22 – ચમત્કારો
આ સર્વશક્તિમાન ઈશ્વરના પવિત્ર શબ્દો છે.
આપણને મનુષ્યના શબ્દોમાં રસ નથી.
જે કોઈ પણ ઈશ્વરને પ્રેમ કરે છે તેના માટે... ઈશ્વર આના વિશે કહે છે: ચમત્કારો.
આ સર્વશક્તિમાન ઈશ્વરના પવિત્ર શબ્દો છે.
આપણને મનુષ્યના શબ્દોમાં રસ નથી.
જે કોઈ પણ ઈશ્વરને પ્રેમ કરે છે તેના માટે... ઈશ્વર આના વિશે કહે છે: ચમત્કારો.
પછી ઈસુએ પોતાના બાર શિષ્યોને પાસે બોલાવીને અશુદ્ધ આત્માઓને કાઢવાનો, તથા દરેક પ્રકારનો મંદવાડ તથા દરેક જાતનો રોગ મટાડવાનો અધિકાર તેઓને આપ્યો.
”ઈસુએ તેઓને કહ્યું કે, 'ઈશ્વર પર વિશ્વાસ રાખો.' કેમ કે હું તમને નિશ્ચે કહું છું કે, 'જે કોઈ આ પર્વતને કહે કે ખસેડાઈ જા અને સમુદ્રમાં પડ. અને પોતાના હૃદયમાં સંદેહ ન રાખતાં વિશ્વાસ રાખશે કે, હું જે કહું છું તે થશે, તો તે તેને માટે થશે. એ માટે હું તમને કહું છું કે, જે સર્વ તમે પ્રાર્થનામાં માગો છો, તે અમને મળ્યું છે એવો વિશ્વાસ રાખો, તો તે તમને મળશે.
”પ્રેરિતોની હસ્તક લોકોમાં ઘણાં ચમત્કારિક ચિહ્નો તથા આશ્ચર્યકર્મો થયાં. તેઓ સર્વ એક ચિત્તે સુલેમાનની પરસાળમાં નિયમિત મળતા હતા; પણ બીજાઓમાંથી કોઈને તેઓની સાથે મળી જવાની હિંમત થતી ન હતી; તોપણ લોકો તેઓને માન આપતા; અને પ્રભુ પર વિશ્વાસ કરનારાં, સંખ્યાબંધ પુરુષો તથા સ્ત્રીઓ, વધારે પ્રમાણમાં ઉમેરાતાં ગયા; એટલે સુધી કે તેઓએ માંદાઓને લાવીને પથારીઓ તથા ખાટલાઓ પર સુવાડ્યાં, જેથી પિતર પાસે થઈને જાય તો તેનો પડછાયો પણ તેઓમાંના કોઈનાં ઉપર પડે. વળી યરુશાલેમની આસપાસનાં શહેરોમાંના ઘણાં લોક બીમારોને તથા અશુદ્ધ આત્માઓથી પીડાતાંઓને લઈને ત્યાં આવતા હતા, અને તેઓ બધાને સાજાં કરવામાં આવતાં હતાં.
”પ્રારંભે ઈશ્વરે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યાં. પૃથ્વી અસ્તવ્યસ્ત તથા ખાલી હતી. પાણી પર અંધારું હતું. ઈશ્વરનો આત્મા પાણી પર ફરતો હતો. ઈશ્વરે કહ્યું, "ત્યાં અજવાળું થાઓ" અને અજવાળું થયું.
”પ્રભુ ઈશ્વરે ભૂમિમાંથી માટીનું માણસ બનાવ્યું, તેના નસકોરામાં જીવનનો શ્વાસ ફૂંક્યો અને માણસ સજીવ થયું.
”ફારુને યૂસફને કહ્યું, "મને સ્વપ્ન આવ્યું હતું, પણ તેનો અર્થ જણાવનાર કોઈ નથી. પણ મેં તારા વિષે સાંભળ્યું છે કે, તું સ્વપ્ન સાંભળીને તેનો અર્થ કહી જણાવે છે." યૂસફે ફારુનને ઉત્તર આપ્યો, "હું નહિ, પણ ઈશ્વર આપને શાંતિ થાય એવો ઉત્તર આપશે."
”ત્યાં યહોવાહના દૂતે ઝાડવાં વચ્ચે આગના ભડકામાં તેને દર્શન દીધું. તેણે જોયું ઝાડવું સળગતું હતું. પણ બળીને ભસ્મ થતું ન હતું. તેથી મૂસાએ વિચાર્યું કે, "હું નજીક જઈને આ મહાન દ્રશ્ય જોઉં. આ ઝાડવું બળે છે પણ ભસ્મ કેમ થતું નથી?" યહોવાહે જોયું કે મૂસા અહીં ઝાડવું જોવા આવી રહ્યો છે, તેથી તેમણે ઝાડવામાંથી તેને બૂમ પાડી, "મૂસા, મૂસા!" અને મૂસાએ કહ્યું, "હા, હું અહીં જ છું." ત્યારે યહોવાહે કહ્યું, "નજીક આવીશ નહિ, તારાં પગરખાં ઉતાર. કારણ કે જ્યાં તું ઊભો છે તે ભૂમિ પવિત્ર છે."
”પરંતુ યહોવાહે મૂસાને કહ્યું, "તારા હાથમાં શું છે?" મૂસાએ જવાબ આપ્યો, "લાકડી." ત્યારે યહોવાહે કહ્યું, "તારી લાકડીને જમીન પર નાખ." એટલે મૂસાએ લાકડી જમીન પર નાખી, ત્યારે તે બદલાઈને સાપ બની ગઈ. તે જોઈને મૂસા બી ગયો અને ત્યાંથી ખસી ગયો." પરંતુ યહોવાહે મૂસાને કહ્યું, "તું સાપની આગળ જા અને તારા હાથથી તેને પૂંછડીથી પકડી લે." એટલે મૂસાએ સાપને પકડ્યો ત્યારે તેના હાથમાં સાપની લાકડી બની ગઈ. તેથી યહોવાહે કહ્યું, "તારી લાકડીનો આ પ્રમાણે ઉપયોગ કરજે, એટલે લોકોને વિશ્વાસ બેસશે કે તેઓના પિતૃઓના ઈશ્વર પ્રભુએ એટલે ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબના ઈશ્વરે તને દર્શન દીધું છે."
”વિશેષમાં યહોવાહે તેને કહ્યું, "હું તને બીજો ચમત્કાર બતાવું છું. તારો હાથ તેં પહેરેલા ઝભ્ભા નીચે છાતી પાસે મૂક." તેમ કર્યા પછી મૂસાએ જ્યારે હાથ પાછો બહાર કાઢયો ત્યારે તેનો હાથ કુષ્ઠ રોગથી બરફ જેવો સફેદ થઈ ગયો હતો. પછી યહોવાહે મૂસાને કહ્યું, "તારો હાથ પાછો ઝભ્ભા નીચે છાતી પર મૂક." એટલે તેણે તે પ્રમાણે કર્યું, પછી જયારે તેણે હાથ બહાર કાઢયો ત્યારે તે હાથ અગાઉના જેવો દુરસ્ત થઈ ગયો હતો. પછી યહોવાહે કહ્યું, "જો લોકો લાકડીના ચમત્કારની નિશાની પછી પણ તારું કહેવું નહિ માને તો આ બીજા ચમત્કારની નિશાનીથી તેઓ તારા પર ભરોસો કરશે. વળી જો આ બે ચમત્કારો બતાવ્યા પછી પણ તેઓ તારી વાત ના સાંભળે, તો તું નાઈલ નદીમાંથી થોડું પાણી લઈને જમીન પર ઢોળજે, ત્યાં તે પાણી રક્ત થઈ જશે."
”અને યહોવાહે મૂસાને કહેલી સર્વ વાતો હારુને તેઓને કહી સંભળાવી તથા મૂસાએ તેઓની સમક્ષ ચમત્કાર કરી બતાવ્યા. લોકોએ વિશ્વાસ કર્યો કે યહોવાહે જ તેઓને મોકલ્યા છે. વડીલોએ સાંભળ્યું અને તેઓ સમજ્યા કે ઈશ્વરે પોતાના લોક ઇઝરાયલની ખબર લીધી છે અને તેઓનાં દુઃખ જોયાં છે, ત્યારે તેઓએ શિર ઝુકાવીને યહોવાહની સ્તુતિ કરી.
”પણ હું ફારુનને હઠાગ્રહી બનાવી દઈશ, જેથી તું જે કંઈ કહેશે, તેને તે માનશે નહિ. તેથી હું દેશમાં અનેક ચમત્કારો કરીશ.
”"જ્યારે ફારુન તમને એવું કહે કે, તમારા પરાક્રમના પુરાવા માટે 'કોઈ ચમત્કાર બતાવો.' ત્યારે તું હારુનને કહેજે કે, 'તારી લાકડી લઈને ફારુનની આગળ જમીન પર નાખી દે' એ નાખશે ત્યારે લાકડી સાપ બની જશે." પછી મૂસા અને હારુન મિસરના રાજા ફારુન પાસે ગયા. અને યહોવાહની આજ્ઞા પ્રમાણે તેમણે કર્યુ. હારુને ફારુન અને તેના અમલદારો સમક્ષ પોતાની લાકડી જમીન પર નાખી અને તે સાપ બની ગઈ. ત્યારે ફારુને જ્ઞાની પંડિતોને અને જાદુગરોને બોલાવ્યા. મિસરના જાદુગરોએ પણ મંત્રતંત્ર દ્વારા હારુનના જેવો જ ચમત્કાર કરી બતાવ્યો. તેઓએ પોતાની લાકડીઓ જમીન પર નાખી. એ લાકડીઓના સાપ બની ગઈ. પણ હારુનની લાકડી તેઓની લાકડીઓને ગળી ગઈ.
”તેથી મૂસા અને હારુને યહોવાહે આપેલી આજ્ઞાનું પાલન કર્યું. હારુને ફારુન અને તેના અમલદારોના દેખતાં લાકડી વડે નાઈલના પાણી પર પ્રહાર કર્યો. તેથી તેમાંનું બધું જ પાણી રક્ત થઈ ગયું. નદીમાંની બધી માછલીઓ મરી ગઈ. અને નદીમાંથી દુર્ગંધ પ્રસરવા લાગી. અને મિસરના લોકો માટે નદીનું પાણી પીવા લાયક રહ્યું નહિ. સમગ્ર મિસરમાંનું તમામ પાણી રક્ત થઈ ગયું. તો સામે પક્ષે મિસરના જાદુગરોએ પણ પોતાના તંત્રમંત્રથી તે પ્રમાણે કર્યું. ફારુને મૂસા અને હારુનની વાત કાને ન ધરી. યહોવાહના જણાવ્યા મુજબ ફારુન હઠીલો થઈ ગયો. તેણે કશું ગણકાર્યું નહિ. ફારુન પોતાના મહેલમાં ગયો.
”પછી યહોવાહે મૂસાને કહ્યું, "ફારુન પાસે જઈને તેને જણાવ કે યહોવા એવું કહે છે: 'મારા લોકોને મારી સેવા કરવા જવા દે.' પણ જો તું તેઓને જવા દેવાની ના પાડશે તો, હું મિસર દેશમાં દેડકાંઓ દ્વારા ઉપદ્રવ કરાવીશ. નાઈલ નદી દેડકાંઓથી ભરાઈ જશે. વળી એ દેડકાં નદીમાંથી બહાર આવીને તારા મહેલમાં, ઘરોમાં, શયનખંડમાં તથા પલંગમાં અને તારા અમલદારોના તથા પ્રજાનાં ઘરોમાં, રસોડામાં અને પાણીનાં પાત્રોમાં ભરાઈ જશે. તું તારી પ્રજા અને તારા અમલદારો ઠેરઠેર દેડકાંના ઉપદ્રવથી હેરાન થઈ જશો." પછી યહોવાહે મૂસાને કહ્યું, "હારુનને કહે કે, તે પોતાના હાથની લાકડીને નહેરો, નદીઓ અને સરોવરો તરફ ઊંચી કરે. જેથી મિસર દેશ પર દેડકાંઓ ચઢી આવે." ત્યારે હારુને મિસર દેશમાં આવેલા પાણીનાં સ્થળો તરફ તેના હાથ ઊંચા કર્યા અને પાણીમાંથી દેડકાંઓ બહાર આવીને સમગ્ર મિસર દેશમાં છવાઈ ગયાં. મિસરના જાદુગરોએ પણ એવું જ કર્યું. તેઓ પણ મિસર દેશમાં દેડકાંઓ લઈ આવ્યા.
”પછી યહોવાહે મૂસાને કહ્યું, "હારુનને કહે કે, તે પોતાની લાકડી જમીન પરની ધૂળ પર મારે. કે જેથી આખા મિસર દેશમાં સર્વત્ર ધૂળની જૂ થઈ જાય." મૂસાએ હારુનને કહ્યું, હારુને હાથમાં લાકડી લઈને જમીનની ધૂળ પર પ્રહાર કર્યો, એટલે સર્વત્ર ધૂળની જૂ થઈ ગઈ. અને તે જુઓ માણસો અને જાનવરો પર છવાઈ ગઈ. મિસરના જાદુગરોએ પોતાના જંતરમંતરનો ઉપયોગ દ્વારા એવું જ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેઓને નિષ્ફળતા મળી. હવે જાદુગરોએ ફારુનની આગળ કબૂલ કર્યું કે, આ તો ઈશ્વરની શક્તિથી જ બનેલું છે. પરંતુ ફારુને તેઓને સાંભળ્યા નહિ, તે હઠીલો જ રહ્યો. યહોવાહે કહ્યું હતું એ જ પ્રમાણે ફારુન વર્ત્યો.
”યહોવાહે મૂસાને કહ્યું, "તું ફારુન પાસે જજે. ફારુન સવારે નદી કિનારે ફરવા નીકળે ત્યારે સવારે વહેલો ઊઠીને તેની રાહ જોઈ ત્યાં ઊભો રહેજે. અને તે આવે ત્યારે કહેજે કે, યહોવા એવું કહે છે કે, 'મારા લોકોને મારું ભજન કરવા જવા દે. જો તું મારા લોકોને નહિ જવા દે તો હું તારા પર, તારા અમલદારો પર તથા તારી પ્રજા પર તથા ઘરોમાં માખીઓ મોકલીશ. અને મિસરના લોકોનાં ઘરો માખીઓથી ભરાઈ જશે; ઠેરઠેર માખીઓ જ હશે.'" પણ તે દિવસે હું મારા ઇઝરાયલી લોકોને સંભાળી લઈશ. જે ગોશેન પ્રાંતમાં તેઓ વસે છે ત્યાં માખીનું નામનિશાન હશે નહિ, એટલે તને ખાતરી થશે કે સમગ્ર પૃથ્વીમાં હું એકલો જ યહોવા છું. આમ હું મારા લોક અને તારા લોક વચ્ચે ભેદભાવ રાખીશ; તને મારા ચમત્કાર જોવા મળશે." પછી યહોવાહે તે મુજબ કર્યું. તેમના કહ્યા પ્રમાણે ફારુનના મહેલમાં, તેના અમલદારોનાં ઘરોમાં તથા આખા મિસર દેશમાં માખીઓનાં ઝુંડેઝુંડ ધસી આવ્યાં અને સમગ્ર દેશ માખીઓથી પરેશાન થઈ ગયો હતો.
”ત્યારે યહોવાહે મૂસાને કહ્યું, "ફારુનની પાસે જા અને તેને કહે કે, હિબ્રૂઓના ઈશ્વર યહોવા એમ કહે છે કે, 'મારા લોકોને મારું ભજન કરવા જવા દે.' હજુ પણ જો તું ના પાડશે અને તેઓને રોકી રાખશે તો ધ્યાનથી સાંભળી લે, હું ખેતરનાં તારાં જાનવરો એટલે ઘોડાઓમાં, ગધેડાંઓમાં, ઊંટોમાં, ગાયબળદોમાં અને ઘેટાંબકરાંઓમાં ભારે રોગચાળો ફેલાવીશ અને તને સજા કરીશ. પરંતુ હું ઇઝરાયલીઓનાં અને મિસરનાં જાનવરો વચ્ચે ભેદભાવ રાખીશ. જેથી ઇઝરાયલીઓનું એક પણ જાનવર મરશે નહિ." "હું આવતી કાલે આ દેશમાં એનો અમલ કરીશ." અને બીજે દિવસે સવારે મિસરમાં ઈશ્વરે પોતાના કહ્યા પ્રમાણે કર્યું, મિસરીઓનાં બધાં જાનવર મરી ગયાં પરંતુ ઇઝરાયલીઓનું એક પણ જાનવર મર્યું નહિ. ફારુને પોતાના માણસોને તપાસ કરવા મોકલ્યા કે ઇઝરાયલના લોકોનું એકે જાનવર મર્યું છે કે નહિ. તપાસ દ્વારા તેને જણાવવામાં આવ્યું કે ઇઝરાયલીઓનું એક પણ જાનવર મર્યું નથી. આટલું થયા છતાં ફારુને હઠાગ્રહ ચાલુ રાખ્યો. તેણે લોકોને જવા દીધા નહિ.
”યહોવાહે મૂસા અને હારુનને કહ્યું, "તમારા હાથમાં ભઠ્ઠીમાંથી મુઠ્ઠીઓ ભરીને રાખ લો અને મૂસા ફારુનના દેખતાં તેને હવામાં ઊંચે ઉડાડે. એ રાખની ઝીણી રજકણો આખા મિસર દેશમાં ફેલાઈ જશે. તેની અસરથી સમગ્ર મિસરના માણસો અને જાનવરોને શરીરે ગૂમડાં ફૂટી નીકળશે." એટલે મૂસા અને હારુને ભઠ્ઠીમાંથી રાખ લીધી. પછી ફારુનની આગળ ઊભા રહીને મૂસાએ આકાશ તરફ રાખ ઉડાડી. તેના ફેલાવાથી માણસોને અને જાનવરોને ગૂમડાં થયાં. મિસરના જાદુગરો મૂસાને આવું કરતાં રોકી શક્યા નહિ, કારણ કે જાદુગરોને તથા બધા જ મિસરના લોકોને ગૂમડાં ફૂટી નીકળ્યાં હતાં. પરંતુ યહોવાહે ફારુનનું હૃદય હઠીલું બનાવ્યું. અને તેમણે કહ્યું હતું તે પ્રમાણે ફારુને મૂસાની અને હારુનની વાત સાંભળી નહિ.
”યહોવાહે મૂસાને કહ્યું, "તારા હાથ આકાશ તરફ લંબાવ, જેથી આખા મિસર દેશમાં માણસો, જાનવરો અને ખેતરની બધી વનસ્પતિ પર કરા પડે." પછી મૂસાએ પોતાની લાકડી આકાશ ભણી ઊંચી કરી એટલે યહોવાહે ભારે ગર્જના સાથે જમીન પર કરા વરસાવ્યા. તે સાથે પૃથ્વી પર અગ્નિ ધસી આવ્યો અને આખા મિસર દેશ પર કર તૂટી પડયા. વરસતા કરાની સાથે વીજળી ઝબકારા મારતી હતી. મિસર દેશ સ્થપાયો ત્યારથી આજસુધી કદી ન પડયો હોય એવો ભારે કરાનો વરસાદ આખા દેશમાં પડયો. તેને લીધે મિસરના ખેતરોમાંની તમામ વનસ્પતિ અને પાકનો નાશ થઈ ગયો. અને કરાના કારણે આખા મિસર દેશમાં જે માણસો, જાનવરો, તથા ખેતરોમાં જે કાંઈ હતું તે બધાનો નાશ થયો. કરાએ ખેતરોમાંના દરેક છોડને તેમ જ ઝાડને નષ્ટ કર્યા. ફક્ત ગોશેન પ્રાંતમાં કે જ્યાં ઇઝરાયલીઓ રહેતા હતા ત્યાં કરા પડયા નહિ. પછી ફારુને મૂસા અને હારુનને બોલાવીને તેઓને કહ્યું, "આ વખતે મેં પાપ કર્યુ છે, યહોવા ન્યાયી છે. હું તથા મારી પ્રજા અપરાધી છીએ.
”પછી યહોવાહે મૂસાને કહ્યું, "મિસર દેશ પર તારો હાથ ઊંચો કર એટલે તમામ ભૂમિ પર તીડો છવાઈ જશે. એ તીડો કરાથી બચી ગયેલાં તમામ વૃક્ષો અને છોડવાઓને અને અન્ય વનસ્પતિને ખાઈ જશે." મૂસાએ પોતાની લાકડીને મિસર દેશ પર ઊંચી કરી. યહોવાહે તે આખો દિવસ અને આખી રાત દરમ્યાન પૂર્વ તરફથી પવનનો મારો ચલાવ્યો અને સવાર થતાં સુધીમાં તો પૂર્વથી આવતો તોફાની પવન તીડોનાં ટોળેટોળાં લઈ આવ્યો. સમગ્ર મિસર પર તીડો પથરાઈ ગયાં અને આખા દેશની ભૂમિ પર બેસી ગયાં. આવાં તીડોનાં ટોળાં અગાઉ કદી આવ્યાં નહોતાં અને ભવિષ્યમાં કદાપિ આવશે પણ નહિ. ઢગલાબંધ તીડો ભૂમિ પર છવાઈ ગયાં. તેઓથી ભૂમિ ઢંકાઈ ગઈ. કરાથી સમગ્ર મિસર દેશના જે વૃક્ષો અને વનસ્પતિ બચી ગયાં હતાં તેના પરનાં બધાં જ ફળ તીડો ખાઈ ગયાં. સમગ્ર મિસર દેશનાં લીલાં વૃક્ષો અને અન્ય વનસ્પતિ નામશેષ થઈ ગયાં. ખેતરમાંનાં વૃક્ષો કે વનસ્પતિ પર એકે પાંદડું રહ્યું નહિ. પછી ફારુને ઉતાવળ કરીને મૂસા અને હારુનને બોલાવીને કહ્યું, "મેં તમારા ઈશ્વર પ્રભુ અને તમારી વિરુદ્ધ પાપ કર્યું છે.
”પછી યહોવાહે મૂસાને કહ્યું, "તારા હાથ આકાશ તરફ ઊંચા કર. મિસર દેશમાં ગાઢ અંધકાર વ્યાપી જશે. માણસોએ અંધારામાં અટવાવું પડશે." એટલે મૂસાએ આકાશ તરફ હાથ ઊંચો કર્યો. ત્યારે પ્રગાઢ અંધકારને લીધે મિસર દેશમાં ઘોર અંધારું છવાઈ ગયું. મિસરમાં ત્રણ દિવસ સુધી અંધકાર છવાયેલો રહ્યો. કોઈ પણ વ્યક્તિ બીજા કોઈને જોઈ શકતી ન હતી. અને ત્રણ દિવસ સુધી કોઈ પોતાની જગ્યાએથી ઊઠી શક્યું નહિ. પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે જ્યાં ઇઝરાયલીઓના વસવાટ હતો તે સર્વ ઘરોમાં તો પ્રકાશ ઝગમગી રહ્યો હતો.
”અને મધ્યરાત્રિએ યહોવાહે મિસર દેશના ફારુનના રાજકુંવર, જે તેના સિંહાસન પર બેસતો હતો, કેદીઓના તથા મિસર દેશમાંના સર્વ પ્રથમજનિતોનો તથા મિસરનાં સર્વ જાનવરોના પ્રથમજનિતોનો સંહાર કર્યો. ત્યારે ફારુન અને તેના બધા જ સરદારો તથા બધા મિસરવાસીઓ મધરાતે જાગી ઊઠ્યા અને હચમચી ગયા. સમગ્ર મિસરમાં હાહાકાર અને વિલાપ થયો. કેમ કે જે ઘરમાં કોઈ પ્રથમજનિત માર્યો ગયો ના હોય એવું એક પણ ઘર બાકાત ન હતું. તે રાત્રે ફારુને મૂસાને અને હારુનને તાકીદે બોલાવ્યા. અને તેઓને કહ્યું, "તમે અને સમગ્ર ઇઝરાયલ લોકો અમારા મિસરી લોકોમાંથી અહીંથી તાત્કાલિક વિદાય થઈ જાઓ. અને તમે જે કહ્યું હતું તે પ્રમાણે જઈને યહોવાહનું ભજન કરો. અને તમારા કહ્યા પ્રમાણે તમે તમારાં ઘેટાંબકરાં અને અન્ય જાનવરોને પણ લઈ જાઓ. અને મને આશીર્વાદ આપો." વળી મિસરવાસીઓએ પણ તેઓને જલદીથી આ દેશમાંથી ચાલ્યા જવાનો આગ્રહ કર્યો. અને કહ્યું કે "અમે તો મરી ગયા!"
”પછી ઇઝરાયલી સૈન્યની આગળ ચાલતો યહોવાહનો જે દૂત હતો તે ત્યાંથી ખસીને તેઓની પાછળ ગયો, તેથી મેઘસ્તંભ પણ તેઓની આગળથી ખસીને તેઓની પાછળ થંભ્યો. આ રીતે મેઘસ્તંભ મિસરીઓના સૈન્ય અને ઇઝરાયલીઓના સૈન્યની વચ્ચે આવીને થંભ્યો. ત્યારે વાદળો અને અંધકાર હોવા છતાં મેઘસ્તંભ પણ રાત્રે ઇઝરાયલીઓને પ્રકાશ આપતો હતો. મિસરની સેના માટે સમગ્ર રાત્રી દરમિયાન અંધકાર હોવાને લીધે તે ઇઝરાયલીઓ પાસે આવી શકી નહિ. મૂસાએ પોતાનો હાથ લાલ સમુદ્ર પર ઊંચો કરીને લંબાવ્યો, એટલે યહોવાહે આખી રાત પૂર્વ તરફથી ભારે પવન ફૂંકાવીને સમુદ્રને પાછો હઠાવ્યો, તેથી તેના પાણીના બે ભાગ પડી ગયા. અને સમુદ્રની જગ્યાએ કોરી જમીન બનાવી હતી. ઇઝરાયલી લોકો કોરી જમીન પર ચાલીને સમુદ્રમાં થઈને પાર ગયા. તેઓની ડાબી અને જમણી બાજુએ પાણીની દીવાલો બની ગઈ હતી. મિસરીઓ તેઓની પાછળ પડયા. ફારુનના બધા જ રથસવારો, ઘોડેસવારો તથા અન્ય સૈનિકો તેઓની પાછળ સમુદ્રની વચ્ચે પહોંચી ગયા. પછી પ્રભાતના પ્રથમ પહોરમાં અગ્નિસ્તંભ તથા મેઘસ્તંભમાંથી યહોવાહે મિસરીઓના સૈન્ય પર નજર કરી. તેઓના પર હુમલો કર્યો. તેઓનો પરાજય કર્યો. યહોવાહે તેઓના રથનાં પૈડાં જમીનમાં એવા ખુંપાવી દીધાં કે તે ફરી શકતાં ન હતાં. આથી સૈનિકો બૂમ પાડવા લાગ્યા, "આ તો યહોવા પોતે ઇઝરાયલીઓને પક્ષે આપણી સામે લડી રહ્યા છે. ચાલો, આપણે પાછા જતા રહીએ." પછી યહોવાહે મૂસાને કહ્યું, "હવે તું તારો હાથ સમુદ્ર પર ઊંચો કરીને લંબાવ. જેથી મિસરવાસીઓ પર, તેમના રથસવારો પર અને તેઓના ઘોડેસવારો પર પાણી ફરી વળે." એટલે તે પરોઢ થવાના સમયે મૂસાએ સમુદ્ર પર હાથ લંબાવ્યો ત્યારે સમુદ્ર પોતાની અસલ સ્થિતિમાં પાછો આવી ગયો. મિસરના સૈન્યએ સમુદ્રમાં નાસભાગ કરવા માંડી પણ યહોવાહે તેઓને સમુદ્રમાં વચ્ચોવચ્ચ ડુબાવી માર્યા. સમુદ્રના પાણીએ પાછાં વળીને રથસવારોને, ઘોડેસવારોને અને ફારુનના સમગ્ર સૈન્યને ડુબાડી દીધું. તેઓમાંથી કોઈ બચી શક્યું નહિ. પરંતુ ઇઝરાયલના લોકો તો સમુદ્રની વચ્ચેથી કોરી ભૂમિ પર થઈને પસાર થઈ ગયા. તેઓની ડાબી અને જમણી બાજુએ પાણીની ભીંતો થઈ ગઈ હતી.
”યહોવાહે કહ્યું, "જો તમે તમારા ઈશ્વર યહોવાહની વાણી કાળજીથી સાંભળશો અને જે સત્ય છે તેને પાળશો તો મેં મિસરીઓ પર જે રોગચાળો ફેલાવ્યો હતો તેમાંનો કોઈ હું તમારા પર મોકલીશ નહિ. કેમ કે તમારા રોગ મટાડનાર હું તમારો ઈશ્વર યહોવા છું."
”યહોવાહે કહ્યું, "હવે મારા શબ્દો સાંભળો. જ્યારે તમારી સાથે મારો પ્રબોધક હોય, તો હું પોતે સંદર્શનમાં તેને પ્રગટ થઈશ. અને સ્વપ્નમાં હું તેની સાથે બોલીશ.
”જે સર્વ લોકોએ મારું ગૌરવ અને મિસરમાં તથા અરણ્યમાં મારા ચમત્કારો જોયા છતાં દસ વખત મારું પારખું કર્યું છે અને મારી વાણી સાંભળી નથી.
”તેથી તમે આવીને પર્વતની તળેટી નજીક ઊભા રહ્યા અને પર્વત અગ્નિથી બળતો હતો અને જ્વાળાઓ આકાશ સુધી પહોંચતી હતી. ત્યારે વાદળ તથા ઘોર અંધકાર સર્વત્ર વ્યાપી ગયાં હતાં. તે વખતે યહોવાહ અગ્નિ મધ્યેથી તમારી સાથે બોલ્યા; તમે તેમના શબ્દોનો અવાજ સાંભળ્યો, પણ તમે કોઈ આકાર જોયો નહિ, તમે ફક્ત અવાજ સાંભળ્યો. તેમણે તમને પોતાનો કરાર જાહેર કર્યો એટલે કે દસ નિયમોનું પાલન કરવાની આજ્ઞા ઈશ્વરે તમને આપી. અને એ નિયમો બે શિલાપાટીઓ પર લખ્યા.
”જેમ તમે ઈશ્વરની વાણી અગ્નિ મધ્યે બોલતી સાંભળી તેવી વાણી સાંભળીને કોઈ લોકો કદી જીવતા રહ્યા છે શું? અથવા જે સર્વ તમારા ઈશ્વર યહોવાહે તમારા માટે તમારી નજર સમક્ષ કર્યું તેવું કરીને એટલે પરીક્ષણો, ચિહનો, ચમત્કારો, યુદ્ધ, પરાક્રમી હાથ તથા લંબાવેલા ભુજ તથા મોટાં ત્રાસદાયક કૃત્યો વડે બીજી દેશજાતિઓમાંથી પોતાને માટે દેશજાતિ પ્રાપ્ત કરવાનો શું કોઈ ઈશ્વરે યત્ન કર્યો છે?
