30 – ધ રેપ્ચર
આ સર્વશક્તિમાન ઈશ્વરના પવિત્ર શબ્દો છે.
આપણને મનુષ્યના શબ્દોમાં રસ નથી.
જે કોઈ પણ ઈશ્વરને પ્રેમ કરે છે તેના માટે... ઈશ્વર આના વિશે કહે છે: ધ રેપ્ચર.
આ સર્વશક્તિમાન ઈશ્વરના પવિત્ર શબ્દો છે.
આપણને મનુષ્યના શબ્દોમાં રસ નથી.
જે કોઈ પણ ઈશ્વરને પ્રેમ કરે છે તેના માટે... ઈશ્વર આના વિશે કહે છે: ધ રેપ્ચર.
તે દિવસોની વિપત્તિ પછી, તરત સૂર્ય અંધકારરૂપ થઈ જશે, ચંદ્ર પોતાનું અજવાળું નહિ આપે અને આકાશથી તારા ખરશે, તથા આકાશનાં પરાક્રમો હલાવાશે. પછી માણસના દીકરાની નિશાની આકાશમાં દેખાશે, ત્યારે પૃથ્વી પરનાં સઘળાં કુળો શોક કરશે; અને માણસના દીકરાને પરાક્રમ તથા મહામહિમાસહિત તેઓ આકાશનાં વાદળ પર આવતા જોશે. રણશિંગડાના મોટા અવાજ સહિત તે પોતાના સ્વર્ગદૂતોને મોકલશે, તેઓ ચારે દિશામાંથી, આકાશના એક છેડાથી તે બીજા છેડા સુધી, તેમના પસંદ કરેલાઓને એકત્ર કરશે.
”કેમ કે પ્રભુ પોતે ગર્જના, પ્રમુખ દૂતની વાણી, તથા ઈશ્વરના રણશિંગડાના અવાજ સહિત સ્વર્ગમાંથી ઊતરશે; અને ખ્રિસ્તમાં જેઓ મૃત્યુ પામેલાં છે તેઓ પ્રથમ ઉત્થાન પામશે. પછી આપણે જેઓ જીવતાં રહેનારાં છીએ તેઓ આકાશમાં પ્રભુને મળવા સારુ તેઓની સાથે વાદળોમાં ખેંચાઈ જઈશું અને એમ સદા પ્રભુની સાથે રહીશું.
”હવે ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં પુનઃઆગમન તથા તેમની પાસે આપણા એકત્ર થવા વિષે, અમે તમને વિનંતી કરીએ છીએ કે, પ્રભુનો દિવસ જાણે હમણાં જ આવ્યો હોય તેમ સમજીને તમે કોઈ આત્મા, વચન કે જાણે અમારા પત્રથી તમારા મનને જરાય ડગવા કે ગભરાવા દેશો નહિ. કોઈ માણસ કોઈ પ્રકારે તમને છેતરે નહિ. કેમ કે જ્યાં સુધી વિશ્વાસત્યાગ થાય અને પાપનો માણસ, વિનાશનો દીકરો પ્રગટ ન થાય; તે પહેલાં તેમ થશે નહિ. જે ઈશ્વર અને આરાધ્ય ગણાય છે તે સઘળાંનો વિરોધ કરી પોતાને મોટો મનાવનાર આ છે કે જેથી તે ઈશ્વરના ભક્તિસ્થાનમાં ઈશ્વર તરીકે બેસે અને સ્વને ઈશ્વર તરીકે રજૂ કરે.
”તારી અને સ્ત્રીની વચ્ચે તથા તારા સંતાનની અને તેના સંતાનની વચ્ચે હું વૈર કરાવીશ. તે તારું માથું છૂંદશે અને તું તેની એડીએ ડંખ મારશે."
”હું જાણું છું કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે. અને આખરે તે પૃથ્વી પર ઊભા રહેશે; મારા શરીરનો આવી રીતે નાશ થયા પછી પણ, હું મારા ઈશ્વરને જોઈશ. તેમને હું પોતાની જાતે જોઈશ; મારી આંખો તેમને જોશે, બીજાની નહિ મારું હૃદય નિર્બળ થાય છે.
”છેલ્લાં દિવસોમાં, યહોવાહના ઘરનો પર્વત બીજા પર્વતો કરતાં ઊંચો સ્થાપન થશે અને તેને શિખરો કરતાં ઊંચો કરવામાં આવશે; અને સર્વ પ્રજાઓ તેમાં પ્રવેશ કરશે. ઘણા લોકો જઈને કહેશે, "ચાલો, આપણે યહોવાહના પર્વત પાસે, યાકૂબના ઈશ્વરના ઘર પાસે ચઢી જઈએ, જેથી તે આપણને તેમના માર્ગ શીખવશે અને આપણે તેમના માર્ગમાં ચાલીશું." કેમ કે નિયમશાસ્ત્ર સિયોનમાંથી અને યહોવાહનાં વચન યરુશાલેમમાંથી નીકળશે તે વિદેશીઓમાં ઇનસાફ કરશે અને ઘણા લોકોનો ન્યાય કરશે; તેઓ પોતાની તરવારોને ટીપીને કોશો અને પોતાના ભાલાઓનાં ધારિયાં બનાવશે; પ્રજાઓ એકબીજાની વિરુદ્ધ તરવાર ઉગામશે નહિ અને તેઓ ફરીથી યુદ્ધકળા શીખશે નહિ.
”યહોવાહના ભયથી અને તેમના માહાત્મ્યના પ્રતાપથી બચવા, ખડકોમાં શરણ શોધો અને જમીનમાં સંતાઈ જાઓ. માણસની ગર્વિષ્ઠ દૃષ્ટિ નીચી કરવામાં આવશે અને પુરુષોનું અભિમાન ઉતારવામાં આવશે, અને તે દિવસે એકલા યહોવાહ જ શ્રેષ્ઠ મનાશે. કેમ કે તે સૈન્યોના યહોવાહનો દિવસ આવશે તે દરેક વિરુદ્ધ જે ગર્વિષ્ઠ તથા મગરૂર છે અને દરેક જે અભિમાની છે, તે સર્વને નમાવવામાં આવશે. લબાનોનનાં સર્વ મોટાં અને ઊંચાં થયેલાં એરેજવૃક્ષો પર અને બાશાનના સર્વ એલોન વૃક્ષો પર; અને સર્વ મોટા પર્વતો પર અને સર્વ ઊંચા ટેકરાઓ પર; અને સર્વ ઊંચા મિનારા પર અને દરેક કિલ્લાના કોટ પર; અને તાર્શીશના સર્વ વહાણો પર અને દરેક સઢવાળાં જહાજો પર તે દિવસે આવનાર છે. તે દિવસે, માણસનો ગર્વ ઉતારવામાં આવશે અને પુરુષોનું અભિમાન જતું રહેશે; એકલા યહોવાહ તે દિવસે શ્રેષ્ઠ મનાશે. મૂર્તિઓ તો બિલકુલ નાબૂદ થઈ જશે. યહોવાહ પૃથ્વીને કંપાવવાને ઊઠશે, ત્યારે તેમના ભયથી તથા તેમના મહિમાના ગૌરવથી બચવા, માણસો ખડકોની ગુફાઓમાં અને ભૂમિની બખોલમાં સંતાઈ જશે. તે દિવસે માણસ, ભજવા માટે પોતે બનાવેલી સોનાચાંદીની મૂર્તિઓને, છછૂંદર તથા ચામાચિડિયા પાસે ફેંકી દેશે. જ્યારે યહોવાહ પૃથ્વીને કંપાવવાને ઊઠશે ત્યારે તેઓ તેના રોષથી અને તેના મહિમાના ગૌરવથી બચવા, લોકો પર્વતોની ગુફાઓમાં અને ખડકોની તિરાડોમાં ભરાઈ જશે.
”જ્યારે પ્રભુ સિયોનની દીકરીઓની મલિનતા ધોઈ નાખશે અને યરુશાલેમમાંથી રક્તના ડાઘ ન્યાયના આત્મા તથા બળતી અગ્નિના આત્માથકી શુદ્ધ કરી નાખશે. ત્યારે યહોવાહ સિયોન પર્વતનાં દરેક રહેઠાણ પર અને તેની સભાઓ પર, દિવસે મેઘ તથા ધુમાડો અને રાત્રે બળતા અગ્નિનો પ્રકાશ ઉત્પન્ન કરશે; કેમ કે તે સર્વ ગૌરવ ઉપર આવરણ થશે.
”કેમ કે આપણે સારુ છોકરો જન્મ્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે; અને તેના ખભા પર રાજ્યાધિકાર રહેશે; અને તેને અદ્દભુત સલાહકાર, પરાક્રમી ઈશ્વર, સનાતન પિતા અને શાંતિનો રાજકુમાર એ નામ આપવામાં આવશે. દાઉદના રાજ્યાસન ઉપર અને તેના રાજ્ય ઉપર, તેમને ઇનસાફ તથા ન્યાયીપણાથી, તે સમયથી તે સર્વકાળ માટે સ્થાપવા તથા દૃઢ કરવા માટે તેમની સત્તાની વૃદ્ધિનો તથા શાંતિનો પાર રહેશે નહિ. સૈન્યોના યહોવાહનો ઉત્સાહ આમ કરશે.
”વિલાપ કરો, કેમ કે યહોવાહનો દિવસ પાસે છે; તે સર્વસમર્થ પાસેથી સંહારરૂપે આવશે. તેથી સર્વના હાથ ઢીલા પડશે અને સર્વ હૃદય પીગળી જશે; તેઓ ગભરાશે; પ્રસૂતાની જેમ તેઓ પર દુ:ખ તથા સંકટ આવી પડશે. તેઓ એકબીજા સામે આશ્ચર્યથી જોયા કરશે; તેઓનાં મુખ જ્વાળાના મુખ જેવાં થશે. જુઓ, યહોવાહનો દિવસ આવે છે, તે પીડા, કોપ અને ઉગ્ર ક્રોધ સહિત દેશને ઉજ્જડ કરવાને તેમાંથી પાપીઓનો વિનાશ કરવા માટે આવે છે. આકાશના તારાઓ અને તારામંડળો તેમનો પ્રકાશ આપશે નહિ. સૂર્ય ઊગતાં જ અંધારાશે અને ચંદ્રનો પ્રકાશ પડશે નહિ. હું જગતને તેની દુષ્ટતાને લીધે તથા દુષ્ટોને તેઓના અપરાધને લીધે સજા કરીશ. હું ગર્વિષ્ઠ વ્યકિતઓનું અભિમાન તોડીશ અને જુલમીઓનો ગર્વ ઉતારીશ. ચોખ્ખા સોના કરતાં માણસને દુર્લભ અને ઓફીરના ચોખ્ખા સોના કરતાં માનવજાતને શોધવી વધુ મુશ્કેલ કરીશ. તેથી હું આકાશોને ધ્રૂજાવીશ અને પૃથ્વીને તેના સ્થાનેથી હલાવી દેવાશે, સૈન્યોના યહોવાહના કોપથી તેમના રોષને દિવસે એમ થશે.
”તે સદાને માટે મરણને ગળી જશે અને પ્રભુ યહોવાહ સર્વના મુખ પરથી આંસૂ લૂછી નાખશે; આખી પૃથ્વી પરથી તે પોતાના લોકોનું મહેણું દૂર કરશે, કેમ કે યહોવાહ એવું બોલ્યા છે.
”કેમ કે સર્વ પ્રજાઓ પર અને તેના સર્વ સૈન્યો પર યહોવાહને ક્રોધ ચઢ્યો છે; તેમણે તેમનો સંપૂર્ણ નાશ કર્યો છે, તેઓને સંહારને આધીન કર્યા છે. તેમના મારી નંખાયેલા નાખી દેવામાં આવશે; અને તેમના મૃતદેહો દુર્ગંધ મારશે, અને પર્વતો તેમના રક્તથી ઢંકાઈ જશે. આકાશના સર્વ તારાઓ ખરી પડશે, અને આકાશ ઓળિયાની જેમ વાળી લેવાશે; અને તેના સર્વ તારાઓ ખરી પડશે જેમ દ્રાક્ષાવેલા પરથી પાંદડુ ખરી પડે છે અને પાકી ગયેલાં અંજીર ઝાડ પરથી ખરે છે તેમ તે ખરી પડશે. કેમ કે મારી તરવાર આકાશમાં પીને ચકચૂર થઈ છે, જુઓ, હવે તે અદોમ અને આ લોકોનો નાશ કરવાને તેમના ઉપર ઊતરશે. યહોવાહની તરવાર રક્તથી અને મેદથી, જાણે હલવાન તથા બકરાંના રક્તથી, બકરાના ગુરદાનાં મેદથી તરબોળ થયેલી છે. કેમ કે, બોસરામાં યહોવાહનો યજ્ઞ તથા અદોમ દેશમાં મોટી કતલ થયેલી છે. જંગલના ગોધાઓ, બળદો અને વાછરડાઓ એ બધાની કતલ એકસાથે થશે. તેઓની ભૂમિ રક્તથી તરબોળ થશે અને તેઓની ધૂળ મેદથી મિશ્રિત થશે. કેમ કે, તે યહોવાહનો વેર વાળવાનો દિવસ છે અને સિયોન સાથેની તકરારનો બદલો લેવાનું વર્ષ છે. અદોમનાં નાળાઓ ડામર થઈ જશે, તેની ધૂળ ગંધક થઈ જશે, અને તેની ભૂમિ બળતો ડામર થશે. તે રાત અને દિવસ બળતું રહેશે; તેનો ધુમાડો સદા ઊંચે ચઢશે; તેની ભૂમિ પેઢી દરપેઢી ઉજ્જડ રહેશે; સદાને માટે તેમાં થઈને કોઈ જશે નહિ.
”પૃથ્વીના છેડા સુધીના સર્વ લોક, મારી તરફ ફરો અને ઉદ્ધાર પામો; કેમ કે હું ઈશ્વર છું અને બીજો કોઈ નથી. 'મેં મારા પોતાના સમ ખાધા છે, ફરે નથી એવું ન્યાયી વચન મારા મુખમાંથી નીકળ્યું છે: મારી આગળ દરેક ઘૂંટણ નમશે, દરેક જીભ કબૂલ કરશે,
”હું આરંભથી પરિણામ જાહેર કરનાર અને જે થયું નથી તેની ખબર આપનાર છું. હું કહું છું, "મારી યોજના પ્રમાણે થશે અને મારી ઇચ્છા પ્રમાણે હું કરીશ."
”સાંભળ, તારા ચોકીદારો પોકારે છે, તેઓ સાથે હર્ષનાદ કરે છે, કેમ કે યહોવાહ કેવી રીતે સિયોનમાં પાછા આવે છે, તે તેઓ નજરોનજર જોશે.
”કેમ કે જુઓ, હું નવાં આકાશ અને નવી પૃથ્વી ઉત્પન્ન કરનાર છું; અને અગાઉની બિનાઓનું સ્મરણ કરવામાં આવશે નહિ કે તેઓ મનમાં આવશે નહિ.
”કેમ કે જે નવાં આકાશ તથા નવી પૃથ્વી બનાવવાનો છું તે મારી સમક્ષ રહેશે" એમ યહોવાહ કહે છે, "તેમ જ તમારા વંશજો અને તમારું નામ રહેશે."
”અરેરે! એ ભયંકર દિવસ આવી રહ્યો છે! એના જેવો દિવસ કદી ઊગ્યો નથી, તે તો યાકૂબના સંકટનો દિવસ છે. પણ તે તેમાંથી બચશે.
”કેમ કે પ્રભુ યહોવાહ કહે છે: "જુઓ, હું પોતે જ મારાં ઘેટાંને શોધી કાઢીશ અને તેઓની સંભાળ રાખીશ. જેમ ભરવાડ તે દિવસે પોતાનાં વેરવિખેર થયેલાં ઘેટાં સાથે હોય તેમ દિવસે પોતાના ટોળાને શોધી કાઢશે. હું મારાં ઘેટાંને શોધીશ અને વાદળવાળા તથા અંધકારમય દિવસે તેઓ જ્યાં જ્યાં વિખેરાઈ ગયાં હશે તે સર્વ જગ્યાએથી તેઓને છોડાવીશ. ત્યારે હું તેઓને લોકો મધ્યેથી બહાર લાવીશ; હું તેમને અન્ય દેશોમાંથી ભેગાં કરીને પોતાના દેશમાં લાવીશ. હું તેમને ઇઝરાયલના પર્વતો પર, ઝરણાં પાસે તથા દેશની દરેક વસતિવાળી જગ્યાઓમાં ચરાવીશ.
”તેથી પ્રબોધ કરીને તેઓને કહે કે, 'પ્રભુ યહોવાહ કહે છે: હે મારા લોક, જુઓ, 'હું તમારી કબરો ખોલીશ અને તમને તેમાંથી ઊભા કરીને બહાર કાઢી લાવીશ અને હું તમને ઇઝરાયલ દેશમાં પાછા લાવીશ. હે મારા લોક, હું તમારી કબરો ખોલીને તમને બહાર કાઢી લાવીશ ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું.
”પણ આકાશમાં એક ઈશ્વર છે, જે રહસ્યો પ્રગટ કરે છે, તેમણે નબૂખાદનેસ્સાર રાજાને હવે પછીના સમયમાં શું થવાનું છે તે જણાવ્યું છે. તમારું સ્વપ્ન તથા તમારા પલંગ પર થયેલાં તમારા મગજનાં સંદર્શનો આ છે.
”હે રાજા તમે સ્વપ્નમાં એક મોટી મૂર્તિ જોઈ. આ મૂર્તિ શક્તિશાળી અને તેજસ્વી હતી. તે આપની આગળ ઊભી હતી. તેનો દેખાવ ભયંકર હતો. તે મૂર્તિનું માથું શુદ્ધ સોનાનું બનેલું હતું. તેની છાતી તથા હાથ ચાંદીનાં હતાં. તેનું પેટ અને જાંઘો કાંસાનાં હતાં. તેના પગ લોખંડના બનેલા હતાં. તેના પગના પંજાનો કેટલોક ભાગ લોખંડનો અને કેટલોક ભાગ માટીનો હતો. આપ જોઈ રહ્યા હતા એટલામાં કોઈ માણસનાં હાથ અડ્યા વગર એક પથ્થર કાપી કાઢવામાં આવ્યો. તેણે મૂર્તિની પગનો પંજો જે લોખંડનો તથા માટીની બનેલો હતો તેના પર ત્રાટકીને તેના ટુકડે ટુકડા કરી નાખ્યા. પછી લોખંડ, માટી, કાંસું, ચાંદી અને સોનું બધાના ટુકડેટુકડા થઈ ગયા. અને તે ઉનાળામાં ખળામાંના ભૂસાની માફક થઈ ગયાં. પવન તેમને એવી રીતે ઉડાડીને લઈ ગયો કે ક્યાંય તેમનું નામોનિશાન રહ્યું નહિ. પણ જે પથ્થર મૂર્તિ સાથે પછડાયો હતો તે મોટો પર્વત બની ગયો અને તેનાથી આખી પૃથ્વી ભરાઈ ગઈ.
”આ તમારું સ્વપ્ન હતું. હવે અમે તમને તેનો અર્થ જણાવીશું. હે રાજા, તમે રાજાધિરાજ છો. આપને આકાશનાં ઈશ્વરે રાજ્ય, સત્તા, ગૌરવ તથા પ્રતાપ આપ્યાં છે. જ્યાં જ્યાં માણસો વસે છે તે જગ્યા તેમણે આપના હાથમાં સોંપી છે. તેમણે વનચર પશુઓ તથા આકાશના પક્ષીઓ આપના હાથમાં સોંપ્યાં છે, તેમણે આપને તે સર્વની ઉપર અધિકાર આપ્યો છે. તે સોનાનું માથું તો તમે છો. તમારા પછી તમારા કરતાં ઊતરતું એવું એક બીજું રાજ્ય આવશે. અને તે પછી કાંસાનું ત્રીજું રાજ્ય થશે તે આખી પૃથ્વી ઉપર શાસન ચલાવશે.
”ચોથું રાજ્ય લોખંડ જેવું મજબૂત હશે, કેમ કે લોખંડ બીજી વસ્તુઓને ભાંગીને ભૂકો કરે છે અને બધું કચડી નાખે છે. તેમ તે બધી વસ્તુઓને ભાંગી નાખશે અને કચડી નાખશે. જેમ તમે જોયું કે, પગના પંજાનો અને આંગળાંનો કેટલોક ભાગ લોખંડનો અને કેટલોક ભાગ માટીનો બનેલો હતો, તે પ્રમાણે તે રાજ્યના ભાગલા પડી જશે; જેમ તમે લોખંડ સાથે નરમ માટી ભળેલી જોઈ, તેમ તેમાં કેટલેક અંશે લોખંડનું બળ હશે. જેમ પગના આંગળાંનો કેટલોક ભાગ લોખંડનો અને કેટલોક ભાગ માટીનો બનેલો હતો, તેમ તે રાજ્યનો કેટલોક ભાગ બળવાન અને કેટલોક ભાગ તકલાદી થશે. વળી જેમ આપે લોખંડ સાથે માટી ભળેલી જોઈ, તેમ લોકો એકબીજા સાથે ભેળસેળ થશે; જેમ લોખંડ સાથે માટી ભળી શકતી નથી, તેમ તેઓ ભેગા રહી શકશે નહિ.
”તે રાજાઓના શાસન દરમ્યાન, આકાશના ઈશ્વર એક એવું રાજ્ય સ્થાપશે જેનો કદી નાશ થશે નહિ. તે રાજ્ય કદી બીજી કોઈ પ્રજાના હાથમાં જશે નહિ. તે બીજા રાજ્યને ભાંગીને ભૂકો કરી નાખશે. અને સર્વકાળ ટકશે. તમે જોયું કે, પેલો પથ્થર કોઈ માણસના હાથ અડ્યા વગર પર્વતમાંથી કાપી કાઢવામાં આવ્યો. તેણે લોખંડ, કાંસુ, માટી, ચાંદી અને સોનાના ટુકડે ટુકડા કરી નાખ્યા. તે પરથી હવે પછી શું થવાનું છે તે મહાન ઈશ્વરે તમને જણાવ્યું છે. તે સ્વપ્ન સાચું છે અને તેનો અર્થ વિશ્વસનીય છે."
”દાનિયેલે કહ્યું કે, "રાત્રે મને થયેલાં સંદર્શનોમાં મેં જોયું તો, જુઓ, આકાશના ચાર પવનો મોટા સમુદ્રને હલાવી રહ્યા હતા. એકબીજાથી જુદાં એવા ચાર મોટાં પ્રાણીઓ સમુદ્રમાંથી બહાર નીકળ્યાં. પહેલું સિંહના જેવું હતું પણ તેને ગરુડના જેવી પાંખો હતી. હું જોતો હતો એટલામાં, તેની પાંખો ખેંચી લેવામાં આવી અને તેને જમીન પરથી ઊંચકવામાં આવ્યું. તેને બે પગ પર માણસની જેમ ઊભું રાખવામાં આવ્યું. તેને મનુષ્યનું હૃદય આપવામાં આવ્યું. વળી જુઓ બીજું એક પશુ રીંછ જેવું હતું, તે પંજો ઉપાડીને ઊભું હતું. તેના મુખમાં તેના દાંતોની વચ્ચે ત્રણ પાંસળીઓ હતી. તેને કહેવામાં આવ્યું, 'ઊભું થા અને ઘણા લોકોનો ભક્ષ કર.' આ પછી મેં ફરીથી જોયું. ત્યાં બીજું એક પશુ હતું, તે ચિત્તાના જેવું દેખાયું. તેની પીઠ પર પક્ષીના જેવી ચાર પાંખો હતી, તેને ચાર માથાં હતાં. તેને રાજ્યાધિકાર આપવામાં આવ્યો હતો. આ પછી રાત્રે મેં મારા સ્વપ્નમાં ચોથું પશુ જોયું. તે ભયાનક, ડરામણું અને ઘણું બળવાન હતું. તેને મોટા લોખંડના દાંત હતા; તે ભક્ષ કરતું, ભાંગીને ટુકડેટુકડા કરતું હતું અને બાકી રહેલાઓને પોતાના પગ નીચે કચડી નાખતું હતું. તે બીજા પશુઓ કરતાં અલગ હતું અને તેને દસ શિંગડાં હતાં. જ્યારે હું એ શિંગડાં વિષે વિચાર કરતો હતો તેવામાં, મેં જોયું તો, જુઓ તેઓની મધ્યે બીજું નાનું શિંગડું ફૂટી નીકળ્યું. અગાઉના ત્રણ શિંગડાં મૂળમાંથી ઊખડી ગયાં. આ શિંગડામાં મેં માણસની આંખો જેવી આંખો અને મોટી બાબતો વિષે બડાઈ કરતું મુખ જોયું.
”હું જોતો હતો ત્યારે, સિંહાસનો ગોઠવવામાં આવ્યાં, એક પુરાતન કાલીન માણસ તેના પર બેઠો હતો, તેનાં વસ્ત્રો હિમ જેવાં સફેદ હતાં, તેના માથાના વાળ શુદ્ધ ઊન જેવા હતાં. તેનું સિંહાસન અગ્નિની જ્વાળારૂપ હતું, તેનાં પૈડાં સળગતા અગ્નિનાં હતાં. તેમની આગળથી ધગધગતા અગ્નિનો ધોધ નીકળીને વહેતો હતો. હજારોહજાર લોકો તેમની સેવા કરતા હતા લાખો લોકો તેમની આગળ ઊભા હતા. ન્યાયસભા ભરાઈ હતી, પુસ્તકો ખોલવામાં આવ્યાં હતાં.
”પેલું શિંગડું બડાઈની વાતો કરતું હતું તે હું જોતો હતો, એટલામાં તે પશુને મારી નાખવામાં આવ્યું. તેનું શરીર નાશ પામ્યું, તેને બાળી નાખવામાં આવ્યું ત્યાં સુધી મેં જોયું. બાકીનાં ચાર પશુઓનો રાજ્યાધિકાર છીનવી લેવામાં આવ્યો, પણ તેઓને લાંબા સમય સુધી જીવતાં રહેવા દેવામાં આવ્યાં.
”તે રાત્રે મારા સંદર્શનમાં, મનુષ્યપુત્ર જેવા એક પુરુષને આકાશના વાદળો સાથે ઊતરતો મેં જોયો. તે પુરાતનકાલીન પુરુષની પાસે આવ્યો, તેમની સમક્ષ હાજર થયો. તેને સત્તા, મહિમા તથા રાજ્યાધિકાર આપવામાં આવ્યો, જેથી બધા લોકો, પ્રજાઓ તથા વિવિધ ભાષા બોલનારાઓ તેને તાબે થાય. તેની સત્તા સનાતન છે તે કદી લોપ થશે નહિ, તેનું રાજ્ય જે કદી નાશ નહિ પામે.
”'આ ચાર મોટા પશુઓ ચાર રાજાઓ છે, તેઓ પૃથ્વી પર ઊભા થશે. પણ પરાત્પરના સંતો રાજ્ય મેળવશે અને તેઓ સદા સર્વકાળ સુધી રાજ કરશે.'
”પછી મેં ચોથા પશુનું રહસ્ય જાણવાની ઇચ્છા પ્રગટ કરી, તે બીજા બધા કરતાં જુદું હતું, તેના લોખંડના દાંત અને પિત્તળના નખ ઘણા ભયંકર હતા; તે લોકોને ભક્ષ કરતું, ભાંગીને ટુકડા કરતું, બાકી રહેલાને તેના પગ તળે કચડી નાખતું હતું. વળી તેના માથા પરનાં દસ શિંગડાં તથા બીજા શિંગડાં આગળ પેલા ત્રણ શિંગડાં પડી ગયાં તેના વિષે જાણવાની મને ઇચ્છા હતી. જે શિંગડાને આંખો તથા બડાશ મારતું મુખ હતું, જે બીજા શિંગડાં કરતાં મોટું દેખાતું હતું, તેને વિષે પણ જાણવાની ઇચ્છા દર્શાવી. હું જોતો હતો, ત્યાં તો તે શિંગડું પવિત્ર લોકોની વિરુદ્ધ યુદ્ધ કરવા લાગ્યું, તેઓને પરાજિત કરતું હતું. પેલો પુરાતનકાલીન આવ્યો, પરાત્પરના સંતોને ન્યાય આપવામાં આપ્યો. પછી સમય આવ્યો કે સંતોને રાજ્ય પ્રાપ્ત થયું.
