01 – પવિત્ર બાઇબલ

આ સર્વશક્તિમાન ઈશ્વરના પવિત્ર શબ્દો છે.
આપણને મનુષ્યના શબ્દોમાં રસ નથી.
જે કોઈ પણ ઈશ્વરને પ્રેમ કરે છે તેના માટે... ઈશ્વર આના વિશે કહે છે: પવિત્ર બાઇબલ.

ટોચની 3 સૌથી નોંધપાત્ર છંદો

દરેક શાસ્ત્રવચન ઈશ્વર પ્રેરિત છે, તે ઉપદેશ, નિષેધ, સુધારા અને ન્યાયીપણાના શિક્ષણને સારુ ઉપયોગી છે;

કેમ કે હું તમને નિશ્ચે કહું છું કે, આકાશ તથા પૃથ્વી જતા રહે ત્યાં સુધી સઘળાં પૂરાં થયા વગર નિયમશાસ્ત્રમાંથી એક કાનો અથવા માત્રા જતી રહેશે નહિ.

જે મારો ઇનકાર કરે છે અને મારી વાતો સ્વીકારતો નથી, તેનો ન્યાય કરનાર એક છે; જે વાત મેં કહી છે, તે જ અંતિમ દિવસે તેનો ન્યાય કરશે.

દરેક શ્લોક કેનોનિકલ ઓર્ડરમાં - 343 ફકરાઓ

ઈશ્વરે અજવાળું જોયું કે તે સારું છે. તેમણે અજવાળું તથા અંધારું અલગ કર્યાં.

હવે યહોવા ઈશ્વરે ઉત્પન્ન કરેલાં સર્વ પ્રાણીઓમાં સાપ સૌથી વધારે ધૂર્ત હતો. તેણે સ્ત્રીને કહ્યું કે, "શું ઈશ્વરે ખરેખર તમને એવું કહ્યું છે કે, 'વાડીના કોઈપણ વૃક્ષનું ફળ તમારે ન ખાવું?'"

ઈશ્વરે જોયું કે, પૃથ્વી પર માનવજાતના દુરાચાર ઘણાં વધી ગયા છે અને તેઓના હૃદયના વિચારોની દરેક કલ્પના દુષ્ટ જ છે.

યહોવા તો યોદ્ધા છે, તેમનું નામ યહોવા છે.

ત્યારબાદ મૂસાએ આવીને લોકોને યહોવાહના બધા વચનો અને બધી આજ્ઞાઓ કહી સંભળાવી. પછી બધા લોકો એકી અવાજે બોલી ઊઠયા, "યહોવા એ જે બધી વાતો કહી છે તે બધાનું પાલન અમે કરીશું. પછી મૂસાએ યહોવાહનાં બધા આદેશો લખી નાખ્યા અને સવારમાં વહેલા ઊઠીને તેણે પર્વતની તળેટીમાં એક વેદી બાંધી અને ઇઝરાયલના બાર કુળસમૂહ પ્રમાણે બાર સ્તંભ બાંધ્યા."

ઈશ્વર મનુષ્ય નથી કે તે જૂઠું બોલે, અથવા માણસ નથી કે તે પોતાનું મન બદલે. તે પોતાનું વચન પૂરું નહિ કરે? પોતાનું બોલવું પૂરું નહિ કરે?

હું તમને જે આજ્ઞા આપું છું તેમાં તમારે કંઈ વધારો કે ઘટાડો કરવો નહિ. એ માટે કે ઈશ્વર તમારા યહોવાહની જે આજ્ઞાઓ હું તમને ફરમાવું તે તમે પાળો.

જુઓ, જેમ ઈશ્વર મારા યહોવાહે મને આજ્ઞા આપી તે પ્રમાણે મેં તમને કાનૂનો અને નિયમો શીખવ્યા છે, કે જેથી જે દેશનું વતન પ્રાપ્ત કરવા માટે તમે તેમાં પ્રવેશ કરો છો તેમાં તમે એ પ્રમાણે કરો. માટે તે પાળીને તેને અમલમાં લાવો; તેથી લોકોની દ્રષ્ટિમાં તમે જ્ઞાની તથા સમજદાર ગણાશો, જેઓ સર્વ આ કાનૂનો વિષે સાંભળશે તેઓ કહેશે કે, "ખરેખર, આ મહાન દેશજાતિ જ્ઞાની અને સમજદાર છે."

તમે હોરેબમાં તમારા ઈશ્વર યહોવાહ સમક્ષ ઊભા રહ્યા હતા તે દિવસે યહોવાહે મને કહ્યું કે, "લોકોને મારી સમક્ષ ભેગા કર. હું તેઓને મારાં વચનો કહી સંભળાવીશ અને જે સર્વ દિવસો સુધી તેઓ પૃથ્વી પર જીવે ત્યાં સુધી મારો ડર રાખતા શીખે અને પોતાનાં સંતાનોને પણ તે શીખવે."

કેમ કે ઈશ્વર તમારા યહોવાહ ભસ્મકારક અગ્નિરૂપ તથા ઈર્ષાળુ ઈશ્વર છે.

માટે ઈશ્વર તમારા યહોવાહે તમને જે આજ્ઞાઓ આપી છે તેનું કાળજી રાખીને તેનું પાલન કરવું અને તમારે તેમાંથી ડાબે કે જમણે હાથે વળવું નહિ.

અને યહોવાહ તારા ઈશ્વર પર તું તારા પૂર્ણ મનથી તથા પૂર્ણ જીવથી તથા પૂર્ણ બળથી પ્રેમ રાખ. આ વચનો જે હું તમને ફરમાવું છું તેને તારા અંત:કરણમાં રાખ. અને ખંતથી તું તારા સંતાનોને તે શીખવ અને જયારે તું ઘરમાં બેઠો હોય કે રસ્તે ચાલતો હોય, જયારે તું સૂઈ જાય કે ઊઠે તેના વિષે વાત કર. તું તેમને નિશાની તરીકે તારે હાથે બાંધ અને તારી આંખોમાં તેમને કપાળભૂષણ તરીકે રાખ. અને તું તેમને તારા ઘરની બારસાખ ઉપર તથા દરવાજા ઉપર તે લખ.

અને યહોવાહે તમને નમ્ર બનાવવા માટે તમને ભૂખ્યા રહેવા દીધા. અને તમે નહોતા જાણતા કે તમારા પિતૃઓ પણ નહોતા જાણતા એવા માન્નાથી તમને પોષ્યા; એ માટે કે યહોવાહ તમને જણાવે કે માણસ ફક્ત રોટલીથી જ જીવિત રહેતો નથી, પણ યહોવાહના મુખમાંથી નીકળતા દરેક વચનોથી માણસ જીવે છે.

તેથી તમારે યહોવાહ તમારા ઈશ્વરના માર્ગોમાં ચાલવું, તેમનો ડર રાખવો અને તેમની આજ્ઞાઓ પાળવી.

વળી યહોવાહે મને કહ્યું, "મેં આ લોકોને જોયા છે; કે તેઓ કેવા હઠીલા લોકો છે.

હવે હે ઇઝરાયલ, તું યહોવાહ તારા ઈશ્વરનો ડર રાખે, તેમના માર્ગોમાં ચાલે અને તેમના પર પ્રેમ રાખે અને તારા પૂરા અંત:કરણથી તથા પૂરા જીવથી યહોવાહ તારા ઈશ્વરની સેવા કરે. અને આજે હું તમને યહોવાહની જે આજ્ઞાઓ અને નિયમો તારા હિતાર્થે ફરમાવું છું તેનું પાલન કરે.

એ માટે યહોવાહ તારા ઈશ્વર પર પ્રેમ રાખો અને તેમના ફરમાન, કાયદા, નિયમો અને આજ્ઞાઓ સર્વદા પાળો.

માટે મારાં આ વચનો તમે તમારા હૃદયમાં તથા મનમાં મૂકી રાખો, ચિહ્ન તરીકે તમારા હાથમાં બાંધો તથા તેઓને તમારી આંખોની વચ્ચે કપાળભૂષળ તરીકે રાખો. જયારે તમે ઘરમાં બેઠા હોય ત્યારે, બહાર ચાલતા હોય ત્યારે, તું સૂતા હોય ત્યારે અને ઊઠતી વેળાએ તે વિષે વાત કરો અને તમારા સંતાનોને તે શીખવો. તમારા ઘરની બારસાખ પર તથા તમારા નગરના દરવાજા પર તમે તેઓને લખો.

જો, આજે હું તમારી આગળ આશીર્વાદ તથા શાપ બન્ને મૂકું છું. જો તમે યહોવાહ તમારા ઈશ્વરની આજ્ઞાઓ જે હું આજે તમને ફરમાવું છું તે સાંભળશો તો તમે આશીર્વાદ પામશો; જો તમે યહોવાહ તમારા ઈશ્વરની આજ્ઞાઓ નહિ સાંભળો, જે માર્ગ હું તમને આજે ફરમાવું છું તે છોડીને બીજા દેવો કે જેઓ વિષે તમે જાણતા નથી તેની પાછળ જશો તો તમે શાપ પામશો.

મેં તમને જે આજ્ઞાઓ આપી છે તે તમારે કાળજી રાખીને પાળવી. તમારે તેમાં કંઈ વધારો કે ઘટાડો કરવો નહિ.

તમારી મધ્યે કોઈ પ્રબોધક કે સ્વપ્નદ્રષ્ટા ઊભો થાય અને જો તે તમને ચિહ્ન કે ચમત્કાર બતાવે, જો કદાચ તેણે તમને કહેલા ચિહ્ન કે ચમત્કાર થાય અને જો તમને તે કહે ''ચાલો આપણે અન્ય દેવદેવીઓની પાછળ ચાલીએ જેને તમે જાણતા નથી અને ચાલો આપણે તેમની સેવા કરીએ," તોપણ તે પ્રબોધકના શબ્દોને કે સ્વપ્નદ્રષ્ટાને સાંભળશો નહિ, કેમ કે યહોવાહ તમારા ઈશ્વર તમારી કસોટી કરે છે કે, તમે તમારા પૂરા અંત:કરણથી તથા પૂરા જીવથી યહોવાહ તમારા ઈશ્વર પર પ્રેમ કરો છો કે નહિ તે જણાય. તમે તમારા ઈશ્વર યહોવાહ પાછળ ચાલો અને તેમનો ડર રાખો અને તેમની આજ્ઞાઓ પાળો, તેમનું કહ્યું કરો તથા તમે તેમની સેવા કરો. અને તેમને વળગી રહો.

અને તે તેની પાસે રહે અને તેના જીવનપર્યત તેમાંથી વાંચે કે, તે યહોવાહનો ડર રાખતાં શીખીને આ નિયમનાં સર્વ વચનો તથા વિધિઓનું પાલન કરે.

આજે યહોવાહ તમારા ઈશ્વર તમને આ નિયમો અને હુકમો પાળવાની આજ્ઞા કરે છે; માટે તમે તમારા પૂરા હૃદયથી તથા પૂરા જીવથી તેને પાળો તથા અમલમાં મૂકો.

'જે કોઈ માણસ આ નિયમના શબ્દોનું પાલન ન કરે તો તે માણસ શાપિત થાઓ.' અને બધા લોકો કહે, 'આમીન.'

જો યહોવાહ તમારા ઈશ્વરનો અવાજ કાળજીથી સાંભળીને જે આજ્ઞાઓ હું આજે તને ફરમાવું છું તે સર્વ પાળીને તેને અમલમાં મૂકો, તો યહોવાહ તમારા ઈશ્વર તમને પૃથ્વીની બીજી જાતિઓ ઉપર શ્રેષ્ઠ દેશજાતિ તરીકે સ્થાપિત કરશે.

યહોવાહ તમારા ઈશ્વરની વાણી ન સાંભળતાં તેમની જે સર્વ આજ્ઞાઓ તથા કાયદાઓ જે આજે હું તમને ફરમાવું છું તેઓને તમે પાળીને તમે અમલમાં નહિ મૂકો, તો એમ થશે કે, આ સર્વ શાપ તમારા પર આવીને તમને પકડી પાડશે.

મર્મો યહોવાહ આપણા ઈશ્વરના છે, પણ પ્રગટ કરેલી વાતો સદા આપણી તથા આપણાં સંતાનોની છે, તેથી આપણે આ નિયમનાં સર્વ વચનો પાળીએ.

યહોવાહ તમારા ઈશ્વરનો અવાજ સાંભળીને તેઓની જે આજ્ઞાઓ તથા કાનૂનો લખેલાં છે તે તમે પાળશો અને તમે તમારા પૂરા અંત:કરણથી યહોવાહ તમારા ઈશ્વરની તરફ ફરશો તો એ પ્રમાણે થશે.

હું આજે આકાશ તથા પૃથ્વીને તમારી આગળ સાક્ષી રાખું છું કે મેં તમારી આગળ જીવન તથા મરણ, આશીર્વાદ તથા શાપ મૂક્યાં છે. માટે જીવન પસંદ કરો કે જેથી તમે અને તમારા વંશજો જીવતા રહો.

લોકોને એટલે પુરુષો, સ્ત્રીઓ અને બાળકો તેમ જ તારી ભાગળમાં વસતા પરદેશીઓને એકત્ર કરજો જેથી તેઓ સાંભળે તથા શીખે અને યહોવાહ તમારા ઈશ્વરનો ડર રાખે અને આ નિયમોનું કાળજીપૂર્વક પાલન કરે.

"આ નિયમનું પુસ્તક લો અને તેને યહોવાહ તમારા ઈશ્વરના કરારકોશની સાથે રાખો કે, જેથી એ તમારી વિરુદ્ધ સાક્ષી તરીકે ત્યાં રહે. કેમ કે હું તમારા જડ ગર્દન અને હઠીલાઈ જાણું છું. જુઓ, હું આજે હજી તો તમારી વચ્ચે જીવતો છું છતાં આજે તમે યહોવાહની આજ્ઞાનું ઉલ્લંઘન કરો છો; તો મારા મૃત્યુ પછી તો તમે શું નહિ કરો?

આ નિયમશાસ્ત્ર તારા મુખમાં રાખ. તું રાતદિવસ તેનું મનન કર કે જેથી તેમાં જે બધું લખેલું છે તે તું કાળજીથી પાળી શકે. કારણ કે તો જ તું સમૃદ્ધ અને સફળ થઈશ.

કેવળ ઈશ્વરની બીક રાખો અને સત્યતાથી તમારા પૂર્ણ હૃદયથી તેની સેવા કરો, કેમ કે જે મહાન કૃત્યો તમારે સારુ તેમણે કર્યા છે તેનો તમે વિચાર કરો.

શમુએલે કહ્યું કે, "શું ઈશ્વર પોતાની વાણી માનવામાં આવ્યાથી જેટલા રાજી થાય છે, તેટલાં દહનીયાર્પણો તથા બલિદાનોથી થાય છે શું? બલિદાન કરતાં આજ્ઞાપાલન સારું છે, ઘેટાંની ચરબી કરતાં વચન પાળવું સારું છે. કેમ કે વિદ્રોહ એ જોષ જોવાના પાપ જેવો છે, હઠીલાઈ એ દુષ્ટતા તથા મૂર્તિપૂજા જેવી છે. કેમ કે તેં ઈશ્વરના શબ્દનો ઇનકાર કર્યો છે, માટે તેમણે પણ તને રાજપદેથી પડતો મૂક્યો છે." શાઉલે શમુએલને કહ્યું, "મેં પાપ કર્યું છે; કેમ કે મેં ઈશ્વરની આજ્ઞા તથા તારી વાતોનું ઉલ્લંઘન કર્યું છે, કારણ કે મેં લોકોથી બીને તેઓની વાણી સાંભળી.

કેમ કે મેં ઈશ્વરના માર્ગોનું પાલન કર્યું છે અને દુરાચાર કરીને હું મારા પ્રભુથી ફરી ગયો નથી. કેમ કે તેમનાં સર્વ ન્યાયકૃત્યો મારી આગળ હતાં; તેમના વિધિઓથી હું દૂર ગયો નથી.

પણ તેઓએ યહોવાહનું સાંભળ્યું નહિ; પણ તેઓના જે પિતૃઓ પોતાના ઈશ્વર પર ભરોસો રાખતા નહોતા, તેઓના જેવા તેઓ વધારે હઠીલા થઈ ગયા હતા.

"તમે જાઓ અને મારી ખાતર તેમ જ ઇઝરાયલમાં તથા યહૂદામાં બાકી રહેલાઓને ખાતર મળી આવેલા આ પુસ્તકનાં વચનો સંબંધી ઈશ્વરની ઇચ્છા પૂછો. ઈશ્વરનો રોષ આપણા ઉપર થયો છે, તે ભયંકર છે, કારણ કે આ પુસ્તકમાં જે જે લખેલું છે તે પ્રમાણે આપણા પિતૃઓએ ઈશ્વરનું વચન પાળ્યું નથી."

પણ તેઓએ ઈશ્વરના સંદેશવાહકોની મશ્કરી કરી, તેના વચનોની ઉપેક્ષા કરી અને પ્રબોધકોને હસી કાઢ્યાં, તેથી ઈશ્વરને તેના લોકો પર એટલો બધો રોષ ચઢ્યો કે આખરે કોઈ જ ઉપાય રહ્યો નહિ.

એઝરાએ પોતાનું મન યહોવાહના નિયમોનો અભ્યાસ કરવામાં, તેને પાળવામાં તથા વિધિઓ અને હુકમો શીખવવામાં લગાડ્યું.

આ સમયે બંદીવાસવાળાઓના પાપને લીધે ઇઝરાયલના ઈશ્વરના વચનોથી જેઓ ધ્રૂજતા હતા, તે સર્વ મારી પાસે આવ્યા. સાંજના સમયના અર્પણ સુધી હું સ્તબ્ધ થઈને બેસી રહ્યો.

