિયાએ યહોવાહના સભાસ્થાનના બારણા પરથી અને પોતે મઢેલા સ્તંભો પરથી સોનું ઉખાડીને આશૂરના રાજાને આપ્યું.

યહોવાહે કહ્યું હતું તે પ્રમાણે, યહોવાહના સભાસ્થાનની તેમ જ રાજમહેલની બધી કિંમતી વસ્તુઓ તે ઉપાડી ગયો. તેણે યહોવાહના ઘરમાં ઇઝરાયલના રાજા સુલેમાને બનાવેલા સોનાનાં બધાં વાસણોને કાપીને ટુકડાં કર્યાં. તે બધા યરુશાલેમ વાસીને, બધા આગેવાનોને, બધા પરાક્રમી યોદ્ધાઓને, દસ હજાર કેદીઓને, લુહારોને તથા કારીગરોને પકડીને લઈ ગયો. ગરીબ લોકો સિવાય દેશમાં કોઈ બાકી રહ્યું નહિ.

યાબેસે ઇઝરાયલના પ્રભુને પ્રાર્થના કરી, "તમે મને નિશ્ચે આશીર્વાદ આપો અને મારો પ્રદેશ વધારો. તમારો હાથ મારી સાથે રાખો અને મને આપત્તિથી બચાવો કે જેથી મારે દુઃખ સહન કરવું પડે નહિ!" પ્રભુએ તેની પ્રાર્થના માન્ય કરી.

વળી જેઓ તેઓની પાસેના હતા એટલે ઇસ્સાખાર, ઝબુલોન તથા નફતાલી સુધીના જેઓ હતા, તેઓ ગધેડાં પર, ઊંટો પર, ખચ્ચરો પર, બળદો પર ખોરાક એટલે રોટલી, દ્રાક્ષની લૂમો, અંજીરના ચકતાં, દ્રાક્ષારસ, તેલ, ગધેડાંઓ તથા ઘેટાં પુષ્કળ પ્રમાણમાં લાવ્યા હતા. કેમ કે ઇઝરાયલમાં સર્વત્ર આનંદોત્સવ થઈ રહ્યો હતો.

હવે, જો, મેં યહોવાહના ભક્તિસ્થાન માટે પુષ્કળ મહેનત કરીને એક લાખ તાલંત સોનું, દસ લાખ તાલંત ચાંદી, પિત્તળ અને લોખંડ પુષ્કળ પ્રમાણમાં એકત્ર કર્યા છે. લાકડાં અને પથ્થર એ બધું તને આપું છું. તેમા તું વધારો કરી શકે છે.

મેં મારી તમામ શકિત અનુસાર મારા ઈશ્વરના ભક્તિસ્થાન માટે સોનાની વસ્તુઓ માટે સોનું, રૂપાની વસ્તુઓ માટે રૂપું, પિતળની વસ્તુઓ માટે પિતળ, લોખંડની વસ્તુઓ માટે લોખંડ એકત્ર કર્યા છે. અને લાકડાની વસ્તુઓ માટે લાકડું, મણિ જડાવકામને સારુ દરેક જાતનાં મૂલ્યવાન જવાહિરો, અકીક તથા સંગેમરમરના પુષ્કળ પાષાણો તૈયાર કરાવ્યાં છે. તદુપરાંત, પવિત્રસ્થાનના બાંધકામ માટે મારા ફાળા રૂપે મારા ભંડારમાં જે કંઈ સોનું અને ચાંદી છે તે બધું હું મારા ઈશ્વરના ભક્તિસ્થાન માટે આપી દઉં છું.

તેઓએ ઈશ્વરના ભક્તિસ્થાનના કાર્ય માટે સ્વેચ્છાથી પાંચ હજાર તાલંત સોનું, દસ હજાર સોનાની દારીક, દસ હજાર તાલંત ચાંદી અને અઢાર હજાર તાલંત પિત્તળ તેમ જ એક લાખ તાલંત લોખંડ આપ્યું. વળી, જેમની પાસે રત્નો હતાં તેમણે તે રત્નો યહોવાહના ભક્તિસ્થાનના ભંડારમાં આપી દીધાં. તેનો વહીવટ ગેર્શોનનો વંશજ યહીએલ કરતો હતો. તેઓએ સર્વ રાજીખુશીથી યહોવાહને માટે ઉદાર મનથી આપ્યું હોવાથી લોકો ઘણાં હરખાયા. રાજા દાઉદ પણ ઘણો ખુશ થયો.

તમારાથી જ ધન અને યશ પ્રાપ્ત થાય છે. તમે જ સર્વ પ્રજા પર શાસન કરો છો. સામર્થ્ય અને સત્તા તમારા જ હાથમાં છે. તમે જ સૌને મહાન તથા બળવાન કરો છો,

પરંતુ હું કે મારી પ્રજા કોણ કે રાજીખુશીથી અર્પણ આપવા માટે અમે સમર્થ હોઈએ? કારણ કે જે સર્વસ્વને અમે પોતાનું માનીએ છીએ તે તમારાથી જ અમને મળેલું છે અને જે અમે તમને આપીએ છીએ તે સર્વ તમારું જ છે.

યહોવાહ અમારા ઈશ્વર, તમારા પવિત્ર નામને માટે ભક્તિસ્થાન બાંધવા સારુ અમે ભેગી કરેલી બધી સંપત્તિ તમારા તરફથી મળેલી છે, એ બધું તમારું જ છે.

ઈશ્વરે સુલેમાનને કહ્યું, "તારા હૃદયમાં આ મહાન બાબત છે. તેં ધન, સંપત્તિ, આદર અથવા તને જે ધિક્કારે છે તેઓના જીવ, તેમ જ પોતાના માટે લાંબુ આયુષ્ય માગ્યું નહિ; પણ તેં તારા માટે ડહાપણ તથા જ્ઞાન માગ્યું, કે જેથી તું મારા લોકો પર રાજ અને ન્યાય કરી શકે. જો કે એ માટે જ મેં તને રાજા બનાવ્યો છે. હવે તને ડહાપણ તથા જ્ઞાન બક્ષ્યાં છે; હું તને એટલું બધું ધન, સંપત્તિ અને આદર આપીશ કે તારી અગાઉ જે રાજાઓ થઈ ગયા તેઓની પાસે એટલું ન હતું. અને તારા પછીના કોઈને મળશે પણ નહિ."

રાજાએ યરુશાલેમમાં સોનું તથા ચાંદી એટલાં બધાં વધારી દીધાં કે તે પથ્થરની તોલે થઈ ગયાં. અને દેવદારનાં લાકડાં એટલા બધાં વધી ગયા કે તે નીચાણના પ્રદેશમાંનાં ગુલ્લર વૃક્ષોનાં લાકડાં જેવા થઈ પડ્યાં.

તે ઉપરાંત તેણે યરુશાલેમના લોકોને આજ્ઞા કરી કે તેઓ પોતાની ઊપજનો થોડો ભાગ યાજકોને તથા લેવીઓને આપે, કે જેથી તેઓ ઈશ્વરના નિયમશાસ્ત્રને પાળવાને પોતાને પવિત્ર કરી શકે. એ હુકમ બહાર પડતાં જ ઇઝરાયલી લોકોએ અનાજ, દ્રાક્ષારસ, તેલ, મધ તથા ખેતીવાડીની સર્વ ઊપજનો પ્રથમ પાક આપ્યો; અને સર્વ વસ્તુઓનો પૂરેપૂરો દશાંશ પણ તેઓ લાવ્યા.

પછી લોકોએ તથા તેઓની સ્ત્રીઓએે પોતાના યહૂદી ભાઈઓની વિરુદ્ધ મોટો પોકાર કર્યો. તેમાંના કેટલાંક કહેવા લાગ્યાં કે, "અમારા પુત્રો તથા અમારી પુત્રીઓ સહિત અમે ઘણાં માણસો છીએ. તેથી અમને અનાજ આપો કે જેથી અમે તે ખાઈને જીવતાં રહીએ." ત્યાં વળી બીજા કેટલાંક કહેવા લાગ્યાં કે, "દુકાળ દરમિયાન અમે અમારા ખેતરો, દ્રાક્ષાવાડીઓ તથા ઘરો ગીરો મૂકવાને તૈયાર છીએ." કેટલાકે એમ કહ્યું, "રાજાને મહેસૂલ ભરવા માટે અમે અમારા ખેતરો તથા દ્રાક્ષાવાડીઓ ઉપર પૈસા ઉપાડ્યા છે. હવે જોકે અમારા શરીર તથા લોહી અમારા ભાઈઓના જેવાં અને અમારા બાળકો તેઓનાં બાળકો જેવાં જ છે. તોપણ અમે અમારા દીકરાઓને તથા અમારી દીકરીઓને દાસદાસીઓ થવાને ગુલામની અવસ્થામાં લાવીએ છીએ. અમારી દીકરીઓમાંની કેટલીક તો ગુલામ થઈ ચૂકી છે. પણ અમે તદ્દન નિરુપાય છીએ, કેમ કે અમારા ખેતરો તથા દ્રાક્ષાવાડીઓના માલિક બીજા થયા છે." આ તેઓના પોકારના શબ્દો સાંભળીને હું ઘણો ક્રોધિત થયો. પછી આ વિષે મેં મનમાં વિચાર કર્યો અને અમીરોને તથા અધિકારીઓને ધમકાવ્યા. મેં તેઓને કહ્યું, "તમે બધા પોતાના ભાઈઓ પાસેથી બહુ આકરું વ્યાજ લો છો." મેં તેઓની વિરુદ્ધ એક મોટી સભા ભરી. અને તેઓને કહ્યું કે, "આપણા જે યહૂદી ભાઈઓ વિદેશીઓના ગુલામ થયા હતા, તેઓને અમે અમારી શક્તિ પ્રમાણે મૂલ્ય આપી છોડાવ્યાં; છતાં તમે પોતાના ભાઈઓને પોતે જ વેચવા માગો છો?" તેઓ છાના રહ્યા અને જવાબ આપવા તેઓને એક શબ્દ પણ બોલવાનો સૂજ્યો નહિ. વળી મેં કહ્યું કે, "તમે જે કરી રહ્યા છો તે સારું નથી. આપણા વિદેશી શત્રુઓ નિંદા કરે એવી બીક રાખીને શું તમારે આપણા ઈશ્વરનો ભય રાખીને વર્તવું ન જોઈએ? હું, મારા ભાઈઓ તથા મારા સેવકો, તેઓને પૈસા અને અનાજ ઉધાર આપતા આવ્યા છીએ. પણ હવે કૃપા કરીને આપણે વ્યાજ લેવાનું છોડી દેવું જોઈએ. કૃપા કરીને આજે જ તેઓનાં ખેતરો, દ્રાક્ષાવાડીઓ, જૈતૂનવાડીઓ, તેઓનાં ઘરો, પૈસા, અનાજ, દ્રાક્ષારસ તથા તેલ તમે તેઓની પાસેથી પડાવી લો છો તે વ્યાજ સાથે તમારે તેઓને પાછાં આપવાં." પછી તેઓએ કહ્યું, "અમે તે પાછાં આપીશું અને તેઓની પાસેથી કંઈ વ્યાજ લઈશું નહિ. તારા કહેવા મુજબ અમે કરીશું," પછી મેં યાજકોને બોલાવીને તેઓની પાસે સમ ખવડાવ્યા, કે તેઓ પોતાનું વચન પાળશે. પછી મેં તેઓને ચેતવણી આપી કે, "જે માણસ પોતાનું વચન ન પાળે તેઓનું પોતાનું ઘર, મિલકત તથા સર્વસ્વ ઈશ્વર નષ્ટ કરો. આખી સભાએ કહ્યું, "આમીન." અને તેઓએ યહોવાહની સ્તુતિ કરી. અને તે લોકોએ આપેલા વચન પ્રમાણે કર્યું.

નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે, અમારા ઈશ્વર યહોવાહની વેદી પર બાળવા માટે, અમારા પિતૃઓનાં કુટુંબો પ્રમાણે પ્રતિવર્ષ ઠરાવેલા ચોક્કસ સમયે અમારા ઈશ્વરના ભક્તિસ્થાનમાં લાકડાંઓના અર્પણો લાવવા માટે, અમે એટલે યાજકોએ, લેવીઓએ તથા લોકોએ વચનો આપ્યાં. અમે પ્રતિવર્ષ, અમારા ખેતરની પ્રથમ પેદાશ અને દરેક વૃક્ષના પ્રથમ ફળો યહોવાહનાં ભક્તિસ્થાનમાં લાવવા માટે પણ વચન આપ્યાં. નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે, અમારા પુત્રોમાંના પ્રથમજનિત, જાનવરો તથા ઘેટાંબકરાંનાં પ્રથમજનિતને અમારા યહોવાહનાં ભક્તિસ્થાનમાં યાજકો પાસે લાવવાનાં વચનો આપ્યાં. અમારા બાંધેલા લોટનો પ્રથમ હિસ્સો તથા અર્પણો, દરેક વૃક્ષનાં ફળો, દ્રાક્ષારસ અને તેલ યાજકો માટે ભક્તિસ્થાનનાં ભંડારમાં લાવીશું. વળી અમારી જમીનની ઊપજનો દસમો ભાગ અમે લેવીઓ પાસે લાવીશું. કારણ કે લેવીઓ અમારી ખેતીના સર્વ નગરોમાંથી દશાંશો લે છે. લેવીઓ દશાંશ લે, તે સમયે હારુનના પુત્ર યાજકે તે લેવીઓ સાથે રહેવું. લેવીઓએ તે દશાંશોનો દશાંશ અમારા ઈશ્વરના ભક્તિસ્થાનના ભંડારમાં લાવવો. ઇઝરાયલીઓ અને લેવીઓએ પોતે ઉઘરાવેલાં બધાં અનાજના અર્પણો, દ્રાક્ષારસ, તેલનું ઉચ્છાલીયાર્પણ ભંડારના ઓરડાઓમાં લાવવાં, કેમ કે પવિત્રસ્થાનનાં પાત્રો ત્યાં રાખવામાં આવે છે. ત્યાં સેવા કરતા યાજકો, દ્વારપાળો તથા ગાયકો રહે છે. આમ, અમે સૌ અમારા ઈશ્વરના ભક્તિસ્થાનની અવગણના નહિ કરીએ.

એલ્યાશીબે ટોબિયા માટે એક વિશાળ રૂમ તૈયાર કરી તેમાં અગાઉ ખાદ્યાર્પણો, ધૂપ, વાસણો, અનાજ, નવો દ્રાક્ષારસ અને જૈતતેલના દશાંશ રાખવામાં આવતા હતા. અને તેમાંથી નિયમ પ્રમાણે લેવીઓ, ગાનારાઓ તથા દ્વારપાળોને આપવામાં આવતું હતું. તેમ જ યાજકોનાં ઉચ્છાલીયાર્પણો પણ તેમાં રાખવામાં આવતાં હતાં.

પછી યહૂદિયાના સર્વ લોકો અન્નનો, દ્રાક્ષારસનો તથા તેલનો દસમો ભાગ ભંડારમાં લાવવા લાગ્યા.

તેની પાસે સાત હજાર ઘેટાં, ત્રણ હજાર ઊંટ, પાંચસો જોડ બળદ, પાંચસો ગધેડીઓ હતી. વળી ઘણા નોકર-ચાકર હતા. તેથી તે સમગ્ર પૂર્વના લોકમાં સૌથી મહાન પુરુષ ગણાતો હતો. તેના દીકરાઓમાંનો દરેક પોતપોતાના ઘરે મિજબાની આપતો; અને પોતાની ત્રણેય બહેનોને ખાવાપીવા માટે નિમંત્રણ આપતો.

તેણે કહ્યું કે, મારી માતાના ગર્ભસ્થાનમાંથી હું નિર્વસ્ત્ર આવ્યો હતો અને એવો જ પાછો જઈશ. યહોવાહે આપ્યું અને યહોવાહે લઈ લીધું છે; યહોવાહના નામની પ્રશંસા હો.''

તે જે ધનસંપતિ ગળી ગયો છે તે તેણે ઓકી નાખવી પડશે; ઈશ્વર તેના પેટમાંથી તેને ઓકી કઢાવશે.

કેમ કે તેણે ગરીબો પર જુલમ કર્યો છે, તથા તેઓને તરછોડ્યા છે, તેણે જે ઘર બાંધ્યું નહોતું તે તેણે જુલમથી લઈ લીધું છે.

તેઓ પોતાના દિવસો સમૃદ્ધિમાં વિતાવે છે, અને એક પળમાં તેઓ શેઓલમાં ઊતરી જાય છે.

કેમ કે તેં તારા ભાઈની થાપણ મફતમાં લીધી છે; અને તારા દેણદારોનાં વસ્ત્રો કાઢી લઈને તેઓને નિર્વસ્ત્ર કરી દીધા છે. તમે થાકેલાને પીવાને પાણી આપ્યું નથી; તમે ભૂખ્યાને રોટલી આપી નથી,

તો સર્વશક્તિમાન તારો ખજાનો થશે, અને તને મૂલ્યવાન ચાંદી પ્રાપ્ત થશે.

ખેતરની હદને ખસેડનાર લોક તો છે; તેઓ જુલમથી ટોળાને ચોરી જઈને તેમને ચરાવે છે. તેઓ અનાથોના ગધેડાઓને ચોરી જાય છે; અને વિધવાના બળદોને ગીરે મૂકવા માટે લઈ લે છે. તેઓ દરિદ્રીઓને માર્ગમાંથી કાઢી મૂકે છે. અને બધા ગરીબ લોક ભેગા થઈને છુપાઈ જાય છે. જુઓ, અરણ્યનાં જંગલી ગધેડાની જેમ, તેઓ પોતાને કામે જાય છે અને ખંતથી ખોરાકની શોધ કરે છે; અરણ્ય તેઓના સંતાનો માટે ખોરાક આપે છે. ગરીબ બીજાના ખેતરમાં મોડી રાત સુધી ખોરાક શોધે છે; અને દુષ્ટની દ્રાક્ષોનો સળો વીણે છે. તેઓ આખીરાત વસ્ત્ર વિના ઉઘાડા સૂઈ રહે છે, અને ઠંડીમાં ઓઢવાને તેમની પાસે કશું નથી. પર્વતો પર પડતાં ઝાપટાંથી તેઓ પલળે છે, અને ઓથ ન હોવાથી તેઓ ખડકને બાથ ભીડે છે. અનાથ બાળકોને માતાના ખોળામાંથી ઉપાડી લેવામાં આવે છે. તથા ગરીબોના અંગ પરનાં વસ્ત્ર ગીરે લેનારા પણ છે. તેઓને વસ્ત્ર વિના ફરવું પડે છે; તેઓ જથ્થાબંધ અનાજ દુષ્ટ લોકો માટે ઊંચકે છે, છતાં પણ તેઓ ભૂખ્યા રહે છે.

પણ ઈશ્વર તરફથી આવતી વિપત્તિ મારા માટે ભયંકર છે; કેમ કે તેમની ભવ્યતાને લીધે, હું આમાંની એકપણ બાબત કરી શકું તેમ નથી. જો મેં મારી ધનસંપત્તિ પર આશા રાખી હોય, અને જો મેં કહ્યું હોય કે, શુદ્ધ સોનું, 'તુ જ મારી એકમાત્ર આશા છે'; મારી સંપતિને લીધે જો હું અભિમાની થયો હોઉં, કારણ કે મારા હાથે ઘણી સંપત્તિ પ્રાપ્ત કરી છે;

ઈશ્વર અધિકારીઓ પર પક્ષપાત કરતા નથી અને ધનવાનોને ગરીબ લોકો કરતાં વધારે ગણતા નથી, કારણ કે તેઓ સર્વ તેમના હાથે સર્જાયેલા છે.

જ્યારે અયૂબે તેના ત્રણ મિત્રો માટે પ્રાર્થના કરી, એટલે યહોવાહે તેની પરિસ્થિતિને પુનઃસ્થાપિત કરી. અને અગાઉ તેની પાસે હતું તે કરતા બે ગણું વધારે યહોવાહે તેને આપ્યું.

સમગ્ર દેશમાં અયૂબની દીકરીઓ જેવી અન્ય કોઈ ખૂબસૂરત સ્ત્રીઓ ન હતી. અયૂબે તેઓના ભાઈઓની સાથે તેઓને વારસો આપ્યો.

તું મારી પાસે માગ, એટલે હું તને વારસા તરીકે રાષ્ટ્રો અને પૃથ્વીની ચારે દિશાનું વતન આપીશ.

કેમ કે દરિદ્રીને હંમેશા ભૂલી જવામાં આવશે નહિ, ગરીબોની આશા હંમેશ માટે નિષ્ફળ જશે નહિ.

કેમ કે દુષ્ટ લોકો પોતાના અંતઃકરણની ઇચ્છાની તૃપ્તિ થતાં અભિમાન કરે છે; લોભીઓને યહોવાહમાં વિશ્વાસ હોતો નથી અને તેઓ તેમની નિંદા કરે છે.

તે પોતાનાં નાણાં વ્યાજે આપતો નથી. જે નિરપરાધી વિરુદ્ધ લાંચ લેતો નથી. એવાં કામ કરનાર કદી ડગશે નહિ.

યહોવાહ, તમે મારા વારસાનો તથા મારા પ્યાલાનો ભાગ છો. તમે મારા હિસ્સાનો આધાર છો. મારો ભાગ આનંદદાયક સ્થળે પડ્યો છે; ચોક્કસ મને સુશોભિત વારસો મારો છે.

યહોવાહ મારા પાળક છે; તેથી મને કશી ખોટ પડશે નહિ.

યહોવાહના પસંદ કરાયેલા લોકો, તેમનો ભય રાખો; તેમનો ભય રાખનારાને કંઈ ખોટ પડતી નથી.

મારા સઘળા બળથી હું કહીશ કે, "હે યહોવાહ, તમારા જેવું કોણ છે? જે દીનને તેના કરતાં વધારે બળવાનથી બચાવે છે અને દીન તથા કંગાલને લૂંટનારાથી છોડાવે છે."

યહોવાહ પર ભરોસો રાખ અને ભલું કર; દેશમાં રહે અને વિશ્વાસુપણાની પાછળ લાગ. પછી તું યહોવાહમાં આનંદ કરીશ અને તે તારા હૃદયની ઇચ્છાઓ પૂરી પાડશે.

હું જુવાન હતો અને હવે હું વૃદ્ધ થયો છું; પણ ન્યાયીને તજેલો કે તેનાં સંતાનને ભીખ માગતાં મેં કદી જોયાં નથી. આખો દિવસ તે કરુણાથી વર્તે છે અને ઉછીનું આપે છે અને તેનાં સંતાન આશીર્વાદ પામેલા હોય છે.

