04 – બનાવટ
આ સર્વશક્તિમાન ઈશ્વરના પવિત્ર શબ્દો છે.
આપણને મનુષ્યના શબ્દોમાં રસ નથી.
જે કોઈ પણ ઈશ્વરને પ્રેમ કરે છે તેના માટે... ઈશ્વર આના વિશે કહે છે: બનાવટ.
આ સર્વશક્તિમાન ઈશ્વરના પવિત્ર શબ્દો છે.
આપણને મનુષ્યના શબ્દોમાં રસ નથી.
જે કોઈ પણ ઈશ્વરને પ્રેમ કરે છે તેના માટે... ઈશ્વર આના વિશે કહે છે: બનાવટ.
પ્રારંભે ઈશ્વરે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યાં.
”પણ ઈશ્વર પોતાની ઇચ્છા પ્રમાણે તેને શરીર આપે છે, અને પ્રત્યેક દાણાને પોતાનું શરીર આપે છે. સર્વ દેહ એક જ જાતનાં નથી; પણ માણસોનો દેહ જુદો છે, પશુઓનો જુદો અને માછલાંઓનો જુદો તેમ જ પક્ષીઓનો દેહ પણ જુદો છે.
”તેમની અદ્રશ્ય બાબતો, એટલે તેમનું અનંતકાળિક સામર્થ્ય અને ઈશ્વરીય સ્વભાવ સૃષ્ટિની ઉત્પત્તિના સમયથી સૃજેલી વસ્તુઓ ધ્યાનમાં લેવાથી સ્પષ્ટ જણાય છે. તેથી તેઓ બહાના વગરનાં છે.
”પ્રારંભે ઈશ્વરે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યાં. પૃથ્વી અસ્તવ્યસ્ત તથા ખાલી હતી. પાણી પર અંધારું હતું. ઈશ્વરનો આત્મા પાણી પર ફરતો હતો. ઈશ્વરે કહ્યું, "ત્યાં અજવાળું થાઓ" અને અજવાળું થયું. ઈશ્વરે અજવાળું જોયું કે તે સારું છે. તેમણે અજવાળું તથા અંધારું અલગ કર્યાં. ઈશ્વરે અજવાળાને "દિવસ" કહ્યો અને અંધારાને "રાત" કહી. આમ સાંજ થઈ તથા સવાર થઈ, પ્રથમ દિવસ.
”ઈશ્વરે કહ્યું, "પાણીની વચ્ચે અંતરિક્ષ થાઓ અને પાણીને પાણીથી અલગ કરો." ઈશ્વરે અંતરિક્ષ બનાવ્યું અને અંતરિક્ષની નીચેના પાણીને અંતરિક્ષની ઉપરના પાણીથી અલગ કર્યાં. એ પ્રમાણે થયું. ઈશ્વરે અંતરિક્ષને "આકાશ" કહ્યું. સાંજ થઈ તથા સવાર થઈ, બીજો દિવસ.
”ઈશ્વરે કહ્યું, "આકાશ નીચેનાં પાણી એક જગ્યામાં એકત્ર થાઓ અને કોરી ભૂમિ દેખાઓ." એ પ્રમાણે થયું. ઈશ્વરે કોરી જગ્યાને "ભૂમિ" કહી અને એકત્ર થયેલા પાણીને "સમુદ્રો" કહ્યા. તેમણે જોયું કે તે સારું છે. ઈશ્વરે કહ્યું, "પૃથ્વી પર બીજદાયક શાક તથા ફળવૃક્ષ પોતપોતાની જાત પ્રમાણે, જેનાં બીજ પોતામાં છે તેઓને પૃથ્વી ઉગાવે." એ પ્રમાણે થયું. ઘાસ તથા પોતપોતાની જાત પ્રમાણે બીજદાયક શાક, પોતપોતાની જાત પ્રમાણે ફળદાયક વૃક્ષ, જેનાં બીજ પોતામાં છે તેઓને પૃથ્વીએ ઉગાવ્યાં. ઈશ્વરે જોયું કે તે સારું છે. સાંજ થઈ તથા સવાર થઈ, ત્રીજો દિવસ.
”ઈશ્વરે કહ્યું, "રાત અને દિવસ જુદાં પાડવા સારુ આકાશમાં જ્યોતિઓ થાઓ અને તેઓ ચિહ્નો, ઋતુઓ, દિવસો તથા વર્ષોને અર્થે થાઓ. પૃથ્વી પર અજવાળું આપવા માટે આકાશના અંતરિક્ષમાં જ્યોતિઓ થાઓ." એ પ્રમાણે થયું. ઈશ્વરે બે મોટી જ્યોતિઓ બનાવી. દિવસ પર અમલ ચલાવનારી એક મોટી જ્યોતિ અને રાત પર અમલ ચલાવનારી તેનાથી નાની એક જ્યોતિ બનાવી. તેમણે તારાઓ પણ બનાવ્યા. ઈશ્વરે પૃથ્વી પર અજવાળું આપવાને, દિવસ અને રાત પર અમલ ચલાવવાને, અંધારામાંથી અજવાળાં ને જુદાં કરવાને આકાશમાં તેઓને સ્થિર કર્યાં. ઈશ્વરે જોયું કે તે સારું છે. સાંજ થઈ તથા સવાર થઈ, ચોથો દિવસ.
”ઈશ્વરે કહ્યું, "પાણી પુષ્કળ જીવજંતુઓને ઉપજાવો અને આકાશમાં પક્ષીઓ ઉડો." ઈશ્વરે સમુદ્રમાંના મોટા જીવો બનાવ્યા, દરેક પ્રકારનાં જીવજંતુઓ, જે પોતપોતાની જાત પ્રમાણે પાણીએ પુષ્કળ ઉપજાવ્યાં અને પોતપોતાની જાત પ્રમાણે દરેક જાતનાં પક્ષીને ઉત્પન્ન કર્યાં. ઈશ્વરે જોયું કે તે સારું છે. ઈશ્વરે તેઓને આશીર્વાદ આપતા કહ્યું, "સફળ થાઓ, વધો અને સમુદ્રોમાંના પાણીને ભરપૂર કરો. પૃથ્વી પર પક્ષીઓ વધો." સાંજ થઈ તથા સવાર થઈ, પાંચમો દિવસ.