તેઓ ઈશ્વરને કહે છે, 'અમારાથી દૂર જાઓ કેમ કે અમે તમારા માર્ગોનું ડહાપણ મેળવવા ઇચ્છતા નથી.

તેમના હોઠોની આજ્ઞાઓથી હું પાછો હઠ્યો નથી; મારા આવશ્યક ખોરાક કરતાં તેમના મુખના શબ્દો મેં આવશ્યક ગણીને તેને સંઘરી રાખ્યા છે.

પછી યહોવાહે વંટોળિયામાંથી અયૂબને જવાબ આપતાં કહ્યું કે, "અજ્ઞાની શબ્દોથી ઈશ્વરની યોજનાને પડકારનાર આ માણસ કોણ છે? બળવાનની માફક તારી કમર બાંધ; કારણ કે હું તને પ્રશ્ન પૂછીશ, અને તારે મને જવાબ આપવાનો છે. જ્યારે મેં પૃથ્વીના પાયા નાખ્યા ત્યારે તું ક્યાં હતો? તું બહુ સમજે છે તો આ મને જણાવ.

યહોવાહના નિયમશાસ્ત્રથી તે હર્ષ પામે છે અને રાતદિવસ તે તેમના નિયમશાસ્ત્રનું મનન કરે છે.

યહોવાહના શબ્દો શુદ્ધ છે, જેમ જમીન પરની ભઠ્ઠીમાં તપાવેલી ચાંદી, જે સાત વાર શુદ્ધ કરેલી હોય, તેના જેવા તેઓ પવિત્ર છે. હે યહોવાહ, તમે તેઓને સંભાળજો. આ દુષ્ટ પેઢીના માણસોથી તમે સદા તેઓનું રક્ષણ કરશો.

કારણ કે હું યહોવાહને માર્ગે ચાલ્યો છું અને દુષ્ટતા કરીને મારા ઈશ્વરથી વિમુખ થયો નથી.

ઈશ્વરને માટે તેમનો માર્ગ તો પરિપૂર્ણ છે. યહોવાહના શબ્દો શુદ્ધ છે! જેઓ તેમના પર ભરોસો રાખે છે તે સર્વની તે ઢાલ છે.

યહોવાહના નિયમો સંપૂર્ણ છે, તે આત્માને તાજગી આપે છે; યહોવાહની સાક્ષી વિશ્વાસપાત્ર છે, તે ભોળાને બુદ્ધિમાન કરે છે. યહોવાહના વિધિઓ યથાર્થ છે, તેઓ હૃદયને આનંદ આપે છે; યહોવાહની આજ્ઞાઓ નિર્મળ છે, જે આંખોને પ્રકાશ આપે છે. યહોવાહનો ભય શુદ્ધ અને અનાદિ છે; યહોવાહના ઠરાવો સત્ય તથા તદ્દન ન્યાયી છે. તે શુદ્ધ સોના કરતાં, પણ વધુ પસંદ કરવા યોગ્ય છે; વળી મધપૂડાનાં ટીપાં કરતાં તેઓ વધારે મીઠાં છે. હા, તેનાથી તમારા સેવકને ચેતવણી મળે છે તેઓને પાળવામાં મોટો લાભ છે.

કારણ કે તમારી કૃપા હું નજરે નિહાળું છું અને હું તમારા સત્ય માર્ગે ચાલતો આવ્યો છું.

યહોવાહનો અવાજ સમર્થ છે; યહોવાહનો અવાજ માહાત્મ્યથી ભરપૂર છે.

હું મારો આત્મા તમારા હાથમાં સોંપુ છું; હે યહોવાહ, સત્યના ઈશ્વર, તમે મારો ઉદ્ધાર કર્યો છે.

ક્યે માર્ગે તારે ચાલવું તે હું તને શીખવીશ તથા બતાવીશ. મારી નજર હું તારા પર રાખીને તને બોધ આપીશ. ઘોડા તથા ખચ્ચર જેને કંઈ સમજણ નથી, જેને કાબૂમાં રાખવા માટે ચોકડા તથા લગામની જરૂર છે, નહિ તો તું જ્યાં લઈ જવા ચાહે ત્યાં તેઓ આવી ન શકે, માટે તેઓના જેવો અણસમજુ ન થા.

સમગ્ર પૃથ્વી યહોવાહની બીક રાખે; દુનિયાના સર્વ રહેવાસીઓ તેમનો ભય રાખો.

યહોવાહની યોજનાઓ સદાકાળ ટકે છે, તેમણે કરેલી ઘારણા પેઢી દર પેઢી રહે છે.

આવો, મારાં બાળકો, મારું સાંભળો; હું તમને યહોવાહનો ભય રાખતાં શીખવીશ.

પછી મેં કહ્યું, "જુઓ, હું આવ્યો છું; પુસ્તકમાં મારા વિષે લખેલું છે. હે મારા ઈશ્વર, તમારી ઇચ્છાનુસાર કરવાને માટે હું રાજી છું." ભરી સભામાં મેં તમારા ન્યાયપણાની જાહેરાત કરી છે; હે યહોવાહ, તે તમે જાણો છો. મેં મારા હૃદયમાં તમારું ન્યાયીપણું સંતાડી રાખ્યું નથી; મેં તમારું વિશ્વાસુપણું તથા ઉદ્ધાર પ્રગટ કર્યો છે; તમારી કૃપા તથા સત્યતા મેં જાહેર સભામાં છુપાવી નથી.

પણ ઈશ્વર દુષ્ટને કહે છે કે, "તારે મારા વિધિઓ શા માટે પ્રગટ કરવા જોઈએ? મારો કરાર શા માટે તારા મુખમાં લેવો જોઈએ? છતાં પણ તું મારી શિખામણનો તિરસ્કાર કરે છે અને મારા શબ્દો તું તારી પાછળ નાખે છે.

હે ઈશ્વર, મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કરો અને મારા આત્માને નવો અને દ્રઢ કરો.

પ્રભુ હુકમ આપે છે અને તેઓને ખબર આપનાર એક મહાન સૈન્ય હતું.

તેઓએ ઈશ્વરનો કરાર પાળ્યો નહિ અને તેમના નિયમ પ્રમાણે વર્તવાની ના પાડી.

પણ મારા લોકોએ મારી વાણી સાંભળી નહિ; ઇઝરાયલે મારો આદર કર્યો નહિ. તેથી મેં તેઓને તેઓનાં હૃદયની હઠ પ્રમાણે ચાલવા દીધા કે જેથી તેઓ પોતાની યોજનાઓ પ્રમાણે વર્તે. મારા લોકો મારું સાંભળે અને મારા લોકો મારા માર્ગોમાં ચાલે, તો કેવું સારું! તો હું તેઓના શત્રુઓને પરાજિત કરું અને તેઓના વૈરીઓ વિરુદ્ધ મારો હાથ ઉપાડું. જેઓ યહોવાહને ધિક્કારે છે તેઓ તેમની સામે ભયથી સંકોચાશે! તેઓનું અપમાન સદાને માટે રહેશે.

હે યહોવાહ, તમે તમારા માર્ગ શીખવો. પછી હું તમારા સત્ય માર્ગ પર ચાલીશ. તમારો આદર કરવાને મારા હૃદયને એકાગ્ર કરો.

સંતોની સભામાં તે ઘણા ભયાવહ ઈશ્વર છે અને જેઓ તેમની આસપાસ છે તે સર્વ કરતાં તે વધારે ભયાવહ છે.

તેમણે પૃથ્વી પર ગાઢ અંધકાર મોકલ્યો, પણ તે લોકોએ તેમની વાતને માની નહિ.

કેમ કે તેઓએ ઈશ્વરની સામા થઈને પરાત્પરની સૂચનાઓનો ઇનકાર કર્યો. તેઓનાં હૃદયો તેમણે કષ્ટથી નમ્ર કર્યાં; તેઓ લથડી પડ્યા અને તેઓને સહાય કરનાર કોઈ ન હતું.

તેઓ પોતાનું વચન મોકલીને તેઓને સાજા કરે છે અને તેમણે તેઓને દુર્દશામાંથી છોડાવ્યા છે.

તેમના હાથનાં કામ સત્ય અને ન્યાયી છે; તેમની સર્વ આજ્ઞાઓ વિશ્વસનીય છે. તેઓ સદા સ્થિર રખાયેલી છે, અને સત્યતાથી તથા વિશ્વાસુપણાથી કરવામાં આવી છે.

યહોવાહને માન આપવું એ બુદ્ધિની શરૂઆત છે. જે લોકો તેમની સૂચનાઓનું પાલન કરે છે, તેઓ સમજદાર છે. તેમની સ્તુતિ સર્વકાળ થશે.

યહોવાહની સ્તુતિ કરો. જે યહોવાહને માન આપે છે, જે તેમની આજ્ઞાઓ પાળવામાં ખુશ થાય છે, તેઓ આશીર્વાદિત છે.

માણસ પર ભરોસો રાખવા કરતાં યહોવાહ પર ભરોસો રાખવો વધારે સારો છે. રાજાઓ પર ભરોસો રાખવા કરતાં યહોવાહ પર આધાર રાખવો વધારે સારો છે.

આલેફ. જેના માર્ગો સીધા છે, જેઓ યહોવાહના નિયમો પ્રમાણે ચાલે છે, તેઓ આશીર્વાદિત છે.

જ્યારે હું તમારી બધી આજ્ઞાઓનો વિચાર કરું, ત્યારે હું શરમિંદો નહિ થાઉં.

જુવાન માણસ કેવી રીતે પોતાનું જીવન શુદ્ધ રાખી શકે? તમારા વચનો પાળવાથી.

મેં મારા ખરા હૃદયથી તમને શોધ્યા છે; તમારી આજ્ઞાઓથી ચૂકીને મને ભટકવા ન દો.

મેં તમારાં વચન કાળજીપૂર્વક મારા હૃદયમાં રાખી મૂક્યાં છે કે જેથી તમારી વિરુદ્ધ હું ફરી પાપ ન કરું.

મારા હોઠોથી હું તમારા બધા નિયમો વિષે વાત કરીશ.

તમારા નિયમશાસ્ત્રમાંની આશ્ચર્યકારક વાતોનું અવલોકન કરવા માટે; મારી આંખો ઉઘાડો.

મારું હૃદય તમારાં ન્યાયવચનો માટે સર્વ સમયે તીવ્ર ઝંખના કરે છે.

તમે ગર્વિષ્ઠ લોકોને તેમ જ જેઓ તમારી આજ્ઞાઓને માનતા નથી, તેઓને ઠપકો આપો છો.

અસત્યનો માર્ગ મારાથી દૂર કરો; કૃપા કરીને મને તમારા નિયમો શીખવો.

મેં વિશ્વાસુપણાનો માર્ગ પસંદ કર્યો છે; મેં હંમેશા તમારાં ન્યાયવચનો મારી નજરમાં રાખ્યાં છે.

મને સમજણશક્તિ આપો એટલે હું તમારો નિયમ પાળીશ; હું મારા હૃદયથી તેનું અનુકરણ કરીશ.

હું સદા સર્વદા તમારા નિયમોનું અવલોકન કરીશ.

તમારી આજ્ઞાઓમાં હું આનંદ પામીશ, તેઓ પર મેં પ્રેમ કર્યો છે.

જે દુષ્ટો તમારા નિયમોની અવગણના કરે છે; તેઓ પર મને ક્રોધ ઊપજે છે.

તમારી આજ્ઞાઓ પાળવા માટે મેં ઉતાવળ કરી છે; વાર લગાડી નથી.

મેં જે સહન કર્યું છે તે મને ગુણકારક થઈ પડ્યું છે કે જેથી હું તમારા વિધિઓ શીખી શકું.

સોનાચાંદીના હજારો સિક્કા કરતાં તમારા મુખનો નિયમ મારે માટે વધુ મૂલ્યવાન છે. યોદ.

હે યહોવાહ, તમારું વચન આકાશમાં સદાકાળ સ્થિર છે.

તમારા નિયમો પર હું કેટલો બધો પ્રેમ રાખું છું! હું આખો દિવસ તેમના વિષે મનન કરું છું.

મારી રુચિને તમારાં વચનો કેવા મીઠાં લાગે છે, હા, તેઓ મારા મુખને માટે મધ કરતાં વધુ મીઠાં છે!

તમારાં શાસનોથી મને સમજણ મળે છે; માટે હું દરેક જૂઠા માર્ગને ધિક્કારું છું. નુન.

મારા પગોને માટે તમારાં વચન દીવારૂપ છે અને મારા માર્ગોને માટે અજવાળારૂપ છે.

તમારા વિધિઓ અંત સુધી સદા પાળવાને મેં મારા હૃદયને વાળ્યું છે. સામેખ.

દુષ્ટ મનવાળા માણસો મારાથી દૂર રહો, કે જેથી હું મારા ઈશ્વરની આજ્ઞાઓ પાળું.

જેઓ તમારા નિયમોનો ભંગ કરે છે તેનો તમે ધિક્કાર કરો છો, કારણ કે તેઓનો ઢોંગ વ્યર્થ છે.

હવે યહોવાહને કામ કરવાનો સમય આવ્યો છે, કેમ કે લોકોએ તમારો નિયમ તોડ્યો છે.

તેઓ તમારા નિયમો પાળતા નથી, તેથી મારી આંખોમાંથી ચોધાર આંસુ વહે છે. સાદે.

મારા શત્રુઓ તમારાં વચન વીસરી ગયા છે તેથી મારા ગુસ્સાએ મને ક્ષીણ કર્યો છે.

હું નાનો તથા ધિક્કારાયેલો છું, તોપણ હું તમારાં શાસનોને ભૂલી જતો નથી.

તમારું ન્યાયીપણું તો અનંતકાળ ટકશે; અને તમારો નિયમ સત્ય છે.

તમારા વચનનું મનન કરવા માટે મારી આંખો રાતના છેલ્લાં પહોર અગાઉ ઊઘડી ગઈ હતી.

તમારાં બધાં વચનો સત્ય છે; તમારાં સર્વ ન્યાયી વચનો અનંતકાળ સુધી ટકનારાં છે. શીન.

સરદારોએ મને વિનાકારણ સતાવ્યો છે; મારું હૃદય તમારાં વચનોનો ભય રાખે છે.

જેમ કોઈ એકને મોટો ખજાનો મળે તેમ તમારા વચનથી મને આનંદ થાય છે.

હે યહોવાહ, હું તમારા તરફથી મળતા ઉદ્ધારને માટે અભિલાષી છું અને તમારો નિયમ એ જ મારો આનંદ છે.

હું તમારા પવિત્રસ્થાન તરફ ફરીને દંડવત્ પ્રણામ કરીશ તમારી કૃપા તથા સત્યતાને લીધે હું તમારા નામનો આભાર માનીશ.

યહોવાહનો ભય એ જ્ઞાનનો આરંભ છે. મૂર્ખો જ્ઞાનને તથા શિક્ષણને ધિક્કારે છે.

"હે અજ્ઞાનીઓ, તમે ક્યાં સુધી ભોળપણને વળગી રહેશો? ઓ ઠઠ્ઠા-મશ્કરી કરનારાઓ, તમે ક્યાં સુધી ઠઠ્ઠા-મશ્કરી કરવામાં આનંદ મેળવશો? અને ઓ મૂર્ખાઓ, તમે ક્યાં સુધી ડહાપણને ધિક્કારશો?

કેમ કે તેઓએ વિદ્યાનો ધિક્કાર કર્યો છે અને તેઓએ યહોવાહનો ભય રાખવાનું ઈચ્છ્યું નહિ. તેઓએ મારી સલાહ બિલકુલ માની નહિ અને તેઓએ મારો બધો ઠપકો તુચ્છ ગણ્યો. તેઓ પોતાના માર્ગનું ફળ ભોગવશે અને પોતાની કુયુક્તિઓની પૂરેપૂરી શિક્ષા ભોગવશે.

ડહાપણની વાત સાંભળશે અને બુદ્ધિમાં તારું મન કેન્દ્રિત કરશે; જો તું વિવેકબુદ્ધિને માટે પોકાર કરશે અને સમજણ મેળવવાને માટે ખંત રાખશે; જો તું ચાંદીની જેમ તેની શોધ કરશે અને સંતાડેલા ખજાનાની જેમ તેને શોધશે; તો તને યહોવાહના ભયની સમજણ પડશે અને તને ઈશ્વરનું ડહાપણ પ્રાપ્ત થશે.

કૃપા તથા સત્યતા તારો ત્યાગ ન કરો, તેઓને તું તારા ગળે બાંધી રાખજે, તેઓને તારા હૃદયપટ પર લખી રાખજે.

તારા પૂર્ણ હૃદયથી યહોવાહ પર ભરોસો રાખ અને તારી પોતાની સમજણ પર આધાર રાખીશ નહિ.

ડહાપણ પ્રાપ્ત કર, બુદ્ધિ સંપાદન કર; એ ભૂલીશ નહિ અને મારા મુખના શબ્દ ભૂલીને આડે માર્ગે વળીશ નહિ. ડહાપણનો ત્યાગ ન કરીશ અને તે તારું રક્ષણ કરશે, તેના પર પ્રેમ રાખજે અને તે તારી સંભાળ રાખશે.

મારા દીકરા, મારાં વચનો ઉપર ધ્યાન આપ; મારાં વચન સાંભળ. તારી આંખ આગળથી તેઓને દૂર થવા ન દે; તેને તારા હૃદયમાં સંઘરી રાખ.

તારી આંખો સામી નજરે જુએ અને તારાં પોપચાં તારી આગળ સીધી નજર નાખે. તારા પગનો માર્ગ સપાટ કર; પછી તારા સર્વ માર્ગો નિયમસર થાય. જમણે કે ડાબે વળ્યા વિના સીધા માર્ગે જજે; દુષ્ટતાથી તારો પગ દૂર કર.