”તે વ્યક્તિએ ચોથા પશુ માટે આ પ્રમાણે કહ્યું, ' કે, તે પૃથ્વી પર ચોથું રાજ્ય છે તે બીજાં બધાં રાજ્યો કરતાં જુદું હશે. તે આખી પૃથ્વીને ભક્ષ કરી જશે, તેને કચડી નાખશે ભાંગીને ટુકડે ટુકડા કરી નાખશે. તે દસ શિંગડાં એટલે આ રાજ્યમાંથી દસ રાજાઓ ઊભા થશે, તેમના પછી બીજો રાજા ઊભો થશે. તે અગાઉનાં કરતાં અલગ હશે, તે ત્રણ રાજાઓને જીતશે. તે પરાત્પરની વિરુદ્ધ બોલશે. પરાત્પર ઈશ્વરના પવિત્રો પર જુલમ કરશે, ધાર્મિક ઉત્સવોમાં તથા નિયમોમાં ફેરફાર કરવાનો પ્રયત્ન કરશે. એક વર્ષ માટે, બે વર્ષ માટે તથા અડધા વર્ષ માટે આ બાબત તેના હાથમાં સોંપી દેવામાં આવશે. પણ ન્યાયસભા ભરાશે, તેઓ તેનું રાજ્ય છીનવી લેશે અને અંતે તેનો સંપૂર્ણ નાશ થશે. રાજ્ય તથા સત્તા, આખા આકાશ નીચેના રાજ્યોનું માહાત્મ્ય, લોકોને સોંપવામાં આવશે જે પરાત્પરના પવિત્રોનું થશે. તેમનું રાજ્ય સદાકાળનું રાજ્ય છે, બીજા બધાં રાજ્યો તેમને તાબે થશે અને તેમની આજ્ઞામાં રહેશે.'
”તેઓમાંથી એક નાનું શિગડું ફૂટી આવ્યું, પણ દક્ષિણ તરફ, પૂર્વ તરફ તથા રળિયામણા દેશ ઇઝરાયલ તરફ તે લંબાઈને ઘણું મોટું થયું. તે વધીને આકાશના સૈન્ય સુધી પહોંચ્યું. સૈન્યોમાંના અને તારાઓમાંના કેટલાકને તેણે પૃથ્વી પર ફેંક્યા અને તેમને પગ નીચે કચડી નાખ્યા. તે વધીને ઈશ્વરીય સૈન્યના સરદાર જેટલું મોટું થયું. તેણે તેની પાસેથી દરરોજનું દહનાર્પણ લઈ લીધું અને તેના પવિત્રસ્થાનને ભ્રષ્ટ કર્યું. બંડને કારણે સૈન્ય તથા દહનાર્પણ તેને આપી દેવામાં આવ્યું. સત્યને જમીન પર ફેંકી દીધું, પોતાની ઇચ્છા પ્રમાણે વર્ત્યું અને સફળ થયું. ત્યારે મેં એક પવિત્રને બોલતો સાંભળ્યો અને બીજા પવિત્રે તેને જવાબ આપ્યો, "દહનાર્પણનો અને વિનાશ કરનાર પાપ પવિત્રસ્થાનને તેમ જ આકાશના સૈન્યને તેના પગ નીચે કચડી નાખવા વિષેના સંદર્શનનો કેટલો સમય છે?" તેણે મને કહ્યું, "બે હજાર ત્રણસો રાત્રિદિવસ સુધી, ત્યાર પછી પવિત્રસ્થાનને શુદ્ધ કરાશે."
”જ્યારે, મેં દાનિયેલે આ સંદર્શન જોયું, ત્યારે મેં તેને સમજવાનો પ્રયત્ન કર્યો. એક માણસ જેવી આકૃતિ મારી સામે ઊભી હતી. મેં ઉલાઈ નદીના કિનારા વચ્ચેથી મનુષ્યનો અવાજ સાંભળ્યો. તેણે કહ્યું, "ગાબ્રિયેલ, આ માણસને સંદર્શન સમજવામાં મદદ કર." તેથી તે જ્યાં હું ઊભો હતો ત્યાં મારી પાસે આવ્યો. તે પાસે આવ્યો; ત્યારે હું ડરીને નીચે જમીન પર પડી ગયો. તેણે મને કહ્યું, "હે મનુષ્યપુત્ર, સમજ, આ સંદર્શન અંતના સમયનું છે." તે જ્યારે બોલતો હતો ત્યારે હું જમીન પર ઊંધો પડીને ભરનિદ્રામાં પડ્યો. ત્યારે તેણે મને સ્પર્શ કરીને ઊભો કર્યો. તેણે કહ્યું, "જો, હું તને જણાવું છું કે, કોપને અંતે શું થવાનું છે, કેમ કે આ સંદર્શન ઠરાવેલા અંતના સમય વિષે છે.
”તેઓના રાજ્યના અંતે, જ્યારે તેઓનાં ઉલ્લંઘનો તેની મર્યાદા સુધી પહોંચશે ત્યારે એક વિકરાળ ચહેરાવાળો તથા બુદ્ધિશાળી રાજા ઊભો થશે. તે મહા બળવાન થશે પણ પોતાના બળથી નહિ. તે વ્યાપક રીતે વિનાશ કરશે, તે જે પણ કરશે, તેમાં તે સફળ થશે. તે શક્તિશાળી તથા પવિત્ર લોકોનો નાશ કરશે. તે પોતાની હોશિયારીથી પોતાના પ્રપંચમાં વિજયી થશે. તે રાજાઓના રાજા વિરુદ્ધ ઊભો થશે, તે તેઓને તોડી નાખશે પણ માનવ બળથી નહિ. સવાર અને સાંજ વિષે જે સંદર્શન કહેવામાં આવ્યું છે તે સાચું છે. પણ તે સંદર્શનને ગુપ્ત રાખ, કેમ કે તે ભવિષ્યના ઘણા દિવસો વિષે છે."
”અપરાધનો અંત લાવવાને, પાપનો અંત લાવવાનો, દુષ્ટતાનું પ્રાયશ્ચિત કરવાને, અનંતકાળનું ન્યાયીપણું લાવવાને, સંદર્શન તથા ભવિષ્યવાણી અમલમાં મૂકવાનું, પરમપવિત્રનો અભિષેક કરવાનું તારા લોકો અને તારા નગરને માટે નિર્માણ કરેલાં છે. માટે જાણ તથા સમજ કે યરુશાલેમની મરામત કરવાનો તથા તેને બાંધવાનો હુકમ થયાના સમયથી તે અભિષિક્તના સમય સુધી સાત અઠવાડિયાં લાગશે. બાસઠ અઠવાડિયામાં યરુશાલેમની શેરીઓ તથા ખાઈ આપત્તિના સમયમાં પણ ફરી બંધાશે. બાસઠ અઠવાડિયાં પછી અભિષિક્તનો નાશ કરવામાં આવશે અને તેની પાસે કંઈ રહેશે નહિ. એક સેનાપતિ સૈન્ય સાથે આવશે. અને નગરનો તથા પવિત્રસ્થાનનો નાશ કરશે. તેનો અંત રેલની જેમ આવશે અને અંત સુધી યુદ્ધ ચાલશે. વિનાશ નિર્માણ થયેલો છે. તે એક અઠવાડિયા સુધી કરારને પાકો કરશે. તે અઠવાડિયાની વચ્ચેના દિવસોમાં બલિદાન તથા અર્પણ બંધ કરાવશે. તિરસ્કારપાત્રની પાંખ પર વેરાન કરનાર આવશે. જે નિર્માણ થયેલું છે તે પૂરું થતા સુધી વેરાન કરનાર પર કોપ રેડવામાં આવશે."
”હું તને તારા લોકો પર ભવિષ્યમાં શું વીતવાનું છે તે સમજાવવા આવ્યો છું. કેમ કે, સંદર્શન આવનાર દિવસોને લગતું છે."
”આ બે રાજાઓ, પોતાના હૃદયમાં એકબીજા વિરુદ્ધ દુષ્ટતા કરવાનો વિચાર કરશે. તેઓ એક જ મેજ પર બેસશે અને એકબીજા આગળ જૂઠું બોલશે, પણ તેઓની ઇચ્છા પૂર્ણ થશે નહિ. કેમ કે, તેઓનો અંત નક્કી સમયે જ થશે. પછી ઉત્તરનો રાજા પુષ્કળ દ્રવ્ય લઈને પોતાને દેશ પાછો જશે; પણ તેઓનું હૃદય પવિત્ર કરાર વિરુદ્ધ રહેશે. તે પોતાની ઇચ્છા પ્રમાણે કરશે અને પોતાના દેશમાં પાછો જશે.
”પછી તે નક્કી કરેલા સમયે ફરીથી દક્ષિણ પર ચઢાઈ કરશે. પણ અગાઉ જેમ થયું તેમ તે સમયે થશે નહિ. કેમ કે કિત્તીમનાં વહાણો તેની વિરુદ્ધ આવશે; તેથી તે નિરાશ થઈને પાછો જશે, પવિત્ર કરારને તજી દેનાર પર તે કૃપા રાખશે. તેનાં લશ્કરો ઊભાં થશે અને પવિત્રસ્થાનને તથા કિલ્લાઓને અપવિત્ર કરશે; તેઓ નિત્યનું દહનાર્પણ લઈ લેશે, તેઓ વેરાનકારક ધિક્કારપાત્ર વસ્તુ ત્યાં સ્થાપશે. કરારની વિરુદ્ધ ઉલ્લંઘન કરનારને તે ખુશામતથી ધર્મભ્રષ્ટ કરશે, પણ પોતાના ઈશ્વરને ઓળખનારા લોકો તો મજબૂત થશે અને પરાક્રમી કામો કરશે. લોકોમાં જે જ્ઞાની હશે તેઓ ઘણાઓને સમજાવશે. જો કે, તો પણ તેઓ ઘણા દિવસો સુધી તલવાર તથા અગ્નિજ્વાળાથી માર્યા જશે. તેઓમાંના ઘણાને બંદીવાન તરીકે લઈ જવામાં આવશે અને તેઓની સંપત્તિને લૂંટી લેવામાં આવશે. જ્યારે તેઓ ઠોકર ખાશે, ત્યારે તેઓને થોડી મદદ કરવામાં આવશે; પણ ઘણાઓ ખુશામત કરીને તેઓની સાથે જોડાશે.
”કેટલાક જ્ઞાની તેઓને પવિત્ર કરવા સારુ, શ્વેત કરવા સારુ, તથા શુદ્ધ કરવા સારુ અંતના સમય સુધી પ્રયત્ન કરશે પણ ઠોકર ખાશે. કેમ કે ઠરાવેલો સમય હજી આવનાર છે.
”તે રાજા પોતાની મરજી પ્રમાણે કરશે. સર્વ દેવો કરતાં તે પોતાનાં વખાણ કરશે અને પોતાને મોટો માનશે, સર્વોત્તમ ઈશ્વરની વિરુદ્ધ આશ્ચર્યકારક વાતો બોલશે. તેનો ક્રોધ પૂરો થતાં તે સફળ થશે. કેમ કે જે નિર્માણ થયેલું છે તે જ પૂરું કરવામાં આવશે. તે પોતાના પૂર્વજોના દેવો કે દેવીને કે બીજા કોઈ દેવને ગણકારશે નહિ. તે ગર્વથી વર્તશે અને બધાના કરતાં પોતાને મોટો ગણશે. તેઓને બદલે તે કિલ્લાઓના દેવનો આદર કરશે. જેને તેના પૂર્વજો જાણતા નહોતા તેનો તે સોનાંચાંદી, મૂલ્યવાન પથ્થરથી તથા કિંમતી ભેટસોગાદોથી આદર કરશે. પરદેશી દેવની મદદ વડે તે સૌથી મજબૂત કિલ્લાઓને જીતી લેશે. તેને સ્વીકારનારાઓને તે આદર આપશે. તે તેઓને ઘણા લોકો પર અધિકારી બનાવશે અને મૂલ્ય લઈને જમીન વહેંચી આપશે.
”અંતના સમયે દક્ષિણનો મિસરનો રાજા તેના ઉપર હુમલો કરશે. ઉત્તરનો રાજા રથો, ઘોડેસવારો તથા ઘણાં વહાણો લઈને તેના ઉપર વાવાઝોડાની જેમ ઘસી આવશે. તે ઘણા દેશો પર ચઢી આવશે પૂરની જેમ બધે ફરી વળીને પાર નીકળી જશે. તે રળિયામણા દેશમાં આવશે; ઘણા ઠોકર ખાશે, પણ અદોમ, મોઆબ તથા આમ્મોનીઓના આગેવાનો તેના હાથમાંથી બચી જશે. તે પોતાનું સામર્થ્ય ઘણા પ્રદેશો પર લંબાવશે; મિસર દેશ પણ બચશે નહિ. સોનાચાંદીના ભંડારો તથા મિસરની બધી કિંમતી વસ્તુઓ તેના અધિકારમાં હશે; લુબ્બીઓ તથા કૂશીઓ તેની સેવા કરશે. પણ પૂર્વ તથા ઉત્તર તરફથી આવતી અફવાઓથી તે ભયભીત થઈ જશે, ઘણાઓનો નાશ કરવાને, ઘણાઓનો વિનાશ કરવાને ભારે ક્રોધમાં ચાલી આવશે. સમુદ્ર તથા રળિયામણા પવિત્ર પર્વતની વચ્ચે પોતાના બાદશાહી તંબૂઓ બાંધશે. તેનો અંત આવશે અને તેને કોઈ મદદ કરશે નહિ."
”"તે સમયે તારા લોકોની રક્ષા કરનાર મહાન રાજસરદાર મિખાયેલ ઊભો થશે. અને સંકટનો એવો સમય આવશે કે પ્રજાઓ ઉત્પન્ન થઈ ત્યારથી અત્યાર સુધીમાં એવો સમય કદી આવ્યો નથી. તે સમયે તારા લોકો જેઓનાં નામ જીવનના પુસ્તકમાં લખાયેલાં માલૂમ પડશે છે તેઓ બચી જશે. જેઓ પૃથ્વીની ધૂળમાં સૂઈ ગયા છે તેઓમાંના ઘણા બેઠા થશે, કેટલાકને અનંતજીવન મળશે, કેટલાક અનંતકાળ સુધી શરમિંદા તથા તિરસ્કારપાત્ર થશે. જેઓ જ્ઞાની છે તેઓ અંતરિક્ષના અજવાળાની જેમ પ્રકાશશે. જેઓએ ઘણાને ન્યાયીપણા તરફ વાળ્યા છે તેઓ તારાઓની જેમ સદાકાળ ચમકશે. પણ હે દાનિયેલ, અંતના સમય સુધી તું આ વચનોને ગુપ્ત રાખીને આ પુસ્તકને મહોર માર જે ઘણા લોકો અહીંતહીં દોડશે અને ડહાપણની વૃદ્ધિ થશે.
”ત્યારે મેં દાનિયેલે જોયું તો, ત્યાં બીજા બે માણસો હતા. એક નદીને આ કિનારે અને બીજો નદીને સામે કિનારે. જે શણનાં વસ્ત્ર પહેરીને નદી પર ઊભો હતો, તેને તેઓમાંના એકે પૂછ્યું, "આ આશ્ચર્યજનક ઘટનાઓનો અંત આવતાં કેટલો સમય લાગશે?" ત્યારે જે માણસ શણનાં વસ્ત્ર પહેરીને નદી પર ઊભો હતો તેણે પોતાનો જમણો અને ડાબો હાથ આકાશ તરફ ઊંચો કરીને જીવતા ઈશ્વરના સમ ખાધા કે, સમય, સમયો અને અડધો સમય સુધીની તે મુદત છે. જ્યારે તેઓ પવિત્રપ્રજાના સામર્થ્યનો અંત લાવશે, ત્યારે આ બધી બાબતો સમાપ્ત થશે.
”મેં સાંભળ્યું, પણ હું સમજી શક્યો નહિ. એટલે મેં પૂછ્યું, "હે મારા માલિક, આ સર્વ બાબતોનું પરિણામ શું આવશે? તેણે કહ્યું, " હે દાનિયેલ, તું તારે માર્ગે ચાલ્યો જા, કેમ કે, અંતના સમય સુધી આ વાતો બંધ તથા મુદ્રિત કરવામાં આવેલી છે. ઘણા લોકો પોતાને શુદ્ધ અને શ્વેત કરશે. અને તેઓને નિર્મળ કરાશે, પણ દુષ્ટો પોતાની દુષ્ટતા ચાલુ રાખશે. તેઓમાંનો કોઈ પણ દુષ્ટ સમજશે નહિ, પણ જેઓ જ્ઞાની છે તેઓ સમજશે.
”પ્રતિદિન ચઢતાં દહનાપર્ણો બંધ કરવામાં આવશે, વેરાન કરનાર ધિક્કારપાત્ર વસ્તુ ત્યાં સ્થાપિત કરવામાં આવશે. તે સમયથી એક હજાર બસો નેવું દિવસો હશે. જે માણસ એક હજાર ત્રણસો પાંત્રીસ દિવસ સુધી રાહ જોશે અને ટકી રહેશે તેને ધન્ય છે. પરંતુ અંત આવે ત્યાં સુધી તું તારે માર્ગે ચાલ્યો જા. કેમ કે તું આરામ પામશે. નિયત દિવસોને અંતે તને સોંપવામાં આવેલા સ્થાનમાં તું ઊભો રહેશે."
”આ યહોવાહની ઘોષણા છે કે, "તે દિવસે એવું થશે" "કે તે મને 'મારા પતિ' કહીને બોલાવશે, ફરીથી 'મારા બાલ' એવું કહીને નહિ બોલાવશે.
”સિયોનમાં રણશિંગડું વગાડો, અને મારા પવિત્ર પર્વત પર ભયસૂચક નગારું વગાડો. દેશના સર્વ રહેવાસીઓ, તમે કાંપો કેમ કે યહોવાહનો દિવસ આવે છે; તે દિવસ તદ્દન નજીક આવી પહોંચ્યો છે. અંધકાર અને વિષાદનો દિવસ, વાદળ અને અંધકારનો દિવસ. તે દિવસ પર્વતો પર દેખાતાં ઝળઝળાં જેવો થશે. એવું પહેલાં કદી બન્યું નથી કે, હવે પછી ઘણી પેઢીઓ સુધી, બીજી કોઈ પેઢીઓમાં કદી થશે નહિ, એવી મોટી તથા બળવાન પ્રજા આવશે. અગ્નિ તેઓની આગળ ભસ્મ કરે છે, અને તેઓની પાછળ જ્વાળાઓ બળે છે. તેઓની સમક્ષ ભૂમિ એદન બાગ જેવી છે, અને તેઓની પાછળ તે ઉજ્જડ અરણ્ય જેવી થાય છે. તેમના હાથમાંથી કોઈ પણ બચી જતું નથી. તેમનો દેખાવ ઘોડાઓનાં દેખાવ જેવો છે, અને જાણે ઘોડેસવાર હોય તેમ તેઓ દોડે છે. પર્વતોનાં શિખરો પર ગડગડાટ રથોની જેમ ખૂંપરા ભસ્મ કરતી અગ્નિની જવાળાઓની જેમ અને યુદ્ધભૂમિમાં શક્તિશાળી સેનાની જેમતેઓ આગળ વધે છે. તેઓને જોતાં પ્રજાઓ ધ્રૂજી ઊઠે છે. અને ભયને કારણે સૌના ચહેરા નિસ્તેજ થઈ જાય છે. તેઓ સૈનિકોની માફક દોડે છે અને લડવૈયાની જેમ તેઓ કોટ ઉપર ચઢી જાય છે. તેઓ બધા પોતપોતાને માર્ગે ચાલે છે અને પોતાની હરોળ તોડતા નથી. તેઓ એકબીજાની સાથે ધક્કાધક્કી કરતા નથી, પણ સીધે માર્ગે જાય છે. તેઓ સૈન્ય મધ્યે થઈને પાર ધસી જાય છે. તેઓ પોતાનો માર્ગ બદલતા નથી. તેઓ નગરમાં ઉમટ્યા છે. તેઓ દીવાલો પર દોડે છે. તેઓ ઘરોની અંદર પેસી જાય છે. અને ચોરની જેમ અંદર બારીઓમાં થઈને પ્રવેશે છે. તેઓની આગળ ધરતી ધ્રુજે છે અને આકાશો થરથરે છે; સૂર્ય અને ચંદ્ર અંધારાઈ જાય છે અને તારાઓ ઝાંખા પડી જાય છે. યહોવાહ તેઓનાં સૈન્યોને મોટે સાદે પોકારે છે, તેઓનું સૈન્ય મોટું છે; અને જેઓ તેમની આજ્ઞા પાળે છે તેઓ શક્તિશાળી છે. યહોવાહનો દિવસ ભારે અને ભયંકર છે તેને કોણ સહન કરી શકે?
”ત્યારે એમ થશે કે હું મારો આત્મા સર્વ મનુષ્ય પર રેડી દઈશ. તમારા દીકરાઓ અને દીકરીઓ પ્રબોધ કરશે, તમારા વૃદ્ધોને સ્વપ્નો આવશે તમારા યુવાનોને સંદર્શનો થશે. વળી તે સમયે દાસો અને દાસીઓ ઉપર, હું મારો આત્મા રેડીશ.
”વળી હું પૃથ્વી પર અને આકાશમાં આશ્ચર્યજનક કાર્યો બતાવીશ, એટલે કે લોહી, અગ્નિ તથા ધુમાડાના સ્તંભો. યહોવાહનો મહાન અને ભયંકર દિવસ આવે તે પહેલાં, સૂર્ય અંધકારરૂપ, અને ચંદ્ર લોહીરૂપ થઈ જશે. તે સમયે એમ થશે કે, જે કોઈ યહોવાહને નામે વિનંતી કરશે તે ઉધ્ધાર પામશે. કેમ કે જેમ યહોવાહે કહ્યું છે તેમ, સિયોન પર્વત પર અને યરુશાલેમમાં કેટલાક બચી જશે, અને શેષમાંથી, જેને યહોવાહ બોલાવે છે તેઓનો પણ બચાવ થશે.
”તમે દાતરડા ચલાવો, કેમ કે કાપણીનો સમય આવ્યો છે. આવો, દ્રાક્ષાઓને ખૂંદો, દ્રાક્ષચક્કી ભરાઈ ગઈ છે, દ્રાક્ષાકુંડો ઉભરાઈ જાય છે, કેમ કે તેમની દુષ્ટતા મોટી છે." ન્યાયચુકાદાની ખીણમાં લોકોના ટોળેટોળાં મોટો જનસમુદાય છે કેમ કે ન્યાયચુકાદાની ખીણમાં યહોવાહનો દિવસ પાસે છે. સૂર્ય અને ચંદ્ર અંધારાય છે, અને તારાઓનો પ્રકાશ ઝાંખો પડ્યો છે. યહોવાહ સિયોનમાંથી ગર્જના કરશે, અને યરુશાલેમમાંથી પોકાર કરશે, પૃથ્વી અને આકાશ કાંપશે, પણ યહોવાહ તેમના લોકો માટે સુરક્ષિત સ્થળ થશે, તેઓ ઇઝરાયલ લોકો માટે કિલ્લો થશે.
”તેથી તમે જાણશો કે મારા પવિત્ર પર્વત સિયોન ઉપર રહેનાર હું યહોવાહ તમારો ઈશ્વર છું. પછી યરુશાલેમ પવિત્ર બનશે, અને વિદેશીઓ તેના પર ફરી આક્રમણ કરશે નહિ. તે દિવસે એમ થશે કે, પર્વતોમાંથી મીઠો દ્રાક્ષારસ ટપકશે, અને ડુંગરોમાંથી દૂધ વહેશે, યહૂદિયાની સુકાઈ ગયેલી ધારાઓ પાણીથી ભરપૂર થશે. શિટ્ટીમની ખીણને પાણી પહોંચાડવા, યહોવાહના પવિત્રસ્થાનમાંથી ઝરો નીકળશે. મિસર વેરાન થઈ જશે, અને અદોમ ઉજ્જડ બનશે, કેમ કે આ લોકોએ યહૂદાના વંશજો પર ઉત્પાત ગુજાર્યો હતો, તેઓએ પોતાના દેશમાં નિર્દોષ લોહી વહેવડાવ્યું છે. પણ યહૂદિયા સદાકાળ માટે, અને યરુશાલેમ પેઢી દર પેઢી માટે ટકી રહેશે. તેઓનું લોહી કે જેને મેં નિર્દોષ ગણ્યું નથી તેને હું નિર્દોષ ગણીશ," કેમ કે યહોવાહ સિયોનમાં રહે છે.
”પણ પાછલા દિવસોમાં, યહોવાહના સભાસ્થાનના પર્વતની સ્થાપના પર્વતોમાં સૌથી ઉન્નત કરાશે, તેને બીજા ડુંગરો કરતાં ઊચો કરવામાં આવશે. અને લોકોના ટોળેટોળાં ત્યાં ચાલ્યા આવશે. ઘણાં લોકો આવશે અને કહેશે કે, "ચાલો, આપણે યહોવાહના પર્વત ઉપર, યાકૂબના ઈશ્વરના ઘરમાં જઈએ; તે આપણને તેમના માર્ગો શીખવશે, અને આપણે તેમના માર્ગોમાં ચાલીશું." કેમ કે સિયોનમાંથી નિયમશાસ્ત્ર અને યહોવાહના વચન યરુશાલેમમાંથી બહાર નીકળશે. તે ઘણા લોકોની વચ્ચે ન્યાય કરશે, તે દૂરના બળવાન રાષ્ટ્રોનો ઇન્સાફ કરશે. તેઓ પોતાની તલવારો ટીપીને હળની કોશો બનાવશે; પોતાના ભાલાઓનાં દાતરડાં બનાવશે. પ્રજાઓ એકબીજા વિરુદ્ધ તલવાર ઉગામશે નહિ તેઓ ફરીથી કદી યુદ્ધનું શિક્ષણ લેશે નહિ. પણ, તેઓ પોતપોતાના દ્રાક્ષાવેલા નીચે તથા પોતપોતાની અંજીરી નીચે બેસશે. કોઈ તેમને બીવડાવશે નહિ, કેમ કે સૈન્યોના યહોવાહના મુખમાંથી આ વચન બોલાયું છે.
”યહોવાહનો મહાન દિવસ નજીક છે તે નજીક છે અને બહુ ઝડપથી આવે છે. યહોવાહના દિવસનો સાદ સંભળાય છે, તે વખતે યોદ્ધાઓ પોક મૂકીને રડે છે. તે દિવસ કોપનો દિવસ, દુ:ખ તથા સંકટનો દિવસ, વિનાશનો તથા આફતનો દિવસ, અંધકાર તથા ધૂંધળાપણાનો દિવસ, વાદળો તથા અંધકારનો દિવસ, કોટવાળાં નગરો વિરુદ્ધ તથા ઊંચા બુરજો વિરુદ્ધ રણશિંગડાનો તથા ભયસૂચક નાદનો દિવસ છે. કેમ કે હું માણસો ઉપર એવી આપત્તિ લાવીશ કે, તેઓ દ્રષ્ટિહીન માણસની જેમ ચાલશે, કેમ કે તેઓએ યહોવાહની વિરુદ્ધ પાપ કર્યુ છે. તેઓનું લોહી ધૂળની માફક વહેશે અને તેઓનાં શરીર છાણની જેમ ફેંકી દેવામાં આવશે. યહોવાહના કોપના દિવસે તેઓનું સોનું કે ચાંદી તેઓને ઉગારી શકશે નહિ, આખી પૃથ્વી યહોવાહના પ્રચંડ ક્રોધના અગ્નિથી ભસ્મીભૂત થઈ જશે. પૃથ્વી પરના સર્વ રહેવાસીઓનો અંતે, ઝડપી વિનાશ થશે."