ન્યાયીઓ વતનનો વારસો પામશે અને તેમાં તેઓ સદાકાળ રહેશે.

હું દીન તથા દરિદ્રી છું; પ્રભુ મારી ચિંતા કરશે. તમે મારા સહાયકારી તથા મારા છોડાવનાર છો; હે મારા ઈશ્વર, તમે વિલંબ ન કરો.

જે દરિદ્રીની ચિંતા કરે છે, તે આશીર્વાદિત છે; સંકટને સમયે યહોવાહ તેને છોડાવશે. યહોવાહ તેનું રક્ષણ કરશે અને તેને જીવંત રાખશે અને તે પૃથ્વી પર આશીર્વાદિત થશે; યહોવાહ તેને તેના શત્રુઓની ઇચ્છાને સ્વાધીન નહિ કરે.

જેઓ પોતાની સંપત્તિ પર ભરોસો રાખે છે અને પોતાના પુષ્કળ દ્રવ્યનું અભિમાન કરે છે. તેઓમાંનો કોઈ પોતાના ભાઈને કોઈ પણ રીતે બચાવી શકતો નથી અથવા તેના બદલામાં ઈશ્વરને ખંડણી આપી શકતો નથી. કેમ કે તેના પ્રાણની કિંમત મોટી છે અને એ વિચાર તેણે સદાને માટે છોડી દેવો જોઈએ.

"જુઓ, એ આ માણસ છે કે જેણે ઈશ્વરને પોતાનો આશ્રય ન કર્યો, પણ પોતાના ઘણા ધન પર ભરોસો રાખીને પોતાનાં દુષ્કર્મોને વળગી રહ્યો."

જુલમ અથવા લૂંટ પર ભરોસો કરશો નહિ; અને સમૃદ્ધિમાં નકામી આશા રાખશો નહિ, કેમ કે તેઓ ફળ આપશે નહિ; તેઓ પર મન ન લગાડો.

કારણ કે દરિદ્રી પોકાર કરે, ત્યારે તે તેને સહાય કરશે અને દુઃખી જેનો કોઈ મદદગાર નથી તેનો તે બચાવ કરશે. તે લાચાર તથા દરિદ્રીઓ ઉપર દયા બતાવશે અને દરિદ્રીઓના આત્માનો બચાવ કરશે.

ગરીબ તથા અનાથનો ન્યાય કરો; દુ:ખિત અને લાચારને ઇનસાફ આપો. ગરીબ તથા જરૂરિયાતમંદોને છોડાવો; તેઓને દુષ્ટોની પકડમાંથી મુક્ત કરો.

કારણ કે યહોવાહ ઈશ્વર આપણા સૂર્ય તથા ઢાલ છે; યહોવાહ કૃપા તથા ગૌરવ આપશે; ન્યાયથી વર્તનારને માટે તે કંઈ પણ શ્રેષ્ઠ બાબત બાકી રાખશે નહિ.

તે જ સમયે, તેમણે લાચારની પ્રાર્થના પર લક્ષ લગાડ્યું છે; તે તેઓની પ્રાર્થના નકારશે નહિ.

તેઓના ઘરમાં ધનદોલતની વૃદ્ધિ થશે; તેઓનું ન્યાયીપણું સદાકાળ ટકશે.

જે માણસ કૃપા રાખીને આપે છે, તે પોતાના કામમાં પ્રામાણિકપણે ચાલશે.

તે ગરીબને ધૂળમાંથી ઉઠાવી લે છે અને જરૂરિયાતમંદોને રાખના ઢગલામાંથી ઊંચા કરે છે. જેથી તે અમીરો સાથે એટલે પોતાના રાજકુમારો સાથે બેસનાર થાય.

તેઓની મૂર્તિઓ સોના તથા ચાંદીની જ છે, તેઓ માણસોના હાથનું કામ છે.

યહોવાહ તમારી તેમ જ તમારા વંશજોની વૃદ્ધિ કર્યા કરશે. તમે આકાશ અને પૃથ્વીના ઉત્પન્નકર્તા, યહોવાહના આશીર્વાદ પામ્યા છો.

હું યહોવાહના મારા પર થયેલા સર્વ ઉપકારોનો તેમને શો બદલો આપું?

સર્વની આંખો તમને આતુરતાથી જોઈ રહી છે; તમે તેઓને રાતના સમયે પણ અન્ન આપો છો. તમે તમારો હાથ ખોલો છો, એટલે સર્વ સજીવોની ઇચ્છા તૃપ્ત થાય છે.

ધનના પ્રત્યેક લોભીના માર્ગો આવા જ હોય છે. આવું ધન તેના માલિકોનું જ સત્યાનાશ વાળે છે.

જો તું ચાંદીની જેમ તેની શોધ કરશે અને સંતાડેલા ખજાનાની જેમ તેને શોધશે; તો તને યહોવાહના ભયની સમજણ પડશે અને તને ઈશ્વરનું ડહાપણ પ્રાપ્ત થશે.

તારા ધનથી તથા તારી પેદાશના પ્રથમ ફળથી યહોવાહનું સન્માન કર. એમ કરવાથી તારા અન્નના ભંડાર ભરપૂર થશે અને તારા દ્રાક્ષાકુંડો નવા દ્રાક્ષારસથી ઊભરાઈ જશે.

જે માણસને ડહાપણ મળે છે, અને જે માણસ બુદ્ધિ સંપાદન કરે છે, તે આશીર્વાદિત છે. કેમ કે તેનો વેપાર ચાંદીના વેપાર કરતાં અને તેનો વળતર ચોખ્ખા સોનાના વળતર કરતાં શ્રેષ્ઠ છે. ડહાપણ માણેક કરતાં વધારે મૂલ્યવાન છે અને તારી મનગમતી કોઈપણ વસ્તુ તેની બરાબરી કરી શકે તેમ નથી.

હિત કરવાની શક્તિ તારા હાથમાં હોય તો જેને માટે તે ઘટિત હોય તેનું હિત કરવામાં પાછો ન પડ. જ્યારે તારી પાસે પૈસા હોય, ત્યારે તારા પડોશીને એમ ન કહે, "જા અને ફરીથી આવજે, આવતીકાલે હું આપીશ."

મારા દીકરા, જો તું તારા પડોશીનો જામીન થયો હોય, જો તેં કોઈ પારકાને બદલે વચન આપ્યું હોય, તો તું તારા મુખના વચનોથી ફસાઈ ગયો છે, તું તારા મુખના શબ્દોને લીધે સપડાયો છે. મારા દીકરા, એ બાબતમાં તું આટલું કરીને છૂટો થઈ જજે, તારા પડોશીની આગળ નમી જઈને કાલાવાલા કરજે. તારી આંખોને નિદ્રા લેવા ન દે અને તારી પાંપણોને ઢળવા દઈશ નહિ. જેમ હરણ શિકારીના હાથમાંથી છટકી જાય; પંખી જેમ પારધી પાસેથી છૂટી જાય, તેમ તું તારી જાતને છોડાવી લેજે.

જો કોઈ માણસ ભૂખ સંતોષવા ચોરી કરે તો લોકો એવા માણસને ધિક્કારતા નથી. પણ જો તે પકડાય છે તો તેણે ચોરી કરી હોય તેના કરતાં સાતગણું પાછું આપવું પડે છે; તેણે પોતાના ઘરની સઘળી સંપત્તિ સોંપી દેવી પડે છે.

દ્રવ્ય તથા ડહાપણ મારી પાસે છે, મારી પાસે ટકાઉ સંપત્તિ અને સદાચાર છે. મારાં ફળ સોના કરતાં ચડિયાતાં છે, ચોખ્ખા સોના કરતાં અને મારી પેદાશ ઊંચી જાતની ચાંદી કરતાં શ્રેષ્ઠ છે. હું સદાચારને માર્ગે ચાલું છું, મારો માર્ગ ન્યાયનો છે, મારા પર પ્રેમ રાખનારને હું સમૃદ્ધિ આપું છું અને તેઓના ભંડારો ભરપૂર કરું છું.

દુષ્ટતાનો સંગ્રહ કંઈ ભલું કરતો નથી, પરંતુ સદાચારી જીવન વ્યક્તિને મોતથી ઉગારે છે. યહોવાહ સદાચારી માણસને ભૂખથી મૃત્યુ પામવા દેશે નહિ પણ તે દુષ્ટ માણસની ઇચ્છાઓને નિષ્ફળ કરે છે. નિરુદ્યમી હાથોથી કામ કરનાર દરિદ્રી થાય છે. પણ ઉદ્યમીઓનો હાથ તેને ધનવાન બનાવે છે. ડાહ્યો દીકરો ઉનાળામાં સંગ્રહ કરે છે પણ કાપણીના સમયે સૂઈ રહેનાર દીકરો બદનામી કરાવે છે.

દ્રવ્યવાન માણસનું ઘન તેનું કિલ્લેબંધીવાળું નગર છે; પરંતુ ગરીબી ગરીબોનો નાશ કરે છે.

સદાચારીની જીભ ચોખ્ખી ચાંદી જેવી છે; પરંતુ દુષ્ટના હૃદયનું મૂલ્ય બહું નીચું છે. નેકીવાનની વાણી ઘણાંને તૃપ્ત કરે છે, પણ મૂર્ખાઓ બુદ્ધિના અભાવે મોતને ભેટે છે. યહોવાહનો આશીર્વાદ ધનવાન બનાવે છે અને તેની સાથે કોઈ ખેદ મિશ્રિત નથી.

ખોટાં ત્રાજવાં યહોવાહને કંટાળારૂપ છે, પણ સાચા વજનથી તેમને આનંદ થાય છે.

પારકાના જામીન થનારને વેઠવું પડે છે, જે જામીનગીરી લેવાનું ટાળે છે તે સુરક્ષિત છે. સુશીલ સ્ત્રી આબરુને સાચવી રાખે છે; અને જુલમી માણસો દ્રવ્ય સાચવી રાખે છે.

એવા માણસો છે કે જેઓ વેરી નાખે છે તેમ છતાં વૃદ્ધિ પામે છે; અને કેટલાક વધુ પડતી કરકસર કરે છે તેમ છતાં તેઓ કંગાળ થાય છે. ઉદાર વ્યક્તિ આબાદ થશે, પાણી આપનાર પોતે પણ પાણી પીશે. અનાજ સંઘરી રાખનારને લોકો શાપ આપે છે, પણ વેચનાર ઉપર તેઓ આશીર્વાદ વરસાવે છે. ખંતથી હિત શોધનારને ઈશ્વરની કૃપા પ્રાપ્ત થશે, પણ જે અહિત કરે છે તેઓને નુકશાન થશે. પોતાના દ્રવ્ય પર ભરોસો રાખનાર પડી જશે, પણ નેકીવાન લીલા પાનની માફક ખીલશે.

આળસુનો જીવ ઇચ્છા કરે છે, પણ કશું પામતો નથી, પણ ઉદ્યમી વ્યક્તિ પૂર્ણ રીતે સંતુષ્ટ હોય છે.

કેટલાક કશું ન હોવા છતાં ધનવાન હોવાનો દંભ કરે છે અને કેટલાક એવા પણ છે કે જેઓ કંગાળ હોવા છતાં ધનવાન હોય છે. દ્રવ્યવાનના જીવનો બદલો તેનું દ્રવ્ય છે, પણ ગરીબ વ્યક્તિને ધમકી સાંભળવી પડતી નથી.

કુમાર્ગે મેળવેલી સંપત્તિ કદી ટકતી નથી. પણ મહેનતથી સંગ્રહ કરેલી સંપત્તિની વૃદ્ધિ થાય છે.

સારો માણસ પોતાનાં સંતાનોનાં સંતાનોને માટે વારસો મૂકી જાય છે, પણ પાપીનું ધન નેકીવાનને સારુ ભરી મૂકવામાં આવે છે.

ગરીબને પોતાના પડોશીઓ પણ ધિક્કારે છે, પરંતુ ધનવાનને ઘણા મિત્રો હોય છે. પોતાના પડોશીને તુચ્છ ગણનાર પાપ કરે છે, પણ ગરીબ પર દયા કરનાર આશીર્વાદિત છે. ભૂંડી યોજનાઓ ઘડનાર શું ભૂલ નથી કરતા? પણ સારી યોજનાઓ ઘડનારને કૃપા અને સત્ય પ્રાપ્ત થશે. જ્યાં મહેનત છે ત્યાં લાભ પણ હોય છે, પણ જ્યાં ખાલી વાતો જ થાય ત્યાં માત્ર ગરીબી જ આવે છે.

ગરીબ પર જુલમ કરનાર તેના સર્જનહારનું અપમાન કરે છે, પણ ગરીબ પર રહેમ રાખનાર તેને માન આપે છે.

નેકીવાનોના ઘરમાં ધનનો ભંડાર છે, પણ દુષ્ટની કમાણીમાં આફત હોય છે.

ઘણું ઘન હોય પણ તે સાથે મુશ્કેલીઓ હોય, તેના કરતા થોડું ધન હોય પણ તે સાથે યહોવાહનો ભય હોય તે વધારે ઉત્તમ છે. વૈરીને ત્યાં પુષ્ટ બળદના ભોજન કરતાં પ્રેમી માણસને ત્યાં સાદાં શાકભાજી ખાવાં ઉત્તમ છે.

જે લોભી છે તે પોતાના જ કુટુંબ પર આફત લાવે છે, પરંતુ જે લાંચને ધિક્કારે છે તેનું જીવન આબાદ થશે.

અન્યાયથી મળેલી ઘણી આવક કરતાં, ન્યાયથી મળેલી થોડી આવક સારી છે.

સોના કરતાં ડહાપણ મેળવવું એ કેટલું ઉત્તમ છે. ચાંદી કરતાં સમજણ મેળવવી વધારે યોગ્ય છે.

જે ઘર મિજબાનીથી ભરપૂર હોય પણ કજિયાકંકાસવાળું હોય તેના કરતાં શાંતિ સહિત રોટલીનો સૂકો ટુકડો સારો છે. ડહાપણથી વર્તનાર ચાકર બદનામી કરાવનાર દીકરા પર અધિકાર ચલાવશે અને એ ચાકરને દીકરાના ભાઈઓમાં વારસનો ભાગ મળશે. ચાંદીને ગાળવા માટે કુલડી હોય છે અને સોનાને માટે ભઠ્ઠી હોય છે. પણ અંત:કરણને પારખનાર યહોવાહ છે.

અક્કલ વગરનો માણસ જ પોતાના પડોશીનો જામીન થાય છે.

ગરીબ દયાને માટે કાલાવાલા કરે છે, પણ દ્વવ્યવાન ઉદ્ધતાઈથી જવાબ આપે છે.

ગરીબ પર દયા રાખનાર યહોવાહને ઉછીનું આપે છે અને તે તેને તેનાં સુકૃત્યોનો બદલો આપશે.

આળસુ માણસ શિયાળાનું બહાનું કાઢીને ખેડતો નથી, તેથી કાપણી વખતે પાક લેવા જાય છે, ત્યારે તેને કશું મળતું નથી.

જેઓ જુદાં જુદાં વજનિયાં અને માપિયાં રાખે છે- યહોવાહ તે બન્નેને ધિક્કારે છે.

અસત્યની રોટલી માણસને મીઠી લાગે છે પણ પાછળથી તેનું મોં કાંકરાથી ભરાઈ જાય છે.

જે વારસો જલદીથી સંપાદન કરવામાં આવે છે તેનો અંત આશીર્વાદિત થશે નહિ.

ઉદ્યોગીના વિચારોનું પુષ્કળ ફળ મળે છે, પણ દરેક ઉતાવળિયો ફક્ત નિર્ધન બને છે. જૂઠી જીભથી ઘન સંપાદન કરવું તે આમતેમ ઘસડાઈ જતા ધુમાડા જેવું છે, એવું કરનાર મોત માગે છે.

જે કોઈ ગરીબની બૂમ સાંભળીને પોતાના કાન બંધ કરે છે, તેઓ જ્યારે પોતે પોકારશે, ત્યારે તેઓનું સાંભળવામાં આવશે નહિ.

મોજશોખ ઉડાવનાર માણસ દરિદ્રી થશે; દ્રાક્ષારસ અને તેલનો રસિયો ધનવાન થશે નહિ. નેકીવાનોનો બદલો દુષ્ટ લોકોને અને પ્રામાણિકોનો બદલો કપટીને ભરવો પડશે. કજિયાખોર અને ગુસ્સાવાળી સ્ત્રીની સાથે રહેવા કરતાં ઉજ્જડ પ્રદેશમાં જઈ રહેવું સારું છે. જ્ઞાનીના ઘરમાં મૂલ્યવાન ભંડાર તથા તેલ છે, પણ મૂર્ખ તેનો દૂર ઉપયોગ કરે છે.

આળસુની ભૂખ જ તેને મારી નાખે છે, કારણ કે તેના હાથ કામ કરવાની ના પાડે છે. એવા માણસો હોય છે કે જેઓ આખો દિવસ લોભ જ કર્યા કરે છે, પણ નેક માણસ તો આપે છે અને હાથ પાછો ખેંચી રાખતો નથી.

સારું નામ એ પુષ્કળ ધન કરતાં અને પ્રેમયુક્ત રહેમનજર સોનારૂપા કરતાં ઇચ્છવાજોગ છે. દરિદ્રી અને દ્રવ્યવાન એક બાબતમાં સરખા છે કે યહોવાહે તે બન્નેના ઉત્પન્નકર્તા છે.

ધનવાન ગરીબ ઉપર સત્તા ચલાવે છે અને દેણદાર લેણદારનો ગુલામ છે. જે અન્યાય વાવશે તે વિપત્તિ લણશે અને તેના ક્રોધની સોટી વ્યર્થ જશે. ઉદાર દૃષ્ટિના માણસ પર આશીર્વાદ ઊતરશે કારણ કે તે પોતાના અન્નમાંથી દરિદ્રીને આપે છે.

પોતાની માલમિલકત વધારવાને માટે જે ગરીબને ત્રાસ આપે છે અથવા જે ધનવાનને બક્ષિશ આપે છે તે પોતે કંગાલાવસ્થામાં આવશે.

ગરીબને લૂંટીશ નહિ, કારણ કે તે ગરીબ છે, તેમ જ રસ્તાઓમાં પડી રહેલા ગરીબો પર પણ જુલમ ન કર, કારણ કે યહોવાહ તેમનો પક્ષ કરીને લડશે અને જેઓ તેઓનું છીનવી લે છે તેઓના જીવ તે છીનવી લેશે.

વચન આપનારાઓમાંનો જામીન અને દેવાને માટે જામીન આપનાર એ બેમાંથી તું એકે પણ થઈશ નહિ. જો તારી પાસે દેવું ચૂકવવા માટે કંઈ ન હોય તો તારી નીચેથી તે તારું બિછાનું શા માટે ન લઈ જાય?

ધનવાન થવા માટે તન તોડીને મહેનત ન કર; હોશિયાર થઈને પડતું મૂકજે. જે કંઈ વિસાતનું નથી તે પર તું તારી દૃષ્ટિ ચોંટાડશે અને અચાનક દ્રવ્ય આકાશમાં ઊડી જશે અને ગરુડ પક્ષીના જેવી પાંખો નિશ્ચે ધારણ કરે છે.

કારણ કે દ્રાક્ષારસ પીનારાઓ તથા ખાઉધરાઓ કંગાલવસ્થામાં આવશે અને ઊંઘ તેમને ચીંથરેહાલ કરી દેશે.

ડહાપણ વડે ઘર બંધાય છે અને બુદ્ધિથી તે સ્થિર થાય છે. ડહાપણ વડે સર્વ મૂલ્યવાન તથા સુખદાયક દ્રવ્યથી ઓરડાઓ ભરપૂર થાય છે.

હજી થોડીક નિદ્રા, થોડીક ઊંઘ લેવા દો, થોડીક વાર હાથ વાળીને સૂવા દો. એમ કરવાથી તારી દરિદ્રતા લૂંટારાની જેમ અને તારી કંગાલાવસ્થા હથિયારબંધ માણસની જેમ આવી પહોંચશે.

પ્રસંગને અનુસરીને બોલેલો શબ્દ ચાંદીની ટોપલીમાંનાં સોનાનાં ફળ જેવો છે.

જો તારો શત્રુ ભૂખ્યો હોય, તો તેને ખાવા માટે રોટલો આપ; અને જો તે તરસ્યો હોય, તો પીવા માટે પાણી આપ. કેમ કે એમ કરવાથી તું તેના માથા પર અંગારાનો ઢગલો કરશે અને યહોવાહ તને તેનો બદલો આપશે.

કેમ કે દ્રવ્ય સદા ટકતું નથી. શું મુગટ વંશપરંપરા ટકે છે?

જે માણસો પોતે ધનવાન હોવા છતાં અવળે માર્ગે ચાલે છે, તેના કરતાં પ્રામાણિકપણે ચાલનારો ગરીબ વધારે સારો છે. જે દીકરો નિયમને અનુસરે છે તે ડાહ્યો છે, પણ નકામા લોકોની સોબત રાખનાર દીકરો પોતાના પિતાના નામને બટ્ટો લગાડે છે. જે કોઈ ભારે વ્યાજ તથા નફો લઈને પોતાની સંપત્તિની વૃદ્ધિ કરે છે તે દરિદ્રી પર દયા રાખનારને માટે તેનો સંગ્રહ કરે છે.

ધનવાન પોતાને પોતાની નજરમાં ડાહ્યો માને છે, પણ શાણો ગરીબ તેની પાસેથી સત્ય સમજી લે છે.

જે માણસ પોતાની જમીન ખેડે છે, તેને પુષ્કળ અનાજ મળશે, પણ જેઓ નકામી વસ્તુઓની પાછળ દોડે છે તેઓ ખૂબ ગરીબ રહેશે. વિશ્વાસુ માણસ આશીર્વાદથી ભરપૂર થશે, પણ જે માણસ ધનવાન થવાને ઉતાવળ કરે છે તેને શિક્ષા થયા વગર રહેશે નહિ. પક્ષપાત કરવો એ યોગ્ય નથી, તેમ જ કોઈ માણસ રોટલીના ટુકડાને માટે ગુનો કરે તે પણ સારું નથી. લોભી વ્યક્તિ પૈસાદાર થવા માટે દોડે છે, પણ તેને ખબર નથી કે તેના પર દરિદ્રતા આવી પડશે. જે માણસ પ્રશંસા કરે છે તેના કરતાં જે માણસ ઠપકો આપે છે તેને વધારે પ્રશંસા પ્રાપ્ત થશે. જે પોતાના માતાપિતાને લૂંટે છે અને કહે કે, "એ પાપ નથી," તે નાશ કરનારનો સોબતી છે.