”અને તેમણે અમારા દેખતાં મિસર પર, ફારુન પર તથા તેના આખા ઘર પર મોટાં અને દુઃખ ભર્યાં ચિહ્નો તથા ચમત્કારો બતાવ્યા;
”યહોવાહ તારી બધી બીમારી દૂર કરશે; મિસરના ખરાબ રોગો જેની તને ખબર છે તેઓમાંનો કોઈ પણ તેઓ તારા પર લાવશે નહિ. પણ જેઓ તારો તિરસ્કાર કરે છે તેના પર લાવશે.
”એટલે જે ભારે દુઃખો તેં તારી આંખોથી જોયાં તે, ચિહ્નો, ચમત્કારો, પરાક્રમી હાથ તથા સામર્થ્ય દેખાડીને યહોવાહ તારા ઈશ્વર તને મિસરમાંથી બહાર લાવ્યા. જે લોકોથી તું ડરે છે તેઓને યહોવાહ તારા ઈશ્વર તેવું જ કરશે.
”અને યહોવાહે તમને નમ્ર બનાવવા માટે તમને ભૂખ્યા રહેવા દીધા. અને તમે નહોતા જાણતા કે તમારા પિતૃઓ પણ નહોતા જાણતા એવા માન્નાથી તમને પોષ્યા; એ માટે કે યહોવાહ તમને જણાવે કે માણસ ફક્ત રોટલીથી જ જીવિત રહેતો નથી, પણ યહોવાહના મુખમાંથી નીકળતા દરેક વચનોથી માણસ જીવે છે. આ ચાળીસ વર્ષ દરમ્યાન તમારા શરીર પરનાં વસ્રો ઘસાઈ ગયા નહિ અને તમારા પગ સૂજી ગયા નહિ.
”ઇઝરાયલમાં મૂસા જેવો કોઈ બીજો પ્રબોધક ઊઠયો નથી, તેની સાથે ઈશ્વર જેને યહોવાહ મુખોપમુખ વાત કરતા હતા. મિસર દેશમાં ફારુન પર તથા તેના ચાકરો પર તથા તેના આખા દેશ પર યહોવાહે તેને જે બધા ચમત્કારો તથા ચિહ્નો કરવા મોકલ્યો તેના જેવો બીજા કોઈ પ્રબોધક નથી. આખી ઇઝરાયલી પ્રજાના દેખતાં તેણે જે મહાન અને આશ્ચર્યજનક કૃત્યો કર્યા, તેવાં કૃત્યો બીજો કોઈ પ્રબોધક કરી શકયો નથી.
”તેથી જયારે લોકો યર્દન પાર કરવાને નીકળ્યા ત્યારે કરારકોશને ઊંચકનારા યાજકો લોકોની આગળ ચાલતા હતા. કરાર કોશને ઊંચકનારા યાજકો જયારે યર્દન પાસે આવ્યા અને તેઓના પગ પાણીમાં પડ્યા (યર્દન કાપણીની પૂરી ઋતુ દરમિયાન તેના બન્ને કિનારે છલકાતી હતી) ત્યારે ઉપલી તરફથી વહેનાર પાણી ઠરી ગયું અને ઘણે દૂર સુધી, એટલે સારેથાન પાસેના આદમ નગર સુધી, ઢગલો થઈ ગયું. અને અરાબાના સમુદ્ર એટલે ખારા સમુદ્રની તરફ જે વહેતું હતું તે વહી ગયું અને લોક યરીખોની સામે પેલે પાર ઊતર્યા. ઇઝરાયલના સઘળાં લોકો કોરી જમીન પર ચાલીને પાર ઊતર્યા ત્યાં સુધી યહોવાહનો કરારકોશ ઊંચકનારા યાજકો યર્દનની મધ્યમાં કોરી જમીન પર ઊભા રહ્યા.
”સાતમા દિવસે તેઓ પ્રભાતે વહેલા ઊઠ્યા અને તેઓની રીત પ્રમાણે આ વખતે સાત વાર નગરની પ્રદક્ષિણા કરી. સાતમે દિવસે જયારે યાજકો જોરથી રણશિંગડા વગાડતા હતા ત્યારે યહોશુઆએ લોકોને આજ્ઞા કરી કે, "મોટેથી વગાડો. કેમ કે યહોવાહે આ નગર તમને આપ્યું છે. આ નગર તથા તેમાંનું સર્વ યહોવાહને સમર્પિત કરવામાં આવશે. કેવળ રાહાબ ગણિકા અને તેની સાથે તેના ઘરનાં સર્વ જીવતાં રહેશે. કેમ કે જે માણસોને આપણે મોકલ્યા હતા તેઓને તેણે સંતાડ્યા હતા. પણ તમે પોતાના માટે, તમામ એવી નાશવંત વસ્તુ લેવા વિષે સાવધ રહો. રખેને તે વસ્તુઓને શાપિત માન્ય પછી તેમાંથી કશું લો. અને તેમ કરવાથી તમે ઇઝરાયલની છાવણીનો નાશ થાય એવું કરો અને તેના પર સંકટ લાવો. સર્વ ચાંદી, સોનું અને પિત્તળનાં તથા લોખંડનાં પાત્રો યહોવાહને સારું પવિત્ર છે. તે બધું યહોવાહનાં ભંડારમાં લાવવું. તેથી લોકોએ હોંકારો કર્યો અને યાજકોએ રણશિંગડાં વગાડયાં. જયારે લોકોને રણશિંગડાનો સાદ સંભળાયો ત્યારે તેઓએ મોટો અવાજ કર્યો અને કોટ તૂટી પડ્યો તેથી લોકોમાંનો દરેક પુરુષ સીધો નગરમાં દોડી ગયો અને તેઓએ નગરને પોતાને કબજે કર્યું.
”પછી યહોવાહે ઇઝરાયલને અમોરીઓ ઉપર જે દિવસે વિજય અપાવ્યો હતો તે દિવસે યહોશુઆએ યહોવા સાથે વાત કરી, તેણે ઇઝરાયલના દેખતાં યહોવાહની સમક્ષ કહ્યું, "સૂર્ય, તું ગિબ્યોન ઉપર સ્થિર રહે; અને ચંદ્ર, તું આયાલોનની ઉપર સ્થિર રહે." લોકોએ પોતાના દુશ્મનો ઉપર વેર વાળ્યું ત્યાં સુધી સૂર્ય સ્થિર રહ્યો અને ચંદ્ર થંભી ગયો. આ બધું 'યાશારના' પુસ્તકમાં લખેલું નથી શું?' અને આકાશની વચ્ચે સૂર્ય થંભી રહ્યો અને લગભગ એક આખા દિવસ માટે તે આથમ્યો નહિ.'
”ત્યારે સામસૂન તિમ્નામાં તેના માતાપિતા સાથે ગયો અને તેઓ તિમ્નાની દ્રાક્ષાવાડીમાં આવ્યા. અને ત્યાં એક જુવાન સિંહે આવીને તેની તરફ ગર્જના કરી. ઈશ્વરનો આત્મા અચાનક તેના પર આવ્યો, જેમ તે નાની બકરીને ચીરી નાખતો હોય તેમ તેણે સિંહને ખૂબ સરળતાથી ચીરી નાખ્યો અને તેના હાથમાં કંઈ પણ નહોતું. તેણે જે કર્યું હતું તે તેણે તેના માતાપિતાને કહ્યું નહિ.
”વચ્ચેના બન્ને થાંભલા જેના પર ઇમારતનો આધાર રહેલો હતો, તે સ્થંભો સામસૂને પકડ્યા, એકને જમણાં હાથથી અને બીજાને ડાબા હાથથી અને તેમને અઢેલીને તે ઊભો રહ્યો. સામસૂને કહ્યું, "હું પલિસ્તીઓની સાથે ભલે મરું!" તેણે પોતાની સંપૂર્ણ તાકાત થાંભલા પર અજમાવી. એટલે શાસકો પર તથા તેની અંદરના સર્વ માણસો પર ઇમારત તૂટી પડી. એમ મરતી વખતે તેણે જેઓને માર્યા તેઓની સંખ્યા તેના જીવનકાળ દરમિયાન તેણે મારેલાઓના કરતાં વધારે હતી.
”પલિસ્તીઓએ ઈશ્વરનો કોશ, દાગોનના મંદિરમાં લાવીને દાગોનની પાસે મૂક્યો. જયારે બીજે દિવસે આશ્દોદીઓ વહેલી સવારે ઊઠ્યા, ત્યારે, જુઓ, દાગોને ઈશ્વરના કોશ આગળ ભૂમિ પર ઊંધો પડેલો હતો. તેથી તેઓએ દાગોનને લઈને તેના અસલ સ્થાને પાછો બેસાડ્યો. બીજે દિવસે તેઓ વહેલી સવારે ઊઠ્યા, ત્યારે પણ, ઈશ્વરના કોશ આગળ દાગોન ભૂમિ પર ઊંધો પડેલો હતો. દાગોનનું શિર તથા તેના બન્ને હાથો દરવાજાના ઉંબરા ભાંગી પડેલાં હતાં. કેવળ દાગોનનું ધડ રહ્યું હતું.
”ઈશ્વરનો હાથ આશ્દોદીઓ ઉપર ભારે હતો. તેમણે તેઓનો નાશ કર્યો, તેઓને એટલે આશ્દોદ તથા તેની સરહદમાં રહેનારાઓને ગાંઠના રોગથી માર્યા. જયારે આશ્દોદના માણસોએ જોયું કે આમ થયું છે ત્યારે તેઓએ કહ્યું, "ઇઝરાયલના ઈશ્વરનો કોશ આપણી વચ્ચે રખાય નહિ; કેમ કે તેમનો હાથ આપણા ઉપર આપણા દેવ દાગોન ઉપર સખત છે." માટે તેઓએ માણસ મોકલીને પલિસ્તીઓના સર્વ અધિકારીઓને એકઠા કર્યા; તેઓએ તેમને કહ્યું, "ઇઝરાયલના ઈશ્વરના કોશનું અમારે શું કરવું?" તેઓએ ઉત્તર આપ્યો કે, ઇઝરાયલના ઈશ્વરનો કોશ અહીંથી ગાથમાં લઈ જાઓ, અને તેઓ ઇઝરાયલના ઈશ્વરનો કોશ ત્યાં લઈ ગયા. પણ તેઓ તેને ત્યાં લઈ ગયા પછી, ઈશ્વર તેઓના પર કોપાયમાન થયા. તેમણે તે નગરનાં નાનાં મોટાં માણસો પર કેર વર્તાવ્યો; તેઓનાં અંગ પર ગાંઠો ફૂટી નીકળી. તેથી તેઓએ ઈશ્વરના કોશને એક્રોનમાં મોકલ્યો. પણ જયારે ઈશ્વરનો કોશ એક્રોનમાં આવ્યો ત્યારે એમ થયું કે, એક્રોનીઓએ રડીને, કહ્યું, "તેઓ અમારો તથા અમારા લોકોનો સંહાર કરવાને ઇઝરાયલના ઈશ્વરનો કોશ અમારી પાસે લાવ્યા છે." માટે તેઓએ માણસ મોકલીને પલિસ્તીઓના સર્વ અધિકારીઓને એકઠા કર્યા; તેઓએ તેમને કહ્યું, ઇઝરાયલના ઈશ્વરનો કોશ મોકલી દો, તેને પોતાની જગ્યાએ પાછો જવા દો, કે તે અમારો તથા અમારા લોકોનો સંહાર ન કરે." કેમ કે આખા નગરમાં ભયંકર સંહાર થયો હતો; ઈશ્વરનો હાથ ત્યાં ઘણો ભારે થયો હતો. અને જે માણસો મર્યા નહિ તેઓને ગાંઠો ફૂટી નીકળી, તે નગરનો પોકાર આકાશ સુધી પહોંચ્યો.
”ઈશ્વરે બેથ-શેમેશના માણસો પર હુમલો કર્યો, કેમ કે તેઓએ ઈશ્વરના કોશમાં જોયું, તેમણે પચાસ હજાર અને સિત્તેર માણસોને મારી નાખ્યા. લોકોએ વિલાપ કર્યો, કેમ કે ઈશ્વરે તેમને મારીને મોટો સંહાર કર્યો હતો. બેથ-શેમેશના માણસોએ કહ્યું કે, "કોણ આ પવિત્ર પ્રભુ ઈશ્વરની આગળ ઊભું રહેવા સક્ષમ છે? અમારી પાસેથી કોને ત્યાં તે જાય?"
”દાઉદે શાઉલને કહ્યું, "તારો સેવક પોતાના પિતાના ઘેટાં સાચવતો હતો. જયારે કોઈ સિંહ તથા રીંછ આવીને અને ટોળાંમાંના એક ઘેટાં પર ત્રાટકે, ત્યારે હું તેની પાછળ પડીને હુમલો કરતો અને તેના મુખમાંથી ઘેટાંને છોડાવતો. અને જયારે રીંછ કે સિંહ મારા પર હુમલો કરતો, ત્યારે હું તેઓની દાઢી પકડીને, તેઓના પર સામો ધસીને તેઓને મારી નાંખતો હતો. તારા સેવકે સિંહ તથા રીંછ બન્નેને મારી નાખ્યા છે. આ બેસુન્નત પલિસ્તીના હાલ પણ એમાંના એકના જેવા થશે, કેમ કે તેણે જીવતા ઈશ્વરના સૈન્યનો ધિક્કાર કર્યો છે." દાઉદે કહ્યું, "જે ઈશ્વરે મને સિંહના પંજામાંથી અને રીંછના પંજામાંથી બચાવ્યો હતો. તે આ પલિસ્તીના હાથમાંથી મને બચાવશે." પછી શાઉલે દાઉદને કહ્યું, "જા, ઈશ્વર તારી સાથે રહો."
”દાઉદે પલિસ્તીને જવાબ આપ્યો, "તું મારી પાસે તલવાર, ભાલો અને બરછી લઈને આવે છે. પણ હું પ્રભુ સર્વશક્તિમાન ઈશ્વર, ઇઝરાયલના સૈન્યોના ઈશ્વર જેમનો તુચ્છકાર તેં કર્યો છે તેમના નામે તારી પાસે આવું છું. આજે ઈશ્વર મને તારા પર વિજય અપાવશે, હું તને મારી નાખીશ અને તારું માથું તારા શરીર પરથી જુદું કરીશ. આજે હું પલિસ્તીઓના સૈન્યોના મૃતદેહોને આકાશના પક્ષીઓ તથા પૃથ્વીનાં જંગલી જાનવરોને આપીશ, કે જેથી આખી પૃથ્વી જાણે કે ઇઝરાયલમાં જ ઈશ્વર છે, અને આ સર્વ સમુદાય જાણે કે, ઈશ્વરે તલવાર અને બરછીથી વિજય અપાવ્યો નથી. કેમ કે યુદ્ધ તો ઈશ્વર લડે છે અને તે તમને અમારા હાથમાં પકડાવી દેશે." જયારે તે પલિસ્તી ઊઠયો અને દાઉદ સામે લડવા સારુ પાસે આવવા લાગ્યો, ત્યારે દાઉદ ઉતાવળથી તે પલિસ્તીની સામે મળવાને સૈન્યની તરફ દોડીને ગયો. દાઉદે પોતાનો હાથ થેલીમાં નાખીને તેમાંથી એક પથ્થર લીધો, તેને ગોફણ દ્વારા વીંઝીને તે પલિસ્તીના કપાળમાં માર્યો. પથ્થર પલિસ્તીના કપાળમાં પેસી ગયો અને તે જમીન પર ઊંધા મોઢે પડયો. દાઉદ ગોફણ તથા પથ્થરથી તે પલિસ્તી પર જીત પામ્યો. તેણે પલિસ્તીને મારી નાખીને તેનો સંહાર કર્યો. પણ તેના હાથમાં તલવાર ન હતી. પછી દાઉદ દોડીને તે પલિસ્તી ઉપર ઊભો રહ્યો અને તેણે તેની તલવાર તેના મ્યાનમાંથી કાઢીને, તેના વડે તેને મારી નાખ્યો અને તેનું માથું તેના ધડથી કાપી નાખ્યું. જયારે પલિસ્તીઓએ જોયું કે તેઓનો બળવાન યોદ્ધો મરણ પામ્યો છે, ત્યારે તેઓ નાસી ગયા.
”જયારે તેઓ નાખોનના ખળા પાસે આવ્યા, ત્યારે બળદોએ ઠોકર ખાધી અને ઉઝઝાએ પોતાનો હાથ ઈશ્વરના કોશ તરફ લાંબો કરીને તેને પકડી રાખ્યો. ત્યારે ઈશ્વરનો કોપ ઉઝઝા પર સળગ્યો. તેના અપરાધને લીધે ઈશ્વરે તેને ત્યાં માર્યો. ઉઝઝા ઈશ્વરના કોશ આગળ મરણ પામ્યો.
”બહારથી આવી ને ગિલ્યાદ માં વસેલાં તિશ્બી એલિયા આહાબને કહ્યું કે, "ઇઝરાયલના ઈશ્વર યહોવા,જેઓ જીવંત છે, જેની સંમુખ હું ઊભો રહું છું, તેના જીવના સમ ખાઈને કહું છું કે હવેનાં વર્ષોમાં હું કહું નહિ ત્યાં સુધી ઝાકળ કે વરસાદ વરસશે નહિ."
”પણ તે વિધવાએ જવાબ આપ્યો, "તારા ઈશ્વર યહોવાહની હાજરીમાં હું કહું છું કે મારી પાસે રોટલી નથી પણ માટલીમાં ફક્ત એક મુઠ્ઠી લોટ અને કૂંડીમાં થોડું તેલ છે. જો હું અહીં થોડાં લાકડાં વીણવા આવી છું, જેથી હું જઈને મારે માટે અને મારા પુત્ર માટે કંઈ રાંધુ કે જેથી અમે તે ખાઈએ અને પછીથી મરણ પામીએ." એલિયાએ તેને કહ્યું, "ગભરાઈશ નહિ. જઈને તારા કહેવા પ્રમાણે કર, પણ પહેલાં મારા માટે તેમાંથી એક નાની રોટલી બનાવીને મારી પાસે અહીં લઈ આવ. પછી તારા માટે તથા તારા દીકરા માટે બનાવજે. કેમ કે ઇઝરાયલના ઈશ્વર યહોવા એવું કહે છે કે, 'દિવસે હું ભૂમિ પર વરસાદ વરસાવીશ, ત્યાં સુધી માટલીમાંનો લોટ અને કૂંડીમાંનું તેલ ખૂટી જશે નહિ.'" આથી તેણે જઈને એલિયાના કહેવા મુજબ કર્યું. અને એલિયાએ, તે સ્ત્રીએ તથા તેના દીકરાએ ઘણા દિવસો સુધી ખાધું. યહોવા પોતાનું જે વચન એલિયા મારફતે બોલ્યા હતા તે પ્રમાણે માટલીમાંનો લોટ તથા કૂંડીમાંનું તેલ ખૂટી ગયું નહિ.
”ત્યાર બાદ તે સ્ત્રીનો દીકરો માંદો પડ્યો. તેની બીમારી એટલી બધી ભારે હતી કે આખરે તેનો શ્વાસ બંધ પડી ગયો. તેથી તેની માતાએ એલિયાને કહ્યું, "હે ઈશ્વરભક્ત તારે મારી વિરુદ્ધ શું છે? તું મારાં પાપનું સ્મરણ કરાવવાં તથા મારા દીકરાને મારી નાખવા માટે મારી પાસે આવ્યો છે!" પછી એલિયાએ તેને જવાબ આપ્યો, "તારો દીકરો મને આપ." તેણે તે છોકરાંને તેની માતાની ગોદમાંથી લીધો. અને જે ઓરડીમાં તે પોતે રહેતો હતો ત્યાં તેને માળ પર લઈને પોતાના પલંગ પર સુવડાવ્યો. તેણે યહોવાહને પ્રાર્થના કરતાં કહ્યું, "હે મારા ઈશ્વર યહોવા, જે વિધવાને ત્યાં હું રહું છું, તેના દીકરાને મારી નાખીને તેના પર તમે આપત્તિ લાવ્યા છો શું?" પછી એલિયાએ તે છોકરા પર સૂઈ જઈને ત્રણ વાર યહોવાહને પ્રાર્થના કરી કે, "ઓ મારા ઈશ્વર યહોવા, હું તમને વિનંતિ કરું છું, કૃપા કરી આ બાળકનો જીવ તેનામાં પાછો આવવા દો." યહોવાહે એલિયાની વિનંતિ સાંભળી; તે બાળકનો જીવ તેનામાં પાછો આવ્યો અને તે સજીવન થયો. એલિયા તે બાળકને લઈને ઉપરની ઓરડીમાંથી નીચેના ઘરમાં આવ્યો; તે છોકરાંને તેની માતાને સોંપીને બોલ્યો કે, "જો, તારો દીકરો જીવતો છે." તે સ્ત્રીએ એલિયાને કહ્યું, "હવે હું જાણું છું કે તું ઈશ્વરભક્ત છે અને તારા મુખમાં યહોવાહનું જે વચન છે તે સત્ય છે."
”તે પથ્થરો વડે એલિયાએ યહોવાહને નામે એક વેદી બનાવી. તેણે તેે વેદીની આસપાસ બે હાથ પહોળી ખાઈ ખોદી. પછી તેણે આગને સારુ લાકડાં પણ ગોઠવ્યાં. બળદને કાપીને ટુકડાં કર્યા અને તેને લાકડાં પર મૂક્યા. પછી તેણે કહ્યું કે, "ચાર ઘડા પાણી ભરી લાવીને દહનીયાર્પણ પર અને લાકડાં પર રેડો." વળી તેણે કહ્યું, "આમ બીજી વાર પણ કરો." અને તેઓએ તેમ બીજી વાર કર્યું. પછી તેણે કહ્યું, "આમ ત્રીજી વાર પણ કરો." અને તેઓએ તેમ ત્રીજી વાર પણ કર્યું. તેથી પાણી વેદીની ચારે બાજુએ ફેલાઈ ગયું. અને પેલો ખાડો પણ પાણીથી છલકાઈ ગયો. સાંજે અર્પણના સમયે એલિયા પ્રબોધક નજીક આવીને બોલ્યો, "ઓ ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબના ઈશ્વર યહોવા, તમે જ ઇઝરાયલમાં ઈશ્વર છો. હું તમારો સેવક છું અને આ બધું મેં તમારા કહેવાથી કર્યું છે એમ આજે આ લોકોને ખબર પડવા દો. હે યહોવા, મારું સાંભળો, મારું સાંભળો. જેથી આ લોકો જાણે કે, તમે જ યહોવા ઈશ્વર છો અને તમે જ તેઓનાં હૃદય પાછાં પોતાના તરફ ફેરવ્યાં છે." પછી એકાએક યહોવાહનાં અગ્નિએ પડીને દહનીયાર્પણ, લાકડાં, પથ્થર અને ધૂળ બાળીને ભસ્મ કરી નાખ્યાં અને તે ખાડાના પાણીને પણ સૂકવી નાખ્યાં. જ્યારે લોકોએ આ જોયું ત્યારે તેઓએ દંડવત પ્રણામ કર્યા અને કહ્યું, "યહોવા એ જ ઈશ્વર છે! યહોવા એ જ ઈશ્વર છે!"
”એલિયાએ પોતાનો ઝભ્ભો લઈને તેને વીંટાળીને તેને પાણી પર માર્યો અને નદીના બે ભાગ થઈ ગયા, તેથી તેઓ બન્ને કોરી જમીન ચાલીને પેલે પાર ગયા.
”તેઓ વાતો કરતા કરતા આગળ ચાલ્યા જતા હતા એટલામાં એમ થયું કે, જુઓ, અગ્નિરથ અને અગ્નિઘોડા દેખાયા. એ બધાએ બન્ને માણસોને એકબીજાથી જુદા પાડી દીધા. એલિયા વંટોળિયામાં થઈને આકાશમાં ચઢી ગયો. એલિશાએ તે જોયું, તેણે બૂમ પાડી, "ઓ મારા બાપ રે, ઓ મારા બાપ રે! ઇઝરાયલના રથો અને તેમના ઘોડેસવારો!" પછી એલિશાએ એલિયાને જોયો નહિ. અને એલિશાએ પોતાનો ઝભ્ભો ફાડીને તેના બે ટુકડાં કરી નાખ્યા. પછી એલિશાએ એલિયાનો ઝભ્ભો જે તેની પાસેથી પડ્યો હતો તે તેણે ઉપાડી લીધો અને પાછો તે યર્દન કિનારે જઈને ઊભો રહ્યો. એલિયાનો ઝભ્ભો જે તેની પાસેથી પડ્યો તે લઈને એલિશાએ પાણી પર મારીને કહ્યું, "એલિયાના ઈશ્વર યહોવાહ કયાં છે?" જયારે તેણે પાણી પર માર્યું ત્યારે તે પાણી બે ભાગમાં વહેંચાય ગયાં અને એલિશા નદીની પાર ગયો.
”પછી એલિશા ત્યાંથી બેથેલ જવા નીકળ્યો. અને તે રસ્તે ચાલતો હતો તેવામાં નાનાં બાળકો નગરમાંથી બહાર આવીને તેની મશ્કરી કરીને કહેવા લાગ્યા, "હે, ટાલવાળા આગળ જા! ટાલવાળા આગળ જા!" એલિશાએ પાછળ ફરી તેઓને જોયાં અને ઈશ્વરના નામે તેમને શાપ આપ્યો. પછી બે રીંછડીઓએ જંગલમાંથી આવીને તેઓમાંના બેતાળીસ બાળકોને ફાડી નાખ્યાં.
”એલિશાએ તેને કહ્યું, "હું તારા માટે શું કરું? મને કહે તારી પાસે ઘરમાં શું છે?" તેણે કહ્યું, "તારી દાસી પાસે વાટકી તેલ સિવાય બીજું કશું જ ઘરમાં નથી." ત્યારે એલિશાએ કહ્યું, "તું બહાર જઈને તારા બધા પડોશીઓ પાસેથી ખાલી વાસણો માગી લાવ. બની શકે તેટલાં ઉછીનાં વાસણ માગીને લાવ. પછી તું તારા દીકરાઓ સાથે ઘરમાં અંદર જઈને બારણું બંધ કરી દે. પછી તારી પાસે જે તેલ છે તેને પેલાં વાસણોમાં રેડ. અને જે જે વાસણ ભરાતું જાય તેને એક પછી એક બાજુએ મૂકતી જા." પછી તે સ્રી એલિશા પાસેથી ગઈ અને તેણે તથા તેના દીકરાઓએ ઘરમાં જઈને બારણું બંધ કરી દીધું. તેઓ તેની પાસે વાસણો લાવતા ગયા અને તે વાસણોમાં તેલ રેડતી ગઈ. જયારે બધાં વાસણો ભરાઈ ગયાં ત્યારે તેણે તેના દીકરાઓને કહ્યું, "મારી પાસે બીજાં વાસણો લાવો." પણ દીકરાએ કહ્યું, "હવે બીજું એક પણ વાસણ નથી." એટલે તેલ પડતું બંધ થયું. પછી તે સ્રીએ આવીને ઈશ્વરભક્તને આ વાત જણાવી. ઈશ્વરભક્તે કહ્યું, "તું જઈને તે તેલ વેચીને તારું દેવું ભરપાઈ કર. જે નાણાં બાકી રહે તેનાથી તું અને તારા દીકરાઓ શાંતિથી ગુજરાન ચલાવો અને જીવો."
”જયારે એલિશા ઘરમાં આવ્યો, ત્યારે બાળક મૃત અવસ્થામાં તેના પલંગ પર પડેલો હતો. તેથી એલિશાએ અંદર જઈને બારણું બંધ કર્યું, બાળક અને તે અંદર રહ્યા પછી તેણે યહોવાહને પ્રાર્થના કરી. પછી તે પલંગ પર જઈને બાળક પર સૂઈ ગયો, તેણે તેનું મુખ બાળકના મુખ પર, તેની આંખ બાળકની આંખ પર અને તેના હાથ બાળકના હાથ પર રાખ્યા. અને તે બાળક પર લાંબો થઈને સૂઈ ગયો એટલે બાળકના શરીરમાં ગરમાવો આવ્યો. પછી એલિશાએ ઊભા થઈને ઘરમાં ચારે બાજુ આંટા માર્યા પછી તે ફરીથી બાળક પર લાંબો થઈને સૂઈ ગયો. એટલે બાળકે સાત વખત છીંક ખાધી અને પોતાની આંખો ઉઘાડી.
”પછી તેઓએ તે માણસોને ખાવા માટે શાક પીરસ્યું. પછી, જેવું તેઓએ તે ખાધું તે સાથે જ તેઓએ બૂમ પાડીને કહ્યું, "હે ઈશ્વરભક્ત, આ તપેલામાં તો મોત છે!" અને તેઓ તે ખાઈ શકયા નહિ. પણ એલિશાએ કહ્યું, "તો થોડો લોટ લાવો." તે લોટ તેણે તપેલામાં નાખ્યો અને કહ્યું, "હવે લોકોને ખાવાનું શાક પીરસો કે જેથી તેઓ ખાય." અને હવે તપેલામાં કશું નુકસાનકારક રહ્યું ન હતું. બાલ-શાલીશાથી એક માણસ ઈશ્વરભક્ત પાસે પ્રથમફળનું અન્ન, જવમાંથી બનાવેલી વીસ રોટલી અને ભરેલા દાણાવાળાં તાજા કણસલાં લઈને આવ્યો. એલિશાએ કહ્યું, "આ લોકોને આપો કે તેઓ ખાય." તેના ચાકરે કહ્યું, "શું, હું આ સો માણસોની આગળ મૂકું?" પણ એલિશાએ કહ્યું, "તું આ લોકોને આપ કે તેઓ ખાય, કેમ કે યહોવાહ એવું કહે છે, 'તેઓ ખાશે તોપણ તેમાંથી વધશે.'" માટે તેના ચાકરે તેઓની આગળ મૂક્યું; યહોવાહના કહ્યા પ્રમાણે તેઓએ ખાધું. તે ઉપરાંત તેમાંથી થોડું વધ્યું પણ ખરું.
”એલિશાએ તેની પાસે સંદેશાવાહક મોકલીને કહ્યું, "તું જઈને યર્દન નદીમાં સાત વખત ડૂબકી માર, એટલે તને નવું માંસ આવશે અને તું શુદ્ધ થઈશ." પણ નામાને ગુસ્સે થઈને કહ્યું કે, "હું તો વિચારતો હતો કે, તે બહાર આવીને મારી પાસે ઊભો રહીને પોતાના ઈશ્વર યહોવાહને વિનંતી કરશે. અને મારા શરીર પર પોતાનો હાથ ફેરવશે અને મારો કુષ્ઠ રોગ મટી જશે. શું દમસ્કસની નદીઓ અબાના અને ફાર્પાર ઇઝરાયલનાં બીજાં જળાશયો કરતાં વધારે સારી નથી? શું હું તેઓમાં સ્નાન કરીને શુદ્ધ ના થાઉં?" આમ તે ગુસ્સામાં પાછો ચાલવા લાગ્યો. ત્યારે નામાનના ચાકરોએ તેની પાસે આવીને તેને કહ્યું, "અમારા માલિક, જો પ્રબોધકે તને કોઈ મુશ્કેલ કામ કરવા માટે કહ્યું હોત, તો શું તે તું કરત નહિ? તો જયારે તે તને કહે છે કે, સ્નાન કરીને શુદ્ધ થા. તો વિશેષ કરીને તે કરવું જ જોઈએ?'" પછી નામાને જઈને ઈશ્વરભક્ત એલિશાના કહ્યા પ્રમાણે યર્દન નદીમાં સાત વખત ડૂબકી મારી. એટલે તેનું માંસ નાના બાળકના માંસ જેવું થઈ ગયું, તે શુદ્ધ થઈ ગયો.