”માટે યહોવાહ કહે છે, મારી રાહ જુઓ" હું નાશ કરવા ઊભો થાઉં તે દિવસ સુધી રાહ જુઓ. કેમ કે મારો નિર્ણય પ્રજાઓને એકત્ર તથા રાજ્યોને ભેગા કરીને, તેઓના પર મારો બધો ગુસ્સો અને પ્રચંડ ક્રોધ વરસાવવાનો છે. જેથી આખી પૃથ્વી મારી ઈર્ષાના અગ્નિથી નાશ પામે.
”પણ ત્યારે હું બધા લોકોને પવિત્ર હોઠ આપીશ, જેથી તેઓ યહોવાહના નામની વિનંતી કરીને એકમતના થઈને મારી સેવા કરે.
”કેમ કે સૈન્યોના યહોવાહ કહે છે, 'થોડી જ વારમાં હું આકાશ, પૃથ્વી, સમુદ્ર તથા સૂકી ધરતીને હલાવું છું. અને હું બધી પ્રજાઓને હલાવીશ, દરેક પ્રજા તેઓની કિંમતીવસ્તુ મારી પાસે લાવશે, અને આ સભાસ્થાનને હું ગૌરવથી ભરી દઈશ. સૈન્યોના યહોવાહ કહે છે. સૈન્યોના યહોવાહ એવું કહે છે, ચાંદી તથા સોનું મારું છે. 'સૈન્યોના યહોવાહ કહે છે, આ સભાસ્થાનનું ભૂતકાળનું ગૌરવ તેની શરૂઆતના ગૌરવ કરતાં વધારે હશે, 'અને આ જગ્યામાં હું સલાહ શાંતિ આપીશ. એવું સૈન્યોના યહોવાહ કહે છે."
”જો, યહોવાહનો એક એવો દિવસ આવે છે કે, જ્યારે તારી લૂંટ તારી મધ્યે વહેંચવામાં આવશે. કેમ કે હું બધી પ્રજાઓને યરુશાલેમ વિરુદ્ધ યુદ્ધ માટે એકત્ર કરીશ, નગર કબજે કરવામાં આવશે. ઘરો લૂંટવામાં આવશે અને સ્ત્રીઓ પર બળાત્કાર કરવામાં આવશે. અડધું નગર બંદીખાનામાં જશે, પણ બાકીના લોકો નગરમાંથી કાપી નાખવામાં આવશે નહિ. પણ જેમ યહોવાહ યુદ્ધના દિવસે લડ્યા હતા તેમ તે પ્રજાઓની જેમ લડશે.
”તે દિવસે તેમના પગ યરુશાલેમની પૂર્વમાં આવેલા જૈતૂનના પર્વત ઉપર ઊભા રહેશે. જૈતૂન પર્વત પૂર્વ તથા પશ્ચિમ વચ્ચે અડધો અડધ વિભાજિત થઈ જશે અને બહુ મોટી ખીણ થઈ જશે, અડધો પર્વત ઉત્તર તરફ અને બાકીનો અડધો દક્ષિણ તરફ પાછો જશે. તમે પર્વતોની ખીણમાં થઈને નાસી જશો, પર્વતોની ખીણ આસેલ સુધી પહોંચશે. યહૂદિયાના રાજા ઉઝિયાના સમયમાં તમે ધરતીકંપ વખતે નાસી છૂટ્યા હતા તેમ તમે નાસશો. ત્યારે યહોવાહ મારા ઈશ્વર પોતાના સંતો સાથે આવશે. તે દિવસે એવું થશે કે ત્યાં અજવાળું ઠંડી કે હિમ હશે નહિ. તે દિવસે કેવો હશે તે યહોવાહ જાણે છે, એટલે કે તે દિવસ પણ નહિ હોય અને રાત પણ નહિ હોય, કેમ કે સાંજના સમયે અજવાળું હશે. તે દિવસે યરુશાલેમમાંથી સતત પાણી વહેશે. અડધો પ્રવાહ પૂર્વ સમુદ્રમાં અને અડધો પ્રવાહ પશ્ચિમ સમુદ્ર તરફ જશે. ઉનાળો હશે કે શિયાળો પણ એવું જ થશે.
”યહોવાહ આખી પૃથ્વી ઉપર રાજા થશે. તે દિવસે યહોવાહ ઈશ્વર એક જ હશે અને તેમનું નામ પણ એક જ હશે.
”સમગ્ર પ્રદેશ ગેબાથી તે યરુશાલેમની દક્ષિણે રિમ્મોન સુધી અરાબાહ જેવો થઈ જશે. યરુશાલેમ બિન્યામીનના દરવાજાથી પહેલા દરવાજાની જગા સુધી, એટલે ખૂણાના દરવાજા સુધી અને હનાનએલના બુરજથી તે રાજાના દ્રાક્ષકુંડ સુધી ઊંચું કરવામાં આવશે. લોકો યરુશાલેમમાં રહેશે, તેના પર કદી શાપ ઊતરશે નહિ; યરુશાલેમ સહીસલામત રહેશે. જે લોકોએ યરુશાલેમ વિરુદ્ધ યુદ્ધ કર્યું હશે તેઓને યહોવાહ મરકીથી મારશે: તેઓ પોતાના પગ પર ઊભા હશે એટલામાં તેમનું માંસ સડી જશે. તેઓની આંખો તેઓના ખાડામાં સડી જશે, તેઓની જીભ તેમના મોંમાં સડી જશે. તે સમયે યહોવાહ તરફથી લોકોમાં મોટો કોલાહલ થશે અને દરેક માણસ પોતાના પડોશીનો હાથ પકડશે. દરેક હાથ પોતાના પડોશીની વિરુદ્ધ ઊઠશે. અને યહૂદિયા યરુશાલેમની સામે યુદ્ધ કરશે, તેઓ આસપાસની બધી પ્રજાઓની સંપત્તિ, સોનું, ચાંદી અને સારાં વસ્ત્રો મોટા જથામાં ભેગાં કરશે. તે છાવણીઓમાંના ઘોડા, ખચ્ચરો, ઊંટો, ગધેડાં તથા બીજા બધાં પશુઓનો મરકીથી મરો થશે.
”ત્યારે યરુશાલેમની વિરુદ્ધ ચઢી આવેલી પ્રજાઓમાંથી બચેલો માણસ રાજાની, સૈન્યોના યહોવાહની આરાધના કરવા તથા માંડવાપર્વ ઊજવવા દરવર્ષે જશે. અને એવું થશે કે જો પૃથ્વી પરનાં બધાં કુટુંબોમાંથી જે કોઈ રાજાની, એટલે સૈન્યોના યહોવાહની આરાધના કરવા યરુશાલેમ નહિ જાય, તો યહોવાહ તેઓના પર વરસાદ લાવશે નહિ. અને જો મિસરનાં કુટુંબો ત્યાં જશે આવશે નહિ, તો તેઓ વરસાદ પ્રાપ્ત કરશે નહિ. જે પ્રજાઓ માંડવાપર્વ પાળવા જશે નહિ તેઓને યહોવાહ મરકીથી મારશે. મિસર તથા માંડવાપર્વ પાળવા નહિ જનાર સર્વ પ્રજાને આ શિક્ષા કરવામાં આવશે.
”પણ તે દિવસે, ઘોડાઓ પરની ઘંટડીઓ કહેશે, "યહોવાહને સારુ પવિત્ર" અને યહોવાહના સભાસ્થાનનાં તપેલાં વેદી આગળના વાટકા જેવાં થશે. કેમ કે યરુશાલેમ તથા યહૂદિયામાનું દરેક તપેલું સૈન્યોના યહોવાહને માટે પવિત્ર થશે, બલિદાન લાવનાર સર્વ માણસો તેમાં બાફશે અને તેમાંથી ખાશે. તે દિવસે સૈન્યોના યહોવાહના ઘરમાં કોઈ કનાની હશે નહિ.
”પણ તેમના આવવાનો દિવસ કોણ સહન કરી શકે? અને જ્યારે તેઓ પ્રગટ થશે ત્યારે કોણ ઊભો રહી શકશે? કેમ કે તે ધાતુને શુદ્ધ કરનાર અગ્નિ સમાન તથા ધોબીના સાબુ સમાન છે. તે ચાંદી ગાળનાર તથા શુદ્ધ કરનારની જેમ ન્યાય કરવા બિરાજશે. તે લેવીના દીકરાઓને શુદ્ધ કરશે. તે તેમને સોના તથા ચાંદી જેવા શુદ્ધ કરશે, તેઓ યહોવાહને ન્યાયીપણાનું અર્પણ ચઢાવશે.
”ખેતર દુનિયા છે; સારાં બી રાજ્યના સંતાન છે; પણ કડવા દાણા શેતાનના સંતાન છે; જેણે વાવ્યાં તે દુશ્મન શેતાન છે; કાપણી જગતનો અંત છે; અને કાપનારાં સ્વર્ગદૂતો છે. એ માટે જેમ કડવા દાણા એકઠા કરાય છે, અને અગ્નિમાં બાળી નંખાય છે, તેમ આ જગતને અંતે થશે. માણસનો દીકરો પોતાના સ્વર્ગદૂતોને મોકલશે, પાપમાં પાડનારી બધી વસ્તુઓને તથા દુષ્ટતા કરનારાંઓને તેમના રાજ્યમાંથી તેઓ એકઠા કરશે. અને તેઓને બળતી ભઠ્ઠીમાં નાખી દેશે, ત્યાં રડવું ને દાંત પીસવું થશે. ત્યારે ન્યાયીઓ પોતાના પિતાના રાજ્યમાં સૂર્યની જેમ પ્રકાશશે. જેને સાંભળવાને કાન છે તે સાંભળે.
”વળી સ્વર્ગનું રાજ્ય જાળના જેવું છે, જેને લોકોએ સમુદ્રમાં નાખી, અને દરેક જાતનાં સમુદ્રજીવો તેમાં સમેટાયા. જયારે તે ભરાઈ ગઈ ત્યારે તેઓ તેને કિનારે ખેંચી લાવ્યા, બેસીને જે સારું હતું તે તેઓએ વાસણમાં એકઠું કર્યું, પણ નરસું ફેંકી દીધું. એમ જ જગતને અંતે પણ થશે. સ્વર્ગદૂતો આવીને ન્યાયીઓમાંથી ભૂંડાઓને જુદાં પાડશે; અને તેઓ તેઓને બળતી ભઠ્ઠીમાં ફેંકી દેશે; ત્યાં રડવું ને દાંત પીસવું થશે.
”પણ તેમણે ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, 'સાંજ પડે છે ત્યારે તમે કહો છો કે ઉઘાડ થશે, કેમ કે આકાશ લાલ છે. સવારે તમે કહો છો કે, આજે વરસાદ પડશે, કેમ કે આકાશ લાલ તથા અંધરાયેલું છે. તમે આકાશનું રૂપ પારખી જાણો છો ખરા, પણ સમયોના ચિહ્ન તમે પારખી નથી શકતા.
”કેમ કે માણસનો દીકરો પોતાના પિતાના મહિમામાં પોતાના સ્વર્ગદૂતો સહિત આવશે, ત્યારે તે દરેકને તેમના કાર્યો પ્રમાણે બદલો ભરી આપશે. હું તમને નિશ્ચે કહું છું કે, અહીં જેઓ ઊભા છે તેઓમાંના કેટલાક એવા છે કે જે માણસના દીકરાને તેના રાજ્યમાં આવતો દેખશે ત્યાં સુધી મરણ પામશે જ નહિ.
”ઈસુએ તેઓને કહ્યું, 'હું તમને નિશ્ચે કહું છું કે, જયારે પુનઃઆગમનમાં માણસનો દીકરો પોતાના મહિમાના રાજ્યાસન પર બેસશે, ત્યારે તમે, મારી પાછળ આવનારા, ઇઝરાયલનાં બાર કુળનો ન્યાય કરતાં બાર રાજ્યાસનો પર બિરાજશો.'
”પછી જૈતૂનનાં પહાડ પર ઈસુ બેઠા હતા, ત્યારે શિષ્યોએ એકાંતમાં તેમની પાસે આવીને કહ્યું કે, 'એ બધુ ક્યારે થશે? તમારા આવવાની તથા જગતના અંતની શી નિશાની થશે? તે અમને કહો. ત્યારે ઈસુએ ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, 'તમને કોઈ ન ભુલાવે માટે સાવધાન રહો. કેમ કે મારે નામે ઘણાં એમ કહેતાં આવશે કે, હું તે ખ્રિસ્ત છું; અને ઘણાંને ગેરમાર્ગે દોરશે. યુધ્ધો તથા યુધ્ધોની અફવાઓ તમે સાંભળશો, ત્યારે જોજો, ગભરાતા ના; કેમ કે એ બધું થવાની અગત્ય છે, પણ એટલેથી જ અંત નહિ આવે. કેમ કે પ્રજા પ્રજાની વિરુદ્ધ તથા રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઊઠશે દુષ્કાળો, મરકીઓ તથા જગ્યા જગ્યાએ ધરતીકંપો થશે. પણ આ બધાં તો માત્ર મહાદુઃખનો આરંભ છે.
”ત્યારે તેઓ તમને વિપત્તિમાં નાખશે, તમને મારી નાખશે, મારા નામને લીધે સઘળી પ્રજાઓ તમારો દ્વેષ કરશે. અને તે સમયે ઘણાં ઠોકર ખાશે, અને એકબીજાને પરાધીન કરાવશે અને એકબીજા પર વૈર કરશે. ઘણાં જૂઠાં પ્રબોધકો ઊઠશે, અને ઘણાંને ભુલાવામાં નાખશે, અન્યાય વધી જવાનાં કારણથી ઘણાંખરાનો પ્રેમ ઠંડો થઈ જશે. પણ જે અંત સુધી ટકશે તે જ ઉદ્ધાર પામશે. સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા માટે ઈશ્વરના રાજ્યની આ સુવાર્તા આખી દુનિયામાં પ્રગટ કરાશે; ત્યારે અંત આવશે.
”માટે પાયમાલીની ધિક્કારપાત્રતા જે સંબંધી દાનિયેલ પ્રબોધકે કહેલું છે, તેને જયારે તમે પવિત્રસ્થાને ઊભેલી જુઓ, વાચક તેનો અર્થ સમજે, ત્યારે જેઓ યહૂદિયામાં હોય તેઓ પહાડો પર નાસી જાય; અગાશી પર જે હોય તે પોતાના ઘરનો સામાન લેવાને ન ઊતરે; જે ખેતરમાં હોય તે પોતાનાં વસ્ત્ર લેવાને પાછો આવે. તે દિવસોમાં જેઓ સગર્ભા હોય અને જેઓ સ્તનપાન કરાવતી હોય, તેઓને અફસોસ છે. પણ તમારું નાશવાનું શિયાળામાં કે વિશ્રામવારે ન થાય, તે માટે તમે પ્રાર્થના કરો. કેમ કે તે સમયે એવી મોટી વિપત્તિ આવી પડશે કે તેના જેવી સૃષ્ટિના આરંભથી તે આજ સુધી આવી નથી, અને કદી આવશે પણ નહિ. જો તે દિવસો ઓછા કરવામાં ન આવત તો કોઈ માણસ બચી ન શકત; પણ પસંદ કરેલાઓની ખાતર તે દિવસો ઓછા કરાશે.
”ત્યારે જો કોઈ તમને કહે કે, જુઓ, ખ્રિસ્ત અહીં અથવા ત્યાં છે, તો તમે માનશો નહિ; કેમ કે નકલી ખ્રિસ્તો તથા જૂઠાં પ્રબોધકો ઊઠશે, અને મોટા ચમત્કારિક ચિહ્નો તથા આશ્ચર્યકર્મો કરી બતાવશે કે જો બની શકે તો પસંદ કરેલાઓને પણ તેઓ ભુલાવી શકે. જુઓ, મેં અગાઉથી તમને કહ્યું છે. એ માટે જો તેઓ તમને કહે કે, 'જુઓ, તે અરણ્યમાં છે,' તો બહાર જતા નહીં; કે જુઓ, તે ઓરડીઓમાં છે,' તો માનતા નહિ. કેમ કે જેમ વીજળી પૂર્વથી નીકળીને પશ્ચિમ સુધી ચમકે છે, તેમ જ માણસના દીકરાનું આગમન થશે. જ્યાં મૃતદેહ હોય, ત્યાં ગીધો એકઠાં થશે.
”તે દિવસોની વિપત્તિ પછી, તરત સૂર્ય અંધકારરૂપ થઈ જશે, ચંદ્ર પોતાનું અજવાળું નહિ આપે અને આકાશથી તારા ખરશે, તથા આકાશનાં પરાક્રમો હલાવાશે. પછી માણસના દીકરાની નિશાની આકાશમાં દેખાશે, ત્યારે પૃથ્વી પરનાં સઘળાં કુળો શોક કરશે; અને માણસના દીકરાને પરાક્રમ તથા મહામહિમાસહિત તેઓ આકાશનાં વાદળ પર આવતા જોશે. રણશિંગડાના મોટા અવાજ સહિત તે પોતાના સ્વર્ગદૂતોને મોકલશે, તેઓ ચારે દિશામાંથી, આકાશના એક છેડાથી તે બીજા છેડા સુધી, તેમના પસંદ કરેલાઓને એકત્ર કરશે.
”હવે અંજીરી પરથી તેનું દ્રષ્ટાંત શીખો. જયારે તેની ડાળી કુમળી થઈ હોય છે અને પાંદડાં ફૂટી નીકળે છે, ત્યારે તમે જાણો છો કે ઉનાળો પાસે છે. એમ જ તમે પણ જયારે તે બધાં થતાં જુઓ, ત્યારે તમારે જાણવું કે, ખ્રિસ્ત પાસે એટલે બારણા આગળ જ છે. હું તમને નિશ્ચે કહું છું કે, તે બધાં પૂરાં નહિ થશે ત્યાં સુધી આ પેઢી મરણ પામશે નહિ. આકાશ તથા પૃથ્વી નાશ પામશે, પણ મારી વાતો પૂર્ણ થયા વિના રહેશે નહિ. પણ તે દિવસો તથા તે ઘડી સંબંધી પિતા વગર કોઈ પણ જાણતું નથી, આકાશમાંનાં સ્વર્ગદૂતો નહિ તેમ જ દીકરો પણ નહિ. જેમ નૂહના સમયમાં થયું, તેમ જ માણસના દીકરાનું આગમન પણ થશે. કેમ કે જેમ જળપ્રલયની અગાઉ નૂહ વહાણમાં બેઠો ત્યાં સુધી તેઓ ખાતા, પીતા, પરણતા, પરણાવતા હતા; અને જળપ્રલય આવીને બધાને તાણી લઈ ગયો, ત્યાં સુધી તેઓ ન સમજ્યા, તેમ જ માણસના દીકરાનું આવવું પણ થશે.
”તે સમયે બે માણસ ખેતરમાં હશે તેમાંનો એક લેવાશે તથા બીજો પડતો મુકાશે. બે સ્ત્રીઓ ઘંટીએ દળતી હશે તેમાંની એક લેવાશે અને બીજી પડતી મુકાશે. માટે જાગતા રહો, કેમ કે તમે જાણતા નથી કે કયા દિવસે તમારા પ્રભુ આવી રહ્યા છે. પણ જાણો કે ચોર કયા પહોરે આવશે એ જો ઘરનો માલિક જાણતો હોત, તો તે જાગતો રહેત અને પોતાના ઘરમાં તેને ચોરી કરવા ન દેત. એ માટે તમે પણ તૈયાર રહો; કેમ કે જે સમયે તમે ધારતા નથી તે જ સમયે માણસનો દીકરો ઈસુ આવશે.
”તો જે ચાકરને તેના માલિકે પોતાના ઘરનાને સમયસર ખાવાનું આપવા સારુ પોતાના ઘરનો કારભારી ઠરાવ્યો છે, તેવો વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર કોણ છે? જે ચાકરને તેનો માલિક આવીને એમ કરતો જોશે, તે ચાકર આશીર્વાદિત છે. હું તમને સાચું કહું છું કે, તે તેને પોતાની બધી સંપત્તિનો કારભારી ઠરાવશે. પણ જો કોઈ દુષ્ટ ચાકર પોતાના મનમાં કહે કે, 'મારા માલિકને આવવાની વાર છે;' અને તે બીજા દાસોને મારવા તથા છાકટાઓની સાથે ખાવાપીવા લાગે; તો જે દિવસે તે તેની રાહ જોતો નહિ હોય અને જે સમય તે જાણતો નહિ હોય તે જ સમયે તેનો માલિક આવશે. તે તેને કાપી નાખશે તથા તેનો ભાગ ઢોંગીઓની સાથે ઠરાવશે; ત્યાં રડવાનું તથા દાંત પીસવાનું થશે.
”તો સ્વર્ગના રાજ્યને દસ કુમારિકાઓની ઉપમા અપાશે કે, જેઓ પોતાની મશાલો લઈને વરરાજાને મળવા સારુ બહાર ગઈ. તેઓમાંની પાંચ મૂરખી હતી અને પાંચ બુદ્ધિમાન હતી. મૂર્ખીઓએ પોતાની મશાલો લીધી ખરી, પણ તેઓએ સાથે તેલ લીધું નહિ. પણ બુદ્ધિવંતીઓએ પોતાની મશાલો સાથે કુપ્પીમાં તેલ લીધું. વરરાજાને આવતાં વાર લાગી એટલામાં તેઓ સર્વ ઝોકાં ખાઈને નિદ્રાવશ થઈ. મધરાતે જાહેરાત થઈ કે, જુઓ, વરરાજા આવ્યો છે, તેને મળવાને નીકળો. ત્યારે તે સર્વ કુમારિકાઓએ ઊઠીને પોતાની મશાલો તૈયાર કરી. મૂર્ખીઓએ બુદ્ધિવંતીઓને કહ્યું કે, 'તમારા તેલમાંથી અમને આપો, કેમ કે અમારી મશાલો હોલવાઈ જાય છે.' પણ બુદ્ધિવંતીઓએ ઉત્તર આપતાં કહ્યું કે, 'કદાચ અમને તથા તમને પૂરું નહિ પડે, માટે તમે વેચનારાઓની પાસે જઈને પોતાને સારુ તેલ વેચાતું લો.' તેઓ તેલ ખરીદવા ગઈ એટલામાં વરરાજા આવી પહોંચ્યા, જેઓ તૈયાર હતી તેઓ તેમની સાથે લગ્નજમણમાં ગઈ અને બારણું બંધ કરવામાં આવ્યું. પછી મૂર્ખ કુમારિકાઓએ આવીને કહ્યું કે, 'ઓ સ્વામી, સ્વામી, અમારે સારુ ઉઘાડો.' પણ તેણે ઉત્તર દેતાં કહ્યું, હું તમને નિશ્ચે કહું છું કે હું તમને ઓળખતો નથી. માટે તમે જાગતા રહો, કેમ કે તે દિવસ અથવા તે ઘડી તમે જાણતા નથી.
”જયારે માણસના દીકરા [ઈસુ] પોતાના મહિમામાં સર્વ પવિત્ર સ્વર્ગદૂતો સાથે આવશે, ત્યારે તે પોતાના મહિમાના રાજ્યાસન પર બેસશે. સર્વ દેશજાતિઓ તેમની આગળ એકઠી કરાશે; અને જેમ ઘેટાંપાળક ઘેટાંને બકરાંથી જુદાં પાડે છે, તેમ તે તેઓને એકબીજાથી જુદા પાડશે. ઘેટાંને તે પોતાને જમણે હાથે, પણ બકરાંને ડાબે હાથે રાખશે.
”ત્યારે રાજા પોતાની જમણી તરફનાઓને કહેશે કે, 'મારા પિતાના આશીર્વાદિતો તમે આવો, જે રાજ્ય સૃષ્ટિનો પાયો નાખ્યા અગાઉ તમારે સારુ તૈયાર કરેલું છે તેનો વારસો લો. કેમ કે હું ભૂખ્યો હતો, ત્યારે તમે મને ખવડાવ્યું; હું તરસ્યો હતો, ત્યારે તમે મને [પાણી] પાયું; હું પારકો હતો; ત્યારે તમે મને અતિથિ તરીકે રાખ્યો; હું નિર્વસ્ત્ર હતો, ત્યારે તમે મને વસ્ત્ર પહેરાવ્યાં; હું માંદો હતો ત્યારે તમે મને જોવા આવ્યા; હું જેલમાં હતો, ત્યારે તમે મારી ખબર લીધી.' ત્યારે ન્યાયીઓ તેમને ઉત્તર આપશે કે, 'પ્રભુ, ક્યારે અમે તમને ભૂખ્યા જોઈને ખવડાવ્યું, તરસ્યા જોઈને [પાણી] પાયું?' ક્યારે અમે તમને પારકા જોઈને અતિથિ રાખ્યા, નિર્વસ્ત્ર જોઈને વસ્ત્ર પહેરાવ્યાં? ક્યારે અમે તમને માંદા અથવા જેલમાં જોઈને તમારી ખબર લીધી? ત્યારે રાજા તેઓને ઉત્તર આપશે, 'હું તમને નિશ્ચે કહું છું કે, 'આ મારા ભાઈઓમાંના બહુ નાનાંઓમાંથી એકને તમે તે કર્યું એટલે તે મને કર્યું.'
”પછી ડાબી તરફનાઓને પણ તે કહેશે કે, 'ઓ શાપિતો, જે અનંતઅગ્નિ શેતાન તથા તેના નર્કદૂતોને સારુ તૈયાર કરેલો છે, તેમાં તમે મારી આગળથી જાઓ. કેમ કે હું ભૂખ્યો હતો, પણ તમે મને ખવડાવ્યું નહિ, હું તરસ્યો હતો, પણ તમે મને [પાણી] પાયું નહિ; હું પારકો હતો, પણ તમે મને અતિથિ રાખ્યો નહિ; નિર્વસ્ત્ર હતો, પણ તમે મને વસ્ત્ર પહેરાવ્યાં નહિ; માંદો તથા જેલમાં હતો, પણ તમે મારી ખબર લીધી નહિ.' ત્યારે તેઓ પણ તેમને ઉત્તર આપશે કે, 'પ્રભુ, ક્યારે અમે તમને ભૂખ્યા, તરસ્યા, પારકા, નિર્વસ્ત્ર, માંદા કે જેલમાં જોઈને તમારી સેવા નથી કરી?' ત્યારે ઈસુ તેઓને ઉત્તર આપશે કે, 'હું તમને નિશ્ચે કહું છું કે, 'આ બહુ નાનાઓમાંથી એકને તમે તે કર્યું નહિ, એટલે તે મને કર્યું નહિ.' તેઓ અનંતકાળિક સજા માટે જશે, પણ ન્યાયીઓ અનંતજીવનમાં પ્રવેશશે.'
”ઈસુ તેને કહે છે કે, તેં જ કહ્યું, પરંતુ હું તમને કહું છું કે, હવે પછી તમે માણસના દીકરાને પરાક્રમના જમણાં હાથ પર બેઠેલા તથા આકાશનાં વાદળો પર આવતા નિહાળશો.
”કેમ કે આ બેવફા તથા પાપી પેઢીમાં જે કોઈ મારે લીધે તથા મારાં વચનોને લીધે શરમાશે, તેને લીધે માણસનો દીકરો પણ જયારે પોતાના બાપના મહિમામાં પવિત્ર સ્વર્ગદૂતોની સાથે આવશે, ત્યારે તે શરમાશે.'
”ઈસુએ તેઓને કહ્યું કે, હું તમને નિશ્ચે કહું છું કે, 'અહીં ઊભા રહેનારાઓમાંના કેટલાક એવા છે કે જેઓ પરાક્રમે આવેલું ઈશ્વરનું રાજ્ય જોયા પહેલાં મરણ પામશે જ નહિ.'