જે માણસ ગરીબને ધન આપે છે, તેના ઘરમાંથી ધન ખૂટવાનું નથી, પણ જે માણસ ગરીબો પ્રત્યે આંખ આડા કાન કરે છે તે શાપિત થશે.

નેકીવાન માણસ ગરીબોના હિતની ચિંતા રાખે છે; દુષ્ટ માણસ તે જાણવાની દરકાર પણ કરતો નથી.

ચોરનો ભાગીદાર તેનો પોતાનો જ દુશ્મન છે; તે સોગન ખાય છે, પણ કંઈ જાહેર કરતો નથી.

અસત્ય અને વ્યર્થતાને મારાથી દૂર રાખજો, મને દરિદ્રતા કે દ્રવ્ય પણ ન આપશો; મને જરૂર જેટલી રોટલી આપજો. નહિ તો કદાચ હું વધારે છલકાઈ જાઉં અને તમારો નકાર કરીને કહું કે, "ઈશ્વર તે વળી કોણ છે?" અથવા હું કદાચ ગરીબ થઈને ચોરી કરું અને મારા ઈશ્વરના નામની નિંદા કરું.

તારું મુખ ઉઘાડીને અદલ ઇનસાફ કર અને ગરીબ તથા દરિદ્રીને માન આપ. સદગુણી પત્ની કોને મળે? કેમ કે તેનું મૂલ્ય તો રત્નો કરતાં વધારે છે.

તે ગરીબોને ઉદારતાથી આપે છે; અને જરૂરિયાતમંદોને છૂટે હાથે મદદ કરે છે.

પછી મેં મારે પોતાને માટે મોટાં કામ ઉપાડયાં. મેં પોતાને માટે મહેલો બંઘાવ્યા મેં પોતાને માટે દ્રાક્ષાવાડીઓ રોપાવી. મેં પોતાને માટે બગીચા બનાવડાવ્યા; અને સર્વ પ્રકારનાં ફળઝાડ રોપ્યાં. મેં મારાં માટે જળાશયો ખોદાવ્યાં જેનાથી વનમાં ઊછરતાં વૃક્ષોને પણ પાણી સિંચી શકાય. મેં દાસદાસીઓ ખરીદ્યા. અને મારા ઘરમાં જન્મેલા ચાકરો પણ મારી પાસે હતા. જેઓ મારી અગાઉ યરુશાલેમમાં થઈ ગયા તે સર્વના કરતાં પણ મારી પાસે ગાય-બળદોનાં તથા ઘેટાં- બકરાનાં ટોળાંની સંપત્તિ વધારે હતી. મેં મારા માટે ઘણું સોનું, ચાંદી અને રાજાઓનું તથા પ્રાંતોનું ખાનગી દ્રવ્ય પણ ભેગું કર્યું. મેં પોતાને માટે ગવૈયા, ગાનારીઓ તથા જેમાં પુરુષો આનંદ માણે છે, તે એટલે અતિ ઘણી ઉપપત્નીઓ મેળવી. એમ હું પ્રતાપી થયો. અને જેઓ યરુશાલેમમાં મારી અગાઉ થઈ ગયા હતા તે સર્વ કરતાં હું વધારે સમૃદ્ધિ પામ્યો. મારું જ્ઞાન પણ મારામાં કાયમ રહ્યું. મને જે કંઈ મારી નજરમાં પ્રાપ્ત કરવા જેવું લાગ્યું તેનાથી હું પાછો પડયો નહિ. મેં મારા હ્રદયને કોઈ પણ પ્રકારના આનંદથી રોક્યું નહિ, કેમ કે મારી સર્વ મહેનતનું ફળ જોઈને મારું મન પ્રસન્નતા પામ્યું, મારા સઘળા પરિશ્રમનો એ બદલો હતાં. જયારે જે બધાં કામો મેં મારે હાથે કર્યાં હતા, તે પર અને જે મહેનત કરવાનો મેં શ્રમ ઉઠાવ્યો હતો તે પર મેં નજર કરી તો એ સઘળું વ્યર્થ તથા પવનને મૂઠ્ઠી ભરવા જેવું દેખાયું અને પૃથ્વી પર મને કઈ લાભ દેખાયો નહિ.

રૂપાનો લોભી ચાંદીથી સંતુષ્ટ થશે નહિ. સમૃદ્ધિનો લોભી સમૃદ્ધિથી સંતોષ પામશે નહિ.

જેવો તે પોતાની માતાના ગર્ભમાંથી નિવસ્ત્રસ્થિતિમાં બહાર હતો એ જ સ્થિતિમાં તે પાછો જાય છે. તે પોતાના પરિશ્રમ બદલ તેમાંથી કંઈ પણ સાથે લઈ જવા પામશે નહી.

અને જો ઈશ્વરે તેને દ્રવ્ય તથા ધન આપ્યું છે અને તેનો ઉપભોગ કરવાની, પોતાનો હિસ્સો લેવાની તથા તેને પોતાની મહેનતથી આનંદ માણવાની શક્તિ આપી છે. એવા દરેક માણસે જાણવું કે તે ઈશ્વર તરફથી મળતી ભેટ છે.

એટલે જેને ઈશ્વરે ધન-સંપત્તિ અને સન્માન આપ્યા છે કે જે કંઈ તે ઇચ્છે છે તે સર્વમાં તેના મનને કશી ખોટ પડશે નહિ. પરંતુ તેનો ઉપભોગ કરવાની શક્તિ તેને આપતા નથી. પણ બીજો કોઈ તેનો ઉપભોગ કરે છે. આ પણ વ્યર્થતા તથા ભારે દુ:ખ છે.

ઉજાણી મોજમજાને માટે ગોઠવવામાં આવે છે, અને દ્રાક્ષારસ જીવને ખુશી આપે છે. પૈસા સઘળી વસ્તુની જરૂરિયાત પૂરી પાળે છે.

સવારમાં બી વાવ; અને સાંજે તારો હાથ પાછો ખેંચી લઈશ નહિ; કારણ કે આ સફળ થશે કે, તે સફળ થશે, અથવા તે બન્ને સરખી રીતે સફળ થશે તે તું જાણતો નથી.

તેઓની ભૂમિ સોનાચાંદીથી ભરપૂર છે, તેઓના ખજાનાનો કોઈ પાર નથી; તેઓનો દેશ ઘોડાઓથી ભરપૂર છે અને તેઓના રથોનો કોઈ પાર નથી. વળી તેઓનો દેશ મૂર્તિઓથી ભરપૂર છે; તેઓ પોતાને હાથે બનાવેલી વસ્તુને, પોતાની આંગળીઓએ જે બનાવ્યું છે તેને પૂજે છે.

તેઓ ગરીબોને ઇનસાફથી વંચિત કરે છે અને તેઓ મારા લોકોમાંના દરિદ્રીઓના અધિકારો છીનવી લે છે. વિધવાઓને લૂંટે છે અને અનાથોને પોતાનો શિકાર બનાવે છે!

પણ ઉદાર વ્યક્તિ ઉદારતાની યોજના બનાવે છે; અને તેના ઉદારતા કાર્ય માં તે સ્થિર રહેશે.

હે સર્વ તૃષિત જનો, તમે પાણીની પાસે આવો! અને જેની પાસે કંઈ પણ નાણું નથી તે, તમે સર્વ આવો, ખરીદો અને ખાઓ! આવો, નાણાં વિના અને વિના મૂલ્યે દ્રાક્ષારસ અને દૂધ લઈ જાઓ. જે રોટલી નથી તેને સારુ ચાંદી શા માટે ખર્ચો છો? અને જેનાથી તૃપ્તિ થતી નથી તેને માટે મહેનત શા માટે કરો છો? કાન દઈને મારું સાંભળો અને સારો ખોરાક ખાઓ તથા ચરબીથી તમારા જીવને ખુશ કરો.

શું ભૂખ્યાઓની સાથે તારી રોટલી વહેંચવી અને દરિદ્રી તથા બેઘર લોકોને પોતાના ઘરે બોલાવવા એ ઉપવાસ નથી? જ્યારે તું કોઈને નિર્વસ્ત્ર જુએ ત્યારે તારે તેને વસ્ત્ર પહેરાવવું; અને તારા સંબંધીઓથી તારે સંતાવું નહિ.

જો તું ભૂખ્યાને ખોરાક પૂરો પાડે અને દુઃખીના જીવને તૃપ્ત કરે; તો તારો પ્રકાશ અંધકારમાંથી ઝળકી ઊઠશે અને તારો અંધકાર બપોરના જેવો થઈ જશે.

ત્યારે તું તે જોઈને પ્રકાશિત થઈશ અને તારું હૃદય આનંદિત થશે અને ઊછળશે, કારણ કે સમુદ્રનું દ્રવ્ય તારા ઉપર રેડવામાં આવશે, પ્રજાઓનું દ્રવ્ય તારી પાસે લાવવામાં આવશે. ઊંટોના કાફલા, મિદ્યાન અને એફાહમાંના ઊંટનાં બચ્ચાં તને ઢાંકી દેશે; તેઓ સર્વ શેબાથી આવશે; તેઓ સોનું તથા લોબાન લાવશે અને યહોવાહનાં સ્તોત્ર ગાશે.

હું કાંસાને બદલે સોનું તથા લોખંડને બદલે ચાંદી; લાકડાને બદલે કાંસુ તથા પથ્થરને બદલે લોખંડ લાવીશ. હું તારા અધિકારીઓ તરીકે શાંતિની તથા શાસકો તરીકે ન્યાયની નિમણૂક કરીશ.

હેં લૂંટાયેલી તું હવે શું કરીશ? તું કિરમજી વસ્ત્રો પહેરે અને સોનાનાં ઘરેણાં પહેરીને પોતાને શણગારે, અને કાજળ લગાવીને તારી આંખોને આંજે તોપણ તું પોતાને ફોગટ શોભિત કરે છે. તારા પ્રેમીઓ તારો ધિક્કાર કરે છે અને તારો વિનાશ કરવાનું ઇચ્છે છે.

હું તારું સર્વ દ્રવ્ય અને ખજાનાઓને લૂંટાવી દઈશ. તારી સર્વ સીમામાં કરેલા તારા પાપને લીધે આ તારી શિક્ષા હશે.

તમે બાબિલની નદીઓને કાંઠે વસવાટ કરો અને તેની વિપુલ સમૃદ્ધિને માણો. તારો અંત આવ્યો છે; તારી જીવનદોરી કપાઇ જશે.

તેના સર્વ લોકો નિસાસા નાખે છે, તેઓ રોટલીને માટે અહીંતહીં ભટકે છે. તેઓએ પોતાના જીવ બચાવવાને સારુ અન્ન મેળવવા માટે પોતાની કિંમતી વસ્તુઓ આપી દીધી છે. હે યહોવા, નજર કરીને જુઓ કે, મારો કેવો તિરસ્કાર થાય છે.

તેઓ પોતાનું ચાંદી શેરીઓમાં ફેંકી દેશે અને તેઓનું સોનું અશુદ્ધ વસ્તુના જેવું થઈ જશે. કેમ કે યહોવાહના કોપને દિવસે તેઓનું સોનું કે ચાંદી તેઓને બચાવી શકશે નહિ. તેઓનાં જીવનો બચશે નહિ. તેઓ પોતાનાં પેટ પણ ભરી શકશે નહિ, કેમ કે તેઓના અન્યાય તેઓને ઠોકરરૂપ થયા છે.

જો, તારી બહેન સદોમનાં પાપ આ પ્રમાણે હતાં: અભિમાન, આળસ તથા અન્નની પુષ્કળતા તથા જાહોજલાલીને લીધે તે તથા તેની દીકરીઓ અભિમાની થઈ ગઈ હતી. વળી તેઓ ગરીબોને કે દુ:ખીઓને કદી મદદ કરતી નહોતી. તે અભિમાની હતી અને મારી આગળ ધિક્કારપાત્ર કૃત્યો કરતી હતી, તેથી મને યોગ્ય લાગ્યું તે પ્રમાણે મેં તેઓને દૂર કરી.

જો તેણે કોઈના પર જુલમ કર્યો ન હોય, પણ દેણદારે ગીરો મૂકેલી વસ્તુ પાછી આપી હોય; ચોરી થઈ ગયેલું લીધું ન હોય, પણ તેને બદલે ભૂખ્યાંને અન્ન અને વસ્ત્રહીનને વસ્ત્ર આપ્યું હોય; જે વ્યાજ લેતો ન હોય, કે અતિશય નફો લેતો ન હોય, દુરાચારથી દૂર રહેતો હોય, વાદીપ્રતિવાદી વચ્ચે અદલ ન્યાય ચૂકવતો હોઈ અને માણસ- માણસ વચ્ચે વિશ્વાસુપણું સ્થાપિત હોય, જે મારા વિધિઓ પ્રમાણે ચાલતો હોય અને મારા કાયદાઓનું વિશ્વાસપૂર્વક પાલન કરતો હોય, તે માણસ ન્યાયી છે; તે જીવશે." આ પ્રભુ યહોવાહ કહે છે.

જો તે ગરીબો તથા નિરાધારો પર જુલમ ગુજારતો હોય, લૂંટ કરતો હોય, પોતાના દેણદારોની ગીરો મૂકેલી વસ્તુ પાછી ન આપતો હોય, મૂર્તિઓ તરફ પોતાની નજર કરી હોય કે ધિક્કારપાત્ર કૃત્યો કર્યા હોય, નાણાં વ્યાજે આપતો હોય અને આકરો વટાવ લેતો હોય, તો શું તે જીવશે? તે નહિ જીવે! તેણે આ બધાં ધિક્કારપાત્ર કૃત્યો કર્યાં છે. તે નિશ્ચે માર્યો જશે; તેનું લોહી તેના શિરે.

તારી મધ્યે લોકોએ લાંચ લઈને લોહી વહેવડાવ્યું છે. તેં તેઓની પાસેથી વ્યાજ તથા નફો લીધા છે, તેં જુલમ કરીને તારા પડોશીને નુકસાન કર્યું છે, મને તું ભૂલી ગયો છે." આમ પ્રભુ યહોવાહ કહે છે.

દેશના લોકોએ જુલમ ગુજાર્યો છે અને લૂંટ કરી છે, તેઓએ ગરીબો તથા જરૂરતમંદો સાથે દુર્વ્યવહાર કર્યો છે, વિદેશીઓને ન્યાયથી વંચિત રાખીને તેઓની સાથે જુલમ કર્યો છે. મેં એવો માણસ શોધ્યો છે જે આડરૂપ થઈને મારી તથા દેશની વચ્ચે બાકોરામાં ઊભો રહીને મને તેનો નાશ કરતા રોકે, પણ મને એવો એકે માણસ મળ્યો નહિ.

તેં ડહાપણથી તથા બુદ્ધિથી સમૃદ્ધિ મેળવી છે, તેં સોનાચાંદીના ભંડાર ભર્યાં છે. તારા પુષ્કળ ડહાપણથી તથા તારા વેપારથી, તેં તારી સમૃદ્ધિ વધારી છે, તારી સમૃદ્ધિને લીધે તારું મન ગર્વિષ્ઠ થયું છે. તેથી પ્રભુ યહોવાહ કહે છે: તેં તારું મન ઈશ્વરના મન જેવું કર્યું છે. તેથી હું પરદેશીઓને, નિર્દય પ્રજાઓને તારી વિરુદ્ધ લાવીશ. તેઓ તારા ડહાપણની શોભા વિરુદ્ધ તલવાર ખેંચશે, તેઓ તારા વૈભવને અપવિત્ર કરશે.

તું કહે કે, હું ખુલ્લા દેશ પર એટલે જેઓ કોટ વગરના સ્થળે રહે છે, જેમને દીવાલો કે દરવાજા નથી પણ શાંતિ તથા સલામતીમાં રહેતા લોકો પર હું ચઢાઈ કરું. કે જેથી હું તેઓને લૂંટી લઉં તથા પકડી લઉં, જે ઉજ્જડ નગરોમાં વસ્તી થયેલી છે, પ્રજાઓમાંથી ભેગા કરવામાં આવેલા લોકો જેઓને જાનવર તથા મિલકત પ્રાપ્ત કરવામાં આવેલા છે અને જેઓ પૃથ્વીના મધ્ય ભાગમાં રહે છે તેઓના વિરુદ્ધ હું મારો હાથ લાવું. શેબા, દેદાન, તાર્શીશના વેપારીઓ તથા તેઓના જુવાન યોદ્ધાઓ તને પૂછશે, 'શું તું લૂંટ ચલાવવા આવ્યો છે? શું તેં સોનું, ચાંદી, જાનવરો તથા સંપત્તિ લઈ જવાને, ભારે લૂંટ કરવાને તારું સૈન્ય એકત્ર કર્યું છે?'

બેલ્શાસ્સાર દ્રાક્ષારસ ચાખતો હતો ત્યારે, તેણે તેના પિતા નબૂખાદનેસ્સારે યરુશાલેમના સભાસ્થાનમાંથી સોના ચાંદીના જે પાત્રો લૂંટી લાવ્યા હતા તે લાવવાની આજ્ઞા કરી, જેથી તે, તેના અમીરઉમરાવો, તેની પત્નીઓ તથા ઉપપત્નીઓ તે પાત્રોથી દ્રાક્ષારસ પીવે. યરુશાલેમના ભક્તિસ્થાનમાંથી લાવવામાં આવેલાં સોનાના પાત્રો ચાકરો લાવ્યા. રાજાએ, તેના અમીરઉમરાવોએ, તેની પત્નીઓએ તથા ઉપપત્નીઓએ તેઓમાંથી પીધું. તેઓએ દ્રાક્ષારસ પીને સોનાચાંદીની, કાંસાની, લોખંડની, લાકડાની તથા પથ્થરની બનાવેલી મૂર્તિઓની પૂજા કરી.

જેમ જેમ યાજકોની સંખ્યા વધતી ગઈ, તેમ તેમ તેઓ મારી વિરુદ્ધ વધારે પાપો કરતા ગયા. હું તેઓની શોભાને શરમરૂપ કરી નાખીશ.

વેપારીઓના હાથમાં તો ખોટાં ત્રાજવાં છે, તેઓને છેતરપિંડી ગમે છે. એફ્રાઇમ કહે છે, "ખરેખર, હું તો ધનવાન થયો છું, મને સંપત્તિ મળી છે. મારાં સર્વ કાર્યમાં તેઓને કોઈ પણ અન્યાય જડશે નહિ, કે જેનાથી પાપ થાય."

"તીડો, કાતરાઓ, ઈયળો તથા જીવડાઓની મોટી ફોજ, મેં મારા તરફથી તમારામાં મોકલી હતી, તે જે વર્ષોનો પાક ખાઈ ગઈ છે તે પાક હું તમને પાછો આપીશ. તમે પુષ્કળ ભોજનથી તૃપ્ત થશો, અને તમારા ઈશ્વર યહોવાહ જે તમારી સાથે આશ્ચર્યકારક રીતે વર્ત્યા છે, તેમના નામની તમે સ્તુતિ કરશો, અને ફરી કદી મારા લોક શરમાશે નહિ.

તમે ગરીબોને પગ તળે કચડો છો. અને તેઓની પાસેથી અનાજ પડાવી લો છો, તમે ઘડેલા પથ્થરોના ઘર તો બાંધ્યાં છે, પણ તેમાં તમે રહેવા નહિ પામો. તમે રમણીય દ્રાક્ષાવાડીઓ રોપી છે, પણ તેનો દ્રાક્ષારસ તમે પીવા નહિ પામો. કેમ કે હું જાણું છું કે તમારા ગુના પુષ્કળ છે અને તમારાં પાપ ઘણાં છે, કેમ કે તમે ન્યાયીઓને દુઃખ આપો છો, તમે લાંચ લો છો, અને દરવાજામાં બેસીને ગરીબ માણસનો હક ડુબાવો છો.

જેઓ તમે ગરીબોને લૂંટો છો અને દેશના ગરીબોને કાઢી મૂકો છો તે આ સાંભળો, તેઓ કહે છે કે, ક્યારે ચંદ્રદર્શન પૂરું થાય, અને અમે અનાજ વેચીએ? અને સાબ્બાથ ક્યારે ઊતરે કે અમે ઘઉં ખુલ્લાં મૂકીએ? અને એફાહ નાનો રાખી, અને શેકેલ મોટો રાખીને, તેને ખોટાં ત્રાજવાં, અને કાટલાંથી છેતરપિંડી કરીએ, અમે ગરીબોને ચાંદી આપીને ખરીદીએ છીએ, અને ગરીબોને એક જોડ ચંપલ આપીને ખરીદીએ છીએ અને ભૂસું વેચીએ છીએ.''

તેઓ ખેતરો મેળવવાની ઇચ્છા રાખે છે તેથી તેને ઘેરી વળે છે; તેઓ ઘર મેળવવાની ઇચ્છા રાખે છે તેથી તેને લઈ લે છે. તેઓ માણસને અને તેની સંપત્તિ માટે છે, માણસો તથા તેના વારસા પર જુલમ કરે છે.

શું લોકો તેની વિરુદ્ધ દ્રષ્ટાંત આપીને તથા મહેણાં મારીને એવું નહિ કહે કે, 'જે પોતાનું નથી તેનો સંગ્રહ કરનારને અફસોસ? ક્યાં સુધી તું ગીરવે લીધેલી વસ્તુનું વજન ઊંચકાવે છે?' શું એકાએક એવા માણસો ઊભા નહિ થાય કે જેઓ તમને કરડી ખાશે? શું એવા નહિ જાગે કે જેઓ તને હેરાન કરશે?

તેમનું ધન લૂંટાઈ જશે, તેમનાં ઘરોનો નાશ થશે! તેઓ ઘરો બાંધશે પણ તેમાં રહેવા પામશે નહિ, દ્રાક્ષાવાડીઓ રોપશે પણ તેનો દ્રાક્ષારસ પીવા પામશે નહિ!

યહોવાહના કોપના દિવસે તેઓનું સોનું કે ચાંદી તેઓને ઉગારી શકશે નહિ, આખી પૃથ્વી યહોવાહના પ્રચંડ ક્રોધના અગ્નિથી ભસ્મીભૂત થઈ જશે. પૃથ્વી પરના સર્વ રહેવાસીઓનો અંતે, ઝડપી વિનાશ થશે."