”પણ એક જણ લાકડાં કાપતો હતો, તેવામાં તેની કુહાડી પાણીમાં પડી ગઈ; તેણે બૂમ પાડીને કહ્યું, "હે મારા ગુરુજી! એ કુહાડી તો હું માંગી લાવ્યો હતો." ઈશ્વરભક્ત એલિશાએ પૂછ્યું, "તે કયાં પડી છે?" એટલે તે માણસે એલિશાને જગ્યા બતાવી. પછી એલિશાએ એક લાકડું કાપીને પાણીમાં નાખ્યું. તેથી કુહાડી સપાટી પર આવીને તરવા લાગી. એલિશાએ કહ્યું, "તે ઉઠાવી લે." માટે પેલા માણસે હાથ લંબાવીને કુહાડી લઈ લીધી.
”હવે અરામના રાજાએ ઇઝરાયલ સામે યુદ્ધ કર્યું. તેણે પોતાના ચાકરોની સલાહ લઈને કહ્યું, "મારી છાવણી અમુક જગ્યાએ બનાવવામાં આવશે." પણ ઈશ્વરભકત એલિશાએ ઇઝરાયલના રાજાને સંદેશો મોકલીને કહ્યું, "સાવધ રહેજે, અમુક જગ્યાએ જતો ના, કારણ કે, અરામીઓ ત્યાં આવવાના છે." ઈશ્વરભક્તે જે જગ્યા વિષે ઇઝરાયલના રાજાને ચેતવણી આપી હતી તે જગ્યાએ માણસો મોક્લ્યા. આ ચેતવણીથી તે અનેક વાર બચી ગયો. આ ચેતવણી વિષે અરામનો રાજા ખૂબ ગભરાયો અને તેણે પોતાના ચાકરોને કહ્યું, "આપણામાંથી ઇઝરાયલના રાજાના પક્ષનો કોણ છે? તે તમે મને નહિ જણાવો?" ત્યારે તેના એક ચાકરે કહ્યું, "મારા માલિક રાજા, એવું નહિ! પણ તમે તમારા શયનગૃહમાં જે વચનો બોલો છો તે ઇઝરાયલમાંનો પ્રબોધક એલિશા ઇઝરાયલના રાજાને કહી દે છે."
”જ્યારે ઈશ્વરભક્ત એલિશાનો ચાકર વહેલો ઊઠીને બહાર ગયો, તો જુઓ, તેણે એક મોટા સૈન્યને રથદળ અને ઘોડેસવારો સહિત નગરને ઘેરી લીધેલું જોયું. તેના ચાકરે તેને કહ્યું, "અરેરે! મારા માલિક હવે આપણે શું કરીશું?" એલિશાએ કહ્યું, "બીશ નહિ, કેમ કે, જેઓ આપણી સાથે છે તેઓ, તેમની સાથે જેઓ છે તેઓના કરતાં મહાન છે." પછી એલિશાએ પ્રાર્થના કરી કે, "હે યહોવાહ, કૃપા કરી તેની આંખો ઉઘાડ કે તે જુએ." ત્યારે યહોવાહે તે ચાકરની આંખો ઉઘાડી અને તેણે જોયું. તો જુઓ! એલિશાની આસપાસ અગ્નિરથોથી અને ઘોડાઓથી પર્વત ભરાઈ ગયો હતો. જ્યારે અરામીઓ એલિશાની પાસે આવ્યા, ત્યારે એલિશાએ યહોવાહને પ્રાર્થના કરી, "હે યહોવાહ, આ લોકોને અંધ બનાવી દો." અને યહોવાહે એલિશાના કહ્યા પ્રમાણે તેઓને અંધ કરી દીધાં. પછી એલિશાએ અરામીઓને કહ્યું, "તે માર્ગ આ નથી, તે નગર પણ આ નથી. પણ મારી પાછળ આવો અને જે માણસને તમે શોધો છો તેની પાસે હું તમને લઈ જઈશ." પછી તે તેઓને સમરુન લઈ ગયો. જ્યારે તેઓ સમરુન આવી પહોંચ્યા ત્યારે એમ થયું કે એલિશાએ કહ્યું, "હે યહોવાહ, આ માણસોની આંખો ઉઘાડો કે તેઓ જુએ." પછી યહોવાહે તેઓની આંખો ઉઘાડી અને તેઓએ જોયું, તો જુઓ, તેઓ સમરુન શહેરના મધ્ય ભાગમાં હતા.
”તેઓ એક માણસને દફનાવતા હતા, ત્યારે તેઓએ મોઆબીઓની ટોળી આવતી જોઈને તે મૃતદેહને એલિશાની કબરમાં ફેંકી દીધો. તે માણસનો મૃતદેહ એલિશાનાં હાડકાંને અડકતાંની સાથે જ તે સજીવન થયો. અને ઊઠીને પોતાના પગ પર ઊભો થઈ ગયો.
”યશાયાએ કહ્યું, "યહોવાહે જે વચન કહ્યું છે તે પૂરું કરશે, તેનું ચિહ્ન આ છે. છાંયડો દસ અંશ આગળ જાય કે, દસ અંશ પાછળ જાય?" હિઝકિયાએ જવાબ આપ્યો, "છાંયડો દસ અંશ આગળ વધે એ તો નાની વાત છે; એમ નહિ, પણ દસ અંશ પાછો હઠે." યશાયા પ્રબોધકે યહોવાહને મોટેથી પોકાર કર્યો, તેથી આહાઝના સમયદર્શક યંત્રમાં છાંયડો જેટલો નમ્યો હતો, ત્યાંથી તેમણે દસ અંશ પાછો હઠાવ્યો.
”તેના રાજયના ઓગણચાળીસમા વર્ષમાં તેના પગમાં કોઈ રોગ થયો, તે રોગની પીડા ત્રાસજનક હતી. તોપણ તેણે બીમારીમાં ઈશ્વરની નહિ, પણ વૈદોની સહાય લીધી.
”પણ જયારે ઉઝિયા બળવાન થયો, ત્યારે તેનું હૃદય ભ્રષ્ટ થયું, તેથી તેનો નાશ થયો; તેણે પોતાના પ્રભુ, ઈશ્વરની વિરુદ્ધ પાપ કર્યું. તે ધૂપવેદી ઉપર ધૂપ ચઢાવવા માટે ઈશ્વરના ઘરમાં ગયો. અઝાર્યા યાજક તથા તેની સાથે ઈશ્વરના એંશી મુખ્ય યાજકો તેની પાછળ અંદર ગયા. તેઓએ ઉઝિયા રાજાને અટકાવતાં તેને કહ્યું, "હે ઉઝિયા, ઈશ્વરની આગળ ધૂપ ચઢાવવો એ તારું કામ નથી, પણ હારુનના જે દીકરાઓ ધૂપ ચઢાવવા માટે પવિત્ર થયેલા છે, તે યાજકોનું એ કામ છે. સભાસ્થાનમાંથી બહાર આવ, કેમ કે તેં પાપ કર્યું છે. ત્યાં પ્રભુ, ઈશ્વર તરફથી તને સન્માન મળશે નહિ." પછી ઉઝિયાને ક્રોધ ચઢયો. તેના હાથમાં ધૂપદાની હતી. જયારે તે યાજકો પર કોપાયમાન થયો હતો, ત્યારે ઈશ્વરના ઘરમાં યાજકોના જોતાં ધૂપવેદીની બાજુમાં જ તેના કપાળમાં કોઢ ફૂટી નીકળ્યો. અઝાર્યા મુખ્ય યાજકે તથા બીજા સર્વ યાજકોએ તેની તરફ જોયું, તો તેઓએ તેના કપાળ પર કોઢ જોયો. તેઓએ તેને ત્યાંથી એકદમ કાઢી મૂક્યો. તેણે પોતે પણ બહાર નીકળી જવાને ઉતાવળ કરી, કેમ કે ઈશ્વરે તેને રોગી કર્યો હતો.
”તમે ફારુન, તેના સર્વ ચાકરો અને તેના દેશના સર્વ લોકોની વિરુદ્ધ ચિહ્ન તથા ચમત્કારો બતાવ્યા. કેમ કે તમે જાણતા હતા કે તેઓ ગર્વથી વર્તતા હતા. પણ આજની જેમ તમે તમારું નામ પ્રતિષ્ઠિત કર્યુ.
”છતાં હું ઈશ્વરને શોધું અને મારી બાબત ઈશ્વરને સોંપું. તેઓ મોટાં અને અગમ્ય કાર્યો કરે છે તથા અગણિત અદ્દભુત કાર્યો કરે છે.
”પણ તમે સત્યને જૂઠાણાથી છુપાવવાની કોશિશ કરો છો; તમે બધા ઊંટવૈદ જેવા છો.
”હે યહોવાહ, મારા ઈશ્વર, મેં તમને સહાયને માટે અરજ કરી અને તમે મને સાજો કર્યો છે.
”બીમારીના બિછાના પર યહોવાહ તેનો આધાર થશે; તેની માંદગીમાં તેનાં દુ:ખ લઈને તેને સાજો કરશે. મેં કહ્યું, "હે યહોવાહ, મારા પર દયા કરો; મારા આત્માને સાજો કરો; કેમ કે મેં તમારી વિરુદ્ધ પાપ કર્યાં છે."
”તમે ચમત્કાર કરનાર ઈશ્વર છો; તમે લોકોમાં તમારું સામર્થ્ય પ્રગટ કર્યું છે.
”તે તારાં સઘળાં પાપ માફ કરે છે; અને તારા સર્વ રોગ મટાડે છે. તે તારો જીવ નાશથી બચાવે છે; તને કૃપા તથા દયાનો મુગટ પહેરાવે છે. તે તારા જીવને ઉત્તમ વસ્તુઓથી તૃપ્ત કરે છે જેથી ગરુડની જેમ તારી જુવાની તાજી કરાય છે.
”હૃદયભંગ થયેલાઓને તે સાજા કરે છે અને તે તેઓના ઘા રુઝવે છે.
”તેથી પ્રભુ પોતે તમને ચિહ્ન આપશે: જુઓ, કુમારી ગર્ભવતી થઈને, પુત્રને જન્મ આપશે અને તેનું નામ ઈમાનુએલ પાડવામાં આવશે.
”પણ આપણા અપરાધોને લીધે તે વીંધાયો; આપણા પાપોને લીધે તે કચડાયો. આપણને શાંતિ પ્રાપ્ત કરાવવાને માટે તેને શિક્ષા થઈ અને તેના સોળથી આપણને સાજાપણું મળ્યું છે.
”કેમ કે હું તને આરોગ્ય આપીશ; અને 'તારા ઘાને રૂઝાવીશ, એમ યહોવાહ કહે છે. 'કેમ કે તેઓએ તને કાઢી મૂકેલી કહી છે. વળી સિયોનની કોઈને ચિંતા નથી."
”તમે આજ સુધી મિસરમાં, ઇઝરાયલમાં તથા વિદેશીઓમાં ચમત્કારો અને અદભુત કાર્યો કરતા આવ્યા છો. જે કીર્તિ તમે મેળવી છે તે આજ સુધી કાયમ છે. ચિહ્નો, ચમત્કારો અને બળવાન હાથથી તથા લાંબા કરેલા ભુજથી ભયભીત કરીને તમે ઇઝરાયલને મિસરની બહાર લઈ આવ્યા હતા.
”યહોવાહનો હાથ મારા પર આવ્યો, તે યહોવાહના આત્મા દ્વારા મને બહાર લઈ ગયો, મને નીચે એક ખીણમાં મૂક્યો, તે ખીણ હાડકાંથી ભરેલી હતી. તેમણે મને તે હાડકાંની આજુબાજુ ફેરવ્યો, જુઓ, ખીણમાં તે ઘણાં બધાં હતાં. તેઓ ઘણાં સૂકાં હતાં. તેણે મને કહ્યું, "હે મનુષ્યપુત્ર, શું આ હાડકાં ફરીથી જીવિત થશે?" તેથી મેં કહ્યું, "પ્રભુ યહોવાહ, તમે એકલા જ જાણો છો!" તેણે મને કહ્યું, "તું આ હાડકાંઓને ભવિષ્યવાણી કરીને તેમને કહે. 'હે સૂકાં હાડકાંઓ, તમે યહોવાહનું વચન સાંભળો. પ્રભુ યહોવાહ આ હાડકાંઓને કહે છે: "જુઓ, 'હું તમારામાં આત્મા મૂકીશ અને તમે જીવતા થશો. હું તમારા પર સ્નાયુઓ મૂકીશ, તમારા પર માંસ લાવીશ. હું તમને ચામડીથી ઢાંકી દઈશ અને તમારામાં શ્વાસ પૂરીશ એટલે તમે જીવતાં થશો. ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું.!''' તેથી મને આજ્ઞા કરવામાં આવી હતી તે પ્રમાણે મેં કર્યું; હું ભવિષ્યવાણી કરતો હતો ત્યારે એક અવાજ આવ્યો, ધરતીકંપ થયો. ત્યારે હાડકાં જોડાઈ ગયાં દરેક હાડકું તેને લગતા બીજા હાડકા સાથે જોડાઈ ગયું. હું જોતો હતો, તો જુઓ, તેમના પર સ્નાયુઓ દેખાયા, માંસ આવી ગયું. અને તેમના પર ચામડી ઢાંકી દેવામાં આવી, પણ હજુ તેમનામાં જીવન આવ્યું ન હતું. પછી યહોવાહે મને કહ્યું, "હે મનુષ્યપુત્ર, તું પવનને ભવિષ્યવાણી કર, તું પવનને કહે કે, પ્રભુ યહોવાહ આમ કહે છે, હે પવન, ચારે દિશામાંથી આવ અને આ મૃતદેહોમાં ફૂંક માર જેથી તેઓ ફરીથી જીવતા થાય.''' તેથી મને આજ્ઞા કરવામાં આવી હતી તે પ્રમાણે મેં ભવિષ્યવાણી કરી; તેમનામાં શ્વાસ આવ્યો અને તેઓ જીવતાં થયાં. બહુ મોટું સૈન્ય થઈને તેઓ પોતાના પગ પર ઊભાં થયાં.
”રાજાએ દાનિયેલને (જેનું નામ બેલ્ટશાસ્સાર હતું) તેને કહ્યું, "મેં જે સ્વપ્ન જોયું છે તે તથા તેનો અર્થ કહી બતાવવાને શું તું સમર્થ છે?" દાનિયેલે રાજાને જવાબ આપતાં કહ્યું, "જે રહસ્ય વિષે આપ જાણવા માગો છો તે જ્ઞાનીઓ, મંત્રવિદ્યા જાણનારા, જાદુગર કે જ્યોતિષીઓ પ્રગટ કરી શકતા નથી. પણ આકાશમાં એક ઈશ્વર છે, જે રહસ્યો પ્રગટ કરે છે, તેમણે નબૂખાદનેસ્સાર રાજાને હવે પછીના સમયમાં શું થવાનું છે તે જણાવ્યું છે. તમારું સ્વપ્ન તથા તમારા પલંગ પર થયેલાં તમારા મગજનાં સંદર્શનો આ છે. હે રાજા, હવે પછી શું થવાનું છે તેના વિષે તમને તમારા પલંગ પર વિચારો આવ્યા, રહસ્યો પ્રગટ કરનારે ભવિષ્યમાં શું થવાનું છે તે તમને જણાવ્યું છે. બીજી વ્યક્તિઓ કરતાં મારામાં વધારે ડહાપણ છે એટલે આ રહસ્ય મને પ્રગટ થયું છે એવું તો નથી. પણ એટલા માટે કે, રાજાને તેનો અર્થ સમજવામાં આવે અને તમે પોતાના વિચારો જાણો.
”ત્યારે નબૂખાદનેસ્સાર વધારે રોષે ભરાયો; શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગો સામે તેનો ચહેરો બદલાઈ ગયો. તેણે હુકમ કર્યો કે, ભઠ્ઠીને હંમેશાં ગરમ કરવામાં આવે છે તેના કરતાં સાતગણી વધારે ગરમ કરવામાં આવે. પછી તેણે પોતાના સૈન્યના કેટલાક બળવાન માણસોને હુકમ કર્યો કે, શાદ્રાખ, મેશાખ તથા અબેદ-નગોને બાંધીને તેઓને બળબળતા અગ્નિની ભઠ્ઠીમાં નાખી દો. તેઓએ તેઓને ઝભ્ભા, પાઘડી તથા બીજાં વસ્ત્રો સહિત બાંધીને અગ્નિની ભઠ્ઠીમાં નાખી દીધા. રાજાના હુકમને સખત રીતે અનુસરવામાં આવ્યો હતો. ભઠ્ઠી ઘણી ગરમ હતી. જે માણસો શાદ્રાખ, મેશાખ તથા અબેદ-નગોને લાવ્યા હતા તેઓને અગ્નિની જ્વાળાઓની ઝાળ લાગી. તેઓ બળીને મરી ગયા. આ ત્રણ માણસો એટલે શાદ્રાખ, મેશાખ તથા અબેદ-નગો, તેઓ જેવા બંધાયેલા હતા તેવા જ બળબળતી અગ્નિની ભઠ્ઠીમાં પડ્યા. ત્યારે નબૂખાદનેસ્સાર રાજા આશ્ચર્ય પામીને તરત જ ઊભો થઈ ગયો. તેણે પોતાના સલાહકારોને પૂછ્યું, "શું આપણે ત્રણ માણસોને બાંધીને અગ્નિમાં નાખ્યા નહોતા?" તેઓએ રાજાને જવાબ આપ્યો, "હા રાજા, ચોક્કસ એવું જ છે." પછી તેણે કહ્યું, "પણ હું તો ચાર માણસોને અગ્નિમાં ચારેબાજુ છૂટા ફરતા જોઉં છું અને તેઓને કંઈ ઈજા થયેલી નથી. ચોથાનું સ્વરૂપ તો દેવપુત્ર જેવું દેખાય છે." પછી નબૂખાદનેસ્સાર સળગતી ભઠ્ઠીના દરવાજા પાસે આવ્યો અને કહ્યું, "શાદ્રાખ, મેશાખ તથા અબેદ-નગો, પરાત્પર ઈશ્વરના સેવકો, બહાર આવો, અહીં આવો! "ત્યારે શાદ્રાખ, મેશાખ તથા અબેદ-નગો અગ્નિમાંથી નીકળીને બહાર આવ્યા. પ્રાંતોના હાકેમો, સૂબાઓ, નાયબસૂબાઓ તથા રાજાના દરબારીઓએ એકત્ર થઈને આ માણસોને જોયા. અગ્નિથી તેઓના શરીર ઉપર ઈજા થઈ ન હતી. તેઓના માથાના વાળ બળ્યા નહોતા, તેઓના ઝભ્ભાઓને ઈજા થઈ ન હતી; તેઓના પરથી અગ્નિની ગંધ પણ આવતી નહોતી. નબૂખાદનેસ્સારે કહ્યું, "શાદ્રાખ, મેશાખ તથા અબેદ-નગોના ઈશ્વરની સ્તુતિ હો! જેમણે પોતાના દૂતને મોકલીને પોતાના સેવકોને છોડાવ્યા છે. જયારે તેઓએ મારી આજ્ઞા નિષ્ફળ કરી ત્યારે તેઓએ તેમના પર ભરોસો રાખ્યો, પોતાના ઈશ્વર સિવાય બીજા કોઈપણ દેવની સેવા કરવા કે તેઓને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવાને બદલે તેઓએ પોતાનાં શરીરો અગ્નિને આપ્યાં. માટે હું એવો હુકમ ફરમાવું છું કે, કોઈપણ લોક, પ્રજા કે વિવિધ ભાષા બોલનારાઓ જો શાદ્રાખ, મેશાખ તથા અબેદ-નગોના ઈશ્વરની વિરુદ્ધ કંઈપણ બોલશે, તો તેઓને કાપી નાખવામાં આવશે. તેઓનાં ઘરોને તોડીને ઢગલો કરી નાખવામાં આવશે, કેમ કે, આ રીતે માણસોને છોડાવી શકે એવા બીજા કોઈ ઈશ્વર નથી." પછી રાજાએ શાદ્રાખ, મેશાખ તથા અબેદ-નગોને બાબિલ પ્રાંતમાં વધારે ઊંચું સ્થાન આપ્યું.
”રાજા નબૂખાદનેસ્સારે આ હુકમ પૃથ્વી પર રહેતા સર્વ લોકોમાં, પ્રજાઓમાં તથા વિવિધ ભાષાઓ બોલનારાઓમાં મોકલ્યો: "તમને અધિકાધિક શાંતિ હો. પરાત્પર ઈશ્વરે જે ચિહ્નો તથા ચમત્કારો મારી સાથે કર્યાં તે વિષે તમને કહેવું એ મને સારું લાગ્યું છે. તેમનાં ચિહ્નો કેવાં મહાન છે, તેમના ચમત્કારો કેવા મહાન છે! તેમનું રાજ્ય અનંતકાળનું રાજ્ય છે, તેમનો અધિકાર પેઢી દરપેઢીનો છે."
”તે જ ક્ષણે માણસના હાથની આંગળીઓ દેખાઈ અને દીપવૃક્ષની સામે આવેલી રાજમહેલની દીવાલ પર એક લેખ લખવામાં આવ્યો, હાથનો જે ભાગ લેખ લખતો હતો તે રાજાએ જોયો. ત્યારે રાજાનો ચહેરો બદલાઈ ગયો અને તેના વિચારોથી તે ગભરાઈ ગયો; તેની જાંઘોના સાંધા શિથિલ થઈ ગયા તેનાં ઘૂંટણો એકબીજા સાથે અથડાવા લાગ્યાં.
”ત્યારે રાજાએ હુકમ કર્યો, તેઓએ દાનિયેલને લાવીને તેને સિંહોના બિલમાં નાખ્યો. રાજાએ દાનિયેલને કહ્યું, "જે ઈશ્વરની તું સતત ઉપાસના કરે છે તે તને બચાવો." એક મોટો પથ્થર લાવીને બિલના પ્રવેશદ્વાર પર મૂકવામાં આવ્યો, રાજાએ તેના ઉપર પોતાની તથા પોતાના અમીરોની મુદ્રા વડે સિક્કો માર્યો, જેથી દાનિયેલની બાબતમાં કંઈ પણ ફેરફાર થાય નહિ. પછી રાજા પોતાના મહેલમાં ગયો અને આખી રાત તેણે કંઈ ખાધું નહિ. તેમ વાજિંત્રો પણ તેની આગળ લાવવામાં કે વગાડવામાં આવ્યાં નહિ, તેની ઊંઘ ઊડી ગઈ. પછી રાજા બીજા દિવસે વહેલી સવારે ઊઠીને સિંહોના બિલ આગળ ગયો. જ્યારે તે બિલ આગળ પહોંચ્યો ત્યારે વેદનાભર્યા અવાજે તેણે દાનિયેલને હાંક મારી. તેણે દાનિયેલને કહ્યું, "હે દાનિયેલ, જીવતા ઈશ્વરના સેવક, જેમની તું સતત સેવા કરે છે, તે તારા ઈશ્વર તને સિંહોથી બચાવી શક્યા છે?" ત્યારે દાનિયેલે રાજાને જવાબ આપ્યો, "હે રાજા, સદા જીવતા રહો. મારા ઈશ્વરે પોતાના દૂતને મોકલીને સિંહોનાં મોં બંધ કરી દીધાં એટલે તેઓ મને કશી ઈજા નથી કરી શક્યા. કેમ કે, હું તેઓની નજરમાં તથા તમારી આગળ પણ નિર્દોષ માલૂમ પડ્યો છું. અને હે રાજા, મેં આપનો પણ કોઈ ગુનો કર્યો નથી." ત્યારે રાજાને ઘણો આનંદ થયો. તેણે હુકમ કર્યો કે, દાનિયેલને બિલમાંથી બહાર કાઢવામાં આવે. તેથી દાનિયેલને બહાર કાઢવામાં આવ્યો. તેના શરીર ઉપર કોઈપણ ઈજા જોવા મળી નહિ, કેમ કે તેણે પોતાના ઈશ્વરમાં વિશ્વાસ રાખ્યો હતો. પછી જે માણસોએ દાનિયેલ પર તહોમત મૂક્યાં હતા તેઓને રાજાના હુકમથી પકડી લાવીને તેઓને, તેઓનાં સંતાનોને અને તેઓની પત્નીઓને સિંહોના બિલમાં નાખવામાં આવ્યા. તેઓ બિલમાં નીચે પહોંચે તે પહેલાં જ સિંહોએ તેમના પર તરાપ મારીને તેઓનાં હાડકાંના ચૂરેચૂરા કરી નાખ્યા.
”પછી રાજા દાર્યાવેશે આખી પૃથ્વી પર રહેતા લોકોને, પ્રજાઓને તથા વિવિધ ભાષા બોલનારાઓને પત્ર લખ્યો કે, "તમને અધિકાધિક શાંતિ થાઓ. હું હુકમ કરું છું કે, મારા આખા રાજ્યના લોકોએ દાનિયેલના ઈશ્વરની આગળ કાંપવું તથા બીવું. કેમ કે તે જીવતા તથા સદાકાળ જીવંત ઈશ્વર છે. તેમના રાજ્યનો નાશ થશે નહિ; તેમની સત્તાનો અંત આવતો નથી. તે આપણને સંભાળે છે અને મુક્ત કરે છે, તે આકાશમાં અને પૃથ્વી પર, ચિહ્નો તથા ચમત્કારો કરે છે; તેમણે દાનિયેલને સિંહોના પંજામાંથી ઉગાર્યો છે."
”ત્યારે એમ થશે કે હું મારો આત્મા સર્વ મનુષ્ય પર રેડી દઈશ. તમારા દીકરાઓ અને દીકરીઓ પ્રબોધ કરશે, તમારા વૃદ્ધોને સ્વપ્નો આવશે તમારા યુવાનોને સંદર્શનો થશે. વળી તે સમયે દાસો અને દાસીઓ ઉપર, હું મારો આત્મા રેડીશ. વળી હું પૃથ્વી પર અને આકાશમાં આશ્ચર્યજનક કાર્યો બતાવીશ, એટલે કે લોહી, અગ્નિ તથા ધુમાડાના સ્તંભો. યહોવાહનો મહાન અને ભયંકર દિવસ આવે તે પહેલાં, સૂર્ય અંધકારરૂપ, અને ચંદ્ર લોહીરૂપ થઈ જશે.
”ઈસુ સભાસ્થાનોમાં ઉપદેશ કરતા તથા રાજ્યની સુવાર્તા પ્રગટ કરતા અને લોકોમાં દરેક પ્રકારના રોગ તથા દુઃખ મટાડતા, આખા ગાલીલમાં ફર્યા. ત્યારે આખા સિરિયામાં તેમની કીર્તિ ફેલાઈ ગઈ, સઘળાં માંદાઓને, એટલે અનેક જાતનાં રોગીથી પીડાતાઓને, દુષ્ટાત્મા વળગેલાંઓને, વાઈના રોગીઓને તથા લકવાગ્રસ્તોને તેઓ તેમની પાસે લાવ્યા; અને તેમણે તેઓને સાજાં કર્યા.
”અને જુઓ, એક કુષ્ઠ રોગીએ આવીને તેમને પગે પડીને કહ્યું કે, "ઓ પ્રભુ, જો તમારી ઇચ્છા હોય તો તમે મને શુદ્ધ કરી શકો છો." ત્યારે ઈસુએ પોતાના હાથ લાંબો કર્યો, અને તેને સ્પર્શીને કહ્યું, "હું ચાહું છું, તું શુદ્ધ થા." અને તરત તે પોતાના કુષ્ઠ રોગથી શુદ્ધ થયો.
”ઈસુ પિતરના ઘરમાં આવ્યા, ત્યાં તેમણે તેની સાસુને તાવે બિમાર પડેલી જોઈ. ઈસુ તેના હાથને સ્પર્શ્યા; એટલે તેનો તાવ જતો રહ્યો અને તેણે ઊઠીને તેમની સેવા કરી.
”સાંજ પડી ત્યારે તેઓ ઘણાં દુષ્ટાત્મા વળગેલાંઓને તેમની પાસે લાવ્યા અને તેમણે શબ્દથી તે દુષ્ટાત્માઓને બહાર કાઢ્યાં, અને સઘળાં માંદાઓને સાજાં કર્યાં. એ માટે કે યશાયા પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય કે, "તેમણે પોતે આપણી માંદગીઓ લીધી અને આપણા રોગો ભોગવ્યા."
”જુઓ, સમુદ્રમાં એવું મોટું તોફાન થયું કે હોડી મોજાંઓથી ઢંકાઈ ગઈ; પણ ઈસુ પોતે ઊંઘતા હતા. ત્યારે શિષ્યોએ તેમની પાસે આવીને તેમને જગાડીને કહ્યું કે, "ઓ પ્રભુ, અમને બચાવો, અમે નાશ પામીએ છીએ." પછી ઈસુ તેઓને કહ્યું કે, "ઓ અલ્પવિશ્વાસીઓ, તમે શા માટે ભયભીત થયા છો?" પછી તેમણે ઊઠીને પવનને તથા સમુદ્રને ધમકાવ્યાં; અને મહાશાંતિ થઈ. ત્યારે તે માણસોએ આશ્ચર્ય પામીને કહ્યું કે, "એ કયા પ્રકારના માણસ છે કે પવન તથા સમુદ્ર પણ તેમનું માને છે?"
”જયારે ઈસુ પેલે પાર ગાડરેનેસના દેશમાં પહોંચ્યા ત્યારે દુષ્ટાત્મા વળગેલા બે માણસ કબરોમાંથી નીકળતા તેમને મળ્યા, તેઓ એવા બિહામણા હતા કે તે માર્ગે કોઈથી જવાતું નહોતું. જુઓ, તેઓએ બૂમ પાડતાં કહ્યું કે, "ઓ ઈશ્વરના દીકરા, અમારે ને તમારે શું છે? નિશ્ચિત સમય અગાઉ તમે અમને પીડા દેવાને અહીં આવ્યા છો શું?" હવે તેઓથી બહુ દૂર ઘણાં ભૂંડોનું એક ટોળું ચરતું હતું. દુષ્ટાત્માઓએ તેમને વિનંતી કરતાં કહ્યું કે, "જો તમે અમને કાઢો તો ભૂંડોના ટોળામાં અમને મોકલો." ઈસુએ તેઓને કહ્યું કે, 'જાઓ.' પછી તેઓ નીકળીને ભૂંડોમાં પેઠાં; અને જુઓ, આખું ટોળું ટેકરીની ધાર પરથી સમુદ્રમાં ઘસી પડ્યું અને પાણીમાં ડૂબી મર્યું. ત્યારે ચરાવનારા ભાગ્યા, તેઓએ નગરમાં જઈને સઘળું કહી સંભળાવ્યું; સાથે દુષ્ટાત્મા વળગેલાઓને શું થયું તે પણ કહ્યું. ત્યારે જુઓ, આખું નગર ઈસુને મળવાને બહાર આવ્યું; તેમને જોઈને તેઓએ તેમને વિનંતી કરી કે, અમારા પ્રદેશમાંથી ચાલ્યા જાઓ.