”ઈશ્વરે કહ્યું કે, "પ્રાણીઓને પોતપોતાની જાત પ્રમાણે, એટલે ગ્રામ્યપશુઓ, પેટે ચાલનારાં તથા વનપશુઓ પોતપોતાની જાત પ્રમાણે તેઓને પૃથ્વી ઉપજાવો." એ પ્રમાણે થયું. ઈશ્વરે પોતપોતાની જાત પ્રમાણે વનપશુઓને, પોતપોતાની જાત પ્રમાણે પૃથ્વી પરનાં બધાં પેટે ચાલનારાંને બનાવ્યાં. તેમણે જોયું કે તે સારું છે.
”ઈશ્વરે કહ્યું કે, "આપણે આપણા સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ. તેઓ સમુદ્રનાં માછલાં પર, આકાશનાં પક્ષીઓ પર, પશુઓ પર, આખી પૃથ્વી પર તથા પૃથ્વી પર પેટે ચાલનારાં પર શાસન કરે." ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું. તેમણે ઈશ્વરના સ્વરૂપમાં તેને ઉત્પન્ન કર્યું. તેમણે પુરુષ અને સ્ત્રીને ઉત્પન્ન કર્યાં. ઈશ્વરે તેઓને આશીર્વાદ આપ્યો અને તેઓને કહ્યું કે, "સફળ થાઓ અને વધતાં જાઓ. પૃથ્વીને ભરપૂર કરો અને તેને વશ કરો. સમુદ્રનાં માછલાં પર, આકાશનાં પક્ષીઓ પર, પૃથ્વી પર ચાલનારાં સઘળાં પ્રાણીઓ પર અમલ ચલાવો." ઈશ્વરે કહ્યું કે, "જુઓ, દરેક બીજદાયક શાક જે આખી પૃથ્વી પર છે અને દરેક વૃક્ષ જેમાં વૃક્ષનાં બીજદાયક ફળ છે તેઓને મેં તમને આપ્યાં છે. તેઓ તમારા ખોરાકને સારુ થશે. પૃથ્વીનું દરેક પશુ, આકાશમાંનું દરેક પક્ષી, પૃથ્વી પર પેટે ચાલનારું દરેક પ્રાણી જેમાં જીવનનો શ્વાસ છે, તેઓના ખોરાકને સારુ મેં સર્વ લીલોતરી આપી છે." એ પ્રમાણે થયું. ઈશ્વરે જે સર્વ ઉત્પન્ન કર્યું તે તેમણે જોયું. તે સર્વોત્તમ હતું. સાંજ થઈ તથા સવાર થઈ, છઠ્ઠો દિવસ.
”આમ આકાશ, પૃથ્વી તથા તેમાનાં સર્વ સજીવોનું સર્જન પૂર્ણ થયું. ઈશ્વરે પોતાનું જે કામ હતું તે પૂર્ણ કર્યું અને પોતાનાં કરેલાં સર્વ કામોથી પરવારીને સાતમા દિવસે આરામ કર્યો. ઈશ્વરે સાતમા દિવસને આશીર્વાદ આપ્યો અને તેને પવિત્ર ઠરાવ્યો, કેમ કે તેમણે જે સર્વ ઉત્પન્ન કર્યું તે સઘળાં કામ પછી તે દિવસે તેમણે આરામ લીધો હતો.
”આ આકાશ તથા પૃથ્વીના સર્જન સંબંધિત વૃત્તાંત છે; જયારે પ્રભુ ઈશ્વરે પૃથ્વી તથા આકાશ ઉત્પન્ન કર્યાં, ત્યારે ખેતરની કોઈપણ વનસ્પતિ હજુ પૃથ્વીમાં ઊગી ન હતી અને ખેતરમાં અનાજ ઊગ્યું ન હતું, કેમ કે પ્રભુ ઈશ્વરે પૃથ્વી પર વરસાદ વરસાવ્યો નહોતો અને જમીનને ખેડવા માટે કોઈ માણસ ન હતું. પણ પૃથ્વી પર ઝાકળ પડ્યું અને જમીનની આખી સપાટી ભીંજાઈ. પ્રભુ ઈશ્વરે ભૂમિમાંથી માટીનું માણસ બનાવ્યું, તેના નસકોરામાં જીવનનો શ્વાસ ફૂંક્યો અને માણસ સજીવ થયું. પ્રભુ ઈશ્વરે પૂર્વ તરફ એદનમાં એક વાડી બનાવી અને તેમાં તેમણે પોતાના સર્જેલ માણસને મૂક્યું.
”આદમની વંશાવળીની વિગતો આ પ્રમાણે છે. ઈશ્વરે પોતાની પ્રતિમા પ્રમાણે માણસનું સર્જન કર્યું. પુરુષ તથા સ્ત્રીને તેમણે સર્જ્યા, તેઓને આશીર્વાદ આપ્યો અને તેઓની ઉત્પત્તિના દિવસે તેઓનું નામ માનવજાત પાડવામાં આવ્યું. જયારે આદમ એકસો ત્રીસ વર્ષનો થયો, ત્યારે તેને તેની પ્રતિમા તથા સ્વરૂપ પ્રમાણે તેની પત્નીએ દીકરાને જન્મ આપ્યો. તેણે તેનું નામ શેથ પાડ્યું.
”છ દિવસમાં મેં યહોવાહે આકાશ, પૃથ્વી, સમુદ્ર તથા તેમાંની તમામ વસ્તુઓ ઉત્પન્ન કરી હતી અને સાતમે દિવસે મેં વિશ્રામ કર્યો હતો, તેથી મેં યહોવાહે વિશ્રામવારને આશીર્વાદ આપીને તેને પવિત્ર ઠરાવ્યો છે.
”સાબ્બાથ યહોવા અને ઇઝરાયલી લોકોની વચ્ચે હંમેશના ચિહ્નરૂપ છે, કેમ કે યહોવાહે છ દિવસ સુધી આકાશ અને પૃથ્વીની રચના કરી અને સાતમે દિવસે તેમણે કામ બંધ રાખીને વિસામો લીધો.'"
”પણ નિશ્ચે હું જીવતો છું. અને આખી પૃથ્વી યહોવાહના ગૌરવથી ભરપૂર થશે,
”કેમ કે ઈશ્વરે પૃથ્વી પર માણસનું સર્જન કર્યું ત્યારથી માંડીને તમારી અગાઉનો જે સમય વીતી ગયો છે તેને તથા પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી પૂછો કે, પહેલાં કદી આ પ્રમાણેની અદ્દભુત ઘટના બનેલી જોઈ છે કે સાંભળી છે?
”જો, આકાશ તથા આકાશોનાં આકાશ; પૃથ્વી તથા તેમાંનું સર્વસ્વ તે યહોવાહ તમારા ઈશ્વરનું છે.