સૈન્યોના યહોવાહ એવું કહે છે, ચાંદી તથા સોનું મારું છે.

મેં તેઓને કહ્યું; "જો તમને યોગ્ય લાગતું હોય તો તમે મને મારી મજૂરી આપો. પણ જો ન લાગતું હોય તો રહેવા દો." તેઓએ ચાંદીના ત્રીસ સિક્કા વેતન તરીકે આપ્યા. પછી યહોવાહે મને કહ્યું, "ખજાનામાં ચાંદીને મૂકી દે, તેઓએ તારું વિશેષ મૂલ્યાંકન કર્યું છે!" તેથી મેં ચાંદીના ત્રીસ સિક્કા લઈને યહોવાહના સભાસ્થાનના ખજાનામાં મૂકી દીધા.

શું માણસ ઈશ્વરને લૂંટે? છતાં તમે મને લૂંટો છો. પણ તમે કહો છો, અમે કેવી રીતે તમને લૂંટ્યા? દશાંશોમાં તથા ઉચ્છાલીયાર્પણોમાં. તમે શાપથી શાપિત થયા છો, કેમ કે તમારી આખી પ્રજાએ, મને લૂંટ્યો છે. દશાંશો ભર્યાપૂરા ભંડારમાં લાવો, કે જેથી મારા ઘરમાં અન્નની અછત રહે નહિ. અને તમે મારુ પારખું તો કરી જુઓ કે," "જુઓ હું તમારા માટે આકાશની બારીઓ ખોલીને સમાવેશ કરવાની જગા નહિ હોય, એટલો આશીર્વાદ તમારા પર મોકલું છું કે નહિ, એવું સૈન્યોના યહોવાહ કહે છે.

ઘરમાં જઈને તેઓએ બાળકને તેની મા મરિયમની પાસે જોયું; પગે પડીને તેનું ભજન કર્યું. પછી તેઓએ પોતાની ઝોળી ખોલીને સોનું, લોબાન તથા બોળનું તેને નજરાણું કર્યું.

"આત્મામાં જેઓ નિર્ધન છે તેઓ આશીર્વાદિત છે; કેમ કે સ્વર્ગનું રાજ્ય તેઓનું છે.

જેઓને ન્યાયીપણાની ભૂખ તથા તરસ છે તેઓ આશીર્વાદિત છે; કેમ કે તેઓ તૃપ્ત થશે.

જે તારો કોટ લેવા સારુ તારા પર દાવો કરે, તેને તારું પહેરણ પણ લેવા દે. જે કોઈ તને બળજબરીથી એક માઇલ લઈ જાય, તો તેની સાથે બે માઇલ જા. જે કોઈ તારી પાસે માગે તેને તું આપ અને તારી પાસે જે ઉછીનું લેવા ચાહે, તેનાથી મોં ન ફેરવ.

માણસો તમને જુએ તે હેતુથી તેઓની આગળ તમારાં ન્યાયી કૃત્યો કરવાથી સાવધાન રહો; નહિ તો સ્વર્ગમાંનાં તમારા પિતાથી તમને બદલો મળશે નહિ. માટે જયારે તમે દાનધર્મ કરો, ત્યારે જેમ ઢોંગીઓ સભાસ્થાનોમાં તથા રસ્તાઓમાં માણસોથી વખાણ પામવાને કરે છે, તેમ પોતાની આગળ રણશિંગડું ન વગાડો; હું તમને નિશ્ચે કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે. પણ તમે જયારે દાનધર્મ કરો, ત્યારે જે તમારો જમણો હાથ કરે તે તમારો ડાબો હાથ ન જાણે; એ માટે કે તમારા દાનધર્મ ગુપ્તમાં થાય; ગુપ્તમાં જોનાર તમારા પિતા તમને બદલો આપશે.

દિવસની અમારી રોટલી આજ અમને આપો; જેમ અમે અમારા અપરાધીને માફ કર્યા છે, તેમ તમે અમારા અપરાધ અમને માફ કરો;

પૃથ્વી પર પોતાને સારુ દ્રવ્ય એકત્ર ન કરો, ત્યાં તો કીડા તથા કાટ નાશ કરે છે અને ચોરો દીવાલ તોડીને ચોરી જાય છે. પણ તમે પોતાને સારુ સ્વર્ગમાં દ્રવ્ય એકત્ર કરો, જ્યાં કીડા અથવા કાટ નાશ નથી કરતા અને જ્યાં ચોરો દીવાલ તોડીને ચોરી જતા નથી. કેમ કે જ્યાં તમારું દ્રવ્ય છે, ત્યાં જ તમારું ચિત્ત પણ રહેશે.

કોઈ ચાકર બે માલિકોની ચાકરી કરી શકતો નથી; કેમ કે તે એકનો દ્વેષ કરશે, ને બીજા પર પ્રેમ કરશે, અથવા તે એકના પક્ષનો થશે, ને બીજાનો તિરસ્કાર કરશે. એકસાથે તમે ઈશ્વરની તથા દ્રવ્યની ચાકરી કરી શકો નહિ.

એ માટે હું તમને કહું છું કે તમારા જીવને સારુ ચિંતા ન કરો કે, અમે શું ખાઈશું અથવા શું પીશું; તેમ જ તમારા શરીરને માટે ચિંતા ન કરો કે, અમે શું પહેરીશું? શું જીવ ખોરાક કરતાં અને શરીર વસ્ત્રો કરતાં અધિક નથી? આકાશનાં પક્ષીઓને જુઓ! તેઓ તો વાવતાં નથી, કાપતાં નથી અને વખારોમાં ભરતાં નથી, તોપણ તમારા સ્વર્ગીય પિતા તેઓનું પોષણ કરે છે; તો તેઓ કરતાં તમે અધિક મૂલ્યવાન નથી શું? ચિંતા કરવાથી તમારામાંનો કોણ પોતાના જીવનકાળમાં એકાદ પળનો વધારો શકો છે? વળી વસ્ત્રો સંબંધી તમે ચિંતા કેમ કરો છો? ખેતરનાં ફૂલઝાડોનો વિચાર કરો કે, તેઓ કેવાં વધે છે; તેઓ મહેનત કરતા નથી, તેઓ કાંતતાં પણ નથી; તોપણ હું તમને કહું છું કે સુલેમાન પણ પોતાના સઘળા વૈભવમાં તેઓમાંના એકના જેવો પહેરેલો ન હતો. એ માટે ખેતરનું ઘાસ જે આજે છે અને કાલે ભઠ્ઠીમાં નંખાય છે, તેને જો ઈશ્વર એવું પહેરાવે છે, તો, ઓ અલ્પવિશ્વાસીઓ, તમને શું તેથી વિશેષ નહિ પહેરાવે? માટે 'અમે શું ખાઈશું', 'શું પીશું' અથવા 'શું પહેરીશું' એમ કહેતાં ચિંતા ન કરો. કારણ કે એ સઘળાં વાનાં અવિશ્વાસીઓ શોધે છે; કેમ કે સ્વર્ગમાંનાં તમારા પિતા જાણે છે કે એ બધાની તમને જરૂર છે. પણ તમે પ્રથમ તેમના રાજ્યને તથા તેમના ન્યાયીપણાને શોધો અને એ બધાં વાનાં પણ તમને અપાશે. તે માટે આવતી કાલને સારુ ચિંતા ન કરો, કેમ કે આવતી કાલ પોતાની વાતોની ચિંતા કરશે; દિવસને સારુ તે દિવસનું દુઃખ બસ છે.

માગો તો તમને અપાશે; શોધો, તો તમને જડશે; ખટખટાવો, તો તમારે સારુ ઉઘાડાશે. કેમ કે જે દરેક માગે છે તેઓ પામે છે; જે શોધે છે તેઓને જડે છે; અને જે કોઈ ખટખટાવે છે, તેઓને માટે દરવાજા ઉઘાડવામાં આવશે.

માટે જો તમે ખરાબ હોવા છતાં, જો પોતાના બાળકોને સારાં વાનાં આપી જાણો છો, તો તમારા સ્વર્ગમાંનાં પિતાની પાસે જેઓ માગે છે તેઓને કેટલી વિશેષે કરીને તેઓ સારાં વાનાં આપશે?

ત્યારે ઈસુએ તેને કહ્યું કે, "શિયાળોને દર હોય છે અને આકાશનાં પક્ષીઓને માળા હોય છે; પણ માણસના દીકરાને માથું મૂકવાની જગ્યા નથી."

સોનું, રૂપું કે પિત્તળ તમારા કમરબંધમાં ન રાખો. મુસાફરીને સારુ થેલો, બે અંગરખા, ચંપલ, લાકડી પણ ન લો; કેમ કે મજૂર પોતાના વેતનને યોગ્ય છે.

હું તમને નિશ્ચે કહું છું કે શિષ્યને નામે જે કોઈ આ નાનામાંના એકને માત્ર ઠંડા પાણીનું પ્યાલું પીવાને આપશે તે તેનું બદલો પામ્યા વિના રહેશે જ નહિ."

બીજાં સારી જમીન પર પડ્યાં, તેઓએ ફળ આપ્યાં; કેટલાકે સોગણાં, કેટલાકે સાંઠગણાં, અને કેટલાક ત્રીસગણાં.

કાંટાનાં જાળાંમાં જે બીજ વાવેલું તે એ છે કે, તે વચન સાંભળે છે, પણ આ ભૌતિક જગતની ચિંતા તથા દ્રવ્યની માયા વચનને દબાવી નાખે છે, અને તે નિષ્ફળ થઈ જાય છે. સારી જમીન પર જે બીજ વાવેલું તે એ છે કે, તે વચન સાંભળે છે, સમજે છે, અને તેને નિશ્ચે ફળ લાગે છે, એટલે કોઈને સોગણાં, તો કોઈને સાંઠગણાં, અને કોઈને ત્રીસગણાં લાગે છે."

વળી સ્વર્ગનું રાજ્ય ખેતરમાં સંતાડેલા દ્રવ્ય જેવું છે; કે જે એક માણસને મળ્યું, પછી તેણે તે સંતાડી રાખ્યું, તેના હર્ષને લીધે જઈને પોતાનું સર્વસ્વ વેચી નાખીને તે ખેતર વેચાતું લીધું. વળી સ્વર્ગનું રાજ્ય સારાં મોતી શોધનાર કોઈ એક વેપારીના જેવું છે; જેને અતિ મૂલ્યવાન મોતી મળ્યું, ત્યાર પછી જઈને તેણે પોતાનું સર્વસ્વ વેચી નાખીને તે ખરીદી લીધું.

કેમ કે જો માણસ આખું ભૌતિક જગત મેળવે અને પોતાનું જીવન ગુમાવે, તો તેને શો લાભ થશે? વળી માણસ પોતાના જીવનને બદલે શું આપશે?

પછી તેઓ કપરનાહૂમમાં આવ્યા ત્યારે કર લેનારાઓએ પિતરની પાસે આવીને કહ્યું કે, 'શું તમારો ઉપદેશક ભક્તિસ્થાનના કરનાં પૈસા નથી આપતો?' પિતરે કહ્યું કે, 'હા,' અને તે ઘરમાં આવ્યો ત્યારે તેના બોલવા અગાઉ ઈસુએ કહ્યું કે, 'સિમોન, તને શું લાગે છે, દુનિયાના રાજાઓ કોની પાસેથી જકાત અથવા કર લે છે? પોતાના દીકરાઓ પાસેથી કે પરદેશીઓ પાસેથી?' પિતરે ઈસુને કહ્યું કે, 'પરદેશીઓ પાસેથી. ત્યારે ઈસુએ તેને કહ્યું કે, "તો પછી દીકરાઓ તો કરમુક્ત છે." રખેને આપણે તેમને પાપમાં પાડીએ, તું સમુદ્રકિનારે જઈને ગલ નાખ; અને જે માછલી પહેલી આવે તેને પકડી લે, જયારે તું તેનું મુખ ઉઘાડશે ત્યારે તેમાંથી તને પૈસા મળશે, તે લઈને મારે અને તારે માટે તેઓને આપ.'

એ માટે સ્વર્ગના રાજ્યને એક રાજાની ઉપમા અપાય છે કે જેણે પોતાના ચાકરોની પાસે હિસાબ માગ્યો. તે હિસાબ લેવા લાગ્યો ત્યારે તેઓ દસ હજાર તાલંતના એક દેવાદારને તેમની પાસે લાવ્યા. પણ પાછું આપવાનું તેની પાસે કંઈ નહિ હોવાથી, તેના માલિકે તેને, તેની પત્ની, તેનાં બાળકોને તથા તેની પાસે જે હતું તે સઘળું વેચીને દેવું ચૂકવવાની આજ્ઞા કરી. એ માટે તે ચાકરે તેને પગે પડીને વિનંતી કરતાં કહ્યું કે, "માલિક, ધીરજ રાખો અને હું તમારું બધું દેવું ચૂકવી આપીશ." ત્યારે તે ચાકરનાં માલિકને અનુકંપા આવી તેથી તેણે તેને જવા દીધો અને તેનું દેવું માફ કર્યું. પણ તે જ ચાકરે બહાર જઈને પોતાના સાથી ચાકરોમાંના એકને જોયો કે, જે તેના સો દીનારનો દેવાદાર હતો, ત્યારે તેણે તેનું ગળું પકડીને કહ્યું કે, "તારું દેવું ચૂકવ." ત્યારે તેના સાથી ચાકરે તેને પગે પડીને વિનંતી કરતાં કહ્યું કે, "ધીરજ રાખ અને હું તારું દેવું ચૂકવી આપીશ." તેણે તેનું માન્યું નહિ, પણ જઈને દેવું ચૂકવે નહિ ત્યાં સુધી તેણે તેને જેલમાં પુરાવ્યો. ત્યારે જે થયું તે જોઈને તેના સાથી ચાકરો ઘણાં દિલગીર થયા, તેઓએ જઈને તે સઘળું પોતાના માલિકને કહી સંભળાવ્યું. ત્યારે તેના માલિકે તેને બોલાવીને કહ્યું કે, "અરે દુષ્ટ ચાકર, તેં મને વિનંતી કરી, માટે મેં તારું તે બધું દેવું માફ કર્યું. મેં તારા પર જેવી દયા કરી તેવી દયા શું તારે પણ તારા સાથી ચાકર પર કરવી ઘટિત નહોતી?" તેના માલિકે ગુસ્સે થઈને તેનું બધું દેવું ચૂકવે ત્યાં સુધી તેને પીડા આપનારાઓને સોંપ્યો. એ પ્રમાણે જો તમે પોતપોતાનાં ભાઈઓના અપરાધ તમારાં હૃદયપૂર્વક માફ નહિ કરો, તો મારા સ્વર્ગીય પિતા પણ તમને એમ જ કરશે.'

ઈસુએ તે જુવાનને કહ્યું કે, 'જો તું સંપૂર્ણ થવા ચાહે છે, તો જઈને તારું જે છે તે વેચી નાખ અને ગરીબોને આપી દે, એટલે સ્વર્ગમાં તને દ્રવ્ય મળશે; અને આવીને મારી પાછળ ચાલ.' પણ તે જુવાન એ વાત સાંભળીને દિલગીર થઈને ચાલ્યો ગયો, કેમ કે તેની મિલકત ઘણી હતી.

ત્યારે ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે, 'હું તમને નિશ્ચે કહું છું કે ધનવાનને સ્વર્ગના રાજ્યમાં પ્રવેશવું મુશ્કેલ છે. વળી હું તમને ફરી કહું છું કે 'દ્રવ્યવાનને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવા કરતાં ઊંટને સોયના નાકામાંથી પસાર થવું સહેલું છે.' ત્યારે તેમના શિષ્યો તે સાંભળીને ઘણાં અચરત થયા અને કહેવા લાગ્યા કે, 'તો કોણ ઉદ્ધાર પામી શકે?' પણ ઈસુએ તેઓની તરફ જોઈને કહ્યું કે, 'માણસોને તો એ અશક્ય છે, પણ ઈશ્વરને સર્વ શક્ય છે.'

ત્યારે પિતરે ઈસુને જવાબ આપ્યો કે, 'જો, અમે બધું મૂકીને તમારી પાછળ આવ્યા છીએ, તો અમને શું મળશે?' ઈસુએ તેઓને કહ્યું, 'હું તમને નિશ્ચે કહું છું કે, જયારે પુનઃઆગમનમાં માણસનો દીકરો પોતાના મહિમાના રાજ્યાસન પર બેસશે, ત્યારે તમે, મારી પાછળ આવનારા, ઇઝરાયલનાં બાર કુળનો ન્યાય કરતાં બાર રાજ્યાસનો પર બિરાજશો.' જે કોઈએ ઘરોને, ભાઈઓને, બહેનોને, પિતાઓને, માતાઓને, બાળકોને, કે ખેતરોને મારા નામને લીધે તજી દીધાં છે, તે સોગણાં પામશે અને અનંતજીવનનો વારસો પામશે.

કેમ કે સ્વર્ગનું રાજ્ય એક ઘરના માલિક જેવું છે, જે પોતાની દ્રાક્ષાવાડીને માટે મજૂરો નક્કી કરવાને વહેલી સવારે બહાર ગયો. તેણે મજૂરોની સાથે રોજનો એક દીનાર નક્કી કરીને પોતાની દ્રાક્ષાવાડીમાં તેઓને મોકલ્યા. તે દિવસના આશરે સવારના સમયે બહાર જઈને તેણે ચોકમાં બીજાઓને કામની શોધમાં ઊભા રહેલા જોયા. ત્યારે માલિકે તેઓને કહ્યું કે, 'તમે પણ દ્રાક્ષાવાડીમાં જાઓ અને જે કંઈ ઉચિત હશે, તે હું તમને આપીશ;' ત્યારે તેઓ ગયા. વળી તે જ દિવસે આશરે બપોરના ત્રણ વાગ્યે ફરીથી બહાર જઈને તેણે તે જ પ્રમાણે કર્યું. ત્યાર પછી આશરે પાંચેક વાગ્યે પણ તેણે બહાર જઈને બીજાઓને કામ મળવાની રાહમાં ઊભેલા જોયા; તે માલિક તેઓને કહે છે કે, 'આખો દિવસ તમે કેમ અહીં કામ વગરનાં ઊભા રહો છો?' તેઓ તેને કહે છે કે, 'કેમ કે કોઈએ અમને મજૂરીએ રાખ્યા નથી.' તે તેઓને કહે છે કે, 'તમે પણ દ્રાક્ષાવાડીમાં જાઓ. સાંજ પડી ત્યારે દ્રાક્ષાવાડીનો માલિક પોતાના કારભારીને કહે છે કે, મજૂરોને બોલાવીને છેલ્લી વ્યક્તિથી માંડીને તે પહેલી વ્યક્તિ સુધીનાઓને તેઓનું વેતન આપ. જેઓને આશરે અગિયારમાં કલાકે કામ પર રાખ્યા હતા, તેઓ જયારે આવ્યા ત્યારે તેઓને એક એક દીનાર આપવામાં આવ્યો. પછી જેઓ પહેલા આવ્યા હતા, તેઓ ધારતા હતા કે અમને વધારે મળશે; પરંતુ તેઓને પણ એક દીનાર અપાયો. ત્યારે તે લઈને તેઓએ ઘરના માલિકની વિરુદ્ધ કચકચ કરી; અને કહ્યું કે, 'આ મોડેથી આવનારાઓએ માત્ર એક જ કલાક કામ કર્યું છે અને અમે આખા દિવસનો બોજો તથા લૂ સહન કરી, તેમ છતાં તેં તેઓને અમારી બરોબર ગણ્યા છે.' પણ તેણે તેઓમાંના એકને જવાબ આપ્યો કે, મિત્ર, હું તને કશો અન્યાય નથી કરતો; શું તે મારી સાથે એક દીનાર નક્કી કર્યો નહોતો? તારું જે છે તે લઈને ચાલ્યો જા; જેટલું તને તેટલું આ છેલ્લાઓને પણ આપવાની મારી મરજી છે. જે મારું છે તે મારી મરજી પ્રમાણે વાપરવાનો શું મને હક નથી? અથવા હું સારો છું માટે તારી આંખ દુષ્ટ છે શું? એમ જેઓ છેલ્લાં તેઓ પહેલાં અને જેઓ પહેલાં તેઓ છેલ્લાં થશે.'

પછી ઈસુ ઈશ્વરના ભક્તિસ્થાનમાં ગયા, ત્યાં જેઓ વેચતા તથા ખરીદતા હતા, તે સર્વને તેમણે કાઢી મૂક્યા; અને નાણાવટીઓનાં બાજઠ, તથા કબૂતર વેચનારાઓનાં આસનો ઊંધા વાળ્યાં; ઈસુએ તેઓને કહ્યું કે, "મારું ઘર પ્રાર્થનાનું ઘર કહેવાશે, એમ લખેલું છે, પણ તમે એને લૂંટારાઓનું કોતર કર્યું છે."

માટે તમે શું ધારો છો? કાઈસારને કર આપવો ઉચિત છે કે નહિ, તે અમને કહો. પણ ઈસુએ તેઓની ચાલાકી જાણીને કહ્યું કે, ઓ ઢોંગીઓ, તમે મારું પરીક્ષા કેમ કરો છો? કરનું નાણું મને બતાવો.' ત્યારે તેઓ એક દીનાર તેમની પાસે લાવ્યા. અને ઈસુએ તેઓને કહ્યું કે, 'આ છાપ તથા લેખ કોનાં છે?' તેઓએ તેમને કહ્યું કે, 'કાઈસારનાં. ત્યારે ઈસુ તેઓને કહે છે કે, જે કાઈસારનાં તે કાઈસારને, તથા જે ઈશ્વરનાં તે ઈશ્વરને ભરી આપો.

ઓ શાસ્ત્રીઓ, ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે ફુદીનાનો, સૂવાનો તથા જીરાનો દસમો ભાગ તમે આપો છો; પણ નિયમશાસ્ત્રની અગત્યની વાતો, એટલે ન્યાય, દયા તથા વિશ્વાસ, તે તમે પડતાં મૂક્યાં છે; તમારે આ કરવાં, અને એ પડતાં મૂકવા જોઈતાં ન હતાં.