”'અમને કહો, એ ક્યારે થશે? જયારે તે બધાં પૂરાં થવાનાં હશે, ત્યારે કયા ચિહ્ન થશે?' ઈસુ તેઓને કહેવા લાગ્યા કે, 'કોઈ તમને ભુલાવામાં ન નાખે, માટે સાવધાન રહો. ઘણાં મારે નામે આવીને કહેશે કે, તે હું છું અને ઘણાંઓને ગેરમાર્ગે દોરશે. પણ જયારે યુદ્ધ વિષે તથા યુદ્ધ અફવાઓ વિષે તમે સાંભળો, ત્યારે ગભરાશો નહિ; એમ થવું જ જોઈએ; પણ તેટલેથી અંત નહિ આવે. કેમ કે પ્રજા પ્રજાની વિરુદ્ધ તથા રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઊઠશે; જગ્યા જગ્યાએ ધરતીકંપ થશે અને દુકાળો પડશે; આ તો મહાદુઃખનો આરંભ છે.
”પણ પોતાના વિષે સાવધાન રહો; કેમ કે તેઓ તમને ન્યાયસભાઓને સોંપશે; સભાસ્થાનોમાં તમે કોરડાના માર ખાશો; અને તમને મારે લીધે અધિકારીઓ તથા રાજાઓ આગળ, તેઓને માટે સાક્ષી થવા સારુ, ઊભા કરવામાં આવશે. પણ પહેલાં સર્વ દેશોમાં સુવાર્તા પ્રગટ થવી જોઈએ. જયારે તેઓ તમને લઈ જઈને પરાધીન કરશે, ત્યારે શું બોલવું તે વિષે અગાઉથી ચિંતા ન કરો; પણ તે વેળા તમને જે આપવામાં આવશે તે પ્રમાણે બોલજો; કેમ કે બોલનાર તે તમે નહિ, પણ પવિત્ર આત્મા હશે. ભાઈ ભાઈને તથા પિતા છોકરાંને મરણદંડને સારુ પકડાવશે; છોકરાં માબાપની સામે ઊઠશે અને તેઓને મારી નંખાવશે. મારા નામને લીધે બધા તમારો દ્વેષ કરશે; પણ જે અંત સુધી ટકશે તે જ ઉદ્ધાર પામશે.
”પણ જ્યારે તમે પાયમાલીની ધિક્કારપાત્રતા જ્યાં ઘટિત નથી ત્યાં ભક્તિસ્થાનમાં ઊભેલી જુઓ, જે વાંચે છે તેણે સમજવું, ત્યારે જેઓ યહૂદિયામાં હોય તેઓ પહાડોમાં નાસી જાય. અગાશી પર હોય તે ઊતરીને ઘરમાંથી કંઈ લેવા સારુ અંદર ન જાય; અને જે ખેતરમાં હોય તે પોતાનું વસ્ત્ર લેવાને પાછો ન આવે. તે દિવસોમાં જેઓ સગર્ભા હોય અને સ્તનપાન કરાવતી હોય તેઓને અફસોસ છે! તમારું નાસવું શિયાળામાં ન થાય, માટે પ્રાર્થના કરો; કેમ કે તે દિવસોમાં જેવી વિપત્તિ થશે, તેવી વિપત્તિ ઈશ્વરે સૃજેલી સૃષ્ટિના આરંભથી તે આજ સુધી થઈ નથી અને થશે પણ નહિ. જો પ્રભુએ તે દિવસોને ઓછા કર્યા ન હોત, તો કોઈ માણસ ન બચત; પણ જેઓને તેમણે પસંદ કર્યા તેઓને માટે તેમણે આ દિવસોને ટૂંકા કર્યા છે.
”તે વેળાએ જો કોઈ તમને કહે કે, જુઓ, અહીં ખ્રિસ્ત છે; કે જુઓ, તે ત્યાં છે, તો માનશો નહિ. કેમ કે નકલી ખ્રિસ્તો તથા જૂઠાં પ્રબોધકો ઊઠશે; તેઓ ચમત્કારિક ચિહ્નો તથા આશ્ચર્યકર્મો કરી દેખાડશે, એ માટે કે, જો બની શકે તો, તેઓ પસંદ કરેલાઓને પણ છેતરે. તમે સાવધાન રહો; જુઓ, મેં તમને સઘળું અગાઉથી કહ્યું છે.
”પણ તે દિવસોમાં, એ વિપત્તિ પછી, સૂર્ય અંધકારરૂપ થઈ જશે, અને ચંદ્ર પોતાનું અજવાળું નહિ આપે, આકાશના તારાઓ ખરવા લાગશે; અને આકાશમાંના પરાક્રમો હલાવાશે. ત્યારે તેઓ માણસના દીકરાને ભરપૂર પરાક્રમ તથા મહિમાસહિત વાદળામાં આવતા જોશે. ત્યારે તે પોતાના સ્વર્ગદૂતોને મોકલીને પૃથ્વીના છેડાથી આકાશના છેડા સુધી, ચારે દિશાથી પોતાના પસંદ કરેલાઓને એકઠા કરશે.
”હવે અંજીરી પરથી તેનું દૃષ્ટાંત શીખો; જયારે તેની ડાળી કુમળી જ હોય છે અને પાંદડાં ફૂટી નીકળે છે, ત્યારે તમે જાણો છો કે ઉનાળો પાસે છે. એમ જ તમે પણ જયારે આ બધું થતું જુઓ, ત્યારે તમારે જાણવું કે, ખ્રિસ્ત પાસે એટલે બારણા આગળ જ છે. હું તમને નિશ્ચે કહું છું કે આ બધાં પૂરાં થાય ત્યાં સુધી આ પેઢી મરણ પામશે નહિ. આકાશ તથા પૃથ્વી નાશ પામશે, પણ મારી વાતો પૂર્ણ થયા વિના રહેશે નહિ. પણ તે દિવસો તથા તે ઘડી સંબંધી પિતા વગર કોઈ જાણતું નથી, આકાશમાંના સ્વર્ગદૂતો નહિ અને દીકરો પણ નહિ. સાવધાન રહો, જાગતા રહીને પ્રાર્થના કરો; કેમ કે એ સમય ક્યારે આવશે તે તમે જાણતા નથી. તે આ પ્રમાણે છે કે જાણે કોઈ પરદેશમાં મુસાફરી કરનાર માણસે પોતાનું ઘર છોડીને પોતાના ચાકરોને અધિકાર આપીને, એટલે પ્રત્યેકને પોતપોતાનું કામ સોંપીને, દરવાનને પણ જાગતા રહેવાની આજ્ઞા આપી હોય. માટે તમે જાગતા રહો; કેમ કે તમે જાણતા નથી કે ઘરનો માલિક ક્યારે આવશે, સાંજે, મધરાતે, મરઘો બોલતી વખતે કે સવારે! એમ ન થાય કે તે અચાનક આવીને તમને ઊંઘતા જુએ. અને જે હું તમને કહું છું તે સર્વને કહું છું કે, 'જાગતા રહો.'
”ઈસુએ કહ્યું કે, 'હું છું; તમે માણસના દીકરાને પરાક્રમનાં જમણા હાથ તરફ બેઠેલા તથા આકાશનાં વાદળાંપર આવતા જોશો.
”કેમ કે જે કોઈ મારે લીધે તથા મારાં વચનોને લીધે શરમાશે, તેને લીધે માણસનો દીકરો જયારે પોતે પોતાના તથા બાપના તથા પવિત્ર સ્વર્ગદૂતોનાં મહિમામાં આવશે ત્યારે શરમાશે. હું તમને નિશ્ચે કહું છું કે, અહીં જે ઊભા છે તેઓમાંના કેટલાક એવા છે કે જેઓ ઈશ્વરનું રાજ્ય જોશે ત્યાં સુધી મૃત્યુ પામશે નહિ.
”તમારી કમરો બાંધેલી તથા તમારો દીવો સળગેલો રાખો; અને જે માણસો પોતાનો માલિક લગ્નમાંથી ક્યારે પાછો આવે તેની વાટ જુએ છે, એ માટે કે તે આવીને ખટખટાવે કે તત્કાળ તેઓ તેને સારુ દ્વાર ઉધાડે, તેઓના જેવો તમે થાઓ. જે દાસોને માલિક આવીને જાગતા જોશે તેઓ આશીર્વાદિત છે; હું તમને નિશ્ચે કહું છું કે, તે પોતાની કમર બાંધીને તેઓને જમવા બેસાડશે, અને આવીને તેઓની સેવા કરશે. જો તે બીજે પહોરે આવે, કે ત્રીજે પહોરે આવે, અને તેઓને એમ કરતાં જુએ, તો તે દાસો આશીર્વાદિત છે. પણ આટલું સમજો કે ઘરનો માલિક જાણતો હોત કે, કઈ ઘડીએ ચોર આવશે, તો તે જાગતો રહેત, ને પોતાના ઘરમાં ચોરી થવા ન દેત. તમે પણ તૈયાર રહો; કેમ કે તમારા ધારવામાં નહિ હોય તે ઘડીએ માણસનો દીકરો આવશે.
”જે ચાકરને તેનો માલિક એમ કરતો જોશે તે આશીર્વાદિત છે. હું તમને સાચું કહું છું કે, તે પોતાની સર્વ માલમિલકત પર તેને કારભારી ઠરાવશે. પણ જો તે દાસ પોતાના મનમાં કહેશે કે મારો માલિક આવતાં વાર લગાડે છે, અને દાસોને તથા દાસીઓને મરવા લાગશે, અને ખાવાપીવા અને છાકટો થવા લાગશે; તો જે દહાડે તે વાટ જોતો નથી, ને જે ઘડી તે જાણતો નથી, તેવામાં તે દાસનો માલિક આવશે, અને તેને કાપી નાખશે, અને તેનો ભાગ અવિશ્વાસીઓની સાથે ઠરાવશે. જે દાસ પોતાની માલિકની ઇચ્છા જાણ્યાં છતાં પોતે સિદ્ધ થયો નહિ હોય, અને તેની ઇચ્છા પ્રમાણે વર્ત્યો નહિ હોય, તે ઘણો માર ખાશે.
”તેમણે લોકોને પણ કહ્યું કે, તમે પશ્ચિમથી વાદળી ચઢતી જુઓ છો, કે તરત તમે કહો છો કે, ઝાપટું આવશે, અને એમ જ થાય છે. જયારે દક્ષિણનો પવન ચાલે છે ત્યારે તમે કહો છો કે, લૂ વાશે, અને એમ જ થાય છે. ઓ ઢોંગીઓ, પૃથ્વીનું તથા આકાશનું રૂપ તમે પારખી જાણો છો, તો આ સમય તમે કેમ પારખી નથી જાણતા?
”તેમણે શિષ્યોને કહ્યું કે, 'એવા દિવસો આવશે કે માણસના દીકરાના દિવસોમાંના એકને તમે જોવાની ઇચ્છા રાખશો, પણ તમે જોઈ શકશો નહિ. તેઓ તમને કહેશે હે 'જુઓ, પેલો રહ્યો, જુઓ, આ રહ્યો, તમે જતા ના, અને એમની પાછળ ચાલતા ના. કેમ કે વીજળી આકાશમાં ચમકે છે ને તે એક દિશાથી બીજી દિશા સુધી પ્રકાશે છે, તેમ માણસના દીકરાનું તેમના સમયમાં આગમન થશે.
”પણ તે પહેલાં તેમને ઘણું સહન કરવું પડશે, અને આ પેઢીથી તેમને નાપસંદ થવું પડશે. અને જેમ નૂહના દિવસોમાં થયું, તેમ જ માણસના દીકરાના દિવસોમાં પણ થશે. નૂહ વહાણમાં ગયો, અને જળપ્રલય આવીને બધાનો વિનાશ કર્યો તે દિવસ સુધી તેઓ ખાતા, પીતા, પરણતા, પરણાવતા હતા. તેમ જ લોતના દિવસોમાં પણ થયું, તેઓ ખાતા, પીતા, વેચાતું લેતા, આપતા, રોપતા, બાંધતા હતા; પણ લોત સદોમમાંથી નીકળ્યો તે દિવસે આગ તથા ગંધક સ્વર્ગમાંથી વરસ્યાં, અને તેથી બધાનો વિનાશ થયો; જે દિવસે માણસનો દીકરો પ્રગટ થશે તે દિવસે તે પ્રમાણે જ થશે.
”તે દિવસે જેઓ ઘરની અગાશી પર હોય, તેઓએ સામાન લેવા સારુ નીચે ઊતરવું નહિ, અને જે ખેતરમાં હોય તેણે પણ ત્યાંથી પાછા આવવું નહિ. લોતની પત્નીને યાદ કરો. કેમ કે જે કોઈ પોતાનું જીવન બચાવવા ચાહે છે, તે તેને ગુમાવશે; પણ જે કોઈ તેને ગુમાવશે, તે તેને બચાવશે.
”હું તમને કહું છું કે, તે રાત્રે એક પથારીમાં બે જણ સૂતા હશે; તેઓમાંના એકને લઈ લેવાશે અને બીજાને પડતો મુકાશે. બે સ્ત્રીઓ સાથે દળતી હશે; તેમાંથી એકને લઈ લેવાશે, અને બીજીને પડતી મૂકવામાં આવશે. ખેતરમાં બે જણ હશે, તેઓમાંનો એક લેવાશે, અને બીજો પડતો મુકાશે,' અને તેઓએ તેમને ઉત્તર આપતાં કહ્યું કે, 'પ્રભુ, ક્યાં?' અને [ઈસુએ] તેઓને કહ્યું કે, 'જ્યાં મૃતદેહ પડ્યો હશે ત્યાં ગીધો પણ એકઠાં થશે.'
”(એ ન્યાયાધીશની માફક) ઈશ્વર પોતાના પસંદ કરેલા, જેઓ તેમની આગળ રાતદિવસ હાંક મારે છે, અને જેઓ વિષે તે ખામોશી રાખે છે, તેઓને શું ન્યાય નહિ આપશે?' હું તમને કહું છું કે, 'તે જલદી તેઓને ન્યાય આપશે. પરંતુ માણસનો દીકરો આવશે, ત્યારે તેમને શું પૃથ્વી પર વિશ્વાસ જડશે?'
”ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે,' પ્રજા પ્રજા વિરુદ્ધ તથા રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઊઠશે; અને મોટા ધરતીકંપો થશે, તથા ઠેરઠેર દુષ્કાળ તથા મરકીઓ થશે; સ્વર્ગમાંથી ભયંકર ઉત્પાત તથા ભયાનક ચમત્કારિક ચિહ્નો થશે.
”પણ એ સર્વ થયા પહેલાં મારા નામને લીધે તેઓ તમારા પર હાથ નાખશે, તમને સતાવશે અને સભાસ્થાનો તથા જેલના અધિકારીઓને હવાલે કરશે, અને રાજાઓ તથા રાજ્યપાલ સમક્ષ લઈ જશે. એ તમારે સારુ સુવાર્તા સંભળાવવી તે તમારે સારુ સાક્ષીરૂપ બની રહેશે. માટે તમે પોતાના મનમાં નિશ્ચય કરો કે, પ્રત્યુત્તર કેવી રીતે આપવો તે વિષે અગાઉથી ચિંતા કરવી નહિ. કેમ કે હું તમને એવું મુખ તથા એવી બુદ્ધિ આપીશ, કે તમારો કોઈ પણ વિરોધી તમારી સાથે વાદવિવાદ કરી શકશે નહિ અને તમારી સામે થઈ શકશે નહિ. માબાપથી, ભાઈઓથી, સગાંથી તથા મિત્રોથી પણ તમે પરાધીન કરાશો; તમારામાંના કેટલાકને તેઓ મારી નંખાવશે. મારા નામને લીધે સઘળા તમારો દ્વેષ કરશે. પણ તેઓથી તમારા માથાનો એક વાળ પણ વાંકો કરી શકાશે નહિ. તમારી ધીરજથી તમારા જીવને તમે બચાવશો.
”પણ જયારે યરુશાલેમને લશ્કરોથી ઘેરાયેલું તમે જોશો, ત્યારે જાણજો કે તેનો ઉજ્જડ થવાનો સમય પાકી ગયો છે. ત્યારે જેઓ યહૂદિયામાં હોય તેઓએ પહાડોમાં નાસી જવું; જેઓ શહેરમાં હોય તેઓએ બહાર નીકળી જવું; અને જેઓ ખેતરોમાં હોય તેઓએ શહેરમાં આવવું નહિ. કેમ કે એ વેર વાળવાના દિવસો છે, એ માટે કે જે લખેલું છે, તે બધું પૂરું થાય. એ દિવસોમાં જેઓ સગર્ભા હશે તથા જેઓ સ્તનપાન કરાવતી હશે તેઓની હાલત કફોડી થશે. કેમ કે દેશ પર મોટી વિપત્તિ, અને આ લોકો પર કોપ આવી પડશે. તેઓ તરવારની ધારથી માર્યા જશે, અને કેટલાકને ગુલામ બનાવીને અન્ય દેશોમાં લઈ જવાશે; અને વિદેશીઓના સમયો પૂરા થશે, ત્યાં લગી યરુશાલેમ તેઓથી ખૂંદી નંખાશે.
”સૂર્ય તથા ચંદ્ર તથા તારાઓમાં ચમત્કારિક ચિહ્નો થશે; અને પૃથ્વી પર દેશજાતિઓ, સમુદ્રના મોજાંઓની ગર્જનાથી ત્રાસીને ગભરાઈ જશે. દુનિયા ઉપર જે આવી પડવાનું છે તેની બીકથી તથા તેની ખાતરીથી માણસો થાકી જશે; કેમ કે આકાશમાં પરાક્રમો હલાવાશે. ત્યારે તેઓ માણસના દીકરાને પરાક્રમ તથા મહામહિમાસહિત વાદળામાં આવતા જોશે. પણ આ વાતો થવા લાગે ત્યારે તમે નજર ઉઠાવીને તમારાં માથાં ઊંચા કરો, કેમ કે તમારો ઉદ્ધાર પાસે આવ્યો છે, એવું સમજવું.
”ઈસુએ તેઓને દ્રષ્ટાંત કહ્યું કે, અંજીરી તથા સર્વ વૃક્ષોને જુઓ. હવે તેઓ જયારે ફૂટવા માંડે છે ત્યારે તમે તે જોઈને આપોઆપ સમજો છો કે ઉનાળો આવી રહ્યો છે. તેમ જ તમે પણ આ સઘળું થતાં જુઓ, ત્યારે જાણજો કે ઈશ્વરનું રાજ્ય પાસે છે. હું તમને નિશ્ચે કહું છું કે, તે બધાં પૂરાં નહિ થશે ત્યાં સુધી આ પેઢી મરણ પામશે નહિ. આકાશ તથા પૃથ્વી નાશ પામશે, પણ મારી વાતો પૂર્ણ થયા વિના રહેશે નહિ. તમે સાવધાન રહો, રખેને અતિશય ખાવાથી કે પીવાથી તથા સંસારી ચિંતાથી તમારાં મન જડ થાય, અને તે દિવસ જાળની જેમ તમારા પર ઓચિંતો આવી પડે. કેમ કે તે દિવસ આખી પૃથ્વી ઉપર વસનારાં સર્વ પર ફાંદારૂપ આવી પડવાનો છે. તમે સતત જાગતા રહો અને પ્રાર્થના કરો કે, આ બધું જે થવાનું છે, તેમાંથી બચી જવાને તથા માણસના દીકરાની સમક્ષ રજૂ થવા માટે તમે સક્ષમ થાઓ.'
”હું તમને ખાતરીપૂર્વક કહું છું કે, એવો સમય આવે છે અને હમણાં આવી ચૂક્યો છે કે, જયારે મૃત્યુ પામેલાંઓ ઈશ્વરના દીકરા ઈસુનાં વચન સાંભળશે અને સાંભળનારાંઓ જીવશે. કેમ કે જેમ પિતાને પોતાનામાં જીવન છે, તેમ દીકરાને પણ પોતાનામાં જીવન રાખવાનું તેમણે આપ્યું. ન્યાય કરવાનો અધિકાર પણ તેમણે તેને આપ્યો, કેમ કે તે માણસનો દીકરો છે. તેથી તમે આશ્ચર્ય ન પામો; કેમ કે એવો સમય આવે છે કે જયારે સર્વ જેઓ કબરમાં છે તેઓ તેમના વચન સાંભળશે; અને જેઓએ સારાં કામ કર્યા છે, તેઓ જીવનનું મરણોત્થાન પામવા માટે અને જેઓએ ખરાબ કામ કર્યાં છે, તેઓ શિક્ષાત્મક મરણોત્થાન પામવા માટે, નીકળી આવશે.
”મારા પિતાના ઘરમાં રહેવા માટે ઘણી જગ્યાઓ છે, ના હોત તો હું તમને કહેત; હું તો તમારે માટે જગ્યા તૈયાર કરવાને જાઉં છું. હું જઈને તમારે માટે જગા તૈયાર કરીશ, પછી હું પાછો આવીશ અને તમને મારી પાસે લઈ જઈશ, એ માટે કે જ્યાં હું રહું છું ત્યાં તમે પણ રહો.
”એ વાતો કહી રહ્યા પછી, તેઓના દેખતા તેમને ઉપર લઈ લેવાયા; અને વાદળોએ તેઓની દૃષ્ટિથી તેમને ઢાંકી દીધાં. તે જતા હતા ત્યારે તેઓ સ્વર્ગ તરફ અનિમેષ નયને જોઈ રહ્યા હતા, એવામાં ચળકતાં વસ્ત્ર પહેરેલા બે દૂત તેઓની પાસે ઊભા રહ્યા. તેઓએ કહ્યું કે, ગાલીલના માણસો, તમે સ્વર્ગ તરફ જોતાં કેમ ઊભા રહ્યા છો? એ જ ઈસુ જેમને તમારી પાસેથી સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યા છે, તેઓને જેમ તમે સ્વર્ગમાં જતા જોયા તે જ રીતે તેઓ પાછા આવશે.
”કેમ કે હું માનું છું કે, જે મહિમા આપણને પ્રગટ થનાર છે તેની સાથે વર્તમાન સમયનાં દુઃખો સરખાવવા યોગ્ય નથી. કેમ કે સૃષ્ટિની ઉત્કંઠા ઈશ્વરનાં દીકરાઓના પ્રગટ થવાની રાહ જોયા કરે છે.
”એવું લખેલું છે કે, પ્રભુ કહે છે કે, મારા જીવના સમ કે, દરેક ધૂંટણ મારી આગળ વાંકો વળશે અને દરેક જીભ ઈશ્વરની સ્તુતિ કરશે.
”શાંતિદાતા ઈશ્વર શેતાનને વહેલો તમારા પગ નીચે કચડી નંખાવશે. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા પર હો. આમીન.
”પણ જો આ પાયા પર બાંધનાર કોઈ સોનું, રૂપું, અમૂલ્ય પથ્થર, લાકડું કે, પરાળનો ઉપયોગ કરે, તો દરેકનું કામ કેવું છે તે ખુલ્લું કરવામાં આવશે; કેમ કે તે દિવસ તેને ઉઘાડું પાડશે, અગ્નિથી તે પ્રગટ કરવામાં આવશે; અને દરેકનું કામ કેવું છે તે અગ્નિ જ પારખશે. જે કોઈએ તે પાયા પર બાંધકામ કર્યું હશે, તે જો ટકી રહેશે તો તે બદલો પામશે. જો કોઈનું કામ બળી જશે, તો તેને નુકસાન થશે; તોપણ તે જાતે જાણે કે અગ્નિમાંથી બચેલા જેવો થશે.
”માટે તમે સમય અગાઉ, એટલે પ્રભુ આવે ત્યાં સુધી, કંઈ ન્યાય ન કરો; તેઓ અંધકારની છૂપી બાબતોને જાહેર કરશે, અને હૃદયોના ગુપ્ત ઇરાદા પ્રગટ કરશે; તે સમયે દરેકની પ્રશંસા ઈશ્વર તરફથી થશે.
”તમારે એ માણસને શરીરનાં નુકસાનને સારુ શેતાનને સોંપવો કે જેથી પ્રભુ ઈસુના પુનરાગમન સમયે તેનો આત્મા ઉદ્ધાર પામે. તમે ઘમંડ રાખો છો તે યોગ્ય નથી; શું તમે એ જાણતા નથી, કે થોડું ખમીર આખા લોટને ફુલાવે છે?
”હવે ભાઈઓ, હું એ કહું છું કે, માંસ તથા લોહી ઈશ્વરના રાજ્યના વારસ થઈ શકતા નથી; તેમ જ વિનાશીપણું અવિનાશીપણાનો વારસો પામી શકવાનું નથી. જુઓ, હું તમને મર્મ કહું છું; આપણે સહુ ઊંઘીશું નહિ, છેલ્લું રણશિંગડુ વાગતા જ પણ એક ક્ષણમાં, આંખના પલકારામાં આપણે બદલાઈ જઈશું; કેમ કે રણશિંગડુ વાગશે, ત્યારે મૂએલાં અવિનાશી થઈને ઊઠશે અને આપણું સ્વરૂપ બદલાઈ જશે.
”સ્વર્ગમાંનાં, પૃથ્વી પરનાં તથા પાતાળમાંનાં સર્વ ઈસુને નામે ઘૂંટણે પડીને નમે; અને ઈશ્વરપિતાના મહિમાને અર્થે દરેક જીભ કબૂલ કરે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે.
”ખ્રિસ્ત જે આપણું જીવન છે, તે જયારે પ્રગટ થશે ત્યારે તમે પણ તેમની સાથે મહિમામાં પ્રગટ થશો.
”તથા ઈશ્વરના પુત્ર, એટલે આવનાર કોપથી આપણને બચાવનાર ઈસુ, જેમને તેમણે મૂએલાંમાંથી સજીવન કર્યા, તેમની સ્વર્ગથી આવવાની રાહ જોવાને, કેવી રીતે મૂર્તિઓ તરફથી ઈશ્વર તરફ, તમે ફર્યા.
”પણ, ભાઈઓ, ઊંઘી ગયેલા વિષે તમે અજાણ રહો એવી અમારી ઇચ્છા નથી, કે જેથી બીજા જેઓને આશા નથી તેઓની માફક તમે દુ:ખી ન થાઓ. જો આપણે વિશ્વાસ કરીએ છીએ કે, ઈસુ મરણ પામ્યા અને પાછા સજીવન થયા, તો તે જ પ્રમાણે ઈસુમાં જેઓ ઊંઘી ગયા છે તેઓને પણ ઈશ્વર તેમની સાથે લાવશે. કેમ કે પ્રભુના વચન દ્વારા અમે તમને કહીએ છીએ કે, પ્રભુના આવવાની સમયે આપણામાંના જેઓ જીવતાં રહેનારાં છે તેઓ ઊંઘેલાઓની અગાઉ જનારા નથી જ.
”કેમ કે પ્રભુ પોતે ગર્જના, પ્રમુખ દૂતની વાણી, તથા ઈશ્વરના રણશિંગડાના અવાજ સહિત સ્વર્ગમાંથી ઊતરશે; અને ખ્રિસ્તમાં જેઓ મૃત્યુ પામેલાં છે તેઓ પ્રથમ ઉત્થાન પામશે. પછી આપણે જેઓ જીવતાં રહેનારાં છીએ તેઓ આકાશમાં પ્રભુને મળવા સારુ તેઓની સાથે વાદળોમાં ખેંચાઈ જઈશું અને એમ સદા પ્રભુની સાથે રહીશું.
”હવે ભાઈઓ, સમયો તથા ઈશ્વરીય પ્રસંગો વિષે તમને લખી જણાવવાંની કોઈ જરૂર નથી. કેમ કે તમે પોતે સારી રીતે જાણો છો કે, જેમ રાત્રે ચોર આવે છે તે પ્રમાણે પ્રભુ ઈસુનો દિવસ આવી રહ્યો છે. કેમ કે જયારે લોકો કહેશે કે, 'શાંતિ તથા સલામતી છે', ત્યારે સગર્ભાની વેદનાની જેમ તેઓનો એકાએક વિનાશ થશે, તેઓ બચવા પામશે જ નહિ. પણ ભાઈઓ, તમે અંધારામાં નથી, કે તે દિવસ ચોરની પેઠે તમારા પર આવી પડે.
”કેમ કે ઈશ્વરે આપણને કોપને સારુ નહિ, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઉદ્ધાર પ્રાપ્ત કરવા સારુ નિર્માણ કર્યા છે; ખ્રિસ્ત આપણે સારુ મરણ પામ્યા, કે જેથી આપણે જાગીએ કે ઊંઘીએ; તેમની સાથે જીવીએ.