કેમ કે આજ્ઞા તે દીપક છે, અને નિયમ તે પ્રકાશ છે; અને ઠપકો તથા શિક્ષણ તે જીવનના માર્ગદર્શક છે.

યહોવાહનો ભય એટલે પાપને ધિક્કારવું, અભિમાન, ઉદ્ધતાઈ, દુષ્ટમાર્ગ અને અવળું બોલાનારાઓને હું ધિક્કારું છું.

ઉદ્ધત માણસને ઠપકો ન આપો, નહિ તો તે તમારો તિરસ્કાર કરશે, જ્ઞાની માણસને ભૂલ બતાવશો તો તે તમને પ્રેમ કરશે.

યહોવાહનો ભય એ ડહાપણનો આરંભ છે, પરમપવિત્રની ઓળખાણ એ જ બુદ્ધિની શરૂઆત છે.

મોતના ફાંદામાંથી છૂટી જવાને માટે, યહોવાહનો ભય જીવનનો ઝરો છે.

સોના કરતાં ડહાપણ મેળવવું એ કેટલું ઉત્તમ છે. ચાંદી કરતાં સમજણ મેળવવી વધારે યોગ્ય છે.

મૂર્ખના સાંભળતાં બોલીશ નહિ, કેમ કે તારા શબ્દોના ડહાપણનો તે તિરસ્કાર કરશે.

જે માણસ નીતિનિયમ પાળતો નથી અને પોતાના કાન અવળા ફેરવી નાખે છે, તેની પ્રાર્થના પણ કંટાળાજનક છે.

ઈશ્વરનું દરેક વચન પરખેલું છે, જેઓ ઈશ્વર પર ભરોસો રાખે છે તેઓના માટે તે ઢાલ છે. તેમનાં વચનોમાં તું કશો ઉમેરો કરીશ નહિ, નહિ તો તે તને ઠપકો આપશે અને તું જૂઠો પુરવાર થઈશ.

વાતનું પરિણામ, આપણે સાંભળીએ તે આ છે; ઈશ્વરનું ભય રાખ અને તેમની આજ્ઞાઓનું પાલન કર, પ્રત્યેક માણસની એ સંપૂર્ણ ફરજ છે.

તેથી જેમ અગ્નિની જીભ ઠૂંઠાને સ્વાહા કરી જાય છે; અને સૂકું ઘાસ ભડકામાં બળી જાય છે, તેમ તેઓનાં મૂળ સડી જશે અને તેઓના મોર ધૂળની જેમ ઊડી જશે; કેમ કે તેઓએ સૈન્યોના યહોવાહના નિયમ તજ્યા છે અને ઇઝરાયલના પવિત્રના વચનનો અનાદર કર્યો છે.

ત્યારે પ્રભુએ કહ્યું, "જા, અને આ લોકોને કહે કે, સાંભળ્યા કરો, પણ ન સમજો; જોયા કરો, પણ ન જાણો.

તેથી તમારે નિયમશાસ્ત્ર અને સાક્ષી પર ધ્યાન લગાવવું! જો તેઓ આવી વાતો ન કહે, તો તેનું કારણ છે કે તેમનામાં પરોઢનો પ્રકાશ નથી.

પ્રભુએ મને કહ્યું, હવે ચાલ, તેઓની રુબરુ એક પાટી પર લખ અને તેને ટીપણાંમા કોતરી નાખ, જેથી તે ભવિષ્યમાં સદાને માટે સાક્ષી તરીકે રહે. કેમ કે આ લોકો બળવાખોર, જૂઠાં સંતાનો છે, તેઓ યહોવાહનું શિક્ષણ સાંભળવાને ચાહતા નથી એવા છે. તેઓ દૃષ્ટાઓને કહે છે, "તમે દર્શન જોશો નહિ;" અને પ્રબોધકોને કહે છે, "અમને સત્યની સીધી ભવિષ્યવાણી કહેશો નહિ; પણ અમને મીઠી મીઠી વાતો કહો અને ઠગાઈની ભવિષ્યવાણી કહો; માર્ગમાંથી નીકળી જાઓ; રસ્તા પરથી બાજુએ ખસી જાઓ; અમારી આગળથી ઇઝરાયલના પવિત્રને દૂર કરો." તેથી ઇઝરાયલના પવિત્ર એવું કહે છે, "કેમ કે તમે આ વાતને નકારો છો અને જુલમ પર તથા કુટિલતા પર ભરોસો અને આધાર રાખો છો, માટે તમારાં આ પાપ ઊંચી ભીંતમાં પડેલી પહોળી ફાટ જેવાં છે, તે ભીંત પળવારમાં અકસ્માતે તૂટી પડે છે, તેના જેવા તમારા હાલ થશે.

ઘાસ સુકાઈ જાય છે, ફૂલ ચીમળાઈ જાય છે, પણ આપણા ઈશ્વરનું વચન સર્વકાળ કાયમ રહેશે."

આપણે જે સાંભળ્યું તે કોણે માન્યું છે? અને યહોવાહનો ભુજ, તે કોની આગળ પ્રગટ થયેલો છે?

"કેમ કે મારા વિચારો તે તમારા વિચારો નથી, તેમ તમારા માર્ગો તે મારા માર્ગો નથી" એમ યહોવાહ કહે છે. "કેમ કે જેમ આકાશો પૃથ્વીથી ઊંચાં છે, તેમ મારા માર્ગો તમારા માર્ગોથી અને મારા વિચારો તમારા વિચારોથી ઊંચા છે.

તે પ્રમાણે મારું જે વચન મારા મુખમાંથી નીકળે છે: તે નિરર્થક પાછું ફરશે નહિ, પણ જે હું ચાહું છું તેને પરિપૂર્ણ કરશે અને જે માટે મેં તેને મોકલ્યું હતું તેમાં તે સફળ થશે.

જ્યારે તું પોકાર કરે, ત્યારે તારી સંઘરેલી મૂર્તિઓ તને છોડાવે. પરંતુ તેને બદલે વાયુ તે સર્વને ઉડાવી જશે, એક શ્વાસ પણ તેમને ઉડાવી મૂકશે. છતાં જે મારામાં આશ્રય લે છે તે આ દેશનો વારસો પામશે અને મારા પવિત્ર પર્વતનું વતન પામશે.

યહોવાહ કહે છે, "તેમની સાથે આ મારો કરાર છે," "મારો આત્મા જે તારા પર છે અને મારાં વચનો જે મેં તારા મુખમાં મૂક્યાં છે, તે તારા મુખમાંથી, તારા સંતાનના મુખમાંથી, તથા તારા સંતાનના સંતાનના મુખમાંથી હમણાંથી તે સર્વકાળ સુધી જતાં રહેનાર નથી."

મારા જ હાથે આ સર્વ બનાવેલું છે; એવી રીતે તેઓ અસ્તિત્વમાં આવ્યા" એમ યહોવાહ કહે છે. "જે ભંગિત અને આત્મામાં શોક કરે છે અને મારા વચનને લીધે ધ્રૂજે છે, તેવા માણસ તરફ હું મારી દૃષ્ટિ રાખીશ.

તે જ રીતે હું તેઓની શિક્ષા પસંદ કરીશ; તેઓ જેનાથી ડરે છે તે શિક્ષા હું તેમના પર લાવીશ, કારણ કે મેં હાંક મારી, ત્યારે કોઈએ ઉત્તર આપ્યો નહિ; જયારે હું બોલ્યો, ત્યારે કોઈએ સાંભળ્યું નહિ. તેઓએ મારી દૃષ્ટિમાં જે ખોટું છે તે કર્યું અને જે હું ચાહતો નથી તે તેઓએ પસંદ કર્યું." જેઓ તેમના વચનથી ધ્રૂજે છે તેઓ યહોવાહનું વચન સાંભળો: "તમારા ભાઈઓ જે તમારો દ્વેષ કરે છે અને મારા નામને લીધે તમને તજી દે છે તેઓએ કહ્યું, 'યહોવાહ પોતાનો મહિમા પ્રગટ કરે, જેથી અમે તમારો આનંદ જોઈએ,' પણ તેઓ લજ્જિત થશે.

હે યહોવાહ, શું તમારી આંખો સત્યને જોતી નથી? તમે તેઓને માર્યા પણ તેઓ દુઃખી થયા નહિ. તમે તેઓને પાયમાલ કર્યા, પણ છતાં તેઓ સુધર્યા નહિ. તેઓએ પોતાના મુખ ખડક કરતાં પણ વધુ કઠણ કર્યાં છે. પછી મેં કહ્યું, " ખરેખર તેઓ ડરપોક લોકો છે. તેઓ મૂર્ખ છે, તેઓ યહોવાહના માર્ગો અને તેઓના ઈશ્વરના નિયમો જાણતા નથી.

હે પૃથ્વીના લોકો, સાંભળો જુઓ, આ લોકો પર હું વિપત્તિ એટલે એમના કાવાદાવાનું ફળ લાવીશ. તેઓએ મારાં વચનોનો સ્વીકાર કર્યો નથી. તેઓએ મારાં નિયમશાસ્ત્રનો ત્યાગ કર્યો છે.

મેં તેમને ફક્ત આટલી આજ્ઞા આપી કે; 'મારું સાંભળો અને હું તમારો ઈશ્વર થઈશ અને તમે મારા લોકો થશો. તમારું હિત થાય માટે મેં તમને જે માર્ગો ફરમાવ્યા તે સર્વ માર્ગોમાં તમે ચાલો.' પરંતુ તેઓએ સાંભળ્યું નહિ અને ધ્યાન આપ્યું નહિ, પણ પોતાના સંકલ્પ પ્રમાણે તથા પોતાના દુષ્ટ હ્રદયના દુરાગ્રહ પ્રમાણે તેઓ ચાલ્યા. આગળ વધવાને બદલે પાછળ હઠયા.

જ્ઞાની માણસ લજ્જિત થશે. તેઓ ડરી જશે અને પકડાઈ જશે. જુઓ, યહોવાહનાં વચનોનો તેમણે ઇનકાર કર્યો છે. તો તેઓની પાસે કેવા પ્રકારનું ડહાપણ હોઈ શકે?

પણ જો હજુ તમે સાંભળશો નહિ, તો પછી તમારા અભિમાનને લીધે મારું અંત:કરણ એકાંતમાં શોક કરશે, મારી આંખોમાંથી ચોધાર આંસુઓ વહેશે, કારણ કે યહોવાહના લોકને બંદીવાસમાં લઈ જવામાં આવ્યા છે.

તમારાં વચનો મને પ્રાપ્ત થયા, મેં તે ખાધાં. અને તેથી મારા હૃદયમાં હર્ષ તથા આનંદ ઉત્પન્ન થયો. કેમ કે હે સૈન્યોના ઈશ્વર, યહોવાહ, તમારા નામથી હું ઓળખાઉ છું.

યહોવાહ આ પ્રમાણે કહે છે; જે પુરુષ, માણસ પર વિશ્વાસ રાખે છે; અને મનુષ્યના બળ પર પોતાનો આધાર રાખે છે અને યહોવાહ તરફથી જેનું હૃદય ફરી જાય છે તે શાપિત છે.

પણ તેઓએ સાંભળ્યું નહિ કે ઘ્યાન આપ્યું નહિ, પણ પોતાની ગરદન અક્કડ કરીને તેઓએ સાભળ્યું નહિ કે શિખામણ માની નહિ.

"સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે; 'જુઓ, આ નગર તેમ જ તેની આસપાસનાં નગરો પર જે આવનારી સર્વ વિપત્તિઓ વિષે હું બોલ્યો છું તે હું લાવીશ, કેમ કે તેઓએ હઠીલા બની અને મારું કહ્યું સાંભળ્યું નહિ."

સૈન્યોના યહોવાહ આ પ્રમાણે કહે છે કે, જે પ્રબોધકો તમને પ્રબોધ કરે છે તેઓનું તમે સાંભળશો નહિ. તેઓ વ્યર્થ વાતો કરે છે. તેઓ મારાં મુખનાં વચનો નથી કહેતા પણ પોતાના મનની કલ્પિત વાતો કરે છે.

યહોવાહ એમ કહે છે કે, "શું મારું વચન અગ્નિ સમાન નથી? તથા "ખડકના ચૂરેચૂરા કરનાર હથોડા જેવું નથી?

વળી યહોવાહે સર્વ સેવકોને એટલે પ્રબોધકોને તમારી પાસે મોકલ્યા છતાં પણ તમે તેઓનું સાંભળ્યું નહિ. અને સાંભળવાને કાન ધર્યો નહિ.

વળી તું તેઓને કહેજે, યહોવાહ કહે છે કે, મારું નિયમશાસ્ત્ર મેં તમારી આગળ મૂક્યું છે તે મુજબ ચાલવાને, મારા સેવકો, પ્રબોધકો જેઓને હું આગ્રહથી તમારી પાસે મોકલું છું તેઓના વચનો તમે સાંભળશો નહિ, તો આ ભક્તિસ્થાનના હું શીલો જેવા હાલ કરીશ; અને પૃથ્વીની સર્વ પ્રજાઓની નજરમાં હું નગરને શાપિત કરીશ."'

માટે હવે, તમારાં આચરણ અને કૃત્યો સુધારો અને તમારા ઈશ્વર યહોવાહનું કહ્યું સાંભળો, તો કદાચ તમારા પર જે વિપત્તિ લાવવા યહોવાહ બોલ્યા છે તે વિષે તેઓ પશ્ચાતાપ કરે.

હું ઇઝરાયલનો ઈશ્વર, સૈન્યોના યહોવાહ, તમને કહું છું કે, 'તમારા પ્રબોધકોથી કે જોશીઓથી છેતરાશો નહિ, તેઓનાં સ્વપ્નો પર ધ્યાન આપશો નહિ. કેમ કે તે લોકો મારે નામે જૂઠું ભવિષ્ય ભાખે છે. મેં તેઓને મોકલ્યા નથી' એમ યહોવાહ કહે છે.

યહોવાહ કહે છે કે, જુઓ, એવો સમય આવી રહ્યો છે કે "જ્યારે હું ઇઝરાયલ અને યહૂદિયા સાથે નવો કરાર કરીશ. મેં જ્યારે એમના પિતૃઓને હાથ પકડીને મિસરમાંથી બહાર કાઢ્યાં હતા ત્યારે તેઓની સાથે જે કરાર કર્યો હતો તેવો આ કરાર નહિ હોય. હું તેઓનો વિશ્વાસુ માલિક હોવા છતાં પણ તેમણે મારા કરારનું ઉલ્લંઘન કર્યુ છે.'' એવું યહોવાહ કહે છે. ''પણ યહોવાહ કહે છે હવે પછી ઇઝરાયલના લોકો સાથે જે કરાર કરીશ તે આ હશે'' ''હું મારા નિયમો તેમના હ્રદયમાં મૂકીશ. અને તેઓનાં હૃદયપટ પર તે લખીશ. હું તેઓનો ઈશ્વર થઈશ. અને તેઓ મારા લોક થશે. તે સમયે 'યહોવાહને ઓળખવા માટે!' એકબીજાને શીખવવાની જરૂર રહેશે નહિ, કેમ કે ત્યારે નાનાથી મોટા સુધી સૌ કોઈ મને ઓળખશે.'' ''હું તેઓનાં દુષ્કૃત્યો માફ કરીશ અને તેમના પાપને ફરી સંભારીશ નહિ. એમ યહોવાહ કહે છે.''

પણ તમે કહો છો કે, 'પ્રભુનો વ્યવહાર અદલ નથી.' હે ઇઝરાયલી લોકો સાંભળો. શું મારો વ્યવહાર અદલ નથી? તમારા માર્ગો અવળા નથી શું?

તેઓ મારા લોકોને પવિત્ર તથા અપવિત્ર વચ્ચેનો ભેદ શીખવે; તેઓએ શુદ્ધ તથા અશુદ્ધ વચ્ચેનો ભેદ સમજાવવો.

મારા લોકો ડહાપણને અભાવે નાશ પામતા જાય છે, કેમ કે તમે ડહાપણનો અનાદર કર્યો છે તેથી હું પણ તને મારા યાજકપદથી દૂર કરી દઈશ. કેમ કે તું, તારા ઈશ્વરના નિયમ ભૂલી ગયો છે, એટલે હું પણ તારા વંશજોને ભૂલી જઈશ.

તેઓને અફસોસ! કેમ કે તેઓ મારી પાસેથી ભટકી ગયા છે. તેઓનો નાશ થાઓ! તેઓએ મારી વિરુદ્ધ બંડ કર્યું છે. હું તેઓને બચાવવા ઇચ્છતો હતો, પણ તેઓએ મારી વિરુદ્ધ જૂઠી વાતો કરી છે.

પ્રભુ યહોવાહ એવું કહે છે, જુઓ, એવો સમય આવી રહ્યો છે કે, "જ્યારે હું દેશમાં દુકાળ મોકલીશ, તે અન્નનો દુકાળ નહિ, કે પાણીનો નહિ, પણ યહોવાહનું વચન સાંભળવાનો દુકાળ મોકલીશ.

પણ તેઓએ સાંભળવાનો ઇનકાર કર્યો અને તેઓએ હઠીલા થઈને પીઠ ફેરવી; મારું વચન સાંભળે નહિ માટે તેઓએ પોતાના કાન બંધ કર્યા. નિયમશાસ્ત્ર તથા જે વચનો સૈન્યોના યહોવાહે પોતાના આત્મા વડે અગાઉના પ્રબોધકો દ્વારા મોકલ્યાં હતાં, તે તેઓ સાંભળે નહિ માટે તેઓએ તેમનાં હૃદયો વજ્ર જેવાં કઠણ બનાવી દીધાં. તેથી સૈન્યોના યહોવાહનો કોપ ઉગ્ર થયો. ત્યારે એવું થયું કે જ્યારે તેમણે પોકાર્યું ત્યારે તેઓએ સાંભળ્યું નહિ. સૈન્યોના યહોવાહ કહે છે; 'તે જ પ્રમાણે', તેઓ પોકારશે પણ હું સાંભળીશ નહિ.