”ત્યાં જુઓ, ખાટલે પડેલા એક લકવાગ્રસ્તને લોકો તેમની પાસે લાવ્યા, ઈસુએ તેઓનો વિશ્વાસ જોઈને પક્ષઘાતીને કહ્યું કે, "દીકરા, હિંમત રાખ, તારાં પાપ તને માફ થયા છે." ત્યારે શાસ્ત્રીઓમાંના કેટલાકે પોતાના મનમાં કહ્યું કે, "એ દુર્ભાષણ કરે છે." ઈસુએ તેઓના વિચાર જાણીને કહ્યું કે, "તમે તમારા મનમાં શા માટે દુષ્ટ વિચાર કરો છો? કેમ કે એ બેમાંનું વધારે સહેલું કયું છે, એમ કહેવું કે 'તારાં પાપ તને માફ થયાં છે,' અથવા એમ કહેવું કે 'ઊઠીને ચાલ્યો જા?'" પણ માણસના દીકરાને પૃથ્વી પર પાપોની માફી આપવાનો અધિકાર છે, એ તમે જાણો તેથી ઈસુ લકવાગ્રસ્ત માણસને કહ્યુંકે "ઊઠ, તારો ખાટલો ઊંચકીને તારે ઘરે ચાલ્યો જા." અને તે ઊઠીને પોતાને ઘરે ગયો. તે જોઈને લોકો આશ્ચર્યચકિત થયા, અને ઈશ્વરે માણસોને એવો અધિકાર આપ્યો માટે તેઓએ તેમનો મહિમા કર્યો.
”ત્યારે જુઓ, એક સ્ત્રી જેને બાર વર્ષથી સખત લોહીવા હતો, તે ઈસુની પાછળ આવીને તેમના વસ્ત્રોની કોરને અડકી; કેમ કે તેણે પોતાના મનમાં વિચાર્યું કે, "જો હું માત્ર તેમના વસ્ત્રને અડકું તો હું સાજી થઈ જઈશ." ત્યારે ઈસુએ પાછા ફરીને તથા તેને જોઈને કહ્યું કે, "દીકરી, હિંમત રાખ, તારા વિશ્વાસે તને સાજી કરી છે;" અને તે સ્ત્રી તે જ ઘડીથી સાજી થઈ.
”પછી જયારે ઈસુએ તે અધિકારીના ઘરમાં આવીને વાંસળી વગાડનારાઓને તથા લોકોને કકળાટ કરતા જોયા; ત્યારે તેમણે કહ્યું કે, "અહીંથી ચાલ્યા જાઓ; કેમ કે છોકરી મરી ગઈ નથી, પણ ઊંઘે છે." અને તેઓએ ઈસુની વાતને મજાકમાં કાઢી. લોકોને બહાર કાઢ્યાં પછી, તેમણે અંદર જઈને તેનો હાથ પકડ્યો; અને તે છોકરી ઊઠી. તે વાતની ચર્ચા આખા પ્રદેશમાં ફેલાઈ ગઈ.
”ઈસુ ત્યાંથી જતા હતા, તેવામાં બે અંધજનો તેમની પાછળ જઈને બૂમ પાડતાં કહ્યું કે, "ઓ દાઉદના દીકરા, અમારા પર દયા કરો!" ઈસુ ઘરમાં આવ્યા, ત્યારે તે અંધજનો તેમની પાસે આવ્યા, અને ઈસુ તેઓને કહ્યું છે કે, "હું એ કરી શકું છું એવો તમને વિશ્વાસ છે શું?" તેઓ તેમને કહ્યું કે, 'હા પ્રભુ.' ત્યારે ઈસુ તેઓની આંખોને અડકીને કહ્યું કે, "તમારા વિશ્વાસ પ્રમાણે તમને થાઓ." તે જ સમયે તેઓની આંખો ઊઘડી ગઈ. પછી ઈસુએ તેઓને કડક આજ્ઞા આપીને કહ્યું કે, "જોજો, કોઈ આ વિષે જાણે નહિ." પણ તેઓએ બહાર જઈને આખા દેશમાં તેમની કીર્તિ ફેલાવી.
”તેઓ બહાર ગયા ત્યારે જુઓ, દુષ્ટાત્મા વળગેલા એક મૂંગા માણસને લોકો તેમની પાસે લાવ્યા. દુષ્ટાત્મા કાઢવામાં આવ્યો ત્યારે તે મૂંગો માણસ બોલ્યો અને લોકોએ આશ્ચર્ય પામીને કહ્યું કે, "ઇઝરાયલમાં આવું કદી જોવામાં આવ્યું નથી!"
”ઈસુ તેઓનાં સભાસ્થાનોમાં બોધ કરતા, રાજ્યની સુવાર્તા પ્રગટ કરતા, દરેક પ્રકારનો રોગ તથા દરેક પ્રકારની બીમારી મટાડતા, સઘળાં નગરોમાં તથા ગામોમાં ફરતા ગયા.
”પછી ઈસુએ પોતાના બાર શિષ્યોને પાસે બોલાવીને અશુદ્ધ આત્માઓને કાઢવાનો, તથા દરેક પ્રકારનો મંદવાડ તથા દરેક જાતનો રોગ મટાડવાનો અધિકાર તેઓને આપ્યો.
”માંદાઓને સાજાં કરો, રક્તપિત્તના રોગીઓને શુદ્ધ કરો, મૂએલાંઓને સજીવન કરો, દુષ્ટાત્માઓને કાઢો, તમે મફત પામ્યા છો, મફત આપો.
”'અંધજનો દેખતા થાય છે, પગે અપંગ ચાલતા થાય છે, રક્તપિત્તના રોગી શુદ્ધ કરાય છે, બહેરા સાંભળતાં થાય છે; મૃત્યુ પામેલાઓ સજીવન થાય છે, તથા દરિદ્રીઓને સુવાર્તા પ્રગટ કરાય છે.
”ત્યારે જુઓ, ત્યાં એક માણસ હતો, જેનો હાથ સુકાઈ ગયેલો હતો. ઈસુ પર દોષ મૂકવા સારુ ફરોશીઓએ તેમને પૂછ્યું કે, "શું વિશ્રામવારે સાજું કરવું ઉચિત છે?" ત્યારે તેમણે તેઓને કહ્યું કે, "તમારામાં કયો માણસ એવો છે કે, જેને એક ઘેટું હોય, અને વિશ્રામવારે જો તે ખાડામાં પડે તો તેને પકડીને બહાર નહિ કાઢશે? તો માણસ ઘેટાં કરતાં કેટલું ઉત્તમ છે! એ માટે વિશ્રામવારે સારું કરવું ઉચિત છે." ત્યારે પેલા માણસને ઈસુએ કહ્યું કે, "તારો હાથ લાંબો કર." તેણે તે લાંબો કર્યો, તરત તેનો હાથ બીજા હાથનાં જેવો સાજો થયો.
”પણ ઈસુ એ જાણીને ત્યાંથી નીકળી ગયા. ઘણાં લોકો તેમની પાછળ ગયા; અને તેમણે બધાને સાજાં કર્યા.
”ત્યારે દુષ્ટાત્મા વળગેલા કોઈ અંધ, મૂંગા માણસને તેઓ તેમની પાસે લાવ્યા; તેમણે તેને સાજો કર્યો, એટલે જે અંધ તથા મૂંગો હતો તે બોલવા અને જોવા લાગ્યો. સર્વ લોકોએ આશ્ચર્ય પામીને કહ્યું કે, "શું આ દાઉદનો દીકરો હોઈ શકે?"
”પણ જો હું ઈશ્વરના આત્માથી દુષ્ટાત્માઓને કાઢું છું, તો ઈશ્વરનું રાજ્ય તમારી પાસે આવ્યું છે એમ સમજો.
”તેઓના અવિશ્વાસને લીધે તેમણે ત્યાં ઘણાં પરાક્રમી કામ કર્યા નહિ.
”ઈસુએ નીકળીને ઘણાં લોકોને જોયા, ત્યારે તેઓ પર તેમને અનુકંપા આવી; અને તેમણે તેઓમાંનાં માંદાઓને સાજાં કર્યા.
”સાંજ પડી ત્યારે તેમના શિષ્યોએ તેમની પાસે આવીને કહ્યું કે, "આ જગ્યા ઉજ્જડ છે, હવે સમય થઈ ગયો છે, માટે લોકોને વિદાય કરો કે તેઓ આસપાસનાં પ્રદેશમાં તથા ગામોમાં જઈને પોતાને સારુ ખાવાનું વેચાતું લે." પણ ઈસુએ તેઓને કહ્યું કે, "તેઓને જવાની જરૂર નથી, તમે તેઓને જમવાનું આપો." તેઓએ તેમને કહ્યું કે, "અહીં અમારી પાસે માત્ર પાંચ રોટલી અને બે માછલી છે." ત્યારે ઈસુએ કહ્યું કે, "તે અહીં મારી પાસે લાવો." પછી તેમણે લોકોને ઘાસ પર બેસવાની આજ્ઞા આપી. અને તે પાંચ રોટલી તથા બે માછલી લઈ સ્વર્ગ તરફ જોઈને આશીર્વાદ માગ્યો અને રોટલી ભાંગીને શિષ્યોને આપી અને શિષ્યોએ લોકોને આપી. તેઓ સર્વ જમીને ધરાયાં; પછી ભાણામાં વધેલા કકડાઓની બાર ટોપલી ભરાઈ. જેઓ જમ્યાં તેઓ સ્ત્રીઓ અને બાળકો ઉપરાંત આશરે પાંચ હજાર પુરુષ હતા.
”રાતના ચોથા પહોરે ઈસુ સમુદ્ર પર ચાલતા તેઓની પાસે આવ્યા. શિષ્યોએ તેમને સમુદ્ર પર ચાલતા જોયા, ત્યારે તેઓએ ગભરાઈને કહ્યું, "એ તો કોઈ ભૂત છે" અને બીકથી તેઓએ બૂમ પાડી. પણ તરત ઈસુએ તેઓને કહ્યું કે, "હિંમત રાખો! એ તો હું છું! ગભરાશો નહિ."
”ત્યારે પિતરે તેમને ઉત્તર આપતાં કહ્યું કે, "પ્રભુ, એ જો તમે હો, તો મને આજ્ઞા આપો કે હું પાણી પર ચાલીને તમારી પાસે આવું." ઈસુએ કહ્યું કે "આવ." ત્યારે પિતર હોડીમાંથી ઊતરીને ઈસુ પાસે જવાને પાણી પર ચાલવા લાગ્યો. પણ પવનને જોઈને તે ગભરાયો અને ડૂબવા લાગ્યો, તેથી તેણે બૂમ પાડતાં કહ્યું કે, "ઓ પ્રભુ, મને બચાવો." ઈસુએ તરત જ હાથ લાંબો કરીને તેને પકડી લીધો અને તેને કહ્યું કે, "અરે અલ્પવિશ્વાસી, તેં શંકા કેમ કરી?" પછી જયારે ઈસુ અને પિતર હોડીમાં ચઢ્યાં એટલે તરત જ પવન બંધ થયો. હોડીમાં જેઓ હતા તેઓએ તેમનું ભજન કરતાં કહ્યું કે, "ખરેખર તમે ઈશ્વરના દીકરા છો."
”જયારે તે જગ્યાનાં લોકોએ તેમને ઓળખ્યા, ત્યારે તેઓએ તે આખા દેશમાં ચોતરફ માણસોને મોકલીને બધા માંદાઓને તેમની પાસે લાવ્યા. તેઓએ ઈસુને વિનંતી કરી કે 'કેવળ તમારાં વસ્ત્રોની કોરને જ તમે અમને અડકવા દો;' અને જેટલાં અડક્યા તેટલાં સાજાં થયા.
”જુઓ, એક કનાની સ્ત્રીએ તે વિસ્તારમાંથી આવીને ઊંચે અવાજે કહ્યું કે, 'ઓ પ્રભુ, દાઉદના દીકરા, મારા પર દયા કરો; મારી દીકરી દુષ્ટાત્માથી બહુ પીડા પામે છે.' પણ ઈસુએ તે સ્ત્રીને કંઈ જવાબ આપ્યો નહિ; અને તેમના શિષ્યોએ આવીને તેમને વિનંતી કરતાં કહ્યું કે, 'તે સ્ત્રીને વિદાય કરો, કેમ કે તે આપણી પાછળ બૂમ પાડયા કરે છે.' તેમણે તે સ્ત્રીને ઉત્તર આપ્યો કે, 'ઇઝરાયલના ઘરનાં ખોવાયેલાં ઘેટાં સિવાય બીજા કોઈની પાસે મને મોકવામાં આવ્યો નથી.' પછી તે સ્ત્રીએ ઈસુની પાસે આવીને તેમને પગે પડીને કહ્યું કે, ઓ પ્રભુ, મને મદદ કરો. તેમણે ઉત્તર આપતાં કહ્યું કે, છોકરાંની રોટલી લઈને કૂતરાંને નાખવી તે ઉચિત નથી. તે સ્ત્રીએ કહ્યું કે, 'ખરું, પ્રભુ, પરંતુ કૂતરાં પણ પોતાના માલિકોની મેજ પરથી જે કકડા પડે છે તે ખાય છે.' ઈસુએ ઉત્તર આપતાં તેને કહ્યું કે, 'ઓ બહેન, તારો વિશ્વાસ મોટો છે જેવું તું ચાહે છે તેવું તને થાઓ.' તે જ સમયે તેની દીકરીને સાજાંપણું મળ્યું.
”ત્યારે કેટલાક પંગુઓ, અંધજનો, મૂંગાંઓ, પગે અપંગ તથા બીજાં ઘણાંઓને લોકો તેમની પાસે લઈને આવ્યા અને ઈસુના પગ પાસે તેઓને લાવ્યા અને તેમણે તેઓને સાજાંપણું આપ્યું. જયારે લોકોએ જોયું કે મૂંગાઓ બોલતાં થયાં છે, ટૂંડાઓ સાજાં થયાં છે, પાંગળાઓ ચાલતાં થયા છે તથા અંધજનો દેખતા થયાં છે, ત્યારે તેઓએ આશ્ચર્ય પામીને ઇઝરાયલના ઈશ્વરનો મહિમા કર્યો.
”ઈસુએ પોતાના શિષ્યોને પાસે બોલાવીને કહ્યું કે, 'આ લોકો પર મને અનુકંપા આવે છે, કેમ કે ત્રણ દિવસથી તેઓ મારી સાથે રહ્યા છે, તેઓની પાસે કંઈ ખાવા માટે નથી. તેઓને ભૂખ્યા વિદાય કરવાનું હું ઇચ્છતો નથી, એમ ન થાય કે તેઓ રસ્તામાં બેહોશ થઈ જાય.' શિષ્યોએ તેમને કહ્યું કે, આટલા બધા લોકો ભોજનથી તૃપ્ત થાય તેટલું ભોજન અમે આ અરણ્યમાં ક્યાંથી લાવીએ? ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, 'તમારી પાસે કેટલી રોટલી છે?' તેઓએ કહ્યું કે, 'સાત રોટલી અને થોડીએક નાની માછલીઓ છે.' તેમણે લોકોને જમીન પર બેસવાની આજ્ઞા કરી. તેમણે તે સાત રોટલી તથા માછલી લઈ સ્તુતિ કરીને ભાંગી અને પોતાના શિષ્યોને આપી, શિષ્યોએ લોકોને આપી. સઘળાં ખાઈને તૃપ્ત થયાં; પછી વધેલા કકડાની તેઓએ સાત ટોપલી ભરી. જેઓ જમ્યાં તેઓ સ્ત્રીઓ તથા બાળકો ઉપરાંત ચાર હજાર પુરુષ હતા.
”તેઓની આગળ તેમનું રૂપાંતર થયું, એટલે તેમનું મુખ સૂર્યના જેવું તેજસ્વી થયું અને તેમના વસ્ત્ર અજવાળાનાં જેવા શ્વેત થયા.
”જયારે તેઓ લોકોની ભીડ પાસે આવ્યા, ત્યારે એક વ્યક્તિએ ઈસુની પાસે આવીને તેમની આગળ ઘૂંટણે પડીને કહ્યું કે, 'ઓ પ્રભુ, મારા દીકરા પર દયા કરો; કેમ કે તેને વાઈનુ દર્દ છે, તેથી તે ઘણો પીડાય છે; અને તે ઘણીવાર અગ્નિમાં તથા પાણીમાં પડે છે.' તેને હું તમારા શિષ્યોની પાસે લાવ્યો હતો, પણ તેઓ તેને સાજો કરી શક્યા નહીં. ત્યારે ઈસુએ જવાબ આપ્યો કે, 'ઓ અવિશ્વાસી તથા ભ્રષ્ટ પેઢી, ક્યાં સુધી હું તમારી સાથે રહીશ? ક્યાં સુધી હું તમારું સહન કરીશ? તેને મારી પાસે લાવો.' પછી ઈસુએ તે દુષ્ટાત્માને ધમકાવ્યો; અને તે તેનામાંથી નીકળી ગયો; તે જ સમયે તે છોકરો સાજો થયો.
”પછી શિષ્યો એકાંતમાં ઈસુની પાસે આવીને કહ્યું કે, 'અમે તેને કેમ કાઢી ન શક્યા?' ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, 'તમારા અવિશ્વાસને લીધે; કેમ કે હું તમને નિશ્ચે કહું છું કે, જો તમને રાઈના દાણા જેટલો વિશ્વાસ હોય તો તમે આ પહાડને કહેશો કે, "તું અહીંથી ત્યાં ખસી જા" અને તે ખસી જશે; અને તમારા માટે કંઈ અશક્ય નહિ હોય.'
”રખેને આપણે તેમને પાપમાં પાડીએ, તું સમુદ્રકિનારે જઈને ગલ નાખ; અને જે માછલી પહેલી આવે તેને પકડી લે, જયારે તું તેનું મુખ ઉઘાડશે ત્યારે તેમાંથી તને પૈસા મળશે, તે લઈને મારે અને તારે માટે તેઓને આપ.'
”હું તમને નિશ્ચે કહું છું કે, જે કંઈ તમે પૃથ્વી પર બાંધશો, તે સ્વર્ગમાં બંધાશે; અને જે કંઈ તમે પૃથ્વી પર છોડશો, તે સ્વર્ગમાં છોડાશે. વળી હું તમને સાચેજ કહું છું કે, જો પૃથ્વી પર તમારામાંના બે જણ કંઈ પણ બાબત સંબંધી એક ચિત્તના થઈને માગશે, તો મારા સ્વર્ગમાંનાં પિતા તેઓને માટે એવું કરશે. કેમ કે જ્યાં બે અથવા ત્રણ મારે નામે એકઠા થયેલા હોય ત્યાં તેઓની મધ્યે હું છું.'
”પણ ઈસુએ તેઓની તરફ જોઈને કહ્યું કે, 'માણસોને તો એ અશક્ય છે, પણ ઈશ્વરને સર્વ શક્ય છે.'
”જુઓ, બે અંધજનો રસ્તાની બાજુએ બેઠા હતા, ઈસુ તેઓની પાસે થઈને જાય છે તે સાંભળીને તેઓએ ઊંચા અવાજે કહ્યું કે, 'ઓ પ્રભુ, દાઉદના દીકરા, અમારા પર દયા કરો.' પણ લોકોએ તેઓને ધમકાવીને ચૂપ રહેવા કહ્યું, પણ તેઓએ વધારે મોટેથી બૂમ પાડતાં કહ્યું કે, 'ઓ પ્રભુ, દાઉદના દીકરા, અમારા ઉપર દયા કરો.' ત્યારે ઈસુએ ઊભા રહીને તેઓને બોલાવીને કહ્યું કે, 'હું તમારે માટે શું કરું, એ વિષે તમારી શી ઇચ્છા છે?' તેઓએ તેમને કહ્યું કે, 'પ્રભુ, અમારી આંખો ઉઘાડો.' ત્યારે ઈસુને અનુકંપા આવી, અને તે તેઓની આંખોને અડક્યા અને તરત તેઓ દેખતા થયા; અને તેઓ ઈસુની પાછળ ચાલ્યા.
”ત્યાર પછી અંધજનો તથા અપંગો તેમની પાસે ભક્તિસ્થાનમાં આવ્યા અને તેમણે તેઓને સાજાં કર્યા.
”રસ્તાની બાજુમાં એક અંજીરી જોઈને ઈસુ તેની પાસે ગયા, પણ તેના પર એકલાં પાંદડાં વગર બીજું કંઈ ન મળવાથી તેમણે તેને કહ્યું કે, 'હવેથી તારા પર કદી ફળ ન લાગો; અને એકાએક તે અંજીરી સુકાઈ ગઈ.' તે જોઈને શિષ્યો આશ્ચર્ય પામીને બોલ્યા કે, અંજીરી કેવી રીતે એકાએક સુકાઈ ગઈ? ત્યારે ઈસુએ ઉત્તર આપતા તેઓને કહ્યું કે, હું તમને નિશ્ચે કહું છું કે, જો તમને વિશ્વાસ હોય અને સંદેહ ન લાવો, તો આ અંજીરીને જે થયું તે તમે કરશો, એટલું જ નહિ પણ જો તમે આ પહાડને કહેશો કે, 'તું ઊંચકાઈને સમુદ્રમાં પડ. તો તેમ જ થશે.' જે કંઈ તમે વિશ્વાસ રાખીને પ્રાર્થનામાં માગશો, તે સઘળું તમે પામશો.
”ત્યારે જુઓ, મોટો ધરતીકંપ થયો, કેમ કે પ્રભુનો સ્વર્ગદૂત આકાશથી ઊતર્યો, અને પાસે આવીને કબર પર પથ્થરને ગબડાવીને તે પર બેઠો.
”જુઓ ઈસુ અહીં નથી, કેમ કે તેમણે જેમ કહ્યું હતું તેમ તે સજીવન થયા છે, તમે આવો, જ્યાં પ્રભુ સૂતા હતા તે જગ્યા જુઓ. વહેલા જઈને તેમના શિષ્યોને કહો કે, મૃત્યુમાંથી તે સજીવન થયા છે. જુઓ, તે તમારા અગાઉ ગાલીલમાં જાય છે, ત્યાં તમે તેમને દેખશો; જુઓ મેં તમને કહ્યું છે.
”ઈસુએ પાસે આવીને તેઓને કહ્યું કે, 'સ્વર્ગ તથા પૃથ્વી પર સર્વ અધિકાર મને અપાયો છે.'
”તે જ સમયે તેઓના સભાસ્થાનમાં અશુદ્ધ આત્મા વળગેલો એક માણસ હતો. તેણે બૂમ પાડીને કહ્યું કે, 'અરે, નાસરેથના ઈસુ, અમારે અને તમારે શું છે? શું તમે અમારો નાશ કરવા આવ્યા છો? તમે કોણ છો, એ હું જાણું છું, એટલે ઈશ્વરના પવિત્ર.' ઈસુએ તેને ધમકાવતાં કહ્યું કે, 'ચૂપ રહે, અને તેનામાંથી નીકળી જા'. અશુદ્ધ આત્મા તેને મરડી નાખીને તથા મોટી બૂમ પાડીને તેનામાંથી નીકળી ગયો. બધા એવા અચરત થયા કે તેઓ અંદરોઅંદર પૂછવા લાગ્યા કે, 'આ શું છે? આ તો નવો બોધ છે! કેમ કે અધિકારથી તેઓ અશુદ્ધ આત્માઓને પણ આજ્ઞા કરે છે અને તેઓ તેમનું માને છે.' તરત તેમની કીર્તિ આખા ગાલીલ પ્રાંતમાં ફેલાઈ ગઈ.
”તેઓ તરત જ સભાસ્થાનમાંથી નીકળીને યાકૂબ તથા યોહાન સહિત સિમોન તથા આન્દ્રિયાના ઘરમાં ગયા. હવે સિમોનની સાસુ તાવથી બીમાર હતી; અને તરત તેને વિષે તેઓએ ઈસુને કહ્યું. તેમણે પાસે આવીને તેનો હાથ પકડીને તેને ઉઠાડી; અને તે જ સમયે તેનો તાવ ઊતરી ગયો અને તેણે તેઓની સેવા કરી.
”સાંજે સૂરજ આથમ્યો ત્યારે તેઓ બધાં માંદાઓને તથા દુષ્ટાત્મા વળગેલાંઓને તેમની પાસે લાવ્યા. બારણા આગળ આખું શહેર ભેગું થયું. ઘણાં જેઓ વિવિધ પ્રકારના રોગથી પીડાતાં હતાં તેઓને તેમણે સાજાં કર્યાં; ઘણાં દુષ્ટાત્માઓને કાઢ્યાં. દુષ્ટાત્માઓ તેમને ઓળખતા હતા માટે તેમણે તેઓને બોલવા દીધાં નહિ.
”આખા ગાલીલમાં તેઓનાં સભાસ્થાનોમાં જઈને તેઓ ઉપદેશ આપતા અને દુષ્ટાત્માઓને કાઢતાં હતા.
”એક કુષ્ઠ રોગી તેમની પાસે આવે છે અને તેમને વિનંતી કરીને તથા ઘૂંટણ ટેકવીને કહે છે કે, 'જો તમારી ઇચ્છા હોય તો તમે મને શુદ્ધ કરી શકો છો.' ઈસુને અનુકંપા આવી અને હાથ લાંબો કરીને તેને સ્પર્શ્યા. અને તેને કહ્યું કે, 'મારી ઇચ્છા છે, તું શુદ્ધ થા;' તે જ ઘડીએ તેનો કુષ્ઠ રોગ મટી ગયો અને તે શુદ્ધ થયો. તેમણે તેને સખત ચેતવણી આપીને તરત બહાર મોકલ્યો; અને કહ્યું કે, 'જોજે, કોઈને કંઈ કહેતો નહિ; પણ જઈને પોતાને યાજકને બતાવ અને મૂસાએ ફરમાવ્યા પ્રમાણે, તારા શુદ્ધિકરણને લીધે, તેઓને માટે સાક્ષી તરીકે, અર્પણ કર.' પણ તે ત્યાંથી જઈને એ બિના એટલી બધી પ્રગટ કરવા તથા ફેલાવવા લાગ્યો, કે ઈસુ ફરી શહેરમાં ઉઘાડી રીતે જઈ ન શક્યા, પણ બહાર ઉજ્જડ જગ્યાઓમાં રહ્યા અને ચારેબાજુથી લોકો તેમની પાસે આવ્યા.
”ત્યારે ચાર માણસોએ ઊંચકેલા એક લકવાગ્રસ્ત માણસને તેઓ તેમની પાસે લાવ્યા. ભીડને કારણે તેઓ તેમની નજદીક તેને લાવી ન શક્યા, ત્યારે જ્યાં તે હતા ત્યાંનું છાપરું તેઓએ ખોલ્યું અને તે તોડીને જે ખાટલા પર તે લકવાગ્રસ્ત માણસ સૂતો હતો તેને ઉતાર્યો. ઈસુ તેઓનો વિશ્વાસ જોઈને લકવાગ્રસ્તને કહે છે કે, 'દીકરા, તારાં પાપ માફ થયાં છે.' પણ કેટલાક શાસ્ત્રીઓ જેઓ ત્યાં બેઠા હતા, તેઓ પોતાના મનમાં વિચારતા હતા કે, 'આ માણસ આવી રીતે કેમ બોલે છે? એ તો દુર્ભાષણ કરે છે. એક, એટલે ઈશ્વર, તેમના વગર કોણ પાપોની માફી આપી શકે?' તેઓ પોતાના મનમાં એમ વિચારે છે, એ ઈસુએ પોતાના આત્મામાં જાણીને તેઓને કહ્યું કે, 'તમે તમારાં હૃદયોમાં એવા વિચાર કેમ કરો છો? આ બેમાંથી વધારે સહેલું કયું છે, એટલે લકવાગ્રસ્તને એ કહેવું, કે તારાં પાપ તને માફ થયાં છે, અથવા એ કહેવું કે, ઊઠ અને તારો ખાટલો ઊંચકીને ચાલ?' પણ માણસના દીકરાને પૃથ્વી પર પાપ માફ કરવાનો અધિકાર છે, એમ તમે જાણો માટે, લકવાગ્રસ્તને ઈસુ કહે છે 'હું તને કહું છું કે ઊઠ, તારો ખાટલો ઊંચકીને તારે ઘરે ચાલ્યો જા.' તે ઊઠ્યો અને તરત ખાટલો ઊંચકીને ચાલ્યો ગયો; બધા તેને જોઈ રહ્યા. આથી લોકોએ આશ્ચર્ય પામીને તથા ઈશ્વરને મહિમા આપીને કહ્યું કે, 'અમે કદી આવું જોયું નથી.'
”ઈસુ ફરી સભાસ્થાનમાં આવ્યા; અને ત્યાં એક માણસ હતો જેનો હાથ સુકાઈ ગયેલો હતો. તેઓ વિશ્રામવારે તેને સાજો કરશે કે નહિ, તે વિષે તેઓએ તેમના પર ચાંપતી નજર રાખી, એ માટે કે તેઓ તેમના પર દોષ મૂકી શકે. પેલા સુકાયેલા હાથવાળા માણસને તેઓએ કહ્યું કે, 'વચમાં ઊભો થા.' અને તેઓએ પછી કહ્યું કે, 'વિશ્રામવારે સારું કરવું કે ખોટું કરવું? જીવને બચાવવો કે મારી નાખવો, કયું ઉચિત છે?' પણ તેઓ મૌન રહ્યા. તેઓના હૃદયની કઠોરતાને લીધે તે દિલગીર થઈને ગુસ્સાસહિત ચોતરફ તેઓને જોઈને તે માણસને કહ્યું કે, 'તારો હાથ લાંબો કર.' તેણે તે લાંબો કર્યો; અને તેનો હાથ સાજો થયો.
”કેમ કે તેમણે ઘણાંને સાજાં કર્યાં હતાં અને તેથી જેટલાં માંદા હતાં તેટલાં તેમને અડકવા સારુ તેમના પર પડાપડી કરતાં હતાં. અશુદ્ધ આત્માઓએ જયારે તેમને જોયા ત્યારે તેઓ તેમને પગે પડ્યા તથા પોકારીને બોલ્યા કે, 'તમે ઈશ્વરના દીકરા છો.' તેમણે તેઓને હુકમ કર્યો કે, 'તમારે મને પ્રગટ કરવો નહિ.'
”ઈસુએ બાર પ્રેરિતોને નીમ્યા એ માટે કે તેઓ તેમની સાથે રહે અને તે તેઓને પ્રચાર કરવા મોકલે, અને તેઓ અધિકાર પામીને દુષ્ટાત્માઓને કાઢે.