”તે ગરીબોને ધૂળમાંથી બેઠા કરે છે; તે જરૂરિયાત મંદોને ઉકરડા પરથી ઊભા કરીને, તેઓને રાજકુમારોની સાથે બેસાડે છે, અને ગૌરવનો વારસો પમાડે છે. કેમ કે પૃથ્વીના સ્તંભો ઈશ્વરના છે; તેમના પર તેમણે જગતને સ્થાપ્યું છે.
”ત્યારે ઈશ્વરની ધાકધમકીથી, તેમના નસકોરાના શ્વાસના ઝપાટાથી, સમુદ્રનાં તળિયાં દેખાયાં, જગતના પાયા ઉઘાડા થયા.
”પછી હિઝકિયાએ યહોવાહ આગળ પ્રાર્થના કરીને કહ્યું કે, "હે ઇઝરાયલના ઈશ્વર, સૈન્યોના યહોવાહ, તમે જે કરુબો પર બિરાજમાન છો, પૃથ્વીનાં બધાં રાજયોના તમે એકલા જ ઈશ્વર છો. તમે આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કર્યાં છે.
”યહોવાહ તમે જ મહાન, શક્તિશાળી, ગૌરવવંત, ભવ્ય અને પ્રતાપી છો. આ પૃથ્વી પર અને આકાશમાં જે કંઈ છે તે સર્વ તમારું છે. હે યહોવા રાજ્ય તમારું છે અને એ બધાં પર તમારો જ અધિકાર છે.
”તમે જ એક માત્ર યહોવા છો, આકાશ, આકાશોનું આકાશ તથા સર્વ તારા મંડળ અને પૃથ્વી તથા જે સર્વ તેમાં છે, સમુદ્ર અને તેમાંના સર્વ જીવજંતુ તમે બનાવ્યાં છે અને બધાંને જીવન આપ્યું છે. અને આકાશનું સૈન્ય તમારી આરાધના કરે છે.
”તે પૃથ્વીને હલાવીને પોતાના સ્થળેથી ખસેડે છે. અને તેના સ્થંભો કંપે છે. તે એ જ ઈશ્વર છે જે સૂર્યને આજ્ઞા કરે છે અને તે ઊગતો નથી, અને જે તારાઓને ઢાંકી દે છે. તેમણે એકલે હાથે આકાશને વિસ્તાર્યું છે, અને સમુદ્રના મોજા પર ચાલે છે. જેમણે સપ્તર્ષિ, મૃગશીર્ષ તથા કૃત્તિકા, અને દક્ષિણનાં નક્ષત્રમંડળ સર્જ્યા છે. ઈશ્વર અદ્દભુત અને મહાન કાર્યોના કર્તા છે. હા, અગણિત ચમત્કારી કાર્યોના કર્તા છે.
”પરંતુ પશુઓને પૂછો તો તે તમને શીખવશે, જો ખેચર પક્ષીઓને પૂછો તો તે તમને કહેશે. અથવા પૃથ્વીને પૂછો અને તે તમને શીખવશે; સમુદ્રમાંની માછલીઓને પૂછો તો તે તમને માહિતી આપશે. દરેક વ્યક્તિ જાણે છે કે આ સર્વનું યહોવાહે સર્જન કર્યું છે. બધા જ જીવો તથા મનુષ્યનો આત્મા પણ ઈશ્વરના જ હાથમાં છે.
”ઈશ્વર ઉત્તરને ખાલી જગ્યાએ ફેલાવે છે, અને પૃથ્વીને શૂન્યાવકાશ પર લટકાવી છે. તેમણે ગાઢ વાદળામાં પાણી ભર્યું છે અને છતાં પાણીના ભારથી વાદળ ફાટતાં નથી. ઈશ્વર ચંદ્રના મુખને ઢાંકી દે છે. તે તેના પર વાદળાંઓ પાથરી અને સંતાડી દે છે. તેમણે પાણીની સપાટી પર હદ ઠરાવી છે, પ્રકાશ તથા અંધકારની સરહદો પણ નક્કી કરી છે. તેમની ધમકીથી આકાશના સ્થંભો કાંપે છે અને વિસ્મિત થાય છે.
”ઈશ્વરના આત્માએ મને ઉત્પન્ન કર્યો છે; સર્વશક્તિમાનનો શ્વાસ મને જીવન આપે છે.
”પછી યહોવાહે વંટોળિયામાંથી અયૂબને જવાબ આપતાં કહ્યું કે, "અજ્ઞાની શબ્દોથી ઈશ્વરની યોજનાને પડકારનાર આ માણસ કોણ છે? બળવાનની માફક તારી કમર બાંધ; કારણ કે હું તને પ્રશ્ન પૂછીશ, અને તારે મને જવાબ આપવાનો છે. જ્યારે મેં પૃથ્વીના પાયા નાખ્યા ત્યારે તું ક્યાં હતો? તું બહુ સમજે છે તો આ મને જણાવ. પૃથ્વીને ઘડવા માટે તેની લંબાઈ કોણે નક્કી કરી? જો તું જાણતો હોય તો કહે. અને તેને માપપટ્ટીથી કોણે માપી હતી? શાના પર તેના પાયા સજ્જડ કરવામાં આવ્યા છે? તે જગ્યામાં મુખ્ય પથ્થર કોણે મૂક્યો છે? કે જ્યારે પ્રભાતના તારાઓએ સાથે ગીત ગાયું, અને સર્વ દૂતોએ આનંદથી પોકાર કર્યો? જાણે ગર્ભાસ્થાનમાંથી નીકળ્યો હોય તેવા સમુદ્રને રોકવા તેના દરવાજાઓ કોણે બંધ કર્યા? જ્યારે મેં વાદળાંઓને તેનું વસ્ત્ર બનાવ્યું, અને ગાઢ અંધકારથી તેને વીંટાળી દીધો. મેં તેની બાજુઓની હદ બનાવી, અને જ્યારે તેને દરવાજાઓની સીમાઓ મૂકી, મેં સમુદ્રને કહ્યું, 'તું અહીં સુધી આવી શકે છે પણ અહીંથી આગળ નહિ; અહીંથી આગળ ઉલ્લંઘન કરીશ નહિ. તારાં પ્રચંડ મોજા અહીં અટકી જશે.'
”ગેંડાની સામે જો. મેં તેને અને તને ઉત્પન્ન કર્યા છે, તે બળદની જેમ ઘાસ ખાય છે. હવે જો, તેનું બળ તેની કમરમાં છે; તેના પેટમાંના સ્નાયુઓમાં સામર્થ્ય છે. એની પૂંછડી દેવદાર વૃક્ષની જેમ હાલે છે; એની પગની જાંઘના સ્નાયુઓ કેવા મજબૂત છે.