”માટે સતાવણીઓ તથા વિપત્તિઓ જે તમે સહનશીલતા તથા વિશ્વાસથી સહન કરો છો, તે સંબંધી અમે સ્વયં ઈશ્વરની મંડળીઓમાં તમારી પ્રશંસા કરીએ છીએ. ઈશ્વરના ન્યાયી ચુકાદાની આ નિશાની છે કે ઈશ્વરનું રાજ્ય જેને સારુ તમે દુઃખ સહન કરો છો, તેને માટે તમે યોગ્ય ગણાશો જ. ઈશ્વર માટે તે ઉચિત છે કે તમને દુઃખ દેનારાઓને બદલામાં દુ:ખ આપે. અને જયારે પ્રભુ ઈસુ સ્વર્ગમાંથી પોતાના પરાક્રમી સ્વર્ગદૂતો સાથે પ્રગટ થાય ત્યારે તમને દુ:ખ સહન કરનારાઓને, અમારી સાથે વિસામો આપે. જેઓએ ઈશ્વરને ઓળખ્યા નથી અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તાને આધીન થયા નથી તેઓને તે દઝાડતા અગ્નિથી બદલો વાળશે. પ્રભુની સમક્ષતામાંથી તથા તેમના સામર્થ્યના મહિમાથી દૂર રહેવાની અનંતકાળિક નાશની સજા તેઓ તે દિવસે પામશે જયારે પ્રભુ પોતાના સંતોમાં મહિમા પામવાને અને વિશ્વાસીઓમાં આશ્ચર્યકારક મનાવવાને આવશે, કેમ કે અમારી સાક્ષી પર તમે વિશ્વાસ રાખ્યો.
”હવે ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં પુનઃઆગમન તથા તેમની પાસે આપણા એકત્ર થવા વિષે, અમે તમને વિનંતી કરીએ છીએ કે, પ્રભુનો દિવસ જાણે હમણાં જ આવ્યો હોય તેમ સમજીને તમે કોઈ આત્મા, વચન કે જાણે અમારા પત્રથી તમારા મનને જરાય ડગવા કે ગભરાવા દેશો નહિ. કોઈ માણસ કોઈ પ્રકારે તમને છેતરે નહિ. કેમ કે જ્યાં સુધી વિશ્વાસત્યાગ થાય અને પાપનો માણસ, વિનાશનો દીકરો પ્રગટ ન થાય; તે પહેલાં તેમ થશે નહિ. જે ઈશ્વર અને આરાધ્ય ગણાય છે તે સઘળાંનો વિરોધ કરી પોતાને મોટો મનાવનાર આ છે કે જેથી તે ઈશ્વરના ભક્તિસ્થાનમાં ઈશ્વર તરીકે બેસે અને સ્વને ઈશ્વર તરીકે રજૂ કરે.
”શું તમને યાદ નથી કે, હું તમારી સાથે હતો, ત્યારે મેં એ વાતો તમને જણાવી હતી? તો તમે જાણો છો કે તેમને હવે શું અટકાવે છે તેથી તેઓ માત્ર યોગ્ય સમયે જ પ્રગટ થશે. કેમ કે અધર્મની રહસ્યમયતા કાર્યરત થઈ ચુકી છે, ફક્ત એક કે જેને વચમાંથી દુર કરવામાં નહિ આવે ત્યાં સુધી તે તેમને અટકાવશે. પછી તે અધર્મી જાહેર થશે જેને પ્રભુ ઈસુ પોતાના મુખની ફૂંકથી નષ્ટ કરશે અને પોતાના પુનઃઆગમનના પ્રકટીકરણથી શૂન્ય કરી નાંખશે. શેતાનના કરાવ્યાં પ્રમાણે તે અધર્મી પુરુષ સર્વ પરાક્રમ, ચમત્કારિક ચિહ્નો તથા જૂઠા આશ્ચર્યકર્મો તથા અન્યાયીપણાના સર્વ કપટ સાથે પ્રગટ થશે, જેઓ નાશ પામી રહ્યાં છે તેઓ માટે, કેમ કે ઉદ્ધારને અર્થે સત્ય પ્રેમનો સ્વીકાર તેઓએ કર્યો નહિ. આ કારણથી ઈશ્વર તેઓને ભ્રમણામાં નાખે છે કે તેઓ અસત્ય પર વિશ્વાસ કરે અને તે સર્વનો ન્યાય થાય; જેઓએ સત્ય પર વિશ્વાસ કર્યો નહિ પણ અન્યાયમાં આનંદ માણ્યો.
”આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં પ્રગટ થવા સુધી તું ઠપકારહિત તથા નિષ્કલંક રીતે આ આજ્ઞા પાળ. જેઓ સ્તુત્ય છે, એકલા જ સર્વોપરી, રાજકર્તાઓના રાજા તથા પ્રભુઓના પ્રભુ છે તેઓ યોગ્ય સમયે ઈસુનું પ્રગટ થવું બતાવશે, તેમને એકલાને જ અવિનાશીપણું છે, પાસે ન જવાય એવા અજવાળામાં રહે છે, જેમને કદી કોઈ મનુષ્યોએ જોયા નથી અને જોઈ શકતા પણ નથી તેમને અનંતકાળ સન્માન તથા આધિપત્ય હો. આમીન.
”પણ એ જાણી લો કે અંતના દિવસોમાં સંકટના સમયો આવશે. કેમ કે માણસો સ્વાર્થી, દ્રવ્યલોભી, આપવડાઈ કરનારા, ગર્વિષ્ઠ, નિંદક, માબાપને અનાજ્ઞાંકિત, અનુપકારી, અશુદ્ધ, પ્રેમ રહિત, ક્રૂર, બટ્ટા મૂકનારા, અસંયમી, જંગલી, શુભદ્વેષી, વિશ્વાસઘાતી, અવિચારી, અહંકારી, ઈશ્વર પર નહિ પણ મોજશોખ પર પ્રેમ રાખનારા. ભક્તિભાવનો દેખાવ કરીને તેના પરાક્રમનો નકાર કરનારા એવા થશે; આવાં લોકોથી તું દુર રહે.
”માટે ઈશ્વરની સમક્ષ ખ્રિસ્ત ઈસુ જે જીવતાં તથા મૂએલાંઓનો ન્યાય કરવાના છે તેમની સમક્ષ ઈસુના પ્રગટ થવાનાં તથા તેમના રાજ્યના [આદેશથી] હું તને આગ્રહથી કહું છું કે, તું સુવાર્તા પ્રગટ કર, અનુકૂળ તથા પ્રતિકૂળ સમયમાં તત્પર રહે, પૂર્ણ સહનશીલતાથી ઉપદેશ કરીને ઠપકો આપ, ધમકાવ તથા ઉત્તેજન આપ. કેમ કે એવો સમય આવશે કે જેમાં તેઓ શુદ્ધ ઉપદેશને સહન કરશે નહિ; પણ કાનમાં ખજવાળ આવવાથી તેઓ પોતાને સારું મનગમતા ઉપદેશકો ભેગા કરશે; તેઓ સત્ય તરફ આડા કાન કરશે, અને કલ્પિત દંતકથાઓ તરફ વળશે. પરંતુ તું સર્વ વાતે સાવધાન થા, દુઃખ સહન કર, સુવાર્તિકનું કામ કર, તારું સેવાકાર્ય પૂર્ણ કર.
”અને હવે મારે સારું ન્યાયીપણાનો મુગટ રાખી મૂકેલો છે, તે દિવસે અદલ ન્યાયાધીશ પ્રભુ મને તે આપશે; અને કેવળ મને નહિ પણ જે સઘળાં તેમના પ્રગટ થવાની ઇચ્છા રાખે છે તેઓને પણ આપશે.
”અને આશીર્વાદિત આશાપ્રાપ્તિની તથા મહાન ઈશ્વર તેમ જ આપણા ઉદ્ધારકર્તા ઈસુ ખ્રિસ્તનાં મહિમાના પ્રગટ થવાની પ્રતિક્ષા કરવી;
”વળી, ઓ પ્રભુ, તમે આરંભમાં પૃથ્વીનો પાયો નાખ્યો, અને આકાશો તમારા હાથની કૃતિ છે. તેઓ નાશ પામશે, પણ તમે કાયમ રહો છો; તેઓ સર્વ વસ્ત્રની માફક જીર્ણ થઈ જશે; તમે ઝભ્ભાની જેમ તેઓને વાળી લેશો; અને વસ્ત્રની જેમ તેઓ બદલાશે; પણ તમે એવા અને એવા જ છો, તમારાં વર્ષોનો કદી અંત આવશે નહિ.'
”સ્વર્ગમાંની વસ્તુઓના નમૂનાનાં પદાર્થોને આવી રીતે શુદ્ધ કરવાની અગત્ય હતી, પણ આકાશી વસ્તુઓને તે કરતાં વધારે સારા બલિદાનોથી શુદ્ધ કરવામાં આવે એવી અગત્ય હતી. કેમ કે ખ્રિસ્ત હાથે બનાવેલાં પવિત્રસ્થાન કે જે સત્યનો નમૂનો છે તેમાં ગયા નથી, પણ સ્વર્ગમાં જ ગયા છે, એ માટે કે તે હમણાં આપણે માટે ઈશ્વરની સમક્ષ હાજર થાય. જેમ અગાઉ પ્રમુખ યાજક બીજાનું લોહી લઈને દર વર્ષે પરમપવિત્રસ્થાનમાં જતો હતો, તેમ તેને વારંવાર પોતાનું બલિદાન અર્પણ કરવાની જરૂરિયાત રહી નથી. કેમ કે જો એમ હોત, તો સૃષ્ટિના આરંભથી ઘણી વખત તેમને દુઃખ સહન કરવાની જરૂરિયાત ઊભી થાત; પણ હવે છેલ્લાં સમયમાં પોતાના બલિદાનથી પાપને દૂર કરવા માટે તેઓ એક જ વખત પ્રગટ થયા. જેમ માણસોને એક વખત મરવાનું, અને ત્યાર બાદ તેઓનો ન્યાય થાય એવું નિર્માણ થયેલું છે. તેમ ખ્રિસ્તે ઘણાંઓનાં પાપ માથે લેવા માટે એક જ વખત પોતાનું બલિદાન આપ્યું. જેઓ તેમની વાટ જુએ છે તેઓના સંબંધમાં ઉદ્ધારને અર્થે તે બીજી વખત પાપ વગર પ્રગટ થશે.
”જેમ કેટલાક કરે છે તેમ આપણે એકઠા મળવાનું પડતું ન મૂકીએ, પણ આપણે એકબીજાને ઉત્તેજન આપીએ; અને જેમ જેમ તમે તે દિવસ પાસે આવતો નિહાળો તેમ તેમ તમે વિશેષ પ્રયત્ન કરો.
”વિશ્વાસથી સ્ત્રીઓએ પોતાના સ્વજનોને જીવંત સ્વરૂપે પાછા મેળવ્યા કેટલાક રિબાઈ રિબાઈને મરણ પામ્યા, તેઓએ છુટકારાનો અંગીકાર કર્યો નહિ, કે જેથી તેઓ વધારે સારુ મરણોત્થાન પામે;
”હવે શ્રીમંતો તમે સાંભળો, તમારા પર આવી પડનારા સંકટોને લીધે તમે વિલાપ અને રુદન કરો. તમારી દોલત સડી ગઈ છે અને તમારાં વસ્ત્રોને ઊધઈ ખાઈ ગઈ છે. તમારું સોનું તથા રૂપું કટાઈ ગયું છે અને તેના કાટ તમારી વિરુદ્ધ સાક્ષી આપશે, અગ્નિની જેમ તમારા શરીરોને ખાઈ જશે. તમે છેલ્લાં દિવસને માટે મિલકત સંઘરી રાખી છે.
”ભાઈઓ, પ્રભુના આવતાં સુધી તમે ધીરજ રાખો; જુઓ, ખેડૂત ભૂમિના મૂલ્યવાન ફળની રાહ જુએ છે અને પહેલો તથા છેલ્લો વરસાદ થાય ત્યાં સુધી તે ધીરજ રાખે છે. તમે પણ, ધીરજ રાખો અને મન દ્રઢ રાખો, કેમ કે પ્રભુનું આગમન હાથવેંતમાં છે.
”પ્રથમ એમ જાણો કે છેલ્લાં દિવસોમાં મશ્કરીખોરો આવશે, જેઓ પોતાની દુર્વાસના પ્રમાણે ચાલશે. અને કહેશે કે, 'તેમના (ઈસુના) આગમનનું આશાવચન ક્યાં છે? કેમ કે પૂર્વજો ઊંધી ગયા ત્યારથી ઉત્પત્તિના આરંભમાં સઘળું જેવું હતું તેવું જ રહ્યું છે.' કેમ કે તેઓ જાણીજોઈને આ ભૂલી જાય છે કે ઈશ્વરની આજ્ઞાથી આકાશો અગાઉથી હતાં અને પૃથ્વી પાણીથી તથા પાણીમાં બાંધેલી હતી. તેથી તે સમયની દુનિયા પાણીમાં ડૂબીને નાશ પામી. પણ હમણાંનાં આકાશ તથા પૃથ્વી તે જ શબ્દથી ન્યાયકાળ તથા અધર્મી માણસોના નાશના દિવસ સુધી રાખી મૂકેલાં છતાં બાળવાને માટે તૈયાર રાખેલાં છે.
”પણ વહાલાં ભાઈ-બહેનો, આ એક વાત તમે ભૂલશો નહિ કે પ્રભુની દ્રષ્ટિએ એક દિવસ હજાર વર્ષોના જેવો અને હજાર વર્ષો એક દિવસના જેવા છે. વિલંબનો જેવો અર્થ કેટલાક લોકો કરે છે, તેમ પ્રભુ પોતાના આશાવચન સંબંધી વિલંબ કરતા નથી, પણ કોઈનો નાશ ન થાય પણ બધાં પસ્તાવો કરે, એવું ઇચ્છીને પ્રભુ તમારે વિષે ધીરજ રાખે છે.
”પણ જેમ ચોર આવે છે, તેમ ઈશ્વરનો દિવસ આવશે, તે વેળાએ આકાશો ભારે ગર્જનાસહિત જતા રહેશે અને તત્વો અગ્નિથી પીગળી જશે અને પૃથ્વી તથા તે પરનાં કામોને બાળી નાખવામાં આવશે. તો એ સર્વ આ પ્રમાણે નાશ પામનાર છે, માટે પવિત્ર આચરણ તથા ભક્તિભાવમાં તમારે કેવાં થવું જોઈએ? ઈશ્વરના જે દિવસે આકાશો સળગીને ભસ્મીભૂત થશે તથા તત્વો બળીને પીગળી જશે તેમના આગમનના એ દિવસની રાહ જોતાં તેમની અપેક્ષા રાખવી. તોપણ આપણે તેમના આશાવચન પ્રમાણે નવાં આકાશ તથા નવી પૃથ્વી જેમાં ન્યાયીપણું વસે છે, તેની રાહ જોઈએ છીએ.
”જગત તથા તેની લાલસા જતા રહે છે, પણ જે ઈશ્વરની ઇચ્છા પૂરી કરે છે તે સદા રહે છે. બાળકો, આ છેલ્લો સમય છે, જેમ તમે સાંભળ્યું કે, ખ્રિસ્ત-વિરોધી આવે છે, તેમ હમણાં પણ ઘણાં ખ્રિસ્ત-વિરોધીઓ થયા છે, એથી આપણે જાણીએ છીએ કે આ અંતિમ સમય છે. તેઓ આપણામાંથી નીકળી ગયા, પણ તેઓ આપણામાંના નહોતા, કેમ કે જો તેઓ આપણામાંના હોત, તો આપણી સાથે રહેત પણ તેઓમાંનો કોઈ આપણામાંનો નથી એમ પ્રગટ થાય માટે [તેઓ નીકળી ગયા.]
”વહાલાંઓ, દરેક આત્મા પર વિશ્વાસ ન રાખો, પણ આત્માઓ ઈશ્વરથી છે કે નહિ એ વિષે તેઓને પારખી જુઓ; કેમ કે દુનિયામાં જૂઠાં પ્રબોધકો ઘણાં ઊભા થયા છે. ઈસુ ખ્રિસ્ત મનુષ્યદેહમાં આવ્યા છે, એવું જે દરેક આત્મા કબૂલ કરે છે તે ઈશ્વરનો છે, તેથી તમે ઈશ્વરનો આત્મા ઓળખી શકો છો. જે આત્મા ઈસુ ખ્રિસ્ત દેહમાં આવ્યા તેવું કબૂલ કરતો નથી તે ઈશ્વરનો નથી; અને ખ્રિસ્ત-વિરોધીનો આત્મા જે વિષે તમે સાંભળ્યું કે તે આવે છે, તે એ જ છે અને તે હમણાં પણ દુનિયામાં છે. તમે ઈશ્વરનાં છો અને તમે તેવા આત્માઓ પર વિજય પામ્યા છો, કેમ કે જે જગતમાં છે તે કરતાં જે તમારામાં છે તે મહાન છે. તેઓ જગતના છે, એ માટે તેઓ જગત વિષે બોલે છે અને જગત તેઓનું સાંભળે છે. આપણે ઈશ્વરના છીએ; જે ઈશ્વરને ઓળખે છે તે આપણું સાંભળે છે; જે ઈશ્વરનો નથી તે આપણું સાંભળતો નથી; એથી આપણે સત્યનો આત્મા તથા ભમાવનાર આત્મા વચ્ચેના તફાવતને પારખી શકીએ છીએ.
”કારણ કે દુનિયામાં ઘણાં છેતરનારાં ઊભા થયા છે; જેઓ ઈસુ ખ્રિસ્તનું મનુષ્યદેહમાં આવવું કબૂલ કરતા નથી, તે જ છેતરનાર તથા ખ્રિસ્ત-વિરોધી છે. તમે પોતાના વિષે સાવચેત રહો, કે જેથી અમે જે કામ કર્યું છે તેનો તમે નાશ ન કરો, પણ તેનું પૂર્ણ પ્રતિફળ પામો. જે કોઈ હદ બહાર જાય છે અને ખ્રિસ્તનાં શિક્ષણમાં રહેતો નથી, તેની પાસે ઈશ્વર નથી; શિક્ષણમાં જે રહે છે, તેને જ પિતા તથા પુત્ર પણ છે. જો કોઈ તમારી પાસે આવે અને તે જ શિક્ષણ ન લાવે, તો તેને ઘરમાં પેસવા ન દો અને તેને ક્ષેમકુશળ ન કહો. કેમ કે જે તેને ક્ષેમકુશળ કહે છે તે તેનાં દુષ્ટકર્મોનો ભાગીદાર થાય છે.
”વળી તેઓ વિષે પણ આદમથી સાતમી પેઢીના પુરુષ હનોખે ભવિષ્યવચન કહ્યું છે કે, "જુઓ, સર્વનો ન્યાય કરવાને, સર્વ અધર્મીઓએ જે બધાં અધર્મી કામો અધર્મીપણામાં કર્યાં અને અધર્મી પાપીઓએ તેની વિરુદ્ધ જે કઠણ વચનો કહ્યાં, તે વિષે પણ તેઓ સઘળાંને અપરાધી ઠરાવવાંને પ્રભુ પોતાના હજારોહજાર સંતો સહિત આવ્યા."
”ઈસુ ખ્રિસ્તનું પ્રકટીકરણ, એટલે "જે બનાવો ટૂંક સમયમાં બનવાના છે" તે પોતાના દાસોને કહી બતાવવા સારુ ઈશ્વરે તેમના પુત્ર ઈસુને તે આપ્યું; અને તેમણે પોતાનો સ્વર્ગદૂત મોકલીને તે ધ્વારા પોતાના દાસ યોહાનને બતાવ્યું.
”જુઓ, તે વાદળાં સાથે આવે છે અને દરેક આંખ, અને જેઓએ તેમને વીંધ્યા તેઓ પણ તેમને જોશે; અને પૃથ્વી પરનાં સઘળાં કુળો તેમને લીધે વિલાપ કરશે; હા, આમીન.
”તેં ધૈર્યનું વચન પાળ્યું છે, તેથી પૃથ્વી પર રહેનારાઓની કસોટી કરવા સારુ કસોટીનો જે સમય આખા માનવજગત પર આવનાર છે, તેનાથી હું પણ તને બચાવીશ. હું વહેલો આવું છું; તારું જે છે તેને તું વળગી રહે કે, કોઈ તારો મુગટ લઈ લે નહિ. જે જીતે છે તેને હું મારા ઈશ્વરના ભક્તિસ્થાનમાં સ્તંભ કરીશ, તે ફરી ત્યાંથી બહાર જશે નહિ; વળી તેના પર ઈશ્વરનું નામ તથા મારા ઈશ્વરના શહેરનું નામ, એટલે જે નવું યરુશાલેમ મારા ઈશ્વરની પાસેથી સ્વર્ગમાંથી ઊતરે છે તેનું, તથા મારું પોતાનું નવું નામ લખીશ.
”તારાં કામ હું જાણું છું, કે તું ઠંડો નથી, તેમ જ ગરમ પણ નથી; તું ઠંડો અથવા ગરમ થાય એમ હું ચાહું છું; પણ તું હૂંફાળો છે, એટલે ગરમ નથી તેમ જ ઠંડો પણ નથી, માટે હું તને મારા મોંમાંથી થૂંકી નાખીશ. તું કહે છે કે, હું શ્રીમંત છું, મેં સંપત્તિ મેળવી છે, મને કશાની ખોટ નથી; પણ તું જાણતો નથી કે, તું કંગાળ, દયાજનક, ગરીબ, અંધ તથા નિર્વસ્ત્ર છે; માટે હું તને એવી સલાહ આપું છું કે તું શ્રીમંત થાય, માટે અગ્નિથી શુદ્ધ કરેલું સોનું મારી પાસેથી વેચાતું લે; તું વસ્ત્ર પહેર, કે તારી નિર્વસ્ત્ર હોવાની શરમ પ્રગટ ન થાય, માટે સફેદ વસ્ત્ર વેચાતાં લે; તું દેખતો થાય, માટે અંજન [વેચાતું] લઈને તારી આંખોમાં આંજ. હું જેટલાં પર પ્રેમ રાખું છું, તે સર્વને ઠપકો આપું છું તથા શિક્ષા કરું છું; માટે તું ઉત્સાહી થા અને પસ્તાવો કર.
”એ ઘટનાઓ બન્યા પછી મેં જોયું, તો જુઓ, સ્વર્ગમાં એક દ્વાર ખૂલેલું હતું! જે પ્રથમ વાણી રણશિંગડાના અવાજ જેવી મેં સાંભળી તે મારી સાથે બોલતી હતી. તેણે કહ્યું કે, 'અહીં ઉપર આવ, હવે પછી જે જે થવાનું છે તે હું તને બતાવીશ.'
”રાજ્યાસન પર જે બિરાજેલા હતા તેમના જમણાં હાથમાં મેં એક ઓળિયું જોયું, તેની અંદરની તથા બહારની બન્ને બાજુએ લખેલું હતું, તથા સાત મુદ્રાથી તે સીલબંધ કરેલું હતું. તેવામાં મેં એક બળવાન સ્વર્ગદૂતને જોયો, તેણે મોટા અવાજે પોકારીને કહ્યું કે, 'આ ઓળિયું ખોલવાને અને તેનું સીલ તોડવાને કોણ યોગ્ય છે?' પણ સ્વર્ગમાં, પૃથ્વી પર અથવા પાતાળમાં, તે ઓળિયું ખોલવાને અથવા તેમાં જોવાને કોઈ સમર્થ નહોતો. ત્યારે હું બહુ રડ્યો, કારણ કે તે ઓળિયું ખોલવાને અથવા તેમાં જોવાને કોઈ યોગ્ય વ્યકિત મળી નહિ. ત્યારે વડીલોમાંના એકે મને કહ્યું કે, તું રડીશ નહીં; જો, યહૂદાના કુળમાંનો જે સિંહ છે, જે દાઉદનું મૂળ છે, તે આ ઓળિયું ખોલવાને તથા તેના સાત સીલ [તોડવાને] વિજયી થયો છે. રાજ્યાસનની તથા ચાર પ્રાણીઓની વચ્ચે તથા વડીલોની વચ્ચે મારી નંખાયેલા જેવું એક હલવાન ઊભું રહેલું મેં જોયું, તેને સાત શિંગડાં તથા સાત આંખ હતી; એ આંખો ઈશ્વરના સાત આત્મા છે, જેઓને આખી પૃથ્વી પર મોકલવામાં આવેલા છે. તેમણે જઈને રાજ્યાસન પર બેઠેલાના જમણાં હાથમાંથી તે ઓળિયું લીધું. જયારે તેમણે તે ઓળિયું લીધું, ત્યારે ચારેય પ્રાણી તથા ચોવીસ વડીલોએ હલવાન આગળ નમી પડ્યા; અને દરેકની પાસે વીણા તથા ધૂપથી ભરેલાં સુવર્ણ પાત્ર હતાં, તે ધૂપ સંતોની પ્રાર્થનાઓ છે. તેઓ નવું ગીત ગાતાં કહે છે કે, તમે ઓળિયું લેવાને તથા તેનું સીલ તોડવાને યોગ્ય છો; કેમ કે તમને મારી નાખવામાં આવ્યા હતા, તમે તમારા રક્તથી ઈશ્વરને સારુ સર્વ કુળોના, ભાષાના, પ્રજાના તથા દેશોમાંના લોકોને ખરીદેલા છે; તેઓને અમારા ઈશ્વરને સારુ રાજ્ય તથા યાજકો કર્યા છે; અને તેઓ પૃથ્વી પર રાજ કરે છે.
”મેં જોયું, તો રાજ્યાસન, પ્રાણીઓ તથા વડીલોની આસપાસ મેં ઘણાં સ્વર્ગદૂતોની વાણી સાંભળી; તેઓની સંખ્યા લાખોલાખ અને હજારોહજાર હતી. તેઓએ મોટે અવાજે પોકારીને કહ્યું કે, 'જે હલવાન મારી નંખાયેલું હતું તે પરાક્રમ, સંપત્તિ, જ્ઞાન, સામર્થ્ય, માન, મહિમા તથા સ્તુતિ પામવાને યોગ્ય છે.' વળી ઉત્પન્ન થયેલ [પ્રાણી] જે સ્વર્ગમાં, પૃથ્વી પર, પાતાળમાં તથા સમુદ્રમાં છે, તેઓમાંનાં સર્વને મેં એમ કહેતાં સાંભળ્યાં કે, રાજ્યાસન પર જે બેઠેલા છે તેમને તથા હલવાનને સ્તુતિ, માન, મહિમા તથા અધિકાર સદાસર્વકાળ હો. ત્યારે ચારે પ્રાણીઓએ કહ્યું, આમીન. પછી વડીલોએ પગે પડીને [તેમની] આરાધના કરી.
”જયારે હલવાને તે સાત સીલમાંથી એકને તોડ્યું ત્યારે મેં જોયું, તો ચાર પ્રાણીઓમાંના એકને મેં બોલતાં સાંભળ્યું જાણે ગર્જના થતી હોય તેવા અવાજથી [તેણે] કહ્યું કે, 'આવ.' મેં જોયું, તો જુઓ, એક સફેદ ઘોડો હતો, તેના પર જે બેઠેલો હતો તેની પાસે એક ધનુષ્ય હતું; તેને મુગટ આપવામાં આવ્યો, તે પોતે વિજેતા હજી વધુ જીતવા સારુ નીકળ્યો.
”જ્યારે તેણે બીજુ સીલ તોડ્યું, ત્યારે મેં બીજા પ્રાણીને એમ કહેતાં સાંભળ્યું કે, 'આવ.' ત્યારે બીજો એક લાલ ઘોડો નીકળ્યો; તેના પર જે બેઠેલો હતો તેને પૃથ્વી પરથી શાંતિ નષ્ટ કરવાની [સત્તા] આપવામાં આવી, જેથી તેઓ એકબીજાને મારી નાખે; વળી તેને એક મોટી તલવાર આપવામાં આવી.