”પછી પવનનું મોટું તોફાન થયું; અને હોડીમાં મોજાંઓ એવાં ઊછળી આવ્યાં કે તે ભરાઈ જવા લાગી. તે હોડીના પાછલા ભાગમાં ઓશીકા પર માથું ટેકીને ઊંઘતા હતા; અને તેઓ તેમને જગાડીને કહે છે કે, 'ઉપદેશક, અમે નાશ પામીએ છીએ, તેની તમને શું કંઈ ચિંતા નથી?' તેમણે ઊઠીને પવનને ધમકાવ્યો તથા સમુદ્રને કહ્યું કે, 'શાંત થા.' ત્યારે પવન બંધ થયો અને મહાશાંતિ થઈ. તેમણે તેઓને કહ્યું કે, તમે કેમ ભયભીત થયા છો? શું તમને હજુ પણ વિશ્વાસ નથી?' તેઓ ઘણાં ગભરાયા તથા માંહોમાંહે બોલ્યા કે, 'આ તે કોણ છે કેમ કે પવન તથા સમુદ્ર પણ તેમનું માને છે?'
”ઈસુ હોડીમાંથી ઊતર્યા, એટલે કબ્રસ્તાનમાંથી અશુદ્ધ આત્મા વળગેલો એક માણસ તેમને મળ્યો; તે કબ્રસ્તાનોમાં રહેતો હતો; અને સાંકળોથી પણ કોઈ તેને બાંધી શકતું ન હતું; કેમ કે તે ઘણીવાર બેડીઓ તથા સાંકળો વડે બંધાયો હતો, પણ તેણે સાંકળો તોડી નાખી તથા બેડીઓ ભાંગી નાખી હતી; કોઈ તેને વશ કરી શકતું ન હતું. તે નિત્ય રાતદિવસ પહાડોમાં તથા કબરોમાં બૂમ પાડતો તથા પથ્થરોથી પોતાને ઘાયલ કરતો હતો. પણ ઈસુને દૂરથી જોઈને તે દોડી આવ્યો અને તેમને પગે પડ્યો, અને મોટે ઘાંટે પોકારીને બોલ્યો, 'ઈસુ, પરાત્પર ઈશ્વરના દીકરા, મારે અને તમારે શું છે? હું તમને ઈશ્વરના સમ આપું છું કે, તમે મને પીડા ન આપો.' કેમ કે તેમણે તેને કહ્યું હતું કે, 'અશુદ્ધ આત્મા, તું એ માણસમાંથી નીકળ.' તેમણે તેને પૂછ્યું કે, 'તારું નામ શું છે?' તેણે ઉત્તર આપતાં કહ્યું કે, 'મારું નામ સેના છે, કેમ કે અમે ઘણાં છીએ.' તેણે તેમને ઘણી વિનંતી કરી, કે તે તેઓને દેશમાંથી કાઢી મૂકે નહિ. હવે ત્યાં પર્વતની બાજુ પર ભૂંડોનું એક મોટું ટોળું ચરતું હતું. તેઓએ તેમને વિનંતી કરીને કહ્યું કે, 'તે ભૂંડોમાં અમે પ્રવેશીએ માટે અમને તેઓમાં મોકલો. ઈસુએ તેઓને રજા આપી અને દુષ્ટાત્માઓ નીકળીને ભૂંડોમાં ગયા; તેઓ આશરે બે હજાર ભૂંડો હતાં. તે ટોળું કરાડા પરથી સમુદ્રમાં ધસી પડ્યું; અને સમુદ્રમાં ડૂબી મર્યું. તેઓના ચરાવનારા ભાગ્યા. અને તેમણે શહેરમાં તથા ગામડાંઓમાં ખબર આપી; અને શું થયું તે જોવા લોકો બહાર આવ્યા. ઈસુની પાસે તેઓ આવ્યા ત્યારે દુષ્ટાત્મા વળગેલો હતો, એટલે જેનાંમાં સેના હતી, તેને તેઓએ બેઠેલો કપડાં પહેરેલો તથા હોશમાં આવેલો જોઈને તેઓ ગભરાઈ ગયા. દુષ્ટાત્મા વળગેલો કેવી રીતે તંદુરસ્ત થયો તેની તથા ભૂંડો સંબંધીની વાત જેઓએ જોઈ હતી તે તેઓએ લોકોને કહી. તેઓ ઈસુને તેમના પ્રદેશમાંથી નીકળી જવાની વિનંતી કરવા લાગ્યા કે 'અમારા પ્રદેશમાંથી ચાલ્યા જાઓ.'
”એક સ્ત્રી જેને બાર વર્ષોથી લોહીવા થયેલો હતો અને તેણે ઘણાં વૈદોથી ઘણું સહ્યું હતું, પોતાનું બધું ખરચી નાખ્યું હતું અને તેને કંઈ ફરક પડ્યો નહોતો, પણ તેથી ઊલટું વધારે બીમાર થઈ હતી, તે ઈસુ સંબંધીની વાતો સાંભળીને ભીડમાં તેમની પાછળ આવી અને તેમના ઝભ્ભાને અડકી. કેમ કે તેણે ધાર્યું કે, 'જો હું માત્ર તેમના ઝભ્ભાને અડકું તો હું સાજી થઈશ.' તે જ ઘડીએ તેનો રક્તસ્રાવ બંધ થઈ ગયો અને શરીરમાં તેને લાગ્યું કે 'હું બીમારીથી સાજી થઈ છું.' મારામાંથી પરાક્રમ નીકળ્યું છે એવું પોતાને ખબર પડવાથી, ઈસુએ તરત લોકોની ભીડમાં પાછળ ફરીને કહ્યું કે, 'કોણે મારા વસ્ત્રને સ્પર્શ કર્યો?' તેના શિષ્યોએ તેમને કહ્યું કે, 'તમે જુઓ છો કે, ઘણાં લોકો તમારા પર પડાપડી કરે છે અને શું તમે કહો છો કે, કોણે મને સ્પર્શ કર્યો?' જેણે એ કામ કર્યું તેને જોવા સારુ તેમણે આસપાસ નજર ફેરવી. તે સ્ત્રી ડરતી તથા ધ્રૂજતી, તેને જે થયું તે જાણીને આવી, અને તેમની આગળ નમીને તેણે તેમને બધું સાચે સાચું કહ્યું. ઈસુએ તેને કહ્યું કે, 'દીકરી, તારા વિશ્વાસે તને સાજી કરી છે; શાંતિએ જા અને તારી બીમારીથી મુક્ત થા.'
”તે હજી બોલતા હતા એટલામાં સભાસ્થાનના અધિકારીને ત્યાંથી લોકો આવીને કહે છે કે, 'તારી દીકરી તો મરી ગઈ છે, તું હવે ઉપદેશકને તકલીફ શું કરવા આપે છે?' પણ ઈસુ તે વાત પર ધ્યાન ન આપતાં સભાસ્થાનનાં અધિકારીને કહે છે કે, 'ગભરાઈશ નહિ, માત્ર વિશ્વાસ રાખ.' અને પિતર, યાકૂબ, તથા યાકૂબના ભાઈ યોહાન સિવાય, તેમણે પોતાની સાથે કોઈને આવવા ન દીધાં. સભાસ્થાનના અધિકારીના ઘરમાં તેઓ આવે છે; અને કલ્પાંત, રુદન તથા વિલાપ કરનારાઓને જુએ છે. તે અંદર આવીને તેઓને કહે છે કે, 'તમે કેમ કલ્પાંત કરો છો અને રડો છો? છોકરી મરી નથી ગઈ; પણ ઊંઘે છે.' તેઓએ તેમને હસી કાઢ્યાં. પણ બધાને બહાર મોકલીને, છોકરીનાં માબાપને તથા જેઓ પોતાની સાથે હતા તેઓને લઈને, જ્યાં છોકરી હતી ત્યાં તે અંદર ગયા. છોકરીનો હાથ પકડીને તેઓ તેને કહે છે કે, 'ટલિથા કૂમ, જેનો અર્થ એ છે કે, છોકરી, હું તને કહું છું, ઊઠ.' તરત છોકરી ઊઠીને ચાલવા લાગી; કેમ કે તે બાર વર્ષની હતી; અને તેઓ ઘણાં વિસ્મિત થયાં.
”વિશ્રામવાર આવ્યો ત્યારે તે સભાસ્થાનમાં બોધ કરવા લાગ્યા; અને ઘણાંએ તે સાંભળીને આશ્ચર્ય પામીને કહ્યું કે, 'આ સઘળું તેમની પાસે ક્યાંથી? તેમને જે બુદ્ધિ અપાઈ તે કેવી છે! તેમના હાથથી આવાં પરાક્રમો કેવી રીતે થાય છે એ શું છે?
”તેમણે થોડાંક માંદાઓ પર હાથ મૂકીને તેઓને સાજાં કર્યાં; તે વિના તેઓ ત્યાં કોઈ પરાક્રમી કામ કરી શક્યા નહિ.
”બાર શિષ્યોને પોતાની પાસે બોલાવીને તે તેઓને બબ્બેની જોડીમાં મોકલવા લાગ્યા; અને તેમણે તેઓને અશુદ્ધ આત્માઓ પર અધિકાર આપ્યો;
”તેઓએ ઘણાં દુષ્ટાત્માઓ કાઢ્યાં, ઘણાં માદાંઓને તેલ લગાવીને તેઓને સાજાં કર્યાં.
”જયારે દિવસ ઘણો નમી ગયો ત્યારે તેમના શિષ્યોએ તેમની પાસે આવીને કહ્યું કે, 'આ જગ્યા ઉજ્જડ છે; અને દિવસ ઘણો નમી ગયો છે; તેઓને જવા દો, કે તેઓ આસપાસનાં પરાંમાં તથા ગામોમાં જઈને પોતાને સારુ ખાવાનું વેચાતું લે. પણ તેમણે ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, 'તમે તેઓને ખાવાનું આપો.' તેઓ તેને કહે છે કે, 'શું અમે જઈને બસો દીનારની રોટલીઓ લઈને તેઓને ખવડાવીએ?' પણ તે તેઓને કહે છે કે, 'તમારી પાસે કેટલી રોટલીઓ છે? તે જઈને જુઓ.' ખબર કાઢ્યાં પછી તેઓ કહે છે કે, 'પાંચ રોટલી તથા બે માછલી.' તેમણે તેઓને આજ્ઞા કરી કે, 'સઘળાં લીલા ઘાસ પર પંગતમાં બેસી જાય.' તેઓ હારબંધ સો સો તથા પચાસ પચાસની પંગતમાં બેઠા. ઈસુએ પાંચ રોટલી તથા બે માછલી લઈને સ્વર્ગ તરફ જોઈને આશીર્વાદ માગ્યો; અને રોટલીઓ ભાંગીને તેઓને પીરસવા સારુ પોતાના શિષ્યોને આપી; અને બે માછલીઓ બધાને વહેંચી આપી. બધા લોકો જમ્યાં અને તૃપ્ત થયા; અને તેઓએ રોટલીના વધેલા ટુકડાંઓની અને માછલીઓથી ભરેલી બાર ટોપલીઓ ભરી. જેઓએ રોટલીઓ ખાધી તેઓ આશરે પાંચ હજાર પુરુષ હતા.
”તેઓ હલેસાં મારતાં હેરાન થયા. કેમ કે પવન તેઓની સામો હતો, તે જોઈને, આશરે રાતને ચોથે પહોરે ઈસુ સમુદ્ર પર ચાલતાં તેઓની પાસે આવ્યા અને જાણે તેઓથી આગળ જવાનું તેઓ ઇચ્છતા હતા. તેઓએ તેમને સમુદ્ર પર ચાલતા જોઈને અનુમાન કર્યું કે, એ તો ભૂત છે અને બૂમ પાડી; કેમ કે બધા તેમને જોઈને ગભરાયા. પણ તરત તે તેઓની સાથે બોલ્યા અને તેઓને કહ્યું કે, 'હિંમત રાખો, એ તો હું છું, બીશો નહિ.' તે તેઓની પાસે હોડી પર ગયા અને પવન બંધ થયો; અને તેઓ અતિશય વિસ્મિત થયા;
”તેઓ હોડી પરથી ઊતર્યા ત્યારે તરત લોકોએ ઈસુને ઓળખ્યા, અને ચારેબાજુ તેઓ આખા પ્રદેશમાં દોડી જઈને ઈસુ ક્યાં છે તે તેઓએ સાંભળ્યું ત્યારે માંદાઓને ખાટલામાં તેમની પાસે લાવ્યાં. જે જે ગામો, શહેરો કે પરાંઓમાં ઈસુ ગયા, ત્યાં તેઓએ માંદાઓને ચોકમાં રાખ્યા અને તેમને વિનંતી કરી કે, 'તેઓને માત્ર તમારા વસ્ત્રની કોરને અડકવા દો;' જેટલાંએ તેમને સ્પર્શ કર્યો તેઓ સાજાં થયા.
”પછી ઈસુ ત્યાંથી નીકળીને તૂર તથા સિદોનની પ્રદેશમાં ગયા. અને તેઓ એક ઘરમાં પ્રવેશ્યા અને કોઈ ન જાણે તેવું તેઓ ઇચ્છતા હતા; પણ તે ગુપ્ત રહી શક્યા નહિ. કેમ કે એક સ્ત્રી જેની નાની દીકરીને અશુદ્ધ આત્મા વળગેલો હતો, તે ઈસુ વિષે સાંભળીને આવી અને તેમના પગે પડી. તે સ્ત્રી ગ્રીક હતી અને સિરિયાનાં ફિનીકિયા કુળની હતી. તેણે પોતાની દીકરીમાંથી ભૂતને કાઢવાને તેમને વિનંતી કરી. પણ ઈસુએ તેને કહ્યું કે, 'છોકરાંને પહેલાં ધરાવા દે; કેમ કે છોકરાંની રોટલી લઈને કૂતરાંને નાખવી તે ઉચિત નથી.' પણ સ્ત્રીએ તેમને ઉત્તર આપ્યો કે, 'હા, પ્રભુ, કૂતરાં પણ મેજ નીચેથી છોકરાંનાં પડેલા ખોરાકના કકડામાંથી ખાય છે'. ઈસુએ તેને કહ્યું કે, 'આ વાતને લીધે જા; તારી દીકરીમાંથી દુષ્ટાત્મા નીકળી ગયો છે.' તેણે પોતાને ઘરે આવીને જોયું કે, 'છોકરી ખાટલા પર સૂતેલી હતી અને દુષ્ટાત્મા નીકળી ગયો હતો.'
”લોકો એક મૂક-બધિરને તેમની પાસે લાવ્યા અને તેના પર હાથ મૂકવાને તેમને વિનંતી કરી. ઈસુએ લોકો પાસેથી તેને એકાંતમાં લઈ જઈને તેના કાનોમાં પોતાની આંગળી નાખી અને તેની જીભ પર પોતાનું થૂંક લગાડ્યું; અને સ્વર્ગ તરફ જોઈને તેમણે નિસાસો નાખ્યો અને કહ્યું કે, 'એફફથા,' એટલે 'ઊઘડી જા.' તરત તેના કાનો ઊઘડી ગયા, તેની જીભનું બંધન છૂટ્યું. તે સ્પષ્ટ રીતે બોલતો થયો. ઈસુએ તેઓને આજ્ઞા કરી કે, 'તમારે કોઈને કહેવું નહિ;' પણ જેમ જેમ તેમણે વધારે આજ્ઞા કરી તેમ તેમ તેઓએ તે વધારે પ્રગટ કર્યું. લોકો વધારે અચંબો પામ્યા અને બોલ્યા કે, 'તેમણે બધું સારું જ કર્યું છે; તેઓ બધિરોને સાંભળતાં અને મૂકજનોને બોલતાં કરે છે.
”તે દિવસોમાં જયારે ફરી અતિ ઘણાં લોકો હતા અને તેઓની પાસે કંઈ ખાવાનું ન હતું, ત્યારે ઈસુ પોતાના શિષ્યોને પાસે બોલાવીને તેઓને કહે છે કે, 'લોકો પર મને અનુકંપા આવે છે, કેમ કે ત્રણ દિવસથી તેઓ મારી સાથે રહ્યા છે અને તેઓની પાસે કશું ખાવાનું નથી; અને જો હું તેઓને ભૂખ્યા ઘરે મોકલું તો રસ્તામાં તેઓ થાકીને પડી જશે; વળી તેઓમાંના કેટલાક તો દૂરથી આવ્યા છે.' શિષ્યોએ ઈસુને જવાબ આપ્યો કે, 'અહીં અરણ્યમાં ક્યાંથી કોઈ એટલા બધાને રોટલીથી તૃપ્ત કરી શકે?' ઈસુએ તેઓને પૂછ્યું કે, 'તમારી પાસે કેટલી રોટલીઓ છે?' તેઓએ કહ્યું, 'સાત.' ઈસુએ લોકોને જમીન પર બેસવાનો આદેશ આપ્યો; અને સાત રોટલીઓ લઈને તેમણે સ્તુતિ કરીને ભાંગી અને વહેંચવા સારુ પોતાના શિષ્યોને આપી; અને તેઓએ તે લોકોને પીરસી. તેઓની પાસે થોડી નાની માછલીઓ પણ હતી; અને ઈસુએ તેના પર આશીર્વાદ માગીને તે પણ લોકોને પીરસવાનું કહ્યું. લોકો ખાઈને તૃપ્ત થયા; અને બાકી વધેલા ટુકડાંઓથી સાત ટોપલીઓ ભરાઈ. તે તેઓએ ઉઠાવી. [જમનારાં] આશરે ચાર હજાર લોકો હતા; અને ઈસુએ તેઓને વિદાય કર્યાં.
”તે બેથસેદામાં આવે છે. તેઓ ઈસુની પાસે એક અંધજનને લાવે છે, અને તેને સ્પર્શવા સારુ તેમને વિનંતી કરી. અંધનો હાથ પકડીને ઈસુ તેને ગામમાંથી બહાર લઈ ગયા અને તેની આંખોમાં થૂંકીને તથા તેના પર હાથ મૂકીને તેને પૂછ્યું કે, 'તને કશું દેખાય છે?' ઊંચું જોઈને તેણે કહ્યું કે, 'હું માણસોને જોઉં છું; તેઓ ચાલતા વૃક્ષ જેવા દેખાય છે'. પછી ઈસુએ ફરી તેની આંખો પર હાથ મૂક્યો. ત્યારે તેણે એક નજરે જોયું, તે સાજો થયો અને સઘળું સ્પષ્ટ રીતે જોતો થયો.
”છ દિવસ પછી ઈસુ પિતરને, યાકૂબને તથા યોહાનને સાથે લઈને તેઓને ઊંચા પહાડ ઉપર એકાંતમાં લઈ ગયા. અને તેઓની આગળ ઈસુનું રૂપાંતર થયું. ઈસુનાં વસ્ત્રો ઊજળાં, બહુ જ સફેદ થયાં; એવાં કે દુનિયાનો કોઈ પણ ધોબી તેવા સફેદ કરી ન શકે.
”લોકોમાંથી એકે તેમને ઉત્તર આપ્યો કે, 'ઉપદેશક, હું મારો દીકરો તમારી પાસે લાવ્યો છું, તેને મૂંગો દુષ્ટાત્મા વળગેલો છે; જ્યાં કહી તે તેને પકડે છે, ત્યાં તે તેને પાડી નાખે છે; તે ફીણ કાઢે છે, દાંત ભીડે છે અને તે શરીર કડક થઈ જાય છે. મેં તમારા શિષ્યોને તેને કાઢવાનું કહ્યું; પણ તેઓ તેને કાઢી શક્યા નહિ,' પણ ઈસુ જવાબ આપતાં તેઓને કહે છે કે, 'ઓ અવિશ્વાસી પેઢી, હું ક્યાં સુધી તમારી સાથે રહીશ? ક્યાં સુધી હું તમારું સહન કરીશ? તેને મારી પાસે લાવો.' તેઓ તેને ઈસુની પાસે લાવ્યા અને તેમને જોઈને દુષ્ટાત્માએ તરત તેને મરડ્યો અને જમીન પર પડીને તે ફીણ કાઢતો તરફડવા લાગ્યો. ઈસુએ તેના પિતાને પૂછ્યું કે, 'તેને કેટલા વખતથી આવું થયું છે?' તેણે કહ્યું કે, 'બાળપણથી.' તેનો નાશ કરવા માટે અશુદ્ધ આત્માએ ઘણી વખત તેને આગમાં તથા પાણીમાં પણ નાખી દીધો છે; પણ જો તમે કંઈ કરી શકો તો અમારા પર દયા રાખીને અમને મદદ કરો.' ઈસુએ તેને કહ્યું કે, 'જો તમે કરી શકો! વિશ્વાસ રાખનારને તો બધું જ શક્ય છે.' તરત દીકરાના પિતાએ ઘાંટો પાડતાં કહ્યું કે, 'હું વિશ્વાસ કરું છું, મારા અવિશ્વાસ વિષે મને મદદ કરો.' ઘણાં લોકો દોડતા આવે છે, એ જોઈને ઈસુએ અશુદ્ધ આત્માને ધમકાવીને તેને કહ્યું કે, 'મૂંગા તથા બહેરા દુષ્ટાત્મા, હું તને હુકમ કરું છું કે, તેનામાંથી નીકળ. અને ફરી તેનામાં પ્રવેશીશ નહિ.' ચીસ પાડીને અને તેને બહુ મરડીને તે નીકળ્યો. અને તે મૂઆ જેવો થઈ ગયો, એવો કે ઘણાંખરાએ કહ્યું કે, 'તે મરી ગયો છે.' પણ ઈસુએ તેનો હાથ પકડીને તેને ઉઠાડ્યો અને તે ઊભો થયો.
”ઈસુ તેઓની તરફ જોઈને કહે છે કે, 'માણસોને એ અશક્ય છે, પણ ઈશ્વરને નથી, કેમ કે ઈશ્વરને સર્વ શક્ય છે.'
”તેઓ યરીખોમાં આવે છે. અને યરીખોમાંથી ઈસુ, તેમના શિષ્યો તથા ઘણાં લોકો બહાર જતા હતા, ત્યારે તિમાયનો દીકરો બાર્તિમાય જે અંધ ભિખારી હતો તે માર્ગની બાજુએ બેઠો હતો. એ નાસરેથના ઈસુ છે, એમ સાંભળીને તે બૂમ પાડવા તથા કહેવા લાગ્યો કે, 'ઓ ઈસુ, દાઉદના દીકરા, મારા પર દયા કરો.' લોકોએ તેને ધમકાવ્યો કે, 'તું ચૂપ રહે;' પણ તેણે વધારે મોટેથી બૂમ પાડતાં કહ્યું કે, 'ઓ દાઉદના દીકરા, મારા પર દયા કરો.' ઈસુએ ઊભા રહીને કહ્યું કે, 'તેને બોલાવો' અને અંધને બોલાવીને લોકો તેને કહે છે કે, 'હિંમત રાખ, ઊઠ, ઈસુ તને બોલાવે છે.' પોતાનું વસ્ત્ર પડતું મૂકીને તે ઊઠ્યો, અને ઈસુની પાસે આવ્યો. ઈસુએ તેને ઉત્તર આપતાં કહ્યું કે, 'હું તને શું કરું, એ વિષે તારી શી ઇચ્છા છે?' અંધ વ્યક્તિએ કહ્યું કે, 'સ્વામી, હું દેખતો થાઉં.' ઈસુએ તેને કહ્યું કે 'જા, તારા વિશ્વાસે તને બચાવ્યો છે,' અને તરત તે દેખતો થયો અને માર્ગમાં ઈસુની પાછળ ગયો.
”ઈસુએ તેઓને કહ્યું કે, 'ઈશ્વર પર વિશ્વાસ રાખો.' કેમ કે હું તમને નિશ્ચે કહું છું કે, 'જે કોઈ આ પર્વતને કહે કે ખસેડાઈ જા અને સમુદ્રમાં પડ. અને પોતાના હૃદયમાં સંદેહ ન રાખતાં વિશ્વાસ રાખશે કે, હું જે કહું છું તે થશે, તો તે તેને માટે થશે. એ માટે હું તમને કહું છું કે, જે સર્વ તમે પ્રાર્થનામાં માગો છો, તે અમને મળ્યું છે એવો વિશ્વાસ રાખો, તો તે તમને મળશે.
”પણ તે તેઓને કહે છે કે, 'ગભરાશો નહિ; વધસ્તંભે જડાયેલા નાસરેથના ઈસુને તમે શોધો છો; તે ઊઠ્યાં છે; તે અહીં નથી; જુઓ, જે જગ્યાએ તેમને દફનાવ્યાં હતા તે આ છે.
”વિશ્વાસ કરનારાઓને હાથે આવાં ચમત્કારિક ચિહ્નો થશે, મારે નામે તેઓ દુષ્ટાત્માઓને કાઢશે, નવી ભાષાઓ બોલશે, સર્પોને ઉઠાવી લેશે અને જો તેઓથી કંઈ પ્રાણઘાતક વસ્તુ પિવાઈ જશે તો તેઓને કંઈ ઈજા થશે નહિ; તેઓ બિમારો પર હાથ મૂકશે અને તેઓ સાજાં થશે.'
”પ્રભુ ઈસુ તેઓની સાથે બોલી રહ્યા પછી સ્વર્ગમાં લઈ લેવાયા અને ઈશ્વરને જમણે હાથે બિરાજ્યા.
”તેઓએ ત્યાંથી જઈને બધે સ્થળે સુવાર્તા પ્રગટ કરી; અને પ્રભુ તેઓના કામમાં તેઓને સહાય કરતા અને તેઓને હાથે થયેલા ચમત્કારિક ચિહ્નોથી સુવાર્તાની સત્યતા સાબિત કરતા હતા. આમીન.
”'કેમ કે ઈશ્વર પાસેથી [આવેલું] કોઈ પણ વચન પરાક્રમ વગરનું થશે નહિ.'
”ત્યાં દુષ્ટાત્મા વળગેલો એક માણસ હતો, તેણે મોટે ઘાંટે કહ્યું કે, 'અરે, ઈસુ નાઝીરી, તમારે અને અમારે શું છે? શું તમે અમારો નાશ કરવા આવ્યા છો? તમે કોણ છો તે હું જાણું છું, એટલે ઈશ્વરના પવિત્ર!' ઈસુએ તેને ધમકાવીને કહ્યું કે, 'ચૂપ રહે, અને તેનામાંથી નીકળ'. દુષ્ટાત્મા તેને લોકોની વચમાં પાડી નાખીને તેને કંઈ નુકસાન કર્યા વિના નીકળી ગયો. બધાને આશ્ચર્ય લાગ્યું, અને તેઓએ એકબીજાને કહ્યું કે, 'આ કેવાં શબ્દો છે! કેમ કે તે અધિકાર તથા પરાક્રમસહિત અશુદ્ધ આત્માઓને હુકમ કરે છે, ને તેઓ નીકળી જાય છે?' આસપાસના પ્રદેશનાં સર્વ સ્થાનોમાં ઈસુ વિષેની વાતો ફેલાઈ ગઈ.
”સભાસ્થાનમાંથી ઊઠીને ઈસુ સિમોનના ઘરે ગયા. સિમોનની સાસુ સખત તાવથી બિમાર હતી, તેને મટાડવા માટે તેઓએ તેમને વિનંતી કરી. તેથી ઈસુએ તેની પાસે ઊભા રહીને તાવને ધમકાવ્યો, અને તેનો તાવ ઊતરી ગયો; તેથી તે તરત ઊઠીને તેઓની સેવા કરવા લાગી.
”સૂર્ય ડૂબતી વખતે જેઓ વિવિધ પ્રકારના રોગથી પીડાતાં માણસો હતાં તેઓને તેઓ ઈસુની પાસે લાવ્યા, અને તેમણે તેઓમાંના દરેક પર હાથ મૂકીને તેઓને સાજાં કર્યાં. ઘણાંઓમાંથી દુષ્ટાત્માઓ નીકળી ગયા, અને ઘાંટો પાડીને કહેતાં હતા કે, 'તમે ઈશ્વરના દીકરા છો!' તેમણે તેઓને ધમકાવ્યાં, અને બોલવા દીધાં નહિ, કેમ કે તેઓ જાણતા હતા કે, 'તે ખ્રિસ્ત છે.'
”ઉપદેશ સમાપ્ત કર્યા પછી ઈસુએ સિમોનને કહ્યું કે, 'હોડીને ઊંડા પાણીમાં જવા દો, અને માછલાં પકડવા સારુ તમારી જાળો નાખો.' સિમોને ઉત્તર આપ્યો કે, 'ગુરુ, અમે આખી રાત મહેનત કરી, પણ કશું પકડાયું નહિ, તોપણ તમારા કહેવાથી હું જાળ નાખીશ.' તેઓએ જાળ નાખી તો માછલાંનો મોટો જથ્થો પકડાયો અને તેઓની જાળ તૂટવા લાગી. તેઓના ભાગીદાર બીજી હોડીમાં હતા તેઓને તેઓએ ઇશારો કર્યો કે, તેઓ આવીને તેમને મદદ કરે; અને તેઓએ આવીને બન્ને હોડીઓ માછલાંથી એવી ભરી કે તેઓની હોડીઓ ડૂબવા લાગી. તે જોઈને સિમોન પિતરે ઈસુના પગ આગળ પડીને કહ્યું કે, 'ઓ પ્રભુ, મારી પાસેથી જાઓ. કેમ કે હું પાપી માણસ છું.' કેમ કે તે તથા તેના સઘળા સાથીઓ માછલાંનો જે જથ્થો પકડાયો હતો, તેથી આશ્ચર્ય પામ્યા હતા.
”એમ થયું કે ઈસુ શહેરમાં હતા, ત્યારે જુઓ, એક રક્તપિત્તનો એક રોગી માણસ ત્યાં હતો; તે ઈસુને જોઈને તેમના પગે પડ્યો અને તેમને વિનંતી કરતાં બોલ્યો, 'પ્રભુ, જો તમે ઇચ્છો તો મને શુદ્ધ કરી શકો છો.' ઈસુએ હાથ લાંબો કર્યો, અને તેને સ્પર્શ કરીને કહ્યું કે, 'હું ચાહું છું, તું શુદ્ધ થા.' અને તરત તેનો રક્તપિત્તનો રોગ મટી ગયો. ઈસુએ તેને આજ્ઞા કરી કે, 'તારે કોઈને કહેવું નહિ, પણ મૂસાએ ફરમાવ્યા પ્રમાણે જઈને પોતાને યાજકને બતાવ, ને તારા શુદ્ધિકરણને લીધે, તેઓને માટે સાક્ષી તરીકે અર્પણ ચઢાવ.' પણ ઈસુના સંબંધીની વાતો વધારે પ્રમાણમાં ફેલાઈ, અને અતિ ઘણાં લોકો તેનું સાંભળવા સારુ તથા પોતાના રોગમાંથી સાજાં થવા સારુ તેમની પાસે ભેગા થતાં હતા.