”આકાશો, જે તમારા હાથનાં કૃત્યો છે, ચંદ્ર તથા તારાઓ, જેઓને તમે ઠરાવ્યા છે, તેઓ વિષે હું જ્યારે વિચાર કરું છું,
”પછી, હે યહોવાહ, તમારી ધમકીથી, તમારાં નસકોરાંના શ્વાસથી સમુદ્રના તળિયાં દેખાયાં અને ધરતીના પાયા ઉઘાડા થયા.
”આકાશો ઈશ્વરનો મહિમા પ્રગટ કરે છે અને અંતરિક્ષ તેમના હાથનું કામ દર્શાવે છે!
”તેઓનો વિસ્તાર આખી પૃથ્વીમાં છે અને જગતના છેડા સુધી તેઓની સાક્ષી ફેલાયેલી છે. તેઓમાં ઈશ્વરે સૂર્યને માટે મંડપ ઊભો કર્યો છે.
”પૃથ્વી તથા તેનું સર્વસ્વ યહોવાહનાં છે, જગત અને તેમાં વસનારાં પણ તેમનાં છે. કેમ કે તેમણે સમુદ્રો પર તેનો પાયો નાખ્યો છે અને નદીઓ પર તેને સ્થાપન કરી છે.
”યહોવાહના શબ્દ વડે આકાશો ઉત્પન્ન થયાં અને તેમના મુખના શ્વાસ વડે આકાશના સર્વ તારાઓની રચના થઈ.
”આકાશો તમારાં છે અને પૃથ્વી પણ તમારી છે. તમે જગત તથા તેના સર્વસ્વને સ્થાપન કર્યાં છે. ઉત્તર તથા દક્ષિણ તમારાથી ઉત્પન્ન થયાં છે. તાબોર અને હેર્મોન તમારા નામે હર્ષનાદ કરે છે.
”પર્વતો ઉત્પન્ન થયા હતા, અને તમે પૃથ્વી અને જગતને રચ્યાં હતાં, તે પહેલાંથી, એટલે અનાદિકાળથી તે અનંતકાળ સુધી, તમે ઈશ્વર છો.
”સમુદ્ર તેમનો છે, કેમ કે તેમણે તે બનાવ્યો છે અને તેમના હાથોએ કોરી ભૂમિ રચી. આવો, આપણે તેમની સ્તુતિ કરીએ અને નમીએ; આવો આપણે આપણા કર્તા યહોવાહની આગળ ઘૂંટણિયે પડીએ.
”પૂર્વે તમે પૃથ્વીનો પાયો નાખ્યો; આકાશો તમારા હાથનું કામ છે. તેઓ નાશ પામશે, પણ તમે ટકી રહેશો; તેઓ સર્વ વસ્ત્રની જેમ જીર્ણ થઈ જશે; વસ્ત્રની જેમ તમે તેઓને બદલશો અને તેઓ બદલાઈ જશે.
”હે મારા આત્મા, યહોવાહને સ્તુત્ય માન. હે યહોવાહ મારા ઈશ્વર, તમે અતિ મહાન છો; તમે વૈભવ તથા ગૌરવ ધારણ કર્યાં છે. તમે વસ્ત્રની જેમ અજવાળું પહેર્યું છે; પડદાની જેમ તમે આકાશને વિસ્તારો છો. તમારા આકાશી ઘરનો પાયો તમે અંતરિક્ષનાં પાણી પર નાખ્યો છે; તમે વાદળાંને તમારા રથ બનાવ્યા છે; તમે પવનની પાંખો પર સવારી કરો છો. તમે પવનોને તમારા દૂત બનાવો છો અને તમારા સેવકો અગ્નિના ભડકા છે. તમે પૃથ્વીને તેના પાયા પર સ્થિર કરી છે જેથી તે ખસે નહિ.
”હે યહોવાહ, તમારાં કામ કેવાં તરેહતરેહનાં છે! તમે તે સર્વને બુદ્ધિપૂર્વક બનાવ્યાં છે; તમારી બનાવેલી વસ્તુઓથી પૃથ્વી ભરપૂર છે. જુઓ આ વિશાળ તથા ઊંડા સમુદ્રમાં, અસંખ્ય જીવજંતુઓ, નાનાંમોટાં જળચરો છે.
”યહોવાહનાં કાર્યો મહાન છે, જે બાબતો તેઓ ઇચ્છે છે તેની તેઓ આતુરતાપૂર્વક રાહ જુએ છે.
”તમે આકાશ અને પૃથ્વીના ઉત્પન્નકર્તા, યહોવાહના આશીર્વાદ પામ્યા છો. આકાશો યહોવાહનાં છે; પણ પૃથ્વી તેમણે માણસોને આપી છે.
”આ દિવસ યહોવાહે આપણને આપ્યો છે; તેમાં આપણે આનંદોત્સવ કરીએ.
”જે યહોવાહે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યાં છે, તેમની તરફથી મને સહાય મળે છે.
”આકાશ અને પૃથ્વીના સર્જનહાર, યહોવાહ અમારા મદદગાર છે.
”આકાશમાં તથા પૃથ્વી પર, સમુદ્રોમાં અને સર્વ મહાસાગરના ઊંડાણોમાં યહોવાહને જે જે સારું લાગ્યું, તે સર્વ તેમણે કર્યું છે.
”જેમણે પોતાના ડહાપણ વડે આકાશો ઉત્પન્ન કર્યાં છે; તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. જેમણે પાણી પર ભૂમિને વિસ્તારી છે, તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. મહાન જ્યોતિઓના બનાવનારની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. દિવસ પર અમલ ચલાવવા જેમણે સૂર્ય બનાવ્યો છે, તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. રાત પર અમલ ચલાવવાં જેમણે ચંદ્ર અને તારા બનાવ્યા છે, તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
”તમે મારું અંતઃકરણ ઘડ્યું છે; મારી માતાના ઉદરમાં તમે મારી રચના કરી છે. હું તમારો આભાર માનીશ, કેમ કે તમારાં કાર્યો અદ્દભુત અને આશ્ચર્યજનક છે. તમે મારા જીવન વિષે સઘળું જાણો છો.
”યહોવાહે પૃથ્વી તથા આકાશ, સમુદ્ર તથા તેમાંના સર્વસ્વનું સર્જન કર્યું છે; તે સદા સત્ય પાળનાર છે.