પણ ઈસુએ ઉત્તર આપતા કહ્યું કે, એમ લખેલું છે કે, 'માણસ એકલી રોટલીથી નહિ, પણ દરેક શબ્દ જે ઈશ્વરના મુખમાંથી નીકળે છે તેથી જીવશે.'

એમ ન ધારો કે હું નિયમશાસ્ત્ર અથવા પ્રબોધકોની વાતોનો નાશ કરવાને આવ્યો છું; હું નાશ કરવા નહિ, પણ પૂર્ણ કરવા આવ્યો છું. કેમ કે હું તમને નિશ્ચે કહું છું કે, આકાશ તથા પૃથ્વી જતા રહે ત્યાં સુધી સઘળાં પૂરાં થયા વગર નિયમશાસ્ત્રમાંથી એક કાનો અથવા માત્રા જતી રહેશે નહિ. એ માટે આ સૌથી નાની આજ્ઞાઓમાંની એકને જો કોઈ તોડશે અથવા માણસોને એવું કરવાનું શીખવશે, તો તે સ્વર્ગના રાજ્યમાં સૌથી નાનો કહેવાશે; પણ જો કોઈ તે પાળશે અને શીખવશે તે સ્વર્ગના રાજ્યમાં મોટો કહેવાશે.

કોઈ ચાકર બે માલિકોની ચાકરી કરી શકતો નથી; કેમ કે તે એકનો દ્વેષ કરશે, ને બીજા પર પ્રેમ કરશે, અથવા તે એકના પક્ષનો થશે, ને બીજાનો તિરસ્કાર કરશે. એકસાથે તમે ઈશ્વરની તથા દ્રવ્યની ચાકરી કરી શકો નહિ.

તમે સાંકડે બારણેથી અંદર પ્રવેશો; કેમ કે જે માર્ગ નાશમાં પહોંચાડે છે, તેનું બારણું પહોળું છે અને ઘણાં તેમાં થઈને પ્રવેશે છે. જે માર્ગ જીવનમાં પહોંચાડે છે, તે સાંકડો છે, તેનું બારણું સાંકડું છે અને જેઓને તે જડે છે તેઓ થોડા જ છે.

જેઓ મને 'પ્રભુ, પ્રભુ,' કહે છે, તેઓ સર્વ સ્વર્ગના રાજ્યમાં પ્રવેશશે એમ તો નહિ, પણ જેઓ મારા આકાશમાંના પિતાની ઇચ્છા પ્રમાણે કરે છે તેઓ જ પ્રવેશશે. તે દિવસે ઘણાં મને કહેશે કે, 'પ્રભુ, પ્રભુ,' શું અમે તમારે નામે પ્રબોધ કર્યો નહોતો? તમારે નામે ભૂતોને કાઢયાં નહોતાં? અને તમારે નામે ઘણાં પરાક્રમી કામો કર્યા નહોતાં? ત્યારે હું તેઓને સ્પષ્ટ કહીશ કે, મેં તમને કદી પણ ઓળખ્યા નહિ; ઓ દુષ્ટકર્મીઓ, તમે મારી પાસેથી દૂર જાઓ.

એ માટે, જે કોઈ મારી આ વાતો સાંભળે છે અને પાળે છે, તેને એક ડાહ્યા માણસની જેમ છે, જેણે પોતાનું ઘર ખડક પર બાંધ્યું; વરસાદ વરસ્યો, પૂર આવ્યું, વાવાઝોડાં થયાં અને તે ઘર પર સપાટા લાગ્યા; પણ તેનો પાયો ખડક પર નાખેલો હોવાથી તે પડ્યું નહિ. જે કોઈ મારી આ વાતો સાંભળે છે પણ પાળતો નથી, તેને એક મૂર્ખ માણસની જેમ છે, જેણે પોતાનું ઘર રેતી પર બાંધ્યું; વરસાદ વરસ્યો, પૂર આવ્યું, વાવાઝોડાં થયાં, તે ઘર પર સપાટા લાગ્યા અને તે પડી ગયું; અને તેનો નાશ મોટો થયો."

જો કોઈ તમારો આવકાર નહિ કરે તથા તમારી વાતો નહિ સાંભળે તો તે ઘરમાંથી અથવા તે નગરમાંથી નીકળતાં તમે તેની ધૂળ તમારા પગ પરથી ખંખેરી નાખો. હું તમને નિશ્ચે કહું છું કે, ન્યાયકાળે સદોમ તથા ગમોરા દેશના હાલ તે નગરના કરતાં સહેલ થશે.

માટે માણસોની આગળ જે કોઈ મને કબૂલ કરશે તેને હું પણ મારા સ્વર્ગમાંનાં પિતાની આગળ કબૂલ કરીશ. પણ માણસોની આગળ જે કોઈ મારો ઇનકાર કરશે, તેનો હું પણ મારા સ્વર્ગમાંનાં પિતાની આગળ ઇનકાર કરીશ.

મારા કરતાં જે પોતાની મા અથવા પોતાના પિતા પર વધારે પ્રેમ કરે છે તે મારે યોગ્ય નથી; અને દીકરા કે દીકરી પર જે મારા કરતાં વધારે પ્રેમ કરે છે, તે પણ મારે યોગ્ય નથી. જે પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ આવતો નથી તે મારે યોગ્ય નથી; જે પોતાનું જીવન બચાવે છે તે તેને ખોશે, મારે લીધે જે પોતાનું જીવન ગુમાવે છે તે તેને બચાવશે. જે તમારો આવકાર કરે છે તે મારો આવકાર કરે છે, જે મારો આવકાર કરે છે તે મારા મોકલનારનો પણ આવકાર કરે છે.

ત્યારે ઈસુએ તેઓને ઉત્તર આપતાં કહ્યું કે, "સ્વર્ગના રાજ્યના મર્મો જાણવાનું તમને આપેલું છે, પણ તેઓને આપેલું નથી.

એ માટે હું તેઓને દ્રષ્ટાંતોમાં બોલું છું; કેમ કે જોતાં તેઓ જોતાં નથી, સાંભળતાં તેઓ સાંભળતાં નથી, અને સમજતા પણ નથી; યશાયાની ભવિષ્યવાણી તેઓના સંબંધમાં પૂરી થઈ છે, જે કહે છે કે, "તમે સાંભળતાં સાંભળશો, પણ સમજશો નહિ; અને જોતાં જોશો, પણ તમને સૂઝશે નહિ. કેમ કે એ લોકોનાં મન નીરસ થઈ ગયા છે, તેઓના કાન બહેર મારી ગયા છે, તેઓએ પોતાની આંખો બંધ રાખી છે, એમ ન થાય કે, તેઓને આંખે દેખાય, તેઓ કાને સાંભળે, મનથી સમજે, પશ્ચાતાપ કરે અને હું તેઓને સાજાં કરું." પણ તમારી આંખો આશીર્વાદિત છે, કેમ કે તેઓ જુએ છે; અને તમારા કાનો આશીર્વાદિત છે, કેમ કે તેઓ સાંભળે છે. કારણ કે હું તમને નિશ્ચે કહું છું કે, તમે જે જે જુઓ છો, તે ઘણાં પ્રબોધકોએ તથા ન્યાયીઓએ જોવા ચાહ્યું, પણ જોયું નહિ; તમે જે જે સાંભળો છો તે સાંભળવા ચાહ્યું, પણ સાંભળ્યું નહિ. હવે વાવનારનું દ્રષ્ટાંત સાંભળો. 'જયારે રાજ્યનું વચન કોઈ સાંભળે છે, પણ સમજતો નથી, ત્યારે શેતાન આવીને તેના મનમાં જે વાવેલું તે છીનવી લઈ જાય છે; રસ્તાની કોરે જે બીજ વાવેલું તે એ જ છે. તથા પથ્થરવાળી જમીન પર જે બીજ વાવેલું તે એ છે કે, તે વચન સાંભળીને તરત હર્ષથી તેને સ્વીકારી લે છે; તોપણ તેના પોતામાં જડ નહિ હોવાથી તે થોડી જ વાર ટકે છે, જયારે વચનને લીધે વિપત્તિ અથવા સતાવણી આવે છે, ત્યારે તરત તે પાછા પડે છે. કાંટાનાં જાળાંમાં જે બીજ વાવેલું તે એ છે કે, તે વચન સાંભળે છે, પણ આ ભૌતિક જગતની ચિંતા તથા દ્રવ્યની માયા વચનને દબાવી નાખે છે, અને તે નિષ્ફળ થઈ જાય છે. સારી જમીન પર જે બીજ વાવેલું તે એ છે કે, તે વચન સાંભળે છે, સમજે છે, અને તેને નિશ્ચે ફળ લાગે છે, એટલે કોઈને સોગણાં, તો કોઈને સાંઠગણાં, અને કોઈને ત્રીસગણાં લાગે છે."

પણ ઈસુએ જવાબ આપતાં કહ્યું કે, 'જે રોપા મારા સ્વર્ગીય પિતાએ રોપ્યા નથી, તે દરેક ઉખેડી નંખાશે.

ત્યારે ઈસુએ ઉત્તર આપ્યો કે, 'પવિત્રશાસ્ત્ર તથા ઈશ્વરનું પરાક્રમ નહિ જાણ્યાંને લીધે તમે ભૂલ ખાઓ છો.'

ત્યારે ઈસુએ તેને કહ્યું કે, 'પ્રભુ તારા ઈશ્વર પર તું તારા પૂરા હૃદયથી, તારા પૂરા જીવથી તથા તારા પૂરા મનથી પ્રેમ કર. પહેલી અને મોટી આજ્ઞા તે જ છે. બીજી આજ્ઞા એના જેવી જ છે, એટલે જેવો સ્વયં પર તેવો પોતાના પડોશી પર તું પ્રેમ કર.' આ બે આજ્ઞાઓ સંપૂર્ણ નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોનો પાયો છે.'

સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા માટે ઈશ્વરના રાજ્યની આ સુવાર્તા આખી દુનિયામાં પ્રગટ કરાશે; ત્યારે અંત આવશે.

આકાશ તથા પૃથ્વી નાશ પામશે, પણ મારી વાતો પૂર્ણ થયા વિના રહેશે નહિ.

ઈસુએ પાસે આવીને તેઓને કહ્યું કે, 'સ્વર્ગ તથા પૃથ્વી પર સર્વ અધિકાર મને અપાયો છે.'

યોહાનની ધરપકડ કરાયા પછી ઈસુ ગાલીલમાં આવ્યા અને ઈશ્વરની સુવાર્તા પ્રગટ કરતાં તેમણે કહ્યું કે, 'સમય પૂરો થયો છે, ઈશ્વરનું રાજ્ય પાસે આવ્યું છે; પસ્તાવો કરો અને સુવાર્તા પર વિશ્વાસ કરો.'

તેમણે તેઓને કહ્યું કે, 'ઈશ્વરના રાજ્યનો મર્મ તમને અપાયો છે; પણ જેઓ બહારના છે તેઓને સઘળી વાતો દ્રષ્ટાંતોમાં અપાય છે; એ માટે કે તેઓ જોતાં જુએ, પણ જાણે નહિ; અને સાંભળતાં સાંભળે, પણ સમજે નહિ; એમ ન થાય કે તેઓ ફરે અને તેઓને પાપની માફી મળે. તે તેઓને કહે છે કે, શું તમે આ દૃષ્ટાંત સમજતા નથી? ત્યારે સર્વ દ્રષ્ટાંતો કેવી રીતે સમજશો? વાવનાર વચન વાવે છે. રસ્તાની કોર પરનાં એ છે કે જ્યાં વચન વવાય છે અને તેઓ સાંભળે છે કે તરત શેતાન આવીને તેઓમાં જે વચન વવાયેલું હતું તે લઈ જાય છે. એમ જ જેઓ પથ્થરવાળી જમીનમાં વવાયેલાં તેઓ એ છે, કે જેઓ વચન સાંભળીને તરત આનંદથી તેને માની લે છે; અને તેમના પોતાનામાં જડ હોતી નથી, એટલે થોડીવાર ટકે છે; પછી વચનને લીધે દુઃખ અથવા સતાવણી આવે છે ત્યારે તેઓ આત્મિક જીવનમાં ટકી શકતા નથી. બીજાં જેઓ કાંટાઓમાં વવાયેલાં છે તેઓ એ છે કે, જેઓએ વચન સાંભળ્યું, પણ આ ભૌતિક જગતની ચિંતાઓ, દ્રવ્યની માયા તથા બીજી વસ્તુઓનો લોભ પ્રવેશ કરીને વચનને દાબી નાખે છે; અને તે નિષ્ફળ થાય છે. જેઓ સારી જમીનમાં વવાયેલાં તેઓ એ છે કે, જેઓ વચન સાંભળે છે, અને તેને ગ્રહણ કરે છે, અને ત્રીસગણાં તથા સાંઠગણાં તથા સોગણાં ફળ આપે છે.'

પણ ઈસુ તે વાત પર ધ્યાન ન આપતાં સભાસ્થાનનાં અધિકારીને કહે છે કે, 'ગભરાઈશ નહિ, માત્ર વિશ્વાસ રાખ.'

અને એમ કરીને તમારા શીખવેલા રિવાજો વડે તમે ઈશ્વરની આજ્ઞા રદ કરો છો; અને એવાં ઘણાં કામો તમે કરો છો.'

ઈસુએ પોતાના શિષ્યો સહિત લોકોને પાસે બોલાવીને તેઓને કહ્યું કે, 'જો કોઈ મારી પાછળ આવવા ચાહે છે, તો તેણે પોતાનો નકાર કરવો અને પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલવું. કેમ કે જે કોઈ પોતાનું જીવન બચાવવા ચાહે, તે તેને ગુમાવશે; અને જે કોઈ મારે લીધે તથા સુવાર્તાને લીધે પોતાનું જીવન ગુમાવશે, તે તેને બચાવશે. કેમ કે જો માણસ આખું ભૌતિક જગત મેળવે પણ તેના જીવની હાનિ થાય, તો તેથી તેને શો લાભ થાય? વળી માણસ પોતાના જીવનને બદલે શું આપશે? કેમ કે આ બેવફા તથા પાપી પેઢીમાં જે કોઈ મારે લીધે તથા મારાં વચનોને લીધે શરમાશે, તેને લીધે માણસનો દીકરો પણ જયારે પોતાના બાપના મહિમામાં પવિત્ર સ્વર્ગદૂતોની સાથે આવશે, ત્યારે તે શરમાશે.'

ઈસુએ તેઓને કહ્યું કે, 'શું તમે આ કારણથી ભૂલ નથી કરતા, કે તમે પવિત્રશાસ્ત્ર તથા ઈશ્વરનું પરાક્રમ જાણતા નથી?

પણ પહેલાં સર્વ દેશોમાં સુવાર્તા પ્રગટ થવી જોઈએ.

આકાશ તથા પૃથ્વી નાશ પામશે, પણ મારી વાતો પૂર્ણ થયા વિના રહેશે નહિ.

ઈસુએ તેઓને કહ્યું કે, 'આખી દુનિયામાં જઈને સમગ્ર સૃષ્ટિને સુવાર્તા પ્રગટ કરો. જે કોઈ વિશ્વાસ કરે તથા બાપ્તિસ્મા લે, તે ઉદ્ધાર પામશે; પણ જે વિશ્વાસ નહિ કરે, તે અપરાધી ઠરશે.

તેઓએ ત્યાંથી જઈને બધે સ્થળે સુવાર્તા પ્રગટ કરી; અને પ્રભુ તેઓના કામમાં તેઓને સહાય કરતા અને તેઓને હાથે થયેલા ચમત્કારિક ચિહ્નોથી સુવાર્તાની સત્યતા સાબિત કરતા હતા. આમીન.

હા, તારા પોતાના જીવને તરવાર વીંધી નાખશે; એ માટે કે ઘણાં મનોની કલ્પના પ્રગટ થાય.'

ઈસુએ તેને ઉત્તર આપ્યો કે, 'એમ લખ્યું છે કે, માણસ એકલી રોટલીથી જીવશે નહિ.'

ત્યારે તેઓ તેમના બોધથી આશ્ચર્ય પામ્યા, કેમ કે તેઓ અધિકારથી બોલ્યા.

તમે મને પ્રભુ, પ્રભુ, કેમ કહો છો, અને જે હું કહું છું તે કરતા નથી? જે કોઈ મારી પાસે આવે છે, અને મારાં વચન સાંભળે છે તથા પાળે છે, તે કોનાં જેવા છે, એ હું તમને કહીશ. તે એક ઘર બાંધનાર માણસના જેવો છે, જેણે ઊંડું ખોદીને ખડક પર પાયો નાખ્યો; અને જયારે પૂર આવ્યું, ત્યારે તે ઘરને નદીનો સપાટો લાગ્યો, પણ તેને હલાવી ન શક્યો, કેમ કે તે મજબૂત બાંધેલું હતું. પણ જે મારાં વચનને સાંભળે છે પણ તે પ્રમાણે કરતો નથી તે આ માણસના જેવો છે કે જેણે પાયો નાખ્યા વિના જમીન પર ઘર બાધ્યું; અને તે નદીમાં પૂર આવ્યું અને તે ઘરને તરત પડી ગયું; અને તે ઘરનો સંપૂર્ણ નાશ થયો.'