”એક દિવસ ઈસુ બોધ કરતા હતા, ત્યારે ફરોશીઓ તથા નિયમશાસ્ત્રીઓ ગાલીલના ઘણાં ગામોમાંથી, યહૂદિયાથી તથા યરુશાલેમથી આવીને ત્યાં બેઠા હતા, અને બીમારને સાજાં કરવા સારુ ઈશ્વરનું પરાક્રમ ઈસુની પાસે હતું. જુઓ, કેટલાક માણસો લકવાગ્રસ્તથી પીડાતી એક વ્યક્તિને ખાટલા પર લાવ્યા, તેને ઈસુની પાસે લઈ જઈને તેમની આગળ મૂકવાનો તેઓએ પ્રયત્ન કર્યો; પણ ભીડને લીધે તેને અંદર લઈ જવાની જગ્યા ન હોવાથી તેઓ છાપરા પર ચઢ્યાં. ત્યાંથી છાપરામાં થઈને તે રોગીને ખાટલા સાથે ઈસુની આગળ ઉતાર્યો. ઈસુએ તેઓનો વિશ્વાસ જોઈને તેને કહ્યું કે, 'હે માણસ, તારાં પાપ તને માફ થયાં છે.' તે સાંભળીને શાસ્ત્રીઓ તથા ફરોશીઓ અંદરોઅંદર વિચાર કરીને કહેવા લાગ્યા કે, 'આ દુર્ભાષણ કરનાર કોણ છે? એકલા ઈશ્વર સિવાય બીજું કોણ પાપની માફી આપી શકે છે?' ઈસુએ તેઓના વિચાર જાણીને તેઓને જવાબ આપ્યો કે, 'તમે પોતાના મનમાં શા પ્રશ્નો કરો છો? વધારે સહેલું કયું છે, 'તારાં પાપ તને માફ થયાં છે,' એમ કહેવું કે, 'ઊઠીને ચાલ્યો જા, એમ કહેવું?' પણ પૃથ્વી પર માણસના દીકરાને પાપ માફ કરવાનો અધિકાર છે, એ તમે જાણો માટે, તેમણે લકવાગ્રસ્ત માણસને કહ્યું કે હું તને કહું છું કે 'ઊઠ તારો ખાટલો ઊંચકીને તારે ઘરે જા.' તરત તે તેઓની આગળ ઊઠીને જે પર તે સૂતો હતો તે ખાટલાને ઊંચકીને ઈશ્વરનો મહિમા કરતો પોતાને ઘરે ગયો. સઘળા આશ્ચર્ય પામ્યા, તેઓએ ઈશ્વરનો મહિમા કર્યો; અને તેઓએ ભયભીત થઈને કહ્યું કે, 'આજે આપણે અજાયબ વાતો જોઈ છે.'
”બીજા એક વિશ્રામવારે ઈસુ સભાસ્થાનમાં જઈને બોધ કરતા હતા; ત્યારે એક માણસ ત્યાં હતો કે જેનો જમણો હાથ સુકાઈ ગયેલો હતો. વિશ્રામવારના દિવસે ઈસુ કોઈને સાજો કરશે કે નહિ, તે વિષે શાસ્ત્રીઓ તથા ફરોશીઓ તેમને જોયા કરતા હતા, એ માટે કે ઈસુ પર દોષ મૂકવાની તેઓને તક મળે. પણ ઈસુએ તેઓના વિચારો જાણી લઈને જે વ્યક્તિનો હાથ સુકાઈ ગયેલો હતો તેને કહ્યું કે, 'ઊઠીને વચમાં ઊભો રહે.' તે ઊઠીને વચમાં આવીને ઊભો રહ્યો. ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, 'હું તમને પૂછું છું, કે વિશ્રામવારે સારું કરવું કે ખોટું કરવું, જીવને બચાવવો કે તે જીવનો નાશ કરવો, એ બન્નેમાંથી કયું ઉચિત છે?' ઈસુએ બધી બાજુ નજર ફેરવીને તે વ્યક્તિને કહ્યું કે, 'તારો હાથ લાંબો કર.' તેણે તેમ કર્યું, એટલે તેનો હાથ સાજો થયો.
”પછી ઈસુ શિષ્યોની સાથે પહાડ પરથી ઊતરીને મેદાનમાં ઊભા રહ્યા, તેમના શિષ્યોનો મોટો સમુદાય તથા આખા યહૂદિયામાંથી, યરુશાલેમમાંથી, તેમ જ તૂર તથા સિદોનના દરિયાકિનારાંનાં લોકોનો મોટો સમુદાય ત્યાં હતો કે, જેઓ તેમના વચનો સાંભળવા તથા પોતાના રોગથી સાજાં થવા આવ્યા હતા; જેઓ અશુદ્ધ આત્માઓથી પીડાતા હતા તેમને પણ સાજાં કરવામાં આવ્યા. સર્વ લોકો ઈસુને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરતા હતા; કેમ કે તેમનાંમાંથી પરાક્રમ નીકળીને સઘળાંને સાજાં કરતું હતું.
”ત્યાં એક સૂબેદારનો ચાકર જે તેને પ્રિય હતો તે બીમાર પડ્યો હતો અને મરવાની અણી પર હતો. ઈસુ વિશે સૂબેદારે સાંભળતાં તેણે યહૂદીઓના કેટલાક વડીલોને એવી વિનંતી કરી કે, 'તમે આવીને મારા ચાકરને બચાવો.' ત્યારે લોકોએ ઈસુની પાસે આવીને તેમને આગ્રહથી વિનંતી કરતાં કહ્યું કે, 'જેને સારુ તમે આટલું કરો તેને તે યોગ્ય છે; કારણ કે તે આપણા લોકો પર પ્રેમ રાખે છે; અને તેણે પોતાના ખર્ચે આપણે સારુ આપણું સભાસ્થાન બંધાવ્યું છે.' એટલે ઈસુ તેઓની સાથે ગયા. અને ઈસુ તેના ઘરથી થોડે દૂર હતા એટલામાં સૂબેદારે ઈસુ પાસે મિત્રો મોકલીને કહેવડાવ્યું કે, 'પ્રભુ, આપ તસ્દી ન લેશો, કેમ કે તમે મારે ઘરે આવો એવો હું યોગ્ય નથી; એ કારણથી હું મારી જાતને પણ તમારી પાસે આવવા લાયક ગણ્યો નહિ; પણ તમે કેવળ શબ્દ બોલો, એટલે મારો ચાકર સાજો થશે. કેમ કે હું પણ કોઈ માણસના હાથ નીચે કામ કરું છું; અને મારે પોતાના અધિકાર નીચે પણ સિપાઈઓ છે; હું એકને કહું છું કે, જા, અને તે જાય છે; અને બીજાને કહું છું કે, આવ, અને તે આવે છે; મારા ચાકરને કહું છું કે આ પ્રમાણે કર, તે કરે છે.' એ વાત સાંભળીને ઈસુ તેનાથી આશ્ચર્ય પામ્યા, અને ફરીને પોતાની પાછળ આવેલા લોકોને ઈસુએ કહ્યું કે, 'હું તમને કહું છું કે, આટલો બધો વિશ્વાસ મેં ઇઝરાયલમાં પણ જોયો નથી.' [સૂબેદારે] જેઓને મોકલ્યા હતા તેઓ પાછા ઘરે આવ્યા, ત્યારે તેઓએ બીમાર ચાકરને સાજો થયેલો જોયો.
”હવે તેઓ શહેરના દરવાજા પાસે આવ્યા ત્યારે જુઓ, તેઓ એક મરેલા માણસને બહાર લઈ જતા હતા; તે તેની માનો એકનો એક દીકરો હતો, અને તે વિધવા હતી; શહેરના ઘણાં લોક તેની સાથે હતા. તેને જોઈને પ્રભુને તેના પર અનુકંપા આવી, અને ઈસુએ તે સ્ત્રીને કહ્યું કે, 'રડીશ નહિ.' ઈસુએ મૃત્યુ પામેલી વ્યક્તિની પાસે જઈને તેના ઠાઠડી એટલે તે મૃતદેહ ઊંચકનારાં ઊભા રહ્યા. અને ઈસુએ કહ્યું કે, 'જુવાન, હું તને કહું છું કે, ઊઠ સજીવન થા.' જે મૃત્યુ પામેલો હતો તે ઊભો થયો, અને બોલવા લાગ્યો. ઈસુએ તેને તેની માને સોંપ્યો. આ જોઈને સર્વને ઘણું ભય લાગ્યું; અને તેઓએ ઈશ્વરનો મહિમા કરીને કહ્યું કે, 'એક મોટો પ્રબોધક આપણામાં ઊભો થયો છે, અને ઈશ્વરે પોતાના લોકો ઉપર રહેમનજર કરી છે.' તેમના સંબંધીની વાતો આખા યહૂદિયામાં તથા આસપાસના સઘળા પ્રદેશમાં ફેલાઈ ગઈ.
”તે જ વખતે ઈસુએ વિભિન્ન પ્રકારના રોગથી, પીડાથી તથા દુષ્ટાત્માઓથી રિબાતા ઘણાંઓને સાજાં કર્યા, અને ઘણાં અંધજનોને દેખતા કર્યા. ઈસુએ તેઓને ઉત્તર આપતાં કહ્યું કે, 'જે જે તમે જોયું તથા સાંભળ્યું તે જઈને યોહાનને કહી સંભળાવો; એટલે કે અંધજનો દેખતા થાય છે, પગથી અપંગ માણસો ચાલતા થાય છે, રક્તપિત્તીઓને શુદ્ધ કરાય છે, અને બધિર સાંભળતાં થાય છે, મૂએલાંને સજીવન કરવામાં આવે છે, દરિદ્રીઓને સુવાર્તા પ્રગટ કરાય છે,
”કેટલીક સ્ત્રીઓને દુષ્ટાત્માઓથી તથા રોગોથી સાજી કરવામાં આવી હતી, તેઓમાં જેનાંમાંથી સાત અશુદ્ધ આત્માઓને કાઢવામાં આવ્યા હતા તે મગ્દલાની મરિયમ,
”એક દિવસે એમ થયું કે, ઈસુ પોતાના શિષ્યોની સાથે હોડીમાં બેઠા; ત્યારે ઈસુએ શિષ્યોને કહ્યું કે, 'આપણે સરોવરને સામે પાર જઈએ;' અને તેઓ નીકળ્યા. અને તેઓ હંકારતા હતા એટલામાં ઈસુ ઊંધી ગયા; અને સરોવર પર પવનનું ભારે તોફાન આવ્યું; પાણીથી હોડી ભરાઈ જવા લાગી, ને તેઓ જોખમમાં આવી પડ્યા. એટલે શિષ્યોએ ઈસુ પાસે આવ્યા, અને તેમને જગાડીને કહ્યું કે, 'ગુરુજી ગુરુજી, અમે નાશ પામીએ છીએ!' ત્યારે તેમણે ઊભા થઈને પવનને તથા પાણીનાં મોજાંને ધમકાવ્યાં, એટલે તોફાન બંધ થયું અને શાંતિ થઈ. ઈસુએ તેઓને કહ્યું કે, 'તમારો વિશ્વાસ ક્યાં છે?' તેઓ ભયથી આશ્ચર્ય પામ્યા અને એકબીજાને કહેવા લાગ્યા કે, 'આ તે કોણ છે કે પવનને તથા પાણીને પણ આજ્ઞા કરે છે અને તે તેમનું માને છે?'
”પછી ઈસુ કિનારે ઊતર્યા, ત્યારે શહેરમાંથી એક માણસ તેમની સામે આવ્યો. તેને દુષ્ટાત્માઓ વળગેલો હતો; ઘણાં સમયથી તે પોતાનાં વસ્ત્રો પહેરતો ન હતો. અને ઘરમાં નહિ, પણ કબરોમાં રહેતો હતો. તેણે ઈસુને જોયા ત્યારે તે બૂમ પાડીને તેમની આગળ પડ્યો અને મોટે ઘાંટે કહ્યું કે, 'ઓ ઈસુ, પરાત્પર ઈશ્વરના દીકરા, મારે અને તમારે શું છે? હું તમને વિનંતી કરું છું કે મને પીડા ન દો.' કારણ કે ઈસુએ અશુદ્ધ આત્માને તે માણસમાંથી બહાર નીકળવાની આજ્ઞા કરી હતી. એ દુષ્ટાત્મા તે માણસને વારંવાર વળગ્યા કરતો હતો; અને તેઓ તેને સાંકળોથી તથા બેડીઓથી બાંધતા, પણ તે બંધનો તોડી નાખીને જંગલમાં જતો રહેતો હતો. ઈસુએ તેને પૂછ્યું કે, 'તારું નામ શું છે?' તેણે કહ્યું કે, 'સેના,' કેમ કે તેનામાં ઘણાં દુષ્ટાત્માઓ હતાં. દુષ્ટાત્માઓએ ઈસુને વિનંતી કરી કે, 'અમને નીકળીને અનંતઊંડાણમાં જવાનો હુકમ ન કરો.' હવે ત્યાં ઘણાં ભૂંડોનું ટોળું પર્વતની બાજુ પર ચરતું હતું; અને તેઓએ તેમને વિનંતી કરી કે, અમને 'તેઓમાં પેસવાની રજા આપો.' ઈસુએ તેઓને રજા આપી. દુષ્ટાત્માઓ તે માણસમાંથી નીકળીને ભૂંડોમાં ગયાં; અને ટોળું ટેકરા ઉપરથી ધસારાભેર સમુદ્રમાં પડી ગયું અને ડૂબી મર્યું. જે થયું તે જોઈને ભૂંડ ચરાવનારા ભાગ્યા, અને શહેરમાં તથા ગામડાંઓમાં જઈને તે વિષે ખબર આપી. જે થયું તે જોવા સારુ લોકો નીકળ્યા, અને ઈસુની પાસે આવ્યા; ત્યારે જે માણસમાંથી દુષ્ટાત્માઓ નીકળ્યાં હતાં તેને તેઓએ કપડાં પહેરેલો તથા હોશમાં આવેલો ઈસુના પગ આગળ બેઠેલો જોયો; અને તેઓ ભયભીત થયા. દુષ્ટાત્મા વળગેલો માણસ શી રીતે સાજો થયો, તે જેઓએ જોયું હતું તેઓએ તેમને કહી જણાવ્યું. ગેરાસીનીઓની આસપાસના દેશમાં સર્વ લોકોએ ઈસુને વિનંતી કરી કે, 'અમારી પાસેથી ચાલ્યા જાઓ.' તેઓ ખૂબ ડરી ગયા હતા. પછી હોડીમાં બેસીને તે પાછા ગયા.
”એક સ્ત્રીને બાર વર્ષથી લોહીવાનો રોગ થયો હતો, અને તેણે પોતાનાં બધાં નાણાં વૈદો પાછળ ખરચી નાખ્યાં હતાં પણ કોઈ તેનો રોગ મટાડી શક્યા ન હતા. તે ઈસુની પાછળ આવીને તેમના ઝભ્ભાની કોરને સ્પર્શી, અને તરત તેનો લોહીવા બંધ થયો. ઈસુએ કહ્યું કે, 'મને કોણે સ્પર્શ કર્યો? અને બધાએ ના પાડી, ત્યારે પિતર તથા જે તેની સાથે હતા તેઓએ કહ્યું કે, 'ગુરુ, ઘણાં લોકો તમારા ઉપર પડાપડી કરે છે, અને તમને દબાવી દે છે.' પણ ઈસુએ કહ્યું કે, 'કોઈ મને અડક્યું ખરું; કેમ કે મારામાંથી પરાક્રમ નીકળ્યું એવી મને ખબર પડી.' જયારે તે સ્ત્રીએ જાણ્યું કે હું છૂપી રહી શકી નહિ, ત્યારે તે ધ્રૂજતી ધ્રૂજતી આવી, અને તેમને પગે પડીને શા કારણથી તેણે તેમને સ્પર્શ કર્યો હતો અને શી રીતે તરત સાજી થઈ હતી, તે તેણે બધા લોકોની આગળ ઈસુને કહી સંભળાવ્યું. ઈસુએ તેને કહ્યું કે, 'દીકરી, તારા વિશ્વાસે તને સાજી કરી છે; શાંતિએ જા.'
”ઈસુ હજી બોલતા હતા એટલામાં સભાસ્થાનનાં અધિકારીને ત્યાંથી એક માણસે આવીને તેને કહ્યું કે, 'તારી દીકરી મરી ગઈ છે, પ્રભુને તસ્દી ન આપીશ.' પણ તે સાંભળીને ઈસુએ તેને ઉત્તર આપ્યો કે, 'ગભરાઈશ નહિ, માત્ર વિશ્વાસ કર, અને તારી દીકરી સાજી થશે.' ઈસુ ઘરમાં પહોંચ્યા, ત્યારે પિતર, યાકૂબ, યોહાન, અને છોકરીનાં માબાપ સિવાય ઈસુએ કોઈને પોતાની સાથે આવવા દીધાં નહિ. ત્યાં બધાં લોકો છોકરી પાછળ રડતાં તથા વિલાપ કરતાં હતાં; પણ ઈસુએ કહ્યું કે, રડશો નહિ; તે મરી ગઈ નથી, પણ ઊંઘે છે. તે મરી ગઈ છે એમ જાણીને તેઓએ ઈસુને હસી કાઢ્યાં. પણ ઈસુએ તેનો હાથ પકડીને મોટે અવાજે કહ્યું કે, 'દીકરી, ઊઠ.' અને તેનો આત્મા પાછો આવ્યો, અને તે તરત ઊભી થઈ. અને ઈસુએ તે છોકરીને ખાવાનું આપવાનો હુકમ કર્યો. તેનાં માબાપ આશ્ચર્યચકિત થયાં; પણ તેણે તેઓને તાકીદ કરી કે, 'જે થયું તે વિષે કોઈને કશું કહેશો નહિ.'
”ઈસુએ પોતાના બાર શિષ્યોને પાસે બોલાવીને તેઓને સઘળા દુષ્ટાત્માઓને તાબે કરવાની, તથા રોગો મટાડવાની શક્તિ અને અધિકાર આપ્યાં; ઈશ્વરના રાજ્યની ઘોષણા તથા માંદાઓને સાજાં કરવા ઈસુએ તેઓને મોકલ્યા.
”અને શિષ્યો [ત્યાંથી] નીકળ્યા, અને ગામેગામ શુભસંદેશનો પ્રચાર કરતા અને બીમાર લોકોને સાજાં કરતા બધે ફરવા લાગ્યા.
”લોકોને ખબર પડતાં જ તેઓનાં ટોળેટોળાં તેમની પાછળ ગયા; અને ઈસુએ તેઓને આવકાર કરીને તેઓને ઈશ્વરના રાજ્ય વિશે સંદેશ કહ્યો, અને જેઓને સાજાં થવાની ગરજ હતી તેઓને સાજાં કર્યા.
”દિવસ પૂરો થવા આવ્યો, ત્યારે બાર [શિષ્યોએ] આવીને ઈસુને કહ્યું કે, 'લોકોને વિદાય કરો કે તેઓ આસપાસનાં ગામોમાં તથા પરાંમાં જઈને ઊતરે, અને ખાવાનું મેળવે; કેમ કે આપણે અહીં ઉજ્જડ જગ્યાએ છીએ.' ઈસુએ તેઓને કહ્યું કે, 'તમે તેઓને ખાવાનું આપો.' શિષ્યોએ કહ્યું કે, 'અમારી પાસે તો જવની પાંચ રોટલી અને બે માછલી સિવાય બીજું કશું નથી. અમે જાતે જઈને આ લોકો માટે ખાવાનું ખરીદી લાવીએ તો જ તેમને આપી શકાય.' કેમ કે તેઓ આશરે પાંચ હજાર પુરુષ હતા. ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે, આશરે પચાસ પચાસની પંગતમાં તેઓને બેસાડો. શિષ્યોએ તે પ્રમાણે કર્યું, અને લોકોને બેસાડ્યા. પછી ઈસુએ પાંચ રોટલી અને બે માછલી લઈને સ્વર્ગ તરફ જોઈને તેઓને માટે ઈશ્વરની સ્તુતિ કરી અને તેના ટુકડાં કરીને લોકોને પીરસવા માટે શિષ્યોને આપી. તેઓ સર્વ જમ્યાં અને તૃપ્ત થયા; ભાણામાં વધી પડેલા ટુકડાંઓથી તેઓએ બાર ટોપલીઓ ભરી.
”ઈસુ પોતે પ્રાર્થના કરતા હતા તે સમયે તેમના ચહેરાનું સ્વરૂપ બદલાઈ ગયું, અને તેમના વસ્ત્ર ઊજળાં તથા ચળકતાં થયાં.
”અને, જુઓ, લોકો વચ્ચેથી એક માણસે બૂમો પાડીને કહ્યું કે, 'ઉપદેશક, હું તમને વિનંતી કરું છું કે, મારા દીકરા પર દ્વષ્ટિ કરો. કેમ કે તે મારો એકનો એક પુત્ર છે; એક દુષ્ટાત્મા તેને વળગે છે, અને એકાએક તે બૂમ પાડે છે; અને તે તેને એવો મરડે છે કે તેને ફીણ આવે છે, અને તેને ઘણી ઈજા કરીને માંડમાંડ તેને જતો કરે છે. તેને કાઢવાની મેં તમારા શિષ્યોને વિનંતી કરી, પણ તેઓ તેને કાઢી શક્યા નહિ.' ઈસુએ ઉત્તર આપતા કહ્યું કે, 'ઓ અવિશ્વાસી તથા ભ્રષ્ટ પેઢી, હું ક્યાં સુધી તમારી સાથે રહીશ, અને તમારું સહન કરીશ? તારા દીકરાને અહીં લાવ.' તે આવતો હતો એટલામાં દુષ્ટાત્માએ તેને પછાડી નાખ્યો, અને તેને બહુ મરડ્યો પણ ઈસુએ અશુદ્ધ આત્માને ધમકાવ્યો, છોકરાંને સાજો કર્યો, અને તેને તેના બાપને પાછો સોંપ્યો. ઈશ્વરના મહા પરાક્રમથી તેઓ બધા ચકિત થઈ ગયા. પણ ઈસુએ જે જે કર્યું તે સઘળું જોઈને બધા આશ્ચર્યમાં ડૂબેલા હતા, ત્યારે ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું,
”જે કોઈ ઘરમાં તમે જાઓ અને તેઓ તમારો આવકાર કરે, તો જે કંઈ તેઓ તમારી આગળ મૂકે તે ખાઓ; અને તેમાંના બીમારને સાજાં કરો, અને તેઓને કહો કે, 'ઈશ્વરનું રાજ્ય તમારી પાસે આવ્યું છે.'
”જુઓ, સર્પો તથા વીંછીઓ અને દુશ્મનની બધી શક્તિ પર મેં તમને અધિકાર આપ્યો છે; કશાથી પણ તમને ઈજા થશે નહિ. પણ દુષ્ટાત્માઓ તમારે તાબે થયા છે, તેને લીધે ખુશ થતાં નહિ; પણ તમારાં નામ સ્વર્ગમાં લખવામાં આવ્યા છે, તેને લીધે હરખાઓ.'
”તેઓ એક મૂંગા દુષ્ટાત્માને કાઢતાં હતા. એમ થયું કે દુષ્ટાત્મા નીકળ્યા પછી જે માણસ પહેલા બોલતો ન હતો તે બોલ્યો. તેથી લોકોને આશ્ચર્ય લાગ્યું.
”વિશ્રામવારે ઈસુ એક સભાસ્થાનમાં ઉપદેશ કરતા હતા. ત્યાં એક સ્રી એવી હતી કે જેને અઢાર વર્ષથી બીમારીનો દુષ્ટાત્મા વળગેલો હતો. તે વાંકી વળી ગઈ હતી અને સીધી ઊભી થઈ કે રહી શકતી જ નહોતી. ઈસુએ તેને જોઈને તેને બોલાવી, અને તેને કહ્યું કે, 'બહેન, તારી બીમારી મટી ગઈ છે.' ઈસુએ તેના પર હાથ મૂક્યો; અને તરત તે ટટ્ટાર થઈ અને ઈશ્વરનો મહિમા કરવા લાગી. પણ વિશ્રામવારે ઈસુએ તેને સાજી કરી, તેથી સભાસ્થાનનાં અધિકારીએ ગુસ્સે થઈને લોકોને કહ્યું કે, 'છ દિવસ છે જેમાં માણસોએ કામ કરવું જોઈએ, એ માટે તે દિવસોમાં આવીને સાજાં થાઓ, પણ વિશ્રામવારે નહિ.' પ્રભુએ તેને ઉત્તર આપતા કહ્યું કે, 'ઓ ઢોંગીઓ, શું તમારામાં એક પણ માણસ એવો છે જે વિશ્રામવારે પોતાના બળદને કે ગધેડાને ગમાણમાંથી છોડીને પાણી પીવા સારુ લઈ જતો નથી? આ સ્ત્રી જે ઇબ્રાહિમની દીકરી છે, જેને શેતાને અઢાર વર્ષથી બાંધી રાખી હતી, તેને વિશ્રામવારે છૂટી કરી એ શું ખોટું કર્યું?' ઈસુ એ તે વાતો કહી ત્યારે તેમના સામેવાળા શરમિંદા થઈ ગયા; પણ અન્ય લોકો તો ઈસુ જે અદભુત કામો કરી રહ્યા હતા તે જોઈને આનંદ પામ્યા.
”ઈસુએ તેઓને કહ્યું, તમે જઈને એ શિયાળવાને કહો કે, જુઓ, આજકાલ તો હું દુષ્ટાત્માઓને કાઢું છું અને રોગ મટાડું છું અને પણ ત્રીજે દિવસે મારું કામ પૂરું થશે.
”એક માણસ ત્યાં હાજર હતો જેને જલંદર નામનો રોગ થયો હતો. ઈસુએ નિયમશાસ્ત્રીઓને અને ફરોશીઓને ઉત્તર આપતા કહ્યું કે, વિશ્રામવારે કોઈને સાજાં કરવા તે ઉચિત છે કે નહિ? પણ તેઓ મૌન રહ્યા. ઈસુએ તે રોગીને સ્પર્શીને તેને સાજો કર્યો, અને તેને વિદાય કર્યો.
”પ્રેરિતોએ પ્રભુને કહ્યું કે, 'અમારો વિશ્વાસ વધારો.' પ્રભુએ કહ્યું કે, 'જો તમને રાઈના દાણા જેટલો વિશ્વાસ હોય તો તમે આ ગુલ્લર ઝાડને કહો કે અહીંથી ઊખડીને સમુદ્રમાં રોપાઈ જા તો તે તમારું માનશે.
”એક ગામમાં ઈસુએ પ્રવેશ કર્યો, એટલામાં રક્તપિત્તી દસ દર્દીઓ તેમને સામે મળ્યા. તેઓએ દૂર ઊભા રહીને બૂમ પાડીને કહ્યું કે, 'ઓ ઈસુ, સ્વામી, અમારા પર દયા કરો.' અને તેઓને જોઈને તેમણે તેઓને કહ્યું કે, 'જાઓ, પોતાને યાજકોને બતાવો અને એમ થયું કે તેઓને રસ્તે ચાલતાં ચાલતાં શુદ્ધ કરવામાં આવ્યા. તેઓમાંનો એક, પોતે સાજો થયો છે તે જોઈને, મોટા અવાજે ઈશ્વરનો મહિમા કરતાં પાછો વળ્યો. તેણે ઈસુને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને તેમનો આભાર માન્યો; તે સમરૂની હતો. ઈસુએ ઉત્તર આપતાં કહ્યું કે, 'શું દસે જણને શુદ્ધ કરાયા નહોતા? તો બીજા નવ ક્યાં છે? ઈશ્વરને મહિમા આપવાને પાછો આવે, એવો આ પરદેશી વિના અન્ય કોઈ નથી શું? [ઈસુએ] કહ્યું કે, 'તું ઊઠીને ચાલ્યો જા; તારા વિશ્વાસે તને બચાવ્યો છે.'
”પણ ઈસુએ કહ્યું કે, 'માણસોને જે અશક્ય છે તે ઈશ્વરને શક્ય છે.'
”એમ થયું કે ઈસુ યરીખો પાસે આવતા હતા, ત્યારે માર્ગની બાજુએ એક અંધ જન બેઠો હતો, તે ભીખ માગતો હતો. ઘણાં લોકો પાસે થઈને જતા હોય એવું સાંભળીને તેણે પૂછ્યું કે, 'આ શું હશે?' તેઓએ તેને કહ્યું કે, 'ઈસુ નાઝીરી પાસે થઈને જાય છે.' તેણે બૂમ પાડીને કહ્યું કે, 'ઓ ઈસુ, દાઉદના દીકરા, મારા પર દયા કરો.' જેઓ આગળ જતા હતા તેઓએ તેને ધમકાવ્યો, કે 'ચૂપ રહે;' પણ તેણે વધારે મોટેથી બૂમ પાડીને કહ્યું કે, 'દાઉદના દીકરા, મારા પર દયા કરો.' ઈસુએ ઊભા રહીને તેને પોતાની પાસે લાવવાની આજ્ઞા કરી અને તે પાસે આવ્યો, ત્યારે ઈસુએ તેને પૂછ્યું કે, 'હું તારે માટે શું કરું, તારી ઇચ્છા શી છે?' તેણે કહ્યું કે, 'પ્રભુ હું દ્રષ્ટિ પામું. ઈસુએ તેને કહ્યું કે, 'તું દ્રષ્ટિ પામ; તારા વિશ્વાસે તને બચાવ્યો છે,' અને તરત તે દ્રષ્ટિ પામ્યો અને ઈશ્વરને મહિમા આપતો તે તેમની પાછળ ચાલ્યો; બધા લોકોએ તે જોઈને ઈશ્વરની આભારસ્તુતિ કરી.
”તેઓમાંનાં એકે પ્રમુખ યાજકના ચાકરને તરવારનો ઝટકો માર્યો, અને તેનો જમણો કાન કાપી નાખ્યો. પણ ઈસુએ કહ્યું કે, 'હવે બસ કરો'. અને તેમણે ચાકરનાં કાનને સ્પર્શીને સાજો કર્યો.
”તે અહીં નથી, પણ ઊઠયા છે; યાદ કરો કે તે ગાલીલમાં હતા,
”જ્યારે દ્રાક્ષારસ ખૂટ્યો ત્યારે મરિયમ ઈસુને કહે છે કે, 'તેઓની પાસે દ્રાક્ષારસ નથી.' ઈસુ તેને કહે છે, 'બાઈ (સ્ત્રી), મારે અને તારે શું? મારો સમય હજી આવ્યો નથી.' તેમની મા ચાકરોને કહે છે કે, 'જે કંઈ તે તમને કહે તે કરો.' હવે યહૂદીઓની શુદ્ધિકરણની રીત પ્રમાણે દરેકમાં ચાળીસ લીટર પાણી ભરાય એવાં પથ્થરના છ કૂંડાં ત્યાં મૂકેલાં હતાં. ઈસુએ તેઓને કહ્યું, 'તે કુંડાંઓમાં પાણી ભરો.' એટલે તેઓએ કુંડાંને છલોછલ ભર્યાં. પછી ઈસુએ તેઓને કહ્યું કે, 'હવે કાઢીને જમણનાં કારભારી પાસે લઈ જાઓ.' અને તેઓ લઈ ગયા. જયારે જમણનાં કારભારીએ પાણીનો બનેલો દ્રાક્ષારસ ચાખ્યો, પણ તે ક્યાંથી આવ્યો એ તે જાણતો ન હતો (પણ જે ચાકરોએ પાણી ભર્યું હતું તેઓ જાણતા હતા), ત્યારે જમણનાં કારભારીએ વરને બોલાવીને, કહ્યું, 'દરેક માણસ પહેલાં ઉત્તમ દ્રાક્ષારસ પીરસે છે; અને માણસોએ તે સારી રીતે પીધા પછી સામાન્ય દ્રાક્ષારસ પીરસે છે. પણ તમે અત્યાર સુધી ઉત્તમ દ્રાક્ષારસ રાખી મૂક્યો છે.' ઈસુએ પોતાના અદભુત ચમત્કારિક ચિહ્નોનો આરંભ ગાલીલના કાના ગામમાં કરીને પોતાનો મહિમા પ્રગટ કર્યો; અને તેમના શિષ્યોએ ઈસુ પર વિશ્વાસ કર્યો.