”જયારે તેણે ત્રીજું સીલ તોડ્યુ, ત્યારે મેં ત્રીજા પ્રાણીને એમ કહેતાં સાંભળ્યું કે, 'આવ.' ત્યારે મેં જોયું, તો જુઓ, એક કાળો ઘોડો હતો; અને તેના પર જે બેઠેલો હતો તેના હાથમાં ત્રાજવાં હતાં. અને ચાર પ્રાણીઓની વચમાં મેં એક વાણી એમ કહેતી સાંભળી કે, 'અડધે રૂપિયે પાંચસો ગ્રામ ઘઉં, અડધે રૂપિયે દોઢ કિલો જવ; પણ તેલ તથા દ્રાક્ષારસનો બગાડ તું ન કર.'
”જયારે તેણે ચોથું સીલ તોડ્યું, ત્યારે મેં ચોથા પ્રાણીની વાણીને એમ કહેતી સાંભળી કે, 'આવ.' મેં જોયું, તો જુઓ, આછા રંગનો એક ઘોડો; તેના પર જે બેઠેલો હતો તેનું નામ મરણ હતું; હાદેસ તેની પાછળ પાછળ ચાલતું હતું, તલવારથી, દુકાળથી, મરકીથી તથા પૃથ્વી પરનાં હિંસક પશુઓથી જગતમાંનાં ચોથા હિસ્સાને મારી નાખવાનો અધિકાર તેને આપવામાં આવ્યો.
”જયારે તેણે પાંચમુ સીલ તોડ્યું, ત્યારે ઈશ્વરના વચનને લીધે તથા પોતાની મક્કમ સાક્ષીને લીધે મારી નાખવામાં આવેલાના આત્માઓને મેં યજ્ઞવેદી નીચે જોયા. તેઓએ મોટે અવાજે પોકારીને કહ્યું કે, 'હે સ્વામી, પવિત્ર તથા સત્ય, ઇન્સાફ કરવાનું તથા પૃથ્વી પર રહેનારાંઓની પાસેથી અમારા લોહીનો બદલો લેવાનું તમે ક્યાં સુધી મુલતવી રાખશો?' પછી તેઓમાંના દરેકને સફેદ વસ્ત્ર આપવામાં આવ્યું; અને તેઓને એમ કહેવામાં આવ્યું કે 'તમારા સાથી સેવકો તથા તમારા ભાઈઓ, જેઓ તમારી માફક માર્યા જવાનાં છે, તેઓની સંખ્યા પૂરી ન થાય, ત્યાં સુધી હજુ થોડીવાર તમે વિસામો લો.'
”જયારે તેણે છઠ્ઠું સીલ તોડ્યું, ત્યારે મેં જોયું, તો મોટો ધરતીકંપ થયો; સૂર્ય નિમાળાના કામળા જેવો કાળો થયો, અને આખો ચંદ્ર લોહી જેવો લાલ થઈ ગયો, જેમ ભારે પવનથી અંજીરી હાલી ઊઠે છે, અને તેનાં કાચાં ફળ તૂટી પડે છે, તેમ આકાશમાંના તારાઓ પૃથ્વી પર ખરી પડ્યા. વળી આકાશ વાળી લીધેલા ઓળિયાની જેમ સંકેલાઈ ગયું; દરેક પહાડ તથા બેટને તેમની જગ્યાએથી ખસેડવામાં આવ્યા. દુનિયાના રાજાઓ, મોટા માણસો, સેનાપતિઓ, શ્રીમંતો, પરાક્રમીઓ તથા દરેક દાસ તથા સ્વતંત્ર, એ તમામ લોકો ગુફાઓમાં તથા પહાડોના ખડકોને પાછળ સંતાઈ ગયા; તેઓએ પહાડોને તથા ખડકોને કહ્યું કે, 'અમારા પર પડો, રાજ્યાસન પર બેઠેલાની નજર આગળથી તથા હલવાનના કોપથી અમને છુપાવી દો.' કેમ કે તેઓના કોપનો મોટો દિવસ આવ્યો છે; એટલે કોણ તેનાથી બચી શકે?
”એ પછી, મેં ચાર સ્વર્ગદૂતને પૃથ્વીના ચાર ખૂણા પર ઊભા રહેલા જોયા; તેઓએ પૃથ્વીના ચાર પવનને એવી રીતે અટકાવી રાખ્યા હતા કે, પૃથ્વી પર અથવા સમુદ્ર પર, કોઈ ઝાડ પર પવન વાય નહિ. મેં બીજા એક સ્વર્ગદૂતને પૂર્વ દિશાથી ચઢતો જોયો, તેની પાસે જીવતા ઈશ્વરની મહોર હતી, અને પૃથ્વીને તથા સમુદ્રને હાનિ કરવાની સત્તા જે ચાર સ્વર્ગદૂતોને અપાઈ હતી, તેઓને તેણે મોટે અવાજે બૂમ પાડી કે, 'જ્યાં સુધી અમે અમારા ઈશ્વરના દાસોને તેઓના કપાળ પર મુદ્રા કરી ન રહીએ, ત્યાં સુધી તમે પૃથ્વીને અથવા સમુદ્રને અથવા ઝાડોને કશું નુકસાન કરશો નહિ.'
”અને મુદ્રિત થયેલાની સંખ્યા મેં સાંભળી; ઇઝરાયલના સર્વ કુળમાંના એક લાખ ચુંમાળીસ હજાર મુદ્રિત થયા; યહૂદાના કુળમાંના બાર હજાર મુદ્રિત થયા, રૂબેનના કુળમાંના બાર હજાર; ગાદના કુળમાંના બાર હજાર; આશેરના કુળમાંના બાર હજાર; નફતાલીના કુળમાંના બાર હજાર, મનાશ્શાના કુળમાંના બાર હજાર; શિમયોનના કુળમાંના બાર હજાર; લેવીના કુળમાંના બાર હજાર; ઈસ્સાખારના કુળમાંના બાર હજાર; ઝબુલોનનાં કુળમાંના બાર હજાર; યૂસફના કુળમાંના બાર હજાર; બિન્યામીનના કુળમાંના બાર હજાર મુદ્રિત થયા.
”ત્યાર બાદ મેં જોયું, તો જુઓ, સર્વ દેશમાંથી આવેલાની, સર્વ કુળ, લોકો તથા ભાષાના માણસોની કોઈથી ગણી શકાય નહિ એવી એક મોટી સભા! તેઓ રાજ્યાસનની આગળ તથા હલવાનની સમક્ષ ઊભા રહ્યા; તેઓએ સફેદ ઝભ્ભા પહેરેલા હતા, અને તેઓના હાથમાં ખજૂરીની ડાળીઓ હતી; અને તેઓ મોટા અવાજે પોકારીને કહે છે કે, 'અમારા જે ઈશ્વર રાજ્યાસન પર બેઠેલા છે, તેમને તથા હલવાનને ઉદ્ધારને માટે પ્રશંસા હોજો.' સઘળા સ્વર્ગદૂતો રાજ્યાસનની તથા વડીલોની તથા ચારે પ્રાણીઓની આસપાસ ઊભેલા હતા, અને તેઓએ રાજ્યાસનની આગળ દંડવત પ્રણામ કરીને ઈશ્વરની ભજન કરતાં કહ્યું કે, 'આમીન, આભાર, મહિમા, જ્ઞાન, ઉપકારસ્તુતિ, માન, પરાક્રમ તથા સામર્થ્ય સર્વકાળ સુધી અમારા ઈશ્વરને હો; આમીન.' પછી તે વડીલોમાંથી એકે મને પૂછ્યું કે, 'જેઓએ સફેદ વસ્ત્ર પહેરેલાં છે તેઓ કોણ છે, અને ક્યાંથી આવ્યા છે?' તેમને મેં કહ્યું કે, 'ઓ મારા મુરબ્બી, તમે જાણો છો.' અને તેમણે મને કહ્યું, 'જેઓ મોટી વિપત્તિમાંથી આવ્યા તેઓ એ છે; અને તેઓએ પોતાના વસ્ત્ર ધોયાં, અને હલવાનના રક્તમાં સફેદ કર્યા. માટે તેઓ ઈશ્વરના રાજ્યાસનની આગળ છે, અને તેમના ભક્તિસ્થાનમાં રાતદિવસ તેમની સેવા કરે છે; અને રાજ્યાસન ઉપર જે બેઠેલા તે તેઓના પર છત્રરૂપે રહેશે. તેઓને ફરી ભૂખ નહિ લાગશે, અને ફરી તરસ પણ નહિ લાગશે, અને સૂર્યનો તાપ અથવા કંઈ પણ પ્રકારની ગરમી તેઓના પર પડશે નહિ; કેમ કે જે હલવાન રાજ્યાસનની મધ્યે છે, તે તેઓના પાળક થશે અને જીવનનાં પાણીના ઝરાઓ પાસે તેઓને દોરી જશે; અને ઈશ્વર તેઓની આંખોનું દરેક આંસુ લૂછી નાખશે.'
”જયારે તેણે સાતમી મહોર તોડી, ત્યારે આશરે એક ઘડી સુધી સ્વર્ગમાં મૌન રહ્યું. ઈશ્વરની આગળ જે સાત સ્વર્ગદૂતો ઊભા રહે છે તેઓને મેં જોયા, અને તેઓને સાત રણશિંગડાં અપાયાં. ત્યાર પછી બીજો સ્વર્ગદૂતે આવીને યજ્ઞવેદી પાસે ઊભો રહ્યો, તેની પાસે સોનાની ધૂપદાની હતી, અને તેને પુષ્કળ ધૂપદ્રવ્ય આપવામાં આવ્યું જેથી સર્વ સંતોની પ્રાર્થનાઓ સાથે, રાજ્યાસનની સામે જે સોનાની યજ્ઞવેદી છે, તેના પર તે અર્પણ કરે. ધૂપનો ધુમાડો સંતોની પ્રાર્થનાઓ સાથે તે સ્વર્ગદૂતના હાથથી ઈશ્વરની સમક્ષ પહોંચ્ચો. સ્વર્ગદૂતે ધૂપપાત્ર લઈને તથા તેમાં યજ્ઞવેદીનો અગ્નિ ભરીને તેને પૃથ્વી પર નાખી દીધો; પછી ગર્જનાઓ, વાણીઓ, વીજળીઓ તથા ધરતીકંપો શરૂ થયાં. જે સાત સ્વર્ગદૂતોની પાસે સાત રણશિંગડાં હતાં તેઓ વગાડવા સારુ તૈયાર થયા.
”પહેલા સ્વર્ગદૂતે પોતાનું રણશિંગડુ વગાડ્યું, એટલે લોહીમાં મિશ્રિત કરા તથા આગ થયાં, અને પૃથ્વી પર ફેંકાયાં. તેથી વૃક્ષોનો ત્રીજો ભાગ બળી ગયો, અને બધું લીલું ઘાસ સળગી ગયું.
”પછી બીજા સ્વર્ગદૂતે વગાડ્યું, ત્યારે આગથી બળતા મોટા પહાડના જેવું કશુંક સમુદ્રમાં નંખાયું, અને સમુદ્રનો ત્રીજો ભાગ લોહી થયો, તેને લીધે સમુદ્રમાંનાં જે પ્રાણીઓ જીવતાં હતાં, તેઓમાંનાં ત્રીજા ભાગનાં મૃત્યુ પામ્યા. અને વહાણોનો ત્રીજો ભાગ નાશ પામ્યો.
”ત્રીજા સ્વર્ગદૂતે વગાડ્યું, અને દીવાના જેવો સળગતો એક મોટો તારો આકાશમાંથી નદીઓનાં ત્રીજા ભાગ પર તથા પાણીના ઝરાઓ પર પડ્યો. તે તારાનું નામ નાગદમણ, એક કડવી વનસ્પતિ હતું. તેથી પાણીનો ત્રીજો ભાગ કડવો થયો અને એ પાણીથી ઘણાં માણસો મરી ગયા, કારણ કે પાણી કડવાં થયાં હતાં.
”પછી ચોથા સ્વર્ગદૂતે વગાડ્યું, ત્યારે સૂર્યના ત્રીજા ભાગ, ચંદ્રના ત્રીજા ભાગ અને તારાઓનાં ત્રીજા ભાગ પર પ્રહાર થયો, જેથી તેઓનો ત્રીજો ભાગ તથા રાત્રીનો ત્રીજો ભાગ અંધકારરૂપ થયો, અને દિવસનો ત્રીજો ભાગ તથા રાતનો ત્રીજો ભાગ પ્રકાશરહિત થયો. મેં ગગનમાં ઊડતા એક ગરુડને મોટા અવાજથી એમ કહેતો સાંભળ્યો કે, બાકી રહેલા બીજા ત્રણ સ્વર્ગદૂતો જે પોતાના રણશિંગડા વગાડવાના છે, તેઓના અવાજને લીધે પૃથ્વી પરના લોકોને અફસોસ! અફસોસ! અફસોસ!
”જયારે પાંચમા સ્વર્ગદૂતે રણશિંગડું વગાડ્યું, ત્યારે મેં એક તારો આકાશથી પૃથ્વી પર પડેલો જોયો; તેને અનંતઊંડાણની ખાઈની ચાવી અપાઈ. તેણે અનંતઊંડાણની ખાઈને ખોલી. તો તેમાંથી મોટી ભઠ્ઠીમાંથી નીકળતો હોય તેવો ધુમાડો નીકળ્યો તેનાથી સૂર્ય તથા હવા અંધકારમય થઈ ગયા. એ ધુમાડામાંથી તીડો નીકળીને પૃથ્વી પર આવ્યાં, અને પૃથ્વી પરના વીંછીઓની શક્તિ જેવી શક્તિ તેઓને આપવામાં આવી. અને તેઓને એવું ફરમાવ્યું કે, પૃથ્વીના ઘાસને, કોઈ છોડને તથા કોઈ ઝાડને નુકસાન કરો નહિ પણ જે માણસોના કપાળ પર ઈશ્વરની મહોર નથી તેઓને ઉપદ્રવ કરો. તેઓને એવું સૂચવાયું તેઓ તેમને મારી નાખે નહિ, પણ પાંચ મહિના સુધી પીડા પમાડે. વીંછુ જયારે માણસને ડંખ મારે છે ત્યારની પીડા જેવી એ પીડા હતી. તે દિવસોમાં માણસો મરણ માટે તળપશે પણ તે તેમને મળશે જ નહિ, તેઓ મરણ ઇચ્છશે પણ મરણ તેઓ પાસેથી જતું રહેશે. તે તીડોનાં સ્વરૂપ લડાઈને માટે તૈયાર કરેલા ઘોડાઓનાં જેવા હતાં, અને તેઓનાં માથાં પર જાણે કે સોનાનાં હોય એવા મુગટો હતા તેઓના ચહેરા માણસોના ચહેરા જેવા હતા; અને તેઓના વાળ સ્ત્રીનાં વાળ જેવા અને તેઓના દાંત સિંહના દાંત જેવા હતા; અને તેઓનાં અંગે લોખંડનાં બખતર જેવા બખતર હતાં; અને તેઓની પાંખોનો અવાજ યુદ્ધમાં દોડતા ઘણાં ઘોડાના રથોના અવાજ જેવો હતો. તેઓને વીંછુઓના જેવી પૂંછડી હતી, અને ડંખ પણ હતો, તેઓની પૂંછડીઓમાં માણસોને પાંચ માસ સુધી પીડા પમાડવાની શક્તિ હતી. અનંતઊંડાણનો જે નર્કદૂત છે તે તેઓનો રાજા છે; તેનું નામ હિબ્રૂ ભાષામાં અબેદોન, પણ ગ્રીક ભાષામાં તેનું નામ આપોલ્યોન [એટલે વિનાશક] છે. પહેલી આફત પૂરી થઈ છે, જુઓ, હવે પછી બીજી બે આફતો આવવાની છે.
”પછી છઠ્ઠા સ્વર્ગદૂતે પોતાનું રણશિંગડુ દૂતે વગાડ્યું ત્યારે ઈશ્વરની સન્મુંખની સોનાની યજ્ઞવેદીનાં શિંગડાંમાંથી નીકળતી હોય એવી એક વાણી મેં સાંભળી; તેણે જે છઠ્ઠા સ્વર્ગદૂતની પાસે રણશિંગડું હતું તેને કહ્યું કે, 'મહાનદી યુફ્રેતિસ પર જે ચાર નર્કદૂતો બાંધેલા છે તેઓને મુક્ત કરે. આ ચાર નર્કદૂતો માણસોના ત્રીજા ભાગને મારી નાખે તે ઘડી, દિવસ, મહિના તથા વર્ષને માટે તૈયાર કરાયા હતા તેઓને છૂટા કરાયા. તેઓના લશ્કરના ઘોડેસવારોની સંખ્યા વીસ કરોડ હતી તે મારા સાંભળવામાં આવી. આવી રીતે દર્શનમાં મેં ઘોડાઓને તથા તેઓ પર બેઠેલાઓને જોયા; તેઓનાં બખતર આગ જેવા રાતાં, જાંબલી તથા ગંધકના રંગના હતાં. એ ઘોડાઓનાં માથાં સિંહોનાં માથાં જેવા હતાં, અને તેઓનાં મોંમાંથી આગ તથા ધુમાડા તથા ગંધક નીકળતાં હતાં. એ ત્રણ આફતોથી, એટલે તેઓના મુખમાંથી નીકળતી આગથી, ધુમાડાથી તથા ગંધકથી માણસોનો ત્રીજો ભાગ મારી નંખાયો; કેમ કે ઘોડાઓની શક્તિ તેઓનાં મોંમાં તથા તેઓની પૂંછડીઓમાં છે; કારણ કે તેઓનાં પૂંછડાં સાપના જેવા છે, અને એ પૂંછડાંને માથાં હોય છે જેથી તેઓ ઉપદ્રવ કરે છે. બાકીના જે માણસો તે આફતોથી મારી નંખાયા નહિ, તેઓએ પોતાના હાથની કૃતિઓ સંબંધી એટલે કે દુષ્ટાત્માઓની, સોનાની, રૂપાની, પિત્તળની, પથ્થરની તથા લાકડાની મૂર્તિઓ જેઓને જોવાની તથા સાંભળવાની તથા ચાલવાની પણ શક્તિ નથી, તેઓની ઉપાસના કરવાનો પસ્તાવો કર્યો નહિ. વળી તેઓએ પોતે કરેલી હત્યાઓ, જાદુક્રિયા, બદકૃત્યો તથા ચોરીઓ વિષે પસ્તાવો કર્યો નહિ.
”મેં બીજા એક બળવાન સ્વર્ગદૂતને સ્વર્ગમાંથી ઊતરતો જોયો, તે વાદળથી ઘેરાયેલો હતો, અને તેના માથા પર મેઘધનુષ હતું, અને તેનું મોં સૂર્યના જેવું તથા તેના પગ અગ્નિના સ્તંભો જેવા હતા. તેના હાથમાં ઉઘાડેલું એક નાનું ઓળિયું હતું, અને તેણે પોતાનો જમણો પગ સમુદ્ર પર તથા ડાબો પગ જમીન પર મૂક્યો; અને જેમ સિંહ ગર્જે છે તેમ તેણે મોટે અવાજે પોકાર કર્યો અને જયારે તેણે તે પોકાર કર્યો ત્યારે, સાત ગર્જના થઈ. જયારે તે સાત ગર્જના બોલી ત્યારે હું લખી લેવાનો હતો પણ મેં સ્વર્ગથી એક વાણી એવું કહેતી સાંભળી કે 'સાત ગર્જનાએ જે જે વાત કહી તેઓને તું લખીશ નહિ તે જાહેર કરવાની નથી.' પછી મેં જે સ્વર્ગદૂતને સમુદ્ર પર તથા પૃથ્વી પર ઊભો રહેલો જોયો હતો, તેણે પોતાનો જમણો હાથ સ્વર્ગ તરફ ઊંચો કર્યો, અને જેઓ સદાસર્વકાળ જીવંત છે, જેમણે આકાશ તથા તેમાં, પૃથ્વી તથા તેમાં અને સમુદ્ર તથા તેમાં જે કંઈ છે તે બધું ઉત્પન્ન કર્યું તેમના સમ ખાઈને તેણે કહ્યું કે, 'હવે વિલંબ થશે નહિ; પણ સાતમાં સ્વર્ગદૂતની વાણીના દિવસોમાં, એટલે જયારે તે રણશિંગડુ વગાડશે ત્યારે ઈશ્વરનો મર્મ, જે તેમણે પોતાના સેવકોને એટલે પ્રબોધકોને જણાવ્યો હતો તે પ્રમાણે સંપૂર્ણ થશે.'
”સ્વર્ગમાંથી જે વાણી મેં સાંભળી હતી તેણે ફરીથી મને કહ્યું કે 'તું જા. અને જે સ્વર્ગદૂત સમુદ્ર પર તથા જમીન પર ઊભો છે, તેના હાથમાં જે ખુલ્લું ઓળિયું છે તે લે.' મેં સ્વર્ગદૂતની પાસે જઈને તેને કહ્યું કે 'એ નાનું ઓળિયું મને આપ.' અને તેણે મને કહ્યું કે 'તે લે અને ખાઈ જા. તે તારા પેટને કડવું કરશે પણ તારા મોમાં મધ જેવું મીઠું લાગશે.' ત્યારે સ્વર્ગદૂતના હાથમાંથી નાનું ઓળિયું લઈને હું તેને ખાઈ ગયો અને તે મારા મોમાં મધ જેવું મીઠું લાગ્યું પણ તેને ખાધા પછી તે મને કડવું લાગ્યું. પછી મને એવું કહેવામાં આવ્યું કે ઘણાં લોકો, દેશો, ભાષાઓ તથા રાજાઓ વિષે તારે પ્રબોધ કરવો જોઈએ.'
”લાકડી જેવી એક માપપટ્ટી મને અપાઈ અને કહેવામાં આવ્યું કે 'તું ઊઠ, ઈશ્વરના ભક્તિસ્થાન તથા યજ્ઞવેદીનું માપ લે તથા ત્યાંના ભજન કરનારાઓની ગણતરી કર. પણ ભક્તિસ્થાનની બહાર જે ચોક છે તેનું માપ લઈશ નહિ કેમ કે તે વિદેશીઓને આપેલું છે; તેઓ બેતાળીસ મહિના સુધી પવિત્ર નગરને કચડશે. મારા બે સાક્ષીને હું એવો અધિકાર આપીશ કે તેઓ ટાટ પહેરીને એક હજાર બસો સાંઠ દિવસ સુધી પ્રબોધ કરે. જૈતૂનનાં જે બે વ્રુક્ષ તથા જે બે દીવી પૃથ્વીના ઈશ્વરની સમક્ષ ઊભા છે તેઓ એ જ છે. જો કોઈ તેઓને ઈજા પહોંચાડવા ચાહશે તો તેઓનાં મોંમાંથી આગ નીકળશે અને તેઓના શત્રુઓને નષ્ટ કરશે. અને જો કોઈ તેઓને ઈજા કરવા ઇચ્છશે તો તેને માર્યા જવું પડશે. તેઓને આકાશ બંધ કરવાનો અધિકાર છે કે તેઓના પ્રબોધ કરવાના દિવસો દરમિયાન વરસાદ વરસે નહિ. અને પાણીઓ પર તેઓને અધિકાર છે કે તેઓ પાણીને લોહીરૂપે બદલી નાખે અને તેઓ જેટલી વાર ચાહે તેટલી વાર પૃથ્વી પર દરેક પ્રકારની આફત લાવે.
”જયારે તેઓ પોતાની સાક્ષી પૂરી કરશે ત્યારે જે હિંસક પશુ અનંતઊંડાણમાંથી નીકળે છે તે તેઓની સાથે લડાઈ કરશે અને તેઓને જીતશે તથા તેઓને મારી નાખશે. જે મોટું નગર આત્મિક રીતે સદોમ તથા મિસર કહેવાય છે, જ્યાં તેઓના પ્રભુ વધસ્તંભે જડાયા તે નગરના રસ્તામાં તેઓના મૃતદેહો પડ્યા રહે છે; અને સર્વ લોકો, કુળો, ભાષાઓ તથા દેશોમાંથી આવેલા કેટલાક માણસો સાડાત્રણ દિવસ સુધી તેઓનાં મૃતદેહ જુએ છે અને એ મૃતદેહોને કબરમાં દફનાવવા દેતાં નથી. પૃથ્વી પરનાં રહેનારાંઓ તેઓને લીધે હર્ષ કરશે અને આનંદિત થશે અને એકબીજા પર ભેટ મોકલશે કેમ કે તે બે પ્રબોધકોએ પૃથ્વી પરનાં રહેનારાંઓને દુઃખ દીધું હતું.
”સાડાત્રણ દિવસ પછી ઈશ્વર તરફથી જીવનનો આત્મા તેઓમાં પ્રવેશ્યો. તેથી તેઓ પોતાના પગ પર ઊભા રહ્યા; પછી તેઓને જોનારાઓને ઘણી બીક લાગી. તેઓએ સ્વર્ગમાંથી મોટી વાણી પોતાને એમ કહેતાં સાંભળી કે 'તમે અહીં ઉપર આવો' અને તેઓ વાદળ પર થઈને સ્વર્ગમાં ચઢી ગયા. અને તેઓના શત્રુઓએ તેઓને ચઢતાં જોયા. તે સમયે મોટો ધરતીકંપ થયો અને તે નગરનો દસમો ભાગ નષ્ટ થઈ ગયો. ધરતીકંપથી સાત હજાર માણસો મૃત્યુ પામ્યા અને જે બચી ગયા તેઓ ગભરાયા, તેઓએ સ્વર્ગના ઈશ્વરને મહિમા આપ્યો. બીજી આફત આવી ગઈ છે, જુઓ, ત્રીજી આફત વહેલી આવી રહી છે.
”પછી સાતમાં સ્વર્ગદૂતે પોતાનું રણશિંગડુ વગાડ્યું ત્યારે આકાશમાં મોટી વાણીઓ થઈ. તેઓએ કહ્યું કે 'આ દુનિયાનું રાજ્ય આપણા પ્રભુનું તથા તેમના ખ્રિસ્તનું થયું છે, તે સદાસર્વકાળ રાજ્ય કરશે.' જે ચોવીસ વડીલો ઈશ્વરની આગળ પોતાનાં આસન પર બેઠા હતા તેઓએ દંડવત કરીને ઈશ્વરનું ભજન કરતાં કહ્યું કે, 'ઓ સર્વસમર્થ પ્રભુ ઈશ્વર, જે છે, ને જે હતા, અમે તમારી સ્તુતિ કરીએ છીએ કેમ કે તમે પોતાનું મહાન પરાક્રમ ધારણ કરીને રાજ કરો છો. દેશોના લોકો ગુસ્સે ભરાયા અને તમારો કોપ પ્રગટ થયો; અને સમય આવ્યો છે કે, મરેલાંઓનો ન્યાય થાય અને તમારા સેવકો એટલે પ્રબોધકો, સંતો તથા તમારા નામથી ડરનારાં, પછી તેઓ નાના હોય કે મોટા હોય, તેઓને પ્રતિફળ આપવાનો તથા જેઓ પૃથ્વીને નષ્ટ કરનારા છે તેઓનો સંહાર કરવાનો સમય આવ્યો છે.' પછી સ્વર્ગમાં ઈશ્વરનું જે ભક્તિસ્થાન છે તે ઉઘાડવામાં આવ્યું. અને ભક્તિસ્થાનમાં તેમના કરારનો કોશ દેખાયો. અને વીજળીઓ, વાણીઓ, ગર્જનાઓ તથા ધરતીકંપ થયાં. અને પુષ્કળ કરા પડ્યા.