”તે તારાઓની ગણતરી કરે છે; તે તેઓને નામ આપીને બોલાવે છે.
”યહોવાહે પૃથ્વીને ડહાપણથી અને આકાશોને સમજશક્તિથી ભરીને સ્થાપન કર્યા છે.
”યહોવાહે સૃષ્ટિક્રમના આરંભમાં, આદિકૃત્યો અગાઉ મારું સર્જન કર્યુ. સદાકાળથી, આરંભથી, પૃથ્વીનું સર્જન થયા પહેલાં મને સ્થાપન કરવામાં આવ્યું હતું. જ્યારે કોઈ જળનિધિઓ ન હતા, જ્યારે પાણીથી ભરપૂર કોઈ ઝરણાંઓ ન હતાં ત્યારે મારો જન્મ થયો હતો. પર્વતોના પાયા નંખાયા તે અગાઉ, ડુંગરો સર્જાયા તે પૂર્વે મારો જન્મ થયો હતો. ત્યાં સુધી યહોવાહે પૃથ્વી અને ખેતરો પણ સૃજ્યાં નહોતાં. અરે! ધૂળ પણ સૃજી નહોતી ત્યારે મારું અસ્તિત્વ હતું. જ્યારે તેમણે આકાશની સ્થાપના કરી, અને સાગર ઉપર ક્ષિતિજની ગોઠવણી કરી ત્યારે મારું અસ્તિત્વ હતું. જ્યારે તેમણે ઊંચે અંતરિક્ષને સ્થિર કર્યુ; અને જળનીધિના ઝરણાં વહાવ્યા. જ્યારે તેમણે સાગરની હદ નિયુક્ત કરી અને તેની મર્યાદાનું ઉલ્લંધન કરવાની તેમણે મના ફરમાવી. અને જ્યારે તેમણે પૃથ્વીના પાયા નાખ્યા. ત્યારે કુશળ કારીગર તરીકે હું તેમની સાથે હતું; અને હું દિનપ્રતિદિન તેમને આનંદ આપતું હતું; અને સદા હું તેમની સમક્ષ હર્ષ કરતું હતું. તેમની વસતિવાળી પૃથ્વી પર હું હર્ષ પામતું હતું, અને માણસોની સંગતમાં મને આનંદ મળતો હતો.
”કાન કે જે સાંભળે છે અને આંખ કે જે જોઈ શકે છે તે બન્નેને યહોવાહે બનાવ્યાં છે.
”તેઓ એકબીજાને પોકારીને કહેતા, "પવિત્ર, પવિત્ર, પવિત્ર છે સૈન્યોના યહોવાહ! આખી પૃથ્વી તેમના ગૌરવથી ભરપૂર છે."
”મારા આખા પવિત્ર પર્વતમાં કોઈ પણ હાનિ કે વિનાશ કરશે નહિ; કેમ કે જેમ સમુદ્ર જળથી ભરપૂર છે, તેમ આખી પૃથ્વી યહોવાહના જ્ઞાનથી ભરપૂર થશે.
”તમે વસ્તુઓને ઊંધી સીધી કરો છો! શું કુંભાર માટીની બરાબર ગણાય, એવી રીતે કે, કૃત્યો પોતાના કર્તા વિષે કહે, "તેણે મને બનાવ્યો નથી," અથવા જે વસ્તુની રચના થયેલી છે તે પોતાના રચનારને કહેશે કે, "તે મને સમજી શકતો નથી?"
”હે સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર, કરુબો પર બિરાજમાન, પૃથ્વીનાં સર્વ રાજ્યોના તમે જ એકલા ઈશ્વર છો; તમે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યાં છે.
”કોણે પોતાના ખોબાથી સમુદ્રનાં પાણી માપ્યાં છે, વેંતથી આકાશ કોણે માપ્યું છે, કોણે ટોપલીમાં પૃથ્વીની ધૂળને સમાવી છે, કાંટાથી પર્વતોને તથા ત્રાજવાથી પહાડોને કોણે જોખ્યા છે?
”શું તમે નથી જાણતા? તમે નથી સાંભળ્યું? આરંભથી તમને ખબર મળી નથી? પૃથ્વીનો પાયો નંખાયો ત્યારથી તમે સમજતા નથી? પ્રભુ તો પૃથ્વી ઉપરના આકાશમંડળ પર બિરાજનાર છે અને એમની નજરમાં તેના રહેવાસીઓ તીડ સમાન છે! તે પડદાની જેમ આકાશોને પ્રસારે છે અને રહેવા માટેના તંબુની જેમ તેઓને તાણે છે.
”તમારી દૃષ્ટિ આકાશ તરફ ઊંચી કરો! આકાશના આ સર્વ તારા કોણે ઉત્પન્ન કર્યા છે? તે મહા સમર્થ અને બળવાન હોવાથી પોતાના પરાક્રમના માહાત્મ્યથી તેઓને સંખ્યાબંધ બહાર કાઢી લાવે છે અને તે સર્વને નામ લઈને બોલાવે છે, એકે રહી જતો નથી.
”તે શું નથી જાણ્યું? તે શું નથી સાંભળ્યું? યહોવાહ તે સનાતન ઈશ્વર છે, પૃથ્વીના છેડા સુધી ઉત્પન્ન કરનાર તે છે, તે કદી નિર્બળ થતા નથી કે થાકતા નથી; તેમની સમજણની કોઈ સીમા નથી.
”આ ઈશ્વર યહોવાહ, આકાશોને ઉત્પન્ન કરનાર અને તેઓને પ્રસારનાર, પૃથ્વી તથા તેમાંથી જે નીપજે છે તેને ફેલાવનાર; તે પરના લોકોને શ્વાસ આપનાર તથા જે જીવે છે તેઓને જીવન આપનારની આ વાણી છે.
”જે સર્વને મારા નામમાં બોલાવવામાં આવ્યા છે, જેઓને મેં મારા મહિમાને અર્થે ઉત્પન્ન કર્યા છે તેઓને લાવ; મેં તેઓને બનાવ્યા છે; હા મેં તેઓને પેદા કર્યા છે.
”તારો ઉદ્ધાર કરનાર યહોવાહ, ગર્ભસ્થાનથી તારો બનાવનાર એમ કહે છે: "હું યહોવાહ સર્વનો કર્તા છું; જે એકલા જ આકાશોને વિસ્તારે છે, પોતાની જાતે પૃથ્વીને વિસ્તારે છે.