”હવે પાસ્ખાપર્વના સમયે ઈસુ યરુશાલેમમાં હતા, ત્યારે જે ચમત્કારિક ચિહ્નો તેઓ કરતા હતા તે જોઈને ઘણાંએ તેમના નામ પર વિશ્વાસ કર્યો.
”તે માણસે રાત્રે ઈસુની પાસે આવીને કહ્યું કે, 'ગુરુજી, અમે જાણીએ છીએ કે તમે ઈશ્વરની પાસેથી આવેલા ઉપદેશક છો; કેમ કે જો કોઈ માણસની સાથે ઈશ્વર ન હોય તો જે ચમત્કારિક ચિહ્નો તમે કરો છો તે તે કરી શકે નહિ.'
”ઈસુ ફરીથી ગાલીલમાંનું જે કાના ગામ છે, જ્યાં તેમણે પાણીનો દ્રાક્ષારસ બનાવ્યો હતો, ત્યાં આવ્યા; ત્યાં એક અધિકારી માણસ હતો, તેનો દીકરો કપરનાહૂમમાં માંદો હતો. તેણે સાંભળ્યું હતું કે ઈસુ યહૂદિયાથી ગાલીલમાં આવ્યા છે, ત્યારે તેણે તેમની પાસે જઈને તેમને વિનંતી કરી કે, 'આવીને મારા દીકરાને સાજો કરો;' કેમ કે તે મરવાની અણી પર હતો. ત્યારે ઈસુએ તેને કહ્યું કે, 'ચમત્કારિક ચિહ્નો તથા આશ્ચર્યકર્મો જોયા વગર તમે વિશ્વાસ કરવાના નથી.' તે અધિકારીએ ઈસુને કહ્યું કે, 'પ્રભુ, મારો દીકરો મરણ પામે તે અગાઉ આવો.' ઈસુ તેને કહે છે કે, 'ચાલ્યો જા, તારો દીકરો જીવતો રહ્યો છે.' જે વાત ઈસુએ તેને કહી, તે પર વિશ્વાસ રાખીને તે માણસ રવાના થયો. તે જતો હતો એટલામાં તેના નોકરો તેને મળ્યા અને તેઓએ કહ્યું કે, 'તારો દીકરો જીવતો રહ્યો છે.' તેણે તેઓને પૂછ્યું કે, 'કયા સમયથી તે સાજો થવા લાગ્યો?' ત્યારે તેઓએ તેને કહ્યું કે, 'ગઈકાલે બપોરના એક વાગ્યા પછી તેનો તાવ જતો રહ્યો.' તેથી પિતાએ જાણ્યું કે, "જે સમયે ઈસુએ તેને કહ્યું હતું કે, 'તારો દીકરો જીવતો રહ્યો છે' તે જ સમયે એમ થયું;" અને તેણે પોતે તથા તેના કુટુંબનાં બધાએ વિશ્વાસ કર્યો.
”હવે યરુશાલેમમાં 'ઘેટાંનો દરવાજો' નામે જગ્યા પાસે એક કૂંડ છે, તે હિબ્રૂ ભાષામાં બેથઝાથા કહેવાય છે. તેને લગતી પાંચ પરસાળ છે. તેમાં રોગી, અંધજનો, અપંગ, લકવાગ્રસ્તો એવાં ઘણાં બીમાર લોકો હતા. તેઓ તે કૂંડમાં પાણી હલવાની રાહ જોતાં હતા. કેમ કે કોઈ કોઈ સમયે એક દૂત તે કૂંડમાં ઊતરીને પાણીને હલાવતો હતો; પાણી હલાવ્યાં પછી જે કોઈ પહેલો તેમાં ઊતરતો, તેને જે કંઈ રોગ હોય તેથી તે રોગી સાજો થતો. ત્યાં એક માણસ હતો, જે આડત્રીસ વર્ષથી બીમાર હતો. તેને પડી રહેલો જોઈને તથા ઘણાં સમયથી તે એવો જ છે, તે જાણીને ઈસુ તેને કહે છે કે, 'શું તું સાજો થવા ચાહે છે?' તે બીમાર માણસે ઈસુને એવો જવાબ આપ્યો કે, 'પ્રભુ, જે સમયે પાણી હાલે છે, તે સમયે મને કૂંડમાં ઉતારવાને મારી પાસે કોઈ હોતું નથી. પણ હું ઊતરવા જાઉં છું, એટલામાં બીજો મારી અગાઉ ઊતરી પડે છે.' ઈસુ તેને કહે છે કે, 'ઊઠ, તારું બિછાનું ઊંચકીને ચાલતો થા.' તરત તે માણસ સાજો થયો અને પોતાનું બિછાનું ઊંચકીને ચાલવા લાગ્યો. તે દિવસે વિશ્રામવાર હતો.
”ત્યાં લોકોનો મોટો સમુદાય તેમની પાછળ ગયો; કેમ કે તેમણે જે ચમત્કારિક ચિહ્નો બીમાર લોકો પર કર્યા હતા, તે તેઓએ જોયા હતા.
”માટે ઈસુ ઊંચી નજર કરીને પોતાની પાસે આવતા મોટા સમુદાયને જોઈને ફિલિપને પૂછે છે કે, 'તેમના ભોજનને માટે આપણે રોટલી ક્યાંથી વેચાતી લઈએ?' જોકે ઈસુએ ફિલિપને પારખવા માટે એ પૂછ્યું હતું; કેમ કે ઈસુ પોતે શું કરવાના હતા તે તે પોતે જાણતા હતા. ફિલિપે તેમને જવાબ આપ્યો, 'બસો દીનારની રોટલી તેઓને સારુ પૂરતી નથી કે, તેઓમાંના દરેકને થોડું થોડું મળે.' તેમના શિષ્યોમાંના એક, એટલે સિમોન પિતરનો ભાઈ આન્દ્રિયા, તેમને કહે છે કે, 'એક જુવાન અહીં છે, તેની પાસે જવની પાંચ રોટલી અને બે માછલી છે; પણ તે આટલાં બધાને કેવી રીતે પૂરાં પડે?' ઈસુએ કહ્યું કે, 'લોકોને બેસાડો.' તે જગ્યાએ ઘણું ઘાસ હતું. અને તેઓ બેસી ગયા, પુરુષોની સંખ્યા આશરે પાંચ હજારની હતી. ત્યારે ઈસુએ તે રોટલીઓ લીધી અને સ્તુતિ કરીને બેઠેલાઓને વહેંચી; માછલીઓમાંથી પણ જેટલું જોઈએ તેટલું વહેંચું. તેઓ તૃપ્ત થયા પછી ઈસુ પોતાના શિષ્યોને કહે છે કે, 'કંઈ નકામું ન જાય માટે વધેલા ટુકડાં એકઠો કરો.' માટે તેઓએ તે એકઠો કર્યો અને તે જવની પાંચ રોટલીમાંનો જે વધેલા ટુકડાં જમનારાંઓએ રહેવા દીધાં હતા, તેઓની બાર ટોપલી ભરી. માટે તે લોકોએ ઈસુએ કરેલો એ ચમત્કારિક ચિહ્ન જોઈને કહ્યું કે, 'જે પ્રબોધક દુનિયામાં આવનાર છે, તે ખરેખર આ જ છે.'
”જયારે તેઓ હલેસાં મારીને આશરે પાંચ કે છ કિલોમિટર ગયા, ત્યારે ઈસુને સમુદ્ર પર ચાલતા અને હોડીની પાસે આવતા જોઈને તેઓ ગભરાઈ ગયા. પણ ઈસુએ તેઓને કહ્યું કે, 'એ તો હું છું, ગભરાશો નહિ.' ત્યારે આનંદથી તેઓએ ઈસુને હોડીમાં લીધા અને તેઓ જ્યાં જતા હતા તે જગ્યાએ હોડી તરત આવી પહોંચી.
”ત્યારે તેઓએ તેમને મારવાને પથ્થર હાથમાં લીધા; પણ ઈસુ સંતાઈ જઈને ભક્તિસ્થાનમાંથી ચાલ્યા ગયા.
”ઈસુ રસ્તે જતા હતા તેવામાં તેમણે જન્મથી અંધ એવા એક માણસને જોયો. તેમના શિષ્યોએ તેમને પૂછ્યું કે, 'ગુરુજી, જે પાપને લીધે તે માણસ અંધ જનમ્યો, તે પાપ કોણે કર્યું? તેણે કે તેનાં માતાપિતાએ?' ઈસુએ ઉત્તર આપ્યો કે, 'તેણે કે તેનાં માતાપિતાએ તે પાપ કર્યું, તેથી નહિ; પણ ઈશ્વરનાં કામ તેનામાં પ્રગટ થાય માટે એમ થયું. જ્યાં સુધી દિવસ છે, ત્યાં સુધી જેમણે મને મોકલ્યો છે તેમના કામ આપણે કરવાં જોઈએ; રાત આવે છે કે, જયારે કોઈથી કામ કરી શકાતું નથી. જયારે હું દુનિયામાં છું ત્યારે હું માનવજગતનું અજવાળું છું.' આ પ્રમાણે બોલીને ઈસુ જમીન પર થૂંક્યાં અને થૂંકથી કાદવ બનાવીને, તેમણે તે કાદવ તેની આંખો પર લગાડીને તેને કહ્યું કે, "તું જઈને આંખોને શિલોઆહ એટલે 'મોકલેલા' ના હોજમાં ધો." તે ગયો અને આંખોને ધોઈને દેખતો થઈને ઘરે આવ્યો. પછી તેના પડોશીઓએ તથા જેઓએ તેને અગાઉ ભિખારી જોયો હતો તેઓએ કહ્યું કે, 'જે બેસીને ભીખ માગતો હતો, તે શું એ જ નથી?'
”સૃષ્ટિના આરંભથી એવું કદી પણ સાંભળવામાં આવ્યું નથી કે, જન્મથી અંધ માણસની આંખો કોઈએ ઉઘાડી હોય. જો તે મનુષ્ય ઈશ્વરની પાસેથી આવ્યા ન હોય, તો તે કંઈ કરી શકતા નથી.'
”ઈસુએ કહ્યું કે, 'પથ્થરને ખસેડો.' મૃત્યુ પામેલાની બહેન માર્થાએ તેમને કહ્યું કે, 'પ્રભુ, હવે તો તે દેહમાંથી દુર્ગંધ આવતી હશે; કેમ કે આજ તેના મૃત્યુને ચાર દિવસ થઈ ગયા છે.' ઈસુ તેને કહે છે કે, 'જો તું વિશ્વાસ કરશે, તો તું ઈશ્વરનો મહિમા જોશે, એવું મેં તને નથી કહ્યું શું?' ત્યારે તેઓએ પથ્થર ખેસેડ્યો, ઈસુએ આંખો ઊંચી કરીને કહ્યું કે, 'ઓ બાપ, તમે મારું સાંભળ્યું છે, માટે હું તમારો આભાર માનું છું. તમે નિત્ય મારું સાંભળો છો, એ હું જાણતો હતો; પણ જે લોક આસપાસ ઊભા રહેલા છે, તેઓ વિશ્વાસ કરે કે, તમે મને મોકલ્યો છે, માટે તેઓને લીધે મેં એ કહ્યું.' એમ બોલ્યા પછી તેમણે મોટા અવાજે હાંક મારી કે, 'લાજરસ, બહાર આવ.' ત્યારે જે મૃત્યુ પામેલો હતો તે હાથે પગે કફને બાંધેલો બહાર આવ્યો, તેના મૂખ પર રૂમાલથી વીંટાળેલો હતો. ઈસુએ તેઓને કહ્યું, તેનાં બંધન છોડી નાખો અને તેને જવા દો.
”એ માટે મુખ્ય યાજકોએ તથા ફરોશીઓએ સભા બોલાવીને કહ્યું કે, 'આપણે શું કરીએ? કેમ કે એ માણસ તો ઘણાં ચમત્કારિક ચિહ્નો કરે છે.
”ઈસુએ આટલાં બધાં ચમત્કારિક ચિહ્નો તેઓના દેખતા કર્યાં હતાં, તોપણ તેઓએ તેમના પર વિશ્વાસ કર્યો નહિ.
”હું બાપમાં છું અને બાપ મારામાં છે, એવો વિશ્વાસ મારા પર કરો, નહિ તો કામોને જ લીધે મારા પર વિશ્વાસ રાખો.' હું તમને સાચે જ કહું છું કે, 'હું જે કામો કરું છું તે જ મારા પર વિશ્વાસ કરનાર પણ કરશે અને એના કરતાં પણ મોટાં કામો કરશે, કેમ કે હું પિતાની પાસે જાઉં છું.
”જે કંઈ મારે નામે તમે માગશો, તે હું કરીશ, એ માટે કે પિતા દીકરામાં મહિમાવાન થાય. જો તમે મારે નામે મારી પાસે કંઈ માગશો તો તે પ્રમાણે હું કરીશ.
”જો તમે મારામાં રહો; અને મારાં વચનો તમારામાં રહે, તો જે કંઈ તમે ચાહો તે માગો, એટલે તે તમને મળશે.
”તે જ દિવસે, એટલે અઠવાડિયાને પહેલે દિવસે સાંજે, શિષ્યો જ્યાં એકઠા થયા હતા ત્યાંનાં બારણાં યહૂદીઓના ભયથી બંધ રાખવામાં આવ્યાં હતા, ત્યારે ઈસુએ આવીને તેઓની મધ્યે ઊભા રહીને કહ્યું કે, 'તમને શાંતિ થાઓ.' એમ કહીને તેમણે પોતાના હાથ તથા ફૂખ તેઓને બતાવ્યાં. માટે શિષ્યો પ્રભુને જોઈને હર્ષ પામ્યા.
”તેથી બીજા શિષ્યોએ તેને કહ્યું કે, 'અમે પ્રભુને જોયા છે.' તેણે તેઓને કહ્યું કે, 'તેમના હાથમાં ખીલાઓના ઘા જોયા સિવાય, મારી આંગળી ખીલાઓના ઘામાં મૂક્યા સિવાય તથા તેમની ફૂખમાં મારો હાથ નાખ્યા સિવાય, હું વિશ્વાસ કરવાનો નથી.' આઠ દિવસ પછી ફરી તેમના શિષ્યો અંદર હતા; અને થોમા પણ તેઓની સાથે હતો; ત્યારે બારણાં બંધ હોવા છતાં ઈસુએ આવીને વચમાં ઊભા રહીને કહ્યું કે, 'તમને શાંતિ હો.' પછી તેઓ થોમાને કહે છે કે, 'તારી આંગળી અહીં સુધી પહોંચાડીને મારા હાથ જો; અને તારો હાથ લાંબો કરીને મારી ફૂખમાં નાખ; અવિશ્વાસી ન રહે, પણ વિશ્વાસી થા.' થોમાએ ઉત્તર આપતાં તેમને કહ્યું કે, 'મારા પ્રભુ અને મારા ઈશ્વર!'
”ઈસુએ બીજા ઘણાં ચમત્કારિક ચિહ્નો શિષ્યોની સમક્ષ કર્યા, કે જેનું વર્ણન આ પુસ્તકમાં કરેલું નથી.
”સિમોન પિતર તેઓને કહે છે કે, 'હું માછલીઓ પકડવા જાઉં છું.' તેઓ તેને કહે છે કે, અમે પણ તારી સાથે આવીએ છીએ. ત્યારે તેઓ નીકળીને હોડીમાં બેઠા; પણ તે રાત્રે તેઓને કંઈ મળ્યું નહિ. પણ વહેલી સવારે ઈસુ કિનારે ઊભા હતા; પરંતુ તેઓ ઈસુ છે એમ શિષ્યોએ જાણ્યું નહિ. ઈસુ તેઓને કહે છે કે, 'જુવાનો, તમારી પાસે કંઈ ખાવાનું છે?' તેઓએ તેમને ઉત્તર આપ્યો કે, 'નથી.' તેમણે તેઓને કહ્યું કે, 'હોડીની જમણી તરફ જાળ નાખો, એટલે તમને કંઈક મળશે.' તેથી તેઓએ જાળ નાખી; પણ એટલી બધી માછલીઓ તેમાં ભરાઈ કે તેઓ તેને ખેંચી શક્યા નહિ. ત્યારે જે શિષ્ય પર ઈસુ પ્રેમ રાખતા હતા તે પિતરને કહે છે કે, 'આ તો પ્રભુ છે!' જ્યારે સિમોન પિતરે સાંભળ્યું કે તેઓ પ્રભુ છે ત્યારે તેણે પોતાનો ઝભ્ભો પહેર્યો (કેમ કે તે ઉઘાડો હતો) અને સમુદ્રમાં કૂદી પડ્યો. બીજા શિષ્યો હોડીમાં જ રહીને માછલીઓથી ભરાયેલી જાળ ખેંચતા આવ્યા, કેમ કે તેઓ કિનારાથી દૂર નહિ, પણ લગભગ ત્રણસો ફૂટ જેટલે અંતરે હતા. તેઓ કિનારે ઊતર્યા ત્યારે ત્યાં તેઓએ અંગારા પર મૂકેલી માછલી તથા રોટલી જોયાં. ઈસુ તેઓને કહે છે કે, 'તમે અત્યારે પકડેલી માછલીઓમાંથી થોડી લાવો.' તેથી સિમોન પિતર હોડી પર ચઢીને એક્સો ત્રેપન મોટી માછલીઓથી ભરાયેલી જાળ કિનારે ખેંચી લાવ્યો; જોકે એટલી બધી માછલીઓ હોવા છતાં પણ જાળ ફાટી નહિ.
”ત્યારે, જે શિષ્ય પર ઈસુ પ્રેમ રાખતા હતા, જમતી વેળાએ ઈસુની છાતીએ ટેકો દઈને બેઠો હતો તેણે કહ્યું કે, 'પ્રભુ જે તમને પરસ્વાધીન કરશે તે કોણ છે?' ત્યારે પિતરે પાછળ આવતા તે શિષ્યને જોયો. ત્યારે પિતર તેને જોઈને ઈસુને પૂછ્યું કે, 'પ્રભુ, એ માણસનું શું થશે?' ઈસુએ તેને કહ્યું કે, હું આવું ત્યાં સુધી તે રહે એવી મારી ઇચ્છા હોય તો તેમાં તારે શું? તું મારી પાછળ આવ. તેથી એ વાત ભાઈઓમાં ફેલાઇ ગઈ કે તે શિષ્ય મરવાનો નથી. પણ ઈસુએ તેને એમ કહ્યું ન હતું કે, તે નહિ મરશે નહિ; પણ એમ કે, હું આવું ત્યાં સુધી તે રહે એવી મારી ઇચ્છા હોય, તો તેમાં તારે શું?
”ઈસુએ બીજાં ઘણાં કરેલાં કામ છે, જો તેઓમાંનું દરેક લખવામાં આવે તો એટલા બધાં પુસ્તકો થાય કે તેનો સમાવેશ આ દુનિયામાં થાય નહિ, એવું મારું માનવું છે.
”ઈસુએ મરણ સહ્યાં પછી તેઓને ઘણી સાબિતીઓથી પોતાને સજીવન થયેલા બતાવ્યા, ચાળીસ દિવસ સુધી તે તેઓની સમક્ષ પ્રગટ થતાં અને ઈશ્વરના રાજ્ય વિશેની વાતો કહેતાં રહ્યા;
”પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો; અને યરુશાલેમમાં, સમગ્ર યહૂદિયામાં, સમરૂનમાં તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો. એ વાતો કહી રહ્યા પછી, તેઓના દેખતા તેમને ઉપર લઈ લેવાયા; અને વાદળોએ તેઓની દૃષ્ટિથી તેમને ઢાંકી દીધાં.
”ત્યારે સ્વર્ગમાંથી એકાએક ભારે આંધીના ઘુઘવાટ જેવો અવાજ આવ્યો, અને તેઓ જ્યાં બેઠા હતા તે આખું ઘર ગાજી ઊઠયું. અગ્નિના જેવી છૂટી પડતી જીભો તેઓને દેખાઈ, અને તેઓમાંના દરેક ઉપર બેઠી. તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા, અને આત્માએ જેમ તેઓને બોલવાની શક્તિ આપી તેમ તેઓ અન્ય ભાષાઓમાં બોલવા લાગ્યા. હવે આકાશની નીચેના દરેક દેશમાંથી ધાર્મિક યહૂદીઓ યરુશાલેમમાં રહેતા હતા. તે અવાજ સંભળાયો ત્યારે ઘણાં લોકો ભેગા થયા, અને ચકિત થઈ ગયા, કેમ કે તેઓમાંના દરેકે પોતપોતાની ભાષામાં તેઓને બોલતા સાંભળ્યાં.
”ઈશ્વર કહે છે કે, "છેલ્લાં દિવસોમાં એમ થશે કે, હું મારો પવિત્ર આત્મા સર્વ માણસો પર રેડી દઈશ; અને તમારા દીકરા તથા તમારી દીકરીઓ પ્રબોધ કરશે, તમારા જુવાનોને સંદર્શનો થશે, અને તમારા વૃદ્ધોને સ્વપ્નો આવશે; વળી તે સમયોમાં હું મારા સેવકો પર તથા મારી સેવિકાઓ પર મારો આત્મા રેડી દઈશ; અને તેઓ પ્રબોધ કરશે; વળી હું ઉપર આકાશમાં આશ્ચર્યકર્મો તથા નીચે પૃથ્વી પર ચમત્કારિક ચિહ્નો બતાવીશ; લોહી, અગ્નિ તથા ધુમાડાના ગોટેગોટા; પ્રભુનો તે મહાન તથા પ્રસિદ્ધ દિવસ આવ્યા અગાઉ સૂર્ય અંધકારરૂપ અને ચંદ્ર લોહીરૂપ થઈ જશે;
”ઓ ઇઝરાયલી માણસો, તમે આ વાતો સાંભળો. ઈસુ નાઝારી, જેમની મારફતે પ્રભુએ તમારામાં જે પરાક્રમી કામો, આશ્ચર્યકર્મો તથા ચમત્કારિક ચિહ્નો કરાવ્યાં, જે વિષે તમે પોતે પણ જાણો છો, તેઓ વડે તે ઈશ્વરને પસંદ પડેલા માણસ તરીકે તમારી આગળ સાબિત થયા તે છતાં,
”દરેકે આદરયુક્ત ભીતિ અનુભવી; અને પ્રેરિતોથી ઘણાં આશ્ચર્યકર્મો તથા ચમત્કારિક ચિહ્નો થયા.
”જન્મથી પગે અપંગ એક માણસને, ઊંચકીને લવાતો અને ભક્તિસ્થાનના સુંદર નામના દરવાજા આગળ નિત્ય બેસાડાતો કે જેથી ભક્તિસ્થાનમાં જનારાંની પાસે તે ભીખ માંગી શકે. તેણે પિતરને તથા યોહાનને ભક્તિસ્થાનમાં જતા જોઈને ભીખ માગી. ત્યારે પિતર તથા યોહાને તેની સામે એકીટસે જોઈને કહ્યું કે, અમારી તરફ જો. તેઓની પાસેથી કંઈક મળશે એવી આશાથી તેણે તેઓના પર ધ્યાન આપ્યું. પણ પિતરે કહ્યું કે, સોનુંરૂપું તો મારી પાસે નથી; પણ મારી પાસે જે છે તે હું તને આપું છું. નાસરેથના ઈસુ ખ્રિસ્તનાં નામે ચાલતો થા. પિતરે તેનો જમણો હાથ પકડીને તેને ઊભો કર્યો. અને તરત જ તેના પગની ઘૂંટીમાં તાકાત આવી. તે કૂદીને ઊભો થયો, અને ચાલવા લાગ્યો; ચાલતાં અને કૂદતાં તથા ઈશ્વરની સ્તુતિ કરતાં તે તેઓની સાથે ભક્તિસ્થાનમાં ગયો. સર્વ લોકોએ તેને ચાલતો તથા ઈશ્વરની સ્તુતિ કરતો જોયો; લોકોએ તેને ઓળખ્યો કે ભક્તિસ્થાનના સુંદર નામના દરવાજા આગળ જે ભીખ માંગવા બેસતો હતો તે એ જ છે; અને તેને જે થયું હતું તેથી લોકો બહુ આશ્ચર્ય પામ્યા. તે સાજો કરાયેલો માણસ પિતર તથા યોહાનને તે પકડી રહ્યો હતો એટલામાં આશ્ચર્યસભર સઘળા લોક, સુલેમાન નામની પરસાળમાં તેઓની પાસે દોડી આવ્યા.
”તે જોઈને પિતરે લોકોને ઉત્તર આપ્યો કે, ઇઝરાયલી માણસો, આ જોઈ તમે આશ્ચર્ય કેમ પામો છો? અને જાણે અમારા સામર્થ્યથી અથવા ધાર્મિકપણાથી અમે તેને ચાલતો કર્યો હોય તેમ શા માટે અમને ધારીઘારીને જોઈ રહ્યા છો?
”આ માણસ જેને તમે જુઓ છો અને ઓળખો છો, તેને ઈસુના નામ પરના વિશ્વાસથી શક્તિમાન કર્યો; હા, ઈસુ પરના વિશ્વાસે તમો સર્વની આગળ તેને આ પૂરું આરોગ્ય આપ્યું છે.
”ત્યારે પિતર તથા યોહાનની હિંમત જોઈને તથા તેઓ સાધારણ તથા અશિક્ષિત માણસો છે, એ જાણીને તેઓ આશ્ચર્ય પામ્યા; અને તેઓએ પિતર તથા યોહાનને ઓળખ્યા કે તેઓ ઈસુની સાથે હતા. પેલા સાજાં થયેલા માણસને તેઓની સાથે ઊભો રહેલો જોઈને તેઓથી કંઈ વિરુધ્ધ બોલી શકાયું નહિ. પણ તેઓને સભામાંથી બહાર જવાનો હુકમ કર્યા પછી તેઓએ અંદરોઅંદર ચર્ચા કરી કે, આ માણસોને આપણે શું કરીએ? કેમ કે તેઓના દ્વારા એક પ્રસિદ્ધ ચમત્કારિક ચિહ્ન થયું છે, જેની યરુશાલેમના સઘળા રહેવાસીઓને ખબર છે; અને આપણે તેનો ઇનકાર કરી શકતા નથી.
”હવે, હે પ્રભુ, તમે તેઓની ધમકીઓ ધ્યાનમાં લો, અને તમારા સેવકોને તમારી વાત પૂરી હિંમતથી કહેવાનું [સામર્થ્ય] આપો; તે દરમિયાન તમે લોકોને નીરોગી કરવાને તમારો હાથ લંબાવો; અને તમારા પવિત્ર સેવક ઈસુને નામે ચમત્કારિક ચિહ્નો તથા આશ્ચર્યકર્મો કરાવો. અને તેઓ પ્રાર્થના કરી રહ્યા ત્યારે જે મકાનમાં તેઓ ભેગા થયા હતા તે હાલ્યું; અને તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા, અને ઈશ્વરનું વચન હિંમતથી બોલવા લાગ્યા.
”પણ અનાન્યા નામે એક માણસે તથા તેની પત્ની સાફીરાએ પોતાની મિલકત વેચી. સાફીરાની સંમતિથી અનાન્યાએ તેના મૂલ્યમાંથી થોડું પોતાની પાસે પણ રાખ્યું; અને કેટલોક ભાગ લાવીને પ્રેરિતોના પગ આગળ મૂક્યો. પણ પિતરે કહ્યું કે, 'ઓ અનાન્યા, પવિત્ર આત્માને જૂઠું કહેવાનું, તથા જમીનનાં મૂલ્યમાંથી થોડું પોતાની પાસે રાખવાનું શેતાને તારા મનમાં કેમ ભર્યું છે? તે [જમીન] તારી પાસે હતી ત્યારે શું તારી નહોતી? અને તેને વેચ્યા પછી શું [તેનું મૂલ્ય] તારે સ્વાધીન નહોતું? તેં પોતાના મનમાં આવો વિચાર કેમ આવવા દીધો? તેં માણસોને નહિ પણ ઈશ્વરને જૂઠું કહ્યું છે.' એ વાતો સાંભળતાં જ અનાન્યાએ પડીને પોતાનો પ્રાણ છોડ્યો, અને જેઓએ એ વાત સાંભળી તે સર્વને ઘણી બીક લાગી. પછી જુવાનોએ ઊઠીને તેને [કપડાંમાં] વીંટાળ્યો, અને બહાર લઈ જઈને દફનાવ્યો. ત્રણેક કલાક પછી તેની પત્ની અંદર આવી, જે થયું હતું તેની તેને ખબર નહોતી. ત્યારે પિતરે સાફીરાને પૂછ્યું કે, મને કહે, તમે શું આટલી જ કિંમતે તે જમીન વેચી? તેણે તેને કહ્યું કે, હા, એટલી જ કિંમતે. ત્યારે પિતરે તેને કહ્યું કે, પ્રભુના આત્માનું પરીક્ષણ કરવાને તમે બન્નેએ કેમ સંપ કર્યો છે? જો, તારા પતિને દફનાવનારાંઓ હવે બારણા પાસે આવી પહોંચ્યા છે, અને તેઓ તને પણ લઈ જશે. તત્કાળ સાફીરાએ તેમના પગ પાસે પડીને પોતાનો પ્રાણ છોડ્યો; પછી તે જુવાનોએ આવીને તેને મરણ પામેલી જોઈ, અને બહાર લઈ જઈને તેને તેના પતિની કબર પાસે દફનાવી. આથી આખા વિશ્વાસી સમુદાયને તથા જે લોકોએ એ વાતો સાંભળી તે સર્વને ઘણો ડર લાગ્યો.
”પ્રેરિતોની હસ્તક લોકોમાં ઘણાં ચમત્કારિક ચિહ્નો તથા આશ્ચર્યકર્મો થયાં. તેઓ સર્વ એક ચિત્તે સુલેમાનની પરસાળમાં નિયમિત મળતા હતા; પણ બીજાઓમાંથી કોઈને તેઓની સાથે મળી જવાની હિંમત થતી ન હતી; તોપણ લોકો તેઓને માન આપતા; અને પ્રભુ પર વિશ્વાસ કરનારાં, સંખ્યાબંધ પુરુષો તથા સ્ત્રીઓ, વધારે પ્રમાણમાં ઉમેરાતાં ગયા; એટલે સુધી કે તેઓએ માંદાઓને લાવીને પથારીઓ તથા ખાટલાઓ પર સુવાડ્યાં, જેથી પિતર પાસે થઈને જાય તો તેનો પડછાયો પણ તેઓમાંના કોઈનાં ઉપર પડે. વળી યરુશાલેમની આસપાસનાં શહેરોમાંના ઘણાં લોક બીમારોને તથા અશુદ્ધ આત્માઓથી પીડાતાંઓને લઈને ત્યાં આવતા હતા, અને તેઓ બધાને સાજાં કરવામાં આવતાં હતાં.