”પછી આકાશમાં મોટું ચિહ્ન દેખાયું, એટલે સૂર્યથી વેષ્ટિત એક સ્ત્રી જોવામાં આવી. તેના પગ નીચે ચંદ્ર અને માથા પર બાર તારાનો મુગટ હતો. તે ગર્ભવતી હતી. તેને પ્રસવપીડા થતી હતી. તેથી તે બૂમ પાડતી હતી. આકાશમાં બીજું ચિહ્ન પણ દેખાયું; જુઓ, મોટો લાલ અજગર હતો, જેને સાત માથાં ને દસ શિંગડાં હતાં; અને તેના માથા પર સાત મુગટ હતા; તેના પૂછડાએ આકાશના તારાઓનો ત્રીજો ભાગ ખેંચીને તેઓને પૃથ્વી પર નાખ્યા. જે સ્ત્રીને પ્રસવ થવાનો હતો, તેની આગળ તે અજગર ઊભો રહ્યો હતો, એ માટે કે જયારે તે જન્મ આપે ત્યારે તેના બાળકને તે ખાઈ જાય. 'તે સ્ત્રીએ પુત્રને જન્મ આપ્યો' જે નરબાળક સઘળા દેશના લોકો પર લોખંડના દંડથી રાજ કરશે. એ બાળકને ઈશ્વર પાસે તથા તેના રાજ્યાસન પાસે લઈ જવામાં આવ્યો. સ્ત્રી જંગલમાં નાસી ગઈ. ત્યાં ઈશ્વરે તેને માટે બારસો સાંઠ દિવસ સુધી તેનું પોષણ થાય એવું સ્થળ તૈયાર કરી રાખ્યું હતું.
”પછી આકાશમાં યુધ્ધ મચ્યું. મીખાએલ તથા તેના સ્વર્ગદૂતો અજગરની સાથે લડ્યા; અને અજગર તથા તેના નર્કદૂતો પણ લડ્યા; તોપણ તેઓ તેમને જીતી શક્યા નહિ અને તેઓને ફરી સ્વર્ગમાં સ્થાન મળ્યું નહિ. તે મોટો અજગર બહાર ફેંકી દેવાયો. એટલે તે જૂનો સાપ જે દુષ્ટાત્મા તથા શેતાન કહેવાય છે, જે આખા માનવજગતને ભમાવે છે, તેને પૃથ્વી પર ફેંકી દેવાયો. અને તેની સાથે તેના નર્કદૂતોને પણ નાખી દેવાયા. ત્યારે સ્વર્ગમાંથી મોટી વાણી મેં એમ કહેતી સાંભળી કે, 'હમણાં ઉદ્ધાર, પરાક્રમ તથા અમારા ઈશ્વરનું રાજ્ય તથા તેમના ખ્રિસ્તનો અધિકાર આવ્યાં છે; કેમ કે અમારા ભાઈઓ પર દોષ મૂકનાર, જે અમારા ઈશ્વરની આગળ રાતદિવસ તેમની વિરુધ્ધ આક્ષેપો મૂકે છે તેને નીચે ફેંકવામાં આવ્યો છે. તેઓએ હલવાનના રક્તથી તથા પોતાની સાક્ષીના વચનથી તેને જીત્યો છે અને છેક મરતાં સુધી તેઓએ પોતાનો જીવ વહાલો ગણ્યો નહિ. એ માટે, ઓ સ્વર્ગો તથા તેઓમાં રહેનારાંઓ, તમે આનંદ કરો! ઓ પૃથ્વી તથા સમુદ્ર તમને અફસોસ છે; કેમ કે શેતાન તમારી પાસે ઊતર્યો છે અને તે બહુ ક્રોધિત થયો છે, તે જાણે છે કે હવે તેની પાસે થોડો જ સમય બાકી છે.
”જયારે અજગરે જોયું કે પોતે પૃથ્વી પર ફેંકાયો છે ત્યારે જે સ્ત્રીએ નરબાળકને જન્મ આપ્યો હતો, તેને તેણે સતાવી. સ્ત્રીને મોટા ગરુડની બે પાંખો આપવામાં આવી, કે જેથી તે અજગરની આગળથી અરણ્યમાં પોતાના નિયત સ્થળે ઊડી જાય, ત્યાં સમય તથા સમયો તથા અડધા સમય સુધી તેનું પોષણ કરવામાં આવે. અજગરે પોતાના મોમાંથી નદીના જેવો પાણીનો પ્રવાહ તે સ્ત્રીની પાછળ વહેતો મૂક્યો કે તેના પૂરથી તે તણાઈ જાય. પણ પૃથ્વીએ તે સ્ત્રીને સહાય કરી. એટલે પૃથ્વી પોતાનું મોં ઉઘાડીને જે પાણીનો પ્રવાહ અજગરે પોતાના મોમાંથી વહેતો મૂક્યો હતો તેને પી ગઈ. ત્યારે અજગર તે સ્ત્રી પર ગુસ્સે થયો. અને તેનાં બાકીનાં સંતાન એટલે જેઓ ઈશ્વરની આજ્ઞા પાળે છે અને જેઓ ઈસુની સાક્ષીને વળગી રહે છે તેઓની સાથે લડવાને તે નીકળ્યો; અને તે સમુદ્રની રેતી પર ઊભો રહ્યો.
”પછી મેં એક હિંસક પશુને સમુદ્રમાંથી નીકળતું જોયું, તેને દસ શિંગડાં તથા સાત માથાં હતાં, તેનાં શિંગડાં પર દસ મુગટ તથા તેનાં માથાં પર ઈશ્વરનું અપમાન કરનારાં નામો હતાં. જે હિંસક પશુને મેં જોયું, તે ચિત્તાના જેવું હતું, તેના પગ રીંછના પગ જેવા હતા, તેનું મોં સિંહના મોં જેવું હતું; તેને અજગરે પોતાનું પરાક્રમ, રાજ્યાસન તથા મોટો અધિકાર આપ્યાં. મેં તેનાં માથાંમાંના એકને મરણતોલ ઘાયલ થયેલું જોયું; પણ તેનો પ્રાણઘાતક ઘા રુઝાયો, અને આખી દુનિયા તે હિંસક પશુને જોઈને આશ્ચર્ય પામી; અજગરે હિંસક પશુને અધિકાર આપ્યો હતો, તેથી તેઓએ તેની ઉપાસના કરી; તેઓએ હિંસક પશુની પણ ઉપાસના કરી, અને કહ્યું કે, 'હિંસક પશુના જેવું બીજું કોણ છે? એની સામે લડી શકે એવું કોણ છે?' બડાઈ કરનારું તથા ઈશ્વર વિરુદ્ધ દુર્ભાષણ કરનારું મોં તેને આપવામાં આવ્યું; બેતાળીસ મહિના સુધી તે એમ કર્યા કરે એવો અધિકાર તેને આપવામાં આવ્યો. તેણે ઈશ્વરનું અપમાન કરવા સારુ પોતાનું મોં ખોલ્યું કે, તે ઈશ્વરના નામનું, તેમના પવિત્રસ્થાનનું તથા સ્વર્ગમાં રહેનારાઓનું અપમાન કરે.
”તેને એવું સામર્થ્ય પણ આપવામાં આવ્યું કે, તે સંતોની સામે લડે, અને તેઓને જીતે; વળી સર્વ કુળ, પ્રજા, ભાષા તથા દેશ પર તેને અધિકાર આપવામાં આવ્યો. જેઓનાં નામ સૃષ્ટિના મંડાણથી મારી નંખાયેલા હલવાનના જીવનપુસ્તકમાં લખેલાં નથી, એવાં પૃથ્વી પર રહેનારાં સર્વ તેની ઉપાસના કરશે. જો કોઈને કાન હોય તો તે સાંભળે. જો કોઈ બીજાને ગુલામીમાં લઈ જાય, તો તે પોતે ગુલામીમાં જશે; જો કોઈ બીજાને તલવારથી મારી નાખે, તો તેને પોતાને તલવારથી માર્યા જવું પડશે. આમાં સંતોની ધીરજ તથા તેઓનો વિશ્વાસ રહેલાં છે.
”પછી મેં પૃથ્વીમાંથી બીજા એક હિંસક પશુને બહાર આવતું જોયું; તેને ઘેટાંના [શિંગડાં] જેવા બે શિંગડાં હતાં, તે અજગરની માફક બોલતું હતું. પહેલા હિંસક પશુનો સર્વ અધિકાર તેની સમક્ષ તે ચલાવે છે, જે પહેલા હિંસક પશુનો પ્રાણઘાતક ઘા રુઝાયો હતો, તેની ઉપાસના પૃથ્વી પાસે તથા તે પરના રહેનારાંઓની પાસે તે કરાવે છે; તે મોટા ચમત્કારિક ચિહ્નો કરે છે, એટલે સુધી કે તે માણસોની નજર આગળ આકાશમાંથી પૃથ્વી પર અગ્નિ પણ વરસાવે છે. હિંસક પશુની સમક્ષ જે ચમત્કારિક ચિહ્નો કરવાનો [અધિકાર] તેને આપવામાં આવ્યો, તેઓ વડે પૃથ્વી પર રહેનારાંઓને તે ભમાવે છે; અને પૃથ્વી પર રહેનારાંઓને તે કહે છે કે, 'જે હિંસક પશુ તલવારથી ઘાયલ થયું હતું, છતાં તે જીવતું રહ્યું, તેની મૂર્તિ બનાવો.' તેને, એવું [સામર્થ્ય] આપવામાં આવ્યું કે તે હિંસક પશુની મૂર્તિમાં પ્રાણ મૂકે, જેથી તે હિંસક પશુની મૂર્તિ બોલે, અને જેટલાં માણસો હિંસક પશુની મૂર્તિની ઉપાસના ન કરે તેટલાંને તે મારી નંખાવે.
”વળી નાના તથા મોટા, શ્રીમંત તથા દરિદ્રી, સ્વતંત્ર તથા દાસ, તે સર્વની પાસે તેઓના જમણાં હાથ પર અથવા તેઓનાં કપાળ પર તે છાપ મરાવે છે; વળી જેને તે છાપ, એટલે હિંસક પશુનું નામ, અથવા તેના નામની સંખ્યા હોય, તે વગર બીજા કોઈથી કંઈ વેચાયલેવાય નહિ, એવી પણ તે ફરજ પાડે છે. આમાં ચાતુર્ય રહેલું છે. જેને બુદ્ધિ છે, તે હિંસક પશુની સંખ્યા ગણે; કેમ કે તે એક માણસના નામની સંખ્યા છે અને તેની સંખ્યા છસો છાસઠ છે.
”પછી મેં જોયું, તો જુઓ, સિયોન પહાડ પર હલવાન ઊભેલું હતું, તેની સાથે એક લાખ ચુંમાળીસ હજાર [સંતો] હતા. તેઓનાં કપાળ પર તેનું તથા તેના પિતાનું નામ લખેલું હતું. મેં ઘણાં પાણીના અવાજના જેવી તથા મોટી ગર્જનાના અવાજના જેવી વાણી સ્વર્ગમાંથી સાંભળી; તે તો વીણા વગાડનારાઓ પોતાની વીણા વગાડતા હોય એવી વાણી હતી. તેઓ રાજ્યાસન તથા ચાર પ્રાણીઓની તથા વડીલોની આગળ જાણે કે નવું ગીત ગાતા હતા; પૃથ્વી પરથી જે એક લાખ ચુંમાળીસ હજારને મુક્તિ મૂલ્ય દ્વારા ખરીદવામાં આવ્યા હતા, તેઓ સિવાય બીજું કોઈ એ ગીત શીખી શક્યું નહિ. સ્ત્રીઓ [ના સંસર્ગ] થી જેઓ અશુદ્ધ નથી થયા તેઓ એ છે; કેમ કે તેઓ કુંવારા છે. હલવાન જ્યાં જાય છે ત્યાં તેની પાછળ જે ચાલનારાં છે તેઓ તે છે. તેઓ ઈશ્વરને સારુ તથા હલવાનને સારુ પ્રથમફળ થવાને માણસોમાંથી ખરીદવામાં આવ્યા હતા; તેઓનાં મુખમાં અસત્ય નથી; તેઓ નિર્દોષ છે.
”પછી મેં બીજા એક સ્વર્ગદૂતને અંતરિક્ષમાં ઊડતો જોયો, પૃથ્વી પર રહેનારાંઓમાં, એટલે સર્વ દેશ, કુળ, ભાષા તથા પ્રજામાં પ્રગટ કરવાને, તેની પાસે અનંતકાળિક સુવાર્તા હતી; તે મોટે અવાજે કહે છે કે, 'ઈશ્વરથી ડરો અને તેમને મહિમા આપો, કેમ કે તેમના ન્યાયકરણનો સમય આવ્યો છે, જેમણે આકાશ, પૃથ્વી, સમુદ્ર તથા પાણીના ઝરાઓને ઉત્પન્ન કર્યા, તેમની આરાધના કરો.' ત્યાર પછી તેની પાછળ બીજો એક સ્વર્ગદૂત આવીને એમ બોલ્યો કે, 'પડ્યું રે, મોટું બેબિલોન શહેર પડ્યું કે, જેણે પોતાના વ્યભિચારને લીધે રેડાયેલો કોપરૂપી દ્રાક્ષારસ સર્વ દેશના લોકોને પાયો છે.'
”પછી તેઓની પાછળ ત્રીજો સ્વર્ગદૂત આવીને ઊંચા અવાજે બોલ્યો કે, હિંસક પશુને તથા તેની મૂર્તિને જો કોઈ પૂજે અને તેની છાપ પોતાના કપાળ પર અથવા પોતાના હાથ પર લગાવે, તો તે પણ ઈશ્વરના કોપરૂપી દ્રાક્ષારસ, જે તેમના ક્રોધના પ્યાલામાં પૂરો રેડેલો છે, તે પીવો પડશે; અને પવિત્ર સ્વર્ગદૂતોની તથા હલવાનની સમક્ષ અગ્નિમાં તથા ગંધકમાં તે દુઃખ ભોગવશે; તેઓની પીડાનો ધુમાડો સદાસર્વકાળ સુધી ઉપર ચઢ્યાં કરે છે; જેઓ હિંસક પશુની તથા તેની મૂર્તિની ઉપાસના કરે છે તથા જે કોઈ તેના નામની છાપ લગાવે છે, તેઓને રાતદિવસ આરામ નથી. તેમાં પવિત્ર સંતોની ધીરજ, એટલે જેઓ ઈશ્વરની આજ્ઞા પાળે છે તથા ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખે છે તેઓની ધીરજ રહેલી છે.
”પછી મેં સ્વર્ગમાંથી એક વાણી એવું બોલતી સાંભળી કે, 'તું એમ લખ કે, હવે પછી જે મરનારાંઓ પ્રભુમાં મૃત્યુ પામે છે, તેઓ આશીર્વાદિત છે; આત્મા કહે છે, હા, કે તેઓ પોતાના શ્રમથી આરામ લે; કેમ કે તેઓના કામ તેઓની સાથે આવે છે.'
”પછી મેં જોયું, તો જુઓ, સફેદ વાદળું અને તે વાદળાં પર મનુષ્યપુત્ર જેવા એક [પુરુષ] બેઠેલા હતા, તેમના માથા પર સોનાનો મુગટ હતો, તેમના હાથમાં ધારદાર દાતરડું હતું. પછી ભક્તિસ્થાનમાંથી બીજા એક સ્વર્ગદૂતે બહાર આવીને વાદળાં પર બેઠેલા [પુરુષ] ને મોટા અવાજે હાંક મારી કે, 'તમે તમારું દાતરડું ચલાવીને કાપો, કેમ કે કાપણીનો સમય આવ્યો છે, અને પૃથ્વીની ફસલ પૂરેપૂરી પાકી ગઈ છે.' ત્યારે વાદળાં પર બેઠેલા [પુરુષે] પૃથ્વી પર પોતાનું દાતરડું ચલાવ્યું; એટલે પૃથ્વી પરનાં પાકની કાપણી કરવામાં આવી.
”ત્યાર પછી આકાશમાંના ભક્તિસ્થાનમાંથી બીજો એક સ્વર્ગદૂત બહાર આવ્યો, તેની પાસે પણ ધારદાર દાતરડું હતું. અને બીજો એક સ્વર્ગદૂત, એટલે કે જેને અગ્નિ પર અધિકાર છે તે, યજ્ઞવેદી પાસેથી બહાર આવ્યો; તેણે જેની પાસે ધારદાર દાતરડું હતું તેને મોટા અવાજે કહ્યું કે, તું તારું ધારદાર દાતરડું ચલાવીને પૃથ્વીના દ્રાક્ષાવેલાનાં ઝૂમખાંને લણી લે; કેમ કે તેની દ્રાક્ષ પાકી ચૂકી છે.' ત્યારે તે સ્વર્ગદૂતે પોતાનું દાતરડું પૃથ્વી પર ચલાવ્યું, અને પૃથ્વીના દ્રાક્ષાવેલાનાં ઝૂમખાંને કાપી લીધાં, અને ઈશ્વરના કોપના મોટા દ્રાક્ષાકુંડમાં નાખ્યાં. દ્રાક્ષાકુંડમાં જે હતું તે શહેર બહાર ખૂંદવામાં આવ્યું, દ્રાક્ષાકુંડમાંથી ત્રણસો કિલોમિટર સુધી ઘોડાઓની લગામોને પહોંચે, એટલું લોહી વહેવા લાગ્યું.
”ત્યાર પછી મેં આકાશમાં બીજું મોટું તથા આશ્ચર્યકારક ચિહ્ન જોયું, એટલે સાત સ્વર્ગદૂતો અને તેઓની પાસે છેલ્લી સાત આફતો હતી, કેમ કે તેઓમાં ઈશ્વરનો કોપ પૂરો કરવામાં આવે છે.
”પછી મેં જાણે કે અગ્નિમિશ્રિત ચળકતો સમુદ્ર જોયો; જેઓએ હિંસક પશુ પર, તેની મૂર્તિ પર, તથા તેના નામની સંખ્યા પર વિજય મેળવ્યો હતો, તેઓ તે ચળકતા સમુદ્ર પાસે ઊભા રહેલા હતા અને તેઓની પાસે ઈશ્વરની વીણાઓ હતી. તેઓ ઈશ્વરના સેવક મૂસાનું ગીત તથા હલવાનનું ગીત ગાઈને કહેતાં હતા કે, હે સર્વશક્તિમાન પ્રભુ ઈશ્વર, તમારાં કામો મહાન તથા અદભુત છે; હે યુગોના રાજા, તમારા માર્ગ ન્યાયી તથા સત્ય છે. હે પ્રભુ, તમારાથી કોણ નહિ બીશે, તમારા નામનો મહિમા કોણ નહિ કરશે? કેમ કે એકલા તમે પવિત્ર છો; હા સઘળી પ્રજાઓ તમારી આગળ આવશે ને તમારી આરાધના કરશે; કેમ કે તમારાં ન્યાયી કૃત્યો પ્રગટ થયાં છે.
”ત્યાર પછી મેં જોયું, તો સ્વર્ગમાં સાક્ષ્યમંડપના ભક્તિસ્થાનને ઉઘાડવામાં આવ્યું હતું; જે સાત સ્વર્ગદૂતોની પાસે સાત આફતો હતી, તેઓ ભક્તિસ્થાનમાંથી બહાર આવ્યા; તેઓએ સ્વચ્છ તથા ચળકતાં શણનાં વસ્ત્ર પહેરેલાં હતાં, તથા કમર પર સોનાનાં પટ્ટા બાંધેલા હતા. ચાર પ્રાણીઓમાંના એકે સદાસર્વકાળ જીવંત ઈશ્વરના કોપથી ભરેલાં સાત સુવર્ણપાત્રો તે સાત સ્વર્ગદૂતોને આપ્યાં. ઈશ્વરના ગૌરવના તથા તેમના પરાક્રમના ધુમાડાથી ભક્તિસ્થાન ભરાઈ ગયું; સાત સ્વર્ગદૂતોની સાત આફતો પૂરી થઈ ત્યાં સુધી કોઈથી ભક્તિસ્થાનમાં પ્રવેશ કરી શકાયો નહિ.
”એક મોટી વાણી ભક્તિસ્થાનમાંથી મેં સાંભળી, તેણે સાત સ્વર્ગદૂતોને એમ કહ્યું કે, 'તમે જાઓ ને ઈશ્વરના કોપના સાત પ્યાલાં પૃથ્વી પર રેડી દો.'
”પહેલો સ્વર્ગદૂત ગયો, અને તેણે પોતાનો પ્યાલો પૃથ્વી પર રેડયો, અને જે માણસો હિંસક પશુની છાપ રાખતાં હતાં અને તેની મૂર્તિને પૂજતાં હતાં, તેઓ પર ત્રાસદાયક તથા દુઃખદાયક ગૂમડાં ફૂટી નીકળ્યાં.
”બીજા સ્વર્ગદૂતે પોતાનો પ્યાલો સમુદ્ર પર રેડ્યો એટલે સમુદ્ર મૃતદેહના લોહી જેવો થયો, અને જે સજીવ પ્રાણી સમુદ્રમાં હતા તે મરણ પામ્યા.
”ત્રીજા સ્વર્ગદૂતે પોતાનો પ્યાલો નદીઓ પર તથા પાણીના ઝરાઓ પર રેડયો, અને પાણી લોહી થઈ ગયા. મેં પાણીના સ્વર્ગદૂતને બોલતાં સાંભળ્યો કે, 'તમે ન્યાયી છો, તમે જે છો અને જે હતા, પવિત્ર ઈશ્વર, કેમ કે તમે અદલ ન્યાયચૂકાદાઓ કર્યા છે; કારણ કે તેઓએ તમારા સંતોનું તથા પ્રબોધકોનું લોહી વહેવડાવ્યું, અને તમે તેઓને લોહી પીવાને આપ્યું છે; તેઓ તેને માટે લાયક છે.' યજ્ઞવેદીમાંથી એવો અવાજ મેં સાંભળ્યો કે, 'હા, ઓ સર્વસમર્થ પ્રભુ ઈશ્વર, તમારા ન્યાયચુકાદા સત્ય તથા ન્યાયી છે.'
”ચોથા સ્વર્ગદૂતે પોતાનો પ્યાલો સૂરજ પર રેડયો; એટલે તેને આગથી માણસોને બાળી નાખવાની શક્તિ આપવામાં આવી; તેથી માણસો આગની આંચથી દાઝ્યાં. ઈશ્વર, જેમને આ આફતો પર અધિકાર છે, તેમના નામની વિરુદ્ધ દુર્ભાષણ કરી તેઓએ તેમને મહિમા આપ્યો નહિ અને પસ્તાવો કર્યો નહિ.
”પાંચમા સ્વર્ગદૂતે પોતાનો પ્યાલો હિંસક પશુના રાજ્યાસન પર રેડયો; અને તેના રાજ્ય પર અંધારપટ છવાયો; અને તેઓ પીડાને લીધે પોતાની જીભોને કરડવા લાગ્યા, અને પોતાની પીડાઓને લીધે તથા પોતાનાં ગુમડાંઓને લીધે તેઓએ સ્વર્ગના ઈશ્વરની વિરુદ્ધ દુર્ભાષણ કર્યું; પણ પોતાનાં કામોનો પસ્તાવો કર્યો નહિ.
”પછી છઠ્ઠા સ્વર્ગદૂતે પોતાનો પ્યાલો મોટી નદી એટલે યુફ્રેતિસ પર રેડ્યો અને તેનું પાણી સુકાઈ ગયું, એ માટે કે પૂર્વેથી જે રાજાઓ આવનાર છે તેઓનો રસ્તો તૈયાર થાય.
”ત્યારે પેલા અજગરના મોંમાંથી, હિંસક પશુના મોંમાંથી તથા જૂઠાં પ્રબોધકના મોંમાંથી નીકળતા દેડકા જેવા ત્રણ અશુદ્ધ આત્મા મેં જોયા; કેમ કે તેઓ ચમત્કારિક ચિહ્નો કરનારા દુષ્ટાત્માઓ છે, કે જેઓ આખા દુનિયાના રાજાઓ પાસે જાય છે એ માટે કે સર્વસમર્થ ઈશ્વરના મહાન દિવસની લડાઈને સારુ તેઓ તેઓને એકત્ર કરે. જુઓ ચોરની જેમ હું આવું છું, જે જાગૃત રહે છે, અને પોતાનાં વસ્ત્ર એવાં રાખે છે કે પોતાને નિર્વસ્ત્ર જેવા ન ચાલવું પડે, અને તેની શરમજનક પરિસ્થિતિ ન દેખાય, તે આશીર્વાદિત છે. ત્યારે હિબ્રૂ ભાષામાં 'આર્માંગેદન' કહેવાતી જગ્યાએ, તેઓએ તેઓને એકત્ર કર્યાં.
”પછી સાતમાં સ્વર્ગદૂતે પોતાનો પ્યાલો વાતાવરણમાં રેડયો, એટલે ભક્તિસ્થાનમાંના રાજ્યાસનમાંથી મોટી વાણી એવું બોલી કે, સમાપ્ત થયું; અને વીજળીઓ, વાણીઓ તથા ગર્જનાઓ થયાં; વળી મોટો ધરતીકંપ થયો. તે એવો ભયંકર તથા ભારે હતો કે માણસો પૃથ્વી પર ઉત્પન્ન થયાં ત્યારથી એના જેવો કદી થયો નહોતો. મોટા નગરના ત્રણ ભાગ થઈ ગયા, અને રાષ્ટ્રોનાં શહેરો નષ્ટ થયાં; અને ઈશ્વરને મોટા બેબિલોનની યાદ આવી, એ માટે કે તે પોતાના સખત કોપના દ્રાક્ષરસનો પ્યાલો તેને આપે. ટાપુઓ અદ્રશ્ય થઈ ગયા, અને પહાડોનો પત્તો લાગ્યો નહિ. અને આકાશમાંથી આશરે વીસ વીસ કિલોગ્રામનાં કરા માણસો પર પડ્યા અને કરાની આફતને લીધે માણસોએ ઈશ્વરને શ્રાપ આપ્યો કેમ કે તે આફત અતિશય ભારે હતી.
”જે સાત સ્વર્ગદૂતોની પાસે તે સાત પ્યાલા હતા, તેઓમાંનો એક આવ્યો અને તેણે મારી સાથે બોલતાં કહ્યું કે, 'અહીં આવ, અને જે મોટી વારાંગના ઘણાં પાણી પર બેઠેલી છે, તેને જે શિક્ષા થવાની છે તે હું તને બતાવું. તેની સાથે દુનિયાના રાજાઓએ વ્યભિચાર કર્યો છે અને તેના વ્યભિચારના દ્રાક્ષરસથી પૃથ્વીના રહેનારા ચકચૂર થયા છે.' પછી તે મને આત્મામાં અરણ્યમાં લઈ ગયો; અને એક કિરમજી રંગના હિંસક પશુ પર એક સ્ત્રી બેઠેલી મેં જોઈ; તે પશુ ઈશ્વરનું અપમાન કરનારાં નામોથી ભરેલું હતું, અને તેને સાત માથાં ને દસ શિંગડાં હતાં. તે સ્ત્રીએ જાંબુડા તથા કિરમજી રંગનાં વસ્ત્ર પહેરેલાં હતાં અને તે સોનાથી તથા મૂલ્યવાન રત્નો તથા મોતીથી શણગારેલી હતી, અને તેના વ્યભિચારના ધિક્કારપાત્ર કૃત્યોથી તથા અશુદ્ધતાથી ભરેલો સોનાનો પ્યાલો તેના હાથમાં હતો. તેના કપાળ પર એક મર્મજનક નામ લખેલું હતું, એટલે, 'મહાન બાબિલોન, ગણિકાઓની તથા પૃથ્વીના ધિક્કારપાત્ર બાબતોની માતા.' મેં તેં સ્ત્રીને સંતોનું લોહી તથા ઈસુના સાક્ષીઓનું લોહી પીધેલી જોઈ. તેને જોઈને મને ઘણું આશ્ચર્ય થયું. સ્વર્ગદૂતે મને પૂછ્યું કે, 'તું કેમ આશ્ચર્ય પામે છે? એ સ્ત્રીનો, અને સાત માથાં તથા દસ શિંગડાવાળું હિંસક પશુ કે, જેનાં પર તે બેઠેલી છે, તેનો મર્મ હું તને સમજાવીશ.'