”ઇઝરાયલના પવિત્ર, તેને બનાવનાર યહોવાહ કહે છે: 'જે બિનાઓ બનવાની છે તે વિષે, તમે શું મને મારાં બાળકો વિષે પ્રશ્ન કરશો? શું મારા હાથનાં કાર્યો વિષે તમે મને કહેશો કે મારે શું કરવું?' 'મેં પૃથ્વીને બનાવી અને તે પર મનુષ્યને બનાવ્યો. તે મારા જ હાથો હતા જેણે આકાશોને પ્રસાર્યાં અને મેં સર્વ તારાઓ દ્રશ્યમાન થાય તેવી આજ્ઞા આપી.
”જેણે આકાશો ઉત્પન્ન કર્યાં, સાચા ઈશ્વર, યહોવાહ એવું કહે છે, તેમણે આ પૃથ્વી ઉત્પન્ન કરી અને બનાવી, એને સ્થાપન કરી. તેમણે તે ખાલી રાખવા માટે નહિ પણ વસ્તી માટે ઉત્પન્ન કરી છે: હું યહોવાહ છું અને મારી બરોબરી કરનાર કોઈ નથી.
”હે યાકૂબ અને મારા બોલાવેલા ઇઝરાયલ, મારું સાંભળો: હું તે જ છું; હું જ પ્રથમ, હું જ છેલ્લો છું. હા, મારે હાથે પૃથ્વીનો પાયો નાખ્યો અને મારે જમણે હાથે આકાશોને પ્રસાર્યાં; જ્યારે હું તેઓને બોલાવું છું ત્યારે તેઓ એકસાથે ઊભા થાય છે.
”તું કેમ તારા કર્તા યહોવાહને ભૂલી ગયો, તેમણે આકાશો પ્રસાર્યાં છે અને પૃથ્વીનો પાયો નાખ્યો છે? જુલમગાર વિનાશ કરવાને તૈયારી કરે છે ત્યારે તું આખો દિવસ તેના ક્રોધને લીધે બીએ છે. જુલમીનો ક્રોધ ક્યાં છે?
”અને છતાં, હે યહોવાહ, તમે અમારા પિતા છો; અમે માટી છીએ. તમે અમારા કુંભાર છો; અને અમે સર્વ તમારા હાથની કૃતિ છીએ.
”યહોવાહ એવું કહે છે: "આકાશ મારું સિંહાસન છે અને પૃથ્વી મારું પાયાસન છે. તો મારે માટે તમે ક્યાં ઘર બાંધશો? જ્યાં હું નિવાસ કરી શકું તે સ્થાન ક્યાં છે? મારા જ હાથે આ સર્વ બનાવેલું છે; એવી રીતે તેઓ અસ્તિત્વમાં આવ્યા" એમ યહોવાહ કહે છે. "જે ભંગિત અને આત્મામાં શોક કરે છે અને મારા વચનને લીધે ધ્રૂજે છે, તેવા માણસ તરફ હું મારી દૃષ્ટિ રાખીશ.
”પરંતુ યહોવાહ સત્ય ઈશ્વર છે, તે જ જીવંત ઈશ્વર તથા સનાતન રાજા છે. તેમના રોષથી ધરતી ધ્રૂજી ઊઠે છે. અને તેમનો ક્રોધ વિદેશીઓ ખમી શકતા નથી. તેઓને કહો કે, જે દેવોએ આકાશ તથા પૃથ્વી બનાવ્યાં નથી તેઓ પૃથ્વી પરથી તથા આકાશ તળેથી નાશ પામશે.' ઈશ્વરે પોતાના સામર્થ્યથી પૃથ્વીને ઉત્પન્ન કરી છે, પોતાના ડહાપણથી પૃથ્વીને સ્થાપી છે અને પોતાના કૌશલ્યથી આકાશને વિસ્તાર્યું છે.
”'મેં મારા મહાન સામર્થ્ય અને શક્તિથી પૃથ્વી અને તેના પર વસતાં માણસો અને પશુઓને ઉત્પન્ન કર્યાં છે અને હું ચાહું તેને તે આપી શકું છું.
”હે પ્રભુ યહોવાહ, જુઓ, તમે એકલાએ જ તમારી પ્રચંડ શક્તિથી અને લાંબા કરેલા ભુજથી આકાશ અને પૃથ્વી સર્જ્યા છે. તમારે માટે કશું અશકય નથી.
”યહોવાહે પોતાની શક્તિ અને બુદ્ધિથી પૃથ્વીનું સર્જન કર્યું છે, પોતાના ડહાપણથી તેને સ્થિર કરીને સ્થાપી છે અને પોતાના કૌશલથી આકાશને વિસ્તાર્યું છે.
”જે ઈશ્વરે કૃતિકા અને મૃગશીર્ષ નક્ષત્રો બનાવ્યાં; તે ગાઢ અંધકારને પ્રભાતમાં ફેરવી નાખે છે; અને દિવસને રાત વડે અંધકારમય કરી નાખે છે; જે સાગરના જળને હાંક મારે છે; તેમનું નામ યહોવાહ છે!
”જે આકાશોમાં પોતાનું ઘર બાંધે છે અને પૃથ્વી ઉપર પોતાનો મુગટ સ્થાપે છે, જે સમુદ્રના પાણીને બોલાવીને તેને પૃથ્વીના પડ ઉપર રેડી દે છે, તેમનું નામ યહોવાહ છે.
”યૂનાએ તેઓને કહ્યું, "હું એક હિબ્રુ છું; સાગરો અને ભૂમિના સર્જક ઈશ્વર પ્રભુનો ડર રાખું છું."
”કેમ કે જેમ સમુદ્ર પાણીથી ભરેલો છે તેમ દેશ યહોવાહના ગૌરવના જ્ઞાનથી ભરાઈ જશે.
”ઇઝરાયલ વિષે યહોવાહનો બોજ, આકાશોને વિસ્તારનાર, પૃથ્વીનો પાયો નાખનાર તથા મનુષ્યોના અંતર આત્માના સર્જનહાર યહોવાહ કહે છે:
”પણ ઉત્પત્તિના આરંભથી ઈશ્વરે તેઓને એક પુરુષ તથા એક સ્ત્રી બનાવ્યાં.
”જે અનોશનો, જે શેથનો, જે આદમનો, જે ઈશ્વરનો દીકરો હતો.
”પ્રારંભમાં શબ્દ હતા. તે ઈશ્વરની સાથે હતા. તે (ઈસુ) ઈશ્વર હતા. તે જ પ્રારંભમાં ઈશ્વરની સાથે હતા. તેમણે સઘળું ઉત્પન્ન કર્યું; એટલે જે કંઈ ઉત્પન્ન થયું તે તેમના વિના થયું નહિ.