”પણ રાત્રે પ્રભુના સ્વર્ગદૂતે જેલના બારણાં ઉઘાડ્યાં, અને તેઓને બહાર લાવીને કહ્યું કે, તમે જાઓ, અને ભક્તિસ્થાનમાં ઊભા રહીને એ જીવન વિષેની બધી વાતો લોકોને સંભળાવો. એ સાંભળીને પિતર તથા યોહાને વહેલી સવારે ભક્તિસ્થાનમાં જઈને પ્રવચન કર્યું. પણ પ્રમુખ યાજક તથા તેના સાથીઓએ આવીને સભા બોલાવી ભક્તિસ્થાનમાં ઇઝરાયલી લોકોના વડીલોને એકઠા કર્યા અને પિતર તથા યોહાનને લાવવાને માટે જેલમાં માણસ મોકલ્યા. પણ સિપાઈઓ ત્યાં ગયા ત્યારે તેઓ તેમને જેલમાં મળ્યા નહિ; તેઓએ પાછા આવીને ખબર આપી કે, અમે જેલના દરવાજાને સારી રીતે બંધ કરેલ તથા ચોકીદારોને દરવાજા આગળ ઊભા રહેલા જોયા; પણ અમે દરવાજો ઉઘાડ્યો ત્યારે અમને અંદર કોઈ માલૂમ પડ્યા નહિ. હવે જયારે ભક્તિસ્થાનના સરદારે તથા મુખ્ય યાજકોએ આ વાતો સાંભળી ત્યારે એ સંબંધી તેઓ બહુ ગૂંચવણ પામ્યા કે, આનું શું પરિણામ આવશે? એટલામાં એક વ્યક્તિએ આવી તેઓને ખબર આપી કે, જુઓ, જે માણસોને તમે જેલમાં પૂર્યા હતા, તેઓ તો ભક્તિસ્થાનમાં ઊભા રહીને લોકોને ઉપદેશ આપે છે.
”સ્તેફન કૃપાથી તથા સામર્થ્યથી ભરપૂર હતો, તેણે લોકોમાં મોટાં અદભુત આશ્ચર્યકર્મો તથા ચમત્કારિક ચિહ્નો કર્યાં.
”જેઓ સભામાં બેઠા હતા તેઓ સર્વ સ્તેફનની તરફ એક નજરે જોઈ રહ્યા, અને તેનો ચહેરો સ્વર્ગદૂતના ચહેરા જેવો દેખાયો.
”ચાળીસ વર્ષ પૂરાં થયાં ત્યારે સ્વર્ગદૂતે સિનાઈ પહાડના અરણ્યમાં ઝાડવાં મધ્યે અગ્નિની જ્વાળામાં તેને દર્શન દીધું.
”મૂસાએ તેઓને બહાર લાવતાં મિસર દેશમાં, સૂફ [લાલ] સમુદ્રમાં તથા ચાળીસ વર્ષ સુધી અરણ્યમાં આશ્ચર્યકર્મો તથા ચમત્કારિક ચિહ્નો કર્યા.
”ફિલિપે કહેલી વાતો સાંભળીને તથા કરેલા ચમત્કારિક ચિહ્નો જોઈને લોકોએ તેની વાતો પર એક ચિત્તે ધ્યાન આપ્યું. કેમ કે જેઓને અશુદ્ધ આત્માઓ વળગ્યા હતા તેઓમાંના ઘણાંમાંથી તેઓ મોટી બૂમ પાડતા બહાર નીકળ્યા, અને ઘણાં પક્ષઘાતીઓ તથા પગે અપંગો સાજાં કરવામાં આવ્યા. અને તે શહેરમાં બહુ આનંદ થયો.
”સિમોને પોતે પણ વિશ્વાસ કર્યો, અને બાપ્તિસ્મા પામીને ફિલિપ સાથે રહ્યો; અને ચમત્કારો તથા મોટા પરાક્રમી કામો બનતાં જોઈને તે આશ્ચર્ય પામ્યો.
”તેઓ પાણીમાંથી બહાર આવ્યા ત્યારે પ્રભુનો આત્મા ફિલિપને લઈ ગયા; અને ખોજાએ ફરી ફિલિપને જોયા નહિ, પરંતુ તે આનંદ કરતા કરતા પોતાના માર્ગે ચાલ્યા ગયા. પણ ફિલિપ આશ્દોદમાં દેખાયા; તે કાઈસારિયા પહોંચતાં સુધી માર્ગમાંના સર્વ શહેરમાં સુવાર્તા પ્રગટ કરતો કરતો ગયો.
”મુસાફરી કરતાં તે દમસ્કસ નજીક પહોંચ્યો; ત્યારે એવું બન્યું કે એકાએક તેની આસપાસ સ્વર્ગમાંથી અજવાળું પ્રગટ્યું. તે જમીન પર પડી ગયો, અને તેની સાથે વાત કરતી એક વાણી તેણે સાંભળી કે, શાઉલ, શાઉલ, તું મને કેમ સતાવે છે? ત્યારે તેણે કહ્યું કે પ્રભુ, તમે કોણ છો? તેમણે કહ્યું કે, હું ઈસુ છું, જેને તું સતાવે છે; પણ તું ઊઠ, ને શહેરમાં જા, અને તારે શું કરવું તે તને કહેવામાં આવશે. તેની સાથે ચાલનારાં માણસો સ્તબ્ધ થઈ ગયા, કેમ કે તેઓએ વાણી સાંભળી ખરી, પણ કોઈને જોયા નહિ. પછી શાઉલ જમીન પરથી ઊઠયો; અને તેની આંખો ખૂલી ત્યારે તે કંઈ જોઈ શકયો નહિ. એટલે તેઓ તેનો હાથ પકડીને તેને દમસ્કસમાં દોરી ગયા. ત્રણ દિવસ સુધી તે જોઈ શક્યો નહિ; અને તેણે કશું ખાધું કે પીધું નહિ.
”ત્યારે અનાન્યા ચાલ્યો ગયો, અને તે ઘરમાં પ્રવેશીને શાઉલ પર હાથ મૂકીને કહ્યું કે, ભાઈ શાઉલ, પ્રભુ, એટલે ઈસુ જે તને માર્ગમાં આવતા દેખાયા, તેમણે તું દેખતો થાય, અને પવિત્ર આત્માથી ભરપૂર થાય માટે મને મોકલ્યો છે. ત્યારે શાઉલની આંખો પરથી તત્કાળ છાલાં જેવું કશું ખરી પડ્યું, અને તે દેખતો થયો, અને ઊઠીને તે બાપ્તિસ્મા પામ્યો;
”ત્યાં તેને એનિયસ નામે એક માણસ મળ્યો. તે પક્ષઘાતી હતો, અને આઠ વર્ષથી પથારીવશ હતો. પિતરે તેને કહ્યું કે, એનિયસ, ઈસુ ખ્રિસ્ત તને સાજાં કરે છે; ઊઠ, અને તારું બિછાનું ઉઠાવી લે. એટલે તે તરત જ ઊઠ્યો. [ત્યારે] લુદા તથા શારોનના બધા લોકો તેને જોઈને પ્રભુ તરફ વળ્યા.
”તે દિવસોમાં એમ થયું કે તે બીમાર પડીને મરણ પામી. અને તેઓએ તેને સ્નાન કરાવીને મેડી પર સુવાડી. હવે લુદા જોપ્પાથી નજીક હતું અને પિતર ત્યાં છે એવું સાંભળીને શિષ્યોએ બે વ્યક્તિઓને તેની પાસે મોકલીને એવી આજીજી કરી કે, અમારી પાસે આવવાને તું વિલંબ કરીશ નહિ. ત્યારે પિતર ઊઠીને તેઓની સાથે ગયો, જયારે તે ત્યાં પહોંચ્યો ત્યારે તેઓ તેને મેડી પર લઈ ગયા; સર્વ વિધવા બહેનો તેની પાસે ઊભા રહીને રુદન કરતી દરકાસ તેઓની સાથે હતી ત્યારે જે અંગરખા તથા વસ્ત્રો તેણે બનાવ્યાં હતા તે તેઓ પિતરને બતાવવા લાગી. પણ પિતરે તે સર્વને બહાર જવાનું કહી, ઘૂંટણ ટેકવીને પ્રાર્થના કરી, પછી મૃતદેહ તરફ ફરીને તેણે કહ્યું કે, તાબીથા, ઊઠ; ત્યારે તાબીથાએ પોતાની આંખો ખોલી, અને પિતરને જોઈને તે બેઠી થઈ. પછી પિતરે તેને હાથ આપીને ઊભી કરી. અને સંતોને તથા વિધવાઓને બોલાવીને તેને જીવતી થયેલી બતાવી. અને આખા જોપ્પામાં દરકાસના ચમત્કારની વાત ફેલાઈ, અને ઘણાંએ પ્રભુ પર વિશ્વાસ કર્યો.
”એટલે કે નાસરેથના ઈસુની વાત કે જેમને પરમેશ્વરે પવિત્ર આત્માથી તથા સામર્થ્યથી અભિષિક્ત કર્યા; તે ભલું કરતા તથા શેતાનથી જેઓ પીડાતા હતા તેઓ સર્વને સાજાં કરતા ફર્યા; કેમ કે ઈશ્વર તેમની સાથે હતા.
”તેણે પિતરને પકડીને જેલમાં પૂર્યો, અને તેની ચોકી કરવા સારુ ચાર ચાર સિપાઈઓની ચાર ટુકડીઓને આધીન કર્યો, અને પાસ્ખાપર્વ પછી લોકોની સમક્ષ તેને બહાર લાવવાનો ઇરાદો રાખ્યો. તેથી તેણે પિતરને જેલમાં રાખ્યો; પણ વિશ્વાસી સમુદાયે તેને સારુ આગ્રહથી ઈશ્વરની પ્રાર્થના કરી. હેરોદ તેને બહાર લાવવાનો હતો તેની આગલી રાત્રે પિતર બે સિપાઈઓની વચ્ચે બે સાંકળોથી બંધાયેલી સ્થિતિમાં ઊંઘતો હતો; અને ચોકીદારો જેલના દરવાજા આગળ ચોકી કરતા હતા. ત્યારે જુઓ, પ્રભુનો સ્વર્ગદૂત તેની પાસે ઊભો રહ્યો, અને જેલમાં પ્રકાશ પ્રગટ્યો; તેણે પિતરને કૂખમાં હલકો હાથ મારીને જગાળ્યો, અને કહ્યું કે, જલદી ઊઠ. ત્યારે તેની સાંકળો તેના હાથ પરથી સરકી પડી. સ્વર્ગદૂતે તેને કહ્યું કે, કમર બાંધ, અને તારાં ચંપલ પહેર. તેણે તેમ કર્યું. પછી સ્વર્ગદૂતે કહ્યું કે, તારો કોટ પહેરી લે અને મારી પાછળ આવ. તે બહાર નીકળીને સ્વર્ગદૂતની પાછળ ગયો; અને સ્વર્ગદૂત જે કરે છે તે વાસ્તવિક છે એમ તે સમજતો નહોતો, પણ તે દર્શન જોઈ રહ્યો છે એમ તેને લાગ્યું. તેઓ પહેલી તથા બીજી ચોકી વટાવીને શહેરમાં જવાનાં લોખંડના દરવાજે પહોંચ્યા; અને તે દરવાજો આપોઆપ ખૂલી ગયો; તેઓએ આગળ ચાલીને એક મહોલ્લો ઓળંગ્યો; એટલે તરત સ્વર્ગદૂત તેની પાસેથી ચાલ્યો ગયો. જયારે પિતર સભાન થયો ત્યારે તેણે કહ્યું કે, હવે હું ચોક્કસ રીતે જાણું છું કે પ્રભુએ પોતાના સ્વર્ગદૂતને મોકલીને હેરોદના હાથમાંથી તથા યહૂદીઓની સર્વ ધારણાથી મને છોડાવ્યો છે.
”પણ એલિમાસ જાદુગર કેમ કે તેના નામનો અર્થ એ જ છે, તે હાકેમને વિશ્વાસ કરતાં અટકાવવાના ઇરાદા સાથે તેઓની સામો થયો. પણ શાઉલે જે પાઉલ પણ કહેવાય છે, પવિત્ર આત્માથી ભરપૂર થઈને તેની સામે એક નજરે જોઈને કહ્યું કે, 'અરે સર્વ કપટ તથા સર્વ કાવતરાંથી ભરપૂર, શેતાનના દીકરા અને સર્વ ન્યાયીપણાના શત્રુ, શું પ્રભુના સીધા માર્ગને વાંકા કરવાનું તું મૂકી દઈશ નહિ?' હવે, જો, પ્રભુનો હાથ તારી વિરુદ્ધ છે, કેટલીક મુદત સુધી તું અંધ રહેશે, અને તને સૂર્ય દેખાશે નહિ. ત્યારે એકાએક ઘૂમર તથા અંધકાર તેના પર આવી પડ્યાં, અને હાથ પકડીને પોતાને દોરે એવાની તેણે શોધ કરવા માંડી. અને જે થયું તે હાકેમે જોયું ત્યારે તેણે પ્રભુ વિષેના બોધથી વિસ્મય પામીને વિશ્વાસ કર્યો.
”તેથી તેઓ લાંબા સમય સુધી ત્યાં રહીને પ્રભુની સહાયથી હિંમતથી બોલતા રહ્યા અને પ્રભુએ તેઓની મધ્યે ચમત્કારિક ચિહ્નો તથા આશ્ચર્યકર્મો થવા દઈને પોતાની કૃપાના વચનના સમર્થનમાં સાક્ષી આપી.
”લુસ્રામાં એક અપંગ માણસ બેઠેલો હતો, તે જન્મથી જ અપંગ હતો અને કદી ચાલ્યો ન હતો. તેણે પાઉલને બોલતાં સાંભળ્યો. પાઉલે તેની તરફ એક નજરે જોઈ રહીને તથા તેને સાજો થવાનો વિશ્વાસ છે, એ જાણીને મોટે સ્વરે કહ્યું કે, 'તું પોતાને પગે સીધો ઊભો રહે.' ત્યારે તે કૂદીને ઊભો થયો અને ચાલવા લાગ્યો.
”ત્યારે સઘળાં લોકો ચૂપ રહ્યા; અને બાર્નાબાસ તથા પાઉલની મારફતે ઈશ્વરે જે ચમત્કારિક ચિહ્નો તથા આશ્ચર્યકર્મો બિનયહૂદીઓમાં કરાવ્યાં હતાં તેઓની હકીકત તેઓએ તેમના મુખથી સાંભળી.
”ત્યાં મધરાતને સુમારે પાઉલ તથા સિલાસ પ્રાર્થના કરતા તથા ઈશ્વરનાં સ્ત્રોત્ર ગાતા હતા, બીજા કેદીઓ તે સાંભળતાં હતા; ત્યારે એકાએક એવો મોટો ધરતીકંપ થયો કે, જેલના પાયા હાલ્યા; અને બધા દરવાજા તરત ઊઘડી ગયા; અને સર્વના બંધનો છૂટી ગયા. જેલર ઊંઘમાંથી જાગી ઊઠ્યો, અને જેલના દરવાજા ખુલ્લાં જોઈને કેદીઓ નાસી ગયા હશે, એમ વિચારીને તે તરવાર ઉગામીને આત્મહત્યા કરવા જતો હતો.
”ઈશ્વરે પાઉલના હાથથી એવા પરાક્રમી કામો કર્યા કે, તેના શરીર પર વપરાયેલા રૂમાલો તથા વસ્ત્રો તેઓ માંદાઓની પાસે લાવીને સ્પર્શ કરાવતાં, એટલે તેઓના રોગ દૂર થતાં, અને તેઓમાંથી દુષ્ટાત્માઓ નીકળી જતા હતા.
”બારીમાં બેઠેલો યુતુખસ નામે એક જુવાન ભરઊંઘમાં ઘેરાઈ ગયો હતો, પાઉલ વધારે વાર સુધી ઉપદેશ કરતો હતો માટે ઊંઘમાં ગરકાવ થયેલો હોવાથી તે યુતુખસ ત્રીજા માળેથી નીચે પડ્યો, અને મરણ પામ્યો. ત્યારે પાઉલે નીચે ઊતરીને તેને બાથમાં લઈને કહ્યું કે, 'ગભરાઓ નહિ, કેમ કે તે જીવતો છે.' અને તેણે ઉપર આવીને રોટલી ભાંગીને ખાધી અને પ્રભુ ભોજન લીધું અને તેઓની સાથે ઘણાં સમય સુધી, એટલે છેક સવાર થતાં સુધી, સંદેશો આપ્યો, ત્યાર પછી પાઉલ વિદાય થયો. તેઓ તે જુવાનને જીવતો લાવ્યા, તેથી ઘણો આનંદ પામ્યા.
”પાઉલે થોડાંક લાકડાં એકઠાં કરીને અગ્નિમાં નાખ્યાં, ત્યારે ગરમીને લીધે એક સર્પ તેમાંથી નીકળીને તેને હાથે વીંટળાઈ ગયો. ત્યાંના વતનીઓએ તે સાપને તેના હાથ પર લટકતો જોઈને એકબીજાને કહ્યું કે, નિશ્ચે આ માણસ ખૂની છે, જોકે સમુદ્રમાંથી એ બચી ગયો છે ખરો, તોપણ ન્યાય એને જીવવા દેતો નથી. પણ તેણે તે સાપને અગ્નિમાં ઝાટકી નાખ્યો, અને તેને કંઈ ઈજા થઈ નહિ. પણ તેઓ ધારતા હતા કે, તેનો હાથ હમણાં સૂજી જશે, અથવા તે એકાએક પડીને મરી જશે, પણ ઘણીવાર રાહ જોયા પછી તેઓએ જોયું કે તેને કશું નુકસાન થયું નથી, ત્યારે તેઓએ વિચાર ફેરવીને કહ્યું કે, તે કોઈ દેવ છે.
”હવે તે ટાપુના પબ્લિયુસ નામના મુખ્ય માણસની જમીન તે જગ્યાની નજદીક હતી, તેણે અમારો ઉમળકાભેર આવકાર કરીને ત્રણ દિવસ સુધી મિત્રભાવથી અમારી પરોણાગત કરી. તે વેળાએ પબ્લિયુસના પિતાને તાવ આવ્યો હતો. અને મરડો થયો હતો, પાઉલ તેની પાસે અંદર ગયો, પછી પાઉલે પ્રાર્થના કરી, તેના પર પોતાના હાથ મૂકીને તેને સાજો કર્યો. આ બનાવ પછી ટાપુમાંનાં અન્ય રોગીઓ પણ આવ્યા અને તેઓને સજા કરાયા.
”આમ, સંદેશો સાંભળવાથી વિશ્વાસ થાય છે તથા ખ્રિસ્તનાં વચન દ્વારા સંદેશો સાંભળવામાં આવે છે,
”એટલે યરુશાલેમથી રવાના થઈને ફરતાં ફરતાં છેક ઇલુરીકમ સુધી મેં ખ્રિસ્તની સુવાર્તા સંપૂર્ણ રીતે પ્રગટ કરી છે એ વિષે જ હું બોલીશ;
”યહૂદીઓ ચમત્કારિક ચિહ્નો માગે છે અને ગ્રીક લોકો જ્ઞાન શોધે છે; પણ અમે તો વધસ્તંભે જડાયેલા ખ્રિસ્તને પ્રગટ કરીએ છીએ, તે તો યહૂદીઓને અવરોધરૂપ અને ગ્રીક લોકોને મૂર્ખતારૂપ લાગે છે; પરંતુ જેઓને તેડવામાં આવ્યા, પછી તે યહૂદી હોય કે ગ્રીક હોય, તેઓને તો ખ્રિસ્ત એ જ ઈશ્વરનું સામર્થ્ય તથા ઈશ્વરનું જ્ઞાન છે.
”ભાઈઓ, હું જયારે તમારી પાસે આવ્યો, ત્યારે તમને ઈશ્વર વિષેની સાક્ષી પ્રગટ કરવા હું ઉત્તમ વક્તૃત્વ કે જ્ઞાન બતાવીને આવ્યો નહોતો. કેમ કે ઈસુ ખ્રિસ્ત, જે વધસ્તંભે જડાયેલા, તે સિવાય હું તમારી સાથે રહીને બીજું કંઈ જ ન જાણું, એવો મેં નિશ્ચય કર્યો હતો. હું નિર્બળતામાં, ભયમાં તથા ઘણી ધ્રુજારીમાં તમારી સાથે રહ્યો હતો. મારી વાતનો તથા મારા પ્રચારનો આધાર માનવી જ્ઞાનની મનોહર ભાષા ઉપર નિર્ભર નહોતો, પણ [પવિત્ર] આત્માના તથા સામર્થ્યના પ્રમાણ પર હતો કે, તમારા વિશ્વાસનો આધાર માણસોના જ્ઞાન પર નહિ, પણ ઈશ્વરના સામર્થ્ય પર હોય.
”પણ આત્માનું સ્પષ્ટીકરણ પ્રત્યેકનો સામાન્ય ઉપયોગને માટે અપાયેલું છે. કેમ કે એકને આત્માથી જ્ઞાનની વાત અપાઈ છે; તો કોઈને એ જ આત્માથી વિદ્યાની વાત અપાઈ છે; કોઈને એ જ આત્માથી વિશ્વાસ; અને કોઈને એ જ આત્માથી સાજાં કરવાના કૃપાદાન; કોઈને પરાક્રમી કામો કરવાનું; અને કોઈને પ્રબોધ કરવાનું; કોઈને આત્માઓને પારખી જાણવાનું, કોઈને અલગ અલગ ભાષાઓ બોલવાનું અને કોઈને ભાષાંતર કરવાનું કૃપાદાન અપાયેલું છે. પણ પોતાની ઇચ્છા પ્રમાણે પ્રત્યેકને કૃપાદાન વહેંચી આપનાર અને સર્વ શક્ય કરનાર એ ને એ જ આત્મા છે.
”ઈશ્વરે મંડળીમાં કેટલાકને નીમ્યા છે, તે આ પ્રમાણે છે; પ્રથમ પ્રેરિતો, બીજા પ્રબોધકો, ત્રીજા ઉપદેશકો, પછી પરાક્રમી કામો કરનારા, પછી સાજાપણાંના કૃપાદાનો, સહાયકો, વહીવટકર્તાઓ અને વિવિધ ભાષા બોલનારાઓ. શું બધા પ્રેરિતો છે? શું બધા પ્રબોધકો છે? શું બધા ઉપદેશકો છે? શું આપણે બધા પરાક્રમી કામો કરીએ છીએ? શું બધાને સાજાં કરવાના કૃપાદાન છે? શું બધા વિવિધ ભાષાઓ બોલે છે? શું બધા ભાષાંતર કરે છે? જે કૃપાદાનો વધારે ઉત્તમ છે તેઓને પ્રાપ્ત કરવાની ઉત્કંઠા રાખો; તોપણ હું તમને એ કરતાં ઉત્તમ માર્ગ બતાવું છું.
”જોકે હું માણસોની તથા સ્વર્ગદૂતોની પણ ભાષાઓ બોલી શકું, પણ મારામાં પ્રેમ ન હોય, તો રણકાર કરનાર પિત્તળ કે ઝમકાર કરનાર ઝાંઝના જેવો હું છું. જો મને પ્રબોધ કરવાનું દાન હોય, અને હું સર્વ મર્મ તથા સર્વ વિદ્યા જાણતો હોઉં, અને હું પર્વતોને ખસેડી શકું એવો પૂરો વિશ્વાસ મારામાં હોય, પણ મારામાં પ્રેમ હોય નહિ, તો હું કશું જ નથી.
”પ્રેમને અનુસરો; અને આત્મિક દાનો મેળવવાની અભિલાષા રાખો, વિશેષ કરીને તમે પ્રબોધ કરી શકો એની અભિલાષા રાખો. કેમ કે જે કોઈ અન્ય ભાષા બોલે છે, તે માણસની સાથે નહિ, પણ ઈશ્વરની સાથે બોલે છે, બીજું કોઈ તેનું બોલવું સમજતું નથી, પણ તે આત્મામાં મર્મો બોલે છે. જે પ્રબોધ કરે છે, તે ઉન્નતિ, સુબોધ તથા દિલાસાને માટે માણસો સાથે બોલે છે. જે અન્ય ભાષા બોલે છે તે પોતાની ઉન્નતિ કરે છે; પણ જે પ્રબોધ કરે છે તે વિશ્વાસી સમુદાયની ઉન્નતિ કરે છે. મારી ઇચ્છા છે કે, તમે બધા અન્ય ભાષાઓ બોલો, પણ વિશેષ કરીને તમે પ્રબોધ સમજાવો એવી મારી ઇચ્છા છે. કેમ કે અન્ય ભાષાઓ બોલનાર, જો વિશ્વાસી સમુદાયની ઉન્નતિને માટે ભાષાંતર કરે નહિ, તો તે કરતાં પ્રબોધ કરનારનું મહત્ત્વ વધારે છે. ભાઈઓ, તમારી વચ્ચે આવીને હું અન્ય ભાષાઓ બોલું પણ જો પ્રકટીકરણ, જ્ઞાન, પ્રબોધ કે શિખામણથી ન બોલું તો તેનાથી તમને કશો લાભ નથી.
”એ માટે ભાષાઓ વિશ્વાસીઓને નહિ, પણ અવિશ્વાસીઓને માટે નિશાનીરૂપ છે. અને પ્રબોધ અવિશ્વાસીઓને નહિ પણ વિશ્વાસીઓને માટે ચિહ્નરૂપ છે. માટે જો આખો વિશ્વાસી સમુદાય એકઠો મળે, અને બધા જ અન્ય ભાષાઓમાં બોલે અને જો કેટલાક ઓછી સમજવાળા તથા અવિશ્વાસીઓ ત્યાં આવે તો શું તેઓ કહેશે નહિ, કે તમે પાગલ છો? પણ જો સર્વ પ્રબોધ કરે અને કોઈ અવિશ્વાસી કે અણસમજુ અંદર આવે તો બધાથી તેને શિખામણ મળે છે; બધાથી તે પરખાય છે; અને તેના હૃદયની ગુપ્ત બાબતો પ્રગટ કરાય છે; વળી ખરેખર ઈશ્વર તમારામાં છે એવું કબૂલ કરીને, તે ઘૂંટણે પડીને ઈશ્વરનું ભજન કરશે.
”એ માટે, મારા ભાઈઓ, પ્રબોધ કરવાની ઉત્કંઠા રાખો, અન્ય ભાષાઓમાં બોલવાની મનાઈ ન કરો.
”પ્રેરિતપણાની નિશાનીઓ એટલે ચિહ્નો, ચમત્કારો તથા પરાક્રમી કામો ઘણી ધીરજથી તમારામાં થયાં હતાં.
”હવે આપણે માગીએ કે કલ્પીએ તે કરતાં, જે આપણામાં કાર્ય કરનાર સામર્થ્ય પ્રમાણે, આપણે સારુ પુષ્કળ કરી શકે છે,
”ઈશ્વર પણ ચમત્કારિક ચિહ્નોથી, આશ્ચર્યકર્મોથી, વિવિધ પરાક્રમી કામોથી તથા પવિત્ર આત્માએ પોતાની ઇચ્છા પ્રમાણે આપેલાં દાનથી તેઓની સાથે સાક્ષી આપતા રહ્યાં છે.
”હવે વિશ્વાસ તો જે વસ્તુઓની આશા આપણે રાખીએ છીએ તેની ખાતરી છે અને અદ્રશ્ય વસ્તુઓની સાબિતી છે.
”પણ વિશ્વાસ વગર [ઈશ્વરને] પ્રસન્ન કરવા એ શક્ય નથી, કેમ કે ઈશ્વરની પાસે જે આવે છે, તેણે એવો વિશ્વાસ કરવો જોઈએ કે તેઓ છે અને જેઓ ખંતથી તેમને શોધે છે તેઓને તે ફળ પણ આપનાર છે.
”પરંતુ કંઈ પણ શંકા રાખ્યા વગર વિશ્વાસથી માગવું; કેમ કે જે કોઈ સંદેહ રાખીને માગે છે, તે પવનથી ઊછળતા તથા અફળાતા સમુદ્રના મોજાના જેવો છે.
”તમારામાં શું કોઈ બીમાર છે? તો તેણે વિશ્વાસી સમુદાયના વડીલોને બોલાવવા અને તેઓએ પ્રભુના નામથી તેને તેલ લગાવીને તેને માટે પ્રાર્થના કરવી. વિશ્વાસ સહિત કરેલી પ્રાર્થના બીમારને બચાવશે, પ્રભુ તેને ઉઠાડશે; અને જો તેણે પાપ કર્યાં હશે, તો માફ કરવામાં આવશે. તમે નીરોગી થાઓ માટે પોતાના પાપ એકબીજાની પાસે કબૂલ કરો, એકબીજાને માટે પ્રાર્થના કરો; ન્યાયી માણસની પ્રાર્થના પરિણામે બહુ સાર્થક થાય છે.
”એલિયા સ્વભાવે આપણા જેવો માણસ હતો. પણ તેણે પ્રાર્થનામાં વિનંતી કરી કે 'વરસાદ વરસે નહિ;' તેથી સાડાત્રણ વરસ સુધી ભૂમિ પર વરસાદ વરસ્યો નહિ. તેણે ફરી પ્રાર્થના કરી અને સ્વર્ગમાંથી વરસાદ વરસ્યો; અને ધરતીએ પાક ઉપજાવ્યો.
”જે વાણીએ મારી સાથે વાત કરી, તેને જોવા હું ફર્યો; ત્યારે મેં સોનાની સાત દીવીને જોઈ. તે દીવીઓની વચમાં મનુષ્યપુત્ર જેવા એકને મેં જોયા, તેમણે પગની પાની સુધી પહોંચે એવો ઝભ્ભો પહેરેલો હતો અને તેમની છાતી પર સોનાનો પટ્ટો બાંધેલો હતો; તેમનું માથું તથા વાળ સફેદ ઊનના જેવા, બરફની માફક શ્વેત હતાં; અને તેમની આંખો અગ્નિની જ્વાળા જેવી હતી; તેમના પગ જાણે ભઠ્ઠીમાં શુદ્ધ થયેલા ચળકતા પિત્તળના જેવા હતા; અને તેમનો અવાજ ઘણાં પાણીનાં મોજાંના જેવો ગર્જતો હતો; તેમના જમણાં હાથમાં સાત તારા હતા; તેમના મુખમાંથી બેધારી તીક્ષ્ણ તરવાર નીકળતી હતી; અને તેમનો ચહેરો પૂર્ણ તેજથી પ્રકાશતા સૂર્ય સમાન હતો;
”પછી મેં નવું આકાશ તથા નવી પૃથ્વી જોયાં, કેમ કે પ્રથમનું આકાશ તથા પ્રથમની પૃથ્વી જતા રહ્યાં હતા; અને સમુદ્ર પણ રહ્યો ન હતો. મેં પવિત્ર નગર, નવું યરુશાલેમ, ઈશ્વરની પાસેથી સ્વર્ગમાંથી ઊતરતું જોયું, અને જેમ કન્યા પોતાના વરને સારુ શણગારેલી હોય તેમ તે તૈયાર કરેલું હતું.
”