ઈસુએ કહ્યું કે, 'ઈશ્વરના રાજ્યના મર્મ જાણવાનું તમને આપેલું છે, પણ બીજાઓને દ્રષ્ટાંતોમાં, કે જેથી જોતાં તેઓ જુએ નહિ, ને સાંભળતાં તેઓ સમજે નહિ. હવે દ્રષ્ટાંતનો અર્થ આ છે; બીજ તો ઈશ્વરનું વચન છે. અને માર્ગની કોર પરનાં તો સાંભળનારાં માણસો છે; પછી શેતાન આવીને તેઓનાં મનમાંથી સંદેશ લઈ જાય છે, એમ જ થાય કે તેઓ વિશ્વાસ કરીને ઉદ્ધાર પામે. પથ્થર પર પડેલાં બીજ તો એ છે કે, જેઓ સાંભળીને સંદેશને આનંદથી માની લે છે; અને તેઓને મૂળ કે આધાર ન હોવાથી, તેઓ થોડીવાર સુધી વિશ્વાસ કરે છે, પણ પરીક્ષણના સમયે પાછા હઠી જાય છે. કાંટાઓમાં પડેલાં બી એ છે કે, જેઓએ સંદેશ સાંભળ્યો છે, પણ પોતાને માર્ગે ચાલતાં ભૌતિક જગતની ચિંતાઓ, દ્રવ્યની માયા તથા વિલાસથી તે દબાઈ જાય છે, અને તેઓને પાકું ફળ આવતું નથી. અને સારી જમીનમાં પડેલાં એ છે કે, જેઓ સંદેશો સાંભળીને પ્રમાણિક તથા સારાં હૃદયથી વાત ગ્રહણ કરે છે, અને ધીરજથી ફળ આપે છે.

પણ તેમણે ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, 'આ જેઓ ઈશ્વરનાં વચનને સાંભળે છે તથા પાળે છે તેઓ મારાં મા તથા ભાઈઓ છે.'

ઈસુએ બધાને કહ્યું કે, 'જો કોઈ મારી પાછળ આવવા ચાહે, તો તેણે પોતાનો નકાર કરવો, અને રોજ પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલવું. કેમ કે જે કોઈ પોતાનું જીવન બચાવવા ચાહે છે, તે તેને ગુમાવશે; પણ જે કોઈ મારે લીધે પોતાનું જીવન ગુમાવશે, તે તેને બચાવશે. જો કોઈ માણસ આખું ભૌતિક જગત જીતે પણ પોતાની જાતને ખોઈ બેસે અથવા તેને હાનિ પહોંચવા દે તો તેને શો લાભ? કેમ કે જે કોઈ મારે લીધે તથા મારાં વચનોને લીધે શરમાશે, તેને લીધે માણસનો દીકરો જયારે પોતે પોતાના તથા બાપના તથા પવિત્ર સ્વર્ગદૂતોનાં મહિમામાં આવશે ત્યારે શરમાશે.

ઈસુએ બીજાને કહ્યું કે, 'મારી પાછળ આવ.' પણ તેણે કહ્યું કે, 'પ્રભુ મને રજા આપ કે હું જઈને પહેલાં મારા પિતાને દફનાવીને આવું.' પણ તેમણે કહ્યું કે, 'મરણ પામેલાંઓને પોતાનાં મરણ પામેલાંઓને દફનાવવા દો. પણ તું જઈને ઈશ્વરના રાજ્યની વાત પ્રગટ કર.' અને બીજાએ પણ કહ્યું કે, 'હે પ્રભુ, હું તમારી પાછળ આવીશ; પણ પહેલાં જે મારે ઘરે છે તેઓને છેલ્લી સલામ કરી આવવાની મને રજા આપો.' પણ ઈસુએ તેને કહ્યું કે, 'કોઈ માણસ હળ ઉપર હાથ મૂક્યા પછી પાછળ જુએ તો તે ઈશ્વરના રાજ્યને યોગ્ય નથી.'

પણ ઈસુએ કહ્યું હા, પણ તે કરતા જેઓ ઈશ્વરનું વચન સાંભળે છે અને પાળે છે તે આશીર્વાદિત છે.'

એક માણસે ઈસુને પૂછ્યું કે, 'પ્રભુ, ઉદ્ધાર પામનાર લોકો થોડા છે શું?' પછી ઈસુએ તેઓને કહ્યું કે, 'સાંકડા દરવાજામાં થઈને પ્રવેશ કરવા કષ્ટ કરો, કારણ, હું તમને કહું છું કે ઘણાં અંદર પ્રવેશ કરવા માગશે, પણ અંદર પ્રવેશી શકશે નહિ.

'જો કોઈ મારી પાસે આવે, અને પોતાનાં માતાનો અને પિતાનો, પત્નીનો, બાળકોનો, ભાઈઓનો તથા બહેનોનો, હા, પોતાના જીવનો પણ દ્રેષ ન કરે, તો તે મારો શિષ્ય થઈ શકતો નથી. જે કોઈ પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ આવતો નથી, તે મારો શિષ્ય થઈ શકતો નથી.

નિયમશાસ્ત્ર તથા પ્રબોધકો યોહાનના સમય સુધી હતા; તે સમયથી ઈશ્વરના રાજ્યની સુવાર્તા પ્રગટ કરાય છે, અને દરેક માણસ તેમાં જબરદસ્તીથી પ્રવેશવા મથે છે. પણ નિયમશાસ્ત્રની એક પણ માત્રા રદ થાય, તે કરતાં આકાશ તથા પૃથ્વીને જતું રહેવું સહેલ છે.

પણ ઇબ્રાહિમે કહ્યું, તેઓની પાસે મૂસા (નું નિયમશાસ્ત્ર) તથા પ્રબોધકો છે; તેઓનું તેઓ સાંભળે. અને તેણે કહ્યું કે, પિતા ઇબ્રાહિમ, એમ નહિ, પણ જો કોઈ મૃત્યુમાંથી [સજીવન પામીને] તેઓની પાસે જાય, તો તેઓ પસ્તાવો કરે. અને તેણે [ઇબ્રાહિમે] તેને કહ્યું કે, જો તેઓ મૂસા (નું નિયમશાસ્ત્ર) તથા પ્રબોધકોનું નહિ સાંભળે, તો પછી મૃત્યુ પામેલાઓમાંથી કોઈ ઊઠીને જાય, તોપણ તેઓ માનવાના નથી.'

આકાશ તથા પૃથ્વી નાશ પામશે, પણ મારી વાતો પૂર્ણ થયા વિના રહેશે નહિ.

તેમણે તેઓને કહ્યું કે, "ઓ મૂર્ખાઓ તથા પ્રબોધકોએ જે કહ્યું છે, તે સર્વ પર વિશ્વાસ કરવામાં મંદબુદ્ધિનાઓ!

મૂસા (ના નિયમશાસ્ત્રથી) તથા સઘળા પ્રબોધકોથી માંડીને તેમણે બધા પવિત્રશાસ્ત્રમાંથી પોતાના સંબંધીની વાતોનો ખુલાસો કરી બતાવ્યો.

ઈસુએ તેઓને કહ્યું કે, 'હું તમારી સાથે હતો, ત્યારે મેં એ વાતો તમને કહી હતી કે, જે મોઝિસના નિયમશાસ્ત્રમાં તથા પ્રબોધકોના પુસ્તકોમાં તથા ગીતશાસ્ત્રમાં મારા સંબંધી લખ્યું છે તે બધું પૂરું થવું જોઈએ.' ત્યારે પવિત્રશાસ્ત્ર સમજવા સારુ ઈસુએ તેઓનાં મન ખોલ્યાં.

પ્રારંભમાં શબ્દ હતા. તે ઈશ્વરની સાથે હતા. તે (ઈસુ) ઈશ્વર હતા.

નિયમશાસ્ત્ર મૂસા દ્વારા આપવામાં આવ્યું; પણ કૃપા તથા સત્યતા ઈસુ ખ્રિસ્ત દ્વારા આવ્યાં.

માટે જયારે તેમને મૃત્યુમાંથી સજીવન કરવામાં આવ્યા, ત્યારે તેમના શિષ્યોને યાદ આવ્યું કે, તેમણે તેઓને એ કહ્યું હતું; અને તેઓએ શાસ્ત્રવચન પર તથા ઈસુએ કહેલા વચન પર વિશ્વાસ કર્યો.

જો મેં તમને પૃથ્વી પરની વાતો કહી, છતાં તમે વિશ્વાસ કરતા નથી, તો હું તમને સ્વર્ગમાંની વાતો કહું તો તમે કેવી રીતે વિશ્વાસ કરશો?

કેમ કે ઈશ્વરે માનવજગત પર એટલો બધો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનો એક દીકરો આપ્યો, એ સારુ કે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંતજીવન પામે. કેમ કે માનવજગતને દોષિત ઠરાવવા માટે નહિ, પણ તેમનાંથી માનવજગતનો ઉદ્ધાર થાય, માટે ઈશ્વરે પોતાના દીકરા ઈસુને દુનિયામાં મોકલ્યા છે. તેમના પર જે વિશ્વાસ કરે છે, તે અપરાધી ઠરતો નથી; પણ જે વિશ્વાસ નથી કરતો, તે અપરાધી ગણાઈ ચૂક્યો છે, કેમ કે ઈશ્વરના એકનાએક દીકરા ઈસુના નામ પર તેણે વિશ્વાસ કર્યો નથી.

જેને ઈશ્વરે મોકલ્યા છે તે ઈશ્વરનાં શબ્દો બોલે છે; કેમ કે તેઓ માપથી આત્મા નથી આપતા.

દીકરા પર જે વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે; પણ દીકરા વિષે ન સમજનાર જીવન નહિ જોશે, પણ તેના પર ઈશ્વરનો કોપ રહે છે.'

ઈશ્વર આત્મા છે અને જેઓ તેમને ભજે છે, તેઓએ આત્માથી તથા સચ્ચાઈથી તેમનું ભજન કરવું જોઈએ.'

હું તમને નિશ્ચે કહું છું કે, જે મારાં વચન સાંભળે છે અને મને મોકલનાર પર વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે; તે અપરાધી ઠરશે નહિ, પણ તે મૃત્યુમાંથી નીકળીને જીવનમાં આવ્યો છે. હું તમને ખાતરીપૂર્વક કહું છું કે, એવો સમય આવે છે અને હમણાં આવી ચૂક્યો છે કે, જયારે મૃત્યુ પામેલાંઓ ઈશ્વરના દીકરા ઈસુનાં વચન સાંભળશે અને સાંભળનારાંઓ જીવશે.

તેમના વચન તમારામાં રહેલાં નથી; કેમ કે જેને તેમણે મોકલ્યો, તેના પર તમે વિશ્વાસ કરતા નથી. તમે પવિત્રશાસ્ત્ર તપાસી જુઓ છો, કેમ કે તેઓથી તમને અનંતજીવન છે, એમ તમે ધારો છો; અને મારે વિષે સાક્ષી આપનાર તે એ જ છે.

જે જીવાડે છે તે આત્મા છે; શરીરથી કંઈ લાભ થતો નથી. જે બાબતો મેં તમને કહી છે, તે આત્મા તથા જીવન છે.

માટે મેં તમને કહ્યું કે, તમે તમારાં પાપોમાં મરશો; કેમ કે તે હું છું, એવો જો તમે વિશ્વાસ નહિ કરો, તો તમે તમારાં પાપોમાં મરશો.'

તેથી જે યહૂદીઓએ તેમના પર વિશ્વાસ કર્યો હતો, તેઓને ઈસુએ કહ્યું કે, 'જો તમે મારા વચનમાં રહો, તો નિશ્ચે તમે મારા શિષ્યો છો; અને તમે સત્યને જાણશો અને સત્ય તમને મુક્ત કરશે.'

મારું બોલવું તમે કેમ સમજતા નથી? મારું વચન તમે સાંભળી શકતા નથી તે કારણથી. તમે તમારા પિતા શેતાનના છો અને તમારા પિતાની દુર્વાસના પ્રમાણે તમે કરવા ચાહો છો. તે પ્રથમથી મનુષ્યઘાતક હતો અને તેનામાં સત્ય નથી, તેથી તે સત્યમાં સ્થિર રહ્યો નહિ; જયારે તે જૂઠું બોલે છે, ત્યારે તે પોતાથી જ બોલે છે, કેમ કે તે જૂઠો અને જૂઠાનો પિતા છે. પણ હું સત્ય કહું છું, તેથી તમે મારું માનતા નથી. તમારામાંનો કોણ મારા પર પાપ સાબિત કરે છે? જો હું સત્ય કહું છું, તો તમે શા માટે મારું માનતા નથી? જે ઈશ્વરનો છે, તે ઈશ્વરનાં શબ્દો સાંભળે છે; તમે ઈશ્વરના નથી, માટે તમે સાંભળતાં નથી.'

હું તમને ખાતરીપૂર્વક કહું છું કે, જો કોઈ મારું વચન (શબ્દ) પાળે, તો તે કદી મૃત્યુ પામશે નહિ.

તોપણ તમે વિશ્વાસ કરતા નથી, કેમ કે તમે મારાં ઘેટાં નથી. મારાં ઘેટાં મારો અવાજ સાંભળે છે, હું તેઓને ઓળખું છું અને તેઓ મારી પાછળ આવે છે.

જેઓની પાસે ઈશ્વરનું વચન આવ્યું, તેઓને જો તેમણે દેવો કહ્યાં (તેથી શાસ્ત્રવચનનો ભંગ થતો નથી),

જે પોતાના જીવ સાચવે છે, તે તેને ગુમાવે છે; જે આ જગતમાં પોતાના જીવ પર દ્વેષ કરે છે, તે અનંતજીવનને સારુ તેને બચાવી રાખશે. જો કોઈ મારી સેવા કરતો હોય, તો તેણે મારી પાછળ ચાલવું; અને જ્યાં હું છું, ત્યાં મારો સેવક પણ રહેશે; જો કોઈ મારી સેવા કરતો હોય, તો બાપ તેને માન આપશે.

ઈસુએ આટલાં બધાં ચમત્કારિક ચિહ્નો તેઓના દેખતા કર્યાં હતાં, તોપણ તેઓએ તેમના પર વિશ્વાસ કર્યો નહિ. એ માટે કે યશાયા પ્રબોધકનું વચન પૂરું થાય કે, 'પ્રભુ, અમને જે કહેવામાં આવ્યું તે પર કોણે વિશ્વાસ કર્યો છે? પ્રભુનો હાથ કોની સમક્ષ પ્રગટ થયો છે?' તે માટે તેઓ વિશ્વાસ કરી ન શક્યા, કેમ કે વળીપાછું યશાયા પ્રબોધકે કહ્યું હતું કે, 'તેઓ આંખોથી દેખે નહિ, અંતઃકરણથી સમજે નહિ, પાછા ફરે નહિ, હું તેઓને સારા કરું નહિ, એ માટે તેમણે તેઓની આંખો અંધ કરી છે. અને તેઓનાં મન જડ કર્યા છે.' યશાયાએ તેમનો મહિમા જોયો હતો તેણે એ વાતો જણાવી; અને તે તેમના વિષે બોલ્યો. તોપણ અધિકારીઓમાંના પણ ઘણાંએ તેમના પર વિશ્વાસ કર્યો; પણ રખેને ફરોશીઓ અમને સભાસ્થાનમાંથી કાઢી મૂકે, [એ બીકથી] તેઓએ તેમને જાહેરમાં કબૂલ કર્યા નહિ. કેમ કે ઈશ્વરના તરફથી થતી પ્રશંસા કરતાં તેઓ માણસો તરફથી થતી પ્રશંસા વધારે ચાહતાં હતા.

જે મારો ઇનકાર કરે છે અને મારી વાતો સ્વીકારતો નથી, તેનો ન્યાય કરનાર એક છે; જે વાત મેં કહી છે, તે જ અંતિમ દિવસે તેનો ન્યાય કરશે.

કેમ કે મેં પોતાના તરફથી નથી કહ્યું, પણ મારે શું કહેવું, તથા મારે શું બોલવું, એ વિષે પિતા જેમણે મને મોકલ્યો છે તેમણે મને આજ્ઞા આપી છે. તેમની આજ્ઞામાં અનંતજીવન છે, એ હું જાણું છું; તે માટે હું જે કંઈ બોલું છું, તે જેવું પિતાએ મને કહ્યું છે તેવું જ બોલું છું.

ઈસુ તેને કહે છે કે, 'માર્ગ, સત્ય તથા જીવન હું છું; મારા આશ્રય વિના પિતાની પાસે કોઈ આવતું નથી.

જો તમે મારા પર પ્રેમ કરતા હો તો મારી આજ્ઞાઓ પાળશો.

જેની પાસે મારી આજ્ઞાઓ છે અને જે તેઓને પાળે છે, તે જ મારા પર પ્રેમ રાખે છે; અને જે મારા પર પ્રેમ રાખે છે તેના પર મારા પિતા પ્રેમ રાખશે અને હું તેના પર પ્રેમ રાખીશ અને તેની આગળ હું પોતાને પ્રગટ કરીશ.'

ઈસુએ જવાબ આપ્યો કે, 'જો કોઈ મારા પર પ્રેમ રાખતો હશે, તો તે મારું વચન પાળશે; અને મારા પિતા તેના પર પ્રેમ રાખશે; અને અમે તેની પાસે આવીને તેની સાથે રહીશું. જે મારા પર પ્રેમ રાખતો નથી તે મારા વચનોનું પાલન કરતો નથી. જે વચન તમે સાંભળો છો તે મારા નથી, પણ જે પિતાએ મને મોકલ્યો છે તેના છે.

જો તમે મારામાં રહો; અને મારાં વચનો તમારામાં રહે, તો જે કંઈ તમે ચાહો તે માગો, એટલે તે તમને મળશે.

તોપણ જયારે સત્યનો આત્મા આવશે, ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે; કેમ કે તે પોતાના તરફથી કહેશે નહિ; પણ જે કંઈ તે સાંભળશે તે જ તે કહેશે; અને જે જે થવાનું છે તે તમને કહી બતાવશે.