”તેઓ દુનિયામાં હતા અને દુનિયાને તેમણે ઉત્પન્ન કરી હતી અને મનુષ્યોએ તેમને ઓળખ્યા નહિ.
”જયારે જમણનાં કારભારીએ પાણીનો બનેલો દ્રાક્ષારસ ચાખ્યો, પણ તે ક્યાંથી આવ્યો એ તે જાણતો ન હતો (પણ જે ચાકરોએ પાણી ભર્યું હતું તેઓ જાણતા હતા), ત્યારે જમણનાં કારભારીએ વરને બોલાવીને, કહ્યું, 'દરેક માણસ પહેલાં ઉત્તમ દ્રાક્ષારસ પીરસે છે; અને માણસોએ તે સારી રીતે પીધા પછી સામાન્ય દ્રાક્ષારસ પીરસે છે. પણ તમે અત્યાર સુધી ઉત્તમ દ્રાક્ષારસ રાખી મૂક્યો છે.'
”'સ્વર્ગ મારું રાજ્યાસન, તથા પૃથ્વી મારું પાયાસન છે; તો તમે મારે સારુ કેવું નિવાસસ્થાન બાંધશો? એમ ઈશ્વર કહે છે અથવા મારું નિવાસસ્થાન કયું હોય?
”'સદ્દગૃહસ્થો તમે એ કામ કેમ કરો છો? અમે પણ તમારા જેવા માણસ છીએ, આ વ્યર્થ વાતો મૂકીને આકાશ, પૃથ્વી તથા સમુદ્ર અને તેઓમાંનાં સર્વને ઉત્પન્ન કરનાર તમે છો, કે જે જીવતા ઈશ્વર છે તેમની તરફ તમે ફરો, માટે અમે તમને સુવાર્તા પ્રગટ કરીએ છીએ.
”જે ઈશ્વરે સૃષ્ટિ તથા તેમાંનું સઘળું ઉત્પન્ન કર્યું, તે આકાશ તથા પૃથ્વીના પ્રભુ હોવાથી હાથે બાંધેલા ભક્તિસ્થાન રહેતાં નથી. અને જાણે તેમને કશાની ગરજ હોય એમ માણસોના હાથની સેવા તેમને જોઈએ છે એવું નહિ, કેમ કે જીવન, શ્વાસોચ્છવાસ તથા સર્વ વસ્તુ તે પોતે સર્વને આપે છે. તેમણે માણસોની સર્વ દેશજાતિઓને આખી પૃથ્વીના પૃષ્ઠ પર રહેવા સારુ એકમાંથી ઉત્પન્ન કરી, તેણે તેઓને સારુ નીમેલા સમય તથા તેઓના નિવાસની સીમાઓ ઠરાવી આપી. એ માટે કે તેઓ ઈશ્વરને શોધે, કે કદાપિ તેઓ તેમને માટે શોધીને તેમને પામે; પરંતુ ઈશ્વર આપણામાંના કોઈથી દુર નથી. કેમ કે આપણે તેમનાંમાં જીવીએ છીએ, હાલીએ છીએ, હોઈએ છીએ, જેમ તમારા પોતાના જ કવિઓમાંના કેટલાકે કહ્યું છે કે, 'આપણે પણ તેમના વંશજો છીએ.'
”તેમની અદ્રશ્ય બાબતો, એટલે તેમનું અનંતકાળિક સામર્થ્ય અને ઈશ્વરીય સ્વભાવ સૃષ્ટિની ઉત્પત્તિના સમયથી સૃજેલી વસ્તુઓ ધ્યાનમાં લેવાથી સ્પષ્ટ જણાય છે. તેથી તેઓ બહાના વગરનાં છે.
”જે ઈશ્વર મૃત્યુ પામેલાઓને સજીવન કરનાર છે અને જે બાબતો નથી તે જાણે કે હોય એવું પ્રગટ કરે છે અને જેમનાં પર ઇબ્રાહિમે વિશ્વાસ કર્યો, તેમની આગળ તે આપણા બધાનો પૂર્વજ છે, (જેમ લખ્યું છે કે, 'મેં તને ઘણી દેશજાતિઓનો પૂર્વજ બનાવ્યો છે તેમ').
”તે માટે જેમ એક મનુષ્યથી દુનિયામાં પાપ આવ્યું અને પાપથી મૃત્યુ આવ્યું; કેમ કે બધાએ પાપ કર્યું હોવાથી બધા મનુષ્યોમાં મૃત્યુનો સંચાર થયો.
”કેમ કે સૃષ્ટિની ઉત્કંઠા ઈશ્વરનાં દીકરાઓના પ્રગટ થવાની રાહ જોયા કરે છે. કારણ કે સૃષ્ટિ પોતાની ઇચ્છાથી નહિ, પણ સ્વાધીન કરનારની ઇચ્છાથી વ્યર્થપણાને સ્વાધીન થઈ; અને તે એવી આશાથી સ્વાધીન થઈ કે સૃષ્ટિ પોતે પણ નાશના દાસત્વમાંથી મુક્ત થઈને ઈશ્વરના દીકરાના મહિમાની સાથે રહેલી મુક્તિ પામે. કેમ કે આપણે જાણીએ છીએ કે અત્યાર સુધી આખી સૃષ્ટિ તમામ નિસાસા નાખીને પ્રસૂતિની વેદનાથી કષ્ટાય છે.
”કેમ કે તેમનાંમાંથી તથા તેમના વડે, તથા તેમને અર્થે, બધું છે. તેમને સર્વકાળ મહિમા હો. આમીન.
”તોપણ આપણા તો એક જ ઈશ્વર એટલે પિતા છે, જેમનાંથી સર્વ સર્જાયું છે; અને આપણે તેમને અર્થે છીએ; એક જ પ્રભુ એટલે ઈસુ ખ્રિસ્ત છે, જેમને આશરે સર્વ છે અને આપણે પણ તેમને આશ્રયે છીએ.
”પણ ઈશ્વર પોતાની ઇચ્છા પ્રમાણે તેને શરીર આપે છે, અને પ્રત્યેક દાણાને પોતાનું શરીર આપે છે. સર્વ દેહ એક જ જાતનાં નથી; પણ માણસોનો દેહ જુદો છે, પશુઓનો જુદો અને માછલાંઓનો જુદો તેમ જ પક્ષીઓનો દેહ પણ જુદો છે.