કેમ કે તેમનું આવવું એક માણસના જેવું છે, જેણે પરદેશ જતી વખતે પોતાના ચાકરોને બોલાવીને પોતાની સંપત્તિ તેઓને સોંપી. એકને તેણે પાંચ તાલંત, બીજાને બે, ત્રીજાને એક એમ દરેકને તેઓની શક્તિ પ્રમાણે આપ્યું; અને તે પરદેશ ગયો. પછી જેને પાંચ તાલંત મળ્યા હતા, તે તરત જઈને વેપાર કરીને તે વડે બીજા પાંચ તાલંત કમાયો. તેમ જ જેને બે, તે પણ બીજા બે તાલંત કમાયો. પણ જેને એક તાલંત મળ્યો હતો તેણે જઈને જમીનમાં ખોદીને પોતાના માલિકનું નાણું દાટી રાખ્યું; હવે લાંબી મુદત પછી તે ચાકરોનો માલિક આવ્યો, ત્યારે તેણે તેઓની પાસેથી હિસાબ માગ્યો. ત્યારે જેને પાંચ તાલંત મળ્યા હતા તે બીજા પાંચ તાલંત પણ લેતો આવ્યો, તેણે કહ્યું કે, 'માલિક, તમે મને પાંચ તાલંત સોંપ્યાં હતા; જુઓ, હું તે ઉપરાંત બીજા પાંચ તાલંત કમાયો છું.' ત્યારે તેના માલિકે તેને કહ્યું કે, 'શાબાશ, સારા તથા વિશ્વાસુ ચાકર, તું થોડામાં વિશ્વાસુ માલૂમ પડ્યો છે; હું તને ઘણાં પર ઠરાવીશ તારા માલિકના આનંદમાં પ્રવેશ કર.' જેને બે તાલંત મળ્યા હતા, તેણે પણ પાસે આવીને કહ્યું કે, 'માલિક, તેં મને બે તાલંત સોંપ્યાં હતા; જો, હું તે ઉપરાંત બીજા બે તાલંત કમાયો છું.' તેના માલિકે તેને કહ્યું કે, 'શાબાશ, સારા તથા વિશ્વાસુ ચાકર, તું થોડામાં વિશ્વાસુ માલૂમ પડ્યો છે; હું તને ઘણાં પર ઠરાવીશ, તારા માલિકના આનંદમાં પ્રવેશ કર.' પછી જેને એક તાલંત મળ્યો હતો, તેણે પણ પાસે આવીને કહ્યું કે, માલિક મેં જોયું કે તું એવો કઠોર માણસ છે કે, જ્યાં તેં નથી વાવ્યું ત્યાંથી તું કાપનાર અને જ્યાં તેં નથી વેર્યું ત્યાંથી તું એકઠું કરનાર છે. માટે મને બીક લાગી અને જઈને તારા તાલંતને મેં જમીનમાં દાટી રાખ્યું; જો, તને તારું તાલંત પાછું પહોંચ્યું છે. તેના માલિકે ઉત્તર દેતાં તેને કહ્યું કે, અરે દુષ્ટ તથા આળસુ ચાકર જ્યાં મેં નથી વાવ્યું ત્યાંથી હું કાપું છું અને જ્યાં મેં નથી વેર્યું ત્યાંથી હું એકઠું કરું છું, એમ તું જાણતો હતો; તો તારે મારાં નાણાં વ્યાજે આપવા જોઈતાં હતા કે હું આવું ત્યારે મને વ્યાજ સાથે પાછા મળત. એ માટે તેની પાસેથી તાલંત લઈને જેની પાસે દસ તાલંત છે તેને તે આપો. કેમ કે જેની પાસે છે તે દરેકને અપાશે અને તેની પાસે પુષ્કળ થશે; પણ જેની પાસે નથી, તેની પાસે જે છે તે પણ લઈ લેવાશે. તે નકામા ચાકરને બહારના અંધકારમાં ફેંકી દો. ત્યાં તેણે રડવાનું તથા દાંત પીસવાનું થશે.

ત્યારે રાજા પોતાની જમણી તરફનાઓને કહેશે કે, 'મારા પિતાના આશીર્વાદિતો તમે આવો, જે રાજ્ય સૃષ્ટિનો પાયો નાખ્યા અગાઉ તમારે સારુ તૈયાર કરેલું છે તેનો વારસો લો. કેમ કે હું ભૂખ્યો હતો, ત્યારે તમે મને ખવડાવ્યું; હું તરસ્યો હતો, ત્યારે તમે મને [પાણી] પાયું; હું પારકો હતો; ત્યારે તમે મને અતિથિ તરીકે રાખ્યો; હું નિર્વસ્ત્ર હતો, ત્યારે તમે મને વસ્ત્ર પહેરાવ્યાં; હું માંદો હતો ત્યારે તમે મને જોવા આવ્યા; હું જેલમાં હતો, ત્યારે તમે મારી ખબર લીધી.' ત્યારે ન્યાયીઓ તેમને ઉત્તર આપશે કે, 'પ્રભુ, ક્યારે અમે તમને ભૂખ્યા જોઈને ખવડાવ્યું, તરસ્યા જોઈને [પાણી] પાયું?' ક્યારે અમે તમને પારકા જોઈને અતિથિ રાખ્યા, નિર્વસ્ત્ર જોઈને વસ્ત્ર પહેરાવ્યાં? ક્યારે અમે તમને માંદા અથવા જેલમાં જોઈને તમારી ખબર લીધી? ત્યારે રાજા તેઓને ઉત્તર આપશે, 'હું તમને નિશ્ચે કહું છું કે, 'આ મારા ભાઈઓમાંના બહુ નાનાંઓમાંથી એકને તમે તે કર્યું એટલે તે મને કર્યું.'

પછી ડાબી તરફનાઓને પણ તે કહેશે કે, 'ઓ શાપિતો, જે અનંતઅગ્નિ શેતાન તથા તેના નર્કદૂતોને સારુ તૈયાર કરેલો છે, તેમાં તમે મારી આગળથી જાઓ. કેમ કે હું ભૂખ્યો હતો, પણ તમે મને ખવડાવ્યું નહિ, હું તરસ્યો હતો, પણ તમે મને [પાણી] પાયું નહિ; હું પારકો હતો, પણ તમે મને અતિથિ રાખ્યો નહિ; નિર્વસ્ત્ર હતો, પણ તમે મને વસ્ત્ર પહેરાવ્યાં નહિ; માંદો તથા જેલમાં હતો, પણ તમે મારી ખબર લીધી નહિ.' ત્યારે તેઓ પણ તેમને ઉત્તર આપશે કે, 'પ્રભુ, ક્યારે અમે તમને ભૂખ્યા, તરસ્યા, પારકા, નિર્વસ્ત્ર, માંદા કે જેલમાં જોઈને તમારી સેવા નથી કરી?' ત્યારે ઈસુ તેઓને ઉત્તર આપશે કે, 'હું તમને નિશ્ચે કહું છું કે, 'આ બહુ નાનાઓમાંથી એકને તમે તે કર્યું નહિ, એટલે તે મને કર્યું નહિ.'

ત્યારે અતિ મૂલ્યવાન અત્તરની સંગેમરમરની ડબ્બી લઈને એક સ્ત્રી ઈસુની પાસે આવી, તેઓ જમવા બેઠા હતા ત્યારે ઈસુના માથા ઉપર તેણે અત્તર રેડ્યું. જયારે તેમના શિષ્યોએ તે જોયું ત્યારે તેઓએ ગુસ્સે થઈને કહ્યું કે, 'એ બગાડ શા માટે?' કેમ કે એ અત્તર ઘણે મૂલ્યે વેચાત અને ગરીબોને અપાત. ત્યારે ઈસુએ તે જાણીને તેઓને કહ્યું કે, 'એ સ્ત્રીને તમે કેમ સતાવો છો? કેમ કે તેણે તો મારા પ્રત્યે ઉત્તમ કામ કર્યું છે.' કેમ કે ગરીબો સદા તમારી સાથે છે, પણ હું સદા તમારી સાથે નથી.

કહ્યું કે, 'તેને હું તમારે સ્વાધીન કરું તો તમે મને શું આપવા રાજી છો?' તેઓએ તેને ચાંદીના ત્રીસ સિક્કા ચૂકવી આપ્યા. ત્યારથી તે ઈસુને પરસ્વાધીન કરવાની તક શોધતો રહ્યો.

જયારે યહૂદાએ, જેણે તેમને પરાધીન કર્યાં હતા તેણે જોયું કે ઈસુને અપરાધી ઠરાવાયા છે, ત્યારે તેને ખેદ થયો, અને તેણે ચાંદીના ત્રીસ સિક્કા મુખ્ય યાજકોની તથા વડીલોની પાસે પાછા લાવીને; કહ્યું કે, 'નિરપરાધી લોહી પરસ્વાધીન કર્યાથી મેં પાપ કર્યું છે.' ત્યારે તેઓએ કહ્યું કે, 'તેમાં અમારે શું? તે તું જાણે.' પછી સિક્કાઓ ભક્તિસ્થાનમાં ફેંકી દઈને તે ગયો; અને જઈને ગળે ફાંસો ખાધો. મુખ્ય યાજકોએ તે રૂપિયા લઈને કહ્યું કે, એ લોહીનું મૂલ્ય છે માટે ભંડારમાં મૂકવા ઉચિત નથી. તેઓએ ચર્ચા કરીને પરદેશીઓને દફનાવવા સારું એ રૂપિયાથી કુંભારનું ખેતર વેચાતું લીધું. તે માટે આજ સુધી તે ખેતર 'લોહીનું ખેતર' કહેવાય છે. ત્યારે યર્મિયા પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થયું કે, 'જેનું મૂલ્ય ઠરાવવાંમાં આવ્યું, એટલે જેનું મૂલ્ય ઇઝરાયલપુત્રોએ ઠરાવ્યું તેના મૂલ્યના ચાંદીના ત્રીસ સિક્કા તેઓએ લીધા; જેમ પ્રભુએ મને હુકમ કર્યો, તેમ કુંભારના ખેતરને માટે આપ્યા.'

બીજાં બીજ સારી જમીનમાં પડ્યાં; અને તેઓએ ઊગીને તથા વઘીને ફળ આપ્યાં, ત્રીસગણાં તથા સાંઠગણાં તથા સોગણાં ફળ આપ્યાં.

બીજાં જેઓ કાંટાઓમાં વવાયેલાં છે તેઓ એ છે કે, જેઓએ વચન સાંભળ્યું, પણ આ ભૌતિક જગતની ચિંતાઓ, દ્રવ્યની માયા તથા બીજી વસ્તુઓનો લોભ પ્રવેશ કરીને વચનને દાબી નાખે છે; અને તે નિષ્ફળ થાય છે. જેઓ સારી જમીનમાં વવાયેલાં તેઓ એ છે કે, જેઓ વચન સાંભળે છે, અને તેને ગ્રહણ કરે છે, અને ત્રીસગણાં તથા સાંઠગણાં તથા સોગણાં ફળ આપે છે.'

પણ તેમણે ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, 'તમે તેઓને ખાવાનું આપો.' તેઓ તેને કહે છે કે, 'શું અમે જઈને બસો દીનારની રોટલીઓ લઈને તેઓને ખવડાવીએ?' પણ તે તેઓને કહે છે કે, 'તમારી પાસે કેટલી રોટલીઓ છે? તે જઈને જુઓ.' ખબર કાઢ્યાં પછી તેઓ કહે છે કે, 'પાંચ રોટલી તથા બે માછલી.' તેમણે તેઓને આજ્ઞા કરી કે, 'સઘળાં લીલા ઘાસ પર પંગતમાં બેસી જાય.' તેઓ હારબંધ સો સો તથા પચાસ પચાસની પંગતમાં બેઠા. ઈસુએ પાંચ રોટલી તથા બે માછલી લઈને સ્વર્ગ તરફ જોઈને આશીર્વાદ માગ્યો; અને રોટલીઓ ભાંગીને તેઓને પીરસવા સારુ પોતાના શિષ્યોને આપી; અને બે માછલીઓ બધાને વહેંચી આપી. બધા લોકો જમ્યાં અને તૃપ્ત થયા; અને તેઓએ રોટલીના વધેલા ટુકડાંઓની અને માછલીઓથી ભરેલી બાર ટોપલીઓ ભરી. જેઓએ રોટલીઓ ખાધી તેઓ આશરે પાંચ હજાર પુરુષ હતા.

વ્યભિચારો, લોભ, દુષ્ટતા, કપટ, કામવૃત્તિ, અદેખાઇ, નિંદા, અભિમાન, મૂર્ખાઈ. એ બધી ખરાબ બાબતો અંદરથી નીકળે છે અને તે માણસને ભ્રષ્ટ કરે છે.

કેમ કે જે કોઈ પોતાનું જીવન બચાવવા ચાહે, તે તેને ગુમાવશે; અને જે કોઈ મારે લીધે તથા સુવાર્તાને લીધે પોતાનું જીવન ગુમાવશે, તે તેને બચાવશે. કેમ કે જો માણસ આખું ભૌતિક જગત મેળવે પણ તેના જીવની હાનિ થાય, તો તેથી તેને શો લાભ થાય? વળી માણસ પોતાના જીવનને બદલે શું આપશે?

તેની તરફ જોઈને ઈસુને તેના પર પ્રેમ ઊપજયો. અને તેમણે તેને કહ્યું કે, 'તું એક વાત સંબંધી અધૂરો છે; તારું જે છે તે જઈને વેચી નાખ. ગરીબોને આપ, સ્વર્ગમાં તને ધન મળશે. અને આવ, મારી પાછળ ચાલ.' પણ તે વાતને લીધે તેનું મોં પડી ગયું અને ઉદાસ થઈને તે ચાલ્યો ગયો, કેમ કે તેની મિલકત ઘણી હતી.

ઈસુ આસપાસ જોઈને પોતાના શિષ્યોને કહે છે કે, 'જેઓની પાસે દોલત છે તેઓને ઈશ્વરના રાજ્યમાં પેસવું ઘણું અઘરું પડશે!' ઈસુની વાતોથી શિષ્યો આશ્ચર્ય પામ્યા પણ ઈસુ ફરી જવાબ આપતાં તેઓને કહે છે કે, 'બાળકો, મિલકત પર ભરોસો રાખનારાઓને ઈશ્વરના રાજ્યમાં પેસવું ઘણું અઘરું છે! ધનવાનને ઈશ્વરના રાજ્યમાં પેસવા કરતાં સોયના નાકામાં થઈને ઊંટને પસાર થવું સહેલું છે.' તેઓએ ઘણું આશ્ચર્ય પામીને અંદરોઅંદર કહ્યું, 'તો કોણ ઉદ્ધાર પામી શકે?' ઈસુ તેઓની તરફ જોઈને કહે છે કે, 'માણસોને એ અશક્ય છે, પણ ઈશ્વરને નથી, કેમ કે ઈશ્વરને સર્વ શક્ય છે.'

પિતર તેમને કહેવા લાગ્યો, 'જુઓ, અમે બધું મૂકીને તમારી પાછળ આવ્યા છીએ.' ઈસુએ કહ્યું કે, 'હું તમને નિશ્ચે કહું છું કે, જે કોઈએ મારે લીધે અને સુવાર્તાને લીધે ઘરને કે ભાઈઓને કે બહેનોને કે માને કે બાપને કે છોકરાંને કે ખેતરોને છોડ્યાં છે, તે હમણાં આ જીવનકાળમાં સોગણાં ઘરોને, ભાઈઓને, બહેનોને, માતાઓને, બાળકોને, ખેતરોને, પામશે. જોકે તેઓની સતાવણી થશે. વળી તેઓ આવતા કાળમાં અનંતજીવન પામ્યા વગર રહેશે નહિ.

તેઓ યરુશાલેમમાં આવ્યા. ત્યારે તે ભક્તિસ્થાનમાં ગયા. તેમાંથી વેચનારાઓને તથા ખરીદનારાઓને નસાડી મૂકવા લાગ્યા; તેમણે નાણાવટીઓનાં બાજઠ તથા કબૂતર વેચનારાઓનાં આસનો ઊંધા વાળ્યાં. અને કોઈને પણ ભક્તિસ્થાનમાં માલસામાન લાવવા દીધો નહિ. તેઓને બોધ કરતાં ઈસુએ કહ્યું કે, 'શું એમ લખેલું નથી કે, મારું ઘર સર્વ દેશનાઓને સારું પ્રાર્થનાનું ઘર કહેવાશે? પણ તમે તો તેને લૂંટારાઓનું કોતર કર્યું છે.'

તેઓ આવીને તેમને કહે છે કે, 'ઉપદેશક, અમે જાણીએ છીએ કે, તમે સાચા છો અને પક્ષપાત કરતા નથી, કેમ કે માણસોની શરમ તમે રાખતા નથી, પણ સત્યતાથી ઈશ્વરનો માર્ગ શીખવો છો. કાઈસાર રાજાને કર આપવો ઉચિત છે કે નહિ? આપીએ કે ન આપીએ?' પણ ઈસુએ તેઓનો ઢોંગ જાણીને તેઓને કહ્યું કે, 'તમે મારી પરીક્ષા કરો છો? એક દીનાર મારી પાસે લાવો કે હું જોઉં.' તેઓ લાવ્યા તે તેઓને કહે છે કે, દીનાર પર છાપ તથા લેખ કોનાં છે?' તેઓએ તેને કહ્યું કે, 'કાઈસારનાં.' ઈસુએ જવાબ આપતાં તેઓને કહ્યું કે, 'જે કાઈસારનાં છે કાઈસારને અને જે ઈશ્વરનાં છે તે ઈશ્વરને ભરી આપો.' અને તેઓ તેનાથી વધારે આશ્ચર્ય પામ્યા.

ઈસુએ દાનપેટીની સામે બેસીને, લોકો પેટીમાં પૈસા કેવી રીતે નાખે છે, તે જોયું અને ઘણાં શ્રીમંતો તેમાં વધારે નાખતા હતા. એક ગરીબ વિધવાએ આવીને તેમાં બે નાના સિક્કા નાખ્યા. ઈસુએ પોતાના શિષ્યોને પાસે બોલાવીને તેઓને કહ્યું કે, 'હું તમને નિશ્ચે કહું છું કે, ગરીબ વિધવાએ તે સર્વ કરતાં વધારે દાન આપ્યું છે. કેમ કે એ સહુએ પોતાની જરૂરીયાત કરતાં વધારે હતું તેમાંથી દાન પેટીમાં કંઈક આપ્યું છે, પણ તેણે પોતાની તંગીમાંથી પોતાની પાસે જે હતું તે બધું જ આપી દીધું છે.'

જયારે ઈસુ બેથાનિયામાં સિમોન કુષ્ઠ રોગીના ઘરમાં હતા અને જમવા બેઠા હતા, ત્યારે એક સ્ત્રી શુદ્ધ જટામાંસીનું અતિ મૂલ્યવાન અત્તર ભરેલી સંગેમરમરની ડબ્બી લઈને આવી; અને એ ડબ્બી ભાંગીને તેણે ઈસુના માથા પર અત્તર રેડ્યું. પણ કેટલાક પોતાના મનમાં રોષે ભરાઈને કહેવા લાગ્યા કે, 'અત્તરનો બગાડ શા માટે કર્યો? કેમ કે એ અત્તર ત્રણસો દીનાર કરતાં વધારે કિંમતે વેચી શકાત. અને એ પૈસા ગરીબોને અપાત.' તેઓએ તેની વિરુદ્ધ કચકચ કરી. પણ ઈસુએ તેઓને કહ્યું કે, 'તેને રહેવા દો; તેને કેમ સતાવો છો? તેણે મારા પ્રત્યે સારુ કામ કર્યું છે. કેમ કે ગરીબો સદા તમારી સાથે છે. જયારે તમે ચાહો ત્યારે તેઓનું ભલું કરી શકો છો; પણ હું સદા તમારી સાથે નથી.

તેઓ તે સાંભળીને ખુશ થયા; અને તેને પૈસા આપવાનું વચન આપ્યું. ત્યારથી તે ઈસુને પરસ્વાધીન કરવાની તક શોધતો રહ્યો.

તેણે તેઓને ઉત્તર આપતાં કહ્યું કે, 'જેની પાસે બે અંગરખા હોય તે જેની પાસે એક પણ નથી તેને આપે; જેની પાસે ખાવાનું હોય તે પણ એમ જ કરે.'

કર ઉઘરાવનારાઓ પણ બાપ્તિસ્મા પામવા સારુ આવ્યા, ને તેને પૂછ્યું કે, 'ઉપદેશક, અમારે શું કરવું?' તેણે તેઓને કહ્યું કે, 'જે તમારે સારુ નિયત કરાયેલો કર છે, તે કરતાં વધારે જબરદસ્તીથી ન લો.' સૈનિકોએ પણ તેને પૂછતાં કહ્યું કે, 'અમારે શું કરવું?' તેણે તેઓને કહ્યું કે, 'જબરદસ્તીથી કોઈની પાસેથી પૈસા પડાવો નહિ. અને કોઈની ઉપર જૂઠા આરોપો ન મૂકો. તમારા પગારથી સંતોષી રહો.'

ત્યાર પછી ઈસુએ પોતાના શિષ્યો તરફ જોઈને કહ્યું કે, 'ઓ નિર્ધનો, તમે આશીર્વાદિત છો કેમ કે ઈશ્વરનું રાજ્ય તમારું છે. અત્યારે ભૂખ વેઠનારાઓ, તમે આશીર્વાદિત છો કેમ કે તમે તૃપ્ત થશો. અત્યારે રડનારાઓ, તમે આશીર્વાદિત છો કેમ કે તમે હસશો.

પણ ઓ ધનવાનો તમને અફસોસ છે! કેમ કે તમે તમારો દિલાસો પામી ચૂક્યા છો! ઓ અત્યારે ધરાયેલાઓ તમને અફસોસ છે! કેમ કે તમે ભૂખ્યા થશો. ઓ હાલનાં હસનારાઓ, તમને અફસોસ છે! કેમ કે તમે શોક કરશો અને રડશો.

જે કોઈ તારા એક ગાલ પર તમાચો મારે, તેની આગળ બીજો ગાલ પણ ધર; કોઈ તારા વસ્ત્રો લઈ લે, તેનાથી તારું પહેરણ પણ પાછું રાખીશ નહિ. જો કોઈ તારી પાસે માગે તેને આપ; કોઈ તારું કશું પણ લઈ જાય તેની પાસેથી તું પાછું માગીશ નહિ.

તમારા પર જેઓ પ્રેમ રાખે છે તેઓ પર જ તમે પ્રેમ રાખો, તો તમારી મહેરબાની શાની? કેમ કે પાપીઓ પણ પોતાની ઉપર પ્રેમ રાખનારાઓ પર જ પ્રેમ રાખે છે. જે તમારું સારું કરે છે માત્ર તેઓનું જ સારું જો તમે કરો, તો તમારી મહેરબાની શાની? કેમ કે પાપીઓ પણ એમ જ કરે છે.