”જે હિંસક પશુ તેં જોયું, તે હતું અને નથી; અને તે અનંતઊંડાણમાં નીકળવાનું તથા નાશમાં જવાનું છે અને પૃથ્વી પરના રહેનારાંઓ કે જેઓનાં નામ સૃષ્ટિના મંડાણથી જીવનપુસ્તકમાં લખેલાં નથી, તેઓ જે હિંસક પશુ હતું અને નથી અને આવનાર છે, તેને જોઈને આશ્ચર્ય પામશે. આનો ખુલાસો જ્ઞાની મન કરે. જે સાત માથાં છે તે સાત પહાડ છે, તેઓ પર સ્ત્રી બેઠેલી છે; અને તેઓ સાત રાજા છે; તેમાંના પાંચ પડ્યા છે, એક જીવંત છે, અને બીજો હજી સુધી આવ્યો નથી; જયારે તે આવશે ત્યારે થોડીવાર તેને રહેશે. જે હિંસક પશુ હતું અને નથી, તે જ વળી આઠમો રાજા છે, અને તે સાતમાંનો એક છે; તે નાશમાં જાય છે. જે દસ શિંગડાં તેં જોયાં છે તેઓ દસ રાજા છે, તેઓ હજી સુધી રાજ્ય પામ્યા નથી; પણ હિંસક પશુની સાથે એક ઘડીભર રાજાઓના જેવો અધિકાર તેઓને મળે છે. તેઓ એક મતના છે, અને તેઓ પોતાનું પરાક્રમ તથા અધિકાર હિંસક પશુને સોંપી દે છે.
”તેઓ હલવાનની સાથે લડશે અને હલવાન તેઓને જીતશે કેમ કે તેઓ મહાન પ્રભુ તથા રાજાઓના રાજા છે; અને તેમની સાથે જેઓ છે, એટલે તેડાયેલા, પસંદ કરેલા તથા વિશ્વાસુ છે તેઓ પણ જીતશે. તે મને કહે છે કે, જે પાણી તે જોયું છે, જ્યાં તે વારાંગના બેઠી છે, તેઓ લોકો, સમુદાય, રાષ્ટ્રો તથા ભાષાઓ છે. તેં જે દસ શિંગડાં તથા પશુ તે જોયાં તેઓ તે વારાંગનાનો દ્વેષ કરશે, તેને પાયમાલ કરીને તેને ઉઘાડી કરશે તેનું માંસ ખાશે અને આગથી તેને બાળી નાખશે. કેમ કે તેઓ ઈશ્વરની ઇચ્છા પૂરી કરે, એક વિચારના થાય, અને ઈશ્વરનાં વચનો પૂરાં થાય ત્યાં સુધી તેઓ પોતાનું રાજ્ય હિંસક પશુને સોંપે એવું ઈશ્વરે તેઓના મનમાં મૂક્યું છે. જે સ્ત્રીને તેં જોઈ છે, તે તો જે મોટું શહેર દુનિયાના રાજાઓ પર રાજ કરે છે તે છે.
”એ પછી મેં બીજા એક સ્વર્ગદૂતને સ્વર્ગથી ઊતરતો જોયો; તેને મોટો અધિકાર મળેલો હતો; અને તેના ગૌરવથી પૃથ્વી પ્રકાશિત થઈ. તેણે ઊંચા અવાજે કહ્યું કે, 'પડ્યું રે, પડ્યું, મોટું બાબિલોન પડ્યું. અને તે દુષ્ટાત્માઓનું નિવાસસ્થાન તથા દરેક અશુદ્ધ આત્માનું અને અશુદ્ધ તથા ધિક્કારપાત્ર પક્ષીનો વાસો થયું છે. કેમ કે તેના વ્યભિચારને લીધે રેડાયેલો કોપરૂપી દ્રાક્ષારસ સર્વ દેશના લોકોએ પીધો છે; દુનિયાના રાજાઓએ તેની સાથે વ્યભિચાર કર્યો છે, અને વેપારીઓ તેના પુષ્કળ મોજશોખથી ધનવાન થયા છે.
”સ્વર્ગમાંથી બીજી એક વાણી એવું કહેતી મેં સાંભળી કે, 'હે મારા લોકો, તમે તેના પાપના ભાગીદાર ન થાઓ, અને તેના પર આવનારી આફતોમાંની કોઈ પણ તમારા પર ન આવે. કેમ કે તેનાં પાપ સ્વર્ગ સુધી પહોંચ્યા છે, અને ઈશ્વરે તેના દુરાચારોને યાદ કર્યા છે. જેમ તેણે બીજાઓને ભરી આપ્યું તેમ તેને પાછું ભરી આપો, અને તેની કરણીઓ પ્રમાણે તેને બમણું જ આપો; જે પ્યાલો તેણે મેળવીને ભર્યો છે તેમાં તેને માટે બમણું મેળવીને ભરો. તેણે પોતે જેટલી કીર્તિ મેળવી અને જેટલો મોજશોખ કર્યો તેટલો ત્રાસ તથા પીડા તેને આપો; કેમ કે તે પોતાના મનમાં કહે છે કે, હું રાણી થઈને બેઠી છું. હું વિધવા નથી, અને હું રુદન કરનારી નથી; એ માટે એક દિવસમાં તેના પર આફતો એટલે મરણ, રુદન તથા દુકાળ આવશે, અને તેને અગ્નિથી બાળી નંખાશે; કેમ કે પ્રભુ ઈશ્વર કે જેમણે તેનો ન્યાય કર્યો, તે સમર્થ છે.
”દુનિયાના જે રાજાઓએ તેની સાથે વ્યભિચાર તથા વિલાસ કર્યો, તેઓ જયારે તેમાં લાગેલી આગનો ધુમાડો જોશે, ત્યારે તેઓ તેને માટે રડશે, અને વિલાપ કરશે, અને તેની પીડાની બીકને લીધે દૂર ઊભા રહીને કહેશે કે, 'અરેરે, અરેરે! મોટું બાબિલોન નગર! બળવાન નગર! એક ઘડીમાં તને કેવી શિક્ષા થઈ છે.' પૃથ્વી પરના વેપારીઓ પણ તેને માટે રડે છે અને વિલાપ કરે છે, કેમ કે હવેથી કોઈ તેમનો સામાન ખરીદનાર નથી; સોનું, રૂપું, કિંમતી રત્નો, મોતીઓ, બારીક શણનું કાપડ, જાંબુડા રંગનાં, રેશમી અને કિરમજી રંગનાં વસ્ત્ર; તથા સર્વ જાતનાં સુગંધી કાષ્ટ, હાથીદાંતની, મૂલ્યવાન કાષ્ટની, પિત્તળની, લોખંડની તથા સંગેમરમરની સર્વ જાતની વસ્તુઓ; વળી તજ, તેજાના, ધૂપદ્રવ્યો, અત્તર, લોબાન, દ્રાક્ષારસ, તેલ, ઝીણો મેંદો, અનાજ તથા ઢોરઢાંક, ઘેટાં, ઘોડા, રથો, ચાકરો તથા માણસોના પ્રાણ, એ તેમનો માલ હતો. તારા જીવનાં ઇચ્છિત ફળ તારી પાસેથી જતા રહ્યાં છે, અને સર્વ સુંદર તથા કિંમતી પદાર્થો તારી પાસેથી નાશ પામ્યા છે, અને હવેથી તે કદી મળશે જ નહિ. એ વસ્તુઓના વેપારી કે જેઓ તેનાથી ધનવાન થયા, તેઓ તેની પીડાની બીકને લીધે રડતા તથા શોક કરતા દૂર ઊભા રહીને, કહેશે કે, 'અરેરે! બારીક શણનાં, જાંબુડા તથા કિરમજી રંગનાં વસ્ત્રથી વેષ્ટિત, અને સોનાથી, રત્નોથી તથા મોતીઓથી અલંકૃત મહાન નગરને હાયહાય!' કેમ કે એક પળમાં એટલી મોટી સંપત્તિ નષ્ટ થઈ છે. અને સર્વ નાખુદા, સર્વ મુસાફરો, ખલાસીઓ અને દરિયાઈ માર્ગે વેપાર કરનારા દૂર ઊભા રહ્યા છે, અને તેઓએ તેમાં લાગેલી આગનો ધુમાડો જોઈને બૂમ પાડતાં કહ્યું કે, આ મોટા નગર જેવું બીજું કયું નગર છે?' તેઓએ પોતાનાં માથાં પર ધૂળ નાખી, અને રડતાં તથા વિલાપ કરતાં મોટે સાદે કહ્યું કે, 'અરેરે! અરેરે! જે મોટા નગરની સંપત્તિથી સમુદ્રમાંનાં સર્વ વહાણના માલિકો ધનવાન થયા, એક ક્ષણમાં ઉજ્જડ થયું છે.' ઓ સ્વર્ગ, સંતો, પ્રેરિતો તથા પ્રબોધકો, તેને લીધે તમે આનંદ કરો, કેમ કે ઈશ્વરે તેની પાસેથી તમારો બદલો લીધો છે.' પછી એક બળવાન સ્વર્ગદૂતે મોટી ઘંટીના પડ જેવો એક પથ્થર ઊંચકી લીધો અને તેને સમુદ્રમાં નાખીને કહ્યું કે, 'તે મોટા નગર બાબિલોનને એ જ રીતે ઝપાટાથી નાખી દેવામાં આવશે. અને તે ફરી કદી પણ જોવામાં નહિ આવે. તથા વીણા વગાડનારા, ગાનારા, વાંસળી વગાડનારા તથા રણશિંગડું વગાડનારાઓનો સાદ ફરી તારામાં (નગરમાં) સંભળાશે નહિ; અને કોઈ પણ વ્યવસાયનો કોઈ કારીગર ફરી તારામાં દેખાશે નહિ અને ઘંટીનો અવાજ તારામાં ફરી સંભળાશે નહીં;
”દીવાનું અજવાળું તારામાં ફરી પ્રકાશશે નહિ અને વર તથા કન્યાનો અવાજ તારામાં ફરી સંભળાશે નહીં! કેમ કે તારા વેપારીઓ પૃથ્વીના મહાન પુરુષો હતા. તારી જાદુ ક્રિયાથી સર્વ દેશમાંના લોકો ભુલાવામાં પડ્યા. અને પ્રબોધકોનું, સંતોનું તથા પૃથ્વી પર જેઓ મારી નંખાયા છે, તે સઘળાનું લોહી પણ તેમાંથી જડ્યું હતું.'
”તે પછી સ્વર્ગમાં મોટા સમૂદાયના જેવી વાણી મેં મોટે અવાજે એમ કહેતી સાંભળી કે 'હાલેલુયા, ઉદ્ધાર આપણા તથા ઈશ્વરથી છે; મહિમા તથા પરાક્રમ તેમના છે.' કેમ કે તેમના ન્યાયચુકાદા સત્ય તથા યથાર્થ છે; કેમ કે જે મોટી વારાંગનાએ પોતાના વ્યભિચારથી પૃથ્વીને ભ્રષ્ટ કરી, તેનો તેમણે ન્યાય કર્યો છે અને તેની પાસેથી પોતાના સેવકોના લોહીનો બદલો લીધો છે. તેઓએ ફરીથી કહ્યું કે, 'હાલેલુયા, તેનો (વારાંગનાનો) ધુમાડો સદાસર્વકાળ ઉપર ચઢે છે.' રાજ્યાસન પર બેઠેલા ઈશ્વરની ભજન કરતાં ચોવીસ વડીલોએ તથા ચાર પ્રાણીઓએ દંડવત કરીને કહ્યું, 'આમીન, હાલેલુયા.' રાજ્યાસનમાંથી એવી વાણી થઈ કે, 'આપણા ઈશ્વરના સર્વ સેવકો, તેમનો ડર રાખનારા, નાના તથા મોટા, તમે તેમની સ્તુતિ કરો.' મોટા સમુદાયના જેવી, ઘણાં પાણીના પ્રવાહ જેવી તથા ભારે ગર્જનાઓના જેવી વાણીને એમ કહેતી મેં સાંભળી કે, હાલેલુયા; કેમ કે પ્રભુ આપણા ઈશ્વર જે સર્વસમર્થ છે તે રાજ કરે છે.
”આપણે આનંદ કરીએ અને તેમને મહિમા આપીએ; કેમ કે હલવાનના લગ્નનો દિવસ આવ્યો છે, અને તેમની કન્યાએ પોતાને તૈયાર કરી છે. તેજસ્વી શુદ્ધ તથા બારીક શણનું વસ્ત્ર તેને પહેરવા આપ્યું છે, તે બારીક વસ્ત્ર સંતોના ન્યાયીપણાને દર્શાવે છે. સ્વર્ગદૂતે મને કહ્યું કે, 'તું એમ લખ કે હલવાનના લગ્નજમણને સારુ જેઓને નિમંત્રેલા છે તેઓ આશીર્વાદિત છે,' તે મને એમ પણ કહે છે કે, 'આ તો ઈશ્વરના સત્ય વચનો છે.' હું તેમને ભજવાને હું તેમના પગે પડ્યો, પણ તેમણે મને કહ્યું કે, 'જોજે, એવું ન કર, હું તારો અને ઈસુની સાક્ષી રાખનારા તારા ભાઈઓમાંનો એક સાથી સેવક છું; ઈશ્વરનું ભજન કર; કેમ કે ઈસુની સાક્ષી તો પ્રબોધનો આત્મા છે.'
”પછી મેં સ્વર્ગ ઊઘડેલું જોયું, અને જુઓ, એક સફેદ ઘોડા ઉપર જે બેઠેલા છે તે 'વિશ્વાસુ તથા સત્ય' છે, અને તેઓ પ્રમાણિકતાથી ન્યાય તથા લડાઈ કરે છે. અગ્નિની જ્વાળા જેવી તેમની આંખો છે, અને તેમના માથા પર ઘણાં મુગટ છે; જેનાં પર એવું નામ લખેલું છે કે જે તેમના સિવાય બીજું કોઈ જાણતું નથી. લોહીથી છંટાયેલો ઝભ્ભો તેમણે પહેર્યો છે; તેમનું નામ 'ઈશ્વરનો શબ્દ' છે. સ્વર્ગનાં સૈન્ય તે શ્વેત ઘોડા પર સફેદ તથા શુદ્ધ બારીક શણનાં વસ્ત્રો પહેરીને તેમની પાછળ પાછળ ચાલ્યા. તેમના મોમાંથી ધારવાળી તલવાર નીકળે છે; એ માટે કે તેનાથી વિદેશીઓને તે મારે, અને લોખંડના દંડથી તેઓ પર તે સત્તા ચલાવશે! અને સર્વસમર્થ ઈશ્વરના ભારે કોપનો દ્રાક્ષકુંડ તે ખૂંદે છે. તેમના ઝભ્ભા પર તથા તેમની જાંઘ પર એવું લખેલું છે કે 'રાજાઓનો રાજા તથા પ્રભુ.'
”મેં એક સ્વર્ગદૂતને સૂર્યમાં ઊભો રહેલો જોયો, અને તેણે આકાશમાં ઊડનારાં સર્વ પક્ષીઓને મોટે અવાજે હાંક મારી કે, 'તમે આવો અને ઈશ્વરના મોટા જમણને સારુ ભેગા થાઓ; એ સારુ કે રાજાઓનું, સેનાપતિઓનું, શૂરવીરોનું, ઘોડાઓનું, સવારોનું, સ્વતંત્ર તથા દાસોનું, નાના તથા મોટાનું માંસ તમે ખાઓ."
”પછી મેં હિંસક પશુ, દુનિયાના રાજાઓ તથા તેઓનાં સૈન્યને ઘોડા પર બેઠેલાની સામે તથા તેમના સૈન્યની સામે લડવાને એકઠા થયેલા મેં જોયા. હિંસક પશુ પકડાયું, અને તેની સમક્ષ જે જૂઠાં પ્રબોધકે ચમત્કારિક ચિહ્નો દેખાડીને હિંસક પશુની છાપ લેનારાઓને તથા તેની મૂર્તિની ઉપાસના કરનારાઓને ભમાવ્યા હતા તેને પણ તેની સાથે પકડવામાં આવ્યો. એ બન્નેને ગંધકથી બળનારી અગ્નિની ખાઈમાં જીવતા જ ફેંકવામાં આવ્યા. અને જેઓ બાકી રહ્યા તેઓને ઘોડા પર બેઠેલાના મોમાંથી જે તલવાર નીકળી તેનાથી મારી નાખવામાં આવ્યા; અને તેઓના માંસથી સઘળાં પક્ષી તૃપ્ત થયાં.
”મેં એક સ્વર્ગદૂતને સ્વર્ગથી ઊતરતો જોયો, તેની પાસે અનંતઊંડાણની ચાવી હતી, અને તેના હાથમાં મોટી સાંકળ હતી. તેણે પેલા અજગરને જે ઘરડો સર્પ, દુષ્ટ તથા શેતાન છે, તેને પકડ્યો. અને હજાર વર્ષ સુધી તેને બાંધી રાખ્યો. અને તેણે તેને અનંતઊંડાણમાં ફેંકીને તે બંધ કર્યું, અને તેને સીલ કર્યું, એ માટે કે તે હજાર વર્ષ પૂરાં થતાં સુધી તે ફરી લોકોને ભુલાવે નહિ; ત્યાર પછી થોડીવાર સુધી તે છૂટો કરવામાં આવશે.
”પછી મેં રાજ્યાસનો જોયાં અને તેઓ પર જે લોકો બેઠેલા હતા તેઓને ન્યાય કરવાનું સોંપવામાં આવ્યું; અને જેઓ ઈસુની સાક્ષીને લીધે તથા ઈશ્વરના વચનને લીધે મારી નંખાયેલા હતા તથા જેઓએ હિંસક પશુની તથા તેની મૂર્તિની ઉપાસના કરી ન હતી અને પોતાના કપાળ પર અથવા પોતાના હાથ પર તેની છાપ લગાવી ન હતી તેઓના આત્માઓને [મેં જોયાં]; અને તેઓ સજીવન થયા અને ખ્રિસ્તની સાથે હજાર વર્ષ રાજ્ય કર્યુ. મરણ પામેલાંઓમાંના જે બાકી રહ્યા, તેઓ તે હજાર વર્ષ પૂરાં થયાં ત્યાં સુધી સજીવન થયાં નહિ. એ જ પહેલું મરણોત્થાન છે. પહેલા મરણોત્થાનમાં જેને ભાગ છે તે આશીર્વાદિત તથા પવિત્ર છે; તેવાઓ પર બીજા મરણનો અધિકાર નથી, પણ તેઓ ઈશ્વરના તથા ખ્રિસ્તનાં યાજક થશે અને તેમની સાથે હજાર વર્ષ રાજ કરશે.
”જયારે તે હજાર વર્ષ પૂરાં થશે ત્યારે શેતાનને તેના બંધનમાંથી મુક્ત કરવામાં આવશે. અને તે પૃથ્વી પર ચારે ખૂણામાં રહેતા લોકોને, ગોગ તથા માગોગને ગેરમાર્ગે દોરીને લડાઈને સારુ તેઓને એકઠા કરવાને બહાર આવશે; તેઓની સંખ્યા સમુદ્રની રેતી જેટલી છે. તેઓ પૃથ્વીની આખી સપાટી પર ગયા અને તેઓએ સંતોની છાવણીને તથા પ્રિય શહેરને ઘેરી લીધું; પણ સ્વર્ગમાંથી અગ્નિ ઊતર્યો અને તેઓનો સંહાર કર્યો.
”શેતાન જે તેઓને ભમાવનાર હતો, તેને અગ્નિ તથા ગંધકની ખાઈમાં, જ્યાં હિંસક પશુ તથા જૂઠો પ્રબોધક છે, ત્યાં ફેંકી દેવામાં આવ્યો. ત્યાં રાતદિવસ સદાસર્વકાળ સુધી તેઓ પીડા ભોગવશે.
”પછી મેં મોટા સફેદ રાજ્યાસનને તથા તેના પર જે બેઠેલા હતા તેમને જોયા, તેમની સન્મુંખથી પૃથ્વી તથા આકાશ જતા રહ્યાં. અને તેઓને માટે કોઈ સ્થાન મળ્યું નહિ. પછી મેં મૂએલાંને, મોટાં તથા નાનાં સર્વને ઈશ્વરની સમક્ષ ઊભા રહેલાં જોયાં; અને પુસ્તકો ઉઘાડવામાં આવ્યાં, અને બીજું પુસ્તક જે જીવનનું છે તે પણ ઉઘાડવામાં આવ્યું. અને તે પુસ્તકોમાં જે જે લખ્યું હતું તે પરથી મૃત્યુ પામેલાંનો તેઓની કરણીઓ પ્રમાણે, ન્યાય કરવામાં આવ્યો. સમુદ્રે પોતાનામાં જે મૃત્યુ પામેલાં હતાં તેઓને પાછા આપ્યાં, અને મરણે તથા હાદેસે પણ પોતાનામાં જે મૃત્યુ પામેલાં હતાં, તેઓને પાછા આપ્યાં; અને દરેકનો ન્યાય તેની કરણી પ્રમાણે કરવામાં આવ્યો. મૃત્યુ તથા હાદેસ અગ્નિની ખાઈમાં ફેંકાયાં. અગ્નિની ખાઈ એ જ બીજું મરણ છે. જે કોઈનું નામ જીવનપુસ્તકમાં નોંધાયેલું જણાયું નહિ તેને અગ્નિની ખાઈમાં ફેંકી દેવામાં આવ્યો.
”પછી મેં નવું આકાશ તથા નવી પૃથ્વી જોયાં, કેમ કે પ્રથમનું આકાશ તથા પ્રથમની પૃથ્વી જતા રહ્યાં હતા; અને સમુદ્ર પણ રહ્યો ન હતો. મેં પવિત્ર નગર, નવું યરુશાલેમ, ઈશ્વરની પાસેથી સ્વર્ગમાંથી ઊતરતું જોયું, અને જેમ કન્યા પોતાના વરને સારુ શણગારેલી હોય તેમ તે તૈયાર કરેલું હતું.
”રાજ્યાસનમાંથી મોટી વાણી એમ કહેતી મેં સાંભળી કે, 'જુઓ, ઈશ્વરનું રહેઠાણ માણસોની સાથે છે, અને ઈશ્વર તેઓની સાથે વસશે, અને તેઓ તેમના લોકો થશે, અને ઈશ્વર પોતે તેઓની સાથે રહીને તેઓના ઈશ્વર થશે. તે તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે; હવે મરણ, શોક, રુદન કે વેદના ફરીથી થશે નહિ. જૂની વાતો જતી રહી છે.' રાજ્યાસન પર જે બેઠેલા છે, તેમણે કહ્યું કે, 'જુઓ, હું સઘળું નવું બનાવું છું.' ફરીથી તે કહે છે કે, 'તું લખ, કેમ કે આ વાતો વિશ્વસનીય તથા સાચી છે.' તેમણે મને કહ્યું કે, 'તે પૂરી થઈ ગઈ છે. હું આલ્ફા તથા ઓમેગા, શરૂઆત તથા અંત છું. હું તૃષિતને જીવનનાં પાણીના ઝરામાંથી મફત જળ આપીશ. જે જીતે છે તે તેઓનો વારસો પામશે, અને હું તેમનો ઈશ્વર થઈશ, અને તેઓ મારા બાળકો થશે. પણ બીકણો, અવિશ્વાસીઓ, દુર્જનો, હત્યારાઓ, વ્યભિચારીઓ, તાંત્રિકો, મૂર્તિપૂજકો તથા સઘળા જૂઠું બોલનારાઓને, અગ્નિ તથા ગંધકથી બળનારી ખાઈમાં ફેંકવામાં આવશે. એ જ બીજું મરણ છે." જે સાત સ્વર્ગદૂતોની પાસે સાત પ્યાલા હતા, તે સાત છેલ્લી આફતોથી ભરેલા હતા તેઓમાંનો એક સ્વર્ગદૂત મારી પાસે આવ્યો ને મને કહ્યું કે, 'અહીં આવ, અને જે કન્યા હલવાનની પત્ની છે તેને હું તને બતાવીશ.'
”પછી તે મને આત્મામાં એક મોટા તથા ઊંચા પહાડ પર લઈ ગયો, અને ઈશ્વરની પાસેથી સ્વર્ગથી ઊતરતું પવિત્ર નગર યરુશાલેમ મને બતાવ્યું. તેમાં ઈશ્વરનું ગૌરવ હતું, અને તેનું તેજ અતિ મૂલ્યવાન રત્ન જેવું, એટલે યાસપિસ પાષાણ જે સ્ફટિક સમાન નિર્મળ હોય, એના જેવું હતું. તેનો દીવાલ મોટો તથા ઊંચો હતો અને જેને બાર દરવાજા હતા, અને દરવાજા પાસે બાર સ્વર્ગદૂતો ઊભેલા હતા. (દરવાજા) પર ઇઝરાયલનાં બાર કુળોનો નામો લખેલાં હતાં. પૂર્વમાં ત્રણ દરવાજા, ઉત્તરમાં ત્રણ દરવાજા, દક્ષિણમાં ત્રણ દરવાજા અને પશ્ચિમમાં ત્રણ દરવાજા હતા. નગરના કોટના પાયાના બાર પથ્થર હતા, અને તેના પર હલવાનના બાર પ્રેરિતોનાં બાર નામ હતાં. મારી સાથે જે સ્વર્ગદૂત બોલતો હતો, તેની પાસે નગર, દરવાજા અને કોટનું માપ લેવાની સોનાની લાકડી હતી. નગર સમચોરસ હતું તેની જેટલી લંબાઈ હતી તેટલી જ તેની પહોળાઈ હતી. તેણે લાકડીથી નગરનું માપ લીધું. તો તે બે હજાર ચારસો કિલોમિટર થયું. નગરની લંબાઈ, ઊંચાઈ સરખી હતી. તેણે તેના કોટનું માપ લીધું, તે માણસના માપ, એટલે સ્વર્ગદૂતના માપ પ્રમાણે ગણતાં એક્સો ચુંમાળીસ હાથ હતું. તેના કોટની બાંધણી યાસપિસની હતી; અને નગર સ્વચ્છ કાચનાં જેવું શુદ્ધ સોનાનું હતું. નગરના કોટના પાયા દરેક પ્રકારના મૂલ્યવાન પાષાણથી સુશોભિત હતા; પહેલો પાયો યાસપિસ, બીજો નીલમ, ત્રીજો માણેક, ચોથો લીલમ, પાંચમો અકીક, છઠ્ઠો લાલ, સાતમો તૃણમણિ, આઠમો પિરોજ, નવમો પોખરાજ, દસમો લસણિયો, અગિયારમો શનિ, બારમો યાકૂત. તે બાર દરવાજા બાર મોતી હતા, તેઓમાંનો દરેક દરવાજો એક એક મોતીનો બનેલો હતો. નગરનો માર્ગ પારદર્શક કાચ જેવા શુદ્ધ સોનાનો બનેલો હતો.
”મેં તેમાં ભક્તિસ્થાન જોયું નહિ, કેમ કે સર્વસમર્થ પ્રભુ ઈશ્વર તથા હલવાન એ જ ત્યાનું ભક્તિસ્થાન છે. નગરમાં સૂર્ય કે ચંદ્ર પ્રકાશ આપે એવી જરૂર નથી. કેમ કે ઈશ્વરના ગૌરવે તેને પ્રકાશિત કર્યું છે, અને હલવાન તેનો દીવો છે. પૃથ્વીની સર્વ પ્રજા તેના પ્રકાશમાં ચાલશે. અને દુનિયાના રાજાઓ પોતાનો વૈભવ તેમાં લાવે છે. દિવસે તેના દરવાજા કદી બંધ થશે નહિ ત્યાં રાત પડશે નહિ. તેઓ સર્વ પ્રજાઓનો વૈભવ તથા કીર્તિ તેમાં લાવશે; અને જે કંઈ અશુદ્ધ છે, અને જે કોઈ ધિક્કારપાત્ર તથા અસત્યનું આચરણ કરે છે તેઓ તેમાં પ્રવેશી શકશે નહિ. જેઓનાં નામ હલવાનના જીવનપુસ્તકમાં લખેલાં છે તેઓ જ પ્રવેશ પામી શકશે.
”જુઓ, હું થોડીવારમાં આવું છું, અને દરેકનું જેવું કામ હશે તે પ્રમાણે તેને ભરી આપવાનો બદલો મારી પાસે છે.
”