તમારાં વચનો મેં તેઓને આપ્યાં છે; માનવજગતે તેઓનો દ્વેષ કર્યો છે કેમ કે જેમ હું જગતનો નથી તેમ તેઓ આ જગતના નથી.

સત્યથી તેઓને પવિત્ર કરો; તમારું વચન સત્ય છે.

તેથી પિલાતે ઈસુને પૂછ્યું કે, 'ત્યારે શું તું રાજા છે?' ઈસુએ ઉત્તર આપ્યો કે, 'તું કહે છે કે હું રાજા છું.' એ જ માટે હું જન્મ્યો છું; અને એ જ માટે હું આ દુનિયામાં આવ્યો છું, જેથી હું સત્ય વિષે સાક્ષી આપું; સર્વ જે સત્યનો છે, તે મારી વાણી સાંભળે છે.'

પણ પિતર તથા પ્રેરિતોએ ઉત્તર આપ્યો કે, માણસોના કરતાં અમારે ઈશ્વરનું વધારે માનવું જોઈએ.

ત્યારે પાઉલે તથા બાર્નાબાસે હિંમતથી કહ્યું કે, 'ઈશ્વરનું વચન પ્રથમ તમને કહેવાની જરૂર હતી. પણ તમે તેનો નકાર કરો છો અને અનંતજીવન પામવાને પોતાને અયોગ્ય ઠરાવો છો, માટે, જુઓ, અમે બિનયહૂદીઓ તરફ ફરીએ છીએ.

થેસ્સાલોનિકાના લોક કરતા તેઓ અધિક ગુણવાન હતા, કેમ કે તેઓ મનની પૂરી આતુરતાથી વચનોનો અંગીકાર કરીને, એ વચનો એમ જ છે કે નહિ, એ વિષે નિત્ય પવિત્રશાસ્ત્ર તપાસતા હતા.

પણ કેટલાકે મનમાં કઠણ થઈને, તથા પ્રભુની વાતનો અનાદર કરીને, લોકોની આગળ એ માર્ગની નિંદા કરી, ત્યારે તેણે તેઓની પાસેથી જઈને શિષ્યોને જુદા પાડ્યાં અને તે તુરાનસના સભાગૃહમાં રોજ ઉપદેશ આપતો રહ્યો.

હું જાણું છું કે, મારા ગયા પછી ટોળા પર દયા નહિ કરે એવા ક્રૂર વરુઓ તમારામાં દાખલ થશે; તમારા પોતાનામાંથી પણ કેટલાક માણસો ઊભા થશે. અને શિષ્યોને પોતાની પાછળ ખેંચી લઈ જવા માટે ગૂંચવણ ભરેલી વાતો કહેશે. માટે જાગતા રહો, અને યાદ રાખો કે ત્રણ વર્ષ સુધી રાતદિવસ આંસુઓ પાડીને દરેકને ઉપદેશ આપવાનું હું ચૂક્યો નથી.

તું એ લોકની પાસે જઈને કહે કે, તમે સાંભળ્યાં કરશો પણ સમજશો નહિ, અને જોયા કરશો પણ તમને સૂઝશે નહિ. કેમ કે એ લોકોનાં મન જડ થઈ ગયા છે, તેઓના કાન બહેર મારી ગયા છે, તેઓએ પોતાની આંખો બંધ કરેલી છે, કદાપિ તેઓને આંખે દેખાય, તેઓ કાને સાંભળે, મનથી સમજે અને ફરે અને હું તેઓને સાજાં કરું.

પ્રેરિત થવા સારુ તેડાયેલો અને ઈશ્વરની સુવાર્તા માટે અલગ કરાયેલો ઈસુ ખ્રિસ્તનો સેવક પાઉલ, રોમમાં રહેતા, ઈશ્વરના વહાલા અને પવિત્ર થવા સારુ પસંદ કરાયેલા સર્વ લોકોને લખે છે જે સુવાર્તા વિષે ઈશ્વરે પોતાના પ્રબોધકોની મારફતે પવિત્રશાસ્ત્રમાં અગાઉથી આશાવચન આપ્યું હતું;

ખ્રિસ્તની સુવાર્તા વિષે હું શરમાતો નથી; કારણ કે તે દરેક વિશ્વાસ કરનારનાં ઉદ્ધારને માટે ઈશ્વરનું સામર્થ્ય છે, પ્રથમ યહૂદીને અને પછી ગ્રીકને માટે. કેમ કે તેમાં ઈશ્વરનું ન્યાયીપણું પ્રગટ થયેલું છે, તે ન્યાયીપણું વિશ્વાસથી છે અને વિશ્વાસને અર્થે છે; જેમ લખેલું છે તેમ, 'ન્યાયી વિશ્વાસથી જીવશે.' કેમ કે જે મનુષ્યો દુષ્ટતાથી સત્યને દબાવી રાખે છે તેઓની સર્વ વિધ્રોહ અને અન્યાય પર સ્વર્ગમાંથી ઈશ્વરનો કોપ પ્રગટ થયેલો છે. કારણ કે ઈશ્વર વિષે જે જાણી શકાય તે તેઓમાં પ્રગટ કરાયેલું છે; ઈશ્વરે તેઓને પ્રગટ કર્યું છે. તેમની અદ્રશ્ય બાબતો, એટલે તેમનું અનંતકાળિક સામર્થ્ય અને ઈશ્વરીય સ્વભાવ સૃષ્ટિની ઉત્પત્તિના સમયથી સૃજેલી વસ્તુઓ ધ્યાનમાં લેવાથી સ્પષ્ટ જણાય છે. તેથી તેઓ બહાના વગરનાં છે. કારણ કે ઈશ્વરને ઓળખીને તેઓએ તેમને ઈશ્વર તરીકે મહિમા આપ્યો નહિ કે આભાર માન્યો નહિ, પણ તેઓના તર્કવિર્તકોમાં મૂર્ખ બન્યા અને તેઓનાં નાસમજ મન અંધકારમય થયાં. પોતે બુદ્ધિવાન છીએ એવો દાવો કરતાં તેઓ મૂર્ખ થયા;

તો પછી યહૂદીની વિશેષતા શી છે? અને સુન્નતથી શો લાભ છે? સર્વ પ્રકારે ઘણાં લાભ છે. પ્રથમ તો એકે, ઈશ્વરનાં વચનો તેઓને સોંપવામાં આવ્યાં હતાં. અને જો કેટલાક અવિશ્વાસી હતા તો શું? તેઓનો અવિશ્વાસ શું ઈશ્વરના વિશ્વાસુપણાને નિરર્થક કરે? ના, એવું ન થાય; હા, દરેક મનુષ્ય જૂઠું ઠરે તોપણ ઈશ્વર સાચા ઠરો; જેમ લખેલું છે કે, 'તમે પોતાનાં વચનોમાં ન્યાયી ઠરો, અને તમારો ન્યાય કરવામાં આવે ત્યારે તમારો વિજય થાય.'

જેમ શાસ્ત્રમાં લખેલું છે તેમ કે; 'કોઈ ન્યાયી નથી, એક પણ નથી; સમજનાર અને ઈશ્વરને શોધનાર કોઈ નથી;

ત્યારે શું અમે વિશ્વાસથી નિયમશાસ્ત્રને રદબાતલ કરીએ છીએ? ના, એવું ન થાઓ, તેથી ઊલટું અમે તો નિયમશાસ્ત્રને પ્રસ્થાપિત કરીએ છીએ.

પણ હમણાં જેમાં આપણે બંધાયા હતા તેમાં આપણું મૃત્યુ થયાથી નિયમશાસ્ત્રથી મુક્ત થયા છીએ. તેથી નિયમશાસ્ત્રની જૂની રીતથી નહિ, પણ આત્માની નવી રીતથી સેવા કરીએ.

તે માટે નિયમશાસ્ત્ર તો પવિત્ર છે અને આજ્ઞા પવિત્ર, ન્યાયી તથા હિતકારી છે.

આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વરની આભારસ્તુતિ કરું છું, તે માટે હું પોતે મનથી ઈશ્વરના નિયમશાસ્ત્રની, પણ દેહથી પાપના સિદ્ધાંતની, સેવા કરું છું.

કારણ કે દૈહિક મન ઈશ્વર સાથે વૈર છે, કેમ કે તે ઈશ્વરના નિયમશાસ્ત્રને આધીન નથી અને થઈ શકતું પણ નથી.

વળી તેઓને મોકલ્યા વગર તેઓ કેવી રીતે ઉપદેશ કરી શકે? 'જેમ લખ્યું છે કે, શુભસંદેશ સંભળાવનારનાં પગલાં કેવાં સુંદર છે!' પણ બધાએ તે સુવાર્તા માની નહિ; કેમ કે યશાયા કહે છે કે, 'હે પ્રભુ, અમારા સંદેશા પર કોણે વિશ્વાસ કર્યો છે?' આમ, સંદેશો સાંભળવાથી વિશ્વાસ થાય છે તથા ખ્રિસ્તનાં વચન દ્વારા સંદેશો સાંભળવામાં આવે છે,

જેમ લખેલું છે તેમ કે, 'ઈશ્વરે તેઓને આજદિન સુધી મંદબુદ્ધિનો આત્મા, જોઈ ન શકે તેવી આંખો તથા સાંભળી ન શકે તેવા કાન આપ્યા છે.

કેમ કે જેટલું અગાઉ લખેલું હતું, તે આપણને શિખામણ મળે તે માટે લખવામાં આવ્યું હતું કે, ધીરજથી તથા પવિત્રશાસ્ત્રમાંના દિલાસાથી આપણે આશા રાખીએ.

હવે, હે ભાઈઓ, હું તમને વિનંતી કરું છું કે, જે બોધ તમને મળ્યો છે તેથી વિરુદ્ધ જેઓ તમારામાં ફૂટ પાડે છે અને ઠોકરરૂપ થાય છે, તેઓને ધ્યાનમાં રાખીને તમે તેઓનાથી દૂર રહો. કેમ કે એવા માણસો આપણા પ્રભુ ખ્રિસ્તની નહિ, પણ પોતાના પેટની સેવા કરે છે; અને મીઠીમીઠી વાતો તથા ખુશામતથી ભોળા માણસોનાં મન ભમાવે છે.

કેમ કે નાશ પામનારાઓને તો વધસ્તંભની વાત મૂર્ખતા [જેવી લાગે] છે; પણ અમો ઉદ્ધાર પામનારાઓને તો તે ઈશ્વરનું સામર્થ્ય છે.

જેઓ અનુભવી છે તેઓની સાથે અમે જ્ઞાનની વાત કરીએ છીએ; પણ તે આ જમાનાનું જ્ઞાન નહિ, તથા આ જમાનાનાં નાશ પામનાર અધિકારીઓનું [જ્ઞાન] પણ નહિ; પણ ઈશ્વરનું [જ્ઞાન], એટલે જે ગુપ્ત રખાયેલું જ્ઞાન સૃષ્ટિના આરંભ પૂર્વેથી ઈશ્વરે આપણા મહિમાને સારુ નિર્માણ કર્યું હતું, તેમની વાત અમે મર્મમાં બોલીએ છીએ.

તે જ અમે બોલીએ છીએ. માનવી જ્ઞાને શીખવેલી ભાષામાં નહિ, પણ પવિત્ર આત્માએ શીખવેલી ભાષામાં; આત્મિક બાબતોને આત્મિક ભાષાથી સમજાવીએ છીએ. સાંસારિક માણસ ઈશ્વરના આત્માની વાતોનો સ્વીકાર કરતું નથી; કેમ કે તે વાતો તેને મૂર્ખતા જેવી લાગે છે; અને તે આત્મિક રીતે સમજાય છે, તેથી તે તેમને સમજી શકતું નથી. પણ જે માણસ આત્મિક છે તે સર્વને પારખે છે, પણ પોતે કોઈથી પરખાતો નથી.

સુન્નત તો કંઈ નથી, અને બેસુન્નત પણ કંઈ નથી, પણ ઈશ્વરની આજ્ઞાઓનું પાલન તે જ [બધું છે].

હવે ભાઈઓ અને બહેનો, જે સુવાર્તા મેં તમને પ્રગટ કરી છે, જેને તમે પણ સ્વીકારી છે અને જેમાં તમે સ્થિર પણ રહ્યા છો, જે વચનો મેં તમારી સમક્ષ પ્રગટ કર્યાં છે તેને તમે અનુસરો છો અને કાલ્પનિક વિશ્વાસ કરો નહિ તો જ તમે ઉદ્ધાર પામો છો, તે સુવાર્તા હું તમને જણાવું છું.

જો કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર પ્રેમ કરતો ન હોય, તો તે શાપિત થાઓ.

કેમ કે જેઓ ઉદ્ધાર પામે છે તેઓમાં, તથા નાશ પામે છે તેઓમાં, અમે ઈશ્વરની આગળ ખ્રિસ્તની સુગંધ છીએ. મૃત્યુ પામેલાઓને સારુ અમે મરણની દુર્ગંધરૂપ અને જીવંતને સારું જીવનની દુર્ગંધરૂપ છીએ; તો એ કાર્યોને સારુ કોણ યોગ્ય છે?

તેમણે પણ અમને નવા કરારના, એટલે અક્ષરના નહિ પણ આત્માના, યોગ્ય સેવકો કર્યા, કેમ કે અક્ષર મારી નાખે છે, પણ આત્મા જીવાડે છે. અને મરણની સેવા જેનાં અક્ષરો પથ્થરો પર કોતરેલા હતા; તે જો એટલી ગૌરવવાળી હતી કે ઇઝરાયલી લોકો મૂસાના મુખ પરનું તેજ જે ટળી જનારું હતું તે તેજને લીધે તેના મુખ પર ધારીને જોઈ શક્યાં નહિ. તો તે કરતાં આત્માની સેવા વધતી મહિમાવાન કેમ ન હોય? કેમ કે જો દંડાજ્ઞાની સેવાનો મહિમા હતો, તો ન્યાયીપણાની સેવા મહિમામાં કેટલી બધી અધિક છે!

પણ શરમજનક ગુપ્ત વાતોને નકારીને અમે કાવતરાં કરતા નથી, અને ઈશ્વરની વાતમાં કપટ કરતા નથી; પણ સત્ય પ્રગટ કર્યાથી ઈશ્વરની આગળ અમે પોતાના વિશે સર્વ માણસોના અંતઃકરણમાં ખાતરી કરી આપીએ છીએ. પણ જો અમારી સુવાર્તા ગુપ્ત રહેલી હોય તો તે નાશ પામનારાઓને સારુ જ ગુપ્ત રખાયેલી છે; જેઓમાં આ જગતના દેવે અવિશ્વાસીઓના મન અંધ કર્યાં છે, એ સારુ કે ખ્રિસ્ત જે ઈશ્વરની પ્રતિમા છે, તેમના મહિમાની સુવાર્તાનાં અજવાળાનો ઉદય તેઓ પર ન થાય.

પણ મને ડર લાગે છે કે, જેમ સર્પે પોતાના કપટથી હવાને છેતરી, તેમ ખ્રિસ્ત પ્રત્યેના નિખાલસ તથા પવિત્ર ભક્તિભાવમાંથી તમારાં મન ફેરવી દેવાય.

કેમ કે એવા માણસો જૂઠા પ્રેરિતો, કપટી કાર્યકર્તાઓ અને ખ્રિસ્તનાં પ્રેરિતોનો વેશ ધરનારા છે. આમાં કંઈ આશ્ચર્ય નથી, કેમ કે શેતાન પોતે પ્રકાશના સ્વર્ગદૂતનો વેશ ધરે છે;

કેમ કે સત્યની વિરુદ્ધ અમે કંઈ કરી શકતા નથી પણ સત્યનાં સમર્થન માટે કરીએ છીએ.

મને એ વાતનું આશ્ચર્ય થાય છે કે, જેમણે તમને ખ્રિસ્તની કૃપા દ્વારા તેડાવ્યાં, તેમની પાસેથી તમે આટલા બધા વહેલા જુદી સુવાર્તા તરફ વળી ગયા છો. એ કોઈ બીજી સુવાર્તા નથી, પણ કેટલાક તમને હેરાન કરે છે અને ખ્રિસ્તની સુવાર્તા ઉલટાવી નાખવા ચાહે છે. પણ જે સુવાર્તા અમે તમને પ્રગટ કરી, તે સિવાય બીજી કોઈ સુવાર્તા, જો અમે અથવા કોઈ સ્વર્ગદૂત પણ તમને પ્રગટ કરે, તો તે શાપિત થાઓ. જેમ અમે પહેલાં કહ્યું હતું, તેમ હમણાં હું ફરીથી કહું છું, કે જે સુવાર્તા તમે પ્રાપ્ત કરી, તે સિવાય બીજી સુવાર્તા જો કોઈ તમને પ્રગટ કરે, તો તે શાપિત થાઓ.

તેઓને અમે એક ઘડીભર પણ આધીન થયા નહિ, કે જેથી સુવાર્તાનું સત્ય તમારામાં ચાલુ રહે.

કેમ કે જેટલાં નિયમશાસ્ત્રનાં કાર્યો કરનારા છે તેટલાં શાપ નીચે છે, કેમ કે એમ લખ્યું છે કે, 'નિયમશાસ્ત્રના પુસ્તકમાં જે આજ્ઞાઓ લખેલી છે તે બધી જે પાલન કરતો નથી, તે શાપિત છે.'

ખ્રિસ્તે આપણા વતી શાપિત થઈને, નિયમશાસ્ત્રના શાપથી આપણને છોડાવી લીધા, કેમ કે લખેલું છે કે, 'જે કોઈ ઝાડ પર ટંગાયેલો છે, તે શાપિત છે;' એ માટે કે ઇબ્રાહિમનો આશીર્વાદ ખ્રિસ્ત ઈસુમાં બિનયહૂદીઓને મળે અને આપણે પવિત્ર આત્મા વિષેનું વચન વિશ્વાસથી પામીએ.