જેની પાસેથી તમે પાછું મેળવાની અપેક્ષા રાખો છો, તેઓને જ તમે ઉછીનું આપો, તો તમારી મહેરબાની શાની? કેમ કે પૂરેપૂરું પાછું મળવાનું હોય તો પાપીઓ પણ પાપીઓને ઉછીનું આપે છે. પણ તમે તમારા શત્રુઓ પર પ્રેમ રાખો, અને તેઓનું સારું કરો, પાછું મળવાની ઇચ્છા રાખ્યા વગર ઉછીનું આપો; અને તમને મોટો બદલો મળશે અને તમે પરાત્પરના દીકરા થશો; કેમ કે અનુપકારીઓ તથા પાપીઓ પર તેઓ માયાળુ છે.

આપો ને તમને પણ આપવામાં આવશે; સારું માપ દાબેલું ને હલાવેલું તથા ઊભરાતું તમારા ખોળામાં તેઓ [ઠાલવી] દેશે. કેમ કે જે માપથી તમે માપી આપો છો, તેથી તમને પાછું માપી અપાશે.

ઈસુએ ઉત્તર આપતાં કહ્યું કે, 'એક પુરુષ યરુશાલેમથી યરીખો જતો હતો; અને તે લૂંટારાના હાથમાં પડ્યો, તેઓ તેનાં વસ્ત્ર ઉતારી લઈને તથા તેને મારીને અધમૂઓ મૂકીને ચાલ્યા ગયા.

બીજે દિવસે તેણે બે દીનાર ઉતારાવાળાને આપ્યા, અને તેને કહ્યું કે, તેની સારવાર કરજે, એ કરતાં જે કંઈ વધારે ખર્ચ તને લાગશે તે હું પાછો આવીશ ત્યારે તને ભરપાઈ કરીશ.'

દિવસની અમારી રોટલી આજ અમને આપો;

માટે જો તમે ખરાબ હોવા છતાં તમારાં છોકરાંને સારાં વાનાં આપી જાણો છો, તો સ્વર્ગમાંના બાપની પાસે જેઓ માગે, તેઓને તે પવિત્ર આત્મા આપશે, તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે?'

જે અંદર છે તે પ્રમાણે તમારે દાન અને જુઓ, પછી તમને બધું શુદ્ધ છે. પણ તમ ફરોશીઓને અફસોસ છે! કેમ કે તમે ફુદીનાનો તથા રિયું તથા સઘળી ખાવાલાયક વનસ્પતિનો દસમો ભાગ આપો છો; પણ ન્યાય તથા ઈશ્વરનો પ્રેમ પડતાં મૂકો છો; તમારે આ કરવાં જોઈતાં હતાં અને એ પડતાં મૂકવા જોઈતાં ન હતાં.

લોકોમાંથી એક જણે તેને કહ્યું કે, 'ગુરુ, મારા ભાઈને કહે કે તે વારસાનો ભાગ મને આપે.' ઈસુએ કહ્યું કે, 'ઓ માણસ, મને તમારા પર ન્યાયાધીશ કે વહેંચી આપનાર કોણે ઠરાવ્યો?' પછી ઈસુએ તેઓને કહ્યું કે, 'સાવધાન રહો, અને બધા લોભથી પોતાને દૂર રાખો; કેમ કે કોઈનું જીવન તેની મિલકતની પુષ્કળતામાં હોતું નથી.'

ઈસુએ તેઓને એવું દ્રષ્ટાંત કહ્યું કે, એક ધનવાન માણસની જમીનમાંથી ઘણી ઊપજ થઈ; તેણે મનમાં એવો વિચાર કર્યો કે, હું શું કરું? કેમ કે મારી ઊપજ ભરી મૂકવાને મારી પાસે જગ્યા નથી. તેણે કહ્યું કે, હું આમ કરીશ; મારી વખારોને હું પાડી નાખીશ, અને તે કરતાં હું મોટી બંધાવીશ; અને ત્યાં મારું બધું અનાજ તથા મારી માલમિલકત હું ભરી મૂકીશ. હું મારા જીવને કહીશ કે, ઓ જીવ, ઘણાં વર્ષને માટે ઘણી માલમિલકત તારે સારુ રાખી મૂકેલી છે; આરામ લે, ખા, પી, આનંદ કર. પણ ઈશ્વરે તેને કહ્યું કે, ઓ મૂર્ખ, આ રાત્રે તારો જીવ તારી પાસેથી માગી લેવામાં આવે છે; ત્યારે જે વસ્તુઓ તે સિદ્ધ કરી છે તે કોની થશે? જે પોતાને સારુ દ્રવ્યો સંગ્રહ કરે છે, અને ઈશ્વર પ્રત્યે ધનવાન નથી, તે તેવો જ છે.

ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, એ માટે હું તમને કહું છું કે તમારા જીવને સારુ ચિંતા ન કરો કે અમે શું ખાઈશું, તથા તમારા શરીરને સારુ પણ ન કરો, કે અમે શું પહેરીશું. કેમ કે ખોરાક કરતા જીવ, અને વસ્ત્ર કરતા શરીર, અધિક છે. કાગડાઓનો વિચાર કરો; તેઓ તો વાવતા નથી અને કાપતા નથી; તેઓની પાસે વખાર કે કોઠાર નથી; તોપણ ઈશ્વર તેઓનું પોષણ કરે છે; પક્ષીઓ કરતા તમે કેટલા વિશેષ મૂલ્યવાન છો! ચિંતા કરવાથી તમારામાંનો કોણ પોતાના જીવનકાળને એક હાથભર વધારી શકે છે? માટે જે સૌથી નાનું કામ તે જો તમે કરી નથી શકતા, તો બીજાં વિષે તમે કેમ ચિંતા કરો છો? ફૂલઝાડોનો વિચાર કરો; તેઓ કેવાં વધે છે; તેઓ મહેનત કરતા નથી, તેઓ કાંતતાં પણ નથી; તોપણ હું તમને કહું છું કે, સુલેમાન પણ પોતાના સઘળા વૈભવમાં તેઓમાંના એકના જેવો પહેરેલો ન હતો. એ માટે ખેતરનું ઘાસ જે આજે છે અને કાલે ભઠ્ઠીમાં ફેંકાય છે, તેને જો ઈશ્વર એવું પહેરાવે છે, તો, ઓ અલ્પવિશ્વાસીઓ, તે તમને પહેરાવશે, એ કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે? અમે શું ખાઈશું કે શું પીશું, એની શોધ ન કરો, અને એમ કહેતાં ચિંતા ન કરો. કેમ કે દુનિયાના લોકો તે સઘળા વાનાં શોધે છે; પણ તમારો પિતા જાણે છે કે તે વાનાંની તમને અગત્ય છે. પરંતુ તમે ઈશ્વરનું રાજ્ય શોધો; અને એ વાનાં પણ તમને અપાશે.

તમારી પાસે જે છે તે વેચીને દાનધર્મ કરો; જીર્ણ નહિ થાય એવી થેલીઓ, એટલે સ્વર્ગમાં અખૂટ દ્રવ્ય, પોતાને સારુ મેળવો; કે જ્યાં ચોર આવતો નથી, અને કીડો ખાઈ જતો નથી.

કેમ કે જ્યાં તમારું દ્રવ્ય છે ત્યાં જ તમારું ચિત્ત પણ રહેશે.

જેણે તેમને નિમંત્ર્યા હતા તેને પણ ઈસુએ કહ્યું કે, જયારે તું દિવસનું કે રાતનું ભોજન આપે, 'ત્યારે કેવળ તારા મિત્રોને, ભાઈઓને, સગાંઓને, કે શ્રીમંત પડોશીઓને ન બોલાવ; એમ ન થાય કે કદાચ તેઓ પણ તને પાછા બોલાવે, અને તને બદલો મળે. પણ જયારે તું મિજબાની આપે ત્યારે ગરીબોને, અપંગોને, પાંગળોઓને તથા અંધજનોને તેડાવ. તેથી તું આશીર્વાદિત થઈશ; કેમ કે તને બદલો આપવાને તેઓની પાસે કંઈ નથી; પણ ન્યાયીઓના મરણોત્થાનમાં તને બદલો આપવામાં આવશે.'

તે પ્રમાણે તમારામાંનો જે કોઈ પોતાની સર્વ વસ્તુઓનો ત્યાગ કરતો નથી, તે મારો શિષ્ય થઈ શકતો નથી.

અથવા એક સ્ત્રી કે જેની પાસે ચાંદીના દસ સિક્કા હોય, અને તેઓમાંનો એક સિક્કો ખોવાય, તો તે દીવો કરીને, ઘર નહિ વાળે અને તે મળે નહિ ત્યાં સુધી તેની શોધ સારી રીતે નહિ કરે? તેને તે સિક્કો મળે છે ત્યારે તે પોતાની સખીઓને તથા પડોશીઓને બોલાવીને કહે છે કે, મારી સાથે આનંદ કરો, કેમ કે મારો સિક્કો ખોવાઈ ગયો હતો તે મને પાછો મળ્યો છે. હું તમને કહું છું કે એ જ પ્રમાણે એક પાપી પસ્તાવો કરે, તેને લઈને ઈશ્વરના સ્વર્ગદૂતોની સમક્ષ આનંદ થાય છે.'

વળી ઈસુએ કહ્યું કે, 'એક માણસને બે દીકરા હતા. તેઓમાંના નાનાએ પિતાને કહ્યું કે, પિતાજી, મિલકતનો જે મારો ભાગ આવે તે મને આપો; તેથી તેણે [પિતાએ] તેઓને (ભાઈઓને) પોતાની મિલકત વહેંચી આપી. અને થોડા દિવસો પછી નાનો દીકરો બધું ભેગું કરીને દૂર દેશમાં ચાલ્યો ગયો, અને ત્યાં મોજમજામાં પોતાની સંપત્તિ વેડફી નાખી. અને તેણે બધું ખલાસ કરી નાખ્યું, ત્યાર પછી તે દેશમાં ભારે દુકાળ પડ્યો અને તેને તંગી પડવા લાગી. તે જઈને તે દેશના વતનીઓમાંના એકને ત્યાં રહ્યો; તેણે તેને પોતાના ખેતરમાં ભૂંડો ચારવા માટે તેને મોકલ્યો. ખેતરમાં જે શિંગો ભૂંડો ખાતાં હતાં તેનાથી પોતાનું પેટ ભરવાનું તેને મન થતું હતું; કોઈ તેને કશું ખાવાનું આપતું નહિ. એવામાં તે ભાનમાં આવ્યો અને તેને થયું કે, મારા પિતાના કેટલા બધા મજૂરોને પુષ્કળ રોટલી મળે છે ને હું તો અહીં ભૂખે મરું છું! હું ઊઠીને મારા પિતાની પાસે જઈશ, અને તેમને કહીશ કે, પિતાજી, મેં સ્વર્ગ વિરુદ્ધ તથા તમારી આગળ પાપ કર્યું છે; હું તમારો દીકરો કહેવાને યોગ્ય નથી; તારા મજૂરોમાંના એકના જેવો મને રાખ. પછી તે ઊઠીને પોતાના પિતાની પાસે ગયો, અને તે હજી ઘણો દૂર હતો એટલામાં તેના પિતાએ તેને જોયો, તેમને અનુકંપા આવી, અને તેના પિતા દોડીને તેને ભેટ્યા તથા તેના પર વાત્સલ્ય વરસાવ્યું. દીકરાએ તેમને કહ્યું કે, પિતાજી, મેં સ્વર્ગ વિરુદ્ધ તથા તમારી આગળ પાપ કર્યું છે, હવે હું તમારો દીકરો કહેવાને યોગ્ય નથી. પણ પિતાએ પોતાના નોકરોને કહ્યું કે, સારાંમાં સારો ઝભ્ભો જલદી લાવીને એને પહેરાવો; એને હાથે રત્નજડિત વીંટી અને પગમાં બૂટ પહેરાવો; ઉત્તમ ભોજનની વ્યવસ્થા કરો. આવો આપણે મિજબાની કરીએ અને આનંદ મનાવીએ. કેમ કે આ મારો દીકરો મૃત્યુ પામ્યો હતો, તે પાછો સજીવન થયો છે; તે ખોવાયેલો હતો, તે પાછો મળ્યો છે અને તેઓ આનંદ કરવા લાગ્યા.

પછી ઈસુએ શિષ્યોને પણ કહ્યું કે, 'એક શ્રીમંત માણસ હતો, તેણે એક કારભારી રાખ્યો; અને શ્રીમંતની આગળ કારભારી પર એવો આરોપ મૂકવામાં આવ્યો કે, તે તમારી મિલકત ઉડાવી દે છે. અને તેણે તેને બોલાવીને કહ્યું કે, આ જે તારે વિષે હું સાંભળું છું તે શું છે? તારા વહીવટનો હિસાબ આપ; કેમ કે હવેથી તું કારભારી રહી શકશે નહિ. કારભારીએ પોતાના મનમાં કહ્યું કે, હું શું કરું? કેમ કે મારો માલિક મારી પાસેથી કારભાર લઈ લે છે. મારામાં મજૂરી કરવાની શકતી નથી; ભીખ માગતાં મને શરમ લાગે છે. તે મને કારભારમાંથી કાઢી મૂકે ત્યારે લોકો મારા સાથમાં રહે તે માટે શું કરવું તેની મને સૂઝ પડે છે. તેણે પોતાના માલિકના દરેક કરજદારને બોલાવ્યા. તેમના પહેલાને કહ્યું કે, મારા માલિકનું તારે કેટલું દેવું છે? અને તેણે કહ્યું કે, સો માપ તેલ. અને તેણે તેને કહ્યું કે, તારું ખાતું લે, અને જલદી બેસીને પચાસ લખ. પછી તેણે બીજાને કહ્યું કે, તારે કેટલું દેવું છે? અને તેણે કહ્યું કે, સો માપ ઘઉં, તેણે તેને કહ્યું કે, તારું ખાતું લે, અને એંસી લખ. તેના માલિકે અન્યાયી કારભારીનાં વખાણ કર્યાં, કારણ કે તે હોશિયારીથી વર્ત્યો હતો; કેમ કે આ જગતના દીકરા પોતાની પેઢી વિષે અજવાળાનાં દીકરા કરતાં વધારે હોશિયાર હોય છે. અને હું તમને કહું છું કે, અન્યાયીપણાના દ્રવ્ય વડે પોતાને સારુ મિત્રો કરો, કે જયારે તે થઈ રહે, ત્યારે તેઓ અનંતકાળના રહેઠાણોમાં તમારો અંગીકાર કરે.

જે બહુ થોડામાં વિશ્વાસુ છે તે ઘણાંમાં પણ વિશ્વાસુ છે; અને જે બહુ થોડામાં અન્યાયી છે તે ઘણાંમાં પણ અન્યાયી છે. માટે જો અન્યાયી દ્રવ્યમાં તમે વિશ્વાસુ ન થયા હો, તો ખરું [દ્રવ્ય] તમને કોણ સોંપશે? જો તમે પરાયામાં વિશ્વાસુ ન થયા હો, તો જે તમારું પોતાનું તે કોણ તમને સોંપશે?

કોઈ ચાકર બે માલિકોની ચાકરી કરી શકતો નથી; કેમ કે તે એકનો દ્વેષ કરશે, ને બીજા પર પ્રેમ કરશે, અથવા તે એકના પક્ષનો થશે, ને બીજાનો તિરસ્કાર કરશે. એકસાથે તમે ઈશ્વરની તથા દ્રવ્યની ચાકરી કરી શકો નહિ. અને ફરોશીઓ જેઓ દ્રવ્યના લોભી હતા તેઓએ તે સઘળી વાતો સાંભળીને તેમની [ઈસુની] મશ્કરી કરી.

એક શ્રીમંત માણસ હતો, તે કિરમજી રંગના પાતળા વસ્ત્ર પહેરતો હતો, અને નિત્ય મોજમઝામાં રહેતો હતો. લાજરસ નામે એક ભિખારી જેને આખા શરીરે ફોલ્લા હતા, તે તેના દરવાજા આગળ પડી રહેતો હતો. શ્રીમંતની મેજ પરથી પડેલા ભોંયમાંના કકડા વડે તે પેટ ભરવા ચાહતો હતો; વળી કૂતરા પણ આવીને તેના ફોલ્લા ચાટતા હતા. પછી એમ થયું કે તે ભિખારી મરણ પામ્યો, સ્વર્ગદૂતો તેને ઇબ્રાહિમની ગોદમાં લઈ ગયા; અને શ્રીમંત માણસ પણ મરણ પામ્યો અને તેને દફનાવવામાં આવ્યો. હાદેસમાં પીડા ભોગવતાં તેણે પોતાની આંખો ઊંચી કરીને દૂરથી ઇબ્રાહિમને તથા તેના ખોળામાં લાજરસને જોયા. તેણે બૂમ પાડીને કહ્યું કે, પિતા ઇબ્રાહિમ, મારા પર દયા કરીને લાજરસને મોકલ, કે તે પોતાની આંગળી પાણીમાં બોળીને મારી જીભને ઠંડી કરે, કેમ કે આ આગમાં હું વેદના પામું છું. પણ ઇબ્રાહિમે તેને કહ્યું, દીકરા, યાદ કર કે તારા જીવનમાં તું સારી સામગ્રી પામ્યો, અને લાજરસ તો તેવું પામ્યો ન હતો; પણ હમણાં અહીં તે દિલાસો પામે છે, અને તું વેદના પામે છે. વળી તે સર્વ ઉપરાંત અમારી તથા તમારી વચ્ચે મોટી ખાઈ આવેલી છે, એ માટે કે જેઓ અહીંથી તમારી પાસે આવવા ચાહે, તેઓ ત્યાં આવી ન શકે, અને ત્યાંથી કોઈ અમારી પાસે આ બાજુ પણ આવી શકે નહિ. તેણે કહ્યું કે, પિતા, એ માટે હું તમને વિનંતી કરું છું કે, [લાજરસને] મારા પિતાને ઘરે મોકલો, કેમ કે મારા પાંચ ભાઈઓ છે. લાજરસ તેઓને સાક્ષી આપે, એમ ન થાય કે તેઓ પર પણ આ પીડા આવી પડે. પણ ઇબ્રાહિમે કહ્યું, તેઓની પાસે મૂસા (નું નિયમશાસ્ત્ર) તથા પ્રબોધકો છે; તેઓનું તેઓ સાંભળે. અને તેણે કહ્યું કે, પિતા ઇબ્રાહિમ, એમ નહિ, પણ જો કોઈ મૃત્યુમાંથી [સજીવન પામીને] તેઓની પાસે જાય, તો તેઓ પસ્તાવો કરે. અને તેણે [ઇબ્રાહિમે] તેને કહ્યું કે, જો તેઓ મૂસા (નું નિયમશાસ્ત્ર) તથા પ્રબોધકોનું નહિ સાંભળે, તો પછી મૃત્યુ પામેલાઓમાંથી કોઈ ઊઠીને જાય, તોપણ તેઓ માનવાના નથી.'

કેમ કે જે કોઈ પોતાનું જીવન બચાવવા ચાહે છે, તે તેને ગુમાવશે; પણ જે કોઈ તેને ગુમાવશે, તે તેને બચાવશે.

અઠવાડિયામાં બે વાર હું ઉપવાસ કરું છું અને મારી બધી આવકનો દસમો ભાગ આપું છું.'

ઈસુએ તે સાંભળીને તેને કહ્યું કે, 'તું હજી એક વાત સંબંધી અધૂરો છે; તારું જે છે તે બધું વેચી નાખ, અને તે ગરીબોને આપી દે, એટલે સ્વર્ગમાં તને દ્રવ્ય મળશે; પછી આવીને મારી પાછળ ચાલ.' પણ એ સાંભળીને તે અતિ ઉદાસ થયો, કેમ કે તેની મિલકત ઘણી હતી.

ઈસુએ તેને જોઈને કહ્યું કે, 'જેઓ ધનવાન છે, તેઓને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવું એ ખૂબ અઘરું છે! કેમ કે શ્રીમંતને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવા કરતાં ઊંટને સોયના નાકામાંથી પસાર થવું સહેલું છે.' તે વચન સાંભળનારાઓએ કહ્યું કે, 'તો કોણ ઉદ્ધાર પામી શકે?' પણ ઈસુએ કહ્યું કે, 'માણસોને જે અશક્ય છે તે ઈશ્વરને શક્ય છે.'

પિતરે કહ્યું કે, 'જુઓ, અમે પોતાનું બધું મૂકીને તમારી પાછળ આવ્યા છીએ.' ઈસુએ તેઓને કહ્યું કે, હું તમને નિશ્ચે કહું છું કે, 'જે કોઈએ ઘરને, પત્નીને, ભાઈઓને, માબાપને કે સંતાનોને ઈશ્વરના રાજ્યને લીધે ત્યાગ્યા હશે, તેને આ જીવનકાળમાં અનેકગણું તથા આવનાર જમાનામાં અનંતજીવન પ્રાપ્ત થશે જ.'