”લખ્યું છે કે, 'પહેલો માણસ આદમ સજીવ જીવંત પ્રાણી થયો, છેલ્લો આદમ જીવનદાયક આત્મા થયો. આત્મિક પહેલું હોતું નથી, ભૌતિક પહેલું પછી આત્મિક. પહેલો માણસ પૃથ્વીની માટીનો બનેલો હતો, બીજો માણસ સ્વર્ગથી આવનાર પ્રભુ છે. જે માટીનો છે તેવા જ જેઓ માટીના છે તેઓ પણ છે; અને જે સ્વર્ગીય છે તે જેવો છે તેવા જ જેઓ સ્વર્ગીય છે તેઓ પણ છે.
”કેમ કે જે ઈશ્વરે જેમણે અંધારામાંથી અજવાળાને પ્રકાશવા ફરમાવ્યું; તે મુજબ ઈસુ ખ્રિસ્તનાં ચહેરા પરનો ઈશ્વરના મહિમાના જ્ઞાનનો પ્રકાશ આપણા હૃદયોમાં પાડે.
”અને ઈશ્વર જેમણે સર્વનું સર્જન કર્યું છે, તેમનાંમાં આરંભથી ગુપ્ત રહેલા મર્મનો વહીવટ શો છે તે હું સર્વને જણાવું.
”તે અદ્રશ્ય ઈશ્વરની પ્રતિમા, સર્વ સૃષ્ટિના પ્રથમજનિત છે; કેમ કે તેમનાંથી બધાં ઉત્પન્ન થયાં, જે આકાશમાં તથા પૃથ્વી પર છે, જે દૃશ્ય તથા અદ્રશ્ય છે, રાજ્યાસનો, રાજ્યો, અધિપતિઓ કે અધિકારીઓ સર્વ તેમની મારફતે તથા તેમને માટે ઉત્પન્ન થયાં; તેઓ સર્વ બાબતોમાં પહેલાં છે; અને તેમનાંમાં સર્વ બાબતો વ્યવસ્થિત થઈને રહે છે.
”તે આ છેલ્લાં સમયમાં પુત્ર કે, જેમને તેમણે સર્વના વારસ ઠરાવ્યાં અને વળી જેમનાં વડે તેમણે વિશ્વ પરના લોકોને ઉત્પન્ન કર્યા, તેમના દ્વારા આપણી સાથે બોલ્યા છે. તેઓ ઈશ્વરના મહિમાનું તેજ તથા તેમના વ્યક્તિત્વની આબેહૂબ પ્રતિમા છે, પોતાના પરાક્રમના શબ્દથી તેઓ સર્વને નિભાવી રાખે છે; તેઓ આપણા પાપનું પ્રાયશ્ચિત કરી, આપણને શુદ્ધ કરી, મહાન પિતાની જમણી તરફ ઉચ્ચસ્થાને બિરાજેલા છે.
”વળી, ઓ પ્રભુ, તમે આરંભમાં પૃથ્વીનો પાયો નાખ્યો, અને આકાશો તમારા હાથની કૃતિ છે.
”કેમ કે દરેક ઘર કોઈએ બાંધ્યું છે, પણ સમગ્ર સૃષ્ટિના સર્જનહાર તો ઈશ્વર જ છે.
”વિશ્વાસથી આપણે જાણીએ છીએ કે, 'ઈશ્વરના શબ્દથી સમગ્ર વિશ્વ ઉત્પન્ન થયું છે અને જે દ્રશ્ય છે, તે અદ્રશ્ય વસ્તુઓથી ઉત્પન્ન થયાં નથી.
”પ્રથમ એમ જાણો કે છેલ્લાં દિવસોમાં મશ્કરીખોરો આવશે, જેઓ પોતાની દુર્વાસના પ્રમાણે ચાલશે. અને કહેશે કે, 'તેમના (ઈસુના) આગમનનું આશાવચન ક્યાં છે? કેમ કે પૂર્વજો ઊંધી ગયા ત્યારથી ઉત્પત્તિના આરંભમાં સઘળું જેવું હતું તેવું જ રહ્યું છે.' કેમ કે તેઓ જાણીજોઈને આ ભૂલી જાય છે કે ઈશ્વરની આજ્ઞાથી આકાશો અગાઉથી હતાં અને પૃથ્વી પાણીથી તથા પાણીમાં બાંધેલી હતી. તેથી તે સમયની દુનિયા પાણીમાં ડૂબીને નાશ પામી. પણ હમણાંનાં આકાશ તથા પૃથ્વી તે જ શબ્દથી ન્યાયકાળ તથા અધર્મી માણસોના નાશના દિવસ સુધી રાખી મૂકેલાં છતાં બાળવાને માટે તૈયાર રાખેલાં છે. પણ વહાલાં ભાઈ-બહેનો, આ એક વાત તમે ભૂલશો નહિ કે પ્રભુની દ્રષ્ટિએ એક દિવસ હજાર વર્ષોના જેવો અને હજાર વર્ષો એક દિવસના જેવા છે.
”'ઓ અમારા પ્રભુ તથા ઈશ્વર, મહિમા, માન તથા સામર્થ્ય પામવાને તમે જ યોગ્ય છો; કેમ કે તમે સર્વને ઉત્પન્ન કર્યા, અને તમારી ઇચ્છાથી તેઓ અસ્તિત્વમાં આવ્યા અને ઉત્પન્ન થયાં.'
”અને જેઓ સદાસર્વકાળ જીવંત છે, જેમણે આકાશ તથા તેમાં, પૃથ્વી તથા તેમાં અને સમુદ્ર તથા તેમાં જે કંઈ છે તે બધું ઉત્પન્ન કર્યું તેમના સમ ખાઈને તેણે કહ્યું કે, 'હવે વિલંબ થશે નહિ;
”પછી મેં બીજા એક સ્વર્ગદૂતને અંતરિક્ષમાં ઊડતો જોયો, પૃથ્વી પર રહેનારાંઓમાં, એટલે સર્વ દેશ, કુળ, ભાષા તથા પ્રજામાં પ્રગટ કરવાને, તેની પાસે અનંતકાળિક સુવાર્તા હતી; તે મોટે અવાજે કહે છે કે, 'ઈશ્વરથી ડરો અને તેમને મહિમા આપો, કેમ કે તેમના ન્યાયકરણનો સમય આવ્યો છે, જેમણે આકાશ, પૃથ્વી, સમુદ્ર તથા પાણીના ઝરાઓને ઉત્પન્ન કર્યા, તેમની આરાધના કરો.'
”