હવે ઇબ્રાહિમને તથા તેનાં સંતાનને વચનો કહેવામાં આવ્યા હતાં અને તેનાં સંતાનોને જાણે ઘણાં વિષે ઈશ્વર કહેતાં નથી; પણ 'તારા સંતાનને', એમ એક વિષે [કહે છે] તે તો ખ્રિસ્ત છે.

એમ આપણને ખ્રિસ્તની પાસે પહોંચાડવા સારુ નિયમશાસ્ત્ર આપણો બાળશિક્ષક હતું કે જેથી આપણે વિશ્વાસથી ન્યાયી ઠરીએ.

ત્યારે શું તમને સાચું કહેવાને લીધે હું તમારો દુશ્મન થયો છું?

આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં ઈશ્વર, મહિમાવાન પિતા, પોતાના વિષેના જ્ઞાનને સારુ બુદ્ધિનો તથા પ્રકટીકરણનો આત્મા તમને આપે; અને તમારાં અંતર્નયનો પ્રકાશિત થઈ ગયા હોવાથી તેમના આમંત્રણની આશા અને સંતોમાં તેમના વારસાના મહિમાની સંપત્તિ શી છે,

જેથી હવે આપણે બાળકોના જેવા માણસોની ઠગાઈથી, ભ્રમણામાં નાખવાની કાવતરાંભરેલી યુક્તિથી, દરેક ભિન્ન ભિન્ન મતરૂપી પવનથી ડોલાં ખાનારા તથા આમતેમ ફરનારા ન થઈએ.

એ સારુ કે વચન વડે જળસ્નાનથી શુદ્ધ કરીને, [ખ્રિસ્ત વિશ્વાસી સમુદાયને] પવિત્ર કરે,

અને ઉદ્ધારનો ટોપ તથા આત્માની તરવાર, જે ઈશ્વરનું વચન છે, તે લો.

વળી હું એવી પ્રાર્થના કરું છું કે, જ્ઞાનમાં તથા સર્વ વિવેકબુદ્ધિમાં તમારો પ્રેમ ક્રમે ક્રમે વધતો જાય; જેથી જે શ્રેષ્ઠ છે તે તમે પારખી લો અને એમ તમે ખ્રિસ્તનાં દિવસ સુધી નિષ્કલંક તથા નિર્દોષ થાઓ;

જેથી ખ્રિસ્તનાં સમયમાં મને ગર્વ કરવાનું એવું કારણ મળે કે હું નિરર્થક દોડ્યો નથી અને મેં વ્યર્થ શ્રમ કર્યો નથી.

એટલે જો તમે વિશ્વાસમાં સ્થાપિત થઈને દૃઢ રહો અને જે સુવાર્તા તમે સાંભળી છે તેની આશામાંથી જો તમે ડગી જાઓ નહિ, તો; એ સુવાર્તા આકાશની નીચેના સર્વ મનુષ્યોને પ્રગટ કરાઈ છે; અને તે સુવાર્તાનો હું પાઉલ સેવક થયો છું.

સાવધાન રહો, કે, છેતરનાર ફિલસૂફીનો ખાલી આડંબર જે ખ્રિસ્ત પ્રમાણે નહિ, પણ માણસોના રીતિરિવાજ પ્રમાણે અને જગતના સિદ્ધાંતો પ્રમાણે છે, તેથી કોઈ તમને ફસાવે નહીં.

ખ્રિસ્તનાં જે મર્મને સારું હું બંધનમાં છું, તે કહેવાને ઈશ્વર અમારે માટે સુવાર્તાનાં દ્વાર ઉઘાડે તે માટે અમારે સારુ પણ પ્રાર્થના કરો

તમે અમને તથા પ્રભુને અનુસરનારા થયા કેમ કે ઘણી વિપત્તિઓ વેઠીને પવિત્ર આત્માના આનંદસહિત તમે પ્રભુની વાત સ્વીકારી.

વળી તમે તે પણ જાણો છો કે અમે અગાઉ ફિલિપ્પીમાં દુઃખ તથા અપમાન સહ્યાં, છતાં ઘણાં વિરોધોમાં તમને ઈશ્વરની સુવાર્તા કહેવાને આપણા ઈશ્વરની સહાયથી હિંમતવાન હતા.

અમે એટલા માટે ઈશ્વરની ઉપકારસ્તુતિ નિરંતર કરીએ છીએ કે, જયારે તમે અમારી પાસેથી ઈશ્વરનું વચન સાંભળીને સ્વીકાર્યું, ત્યારે તેને માણસોના વચનની જેમ નહિ, પણ તે ખરેખર ઈશ્વરનું વચન છે તેમ તમે તેને સ્વીકાર્યું; તે વચન તમો વિશ્વાસીઓમાં કાર્યરત છે.

અને જયારે પ્રભુ ઈસુ સ્વર્ગમાંથી પોતાના પરાક્રમી સ્વર્ગદૂતો સાથે પ્રગટ થાય ત્યારે તમને દુ:ખ સહન કરનારાઓને, અમારી સાથે વિસામો આપે. જેઓએ ઈશ્વરને ઓળખ્યા નથી અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તાને આધીન થયા નથી તેઓને તે દઝાડતા અગ્નિથી બદલો વાળશે. પ્રભુની સમક્ષતામાંથી તથા તેમના સામર્થ્યના મહિમાથી દૂર રહેવાની અનંતકાળિક નાશની સજા તેઓ તે દિવસે પામશે

પછી તે અધર્મી જાહેર થશે જેને પ્રભુ ઈસુ પોતાના મુખની ફૂંકથી નષ્ટ કરશે અને પોતાના પુનઃઆગમનના પ્રકટીકરણથી શૂન્ય કરી નાંખશે. શેતાનના કરાવ્યાં પ્રમાણે તે અધર્મી પુરુષ સર્વ પરાક્રમ, ચમત્કારિક ચિહ્નો તથા જૂઠા આશ્ચર્યકર્મો તથા અન્યાયીપણાના સર્વ કપટ સાથે પ્રગટ થશે, જેઓ નાશ પામી રહ્યાં છે તેઓ માટે, કેમ કે ઉદ્ધારને અર્થે સત્ય પ્રેમનો સ્વીકાર તેઓએ કર્યો નહિ. આ કારણથી ઈશ્વર તેઓને ભ્રમણામાં નાખે છે કે તેઓ અસત્ય પર વિશ્વાસ કરે અને તે સર્વનો ન્યાય થાય; જેઓએ સત્ય પર વિશ્વાસ કર્યો નહિ પણ અન્યાયમાં આનંદ માણ્યો.

પણ આપણે તો જાણીએ છીએ કે, જો નિયમશાસ્ત્રનો યથાર્થ ઉપયોગ કરવામાં આવે તો તે સારું છે. આપણે આટલું તો જાણીએ છીએ કે, નિયમશાસ્ત્ર તો ન્યાયીને માટે નહિ પણ સ્વચ્છંદીઓ, બળવાખોરો, અધર્મીઓ, પાપીઓ, અપવિત્રો, ધર્મભ્રષ્ટો, પિતૃહત્યારાઓ, માતૃહત્યારાઓ, હત્યારાઓ, વ્યભિચારીઓ, સમલૈંગિકો, મનુષ્યોનો વ્યાપાર કરનારાઓ, જૂઠાઓ તથા જૂઠા સાક્ષીઓ તથા સ્તુતિપાત્ર ઈશ્વરના મહિમાની જે સુવાર્તા મને સોંપવામાં આવી છે તે પ્રમાણેના શુદ્ધ ઉપદેશની વિરુદ્ધ જે કંઈ હોય, એવા સર્વને માટે છે.

કેમ કે ઈશ્વર આપણા ઉદ્ધારકર્તાની દ્રષ્ટિએ તે સારું તથા સ્વીકાર્ય છે. તેઓ ઇચ્છે છે કે સઘળાં માણસો ઉદ્ધાર પામે અને તેઓને સત્યનું જ્ઞાન પ્રાપ્ત થાય.

પણ જો મને આવતાં વિલંબ થાય, તો ઈશ્વરનું ઘર, કે જે જીવંત ઈશ્વરની મંડળી, સત્યનો સ્તંભ તથા આધાર છે, તેમાં વ્યક્તિએ યોગ્ય રીતે વર્તવું તે તું જાણે.

પણ પવિત્ર આત્મા સ્પષ્ટ કહે છે કે, પાછલા સમયોમાં છેતરનાર આત્માઓ પર તથા દુષ્ટાત્માઓનાં શિક્ષણ પર લક્ષ રાખી,

આ બાબતો, ભાઈઓ સમક્ષ રજૂ કરીને તું વિશ્વાસના વચનોમાં અને જે શિક્ષણને ચોકસાઈથી અનુસરતો આવ્યો છે તેનાથી પોષિત થતો ખ્રિસ્ત ઈસુનો સારો સેવક થઈશ.

હું આવું ત્યાં સુધી જાહેર શાસ્ત્રવાંચન, બોધ આપવા તથા શિક્ષણ આપવામાં ધ્યાન આપજે.

પોતા પર તથા શિક્ષણ પર ધ્યાન આપ, તેમાં લાગુ રહે, કેમ કે આ પ્રમાણે કરવાથી તું પોતાને તથા તારા સાંભળનારાઓને પણ બચાવીશ.

માટે આપણા પ્રભુની સાક્ષી વિષે અને હું જે તેમનો બંદીવાન છું, તેના વિષે તું શરમાઈશ નહિ, પણ સુવાર્તાને લીધે મારી સાથે ઈશ્વરના સામર્થ્ય પ્રમાણે તું દુઃખનો અનુભવ કર.

જો આપણે અંત સુધી ટકી રહીએ, તો તેમની સાથે રાજ પણ કરીશું; જો આપણે તેમનો નકાર કરીએ, તો ઈસુ ખ્રિસ્ત આપણો પણ નકાર કરશે;

જેને શરમાવાનું કશું કારણ ન હોય એવી રીતે કામ કરનાર, સત્યનાં વચન સ્પષ્ટતાથી સમજાવનાર અને ઈશ્વરને પસંદ પડે એવો સેવક થવાને તું પ્રયત્ન કર.

પ્રભુના સેવકે તકરાર કરવી નહિ, પણ તે સર્વ માણસો પ્રત્યે માયાળુ, શીખવવામાં બાહોશ, સહનશીલ; વિરોધીઓને નમ્રતાથી સમજાવનાર હોવો જોઈએ. કદાચ ઈશ્વર તેઓને પશ્ચાતાપ કરવાની બુદ્ધિ આપે, જેથી તેઓને સત્યનું જ્ઞાન પ્રાપ્ત થાય.

હંમેશા શિક્ષણ લેનારી પણ સત્યનું જ્ઞાન પામી શકતી નથી, એવી સ્ત્રીઓને પોતાના વશમાં કરી લે છે.

વળી તું બાળપણથી પવિત્રશાસ્ત્ર જાણે છે, તે પવિત્રશાસ્ત્ર ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસથી ઉદ્ધારને સારું તને જ્ઞાન આપી શકે છે. દરેક શાસ્ત્રવચન ઈશ્વર પ્રેરિત છે, તે ઉપદેશ, નિષેધ, સુધારા અને ન્યાયીપણાના શિક્ષણને સારુ ઉપયોગી છે; જેથી કરીને ઈશ્વરભક્ત સંપૂર્ણ તથા સર્વ સારાં કામ કરવાને સારુ તૈયાર થાય.

તું સુવાર્તા પ્રગટ કર, અનુકૂળ તથા પ્રતિકૂળ સમયમાં તત્પર રહે, પૂર્ણ સહનશીલતાથી ઉપદેશ કરીને ઠપકો આપ, ધમકાવ તથા ઉત્તેજન આપ. કેમ કે એવો સમય આવશે કે જેમાં તેઓ શુદ્ધ ઉપદેશને સહન કરશે નહિ; પણ કાનમાં ખજવાળ આવવાથી તેઓ પોતાને સારું મનગમતા ઉપદેશકો ભેગા કરશે; તેઓ સત્ય તરફ આડા કાન કરશે, અને કલ્પિત દંતકથાઓ તરફ વળશે.

અને ઉપદેશ પ્રમાણેના વિશ્વાસયોગ્ય સંદેશને દૃઢતાથી વળગી રહેનાર હોવું જોઈએ; એ માટે કે તે શુદ્ધ સિદ્ધાંત પ્રમાણે બોધ કરવાને તથા વિરોધીઓની દલીલોનું ખંડન કરવાને શક્તિમાન થાય.

આ સાક્ષી ખરી છે માટે તેઓને સખત રીતે ધમકાવ

પણ શુદ્ધ સિદ્ધાંતોને જે શોભે છે તે પ્રમાણેની વાતો તું કહે

તેથી જે વાતો આપણા સાંભળવામાં આવી તેનાથી આપણે કદી દૂર જઈએ નહિ, તે માટે તેના પર આપણે વધારે કાળજીપૂર્વક ધ્યાન રાખવું જોઈએ. કેમ કે જો સ્વર્ગદૂતો દ્વારા કહેલું વચન સત્ય ઠર્યું અને દરેક પાપ તથા આજ્ઞાભંગ કરનારાઓને યોગ્ય બદલો મળ્યો, તો આપણે આ મહાન ઉદ્ધાર વિષે બેદરકાર રહીએ તો શી રીતે બચીશું? તે ઉદ્ધારની વાત પહેલાં ઈશ્વરે પોતે કહી, પછી સાંભળનારાઓએ તેની ખાતરી અમને કરી આપી.

એ માટે જેમ પવિત્ર આત્મા કહે છે તેમ, "આજે જો તમે ઈશ્વરની વાણી સાંભળો, તો જેમ ક્રોધકાળે એટલે અરણ્યમાંના પરીક્ષણના દિવસોમાં તમે પોતાનાં હૃદય કઠણ કર્યા તેમ ન કરો, ત્યાં તમારા પૂર્વજોએ મને પારખવા મારી કસોટી કરી; અને ચાળીસ વરસ સુધી મારાં કામો નિહાળ્યાં. એ માટે તે પેઢી પર હું નારાજ થયો અને મેં કહ્યું કે, "તેઓ પોતાના હૃદયમાં સદા ભટકી જઈને ખોટા માર્ગે જાય છે અને તેઓએ મારા માર્ગ જાણ્યાં નહિ. માટે મેં મારા ક્રોધાવેશમાં પ્રણ લીધા કે તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ પામશે નહિ." હવે ભાઈઓ, તમે સાવધાન થાઓ, જેથી તમારામાંના કોઈનું હૃદય અવિશ્વાસથી દુષ્ટ થાય અને તે જીવંત ઈશ્વરથી દૂર જાય.

કેમ કે જેમ ઇઝરાયલીઓને તેમ આપણને પણ સુવાર્તા પ્રગટ કરવામાં આવેલી છે; પણ સાંભળેલી વાત તેઓને લાભકારક થઈ નહિ. જેઓએ ધ્યાન દઈને સાંભળ્યું તેઓની સાથે તેઓ વિશ્વાસમાં સહમત થયા નહિ. આપણે વિશ્વાસ કરનારાઓ વિશ્રામમાં પ્રવેશ પામીએ છીએ, જેમ તેમણે કહ્યું છે કે, 'મેં મારા ક્રોધાવેશમાં સમ ખાધા કે, તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ પામશે નહિ,' જોકે કે કામો તો સૃષ્ટિના આરંભથી પૂર્ણ થયેલાં હતાં.

કેમ કે ઈશ્વરનું વચન જીવંત, સમર્થ તથા બેધારી તરવાર કરતાં પણ વધારે તીક્ષ્ણ છે, તે જીવ, આત્મા, સાંધા તથા મજ્જાને જુદાં કરે એટલે સુધી વીંધનારું છે; અને હૃદયના વિચારોને તથા લાગણીઓને પારખી લેનારું છે. ઉત્પન્ન કરેલું કંઈ તેની આગળ ગુપ્ત નથી; પણ જેમની સાથે આપણને કામ છે, તેમની દ્રષ્ટિમાં આપણે સઘળાં તદ્દન ઉઘાડાં છીએ.

કેમ કે જેઓ એક વાર પ્રકાશિત થયા, જેઓએ સ્વર્ગીય દાનનો અનુભવ કર્યો, જેઓ પવિત્ર આત્માના ભાગીદાર પણ થયા, જેઓએ ઈશ્વરનું સારું વચન તથા આવનાર યુગના પરાક્રમનો અનુભવ કર્યો, અને ત્યાર પછી જેઓ તે વીસરી જઈને પતિત થયા, તેઓને ફરીથી પશ્ચાતાપ કરાવવો એ શક્ય નથી, કેમ કે તેઓ ઈશ્વરના પુત્રને ફરીથી વધસ્તંભે જડે છે અને જાહેરમાં તેમનું અપમાન કરે છે.

કેમ કે પ્રભુ કહે છે કે, 'તે દિવસો પછી, ઇઝરાયલના સંતાનોની સાથે જે કરાર હું કરીશ, તે આ છે; હું મારા નિયમો તેઓના મનમાં મૂકીશ અને તે તેઓના હૃદયપટ પર તે લખીશ હું તેઓનો ઈશ્વર થઈશ અને તેઓ મારા લોક થશે.

'તે દિવસોમાં જે કરાર હું તેઓની સાથે કરીશ તે એ જ છે કે, હું મારા નિયમો તેઓના હૃદયપટ પર લખીશ અને તેઓના મનમાં મૂકીશ, એમ પ્રભુ કહે છે.'