જાખ્ખીએ ઊભા રહીને પ્રભુને કહ્યું કે, 'પ્રભુ, હું મારી સંપત્તિનો અડધો ભાગ ગરીબોને આપું છું; અને જો અન્યાયથી મેં કોઈનાં નાણાં પડાવી લીધા હોય તો હું ચારગણાં પાછા આપીશ,'

માટે ઈસુએ કહ્યું કે, 'એક કુળવાન માણસ પોતાને માટે રાજ્ય મેળવીને પાછા આવવાના ઇરાદાથી દૂર દેશ ગયો. તે અગાઉ તેણે પોતાના દસ ચાકરોને બોલાવીને તેઓને દરેકને એક એમ કુલ દસ મહોર આપીને તેઓને કહ્યું કે, હું આવું ત્યાં લગી તમે તેનો વહીવટ કરો. પણ તેના શહેરના માણસો તેના પર દ્વેષ રાખતા હતા, અને તેની પાછળ એલચીઓને મોકલીને કહેવડાવ્યું કે, 'એ માણસ અમારા પર રાજ્ય કરે એવું અમે ઇચ્છતા નથી.' એમ થયું કે તે રાજ્ય મેળવીને પાછો આવ્યો, ત્યારે જે નોકરોને તેણે નાણું આપ્યું હતું, તેઓને પોતાની પાસે બોલાવવાનું કહ્યું, એ માટે કે તેઓ શું શું કમાયા, તે એ જાણે. ત્યારે પહેલાએ તેની પાસે આવીને કહ્યું કે, 'માલિક, તમારી એક મહોરે બીજી દસ મહોર પેદા કરી છે. તેણે તેને કહ્યું કે, 'શાબાશ, સારા તથા વિશ્વાસુ ચાકર, તું થોડામાં વિશ્વાસુ માલૂમ પડ્યો છે, માટે દસ શહેરોનો અધિકારી થા.' બીજાએ આવીને કહ્યું કે, 'શેઠ, તમારી એક મહોરે પાંચ મહોર પેદા કરી છે.' તેણે તેને પણ કહ્યું કે, 'તું પણ પાંચ શહેરનો ઉપરી થા.' બીજા નોકરે આવીને કહ્યું કે, 'માલિક, જુઓ, તમારી મહોર આ રહી, મેં રૂમાલમાં બાંધીને તેને સાચવી રાખી હતી, કારણ કે તમારી મને બીક લાગતી હતી, કેમ કે તમે કડક માણસ છો; તમે જે મૂક્યું ન હોય તે ઉઠાવો છો, અને જે વાવ્યું ન હોય તે તમે કાપો છો.' કુલવાન માણસે તેને કહ્યું, 'ઓ દુષ્ટ નોકર, તારા પોતાના મુખથી હું તારો ન્યાય કરીશ; હું કડક માણસ છું, જે મૂક્યું ન હોય, તે હું ઉઠાવું છું, અને જે વાવ્યું ન હોય તે કાપું છું, એમ તું જાણતો હતો; માટે તેં શાહુકારને ત્યાં મારું નાણું કેમ નહોતું આપ્યું, કે હું આવીને વ્યાજ સહિત તે મેળવી શકત. પછી જેઓ પાસે ઊભા હતા તેઓને તેણે કહ્યું કે, તેની પાસેથી તે મહોર લઈ લો, અને જેની પાસે દસ મહોર છે તેને આપો.' તેઓએ તેને કહ્યું કે, 'માલિક, તેની પાસે તો દસ મહોર છે!' હું તમને કહું છું કે, જે કોઈની પાસે છે, તેને અપાશે, અને જેની પાસે નથી તેનું જે છે તે પણ તેની પાસેથી લઈ લેવાશે.

ઈસુ ભક્તિસ્થાનમાં ગયા અને ત્યાંનાં દુકાનદારોને અંદરથી કાઢી મૂક્યાં.' તેણે તેઓને કહ્યું કે, એમ લખ્યું છે કે, 'મારું ઘર પ્રાર્થનાનું ઘર થશે, પણ તમે તેને લૂંટારાઓનું કોતર કર્યું છે.'

તો આપણે કાઈસારને કર આપવો ઉચિત છે કે નહિ?' પણ તેઓનું કપટ જાણીને ઈસુએ તેઓને કહ્યું કે, 'મને એક દીનાર સિક્કો દેખાડો; એના પર કોની છાપ તથા કોનો લેખ છે?' અને તેઓએ કહ્યું કે, 'કાઈસારનાં.' ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, 'તો જે કાઈસારનું છે તે કાઈસારને અને જે ઈશ્વરનું છે તે ઈશ્વરને ચૂકવી આપો.'

ઈસુ ભક્તિસ્થાનમાં ઊંચું જોતાં હતા. ત્યાં તેમણે શ્રીમંતોને ધર્મ ભંડારમાં પોતાનાં દાન નાખતા જોયા. એક દરિદ્રી વિધવાને તેમાં નજીવા મૂલવાળા બે નાના સિક્કા નાખતા જોઈ, ત્યારે ઈસુએ કહ્યું કે, 'હું તમને સાચું કહું છું કે, આ ગરીબ વિધવાએ તે સર્વ કરતાં વધારે દાન આપ્યું છે. કેમ કે એ સહુએ પોતાની જરૂરીયાત કરતાં વધારે હતું તેમાંથી દાન પેટીમાં કંઈક આપ્યું છે, પણ તેણે પોતાની તંગીમાંથી પોતાની પાસે જે હતું તે બધું જ આપી દીધું છે.'

ત્યાં ભક્તિસ્થાનમાં તેમણે બળદ, ઘેટાં, કબૂતર વેચનારાઓને તથા નાણાવટીઓને બેઠેલા જોયા. ત્યારે ઈસુએ દોરીઓનો કોરડો બનાવીને તે સર્વને, ઘેટાં, બળદ સહિત, ભક્તિસ્થાનમાંથી કાઢી મૂક્યાં; નાણાવટીઓનાં નાણાં વેરી નાખ્યાં અને આસનો ઊંધા વાળ્યાં; કબૂતર વેચનારાઓને પણ તેમણે કહ્યું કે, 'આ બધું અહીંથી લઈ જાઓ; મારા પિતાના ઘરને વેપારનું ઘર ન બનાવો.' તેમના શિષ્યોને યાદ આવ્યું કે એમ લખેલું છે કે, 'તારા ઘરનો ઉત્સાહ મને કોરી ખાય છે.'

જે ખોરાક નાશવંત છે તેને માટે નહિ, પણ જે ખોરાક અનંતજીવન સુધી ટકે છે, જે માણસનો દીકરો તમને આપશે, તેને માટે મહેનત કરો; કેમ કે ઈશ્વરપિતાએ તેના પર મહોર કરી છે.'

ઈસુએ તેઓને કહ્યું, 'જીવનની રોટલી હું છું; જે મારી પાસે આવે છે તેને ભૂખ નહિ જ લાગશે અને જે મારા પર વિશ્વાસ કરે છે, તેને કદી તરસ નહિ જ લાગશે.

ચોરી કરવા, મારી નાખવા તથા નાશ કરવા સિવાય બીજાકોઈ મતલબથી ચોર આવતો નથી. પણ હું તો તેઓને જીવન મળે અને તે પુષ્કળ મળે, માટે હું આવ્યો છું. ઉત્તમ ઘેટાંપાળક હું છું; ઉત્તમ ઘેટાંપાળક ઘેટાંને સારુ પોતાનો જીવ આપે છે.

તેમના શિષ્યોમાંનો એક, યહૂદા ઇશ્કારિયોત, જે તેમને પરસ્વાધીન કરનાર હતો, તેણે કહ્યું કે, 'એ અત્તર ત્રણસો દીનારે-ઇઝરાયલનું નાણું વેચીને ગરીબોને શા માટે આપવામાં આવ્યા નહિ?' હવે આ જે તેણે કહ્યું તેનું કારણ એ નહોતું કે તેને ગરીબોને માટે લાગણી હતી; પણ તે ચોર હતો અને થેલી રાખતો હતો. તેમાં જે નાખવામાં આવતું તે તે ચોરી લેતો હતો તે માટે કહ્યું. ત્યારે ઈસુએ કહ્યું કે, 'મારા દફનાવવાનાં દિવસને માટે મરિયમને એવું કરવા દે. કેમ કે ગરીબો હંમેશા તમારી સાથે છે; પણ હું સદા તમારી સાથે નથી.'

તે દિવસે તમે મને કંઈ પૂછશો નહિ. હું તમને ખરેખર કહું છું કે, જેથી તમે મારે નામે પિતાની પાસે જે કંઈ માગો તે તમને તે આપે. હજી સુધી તમે મારે નામે કંઈ માગ્યું નથી; માગો અને તમને મળશે, એ માટે તમારો આનંદ સંપૂર્ણ થાય.

તમામ વિશ્વાસીઓ એકઠા રહેતા હતા અને તેઓની બધી મિલકત સહિયારી હતી. તેઓ પોતાની મિલકત તથા સરસામાન વેચી નાખતા, અને દરેકની અગત્ય પ્રમાણે સર્વને વહેંચી આપતા. તેઓ નિત્ય ભક્તિસ્થાનમાં એક ચિત્તે હાજર રહેતા તથા ઘરેઘરે રોટલી ભાંગીને ઉમંગથી તથા નિખાલસ મનથી ભોજન કરતા હતા.

પણ પિતરે કહ્યું કે, સોનુંરૂપું તો મારી પાસે નથી; પણ મારી પાસે જે છે તે હું તને આપું છું. નાસરેથના ઈસુ ખ્રિસ્તનાં નામે ચાલતો થા.

વિશ્વાસ કરનારાઓનો સમુદાય એક મનનો તથા એક જીવનો હતો અને પોતાની જે વસ્તુઓ હતી તેમાંની કોઈ પોતાની માલિકીની છે એવું કોઈ કહેતું નહિ; પણ તમામ વસ્તુઓ સહિયારી હતી. પ્રેરિતોએ મહા પરાક્રમથી પ્રભુ ઈસુના મરણોત્થાનની સાક્ષી પૂરી; અને તેઓ સર્વના ઉપર ઘણી કૃપા હતી. તેઓમાંના કોઈને કશાની અછત નહોતી; કારણ કે જેટલાંની પાસે જમીન કે ઘર હતાં તેટલાંએ તે વેચી નાખ્યાં, વેચેલી વસ્તુઓનું મૂલ્ય લાવીને તેઓ પ્રેરિતોના પગ આગળ મૂકતા; અને જેની જેને અગત્ય હતી તે પ્રમાણે તેમને વહેંચી આપવામાં આવતું હતું.

યૂસફ કરીને એક લેવી હતો, તે સાયપ્રસનો વતની હતો, તેની અટક પ્રેરિતોએ બાર્નાબાસ (એટલે સુબોધનો દીકરો) રાખી હતી. તેની પાસે જમીન હતી, તે તેણે વેચી દીધી, અને તેનાં નાણાં લાવીને પ્રેરિતોના પગ આગળ મૂક્યાં.

પણ અનાન્યા નામે એક માણસે તથા તેની પત્ની સાફીરાએ પોતાની મિલકત વેચી. સાફીરાની સંમતિથી અનાન્યાએ તેના મૂલ્યમાંથી થોડું પોતાની પાસે પણ રાખ્યું; અને કેટલોક ભાગ લાવીને પ્રેરિતોના પગ આગળ મૂક્યો. પણ પિતરે કહ્યું કે, 'ઓ અનાન્યા, પવિત્ર આત્માને જૂઠું કહેવાનું, તથા જમીનનાં મૂલ્યમાંથી થોડું પોતાની પાસે રાખવાનું શેતાને તારા મનમાં કેમ ભર્યું છે? તે [જમીન] તારી પાસે હતી ત્યારે શું તારી નહોતી? અને તેને વેચ્યા પછી શું [તેનું મૂલ્ય] તારે સ્વાધીન નહોતું? તેં પોતાના મનમાં આવો વિચાર કેમ આવવા દીધો? તેં માણસોને નહિ પણ ઈશ્વરને જૂઠું કહ્યું છે.'

હવે પ્રેરિતોના હાથ મૂકવાથી પવિત્ર આત્મા પમાય છે, એ જોઈને સિમોને તેઓને પૈસા આપવા માંડ્યા. તેણે કહ્યું કે, તમે મને પણ એ અધિકાર આપો કે જેનાં પર હું હાથ મૂકું તે પવિત્ર આત્મા પામે. પણ પિતરે તેને કહ્યું કે, ઈશ્વરનું દાન પૈસાથી વેચાતું લેવાનું તેં વિચાર્યું માટે તારા પૈસા તારી સાથે નાશ પામો.

ત્યારે શિષ્યોએ ઠરાવ કર્યો કે, આપણામાંના દરેક માણસે પોતપોતાની શક્તિ પ્રમાણે યહૂદિયામાં રહેનાર ભાઈઓને કંઈ મદદ મોકલવી.

મેં કોઈનાં રૂપાનો સોનાનો કે વસ્ત્રનો લોભ કર્યો નથી. તમે પોતે જાણો છો કે મને તથા મારા સાથીઓને જે જોઈતું હતું તે મેં આ હાથોએ પૂરું પાડ્યું છે. મેં બધી બાબતો તમને કરી બતાવી છે કે, કેવી રીતે ઉદ્યોગ કરીને તમારે નબળાઓને સહાય કરવી જોઈએ, અને પ્રભુ ઈસુનું વચન જે તેમણે પોતે કહ્યું, તેને યાદ રાખવું કે, "પામવા કરતાં આપવામાં વધારે આશીર્વાદ છે".

ત્યારે બીજાને શીખવનાર, શું તું પોતાને શીખવતો નથી? ચોરી ન કરવી એવો ઉપદેશ આપનાર, શું તું પોતે ચોરી કરે છે?

પણ જો તારો વૈરી ભૂખ્યો હોય તો તેને ખવડાવ; જો તરસ્યો હોય તો તેને પાણી પા; કેમ કે એવું કરવાથી તું તેના માથા પર ધગધગતા અંગારાના ઢગલા કરીશ.

વળી એ કારણ માટે તમે કર પણ ભરો છો, કેમ કે અધિકારીઓ ઈશ્વરના સેવક છે અને તે જ કામમાં લાગુ રહે છે. પ્રત્યેકને તેના જે હક હોય તે આપો: જેને કરનો તેને કર; જેને દાણનો તેને દાણ; જેને બીકનો તેને બીક; જેને માનનો તેને માન. એકબીજા ઉપર પ્રેમ રાખવો એ સિવાય બીજું દેવું કોઈનું ન કરો, કેમ કે જે કોઈ અન્ય ઉપર પ્રેમ રાખે છે તેણે નિયમશાસ્ત્રને પૂરેપૂરું પાળ્યું છે. કારણ કે 'તારે વ્યભિચાર ન કરવો, ખૂન ન કરવું, ચોરી ન કરવી, લોભ ન રાખવો એવી જે આજ્ઞાઓ છે તેઓનો સાર આ વચનમાં સમાયેલો છે, 'પોતાના પડોશી પર પ્રેમ રાખવો.'

શું તમે જાણતા નથી કે અન્યાયીઓ ઈશ્વરના રાજ્યનો વારસો પામશે નહિ? તમે ભૂલ ન કરો; વળી વ્યભિચારીઓ, મૂર્તિપૂજકો, લંપટો, વિષયીઓ તથા [સજાતીય પુરુષ સંબંધ રાખનારાઓ], ચોરીઓ કરનાર, લોભીઓ, સ્વછંદી, નિંદા કરનારાઓ તથા જુલમથી પૈસા પડાવનારા, તેઓને ઈશ્વરના રાજ્યનો વારસો મળશે નહિ.

જો હું કંગાલોનું પોષણ કરવા મારી બધી સંપત્તિ આપું અને જો હું મારું શરીર અગ્નિને સોંપું પણ મારામાં પ્રેમ ન હોય, તો મને કશું હિતકારક નથી.

હવે સંતોને માટે ફાળો એકઠો કરવા વિષે લખું છું; મેં ગલાતિયાના વિશ્વાસી સમુદાયને જે સૂચના આપી તે પ્રમાણે તમે પણ કરો. હું આવું ત્યારે ધર્મદાન ઉઘરાવવા પડે નહિ, માટે અઠવાડિયાને પહેલે દિવસે તમારામાંના પ્રત્યેકે પોતાની કમાણી પ્રમાણે અમુક હિસ્સો રાખી મૂકવો.

પણ અમારો આ ખજાનો માટીનાં પાત્રોમાં છે, એ સારુ કે પરાક્રમની ઉત્તમતા ઈશ્વરથી થાય અને અમારાથી નહિ.

એટલે જે દૃશ્ય છે તે નહિ, પણ જે અદ્રશ્ય છે તે પર અમે ધ્યાન રાખીએ છીએ; કેમ કે જે દૃશ્ય છે તે ક્ષણિક છે પણ જે અદ્રશ્ય છે તે અનંતકાળિક છે.

કેમ કે અમને ખબર છે કે જો અમારું પૃથ્વી પરનું માંડવારૂપી શરીર નષ્ટ થઈ જાય, તો સ્વર્ગમાં ઈશ્વરે સર્જેલું, હાથોથી બાંધેલું નહિ એવું અનંતકાળનું અમારું ઘર છે.

કેમ કે હું સાક્ષી પૂરું છું કે, તેઓએ પોતાની શક્તિ પ્રમાણે, બલકે શક્તિ ઉપરાંત દાનો, પોતાની ખુશીથી આપ્યાં. પોતાની આ ઉદારતા તથા સંતોની સેવા કરવામાં તેઓની ભાગીદારી સ્વીકારવાને તેઓએ અમને આગ્રહપૂર્વક વિનંતી કરી; વળી જેમ અમે આશા રાખી હતી, તેમ નહિ; પણ તેઓએ પ્રથમ પ્રભુને અને ઈશ્વરની ઇચ્છા પ્રમાણે પોતાને પણ અમને સ્વાધીન કર્યા.

કેમ કે તમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા જાણો છો કે, તેઓ ધનવાન હોવા છતાં તમારે માટે નિર્ધન થયા, કે જેથી તમે તેમની ગરીબીથી ધનવાન થાઓ.

કેમ કે જો [આ કામ કરવાની] ઇચ્છા હોય તો કોઈ માણસ પાસે જે નથી તે પ્રમાણે નહિ, પણ જે છે તે પ્રમાણે તે [ઇચ્છા] માન્ય છે. આ કામ એટલા માટે નથી કે બીજાઓને રાહત મળે અને તમને તકલીફ પડે, પણ તે સમાનતાને ધોરણે થાય એટલે કે વર્તમાન સમયમાં તમારી સમૃદ્ધિ તેઓની અછત કે તેઓની સમૃદ્ધિ પણ તમારી અછત પૂરી પાડે, કે જેથી સમાનતા થાય; જેમ લખેલું છે, 'જેની પાસે ઘણું હતું તેને વધી પડ્યું નહિ; અને જેની પાસે થોડું હતું તેને ખૂટી પડ્યું નહિ.'

આથી મને જરૂરી લાગ્યું કે ભાઈઓને વિનંતી કરવી કે તેઓ તમારી પાસે વહેલાં આવે અને જે દાન આપવાનું તમે વચન આપ્યું હતું, તે અગાઉથી ઉઘરાવી રાખે. તે દાન જબરદસ્તીથી નહિ પણ ઉદારતાથી તૈયાર રાખવામાં આવે.

એ તો ખરું છે કે, જે કંજૂસાઈથી વાવે છે, તે લણશે પણ કંજૂસાઈમાં; અને જે ઉદારતાથી વાવે છે; તે ઉદારતાથી લણશે. જેમ દરેકે પોતાના હૃદયમાં અગાઉથી નક્કી કર્યું છે, તે પ્રમાણે તેણે આપવું; પરાણે નહિ, ફરજિયાત પણ નહિ; કેમ કે ખુશીથી આપનારને ઈશ્વર ચાહે છે. ઈશ્વર તમારા પર સર્વ પ્રકારની પુષ્કળ કૃપા કરવાને સમર્થ છે કે, જેથી હંમેશા તમારી પાસે સર્વ વાતે પુષ્કળ સમૃદ્ધિ હોવાને લીધે, તમે સર્વ સારાં કામો કરવામાં વધતા જાઓ. જેમ લખેલું છે કે, 'તેમણે વહેંચ્યું છે, તેમણે ગરીબોને આપ્યું છે, તેમનું ન્યાયીપણું સર્વકાળ ટકે છે.'

જે વાવનારને માટે બીજ તથા ખોરાકને સારુ રોટલી પૂરાં પાડે છે, તેઓ તમારું વાવવાનું બીજ પૂરું પાડશે અને વધારશે અને તમારા ન્યાયીપણાના ફળોની વૃદ્ધિ કરશે; એમ તમે સર્વ પ્રકારે ધનવાન થાઓ કે જેથી તમે ઉદાર બની શકો અને તેથી અમારી મારફતે ઈશ્વરની સ્તુતિ થાય. કેમ કે આ સેવાનું કામ ફક્ત સંતોની ગરજ પૂરી પાડે છે, એટલું જ નહિ, પણ ઈશ્વરની પુષ્કળ સ્તુતિમાં પરિણમે છે; એટલે આ સેવાના પુરાવાથી, તેઓ, ખ્રિસ્તની સુવાર્તાની તમારી કબૂલાત પ્રત્યેની આધીનતા માટે તથા તેઓને માટે તથા સર્વને માટે તમારા દાનની પુષ્કળતાને માટે, ઈશ્વરનો મહિમા કરે છે.

તેઓએ એટલું જ ઇચ્છ્યું કે અમે ગરીબોને મદદ કરીએ અને તે જ કરવાને હું આતુર હતો.

કેમ કે આખું નિયમશાસ્ત્ર એક જ વચનમાં પૂરું થાય છે, એટલે, 'જેમ તું પોતાના પર પ્રેમ રાખે છે તેમ તારા પડોશી પર પ્રેમ રાખ.'

યાદ રાખો, ઈશ્વરની મશ્કરી કરાય નહિ કોઈ માણસ જે કંઈ વાવે તે જ તે લણશે; કેમ કે જે પોતાના દેહને માટે વાવે છે, તે દેહથી વિનાશ લણશે; પણ જે આત્માને અર્થે વાવે તે આત્માથી અનંતજીવન લણશે. તો આપણે સારું કરતાં થાકવું નહિ; કેમ કે જો કાયર નહિ થઈએ, તો યોગ્ય સમયે લણીશું. એ માટે જેમ પ્રસંગ મળે તેમ આપણે બધાનું અને વિશેષ કરીને વિશ્વાસના કુટુંબનાં જે છે તેઓનું સારું કરીએ.

હું સંતોમાં નાનામાં નાનો હોવા છતાં આ કૃપાદાન મને આપવામાં આવેલું છે કે, હું બિનયહૂદીઓમાં ખ્રિસ્તની અખૂટ સંપત્તિની સુવાર્તા પ્રગટ કરું;

ચોરી કરનારે હવેથી ચોરી કરવી નહિ; પણ તેને બદલે પોતાને હાથે ઉદ્યોગ કરીને સારાં કામ કરવાં, એ સારુ કે જેને જરૂરિયાત છે તેને આપવા માટે પોતાની પાસે કંઈ હોય.

તમે દરેક માત્ર પોતાના હિત પર જ નહિ, પણ બીજાઓનાં હિત પર પણ લક્ષ રાખો.

છતાં પણ જે બાબતો મને ઉપયોગી હતી, તે મેં ખ્રિસ્તને સારું હાનિકારક જેવી માની. વાસ્તવમાં, ખ્રિસ્ત ઈસુ મારા પ્રભુના જ્ઞાનની ઉત્તમતાને લીધે, હું એ બધાને હાનિ જ ગણું છું; એને લીધે મેં બધાનું નુકસાન સહન કર્યું અને તેઓને કચરો ગણું છું, કે જેથી હું ખ્રિસ્તને પ્રાપ્ત કરું,

હું તંગીને લીધે બોલું છું એમ નહિ, કેમ કે જે અવસ્થામાં હું છું, તેમાં સંતોષી રહેવાને હું શીખ્યો છું. ગરીબીમાં કેવી રીતે જીવવું એ પણ હું જાણું છું તથા સમૃદ્ધિમાં પણ કેવી રીતે જીવવું એ પણ હું જાણું છું; દરેકપ્રકારે તથા સર્વમાં તૃપ્તિમાં તથા ભૂખમાં, પુષ્કળતામાં અને તંગીમાં રહેવાને હું શીખ્યો છું. જે મને સામર્થ્ય આપે છે તેમની સહાયથી હું બધું કરી શકું છું. તોપણ તમે મારા સંકટમાં મને મદદ કરી તે સારુ કર્યું. ઓ, ફિલિપ્પીઓ, તમે જાણો છો કે, સુવાર્તાનાં આરંભમાં, જયારે હું મકદોનિયામાંથી રવાના થયો, ત્યારે આપવા-લેવાની બાબતમાં એકલા તમારા વિના બીજાકોઈ વિશ્વાસી સમુદાયે ભાગ લીધો નહોતો. કેમ કે થેસ્સાલોનિકામાં પણ અનેક વાર મારે જે જે જોઈતું હતું તે બધું તમે મને મોકલી આપ્યું હતું. હું કંઈ દાન માગું છું એમ નહિ, પણ તમારા હિતમાં ઘણાં ફળ મળે એ માગું છું. મારી પાસે સર્વ ચીજવસ્તુઓ છે; અને તે પણ પુષ્કળ છે. તમારાં દાન એપાફ્રોદિતસની મારફતે મને મળ્યા છે તેથી હું સમૃદ્ધ છું. તે તો સુગંધીદાર ધૂપ ઈશ્વરને પ્રિય માન્ય અર્પણ છે. મારો ઈશ્વર પોતાના મહિમાની સંપત પ્રમાણે તમારી સર્વ ગરજ ખ્રિસ્ત ઈસુમાં પૂરી પાડશે.

સ્વર્ગીય બાબતો પર મન લગાવો, પૃથ્વી પરની બાબતો પર નહિ.

સદા આનંદ કરો; નિરંતર પ્રાર્થના કરો; દરેક બાબતમાં આભારસ્તુતિ કરો, કેમ કે તમારા વિષે ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરની ઇચ્છા એવી જ છે.

જયારે અમે તમારી પાસે હતા ત્યારે પણ તમને આજ્ઞા આપી હતી કે, જો કોઈ માણસ કામ કરે નહિ, તો તેને ખવડાવવું પણ નહિ.

તે જ પ્રમાણે સ્ત્રીઓ પણ મર્યાદા તથા સંયમ રાખીને શોભતાં વસ્ત્રોથી પોતાને શણગારે; ગૂંથેલા વાળથી તથા સોના કે મોતીના અલંકારથી કે ખર્ચાળ વસ્ત્રોથી નહિ,

પણ જે માણસ પોતાનું અને વિશેષ કરીને પોતાના ઘરનું પૂરું કરતો નથી, તો તેણે વિશ્વાસનો નકાર કર્યો છે તથા તે અવિશ્વાસી કરતા પણ બદતર છે.

પણ સંતોષસહિતની ઈશ્વરપરાયણતા એ મહત્તમ લાભ છે; કેમ કે આપણે આ દુનિયામાં કશું લાવ્યા નથી ને તેમાંથી કશું પણ લઈ જઈ શકવાના નથી. પણ આપણને જે અન્નવસ્ત્ર મળે છે તેઓથી આપણે સંતોષી રહીએ. જેઓ દ્રવ્યવાન થવા ચાહે છે, તેઓ પરીક્ષણ, ફાંદા તથા ઘણી મૂર્ખ અને હાનિકારક ઇચ્છાઓમાં પડે છે, જે માણસોને પાયમાલી તથા વિનાશમાં ડુબાવે છે. કેમ કે દ્રવ્યપ્રેમ એ સર્વ પ્રકારની દુષ્ટતાનું મૂળ છે તેની પાછળ ખેંચાવાથી કેટલાક વિશ્વાસથી દુર લઈ જવાયા અને તેઓએ ઘણાં દુઃખોથી પોતાને વીંધ્યા છે.

આ જમાનાનાં દ્રવ્યવાનોને તું આગ્રહથી સૂચવ કે, તેઓ અભિમાન ન કરે, અને દ્રવ્યની અનિશ્ચિતતા પર નહિ, પણ ઈશ્વર, જે આપણા આનંદ-પ્રમોદને માટે ભરપૂરીપણાથી સઘળું આપે છે, તેમના પર આશા રાખે;

કેમ કે માણસો સ્વાર્થી, દ્રવ્યલોભી, આપવડાઈ કરનારા, ગર્વિષ્ઠ, નિંદક, માબાપને અનાજ્ઞાંકિત, અનુપકારી, અશુદ્ધ,

કેમ કે અધ્યક્ષે ઈશ્વરના પરિવારના કારભારી તરીકે નિર્દોષ હોવું જોઈએ; સ્વછંદી, ક્રોધી, દારૂડિયો, હિંસક કે નીચ લાભ વિષે લોભી હોય એવા હોવું જોઈએ નહિ.

આ મેલ્ખીસેદેક, શાલેમનો રાજા અને પરાત્પર ઈશ્વરનો યાજક હતો, જયારે ઇબ્રાહિમ રાજાઓની હત્યા કરીને પાછો આવ્યો, ત્યારે તેણે તેને મળીને આશીર્વાદ આપ્યો; અને ઇબ્રાહિમે લડાઈમાં જે મેળવ્યું હતું તેનો દસમો ભાગ તેને આપ્યો. તેના નામનો પહેલો અર્થ તો 'ન્યાયીપણાનો રાજા,' પછી 'શાલેમનો રાજા,' એટલે 'શાંતિનો રાજા' છે. તે પિતા વગરનો, માતા વગરનો અને વંશાવળી વગરનો હતો, તેના આરંભનો સમય કે આયુષ્યનો અંત ન હતો, પણ તે ઈશ્વરના પુત્રના જેવો સદા યાજક રહે છે. તો જેને આદિપિતા ઇબ્રાહિમે લૂટમાંનો દસમો ભાગ આપ્યો, તે કેવો મહાન હશે એનો વિચાર કરો. અને ખરેખર, લેવીના સંતાનમાંના જેઓ યાજકપદ પામે છે, તેઓને લોકોની પાસેથી એટલે ઇબ્રાહિમથી ઉત્પન્ન થયેલા પોતાના ભાઈઓની પાસેથી, નિયમશાસ્ત્ર પ્રમાણે દસમો ભાગ લેવાની આજ્ઞા છે ખરી; પણ જે તેઓની વંશવાળીનો ન હતો, તેણે ઇબ્રાહિમની પાસેથી દસમો ભાગ લીધો અને જેને વચનો મળ્યાં હતાં તેને તેણે આશીર્વાદ આપ્યો. હવે, મોટો નાનાને આશીર્વાદ આપે છે તેમાં તો કંઈ પણ વાંધો નથી. અહીંયાં યહૂદી યાજકો જેઓ મૃત્યુપાત્ર છે તે આ દસમો ભાગ લે છે; પણ ત્યાં જેનાં સંબંધી સાક્ષી આપેલી છે, કે તે જીવંત છે, તે લે છે. અને એમ પણ કહેવાય છે કે, જે લેવી દસમો ભાગ લે છે, તેણે પણ ઇબ્રાહિમની મારફતે દસમો ભાગ આપ્યો; કેમ કે જયારે મેલ્ખીસેદેક તેના પિતાને મળ્યો, ત્યારે તે પોતાના પિતાનાં અંગમાં હતો.

વિશ્વાસથી મૂસાએ મોટા થયા પછી ફારુનની દીકરીનો પુત્ર ગણાવાનો ઇનકાર કર્યો. પાપનું ક્ષણિક સુખ ભોગવવાને બદલે ઈશ્વરના લોકોની સાથે દુઃખ ભોગવવાનું તેણે વધારે પસંદ કર્યું. મિસરમાંના દ્રવ્ય ભંડારો કરતાં ખ્રિસ્ત સાથે નિંદા સહન કરવી એ અધિક સંપત્તિ છે, એમ તેણે ગણ્યું; કેમ કે જે ફળ મળવાનું હતું તે તરફ જ તેણે લક્ષ રાખ્યું.

દ્રવ્યલોભથી દૂર રહો; તમારી પાસે જે હોય તેમાં સંતોષ માનો; કેમ કે પ્રભુએ કહ્યું છે કે, 'હું તને મૂકી દઈશ નહિ અને તજીશ પણ નહિ.'

ઉપકાર કરવાનું તથા દાન વહેંચી આપવાનું તમે ભૂલો નહિ, કેમ કે એવાં અર્પણથી ઈશ્વર બહુ સંતુષ્ટ થાય છે.

જે ભાઈ ઊતરતા પદનો છે તે પોતાના ઉચ્ચપદમાં અભિમાન કરે; જે શ્રીમંત છે, તે પોતાના ઊતરતા પદમાં અભિમાન કરે કેમ કે ઘાસનાં ફૂલની પેઠે તે વિલીન થઈ જશે. કેમ કે સૂર્ય ઊગે છે અને ગરમ પવન વાય છે ત્યારે ઘાસ ચીમળાય છે; તેનું ફૂલ ખરી પડે છે અને તેના સૌંદર્યની શોભા નાશ પામે છે તેમ શ્રીમંત પણ તેના વ્યવહારમાં નષ્ટ થશે.

દરેક ઉત્તમ દાન તથા દરેક સંપૂર્ણ દાન ઉપરથી હોય છે અને પ્રકાશોના પિતા જેમનાંમાં પરિવર્તન થતું નથી, તેમ જ જેમનાંમાં ફરવાથી પડતો પડછાયો પણ નથી, તેમની પાસેથી ઊતરે છે.

કેમ કે જેની આંગળીએ સોનાની વીંટી હોય તથા જેનાં અંગ પર સુંદર કિંમતી વસ્ત્ર હોય, એવો માણસ જો તમારી સભામાં આવે અને જો ગંદા વસ્ત્ર પહેરેલો એક ગરીબ માણસ પણ આવે; ત્યારે તમે સુંદર કિંમતી વસ્ત્ર ધારણ કરેલા માણસને માન આપીને કહો છો, 'તમે અહીં ઉત્તમ સ્થાને બેસો,' પણ પેલા ગરીબને કહો છો, 'તું ત્યાં ઊભો રહે,' અથવા 'અહીં મારા પગનાં આસન પાસે બેસ;' તો શું તમારામાં ભેદભાવ નથી? અને શું તમે પક્ષપાતયુક્ત વિચારો સાથે આચરણ કરતા નથી? મારા વહાલા ભાઈઓ, તમે સાંભળો; વિશ્વાસમાં ધનવાન થવા સારુ તથા ઈશ્વરે પોતાના લોકો પર પ્રેમ રાખનારાઓને જે રાજ્ય આપવાનું આશાવચન આપ્યું છે તેનું વતન પામવા સારુ, ઈશ્વરે આ માનવજગતના ગરીબોને પસંદ નથી કર્યા? પણ તમે ગરીબનું અપમાન કર્યું છે. શું શ્રીમંતો તમારા પર જુલમ નથી કરતા? અને ન્યાયાસન આગળ તેઓ તમને ઘસડી લઈ જતા નથી? જે ઉત્તમ નામથી તમે ઓળખાઓ છો, તેની નિંદા કરનારા શું તેઓ નથી?

તોપણ શાસ્ત્રવચન પ્રમાણે જે રાજમાન્ય નિયમ છે, એટલે કે, 'તું પોતાના જેવો પોતાના પડોશી પર પ્રેમ રાખ,' તે નિયમ જો તમે પૂરેપૂરો પાળો છો, તો તમે ઘણું સારું કરો છો;

મારા ભાઈઓ, જો કોઈ કહે છે કે, 'મને વિશ્વાસ છે,' પણ જો તેને કરણીઓ ન હોય, તો તેથી શો લાભ થાય? શું એવો વિશ્વાસ તેનો ઉદ્ધાર કરી શકે છે? જો કોઈ ભાઈ અથવા બહેન નિર્વસ્ત્ર હોય અને રોજનો પૂરતો ખોરાક ન હોય, અને તમારામાંનો કોઈ તેઓને કહે કે 'શાંતિથી જાઓ, તાપો અને તૃપ્ત થાઓ;' તોપણ શરીરને જે જોઈએ તે જો તમે તેઓને ન આપો, તો શો લાભ થાય? તેમ જ વિશ્વાસ પણ, જો તેની સાથે કરણીઓ ન હોય, તો તે એકલો હોવાથી નિર્જીવ છે.

તમે માગો છો, તે પામતા નથી, કેમ કે તમે પોતાના મોજશોખ પર ખરચી નાખવાના ખરાબ ઇરાદાથી માગો છો.

હવે ચાલો, તમે કહો છો કે, આજે કે કાલે અમે આ કે તે શહેરમાં જઈને ત્યાં એક વર્ષ સુધી રહીશું; અને વેપાર કરીને લાભ મેળવીશું. હવે તમે તો નથી જાણતા કે કાલે શું થવાનું છે. તમારી જિંદગી શાના જેવી છે? કેમ કે તમે તો ધુમ્મસ જેવા છો, કે જે થોડીવાર દેખાય છે પછી અદ્રશ્ય થાય છે. પણ તેના બદલે તમારે એમ કહેવું જોઈએ, કે જો પ્રભુની ઇચ્છા હશે, તો અમે જીવતા રહીશું અને આમ કે તેમ કરીશું.

હવે શ્રીમંતો તમે સાંભળો, તમારા પર આવી પડનારા સંકટોને લીધે તમે વિલાપ અને રુદન કરો. તમારી દોલત સડી ગઈ છે અને તમારાં વસ્ત્રોને ઊધઈ ખાઈ ગઈ છે. તમારું સોનું તથા રૂપું કટાઈ ગયું છે અને તેના કાટ તમારી વિરુદ્ધ સાક્ષી આપશે, અગ્નિની જેમ તમારા શરીરોને ખાઈ જશે. તમે છેલ્લાં દિવસને માટે મિલકત સંઘરી રાખી છે.

જુઓ, જે મજૂરોએ તમારાં ખેતરમાં મહેનત કરી છે, તેઓની મજૂરી તમે દગાથી અટકાવી રાખી છે, તે બૂમ પાડે છે અને મહેનત કરનારાઓની બૂમ સૈન્યોના પ્રભુએ સાંભળી છે. તમે પૃથ્વી પર મોજશોખ કરો છો અને વિલાસી થયા છો; કાપાકાપીના દિવસોમાં તમે તમારાં હૃદયોને પુષ્ટ કર્યાં છે.

એ માટે કે તમારા વિશ્વાસની પરીક્ષા જે અગ્નિથી પરખાયેલા નાશવંત સોના કરતાં વધુ મૂલ્યવાન છે, તે ઈસુ ખ્રિસ્તનાં પ્રગટ થવાની ઘડીએ સ્તુતિ, માન તથા મહિમા યોગ્ય થાય.

કેમ કે તમે એ જાણો છો કે તમારા પિતૃઓથી ચાલ્યા આવતાં વ્યર્થ આચરણથી તમે નાશવંત વસ્તુઓ, એટલે રૂપા અથવા સોના વડે નહિ,

તમારો શણગાર બાહ્ય, એટલે ગૂંથેલા વાળનો, સોનાનાં ઘરેણાંનો અથવા સારાં વસ્ત્ર પહેરવાનો ન હોય; પણ અંતઃકરણમાં રહેલા ગુપ્ત મનુષ્યત્વનો, એટલે દીન તથા નમ્ર આત્માનો, જે ઈશ્વરની નજરમાં ઘણો મૂલ્યવાન છે, તેના અવિનાશી આભૂષણોનો હોય.

જગત પર અથવા જગતમાંનાં વસ્તુઓ પર પ્રેમ રાખો નહિ; જો કોઈ જગત પર પ્રેમ રાખે તો તેનામાં પિતાનો પ્રેમ નથી. કેમ કે જગતમાં જે સર્વ છે, એટલે દૈહિક વાસનાઓ, આંખોની લાલસા તથા જીવનનો અહંકાર તે પિતાથી નથી, પણ જગતથી છે. જગત તથા તેની લાલસા જતા રહે છે, પણ જે ઈશ્વરની ઇચ્છા પૂરી કરે છે તે સદા રહે છે.

પણ જેની પાસે આ દુનિયાનું દ્રવ્ય હોય અને પોતાના ભાઈને તેની જરૂરિયાત છે એવું જોયા છતાં તેના પર દયા કરતો નથી, તો તેનામાં ઈશ્વરનો પ્રેમ શી રીતે રહી શકે? બાળકો, આપણે શબ્દથી નહિ કે જીભથી નહિ પણ કાર્યમાં તથા સત્યમાં પ્રેમ કરીએ.

પણ તું હૂંફાળો છે, એટલે ગરમ નથી તેમ જ ઠંડો પણ નથી, માટે હું તને મારા મોંમાંથી થૂંકી નાખીશ. તું કહે છે કે, હું શ્રીમંત છું, મેં સંપત્તિ મેળવી છે, મને કશાની ખોટ નથી; પણ તું જાણતો નથી કે, તું કંગાળ, દયાજનક, ગરીબ, અંધ તથા નિર્વસ્ત્ર છે; માટે હું તને એવી સલાહ આપું છું કે તું શ્રીમંત થાય, માટે અગ્નિથી શુદ્ધ કરેલું સોનું મારી પાસેથી વેચાતું લે; તું વસ્ત્ર પહેર, કે તારી નિર્વસ્ત્ર હોવાની શરમ પ્રગટ ન થાય, માટે સફેદ વસ્ત્ર વેચાતાં લે; તું દેખતો થાય, માટે અંજન [વેચાતું] લઈને તારી આંખોમાં આંજ.

અને ચાર પ્રાણીઓની વચમાં મેં એક વાણી એમ કહેતી સાંભળી કે, 'અડધે રૂપિયે પાંચસો ગ્રામ ઘઉં, અડધે રૂપિયે દોઢ કિલો જવ; પણ તેલ તથા દ્રાક્ષારસનો બગાડ તું ન કર.'

દુનિયાના રાજાઓ, મોટા માણસો, સેનાપતિઓ, શ્રીમંતો, પરાક્રમીઓ તથા દરેક દાસ તથા સ્વતંત્ર, એ તમામ લોકો ગુફાઓમાં તથા પહાડોના ખડકોને પાછળ સંતાઈ ગયા; તેઓએ પહાડોને તથા ખડકોને કહ્યું કે, 'અમારા પર પડો, રાજ્યાસન પર બેઠેલાની નજર આગળથી તથા હલવાનના કોપથી અમને છુપાવી દો.'

વળી નાના તથા મોટા, શ્રીમંત તથા દરિદ્રી, સ્વતંત્ર તથા દાસ, તે સર્વની પાસે તેઓના જમણાં હાથ પર અથવા તેઓનાં કપાળ પર તે છાપ મરાવે છે; વળી જેને તે છાપ, એટલે હિંસક પશુનું નામ, અથવા તેના નામની સંખ્યા હોય, તે વગર બીજા કોઈથી કંઈ વેચાયલેવાય નહિ, એવી પણ તે ફરજ પાડે છે.

પૃથ્વી પરના વેપારીઓ પણ તેને માટે રડે છે અને વિલાપ કરે છે, કેમ કે હવેથી કોઈ તેમનો સામાન ખરીદનાર નથી; સોનું, રૂપું, કિંમતી રત્નો, મોતીઓ, બારીક શણનું કાપડ, જાંબુડા રંગનાં, રેશમી અને કિરમજી રંગનાં વસ્ત્ર; તથા સર્વ જાતનાં સુગંધી કાષ્ટ, હાથીદાંતની, મૂલ્યવાન કાષ્ટની, પિત્તળની, લોખંડની તથા સંગેમરમરની સર્વ જાતની વસ્તુઓ; વળી તજ, તેજાના, ધૂપદ્રવ્યો, અત્તર, લોબાન, દ્રાક્ષારસ, તેલ, ઝીણો મેંદો, અનાજ તથા ઢોરઢાંક, ઘેટાં, ઘોડા, રથો, ચાકરો તથા માણસોના પ્રાણ, એ તેમનો માલ હતો. તારા જીવનાં ઇચ્છિત ફળ તારી પાસેથી જતા રહ્યાં છે, અને સર્વ સુંદર તથા કિંમતી પદાર્થો તારી પાસેથી નાશ પામ્યા છે, અને હવેથી તે કદી મળશે જ નહિ.

એ વસ્તુઓના વેપારી કે જેઓ તેનાથી ધનવાન થયા, તેઓ તેની પીડાની બીકને લીધે રડતા તથા શોક કરતા દૂર ઊભા રહીને, કહેશે કે, 'અરેરે! બારીક શણનાં, જાંબુડા તથા કિરમજી રંગનાં વસ્ત્રથી વેષ્ટિત, અને સોનાથી, રત્નોથી તથા મોતીઓથી અલંકૃત મહાન નગરને હાયહાય!' કેમ કે એક પળમાં એટલી મોટી સંપત્તિ નષ્ટ થઈ છે. અને સર્વ નાખુદા, સર્વ મુસાફરો, ખલાસીઓ અને દરિયાઈ માર્ગે વેપાર કરનારા દૂર ઊભા રહ્યા છે,

તેમણે મને કહ્યું કે, 'તે પૂરી થઈ ગઈ છે. હું આલ્ફા તથા ઓમેગા, શરૂઆત તથા અંત છું. હું તૃષિતને જીવનનાં પાણીના ઝરામાંથી મફત જળ આપીશ.

આત્મા તથા કન્યા બંને કહે છે કે, 'આવો;' અને જે સાંભળે છે તે એમ કહે કે, 'આવો,' અને જે તૃષિત હોય. તે આવે; જેની ઇચ્છા હોય તે જીવનનું જળ મફત લે.

Gujarati - ગુજરાતી - GU

GUBCS - Gujarati Bridge Connectivity Solutions - 2017

This Bible text is from Gujarati Indian Revised Version IRV
https://open.bible/bibles/gujarati-bridge-text-bible/
provided by: Bridge Connectivity Solutions Pvt Ltd, available by Creative Commons CC-BY-SA-4.0,
and this new compilation is shared as www.creativecommons.org/licenses/by-sa/4.0.
Languages are made available to you by www.ipedge.net