કેમ કે આપણને સત્યની ઓળખ પ્રાપ્ત થયા પછી પણ જો આપણે જાણીજોઈને પાપ કરીએ, તો હવે પછી પાપોને માટે બીજું બલિદાન રહેતું નથી, પણ ન્યાયચૂકાદાની ભયાનક પ્રતિક્ષા તથા વૈરીઓને ખાઈ જનાર અગ્નિનો કોપ એ જ બાકી રહેલું છે. જે કોઈ મૂસાના નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન કરતો, તેના પર દયા રખાતી ન હતી, પણ બે કે ત્રણ જણની સાક્ષીથી તેને મોતની સજા કરવામાં આવતી હતી. તો જેણે ઈશ્વરના પુત્રને પગ નીચે કચડ્યા છે અને કરારના જે રક્તથી પોતે પવિત્ર થયા હતા તેમને અશુદ્ધ ગણ્યા છે અને જેણે કૃપાના આત્માનું અપમાન કર્યું છે, તે કેટલી બધી સખત શિક્ષાને પાત્ર થશે, તે વિષે તમે શું ધારો છો?

પણ વિશ્વાસ વગર [ઈશ્વરને] પ્રસન્ન કરવા એ શક્ય નથી, કેમ કે ઈશ્વરની પાસે જે આવે છે, તેણે એવો વિશ્વાસ કરવો જોઈએ કે તેઓ છે અને જેઓ ખંતથી તેમને શોધે છે તેઓને તે ફળ પણ આપનાર છે.

જે બોલે છે તેનો તમે અનાદર ન કરો, માટે સાવધ રહો; કેમ કે પૃથ્વી પર ચેતવનારનો જેઓએ નકાર કર્યો તેઓ જો બચ્યા નહિ, તો સ્વર્ગમાંથી ચેતવનારની પાસેથી જો આપણે ફરીએ તો ચોક્કસ બચીશું નહિ.

કેમ કે આપણો ઈશ્વર ભસ્મીભૂત કરી નાખનાર અગ્નિ છે.

તમારામાંનો જો કોઈ જ્ઞાનમાં અપૂર્ણ હોય, તો ઈશ્વર જે સર્વને ઉદારતાથી આપે છે અને ઠપકો આપતા નથી, તેમની પાસેથી તે માગે; એટલે તેને તે આપવામાં આવશે.

માટે તમે સર્વ મલિનતા તથા દુષ્ટતાની અધિકતા તજી દો અને તમારા હૃદયમાં વાવેલું જે વચન તમારા આત્માનો ઉદ્ધાર કરવાને શક્તિમાન છે તેને નમ્રતાથી ગ્રહણ કરો. તમે વચનના પાળનારા થાઓ, પોતાને છેતરીને કેવળ સાંભળનારાં જ નહિ. કેમ કે જે કોઈ માણસ વચન પાળતો નથી, પણ કેવળ સાંભળે છે, તે પોતાનું સ્વાભાવિક મુખ દર્પણમાં જોનાર મનુષ્યના જેવો છે. કેમ કે તે પોતાને જુએ છે, પછી ત્યાંથી ખસી જાય છે, એટલે તે પોતે કેવો હતો, એ તે તરત ભૂલી જાય છે.

ઓ બેવફા લોકો, શું તમે જાણતા નથી, કે જગતની મિત્રતા ઈશ્વર પ્રત્યે દુશ્મનાવટ છે? એ માટે જે કોઈ જગતનો મિત્ર થવા ચાહે છે, તે ઈશ્વરનો વૈરી થાય છે. જે આત્માને તેમણે આપણામાં વસાવ્યો, તેને તે પોતાનો જ કરવાની ઇચ્છા રાખે છે, એવું શાસ્ત્રવચનમાં કહે છે તે શું ફોકટ છે એમ તમે ધારો છો? પણ તે તો વધારે કૃપાદાન આપે છે. માટે શાસ્ત્રવચન કહે છે કે, ઈશ્વર અહંકારીઓને ધિક્કારે છે, પણ નમ્ર પર કૃપા રાખે છે. તેથી તમે ઈશ્વરને આધીન થાઓ, પણ શેતાનની સામા થાઓ, એટલે તે તમારી પાસેથી નાસી જશે. તમે ઈશ્વરની પાસે જાઓ, એટલે તે તમારી પાસે આવશે; ઓ પાપીઓ, તમારાં હાથ શુદ્ધ કરો અને ઓ બે મનવાળાઓ તમે તમારા હૃદય પવિત્ર કરો. તમે ઉદાસ થાઓ, શોક કરો અને રડો; તમારું હાસ્ય શોકમાં બદલાય તથા આનંદને બદલે ખેદ થાય. પ્રભુની સમક્ષ નમ્ર થાઓ એટલે તે તમને ઊંચા કરશે.

તમે સત્યને આધીન રહીને ભાઈ પરના નિષ્કપટ પ્રેમને માટે તમારાં મનને પવિત્ર કર્યા છે, માટે શુદ્ધ હૃદયથી એકબીજા પર આગ્રહથી પ્રેમ કરો. કેમ કે તમને વિનાશી બીજથી નહિ, પણ અવિનાશી બીજથી, ઈશ્વરના જીવંત તથા સદા ટકનાર વચન વડે નવો જન્મ આપવામાં આવ્યો છે. કેમ કે, 'સર્વ પ્રાણી ઘાસનાં જેવા છે અને મનુષ્યનો બધો વૈભવ ઘાસનાં ફૂલ જેવો છે. ઘાસ સુકાઈ જાય છે અને તેનું ફૂલ ખરી પડે છે, પણ પ્રભુનું વચન સદા રહે છે.' જે સુવાર્તાનું વચન તમને પ્રગટ કરાયું તે એ જ છે.

નવાં જન્મેલાં બાળકોની જેમ શુદ્ધ આત્મિક દૂધની ઇચ્છા રાખો,

માટે તમને વિશ્વાસ કરનારાઓને તે મૂલ્યવાન છે, પણ અવિશ્વાસીઓને સારુ તો જે પથ્થર બાંધનારાઓએ નાપસંદ કર્યો, તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે. વળી ઠેસ ખવડાવનાર પથ્થર અને ઠોકર ખવડાવનાર ખડક થયો છે;' તેઓ આજ્ઞા માનતાં નથી, તેથી વચન વિષે ઠોકર ખાય છે, એટલા માટે પણ તેઓનું નિર્માણ થયેલું હતું.

કેમ કે ન્યાયચૂકાદાનો આરંભ ઈશ્વરના પરિવારમાં થવાનો સમય આવ્યો છે અને જો તેનો પ્રારંભ આપણામાં થાય, તો ઈશ્વરની સુવાર્તા જેઓ નથી માનતા તેઓના હાલ કેવાં થશે?

અમે તેમની સાથે પવિત્ર પહાડ પર હતા ત્યારે અમે પોતે તે સ્વર્ગવાણી સાંભળી. અમારી પાસે એથી વધારે ખાતરીપૂર્વક વાત, એટલે પ્રબોધવાણી છે, તેને અંધારી જગ્યામાં પ્રકાશ કરનાર દીવાના જેવી જાણીને તેના પર જ્યાં સુધી પરોઢ થાય અને સવારનો તારો તમારાં અંતઃકરણોમાં ઊગે, ત્યાં સુધી ચિત્ત લગાડવાથી તમે સારું કરશો. પ્રથમ તમારે એ જાણવું કે, પવિત્રશાસ્ત્રમાંનું કોઈ પણ ભવિષ્યવચન મનુષ્યપ્રેરિત નથી. કેમ કે ભવિષ્યવાણી કદી માણસની ઇચ્છા પ્રમાણે આવી નથી, પણ પ્રબોધકો પવિત્ર આત્માની પ્રેરણાથી ઈશ્વરનાં વચનો બોલ્યા.

જેમ [ઇઝરાયલી] લોકોમાં જૂઠાં પ્રબોધકો ઊભા થયા હતા, તેમ તમારામાં પણ ખોટા ઉપદેશકો થશે. તેઓ ગુપ્ત રીતે નાશકારક પાખંડી મતો ફેલાવશે અને જે પ્રભુએ તેઓનો ઉદ્ધાર કર્યો તેનો પણ નકાર કરીને જલદીથી પોતાનો જ વિનાશ કરશે. તેઓના ભ્રષ્ટાચારમાં ઘણાં માણસો ચાલશે; અને તેઓને લીધે સત્યનાં માર્ગનો તિરસ્કાર થશે. તેઓ દ્રવ્યલોભથી કપટી વાતો બોલીને તમારું શોષણ કરશે; તેઓને માટે અગાઉથી ઠરાવેલી સજામાં વિલંબ કે તેઓના નાશમાં ઢીલ થશે નહિ.

તેમ તેના સર્વ પત્રોમાં પણ આ વાતો વિષે લખ્યું છે. તે પત્રોમાં કેટલીક વાત સમજવામાં અઘરી છે, જેમ બીજા શાસ્ત્રવચનોને તેમ એ વાતોને પણ અજ્ઞાની તથા અસ્થિર માણસો પોતાના નાશને સારુ મારીમચડીને ઊંધો અર્થ આપે છે. માટે, તમે અગાઉથી જાણીને સાવધ થાઓ કે, અધર્મીઓની આકર્ષાઈને પોતાની સ્થિરતાથી ડગી જાઓ નહિ.

જો આપણે તેમની આજ્ઞાઓ પાળીએ, તો તેથી આપણે સમજીએ છીએ કે આપણે તેમને ઓળખીએ છીએ. જે કહે છે કે હું તેમને ઓળખું છું, પણ તેમની આજ્ઞા પાળતો નથી, તે જૂઠો છે અને તેનામાં સત્ય નથી. પણ જે કોઈ તેમનું વચન પાળે છે તેનામાં ઈશ્વર પરનો પ્રેમ ખરેખર સંપૂર્ણ થયો છે. એથી આપણે જાણીએ છીએ કે આપણે તેમનાંમાં છીએ. હું તેમનાંમાં રહું છું એમ જે કહે છે તેણે જેમ તેઓ ચાલ્યા તેમ જ ચાલવું જોઈએ.

વહાલાંઓ, દરેક આત્મા પર વિશ્વાસ ન રાખો, પણ આત્માઓ ઈશ્વરથી છે કે નહિ એ વિષે તેઓને પારખી જુઓ; કેમ કે દુનિયામાં જૂઠાં પ્રબોધકો ઘણાં ઊભા થયા છે.

આપણે ઈશ્વરના છીએ; જે ઈશ્વરને ઓળખે છે તે આપણું સાંભળે છે; જે ઈશ્વરનો નથી તે આપણું સાંભળતો નથી; એથી આપણે સત્યનો આત્મા તથા ભમાવનાર આત્મા વચ્ચેના તફાવતને પારખી શકીએ છીએ.

જયારે આપણે ઈશ્વર પર પ્રેમ રાખીએ છીએ અને તેમની આજ્ઞાઓ પાળીએ છીએ, ત્યારે એથી આપણે જાણીએ છીએ કે આપણે ઈશ્વરનાં બાળકો પર પણ પ્રેમ રાખીએ છીએ.

જે ઈશ્વરના પુત્ર પર વિશ્વાસ રાખે છે, તેના પોતાનામાં તે સાક્ષી છે; જે ઈશ્વર પર વિશ્વાસ રાખતો નથી તેમણે તેમને જૂઠા પાડ્યાં છે. કેમ કે ઈશ્વરે પોતાના પુત્ર વિષે જે સાક્ષી આપી છે, તે સાક્ષી પર તેણે વિશ્વાસ રાખ્યો નથી.

આપણે તેની આજ્ઞાઓ પ્રમાણે ચાલીએ તે જ પ્રેમ છે અને જેમ તમે આરંભથી સાંભળ્યું છે તેમ આજ્ઞા તે જ છે કે તમે પ્રેમમાં ચાલો.

જે કોઈ હદ બહાર જાય છે અને ખ્રિસ્તનાં શિક્ષણમાં રહેતો નથી, તેની પાસે ઈશ્વર નથી; શિક્ષણમાં જે રહે છે, તેને જ પિતા તથા પુત્ર પણ છે. જો કોઈ તમારી પાસે આવે અને તે જ શિક્ષણ ન લાવે, તો તેને ઘરમાં પેસવા ન દો અને તેને ક્ષેમકુશળ ન કહો. કેમ કે જે તેને ક્ષેમકુશળ કહે છે તે તેનાં દુષ્ટકર્મોનો ભાગીદાર થાય છે.

હવે તમે બધું જાણી ચૂક્યા છો ખરા, તોપણ હું તમને યાદ કરાવવા ચાહું છું કે પ્રભુએ મિસર દેશમાંથી લોકોને છોડાવ્યા પછી અવિશ્વાસીઓનો નાશ કર્યો.

તેમના જમણાં હાથમાં સાત તારા હતા; તેમના મુખમાંથી બેધારી તીક્ષ્ણ તરવાર નીકળતી હતી; અને તેમનો ચહેરો પૂર્ણ તેજથી પ્રકાશતા સૂર્ય સમાન હતો;

તારાં કામ, તારી મહેનત તથા તારી ધીરજ હું જાણું છું, વળી એ પણ જાણું છું કે, તું દુર્જનને સહન કરી શકતો નથી, અને જેઓ પોતાને પ્રેરિત કહેવડાવે છે પણ એવા નથી, તેઓને તેં પારખી લીધા, અને તેઓ જૂઠા છે એમ તને ખબર પડી,

તેથી પસ્તાવો કર; નહિ તો હું તારી પાસે વહેલો આવીશ અને મારા મોમાંની તરવારથી હું તેઓની સાથે લડીશ.

પણ તું હૂંફાળો છે, એટલે ગરમ નથી તેમ જ ઠંડો પણ નથી, માટે હું તને મારા મોંમાંથી થૂંકી નાખીશ. તું કહે છે કે, હું શ્રીમંત છું, મેં સંપત્તિ મેળવી છે, મને કશાની ખોટ નથી; પણ તું જાણતો નથી કે, તું કંગાળ, દયાજનક, ગરીબ, અંધ તથા નિર્વસ્ત્ર છે;

ત્યારે અજગર તે સ્ત્રી પર ગુસ્સે થયો. અને તેનાં બાકીનાં સંતાન એટલે જેઓ ઈશ્વરની આજ્ઞા પાળે છે અને જેઓ ઈસુની સાક્ષીને વળગી રહે છે તેઓની સાથે લડવાને તે નીકળ્યો; અને તે સમુદ્રની રેતી પર ઊભો રહ્યો.

પછી મેં બીજા એક સ્વર્ગદૂતને અંતરિક્ષમાં ઊડતો જોયો, પૃથ્વી પર રહેનારાંઓમાં, એટલે સર્વ દેશ, કુળ, ભાષા તથા પ્રજામાં પ્રગટ કરવાને, તેની પાસે અનંતકાળિક સુવાર્તા હતી; તે મોટે અવાજે કહે છે કે, 'ઈશ્વરથી ડરો અને તેમને મહિમા આપો, કેમ કે તેમના ન્યાયકરણનો સમય આવ્યો છે, જેમણે આકાશ, પૃથ્વી, સમુદ્ર તથા પાણીના ઝરાઓને ઉત્પન્ન કર્યા, તેમની આરાધના કરો.'

હે પ્રભુ, તમારાથી કોણ નહિ બીશે, તમારા નામનો મહિમા કોણ નહિ કરશે? કેમ કે એકલા તમે પવિત્ર છો; હા સઘળી પ્રજાઓ તમારી આગળ આવશે ને તમારી આરાધના કરશે; કેમ કે તમારાં ન્યાયી કૃત્યો પ્રગટ થયાં છે.

અગ્નિની જ્વાળા જેવી તેમની આંખો છે, અને તેમના માથા પર ઘણાં મુગટ છે; જેનાં પર એવું નામ લખેલું છે કે જે તેમના સિવાય બીજું કોઈ જાણતું નથી. લોહીથી છંટાયેલો ઝભ્ભો તેમણે પહેર્યો છે; તેમનું નામ 'ઈશ્વરનો શબ્દ' છે.

તેમના મોમાંથી ધારવાળી તલવાર નીકળે છે; એ માટે કે તેનાથી વિદેશીઓને તે મારે, અને લોખંડના દંડથી તેઓ પર તે સત્તા ચલાવશે! અને સર્વસમર્થ ઈશ્વરના ભારે કોપનો દ્રાક્ષકુંડ તે ખૂંદે છે.

અને જેઓ બાકી રહ્યા તેઓને ઘોડા પર બેઠેલાના મોમાંથી જે તલવાર નીકળી તેનાથી મારી નાખવામાં આવ્યા; અને તેઓના માંસથી સઘળાં પક્ષી તૃપ્ત થયાં.

આ પુસ્તકમાંના ભવિષ્યવચનો જે કોઈ સાંભળે છે તેને હું સોગન દઈને કહું છું, 'જો કોઈ તેઓમાં વધારો કરશે તો તેના પર ઈશ્વર આ પુસ્તકમાં લખેલી આફતો વધારશે; અને જો કોઈ આ ભવિષ્યવચનના પુસ્તકનાં વચનોમાંથી કંઈ પણ રદ કરશે, તો ઈશ્વર તેનો ભાગ જીવનનાં વૃક્ષમાંથી તથા પવિત્ર નગરમાંથી, જેમનાં વિષે આ પુસ્તકમાં લખેલું છે તેમાંથી કાઢી નાખશે.'

Gujarati - ગુજરાતી - GU

GUBCS - Gujarati Bridge Connectivity Solutions - 2017

This Bible text is from Gujarati Indian Revised Version IRV
https://open.bible/bibles/gujarati-bridge-text-bible/
provided by: Bridge Connectivity Solutions Pvt Ltd, available by Creative Commons CC-BY-SA-4.0,
and this new compilation is shared as www.creativecommons.org/licenses/by-sa/4.0.
Languages are made available to you by www.ipedge.net